tari chhayama maropadchhayo - 1 books and stories free download online pdf in Gujarati

તારી છાયામાં મારો પડછાયો. - 1

"તારી છાયામાં મારો પડછાયો"-ભાગ૧(13/6/20)
-@nugami
ધોધમાર વરસાદ માં રાહી ભીંજાતી ભીંજાતી રસ્તાં માં ચાલી આવતી હતી, વીજળીના ગડગડાટ અને પવનના સુસવાટા એના મુખારવિંદ ને ચમક આપતાં હતાં.
ઘાટ ગુલાબી સાડી માં જાણે લાગે અપ્સરા!!!
માથા પર નો અંબોડો એના પર જવાબદારીના ભારનું પ્રતીક લાગતું હતું.
મનમાં ઘણી ચિંતાઓ વ્યથાઓ સાથે ઘર તરફ ધસી જતી હતી,ઘણી જવાબદારીઓ હતી ,જે એને પોતાનાથી દૂર લઈ જતી હતી.
પણ આ બધા વચ્ચે આ મેઘરાજા એ થોડા શ્વાસની સગવડ કરી આપી !!
કુદરતના આ અલૌકિક વાતાવરણ થી તે મંત્ર મુગ્ધ બની ગઈ,વરસાદની મજા માણતી ચાલી જતી હતી.
અચાનક મન માં વીજળી ચમકી અને એના પગરવ દોડવા લાગ્યા,
"સાંજના ૭ વાગી ગયાં, કેટલું બધું કામ છે,વિરલ ઓફિસ થી આવી ગયો હશે,અને મમ્મી ને દવા પણ આપવાનો સમય થઈ ગયો છે,ગૌરવી રમતી હશે એને ક્યાં ભણવાની ચિંતા છે!! અને કેયુર મારી રાહ જોતો હશે કે મમ્મીને કેમ મોડું થઈ ગયું??" આ મેઘ રાજા પણ ખરા છે,વ્યસ્ત જીવનમાંથી પોતાની જાત માટે થોડું જીવવાનું શીખવી જ જાય છે,
આમ, વિચારતી વિચારતી ઘર નો દરવાજો ખટખટાવી ને બૂમ પાડે છે.......

"તારી છાયામાં મારો પડછાયો"-ભાગ-૨(૧૯/૬/૨૦૨૦)
-@nugami
........વિરલ દરવાજો ખોલતાની સાથે જ "ક્યાં રહી ગઈ 'તી તું? ખૂબ જ ભૂખ લાગી છે,જલ્દી જમવાનું બનાવ."
પગરખાં ખાનામાં ચપ્પલ મૂકતાં મૂકતાં રાહી બોલી,"હા હા બનાવું છું,ઘણાં વર્ષો પછી હોસ્ટેલમાં સાથે ભણતી સ્નેહા મળી ગઇ'તી,તો હોસ્ટેલમાં જે મજા કરેલી એ બધું યાદ કર્યું બંને મળીને ,અને સાથે બેસી વડાપાવ ખાધું,એમાં સહેજ મોડું થઈ ગયું".
સામેથી કોઈ જવાબ ના મળ્યો,ખબર નહિ કોઈ ને એની વાત માં રસ હતો કે નહિ!!!
પણ હા, એના આવવાથી ઘરને જરૂર હાશ થઇ, કારણકે ઘરનો હાશકારો એક સ્ત્રી છે.
બાથરૂમ માં જઈ હાથ પગ મોં ધોઈને રસોડા તરફ ધસી આવી,અને ફટાફટ દરેકનું મનગમતું જમવાનું બનાવી લીધું,બધા જમી ને પોતપોતાના કામે લાગ્યાં.
વિરલ ઓફિસનું થોડું બાકી રહેલું કામ કરવા બેઠો,
કેયુર બા ના પગ ને માલીશ કરી આપી હોલમાં આવી ને લેશન કરવા બેઠો.
અને રાહી બા ને દવા આપીને,
ગાૈરવી ને હાલરડું ગાઈને પારણામાં સુવડાવત્તી હતી..
રાતનાં દસ વાગ્યા હતાં,ઘરમાં બધા જ નીંદર કરતાં હતાં,
રાહી કેયુર પાસે આવી,તે હજી પણ સૂતો ન્હોતો.
રાહી ને જોઈ ને કેયુર બોલ્યો ,"મા,આજે હું ખુબજ થાકી ગયો છું,આ ભણવાનું ક્યારે પૂરું થશે??? અને હું તને ક્યારે કામમાં મદદ કરીશ? મા,આજે મને તારા ખોળા માં માથું રાખી સૂવું છે, સુવા દઈશ??"
રાહી બોલી,"અરે બેટા,તારા માટે હંમેશા મારો ખોળો ને પાલવ હાજર જ છે, પણ બેટા! તને થાક કેમ લાગે છે? તારી ઉંમર હજી થાકવાની નથી દીકરા. હજી તો તારે ઘણું ભણવાનું છે,કમાવાનું છે,મોટા મોભાદાર માણસ બનવાનું છે!!! "
કેયુર બોલ્યો,"હા મા,મને ખબર છે,આ બધા વચ્ચે મારે તારું ઋણ પણ ચૂકવવાનું છે, તારા લીધે હું આજે અહીં છું મા."
"મા,એક વાત કહું,તને થાક નથી લાગતો? આખો દિવસ તું અમારી પાછળ દોટ મૂકે છે,તારું પણ ધ્યાન થોડું રાખતી જા,મા"
રાહી બોલી,"હા,હવે મારા ચાર્લી, મને ખબર છે ,તું નાહકની ચિંતાઓ ના કર,સૂઈ જા તું,
તને હાલરડું સંભળાવું".
માનો ખોળો એટલે પ્રેમની યુનિવર્સિટી,
ખોળામાં માથું રાખી હાલરડું સાંભળતા સાંભળતા કેયુર સૂઈ ગયો,
અને દીવાલના ટેકે બેઠેલી રાહી ઊંડા વિચારોમાં ગરકાવ થઈ ગઈ,તેની આંખો કેયુર ના માથા પર હાથ ફેરવતા ફેરવતા ભરાઈ આવી,
રાહી વિચારો ને વિચારોમાં તેના ભૂતકાળ તરફ ધસી ગઈ,
જે ખુબજ અંધકારમય હતો......

