Transition - 3 in Gujarati Fiction Stories by Kirtipalsinh Gohil books and stories PDF | સંક્રમણ - 3

સંક્રમણ - 3

ટ્રાફિક જામ છે. એક તરફ અકસ્માત ની જગ્યાએ ભીડ જામેલી છે. એમ્બ્યુલન્સ તથા પોલીસ આવી ચૂકી છે. તે જ રસ્તાની સામે એક મોટા કોમ્પલેક્ષ માં એક મોટી દુકાન છે અને દુકાન નો માલિક બહાર ઊભો આ બધું જોઈ રહ્યો છે ત્યાં જ તેની દુકાન માંથી એક દુબળો પાતળો ૨૫ વર્ષીય યુવાન હાથ ખંખેરતો બહાર આવે છે.

"શેઠ, બધો સામાન ગણી ને ગોઠવી દીધો છે. તમે કહો તો હવે દુકાન બંધ કરી દઉં. ૧૨ વાગવા આવ્યા છે. આજે મોડું થઈ ગયું છે." તે યુવાન બોલે છે.

"એ તારા કારણે જ થયું છે ડફોળ. હમણાં પેલી પોલીસ અહી આવીને પૂછશે કે દુકાન આટલા મોડા સુધી કેમ ખુલી રાખી છે તો જવાબ કોણ તારો બાપ આપશે. હહ?" શેઠ અકસ્માત બાજુ થી ધ્યાન હટાવી ને તે યુવાન પર પોતાનો રોષ કાઢે છે.

"મારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું. પરમ દિવસે તમે મને પરાણે રોકી લીધો એમાં હું જઈ ન શક્યો એટલે આ વખતે કીધા વગર જતો રહ્યો. જો એવું ન કરત તો હું સારો મોકો ખોઈ બેસેતે." યુવાન ની વાત સાંભળી શેઠ હસવા લાગ્યો.

"આયો મોટો ઓફિસર બનવા. તારા જેવા ..(ગાળ દઈને).. માટે ક્યાંય જગ્યા નથી. સમજ્યો? છેલ્લે તું અહી આવીને જ મરીશ." શેઠે છાતી ઠોકીને યુવાન ને ધુત્કારી નાખ્યો. તે યુવાન ચૂપ ઊભો રહે છે. તે કઈ બોલ્યા વગર દુકાનને બંધ કરે છે.

દુકાન ની ચાવી શેઠ ને આપીને બન્ને સીડીથી ઉતરીને પાર્કિંગ માં જાય છે. યુવાન બાઈક ચાલુ કરે છે અને શેઠ તેની પાછળ બેસે છે. યુવાન તેનું ટિફિન ગળા માં લટકાવી દે છે અને શેઠ તેનું બેગ તે યુવાનને ઈશારો કરી આગળ મૂકવા કહે છે. યુવાન શેઠના બેગ ને આગળ બાઈકની ડિકી પર ધ્યાનથી મૂકીને ગોઠવે છે.

"ચાલ હવે. મોડું ન કરીશ." શેઠ બોલે છે.

"જી શેઠ." કહીને યુવાન બાઈક ચાલુ કરીને ત્યાંથી નીકળે છે. હમણાં જ થયેલ બે યુવાન છોકરા છોકરી ના અકસ્માત ના રસ્તેથી બન્ને નીકળે છે.

"શું વિચાર્યું પછી તે?" શેઠ પૂછે છે.

"શેનું શેઠ?" યુવાન પણ સામે પૂછે છે.

"અલા ..(ગાળ દઈને).. તારા ઇન્ટરવ્યૂ નું. નોકરી મળી જશે કે નઈ?" શેઠ કહે છે.

"હા, શેઠ. ઇન્ટરવ્યૂ સારું ગયું. સોમવારથી નોકરી ચાલુ." યુવાન બોલ્યો.

"હમમ. કેટલો પગાર આપશે?" શેઠે પૂછ્યું.

"છ હજાર આપશે. પછી કીધું છે કે કામ જોઈને વધારશે." યુવાન બોલ્યો.

"અચ્છા. પણ હું બી તો તને પાંચ હજાર આપુ છું. એક હજાર માટે બીજે ..(ગાળ દઈને).. જાય છે. હું આપું તને છ હજાર આવતા મહિનેથી બોલ." શેઠ બોલ્યો.

"પણ શેઠ મારે કરિયર બનાવું છે. તમારી દુકાનમાં રહીને પગાર તો મળશે પણ મારે જીવનમાં આગળ વધવું છે. જે તમારી દુકાન માં રહીને નહિ થાય." યુવાન બોલ્યો.

