FUMES books and stories free download online pdf in Gujarati

ધૂમાડો.....

ધૂમાડો.....દિનેશ પરમાર 'નજર '
------------------------------------------------------
એક માણસ હારવાનો, વાર્તાના અંતમાં,
હું દિલાસો આપવાનો, વાર્તાના અંતમાં.
સોળ આના સાવ સાચી વાત લઈ ને આવજો,
હું, પુરાવો માંગવાનો વાર્તાના અંતમાં.
- દિનેશ કાનાણી ‘પાગલ ‘
------------------------------------------------
ફ્લાય ઓવર બ્રિજને છેડે, સરકારી પ્લોટ ની સામેની તરફના ખૂણે, લોકોની અવરજવર અને વાહનો ના અવાજથી દરરોજની જેમ સવાર ધમધમી રહી હતી.
વર્ષોથી ખાલી પડેલા, સરકારી પ્લોટમાં આગળના ભાગે રોડને અડીને ગેરકાયદેસર દબાણથી કરેલી, હારબંધ કાચી પાકી દુકાનો ને રેંકડીઓ, મોટે ભાગે ચાની કીટલી ને નાસ્તા જેમાં વેચાતા , શહેરના શ્રમજીવી, મજુર વર્ગ થી સવાર પડતા જ તે ઉભરાઈ જતી ને સાંજે પણ ભીડ જામતી.
આ ભીડ થવાનું કારણ પણ હતું. શહેરમાં ચાલતા બાંધકામ અને પરચુરણ કામે જરૃરિયાત મંદ લોકો માટે વર્ષોથી , જરૂરી કારીગર - મજુરોનું નાકુ ત્યાં ભરાતું હતું.
સરકારી પ્લોટની સામે, રોડ ની પેલી તરફ પણ, ટીપી રોડ કપાત માં બચેલી જમીનની લાંબી પટ્ટી હતી. તેની પાછળ ઢોળાવ માં, શહેરની ખુલ્લી ગટરના ગંદા પાણીનો વહેળો હતો. જે પાણી આગળ જઈ ને નદીના પટમાં ઠલવાંતું હતું.
આ જમીન ની પટ્ટી પર પણ, રોડની સમાંતર ગેરકાયદેસર કાચી પાકી દુકાનો વર્ષોથી ધમધમતી હતી. તેમાં પણ ખાસ પાન ના ગલ્લા, ચાની કિટલી અને નાસ્તા ની દુકાનો હતી. જેમાં પાંચમી દુકાન અલગ તરી આવતી.
આ દુકાન અલગ તરી આવવાનું પણ કારણ હતું.. તે એ કે, આ દુકાનમાં ફોટોફ્રેમિંગનું કામ થતું. વળી દુકાન પણ પાકી અને રંગરોગાન વાળી હોઈ,ત્થા લાઇટ વાળા એમ્બોસ કરેલા 'જાનકી ફ્રેમિંગ વર્ક' ના રંગીન બોર્ડે થી તે નજરે ચઢતી હતી.
સવારે સવારે, રામપ્રસાદ ની ચાની કિટલીએ, રોજની જેમજ તેનો વર્ષોનો કાયમી ગરાક, ચુનીલાલ આવીને બેઠો, હજુ તો ચા ની પહેલી ચૂસ્કી લીધી ના લીધી ત્યાં, રોડના સામેના છેડેથી સુગંધિત ધુમાડાની લહેરાતી સેરો પવનમાં દોડી આવી અને સમગ્ર વાતાવરણ સુગંધ સુગંધ થઈ ગયું.
ચા ની ચૂસ્કી ને ધૂમ્રસેરની સુગંધનો ઉંડો કસ, રોજની જેમજ ખેંચી ચુનીલાલે રામપ્રસાદ સામુ જોયું ને બન્ને ખડખડાટ હસી પડ્યા.
"રામ, તારી ચા ની ચૂસ્કી અને આ રોજની જુદી જુદી મહેંક મારો દિવસ સુધારી દે છે."
ઉકળતી ચા માં ચમચો હલાવતા રામ બોલ્યો, " તારા એકલાની ક્યાં વાત કરે છે? આખો દિવસ હું અને બીજા લારી ગલ્લા, દુકાનોવાળા અને અહીં આવતા રોજના બધા ઘરાકો આ અગરબત્તીના ધુમાડાથી ખુશ થઈ જાય છે. "
" હા એ ખરું! પણ એક વાત પૂછું રામ? " ચુનીલાલ છેલ્લો ઘૂંટ ભરી કપ બાજુએ મુકી બોલ્યો.
તપેલીમાં ઉકળી ગયેલી ચાને સહેજ ચમચાથી હથેળીમાં લઈ, બરાબર બની છે કે નઈ તે ચકાસવા, ચાનો સઈડકો લેતા ચુનીલાલ સામું જોયું," પૂછ જે પૂછવું હોય તે "
"તે આ ફોટોફ્રેમ નો ધંધો કરતા હનુમંતપ્રસાદને રોજે રોજ જુદી જુદી મોંઘી અગરબત્તીનો ખર્ચ કેમ પરવડતો હશે?" ચુનીલાલ પ્રશ્નાર્થ ચહેરે રામપ્રસાદ તરફ જોઈ રહ્યો.
મોટા કિટલામાં ચા ગાળતા રામ હસ્યો. પછી કિટલાનું ઢાંકણું બંધ કરતા રામ બીજા આવી ચઢેલા ઘરાકો ને માટે ચા કાઢતા, ચુનીલાલ તરફ ફરી, જાણે કોઈ રહસ્ય ખોલવાનો હોય તેવા ભાવ સાથે બોલ્યો," ચૂની, તુ સમય મળે તો આજે રાત્રે આઠ વાગ્યે આવજે, અત્યારે મઝા નઈ આવે."
"સારું." કહી ચા ના પૈસા ચૂકવી ચૂનીલાલ અધુરી વાત જાણવાની કુતુહલતાંની તલબ લઈ કામ પર ચાલ્યો ગયો.