"તારી છાયામાં મારો પડછાયો" - ભાગ -૩(26/6/2020)
-@nugami
.....ઘોર અંધારું હતું,રાતના ૨ વાગ્યા હતાં. સરલાબેનને હોસ્પિટલ લઈ ગયાં,રાહી ચિંતા માં હતી. એને ચિંતા હતી કે મમ્મી ને કશું થઈ તો નહિ જાય ને?? રાહી ના મમ્મીને સ્કિન કેન્સર હતું. કોઈ જ કામ કરવાની ડોક્ટરે ના કહી હતી,છતાંય એ કોલસાની ખાણમાં મજૂરી કરવા જતાં, તે ઘર નો માત્ર આધાર હતાં, રાહી ના પિતા રાહી ના બાળપણમાં જ આ ફાની દુનિયા મૂકી દીધી હતી.રાહી તો ઠીક થી ઓળખતી પણ નહોતી થઈ, જ્યારથી સમજણ આવી ત્યારથી એની મમ્મી ને જ પોતાની દુનિયા માનતી હતી.એનું બાળપણ લાડકોડમાં નહિ પણ મ્હેણાં ટોણાં માં જ વીત્યું હતું.
ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હતાં, રાહી ના પગ નીચે ની જમીન ખસી ગઈ,એના પર દુઃખનું આભ તુટી પડ્યું.
ડોક્ટરે રાહી ને કહ્યું,"રાહી,તારા મમ્મી ના શ્વાસ થોડા જ છે,જે સેવા કરવી હોય એ કરી લે,બેટા. ઈશ્વરને પ્રાર્થના કર".
રાહીના ગળા માં ડૂમો બાજી ગયો. જાણે શબ્દો ને વાચા નહોતી મળતી....
એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી,એને કોઈક ના આધાર ની, કોઈક ના ખભા ની જરૂર હતી,
એનો ટેકો ડગમગતા પગલાં ભરી રહ્યો હતો. એને કંઇ જ સુજતું નહતું. સફાળી ખુરશીમાંથી ઊભી થઈને મા પાસે રૂમ માં ગઈ. માને જોઈ ને એનાથી રેવાયું નહિ,અને એ મા ને ભેટી પડી,ને ચોધાર આંસુએ રડવા લાગી.
સરલાબેન ને પોતાની ખબર હતી કે એ હવે વધુ નથી , છતાંય હિંમત કરી ને રાહી ના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું,"બેટા,તારે પેલા ભણવાનું પૂરું કરવાનું છે ,અને હા ઘર માં કબાટ ઉપર એક ગલ્લો છે એમાં થોડા રૂપિયા છે,એકાદ અઠવાડિયું ચાલશે પણ પછી તારે કમાવું પણ પડશે બેટા,પણ ચિંતા ના કર મેં શેઠને વાત કરી છે એમને તું મળી લેજે ,એ તને સારી જગ્યા એ કામ અપાવશે.
કામની સાથે સાથે ભણવાનું ભૂલતી નહિ, બેટા.
આત્મનિર્ભર બનજે, અને ક્યારેય મન થી હારતી નહિ,દીકરા.
મને વિશ્વાસ છે તું કંઇક સારું કરી બતાવીશ,અને જેને પણ તારી જરૂર હશે એને તું નિસ્વાર્થ મદદ કરીશ.તું મારી બહાદુર લાડલી છે"એટલું કહી રાહી નો હાથ ચૂમ્યો,ને માથા પર વ્હાલ ફેરવ્યું.
રાહી કંઇક બોલે એ પહેલાં જ સરલાબેન એને અટૂલી મૂકી ઈશ્વરને વ્હાલા થઈ ગયાં.
રાહી ને આભ ધરતી એક થઈ ગયું,એના પગ ભાંગી ગયા, એણે મોટેથી ચીસ પાડી.જીવન જાણે સાવ સૂનકાર..........

"તારી છાયામાં મારો પડછાયો"- ભાગ-૪(૩/૭/૨૦૨૦)
-@nugami.
........આંખો માંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા, નિઃશબ્દ!!!
રાહી માંડમાંડ પોતાની જાત ને સંકેલવાનો પ્રયત્ન કરતી રહી. કુટુંબમાં દૂરના મોટા બાપા હતાં એમને બોલાવી ને એમની મદદ થી સરલાબેન ના શબની અંતિમ વિધિ કરી. રાહી ના મોં પર કોઈ જ નૂર નહોતું.એક અઠવાડિયું તો એને જીવવું પણ કપરું લાગ્યું હતું, જમતી પણ નહિ,અને પરાણે કોઈ એને જમાડતું પણ નહિ, મા જ બાળકના મોમાં પરાણે કોળિયો મૂકી શકે..પણ હવે એ જ નહોતી,એને ખુબજ દુઃખ હતું મા ની ગેરહાજરી નું!!
ઘર જાણે એને ખાવા દોડતું હોય....
ઘણાં દિવસ ના ઉજાગરા,પેટ નો ખાડો ખાલી,આ બધી બાબતો એ રાહી નું મોં પરનું તેજ છીનવી લીધું હતું.
અંધારા ઓરડા માં તે એક અઠવાડિયા સુધી પોતાની જાતને કેદ કરી લીધી હતી.
કહેવાય છે ને કે ઘણી વાર વધારે પડતી નકારાત્મકતા ગાઢ અને દ્રઢ સકારાત્મકતા ઉત્પન્ન કરી શકે છે.
એવું જ રાહી સાથે થયું,
અઠવાડિયા પછી એણે ઘરનો દરવાજો ખોલ્યો,સૂર્યનું તેજ એના આંખ પર આવતા જ એની આંખો અંજાઇ ગઈ,
બહારનું અજવાળું જોઈને મનથી મક્કમ બની ને એણે નક્કી કર્યું કે" જે વસ્તુ કે વ્યક્તિ મારી પાસે નથી એના પાછળ રોવાથી શું ફાયદો થશે?
મા એ હંમેશા બીજા ને મદદ કરવાની જ શિખામણ આપી છે,અને એ જ વાત ને હું મારા જીવનનું ધ્યેય બનાવીશ,એ હંમેશા કહેતી,
જે તમારા પાસે હશે એજ તમે બીજા ને વહેંચી શકશો,પછી ભલે ને એ સુખ હોય,દુઃખ હોય,હતાશા હોય,આશા હોય,આનંદ હોય,પસ્તાવો હોય.....!!!
જીવન એક વાર મળ્યું છે તો નાહકનું શાને વેડફું???
હું ભણીશ , આગળ વધીશ,અને જરૂરિયાતમંદોને મદદ કરીશ."એમ પોતાનાથી જ વાતો કરે છે અને ઈશ્વર નો પાડ માને છે.
રાહી ત્યારે ધોરણ ૧૧ આર્ટસ માં હતી,સરકારી સ્કૂલ હતી એટલે ફી ની કોઈ ચિંતા નહોતી,એ માત્ર પોતે એકલી જ હતી.હવે એને જ નક્કી કરવાનું રહ્યું કે એને કેવું જીવન જીવવું છે,ના કોઈ રોકવા વાળું હતું,ના કોઈ ટોકવા વાળું!!
એને સાથ હતો તો માત્ર એના મમ્મીએ આપેલા સંસ્કારોનો..
રાહી ખુબજ ચપળ,હોશિયાર,અને દેખાવે સુંદર હતી, એને પોતાના જીવનમાં દુઃખ સિવાય કંઈ જોયું જ નહોતું.
પણ હવે એના પાસે હારવા માટે કંઇ જ નહોતું,માટે બસ એને હવે જીતવું હતું,એને આ જીવન ને જીતવું હતું..........

