Feedback books and stories free download online pdf in Gujarati

ફીડબેક

કારનું જીપીએસ સિસ્ટમ ફરીથી સેટ કરીને વૈભવે ઉંડો શ્વાસ લીધો. રાતનાં નવ વાગી ચુક્યાં હતાં અને પોતે અાખા દિવસમાં ફક્ત ત્રણ રાઇડ મેળવી શક્યો હતો.

વૈભવે કસ્ટમરની દિશામાં ગાડી વાળી. ઓલાનાં મોટાભાગનાં ડ્રાઇવર જ્યાં અાઠ વાગતા સુધીમાં ઘરે પહોંચી જવાનો પ્રયત્ન કરતાં, વૈભવ રાતનાં અગિયાર વાગ્યા સુધી ભેંકાર સડકો ઉપર રાહદારીઓની રાહ જોતો રહેતો.

અાખરે કોણ કહી શક્તું હતું કે માહામારીની મંદીને લીધે નોકરી ગુમાવી ચુકેલો વૈભવ બે મહિના પહેલાં ઓલાનો ડ્રાઇવર નહી પરંતુ એક પ્રતિષ્ઠિત કંપનીમાં અાસિસ્ટન્ટ મેનેજર હતો..! મોંઘી શાળામાં ભણતી દિકરી અને રાતોરાત નોકરી ગુમાવી બેઠેલાં પતિને ટોણા મારતી રહેતી પત્ની વૈભવને યાદ અાવી ગયાં અને એણે ગાડીની સ્પીડ વધારી.

અાજે છેલ્લો દિવસ હતો મહિનાનો. બધા ડ્રાઇવરોની જેમ વૈભવને પણ કસ્ટમરનાં અાપેલાં ફિડબેકને અાધારે બોનસ મળવાનું હતું. હા એ જ બોનસ જે એને છેલ્લાં બે મહિનાથી હાથતાળી અાપી રહ્યું હતું. તુંડમિજાજી મુસાફરો, હાંસી ઉડાવતા જુના સહકર્મચારીઓ, દિવસભરનો થાક, અનિદ્રાથી પીડાતુ શરીર અને ઓલાનો ડ્રાઇવર બનાવી બેઠેલું અા ભાગ્ય..! કદાચ હજું કશું બાકી હોય એમ ઓલા તરફથી પણ ચેતાવણી અાપવામાં અાવી હતી કે ફીડબેક સુધારવાની તાતી જરુરિયાત હતી..!!

ડુમાસ જતાં રસ્તા ઉપર વૈભવે નજર નાખી. અાટલી સુમસામ જગ્યામાં અાટલી રાત્રે ફક્ત મોટા ઘરનાં બગડી ગયેલાં નબીરાઓ પાર્ટી કરવા અાવત‍ા હતાં. ચારે તરફ છુટાછવાયા નાઇટક્લબ સિવાય બીજું કશું દેખાતું નહોતું. અાવા જ એક અાલીશાન નાઇટક્લબ પાસે અાવીને વૈભવે ગાડી ઉભી રાખી. દિવસનાં છેલ્લાં મુસાફર સાથે શક્ય એટલી મીઠાશથી વાત કરીને સારો ફીડબેક લઇ લેવાનાં ઇરાદાથી ઉભેલાં વૈભવની નજર ક્લબનાં દરવાજે પડી જ્યાં લથડીયા ખાઇ રહેલાં ચાર છોકરાઓ એકબીજાનો હાથ પકડીને ચાલ્યાં જતાં હતાં. વૈભવને સુગ ચડી અાવી.

"ગાડી અાટલી દુર શું લેવા ઉભી રાખી છે? જ્યાનું લોકેશન અાપ્યું હોય ત્યાં અાવીને નહોતી ઉભી રખાતી?" એક છોકરો લવારો કરવા લાગ્યો.

"સોરી સર પણ ચોકીદારે ના પાડી હતી અહિયાથી અાગળ જવાની. તમે ત્રણ જણા બેસી જાઓ. ચાર જણાને એક જ ગાડીમાં લઇ જવાની મનાઇ છે." વૈભવે અાશંકા સાથે કહ્યું.

