hey... books and stories free download online pdf in Gujarati

ઓય...

વાર્તા - ઓય...



કંઈક લખી લીધું તો એવું લાગે

કે કોઈને બધું કહી દીધું

જે સહેવાનું હતું સહી લીધું

એ આંસુઓનું ઝરણું હવે વહી ગયું

જે હતું ત્યાનું ત્યાં જ રહી ગયું

ને અંતે અંદરોઅંદર જ પતી ગયું


'આ વાર્તા તેમને અર્પણ

જેઓએ માંગ્યા વગર

મને ઘણું આપ્યું.'



પ્રસ્તાવના


2019માં ક્યારેક આવેલો નાનો એવો વિચાર : નાની વાર્તા લખવાનો. એ વિચારે ઘણું મોટું સ્વરૂપ ધારણ કર્યું. મારી શરૂઆત માત્ર વીતેલા સાત દિવસ લખવાની હતી પણ પાત્રો, લાગણીઓ અને અનુભવોને બંધબેસતું લખવામાં વરસ વીતી ગયું. મારી પહેલી વાર્તા, પહેલા ક્યારેય અણસાર પણ નહતો તેનું અસ્તિત્વ શબ્દો રૂપી થયું. વાર્તામાં મારું ગામ, મારું શહેર, હું બેસતો હતો તે બસ, હું ફર્યો છું તે સ્થળ : બધું જ દર્શાવ્યું છે. લખાણમાં હું જ એક પાત્ર ભજવી રહ્યો હોઉં તેમ લખ્યું છે પરંતુ તેવું છે નહીં.


આ વાર્તા હકીકત નથી, પણ વિચારો, કલ્પનાઓ અને લાગણીઓના સમન્વયથી બનેલી ઘટના છે. વાર્તામાં ઘણા એવા દ્રશ્યો છે જે હું અનુભવવા ઇચ્છતો હતો પણ એવું બન્યું નથી. મને એવું થાય કે કાશ મેં આવું અનુભવ્યું હોત. લખતા સમય ઘણા સવાલો ઉભા થયાં, ઘણીવાર છોડી પણ દીધું. પરંતુ મિત્રના સાથ સહકારથી અંત સુધી પહોંચી શક્યો છું. આશા કરું છું કે વાર્તા વાંચવાની શરૂઆત પછી વાંચકની રુચિ જળવાઈ રહેશે. લખવા માટે સાદી ભાષાનો ઉપયોગ કરેલ છે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ.



ઓય…


ઘણા બધાના જીવનમાં ઘણી બધી વાર્તાઓ બનતી હોય છે…

પરંતુ કોઈક એક વાર્તા, કોઈ એક કિસ્સો, કોઈ એક પળ… આખી જિંદગી યાદ રહી જાય છે. જે દુઃખના સમયમાં પણ હસતા રાખે છે.


સમય ચોમાસાનો હોય, વાદળોની ભીડ જમા થઈ હોય, બપોરના બે વાગ્યા હોય તોપણ અંધારું એ કાળા ડિબાંગ વાદળોથી ઘનઘોર લાગતું હોય, બધા રાહ જોઈને બેઠા હોય, ઘરની મહિલાઓએ બહાર સુકવેલા કપડાં ઘરમાં લાવી દીધા હોય, નાના છોકરાઓ ચડ્ડી પહેરીને પોતાના આંગણામાં આકાશ સામું તાકીને ઉભા હોય, ઠંડો પવન લહેરાતો હોય, અને ખેડૂતોને તેમના પાક બગડે નહીં તેની ચિંતામાં હોય, નોકરીથી ઘરે આવતા વાતાવરણ જોઈ પેલા કાકા ચાની કિટલીએ જઈને ઉભા રહી ગયા હોય.

પછી જેટલી વાર રસ્તો ઓળંગતા લાગે, જેટલી વાર ચોખા સાફ કરતા અંદરની કાંકરીઓ વીણતાં લાગે, જેટલી વાર બાળકને સ્કૂલે જતા તૈયાર થવામાં લાગે, જેટલી વાર ચા પીતાં લાગે... તેટલી જ વારમાં વાદળ ખસી ગ્યા, 'ને હતો પહેલા જેવો 45° તેવો તડકો પડવા લાગે. એના પછી જે અનુભવ થાય બધાને, એવું અનુભવ મને પણ થયું છે. ચલો, શરુથી વાત કરું.


હું કોલેજ ખાસ ક્યારેય જતો નહીં, કોલેજ ચાલુ થઈ ત્યારે હું મારા વસ્ત્રાલ જેવા નાના ગામમાંથી અજાણી દુનિયાને મળવા બહાર નીકળ્યો હોય તેવું લાગતું : બધેજ નવું નવું. આ આખું અમદાવાદ મને મોટી દુનિયા લાગતું. અમદાવાદના હરેક સ્થળની કોઈ કહાની છે, કંઈક જૂનું યાદ અપાવે છે અને કંઈક નવું થતું બતાવે છે. દુનિયાને સમજવા, માણવા, પારખવા, પકડવામાં જ મારા પહેલાં સેમિસ્ટરની પરીક્ષા આવી ગઈ. મને હજુ યાદ છે તે દિવસ સવારે સાત વાગે સ્મિતનો કોલ આવી ગયો 'તો કે "ભાઈ તું ઉઠ્યો તો છેને ! તારે કોલેજ તો આવવું નથી, પરીક્ષા પણ તારે આપવાની છે કે નહીં ! મેં કહ્યું હતું "ભાઈ બસ આ બસસ્ટેન્ડ પર જ ઉભો છું, બસની રાહ જોઈ રહ્યો છું, બસ મળે એટલે સીધો પહોંચ્યો કોલેજ."


પહેલો દિવસ


મારા ગામ વસ્ત્રાલનું બસસ્ટોપ પહેલું હતું, બસ ભરાવવાની અમારા ત્યાંથી જ શરૂ થાય. અમદાવાદની બસ એટલે AMTS : અને એમાંય અમારી 142. નાના બાળકોથી લઈને જુવાનિયાથી માંડીને, વૃધ્ધોને પણ આ બધી બસમાં યાદગાર પ્રસંગો બનેલા હશે. ચોરી, બબાલ, મસ્તી અને પ્રેમ ! એની તો વાત જ ના થાય. બસમાં ચડવા માટે પાછળથી અને ઉતરવા માટે આગળ જવું પડતું. મારે ચડવાનું પહેલાં સ્ટેન્ડથી અને ઉતરવાનું છેલ્લા સ્ટેન્ડ પર એટલે હું પાછળના દરવાજાની આગળની સીટ જે 'હોટસીટ' કહેવાતી ત્યાં જ બેસતો. ત્યાં હવા પણ મસ્ત આવે અને આખી બસમાં કોણ કોણ છે તે બધાજ દેખાય. લાલ રંગની બસ અમારી લાલદરવાજા પહોંચે ત્યારે ત્યાં બધું જ લાલ લાલ દેખાય. ડ્રાયવર અને કંડકટર બધા પોતાની મોજમાં જ હોય. આખા લાલદરવાજામાં રોજ કોઈ એકાદ કિસ્સો તો બને જ. જે વાતમાં ઘણું મોટું રહસ્ય છુપાયેલું હોય. જો તમારે કોઈ વાર્તા લખવી હોય તો રોજ લાલદરવાજા જઈને બેસી જવાનું. કોલેજ જતી મોટા ભાગની જાહેર જનતા ત્યાંની કિટલીની ચા, કોફી કે બોર્નવિટા પીવાનું ચુકે જ નહીં. કોલેજથી પાછા વળતી વખતે પૌઆ, પાણી-પુરી કે સમોસા-કચોરી આટલું ખાવાનું જ. રોજ એમાં-ને-એમાં ઘણાની ટોપી થઈ જાય.


પરીક્ષાનો પહેલો દિવસ : નવા કપડાં, કાનમાં હેંડ્સફ્રી અને ગીતો ચાલુ. રોજ જેવી સવાર આજે નહતી કેમકે આજ મારે સમયસર પરીક્ષાખંડમાં પહોંચવાનું હતું. તેથી હું આજ મોળો નહતો. સાતને પાંચની બસ આવી અને હું જઈને હોટસીટ પર બેઠો, ત્યાંજ એક માસી આવીને મારી પાસે બેસી ગયા. બે મિનિટ તો મને બહું જ ગુસ્સો આવ્યો કે કોઈ છોકરી આવી હોત તો સારું ! પછી મારો અચાનક વિચાર બદલાઈ ગયો, મેં કહ્યું "માસી તમે વિન્ડો સીટ પર આવી જાવ હું કોર્નર પર આવી જાઉં" માસીએ આનાકાની કર્યા વગર જ સીટ બદલી લીધી : બસ ઉપડી. બીજું સ્ટેશન રિંગરોડ આવ્યું અને જોત-જોતામાં તો આખી બસ ભરાઈ ગઈ. અમારી 142ની બસ ક્યારેય ખાલી ન જ હોય.


બસ જેવી ઉપડી પાછળથી એક છોકરીની જોરથી બૂમ આવી. "ઓ....ય..." બધા પાછળ ફરીને જોવા લાગ્યા. હાથમાં દુપટ્ટો, ખભે બેગ, વાળ ખુલ્લાં અને ચાલુ બસમાં ચડી ગઈ. બે પગથિયાં ચડી મારી પાસે આવીને હાફવા લાગી. હું મારી સીટ પરથી ઉભો થયો અને તેને બેસવાનું કહ્યું. એણે આજુ-બાજુ પહેલા નજર ફેરવી, પછી મને કહ્યું

"અરે વાંધો નહીં તું બેસી રહે." એવાકમાં તેને ખાંસી આવી અને મેં કહ્યું.

"અરે બેસીજા મને કઈ વાંધો નથી".

થેંક્યું.. થેંક્યું.. થેંક્યું.. એમ ત્રણ વાર બોલીને તે બેસી ગઈ.


કોઈના અચાનક સામે આવી જવાથી ધારવું નહીં કે તે મુલાકાત પહેલી છે કે આખરી,

કોઈના અચાનક સામેથી જતા રહેવાથી માનવું નહીં કે તે મુલાકાત પહેલી છે કે આખરી.


બેગમાંથી બોટલ કાઢી પાણી પીધું. પછી પાછું બેગમાંથી અણી વગરની પણ લટકણીયા વાળી પેન્સિલ કાઢી, તેના મોમાં બે હોઠ વચ્ચે પકડીને પોતાના વાળ ગોળ વાળતી હતી એટલામાં જ ત્રીજું સ્ટેન્ડ આવ્યું અને બધા ફટાફટ ચડ્યા. મને થોડો ધક્કો વાગ્યો અને હું એને અથડાયો. એના મોંમાંથી પેલી લટકણીયા વાળી પેન્સિલ નીચે પડી ગઈ, એના વાળ પાછા ખુલી ગયા.

તરત જ "સોરી.. સોરી.. સોરી.. ધક્કો વાગી ગયો" મેં નીચે પડેલી પેલી પેન્સિલ આપતા કહ્યું.


"અરે આમા ક્યાં તારો વાંક છે તો આટલી બધી વાર સોરી કહી દીધું : કઈ વાંધો નહીં." એટલું કહીને ગઝબ સ્માઈલ આપી.


બે મિનિટ તો મારુ હિપ્નોટાઇજ થઈ ગયું હોય તેમ હું ભાન ભૂલી ગયો. બસનું ચોથું સ્ટેન્ડ આવ્યું, ડ્રાઈવરે બ્રેક મારી 'ને હું હોશમાં આવ્યો. મારુ દિલ એના ગાલ પર પડતા ખાડામાં અટવાઈ ગયું.

"કેમ હવે નથી બાંધવા વાળ ?" મેં પૂછ્યું.


"ના હવે નહીં, બારીમાંથી હવા બહુજ મસ્ત આવે છે તો દુપટ્ટો પણ નથી બાંધવો" એણે ખુલાસો કરતા કહ્યું.


"અચ્છા એમ છે !" મેં કહ્યું.


"હા યાર, તારે બેસવું છે ? ચાલ આવી જા." એણે સ્માઈલ આપતા કહ્યું.


"ના.. ના, તું મજા કર" મેં પણ સ્માઈલ આપીને મારુ ખંજન પણ બતાવ્યું.


"આય-હાય, સેમ-સેમ" એણે કહ્યું.


"હા, તારા પર સરસ લાગે છે." મેં કહ્યું અને ફરી બન્નેના ખંજનની આપ-લે થઈ.


ખાડાઓ તો ક્યાં ખૂટે છે કોઈ શહેર કે ગામડામાં

પણ તેના ગાલ પરના આકર્ષિત ખાડામાં પડવું ગમે.


એણે બેગમાંથી હેંડ્સ-ફ્રી કાઢી અને કાનમાં લગાવી, મેં પણ સોંગ ચાલુ કર્યા. થોડીક વાર થઈને બે વાર તેણે મારી સામે જોયું, હું એની સામે જોઉં તો તરત મોં ફેવરી લે. એટલે પછી મેં મારા એક કાનમાંથી એક સ્પીકર પોર્ટ કાઢી દીધું, તો એણે પણ એક પોર્ટ કાઢી લીધું. બંનેને એમ કે બંનેમાંથી કોઈ બોલશે તો સંભળાશે કેમનું ? થોડીક વાર થઈ મારે પણ વાત કરવી હતી અને કદાચ એને પણ. પણ જો હું વાત કરું તો એને એવું ના લાગે ! કે "એક વાર સીટ શું બેસવા આપી, આતો પાછળ પડી ગયો યાર !" બંને વચ્ચે માત્ર એક શબ્દના કારણે વાતચીત ના થઈ શકી. એ શબ્દ હતો 'EGO'. છેલ્લું બસસ્ટેન્ડ આવી ગયું : લાલદરવાજા. ઉતરીને હું મારા પ્લેટફોર્મ પર ગયો અને તે એના. અચાનક મારા કાનમાં ગીત સંભળાયું... "કહેવું ઘણું ઘણું છે બોલી શકાય નહીં, બોલ્યા વિના એ કહી દે શુ એવું ના થાય કંઈ !" તમે નહીં માનો, મેં આખો દિવસ એ જ સોંગ રિપીટ મોડ પર સાંભળ્યું. લાલદરવાજાથી વળતા ઘરે આવતા મેં એની ઘણી વાટ જોઈ, બે-ત્રણ બસ પણ જવા દીધી, પણ પરિણામ એનું નિરાશા જનક આવ્યું. વળતી વખતે વિન્ડો હોટ સીટ પર હું બેઠો હતો, કોર્નરની સીટ પર એની યાદો, કાનમાં એજ સોંગ, મનમાં તેના જ વિચારો, આંખોમાં તેના સ્મિત સાથેના ખંજન, અને દિલમાં વાત ના કર્યાનો અફસોસ.

ઘરે આવીને વાંચવામાં મન ના જ લાગ્યું : ફક્ત એના જ વિચારો. આજ હું ખુશ હતો બહું જ ખુશ. કેમકે મને કોઈ એવું મળ્યું જે અજાણ્યું હોવા છતાં એના તરફ લગાવ થયો. મને કંઈક અલગ જ અનુભવ થયું જેવુ પહેલા કદી નહોતું થયું. રાત્રે જમીને હું રોજ ધાબા પર ચાલતો. ત્યાં એ ચાંદ સામે જોઈને બબડયો હું "ઓય ચાંદ... તારા પંદર દિવસ પણ નક્કી છે મારી પરીક્ષાના સાત દિવસની જેમ. તું તો એ પનદી' દેખાય છે, પણ શું એ કાલે આવશે ? શું એ સાત દિવસ આવશે ? અને આવે તો મારી સાથે વાત કરશે ? મારી બાજુમાં બેસશે ? મને ખબર છે ચાંદ તું રોજની જેમ આજે પણ ખામોશ જ રહેવાનો, પણ હું એટલી આશા રાખું છું કે એ કાલે આવેને તો બસ ખામોશ ના રહે, કારણ કે મેં ક્યારેય આવી રીતે કોઈ સાથે વાત નથી કરી. મને સખત ડર લાગે. ફક્ત તારી સાથે જ હું આમ ખુલ્લા દિલથી વાત કરું છું. ચાંદ, તારો 'ને મારો જેવો નાતો છે એવો મારો 'ને એનો બની જાય તો તો કેવી જિંદગી મજાની થઈ જાય, બસ એક શરત કે એ ખામોશ ના રહેવી જોઈએ તારી જેમ."


તે છોકરી કોણ હતી ? તેણે એવું તો શું કર્યું કે તેને મળવાની અજાણી આશા બંધાઈ ગઈ. અને પહેલી વાર એવું બન્યું કે મેં નિરાશા વિશે વિચાર્યું નથી. જેની શરૂઆત થઈ છે તને આગળ વધવા જ દીધી. જો એ આવશે તો એમ ચોક્કસ થઈ જશે કે 'હકારાત્મક આશાને હકીકત બનવામાં એટલી વાર જેમ તણખો પેટ્રોલને અડકીને આગમાં ભડવામાં.'


બીજો દિવસ


આવા પાગલ વિચારોમાં આખી રાત હું પેલા ચાંદને બધું કહેતો રહ્યો. સવાર પડી, હું તૈયાર થઈને વહેલો બસસ્ટેન્ડ પહોંચી ગયો. ત્યારે લગભગ સાડા છ થયા હતા. બસ આવી 'ને એમાં ચઢવા ગયો ત્યાં તરત યાદ આવ્યું કે એતો સાતને પાંચની બસમાં મળી હતી ! મેં બસમાં આગળના સ્ટેન્ડ પર જવાનું વિચાર્યું પણ પછી એમ થયું કે ત્યાં જઈશ તો હોટસીટ નહીં મળે. ત્યારબાદ મેં એ બસ છોડીને સાત વાગ્યે જે બસ આવી તેમાં વિન્ડો હોટસીટ પર જઈને બેસ્યો. બેગ બાજુમાં મૂકીને જગ્યા રોકી લીધી. બીજું સ્ટેન્ડ આવ્યું, મને એ ગઈકાલ વાળી છોકરી દેખાઈ. હુંતો ખુશ ખુશ... ભીડના કારણે એ પાછળથી ચઢતી હતી એટલામાં ગઈકાલ વાળા માસી બાજુમાં આવીને ઉભા રહ્યા અને કહે.. "હું અહીંયા બેસું ?" મારુ બેગ હટાવાનો ઈશારો કરતા કહ્યું. "કોઈ આવે છે" મેં કહ્યું, કદાચ પેલી છોકરીએ પણ પાછળથી ચઢતા સાંભળી લીધું. માસી મલકાતાં-મલકાતાં આગળની સીટ પર જઈને બેઠા. એ જેવી સીટ તરફ આવી, મેં બેગ લઈ લીધું. એ પણ સીટ ખાલી જોઈને પાસે આવીને બેસી ગઈ.

મેં અજાણતા એની સામું જોયું.

"હાઈ" એણે કહ્યું.


"અરે હાઈ, કેમ છે ?" મેં કહ્યું.


"બસ મજામાં. તું બોલ " એણે કહ્યું.


"ચકાચક." મેં કહ્યું ને બંને હસ્યાં. પછી મને વિચાર આવ્યો કે આ વાતમાં હસવા જેવું શુ હતું ? પછી ફરી હું મનમાં 'ને મનમાં હસ્યો. એ એના બેગમાં કંઈક શોધતી હતી પણ એને મળ્યું નહીં. એના હાથની આંગળીઓ કપાળ પર મારીને ધીમેથી બોલી "બે યાર..."


મેં કહ્યું "શુ થયું ?"


"અરે યાર ભૂલથી હેંડ્સ-ફ્રી ઘરે ભૂલી ગઈ છું" એણે જવાબ આપ્યો.


મેં તરત જ મારી હેંડ્સ-ફ્રીનો એક પોર્ટ કાનમાંથી કાઢી એની તરફ આપવાનો ઈશારો કર્યો. "ગુજરાતી ગીત સાંભળીશ ?" મેં પહેલીવાર આટલી હિંમત કરીને કોઈ છોકરીને આવું કહ્યું હશે.


"આહાન.. થેંક્યું" એ ખુશ થઈને બોલી. ગીત શરૂ થયું, 'કહેવું ઘણું ઘણું છે...' આ ગીત સાંભળતા હું ગુણગુણાવતો હતો અને એ મલકાતી હતી. એકવાર સોંગ પૂરું થયું ને ફરીથી ચાલુ થયું.


અડધું પૂરું થયું 'ને એ બોલી "આ ફરીથી થયુંને ચાલુ ?"

"અરે હા, સોરી સોરી હું બદલું" મેં કહ્યું.


"અરે ના.. બીજીવાર સાંભળી લેવા દે પછી બદલી લેજે" મને કોણી અડાવતા કહ્યું.


"સારું એન્જોય." મેં કહ્યું.


"બહું જ મસ્ત ગીત છે યાર મારી પાસે આ વાળું નથી." એને સ્માઈલ કરતા કહ્યું.


"હા યાર મસ્ત છે, કાલે અજાણતા જ વાગ્યું અને હું ત્યારનો આ જ સાંભળું છું : રિપીટ મોડ પર" મેં કહ્યું.


"વાહ." એ બોલી પછી લવની ભવાઈ મૂવીના બધા જ સોંગ સાંભળ્યા : સાથે. લાલદરવાજાનું સ્ટેન્ડ આવી ગયું. મને મારી હેંડ્સ-ફ્રી પરત આપતા...

"થેંક્યું.. થેંક્યું.. ચલ મળીએ." એમ કહ્યું.


"હા, સારું." મેં કહ્યું. બંને ઉતર્યા અને તે બીજા પ્લેટફોર્મ પરથી ત્રીજા પર ગઈ અને હું બીજા પરથી પહેલા પ્લેટફોર્મ પર : પોતપોતાની બસ પકડવા.


પરીક્ષાના ત્રણ કલાક એ છોકરી વિશેના જ વિચારો આવતા, એમાંય વાંચ્યું ના હોય એટલે પોતાને-ને-પોતાને જ ટપલી મારતા કહીએ "પાસ તો થવાનું છે ને લ્યા... આવડશે કંઈ નહીં પણ ગપ્પા તો માર." મનમાં-ને-મનમાં કહીને લખવાનું શરૂ કર્યું હોય અને થોડીક વાર પછી પાછા એના જ વિચારો. ત્રણ કલાકનો સમય પૂરો થયો, હું કોલેજની બહાર આવીને સીધો લાલદરવાજા બસસ્ટોપ પર પહોંચી ગયો, ક્યાંક આજે મુલાકાત થઈ જાય તો ! હું બીજા નંબરના પ્લેટફોર્મ પર પહોંચ્યો, જ્યાંથી 142 નંબરની બસ ઉપડે. પોણો કલાક થયો પણ એ ના આવી. છેવટે હું ઉદાસ થઈને પ્લેટફોર્મ પર પડેલી બસની હોટસીટમાં જઈને બેસ્યો. ધીમે ધીમે બસ ભરાતી હતી. પંદર મિનિટ પછી બસ ચાલુ થઈ અને એક ડગલું જ ભર્યું હશે 'ને ત્યાંજ બૂમ આવી, 'ઓ..ય…' બધાની નજર પાછળ હું થોડા સ્મિત સાથે મલકાયો પણ મેં પાછળ ના જોયું, હું ઓળખી ગયો હતો એ અવાજને. મેં મારી કોર્નર સીટ પર બેગ મૂક્યું જ હતું, એ આવી એટલે તે ત્યાં આવીને બેસી અને બોલી "હાશ બસ મળી ગઈ !" અને મારા મનમાં થયું "હાશ તું આવી ગઈ !"


અચાનક મારી સામું જોઈને પૂછ્યું "તું કંઈ બોલ્યો ?"


હું થોડો ગભરાઈ ગયો મને એમ કે આને શું સંભળાઈ ગયું ? "ના..તો.. તે શું સાંભળ્યું ?" હું બોલ્યો.


"અરે કંઈ નહીં છોડ," થોડીક વાર અટકીને તે ફરી બોલી. "ચાલ લાવ તારી હેંડ્સ-ફ્રી હવે તારે મારુ ફેવરિટ લિસ્ટ સાંભળવું પડશે."


હું હસ્યો 'ને મારા મોબાઇલમાંથી હેંડ્સ-ફ્રી કાઢીને આપ્યું, પછી એક એક પોર્ટ વહેંચી લીધું. એણે પહેલું ગીત વગાળ્યું.. "मन चला तेरी और…" એ મારુ પણ ફેવરિટ હતું.


અત્યાર સુધીના કર્મ સૌ અધૂરા જણાયા પુરા હવે થયાં જ્યારે તેની વહેંચણી થઈ

એકલા હરખાયા કરતો પણ મજા ત્યારે આવી જ્યારે સ્મિતની આપ-લે થઈ


અમેં પોણા કલાકમાં જેટલા ગીતો સાંભળી શકતા હતા તેટલા સાંભળ્યા. તેનો ઉતરવાનો સમય આવી ગયો, મારી હેંડ્સ-ફ્રી આપતા કહ્યું, "ચલ મળીએ", "સારું" મેં કહ્યું અને એ ઉતરી ગઈ. એ સ્ટેન્ડથી મારા સ્ટેન્ડ પર હું ઉતર્યો ત્યાં સુધી એકદમ ખુશ હતો માનો કે એના નશામાં જ હતો. એ જેમ દૂર થતી ગઈ એમ હું હોશમાં આવતો ગયો. હું બસમાંથી ઉતર્યો અને ઘરે જતો હતો ત્યારથી જ એના વિચારો શરૂ. "અરે યાર આજે તો એ આવી હતી પણ યાર કંઈ વાત જ ના થઈ એનું નામ પણ હજુ હું જાણતો નથી. એકતો આ સોંગ સાંભળવાના કારણે કંઈ વાતચીત જ ના થઈ શકી. શું એ કાલે આવશે ? હજુ હું એનું નામ સુધ્ધાં નથી જાણતો અને હા, એણે પણ કંઈજ અંગત પૂછ્યું નથી. પણ યાર નામ તો કહેવાયને ? ચલો કાલે જો આવે તો પૂછી લઈશું. આગળના દિવસના ઉજાગરાને કારણે આજે તો ઊંઘ આવી ગઈ, ઊંઘ આવી એટલે સપના આવ્યા, સપનામાં પણ એ જ આવી. આયે..હાયે.. શું સપનું હતું યાર !, આપણે ઊંઘમાં પણ શુ નું શુ કરી લેતા હોઈએ છીએ નહીં !


સપનામાં શુ હતું ખબર ? હું રોજ બસમાં કોલેજ જતો અને એ મારી સાથે હોય. કોલેજ તો એક બહાનું હતું પણ ખબર નહીં અમે કોઈ અમદાવાદના અજાણ્યા બગીચામાં બેસી રહેતા : રોજ. આખું સપનું તો મને યાદ નથી પણ છેલ્લે હું જ્યારે બગીચામાં એના ખોળામાં માથું નાખીને એની સાથે વાત કરતો હતો ત્યારે સ્મિતનો કોલ આવ્યો "આજ રિઝલ્ટ છે પહેલા સેમિસ્ટરનું, જોયું તે ? હુંતો ફેઇલ થઈ ગયો લ્યા." "શું વાત કરે બે... મેં નથી જોયું... હું જોઈને તને કૉલબેક કરું" મેં જવાબ આપ્યો. મેં એના ખોળામાં જ સુતા-સુતા રિઝલ્ટ જોયું : બધામાં ફેલ, હું અચાનક એના ખોળામાંથી બેઠો થઈ ગયો. આંખ ખુલી સાચે જ હું પથારીમાંથી બેઠો થઈ ગયો હતો. છ વાગી ગયા હતા એટલે હસતો હસતો ઉભો થયો અને મનમાં મનમાં બોલ્યો "કેવા-કેવા સપના આવે છે યાર, હું એના ખોળામાં આયે હાયે" સાલું ત્યારે ફેઈલ થવાનું દુઃખ નહતું પણ સપનામાં તો સપનામાં એના ખોળામાં સુવાનું સુખ હતું.


ત્રીજો દિવસ


હું તૈયાર થઈને બસસ્ટેન્ડ પહોંચ્યો અને એજ સાત વાગ્યાની બસમાં બેઠો. હું ઘરેથી નક્કી કરીને નીકળ્યો હતો કે આજ હું હેંડ્સ-ફ્રી નહી જ કાઢું, એમાં-ને-એમાં વાત નથી થતી. હું હવે એની સાથે વાત કરીશ. બીજું સ્ટેન્ડ આવ્યું આજે પેલા માસી મને કંઈ કહ્યા વગર જ મારી સામે હસતા હસતા આગળ ચાલ્યા ગયા. માસી કેમ હસતા-હસતા જતા હતા ? એ વિચારતા મને ખ્યાલ ના રહ્યો કે પેલી છોકરી મારી પાસે આવીને ઉભી છે.


"ઓય બેગ તો હટાવ, કે કોઈ બીજું આવે છે ?" એણે ટોન્ટ મારતા કહ્યું હોય એવું લાગ્યું.


"ના રે, તારા માટે જ છે સીટ, બેસી જા" મેં બેગ હટાવતા કહ્યું.


"આહા... એક વાત પૂછું ? થોડુંક પર્સનલ થઉં ?" એણે સીટ પર બેસતા જ મને પૂછ્યું.


"અરે હા, હા... પૂછને એમાં કઈ પરવાનગી માંગવાની હોય ?" મેં કહ્યું.


"તારું નામ તો કહે યાર." એણે એનું ભમર સહેજ ઉંચુ કરી કપાળમાં કરચલી પાડી અને બે વાર આંખો પટપતાવતા બોલી.


"અરે, મારું નામ સંગીત અને તારું ?" મેં પણ સામે પૂછી લીધું.


"હું તારી સંગીતા" એણે મજાકમાં કહ્યું.


"ના હોય સાચું ?" મેં હસતા હસતા કહ્યું.


"ના..રે મજાક કરું છું, મારું નામ યાત્રી" એણે કહ્યું.


"અરે વાહ 'મિસ્ મુસાફર' મસ્ત નામ છે" મેં કહ્યું.


"હા હો 'મિસ્ટર કલાકાર'" એ બોલી.


અમે બંનેએ અમસ્તા જ એકબીજાના નિકનેમ પાડી દીધા. આજે મેં એને ઘણું બધું પૂછી લીધું.. જેમકે.. શું નવા જૂની.? શું ગમે શું ન ગમે ? સ્ટડી શું કરે ? શું એનું સપનું છે ? એને બધા જવાબ નિખાલસતાથી આપ્યા અને સામે એણે પણ ઘણા સવાલ કર્યા. હું તો એ જવાબ આપવાનો જ હતો, પણ એણે વધારે અંગત કોઈ સવાલ પૂછ્યા નહીં એટલે હું પણ વધારે અંગત થયો નહીં.


અમે બંને બી.કોમ કરતા હતા હું રેગ્યુલર કોલેજમાં અને તે એકસ્ટર્નલ, પણ બંને એકજ વર્ષમાં. હું તો કોલેજ જતો નહતો અને એને કોલેજ જવાનું ના હોય. આમ પણ બસમાં મારી જેમ એનું કોઈ ઓળખીતું નહોતું, એનો સ્વભાવ મારા જેવો જ હતો અથવા હું એને મળીને એના જેવો થઈ ગયો. વાતો-વાતોમાં લાલદરવાજા આવી ગયું ખબર ના પડી. એકબીજાને all the Best કહીને પરીક્ષા આપવા ગયા. યાત્રી, કેટલું સરસ નામ છે અને મેં પાછું મિસ્ મુસાફર નામ પાડી દીધું. હું જવાબવહીમાં જવાબની જગ્યાએ વિચારોમાં ને વિચારોમાં જ્યાંત્યાં 'યાત્રી' લખી દેતો. ઘણી જગ્યાએ તો શબ્દ પર ચેકી પણ દેતો. હું શુ લખતો મને જ ખબર ન હોય. સવાલ શુ હોય અને હું જવાબ કઈ બીજો લખતો હોઉં. પરાણે મર્યાદિત સમય પત્યો અને હું સઘળું કામ પૂરું કરીને સીધો લાલદરવાજા પહોંચ્યો. રાહ જોવાનું કામ મારુ શરૂ થયું. ઘણી રાહ જોઈ પણ વળતી વખતે એ આજ આવી નહીં. આશાઓ બધી નિરાશામાં ફેરવાઈ ગઈ. એ કેમ ના આવી એનું કારણ મને સમજાયું નહીં. બે કલાક બાદ બસમાં હું ઘરે જવા નીકળી ગયો. ઘરે આવતા એક ઘરડા દાદીને સીટ બેસવા માટે આપીને ઉભો થઈ ગયો. અને એમની બાજુની સીટ પર કોઈક છોકરી બેઠી હતી : મોં પર દુપટ્ટો બાંધીને. હું વારે ઘડીએ એને સામે જોઈને યાત્રી વિશે જ વિચારતો રહ્યો. એના વગર 142ની બસ એકદમ સુમસામ લાગી, આ લોકોની ભીડ અજાણી લાગી, કોઈ પોતાનાની કમી વર્તાઈ. આજે એણે પણ જતી વખતે હેંડ્સ-ફ્રીની વાત નહતી કરી, કદાચ એને પણ એવું થયું હશે કે યાર ગઈકાલે વાત જ ના થઈ શકી. આજે મન ભરીને વાત કરી તોપણ હજુ રોજ મળવાનું મન થાય છે અને એક સવાલ રોજ ઉભો થાય કે શું એ કાલે આવશે ?


મળવા માટે ઘણા રસ્તાઓ વૈચારિક રીતે ઉદભવે

પણ ઓચિંતા જ કોઈનું ક્યાંક મળી જવું ગમે


મારું ગામ આવતા લગભગ બસ ખાલી થઈ ગઈ હોય. છેલ્લેથી બે-ચાર સ્ટેન્ડ પહેલા ઘણી બધી સીટ ખાલી થઈ ગઈ હતી પણ હું બસના છેલ્લા દરવાજે બે પગથિયાં ઉતરીને ઉભો હતો. હવા મસ્ત આવતી હતી, ગીત સાંભળવાનું મન ના થયું. ચહેરો ઉદાસ હતો, કેમકે વળતી ફેર યાત્રી આવી નહતી. પણ એ કેમ નહતી આવી ? વારંવાર આ સવાલ થતો જાણે એ વર્ષોથી આવતી હોય અને આજ અચાનક એક દિવસ રજા પાડી હોય.