તારી છાયામાં મારો પડછાયો- ભાગ-૫(૧૦/૦૭/૨૦૨૦)
-@nugami.
........ભૂતકાળને વિસારવો ખૂબ જ અઘરો હોય છે,અને રાહી માટે પણ એટલું જ અઘરું હતું,રાહી મન ની સાફ અને નિખાલસ હતી, એણે પોતાની જે પરિસ્થિતિ છે એમાં પોતાને ઢાળ આપવાનો પ્રયત્ન કરતી હતી.
એક દિવસ સ્કૂલ માંથી ઘરે આવી.જમવાનું બનાવી થોડું લેશન કરી ને આરામ કરવાનું વિચારતી હતી,ત્યાં ઘર નું બારણું ખખડયું. એને બારણે જોયું તો એની મમ્મી ના જે શેઠ હતા,એ આવ્યાં હતાં.
ખૂબ જ વ્યવસ્થિત વ્યક્તિ,ઉંમર માં ૬૦ પાર કર્યા હતાં,એટલે જીવન ના ઉતાર ચડાવ ના જાણીતા.
રાહી ના માથા પર હાથ ફેરવ્યો,અને કહ્યું,"બેટા,કોઈ પણ ચિંતા કર્યા વિના જ્યારે પણ જરૂર રહે, મને નિઃસંકોચ કહેજે,હું તારા નાના સમાન છું,તારા મમ્મી એ હંમેશા નીતિ થી જ કામ કર્યું છેઅને મને ખબર છે એ તારા લોહી માં છે,તને જો સમય હોય તો કાલ થી મારે ત્યાં કામે આવી જાજે,તું આ લે થોડા પૈસા!! રાખ કામ માં આવશે, તું ભણેલી છો તો હિસાબ કિતાબ નું કંઇક કામ આપીશ,સાચવજે બેટા."
એમ કહી ને ફરી વ્હાલભર્યો હાથ માથે મૂકી ને જતા રહ્યાં,
રાહી એમને નિહાળતી રહી.
વિચાર કરવા લાગી કે, મા તું હયાત નથી છતાં પણ તું તારી ગેરહાજરી મને સાલવા નથી દેતી!!
આંખ ભરાઈ આવી,એને લાગ્યું કે ચાલો કોઈક તો છે મને મદદ કરવા વાળું!!!
ખરેખર ઈશ્વર સગવડ કરી જ દે છે.
રાહી જમી ને થોડું લેશન કરી ને આરામ કર્યો.ઊંઘમાં જ સાંજે પાંચ વાગ્યા.મા હોય તો વ્હાલ કરી ઉઠાડે,પણ અહી તો કોઈ નહિ..!!
સફાળી ઊભી થઈ,અને જોયું તો ઘરમાં કોઈ નથી...હેબતાઈ ગઈ.
જ્યારે વ્યક્તિ એકલી હોય છે ત્યારે પોતાની પાસે કોઈ હોય એવી આશા રાખે છે,અને હજી તો રાહી કાચૂફૂલ હતી..એને તો જરૂર હતી આધારની.
સવારે ભણવા જતી અને બપોરે લેશન કરી ને આરામ કર્યા વગર શેઠ ને ત્યાં જતી કામે...!! ધીમે ધીમે નાનામોટા હિસાબો લખતા આવડી ગયા.
આ બધી મથામણ વચ્ચે હવે એ જીવવા લાગી હતી....
કહેવાય છે ને કે," સમય થી બળવાન કોઈ નથી,જે પરિસ્થિતિ આપણે ઠીક નથી કરી શકતા એ સમય કરી દે છે....!!"રાહી નું રોજીંદુ જીવન ચાલવા લાગ્યું.
દિવસો વિતતા ગયા,સમય આગળ વધતો ગયો,સાથે સાથે રાહી ની સમજણ પણ પરિપક્વ થઈ રહી હતી....

"તારી છાયામાં મારો પડછાયો"ભાગ-૬(૧૮/૭/૨૦૨૦)
-@nugami.
રાહી ની સુંદરતા દિવસે ને દિવસે પૂનમના ચંદ્રની જેમ વધતી જતી હતી. કાળા ભમ્મર કેશ,હોઠ પર નું ગુલાબી સ્મિત,અને આંખોમાં સ્વાભિમાન ની ચમક,ચહેરા પર જીવન ની હરેક પળ ને આનંદથી માણવાની ક્ષમતા...!!!
નાની ઉંમરમાં ખુબજ પરિપક્વતા એનામાં છલકાતી હતી.રાહી ૧૨મુ ધોરણ ઉત્તીર્ણ કરી બીજો અભ્યાસ હોસ્ટેલ માં રહી ને પૂરો કર્યો.રાહી એ કૉલેજ પૂરી કરી.
અને એના મમ્મીનાં જે શેઠ હતા,રવિન્દ્ર કાકા, એમણે રાહી ને પોતાની દીકરી ની જેમ મોટી કરી હતી,આજે એ સવારથી પોતાની ઓફિસ પર રાહી ના આવવાની રાહ જોતા હતા.
આજે રાહી હોસ્ટેલ માંથી અભ્યાસ પૂરો કરી ઘરે પાછી આવી.ઘરનો દરવાજો એણે ૩ વર્ષ પછી ખોલ્યો,બધી જ જગ્યા એ ધૂળ જામી ગઈ હતી,એ ધૂળ ને સાફ કરવા સાવરણી હાથ માં લીધી ,ત્યાં જ મા યાદ આવી અને ત્યાં જ એ બેસી ગઈ ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.ઘણાં સમય પછી એ મન મૂકી ને રડી.જરૂરી હતું રડવું.ક્યારેક ક્યારેક મન અને હૃદયનો ભાર ઓછો કરવા રડી લેવું જોઈએ.
મા અને તેના સાથે ના જોડાયેલા સ્મરણો ને જીવંત કર્યા.
પછી ફરી એક વાર સ્વસ્થ થઈ ને કામે લાગી.
હજી તો એને રવિન્દ્ર કાકા ને મળવા જવાનું હતું,એક નો એક આધાર હતા એના સુખ દુઃખ ના.!
ફટાફટ કામ પતાવી રવિન્દ્રકાકા ને ગમતી મીઠી સેવ બનાવી .ટિફિન લઈ ને રિક્ષા કરી ને ફટાફટ એ કાકા ને મળવા દોડી ગઈ.
કાકા આજે ખુશ હતાં,એ દીકરી માટે જે એમની કોઈ સગી નહોતી; એ દીકરી ,જેના માટે એ મૃત્યુ પામે તો કોઈ પાછળ રડવા વાળું નહોતું, એ દીકરી જેણે પોતાની મા પછી રવિન્દ્ર કાકા ને મા નું સ્થાન આપ્યું.
આજે પણ એ રવિન્દ્ર કાકા ને મા કહે છે. અને રવિન્દ્ર કાકા ને મા સાંભળી ને શેર લોહી ચડે છે.
કારણકે રવિન્દ્ર કાકા ને કોઈ સંતાન નહોતું. એકબીજાને પિતા પુત્રી જેવા પ્રેમાળ નિસ્વાર્થ સંબંધ માં ઈશ્વરે બાંધી નાખ્યા હતા.
રિક્ષા માંથી ઉતરી ને દોડતી એ રવિન્દ્ર કાકા પાસે આવી પહોંચીને મોટે થી બોલી,"મા......"રવિન્દ્ર કાકા નું હૈયું ભરાઈ આવ્યું,૩ વર્ષ પછી એ મીઠો રણકાર અને સુખ સમૃદ્ધિ થી ભરેલો શબ્દ "મા...!!" ....

