Ae avismarania hasya books and stories free download online pdf in Gujarati

એ અવિસ્મરણીય હાસ્ય..

આરોહી અને મેઘા બંને બેસ્ટ ફ્રેન્ડ જ્યાં પણ જાય ત્યાં બંને સાથે જ જાય. આજે બંને આલ્ફાવન મોલમાં થોડું શોપિંગ કરવા આવ્યા હતા. બંને પોતાની વાતોમાં મશગૂલ હતા અને રસપ્રદ વાતો કરતાં કરતાં આરોહી હસી રહી હતી અને બોલી રહી હતી.

તેમની સામેથી પ્રેમ હાથમાં ગાડીની ચાવી ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં પોતાની ધૂનમાં ચાલ્યો આવતો હતો તેને આરોહી તેમજ આરોહીનું મીઠું મધુરું હાસ્ય ખૂબ ગમી ગયું અને વિચારોમાં ખોવાયેલો તે આરોહીને ક્રોસ થતી વખતે આરોહી સાથે ટકરાઈ ગયો.

આરોહી ના હાથમાંથી બેગ પડી ગઈ અને તેમાં રહેલો સામાન બધો આમતેમ થઈ ગયો. પ્રેમ ફટાફટ તેને બધો સામાન એકઠો કરવામાં મદદ કરવા લાગ્યો અને બીજી બાજુ એકીટસે સામાન એકઠો કરતાં કરતાં આરોહીની સામે જોઈ રહ્યો હતો તેને આરોહી ખૂબ ગમી ગઈ હતી અને તેની સાથે જાણે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો..‌.!!
પ્રેમ આરોહીને ઘણું બધું પૂછવા માંગતો હતો, તેનો મોબાઈલ નંબર પણ લેવા માગતો હતો પણ તે વિચારી રહ્યો હતો કે એકદમ કઈ રીતે હું કોઈ છોકરીનો નંબર માંગી શકું માટે તે ચૂપ જ રહ્યો. એ આખો દિવસ આરોહી તેમજ તેનું નિર્દોષ હાસ્ય બંને તેની નજર સામેથી ખસી શક્યા નહીં રાત્રે પણ તેને આરોહી જ દેખાતી હતી..!!

પ્રેમ એન્જિનિયર થયેલો હતો અમદાવાદનો હતો પણ પૂનામાં જોબ મળતા ત્યાં સેટ થયો હતો થોડા દિવસ માટે અમદાવાદ આવ્યો હતો તો થોડું શોપિંગ કરવા આલ્ફાવન મોલમાં આવ્યો અને ત્યાં તેની ટક્કર આરોહી સાથે થઈ ગઈ.

બીજે દિવસે સવારે પ્રેમ તેના ફ્રેન્ડ આકાશના ઘરે તેને મળવા માટે જતો હતો અને ચાર રસ્તે સિગ્નલમાં પોતાની કાર લઇને ઉભો રહ્યો હતો તો તેની બાજુમાં જ એકટીવા ઉપર આરોહી હતી. આજે તેણે આરોહીનો પીછો કર્યો અને તે તેના ઘર સુધી પહોંચી ગયો થોડીક વાર ત્યાં જ ઉભો રહ્યો અને આરોહી ફરીથી બહાર આવે તેની રાહ જોવા લાગ્યો પણ આરોહી બહાર ન આવી તેથી પ્રેમ પોતાની ગાડીમાં ત્યાંથી નીકળી ગયો.‌

સાંજે આરોહીને મળવાના ઈરાદાથી તે ફરીથી આરોહીના ઘરની બહાર આરોહીની રાહ જોતો ઉભો રહ્યો અને તેના સદ્નનસીબે આરોહી ક્યાંક બહાર જવાના ઇરાદાથી ઘરની બહાર નીકળી આજે તેણે ફરીથી આરોહીનો પીછો કર્યો.‌ આજે આરોહીને ખબર પડી ગઈ કે કોઈ મારો પીછો કરી રહ્યું છે તે એક્ટિવાને સાઈડમાં ઉભું કરીને જોવા માટે ઉભી રહી કે, ખરેખર કોઈ તેનો પીછો કરી રહ્યું છે...??