*********

રાત્રે મોડેથી કિટલી બંધ કરવાની તૈયારી કરી રહેલા રામે, આવી ચઢેલા ચુનીલાલ તરફ જોઈ કહ્યું," ચુનીલાલ, મેં તને વહેલા આવવા કહેલું ને? કેમ આટલો મોડો?"
" અરે! યાર આજ કાઠું કામ કરવાનું થયું, બહુ જુની લાઇનો હતી, ખોલતા ખોલતા દમ નીકળી ગયો, હું તો કંટાળી ગયેલો, એટલે આવવાનો વિચાર પડતો મૂકેલો, પણ જાણ્યા વગર પાછી ઉંઘ નઈ આવે એ વિચારે..." કહીને ચુનીલાલ હસવા લાગ્યો.
આખા દિવસના કામથી થાકેલા રામે બાંકડા પર બેઠક લેતા ખાખી પેટાવી, ને આતુરતાથી તાકી રહેલા ચુનીલાલ તરફ મોઢુ ફેરવી વાત કહેવા માંડી.
" આ સામે આવેલી 'જાનકી ફ્રેમિંગ વર્ક' ની દુકાન આશરે પંદરેક વર્ષ જુની હશે. હું વીસ વર્ષથી ચા વેચુ છું. આ બધી સામેની લારીઓ, દુકાનો મારી નજર સામે ઉભી થઈ છે. બીજી એક વાત જણાવી દઉં કે, પહેલા સામેની સરકારી પટ્ટી પર વર્ષો જૂની એક દેરી હતી. લોકો અહીંથી પસાર થતા જરૂર પગે લાગતા અને નદી પાસે ના સ્મશાન જતા ડાઘુઓ પણ જતા-આવતા પગે લાગતા.
પછી ત્યાં ધીરેધીરે ગેરકાયદેસર દુકાનો બનતા દેરીવાળી જગ્યા કવર કરી, વર્ષો પહેલાં, ઉત્તર પ્રદેશથી આવી સેટ થયેલા હનુમંત પ્રસાદે, દેવી દેવતાઓના ફોટાઓને ફ્રેમિંગ કરવાનો ધંધો શરૂ કર્યો. "
ચુનીલાલ એક ધ્યાને રામપ્રસાદની વાત સાંભળતો હતો. રામે વધેલી બીડીનો ઉંડો કસ ખેંચી, જમીન પર ફેંકતાની સાથેજ હવામાં ધૂમાડો ફૂંકી, ચુનીલાલ તરફ જોઈ વાત આગળ વધારી, "એક તો હનુમંતપ્રસાદ ખુબ ભલો અને ધાર્મિક બધાની સાથે સારી રીતે વર્તે, એટલે શરૂ શરૂમાં તેના ત્યાં કામ જે ઓછું આવતું તે વધવા લાગ્યું. વળી તેણે ફ્રેમિંગ કામનો એક હોશિયાર કારીગર પણ રાખેલો જે ખુબ ચીવટથી સરસ કામ કરતો. ઘણાં આર્ટિસ્ટસ પણ મોટાં મોટાં પેઇન્ટિંગ મઢાવવા આવતા. "
વાત કરતા ખાંસી ચઢતા રામ ઉભો થઈ પાણી પી પાછો આવ્યો.
" પણ આ રોજે રોજના અગરબત્તીના ખર્ચને આ વાત સાથે શું લેવાદેવા? "ચુનીલાલ અકળાઈ ને બોલ્યો.
વાત આગળ વધારતા રામ બોલ્યો ," ચુનીલાલ શાંતિ રાખ, વાત મેં જાણી છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી તેણે આ ધંધામાં ખુબ કમાણી થાય તે માટે એક અઘોરી બાબાને બોલાવી, તેની દુકાનમાં પાછળના ખૂણામાં આવેલી દેરીના દેવને જાગ્રત કર્યા છે. અને ત્યારથી લઈ ને આજદિન સુધી તેના ત્યાં સતત ગરાકોની ભીડ હોય છે."