"તારી છાયામાં મારો પડછાયો"-ભાગ -૭(૨૨/૭/૨૦૨૦)
-@nugami
.............."મા....મા....",કેયુર રાહીના ખોળામાંથી માથું ઉચકી ને બોલ્યો.
રાહી પોતાના વિચારોમાં એટલી ગરકાવ થઈ ગઈ હતી કે,એને ખબર જ નહોતી પડી કે, કેયુર એને બોલાવે છે.
થોડી સ્વસ્થ થઈને વિચારોમાંથી બહાર આવી ને કેયુરના મોં પર હાથ ફેરવ્યો અને બોલી," બેટા ,કેમ ઊંઘ ના આવી તને? ઉઠી કેમ ગયો?".
કેયુર બોલ્યો ,"મા,આખી રાત શું હું તને દીવાલના ટેકે જ બેસાડી રાખું? તને પણ આરામની જરૂર છે,તું જા મા,હવે સૂઈ જા ,રૂમમાં જઈને."
રાહી કેયુરને ચાદર ઓઢાડીને પોતે પોતાની રૂમમાં ગઈ.વિરલ ઊંઘ્યો હતો,રાતના ૩ વાગ્યા હતાં.
આજે ખબર નહિ પણ રાહીની આંખો એ જાણે ઉપવાસ કર્યા હોય- ના ઊંઘવાના !!
પથારીમાં એ પાસાં ફેરવતી જ રહી અને ફરી એક વાર વિચારોમાં ગરકાવ થઈ ગઈ..
ન જાણે કેમ એ પોતાના જીવન ની સુંદર પળો ને ફરી વાગોળવા માંગતી હતી.
રવિન્દ્ર કાકા રાહીને જોઇને ગદગદ થઈ ગયા હતા.એમની આંખોમાં આંસુ આવી ગયા.
રવિન્દ્ર કાકા ને પગે લાગતાં રાહી બોલી,"મા,આમ આંખોને તકલીફ ના આપો આ ઉંમરમાં ! બિચારી પરાણે તો પોતાનું ગાડું ચલાવે છે એમાં પણ તમે આંસુના પુર લાવો છો !
મા,તમારી દીકરી આવી ગઈ છે હવે,તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.બધું હું સંભાળી લઈશ ,બસ તમારે મને રોજ એક સારી વાર્તા કહેવાની. તમને ખબર જ છે ને મને મા દરરોજ થાકી ને આવતી છતાંય વાર્તા કહ્યા વગર સુવડાવતી નહિ. આપણે સમય બદલી નાખીએ રાતની જગ્યા એ સવારે વાર્તા સાંભળીશ. હવે હું તમને મૂકી ને ક્યાંય નહિ જાઉં."
આ ઉંમરમાં પણ રાહી ને બાળપણ જીવવું હતું.
કાકા રાહીને એકધારું જોઈ રહ્યા અને માથે હાથ ફેરવતાં બોલ્યાં," હા,દીકરા તને દરરોજ વાર્તા સંભળાવીશ, તું મારી લાડકી દીકરી છે. તારું હસતું મુખ જોઈ ને આજે મને લાગે છે કે હું સૌથી સુખી અને સમૃદ્ધ માણસ છું. બસ આવી જ રીતે હસતી રહેજે દીકરા."
રાહી બોલી,"હા, મા તમે મારી સાથે છો બીજુ મારે શું જોઈએ. કપરા કાળ માં તમે જ મને છાંયો દીધો છે".
રવિન્દ્ર કાકા બોલ્યા ,"અરે, પછી વાતો કરીશું .તારી રાહ જોવા માં જ હું તને કહેવાનું ભૂલી ગયો,તું જા જલ્દી જા સ્ટેશન પર."
રાહી,"પણ કેમ સ્ટેશન પર? શું થયું?"
રવિન્દ્ર કાકા," કાંઈ નહિ ,મારા ભાઈ નો દીકરો કાર્તિક આવે છે ઘણાં સમય પછી અહીં આવે છે તો એને લેવા જા,અને આ લે સ્કૂટર ની ચાવી.જા જલ્દી લઈ આવ"
રાહી બોલી,"પણ હું એને ઓળખીશ કેવી રીતે?"
રવિન્દ્ર કાકા,"અરે ,એની ચિંતા ના કર.એ મારા સ્કૂટર ને ઓળખે છે,એના પરથી તને ઓળખી જશે."
રાહી,"ભલે, મા લઇ આવું છું ."
સ્કૂટર ચાલુ કરી ને રાહી નીકળી. પહોંચી ને બસ સ્ટેશન ની બહાર રાહ જોતી ઉભી રહી.
એ ઉભી હતી ત્યાં એની બાજુ માં જ એક છોકરો લગભગ ૯-૧૦ વર્ષ નો હશે,એ ફુગ્ગા લઈ ને ઉભો હતો.
હતો નાનો પણ મન થી મજબૂત અને અવાજ બુલંદ લાગતો હતો. એના ફુગ્ગા વેચાય એ માટે તે સુંદર મજાનું ગીત ગાતો હતો.
રાહીને સાંભળી ને મજા આવી .એ એકધારી છોકરા સામે જોઈ રહી,વિચારતી રહી કે, કેટલો નાનો છોકરો છે ! ભણવાની ઉંમરમાં ફુગ્ગા વહેંચે છે, કંઇક વિચાર્યું એણે અને એની પાસે ગઈ અને બોલી ,
"એ છોટુ તું શું કરે છે?તારે ભણવાનું નથી? તું ફુગ્ગા કેમ વહેંચે છે?"
છોકરો બોલકો હતો,એટલે એ બોલ્યો,"પહેલા તો એ કે,મારું નામ છોટુ નથી મારું નામ કેયુર છે,અને કેવો પ્રશ્ન પૂછો છો ? ફુગ્ગા કેમ વહેંચે છે એટલે? ખાવા તો જોઈએ ને અને એના માટે પૈસા જોઈએ અને એ કમાવા પડે માટે . ભણવાથી કંઇ પેટનો ખાડો તો પુરાશે નહિ."
રાહીની આંખ માં એ છોકરા ને બોલતા જોઈ ચમક આવી,
એણે કેયુર ને પૂછ્યું,"તારે ભણવું છે?"
કેયુર બોલ્યો,"હા,પણ મારી ઉંમર ભણવાની નથી હજી."
રાહી બોલી,"ઓહો,ચાર્લી હોંશિયાર છો તમે તો,આ ઉમર કમાવાની છે એમને?"
કેયુર બોલ્યો ,"હા,હોંશિયાર તો હું છું. હજી મારે હોટેલ માં પણ જવાનું છે કામ કરવા તમારી જેમ મને નવરાશ નથી ,હું આ ચાલ્યો."
રાહી બોલી ,"અરે ઉભો તો રે,ક્યાં જાય છે આ બધા ફુગ્ગા મને આપી દે હું લઈ લઉં છું."
કેયુર બોલ્યો ,"સારું લઈ લો અને આપો પૈસા પણ તમે આટલા બધા ફુગ્ગા નું કરશો શું?"
હું આ ફુગ્ગા મારી ઓફિસ માં લગાડીશ જેથી તું મને યાદ રહે."
કેયુર,"પણ આતો થોડા દિવસ રહેશે વધારે નહિ રહે".
રાહી બોલી,"ભલે ને ... કંઇ વાંધો નહિ." એક સુંદર સ્મિત સાથે બંને અલગ થયા.
આ બધું જ કાર્તિક જોઈ રહ્યો હતો.રાહી ની નિખાલસતા,રાહી નો બાળક પ્રત્યે પ્રેમ,એની ચંચળતા....! બધું જ એને એક જ નજર માં ગમી ગયું.
રાહી ને રાહ જોતા જોઈ કાર્તિક રાહી ની નજીક ગયો,અને પૂછ્યું," તમે રાહી છો ને?"
રાહી કાર્તિક ને જોઈ રહી, એણે કહ્યું," હા,તમે કાર્તિક?"
કાર્તિક બોલ્યો,"હા,રવિન્દ્ર કાકા નો ભત્રીજો".
રાહી બોલી,"હા, મને મા એ જ મોકલી છે, ચાલો જઈએ"
કાર્તિક સમજ્યો નહિ કંઇ,કે રાહી ને કોણે મોકલી છે એને સમજણ ના પડી,કે હું કાકા નું નામ લઉં છું અને આ મા નું નામ લે છે.એટલે એ બોલ્યો,"મા,કોની મા?"
રાહી બોલી,"વધારે સવાલ જવાબ કર્યા વગર લો આ ફુગ્ગા પકડો,અને ચાલો બેસી જાવ મોડું થાય છે."કાર્તિક ચૂપચાપ સ્કૂટર પર બેસી ગયો અને રાહીના સાથ ની સુગંધ એને ગમવા લાગી.......