મારો ઉતરવાનો સમય આવ્યો; હું ઉતર્યો 'ને તરત રેડીઓ પર એક ગીત વાગ્યું, "...દિલ યે મેરા, બસ મેં નહીં, પહેલે કભી એસા હોતા થા નહીં, તુહી બતા ઇસ દિલકા મેં અબ ક્યાં કરું, મેં ક્યાં કરું..." ગીત કહેવા માંગતું હતું કે દિલ મારુ હવે વશમાં નથી, અને હું સમજ્યો દિલ હવે મારું બસમાં નથી. અને સાચે જ મારુ મન બસમાં જ બેસી રહેવાનું હતું પણ ઘરે જવું જરૂરી હતું. મારી આદતની જેમ મેં ઘરે જઈને વાંચ્યું નહીં 'ને આ જ સોંગ સાંભળતો રહ્યો. રાત પડીને હું ચાંદને મળ્યો. પહેલો શબ્દ મારા મોંમાંથી નીકળ્યો 'સંગીતા ઉર્ફ યાત્રી'. ચાંદ, હું બોલ્યો એ સાંભળીને હસ્યો હોય એવું લાગ્યું. પછી હું પણ મલકાયો કે આજ એણે મારુ નામ પૂછ્યું !, મેં એના વિશે કેટલું બધું જાણી લીધું ! હું આગળ બોલ્યો પછી "ઓય ચાંદ, મારા માટે આ દુનિયા બહુ જ નવી છે, હું લોકોથી અજાણ્યો છું, તે કેવા હોય ? કેવા નહીં ? એની મને ખબર નથી પડતી મને ડર લાગે ક્યાંક મારાથી કઈ ખોટું થઈ જાય અથવા તો ક્યાંક મારા સાથે ખોટું બની જાય. પણ આ છોકરી સાથે કોણ જાણે કેવો સંબંધ બંધાઈ ગયો છે ? હું એને મિત્ર કેમનો કહું ? મારા ઘણા બધા મિત્રો કરતાં એની સાથે કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. એને પ્રણય પણ કેમનો કહું ? એ મને ક્યારેય થયો નથી અને સંગીતાએ મને એવું કહ્યું નથી." હું એકદમ અટકી ગયો બોલતા બોલતા. થોડું શરમાયો અને ફરી બોલ્યો." જોયું ચાંદ, એનું નામ તો યાત્રી છે પણ એણે મને મજાકમાં કીધું હતું,

'હું તારી સંગીતા'

એ મારા દિલમાં રહી ગયું છે. હું ચોક્કસ નથી કે એને પણ મારા વિશે પ્રણય જેવું કઈ હશે ! પણ મારા મનના ચોકમાં તો એના વિચારો જ ગરબા ગૂમે છે, એની જ યાદો રમી રહી છે. એ નહોતી એ પહેલા મારુ જીવન સીધા રસ્તા પર ચાલતી સાયકલ જેવું હતું. એ આવી પછી સાપ કેમ ચાલે ? એમ ચાલવા લાગી. એવું કરવામાં મજા પણ આવતી અને પડી જવાનો ડર પણ લાગતો. મજા આવવા લાગી હતી એ વાત મહત્વની લાગી. ઓય ચાંદ, કાલે એ આવશે ? ના, ના, કાલે એને આવવું જ પડશે. ભલે એના આગળ મારી બોલતી બંધ થઈ જાય છે પણ મારી પાસે ઘણા બધા સવાલ છે જે એના ખાલી આવવાથી જ ઉકેલાઈ જશે".


ચોથો દિવસ


ત્રણ દિવસથી રાત લાંબી થઈ ગઈ છે, ઊંઘ ટૂંકી થઈ ગઈ છે, વિચારો વધતા જાય છે અને ચેન ઘટતું જાય છે. આજ જતી રહે તેની ઇંતેજારી, કાલે એમને મળવાની બેકરારી સાથે રાત પુરી થઈ. સવાર પડીને પહોચ્યા બસસ્ટેન્ડ પર. હું એજ સાતને પાંચની બસમાં એજ હોટસીટ પર બેગ બાજુમાં મૂકીને બેઠો. બસ ઉપડી અને બીજુ સ્ટેન્ડ આવતા જ અણસાર થઈ ગયો એનો ત્યાં ઉભા હોવાનો. હું અજાણ્યો બનીને એની સામે જોયું નહીં. એ બસમાં ચઢીને મારી પાસે આવી, મેં બેગ હટાવ્યું : એ ત્યાં બેસી.

"હાઈ" હાથ ઉકચકીને થોડીક ધ્રુજારી આપતા યાત્રી બોલી.


"હાઈ કેમ છે ?" મેં પૂછ્યું.


"એકદમ મજામાં. તારે કેમ છે ?" એણે વળતા પૂછ્યું.


"આપડે તો મોજ, કાલે વળતા ફેર ક્યાં હતા મહોતરમા ?" મેં થોડું ટોન્ટમાં માન આપી કાલે જે સવાલ મનમાં ફરતો હતો એ પૂછી લીધો.


"અરે હા જનાબ કાલે હું આવવાની જ હતી પણ મોટાભાઈનો કૉલ હતો કે હું ત્યાંથી નીકળું છું તો તને લેતો જઇશ. એટલે હું એમની સાથે ઘરે આવી ગઈ હતી." એણે મલકાતાં મલકાતાં ટોન્ટમાં જવાબ આપી દીધો. પણ એના ટોન્ટનો મારા પર અસર નહતો. બસ એનું કારણ કંઈ બીજું નહતુંને એટલે હું ખુશમખુશ. અમારા વચ્ચે ઘણી બધી વાતો થઈ.

એ બોલી "હું અમદાવાદની નથી".


"તો ?" મેં આશ્ચર્યથી પૂછ્યું.


"હું તો સાત સમંદર પારથી આવી છું, તારા અમદાવાદને જાણવા." એને એની પર્સનલ વાત છુપાવતા કહ્યું.


"હું આખા પંદર વર્ષમાં આખું અમદાવાદ નથી જોઈ શક્યો અને તારે અમદાવાદને જાણવું છે ?" હું બોલ્યો.


"અરે કઈ નહીં આપણે સાથે જોઈશું અને સાથે જાણીશું." એ બોલી.


"અરે વાહ તો ક્યારથી આપણે આ પ્લાનની શરૂઆત કરીશું ?" મેં મજાકમાં પૂછ્યું.


"આમતો કોઈ પ્લાન નથી બનાવો. મન થાય ત્યારે ભાગી જવાનું." એ હસતા હસતા બોલી.


મારી જ્યારે નવી નવી કોલેજ ચાલુ થઈ હતી ત્યારે મને બસમાં બઉ કંટાળો આવતો. બસમાં બેસીને જેમ-જેમ આગળ જઉં ત્યાં એક સ્કૂલમાં વંદેમાતરમ ગીત ચાલતું હોય અને અમુક છોકરાઓ રોજ બહાર ઉભા હોય, થોડા આગળ જતા ગાર્ડનમાં અમુક લોકો કસરત કરતા હોય, એક સૌથી ઉંચી અને જૂની ઇમારતના ઝરૂખે એક કાકા રોજ છાપું લઈને બેઠા હોય. એક ચાની કિટલીની સુગંધ, બસનું છેલ્લું સ્ટેન્ડ લાલદરવાજા પર આવે અને મને ખબર પડી જાય. રોજ આવી જ ક્રિયાઓ થતી જોતો હું કંટાળી જાઉં. એટલે પછી મેં કોલેજ જવાનું બંધ કરી દીધું. પરીક્ષા શરૂ થઈને મને પેલો અવાજ સંભળાયો. 'ઓય...' અને યાત્રી સાથે મુલાકાત થઈ. એ દિવસથી મેં પેલી ક્રિયાઓને નોટિસ જ નથી કરી. મારું મન યાત્રીમાં અટવાયેલું રહેતું અને ક્યારે લાલદરવાજા આવી જાય ખબર જ ના પડે. આજ પણ સમય કેમનો જતો રહ્યો ? એજ સમજાયું નહીં. એણે કહ્યું ચલ મળીએ. અને મેં હા કહીને અમે બસમાંથી ઉતર્યા, પોતપોતાની કોલેજ તરફ એકઝામ આપવા ચાલ્યા. હું બીજા પ્લેટફોર્મ પરથી પહેલા પર ગયો, વિચારવા લાગ્યો કે આ એકઝામ પુરી જ ના થાય તો સારું : વરસોના વરસ ચાલે તો કેવી મજા પડે !


"ના સમજાય એવી જિંદગી પળમાં સમજાય જાય,

અમુક ક્ષણો વીત્યા બાદ તેમાં વર્ષો વિતાવવાનું મન થાય."


આખા ચોવીસ કલાકમાંથી ત્રણ કલાક એવા નીકળતા જેમાં હું કોઈ સાથે વાત ન કરી શકું, નહતો હલનચલન કરી શકું. બસ એક જગ્યા પર બેસીને કંઈક નું કંઈક લખ્યા કરવાનું. અને મારું મન યાત્રી સાથે વીતેલા પોણા કલાકમાં જ રમતું હોય. એ મુશ્કેલીના કલાક વીતી ગયા અને આજનું પેપર પૂરું થયું, હું ફટાફટ લાલદરવાજા પહોંચ્યો. હંમેશની જેમ એતો આવી જ નહતી. મેં બે-ત્રણ બસ જવા દીધી પણ એ દેખાઈ નહીં. જ્યારે આપણે રાહ જોતા હોઈએને ત્યારે આપણી એક-એક મિનિટ કેમની નીકળે તેની આપણને જ ખબર પડે. એવાકમાં રીસેસ પહેલાની છેલ્લી બસ આવી, બધા ચડી ગયા હું વિચારવામાં રહી ગયો, સીટ બધી જ ભરાઈ ગઈ. બસ ઉપડવાની જ હશે અને મેં નિર્ણય લીધો કે એને કદાચ એના ભાઈ આવી ગયા હશે લેવા. હું બસમાં ચડી ગયો, બસ ઉપડી અને પાછળથી બૂમ આવી 'ઓ...ય…' પણ આ વખતે ડ્રાંઇવરે બસ ઉભી ના રાખી. હું અવાજ જાણી ગયો એટલે ફટાફટ આગળ જઈને ઉતરી જવાનું નક્કી કર્યું. ભીડને કાપીને આગળના સ્ટેન્ડ પર ઉતરી ગયો. ત્યાંથી ચાલતો-ચાલતો લાલદરવાજા તરફ ગયો. યાત્રીને કંઈ બીજું ના સમજે એટલા માટે હું મારી કોલેજ તરફના રસ્તેથી ફરીને ગયો. હું ત્યાં પહોંચ્યો પણ એ તો હતી જ નહીં. મને તો અફસોસ થઈ ગયો, યાર બે મિનિટ તો આખા લાલદરવાજામાં નજર ફેરવી લીધી. પછી થયું કે સાલું આ મારો ભ્રમતો નહતો ને ? જો એ આવી જ હતી તો બસસ્ટેન્ડ પર જ બેસી હોવી જોઈએ. હું ઉદાસ થઈને ત્યાં બેસી ગયો. હવે બસ ડોઢ કલાક પછી જ આવવાની હતી, એટલે હું ઝાડના છાંયે એક પથ્થર પર બેઠો અને ઝાડના ટેકે માથું કરી આંખ મીંચી.


પાછળથી અચાનક એક જોરથી અવાજ આવ્યો "ભાઉ..." હું અચાનક ઉભો થઈ ગયો કે શું થયું યાર ! યાત્રી મારી સામું ઉભી હતી, એક હાથ તેનો એના મોં પર અને બીજા હાથની આંગળી મારી તરફ કરીને જોર જોરથી હસી રહી હતી. હું ગભરાઈ ગયો હતો, હાર્ટબીટ એકદમ વધી ગઈ હતી, મારા મુખ પરથી ઉદાસી પળવારમાં ગાયબ થઈ ગઈ અને હોઠે સ્મિત આવી ગયું.

"શુ તું પણ યાર : ઘભરાઈ ગયો" હું પણ હસતા હસતા બોલ્યો.


"બે તું કેવો ડરપોક છે, આટલું બધું પણ ઘભરાઈ જવાય ?" એ હસતા હસતા જ બોલી. અમે બંને પેલા પથ્થર પર એકદમ અડોઅડ બેસી ગયા.


"બે પણ આમ અચાનક આવું થાય તો ચોંકી તો જાઉં ને. તમારો પણ વારો આવશે ધીરા 'રો હો." મેં કહ્યું.


"ભલે હો. અરે બસ જતી રહી મેં બૂમ પાડી પણ ઉભી ના રાખી." એ બોલી.


"હા મને ખબર છે." મારાથી ભૂલમાં બોલાઈ ગયું. મેં તરત જ નજર ફેરવી લીધી.


"તને કેમની ખબર ! હેં ?" એણે અચરજથી પૂછ્યું.


"ખબર જ હોયને ડોઢ વાગ્યાની છેલ્લી બસ હોય છે પછી એક કલાકની રીશેસ. હું ત્રણ દિવસથી આમાં જઉં છું પણ આજ મોડું થઈ ગયું." હું વાત ફેરવતા બોલ્યો.


"તો આમાં ઉદાસ કેમ થાય છે ?" એ બોલી.


"અરે હવે બીજી બસ દોઢ કલાક પછી આવશે." હું બોલ્યો.


"બસ દોઢ કલાક જ. એમ વિચાર. દોઢ.. કલાક.. એમ નહીં !" એ હકારાત્મક જ્ઞાન આપતા બોલી.


હું હસ્યો અને બોલ્યો.."અરે... દોઢ કલાક શુ અહીંયા બેસી જ રહીશું ? ચલ, ચા પીવા જઈએ." મેં પૂછી લીધું. આટલી હિંમત મારામાં ક્યાંથી આવી જાય છે સમજાતું જ નથી. એ થોડી વિચારમાં પડી મને એવું લાગ્યું કે, એને થયું હજુ તો મળે ત્રણ-ચાર દિવસ જ થયા છેને એણે ચા માટે પૂછી લીધું.


"અરે, શું વિચારે છે હું પીવડાવીશ ચા, તને નહીં કહું પૈસા આપી દે એમ" હું મજાકમાં બોલ્યો.


"અરે, ના એવું નથી હું એમ વિચારતી હતી કે તું ચા પીવે છે ?" એ બોલી.


"હાસ્તો ! કેમ તું નહીં પીતી ?" મેં પૂછ્યું.


"આપણે કટિંગ નહીં ફૂલ ચા જ પીએ બકા." એને આંખ મારતા કહ્યું.


"હા તો હાલ બકા હવે અડધો કલાક તો નીકળી ગયો." હું બોલ્યો. હું ઉભો થઈ ગયો પણ એના એક હાથમાં દુપટ્ટો હતો અને પથ્થર થોડો નીચો હતો એટલે એણે બીજો હાથ મારી સામે કરી'ને બોલી "હાથ આપતો" ...બે મેં ક્યારેય આમ ક્યારેય કોઈ છોકરીનો હાથ પકડ્યો નથી હમણાં ત્રણ-ચાર દિવસથી મારી સાથે બધું નવું નવું થતું. મેં એનો હાથ પકડીને ધીમેકથી ખેંચ્યો : એ ઉભી થઈ.


"લક્કીએ જઈશું ?" મેં પૂછ્યું.


"અરે, મેં કઈ નથી જોયું યાર. તું લઈ જા" એ બોલી. આ છોકરીઓ કેટલું મીઠું મીઠું બોલતી હોય છે નહીં ! કોઈ પણ હોય મોહી જ જાય. એમનો બોલવાનો, વાતચીત કરવાનો અંદાજ જ અલગ હોય છે. ભલેને ગમેતેટલી મોટી આફત આવી પડી હોય, આ બોલે અને બધું જ શાંત પડી જાય.


"અરે, સીધી સૈયદની જાળી છેને એની પાસે જ આવી ચલ."


હું ચાલતા-ચાલતા હાથથી ઈશારો કરતા બોલ્યો. એ તેનો દુપટ્ટો ડોકથી ગોળ વાળીને બંને છેડા હાથમાં પકડી ચાલતી હતી. ચાલતા-ચાલતા ત્યાં રસ્તામાં પડેલા નાના પથ્થરને લાત મારતા એની સાથે રમતી હતી. મારી ઊંચાઈ કરતા એની ઊંચાઈ એક-બે ઇંચ જ નાની હશે. હું ચૂપ હતો હવે એ બોલશે પછી જ બોલીશ એવું વિચાર્યું. પેલો પથ્થર રોડની વચ્ચે જઈને પડ્યો. અને એ રમતમાં-ને રમતમાં તે પથ્થરને લાત મારવા ગઈ 'ને અચાનક પાછળ બસ આવી મેં તરત જ એનો ડાબો હાથ પકડીને ખેંચ્યો, એ સખત બચી ગઈ યાર ! સારું થયું મારુ ધ્યાન એના પર જ હતું. મેં એને ખેંચી, બસ એકદમ નજીકથી ગઈ એટલે એણે બૂમ પાડી.


હું બોલ્યો "બે ભાન નથી પડતું આગળ પાછળ જો તો ખરાં ! તને કંઈક થઈ ગયું હોત તો !" મારી હાર્ટ બીટ સખત વધી ગઈ હતી. હજુ મેં એનો હાથ છોડ્યો ન હતો. એ ખુબજ ગભરાઈ ગઈ હતી.


"અરે સોરી યાર, આ પેલા પથ્થરના કારણે : બચી ગઈ યાર થેંક્યું." એ થોડા ધીમા અવાજ માં બોલી.


"સારું સારું ચલ હવે ધ્યાનથી" હું હાથ છોડીને બોલ્યો.


એટલામાં વાત ફેરવતા એ બોલી "તારા પેપર કેવા જાય છે ?"


"આવે એવા જાય છે" હું બોલ્યો.


"કેમ એવું બે ! તને આવડતું નથી કંઈ ?" એ બોલી.


"ના..રે.. એવું કઈ નહીં પણ યાર વધારે કઈ લખાતું નથી અને જે છેલ્લું પેપર છે એમા તો કઇ જ નથી આવડતું" હું બોલ્યો.


"બે દિવસ પછી છે ને છેલ્લું પેપર ! તો તું એના આગળની દિવસે બુક લઈને આવજે, મને જે આવડે છે એ હું તને શીખવાડીશ." એણે કહ્યું.


"અરે વાહ થેંક્યું, તારા કેવા જાય છે પેપર ?" મેં પૂછ્યું.


"સારા જાય છે હું ટ્યુશન કરું છું એટલે." એણે કહ્યું. એટલામાં લક્કી ટી સ્ટોલ પર પહોંચી ગયા.


એક બાજુ બે ખુરશી એક ટેબલ હતું અમે ત્યાં જઈને બેઠા. મેં ઓડર આપ્યો બે આખી ચા. થોડીક વાર ખામોશ રહ્યા. એ ડરી ગઈ હોય એવું લાગ્યું એટલે એ કઈ બોલી નહીં. મેં શરૂઆત કરી.


--- ઓય... બધું ઠીક-ઠાક તો છેને !


--- હા, પણ કેવું થઈ ગયું નહીં !


--- અરે, ભૂલી જા બધું ક્યાં કઈ થયું જ છે ? બોલ બીજું કંઈક.


--- શું બોલું..!


--- ઉં, તારા વિશે જ જણાવ કંઈક.


--- કંઈજ નથી યાર મારા વિશે જાણવા જેવું.

(એ અંગત વાત છુપાવતી હોય એમ બોલી, એટલાકમાં ચા આવી ગઈ)


--- તારા કોઈ ફ્રેન્ટ્સ નથી ?


--- હા છે ને પણ અહીંયા નથી. મારી કોલેજ પણ એક્સટર્નલ તરીકે છે એટલે હમણાં કોઈ નથી અહીંયા.


--- એટલે તું બીજે ક્યાંકથી આવી છે ?


--- હા.


--- બરાબર.

(વધારે અંગત ન થવાયું)


--- તારા નથી કોઈ ફ્રેન્ડ્સ ? બસમાં કોઈ સાથે વાત નહીં !


--- હા, સ્કૂલમાં હતા પણ જે પાસ થયા એમને અલગ લાઈન પકડી અને અમુક ફેઇલ થયાં. કોલેજમાં તો ખાસ જતો નથી એટલે નથી.


--- અચ્છા એવું છે !


--- હાંજી.


--- હવે શુ ચિંતા કરે હું છુંને તારી ફ્રેન્ડ.

(મસ્ત સ્માઈલ સાથે બોલી)


--- અરે વાહ, બે સાચું કહું મને લાગતું જ નથી, મને વિશ્વાસ જ નહીં થતો.


--- શું નથી લાગતું તને ?


--- કે હું આમ કોઈ છોકરી સાથે ચા પી રહ્યો છું, આ બધું મારા માટે બઉ નવું-નવું છે. અજાણ્યું છે. મેં આટલી વાત કોઈ છોકરી સાથે નથી કરી જેટલી તારી સાથે આ ગયા ત્રણ દિવસમાં થઈ છે.


--- શું વાત કરે બે ! સ્કૂલમાં પણ નહતી કોઈ છોકરી તારી ફ્રેન્ડ ?

(હસતા હસતા આશ્ચર્યચકિત થઈને પૂછ્યું)


--- ના, નથી. કેમકે આખી સ્કૂલમાં છોકરીઓનો અલગ વિભાગ અને છોરાઓનો અલગ. ક્લાસમાં બધા છોકરાઓ જ હોય.


--- બે આટલો બધો સીધો છે તું ! મને લાગ્યું જ નહતું. મને લાગ્યું : હશે ત્રણ-ચાર ગર્લફ્રેન્ડ કોઈ.


--- અરે રે, આવું થાય તો તારા માટે બે-બે ચા

(હસતા હસતા વાતો થતી હતી)


--- લે.. તું તો ડાયલોગ અલગ બોલ્યો 'તારા મોંમાં ઘી 'ને સાંકર. એવું ના આવે ?


--- હમારા આપના અલગ અંદાજ હે.


--- અરે વાહ મિસ્ટર કલાકાર.


--- હા તો મિસ મુસાફિર આપકે સફરમે કોઈ હમસફર હે ક્યાં !


--- ના જી ના, હમ અપને રાસ્તે ખુદ બનાતે હૈ ઓર ચલતે ભી અકેલે હે.


--- મતલબ સફરમે કિસીસે મુલાકાતભી નહીં હુઈ?


--- લો જનાબ આપસે હો ગઈ.

(બંને હસ્યાં. ચા પુરી થઈ અને અમે બસસ્ટેન્ડ બાજુ નીકળ્યા.)


હરેક વ્યક્તિની અલગ સુગંધ હોય છે, જ્યારે આપણી આંખ બંધ હોય છતાં તે વ્યક્તિને આપણે ઓળખી જઈએ છીએ. જે ખરા તડકાથી થતા પરસેવામાં પણ બદલાતી નથી. વ્યક્તિ પોતાના તનની સુગંધ ઓળખી શકતો નથી કેમકે તેણે તે તરફ ધ્યાન દોર્યું હોતું નથી અને તેને આદત થઈ ગઈ હોય છે. જેથી તેની કોઈ અસર શ્વાસમાં નથી જણાતી. અમુક વ્યક્તિઓના તનની સુગંધ આપણને ખુબજ ગમતી હોય છે.


આ ચા પણ કેટલી જલ્દી પુરી થઈ જાય છે ! અને આ વાતો અધૂરી જ કેમ રહી જાય છે ? આજે પહેલી વાર ચા પીતી વખતે કોઈનું સાથે હોવું જરૂરી લાગ્યું. ચાની હરેક ચૂસકી એટલી ધીમેકથી લેવાય ના પૂછો વાત. કેમકે સમય થોડો વધારે વીતે, ધીરે ધીરે વહે, એનો સ્વાદ પણ જીભ પર રહે. અમે નીકળ્યા, એને એનો દુપટ્ટો એના ગળેથી એક આંટો મારીને એક છેડો આગળ અને એક છેડો પાછળ એમ રાખ્યું. આંખો પર કાજલ આછું હતું, એના કાળા વાળથી અલગ સહેજ ભૂરી પડતી એની લટ હવાના ઈશારા સમજતી હોય એમ આમથી તેમ રમ્યા કરતી, અને એ એની એક આંગળી વડે લટને ધીમેકથી ચૂપ કરાવીને એના કાન પાછળ બેસાડી દેતી. જેમ નાના છોકરાઓને હોઠ પર આંગળી મુકાવે ! હું આ બધું જોતો હતો : નજર છુપાવીને. મારે કહેવું જ હતું કે "ઉડવા દેને એને, તારી આંખોની આગળ આવીને ઘણા લોકોને બચાવી લે છે." પણ આ બધું વિચારોમાં જ સારું લાગે. કહેવા જઈએ તો ડર એ વાતનો સતાવે કે કાલે મારી બસની બાજુવાળી સીટ ખાલી ના રહી જાય. જોકે ખાલી તો ના રહે પણ ખામોશ અને અજાણી જરૂર થઈ જાય.


અમે બસસ્ટેન્ડ પહોંચ્યા, બસ આવીને હું ધક્કામુક્કી કરીને પેલી હોટસીટ પર બેસી ગ્યો, બાજુમાં બેગ મૂકી દીધું. યાત્રી આવીને ત્યાં બેસી.

"અરે આટલી બધી ધક્કામુક્કી, કેમ આટલી બધી તકલીફ ઉઠાવે ?" એ બોલી.


"જો અત્યારે તકલીફ નહીં ઉઠાવીએ તો હોટસીટની મજા મિસ થઈ જશે અને ધક્કા ખાતા-ખાતા જવું પડે એ વધારાનું." મેં કહ્યું.


એણે એના બેગમાંથી બોટલ કાઢી અને મને આપતા બોલી "લે પીવું છે ?" તો હું પણ ક્યાં ના પાડવાનો હતો.


હું પાણી પીતા પીતાં બોલ્યો "તને ખબર છે, આ પાણીની બોટલથી બસમાં કે કોલેજમાં છોકરી છોકરાની ફ્રેન્ડશીપ થાય."


"એ કેવી રીતના ?" એણે આશ્ચર્યથી પૂછ્યું.


"અગર કોઈ છોકરાને કોઈ છોકરી સાથે વાત કરવી હોય તો વાત કરવાનું કંઈક કારણ તો હોવું જોઈએને ? એટલે ક્યારેય કોઈ છોકરો પાણીની બોટલ લઈને ના આવે અને છોકરી લઈને જ આવે. છોકરીને એમ હોય કે કોઈ પાણી માંગશે અને ફ્રેન્ડશિપ થશે, અને જો કોઈ છોકરીએ પાણી માટે ના પાડી અથવા એમ કહ્યું પાણી પતી ગયું, તો સમજી લેવાનું કે હવે અહીંયા આપણુ કામ નથી." મેં આખું ભાષણ કરી નાખ્યું.


"અરે યાર કાશ મેં પણ રેગ્યુલર કોલેજ કરી હોત. આ બધું જોવા મળ્યું હોત." એ બોલી.


"અરે પણ તે કોલેજ કેમ રેગ્યુલર ના કરી ?" મેં પૂછ્યું.


"અરે યાર હું બીજી સિટીમાંથી આવી છું પપ્પાનું ટ્રાન્સફર થયું એટલે. મારી કોલેજ ત્યાં ચાલુ પણ થઈ ગઈ હતી પણ મારે બધું છોડીને અમદાવાદ આવવું પડ્યું. એક વર્ષ બેસીતો ના રહેવાય એટલે એકસ્ટર્નલમાં કરી લીધી કોલેજ." એણે એની અંગત અમુક વાતો પણ કીધી.


"અચ્છા, સારું છે એક વર્ષ તો ના બગડ્યુંને. પણ તું બધી મજા મિસ કરીશ." હું બોલ્યો.


"અરે સાંભળ હવે તો આપણે ફ્રેન્ડસને કેમકે તે મારી બોટલમાંથી પાણી પીધું." એ બોલી.


"આપણે તો પહેલા દિવસથી જ બની ગયા હતા." હું બોલ્યો.


"અરે પણ તે તો પાણી માંગ્યું નહતું 'ને મેં ત્યારે આપ્યું નહતું ! તો ત્યારે કેમના બની ગયા ફ્રેન્ડ્સ ?" એને પૂછ્યું.


"અરે એમાં પણ જાણવા જેવું છે. આ AMTSની જે બસ છેને, એમાં પણ અમુક રૂટની બસ ક્યારેય ખાલી ના હોય. લોકો સીટ માટે મરતા હોય.."


હું બોલતો હતો ત્યાં એ વચમાં બોલી. "હા મને ખબર છે. હજુ તો બસ આવી હોય 'ને ત્યાં જ લોકો બારીમાંથી બેગ સીટ પર મૂકી દે અને કહે જગ્યા રોકાઈ ગઈ. પછી એ જગ્યા પર કોઈ આવીને બેસી જાય તો બબાલ થાય."


"હા, તો આવામાં કોઈ છોકરો કોઈ છોકરીને સીટ આપે તો શુ સમજવાનું ? બંને બની ગયા ફ્રેન્ડ્સ." હું બોલ્યો.


"અરે વાહ વાહ, તમારું અમદાવાદ : છોકરી પાણી લઈને આવે અને છોકરો બસની સીટ આપે. અમદાવાદમાં કોલેજ જવાની અને કોલેજમાં આ બધું જોવાની બઉ મજા આવે." એ બોલી.


"અરે અમૂક લોકો કેવું કરે ખબર આ 142માં બસ ઉપડેને એટલે છોકરો પોતાની બાજુવાડી સીટમાં સ્કૂલમાં ભણતા નાના છોકરાને બેસાડી દેય, જેને આગળના જ કોઈ સ્ટેન્ડ પર ઉતરવાનું હોય. તે કોલેજીયન છોકરાએ પેલા નાના છોકરાને સમજાઈ દીધું હોય કે જો બેટા પેલા દીદી અહીંયા આવેને તો જ તું ઉભો થજે નહીંતો કોઈ બીજું બેસી જશે. આમ છોકરીને પોતાની સાથે બેસાડવા કેટ-કેટલુંય કરે લોકો અહીંયા." મેં આખી વાર્તા કીધી હોય એવું લાગ્યું.


"અરે.. એટલે તે મને સીટ આપી હતી ? અને હા મે તો તને પહેલી વાર ના પણ પાડી હતી !" એ બોલી.


"અરે ત્યારે મારા મનમાં એવું કઈ જ નહતું. આમતો હું કોઈને પણ મારી સીટ ના આપું. ખાલી સિનિયર સીટીઝન હોય તો જ આપું. પણ એ દિવસે તું હાંફતી હતી અને તને ખાંસી પણ ચઢવા લાગી, એટલે તને સીટ આપી." હું બધી વાતોનો ખુલાસો કરતો હોય એમ બોલ્યો.


"અરે હા.. હા.. પણ હવે તો આપડે ફ્રેન્ડ્સ છીએને ?" એણે પૂછ્યું.


"હાસ્તો વળી" હું બોલ્યો. બસ આવી બધી વાતોમાં અમે દોસ્ત બની ગયા, અને એનો ઉતરવાનો સમય આવી ગયો.


એક દિવસમાં, અઠવાડિયામાં, મહિનામાં, વર્ષમાં કે આખા જીવનમાં એક એવી વિરહની ક્ષણ આવતી જ હોય જેને આપણે છોડવા ઇચ્છતા જ ન હોઇએ. અને તે એક રિવાજની જેમ માનવું જ પડે.


એણે આટલા દિવસોમાં જતી વખતે ક્યારેય BY નથી કહ્યું. આ વખતે પણ જતી વખતે કહ્યું, "આવજે..." અને હું બોલ્યો, "હા, ચલ મળીએ." ચલો, એક વિશ્વાસ બેસી જાય કે કાલે એ આવશે અને આવશે જ. હું ઘરે પહોંચ્યો. ફ્રેશ થઈને થોડું ઘણું વાંચી લીધું. પણ વાંચતા-વાંચતા એના વિચારો ધ્યાન ભટકાવતા. પછી હું જ મારા માથા પર ટપલી મારીને કઉ કે બઉ ના વિચાર એના વિશે, વાંચવામાં ધ્યાન આપ. સાંજની ક્યારે રાત પડી સમજાયું જ નહીં. હું ધાબા પર ગયો, વાદળ હતા એટલે ચાંદ દેખાયો નહીં : હું એની સાથે વાત ના કરી શક્યો. કાનમાં હેન્સ્પ્રીં લગાવી સોંગ સાંભળવા લાગ્યો અને સાથે એના વિચારો, ગાવાનું તથા સાથે-સાથે નાચવાનું. પછી નીચે આડો પડ્યો, 'ને ક્યારે ઉંઘ આવી ખબર જ ના પડી. એ પછીના સપના વિશે તો જો તમે સાંભળશોને તો હસસો જ યાર. આમતો આખું સ્વપ્ન યાદ નથી પણ રિવરફ્રન્ટ અમે જોડી સાયકલ એટલે કે એકજ સાયકલ બે જણ ચલાવી શકે : તેની પર બેઠા. હું જોરજોરથી ગીત ગાવા લાગ્યો "સાયકલ સાયકલવા મારી સોનાની સાયકલવા..." અને બંને દિલ ખોલીને હસતા. હું આગળ હતો અને મેં જેવો મોબાઈલ કાઢ્યો સેલ્ફી લેવા માટે ત્યાં ટાઈમ દેખાયો : સવારના સાત વાગવામાં દસ મિનિટ બાકી હતી.


પાંચમો દિવસ


પહેલા તો હું સપનામાં જ ચોંકી ગયો કે આ શું ? સાત વાગી ગયા. પછી મેં મારી એક આંખ ખોલી મોબાઈલમાં જોયું તો સાચેમાં સાત વાગવા આવ્યા હતા. હું સફાળો બેઠો થયો. ઘરે કોઈ હતું નહીં એટલે કોઈ ઉઠાડે પણ કેમનું ? સાતને પાંચની બસ હતી, હું ફટાફટ બ્રશ કરીને નાહ્યા વગર બેગ ઉઠાવીને દોડ્યો. હું ઘરેથી નીકળ્યો ત્યારે જ સાતને દસ થઈ ગઈ હતી. હું જેવો બસસ્ટેન્ડ પહોંચ્યો મને બસ જતી દેખાઈ. મેં પાછળ રીક્ષા આવતી જોઈ અને ઉભી રખાવીને બેસી ગયો. રીક્ષા વાળા કાકાને કહ્યું કે પેલી બસ ઓવરટેક કરી દોને. કાકાએ એમની જૂની રિક્ષાને જેટલી ઝડપથી ભગાવી શકતા એટલી ભગાવી પણ બસ હાથમાં ના આવી. મેં રબારી કોલોનીથી BRTSની બસમાં જવાનું વિચાર્યું અને ત્યાં સ્ટેન્ડ પર ટિકિટ લઈને બેઠો. અરે યાર… મારે આ ઊંઘનું કંઈક કરવું પડશે, હું વહેલો કેમ ના ઉઠી શક્યો. હું યાત્રી સાથે જવાનું ચુકી ગયો, મને માફ કરજે યાત્રી. હૃદયને જાણે કોઈ ભારે આઘાત લાગ્યો હોય તેમ ડરીને સંકોચાઈ ગયું હતું. હોઠોને આજ સ્મિતની જગ્યાએ ઉદાસી મળી.


જ્યારે રિક્ષામાં હતો ત્યારે લાગતું હતું કે બસ મળી જશે : યાત્રી મળી જશે. પણ બસ છૂટી ગઈ તો દિલની ધડકન પરાણે ચાલતી હોય એવું લાગ્યું. ગીત સાંભળવાનું મન ના થયું. અને સવારની ચા પીધી નહતી એટલે મિજાજ વધારે બગળ્યો. હું BRTSમાં કોલેજ પહોંચ્યો. હું આજ વિસ મિનિટ મોડો પડ્યો, સારું થયું કે મને પરીક્ષા આપવા બેસવા દીધો. લખવામાં હવે ઓછો સમય બચ્યો હતો તો પણ મનમાં વિચારો આવવા લાગ્યા કે યાર યાત્રીને સીટ મળી હશે કે નહીં ! હું આજે નહીં આવ્યો એટલે એ શુ વિચારતી હશે ! અને બીજું ઘણું બધું.