"તે સવાર સાંજ, દેરીના દેવને ખુશ રાખવા, જુદી જુદી, સુગંધની મસાલાબત્તી સામટી દસ થી પંદર નંગ પ્રગટાવી દેવને અણવારીને દુકાનની બહાર શટર પાસે લગાડે છે. જેના ધુમાડાથી આજુબાજુ સુગંધ સુગંધ થઈ જાય છે. "
ચાની કિટલી પર કામ કરતો ટાબરિયો રામની રજા માંગતા ચહેરા સાથે ઉભો હતો, તેની તરફ રામનું ધ્યાન જતા, આંખથી જવાનો ઈશારો કરી વાત આગળ વધારી," ચૂની, એકવાર તો મેં પૂછેલું પણ ખરું અગરબત્તી વિશે તો જાણવા મળ્યું કે, આ મોંઘી બત્તી તે, સ્પેશિયલ વનસ્પતિ અને ઉત્તમ ફૂલોના મસાલા ને મોંઘા, અત્તરમાં, બનાવડાવી, ખાસ બેંગલુરુથી જથ્થાબંધ મંગાવે છે."
"પણ, ચૂની આ બધા માટે તેણે ભોગ પણ આપ્યો છે. તને શું ખબર, આ હનુમંત પ્રસાદને ગામ, સારી એવી જમીન છે, તો બે માળનું હવેલી જેવું મોટું મકાન પણ છે. તેની પત્ની અને બે દિકરા અને એક દીકરીએ છે. પણ તે અહીંજ પડ્યો પાથર્યો રહે છે. ગામ વર્ષે દહાડે ક્યારેય ઉભા ઉભા જઈ આવતો રહે છે. તેની પૂજા અટકવી ના જોઇએ. " રામે વાત અટકાવી નવી બીડી પેટાવી.
પછી પાછો હવામાં ધૂમાડો ફૂંકી આગળ બોલ્યો," આ હનુમંત પ્રસાદના ત્યાં, ઘણાં ભક્તો દર્શન માટે રેગ્યુલર આવતા રહે છે, ઘણાં તો મોંઘીદાટ ગાડીઓ લઈ આવે છે. બીજી એક ખાસ વાત તને જણાવું કે, અત્યાર સુધી માં કેટલીયે વાર અમારી દુકાનો, રેંકડીઓને મ્યુનિસિપાલિટી તરફથી દબાણ દુર કરવાની નોટીસ ફટકારી છે, પણ આ હનુમંત પ્રસાદના અને એના દેવના આશીર્વાદને કારણે જ હજુ સુધી વાળ વાંકો થયો નથી, આ છેલ્લી નોટિસ છે, હવે કોઈ નોટિસ આપ્યા વગર દબાણ દુર કરવામાં આવશે તેવી નોટીસ અમોને પંદર દિવસ અગાઉ મળી છે, છતાં અમે હનુમંત પ્રસાદ અને તેમના દેવને લઈ નિશ્ચિત છીએ. " પતવા આવેલી બીડી ને છેલ્લી ફૂંક મારી હવામાં ધૂમાડો છોડી તે ઉભો થયો.
" રામ, એક વાત કહું? તારા આ બીડીના ગંદા ધુમાડાથી તો ભલભલા દેવ મુઠ્ઠીઓ વાળી ભાગી જાય હોં. "
બન્ને ખડખડાટ હસતા હસતા છૂટા પડ્યા ત્યારે, શહેરનાં ટાવર બઝારના ઘડિયાળમાં બાર ના ડંકા વાગતા હતા....