"તારી છાયામાં મારો પડછાયો"- ભાગ-૮ (૩૦/૭/૨૦૨૦)
-@nugami
.... "એક મિનિટ ઉભુ રાખો સ્કૂટર..." કાર્તિક બોલ્યો.
અચાનક બ્રેક મારી ને રાહી બોલી," કેમ સ્કૂટર કેમ ઊભું રાખું? હજી તો વાર છે ઘરે પહોંચવાની."
કાર્તિક,"અરે ,સામે જુઓ શું દેખાય છે?"
રાહી,"જંકફુડ ની દુકાન છે ત્યાં ..."
કાર્તિક"હા તો બસ ચાલો ત્યાં જઈએ હું તમને આજે સ્પેશિયલ વડાપાઉં ખવડાવું, ખૂબ જ ભૂખ લાગી છે. ચાલો."
રાહીના માથા પરથી હેલ્મેટ નીકાળી ને કાર્તિક તેનો હાથ ખેંચી ને તેને હસમુખ ભાઈ ની દુકાને લઈ જાય છે.
કાર્તિક,"કેમ છો હસમુખ કાકા ,મજામાં ને? ઘણાં વર્ષે તમને જોયા."
હસમુખ ભાઈ"અરે આવ કાર્તિક કેમ છે તું?
કાર્તિક"કાકા,તમે ઓળખી ગયા મને?
હાસ્તો વળી તું ગમે એટલો મોટો થઈ જાય,તારા કપાળ પર વચ્ચે તું જે ચંદન નો ચાંદલો કરે છે ને એ તને ઓળખવા માટે પૂરતો છે.
ત્રણેય જણ હસી પડ્યા.
કાર્તિક,"સારું તો પછી તમને ખબર જ હશે હું શેના માટે અહી આવ્યો છું?"
હસમુખ ભાઈ,"હા,ખબર છે ને તું મારા ત્યાં મળતું સ્પેશિયલ વડાપાઉં ને એની સાથે મસ્ત કડક ચા માટે જ આવ્યો છે, બરાબર ને?"
કાર્તિક,"હા હો,તમને તો હું માની ગયો બાકી,ગજબની યાદ શક્તિ છે તમારી..."
રાહી ની ઓળખાણ આપતાં કહે છે,"કાકા,આ મિસ.રાહી છે મિસ જ છો ને?"
રાહી બોલી "હા હવે" કહેતા જ શરમાઈ ગઈ.
"રાહી મારા કાકા ને ત્યાં ઓફિસમાં કામ કરે છે."
રાહી,"નમસ્તે કાકા"
હસમુખ ભાઈ,"જીવતી રહે દીકરી."
કાર્તિક," કાકા હવે હું અહી રહીશ ત્યાં સુધી ડબલ વડાપાઉં ને ડબલ કડક ચા...નક્કી છે આપણું."
રાહી તરત જ બોલી,"ના હો મારું ના મંગાવતા .મને બહાર નું ફાવતું નથી."
કાર્તિક,"ઓ મેડમ,હું તમારા માટે નથી મંગાવતો,just chill"
રાહી,"તો પછી બે કેમ?"
કાર્તિક,"બંને મારા માટે , તમે નજર ના લગાવતા હો,નહીતો મારા પેટમાં ખાધા પહેલા જ ગડબડ થઈ જશે."
કાર્તિક હસવા લાગ્યો.
રાહી ખિજાણી.
કાર્તિક,"મજાક કરું છું ,તમે એક વાર ખાશો ને તો નક્કી તમે રોજ ખાવા આવશો. મુંબઈ માં મળતું બેસ્ટ વડાપાઉં છે આ..."
રાહી કાર્તિક સામે જોઈ રહી.કોઈ પણ હક વગર પણ હક કેટલી સહેલાઇ થી કરી જાય છે કાર્તિક. એ વિચારતી રહી.

રાહી ને પાસાં ફેરવતા જોઈ વિરલ રાહી ના માથા પર હાથ પસવારતા બોલ્યો,"રાહી,dear આજે ઊંઘી નથી તું? કંઇ થયું છે? "
રાહી ,"કંઇ નહિ બસ વિતેલા દિવસો યાદ કરતી હતી એમાં ને એમાં સવાર થઈ ગઈ."
વિરલ,"સારું ચાલ હું આજે મસ્ત ચા બનાવું અને સાથે નાસ્તો કરીએ.તું ફ્રેશ થઈ જા."
રાહી એ માથું હલાવ્યું,"હા".
પણ ખબર નહિ કેમ એને પથારી માંથી ઊભું થવાની ઈચ્છા નહોતી થતી.બસ એને ભૂતકાળમાં જ રહેવું હતું.
છતાંય ઉભી થઇ ને પથારી સરખી કરી બાથરૂમ માં ફ્રેશ થવા ગઈ.
નાહી ને રોજબરોજ ની જેમ મંદિર વાળા રૂમ માં ભગવાન ની આરતી ને દીવા કર્યા.રોજ ની જેમ આરતી ના સમયે ગૌરવી અને વિરલ રૂમ માંથી મંદિર રૂમ મા આવ્યા .બા પણ ત્યાં પહોંચી આવ્યાં. ત્યાર પછી આરતી લઈ રાહી વિરલ પાસે ગઈ વિરલે આરતી લીધી.પછી દરેક જણ ડાયનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયા.
રસોડા માંથી અવાજ આવ્યો,"dhenteden,આજે મસ્ત કડક ચા અને સાથે ચીઝ ચીલી સેંડવિચ તૈયાર છે mastershef વિરલ ના હાથ ની, ચાલો ચાલો ફટાફટ મસ્ત નાસ્તો કરીલો."
કેયુર બોલ્યો,"ઓહો,માલિક આજે તમારા હાથ નું !
જલસો પડી જશે ."
રાહી,"મે તને કેટલી વાર કીધું ,માલિક ના બોલીશ.પપ્પા બોલ બેટા."
કેયુર બોલ્યો," માલિક બોલવા દો ને મને સારું લાગે છે."
રાહી,"પપ્પા બોલ ,વધારે સારું લાગશે."
બધા એકબીજા સામે જોઈ રહ્યા.
વિરલ,"તમારા મા દીકરા નું પત્યું? હવે finish કરો જલ્દી.fast".
બધા નાસ્તો કરે છે,ત્યાં ફોન ની રીંગ વાગે છે....

"તારી છાયામાં મારો પડછાયો - ભાગ -૯(04/08/2020)
-@nugami.
....(ફોન પર)વિરલ,"હેલ્લો કોણ?"

મેનેજર,"હોટેલ delight માંથી બોલું છું,આપ વિરલ શર્મા બોલો છો ને?"

વિરલ,(બહાર નીકળતા)
"હા"

મેનેજર,"Sir,આજે આપે સરપ્રાઈઝ પાર્ટી organize કરવાની કીધી હતી .શું એ ફાઇનલ છે?" If you not intrested, then other party is ready.

વિરલ,"હા હા ફાઇનલ જ છે,by the way, other party છે કોણ?"

મેનેજર,"Mr. Kartik Arora, hotel ના owner"

વિરલ,"Oh, then plz invite him with full family also, with humble request.Owner છે ,party માં આવશે તો સારું દેખાશે."

મેનેજર,"Sir, mr. Kartik જલ્દી કોઈ પાર્ટી માં જતાં નથી ,but આજે એમનો જન્મદિવસ છે માટે પાર્ટી organize કરવાનું નક્કી કર્યું છે એટલે હમણાં એ ચેક કરવા હોટેલ આવ્યાં કે કોઈ ઇવેન્ટ તો નથી ને? એટલે મેં તમને confirm કરવા ફોન કર્યો.

વિરલ,"It's ok,but મને એ ખબર ના પડી કે પોતાની હોટેલ છે તો એમાં તો ઓર્ડર જ આપવાનો હોય અને કોઈની ઇવેન્ટ હોય તો પોતાના function માટે બીજા ને એ ના કહી શકે છે ,એમાં પૂછવાનું ખરી હોય?"

મેનેજર,"Sir,અમારા sir એકદમ માયાળુ માણસ છે, એ પોતાની ખુશી કરતાં બીજા ની ખુશી ને વધારે મહત્વ આપે છે.એ બીજી કોઈ હોટેલ માં event ફાઇનલ કરી લેશે, don't worry.i just confirm.એમના પોતાના ઘરે પણ event છે ,એટલે એ નહિ આવી શકે છતાંય,એમને તમારું ઇન્વિટેશન કાર્ડ આપી દઈશ."

વિરલ,"Ok,sure."
"Bye"

રાહી,"કોણ હતું અને આટલી બધી વાર ફોન પર વાત ! કોઈ problem તો નથી ને ?અને ફોન આવ્યો એટલે તરત જ બહાર નીકળી ગયા વાત કરવા, શું થયું?"

વિરલ,"કંઇ નહિ,તું ખૂબ જ પ્રશ્નો પૂછે છે. ચાલો ફટાફટ સાંજ સુધી માં બધું કામ પતાવી લો બધા.આજે હું જલ્દી આવીશ.થોડો સમય સાથે પસાર કરવા".

