My darling books and stories free download online pdf in Gujarati

મારી લાડલી....

ગઈ કાલે જાન વળાવી હતી. આજે ઘરનાં સભ્યોનાં મોઢા પર થાક વરતાઈ રહ્યો હતો.મંડપ અને ડેકોરેશન વાળા માણસો મંડપ સંકેલી રહ્યાં હતાં. પાર્ટીશન ને મંડપના પરદા લટકી રહ્યાં હતાં.લગભગ સવારનાં દસેક વાગ્યાં હશે.પવનની લહેરખી આ લટકતા પડદાને લહેરાવી રહી હતી. છેલ્લાં ત્રણ દિવસથી મહેમાનથી ભરેલું ઘર આજે ખાલી ખાલી ભાસતું હતું. મોટા ભાગનાં મહેમાન જાન વળાવીને નીકળી ગયાં હતાં. બાકી બેનું દિકરિયું અમૂક આજે સવારમાં પોતપોતાનાં ઘરે જવા રવાના થઈ ગઈ હતી.ઘરે બાકી અમારો પરિવાર જ હતો.

હું થાક્યો પાક્યો ઘરની ઓસરીમાં બેસી કામ કરતાં મજૂરોને જોઈ રહ્યો હતો.તે બધાં મશીનની માફક જલ્દીથી બધું મઠારી રહ્યાં હતાં.કોઈ પરદા સંકેલતા હતાં. તો કોઈ મંડપની વળી વાહનમાં ભરતાં હતાં. ચૉરી મંડપની આજુબાજુ હજું ગઈ કાલે તાજા ને મહેકતા ફૂલડાં મુરઝાઇ ને જ્યાં ત્યાં વિખરાઇ પડ્યાં હતાં.કાલે ઢબુક્તા ઢોલ આજે શાંત થઈ ગયાં હતાં. આસોપાલવનાં પાનનું દરવાજે બાંધેલું તોરણ આજે સુકાયેલું લાગતું હતું.

દિકરીને ગમે તેવું સારું સાસરિયું મળ્યું હોય તો પણ તેને વિદાઈ કરવી દરેક માવતર માટે બહું વસમું છે. દિકરી હજુ તો પાપા પગલી કરતી હોય ને ક્યારે મોટી થઈ જાય તે પણ ખબર રહેતી નથી.તેની હાજરીથી ઘર આખું ભર્યું ભર્યું લાગે. દરેકની કાળજી રાખે.મમ્મીને તો તેની આદત જ થઈ જાય.જ્યારથી તે ઘર કામ સંભાળી લે ત્યારથી મમ્મીને રસોડામાં કોઈ વસ્તું તેની મદદ વગર ના મળે.પપ્પા વાડીએથી થાકી આવે ત્યારે સાતેય કામ પડતાં મૂકી પહેલાં પાણીનો ગ્લાસ ભરી આપે ને પૂછે, " બહું થાકી ગયાં ને?"
બસ આટલું વાક્ય સાંભળતાં પપ્પાનો બધો થાક ઓગળી જતો.ઘરડાં બા સાથે બેસી કોઈને વાત કરવાનો ટાઈમ ના મળે પણ તે બધાં કામ કરતી ને પોતાની ગવર્મેન્ટ જોબ સંભાળતી. આ બધાં કામ વચ્ચે પણ બા જોડે ઘડિક વાતો કરી લેતી.ને તેમનાં બે કામ પણ કરી આપતી.બધાં ભાઈઓ સાથે હળી મળી ને રહેતી.ને ખૂબ મસ્તી કરતી.કાકા કાકીની લાડલી.કંઇક નવી ડીશ બનાવે તો આજુબાજુ જરૂર પહોચાડે. મોટા ભાઈ બધાંને ખીજાતા ફરે પણ તેને વાંકમાં હોય તો કોઈ ઠપકો આપી શકે તો ફક્ત આ અમારી જુલીબા. લગ્નનાં અઠવાડિયા પહેલાં અમે ગામડે આવી ગયાં હતાં. તે આખો દિવસ જપે નહિ.દોડાદોડ કર્યાં રાખે ને તેનાં ઝીણા અવાજે ઘર ગાજતું રહે. છેલ્લાં છએક મહિનાની દોડાદોડી છતાં પણ છેલ્લી ઘડી સુધી કઈનું કંઈ બાકી જ રહી જતું.