હમણાંથી મળતી એક ધારી ખુશી આજ ક્યાંક છુપાઈ ગઈ

જે જામ પીવાની મજા આવતી હતી તે ગ્લાસ હાથેથી જ ઢડાઈ ગઈ


એકલતામાં સમય કેમનો જાય છે એ આજ ખબર પડી, એની સાથે તો કેમનો વીતી જતો કંઈ સમજાતું જ નહીં. વિચારો આડા-અવડા આવતા. હું ક્યારેક એના વિશે પણ જવાબમાં લખતો : મજા આવતી'તી. પેપર મેં પાંચ મિનિટ પહેલા જ પૂરું કરી લીધું, ફટાફટ ભાગ્યો સીધો લાલદરવાજા બસસ્ટેન્ડ. મેં જોયું : એ આજ મારી પહેલાં આવીને બેઠી હતી. મને તો પહેલા વિશ્વાસ જ ના થયો કે એજ છે કે કોઈ બીજું ? બ્લેક ટીસર્ટ અને ડેનિમ શર્ટ એના કમર પર બાંધેલો હતો. મેં આવો લૂક એનો પહેલી વાર જોયો, આમતો એ સાદા કપડામાં પણ મસ્ત લાગતી તો વિચારો આજે કેવી લાગતી હશે ! હું એની સામે ગયો અને તે પેલા પથ્થર પરથી ઉભી થઈ.


હું જેવું પાસે જઈને હાથ હલાવી હાઈ બોલ્યો, એને બોલવાનું ચાલુ કર્યું. "આવો મહાશય પધારો.. બઉ વહેલા આવ્યા તમે, મારી પાસે થાળી દીવો નથી, નહીતો આરતી ઉતારત તમારી. ક્યાં હતો સવારે ? કઈ બસમાં ગયો હતો ?"


"અરે, પેલા શ્વાસ તો લઇલે, પછી સ્વાગત કરજે અને હું વહેલો આવ્યો છું ? જો તું કહે છે તો થોડીક વાર પછી આવું !" હું હસતા હસતા જ બોલ્યો.


"સારું જા તું.. પંદર મિનિટ પછી જ આવ." એ ટોન્ટમાં બોલી.


"ના હવે રેવા દે પાછું કાલની જેમ કલાક વેઇટ કરવી પડશે. તું કેમ પણ આજ વહેલી આવી !" મેં પૂછ્યું.


"તું પહેલા એમ બોલ સવારે ક્યાં હતો ? કઈ બસમાં ગયો તો ? વેલા આયો 'તો કે મોડા ?" એણે આટલા બધા સવાલ એક સાથે પૂછી લીધા જાણે મારી પર હક જમાવતી હોય એમ.


"અરે યાર ઘરે કોઈ હતું નહીં તો સાત વાગે આંખ ખુલી, તો મોડું થઈ ગયું." મેં જવાબ આપતા કહ્યું.


"કેમ આટલું મોડું.. કોના સપનામાં ખોવાયેલો હતો, સાત વાગી ગયા તો પણ ખબર ના પડી !" એ હસતા હસતા બોલી. હવે કહેવાય તો નહીં કે તારા જ સપનામાં હતો તું ત્યાંથી છોડે તો હકીકતમાં આવું ને !


પછી આવું બોલ્યો કે "બે રાત્રે ઊંઘ વેલી આવી નહીં અને આવી તો સવારે વેલી ગઈ નહીં."


"તું પણ યાર ! હું બસમાં ચડી પછી જોયું તો તું હતો જ નહીં ત્યાં કોઈ માસી બેઠા 'તા એમને એમનું પર્સ બાજુની સીટમાં મૂક્યું હતું. મેં પૂછ્યું કોઈ આવે છે ? તો કે ના બેસી જા. આજ તું નહતો તો બસમાં અજાણ્યું-અજાણ્યું લાગ્યું બોલ." એ બોલી.


"ના હોય, સાચું ?" હું મજાકમાં બોલ્યો.


"મેં એમ વિચાર્યું હતું કે આપડે આજ અમદાવાદ ફરવા જઈશું. પરીક્ષા પછી હું ઘરેથી નહીં નીકળી શકું, પણ હવે કાલે જઈશું." એ બોલી.


"હા પણ ચલને તો આજે જઈએ આપણે, શુ તકલીફ છે ?" મેં પૂછ્યું.


"અરે કાલે સ્ટેટનું પેપર છે તો મારે થોડા દાખલા ગણવાના બાકી છે અને આજ હવે મોડું પણ થઈ જશે એટલે કાલે જઈશું. આજ તો જો તું નાહ્યા વગર આયો હોય એવું પણ લાગે છે." આ છેલ્લા વાક્યમાં એણે મારી ઉડાવી લીધી, અને સાચું હું ન'તો જ નાહીને આવ્યો.


"સારું, તો હું કાલે નાઈને આવીશ બસ." અમારી વાતોમાં પહેલા જ એક બસ આખી ભરાઈને જતી રહી. બીજી બસ આવી અને અમે એજ હોટસીટ પર બેઠા.

"હા તો આપડે કાલે ક્યાં ફરીશું ?" એ વાળ સરખા કરતા બોલી.


"કાલે જવાનું છે ને આજ શુંકામ ચિંતા કરે છે ? જ્યાં જેટલું ફરાશે એટલું ફરીશું." મેં કહ્યું.


"તું અમદાવાદ સિવાય બીજે ક્યાંય દૂર ફરેલો છે ?" એણે પૂછ્યું.


"હા ઘણી બધી જગ્યાએ, પણ એને ફર્યા ના કહેવાય એવું." મેં જવાબ આપ્યો.


"લે એ કેવું ફર્યા પણ ફર્યાં ના હોય એવું ?" એ બોલી.


"હું ફેમેલી સાથે ફર્યો છું અને એ પણ મોટી લકઝરીમાં પચાસ-સાહિઠ લોકો જોડે : બધા ધાર્મિક. જ્યાં હોય ત્યાં મંદિરે જ ઉભી રેય ગાડી : મજા ના આવે." હું બોલ્યો.


"તો મજા કેમની આવે જનાબ !" એણે પૂછ્યું.


"આમ અચાનક બુલેટની કિક્ક વાગે અને મહિના બે મહિના સુધી પાછું જ ના આવવાનું હોય. જ્યાં જઈએ ત્યાં જેટલું રોકાવું હોય તેટલું રોકાવાનું. બધાના વિશે જાણવાનું, સમજવાનું, જોવાનું, ખાવાનું, પીવાનું.. અને બીજું ઘણું બધું. એકલા અને બઉ બઉ તો બે જણા. આમ લદાખ બાજુ આંટો મારવા નીકળ્યા હોય તો કેવી મજા આવે ?" હું જ્યારે કમાતો થઈશ ત્યારે આમ કરવાની મારી ઈચ્છા હતી એ મેં તેને કહી.


"હા યાર એકલા હોઈએ તો મનના રાજા. જે કરવું હોય એ થાય. અગર કોઈ એક સાથે હોય તો સેફ્ટી રે, વાતો થાય, અને કાંડ કરવામાં ભાગીદારી પણ થાય. કોઈને કંઈ કહીએ કે આવું થયું હતું ત્યારે સાક્ષી પુરવા માટે કેવાનું ને "પૂછી જોજે એને ! એમ." એણે કહ્યું.


"હા એ વાત પણ સાચી. ક્યાંક અટવાયા હોય તો બીજુ બાર કાઢે. કોઈનું સાથે હોવું જરૂરી છે." હું હામી ભરતા બોલ્યો. અમે બંને એમ ના કહી શક્યા કે બંનેને એક બીજાના સાથની જરૂર છે. પણ ચાલો ક્યારેક તો કહેવાશે ને!


"અરે યાર પણ પરમદિવસે તો અકાઉન્ટનું પેપર છે મને નથી આવડતું." અચાનક હું બોલ્યો.


"અરે મેં તને કહ્યું તો હતું ! તું લઈને આવજે કાલે પુસ્તક, હું તને શીખવાડીશ." એને કહ્યું.


સારું વાંધો નહીં હું બોલ્યો 'ને બાર જોયું તો એના ઉતરવામાં ત્રણ ચાર જ સ્ટેન્ડ બાકી હશે.


ત્યાં જ એ બોલી "તું કાલે આવીશ તો ખરો ને..! આજ જેવું ના કરતો મહેરબાની કરીને…. પ્લીઝ.." આયે.. હાયે.. જ્યારે એ પ્લીઝ બોલીને ત્યારે એવું થયું કે ઘરે જ ના જાઉં,

એટલે હું બોલ્યો "અહીંયા જ રોકાઈ જાવ કહેતી હોય તો !"


"ના..ના.. હો બકા આપડે, તમે આજ નાહ્યા નથીને એટલે કાલે નાઈને આવજો." એટલું એ બોલી, બંને હસ્યાં અને છુટા પડ્યા.


ગમે-તે અજાણ્યા વ્યક્તિ સાથે અમુક સમય પસાર થયાં બાદ, વાતો કર્યા બાદ એક-બીજાના નજીક આવી જઈએ. પછી શરમ કે ડર જેવું કંઈ ખાસ રહેતું નથી બંને એક બીજા સાથે ગોઠવાઈ જાય છે.

હું જ્યાં રહેતો હતો ત્યાં મારા બે-ત્રણ મિત્રો હતા. હું મારી ઘણી બધી વાતો તેમને કહેતો, પણ ખબર નહીં કેમ ? યાત્રી વિશે હું કોઈને કહેવા નહતો માંગતો. એની વાતો અને યાદો મારી સાથે - મારા સુધી જ રાખવા માંગતો. હું જ્યારે પણ એકલો બેઠો હોઉ કે એમની સાથે, મને હવે એક કમી મહેસુસ થતી : મિસ મુસાફરની. જ્યારે મારા મિત્રો સાથે બેઠો 'ને ત્યારે થઈ ઈચ્છા કે હું યાત્રી સાથે જે બન્યું એ બધું એમને કહું, પણ પછી વિચાર્યું કે આ લોકો ગપ્પા જ સમજશે. એટલે હવે જ્યારે યાત્રી સાથે પેલીવાત થઈ જાયને પછી જ બધાને બધું જ કહીશ. અરે... હું તો પેલીવાતનું પણ વિચારવા લાગ્યો, પણ પેલીવાત કહેવા માટે એના દિલમાં પણ મારા માટે મારા જેવી લાગણી હોવી જોઈએને !


એકતો મારી માંડ કોઈ છોકરી સાથે આમ અડીને ફ્રેન્ડશીપ થઈ હોય અને એમાં પણ હું પેલી વાત કહીને બધું બગાડું. હા, જ્યારે મને એવું લાગશે કે યાત્રીને પણ મારા માટે છે કંઈક, તો હું કહેવાનું વિચારીશ. દિવસ પૂરો થયો અને રાત પડી, વાંચવામાં હવે મન નહતું લાગતું. હું ધાબે જઈને પેલા ચાંદની રાહ જોવા લાગ્યો. મારે ચાંદને ઘણી બધી વાતો કહેવી હતી. આજ કાલ ગીત સાંભળવાની જાણે આદત જ ન પડી ગઈ હોય ! એમ હેંડ્સ-ફ્રીને હું મારાથી દૂર જ ન રાખું. એણે સંભળાવ્યા હતા તે ગીતોનું મેં અલગ પ્લે-લીસ્ટ બનાવી લીધું હતું, અને હું ખાસ કરીને એ જ સાંભળતો હતો. આખા દિવસમાં એના સાથે વીતેલી પળો હું યાદ કરતો. એની વાત ચાંદને જ કરતો, અને પેલું આજનું સપનું ? આયે..હાયે.. યાર એણે પૂછ્યું ને ત્યારે મારે કહી દેવા જેવું હતું : મજાકમાં. અરે કાલે તો ફરવા પણ જવાનું છે : ક્યાં લઇ જઈશ હું એને ? સવારે પરીક્ષા પછી બપોરે ખૂબ ગરમી હશે, તો બપોરે આલ્ફાવન મોલમાં લઈ જઈશ, અને ત્યાંથી રિવરફ્રન્ટ પછી ગાર્ડનમાં મારે જે શીખવું છે એ પણ આવડી જશે અને એની સાથે સમય પણ વધારે પસાર કરી શકીશ.


કાલે આમ અંગત રીતે એની સાથે ફરવાનો ઉત્સાહ મને સુવા નહતો દેતો. ખાટલામાં પડખા ફર્યા કર્યા. ચાંદ તો છેક રાતના ત્રણ વાગે આવ્યો. પહેલાતો એના આવવાથી હાશકારો થયો, પણ થોડું હું રિસાઈ પણ ગયો. "જા આજ તારી સાથે વાત જ નથી કરવી. આટલું મોડું પણ કોઈ આવે યાર." હું મારુ મો ગોદડાંમાં સંતાડીને બોલ્યો. "હા મોડા પરથી યાદ આવ્યુ, બે યાર આજ હું મોડો પડ્યો 'ને બસ છૂટી ગઈ : યાત્રી પણ જતી રહી. પણ ખબર છે એણે મને ખૂબ યાદ કર્યો. થોડુંક ગુસ્સે પણ થઈ ગઈ હતી !" ચાંદ પહેલા કરતા થોડો ચોખ્ખો લાગ્યો અને જેમ વાત સાંભળવા મારા નજીક આવ્યો હોય એવું પણ લાગ્યું. હું થોડું હસ્યો એની સામે "હા.. તું કર સ્માઈલ, તને તો મજા આવતી હશે ને મારી બધી વાતો સાંભળવાની ! પણ જોજે, જો હું તને એનાથી મળાવીશને તો તું પણ તારો ચહેરો સંતાડી દઈશ.


જ્યારે તમે કઈક અનુભવો છો ત્યારે ખાતરી પૂર્વક કહીજ નહીં શકો કે તમને આ શું થઈ રહ્યું છે ? તમને એમાં ખૂબ મજા આવી રહી હોય છે અને એકદમ નવીન અનુભવ. ખબર નહીં આ શું છે ? પણ ગમે છે, મજા આવે છે. આ સમય પર કોઈ અનુભૂતિને ચોક્કસ નામ આપી દેવું મુર્ખામી સાબિત થાય અને જો બંને તરફી સ્વીકાર્ય હોય તો કઈ કહેવા જેવું જ નહીં : ચોક્કસ.


છઠ્ઠો દિવસ


આખી રાત એ વિચારોમા 'ને વિચારોમાં ઊંઘ જ ના આવી. સવારને મેં ઉગતા આજ જોઈ, ખબર નહીં કેમ લોકો એને 'સવાર પડી' એમ કહેતા હોય છે. હું ધાબેથી નીચે આવી ગયો. આમતો સાચું કહું, હું અમુક વાર નાહતો પણ નહીં અને એમજ કોલેજમાં પણ જતો રહેતો, પણ આજ એક કલાકથી હું તૈયાર થતો હતો. જીન્સ, ટીશર્ટ, 'ની ઉપર શર્ટ ખુલ્લો રાખ્યો. ત્રણ ચાર પરફ્યુમ હતા એમાંથી ઉતાવળમાં એક લગાવ્યું. હું પહોંચી ગયો. આજતો પંદર મિનિટ પહેલા જ ! મારે જરૂરી વસ્તુઓ છે કે નહી એ ચેક કરવા લાગ્યો. એટલામાં બસ આવી ગઈ. હંમેશની જેમ આજ પણ એજ હોટસીટ પર અને બસ ઉપડે પછી એને મળવાની રાહ ! આવશે તો ખરીને ? યાત્રી પહોંચી તો હશે ને ? એને આજ મોડું ના થાય તો સારું. આજે ફરવા તો જવાશે ને ?

બસ આવા જ વિચારો. જેમ-જેમ એની થોડું નજીક જવાતું એમ-એમ ધડકન વધતી જતી. હું મનોમન હસવા લાગ્યો. એ દૂરથી દેખાઈ, મને ઓળખાઈ ગઈ. એણે પણ જીન્સ, ટીશર્ટ અને ઉપર શર્ટ ખુલ્લું રાખ્યું હતું. માથે એકદમ જીણી બિંદી અને ગુલાબી હોઠની નીચેના ઉપસેલા ભાગ પર કાળું તલ કરાવ્યું હતું. મને આજ એ બહુંજ ગમ્યું. એ ઉપર ચડી અને પાસે આવીને બેઠી.


"હાઈ, બે તને પહેલાથી જ ખબર પડી ગઈ હતી હું શુ પહેરીને આવવાની હતી ? જો આપણે બંનેએ સરખું સરખું પહેર્યું છે" એ બોલી.


"અરે હા યાર, આવુ મેં પહેલી વાર ટ્રાય કર્યું. તું તો ગજબ લાગે છે અને આ અહીંયા તલની બંધબેસતી જગ્યા હોય એવું લાગે છે." મેં વખાણ કરતા કહ્યું.


"અરે તે લેડીસ પરફ્યુમ લગાવ્યું છે ?" એણે હસતા હસતા પૂછ્યું.


"ખબર નહીં હો !, મને આ બધામાં ખબર નથી પડતી." મેં કહ્યું.


એ વધારે હસવા લાગી. "બે તને આ બધામાં ખબર નથી પડતી એટલે કે તું ક્યારેય લગાવતો નથી અને આજ લગાવીને આવ્યો. આજ તે નવી કપડાંની સ્ટાઇલ પણ ટ્રાય કરી. આ બધું કોના માટે ?" એ ઈશારો કરતા બોલી. હું થોડો શરમાઈ પણ ગયો 'ને ઘભરાઈ પણ.


"અરે મહોતરમાં પેલા એમ કહો.. શું આ સુગંધ પણ મેલ-ફિમેલ માટે અલગ અલગ હોય, માન્યું કે ચલો કલરમાં થઈ ગયું કે ગુલાબી કલર છોકરીએ હક જમાવી લીધો, પણ આવું સુગંધથી કેમનું ખબર પડે ? મેં વાત બદલી નાખી અને વળતો સવાલ પૂછી લીધો.


"બે તું આવું બધું કેમનું વિચારી લે છે, જબરું હો તારું !" એ બોલી.


"અરે ઓ મહોતરમાં પેલા જવાબ આપો પછી આ બધું કહો." હું મશ્કરી કરતા બોલ્યો.


"અરે.. રે.. મને તો આનો જવાબ નથી આવડતો.. હવે ?" એ માસૂમ બનીને બોલી.


"હવે કઈ નહીં તમે પરીક્ષામાં ફેઈલ થશો." હું હસતા હસતા બોલ્યો.


"ખાલી એક જવાબ ના આવડ્યો એટલે ફેઈલ કરી દેવાની ?" એ એના નીચેના હોઠથી ઉપરના હોઠને દબાવતા બોલી.


"સારું સારું, આ વખતે તમારી ભૂલને નજરઅંદાજ કરવામાં આવે છે હવે પછી આવી ભૂલ થવી ના જોઈએ !" હું મજાકમાં હકમ કરતો હોય તેમ બોલ્યો.


આટલું થયા પછી અમે બંને જબરું હસ્યા. એ બોલી કે તું ડાયલોગની જબરી ગોઠવણ કરી લેય છે. હું પણ બોલ્યો કે શુ તમે પણ મહોતરમાં અભિનયમાં ઓછા છો ? એ શરમાઈ ગઈ. અમે વાતો કરતાને ત્યારે આજુબાજુ શુ થતું કઈ ખબર ના હોય. આજ તો હેન્ડ્સ-ફ્રી પણ યાદ ના આવી. વારે ઘડીએ એને જોવાનું મન કરતું. આંખો ત્રાંસી કરીને હું એને જોઉં તો અમારી બંનેની આંખો અથડાય. ત્યારે હું ઘભરાઈ જતો શરીરની નસોમાં વહેતુ લોહી અટકી ગયું હોય એવું લાગતું. આ બધો કંઈક અલગ જ અનુભવ હતો મારી માટે.


"બાયધવે આજે આપણે જવાનું છે ને ફરવા ?" એણે પૂછ્યું.


"હાસ્તો, મારે દાખલા પણ શીખવાના છેને ?" મેં કહ્યું.


"અરે હા, હા.. શીખવાડીશને !" એ બોલી.


"સારું તો આપણે પરીક્ષા પુરી કરીને અહીંયા જ મળીશું હોને ! ઓલ-ધ-બેટ્સ." હું બોલ્યો.


"તને પણ : શાંતિથી લખીને આવજે, ઉતાવળ ન કરતો." એણે કહ્યું.


"અરે પણ આપણે તો હજુ અડધે જ પહોંચ્યા છીએને !" મેં કહ્યું.


"બારીની બાજુમાં બેઠા છો મહાશય, થોડું બારીની બાર પણ જોઈ લો. હવે બે સ્ટેન્ડ જ બાકી છે ઉતરવામાં." એણે કહ્યું.


"અરે રે.. સાલું ખબર જ નહીં ક્યારે આટલે બધે પહોંચી ગયાં". મને એવું આશ્ચર્ય થયું 'ને હવે ખુદને પણ સમજાઈ ગયું કે કંઈક થઈ ગયું છે હું પાગલ તો નથી થઈ ગયો ને !


"હવે ભાનમાં આવો જનાબ, ઓર કહો તૈયારી કેસી હે ?" એણે પૂછ્યું.


"મને ગણિત તો મજા આવે, એટલે આવડે છે બધું પણ થીયરીનું કંઈક કરવું પડશે". મેં કહ્યું.


"અરે રે... મને ગણિત બિલકુલ નથી ગમતું : થીયરી બધી જ આવડે". એણે કહ્યું


"તો આજે દાખલા કેમના કરીશ ? કાલે કહ્યું હોત તો શીખવાડી ના લેત !" મેં કહ્યું.


"અરે એતો એક રાજ છે. પરીક્ષા પુરી કરીને કહીશ." એ બોલી.


લાલ દરવાજા આવી ગયું અને બસ ખાલી થવા લાગી, અમે છેલ્લે ઉભા થયાં.


"સારું ધ્યાનથી જજે, મળીએ હમણાં." મેં કહ્યું.


"સારું.. ટાટા.. આવજે..." એણે બસમાંથી ઉતરતા કહ્યું.


સ્વપ્નમાં છું હું કે હકીકતમાં ?

હતો હું કોની સાથે પહેલા ?

એકાંતમાં કે એકલતામાં ?

મળે જ્યારે જોવા એનો પડછાયો પણ

ઓળખી જાવ હું એને અંધારામાં પણ


હવે એ એના રસ્તે હું મારા રસ્તે. મારુ અંગ જ મારી સાથે હોય, જીવ તો એ સાથે લઈ ગઈ હોય એવું લાગ્યું. હું ચાલતો ચાલતો મારી કોલેજ તરફ ગયો. ક્લાસમાં પહોંચ્યો અને પેપર શરૂ થવાનું જ હતું. 'ને ત્યારે યાદ આવ્યું, અરે યાર, કેલ્ક્યુલેટર તો ભૂલી જ ગયો ! મને સખતનો આઘાત લાગ્યો. હવે શું કરીશ યાર ? મારી બાજુમાં એક છોકરી બેસતી હતી : મેં મદદ માંગી. એણે હા પાડી કહ્યું કે "મારુ કામ પૂરું થઈ જાય પછી આપીશ". મેં કહ્યું "સારું, વાંધો નહીં, થેંક્સ" : પેપર શરૂ થયું. મેં અમુક નાની નાની ગણતરી તો જાતે જ કરી પણ મોટી ગણતરી વખતે કેલ્ક્યુલેટર માંગવા માટે ઈશારો કર્યો. તેણે ગણતરી પુરી કરીને કેલ્ક્યુલેટર આપ્યું મને. ત્યાંજ ઇન્સ્ટક્ટર જોઈ ગયા. હું જબરદસ્ત ઘભરાઈ ગયો. મેડમ અમારી પાસે આવ્યા.

એમણે કહ્યું "ચોરી કેમ કરો છો? લાવો બંનેના પેપર." પેલી છોકરી ઉદાસ થઈ ગઈ.


મેં કહ્યું.. "મૅમ સોરી, હું કેલ્ક્યુલેટર ભૂલી ગયો હતો તો આમની પાસે માંગ્યું."


તો મેડમ વધારે ગુસ્સે થઈને બોલ્યા "આરગ્યુમેન્ટ કેમ કરે છે લાવો હવે બંનેના પેપર એકતો કામની સામગ્રી પણ સાથે લાવતા નથી અને આખા વર્ગને હેરાન કરો છો."


પેલી છોકરીની સામું જોયું તો લાગ્યું કે એ હવે રડવા જ લાગશે. મેં મૅમને વિનંતી કરી કે "મારુ પેપર લઈ લો પણ આમને લખવા દો."


મૅમ એ કહ્યું "સારું". હું જવાબવહી આપીને નીકળતો જ હતો 'ને મૅમ એ બૂમ પાડી કે આ ખાલી બેન્ચ પર બેસી જા, અને લખીલે પેપર. હું ખુશ થઈ ગયો અને જાતે ગણતરી કરીને જેમ આવે તેમ લખવા લાગ્યો. મારે થીયરી લખવાની રહી ગઈ અને દાખલા અમુક છૂટી ગયા. હું નિરાશ થઈને નીચે ઉતરતો હતો અને ત્યાં મારી બાજુવાળી છોકરી ઉભી હતી. મેં એની પાસે જઈને સોરી કહ્યું. એણે કહ્યું કે સોરીને છોડો થેંક્યું ને સાંભળો. એમ કહીને મસ્ત સ્માઈલ કરી. "પણ થેંક્યું કેમ ?" મેં પૂછ્યું. "અરે તમે મેડમને વિનંતી કરીને કે... આમને લખવા દો : એના માટે." એ ધીમા અવાજે બોલી. "અરે.. એમાં શું ? ભૂલ મારી હતી તો મારે જ સુધારવી પડે ને" હું બોલ્યો. "આહા ઉંચ્ચ વિચાર.." તે બોલી. "હું તો આમજ બોલ્યો." મેં કહ્યું. "સારું મારે મોડું થાય છે, કાલે મળીએ" એ છોકરી બોલી અને સ્મિત કરીને નીકળી ગઈ.


હું અચરજ પામ્યો, કે વાહ... એણે પણ બાય ના કહ્યું. હું મનમાં 'ને મનમાં હસ્યો અને ચાલતો થયો. બસસ્ટેન્ડ સુધી પહોંચતા હું યાત્રીના વિચારોને ભૂલીને પેલી છોકરીના વિચારોમાં હતો : ખબર નહીં કેમ ? કોઈ છોકરી સાથે વાત કરવાની હિંમત મને ક્યાંથી ક્યાં લઈ આવી. મને લાગ્યું કે હવે કોલેજ કરવામાં મજા આવશે : રોજ આવીશું. હું બસસ્ટેન્ડ પહોંચ્યો ત્યાં જ યાત્રી બંને હાથ એના કમર પર, આંખો પર કાળા ચશ્મા, અને હું જઈ રહ્યો હતો એ રસ્તા પર રાહ જોઈને ઉભી હતી. હું પાસે ગયો, એનું મોં થોડું ચડેલું હતું.


"હાઈ.." હું બોલ્યો.


"આવો આવો, કેટલું લખ્યું સાહેબ તમે ?, ક્યાં અટવાયા હતા ? ક્યારની હું રાહ જોઉં છું." એ બોલી.


"અરે પરીક્ષા પુરી કરીને સીધો જ અહીં આવ્યો. પણ ખબર નહીં આ વિસ મિનિટ ક્યાં બગળી જાય છે ?" મેં કહ્યું.


"સારું બેસ અહીંયા." એ ઝાડ નીચેની બેન્ચ તરફ ઈશારો કરતા બોલી.


"અરે, શુ બેસ ? ચાલ હવે જઈએ મોડું થશે તો વધારે નહીં ફરાય." હું હાથ આગળ વધારતા બોલ્યો.


"સારું, હાલો." એ મારો હાથ પકડી જોરથી દબાવતા બોલી.


બંને છેલ્લા પ્લેટફોર્મ પર આલ્ફાવન મોલ તરફ જતી બસની રાહ જોવા લાગ્યા. એણે મારો હાથ પકડ્યો હતો, મારી ધડકન એકદમ તેજ હતી. હું ચાહીને પણ કઇ બોલી નહતો શકતો. ખબર નહી આજ આગળ શુ-શું થવાનું હતું. મેં પણ એનો હાથ પકડી રાખ્યો. એના કોમળ અને નાના-નાના હાથને હું અત્યારે પણ મહેસુસ કરી શકું છું. એના તનમાંથી આવતી મહેક કંઈક અલગ જ પ્રકારની હતી. મારા હોઠ ફરફરતાં હતા, શું બોલવું ? એની કોઈજ સમજ નહતી. યાત્રીના મોબાઈલમાં કોઈકનો કોલ આવ્યો, એણે હાથ થોડો ઢીલો કર્યો અને મેં છોડ્યો. મોબાઈલમાં જોઈને "એક મિનિટ હો હું વાત કરીને આવું", એમ કહીને થોડી દૂર ગઈ. હું એની વાતો સાંભળી શકતો હતો. એના ભાઇનો કોલ હતો કદાચ. એ કહેતી હતી કે મારે આવતા મોડું થઈ જશે. હું મારી ફ્રેન્ડ કિરણ સાથે ફરવા જાઉં છું. એને કોલ કાપીને એના ઘરે કોલ કર્યો, એના મમ્મીને પણ વિનંતી કરતા કહ્યું, પ્લીઝ જવા દોને ! હું રાત પડ્યા પહેલા આવી જઈશ. એના પપ્પાએ પણ હા પાડી હશે. અને એ થેંક્યું થેંક્યું થેક્યું.. એમ ત્રણ વાર બોલી. જલ્દીથી પાછી આવી જઈશ એવી વાત કરતી હતી. એટલામાં બસ આવી, મેં એને બૂમ પાડી, યાત્રી... અને ઈશારો કર્યો કે બસ આવી ચાલ. હું બસમાં ચડ્યોને હાથ લંબાવ્યો, તે કોલમાં "ચાલો ટાટા.." કહીને મારો હાથ પકડ્યો. એને મેં બસમાં ખેંચી લીધી : બસ ઉપડી. બંને બસમાં તો ચડ્યા પણ ભીડ બહુજ હતી એટલે ઉભા રહેવું પડ્યું. એ મારી બિલકુલ સામે : મારી અને એની આંખો વચ્ચે લગભગ એક વેંતનું જ અંતર હશે. મારી ધડકન એટલી બધી વધી ગઈ હતી કે તે મને કાન સુધી સંભળાતી હતી. તે મોબાઈલ ખીચ્ચામાં મૂકીને કંઈક વિચારવા લાગી. અચાનક એણે મારા હ્ર્દય પર હાથ મુક્યો. અચાનક જ મારા તનમાં ઝણઝણાટી આવી ગયી, રુવાંટા બેઠા થઈ ગયા, જેનો મને ડર હતો એવું જ થયું.


"ઓય.. આ તારા ધબકાર કેમ આટલી જોર જોરથી ચાલે છે ? તને બીક લાગે છે કે ઘભરાય છે ?" એણે પૂછ્યું.


"અ..અ.. અરે.. ન..ન.. નાહતો.. ક..ક..કંઈજ નહીં." હું કંઈજ બોલી જ ના શકયો.


"અરે બકા શાંતિ, પહેલી વાર કોઈ છોકરી સાથે આવ્યો છે કે શું ?" એણે મારા હ્ર્દય પરનો હાથ હટાવ્યા વગર જ કહ્યું.


"હા, હું પહેલી વાર કોઈ છોકરી સાથે એકલો બહાર આમ ફરવા આવ્યો છું." હું ખોટું સ્મિત કરતા બોલ્યો.


"અરે.. તું મને અજાણી સમજે છે ? હું તારી દોસ્ત નથી ? આમ ઘભરાઈશ નહીં યાર. નહીં તો મને પણ ડર લાગશે. અને તું એકલો ક્યાં છે હું તો છું તારી સાથે." એ બોલી.


"સારું સારું, હવેથી નહીં." એના હ્ર્દય પર મુકેલા હાથ પર મેં મારો હાથ મુક્યો, અને ઘડીક વારમાં ધડકન શાંત પળી. એવો જ મારામાં કોલ આવ્યો.


"ઓય.. તારા મોબાઇલની રિંગ વાગે છે ?" એને કીધું.


મેં હાથ જેવો હટાવ્યો એને પણ એનો હાથ હટાવ્યો. મમ્મીને કોલમાં કહ્યું કે 'મારા ફ્રેન્ડ કિરણ સાથે બહાર જાઉં છું : ફરવા. ત્યાંજ નાસ્તો કરી લઈશ, તું જમીલે જે હોને ! મારે આવતા કદાચ સાંજ થઈ જશે.' એવું કહીને મુક્યો ફોન. એ મારી સામું જોઈને એની આંખો પર હાથ મૂકી મસ્ત હસી - શરમાઈ.


"તે મારી કોલ પરની વાતો સાંભળી ?" એણે મલકાતાં-મલકાતાં પૂછ્યું.


"હાસ્તો વળી, હું થોડી કાન બંધ કરવાનો હતો !" હું પણ સ્મિત સાથે બોલ્યો.


આલ્ફાવનનું સ્ટેન્ડ આવ્યું અને અમે ઉતર્યા. એણે મારો હાથ પકડી લીધો : રોડ ક્રોસ કરીને થોડુંક ચાલતા જ મોલ આવી ગયો. અમે અંદર ગયા.

"જો અહીંયા ખાસ કરીને કોઈ અમીર લોકો જ ખરીદી કરવા આવે અને મારા જેવા ફરવા અને ઉપર મેકડોનર્સમાં બર્ગર ખાવા." હું બોલ્યો.


"તારા જેવા એટલે ? આપણા જેવા. એમ બોલ." એણે કહ્યું. મોલમાં સીડીઓ સ્લાઇડર હતી. એને થોડો ડર લાગ્યો.


"અરે યાર સાદી સીડી નથી. ચલને આપણે ત્યાંથી જઈએ." એણે પૂછ્યું.


"અરે ડરે છે કેમ લાવ હાથ : આવિજા". મેં હાથ બતાવતા કહ્યું. બંને સીડી આગળ ઉભા રહ્યા, મેં કહ્યું કે એક પગ મૂકીને બીજો પગ ઉઠાવી લેજે - મેં એનો હાથ પકડી રાખ્યો હતો. બંને એક સાથે પગ મુક્યો તો ખરી પણ એનો પગ થોડો આગળ આવ્યો અને એ લપ્સી, એણે ચીસ પાડી કે તરત મેં હાથ જોરથી પકડીને ખેંચી લીધી. એ સીધી મને આવીને ચોંટી ગઈ. આંખો સહેજ ઉંચી કરી ચાર સેકન્ડ મારી સામું જોયું, પછી એની હસી ગાયબ થઈ ગઈ અને મો ફેરવીને મારાથી થોડીક દૂર ગઈ. ઉપર પહોંચવા આવ્યા મેં કહ્યું કે પહોંચીએ ત્યારે જ પગ બહાર મૂકી દેજે, અને એને ફાવી ગયું. બે ઘડી મને થયું કે તેને અજુકતું અનુભવ થયું.


મેં કહ્યું "ચલ આવ અહીંયા બેસ" બંને બેઠા અને થોડી ક્ષણો ખામોશ વીતી.