આને ખરેખર એવું જ હતું. પ્રેમ પણ પોતાની ગાડી એકટીવાની બાજુમાં ઉભી રાખીને ઉભો રહી ગયો આરોહી થોડી ગુસ્સામાં દેખાતી હતી તેણે પ્રેમને પોતાનો પીછો કરવા માટેનું કારણ પૂછ્યું તો તેણે આરોહી સાથે પ્રેમથી વાત કરી અને બોલ્યો કે, " હું તમારી સાથે ફ્રેન્ડશીપ કરવા ઈચ્છું છું તમે મને ખૂબ ગમો છો મેં તમને ત્રણ ચાર દિવસ પહેલા આલ્ફાવન મોલમાં જોયા હતા ત્યારથી તમે અને તમારું એ નિર્દોષ હાસ્ય મારી નજર સામેથી ખસી શક્યા નથી. તમે મારી સાથે ફ્રેન્ડશીપ કરશો..?? "
આરોહી: પણ હું તમને ઓળખતી નથી તો તમારી સાથે શું કામ ફ્રેન્ડશીપ કરું..??
પ્રેમ: તમે મને ગમો છો એટલું જ મારા માટે પૂરતું છે તમે "ના" પાડશો તો મને કંઈ વાંધો નથી હું ચાલ્યો જઈશ.
આરોહી કંઈ જ બોલી ન શકી.
પ્રેમ તમને વાંધો ન હોય તો તમે એક કામ કરો હું આવતીકાલે તમારા ઘરની બહાર ઉભો રહીશ જો તમારી મારી સાથે ફ્રેન્ડશીપ કરવાની ઈચ્છા હોય તો તમે સવારે 10:00 વાગ્યે ઘરની બહાર આવજો, બની શકે તો મને તમારો કોન્ટેક્ટ નંબર પણ આપજો જેથી હું તમારી સાથે વાત કરી શકું. અને તમે જો તમારા ઘરની બહાર નહીં આવો તો હું સમજી જઈશ કે તમારી મારી સાથે ફ્રેન્ડશીપ કરવાની ઈચ્છા નથી અને હું ચાલ્યો જઈશ.

આરોહી ને પણ દેખાવડો હેન્ડસમ પ્રેમ ખૂબજ ગમી ગયો હતો પણ કોઈ અજાણ્યો માણસ કેવો નીકળે, તેની પર ભરોસો ન રખાય તે વિચારે તે અટકી ગઈ હતી.

બીજે દિવસે સવારે પ્રેમ ફરીથી આરોહીના ઘરની બહાર 10:00 વાગ્યે આવીને ઊભો રહ્યો હતો આરોહી પોતાના રૂમની બારીમાંથી જોઈ રહી હતી કે પ્રેમ તેની રાહ જોઈ રહ્યો છે આમ કરતાં કરતાં અગિયાર વાગી ગયા, પૂરો એક કલાક પ્રેમ આરોહીની રાહ જોતો ઊભો રહ્યો પછી આરોહીને થયું કે હું નીચે જઈને નંબર આપીને આવું આરોહી તૈયાર થઈને પોતાનું એકટીવા લઈને પોતાના બંગલાની બહાર નીકળી અને તેણે પ્રેમને પોતાને ફોલોવ કરવા માટે કહ્યું.

આલ્ફાવન મોલ આરોહીના ઘરથી નજીક જ હતો તેણે પ્રેમને પોતાને મોલમાં મળવા માટે કહ્યું. બંને આલ્ફાવન મોલમાં મળ્યા અને આરોહીએ પ્રેમને તેના વિશે બધું પૂછ્યું આરોહીને લાગ્યું કે છોકરો સારા ઘરનો વ્યવસ્થિત છે પછી તેણે પણ કહ્યું કે પોતે બી.સી.એ.કમ્પ્લીટ કરેલું છે અને અત્યારે એમ.બી.એ. કરે છે અને પોતાનો કોન્ટેક નંબર આપ્યો.

પછી તો ધીમે ધીમે બંનેની વાતો આગળ ચાલી અને થોડાક જ દિવસમાં બંને એકબીજાની ખૂબ નજીક આવી ગયા. હવે પ્રેમને તો, પૂના જવાનું હતું. તેથી તેણે આરોહીને એક વાર મળવા માટે બોલાવી. બંને જણા શહેરની સારામાં સારી હોટલમાં મળ્યા ખૂબ જ વાતો કરી અને પ્રેમે આરોહીને પ્રોમિસ આપી કે તે ફરીથી આવશે ત્યારે આરોહી સાથે એંગેજમેન્ટ કરી લેશે અને બંને છુટા પડ્યા.

બસ હવે તો આરોહી, પ્રેમ ફરીથી પાછો અમદાવાદ આવે અને બંનેના એંગેજમેન્ટ થાય તેની જ રાહ જોઈ રહી હતી.

અચાનક એક દિવસ આરોહી પોતાનું એકટીવા લઈને કોલેજથી પાછી આવી રહી હતી ત્યારે પાછળથી તેની એક્ટિવાને ટ્રકે ટક્કર મારી દીધી અને આરોહી દશ ફૂટ દૂર ઉછળીને પડી અને ત્યાંની ત્યાં જ મૃત્યુ પામી.

આરોહીની ફ્રેન્ડ મેઘાએ આ સમાચાર પૂના પ્રેમને આપ્યા, પ્રેમના હોંશ કોશ ઉડી ગયા, શું થઈ ગયું..?? અને શું કરવું..?? તેની પ્રેમને કંઈજ ખબર ન પડી. હવે તેના હાથમાં કંઈ જ ન હતું. પોતાનું બધુંજ લુંટાઈ ગયું હોય તેવું પ્રેમને લાગવા લાગ્યું.તેની જિંદગીમાં સૂનકાર છવાઈ ગયો હતો પણ તે કશું કરી શકે તેમ પણ ન હતો..!!

બસ હજી પણ તેની નજર સામેથી આરોહીનું એ મીઠું હાસ્ય ખસતું ન હતું અને તે આરોહીને ભૂલી શકતો ન હતો.

~જસ્મીન