"એ ચાલ અમને કાયદા ના શીખવાડ. ચુપચાપ એમજી રોડ ઉપર લઇ લે." કહીને વૈભવ કાંઇ બોલી શકે એ પહેલાં ચારે જણા ગાડીમાં ગોઠવાઇ ગયાં. વૈભવ પણ ગ્રાહકોને નારાજ કરવાનાં ડરે કાયદાની બીકને બાજુમાં મુકીને ગાડીમાં ગોઠવાયો.

ઘરનાં બે છેડા ભેગા કરવાની મથામણમાં અા છેડેથી બીજા છેડે ભાગીને હાંફવા લાગેલી વૈભવની અા જીંદગી હવે એમનાં એક ફીડબેક ઉપર જ તો ટકેલી હતી. દિકરી માટે નવી સાયકલ લેવાનો કેટલો પ્રયત્ન કર્યો હતો પણ મહિનાનાં અંતે હાથમાં બોનસ નહીં, ફક્ત નિષ્ફળતા લાગતી હતી.

વૈભવ સમજી નહોતો શક્તો કે અાખરે શું ખામી રહી જતી હતી પોતાની ડ્રાઇવિંગમાં? પોતે હંમેશા મુસાફરોને સમયસર પહોંચાડી દેતો હતો અને ગાડીમાં ક્યારેય કોઇ ગંદકી કે અવ્યવસ્થાની ફરિયાદ સાંભળવામાં નહોતી અાવતી તો પછી કેમ થઇ રહ્યું હતું પોતાની સાથે અાવું? અાજે સવારે જ તો કંપનીની મોબાઇલ એપમાં પોતાનો ફીડબેક તપાસ્યો હતો. અાવું જ ચાલતું રહ્યું તો કદાચ અા રાઇડ ઓલા સાથે છેલ્લી રાઇડ બનતા વાર નહોતી લાગવાની. હવે બધું જ અા છેલ્લી રાઇડ ઉપર નિર્ભર હતું. બે મહિનાનાં સારા ફીડબેક અને રેટિંગ ભેગા કરીને અાખા નહીં તો છેવટે અડધા ભાગનાં બોનસનો હકદાર બનતો હતો વૈભવ.

ગાડી મોટા દેખાતાં બંગલે અાવીને ઉભી રહી. વૈભવે ઘડિયાળમાં નજર નાખી. પોતે ધારેલાં સમય કરતાં વહેલો જ અાવી ગયો હતો. સંતોષ સાથે એણે રાઇડ પુરી કર્યાની માહિતી સિસ્ટમમાં નાખી અને પાછળ ફર્યો.

નશામાં ધુત ત્રણ મુસાફરોને એમનાં નિયત સ્થાને પહોંચ્યા બાદ અા છેલ્લું ઘર હતું. ઘરમાંથી નોકર દોડતો અાવ્યો અને પાછળ બેઠેલાં છોકરાને ટેકો અાપીને બહાર કાઢ્યો. વૈભવે ફીડબેકની વાત કરવા માટે મોઢું ખોલ્યું જ હતું કે નોકરનો સહારો લઇને ઉભેલો એ છોકરો લથડીયું ખાઇને નીચે પડ્યો.
વૈભવ દોડીને એ છોકરાને ટેકો અાપ્યો અને નોકરે અાભારવશ થઇને એની સામે જોયું.

"અાશિષ બાબા ક્યારેક જ અાવી હાલતમાં હોય છે. પ્લીઝ અામને અંદર લઇ જવ‍ામાં મારી મદદ કરી દો." નોકરે કાંઇક અાજીજીનાં સ્વરમાં કહ્યું અને વૈભવે કમને હકારમાં માથું હલાવ્યું.

જે માણસ ઉભો નહોતો રહી શક્તો એની પાસે ફીડબેકની શું અપેક્ષા રાખવી..? વૈભવ વિચારી રહ્યો અને અાશિષને ખભો અાપીને ઉપર ચાલ્યો. પાણી લાવવા માટે નોકર નીચે ગયો એટલે વૈભવ અાશિષ સાથે એકલો પડ્યો. ક્ષણભર એની નજર ઓરડામાં ચારે તરફ ફરી વળી. જમીન ઉપર જામી ગયેલી ધુળ અને પલંગ પાસે બાઝેલાં જાળા જોઇને વૈભવને અણગમો અાવી ગયો.

"અા જગ્યા હંમેશાથી અાવી નહોતી." પાછળથી અવાજ અાવ્યો અને વૈભવે જોયું તો અાશિષ માથું પકડીને બેઠો હતો.