"અરે આપણે ફોરેઇન આવી ગયા હોય એવું નથી લાગતું ?" યાત્રીએ કહ્યું.


"અરે.. આ નવું અમદાવાદ ફોરેઇન જેવું જ છે." મેં કહ્યું.


" આ નવું અમદાવાદ તો જૂનું અમદાવાદ કયું ?" એણે પૂછ્યું.


"રિવરફ્રન્ટની પેલી બાજુ જૂનું અમદાવાદ અને આ બાજુ નવું અમદાવાદ." મેં કહ્યું.


"સંગીત, મને તો ઠંડી લાગે છે યાર" એ બોલી.

એણે મારુ નામ એટલા પ્રેમથી લીધું કે આજ સુધી મને એમ કોઈએ નથી બોલાવ્યો. હાયે. મજા આવી ગઈ.

"તો મિસ મુસાફર આ શર્ટ તમે શું કમર પર બાંધવા લાવ્યા છો ?" મેં ટોન્ટ મારતા કહ્યું.


"અરે હા," એણે કપાળ પર હથેળી મારતા કહ્યું.


"બે મને તો ભૂખ લાગી છે ચલ ઉપર જઈશું ?" મેં કહ્યું.


"સારું ચાલ." એ બોલી.

અમે ત્યાંથી ઉભા થઈને ત્રીજે માળ ઍક્સેલેટર સિડીથી જ ગયા : એને સારું ફાવી ગયું. અમે ત્યાં જઈને બે બર્ગર, ફ્રેન્ચફ્રાઈ અને કોક લીધા. ટેબલ પર જઈને મેં ડિશ મૂકી, એ બિલ ચૂકવકાનું ક્યાં તે શોધતી હતી. મેં એની સામે જોઈને કહ્યું. "ઓ મહોતરમાં, અહીંયા ફરમાવો, જે તમે શોધી રહ્યા છો એ કામ પતી ગયું." યાત્રી થોડી ગુસ્સામાં મારી તરફ વળી. એ આવી 'ને તરત મેં ખુરશી ખસેડીને ઈશારો કર્યો કે બેસી જાવ. એ થોડું હસીને બેસી ગઈ, હું પણ બેઠો.

"ઓય, તું મને લઈને આવ્યો છે કે હું તને? બોલતો ?" એને મોં ચડાવીને પૂછ્યું.


"આમતો હું જ તને લઈને આવ્યો છુંને તે થોડી અમદાવાદ જોયું છે ?" મેં હસીને કહ્યું.


"હુંહ... પણ ફરવા આવવાનું તો મેં તને કહ્યું હતું ને ? એટલે બધો ખર્ચ મારો જ હોયને ? તે કેમ બિલ ચૂકવ્યું ? બોલતો ?" એણે ટેબલ પર હાથ પછળતા કહ્યું.


"જી સહેજાદિ-એ-આલમ હમને આપકી તોહીન કી હે હમેં માફ કર દીજીયે આગેસે એસી ગલતી નહીં હોગી.." હું બોલીને પછી હસ્યો.


"ઓહો, મિસ્ટર કલાકાર આપકી કલામે તો કોઈ કમી નહીં હે, ચલીએ ઇસ બાર આપકો જાને દેતે હૈ પર આગે સે ગલતી હોગી તો સજાયે-મોત મિલગી." એ પણ બોલી.


"કુબુલ હે" હું હ્ર્દય પર હાથ મુકતા બોલ્યો.


પછી જે હસી છે એ... શું હસી છે એ યાર.. જાણે બાળકની જીદ પુરી થઈ હોય. એના આછા લાલ-ગુલાબી હોઠ પર કોઈએ જાદુ કરી દીધો હોય, કોઈ સૈયરને જાણે એનો સાજણ ના દેખાયો હોય ! તેવું હસી. પણ યાર હું એ સ્મિતને વધારે ધ્યાનથી જોઈ ના શક્યો, કદાચ પાંચ સેકન્ડ પણ નહીં. થોડીક શાંતિ પથરાઈ, અમે નાસ્તો કર્યો.

હું અચાનક જ બોલ્યો. "ઓય યાત્રી,"


"હાં," એ બોલી.


"તારી આંખો બંધ કરને ?" મેં કીધું.


"શું ?" એને આંખો મોટી કરતા પૂછ્યું.


"અરે, આ જે તારા ચહેરા પર પાંપણની નીચે જે આછી કાળી આંખો છેને ! એને બંધ કરને" મેં કહ્યું.


"કેમ તું શુ કરવાનો છે ?" એણે પૂછ્યું.


"અરે, સારું રહેવા દે, જવા દે." મેં મારા બર્ગર પર ધ્યાન આપતા કહ્યું.


"અરે અરે, સારું ચલ હું કરું છું આંખ બંધ. પણ ખોલવાનું જલ્દીથી કહેજે." એ આટલું બોલીને આંખ બંધ કરી લીધી. હાયે, હ્ર્દયને હળવાશ મળી, એના ચહેરાને હું પુરી બે મિનિટ સુધી જોતો રહ્યો. બધુજ અચાનક શાંત થઈ ગયું. એના વાળથી લઈને એની કપાળ પરની નાની બિંદીથી લઈને ઝૂમકાથી લઈને હોઠ નીચે કરાવેલા કાળા તલને હું જોતો જ રહ્યો. એના હાથની નરમાશ ચળકતા નખ સુધી બધુજ જોયું.


ત્યાં જ એ બોલી. "તું કરે છે શું ? કે ખોલી દઉં આંખો !" એ મસ્તન હસતા બોલી. હાયે.. એ ચિત્ર આંખોમાં આવતા આજ પણ મારુ હ્ર્દય ધબકારો ચુકી જાય છે.


"અરે... હા હવે બસ ખોલી દે." મેં નજર ફેરવતા કહ્યું.


" બે એમતો કહે.. કે તે કર્યું શુ ?" એણે આમ તેમ નજર ફેરવી બધું જેમ હતું તેમ જ છે, એ જોતા કહ્યું.


"મેં તને મારી આંખોમાં વસાવી લીધી" હું મનમાં 'ને મનમાં બોલ્યો. અને થોડું હસ્યો પણ યાર એની આંખોને હું જોઈ ના શક્યો.


"ઓય શુ હશે છે કઈક તો બોલ.." યાત્રી આછું ગુસ્સે થતા બોલી.


"અરે કંઈ નહીં હું એમ જોતો હતો કે તને મારી પર વિશ્વાસ છે કે નહીં." મેં કહ્યું.


"લે એમાં આવું કરવાનું !" એ બોલી.


"હાસ્તો વળી... ચલ હવે પતાવ નાસ્તો ઠંડો થઈ ગયો 'ને કુક ગરમ." આટલું બોલી હું નાસ્તો કરવા લાગ્યો.


"અચ્છા બેટા, આપના ટાઈમ આયેગા" એવું મનમાં બોલી, આશ્ચર્યથી મારી સામું જોઈને નાસ્તો કરવા લાગી.


શબ્દ થકી શણગાર એ વ્યક્તિ તથા એ વ્યક્તિત્વનો ફિકો જ પડે

કોઇ વ્યક્તિને આલેખવુ એટલે તેના આખા જીવનને અમુક લિટીઓમાં સમાવેશ કરવો.


બધું પતાવીને અમે નીચે ગેમજોન તરફ ગયા. અમે બંને જણે ગેમનો હથોડો માર્યો પણ ખબર નહીં કેમનું એના પોઈન્ટ વધારે આવ્યા. અમે પંજા પણ લડાવ્યા, એણે તેના બંને હોઠને દાંતમાં ફસાવી બને તેટલું જોર કરી લીધું પણ જીતી ના શકી. બંને હસતા-હસતા ફરતા-ફરતા એક ટેબલ પર બેઠા. જ્યારે પંજો લડાવતા હતા ત્યારે એને મારી નજર ફેરવીને મને હરાવી દીધો, ત્યારે એ ખુબજ ખુશ થઈ હતી. ચાર વાગ્યા 'ને અમે રિવરફ્રન્ટ જવા નીકળ્યા : બસ મળી. બસમાં ભીડ હતી તો દરવાજે જ ઉભું રહેવું પડ્યું. વાત-વાતમાં વાત નીકળી.

એણે કહ્યું "મજા આવી. નહીં ? રોજ ત્યાં જઈને જ બેસી રહીએ એવું છે."


મેં કહ્યું. "પછી ભણશે કોણ ?"


"હા એ પણ છે. આમ પણ ક્યારેક જ મજા આવે રોજ રોજ નહીં !" એ બોલી.


"બકા અત્યારે ફરીલે તારા મેરેજ પછી તારા પતિદેવ ફરવા નહીં લઇ જાય" હું મજાકમાં બોલ્યો.


"હા, સાચી વાત ! હાલ પણ ક્યાં લઈ જાય છે ?" એ ધીમા અવાજે બોલી.


"શું, શું કહ્યું તે ?" હું આશ્ચર્યમાં આવી ગયો.


"હા, એ નથી લઈ જતા મને ક્યાંય." એ થોડું ઉદાસ થતા બોલી."


"બે, તારા મેરેજ થઈ ગયા છે ?" મેં અચરજ પામી પૂછ્યું.


"હાસ્તો વળી, હમણાં જ બે વર્ષ પુરા થયાં." એણે કહ્યું.


"બે, ના હોય ! સાચું કે છે ?" હું અચકાતા બોલ્યો. મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. સુરમાં વાગતું ગિટાર બેસૂર થઈ ગયું, અચાનક ધડકન વધી ગઈ. કે જેની સાથે આટલી સારી વાતચીત થાય છે એ પણ કોઈ બીજાની કહાની છે અને હું ખાલી એક કિસ્સો છું.


"હા યાર, ક્યાં ગૂમ થઈ ગયો સંગીત ?" એ મને હલાવતા બોલી, હું વિચારોમાં ખોવાયેલો હતો.


"હ..હા.. બે આટલી નાની ઉંમરમાં ! કેમનું પણ !" હું અચકાતા બોલ્યો.


"અરે જબરું થયું છે મારી સાથે, વાત જ ના પૂછ." એ થોડી વધારે ઉદાસ થઈને બોલી.


હું જબરજસ્ત મૂંઝવણમાં હતો. શું કહું - શુ ના કહું સમજ જ નહતી પડતી. એટલામાં રિવરફ્રન્ટનું સ્ટેડ આવ્યું. અમે ઉતર્યા : ત્રણ ચાર ડગલાં તો હું વિચારોમાં જ હતો.


રોડ ક્રોસ કર્યો અને નદી તરફ જતા મેં પૂછી જ લીધું. "અરે કહે ને શું થયું હતું ?"


"અરે અમારા ગામળે, મારા મોટા દીદીના મેરેજ હતા, અને અમારામાં એવું હોય કે પહેલા કોઈનો ચહેરો બતાવે નહીં : લગ્નમાં જ ખબર પડે. તો જે મારા જીજાજી હતા એ ચૉરીમાં બેઠા હતા મારા દીદીને અમે ચોરીમાં લાવ્યા. જીજાજીને દીદી પસંદ ન આવ્યા અને એમણે ના પાડી દીધી. બધે હોબાળો મચી ગયો. પપ્પાને બધા રડવા લાગ્યા. દુલ્હાને સમજવા ગયા, પણ એતો એકના બે ના થયાં. ઘરની ઈજ્જત બચાવવા ખૂબ જ આજીજી કરી અંતે એમણે કીધું કે, એમની નાની દીકરી સાથે અમને લગ્નનો કોઈ વાંધો નથી. મારી સુંદરતા જ મારી પર ભારે પડી." એ ચાલતા ચાલતા આટલું બોલીને ચૂપ થઈ ગઈ. અમે નદીએ પહોંચી ગયા.


"પછી, પછી શું થયું ?" મેં પૂછ્યું.


"પછી શુ થાય યાર, બધા મારી પાસે આવ્યા. હું મૌન જ રહી બધાએ ઘણું બધું કહ્યું. મેં નાસમજતામાં હા પાડી 'ને મારા લગ્ન થઈ ગયા : કુટુંબની ઈજ્જત બચાવવા ખાતર." યાત્રી બોલી.


હું થોડો ગુસ્સે થઈ ગયો. "આવું તો થોડી ચાલતું હશે, આમ થોડી લગ્ન કરી લેવાય, હજી તો તારી ઉંમર ભણવાની છે, તારા ઘરવાળાને સહેજ પણ બુદ્ધિ ના પહોંચી, અને પાછું તે પણ ખુશી-ખુશી હા પણ પાડી દીધી ?" હું આટલું બોલતા-બોલતા થોડો ઉદાસ થઈ ગયો.


એણે હતાશા ભર્યા ચહેરાથી મારી સામું જોયુ અને મારી હથેળીમાં એક હાથ મુકતા બોલી" તું જ કહે સંગીત હું શું કરી શકું?"


"તારે ના પાડી દેવી હતી ને !" હું એકદમ ધીમા અવાજે મેં એના હાથ પર બીજો હાથ મુકતા બોલ્યો.


અચાનક એ જોર જોરથી હસવા લાગી. એ હસી એટલે મને ખબર પડી ગઈ કે એણે મને ઉલ્લુ બનાવ્યો, અને હું બની પણ ગયો. મેં કપાડ પર હાથ મારીને હાથ આંખો પર મુક્યો. પછી એની સામું જોયું. જ્યારે અમે ચા પીવા ગયા હતા ત્યારે એને કહ્યું હતું કે એની જિંદગીમાં બીજું કોઈ નથી હું એ પણ ભૂલી ગયો.


"હવે તને માર પડશે." હું બોલ્યો, અને એ ભાગી. હું પણ એની પાછળ દોડ્યો. બહુજ ભાગ્યા અને ઘણી પકડાપકડી ચાલી. મેં એને પકડી લીધી.


"ઓય રુક..રુક.. તને કઉ.." એ બોલી. મેં એના બંને હાથ પકડેલા હતા એ છોડ્યા : બંને હાંફી રહ્યા હતા.


"અહીં આવ એક વાત કહું કાનમાં" એ નજીક આવવાનો ઈશારો કરતા બોલી. મેં કાન એની તરફ કર્યો અને એ ધીમેકથી બોલી "હવે કેટલો વિશ્વાસ છે મારી પર ?" બંને ચૂપ થઈ ગયા, ત્યાં બેસીને એકબીજાને થોડું થોડું જોતા રહયા.


થોડી શાંતિ પથરાઈ, વધી ગયેલ ધડકન અને શ્વાસો બેઠા. બંને એકબીજાને વારંવાર જોતા હતા, એકદમ ઠંડી હવા આવતી હતી. આજુબાજુ ઘણા પ્રેમિયો હતા પણ અમે તો હજુ મિત્રો જ હતા ને ! મારા મનમાં એક વિચાર આવ્યો, અમે જે રિવરફ્રન્ટ નદીની પાળી પર બેઠા હતા ત્યાંથી હું ઉતરી નીચે ઘૂંટણ પર બેઠો. એનો હાથ મારા હાથમાં પકડ્યો અને આંખોથી આંખો મળી. ધ્યાન એનું મારા પરથી ક્યાંય હટયું જ નહીં અને મેં કહી જ દીધું કે... કે... મને હવે એકાઉન્ટના દાખલા શીખવાડીશ ? મારા હાથમાંથી તેણે તેનો હાથ ખેંચી, એની આંખો જીણી કરી, નીચેનો હોઠ ઉપરના દાંતથી દબાવી, મને ધીમે ધીમે મારવા લાગી. હું જોરજોરથી હસવા લાગ્યો.


"સારું હવે બઉ હસીશ નહીં, લાવ ચોપડો અને બુક." એણે કહ્યું અને મેં બધું કાઢીને આપ્યું. દાખલા ગણવા માટે ખાના પાડવાના હતા.


યાત્રી કહે.." સંગીત આ ખાના પાડી દેને મારાથી સીધી લીટી નથી પડતી.


"અરે... કેમ ના પડે ? આમ જો..." મેં એના ખોળામાં રહેલા ચોપડા પર પડેલી સ્કેલ પકડી એના પેન્સિલ પકડેલા હાથ પર હાથ મૂકીને બરાબર સાત લાઇન દોરી : મને હજુ પણ યાદ છે. હું લાઇન દોરતો હતો અને યાત્રી મારી તરફ આંખ ત્રાંસી કરીને જોઈ રહી હતી. પછી ભણવાનું શરૂ. એણે દાખલા શીખવવાનું ચાલુ કર્યું પણ મારુ ધ્યાન એના ચહેરા પરથી હટતું નહતું. વારે ઘડીએ એના કપાડ પરના વાળથી થોડી લાંબી એવી લટ સરકી આવતી, એને પજવતી.


દાખલા પુરા થયાં, એણે પૂછ્યું કે કંઈ આવડ્યું કે નહીં. મેં પણ કીધું કે "થોડું થોડું. એક જ ક્લાસમાં થોડીના બધું જ આવડી જાય ?"


"અહીંયા ચોપડામાં ધ્યાન રાખ્યું હોય તો આવડેને !" એ થોડું ધીમેકથી બોલી.


મેં સાંભળ્યું હતું છતાં તરત જ કહ્યું " શું.. શું.. શું બોલી !"


"અરે કંઈ નહીં.. કંઈ નહીં". એણે કહ્યું. ચોપડાને બધું બેગમાં ભર્યું, "ચલ જઈશું હવે ?" એમ બોલીને યાત્રી અચાનક ઉભી થઈ ગઈ.


મેં એનો હાથ પકડી લીધો અને બોલ્યો. "ઓય બેસને ક્યાં જવું છે તારે ?"


"ના" એમ બોલીને હાથ છોડવા પ્રયત્ન કરવા લાગી. મેં હાથ ખેંચીને બેસવા કહ્યું અને એને ધક્કો લાગ્યો, તે બેસતાંજ મારા ખભે આવીને ટકરાઈ. એનો હાથ હજુ મારા હાથમાં હતો, આજુબાજુ અચાનક કોઈ ગીત વાગ્યું હોય ને બધા જ ગીતમાં ખોવાઈ ગયા હોય એમ શાંતિ છવાઈ ગઈ. યાત્રીનો ચહેરો મારી આંખોથી એટલો નજીકમાં હતો કે તેની આંખમાં મને ઝીણો નાનો તલ પણ દેખાયો. મારી નજર એની આંખોમાં અને એની નજર મારી આંખોમાં સતત દસ-બાર સેકેન્ડ સુધી અમે એકબીજા સામું જોઈ રહ્યા, 'ને ત્યાંજ મેસેજની ટોન વાગી હું હોશમાં આવ્યો અને યાત્રી થોડી દૂર થઈ.


એક ક્ષણ એવી ઉદ્દભવ થઈ જેમાં કંઈક થઈ ગયું હોત તો સારું હતું,

ના કોઈને પ્રણયનો એકરાર કરવાની જંજાત કે ના ઇનકાર આવવાનો ડર.


મેં પ્રેમને ક્યારેય અનુભવ્યો નહતો પણ મને લાગી રહ્યું હતું કે આજ પ્રેમ છે. મન થયું કે કહી દઉં યાત્રીને... ઓય આઈ લવ યુ. પણ શુ આ ઉતાવળ નહીં કહેવાય ? હું જાણું છું મને અને યાત્રીને મળ્યાના હજુ છ દિવસ જ થયાં છે, આટલા દિવસમાં પ્રેમ પણ થઈ જાય ? પણ એ વાત ખોટી શાયરો કહે છે કે 'પ્રેમ તો પહેલી વાર, એક ક્ષણ પ્રેમીને જોતા જ થઈ જાય છે'. યાત્રી તો મારી સાથે છ દિવસથી છે ! પણ કાલે છેલ્લું પેપર હતું, કાલે હું બધું વિચારીને કહીશ અત્યારે મજા નહીં આવે.


અચાનક યાત્રીએ મને હલાવીને કહ્યું "ઓય... કઈ પ્રેમિકાની યાદોમાં ગૂમ થઈ ગયો હે ? મને તો કેહ."


હું આછું હસીને બોલ્યો "કઈ નહીં બકા".


"બે એસા થોડીના ચાલતા હે." એ નાનું બાળક બોલે તેમ બોલી.


"અરે... આવતી કાલે કહીશ, પાક્કું." હું ગરદન હલાવતા બોલ્યો.


"બે મારે આવતીકાલ સુધી રાહ જોવી પડશે ?" એ ભમર ઊંચા કરતા બોલી.


"હાસ્તો વળી. રાહ જોવાની મજા જ અલગ છે." મેં કહ્યું


"ઓય અહીંયા જ બેસી રેવાનું છે કે ઘર તરફ પ્રસ્થાન કરવાનું છે.!" થોડી ચુપકીદી બાદ એ બોલી.


"બે આટલું જલ્દી જવું પણ છે ?" હું બોલ્યો


"ઓ જનાબ રાત અહીં વિતાવવાની ઈચ્છા તો નથી ને ?" એ બોલી.


"અરે.. સારું ચલ ચા પીને પછી જઈએ." મેં કહ્યું.

સાંજ ઢળવા આવી, ખબર નહીં આજ દિવસ કેમ ઝડપથી પસાર થઈ રહ્યો છે અંધકારનું વર્ચસ્વ વધી ગયું હોય તેમ લાગે છે. અમે ઇન્કમટેક્સ રોડ પર ફેમસ દાળવડા અને ચા પીવા નીકળ્યા. સીડીઓ ચઢતા હતા ત્યાં યાત્રી બોલી "ઓય આપણે કિટલીએ પહોંચીએ ત્યાં સુધી એક નિયમ રમીએ તું હા કે તો કહું". હું હા કહીને આગળ કંઈક પૂછવા જ જાઉં છું ત્યાં જ એણે બોલવાનું શરૂ કરી દીધું "જો આપણે કિટલી સુધીનાં રસ્તામાં કઈ બોલીશુ નહીં, મજા આવશે ચલ શરૂ કરું છું ત્રણ...બે...એક… શ.શ.શ.શ.શ.


એ બોલી પછી હું ઉતાવળમાં બોલવા ગયો ત્યાંજ એને મારા હોઠ પર એક હાથની આંગળી મૂકી દીધી આંખો થોડી મોટી કરી અને પોતાના હોઠ પર બીજા હાથની આંગળી મૂકી ઈશારો કરતા કરતા કહ્યું "ચૂપ..." હું શાંત થઈ ગયો. મેં પણ મારા બન્ને હાથ ઊંચા કરીને સારું.. સારું.. એમ ઇશારાથી કહ્યું અને ચાલતા થયાં. અમે બંને હોઠ અને અવાજ બંધ રાખીને હસતા હતા. મારે વાત કરવી હતી યાર પણ એની આંખોમાં અલગ જ પ્રકારની રોનક દેખાઈ રહી હતી. યાત્રી થોડી આગળ વધી, અમે ચાલતા ચાલતા જે રસ્તેથી આવ્યા હતા તે તરફ યાત્રી ડાબી તરફ વળી ગઈ... અને હું જમીન પર નજર રાખી વિચારોમાં સીધો સીધો આગળ વધી ગયો. મેં ઊંચું જોયું ત્યાં યાત્રી હતી જ નહીં.


ક્યાં ગઈ આ ? મેં થોડી ચાલવામાં ઝડપ વધારી અને આગળ જોયું, પણ યાત્રી દેખાઈ નહીં. મેં જોરથી બૂમ પાડી "યાત્રી..." પણ યાત્રી હોય તો સાંભળે ને ! હું થોડું આગળ ભાગ્યો, થોડું અંધારું હતું ત્યાં પણ જોઈ આવ્યો. ફટાફટ આમથી તેમ દોડવા લાગ્યો. યાત્રી ક્યાંય છે જ નહીં. મેં પાછું જવાનું વિચાર્યું 'ને ત્યાથી જ ઉલટા પગલે વળી ગયો. જમણી તરફ દૂર યાત્રી હાથ પાછળ બાંધીને પોતાની મસ્તીમાં આગળ વધી રહી હતી. હું દોડતો દોડતો પાછળ ગયો, એના ખભા પર બંને હાથ મૂક્યાં. હું બોલવા જ જતો હતો ત્યાં એ ઉભી રહી ને ઇશારાથી પૂછ્યું શુ થયું.. મને ઘભરાયેલો અને હાંફેલો જોઈને. મેં મારા કપાડ પર હાથ મારીને ઇશારાથી કહ્યું "આમ આગળ નહીં... આમ થી આમ સીધા જવાનું છે." એ કાપડ પર હાથ મારી બંને હાથથી કાન પકડી આંખો જીણી કરીને ઇશારાથી સોરી બોલી : અમે કિટલી તરફ ચાલ્યા. મારે બોલવું હોય છે પણ એના ચહેરાની સામે જોઈને બધું ભૂલી જાઉં 'ને મૌન રહેવાનું યાદ આવી જાય. અમે કિટલીએ પોહચ્યાં અને એકસાથે બોલ્યા "હાશ..." પછી તો શુ ખડખડાટ હસ્યા છીએ અમે. "હવે બોલ શું થયું ?" યાત્રી હસતા હસતા બોલી.


"બે જવા દેને તું, ક્યાં જઈ રહી હતી હે ? કોના વિચારોમાં ખોવાઈને વળી ગઈ ? બાજુમાં હું છું કે નહી એ તો જો." હું બોલ્યો.


"બે હું તો આપણે આવ્યા હતા એજ રસ્તા પર વળી ગઈ.. પણ તું તો મારી પાછળ હતો ને તારે રોકવી જોઈએને ! મને શુ ખબર કિટલી આગળ છે ? ઓહો.. તમે જનાબ ક્યાં ખોવાયા હતા ?" એ બોલી.


"અરે... ક્યાંય નહીં, રુક ચા 'ને દાળવડા લઈ આવું." હું આટલું કહું ત્યાં એ બોલી.


"ઓય ઉભો રે, અહીંયા બેસતો હું લઈ આવું છું." મને પરાણે બેસાડીને ચા-નાસ્તો લેવા ગઈ.


"ઓય ચા બે અને નાસ્તાની ડિશ એક જ મને વધારે ભૂખ નથી" મેં કહ્યું.


"આમ બેસને છાનો માનો, ભૂખ નથી વાળી." એ ધીમું હસતા બોલી.


"હારું." મેં કહ્યું. એ હાફ બે ડિશને બદલે ફુલ એક ડિશ લઈને આવી.


"યે લો જનાબ આપકા હુકમ સરઆંખોપર, ઓર કુછ ?" એ અલગ અંદાજમાં બોલી.


"જી હમ મહારાની કે સાથ બેઠકર યે ચાય ઓર લજીજ નાસ્તા કરના ચાહેંગે, આઈએ પધારીએ" હું પણ એજ અંદાજમાં એને બાજુમાં પાડી પર થોડી જગ્યા પર બેસવા કહ્યું. બંને એકદમ અડીને બેઠા હતા, સાથે ગરમ ચા, બંનેએ એકએક હાથે પકડેલી દાડવળાની ડિશ. ચાની હરેક ચૂસકી સાથે મારે એની સામે જોવાનું થતું : એનું પણ. ખબર નહીં એવો તો કેવો નશો ચડી રહ્યો હતો, આખા દિવસના થાક પછી પણ મન તાજગીથી ભરપૂર હતું. ચા નાસ્તો પૂરો થયો - બંને નીકળ્યા. મારા મોબાઈલમાં આજ ઘણી નોટિફિકેશન હતી પણ મારી પાસે આજે મોબાઈલ છે એવું લાગ્યું જ નહીં, અને યાત્રીએ પણ ક્યાં મોબાઈલ વાપર્યો હતો. અમે લાલદરવાજા બસસ્ટેન્ડ પર જવા બસ પકડી, સુરજ દેખાતો ન હતો, પણ ઉપર થોડા વાદળો લાલ થયેલા હતા. વરસાદ આવવાની શકયતા હોય એવું લાગતું હતું પણ આકાશમાં એટલા બધા વાદળ નહતા.

બસમાં મેં વાત કરી "ઓય યાત્રી,"


- "હા બોલો સંગીત" એ બોલી - અમે થોડું હસ્યાં


- "તું ફેસબુક કે કોઈ સોસીયલ મીડિયા પર છે ?"


- "બે હું કહીશ ને તો તું હસીસ, રહેવા દે."


- "શું બે... બોલ આમ ના ચાલે."


- "બે મને કંઈ વાપરતા નથી આવડતું, મારી પાસે મોબાઈલ જ નથી."


- "બે શુ વાત કરે, તો આ કોનો મોબાઈલ છે."


- "આ ઘરનો મોબાઈલ છે કોઈ બહાર જાય તો લઈ જાય."


- "બે પણ ઘરનો હોય તો આવડે તો ખરું ને ?'


- "બે અમારે છોકરીઓને મોબાઈલ વાપરવાની પરવાનગી નથી."


- "ના હોય બે, સાચું ?"


- "બે મને આ વાત પાર હસું નહીં, હેરાની થાય છે.. તું બકા વીસમી સદીમાં જીવી રહી છે."


- "મારુ ઘર બકા હજુ ઓગણીસમી સદીમાં જ જીવે છે.. ચલ હવે સ્ટેન્ડ આવી ગયું."


હું માથું ખંજવાડતો નીચે ઉતર્યો, કે હવે મળ્યા વગર વાત શક્ય નથી, પણ મળવું બેકારણ થોડી થશે ! તે કોલેજ તો એકસ્ટર્નલ તરીકે કરતી હતી. શું મળવું જરૂરી છે ? એવો પ્રશ્ન પોતાને થયો. હા મળવું જરૂરી નથી પણ દૂર રહેવું પોસાય એમ નથી. કાલે પેલી વાત એને કરું, એને મારા તરફી કેવી લાગણી છે એનો ખુલાસો થાય, એની હા હોય પછી તો શું શક્ય નથી ! આટલા વિચારોમાં બસ આવી ગઈ, ભીડ ઘણી હતી, અંધારું થઈ ગયું હતું. મેં યાત્રીને ફટાફટ કહી દીધું કે મારી પાછળ જ આવતી રહેજે.. નહીતો સીટ નહીં જ મળે. જેવી બસે બ્રેક લગાવી બધા કીડી મકોડાની જેમ ધક્કામુક્કીમાં અંદર ઘૂસ્યા : એમાં હું પણ હતો. હોટસીટ મળી ગઈ સાથે યાત્રીની જગ્યા પણ રોકાઈ : બંને બેઠા અને માત્ર દસ સેકન્ડમાં જ બસ લોકોથી ઉભરાઈ ગઈ. અમને બંનેને સીટ મળી - હાશ થઈ અને બસ ઉપડી.


મોબાઈલ અને હેન્સ્પ્રીં કાઢી, બંનેએ એક-એક પોર્ટ વહેચી લીધું. સોંગ ચાલુ કર્યું. એણે મારી સામું જોયું ત્યાં જ હું બોલ્યો.."મજા આવી ?" "બોવજ" એમ બોલી મસ્ત નાની સ્માઈલ કરીને મારા ખભે માથું ઢાળીને આંખો બંધ કરી લીધી. અમારા બંનેના ફેવરિટ સોંગ્સનું પ્લેલિસ્ટ શરૂ કર્યું. યાત્રીના હોઠો પરનું સ્મિત હું અનુભવી શકતો હતો, મને વિચાર આવ્યો કે છોડ બધા વિચારો... કાલે શુ થવાનું કોને ખબર ? હું યાત્રીને પ્રેમ કરું છું એ કહી જ દઉં અત્યારે જ. યાત્રીની આંખો બંધ જરૂર હતી પણ એ વાત મારી સાંભળશે તો ખરીને ! મેં ગીતનો અવાજ એકદમ ઓછો કરી લીધો. આ વિચારોમાં જ મારી ધડકન હદ પાર વધી રહી હતી, હું બોલું કે ના બોલું કઈ ખબર નહતી પડતી. મારુ ડરપોક દિલ, થોડું સાહસ એકઠું કરી બોલ્યું, "ઓય.. યાત્રી, કદાચ તું મને સાંભળી રહી હોય, હું તને કંઈક કહેવા માંગુ છું જે લાગણી છ દિવસ પહેલા મારા તનમાં ઉદ્ભવ થઈ હતી. આઈ લવ યુ યાર," આટલું બોલતા મારો દમ નીકળી ગયો. યાત્રીનું માથું મારા ખભેથી સરકતું હતું, એણે મારી કોણીથી ઉપરના હાથને એના બંને હાથથી પકડીને માથું સરખું કર્યું અને પહેલા હતી એનાથી થોડુંક મોટુ સ્મિત કર્યું. મને લાગ્યું એણે મારી વાત સાંભળી અને એ ખુશ થઈ. હું મનોમન ખુબજ ખુશ થયો. મારે જોરથી બૂમ પાડીને ઉભા થઈને નાચવું હતું પણ શુ કરું, યાત્રી મારા ખભે લપાઈ હતી. મેં મોબાઈલ ચાલુ કર્યો, એક સેલ્ફી લેવી હતી - સેલ્ફી કેમેરો ચાલુ કર્યો પણ અંધારના કારણે ફોટો આવ્યો જ નહીં, પણ ફોટામાં ઝીણું ઝીણું ધ્યાનથી જોઈએ તો ભૂખરું કોઈક હોય એમ લાગતું હતું. ચલો કંઈક યાદગીરી તો બંધાઈ. મેં વિચાર્યું કે યાર આ કેવો પ્રપોઝ કર્યું ? કે કોઈને કઈ ખબર ના પડી કે કંઈ યાદગીરી જેવું પણ નહીં ! શુ આપણી લવસ્ટોરી આટલી સામાન્ય ? ના ના કાલે હું તૈયારી કરીને આવીશ. અને યાત્રીને મારા પ્રેમનો એકરાર કરીશ. આવા બીજા ઘણા વિચારોમાં ઉતરવાનું સ્ટેન્ડ નજીક આવ્યું. બસ ફૂલ સ્પીડમાં ભાગી રહી હતી આગળ સ્પીડ બ્રેકર એટલે સામાન્ય ભાષામાં બમ્ફ આવતા જ બસ પછડાઈ, યાત્રીની આંખ ખુલી ગઈ. એણે મારો હાથ અડધા કલાક પછી અત્યારે છોડ્યો, સરખી બેસી, વાળ સરખા કર્યા. હું આ બધું જોઈ રહ્યો હતો, એણે મારી સામું જોયું અને મેં નજર બારીની બહાર ફેરવી, કદાચ એણે પેલું સાંભળ્યું હોય અને કંઈક કહે ? ત્યાં જ યાત્રી બોલી.. "સોરી યાર સંગીત થાક લાગ્યો હતો 'ને આંખ ક્યારે લાગી ગઈ ખબર જ ના પડી". "અરે એમાં શું બે, ગાળો ના બોલીશ. જો ઉતરવાનો સમય પણ આવી ગયો, હવે ઘરે જઈને આરામ કરજે." હું બોલ્યો. હાશ થઈ મને કે એણે પેલું સાંભળ્યું નથી, તો આવતી કાલે થોડું સારી રીતે કહી શકાશે : મજા આવશે. યાત્રી આવજે એમ કહીને એના સ્ટેન્ડ પર ઉતરવા આગળના દરવાજે ગઈ. એ ઉતરી અને જ્યાં સુધી એને જોઈ ના શકાયું ત્યાં સુધી અમે બન્ને એક બીજાને જોતા રહ્યા. મસ્ત જીણી ઠંડી હવા સાથે હું પણ મારા છેલ્લા સ્ટેન્ડ પરથી મનમાં ઉમંગ અને દિલમાં મસ્તી સાથે ચાલતો ચાલતો ઘરે પહોંચ્યો.


