For how long books and stories free download online pdf in Gujarati

ક્યાં સુધી?



એને હજુ પણ આશા હતી કે છેલ્લી ઘડીએ પણ એ રોકાઈ જશે. તેણે બચવા માટે છેલ્લા પ્રયત્ન સ્વરૂપે એક મોટી ચીસ પાડી. પરંતુ એ ચીસ પાડીને તેણે પોતાના જ માટે મુસીબત નોતરી દીધી. એને પોતાને પણ આ વાતનો અહેસાસ નહોતો.

એ ભયાનક ઓળો એની તરફ આગળ વધ્યો અને એના મન પર ઘાવ આપવા તૈયાર થઈ ગયો.

એ જાણતી પણ નહોતી કે કેમ પોતે જ આમ ભોગ બની રહી છે? એ પીડિતા બની રહી હતી. હવે કાલે સવારના દરેક સમાચારપત્રમાં આ કિસ્સાને ટાંકવામાં આવશે. 'કદાચ આજે મારી જિંદગીનો આ છેલ્લો દિવસ હશે. હવે ફરી કોઈ કન્યા મારા માટે અવાજ ઉઠાવશે પણ મનમાં તો એને પણ ફફડાટ વ્યાપેલો હશે. હું અહી આમ રસ્તા પર કે પછી કોઈ સરકારી હોસ્પિટલમાં પડી પડી મારો દમ તોડી દઈશ. એને એ હોસ્પિટલ, અખબાર પત્ર અને એમના સમાચારો થકી હું પણ પ્રસિદ્ધ થઈશ. પણ હવે આ બધાનો કોઈ અર્થ નહીં રહે. ના, હું આમ હાર ના માની શકું.'

ખૂબ વિચિત્ર હતી એ આ સમયે પણ એના મનમાં આવા વિચારો આવી રહ્યા હતા.

આ તેનો રોજનો રસ્તો હતો. તે લગભગ રોજ જ અહીંથી જતી હતી. તેના ઘરની ખૂબ નજીક પહોંચી ગઈ હતી તે.

આમ તો એને કરાટે આવડતું હતું. એને ખબર હતી કે એ મુસીબતમાંથી પણ નીકળી જશે. ઘરે એના પપ્પા રાહ જોઈ રહ્યા હતા. એની મમ્મી એની ચિંતામાં આમથી તેમ આંટા મારી રહી હતી. ફક્ત એક બૂમ પાડે તો પણ લોકો ભેગાં થઈ જાય એવો ગીચ વિસ્તાર હતો.

આજે આઈપીએલની મેચની સેમી ફાઇનલ હોવાથી આજુબાજુના ઘરમાં ટીવી ચાલુ હતાં. હજુ તો ફક્ત ૧૦.૦૫ થઈ હતી જ્યારે એ ત્યાં પહોંચી. કોરોના કાળના કરફ્યુના લીધે દુકાનો બંધ થઈ ગઈ હતી. અને રસ્તો જીવતો નિર્જીવ લાગતો હતો. ટ્રાફિકના નામે કશું જ ન હતું રસ્તા પર. સ્ટ્રીટ લાઈટનો પ્રકાશ જાણે એને રસ્તો બતાવી રહ્યો હતો. આ એ જ ગલીઓ હતી જ્યાં એનું બાળપણ વીત્યું હતું અને એની જવાની એ પ્રાગટ્ય કર્યું હતું. ગલીઓમાં લાઈનબંધ આવેલા ઘરમાં એના ભાઈઓ, માસીઓ અને કાકાઓ રહેતા હતા. દરેક વ્યક્તિના હ્રદયમાં વસી જાય એટલી મીઠી તો તે હતી જ. સોસાયટીમાં કોઈ પણ પ્રસંગ હોય બધા સાથે ને સાથે! કોઈ ઘટના ઘટે તો એકબીજાનો સહારો બની જતા. પણ એ દિવસે આ બધા ઘર અને સંબંધો ટીવી કે રસોડામાં ગળાડૂબ હતાં.