"તમને ઠીક ના લાગતું હોય તો હું ડોક્ટરને બોલાવી દઉં." અાશિષે કહેલી વાતને લવારો સમજીને વૈભવે પ્રસ્તાવ મુક્યો. એને હવે અહિયાંથી નીકળવાની ઉતાવળ હતી.

"કેટલું નુક્શાન ગયું છે ધંધામાં..!! બધું બરબાદ કરી નાખ્યું મે." કહીને અાશિષ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. વૈભવ ક્ષણભર ફાટી અાંખે એને જોઇ રહ્યો. એને સમજાતું નહોતું કે શું થઇ રહ્યું હતું.

"કહેવા શું માંગો છો?" થોડી વારની શાંતિ બાદ વૈભવે પુછ્યું. ફીડબેકની વાત એ ભુલી ચુક્યો હતો.

"કેટલાં ભરોસા સાથે સંભાળવા અાપ્યો હતો પપ્પાએ અા ધંધો પણ મે બધું જ બરબાદ કરી નાખ્યું. ત્રણ જ મહિનામાં કેટલું દેવું ઉભુ થઇ ગયું છે. પપ્પા પણ મને નાલાયક સમજે છે." અાશિષ બોલ્યે જતો હતો. એ નશામાં હતો એ નક્કી હતું.

"સમજી શકું છું સર પણ હવે તમારે અા બધું ભુલીને અાગળ વધવાની જરુર છે. અા રીતે પસ્તાવો કર્યે સમસ્યાનું સમાધાન નહીં મળે."

"નથી શોધવું મારે કોઇ સમાધાન. નથી શોધવું સાંભળ્યું તે?" અાશિષ અાવેગમાં ઉભો થઇ ગયો. એને અા રીતે અચાનક ગુસ્સે થઇ ગયેલો જોઇ વૈભવ ઝંખવાયો.

વૈભવ બે ઘડી અા માણસનામાં પોતાનું પ્રતિબિંબ જોઇ રહ્યો. અાશિષની જેમ પોતે પણ ક્યારેક દુ:ખને અાદત બનાવી લીધું હતું. પાશવી અાનંદ લેવા લાગ્યો હતો બેકારીનાં દુ:ખમાં. ગભરાતો હતો નવી શરુઆત કરતાં..!

"અાઇ એમ સોરી દોસ્ત. હું તને મારી તકલીફો કહીને તારી તકલીફો વધારી રહ્યો છું. નીચે કેતન તને તારું ભાડું અને વેઇટિંગનાં પૈસા અાપી દેશે." અાશિષે ઉંડો શ્વાસ લઇને કહ્યું અને પડખું ફેરવીને અાંખો બંધ કરી દીધી.

વૈભવે નિસાસો નાખ્યો. અાજે જો ઇચ્છે તો સારો ફીડબેક લઇને પોતાનું અડધું બોનસ લઇ શક્તો હતો અથવા અા ભાન ભુલેલાં અજાણ્યાં માણસને એનાં અાભાસી દુ:ખ માંથી બહાર કાઢી શક્તો હતો.

"જે તમારી સાથે થયું એ ખુબ જ ખરાબ હતું સર પણ દુનિયામાં તમે એકલા નથી જે મુસીબતોનો સામનો કરો છો. દરેકનાં જીવનમાં વત્તા-ઓછા અંશે સમસ્યાઓ હોય જ છે." વૈભવે બધી હિંમત ભેગી કરીને કહ્યું.

"શું કહ્યું તે? તે મારી મદદ કરી એટલે મે તને સારો માણસ સમજીને મારી તકલીફ કીધી પણ તું મને સમજવાને બદલે સલાહો અાપવા ઉપર ઉતરી અાવ્યો? નીકળી જા અહિયાંથી." અાશિષ ગુસ્સામાં બરાડ્યો.

"સમજું છું સર, તમારી તકલીફ સમજું છું પણ જેને તમે તકલીફ સમજવાનું કહો છો એને દયા ખાવાનું કહેવાય છે. જે તમારી સાથે થયું એ દરરોજ અનેકો સાથે થાય છે પણ બધા પાસે તમારી જેમ જવાબદારીઓ માંથી હાથ ખંખેરીને શરાબી બની જવાની જાહોજલાલી નથી હોતી." વૈભવનો અવાજ ઉંચો થઇ ગયો. કદાચ અા જ કડવી દવા હતી જેની અાશિષને જરુર હતી.