સ્વસ્થ થઈ જમવાનું બની ગયું હતું એ પરિવાર સાથે જમીને, હું મારી હેન્સ્પ્રીં લઈ ચાંદને મળીને, આજ થયું એ બધું કહેવા દોડ્યો. આજ ખબર નહીં કેમ વાદળ થોડે થોડે અંતરે ફેલાયેલા હતા. ચાંદ ઘડીક છુપાઈ જાય તો ઘડીક દેખાય. "ઓય... ચાંદ...ચાંદ...ચાંદ...મારા ચાંદ... સરખો ઉભો રે.. મેં આજે શું...શું... કર્યું એ તને કહું.. પછી હું ખુશીમાં ને ખુશીમાં આખી આજની દિનચર્યા બોલી ગયો." હું બોલતો હતો 'ને ચાંદ ત્યાં શાંત હતો.. ધીમેકથી બોલ્યો, પ્રપોઝ કર્યું ? પછી હું ત્યાં શાંત થઈ ગયો. "હું કાલે એને પ્રપોઝ કરવાનો છું. એ શું વિચારશે, શું કહેશે, શું કરશે અને એના પછી શુ થશે એની મને કંઈજ પરવાહ નથી. બસ મારા દિલમાં જે છે તે કહી દેવું છે. શુ આ યોગ્ય છેને ચાંદ ?" મેં પૂછ્યું ત્યાં જ ચાંદ વાદળ પાછળ સંતાઈ ગયો, હું એની બહાર નીકળવાની રાહ જોતા લગભગ નવેક વાગે ધાબાના ખાટલે આડો પડ્યો, ચાંદને આવવાની રાહમાં ને રાહમાં દિવસનો થાક અને આગળની રાતોના ઉજાગરામાં ક્યારે આંખ લાગી ગઈ, નીંદર આવી ગઈ ખબર જ ના પડી.


રાતના લગભગ ત્રણેક વાગ્યા હશે, થોડા વાદળને કારણે ભીનું વાતાવરણ, ઠંડી હવા, ચાંદ સાથે ચાંદનીની હાજરી, ઠંડીથી ધ્રુજતા હોઠ 'ને કાંપતું શરીર. છ કલાકની ઊંઘ પછી મળેલ મનની તાજગીએ પહેલો વિચાર એ કર્યો કે... એકરાર કેમનો થશે ? "અરે ચાંદ મારે તને કંઈ પણ કહેવું હોય હું બેજીજક કહી દઉં છું પણ યાત્રી સામે બોલતા દિલની ધડકન સોની સ્પીડ પકડી લેય છે. તું જાણે છેને મારુ ડરપોકદિલ છે, કોઈપણ વ્યક્તિને કંઈ સામેથી કહેવું અઘરું પડશે, અને મારે યાત્રીને એવી રીતે કહેવું છે કે તે આ પળને ક્યારેય ભૂલી ના શકે, હું વિડિઓ રેકોર્ડ કરું ? બે પણ અડધી રાત્રે બોલશે કોણ ? એને કાગળમાં લખીને આપી દઉં... જુના જમાનાના પ્રેમપત્રની જેમ." હું ફટાફટ નીચે આવ્યો, રજાઈથી ગમગોટ થઈને એક કાગળ અને પેન લઈને બેસી ગયો.


પત્ર


પ્રિય યાત્રી,


તું જ્યારે આ પત્ર વાંચી રહી હોઈશ ત્યારે હું તારી સામું જ ઉભો અને ઘભરાયેલો હોઈશ. હું તને જે કહેવા જઈ રહ્યો છું જો તને માન્ય ન હોય તો આ કાગળ ફાડીને મસ્ત હસી લેજે. મારા અઢાર વર્ષની ઉંમરમાં હું કોઈ છોકરી સાથે વધારે સમય અને આટલું નજીક નથી પહોંચી શક્યો જેટલું હું ગયા છ દિવસમાં તારી સાથે છું. યાત્રી તારી સાથે વિતાવેલી હરેક ક્ષણ સોનેરી સ્વપ્નની જેમ હતી. હું ક્યારેય તને મારી લાગણીઓ સાથે બાંધી નહીં રાખું : તું આઝાદ છે. તારા વાળ, આંખો અને મલકાતાં લયકાથી પણ વિશેષ તારા સ્વભાવની ખૂબસૂરતી - હરકોઈ તારા પ્રેમમાં પડી જાય. હું હંમેશા તને અંગત સવાલો પૂછતાં અચકાયો છું, પણ હવે તારું અંગત વ્યક્તિ બનવું છે. સવારે ઉઠતાની સાથે શરૂ થઈ ગયેલા તારા વિચારો બપોર અને સાંજ સુધી ચાલતા હોય છે. વળી પાછા રાત્રે તારા સ્વપ્નાઓ. તું જાણે છે યાત્રી ! સવારે પડતી ઝાકળની ભીનાશમાં તને સ્પર્શ કરું છું, બપોરમાં પડતી મૃગજળમાં તારા પ્રેમની તરસ છીપાવું છું, સાંજ પડે જ્યારે તું મારી પાસે બેસી, થાક બધો ઉતારી, મારી આંગળીઓમાં તારો હાથ પરોવી હોય, મારે એ સાંજને બાંધી રાખવી છે. મારા છ દિવસના પ્રેમમાં આજનો દિવસ જો ઉમેરાશે તો આખું આકાશ મેઘધનુષના રંગોથી રંગાઈ જશે. શુ મારી આ એકલતાભરી જિંદગીના રસ્તામાં તું હમસફર બનીશ ? યાત્રી, તારા જિંદગીના સફરમાં સંગીતનો સાથ મળી જશે તો સફર રોમાંચક બની જશે. જો તારી હા હોય તો મને ગળે ભેટી જજે.


તારો સંગીત.


આટલું લખતા લખતા કલાક વીતી ગયો. ખબર નહીં એના વિચારોમાં એવીતો કેવી ગતિ હતી જે સમયને પણ સરકાવી દે. ગભરામણ શરૂ થઈ, યાત્રી જો ના પાડીને હમેશ માટે જતી રહેશે તો ? આટલું વિચારતા જ હ્ર્દય એક ધડકન ચુકી ગયું, શ્વાસ બેસવા લાગ્યા. એનાથી દૂર રહેવું મંજુર નહતું પણ એના સાથે રહેવા માટે મારે આ બધું કહેવું જરૂરી છે. સંગીત યાર કેમ આવું વિચારે છે : થિંક પોઝિટિવ. વિચાર કે તું જે કહેવા જઇ રહ્યો છે તે સામેથી કહેશે તો કેવી મઝા પડશે. માથે રાખેલા તકીયાને ગળે લગાવી દીધું. એની સાથે વીતેલી પળોને યાદ કરી મનમાં 'ને મનમાં હસવા લાગ્યો. આજના દિવસ પછી કંઈક નવું થવાનું છે, બસ જે થવાનું છે એ સારું થાય તો સારું. કોઈ વ્યક્તિ અચાનક આપણા જીવનમાં આવીને કેવા કેવા સપના દેખાડી જાય છે જેની મહદઅંશે આશા હોય કે પુરા થશે. વિચારતા વિચારતા ફરીથી આંખ લાગી ગઈ.


રિવરફ્રન્ટ - માહોલ એકદમ શાંત હતો. આવીને બેઠા અમે : હું ને યાત્રી. મેં મારા પર્સમાંથી ચિઠ્ઠી કાઢી, યાત્રીને આપી. મારી સામું જોતા ખોલી, અચાનક પાડી પરથી ઉભી થઈ ગઈ.. અચરજ પામેલી નજરોથી ફટાફટ ચિઠ્ઠી વાંચવા લાગી. હું પણ એની સાથે ઉભો થયો. અચાનક એ મારા ગળે વળગી પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. "સંગીત આઈ લવ યુ સો મચ.." રડતા રડતા ત્રણ વાર બોલી. "પણ શુ થયું કેમ રડે છે.. હું છું ને.." મારા પણ ગળામાં ડૂમો ભરાયો પણ બોલ્યો. "આ દુનિયા આપણને નહીં સમજે... હું તારા વગર નહીં રહી શકું.. અને જો હું અહીંયાંથી ઘરે ગઈ તો બહાર નીકળી નહીં શકું." વધારે રડતા બોલી. "યાત્રી હું તારી સાથે છું તારા માટે કઈ પણ કરવા તૈયાર છું, તું કઈશ તો અહીંયાથી કુદી પણ જઈશ." હું બોલ્યો. "આ દુનિયા આપણને ખુબજ તકલીફ આપશે સંગીત એના કરતા સાથે મરવું પોસાશે. ચલ" યાત્રી રડતા રડતા બોલી રહી હતી. બંનેએ એકબીજાનો હાથ પડકળ્યો ને કુદી પડ્યા. ઊંડા પાણીમાં શ્વાસ ન લઈ શકાય, બુડ..બુડ..બુડ. અવાજ આવતો.


સફાળો હું બેઠો થયો : એલાર્મ વાગતું હતું. મારી ધડકન વધી ગઈ હતી.. આતે સવાર સવારમાં કેવું સ્વપ્નું ? જીવ ઘભરાવા લાગ્યો. છ વાગી ગયા હતા, સાતને પાંચની બસ પકડવાની હતી. હું ફટાફટ તૈયાર થઈ ગયો અને દિવાળીમાં લીધેલા નવા કપડાં પહેર્યા. હું ખૂબ ખુશ હતો. "કેમ ભઈ આજ આટલી બધી વાર તૈયાર થતાં અને એ પણ નવા નવા કપડાં પાછું ટકાટક થઈને." મમ્મી બોલી. "યાર મમ્મી આજે છેલ્લું પેપર છે તો બધા ફ્રેન્ડ્સ જવાના છીએ ફોટોગ્રાફી કરવા. એટલે નવા પહેર્યા." હું બોલ્યો. મમ્મી હસીને રસોડામાં ગયા. ચા બની - હું પીને સીધો બસસ્ટેન્ડ પર જવા નીકળ્યો. હજુ છ 'ને પંચાવન જ થતી હતી તો પણ ઉતાવળ હતી યાત્રીને મળવાની.


સાતમો દિવસ


મેં વિચાર્યું કે યાત્રીને મળીને તરત જ પત્ર નહીં આપી દઉં. પરીક્ષા પુરી થયાં બાદ મળીશું જ ને ! અને એના પેપર પર પણ આ વાતની કઈ આડી અસર નહીં આવે. સાતને ત્રણ થઈ બસ દેખાઈ, મારી ધડકન અત્યારથી જ વધવા લાગી. ખબર નહીં આગળ શુ થવાનું હતું. બસ આવી અને હું બેઠો. દરરોજ આ જ ડ્રાઇવર આ જ કંડકટર અને આ જ બસ, એ જ હોટસીટ. ક્યારેક એવું લાગતું કે હું આખો દિવસ અહીંયા આ જ બસમાં રહુ છું. ડ્રાઇવરે બસ આજે તરત ઉપાડી નહીં, ડ્રાઇવર ઉતરી ગયો, મને થયું કે આને શું થયું ? બસનો એક ચક્કર લગાવીને ડ્રાઈવર પાછો બેઠો. ત્યાં સુધી સાતને દસ થઈ ગઈ હતી. બસ ઉપડી જીવ ઘભરાવા લાગ્યો, મને પહેલા આવું ક્યારેય થયું નહતું. રિંગરોડ ચોકડી આવી, સામે ત્યાં બધા સ્ટેન્ડ પર ઉભા દૂરથી દેખાતા હતા. બસ નજીક ગઈ યાત્રી ત્યાં દેખાઈ નહીં મને લાગ્યું દુપટ્ટો લગાવ્યો હશે ત્યાંજ ધક્કામુક્કી સાથે બધા અંદર ઘૂસી ગયા.


પેલા માસીએ આજ મને પૂછ્યું "બેટા આજ અહીંયા બેસું ?"


"સોરી, માસી કોઈ આવે છે." હું આજુબાજુ ફાંફાં મારતો બોલ્યો, યાત્રી ક્યાંય દેખાઈ નહીં. રોજ તો તરત જ આ હોટસીટ પાસે આવી જતી.


"બેટા આજ તો એ નથી આવી." માસી બોલ્યા.


"શુ..? શું કીધું તમે?..નથી આવી?.. તમને કેમની ખબર?" હું મૂંઝવણમાં આવીને આશ્ચર્યથી ઘણા સવાલ પૂછી લીધા.


"મને શુ ખબર બેટા મેં આજ એને નથી જોઈ, હું અહીંયા બેસી જાઉં ?" માસીએ ફરીથી પૂછ્યું. આમતો માસી આગળ જતા રહેતા હતા પણ આજ યાત્રી નહતી આવી, એમને ખબર હતી એટલે એ મારી પાસે જ ઉભા રહ્યા. બસ ઉપડી, મારો જીવ સખત ઘભરાવા લાગ્યો, વામેટ થશે એવું થઈ રહ્યું હતું.


મેં માસીને કહ્યું, "બેસી જાવ."


આજ શું થયું ?, યાત્રી કેમ આવી નહીં ? શુ એ વહેલી જતી રહી હશે કે એને મોડું થયું હશે ? વહેલી તો ના ગઈ હોય કેમકે માસીએ કહ્યું કે એતો આજ નથી આવી. કદાચ એને મોડું થયું હશે. મારો જીવ ઘભરાઈ રહ્યો હતો. બસ આગળ વધી ગઈ હતી, હું હરેક સ્ટેન્ડ આવે ત્યાં નજર કરતો કે અહીંયા આગળ આવીને તો નથી ઊભીને ? પાંચ, છ વાર આખી બસમાં નજર ફેરવી લીધી, કદાચ ધક્કામુક્કીમાં આગળ જતી રહી હોય ! "યાત્રી ક્યાંય ના દેખાઈ યાર, મને હવે ખરેખર ડર લાગી રહ્યો છે, એકલું લાગી રહ્યું છે." હું મનમાં બોલ્યો, અરે.. કાલે કદાચ તે મોડી ગઈ હશે અને ઘરે બધા બોલ્યા હશે તો ! આજ આવવા નહિ દીધી હોય તો ! પણ યાર કોઈ છેલ્લું પેપર થોડી છોડવા દેય ? કદાચ એને કોઈ મુકવા-લેવા આવ્યું હશે તો ! કંઈ કેટલાય સવાલો મૂંઝવણ સાથે મનથી નીકળીને હ્ર્દયને ઝીણા કાંટાની જેમ ખૂંચતા હોય તેવું લાગ્યું. છોડને યાર આવા વિચારો, યાત્રી લાલદરવાજા વહેલી પોચી ગઈ હશે તો ! યાત્રીને આજે મળવું ખૂબ જરૂરી હતું. આખી બસમાં ઊંધા વિચારો આવી રહ્યા હતા, ફરીથી છ દિવસ પહેલા જે ક્રિયાઓ થતી હતી તે દેખાવા લાગી, બસ આજે એક ક્રિયા ઉમેરાઈ યાત્રીને શોધવાની. મ્હા-મુસીબતે લાલ દરવાજા દેખાયું. હજુ તો સ્ટેન્ડ આવ્યું પણ નથી 'ને હું ઉભો થઈ ગયો, જેવી બસ ધીમી પડી અમુક લોકો ઉતરી રહ્યા હતા, સાથે હું પણ ચાલુમાં ઉતરી ગયો. મારા પ્લેટફોર્મ પર નજર ફેરવી લીધી પણ યાત્રી દેખાઈ નહીં, પહેલેથી જ મોડું થઈ ગયું હતું. યાત્રી ઉતરીને જે ચોથા પ્લેટફોર્મ પર જતી હતી, હું ત્યાં પણ આંટો મારી આવ્યો. યાત્રી કયાંય દેખાઈ નહીં. મારી પરીક્ષાનો સમય થઈ ગયો હતો હું ભાગ્યો મારી કૉલેજ તરફ. મનમાં હજુ એજ વિચાર હતો કે કદાચ, યાત્રી પણ કૉલેજ પહોંચી ગઈ હોય !


હું પહેલેથી જ દસ મિનિટ મોડો હતો. ફટાફટ બેગમાંથી જરૂરી પેન-પેન્સિલને કાઢ્યું, અને ઉતાવળમાં ઉદાસ ચહેરા સાથે બીજે ક્યાંય નજર ફેરવ્યા વગર બેઠો. યાત્રીને કંઈ થયું તો નહીં હોય 'ને, એકતો યાર એ ઘણું બધું છુપાવ્યા કરે છે, કેટલું બધું મનમાં ને મનમાં રાખે છે, મારે શું કરવુ જોઈએ એનો કોઈજ વિચાર મનમાં બેસતો નહતો.. માથું ઢાળીને આ બધું વિચારતો હતો ત્યાં યાદ આવ્યું કે પેપર હજુ લખવાનું છે. શુ લખું કંઈ સમજાતું જ નહતું, હાથ ધ્રુજતા હતા. મેં નજર બાજુમાં કરી ત્યાં બાજુવાળી છોકરીના હાથ જવાબવહી પર ઉતાવડથી ચાલતા હતા અને નજર મારી તરફ હતી. મેં એની જવાબવહીમાં જોયું, મને બધું જ દેખાતું હતું. મેં તેનામાંથી જોઈને લખવાનું શરૂ કર્યું, મારા હાથ ખુબજ ધ્રુજતા હતા કપાડ અને હાથ પરસેવે રેપજેપ થઈ ગયું હતું. પેલી છોકરીએ પાણીની બોટલ મારી તરફ ખસેડી અને લખવા લાગી. મેં પાણી પીધું, રૂમાલથી હાથ-મોં સાફ કરીને એ છોકરીમાંથી નકલ કરવાનું ચાલુ કર્યું. અચાનક સ્કોડ અંદર આવી - ત્રણ વ્યક્તિ હતા, બધાના ખિસ્સા તપાસી રહ્યા હતા, જવાબવાહી તપાસી રહ્યા હતા. મેં નકલ કરવાનું બંધ કર્યું પછી જોયું કે મારી પાસે તો કંઈ નથીને ? ત્યાં જ ઉપરવાળા ખિસ્સામાં પત્ર દેખાયો, અને હું ઘભરાઈ ગયો. ભલે આ ચિઠ્ઠીમાં કોઈ પ્રશ્નનો જવાબ નથી પણ તેમાં મારા જીવનનો સૌથી મોટો પ્રશ્ન હતો. જો એનો જવાબ મળી જશે તો જીવનમાં વળાંક આવશે. અને જો અત્યારે મને કોઈ પકડી લેશે તો કદાચ તે ફાડી પણ નાખે, હું તેનાથી બચવા ચિઠ્ઠી ક્યાં સંતાળુ એ શોધતો હતો. મારી બધી જ હરકતો પેલી છોકરી જોઈ રહી હતી. મેં તેની સામું જોયું, સ્કોડનો એક માણસ નજીક આવી રહ્યો હતો. મેં ચિઠ્ઠી બાર કાઢીને હથેડીમાં સંતાડી દીધી. જેવી સ્કોડ જોડે આવી મેં ચિઠ્ઠી નીચે ફેંકી દીધી. ચિઠ્ઠી પેલી છોકરીના પગ પાસે જઈને રોકાઈ. મને તપાસી સ્કોડ આગળ વધી ત્યારે મારા જીવમાં જીવ આવ્યો.


પેલી છોકરીએ કઈ પળે ચિઠ્ઠી ઉપાડી લીધી ખબર જ ના પડી, હું ચિઠ્ઠી શોધતો રહ્યો નીચે આજુબાજુ બધે. એણે બેન્ચ પર બે વાર પેનથી ટકટક કર્યું. મારી ચિઠ્ઠી પેલી છોકરીની જવાબવહીમાં છુપાયેલી હતી. એને કદાચ એમ હશે કે ચિઠ્ઠીમાં કોઈ પ્રશ્નનો જવાબ હશે. હું ફટાફટ લખવામાં પડ્યો. વારેઘડીએ ઘડિયાર પર નજર જતી, યાત્રીને મળવા વહેલો જતો રહું ! અડધો કલાક બાકી રહ્યો હતો. મેં આજ કંઈજ જાતે લખ્યું નહતું : પેલી છોકરીની મહેરબાની. મારુ હજુ થોડું પેપર બાકી હતું પણ મારે બસસ્ટેન્ડ પર વહેલા પહોંચવું હતું. મેં પેલી છોકરી સામે જોઈને ઈશારો કર્યો કે પેલી ચિઠ્ઠી આપને. એણે ચિઠ્ઠી જે હાલમાં હતી તેજ હાલમાં પાછી આપી. મેં એની સામે સ્માઈલ કરી અને અવાજ વગર થેંક્યું કહ્યું. એણે એને હ્ર્દય પર હાથ મૂકી, આંખો બંધ કરી, સ્માઈલ સાથે થોડું ઝૂકી. હું ઉભો થઈ ફટાફટ જવાબવહી જમા કરવીને નીકળી ગયો.


ચિઠ્ઠી સાચવીને ખીચ્ચામાં મૂકી હું બેગ લઈને ભાગ્યો. લાલદરવાજા હું દસ મિનિટ પહેલા જ પહોંચી ગયો. પણ યાત્રી ક્યાંય દેખાઈ નહીં, હું ફરીથી આજુબાજુ બધે જ શોધી આવ્યો. અને વિચારવા લાગ્યો કે, યાત્રી આવી હોય તો 142ના પ્લેટફોર્મ પર જ ઉભી હોય. હું ત્યાં ઉભો રહ્યો અને રાહ જોવાનું કાર્ય ચાલુ રહ્યું. આજ મને લાગ્યું કે રાહ જોવી ત્યારે જ ગમે જ્યારે કોઈ ચોક્કસ સમય કે થોડું-વધારે મોડું આવે. પરંતુ કોઈ ક્યારે અને કયા સમય પર આવવાનું હોય એની જાણ વિનાની રાહ.. સૂર વગરનો અવાજ એટલે કે ઘોંઘાટના જેમ લાગે. દસ મિનિટ તો જતી રહી પણ કોઈ દેખાયું નહીં. વિચારો મન પર હાવી થવા લાગ્યા. હરેક ક્ષણ મનમાં વિચાર આવતા કે યાત્રી અત્યારે આવી જાય અને મારા આંખો પર પાછળથી એનો હાથ મૂકી કોઈ અલગ જ અવાજમાં બોલશે "કોન છે તાલી પાછલ ?" મારા હોઠો પર અજાણી હસી આવી ગઈ. હું ત્યાં પેલા પથ્થર પર જઈને બેઠો, આંખો બંધ કરી, આજુબાજુથી અલગ-અલગ એકનાએક અવાજો આવવા લાગ્યા,

"કોન છે તાલી પાછલ ?"

"કોન છે તાલી પાછલ ?"

"કોન છે તાલી પાછલ ?"


મારી હસી ગુસ્સામાં પરિણમી. હું જોરથી બોલ્યો "કોણ છે ?" આંખ ખોલીને જોયું તો આસપાસની ભીડ અચાનક રોકાઈ ગઈ, બધાનું ધ્યાન મારી પર કેન્દ્રિત હતું.


હું ત્યાંથી ઉભો થઈ ગયો, પાસે ઠંડા પાણીની બોટલો લઈને ઉભેલા માસી પાસેથી મેં એક બોટલ ખરીદી. બે ઘૂંટ જેવું પીધું, પણ ગળેથી ઉપર કંઈક ઉભરો આવતો હોય તેવું લાગ્યું. હું છેલ્લા પ્લેટફોર્મ પર જતો રહ્યો. માથું ફાટી જાય તેટલા જોરથી દુખતું હતું. ઉબકા આવવા લાગ્યા, 'ને ત્યાંજ ખૂણામાં વામેટ થઈ ગઈ. આંખો બળી રહી હતી પાણી નીકળી રહ્યું હતું. મેં મો પાણીથી ધોઈને સાફ કર્યું. થોડું પાણી પીધું. વામેટ થઈ તો પણ માથું હજુ દુખતું હતું. બધું જ નજરઅંદાજ કરીને યાત્રી ક્યાં હશે ? એ વિચારોમાં ફરીથી મન ફસાયું. હવે યાર પરીક્ષા પુરી થયે એક કલાક થવા આવ્યો. હવે તો યાત્રીએ આવી જવું જોઈએ, પણ એ ક્યાં અટવાઈ છે ? શુ તેને મને મળવાની ઉતાવળ નહીં હોય ? શુ એ મારાથી દુર નહીં ભાગતી હોય ને ? સવારથી જીવ ઘભરાઈ રહ્યો હતો, યાત્રીને કંઈ થયું તો નહીં હોયને ? બધું વિચારતા વિચારતા હું ફરી એ જ જગ્યા પર પહોંચ્યો. યાત્રી હજુ નથી દેખાતી, બસ આવી - બધા ચડવા લાગ્યા. હું હજુ રાહ જોવાનો હતો. મને એવું લાગી રહ્યું હતું કે યાત્રી આવશે જ. આજ હતું પાછું છેલ્લું પેપર. જો આજ ના મળ્યા તો આશા ઓછી થઈ જશે, પણ આશા અને મળવાના પ્રયત્નો રહેશે જરૂર.


હું કાચના એવાં રૂમમાં કેદ થઈ ગયો હોય તેવું લાગ્યું કે જેમાં બહાર ઝાકળની ભીનાશના કારણે બધું જ ધૂંધળું દેખાઈ રહ્યું હતું, મેં બધી બાજુથી કાચ સાફ કરી જોયા કે ક્યાંક તો કોઈ દેખાઈ જાય જેને હું કોઈ વાત કહી શકું પણ બહારથી જામેલી ભીનાશને કેમનું અંદરથી સાફ કરી શકું ? આખું લાલદરવાજા અજાણ્યું લાગ્યું. કોઈ પોતાનું સાથે ના હોય તો ભર્યા બજારમાં પણ એકલું લાગે, આજ કંઈક એવું અનુભવ્યું. રીસેસ પહેલાની છેલ્લી બસ આવી ગઈ - દસ સેકન્ડમાં ભરાઈ ગઈ, હું ના ચાહતા પણ દરવાજે લટકી ગયો : યાત્રી આવી જાય તો ઉતરતા ફાવે 'ને ! બસ ઉપડવા જ જતી હતી મેં વિચાર્યું કે હજુ થોડી રાહ જોઈ લઉ ! પણ મન ના માન્યું. કહે, "સંગીત યાર હવે રાહ જોવાનો કોઈ અર્થ નથી, યાત્રીને આવવું હોત તો એ સવારે જ આવી ગઈ હોત ને ! પાછું પરીક્ષા પછી પણ બે કલાક રાહ જોઈને ! હવે અહીંયાંથી પાછું વળી જવું જ પોસાસે સંગીત." પણ પ્રેમમાં સમયના ખર્ચા વધારે હોય. આડો-અવડો સમય તો સમજ્યા - વેડફી નાખ્યો, પણ કામના સમયના પણ દેવાદાર થઈ જઈએ. પ્રેમમાં જિંદગી જીવવાની પળો ખુબજ મોંગી પડે તો પણ ઘણો સમય ખર્ચી, પોતાનું બધુજ દાવ પર લગાડી બેસીએ છીએ, જે પ્રેમ મળવાની સંભાવના ખુબજ ઓછી હોય છે. બસ ઉપડી ગઈ, મારા કાન તરસી રહ્યા હતા પેલા અવાજ માટે, જે બસ ઉપડતા જ આવે છે.. "ઓ..ય..." પણ આજે તે અવાજ ગાડીઓના અવાજ, હોન અને માણસોના ટ્રાફિકમાં ક્યાંક રોકાઈ ગયો હોય એવું લાગ્યું.


કોઈને જોયાં પછી, આંખોના એક પલકારામાં તેનું અદ્રશ્ય થઈ જવું

ખડખડાટ હસતા પળ પછી બીજી જ પળે ડૂસકે ને ડૂસકે રડતા થઈ જવું


મારી સાથે ઘણા લોકો દરવાજે લટક્યા હતા, ડ્રાઇવરે ભીડના કારણે સ્વિચ દબાવી અને હાઇડ્રોલિક દરવાજા પ્રેસર સાથે બંધ થયાં. મારા ખભા પર જોરથી વાગ્યું 'ને ખભો અટવાઈ ગયો. પરાણે ફસાયેલા ખભાને દરવાજામાંથી બહાર નીકાળ્યો. મને અસહ્ય દુઃખી રહ્યું હતું પણ મન કેમનું આટલું કઠોર થઈ ગયું કે સહેજ પણ અવાજ ના નીકળ્યો. અત્યારે સમજાયું કે દુઃખ નાના મોટા નથી હોતા.. માણસની સહનશક્તિ વધારે-ઓછી હોય છે. આ દુઃખ એવું હતું કે જેની સામે એકલા જ લડવાનું હતું. મને કેમ મિલન પહેલા મળેલા વિરહનું દુઃખ, શરીરના દુઃખ કરતા મોટું લાગતું હતું. માથાના દુખાવાના કારણે ગીત સાંભળવું સહેજ પણ યોગ્ય ન લાગ્યું. બસની ભીડમાં એક સ્તંભ સાથે ચીપકીને ઉભો રહી ગયો, હોટસીટ પર કોઈ કપલ જ બેઠું હતું. હું બંનેના પગ જોઈ શકતો હતો, તે બંનેના પગ એકબીજાને ધીમેકથી મારી રહ્યા હતા. પગની આંગળીઓ બીજા પગની આંગળીઓ સાથે મસ્તી કરી રહી હતી. હું એકીટશે ત્યાં જોઈ રહ્યો હતો. શુ વિચારવું, શુ કરવું કંઈજ સમજાતું નહતું, બસ મનમાં એક નામનું રટણ થતું, યાત્રી ...ક્યાં છે તું ?


જેમ-જેમ મારુ સ્ટેન્ડ નજીક આવતું તેમ-તેમ શ્વાસ અટકી રહ્યા હતા, ધબકાર ઝડપી થતા. યાત્રી આવી નહતી પણ હરેક ક્ષણ એની યાદ વિના ગુજરી નથી. મારી પહેલા એનું ઉતરવાનું સ્ટેન્ડ આવ્યું, હું કંઈ પણ વિચાર્યા વગર ત્યાં જ ઉતરી ગયો. "યાત્રી યાર ક્યાં જતી રહી છે, આવીજા ને, બસ ખાલી એક વાર કહી દે કે હું જાઉં છું, હું તને રોકીશ નહીં, પણ તારું આમ કહ્યા વગર જતું રહેવું મને સરખું જીવવા નહીં દે." ઉતરીને આજુબાજુ ફરતા હું મનમાં બોલ્યો. ગળું સુકાઈ રહ્યું હતું, ભૂખના કારણે પેટમાં પણ દુઃખી રહ્યું હતું. ઘણો સમય તે રિંગરોડ પર આંટા મારીને થાક્યો, કંટાળીને હું મારા ઘર તરફ ચાલતો થયો. રોડ ઓળંગતા જ ચક્કર જેવું આવી રહ્યું હતું, હું પરાણે બીજી તરફ પોહચ્યો 'ને મેટ્રોના પહેલા સ્ટેન્ડ નીચે છાયામાં બેઠો. થોડીક શાંતિ અને એકાંત મળ્યું ત્યાં જ કોઈ બાઈક લઈ પાસે આવીને હોન વગાડી રહ્યું હતું. મેં જોયું તો મારા બે મિત્રો બાઇક પર બેઠા હતા.


"અલા ઓય, કોના ગમમાં પડ્યો ? કેમ આ રીતે અહીંયા બેઠો છે."


"બે પેલી છોકરીનું એક્સિડન્ટ થયું હમણાં એ આની ગર્લફ્રેંડ તો નહતી ને ?" મારા બંને મિત્રો આટલું કહીને ઘણું હસ્યાં.


હું પેલી વાત સાંભળીને. "અરે કંઈ નહીં યાર, બસ વાળાએ બહાર ઉતારી દીધો તો પછી ચાલતો ઘરે જતો 'તો પણ તડકો લાગ્યો એટલે બેસી ગયો. પણ અહીંયા શુ થયું ? કઈ છોકરીનો એક્સિડન્ટ થયો છે ? કેટલા વાગે ?" બાઇક પર બેસી મેં મારો ચહેરો બદલીને બધા સવાલ પૂછી લીધા 'ને બાઇક ચાલી.


"લગભગ સાડા સાત વાગે થયો હતો.. ખબર નહીં કોણ હતું પણ, જેવું એક્સિડન્ટ થયું 108 આવીને લઇ ગઈ."


"કદાચ છોકરી મરી જ ગઈ હશે." આટલું બોલીને પેલો અટક્યો.


"ના હોય, પેલી છોકરીને ક્યાં લઈ ગ્યા પછી ?" મેં પૂછ્યું.


"ખબર નહીં, પણ બે મોટું ટોળું ભેગું થયું હતું. ત્રણ કલાક રોડ બ્લોક રહ્યો." પેલો આટલું બોલ્યો 'ને ત્યાં મારુ ઘર આવી ગયું.


"સારું ચલ પછી મળીએ." એમ કહીને હું મારા ઘરમાં પ્રવેશ્યો.


"અરે આ કેમ લકોટી જેટલું મોં કરીને આવ્યો છે ? શું થયું ?" મમ્મી બોલ્યા.


"અરે કઈ નહીં. ભૂખ લાગી છે 'ને માથું પણ દુખે છે, એટલે." આટલું બોલતા બોલતા હું બાથરૂમમાં છુપાઈ ગયો.


પોતાના છોકરામાં શરીરનો બાહ્ય ફેરફાર કે વર્તનમાં સહેજ પણ બદલાવ, માંને એક પળમાં જણાઈ જાય છે. હું અંદર જઈને મારો ચહેરો અરીસામાં જોવા લાગ્યો. શું હું બદલાયેલો લાગુ છું ?… ગળામાં ડૂમો ભરાયો, આંખો ભીની થઈ પણ કોઈ અજાણી હિંમત કહો કે ડર. જેણે આંસુને એક ટીપું પણ બહાર સરકવા ના દીધું. ક્યાંક સાંભળ્યું હતું કે આંસુમાં એક ટકો પાણી અને નવાણું ટકા લાગણીઓ હોય છે પણ આજ મારી પાસે તે એક ટકો પાણી પણ ખૂટયું હતું. ખોબા પાણીની છાલક સાથે લાગણી ભર્યા ચહેરા પર નકાબ ચમકવા લાગ્યું. ઘરમાં પહેલા હતા તેવા વર્તનની નકલ થવા લાગી. રોજ પાંચ-છ રોટલી જમતો વ્યક્તિ આજ પરાણે ખાધેલાં એક કોળિયામાં જ ધરાઈ ગયો. એના ખીચ્ચામાં રહેલા પત્રને લગભગ વિસ-પચીસ વાર તો વાંચી જ ચુક્યો હશે. હવે, તેણે તે ચિઠ્ઠી સંભાળીને પાકિટમાં છુપાવી દીધું. માથાના સખત દુખાવાને કારણે એક સાથે ત્રણ દવાની ગોળી ફક્ત પાણી સાથે પી લીધી. શરીર હલકુ-ફુલકું કમજોર બની ગયું હોય તેવું લાગ્યું, પલંગ પર ખુદને છુપાવતો હોય તેમ ખૂણામાં ગોઠવાઈ ગયો. આમતો આજ યાત્રીના ના આવવાથી થયેલો ખાલીપો ઊંઘ નહતી જ આવવા દેવાની પણ માથાનો દુખાવો અને દવાની અસર કામ કરી ગઈ.