હળવા સ્મિત સાથે રાહી નું કપાળ ચૂમી ને એ નાસ્તો કરવા બેઠો.
રાહી એને જોઈ રહી.અને વિચારતી રહી કે, આજે વિરલ કંઇક અલગ મૂડ માં છે.શું હશે?

વિરલ,"ઓ મારી જીવનસંગિની,ક્યાં ખોવાઈ ગઈ? આજે તું પેલી ઘાટ ગુલાબી સાડી છે ને ? એ પહેરજે અને મસ્ત અંબોડો વાળજે. કેયુર ને અને ગાૈરવી ને એમને ગમતા કપડાં પહેરાવી લેજે.બા ને પણ તૈયાર કરજે.સાંજે ૭ વાગે હું આવી જઈશ."

રાહી ,"હા,પણ મને કહેશો, શું છે આ બધું?"

વિરલ,"surprize!!"

રાહી,"તમને ખબર છે ને મને સરપ્રાઈઝ નથી ગમતી."

વિરલ,"yes,darling. I know. But today is special day for us."

રાહી નિશબ્દ થઈ જોઈ રહી.વિરલ કેટલો ખુશ છે આજે!

(In hotel)
કાર્તિક,"તમે પૂછ્યું કોઈ event છે?"
હોટેલ મેનેજર,"હા,છે. વિરલ શર્મા છે એમની surprize party છે"
વિરલ શર્મા? એમની wife નું નામ શું છે?
"રાહી શર્મા"
નામ સાંભળતા જ કાર્તિક ઊંડા વિચારો માં ગરકાવ થઈ ગયો.
"રાહી.... પતંગિયા જેવી ચંચળ,ગુલાબ જેવી કોમળ,હોઠ પર હમેશાં સ્મિત ને બીજા ને હંમેશા મદદ કરવા તૈયાર...!!
કાર્તિક ના આંખ માં આંસુ આવી ગયા.એને રાહી સાથે વિતાવેલી એક એક ક્ષણ યાદ આવવા લાગી.
એ વિચારો માં ખોવાઈ ગયો,"રવિન્દ્ર કાકા, આજે તો મેં રાહી ને વડાપાઉં ખવડાવ્યું, મને નથી લાગતું કે એ મને ક્યારેય કંઇ ખવડાવે ..."

રાહી,"કાર્તિક તારી મજાક કરવા ની આદત તને કોઈક વાર ભારે પડશે,હા."

કાર્તિક,"મજાક કરવા પણ તને મૂડ જોઈએ?
અરે મારી સાથે રહીશ ને તો દરેક મૂડમાં મજા આવશે,જિંદગી ને હળવાશ થી લેવાની,આમ જિંદગી ને તોપ બનાવી ૫૦૦ મણ નો ભાર લઈ ને શું કામ ફરે છે?થોડી હસ.!!"
રાહી,"કાર્તિક ,તું સુધરિશ નહિ."
કાર્તિક,"હા હવે તું ઘણી સુધરેલી છો,બધા સુધરી જશે તો મજાક કોણ કરશે?
બંને જણ નિખાલસતાથી હસી પડ્યાં.

હોટેલ મેનેજર,"sir ..sir..sir..."

Kartik,"હા હા,કંઇ વાંધો નહિ હું ક્યાંક બીજે manage કરી લઈશ.અને હા,જેની ઇવેન્ટ છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ નાં થવી જોઈએ ધ્યાન રાખજો."

મેનેજર,"sir, એમણે તમને invitation card આપવાનું કહ્યું છે તો આ,લો કાર્ડ."

કાર્તિક કાર્ડ પર રાહી નું નામ જોઈ ભાવવિભોર થઈ ગયો અને એ જ ક્ષણે બોલ્યો," તમે કહી દેજો કે એમને ત્યાં ફંકશન છે એટલે એ નહિ આવી શકે."
મેનેજર,"ok,sir"
આજે હૃદય પર ખૂબ જ ભાર લાગતો હતો .
ભારે હૃદય સાથે કાર્તિક હોટેલ માંથી બહાર નીકળ્યો......

"તારી છાયામાં મારો પડછાયો" - ભાગ ૧૦ (૧૪/૦૮/૨૦૨૦).
-@nugami
......વિરલ( બૂમો સાથે) - "રાહી.... રાહી...."

"અરે , આ રહી ,શા માટે બૂમાબૂમ કરો છો?" નાકમાં નથણી નાખતાં નાખતા રૂમ માંથી બહાર આવતા રાહી બોલી.

રાહી ને જોતા જ " અહાહા !!! શું લાગે છે રાહી તું આજે. પાર્ટી માં તો આજે તું જ ચમકીશ."

"જાવ ને હવે,ખોટું ના બોલશો." સ્હેજ મલકાતા રાહી બોલી.

"અરે ,સાચે.. હું ખોટું નથી કહેતો, મે તને એ માટે જ ગુલાબી સાડી પહેરવાનું કીધું હતું. મને ખબર છે આ સાડી તારા ભૂતકાળ સાથે જોડાયેલી છે..."

"અરે, તમે પણ શું વાતો લઈ ને બેસી ગયા. ચાલો ફ્રેશ થઈ ને તૈયાર થઈ જાઓ. અમે બધા તૈયાર છીએ."

"માલિક, આપણી પાર્ટીમાં આપણે મોડા ના પડવા જોઈએ." કેયુર પાર્ટી માં જવાના ઉત્સાહ સાથે બોલ્યો.

"તને કેટલી વાર કહ્યું કે માલિક ના કે તું." રાહી બોલી.

કેયુર ,"મા, મને કેવા દે ને સારું લાગે છે"

રાહી,"ભલે, વિરલ ને કઈ નથી ફેર પડતો તો હું શું કામ બોલું ?

વિરલ,"હા,તું બોલ નહિ,જલ્દી મને tie બાંધી આપ."

રાહી,"હા, બાંધી આપુ."

Tie બાંધતા બાંધતા ફરી એક વાર એને કાર્તિક યાદ આવી જાય છે.

"આ શું કરે છે? તને tie બાંધતા પણ નથી આવડતી.
મને હોટેલ manager ની post મળી છે, સારી એવી નોકરી મળી છે.પણ નક્કી તારી આ tie બાંધેલી જોઈને મારો બોસ મને કાઢી મૂકશે." - રાહી ના ગાલ પર હાથ પસવારતા કાર્તિક મજાક કરતા બોલ્યો.

"ભલે કાઢી મૂકે,આમ તો હવે તારી પાસે મળવાનો પણ સમય નથી અને tie બાંધવા જેવા કામ માટે મારી પાસે આવે છે.નોકરી માંથી કાઢી દે ને તને, તો હું અને કાકા બને party કરીએ. સાચી વાત ને કાકા."

રવિન્દ્ર કાકા હસતા હસતા બોલ્યા," બેટા,કાર્તિક રાહી તને ક્યારેય દુઃખી નહિ જોઈ શકે. નાહક ની ચિંતા ના કર એ આજે tie કેવી રીતે બંધાય એ મારા પાસે શીખવા માટે સ્પેશિયલ વહેલા આવી ગઈ હતી અહીં. તું વિચાર કે જે tie તારા personality માં ફેર પાડી શકે છે,તો રાહી ના આવતા જ તારા જીવન માં કેવો ફેર પડી જશે."

"એજ તો જોઉં છું કાકા, આ tie જેવી હાલત મારી થઈ જશે." હસતા હસતા કાર્તિક બોલ્યો. અને રાહી ના કપાળને ચૂમી લીધું.

વિરલ રાહી નું કપાળ ચૂમતાં,"રાહી,તું ખુશ તો છે ને ??"

રાહી અચાનક ભૂતકાળમાંથી બહાર આવી,"હા... પણ શું છે આજે એ તો મને કહો."