"તને નથી ખબર જ્યારે સપનાં તુટે ત્યારે શું થાય." અાશિષે થાકીને કહ્યું. એનામાં હવે વિવાદો કરવા જેટલી પણ શક્તિ નહોતી.

"હા કદાચ નહીં ખબર હોય પણ મને એટલું ચોક્કસ ખબર છે કે જ્યારે પાંચ વર્ષની નોકરી બાદ રાતોરાત અાસિસ્ટન્ટ મેનેજર માંથી કેબ ડ્રાઇવર બનવું પડે ત્યારે કેવું થાય." વૈભવ ફિક્કું હસ્યો અને ફીડબેક લીધા વિના જ ચાલ્યો ગયો. અાશિષ અાભો બનીને જોતો રહ્યો.

બીજા દિવસે વહેલી સવારે વૈભવ ઓલાની ઓફિસે પહોંચ્યો. ડ્રાઇવર તરીકેની અા નોકરીને હવે કોઇ બચાવી શકે એમ નહોતું. જ્યાં સુધી બીજી નોકરી નથી મળતી ત્યાં સુધી ઘર કેવી રીતે ચાલશે અને પોતે ઘરે પત્નીને શું કહેશે જેવા અનેક સવાલોનાં વૈભવ પાસે કોઇ જવાબ નહોતાં. અાજે માસિક રીવ્યુમાં મેનેજર પોતાને નોકરી છોડી દેવાનું કહેશે એ નક્કી જ હતું. વૈભવે પહેલાં જ ગાડી પરત અાપવા માટે નોંધાવી દીધી હતી.

"વૈભવ તારા માટે કોઇ અા ચિઠ્ઠી અાપી ગયું છે." વૈભવની સાથે કામ કરતો બીજો એક ડ્રાઇવર સુધીર એનાં હાથમાં બંધ કાગળ પકડાવી ગયો અને વૈભવે કુતુહલતાથી કાગળ ખોલ્યો.

ડિઅર દોસ્ત, ના તો તારું નામ જાણું છું અને ના તો સરનામું, ના તો તારું એડ્રેસ છે કે ના તારો ફોન નંબર. બસ ખાલી એટલી જ માહિતી હતી કે તું ઓલાનો ડ્રાઇવર છે જે ગઇકાલે મોડી રાત્રે એમજી રોડ ઉપર હતો. અાટલી નાની વાતને અાધારે તારા મેનેજર મને ખાતરી અાપી હતી તને શોધી કાઢવાની. અાશા છે કે અા ચિઠ્ઠી તારા હાથમાં પહોંચી ગઇ હશે. કાલે રાત્રે તે જે કાંઇ કહ્યું એ સાંભળીને મને ખરેખર ગુસ્સો અાવ્યો હતો. કદાચ મને અાદત પડી ગઇ હતી દુ:ખને વાગોળ્યાં કરવાની અને એટલે જ ડર લાગતો હતો. ડર લાગતો હતો ફરીથી એક વખત ઉભા થવાનો, ફરીથી હારવાનો. સાચું કહ્યું હતું તે કે તકલીફો બધાનાં જીવનમાં હોય છે પણ બધાનાં જીવનમાં કદાચ મારા જેવી શરાબી બનીને પડ્યા રહેવાની જાહોજલાલી નથી હોતી. મારે અા જાહોજલાલી નથી જોઇતી દોસ્ત. હું ફરીથી ઉભો થવા માંગુ છું. ફરીથી લડવા માંગુ છું. મારે લોકોની દયા કે સહાનુભૂતિ નથી જોઇતી. હું સમજી શકું છું કે તું અા નોકરી મન વગર કરી રહ્યો છે. નીચે મારી ઓફિસનું સરનામું અને ફોન નંબર બંને અાપ્યા છે. હું ઇચ્છું છું કે તું પણ મારી સાથે મળીને તારા જીવનની નવી શરુઆત કરે..

તારા ફોનની રાહમાં
લિ. તારો દોસ્ત અાશિષ

વૈભવે કાગળ વાંચીને ખિસ્સામાં નાખ્યો અને સંતોષ સાથે અાપેલા સરનામે ચાલી નીકળ્યો. છેવટે અાજે સારો ફીડબેક મળી જ ગયો હતો.