હજી કાલ સુધી ઘરમાં પ્રસંગની ખુશીનો માહોલ હિલોળે ચડેલો હતો. આજે હું થાકીને ઓસરીમાં દિવાલનો ટેકો લઈ બેઠો હતો. વીતેલાં વર્ષો મારી નજર સામેથી પસાર થઈ રહ્યાં હતાં. જુલીબા ને આંગળી પકડી રમવા લઈ જવાથી લઈને તેની શાળાએ મૂકવા જવા સુધીનું બધું યાદ આવતું હતું. દિકરીનો સ્વભાવ ખૂબ શાંત ને ઓછામાં ઓછી જરૂરિયાત વાળો.તેનો હાઇસ્કૂલનો અભ્યાસ મારા ઘરે રહી પૂરો કર્યો.ભણવામાં પણ ખૂબ હોશિયાર.કોલેજ ભાવનગર પૂરી કરી.કોલેજ પછી સરકારી નોકરીની ભરતી માટે એક વર્ષ કલાસ કર્યાં.રાત દિવસ મહેનત કરી. અત્યારે છોકરીયું એક્ટિવા વગર કોલેજ ના જાય.પરંતુ મને ખબર છે અમારી જુલીબા તેનાં ક્લાસે સાઇકલ લઇને જતી.એક વર્ષનાં સખત પરિશ્રમ પછી પરીક્ષા પાસ કરી સરકારી નોકરી મેળવી.તેમાં પણ ખૂબ લગન થી કામ કરે. નોકરી માટે અપ ડાઉન કરે, થાકી ગઈ હોય તો પણ કાયમ હસતી જ હોય.આ બધું હું યાદ કરી રહ્યો હતો. આવી દિકરી ઘરમાંથી વિદાય લઈને ગઈ, પણ જાણે ઘર સાથે લઈ ગઈ.આજે ઘર ખાલી ખાલી લાગતું હતું.

તેમનું સાસરિયાંમાં બધાં ખૂબ સંસ્કારી ને સારા માણસો છે. તેમનાં સસરા મારા સારા મિત્ર પણ છે. આખું ફૅમિલી સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલાં છે. ને ખૂબ સુખી પરિવાર છે.આખું ઘર ગવર્મેન્ટ નોકરી વાળા છે. અમારાં જમાઈ પણ ખૂબ સારો ને સરળ છોકરો છે. ત્યાં અમારી લાડલી સુખી જ છે.અમારાં કરતાં પણ તેને ત્યાં વધું સાચવશે તેની મને ખાતરી છે.

પણ દિકરીની વિદાય દરેક બાપ ને ખળભળાવી મૂકે છે.ઘરમાં તેનાં ભણકારા વાગ્યાં કરે છે. મોટા ભાઈની ભારેખમ થઈ ગયેલી આંખો સાથે નજર મિલાવવી અઘરી થઈ પડી છે. ભગવાને દિકરિયુને અજબ શક્તિ આપેલી હોય છે.તે પપ્પાના ઘરે તો બિંદાસ રહેતી હોય છે.પણ તેનાં સાસરિયામાં પણ બધાં સાથે હળીભળી જાય છે.એકબાજુ સુખી સાસરિયામાં વળાવી તેનો આનંદ હતો. તો બીજી બાજું દિકરી વિદાયનો ગમ હતો.

જુલીબા મારી ભત્રીજી થાય.પણ મારી દિકરી કરતાં પણ વિશેષ. આવાં બધાં વિચાર કરતો હું બેઠો હતો.ત્યાં મારાં મોબાઈલમાં wts up મેસેજ નોટિફિકેશન વોઇસ આવ્યો.મે જાગૃત થઈ મારો મોબાઈલ ફોન લીધો. wts up ખોલી જોયું તો અમારાં જમાઈ સુર્યદિપે મને એક ફોટો સેન્ડ કર્યો હતો. ફોટો જોયો. જુલીબા નો ફોટો હતો. નીચે લખેલું હતું, todays photo. જુલીબા નો ફોટો હું જોતો રહી ગયો. ગુજરાતી સાડી, માથે ઓઢેલું ને આભૂષણોથી સજેલી હતી.મોઢાં પર પીઢતા ને ગંભીરતા હતી.એક જ દિવસમાં દિકરીમાં કેવું પરિવર્તન આવી જાય છે,તે હું જોતો રહ્યો.મારી નજર પેલી બિંદાસ ને વાતુડી જુલીબા ને શોધી રહી હતી.

મારાં કાનમાં પેલાં ગીતનાં શબ્દો ગુંજી રહ્યાં હતાં. " મારી લાડકી ને ઘણી ખમ્મા, મારી દિકરીને જાજી ખમ્મા....."

જમાઈરાજ સુર્યદીપ ને રિપ્લાય આપતાં હું " સાચવજો" એટલું તો માંડ લખી શક્યો. મારી આંખમાંથી આંસુ મોબાઈલ ફોનની સ્ક્રીન પર ખરવા લાગ્યાં. જુલીબા નો ફોટો ધૂંધળો થવાં લાગ્યો.હું મારી જાતને માંડ સંભાળી શક્યો.....

લેખક: અશોકસિંહ ટાંક
9428810621
તા.12/3/21
( જુલીબા નાં લગ્ન પ્રસંગની યાદ)