વિરલ,"surprize...." " ચાલો હવે નીકળીએ"

બધા જ ગાડી માં નીકળી જાય છે.

થોડી નજીક ની હોટેલમાં જ કાર્તિક ની બર્થડે પાર્ટી હતી.
કાર્તિક સાથે આજે ઘણા લોકો હતા . છતાંય આજે એને એકલવાયું લાગતું હતું. એના કુટુંબ માં એની મમ્મી અને બહેન અને એક દીકરી આયેશા હતા.રવિન્દ્ર કાકા તો હૃદયરોગના હુમલા થી આ ફાની દુનિયા મૂકી ગયાં હતા..

"રાહી "...૮ વર્ષ પછી આ નામ સાંભળી ને એનું મન વ્યાકુળ હતું .. એનું હૃદય રાહી ને મળવા ઝંખતું હતું.
તો બીજી બાજુ મન ના કહેતું હતું.....

આ અસમંજસ પરિસ્થિતિમાં ગાડી ચલાવતી વેળા એ ધ્યાન ચૂક થઈ ગયું અને વિરલ ની સામે આવતી ગાડીથી કાર્તિકની ગાડી ભટકાઈ...

કાર્તિક ગાડીમાંથી બહાર નીકળી ,"સોરી, મારી ભૂલ છે તમારો જે ખર્ચ થશે એ હું ચૂકવી લઈશ..."

વિરલ ગુસ્સા માં,"શું ધ્યાન રાખો છો આપ,આખું ફૅમિલી સાથે છે.કંઇક થઈ ગયું હોત તો ..."

કાર્તિક,"sorry again, હું પણ family સાથે જ છું. By the way, i am kartik arora."

વિરલ,"oh,nice સોરી હું તમને ઓળખી શક્યો નહિ...હું વિરલ શર્મા .આજે તમારી હોટેલ માં જ પાર્ટી છે.thanks a lot "

કાર્તિક,"thanks શા માટે?"

વિરલ,"તમારી birthday party હતી .હોટેલ તમારી છે, છતાંય તમે તમારી party ને importants ના આપતાં અમારી ખુશીઓ ને માન આપ્યું માટે..."

"અરે એતો મારી ફરજ છે, હોટેલ મારી છે પણ ત્યાં લાગણીઓ તો તમારી પાંગરે છે ને !!

"વાહ,શું વાત કરી છે આપે." "By the way,આજે તમે જરૂર આવજો મને આનંદ થશે."

કાર્તિક,"Sure".

વાત કરતા કરતા કાર્તિક વિરલની ગાડી માં જોવાનો પ્રયત્ન કરતો હતો.એને રાહી ની એક જલક જોવી હતી...

એટલા માં જ રાહી ગાડી માંથી બહાર આવી," શું થયું? બધું સોલ્વ થયું હોય તો નીકળીએ? મોડું થશે."

રાહી ના અવાજ નો રણકાર જાણે લાંબા સમય પછી કાર્તિક ના હૃદયને ટાઢક આપતાં હોય એમ મણકા ની જેમ ખરતો હતો.

"હા,હું આવું જ છું."

ગાડી ત્યાં થી પસાર થઈ ગઈ,પણ કાર્તિક નું મન તો રાહી ને જોવામાં જ થંભી ગયું......

"તારી છાયામાં મારો પડછાયો" - ભાગ -૧૧ (૨૨/૦૮/૨૦૨૦)
-@nugami.
"ચાલો ,હોટેલ પહોંચી ગયા.શાંતિ થી બધા ગાડીમાંથી ઊતરો."- વિરલ બોલ્યો.
"Wow,it's so beautiful place." ગાડીમાંથી ઊતરતા કેયુર બોલ્યો.
વ્યાકુળ થઈ રાહી બોલી," હા,સાચે ખૂબ જ સરસ જગ્યા છે.પણ હવે તો કહે શેની સરપ્રાઈઝ પાર્ટી છે?"
વિરલ,"રાહી,થોડી વાર વધારે રાહ જોઈ લે ."
વાતો કરતાં કરતાં બધા હોટેલમાં પ્રવેશે છે.હોટેલ ખૂબ જ સુંદર લાગતી હતી .વાતાવરણ આહ્લાદક હતું.

સ્ટેજ પર જઈ ને વિરલ માઇક હાથ માં લઇ ને,"hello dear friends,આજે તમે મારા પરિવાર ની ખુશીમાં સહભાગી બન્યા એ બદલ આભાર. આજે મેં આ સરપ્રાઈઝ પાર્ટી મારી પત્ની રાહી માટે રાખેલી છે. એના આવતા જ મારા જીવન માં આનંદ જ આનંદ છે .તો મારી પણ કંઇક જવાબદારી બને છે ને! રાહી ની ઈચ્છા હમેશાં થી રહી છે કે એક આશ્રમ ખોલે જેમાં બેઘર બાળકો અને વૃદ્ધો એમનું જીવન શાંતિ થી જીવી શકે એમાટે હું પણ પ્રયત્ન કરતો હતો. અને આજે મને એ મોકો મળી ગયો છે . રાહી ને આશ્રમ જ્યાં બનાવવું હતું એ જગ્યા આજે મે ખરીદી લીધી છે અને એની ખુશીમાં જ આ પાર્ટી રાખી છે.so,let's enjoy the party all of you,thank you."

રાહી વિરલ ના શબ્દો સાંભળી ને ખુબ જ ખુશ થઈ ગઈ. એને એટલી બધી ખુશી મળી જે એણે ક્યારેય અનુભવી નહોતી.એને જીવવાનું એક કારણ મળી ગયું.એ આજે ખૂબ જ ખુશ હતી.એ વિરલને ભેટી પડી. થોડીવાર પછી શરમાતાં બોલી,"thank you viral."
વિરલ,"અરે,રાહી thanks ના હોય આમાં ,આપણે બંને આશ્રમ માટે કામ કરશું."
રાહી,"હા,ચોક્કસ."

બધા પાર્ટીની મજા લઇ ને ઘર તરફ નીકળ્યાં.રસ્તામાં જ દ એક ગાડી ઉભી દેખાણી. જાણીતી ગાડી લાગતી હતી એટલે વિરલે ઉભી રાખી.

વિરલ,"અરે, મિ.કાર્તિક તમે? અહીં શું થયું?any problem?"

કાર્તિક,"અરે, મિ.વિરલ,કંઇ નહિ , પંક્ચર છે ગાડીમાં.but it's ok,મારા ડ્રાઇવર ને બીજી ગાડી લેવા મોકલ્યો છે."

વિરલ,"ચાલો હું તમને મૂકી જાઉં તમારા ઘર સુધી.બેસી જાઓ ગાડી માં."

કાર્તિક,"thanks,પણ ગાડી આવતી જ હશે ,no problem".

વિરલ,"અરે પણ હું મૂકી જઈશ ,don't worry.આ નવા મિત્રને મદદ કરવા થોડો હક આપો.બેસી જાઓ.ડ્રાઇવર ને ના કહી દેજો ."
કાર્તિક પાસે ના પાડવા કોઈ બહાનું જ નહોતું એટલે એ ગાડી તરફ આગળ વધ્યો.
વિરલ,"રાહી,plz તું પાછળની સીટ પર બેસી જા. મિ કાર્તિક અરોરા ને લિફ્ટ આપવી છે માટે."
કાર્તિક અરોરા નામ સાંભળી ને રાહી ની આંખ માં આંસુ આવી ગયાં ..એ છક્ક થઈ ગઈ.
પણ પોતાની જાત ને સંભાળી લીધી અને ગાડી માંથી બહાર આવી.

કાર્તિક ને જોઇને એની આંખો ભરાઈ આવી .એજ ઘડી એ એને ગાઢ આલિંગન આપવાનું મન થયું .પણ પરિસ્થિતિ જોતાં એ ચૂપચાપ કંઇ જ બોલ્યા વગર હેલ્લો કહી પાછળની સીટ પર બેસી ગઈ .