પહેલી આંખ ખુલી ત્યારે ઘરમાં બધા બુમો પાડી રહ્યા હતા, મને હલાવી રહ્યા હતા. હું ચાહીને પણ આંખ ખુલ્લી નહતો રાખી શકતો. પણ સાથે જમવા માટે કઈ પણ કરીને ઘરના બધાએ મને ઉઠાડી દીધો. માથું થોડું ભારે લાગતું હતું પણ દુખાવો સહેજ ઓછો થયો. દવાનું ગેન આંખોમાં હજુ પણ હતું. યાત્રી સાથે વિતાવેલ છ દિવસ પહેલા અને આ દિવસમાં ઘણો ફરક લાગ્યો. ચલો, જેમ તેમ કરીને દિવસ તો ગુજરી ગયો, પણ રાત કેમની નીકળશે ?

હું સાત દિવસ પહેલાના સંગીત વિશે વિચારતો હતો ત્યાં જ ચાંદની યાદ આવી. ઘરની બહાર નીકળ્યો : ધાબે જવા, વાતાવરણ ભીંજાયેલું હતું. ચોમાસુ પૂરું થયા પછી પણ વરસાદ. ધાબે પહોંચ્યો તો બધે જ વાદળ, ચાંદનું ક્યાંય નામોનિશાન નહીં. ચારેબાજુ નજર ફેરવીને નીચે ઢસડાઈ પડ્યો, વરસાદના કારણે ધાબુ એકદમ ઠંડુ હતું. ગળે ડૂમો ભરાયો, હોઠ ફફળવા લાગ્યા પણ આખો સુકાયેલી હતી. જ્યારે જેની સૌથી જરૂરિયાત હોય ત્યારેજ કેમ કોઈ દેખાતું નથી, પોતાની નજરો ફેરવી લે છે. રોજ તો સરસ દેખાતો હતો ચાંદ આજ કેમ આવ્યો નથી. શું એ મારી અશ્રુભીની લાગણીઓને જોવા નથી માંગતો ? ભલે.. ભલે.. હો.. આજ યાત્રી પણ નથી આવી અને તું પણ છુપાયેલો છે.. મનના ગુસ્સામાં હાથની કસ-કસાવેલ મુઠી ધાબે મારીને ઊંધો થઈ ગયો.

બે મિનિટ નીરવ શાંતિ ફેલાઈ. ગુસ્સો, ધીમા ડુસકામાં પરિણમ્યો અને ધીમે ધીમે રુદન વધતું ગયું. થોડીક જ વારમાં ધ્રુસકે.. ધ્રુસકે રડવા લાગ્યો. આંસુઓના ઝરણાને જાણે કોઈ વહેવાનો રસ્તો મળી ગયો, અટકવાનું નામ જ નહતા લેતા. એકલતાના અંધારામાં પીઠ પર હાથ ફ્રેરવીને શાંત રાખવા વાળું કોઈ હતું નહીં. આંસુ બંને ખભા પલાળી ચુક્યા હતા. ધીમે ધીમે શબ્દો નીકળ્યા.. "ઓય ચાંદ ભલે તું મને દેખાઈ નથી રહ્યો પણ હું જાણું છું કે તું મને સાંભળી શકે છે. યાર પ્લીઝ બહાર આવી જા ને, મારુ એક કામ કર ને. હું આસપાસ યાત્રીને શોધી નથી શકતો પણ તું તો આખા વિશ્વને જોઈ શકે છે ને ! યાત્રી તને મળી જાય તો એને કહેજે ને કે, તું આજ ના આવી શકી એ વાતથી સંગીત સહેજ પણ ગુસ્સે નથી. એ હજુ તારી રાહ જોવે છે જાણું છું કે કાલથી બધાને વેકેશન હશે પણ સંગીત રોજ સાત 'ને પાંચની બસમાં તારી રાહ જોશે.


હવે શું?


શરૂઆતમાં લખ્યું હતું એમ, સમય ચોમાસાનો હોય, વાદળોની ભીડ જમા થઈ હોય બપોરના બે વાગ્યા હોય તોપણ અંધારું એ કાળા ડિબાંગ વાદળોથી લાગતું હોય, બધા રાહ જોઈને બેઠા હોય, ઘરની મહિલાઓએ બાર સુકવેલા કપડાં ઘરમાં લાવી દીધા હોય, નાના છોકરાઓ ચડ્ડી પહેરીને પોતાના આંગણામાં આકાશ સામું તાકીને ઉભા હોય, ઠંડો પવન લહેરાતો હોય, અને ખેડૂતોના પાક બગડે નહીં એની ચિંતા હોય, નોકરીથી ઘરે આવતા વાતાવરણ જોઈ એ કાકા ચાની કિટલીએ જઈને ઉભા રહી ગયા હોય.


પછી જેટલી વાર રસ્તો ઓળંગતા લાગે, જેટલી વાર ચોખા સાફ કરતા અંદરની કાંકરીઓ વીણતાં લાગે, જેટલી વાર બાળકને સ્કૂલે જતા તૈયાર થવામાં લાગે, જેટલી વાર ચ્હા પિતા લાગે... તેટલી જ વારમાં વાદળ ખસી ગ્યા, 'ને હતો પહેલા જેવો 45° તેવો તડકો પડવા લાગે. એના પછી જે અનુભવ થાય બધાને એવું અનુભવ મને થયું છે. કદાચ આવું વાતાવરણ ઉભું જ ના થયું હોત તો આ વાર્તા ન લખાઈ હોત. માફ કરશો, હું વાર્તાના દુઃખ ભર્યા વિભાગમાં તમને હેરાન કરવા આવી ગયો. હવે કહેવું છે કે શું હવે વરસાદ પડશે જ નહીં યાત્રી આવશે જ નહીં. વાર્તાની શરૂઆતમાં હું ચોક્કસ હતો કે અંત અધુરો જ હશે પણ ક્યારેક જિંદગી પણ પુરી થાય છે. તો વાર્તા પુરી કરવી એ નિયમમાં બંધાઈ રહેવું મને યોગ્ય લાગ્યું.


ચોમાસુ પૂરું થયાં પછી ક્યારેક વરસાદ પડવો એને માવઠું કહેવાય. પણ મોસમ પુરી થયાં પછી માવઠાની રાહ જોવી અઘરું કામ છે. પણ તે રાહ જોવામાં કોઈ બીજી ઋતુ શરૂ થઈ જાય તો ! કોઈ આગને ઓલવવા વરસાદ નહીં પણ ધુમ્મસ ફેલાઈ જાય તો ! કોઈ ખૂણાનો ખાલીપો પુરવા કોઈ ટેબલ-ખુરશીનો સાથ મળે તો ! આ બધું જ કામ શિયાળાની ઋતુ ખૂબ સરસ રીતે પતાવે છે. ના સમજાયું હોય તો વાર્તામાં વિસ્તારથી સમજાવું.


હવે આમ


ચાંદને કોઈ વાતે ખોટું લાગ્યું હોય તેમ બહાર આવવાનું નામ નહતો લેતો. ધાબે લાગતી ઠંડીમાં પણ હું ખાટલમાં એમ પડ્યો હતો કે નશો કરેલ વ્યક્તિ રોળ પર પડ્યો હોય. ધ્રુસકાના અવાજ શાંત પડ્યા, ડુસકા પણ બેસવા લાગ્યા. આંસુ આંખોથી લઈને ગાલ પરથી સરકીને ખભા ભીંજાવતા હતા. અમુક જગ્યા જાણે આંસુના વહેણને ફાવી ના હોય તેથી સુકાઈ ગઇ હતી. ટપકતા નળની જેમ આંસુ, વિચારોની લાગણીશીલતામાં ક્યારેક ટીપું જ તો ક્યારેક એકધાર વહેતા. ક્યારેક લાગતું કે હમણાં જાણેલ એક્સિડન્ટમાં યાત્રી નહીં હોય ને ! એ પહેલાની જેમ સામાન્ય જિંદગીમાં જ હશે ને ! બધુજ શાંત, અંધકારમય, અને સ્થિર હતું. રાત ધીમે ધીમે વિતતી, આંખો સામેથી અમુક ધોળા વાદળ સરકતા દેખાતા તથા પલળી ગયેલ ખભા ઠંડી હવા આવતા ધ્યાન અપાવતા કે ઠંડી અસહ્ય છે. જ્યારે સમયની જાણકારી થતી ના હોય ત્યારે ખબર ના રહે કે કેટલો સમય શુ કર્યું. ઘણીવાર મારી આંખ લાગી જતી, તો ઘણીવાર હું બેઠો થઈને એ વિચારતો કે ઊંઘ કેમ નથી આવી રહી. વિચારો સાથેના ઘણા સંઘર્ષ પછી લાગ્યું એવું કે હું બેભાન થઈ ગયો છું. મને શુ થઈ રહ્યું છે કંઈજ ખબર નથી. અચાનક ગરમ લાગતા ગાલ પર ઠંડુ મોટું ટીપું પડ્યું. આજુ-બાજુ ટપટપ અવાજ આવવા લાગ્યા 'ને લુચ્ચો વરસાદ મને બેભાન હાલમાંથી ઉભો કરી નીચે, ઘરમાં લઈ જવા મહેનત કરતો હોય તેવું લાગ્યું. હું અચાનક ઉભો થયો ત્યાં ધસડાઈ પડ્યો, બે ક્ષણ આંખ બંધ કરી પછી ખોલીને ચારે કોર નજર ફેરવી, ધીમેકથી ઉભો થયો દાદરા ઉતરીને રૂમમાં જઈ લાઈટ ચાલુ કરી. મોબાઇલની શોધખોળ પતી અને સમયની જાણ થઈ કે છ વાગવામાં ત્રણ મિનિટ બાકી.


મોબાઈલની ડિસ્પ્લે પર અજાણ્યા નંબરથી આવેલા ગૂડ મોર્નિંગના ટેક્સ્ટ મેસેજે ધ્યાન ખેંચ્યું. આટલી સવારમાં કોનું ગુડ મોર્નિંગ ? રીપ્લાય આપ્યો. 'કોણ ?' - તરત જ રીપ્લાય આવ્યો : તમારી હોલટિકિટ અને કોલેજ આઈકાર્ડ જે તમે પરિક્ષાખંડમાં ભૂલી ગયાં હતા તે મેં સંભાળીને રાખ્યું છે. તમારે સમય હોય તો મારી પાસે આવીને લઇ જજો. ત્યાંજ યાદ આવ્યું મેં ફટાફટ બેગ તપાસ્યું પણ કોલેજનું આઈકાર્ડ અને હોલટીકીટ જડયા જ નહીં, હું ત્યાંજ ભૂલી ગયો હતો. હાઈશ સારું થયું કે મેં હોલટીકીટ પાછળ મોબાઈલ નંબર લખ્યો હતો. - સારું, પણ ક્યાં આવું ? કેટલા વાગે ? - ઉંમ... લાલદરવાજા પાસે એક કિટલી છે, ત્યાં હમણાં આઠ વાગ્યે. - થેંક્યું, હું પહોંચી જઈશ. એ રીપ્લાય પછી કોઈ મેસેજ ન આવ્યો. હું આમ પણ સાતને પાંચની બસ પકડવા અધીરો થઈ રહ્યો હતો. એકદમ શાંતિથી બધુજ કામ પતાવ્યું ત્યાં સાડા છ થઈ ગયા. હું નીકળી ગયો. ઉગતા સૂરજના આછા પ્રકાશમાં થોડું તાજગી ભર્યું લાગ્યું. હ્ર્દયમાં કોઈ અલગ જ પ્રકારનો ડર જણાયો જે હવે કંઈ પણ કરતા પહેલા ટોકશે. સાતને પાંચની બસ આવી 'ને હું મારી પાસેની ખાલી હોટસીટ પર એકિટશે જોઈ રહ્યો. બસ ઉપડી અને આગળના સ્ટેન્ડ પર ઉભી રહી. મારા મનમાં એજ સવાલ યાત્રી ક્યાં છે ? પાસે આવીને ઉભેલા માસીના અહીં બેસવાના ઇશારાથી સમજાઈ ગયું કે યાત્રી નથી આવી. માસીને સીટ આપી : આજ કંઈ બોલ્યા નહીં પણ નાના સ્મિત સાથે આંખોનો પલકારો કર્યો.


બસ રોજની જેમ ભરાઈ ગઈ હતી પણ આજ ડ્રાઇવર કોઈ ઉંમરલાયક વ્યક્તિ હતો. બસ ખુબજ ધીમે ધીમે ચલાવતો 'ને ક્યારેક બસ રસ્તામાં બંધ પણ થઈ જતી. મને ફરીથી એ જ બસની બહાર થતા કાંટાળાજનક દ્રશ્યો દેખાવા લાગ્યા. વિચાર આવ્યો કે આ લોકો રોજ આજ સમયે આજ કામ એ પણ રોજ રોજ કરવામાં કંટાળો નહીં આવતો હોય. રોજ એક જેવું જ કામ કરવું એના કરતા મરવું સારું. મેં મોબાઈલમાં શરૂ થયેલ પેલા અજાણ્યા ઈનબોક્સને વાંચ્યું : આઠ વાગ્યાનો સમય આપ્યો હતો અને મારે મોડું થવાનું હતું. બધા લોકો બસમાં ગુણગુણ ફક્ત એક વાત પર કરતા હતા કે ડ્રાઈવર નથી સારો, કેટલું મોડું કરશે, મારો લેક્ચર છૂટી જશે, મારો એક કલાક કપાઈ જશે, 'ને બીજું ઘણું બધું. સાત પચાશે પહોંચવાને બદલે બસ આઠ પંદરે પહોંચી. હું ઉતર્યો ને રોજની જેમ એક નંબરના પ્લેટફોર્મ પર જઈને ઉભો રહી ગયો. હું ભૂલી ગયો કે હું શુ કામ અહીંયા આવ્યો છું. કિટલી પરની ચાની મહેકથી યાદ આવ્યું કે કિટલીએ જવાનું છે. હું ફટાફટ પહોંચ્યો, પણ ત્યાં કોઇ ઉભું નહતું. મને કોલ કરવો યોગ્ય ન લાગ્યું એટલે મેસેજ કર્યો કે - હું અહીંયા કિટલી પર ઉભો છું તમે ક્યાં છો - Sorry, I couldn't wait more for you, now you have to wait till ten o'clock. - hey, im sorry, I'm waiting now. - okay.

અજાણતા ખરી પણ ભૂલ મારી હતી, અને ભૂલતો ભૂલ કહેવાય. હું કિટલી પર બેઠો અને કટિંગ ચા મંગાવી, 'ને યાદ આવ્યું કે યાત્રી જે પ્લેટફોર્મ પર જતી હતી ત્યાં તો જવાનું રહી જ ગયું. ત્યાંથી ભાગ્યો - 'ને ચાર નંબરનું આખું પ્લેટફોર્મ ફરી વળ્યો. પણ નજારો નિરાશા જનક જ હતો. માથું થોડું દુખવા લાગ્યું ત્યાં ચાનો વિચાર આવ્યો 'ને પાછો ત્યાંથી ભાગીને કિટલી પર. કિટલી પર પહોંચ્યો ત્યારે મારી ચા ઠંડી થઈ ગઈ હતી. પણ આજ મેં કંઈક અલગ કરવા વિચાર્યું અને એ બેન્ચ પર બેસીને ઠંડી ચાની ચૂસકી લીધી.


ઠંડી ચાની પવાલી અલગ જ અનુભવ સાથે પીવાઇ ગઈ. કિટલી પર ઉકળતી ચા અને નીકળતી વરાળ સાથે આવતી સુગંધ એક વધારે ચા પીવાનો ઈરાદો બનાવ્યો. એક ઈશારે ખાલી ચાની પવાલી પાસે ગરમ ચા ગોઠવાઈ ગઈ. લાલદરવાજાની એ જગ્યા પર બેસીને લોકોની અવરજવર સાથે ચા પીતાં અન્ય લોકોની વાતો સાંભળીને આખો દિવસ નીકળી જાય. પણ મારી મૂંઝવણ એ બાબત પર હતી કે જે વ્યક્તિ મારી ભુલાઈ ગયેલ વસ્તુ આપવા મદદ કરી રહ્યો છે તે આ જગ્યા પર થોડી વધારે રાહ કેમ ના જોઈ શક્યો ? અને હું અહીંયા યાત્રીની રાહમાં હજુ પણ છું અને રહીશ. અરે હા, એ પુરુષ છે કે સ્ત્રી એજ ખબર નથી. ઈંગ્લીશ વાક્યોમાં આજ તો મુંજવણ હોય છે. આટલા વિચારોમાં ત્રીજી ચાનો ઈશારો થઈ ગયો અને બે પવાલી પાસે ત્રીજી આવી ગઈ. સવાર-સવારમાં થીજી ગયેલ હાથ સાથે ગરમ ચાની પવાલી હાથોને ગરમ કરે અને ચા શરીરમાં ગરમાવો લાવે. આજ લાગ્યું એવું કે ચા સાથે સમય સારી ગતિએ પસાર તો થાય છે. એ પછી તો એક પછી એક ચા મંગાવતો ગયો અને ખાલી ચાની પવાલી એકઠી કરતો ગયો. દસ વાગવામાં થોડીક જ વાર હતી, એક કટિંગ ખતમ થયાં પછી વિચાર્યું કે હવે એ વ્યક્તિ આવશે પછી બીજી મંગાવીશ.


દસ વાગી ગયા, હું ખાલી ચાની પવાલી ગણતો હતો 'ને છેલ્લી આઠ નંબર બોલ્યો ત્યાં જ બાજુમાંથી કુણા તડકાને રોકતું કોઈ વ્યક્તિ છોકરીનો અવાજ આવ્યો "હજુ બીજા બે કપ મંગાવી દઉં તો દસ વાગે દસ ચા પુરી થઈ જશે " સુરજથી અંજાતી આંખો ઊંચી કરતા એ છોકરીના ચહેરા પર પહોંચીને ચોખ્ખું દેખાયુ.


ઓહો... આતો એ જ છોકરી છે જે પરીક્ષામાં મારી બાજુમાં બેસતી હતી. હું ઉભો થયો અને હાથ મળાવતા બોલ્યો. "હા, ચોક્કસ કેમ નહીં !" અને સામે રહેલ જગ્યા પર બેસવાનું કહ્યું. બંને એક લાંબી બેન્ચ પર સામસામે બેઠા અને વચ્ચે ખાલી ચાના કપ. હા, સામે બેસેલ વ્યક્તિ માટે કપ અને મારી માટે પવાલી. બીજી બે ચા કહ્યા વગર જ આવી ગઈ.


મેં પૂછ્યું, "અરે... કહો, અહીંયા કેમનું આવવાનું થયું ?" "ઉંમ.. હા, મિસ્ટર સંગીત, આ મારી રોજની બેઠક છે, અને મેં જ તમને અહીંનું આમંત્રણ આપ્યું છે." એ બોલી.


"ઓહ... એટલે તમને જ મારી વસ્તુ મળી હતી ? થેંક્યું સો મચ. અને અત્યારે સમજાયું કે અહીંયા ઓડર વગર બે ચા કેમની આવી ગઈ." મેં આભાર માન્યો અને હોલટિકિટ 'ને આઈકાર્ડ લીધું. હું જે છોકરીમાંથી ચોરી કરીને લખતો એ જ મારી સામું બેઠી હતી પણ હું થોડો હેરાનીમાં હતો કે આ એ જ છે ને !


કેમકે, જે છોકરીને હું હાલ જોઈ રહ્યો હતો એણે પગમાં ઊંચી હિલ પહેરી હતી. બ્લેક પેન્ટ સાથે બેલ્ટ, જેના પગની મોરી થોડી વધારે ખુલ્લી હતી. કડક ઈસ્ત્રી કરેલ વાઇટ શર્ટ અને ટાઇ. માથું એકદમ ફિટ બાંધ્યું હતું, એક વાળ પણ એ બક્કલમાંથી છૂટો ના પડી શકે. ચહેરા પર મેકપ નહતો ખાલી આંખોમાં કાજલ હતું અને ચહેરો એકદમ ખીલેલો હતો. હા, આ બધું નજરે પડ્યું જ ના હોત જો એનું ધ્યાન ગરમ ચાને હળવેથી ફૂંક મારવામાં ના હોત. હું યાત્રી સાથે લક્કી ટી શોપ પર પીધેલી ચા અને એ પળની યાદમાં ખોવાયો. મારી આંખ સામું હાથ હલાવતા ઈશારા થયાં 'ને હું ભાનમાં આવ્યો.

"ઓ... સંગીત સાહેબ કઈ ધૂનમાં ખોવાયા છો ?" એ ચાની ચૂસકી લેતા બોલી.


"ના ના.. કંઈ નહીં... અરે હા... તમારું નામ પૂછવાનું જ ભૂલી ગયો. શું છે તમારું નામ ?" મેં પૂછ્યું.


"અરે સોરી, મેં પણ કહ્યું નહીં.


'મેં દિન ખત્મ હોનેકે બાદ, રાત હોને સે પહેલે, જહાંમેં સુકુન લાતી હું, ઇસ નાચીજ કો દુનિયા સાંજ બુલાતી હે' ... હાહા.. સોરી, સોરી મસ્તી કરતી હતી. મારુ નામ 'સાંજ'." એ હ્ર્દય પર હાથ મુકતા બોલી.


"આ.. હા.. શાયર... શું નામ છે ! મેં પહેલી વાર સાંભળ્યું. અને હા, તમે આમ વગર વાંકે સોરી ના બોલો યાર." હું બોલ્યો.


"અરે સોરી, આદત છે મારી." આ વાક્ય બોલી દાંત વચ્ચે થોડીક જીભ દબાવી ઝીણું હસી.


" 'સાંજ' મને ખુબજ ગમ્યું નામ. સાંભળતા જ નિરાંત અનુભવાય." હું ચા પુરી કરતા બોલ્યો.


"હા નિરાંત, વાત સાચી પણ તમે તો યાત્રી સાથેના સફરમાં છોને ?" એ થોડા ધીમા અવાજમાં બોલી.

હું અચાનક આશ્ચર્ય સાથે એની સામું થોડા સમય સુધી ખામોશીમાં જોતો રહ્યો.


"સોરી, સોરી, મેં તમારો પત્ર વાંચી લીધો હતો. મને લાગ્યું કે કોઈ પ્રશ્નનો જવાબ હશે. પણ શું ગજબ લખ્યું હતું યાર, જે છોકરી વાંચે એ હા જ પાડી દેય." એ ખુલાસો કરતા બોલી. હું નજર નીચી કરી થોડી ક્ષણ વિચારતો રહ્યો. સાંજ સામું આંખ ઊંચી કરીને ખોટું હસ્યો.


"તો તમારે હા પાડી દેવી જોઈએ 'ને !" હું બોલ્યો.


"પણ, પત્રની શરૂઆતમાં નામ બીજું હતું 'ને !" એણે કહ્યું.


"માની લો કે.. ત્યાં કોઈ બીજું નામ હતું, પણ હા પાડ્યા પછી શરૂઆત કરવી અઘરું ના પડે ?" હું બોલ્યો.


"તમે એવું સાંભળ્યું છે ? કે પ્રેમ પહેલી નજર જોતા જ થઈ ગયો ?" એણે પૂછ્યું.


"હાસ્તો," મેં કહ્યું.


"હા, તો કોઈ વ્યક્તિને એક ક્ષણમાં પ્રેમ કરી બેસાય છે જ્યારે એનો જવાબ હા હોય કે ના હોય એની જાણ પણ નથી હોતી. તો પછી જો સામે વાળી વ્યક્તિ તૈયાર હોય તો પ્રયત્ન કરવો સહેલો પડે 'ને !" એ બોલી.


"તો આ એકતરફી પ્રેમ શું છે ?" મેં પૂછ્યું.


"ઉંમ... આ બઉજ અઘરો સવાલ પૂછી લીધો તમે ! તો પણ હું વિચારીને કહીશ." એ હસતાં બોલી.


"અરે, આતો આમજ પૂછી લીધું." હું બોલ્યો.


"હું પૂછી શકું કંઈ અંગત ?" એણે પૂછ્યું


"હા.. હા... એમાં શુ ?" હું બોલ્યો.


"યાત્રીએ હા પાડી ?" એણે એ જ પૂછ્યું જેનો ડર હતો, જે વાત હ્ર્દયમાં બેસી ખૂંચતી હતી, કોઈને કહેવાથી થોડીક તો હળવાશ મળે. ડર એ વાતનો હતો કે એ પ્રશ્નનો કોઈ જવાબ જ નથી, કેમ કે એનો જવાબ આપનાર સુધી હજુ સવાલ પહોંચ્યો જ નથી.


"અમે હજુ મળ્યા નથી." હું ધીમેકથી બોલ્યો.


"અરે પણ.. તમે તો કાલે કેટલી ઉતાવડમાં નીકળી ગયેલા !" તે બોલી.


"હા, પણ ગઈકાલના આગળના દિવસ પછી અમે મળ્યા જ નથી. યાત્રી છેલ્લું પેપર આપવા બસમાં આવી જ નહતી." હું થોડું અચકાતા બોલ્યો.


"તો કોલ કે મેસેજ કરી લેવાયને ?" એણે કહ્યું.


"પણ એની સાથે કોઈ જ કોન્ટેક્ટ નથી, મને એની અંગત જિંદગી વિશે કંઈજ જાણ નથી, એની અટક પણ." હું ઉતાવળમાં બોલ્યો.


"અરે રે, આ'મ સોરી" એ બોલીને નીચે જોવા લાગી.


"તમને સોરી બોલવાની બીમારી છે ?" હું બોલ્યો ને બંને હસ્યાં.


"નાહતો, પણ બોલાઈ જાય છે. આદત પડી ગઈ છે." એ હસતાં બોલી.


"એટલી બધી તો શું ભૂલો કરો છો તો માફી માંગવાની આદત પડી ગઈ ?" મેં પૂછ્યું.


"ભૂલ, ભૂલ સુધારવાનું તો રોજ યાદ રાખું છું પણ પણ ભૂલથી ભુલાઈ જવાય છે. એટલે માફી તો મંગાવી જ પડે" એ બોલી.


"સાચું કઉ, મને કંઇજ સમજાયું નહીં." હું બોલ્યો ને બંને હસ્યાં.


"સારું થયું કે સમજાયું નહીં, નહીંતો વધારે ગૂંચવાઈ જાત." એ હસતાં બોલી.


"હવે, હું તમને કોઈ અંગત સવાલ પૂછું ?"


"કેમ નહીં ! એક શુ ! વધારે પૂછો." એ બોલી.


"શુ તમે રિલેશનશિપમાં છો ? કે પહેલા ક્યારેય હતા ?" મેં પૂછ્યું


"ઉંમ.. હાલ તો નહીં પણ હા, જ્યારે હું દસમામાં હતી ત્યારે મને એક છોકરો ખુબજ ગમતો હતો, અમે બંને પાક્કા મિત્રો હતા. ત્યારે તો કઈ ખબર ન'તી પડતી કે આને પ્રેમ કહેવાય, પછી પ્રપોઝ કરવાનું. એકદમ નિખાલસ રીતે એકબીજાને ગમતા, એમ. એ સમયમાં તો મોબાઈલ પણ કોઈ પાસે નહતા." એ બોલીને અટકી.


"પછી, આગળ શુ થયું ?" હું ઉતાવળમાં વાતની વચ્ચે જ બોલ્યો.


"બોર્ડની પરીક્ષા પછી અમે મળ્યા જ નથી, જ્યારે અમારું વેકેશન પડ્યુંને, ત્યારે મને એની બઉજ યાદ આવતી, હું એમ વિચારતી કે આની સાથે જ લગ્ન કરીશ. પણ મેં કોમર્સ લીધું તો સ્કૂલના પહેલા દિવસ એને મળવા ખુબજ ઉતાવળી હતી. પણ એ આવ્યો જ નહીં, કદાચ એણે સાયન્સ લઈને સ્કૂલ બદલી હશે. મેં ઘણી જગ્યાએ એને શોધ્યો. લોકો કહે કે ફેસબુકમાં બધા મળી જાય, પણ એ ના મળ્યો. બારમું પૂરું થયું ત્યાં સુધી રાહ જોઈ. મને એના જેવો કોઈ સારો મિત્ર પણ મળ્યો નહીં. મારી કોલેજ શરૂ થઈ પછી સમજાયું કે દુનિયા ઘણી મોટી છે. આમ અત્યારે એવું લાગે છે કે સમજણ આવી." એ બધુજ સ્પષ્ટ બોલી.


"અરે, અરે, અરે... નામ શુ હતું એનું ?" મેં પૂછ્યું.


"જેનું હવે નામોનિશાન નથી એનું નામ કેમ લેવું ?" એ ભમર ઊંચા કરતા બોલી.


"સારું. પણ તમે ઘણું બધું અનુભવ્યું હોય એવું લાગે છે." મેં કહ્યું.


"અરે.. એવું કઈ નહીં, મેં પાંચ-છ લવસ્ટોરીબુક વાંચેલી છે એટલે." એણે કહ્યું.


"ઓહો, એટલે તમને વાંચવાનો શોખ છે એમ." હું બોલ્યો.


"ઉંમ... પહેલાથી નહીં પણ જ્યારે મને એ વ્યક્તિ ખુબજ યાદ આવતી ત્યારે હું કોઈ બીજા મિત્રની શોધમાં હતી. સ્કૂલમાં દીવાલો પર ક્યાંક લખેલું યાદ આવ્યું કે, 'પુસ્તક સૌથી શ્રેષ્ઠ મિત્ર' મેં અજમાવી જોયું : ખરેખર અત્યારે ખૂબ ગાઢ મિત્રતા છે અમારી." એ સહજતાથી બોલી.


"મને તો તમે મળી ગયા અતિશ્રેષ્ઠ મિત્ર તરીકે." હું હાથનો ઈશારો કરતા બોલ્યો.


"હાહા.. શું જોક હતો.." એ તાલી પડતા બોલી

"અરે સાચું યાર, તમારા વિચારો અલગ જ છે" હું બોલ્યો.


"બસ.. બસ.. અરે.. બાર વાગવા આવ્યા, હું પાંચ મિનિટનું કહીને આવી હતી બે કલાક થઈ ગયા" એણે હાથે પહેરેલ ઘડિયાળ જોઈને કહ્યું.


"અરે... સોરી મને ખબર નહતી." હું બોલ્યો.


"તમને પણ મારી બીમારી લાગી ગઈ કે શુ ?" એ ઉભી થતા બોલી.


"હા..હા.. અને સાંભળો... થેંક્યું.. આ વસ્તુ માટે અને તમે આપેલા સમય માટે." હું બોલ્યો.


"અરે.. આમ ગાળો ના બોલાય, ચલો મળીએ. ટાટા." એ જતા જતા બોલી.


"આવજો." હું આટલું બોલીને દસ ચાના પૈસા ચૂકવી બસસ્ટેન્ડ તરફ ગયો.


બસ મળી પણ હોટસીટ પર કોઈ બીજું બેઠું હતું એટલે હું આગળની સીટ પર બેસ્યો. યાત્રી આજ નહીં કાલ નહીં પરમદિવસ નહીં પણ ક્યારેક તો આવશે ને ! હું છ દિવસ એની સાથે રહ્યો છું. ભલે હું એની અંગત જિંદગીને જાણી નથી શક્યો પણ હા થોડું ઘણું તો સમજ્યો જ છું. જ્યાં વાતચીત ન હોય ત્યાં વિચારો ખાલીપો પૂરતા હોય છે. મને આશા તો હતી કે યાત્રી આવશે. બપોર થતા જ હું ઘરે પહોંચી ગયો. ઘરના થોડા ઘણાં કામ પતાવી એકાંત અને એકલતાની શોધમાં હું ધાબે વારંવાર જયા કરતો. પણ આજનો દિવસ કામમાં લોટપોટ રહ્યો, પણ રાત પડતા આંખોમાં ઊંઘનો અણસાર પણ નહીં. હવે શું ? એમ. એક વાત હતી કે સાતને પાંચની બસ પકડવા એ જે બસસ્ટેન્ડ પર આવતી હતી ત્યાં જઈને રોજ રાહ જોઈ શકાય પણ એ કેમનું? રોજ રોજ તો આમ લાલદરવાજા ન જઇ શકાય ને ! વિચારતા, ઊંઘતા, જાગતાં સવાર પડી ગઈ. મને સારો વિચાર આવ્યો કે મોર્નિંગવોકના બહાને હું વસ્ત્રાલ લેક્ફ્રન્ટ જઉં, જે રીંગરોડના સ્ટેન્ડની બાજુમાં જ છે તો જેવા સાત વાગે હું એ સ્ટેન્ડની આસપાસ જઈને રાહ જોઈ શકું. હું ફટાફટ મારી રોજિંદી ક્રિયાઓને બદલતા છ વાગ્યે તળાવે પોહોંચી ગયો.


આખી રાત જાગેલ વ્યક્તિને સવાર પડે ત્યાં ઊંઘ તો આવે જ, પણ મને એવું કંઈક થઈ ગયું હતું જે ઊંઘને ચોરી ગયું હતું. હું સવાર-સવારમાં ત્યાં પહોંચ્યો તો જોયું કે કેટલી ઘરડી ઉંમરના લોકો શરીરની તંદુરસ્તી માટે દોડવા આવે છે અને અમે જુવાન થઈને કંઈજ નથી કરતા. આ મારા માટે શિખામણ હતી જે હુ જાતે સમજ્યો હતો. સાત વાગે હું પહોચી ગયો બસસ્ટેન્ડ પર, ચારે બાજુ નજર ફેરવતા સાતને પાંચની બસ નીકળી ગઈ. હું થોડું વધારે ત્યાં બેઠો, સાતને પંદરની બસ આવી પણ આજુબાજુ દૂર સુધી યાત્રી આવતી દેખાઈ નહીં. હું ઢીલો થઈને ચાલવા લાગ્યો, ઘરે પહોંચ્યો. ચા પીધી પછી પણ ઊંઘ આવી રહી હતી, પણ 'જો અત્યારે સુઈ જઈશ તો રાત્રે ઊંઘ નહીં આવે' એ વિચારથી સાવધાન થઈ ઘરના કામકાજ કરવા લાગ્યો. અને જો કામ ના હોય તો આમ તેમ આંટા મારીને વેકેશનમાં દિવસ પસાર કરવા મથતો. હાઈશ રાત પડી હું છ વાગ્યાનું એલાર્મ મૂકીને સુઈ ગયો. આજ ઊંઘ આવી ગઈ 'ને કાલની દિનચર્યા મુજબ ગાડું ચાલ્યું.


