Strange story Priyani .... 31 - (final part) books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની....31 - (અંતિમ ભાગ)

પ્રિયાએ દક્ષેશ સરને મળવા માટે ટાળ્યું, એની સાથે વાત-ચીત કરવાની બંધ કરી દીધી. એનો મતલબ એ નહોતો કે એનાં મનમાં કોઈ અપરાધ ભાવ હતો, પણ એ પોતાની લાગણીને જીવે ત્યાં સુધી આવી ને આવી ખીલેલી રાખવા માંગતી હતી. કારણ એ દિવસ પછી એનો નવો જન્મ થયો હોય એવું એને લાગ્યું હતું. એક નવી જ પ્રિયા એનામાં પ્રવેશી ગઈ હતી. એનું દિલ પ્રસન્ન અને મન આનંદિત બની ગયું હતું. પોતે ભોગવેલી માનસિક યાતના પળવારમાં પીગળી ગઈ હતી. એક સુંદર, સંપૂર્ણ સ્ત્રી તરીકે એણે પોતાની જાતને સ્વીકારવા લાગી હતી. કોઈનાં મ્હેણાં-ટોણાં કે દબાવની હવે એનાં પર અસર થતી ન હતી. પોતાની જાત સાથે જ એની હવે દોસ્તી થઈ ગઈ હતી.

પ્રિયા જ્યારે યુવાન ઉંમરમાં હતી ત્યારે પોતાનાં ખાસ મિત્ર લલિતનાં પ્રેમને ઓળખી ન શકી, એણે એવી નજરથી લલિતને ક્યારેય જોયો જ નહોતો. એક મિત્ર તરીકે જ એને સ્વીકાર્યો હતો. એક નજીવી બાબતને લીધે એણે લલિત જેવા મિત્રને ગુમાવી દીધો. પૈસાની ચકાચકને અને એ લોકોની મીઠી-મીઠી વાતો સાંભળી લગ્ન પછી સુખ જ સુખ મળશે એમ સમજી સુશીલને એ પરણી ગઈ. લગ્ન પછી વાતોમાં મીઠાશનો ઢોળ ધીરે-ધીરે ઉતરવા લાગ્યો હતો. સુશીલનાં પ્રેમમાં વારેઘડીએ ઉપકારનાં દબાણની સુવાસ સૂંઘવા મળી રહી હતી. સુશીલનો પ્રેમ ક્ષણભંગુર સાબિત થયો હતો. પોતાનાં દીકરા માટે જેની સાથે જીવન વિતાવ્યું અને બાકીનું જીવન વિતાવવાનું નક્કી કરી લીધું હતું એની સાથે ફરી પાછો પ્રેમ થઈ શક્યો જ નહિ. અને જેની સાથે પ્રેમ થયો એને અપનાવી શકી નહિ. દક્ષેશ સરનાં આંખોથી દિલમાં ઉતરેલો પ્રેમ એણે ક્યારેય અગાઉ અનુભવ્યો હતો જ નહિ. એ એક જ દિવસનાં પ્રેમમાં એણે જિંદગીભરનું સુખ મેળવી લીધું હતું. એવો પ્રેમ કે જેમાં શરીરનાં સ્પર્શ હતું જ નહિ ને છતાં તન ને મન ડોલી રહ્યાં હતાં. ને એ જ દિવસે પ્રિયાએ પ્રેમનું સુખ પ્રાપ્ત કર્યું હતું, પ્રેમને જાણ્યો હતો, પ્રેમનો અનુભવ કર્યો હતો.

બે માણસો વચ્ચે પ્રેમ ત્યારે જ શક્ય હોય છે જ્યારે એમની વચ્ચે સરખામણી નહિ પણ સમાનતા હોય, રોફ કે દબદબો નહિ પણ સાદગી હોય, તનનો મેળાપ નહિ પણ મનનો મેળાપ હોય એ વાત પ્રિયા સમજી ગઈ હતી. તન મળી જવાથી પ્રેમ થતો નથી અને મન મળી જવાથી પ્રેમ સાબિત કરવા માટે તન મેળવવા જરૂરી નથી એ વાતનું જ્ઞાન એને થઈ ગયું હતું. પ્રેમ માટે લગ્ન, શરીર, ઉંમર, સંબંધ જેવા શબ્દો સાથે નિસ્બત હોતો જ નથી.

પ્રિયાની જિંદગીની કહાની કેવી અજીબ છે કે જેની જીવન જોડાયેલું હતું એને પ્રેમ કરી શકી નહિ ને જેની સાથે પ્રેમ થયો એની સાથે સીધી કે આડકતરી રીતે જીવન જોડી શકી નહિ. જીવનમાં પ્રવેશેલા ત્રણ પુરુષો- મિત્ર, પતિ અને પ્રેમી. મિત્ર સાથે માત્ર નિર્દોષ મિત્રતા નિભાવવા માટે એનો સાથ ગુમાવ્યો, પતિની આદતોને ન સ્વીકારવાને કારણે એને પ્રેમ કરી શકી નહિ અને જેણે એને પ્રેમ કર્યો ને જેની સાથે એને પણ પ્રેમ થયો પણ એનો સ્વીકાર કરી શકી નહિ. પણ પાછલી ઉંમરે થયેલ પ્રેમની લાગણીએ એની જિંદગી જરૂરથી બદલી હતી. અત્યાર સુધી એ પોતાને પ્રેમ કરી શકી નહોતી, પણ હવે પોતાને પ્રેમ કરવા લાગી હતી ને એટલે જ હવે ખુશ રહેવા લાગી હતી. પોતાનો આત્મવિશ્વાસ વધી ગયો હતો. જીવનને લઈને કોઈ જ ફરિયાદ હવે રહી નહોતી. એટલે જ હવે પ્રસન્ન મને બાકીનું જીવન વિતાવવા લાગી હતી.

લગ્ન પછી પ્રિયા માટે દિલથી બંધાયેલા સંબંધને સમાજ સામે કે, સંબંધીઓ સામે કે, સ્વજનોની સામે સ્વીકારી શકી નહિ. એક દિવસ માટે પણ એ સંબંધને અપનાવી શકી નહિ અને સમાજ દ્વારા, સંબંધીઓ દ્વારા, સ્વજનો દ્વારા બંધાઈ ચૂકેલા સંબંધને દિલથી સ્વીકારી શકી નહિ છતાં એ જ સંબંધને જિંદગીભર માટે અપનાવો પડ્યો. ને એટલે જ પ્રિયાની કહાની અજીબ છે!