એની ચાલ આત્મવિશ્વાસથી ભરપૂર હતી. કદાચ બીજી કોઈ જગ્યા હોત તો એને બીક લાગત. આ તો એની પોતાની સોસાયટી હતી. એને એનો પોતાનો પડછાયો ઘણી વખત ડરાવી ગયો. છતાં એની ગતિમાં ફરક ન પડ્યો. એના બનારસી દુપટ્ટા પર હવા અને પ્રકાશ બેસીને સવારી કરી રહ્યા હતા.

એ મક્કમ પગલે ઘર તરફ જઈ રહી હતી, ત્યાં જ આ પાંચ નરાધમ ઓળા એની પર ઝપટી પડ્યા. એની છૂટવાની કોશિશ સ્ટ્રીટ લાઈટનો પડછાયો બનીને રહી ગઈ. એ જ સમયે એના મનના વિચારો અને પરિસ્થિતિની વાસ્તવિકતા મુજબ એની કરાટે વાપરવાની સૂઝ ખોવાઈ ગઈ. આમ પણ કરાટે એણે એક સિદ્ધિ હાંસલ કરવા કર્યું હતું. એને ક્યાં ખબર હતી કે આવી પરિસ્થિતિમાં એ કામ આવશે? આવી શકત પણ મા હંમેશા કહેતી કે નસીબમાં લખાયેલું થઈને જ રહે છે.

એ પાંચ ઓળા એને ગાડીમાં ઘસડી ગયા. બે જણાએ હાથ પકડ્યા હતા અને એક જણાએ મોં દબાવ્યું હતું. એ અહીં બૂમ ન પાડી શકી. એક ગાડીની ડ્રાઈવર સીટ પર બેઠો હતો. અને બીજો દરવાજો ખોલી ઊભો હતો. આમાંથી કોઈને પણ એ ઓળખતી હોય એવું લાગતું ન હતું.

નરાધમોએ એને ગાડીમાં ‌નાખી ગાડી ભગાડી મૂકી.
*******************************

એક નિર્જન મકાનમાં શહેરથી દૂર સરકારી મિલકતને બાપની મિલકત સમજી એને ત્યાં ફેંકવામાં આવી હતી. એણે ઘણી ચીસો પાડી પણ કોઈ બચાવવા ન આવ્યું. એનો મનપસંદ ગુલાબી કુર્તો નરાધમોએ ફાડી નાખ્યો હતો.

એની કેસરી સલવારના પણ ચીંથરા ઊડી ગયા હતા. એનો દુપટ્ટો એનો દુશ્મન બની મોં આને હાથ બાંધવા માટે ઉપયોગમાં લેવાયો હતો. આ દુપટ્ટો બનારસી પ્રિન્ટનો એને ગમ્યો હતો એટલે જ એણે આ ડ્રેસ લીધો હતો.

એનો મનગમતો ડ્રેસ આજે ચીંથરેહાલ હતો. એના શરીરને પણ ચીંથરેહાલ બનાવવાની કોશિશ ચાલુ હતી. આ બાજુ એની પણ બચવાની કોશિશ ચાલુ હતી. એણે છેલ્લી ચીસ પાડી. છેલ્લો નરાધમ એની પર ચડી બેઠો. એની ચીસ સાંભળી આવી ચડેલા બે રાહદારીઓ અને એક સમાજરક્ષક પણ આ દ્રશ્ય જોઈ વહેતી ગંગામાં હાથ ધોઈ લેવા તલપાપડ બની ઉઠ્યા.
*****************************

શરીરના ચીંથરા ઊડી જવા છતાં એની હિંમત સાથ છોડી રહી ન હતી. ત્યાં સમાજ રક્ષકે પકડાઈ ન જવાના હેતુસર માત્ર એનું ગળું દબાવી એને મારી નાખવાની કોશિશ કરી. એના અંતર્ભાગોને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી. એ પિડિતા બનીને રહી ગઈ ત્યાં સુધી એના પર અત્યાચાર કર્યા.