**********

શહેરના છેવાડે, નદીના કિનારે ઢોળાવ પરનું , સ્મશાન લોકોની ભીડથી ઉભરાતું હતું.
ગઈ રાત્રીએ, 'જાનકી ફ્રેમિંગ વર્ક્સ' ના માલિક, હનુમંત પ્રસાદને એટેક આવતા, હોસ્પિટલ પહોંચે તે પહેલાં મ્રુત્યુ પામ્યો હતો. તેના બન્ને પુત્રોને ગામડેથી તાત્કાલિક બોલાવ્યા હતા. તેમની આંખો રોઈ રોઈ ને સુઝી ગઇ હતી.
તેમના પુત્રએ, જ્યારે હનુમંત પ્રસાદના દેહને અગ્નિદાહ આપ્યો, ત્યારે ત્યાં હાજર ઘણાં લોકો ની આંખોમાં, એક સાલસ, ભલા માનવ ગુમાવ્યાનો વસવસો હતો, તો ઘણાં લોકોની આંખોમાં હવે, કેવી રીતે? ક્યાંથી મળશે? જેવા પ્રશ્નો સાથે નો વસવસો....
ટોળાથી થોડે દુર ઉભેલા થોડા ડાઘુઓ અંદર અંદર ગુસપુસ કરતા હતા...
એક બોલતો હતો, " સાંભળ્યું..? આજે મ્યુનિસિપાલિટીની દબાણની ગાડીઓ અને બુલડોઝર, સરકારી પ્લોટ અને તેની સામેની, જમીન પટ્ટી પર ફરી વળ્યા?"
બીજા ડાઘુઓ પ્રશ્નાર્થ ભાવથી કાન દઈ સાંભળવા લાગ્યા.
પેલો આગળ બોલ્યો, " બન્ને તરફ તોડફોડ કરી સપાટ કરી નાખ્યું."
એકજણ બોલ્યો, " અને દેરી?? "
" અરે! દેરી ની શું કહું! દેરી તો તોડી નાખી, પણ...!! "
બધા ધીમા સૂરે બોલ્યા," પણ.. શું? "
" અરે તે દેરી ની બાજુમાં, જમીન નીચે મોટી પાકી, ઢાંકણા વાળી ટાંકી નીકળી, જેમાં દેસી અને વિદેશી દારૃની બોટલો નો ઢગલો મળી આવ્યો.... "
એટલામાં પવન ફંટાતા, આ તરફ બળતી લાશનો ધૂમાડો આવતા લોકો ધુમાડાથી થોડે દૂર ખસી ગયા.....

**********************************************