"હે.. હે. હે.. હે..કરિયર બનાવું છે. ભૂલી ગયો મારું અહેસાન? જ્યારે દુકાને દુકાને કામ માટે ભટકતો હતો ત્યારે મૈં દયા કરીને મારે ત્યાં રાખ્યો અને હવે ભાઈ સાહેબ ની પાંખો આવી ગઇ છે." શેઠ મેણાં મારે છે.

"શેઠ, આવું ન બોલશો. હું તમારો આભારી છું પણ તમે જાણો છો કે મારા ઘરમાં હું અને મારી મમ્મી જ છીએ. તેણી વૃદ્ધ છે. એમનાથી કામ થતું હતું એટલું કર્યું પણ હવે મારી જવાબદારી બને છે કે એમને ચિંતામાંથી મુક્ત કરુ. હું સારી એવી નોકરી કરવા લાગીશ એટલે અમે સારા કોઈ મકાન માં પણ રહેવા જઈ શકીશું." વાતો વાતોમાં શેઠની સોસાયટી આવી જાય છે. શેઠના ઘરની સામે બાઈક રોકીને યુવાન અને શેઠ બાઈક પરથી ઉતરે છે.

"શેઠ, મારો પગાર?" શેઠ ને બાઈકની ચાવી અને બેગ આપતા તે યુવાન પૂછે છે.

"હમણાં ધંધામાં તંગી ચાલે છે. આવતા મહિને આપી દઈશ." કહીને શેઠ ચાવી અને બેગ યુવાનના હાથમાંથી લઈને ચાલવા માંડે છે.

"પણ શેઠ મારે અત્યંત જરૂર છે પૈસા ની." યુવાન કહે છે.

"આવતા મહિને જ મળશે. અને હવે તો તું નોકરી વાળો માણસ થઈ ગયો છે તો હવે શેની જરૂર. અને કાલે ભૂલતો નઈ. મારી બાઈક લઈને દુકાનનું બિલ ભરવા જવાનું છે. હજી કાલના દિવસ નું કામ તારું બાકી છે. એ ભરીને આવ. તને કાલે અડધો પગાર આપી દઈશ." બોલતા બોલતા શેઠ ઘર માં જતાં રહે છે. અને પેલો યુવાન બસ ચૂપચાપ નિરાશ મુખે ત્યાંથી નીકળે છે.

સોસાયટીથી નીકળી ને વીસ મિનિટ ચાલ્યા બાદ એક નાની ચાલી આવે છે. તે યુવાન ચાલીમાં જાય છે અને જુએ છે તો તેના ઘરની આગળ તેની મમ્મી અને પાડોશીઓ બધા બેઠા છે. જેને જોઈને તે ફટાફટ ત્યાં પહોંચે છે.

"શું થયું? બધા કેમ બહાર ભેગા થયા છો?" તે યુવાન પૂછે છે.

"બેટા, તારો મિત્ર હોસ્પિટલ માં દાખલ થયો છે." મમ્મી ની વાત સાંભળી તે યુવાન ચોંકીને બાજુના મકાન તરફ જુએ છે જે બંધ છે.

"કેમ પણ? અકસ્માત થયું? એ ઠીક તો છે ને?" યુવાને ચિંતિત ભાવે પ્રશ્નો ની લાઈન લગાવી દીધી.

"અરે સત્યાનાશ જાય છે એ પાપીઓનું. જમાનો સાવ ખરાબ થઈ ગયો છે. સારા અને ખરાબ લોકો માં ઓળખ જ નથી કોઈને." બીજા એક બહેન બોલી ઉઠ્યા.

"વાત શું છે?" યુવાન વધારે ચિંતિત થઈ ગયો.

"બેટા, એ નોકરી પર થી ઘરે આવી રહ્યો હતો અને બસમાં ભીડ બહુ હતી. એ તો થાક્યો પાક્યો શાંતિથી ઉભો હતો અને તેની આગળ એક છોકરી ઊભી હતી. કોઈકે ભીડ નો લાભ લઈ એ છોકરી ની કમર માં હાથ નાખી ચપટી ભરી લીધી અને પેલી છોકરી ને લાગ્યું કે આણે ચપટી ભરી છે તો ચિલ્લાવા લાગી અને બસ માં બેઠેલા બધા લોકોએ બિચારા ને ઢોર માર માર્યો. બોલવા નો પણ મોકો ન દીધો." મિત્ર વિશે આવી દુઃખભરી વાત સાંભળી તે યુવાન દુઃખી દુઃખી થઈ ગયો.

"મારો મિત્ર તો કેટલો સારો છે. અને આજ ના લોકો ને તો હાથ ફેરવવા અને હીરો બનવા માટે બસ મોકો જ જોઈતો હોય છે. કરે કોઈ ને ભરે કોઈ." તે યુવાન દુઃખી અને આક્રોશ ભાવે બોલ્યો. હોસ્પિટલેથી ફોન આવી ગયો કે છોકરો હવે ઠીક છે અને કાલે આવી જશે ની વાત થતાં બધા ને શાંતિ થઈ અને પોત પોતાના ઘર માં ગયા.