એને પોતાના નગ્ન શરીરની શરમ આવતી હોવા છતાં આ જ હાલતમાં એણે બધાનાં ગયા પછી મુખ્ય રસ્તા પર આવવાની કોશિશ કરી.

શરમ તો સ્ત્રીનું આભૂષણ છે. એને શરમ તો આવતી જ હતી, પણ સમય અત્યારે શરમાવાનો નહીં પોતાના પરિવાર સુધી પહોંચવાનો હતો. માતા-પિતા અને નાની બહેનની હૂંફ પામવાનો હતો.

આ નરાધમોની જાતિના જ એક ભલા માણસે એ પિડિતાને હોસ્પિટલ પહોંચાડી.
*****************************

ત્રણ દિવસે એની આંખો ખૂલી ત્યારે એની નજર સમક્ષ એનો પરિવાર હતો. એમની આંખોમાં દુઃખ નીતરી રહ્યું હતું.પિતા બચાવી નહીં શકવાની ગ્લાનિ અને આબરુની નિલામીના બોજ તળે દબાયેલા હતાં.

એના કમરમાં સણકા વાગી રહ્યા હતા. તેના હાથપગમાં કળતર થઈ રહ્યું હતું. એના પેટમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. એની આંખો સૂજી ગઈ હોય એમ ભારે થઈ ગઈ હતી. એનું માથું ફાટી રહ્યું હતું. વધારામાં એને શરમ અને ઘટના ઘટી એ આઘાત કચડી રહ્યો હતો.

મા એના દર્દ થી પૂર્ણપણે વાકેફ હતી પણ સમાજની નજરો અને બીજા દેખાઈ રહેલા ભવિષ્યના ડરથી થથરી રહી હતી. નાની લાડલી બહેન એની હાલત જોઈ ડરી ગઈ હતી.

એટલામાં અચાનક સમાજરક્ષક પોલીસોની ફોજ આવી ચડી.

"ખબર નથી કર્ફ્યૂ ચાલે છે? ક્યાં ગઈ હતી?"

"શું પહેર્યું હતું?"
"સાચે બનાવ બન્યો હતો કે પછી તારી મરજીથી તેં મજા કરેલી?"

"એમને ઓળખતી હતી?"

અને આવા તો કંઈ કેટલાય સવાલોથી જે વેદનાની ટીસ ઉપડતી હતી એ વેદના એને એ ઘટના વખતે પણ ન્હોતી થઈ. એના માટે આ અત્યાચાર ઘણો વધુ હતો.

સોસાયટીના ગણ્યા ગાંઠ્યા માસી કાકા કે ભાઈ એને જોવા આવ્યા હતા. પણ એ બધાની આંખોમાં દયા જોઈ અને અમુકની નજરોથી વેધાઈ એ વધુ ને વધુ તૂટી રહી હતી.


લેડી ડોક્ટર આખા બનાવની વિગતો જાણવાની કોશિશ કરી રહ્યા હતા.

મિડિયા પોતાની ટીઆરપી વધે તે હેતુથી અનેક સવાલો આખા પરિવારને કરી રહી હતી.

પણ એના સવાલને કોઈ સાંભળી રહ્યું ન હતું.

આ બધું જોઈ પંદર કલાક સતત લડનાર એ પિડિતા કે એ સમાજની દીકરી પંદર જ દિવસમાં હારી ગઈ.


એને ખબર હતી કે ગુનેગારો પકડાશે એમને સાત વર્ષની સજા પણ થશે. કે કદાચ વધારે. એ લોકો બહાર આવશે એ પહેલાં જ બીજા ગુનેગારો અને બીજી પિડિતાઓ જન્મી ચૂકી હશે.

એ છેલ્લો સવાલ પૂછી આ દુનિયા કાયમ માટે છોડી જતી રહી.

"ક્યાં સુધી?"

©