આજ અઠવાડિયું પૂરું થયું, પહેલા દિવસ એક કિલોમીટર દોડ્યો હતો હવે હું ત્રણ કિમિ દોડી શકું છું. હા, યાત્રીની રાહ જોવા જવાનું ભુલાયું નથી અને હું ચુક્યો પણ નથી. જેમ દિવસો જાય છે તેમ તેમ આશા કમજોર પડતી જાય છે. પણ શુ રાહ જોવી જરૂરી છે ? સવાલ ઉભો થયો. મેં સાંજ સાથે વાત કરવાનું ઘણી વાર વિચાર્યું પણ મન અચકાતું હતું. આજ એવું ઠાની જ લીધું કે ઘરે જઈને મેસેજ કરીશ.


ઘરે જઈને મેસેજ કર્યો - શું રાહ જોવી જોઈએ ?, જેમ રાહ લાંબી થઈ જાય છે તેમ આશા શા કારણે કમજોર થઈ જાય છે ? પાંચેક મિનિટમાં રીપ્લાય આવ્યો

- મળીએ ?

- હા ચોક્કસ.

- આજ 2pm ?

- જગ્યા ?

- લાલદરવાજા મળીએ પછી વિચારીએ.

- ok final.

પહેલી વાર હું બપોરના સમય પર બસ પકડવા પહોંચ્યો. બસ મળી પણ આ સમયમાં ભીડ ઓછી હતી : સવાર જેવી નહીં. બધા શાંતિથી બેઠા હતા, મેં ગીત સાંભળવાનું શરૂ કર્યું. યાત્રીને છેલ્લી વાર મળ્યા પછી મને આજ પહેલી વાર સોંગ સંભળવાનું મન થયું. મોબાઇલની ગેલરી ખોલી ત્યાં મારો 'ને યાત્રીનો એકદમ કાળો ફોટો દેખાયો. હું યાત્રીના ચહેરા પર આવેલી લટને પણ સ્પષ્ટ જોઈ શકતો હતો : એ ભલે કોઈના નજરમાં ન આવે. આજ બારીની બાર થતી પેલી સવાર જેવી ક્રિયાઓ નહતી દેખાતી, ઠંડી હવાની જગ્યાએ ગરમ તડકો, અને ટ્રાફિકના અવાજો ખાલી બસમાં ગુંજતા હતા. માંડમાંડ લાલદરવાજા આવ્યું, અને હા, આજ હું પાંચ મિનિટ વહેલો હતો. સાંજ આજ પણ સફેદ શર્ટ, કાળું પેન્ટ, ઊંચી હિલમાં. બદલાયું તો ખાલી એજ કે એની આંખો પર ચશ્માં અને ખભે બેગ લટકાવીને આવી રહી હતી. હું કિટલી પર જ બેસીને રાહ જોતો હતો.

"હાઈ.., મારે આવતા મોડુ તો નથી થયું 'ને" એ હાથ મળાવતા બોલી.


"અરે, ના હું પણ પાંચ મિનિટ પહેલા જ પહોંચ્યો." હું બોલ્યો.


"હા એતો સમજાઈ જ ગયું, અહીંયા ખાલી કપ જો દેખાતા નથી !" એ હસતાં બોલી.


"બે વાગે પણ ચામાં મજા ના આવે, અને આમ પણ તમે આજ સમયસર છો એટલે." હું પણ હસતા બોલ્યો.


"તો બોલો ક્યાં જઈશું ? કઈ વિચાર્યું ? મારી પાસે ગાડી છે." એ બોલી.


"અરે, તમે કહોને, મેં કંઈ વિચાર્યું જ નથી." મેં કહ્યું.


"ઉંમ...ગરમ ચામાં મજા નહીં આવે તો ચલો કોલ્ડ કોફી પીવા. પણ હા શર્ત એ કે હું પીવડાવીશ." એ તાલી લેવા હાથ આગળ કરતા બોલી.


"તમારા હાથોથી ?" હું તાલી આપીને હસતા બોલ્યો.


"ના, રે હવે, ચલો, ગઈ વખતે તમે પૈસા ચૂકવીને કેમ ગયા હતા, મારુ ખાતું ચાલે જ છે." એ બોલી અને અમે હસતા-હસતા ચાલ્યા. મને ખબર નહતી કે ક્યાં જવાનું છે. રોડ ક્રોસ કરીને એણે એક્ટિવા પાર્કિંગમાંથી કાઢી.


"ચલો, બેસી જાવ પણ હા મને આવડતી નથી હો." એ ગાડી ચાલુ કરતા બોલી.


"હા વાંધો નહીં મને પણ ક્યાં આવડે છે." મેં જવાબ આપ્યો. અમે નદી પેલેપાર કોઈ કેફેમાં પહોંચ્યા. મને કોફીમાં ખબર નહતી પડતી તો એણે જ બે કોફી મંગાવી. અને વાતોની શરૂઆત થઈ.


"બોલો, તમે શું કહેતા હતા મેસેજમાં." સાંજ બોલી.


"પહેલા તમે મને આટલું બધું માન આપવાનું બંધ કરો, હું વડીલ નથી." હું બોલ્યો.


"અરે, આદત છે યાર મારી. અને હા તમે પણ મને માન આપો જ છો ને ! હું તમને ઉંમરલાયક લાગુ છું ?" સાંજે પૂછ્યું


"ના ના, આતો શરૂઆત માન આપવા-લેવાથી થઈ એટલે મેં જાળવી રાખ્યું." મેં કહ્યું.


"સારું, પણ હવે મને તમે તું કહી શકો છો." એ બોલી.


"જો તમે પણ મને તું કહેતા હોવ તો" હું બોલ્યો.


"સારું, બોલ.. શુ કહેતો હતો મેસેજમાં ?" એ અચકાતા બોલી.


"યાર, હું પહેલા ક્યારેય આમ કોઈ છોકરી સાથે ફ્રેન્ડશિપમાં પણ નથી રહ્યો. જેટલી યાત્રી મારી નજીક હતી એવું મેં પેલા ક્યારેય વિચાર્યું પણ નહતું. હવે જેમ યાત્રી દૂર થઈ એટલી જ વધારે યાદ આવે છે, આડા અવડા વિચારો આવે છે. ક્યારેક નશો કરવાનું મન થાય તો ક્યારેક પોતાને તકલીફ પહોંચાડવાનું. દિવસની જે ચાર-પાંચ કલાકની ઊંઘ આવતી હશે તેમાં પણ સૂસાઈડના સપના. બસ ક્યારેક જ યાત્રી સાથે વિતાવેલ પળોની યાદ થોડું હસાવી લે છે અને પછી બમણું રડાવી દે છે." હું આટલું ઘણું અટકાતા બોલ્યો. સાંજ શાંત હતી.


"સાંભળ, લે પાણી પી પહેલા, પછી તને આ બધાનું કારણ કઉ." એ પાણી આપતા બોલી.


હું પાણી પીતો હતો ત્યાં કોફી પણ આવી ગઈ.

"તે ઘણા મૂવી જોયા હશે ને ! અને હા કદાચ તારા ફ્રેન્ડ્સ કે કોઈ બીજું વ્યક્તિ બ્રેકઅપ પછી કોઈ કલાઈ કાપે, કોઈ સિગરેટ, દારૂ પીને ભૂલવાનું બહાનું શોધે, પેલું ગીત તો તે સાંભળ્યું જ હશે 'હાથમાં છે વીશકી આંખોમાં પાણી, બેવફા સનમ તારી બઉ મહેરબાની.' સાંભળ્યું છે ને !" સાંજે હસતા પૂછ્યું.


"હા મૂવી, સોંગ્સ, અને જે તે કહ્યું બધું જ મેં જોયું છે." હું સહમત થયો.


"હા તો યાત્રી તને છોડીને કે દગો દઈને તો નથી જ ગઈ ને ! અને મહત્વની વાત એ છે કે લોકોએ આપણાં મનમાં એક એવા વિચારો ગૂંચ મારી દીધી છે કે સીધી પરિસ્થિતિનો ઉકેલ પણ આડી અવળી રીતે બતાવે છે." સાંજ બોલી.


"પણ મેં તો હજુ એવું કર્યું નથી !" મેં કહ્યું.


"તે કર્યું નથી પણ તને એવો વિચાર તો આવ્યો ને, સારું થયું કે તારે કદાચ કોઈ મિત્ર કોઈ નશો નહીં કરતો હોય કે તું એમને મળ્યો નહીં હોય. નહીંતો તું શીખી જ ગયો હોત." સાંજ ધીરજથી સમજાવતી હતી.


"હા, તારી વાત સાચી પણ, માન્યું કે યાત્રી એની જગ્યાએ ખોટી નથી, હુ પણ કદાચ નથી જ. તો આ હાલતમાંથી બાર નીકળાય કેમનું ?" હું કોફી પીતાપીતાં બોલ્યો.


"સાંભળ સંગીત, યાત્રી સાથે વિતાવેલ તારા છ દિવસ તારી જિંદગીના સૌથી યાદગાર દિવસ હશે. તો એ બધું ભૂલવું અશક્ય છે અને એ બધું ફરીથી પામવાની આશા લગાવી રાખવી મુશ્કિલ. તારા મતે જો યાત્રી સારી છે તો એને આજ છોડી દેવાનો નિર્ણય, કાલ કે ગમે ત્યારે એના પાછા આવી જવા પર તને અફસોસ બની રહી જશે. યાત્રીને કઈ કારણ હશે તો જ એ તારાથી દૂર હશેને ! જો એને પણ પ્રેમ હશે તો તમે ચોક્કસ મળશો." સાંજ આટલું બોલીને અટકી.


"તો શુ મારે રાહ જોવી જોઈએ ?" મેં પૂછ્યું.


"હા, રાહ જોવી જરૂરી છે પણ એ કોઈ સીમિત સમય સુધી જ : એ તારે નક્કી કરવાનું છે કે તું યાત્રીને કેટલો પ્રેમ કરે છે અને કેટલો સમય તું રાહ જોઈ શકે છે." સાંજે કહ્યું.


"એ ના આવે ત્યાં સુધી શુ ? તને ખબર છે ? એક-એક કલાક નિકાળવો ભારે પડે છે." મેં કહ્યું.


"જો હું અત્યારે જે વાત કહીશ એ તને કદાચ બઉજ મોટી અને અઘરી લાગશે : કદાચ અશક્ય પણ. પણ જો તું તારા મનથી વિચારીશ તો કદાચ તું ખુદને સમજી શકીશ." સાંજ બોલી.


"શું છે એ વાત ?" મેં પૂછ્યું.


"યાત્રી નહતી એ પહેલા, તારા વિચારો કોઈ ચોક્કસ જગ્યા પર નહીં હોય, તારા માટે કદાચ બધું નવું નવું હશે. પણ યાત્રિના આવ્યા પછી તું આખો દિવસ બસ એક જ વિચાર : યાત્રીના વિચારમાં હોઈશ. જેમકે, જ્યારે નાના હતા ત્યારે કોઈ નવું રમકડું મળતા આખો દિવસ એની પાછળ જ પડ્યા રહીએ. એમજ તારા વિચાર હમણાં યાત્રી પર જ કેન્દ્રિત છે, તું બીજું કંઈ વિચારવા જતા પણ એવું કરી નથી શકતો. Am i right ?" સાંજે પૂછ્યું.


"હા, સાચી વાત છે. હું યાત્રીને મળ્યા પછી એના તરફથી વિચાર બદલી જ નથી શક્યો. પણ હા આ વાતમાં અઘરું શુ છે? આતો થઈ જ રહ્યું છે ને !" મેં પૂછ્યું.


"અરે એતો હવે કહું છું, જો હવે તું કોલેજના ફસ્ટ યરમાં છે, તું બધું જ સમજી શકે છે, અને હા, હવે તારે તારા ભવિષ્ય વિશે પણ વિચારવાનું છે. યાત્રી પર અત્યારે તારો વિચાર કેન્દ્રિત છે : ઘણા લોકોનો કોઈ એક વિચાર પર મન કેન્દ્રિત નથી રહેતું, અને આ પ્રેમ એવી લાગણી કે વિચાર છે જે મનને એક જગ્યાએ લાવે છે. પણ જ્યારે તમે પ્રેમને વિસરો છો તો પણ એ વિચાર પરથી મન ખસતું નથી. બસ આજ સમય છે જ્યારે તમે ખુદને બદલી શકો છો, સારી અને ખરાબ બાબત પર. ખરાબ બાબત તો તને ખબર હશે, કે તમે કોઈ ખરાબ વ્યસન કે ખોટા રસ્તે ચડી જાવ, અને સારી બાબત જે ઘણા ઓછા લોકો કરી શકે, જેમકે, રોકસ્ટાર મૂવીમાં રણવીર મોટો સિંગર બની જાય છે, જબ તક હે જાનમાં SRK એના ડર પર વિજય પામી લે છે. બીજા ઘણા ઉદાહરણ છે. તે સાંભળ્યું જ હશે કે 'આગકા દરિયા દુબકે જાના, ઇશ્ક નહીં આસાન'. પણ જે આ દરીઓ તરી જાય છે એ બઉજ મોટી સફળતા પ્રાપ્ત કરે છે." સાંજ બોલીને અટકી.


"બે, તારી વાત સાચી છે, હું અત્યાર સુધી નકારાત્મક જ વિચારતો રહ્યો, પણ હકારાત્મક બાબત વિચારવાનો ખ્યાલ જ ના આવ્યો. તે કહ્યું એ પ્રમાણે લોકોએ પ્રેમ પછીના વિરહને દુઃખભર્યું બનાવી દીધું છે. પણ એમાં હકારાત્મક ક્ષમતા સૌથી વધારે હોય છે જે નજર સમક્ષ જ નથી." હું બોલ્યો.


"જો સંગીત, આ બધા મારા વિચારો છે, કદાચ હું એવું અનુભવી નથી પણ મારા મતે તો આજ સાચું છે. હવે શુ કરવાનું છે એ બધું તારી પર નિર્ભર છે. કઈ પણ કરજે જાણી, સમજી, વિચારીને કરજે. મેં કહ્યું એ જ સાચું છે એવું નહીં, તું જે વિચારે એ પણ સાચું અને સારું હોઈ શકે." સાંજ મને સમજાવતા કહ્યું.


"અરે.. એવું કઈ નહીં, તું તારી જગ્યાએ એકદમ સાચી છે અને હું હવે જે કરીશ એ મારા જ હિત માટે હશે." હું બોલ્યો. અમારી કોફી પુરી થઈ અને કદાચ સમય પણ. મારે હજુ પણ સાંજ સાથે બેસીને વાત કરવી હતી.


"કંઈ ખાઈશ ?" મેં પૂછ્યું.


"બે કોલ્ડ કોફી પીધા પછી કંઈ ગરમ નાસ્તો ના મજા આવે" એ દુપટ્ટો કાઢતા બોલી. મને સમજાઈ ગયું કે હવે છુટા પડવાનો સમય થઈ ગયો.


"બોલ બીજું કંઈ" સાંજે પૂછ્યું. મારુ ધ્યાન ખાલી કપમાં હતું, અને યાત્રી આવશે કે નહીં એના વિચારોમાં ખોવાયો.


"ઓ સંગીત સાહેબ, કઈ ધૂનમાં ખોવાઈ જાવ છો." હાથ હલાવતા ઈશારો કરતા સાંજ બોલી.


"અરે, કઈ નહીં યાર, શુ થશે ? એમ." હું હોશમાં આવીને બોલ્યો.

"અરે બકા, ચિંતા ના કરીશ. તું રાહ જો, અને જો તને એવું લાગે કે હવે યાત્રી નહીં આવે તો પછી મને જાણ કરી દેજે જો હું કોઈ સંબંધમાં નહીં હોઉં તો તને પ્રપોઝ કરી લઈશ." સાંજ હસતાં બોલી.


"જાને હવે, મજાક ના કર' હું પણ હસતા બોલ્યો.


"ના બે સાચું. જો શરૂઆતમાં તું મને મળ્યો તો ત્યારે પેલા મેડમ બંનેની જવાબવહી લઈ લેતા હતા તો તે મને લખવા દેવાનું કહ્યું અને પોતાની જવાબવહી આપવાની કહી. આ જમાનામાં લોકો ખુબજ સ્વાર્થી છે જ્યારે તે કોઈ અજાણ્યાનું વિચાર્યું. ત્યારે જ હું સમજી ગઈ હતી તારા સ્વભાવને. તું કોઈ છોકરીને પ્રેમ કરે છે અને એની રાહ તું બે ત્રણ વર્ષ જોઈ શકે તો જો તું ચાહે તો હું તારી ગર્લફ્રેંડ કેમ ના બની શકું ?"


"અને જો હું અત્યારે હા કહી દઉં તો ?" મેં આમજ પૂછ્યું.


"બકા અત્યારે હું પ્રપોઝ કરું જ નહીં ને, આજ તું યાત્રીને છોડે કાલે મને પણ ! પણ હા મને ખબર છે ત્યાં સુધી એવું નહીં જ થાય. તારો પ્રેમ સાચો છે અને તું રાહ જોઇશ." એણે કહ્યું.


"અને જો યાત્રી આવી ગઈ તો ?" મેં પૂછ્યું


"તો તું મને કોઈ સારો છોકરો શોધી આપજે" સાંજે હસતા-હસતા કહ્યું. બંને ઉભા થયાં. હું બંને કોફી કપ મુકવા ગયો ત્યાં સાંજે બિલ ચૂકવી દીધું. અમે બહાર નીકળ્યા.


"ચલ તને લાલદરવાજા છોડી દઉં મારે એ તરફ થોડું કામ પણ છે." એણે કહ્યું.


"સારું" મેં કહ્યું 'ને અમે નીકળ્યા. એ પાંચ મિનિટ હું કંઈજ બોલ્યો નહીં કે એ પણ કઈ બોલી નહીં. લાલદરવાજા આવ્યું. એણે ગાડી સ્ટેન્ડ કરી. સારું ચલ મળીએ, એમ કહીને અમે ગળે ભેટ્યા અને છુટા પડ્યા.


મેં લાલદરવાજાથી બસ પકડી, ભીડ સખત હતી એટલે મને હોટસીટ ના મળી. સાંજ સાથે વાત કરીને સારું લાગ્યું : એટલો સમય હું હસ્યો તો ખરી ! સાંજ પળી, હું ઘરે પોચીશ ત્યાં સુધી સૂરજ તો હશે, પછી ઢળી જશે. હું 'ને સાંજ લગભગ ત્રણ કલાક જેવું સાથે હતા. એણે જે કહ્યું એ બધું સાચું જ હતું. સારું થયું કે યાત્રીની સાત વાગે રાહ જોવા જવાના બહાને સવારે વહેલા ઉઠવાની આદત પડી ગઈ, અને હા રાત્રે વહેલી ઊંઘ પણ આવી જાય છે. સવારે વહેલા ઘરડા લોકોને દોડતા જોઈ પોતાની તંદુરસ્તી પર ધ્યાન પડ્યું. સારું થયું કે, કોઈ ખોટી સંગતથી ખરાબ આદત ના પડી. હવે તો હું ચાર કિમિ તો દોડી જ શકું છું, પોલીસની કે આર્મીની ભરતીમાં જવાય ? હા, પણ હજુ ઉમર ભણવાની છે, પણ યાર મને કોમર્સમાં બિલ્કુલ રસ નથી. પણ કોલેજ ગયા વગર રસ ક્યાંથી આવે ? સારું, આમ પણ હવે દસ-બાર દિવસ પછી કોલેજ શરૂ થવાની જ છે.


વળાંક


આમ પણ પોતાને જ્યારે તકલીફ પડે એ સમયે કોઇ બીજાનું દુઃખ જોઈએ તો એ મોટું લાગે. આમ જોવા જઈએ તો ભારતમાં દુઃખ અને તકલીફની કમી જ નથી. બસ હવે મારે એક એવો ટોપિક પકડવો છે જેના વિશે હું ઊંડાણમાં વિચારી શકું અને જેનો હું ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી શકું. મેં મારા વેકેશનના છેલ્લા દિવસો એ પાછળ જ બગાડ્યા છે, આમ વિચારું તો મને ઘણું બધું બહારનું જાણવા મળ્યું, અને હવે એ વાત નાની લાગે છે કે જેમને તમે પ્રેમ કરો છે એ વ્યક્તિ તમારાથી દૂર થાય ત્યારે જે દુઃખ થાય એ અસહ્ય હોય છે. મેં આપણાં દેશમાં જોયું તો વસ્તીવધારો, ગરીબી, ગુલામી, બેકારી, જાતિવાદ, ધર્મવાદ. આ બધા મોટા વિષય અને નાના નાના તો આવા ઘણા હશે, પણ મારા એકના વિચારવાથી દેશ થોડી બદલાઈ જશે, આઝાદી વખતે ઘણા ક્રાંતિકારીઓ થઈ ગયા. એમની વાત પણ કોઈએ માની હોત તો કંઈક ચિત્ર બદલાયું હોત. વાત માનવાની તો દુરની વાત પણ કોઈ વાત સાંભળવા જ તૈયાર નથી. હવે, કોલેજ શરૂ થઈ જશે, સવારે દોડવા વહેલો પાંચ વાગે જઈશ, છ વાગે ઘરે અને સાતને પાંચની બસ પકડીશું. બસ હવે મારે કોઈ મોકો જોઈએ છે જેને હું મારા અને લોકોના વિચારો સાથે જોડાઈને એક ઘટાદાર વૃક્ષ તૈયાર થઈ શકે.


***


કોલેજ શરૂ થઈને બે-ત્રણ દિવસ થઈ ગયા પણ વેકેશનના કારણે કોઈ આવતું નહતું, કે દરરોજ આવું જ હોય છે ? હા, ગમેતે થાય હું રોજ કોલેજ તો આવીશ જ. આજ સવારે સાતને પાંચની બસ પકડી ત્યારે પેલા માસી રોજની જેમ આજ પણ મારી પાસે આવીને બેસી ગયા : યાત્રીનો અણસાર ઘણીવાર આવી જાય. એ માસીની ઉંમર ખાસ લાગતી નહતી, જુવાન હતા. એમણે આજ મારી સાથે વાત કરી, બે-ત્રણ દિવસથી બોલવાનું કરતા પણ આજ કહી દીધું.

"બેટા પેલી છોકરી તારી બાજુમાં બેસતી હતી એ કેમ નથી આવતી ?" એમણે પૂછ્યું.


"ખબર નહીં માસી, મને કંઈ જાણ નથી" મેં કહ્યું.


"પણ તમે સાતને પાંચની બસ સાથે પકડતા હતા 'ને ? અચાનક ઘણા દિવસોથી એ આવતી નથી તું રોજ આ જ બસમાં હોય છે. કંઈ થયું ?" માસીએ આટલા બધા સવાલ પૂછી લીધા.


"સાચું, માસી મને કંઈજ ખ્યાલ નથી. પેલા દિવસે મેં તમને ઉભા રાખ્યા હતા પછી બેસવાનું કહ્યું ! હા એ દિવસથી અમે મળ્યા નથી" મેં કહ્યું.


"સારું બેટા વાંધો નહીં, અગર તને ખોટું લાગ્યું હોય તો માફ કરજે." માસી બોલીને અટક્યા. એમના માફી માંગવાના કારણે એમના પ્રત્યે ઇજ્જત વધી. પછી મેં પણ પૂછ્યું જે મારા મનમાં રોજ ચાલતું.


"અરે એમાં શુ, મને કંઈ તકલીફ નથી થઈ. પણ માસી તમે પણ રોજ આજ સાતને પાંચની બસમાં અને એ પણ આજ હોટસીટ ! કેમ એવું ?"


"સાતને પાંચની બસ એટલા માટે કેમકે મારી જોબ ચાલુ છે, અને આજ હોટસીટ એનું કંઈક તારા જેવું જ કારણ છે." માસી બોલ્યા. હું ચોંકી ગયો, મારા જેવું કારણ ! એટલે શું માસી પણ પહેલા કોઈ સાથે અહીંયા બેસતા હતા ?


"મારા જેવું એટલે ?" મેં પૂછ્યું.


"ઉંમ... જો ફ્રેન્ડલી કહું છું કોઈને જાણ ના થાય. હું અને મારો ફ્રેન્ડ રોજ સાથે બસમાં જતા : આ જ હોટસીટ પર. અમારા બંનેની અલગ અલગ જગ્યાએ જોબ હતી હું પહેલા ઉતરી જતી અને એ લાલદરવાજા જતો."


"શું વાત કરો છો, કેટલા સમય સુધી ? હવે શું થયું ?" મેં પણ એક્સાથે સવાલો પૂછી લીધા.


"હા, એ ગામમાંથી હરરોજ સીટ સાચવીને મારી માટે લાવતો : તારી જેમ. અમે લગભગ છ મહિના જેવું સાથે જતાં. પણ હવે એ નથી આવતો."


"પણ કેમ ? શુ થયું ? તમારો કોઈ કોન્ટેક્ટ નથી એમની સાથે ?" મેં પૂછ્યું.


"હા, પણ હવે નથી" માસીએ મારા અમુક સવાલોને ટાળતા કહ્યું.


"તમે એમની રાહ જુઓ છો ?" મેં પૂછ્યું.


"હમણાં જ એક વર્ષ 'ને દસ મહિના જેવું થયું. હું હજુ રાહ જોઉં છું 'ને હજુ જોઇશ." માસીએ કહ્યું.


"તકલીફ નથી થતી ?" મેં પૂછ્યું.


"હા, શરૂઆતમાં, પણ હવે વાંધો નથી આવતો. હું જ્યારે તમને જોતીને આ હોટસીટ પર તો મને ખુબજ ખુશી થતી, મને મારા જુના દિવસો યાદ આવી ગયા. પણ હમણાથી તમે સાથે નથી એટલે દુઃખ થયું. એટલે મારે વાત કરવી હતી અને મેં કરી." માસી બોલ્યા ત્યારે એમનો અવાજ રડતો હોય તેવું લાગ્યું.


"અરે.. આ'મ રિયલી સોરી, મને ખબર નહતી. પણ હા, હું આશા રાખું છું કે તમારા મિત્ર ચોક્કસ આવશે જ" મેં કહ્યું.


"તું પણ જેની રાહ જોઈ રહ્યો છે તે ચોક્કસ આવશે બસ ધીરજ રાખજે." એમણે કહ્યું.


હું આજ કોલેજ પહોંચ્યો ત્યારે ત્યાં એક ગ્રૂપ આવ્યું હતું, બધાએ કાળો કુરતો અને ગળામાં લાલ દુપટ્ટો પહેર્યો હતો. કોલેજમાં એક પણ લેક્ચર નહતો મને સમજાઈ ગયું કે આ લોકો આજ નાટક કરવાના છે. બધા પ્રોફેસર એકઠા થયાં અને તેમની સાથે વાતચીત કરી. અચાનક બધા દોડતા-દોડતા બુમો પાડતા-પાડતા કોલેજના મોટા ગેટની અંદરની બાજુ આગળ જઈને સ્ટેચ્યુ થઈ ગયા. માત્ર એક મિનિટમાં કોલેજમાં જેટલા ખૂણામાં જે વ્યક્તિ બેઠા હતા તે ગેટ પાસે આવી ગયા. પાર્કિંગ આખું ભરાઈ ગયું. નાટક ભજવનાર જોર-જોરથી બુમો પાડીને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા, 'બેટી પઢાઓ બેટી બચાઓ'...થી શરૂ કરીને છોકરીઓને શુ.. તકલીફ પડે છે, બળાત્કાર, ચહેરા પર એસિડ, બધીજ ક્રિયાઓ નાટકમાં જોવા મળી. હું આગળ પહેલી જ લાઈનમાં હતો. એક-એક ડાયલોગ મારા રૂંવાટા બેઠા કરતા. કોલેજના ગેટ બહાર આવતા જતા લોકોની ભીડ જમા થઈ ગઇ હતી. નાટક પૂરું થયું, અને તે લોકોએ જાહેર કર્યું કે તમારી કોલેજના પણ વ્યક્તિઓ જોઈએ છે. હજુ અમારી આ શરૂઆત છે જનજાગૃતિ માટે. અમને એવા યુવાનો જોઈએ છે જે સમય આપી શકે. હું તરત મારા પ્રોફેસરને જઈને મળ્યો કહ્યું કે તેઓને મારી વાત કરોને હું આ લોકો સાથે જોડાવા ઈચ્છું છું. પ્રોફેસર તરત મને તેમની પાસે લઇ ગયા, વાત કરી કે 'આ વ્યક્તિને જોડાવું છે તમારી સાથે.'


મને એક છોકરીએ પ્રશ્ન પૂછ્યો. "શુ તમારી પાસે સમય છે ?" મેં હા કહ્યું.


તરત બીજો સવાલ પૂછ્યો. "ક્યારથી જોડાશો ?"


મેં કહ્યું "અત્યારે જ." ગ્રુપમાં સાત છોકરાઓ અને ત્રણ છોકરીઓ હતી બધાએ મને પોતાની ઓળખાણ આપી અને એ લોકો કોઈ બીજી કોલેજમાં જતા હતા ત્યાં મને સાથે લઈ ગયા.


હું કઈ પણ વિચાર્યા વગર એ લોકોમાં ભળી ગયો કેમકે મેં જે વિશે વિચાર્યું હતું, તેનાથી હું આ ગ્રુપસાથે રહીને ઘણું આગળ પહોંચી શકું. એ લોકોમાં અમુક અલગ કોલેજના હતા પણ તેઓ, મેં જે કોલેજમાં પરીક્ષા આપી હતી ત્યાં એકઠા થઈને પ્રેકટીસ કરતા. એ લોકોના નિયમ જાતે જ બનાવેલા અને બધા ચુસ્ત પણે પાલન કરતા, કોલેજના પ્રિન્સિપાલ એમને મદદ કરતા અને એક પ્રોફેસર નાટક લખતા, શીખવાડતા. અગિયાર વાગે એક જગ્યાએ ભેગા થઈ જતા અને બધા સાથે હોય ત્યારે કોઈ મોબાઈલ પણ વાપરે નહીં. સમૂહમાં ચર્ચા કરીને શું કરવું ? શું ના કરવું ? બધાના વિચારો જાણતા. પહેલા જ દિવસના જૂથચર્ચામાં મેં વેકેશન દરમિયાન કરેલ વાંચન અને વિચારો રજૂ કર્યા. એ દિવસે જે અમને શીખવતા હતા તે પ્રોફેસરે અમને બધાને કોઈ એક-એક વિષય લઈને તેની પર જેટલું જાણતાં હોય અને તેનો ઉપાય શું તેના પર નિબંધ લખવાનો કહ્યું. બાળમજૂરી, બળાત્કાર, બેકારી, ગરીબી, જાતિવાદ, ધર્મવાદ, પરિયાવરણ બચાવો, પ્રદુષણ ઘટાડો જેવા બીજા ઘણા વિષય પર બધાએ લખ્યું. એક બીજાના લખાણ બધાએ વાંચ્યા અને તે બધા વિષય પર નાટક લખવાની સમજ આપી. એ દિવસ મારો એવો હતો કે હું તેને ક્યારેય ભૂલી ના શકું. આજના દિવસે બધાએ ગ્રૂપને નામ આપ્યું 'કોમરેડ્સ'. હવે રોજ સવારે સાતને પાંચની બસમાં કોલેજ જવાનું, બે લેક્ચર ભરીને ટીમ સાથે કામ કરવાનું. ટીમમાં બધા જ વ્યક્તિ ઉત્સાહી હતા એનાથી મને જોશ મળ્યો. હું એક જ અઠવાડિયામાં અગાઉ તે લોકોએ ભજવેલા નાટકનો હિસ્સો બની ગયો. બધા કહેતા કે તું ખુબજ ઝડપથી બધું શીખી રહ્યો છે હું કહેતો કે બધી તમારી જ મહેરબાની છે. એ દરમિયાન કોલેજમાં ઇવેન્ટ્સ, પ્રોગ્રામ શરૂ થયાં, અમે બધા ગુજરાત કક્ષાએ નાટકમાં ભાગ લીધો. બધીજ તૈયારીઓ કરતા આઠ-નવ કલાક થઈ જતા. નવા બીજા યુવાનોનો સાથ મળ્યો. અમે દર અઠવાડિયામાં એક વાર અલગ અલગ કોલેજમાં નાટક કરતા અને રવિવારે મોલમાં, બજારમાં.. એવી કોઈ જગ્યા જ્યાં ભીડ વધારે રહેતી હોય ત્યાં નાટક ભજવતા. ફંડ્સ પણ ભેગો થવા લાગ્યો, અને અમે ગુજરાત કક્ષાએ નાટક પણ જીતી ગયા.


***


હા, મેં વિચાર્યું હતું તેના ઘણા પ્રમાણમાં હું આગળ વધ્યો. ક્યાં ? કોની સાથે ? કેવી રીતે વાત કરવી ? શુ કરવું ? શું ના કરવું ? આ વીતી ગયેલ છ મહિનામાં મારામાં ઘણો બદલાવ આવ્યો. બસમાં પેલા માસી, જેમનું નામ કલ્પના હતું તેમની સાથે રોજ વાત થતી. હવે હું તેમને કલ્પના દીદી કહીને બોલાવતો, નંબરની આપ-લે થઈ પછી રોજ ગૂડ મોર્નિંગ, અને ગુડ નાઈટ કહેતા. તેમણે અમારી ટીમને ઘણી મદદ કરી. તેઓ સરકારી ખાતામાં હતા તેથી તેમણે અમને એક મંડળ ખોલી આપ્યું જેના કારણે અમારી બચત, ફંડ અને લોકોએ આપેલા ઇનામ તેમાં જમા થતા. કલ્પના દીદી અમારા ટિમ વિઝિટર મેમ્બર બની ગયા હતા. હા વિઝિટર પરથી યાદ આવ્યું કે સાંજ પણ અઠવાડિયામાં એક વાર અમારી સાથે ટિમ વિઝીટર મેબર તરીકે આવતી અને મદદરૂપ થતી, અને ઘણી વાર તેની બેઠક : જ્યાં તેનું ખાતું ચાલતું ત્યાં ચાય-પે-ચર્ચા થતી. ઉંમ…, હા, યાત્રી... જેની રાહ હું આજ પણ જોઉં છું. એની યાદ ખૂબ આવતી જ્યારે એકલો હોઉં, પણ હવે હું ઘણો ઓછો સમય એકલો હોઉં છું. હા, ઘણીવાર આખી રાત જાગ્યો છું, અને ઘણીવાર સાંજ પડતા જ સુઈ જાઉં છું. હવે, યાત્રી ક્યારે આવશે એવું નથી વિચારતો, પણ સાંજે કહ્યું હતું તેમ કે 'રાહ અમુક સમય સુધી નિશ્ચિત રાખજે' મેં આ રાહ ઘણી લાંબી કરી દીધી હતી. મેં વિચાર્યું કે મારી કોલેજ પુરી થયાં પછી હું યાત્રી આવશે એવી આશા છોડી દઈશ. હું જ્યારે યાત્રી સાથે વિતાવેલ છ દિવસ વિશે વિચારું 'ને ત્યારે એવું લાગે કે આટલા જ સમયમાં ઘણું બધું થઈ ગયું. મને પ્રેમ થઈ ગયો અને એ પણ બધાની જેમ અધુરો રહી ગયો.