"બેટા, તારા શેઠ ને પગારની વાત કરી દીધી ને તે? એ સારો માણસ નથી." જમવાનું આપતાં તે યુવાન ને તેની મમ્મી એ વાત કરી.

"તમારી વાત એકદમ સાચી છે, મમ્મી. એ સાવ ખરાબ વ્યક્તિ છે. જ્યારે એણે મને નોકરીએ રાખ્યો ત્યારે બહુ મીઠી મીઠી વાતો કરતો હતો ને જ્યારથી એને ખબર પડી છે કે મને નોકરી મળવાની છે ત્યારથી એના રંગ બદલાઈ ગયા છે. આજે પગારનું કીધું તો બહાના બતાયા. કાલે અડધો પગાર આપવાનું કીધું છે પણ છેલ્લો દિવસ છે તો એની બાઈક લઈને બિલ ભરવા જવાનું છે. આપે તો સારું નહિતર ક્યારેય એનું મોઢું નહિ જોવું. અને એને કરીને બતાઈશ કે હું કોઈ જેવો તેવો નથી. પછતાશે એ જ." જમતાં જમતાં યુવાન કહે છે.

"મને વિશ્વાસ છે, બેટા. ચાલ હવે શાંતિ થી જમી લે. કાલે તારા મિત્ર ને પણ તારી જરૂર છે. શેઠ નું કામ પતાયા પહેલા તારા મિત્ર ને મળતો જજે." મમ્મી એ કીધું.

"ના મમ્મી. એ નહિ થાય. મારે વહેલા નીકળવું પડશે. હું વહેલાસર આવી જઈશ અને આખો દિવસ એની સાથે વીતાવીશ." તે યુવાન બોલ્યો.

બીજા દિવસે સવારે
સવાર માં વહેલા ઊઠીને તે યુવાન તૈયાર થઈને શેઠના ઘરેથી બિલ અને પૈસા લઈને હેલ્મેટ પહેરીને બાઈક હાંકે છે. શહેર ના વાહનો ની ભીડમાં યુવાન શાંતિથી જઈ રહ્યો છે. તેની આગળ સિટી બસ છે. સિટી બસમાં એક સીટ પર બે વ્યક્તિ બેઠા છે. જેમાંથી બારી જોડે બેઠેલ વ્યક્તિ મોંઢા માં તંબાકુ ભરીને વાતો કરી રહ્યો છે. તેની નીચે જ પેલો યુવાન બાઈક પર છે. ટ્રાફિક ખુલતા જ તમામ વાહનો આગળ જાય છે.

ક્યારેક યુવાન બસ ની આગળ નીકળી જાય છે તો ક્યારેક બસ. યુવાન ખૂબ જ શાંતિથી બાઈક હાંકી રહ્યો છે. બસ ડ્રાઈવર પણ સારી રીતે બસ દોડાવી રહ્યો છે.

થોડી વાર બાદ જ્યારે રોડ પર બધા વાહનોમાં આ બસ અને આ બાઈક ચાલક યુવાન જઈ રહ્યા છે ત્યારે જ બસમાં બારી નજીક બેઠેલ મોઢા માં તંબાકુ ભરેલ વ્યક્તિ ગાળો બોલતા બોલતા વાતો કરી રહ્યો છે અને અચાનક તેનું મોઢું તંબાકુ થી ભેરલું લાગતાં તે બારીએથી નીચે જોયા વગર થૂંકે છે અને કમનસીબે એ થૂંક નો ઢગલો બસ ની બાજુમાંથી નીકળતા પેલા યુવાનના હેલ્મેટના કાચ પર પડે છે જેથી તેને કશું દેખાતું નથી અને તેનું નિયંત્રણ ખોરવાય છે ને બસ સાથે ભટકાતાં ઊંધા માથે ગોથા ખાતા ખાતા તે રોડ પર પછડાય છે અને હજી તે કઈ સમજે તે પહેલા પાછળ આવતી એક બીજી સિટી બસ નું ટાયર તેના પર ચડી જાય છે અને એક કરૃણ ચીખ સાથે તે યુવાન નું પ્રાણ પંખેરું ઉડી જાય છે અને તેની સાથે તેના સ્વપ્ન, વૃદ્ધ માતા અને તેના મિત્રો એકલા રહી જાય છે.

* * *

Rate & Review

Aakanksha

Aakanksha Matrubharti Verified 2 years ago

Chandrika Gamit

Chandrika Gamit 2 years ago

Heena Suchak

Heena Suchak 2 years ago

Sheetal

Sheetal 3 years ago

Indu Talati

Indu Talati 3 years ago