આ બાજુ કાર્તિક નું તો મગજ જ કામ નહોતું કરતું.શું કરે શું ના કરે કંઇ જ ખબર નહોતી પડતી. ઘણાં બધા પ્રશ્નો સાથે એ ગાડી માં બેઠો."
ગાડી ચાલવા લાગી.કાર્તિક ને ડ્રોપ કરી વિરલ ઘર તરફ આગળ વધ્યો.
ઘરે ફ્રેશ થઈ પોતપોતાના રૂમ માં નીંદર કરવા ગયાં.અહી રાહી ની ઊંઘ જાણે આ રાત ઘોળીને પી ગઈ હોય.
રાહી ને આશ્ચર્ય થયું,"કાર્તિક,જીવે છે??"

"તારી છાયામાં મારો પડછાયો - ભાગ -૧૨(૨૮/૮/૨૦૨૦).
-@nugami.
એ વખતે નવરાત્રિ મહોત્સવ ચાલતો હતો.
કાર્તિક ને નવરાત્રિ ખૂબ જ ગમતી .મન ભરીને રમતો.સાથે રાહી ને પણ લઈ જતો. ત્રીજું નોરતું હતું.એ દિવસે સવારે બંને જણ પોતાના કામે જતાં હતાં ત્યારે બસસ્ટેન્ડ આગળ એક એક્સીડન્ટ થયો હતો.ત્યાં ભીડ જમા હતી એટલે સ્કૂટર એક બાજુ મૂકી બંને જણ ભીડ તરફ દોડ્યા.ત્યાં જોયું તો કેયુર ઢગલો થઈ ને પડ્યો હતો.

રાહી બુમ પાડી ગઈ" આ તો કેયુર છે.ચાલ જલ્દી હોસ્પિટલ લઈ જઈએ."

બંને જણ હોસ્પિટલ લઈ ગયા.લોહી ખૂબ વહી ગયું હતું તો લોહી ની જરૂર હતી. આકસ્મિક રીતે રાહી અને કેયુર નું લોહી મળતું આવતું હતું.તો રાહી એ કેયુર ને મદદ કરી.નવરાત્રિ ની મજા જાણે આમ જ બાષ્પીભવન થઈ ગઈ હતી.બંને નો જીવ કેયુર સાથે જાણ્યે અજાણ્યે જોડાઈ ગયો હતો.થોડા દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી ત્યારે બંને કેયુર ને મળવા ગયા.

અને રાહી બોલી,"એ ચાર્લી કેમ છે, આવવું છે ને અમારી સાથે ઘરે?"

કેયુર ની આંખમાં આંસુ આવી ગયાં. એ બોલ્યો,"હું તમને મા કહી શકું?".

સ્ત્રી નું બીજું નામ જ મા છે.બસ પાત્ર અલગ અલગ ભજવવાના હોય છે બાકી દરેક પડાવમાં સાચવણી એ દરેક ની એક મા ની જેમ જ કરે છે. રાહી ને પણ એની મા યાદ આવી ગઈ.

રાહી,"હા,તું કહી શકે છે,પણ એક શરતે."

કેયુર,"શું?"

રાહી,"તારે ભણવા જવું પડશે અને આ ફુગ્ગા વેચવાનું બંધ કરી મારી સાથે મારા ઘરે રહેવાનું.done?"

કેયુર,"ઘર? મે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું ઘર માં રહીશ.આમ જ ફૂટપાથ પર જ જીવીશ એવું લાગતું હતું.તમારું ઋણ હું કેવી રીતે ચૂકવીશ.?

કાર્તિક,"ભણી ને મોટો થઈ ને ચૂકવજે. વધારે વિચાર નહિ.હું discharge ની પ્રોસેસ કરી લઉં છું તમે બહાર આવી જાઓ".
રાહી અને કેયુર બહાર રાહ જોતાં બેઠા હતાં.
કાર્તિક આવ્યો પછી ત્રણેય જણ નીકળ્યા.

ઘરે જઈ ને રાહી એ રસોઈ બનાવી ત્રણેય જણ જમવા બેઠા.
કાર્તિક,"રાહી ,મને એક કામ યાદ આવ્યું છે,હું જઈ ને આવું."
રાહી,"પણ સરખું જમી તો લે."
કાર્તિક,"સારી ઓફર છે નોકરી ની, પછી જમવું જ છે."

(એક અઠવાડિયા પછી રવિન્દ્ર કાકાની દુકાને)
કાર્તિક રાહી ને,"રાહી આજે મારે તને એક વાત કરવી છે."
કોફી પીતાં રાહી,"હા,બોલ.શું કહેવું છે."
કાર્તિક થોડો ગૂંચવાઈ ને,"રાહી,...રાહી..."
રાહી,"બોલને પણ આમ જીભને બ્રેક કેમ આપે છે? "
કાર્તિક,"શું તું મારી પત્ની બનીશ?"
રાહી આશ્ચર્ય ચકીત થઈ ગઈ.કોફી નો કપ નીચે મૂકતાં,"શું? ....પણ એ શક્ય નથી."
કાર્તિક,"કેમ?હું તારી અને કેયુર ની ખાસ કાળજી રાખીશ.અને સારી નોકરી પણ મળી છે.એક સારું ઘર લઈ ને ત્રણેવ સાથે રહેશું.તને જે કામ ગમે એ કરજે કોઈ રોકટોક નથી."
રાહી,"હા મારું પણ મન છે તારી સાથે જીવન ના દરેક પડાવ ને જીવવાનું."
તો બસ આ શરદપૂનમ ના જ આપણે લગ્ન કરી લઈએ.
રાહી,"આટલું જલ્દી?"
કાર્તિક,"હા,મને તો હવે ઉતાવળ થઈ ગઈ છે તારી સાથે એક એક પળ વિતાવવાની.હું રવિન્દ્ર કાકા ને કહું છું અને ઘરે પણ કહી દઉં છું. આપણે મંદિરમાં સાદાઈ થી જ લગ્ન કરશું. ચાલશે ને?"
રાહી,"હા,ચાલશે."
કાર્તિક,"તો પછી કાલે ફરી મળીએ અને જે વસ્તુઓ જોઈએ એની ખરીદી કરી લઈએ."
રાહી,"હા,હું કેયુર ને સ્કૂલમાંથી લેતી આવીશ એને પણ જે જોઈએ એ લઈ લે."

સાંજે ઘરે જઈને રાહી પોતાને અરીસામાં જોવા લાગી. જાણે મહિનાઓ પછી પોતાની જાત ને નિહાળતી હતી.
આંખ માંથી આંસુ સરી ગયા,"મા,આજે તારી દીકરી મોટી થઈ ગઈ.તું હોત તો કેટલું સારું હોત.પણ તું હંમેશા મારી સાથે રહજે મારા હૃદયમાં.મને આશીર્વાદ આપ કે હું કાર્તિક અને કેયુર નું જીવનભર ધ્યાન રાખી શકું."
થોડી સ્વસ્થ થઈ ને કામે લાગી. સાંજ ના ૮ વાગ્યા હશે.
રાહી ના ફોનની રીંગ વાગી. ફોન કાર્તિક નો હતો.

રાહી,"હેલ્લો,બોલ કાર્તિક શું હતું?"

અજાણ્યા અવાજ માં,"હેલ્લો આ જેનો પણ ફોન હોય એનો એક કાર સાથે એક્સીડન્ટ થયો છે હું એડ્રેસ આપુ તમે ત્યાં આવી જાઓ."

રાહી ના હાથમાંથી ફોન પડી ગયો.અને એને કંઈ સૂઝ્યું નહિ.એ બેબાકળી બની ને કાર્તિક તરફ દોટ મૂકી.પોતાના સપનાઓને પાછળ મૂકી ને બસ એ ભાગતી રહી........will be continued.