બીજું સેમિસ્ટર


બીજા સેમિસ્ટરની પરીક્ષા આવી પણ આ વખતે પરીક્ષાનો સમય બપોરનો હતો : બાર વાગ્યાથી અઢી વાગ્યા સુધી. મેં વિચાર્યું કે યાત્રી પરીક્ષા આપવા આવશે તો કદાચ એક કલાક વહેલા ઘરેથી નીકળશે જેમ પે'લા સેમિસ્ટરમાં આઠ વાગ્યાનું પેપર હતું, તો સાતને પાંચની બસ પકડતી તેમ કદાચ અગિયાર વાગ્યાની બસ પકડે ! હું આ વખતે પહેલી વાર ઘરેથી અગિયારને પાંચની બસમાં નીકળ્યો. ઘણો ડર લાગતો હતો કે જો યાત્રી મળી જશે તો હું કેવો પ્રતિભાવ આપીશ ? જેવું આગળનું બસ્ટેન્ડ આવ્યું ત્યાંથી લોકોની ભીડ ચડી. આજ પાસે કલ્પનાદી પણ નહોતા. મેં ઘભરામણમાં આંખો બંધ કરી દીધી હતી. કાનોમાં અવાજ સંભળાયો... Can i seat hear ? યાત્રી ક્યારેય ઈંગ્લીશ બોલી નહતી

*આજ બારી તો મળી પણ કેદની જેમ બંધ

આજ કોઈક તો મળ્યું પણ અજાણની જેમ અંધ*


મેં આંખ ખોલી તો કોઈ બીજી છોકરી ચહેરા પર દુપટ્ટો બાંધીને ઉભી હતી. હું કંઈ જ બોલ્યા વગર, બાજુની સીટ પર પડેલું બેગ હટાવી, ઉદાસ થઈને આંખો બંધ કરી લીધી. આજ પણ યાત્રી નહીં માત્ર તેનો અણસાર આવ્યો. કદાચ યાત્રી વહેલી જતી રહી હોય તો... બીજે દિવસથી હું પાછો સાતને પાંચની બસમાં. લાલદરવાજા ઉતરીને એ પછી આવતી બધી જ બસમાં હું યાત્રીને શોધતો. પરીક્ષા દરમિયાન અમારા ટિમના બધા લોકો રજા રાખતા કેમકે એમનું માનવું હતું કે આ જ કામ કરીને આગળ નહીં આવી શકીએ સાથે ભણવું પણ જરૂરી છે. ટીમના વોટ્સએપ ગ્રુપમાં વાત ચાલતી કે મને આખો દિવસ કંટાળો આવે છે, તેના કરતા ટીમનું કામ કરવામાં મજા આવતી.. really, i miss our team... ક્યારે પરીક્ષા પુરી થાય અને ક્યારે આપણે બધા પાછા મળીએ. કામ આગળ કરીએ. સાચું કઉ પરીક્ષાના ત્રણ કલાક સિવાયનો સમય કાઢવો મારા માટે ખુબજ મુશ્કેલ પડતો, હું પરીક્ષા પહેલા ચાર કલાક અને પરીક્ષા પુરી થયા પછી બે કલાક લાલદરવાજા સ્ટેન્ડ પર બેસતો યાત્રીની રાહ જોવા. અમૂકવાર સાંજ પણ આવી જતી : કલાક-સવાકલાક માટે. પરીક્ષાનો છેલ્લો દિવસ હું સૂરજ ડૂબીને અંધારું છવાયું ત્યાં સુધી ત્યાં જ બેઠો હતો. લોકોની ભીડ જોઈને કંટાળ્યો હતો. હવે યાત્રી આવશે એની આશા થોડી ઘટીને ગુસ્સો અને તકલીફ વધવા લાગી. ગુસ્સો એટલે કે હું થોડું રિસાઈ ગયો કે હવે યાત્રી આવશેને ત્યારે હું એની સાથે વાત જ નહીં કરું ! રાત્રે ઘરે પહોંચ્યો પછી ક્યાંય મન ના લાગ્યું.


કામ કર્યા વગર થાક ના લાગે, હું જ્યારથી યાત્રીની રાહ જોતો હતો ત્યારથી.. અત્યાર સુધી થાક્યો નથી. પણ હવે એવું લાગે છે કે યાત્રી નહીં જ આવે. મેં સાંજ સાથે ઘણી વાર વાત કરી કે હવે યાત્રીની રાહ નથી જોવાતી પણ સાંજ કહેતી કે એ જરૂર આવશે. મને એ વાતની નવાઈ લાગે છે કે હું અને સાંજ છ મહિના જેવું સાથે રહ્યા, બીજી જ મુલાકાતમાં તેણે મને કહી દીધું હતું કે હું તેને ગમું છું અને એવું પણ નથી કે સાંજ સારી છોકરી નથી, કેમકે એને હું ગમતો હોવા છતાં પહેલા મારી ખુશીનું વિચાર્યું. જો યાત્રી પહેલા હું સાંજને મળ્યો હોત તો વાત જુદી જ હોત - પણ જો હું યાત્રીને ના મળ્યો હોત તો સાંજ સાથે વાત જ થઈ ના હોત.


પણ હવે બીજી બધી વાતોનો કોઈ અર્થ નહતો. બીકોમ પૂરું ના થાય ત્યાં સુધી રાહ જોવાના નિર્ણય પછી ફરી કેમ શકાય. હા, સાંજ મને પણ ગમે છે પણ હું યાત્રીનો ચહેરો ભૂલવા નથી માંગતો. કોલેજનું બીજું વર્ષ પૂરું થવા આવ્યું, હું અને અમારી ટિમ ભેગા મળીને ઘણા મોટા પગલાં ભર્યા. ઘણા લોકોનો સાથ મળ્યો, ટીમમાં અમુક લોકો વિચારતા કે ચૂંટણીમાં ભાગ લેવો જોઈએ પણ મારુ અને બીજા વ્યક્તિઓનું માનવું હતું કે સેવા અને કોઈ સારું કામ કરવા માટે કોઈ પદવી કે મહાનતા મળવી જરૂરી નથી. અને આમ પણ રાજનીતિ લાલચની ગુફા છે, ક્યાંથી ક્યાં પહોંચી જવાય ખબર ના પડે : અને જે ધ્યેયથી શરૂઆત કરી હોય એને જ ભૂલી જઈએ. અમારી ટીમમાં કોઈજ મોટી ખુરશી નહતી, અને બધા જ લોકો સમાનતામાં માનવા વાળા. મારા જન્મદિવસ પર મમ્મી-પપ્પા એ બાઇક ગિફ્ટ આપી - કહેતા કે, રોજ બસની અવરજવરમાં થાકી અને કંટાળી જતો હોઈશ. મારી બસ સાથેની સફર - યાત્રીથી થયેલ મુલાકાત - રોજ જોવી પડતી ઘટનાઓ - યાદો - વિચારો... હા, વિચારો... હું બસમાં ઘણું બધું વિચારી લેતો. લોકો વચ્ચે રહીને એકલા પોતાની સાથે વાતો કરવી : યાદગાર હતું. પણ હવે એવું નહીં થાય. શું નહીં થાય ? - રાહ જોવાનું ? - ના ના એતો બરકરાર રહેશે. હવે, સાત વાગ્યાથી સાત:દસ સુધી રિંગરોડ બસસ્ટેન્ડની બાજુવાળી કિટલી પર ચા સાથે રાહ જોવાશે, ચા પુરી થયા પછી ખુદને વ્યસ્તતાના રંગમાં ઓગાળી ચમકે નહીં ત્યાં સુધી તડકે તપતું રહેવું.


હવે, સમજાય છે કે એકલા બાઇક લઈને જે તે જગ્યાએ ચોક્કસ સમયમાં પહોંચી જવાય છે - એકદમ આસાન અને ટૂંકા સમયમાં. હવે, ફક્ત અઢાર મિનિટમાં કોલેજ પહોંચી જવાય છે પણ મારી સફર-એ-જિંદગી ત્રણ-ચાર સોંગમાં પતી જાય છે. પહેલા જુઓને કોલેજ પહોંચવું હોય તો કલાક વહેલા નીકળવાનું - વહેલા ઉઠ્યા પછી પણ ચિંતા કે બસ મળશેને ! રોજ એકજ બસ - એકજ સીટ પણ હા, હવે જે ખોટ અનુભવાય છે તે, - કોઈ પાસે બેસનાર નથી - એકલો બાઇક ચલાવું છું. સમયસર પહોંચી જઉં છું - વિચારવાનો સમય નથી. બાઇક હું જ ચલાવું છું - બીજા પર ભરોસો નથી. ખાલી ટ્રાફિક સિગ્નલમાં થોભુ છું - કોઈ માટે પોતાની સીટ ખાલી નથી કરી શકતો. એકલા જ્યાં જવું હોય ત્યાં પહોંચી જવાનું પણ બસમાં બધાને સાથે લઈને જવાનું કદાચ એટલે જ સૌના સાથે વિકાસ ધીમો પડે છે : પણ હા મજા જરૂર આવે છે.


પાંચમું સેમિસ્ટર


યાત્રી પહેલા સેમિસ્ટરની પરીક્ષામાં પહેલા દિવસે જ મળી હતી. હવે, બીજું, ત્રીજું અને ચોથું પણ પૂરું. વીસેક મહિના જેવું તો થયું જ હશે. પાંચમું સેમિસ્ટર પણ રેગ્યુલર કોલેજ જવાનું, ટીમ સાથે કામ કરવાનું, નાટક કરવાના, જનજાગૃતિ લાવવાની. હું પહેલા કહું તો કંઈજ નહતો, સ્કૂલમાં પણ પહેલો નંબર નથી લાવ્યો. પણ દોઢ વર્ષ પહેલા બનેલી ઘટનાને મેં વધારે ગંભીરતા પૂર્વક લીધી. હું યાત્રીને ખોઈને પોતાને મળ્યો. મારુ નામ બન્યું - ઓળખ ઉભી થઈ. અમદાવાદની કોઈ પણ કોલેજમાં મને કોઈ ના ઓળખતું હોય તેવું નહીં બને. કાળો કુરતો અને લાલ દુપટ્ટો અભિનય કરતા દરેક અભિનેતા પહેરતા. લોકોએ આપેલી સમીક્ષામાં કહેતા કે - રુવાંટા બેઠા થઈ ગયા. પાંચ હજાર ઉપર સમર્થકોએ નામ નોંધાવ્યા ખાલી અમદાવાદમાં. ગુજરાતમાં દરેક કોલેજમાં હવે જઈશું અને બધાં યુવાનોને એક કરીશું.


પાછા કંટાળાજનક દિવસો આવ્યા, તે એટલે પાંચમા સેમિસ્ટરની પરીક્ષા. હવેના સાત દિવસ ટિમ સાથે નહીં હોય. યાત્રીને મળવાની સંભાવના વધે. કલાક કાઢવા મુશ્કેલ પડે. પરીક્ષાનો સમય સવારે આઠ વાગ્યાનો હતો. હું અસમંજસમાં હતો કે શુ કરવું પરીક્ષાના દિવસો બસમાં જવું કે બાઇક લઈને ? પહેલા વિચાર્યું કે બસમાં જ જઈશ, પણ મન ડગુમગુ થતું કે આ બધા સેમિસ્ટરની પરીક્ષામાં તો યાત્રી આવી નહીં શું હવે એ આવશે ? મન મક્કમ કરીને હું સાતને પાંચની બસમાં જવા તૈયાર થયો. બે વર્ષ વીતી ગયા યાત્રીની રાહ જોવામાં. હમણાંથી બાઇકની જાણે આદત પડી ગઈ હતી કેમકે સમયની બચત થતી. યાત્રીની આવવાની આશા સાવ ઘટી ગઈ એવું હતું કે હવે ગમેતેમ કરીને છઠું અને છેલ્લું સેમિસ્ટર કાઢી લઉં પછી યાત્રીને ભૂલી જઈશ. આમતો હું તેવું હાલ પણ કરી શકતો હતો કેમકે હવે હું ઘણી બધી છોકરીઓ સાથે વાતચીત કરતો, હવે ડર નહતો લાગતો. પણ જોને સાતને પાંચની બસમાં બેઠો તેવાં જ ધબકાર ચાલુ. ખબર નહીં આ ડર કેવો હતો પણ જે વિચાર હતો કે યાત્રી આજ મળી જશે તો ! જેમ બસ બીજા બસસ્ટેન્ડ : રિંગરોડ પહોંચતી ત્યારે હોટસીટ પરની બારીથી પાછળના દરવાજેથી ચઢતી હરેક વ્યક્તિનું નિરક્ષણ થતું કે આમાં યાત્રી છે ? પણ તેટલા સમયમાં આશા જેટલી ઝડપથી ઊંચી થતી એટલી જ ઝડપથી નીચે પછડાઈ તૂટીને વિખેરાઈ જતી. બસમાં દમ ગુટતો, ઘભરામણ થતી. હવે શુ યાત્રી ક્યારેય નહીં આવે ? હું એના વગર નહીં જ જીવી શકું, એને ખાલી એકવાર મળવાનો મોકો તો મળી જાય મારે એને ગળે ભેટીને થોડું-ઘણું રડી લેવું છે. બસ યાત્રી એકવાર તો આવિજા.


એક દિવસ પૂરો થયો અને બીજા દિવસેતો બસમાં જ હું રડી પડ્યો. કલ્પના દીદીએ આશ્વાસન આપ્યું કે બધું જ સારું થઈ જશે. ઘણા દિવસોથી આંખોમાં ભરાતા આંસુ આજ છલકાઈ ગયા. હું હવે ખુદ પર ગુસ્સે થઈ ગયો - બસ સંગીત હવે બઉ કરી તે. હવે તું બસમાં નહીં આવે કાલથી બાઇક લઈને જ જઈશું, એક છોકરી પાછળ કેટલું રડવાનું ? ત્રીજે દિવસથી બાઇક લઈને જવા લાગ્યો, ગુમસુમ રહેવા લાગ્યો, ફરીથી અસમંજસમાં ફસાયો કે શુ કરવું ? 'ને શુ ના કરવું ! હું એકલો ખુદને સાંભળી નહતો શકતો તોપણ એકલું જ રહેવું પસંદ કર્યું. બે વર્ષમાં જીવન બદલાઈ ગયું.


ચોથા દિવસની આખી રાત આંખોમાં ઊંઘ નહીં. ચાંદ અધુરો દેખાતો, હવે ચાંદના જેમ હું પણ ખામોશ હતો બોલીને પણ ફાયદો શું ? પહેલા હું ચાંદને કહેતો કે યાત્રી તારા કરતા પણ સુંદર છે, હવે શુ કહું ? યાત્રી છે જ નહીં ! પરીક્ષાનો પાંચમો દિવસ, હું વહેલો તૈયાર થઈ ગયો, શરીરમાં થાક 'ને આંખોમાં ઉજાગરો હતો. સવારના સાડા છ થયાં હતા ને હું ઉગતાં સૂરજને જોતાં-જોતા ઘરની બાર નીકળ્યો. બાઈક પર બેસીને કીક મારી. શિયાળાનો સમય હતો બાઈકનું એન્જીન ઠરી ગયું હતું કદાચ સાત-આઠ કીક મારી તો પણ ચાલુ ના થયું. ગુસ્સો આવ્યો અને વધારે જુસ્સાથી કીક મારવા લાગ્યો. ખૂબ પ્રયત્નો કર્યા વીસ મિનિટ સુધી પણ બાઇક ચાલુ થયું નહીં. કોલેજ જવું જરૂરી હતું એટલે પરાણે બસસ્ટેન્ડ જવું પડ્યું. પપ્પાને કહ્યું કે જો બાઇક ચાલુ થઈ જાય તો કોલ કરજો તો હું પાછો આવી જઈશ. હું ચાલતો ચાલતો બસસ્ટેન્ડ પહોચ્યો, સાત વાગી ગયા હતા, મારુ બિલકુલ મન નહતું બસમાં બેસવાનું. મેં રિક્ષાની પણ રાહ જોઈ કે આવે તો બેસીને સટલમાં જતો રહું. પણ સાતને પાંચની બસ સમયસર આવી અને ના ચાહતા પણ બેસવું પડ્યું. બસમાં હોટસીટ પર બેઠો અને મેં આંખો બંધ કરી લીધી કદાચ ઊંઘ આવી જાય તો સારું. બસ ઉપડી ધડકન વધી, જે વિચારને ભૂલવાનો પ્રયત્ન કરતો એજ વિચાર મગજમાં ફસાયો. 'યાત્રી', કદાચ આજ આવી જાય પણ ભૂલવા માટેની કોશિશ એમ જ કહેતી કે મુકને બધી વાતને. બીજું બસસ્ટેન્ડ આવે તે પહેલા હું આંખ પર હાથ મૂકીને સુવાના પ્રયત્ન કરતો. બસસ્ટેન્ડ આવ્યું ફટાફટ બધાજ ચઢ્યા. કલ્પના દીદી પણ બાજુની હોટસીટ પર બેસી ગયા. મને પૂછ્યું કેમ છે? હમણાથી દેખાતો નથી! મેં કહ્યું કે મજામાં, હવે બાઇક લઈને જાઉં છું રોજ. હજુ બસ ત્યાં જ ઉભી હતી, બધા ચડી રહ્યા હતા. બસ ઉપડી ત્યાં જ પાછળથી જોરથી અવાજ આવ્યો "ઓય....." મારી ધડકન ખુબજ વધવા લાગી. આંખો બંધ હતી મને એવું લાગ્યું કે મારો ભ્રમ હશે. હું એ વાતને અવગણીને સીટ પર લંબાયો. બસ ઉપડી થોડી ક્ષણો સુન થઈ ગઈ હોય તેવું લાગ્યું.


જાણીતો અવાજ આવ્યો "ઓ મિસ્ટર કલાકાર, હું અહીંયા બેસી જાઉં કે બીજું કોઈ આવે છે ?" મેં હાથ હટાવી આંખો ઝીણી ખોલી, ત્રાંસી નજરે જોયું તો એ સ્મિત કરતી, ખંજન બતાવતી છોકરી, હાલ પણ એજ હેરસ્ટાઇલ, એજ આંખો. ઠંડીને લીધે દુપટ્ટો ગળામાં વીંટયો હતો. મેં વિચાર્યું કે હમણાં તો અહીંયા કલ્પના દીદી બેઠા હતા સીટ ખાલી કેમની થઈ ? અહીંયા યાત્રી કેમની આવી ગઈ ? હું વિચારોમાંથી નીકળીને ખુદ હોશમાં તો છે ને એ જોવા બાર-આજુ-બાજુ નજર ફેરવી.


ફરીથી યાત્રી બોલી.. "ઓય સંગીત... શુ થયું ?" એની આંખોમાં હવે આંસુ ભરાયેલા હતા, અવાજમાં રુદન હતું. અમારી આંખો એકબીજાંને એકિટશે જોઈ રહી હતી, ઉજગરાને કારણે લાલ થયેલ આંખોમાં આંસુ ભરાઈ પડ્યા. મેં તરત નજર બદલી, હોઠે સ્મિત લાવી સીટ પર સરખો બેસી યાત્રીને બેસવા કહ્યું. યાત્રીએ બેસીને હાથ મળાવવા હાથ આગળ કર્યો. હું શુ કરું કંઈજ સમજાતું નહતું. મેં હાથ મળાવ્યો, બંનેની આંખો સામસામું છલકી ગઈ. એણે મારા હાથ પર બીજો હાથ મૂકી ફિટ દબાવ્યો.


"તું ઠીક તો છે ને સંગીત ?" આટલુ બોલતા જ યાત્રીના ડુસકા શરૂ થઈ ગયા. એણે મારો ખભો પકડી માથું ઢાળીને ધીમેકથી રડી પડી. હું શુ બોલું કંઈજ સમજાતું નહતું.


મેં એને ખભેથી પકડીને કહ્યું કે.. "બસ યાર શાંત થઈ જા રડીશ નહીં" હું બોલ્યો.


"યાર સંગીત આઈ એમ સો સોરી." આંખ સહેજ ઊંચી કરી મારી સામું જોઈને રડતા રડતા બોલી.


"અરે, કઈ નથી થયું શાંત થઈ જા." હું એની આંખો મારી આંગડીઓથી લૂછતાં બોલ્યો.


"રિયલી, આઈ એમ સોરી." એ બંને કાન પકડતા બોલી.


"ઓય... ગાંડી થઈ ગઈ છે, કાન કેમ પકડે છે, છોડ. શાંત થઈ જા. પાણી આપ અને." હું આટલું સ્મિત સાથે બોલ્યો. એ પણ હસી ગઈ બેગમાંથી પાણીની બોટલ કાઢીને મને આપતી હતી મેં કહ્યું કે પહેલા તું પીલે. એણે પાણી પીને મને આપ્યું. મેં પાણી પીધું અને બન્નેના એક એક હાથ બાંધી લીધા. પાછળથી કલ્પના દીદીએ મારા માથા પર હાથ ફેરવ્યો, મેં એમની સામું જોયું, એમની પણ આંખો ભીની હતી અને હોઠે સ્મિત હતું. મેં યાત્રીને ઓળખ આપી કે આ મારા કલ્પનાદીદી.


યાત્રીએ કહ્યું કે "હું આવી ત્યાં જ દીદી ઉભા થઈ ગયા અને તારા તરફ ઈશારો કર્યો - સંગીત છે. સાચું યાર હું તારી દાઢીને મૂછો જોઈને મૂંઝાઈ ગઈ'તી, કે આ જ સંગીત છે ને ?

યાત્રીએ કલ્પના દીદીનો આભાર માન્યો, કલ્પના દીદી ચલ મળીએ એમ કહીને આગળ વધી ગયા કદાચ મને અને યાત્રીને એકલા સમય વિતાવવા માટે. બસ આટલી જ ક્ષણોમાં લાલદરવાજા આવી ગયું. બંને છેલ્લે ઉતર્યા.,


"ઓય સંગીત શાંતિથી પરીક્ષા પુરી કર અને પુરી થાય એવુંજ અહીંયા આવીને મળજે". યાત્રી મારી નજીક આવતા બોલી.


"તું હવે ગાયબ થવાની તો દુરની વાત મોડું પણ કર્યું છે ને તો માર્યા વગર નહીં મુકું" હું એની સામું આંગળી કરીને બોલ્યો.


"ચલ જા હોશિયારી." યાત્રી મારી આંગળી પકડતા બોલી. "ચલ મળીએ, આવ પૂરું કરીને પેપર." હું બોલીને થોડું દૂર થયો. બંને પોતાની કોલેજ તરફ નવ-દસ કદમ ચાલ્યા હશે પાછા ફરીને આવ્યા.


"ઓય પેલા તારો નંબર આપ.." યાત્રી બોલી.


"મારે પણ એજ પૂછવું હતું." બને હસ્યાં 'ને મેં યાત્રીને નંબર આપ્યો 'ને એણે મને મિસ્કોલ કર્યો. હું એટલો ખુશ હતો.. એટલો ખુશ હતો કે ના પૂછો વાત. હું યાત્રીની નજરથી દૂર ગયો ત્યાંજ મોટા 'ને લાંબા કુદકા માર્યા. ઉજાગરો 'ને થાક જાણે ભાગી ગયા. ગૂંગણામણની સ્થિતિમાં જાણે કુદરતી શ્વાસ મળ્યા. ખબર નહીં આજનું પેપર કેવું જશે પણ હા, હવે જીવન સારું જશે.


પરીક્ષાખંડમાં બેઠા પછી પણ સ્મિત ગાયબ ના થયું. મેં બાજુમાં જોયું, પાસે જગ્યા આજ ખાલી હતી, મને ત્યાંજ સાંજની યાદ આવી. મારુ સ્મિત આછું થયું, મારે આ વાત સૌથી પહેલા સાંજને કહેવી જોઈએ તેવું વિચાર્યું અને અઢી કલાક પરાણે કાઢ્યા. યાત્રીને ઘણું બધું પૂછવું હતું, સાંજને ઘણું બધું કહેવું હતું. મેં પરિક્ષાખંડની બહાર નીકળતા પહેલા સાંજને કોલ કર્યો. સાંજનો કોલ સ્વિચોફ આવ્યો, મને લાગ્યું કદાચ હજુ બહાર નહીં આવી હોય ભણેશરી. હું દોડતો દોડતો લાલદરવાજા પહોંચ્યો, ત્યાં યાત્રી પણ સામે જ આવતી હતી. બંનેએ એકબીજાને હાઇ... કહ્યું, અને આજુબાજુ જોવા લાગ્યા. મારે એકાંત જોઈતું હતું જેથી હું યાત્રી સાથે ગુસ્સો, પ્રેમ, અને થોડું રડી લેવા ઇચ્છતો હતો. મેં યાત્રીનો હાથ પકડ્યો અને લાલદરવાજામાં લોકોની અવરજવરથી દૂર થઈ સાબરમતી નદી તરફ ચાલ્યો. ચાલતા ચાલતા બંને ખામોશ હતા, રિવરફ્રન્ટ પહોંચ્યા તરત હું યાત્રીને મારી એકદમ સામું લાવ્યો.


"બોલોતો.. મહોતરમાં આટલા બે વર્ષ ક્યાં ગાયબ હતા. તને એકપણ દિવસ મારી યાદ ના આવી ? તું ક્યાં હતી યાર ?" મેં પૂછ્યું.


"યાર હું અમદાવાદમાં નહતી, પપ્પાની બદલી થઈ સુરતથી તો અમદાવાદ આવવું પડ્યું. પણ ખબર નહીં શું થયું તો પાછું ત્યાં જ જવું પડ્યું અચાનક. મારા છેલ્લા પેપરના દિવસે ભાઈ મુકવા લેવા આવ્યા હતા, હું મળી પણ કેમનું શકું ? તને ખબર છે સોસીયલ મીડિયા પર મેં તને કેટલું શોધ્યો, પણ તું ક્યાંયના મળ્યો. મને હરેક દિવસ એજ અફસોસ થતો કે હું કાશ છેલ્લા દિવસ તને મળી શકી હોત." મારો હાથ પકડીને યાત્રી બધું જ શાંતિથી બોલી.


"તો તું પાંચમા સેમમાં કેમની આવી !" મેં પૂછ્યું.


"મેં બીજું, ત્રીજું, ચોથું સેમ સુરતમાં કર્યું, અમે હમણાં જ અમદાવાદ આવ્યા. પરીક્ષાના પહેલા બે દિવસ રોજ ભાઈ લેવા-મુકવા આવતા અને બે દિવસ હું બસમાં આવી હતી પણ તું નહતો. મને લાગ્યું કે તું બધું ભૂલી ગયો હોઈશ. એ બે દિવસ મારો વિશ્વાસ તૂટી ગયો કે હવે સંગીત સાથે ક્યારેય મુલાકાત નહીં થાય પણ આજ થઈ ગઈ." યાત્રી બોલીને અટકી.


"બે યાર, દોઢ વર્ષમાંનો કોઈ દિવસ એવો નહતો કે હું સાતને પાંચની બસને જો ચુક્યો હોઉં, હમણાથી બાઇક આપી ઘરેથી એટલે, તો પણ પહેલા બે દિવસ હું આવ્યો પણ પછી મારી હિંમત તૂટી ગઈ અને બે દિવસ હું બાઇક લઈને આવ્યો, અને આજ પણ બાઇક લઈને જ આવવાનો હતો પણ બાઇક ચાલુ જ ના થઈ 'ને બસમાં આવવું પડ્યું. મારી બે વર્ષની રાહ પુરી થઈ."


"મારે તને કંઈક કહેવું છે સંગીત." યાત્રીએ કહ્યું.


"મારે પણ." મેં કહ્યું.


"હા તો તું બોલ પહેલા." યાત્રી બોલી.


"ના. મારે બોલવાનું નથી, મારે આપવાનું છે." મેં મારા પાકિટમાં સાચવેલો પત્ર કાઢ્યો અને યાત્રીના હાથમાં આપ્યો. એ ખોલવા જ જતી હતી ત્યાં હું ફરીથી બોલ્યો કે, "પહેલા બોલ પછી ખોલ"



"કાન લાવ તારો. હું હવેની એક પણ ક્ષણ તારાથી દૂર નહીં વિતાવી શકું, શુ મારા યાત્રી રૂપી જીવનમાં સંગીતનો સાથ બનીશ ?" યાત્રીએ મારા કાનમાં કહ્યું. મેં તરત જ યાત્રીને ગળે લગાવી દીધી.


"હવે હું આ વાંચું ?" યાત્રી પાછળથી બોલી, હું હસ્યો 'ને તેને છોડી. ચિઠ્ઠી ખોલીને ફટાફટ વાંચ્યું. થોડું હસતા, આંખોમાંથી આંસુ ટપકાવતા, એ ફરીથી કસકસાવી ગળે વળગી ગઈ. હા કે ના કંઈ પણ ના કહેતા બધુજ સમજાઈ ગયું.


"તે આ બે વર્ષ શું કર્યું ? કેટલી ગર્લફ્રેંડ છે તારી ?" એ બોલી અને બંને હસ્યાં.


"બે... તું પણ.. મારા બે વર્ષમાં મેં શુ કર્યું એતો ઘણું લાબું છે, ચલ તને એક વ્યક્તિ સાથે મળાવું." હું બોલ્યો અને સાંજને કોલ કર્યો. કોલ લાગ્યો, વાત થઈ, મેં એને કિટલી પર બોલાવી. અમે બંને કિટલીએ પહોંચ્યા, સાંજ સામે એક્ટિવા પાર્ક કરીને આવી. મને અને યાત્રીને જોઈને.


"કઈ જ બોલતો નહીં. તમે યાત્રી જ ને ?" સાંજ બોલી.


"હા, અને તમારું નામ ?" યાત્રીએ પૂછ્યું.


"હું સાંજ, જો સંગીત હું કહેતી હતી ને કે આવશે યાત્રી આવી ગઈને !" સાંજ બોલી. હું હસ્યો.


"તમને ખબર છે યાત્રી, આ બે વર્ષ આણે મારા મગજના તાર ખેંચી નાખ્યા છે. કે યાત્રી ક્યારે આવશે ? કેમ હશે ? 'ને બીજું ઘણું બધું. આખરે તમે આવી જ ગયા, હું છૂટી." સાંજ બોલી.


"અરે.. હું તને છોડવાનો નથી બકા, તું મારી ટીમમાં વિઝિટર મેમ્બર છે." મેં કહ્યું.


"અરે હા... જુઓ યાત્રી, તમારા ગયા પછી તો આ સાહેબ શુ બદલાવ લાવ્યા છે, અમદાવાદની દરેક કોલેજ આમને ઓળખતી હશે." સાંજે બોલવાનું શરૂ કર્યું પછી અટકી જ નહીં, હું ચાના ત્રણ કપ લેવા ઉભો થયો. ચા બની રહી હતી એની સુગંધ 'ને યાત્રીના પાછા આવી જવાની ખુશી, બંને ખૂબ જ સારી લાગતી હતી. ત્યાંજ ઉભા ઉભા ઘણા સાંજના વિચારો આવ્યા, હું 'ને સાંજ બે વર્ષથી સાથે હતા સાંજને મારી બધી વાતો ખબર હતી અને આજે તે યાત્રીને મળી મનને મનમાં જ પણ મને એમ હતું કે સાંજની સાથે હું ખોટું તો નથી કરી રહ્યોને, એને એવું તો નહીં લાગેને કે હું અંતે યાત્રીનો જ થયો. ત્યાંજ મેં ફરીને જોયું સાંજ 'ને યાત્રી જેમ વાતો કરતા હતા એનાથી એવું કંઈજ નહતું લાગતું. સાંજ ખુબજ સમજદાર છે. એમની વાતોથી એવું લાગતું કે બંને એક બીજાને વર્ષોથી ઓળખે છે.. ચા બની ગયી : હું લઈને ગયો.


"થેંક્યું... અને હા, મને 'તમે નહીં તું' કહોને યાર" યાત્રીએ સાંજનો હાથ પકડ્યો અને કહ્યું. સાંજ સમજીને મસ્ત હસી.


"તારા ડિમ્પલ ખુબજ મસ્ત છે યાત્રી. આ જ ગાલ પર પડતા ખાડામાંથી સંગીત બાર ના આવી શક્યો." સાંજે કહ્યું.


"બે ઓય... તમારી વાતો ક્યારે પુરી થશે... મને તો કોઈ કઈ કહો..." હું બોલ્યો ને બધા હાથમાં ચાનો કપ લઈને હસ્યાં.


પૂર્ણ

હા, હવે મારુ જીવન પૂર્ણ થઈ ગયું. મને સાંજ જેવી મિત્ર, સાહિયોગ આપનાર ટિમ અને જેની રાહ જોતો હતો તે... મુસાફર મળી ગઇ. જીવન હવે કાઢવું નહીં પડે, હવે જિંદગી જીવાશે. હવે ખબર નહીં કે આગળ શું થશે, પણ મેં જે આ બે વર્ષમાં પામ્યું છે, જાણ્યું અને સમજ્યું છે તે ખુબજ યાદગાર છે. હવે સમજાયું કે જ્યારે હ્ર્દયને કોઈ વાતની ઠેસ પહોંચે તો મૂવીની જેમ આડા-અવડા કોઈ ખોટા અને ખરાબ રસ્તે ના ચઢતાં, કોઈ એવા લક્ષને ધારી લેવું જોઈએ જે સફળ જીવનમાં મદદરૂપ બને. કોઈ વ્યક્તિનું છોડી જવું અમસ્તું જ નથી હોતું, તેની પાછળ ઘણાબધા કારણો જવાબદાર હોય છે. ક્યારેક અમુક કારણ ના જાણવા એ જીવન સરળ બનાવે છે.. જેમકે, કોઈ વ્યક્તિનું છોડી જવાનું કારણ પસંદગી બદલાઇ જવી પણ હોય. મારી એટલે કે સંગીતની વાર્તામાં યાત્રી અને સાંજ બંનેવ પાત્ર જરૂરી હતા. યાત્રી સાથે મળવું, હિંમત વધવી, નવું અનુભવવું, ઉદાસ થવું, એકલતા અનુભવવી, પ્રણય થવો, વિરહ મળવો, દુઃખ થવું, ગુસ્સો કરવો... આ બધુજ યાત્રીના મળવાથી થયું. ચોક્કસ ધ્યેય નક્કી થવો, કોઈની રાહ જોવી, મિત્રતા કેવી હોય, પ્રેમ થયા પછી વ્યક્તિ ક્યાં-ક્યાં પહોંચી શકે, સહનશીલતા ઓળખવી, સમયનું મહત્વ, લોકોના વિચારો... બીજું ઘણું બધું સાંજના આવવાથી બન્યું છે. યાત્રી જ્યારે પાછી આવે છે ત્યારે.. આશા, ઉમંગ, ખુશીઓ... બધાની સાથે કામ થશે. હવે, મજા આવશે.


  • પવન.


Instagram - @darpokdil

Contact - 7405 317 318

Mail - Pavansolanki750@gmail.com


આપનો પ્રતિભાવ અચૂક જણાવજો. જેટલા વાચકોનો પ્રતિભાવ મળ્યો છે તે કહે છે કે આ વાર્તાની ફિલ્મ બનવી જ જોઈએ. જો તમે કોઈ ફિલ્મકારના જોડાણમાં હોવ તો મને મદદ કરજો. એકવાર amtsની મુસાફરી કરી આવજો, બસસ્ટેન્ડ પર થોડું બેસી લેજો, તમને ગમતા કિરદાર અને ડાયલોગ ક્યારેક યાદ કરી લેજો. ખૂબ ખૂબ આભાર. મોજ કરો રોજ કરો.