Lagani no Ankur books and stories free download online pdf in Gujarati

લાગણી નો અંકુર

લાગણી નો અંકુર

અમદાવાદ ની સિવિલ હોસ્પિટલના બાળકો ના વોર્ડ ની બહાર દર્દીઓ ની ચહલપહલ વધુ હતી, જોકે આમ તો હંમેશા દર્દી ઓ ની ભીડ થી ઘેરાયેલી રહેતી સિવિલ હોસ્પિટલ આજે વધારે ભીડ થી ઉભરાયેલી હતી અને એમાંય હમણાં વર્ષેલા કમોસમી વરસાદ ના લીધે બાળકો ના વોર્ડ આગળ ભીડ વધારે હતી. એવા માં દર્દી ઓ ની ભીડ ને ચીરી ને ગળા માં સ્ટેથોસ્કોપ અને સફેદ એપ્રોન માં સજ્જ પણ ચહેરા પર સહેજ થાક ની રેખાઓ સાથે ડૉ. નિરલ પ્રવેશી. હજુ હમણાં જ નિરલ એ બાળરોગ ના એમડી ના અભ્યાસક્રમ માં એડ્મિશન લીધું હતું અને ફર્સ્ટ યર રેસિડેન્ટ ડોક્ટર તરીકે બાળ રોગ ના વોર્ડ ની તમામ જવાબદારી ઉપાડી લીધી હતી, કામ ના બોજ હેઠળ દબાયેલી નિરલ એક બાળદર્દી ની માતા-પિતા સાથે વાત કરી રહી હતી, બાળક ના કેટલાક ટેસ્ટ કરાવવા માટે એના માતા પિતા ને કહ્યું હતું પણ હજુ સુધી ટેસ્ટ નહોતા કરાવ્યા એટ્લે નિરલ ને ગુસ્સો આવ્યો,

“ કેટલી વાર કહેવાનું બેન, આ ટેસ્ટ કરાવવા જઈ આવો પણ હજુ સુધી ગયા નથી ? મારૂ બાળક છે કે તમારું ?” રાતાચોળ ચહેરે મન માં ને મન માં બબડતી નિરલ આગળ વધી ગઈ.

દૂર થી ડૉ. અવિજિત કે જે આ બાળરોગ વિભાગ ના વડા હતા એ બધુ જ નિહાળી રહ્યા હતા. એમને જોયું કે નિરલ ના આવા વર્તન થી એ બાળક ની માતા ને હ્રદય માં કેટલું દુખ થયું હશે ! નિરલ એ લાગણી ના હાવભાવ ને પારખી શકતી નહોતી. ડૉ. અવિજિત ના માર્ગદર્શન હેઠળ એમડી નો અભ્યાસક્રમ કરી રહેલી નિરલ આમતો તેજસ્વી હતી, મહેનતુ હતી ને ખંત થી કામ કરતી હતી પણ દર્દી સાથે લાગણી ના તંતુ બાંધી ને વાત નહોતી કરતી. દર્દી ને ડોક્ટર ના આવા વ્યવહાર થી દુખ થાય એ વાત હજુ સુધી નિરલ સમજી શકતી નહોતી અને આ વાત નું દુખ ડૉ.અવિજિત ને સતાવતું. તે નિરલ અને એમના બીજા વિદ્યાર્થીઓને પણ દર્દી સાથે સારા વ્યવહાર ની સાથે સાથે એક લાગણી સાથે જોડાઈ ને સારવાર નું સમજાવવા માંગતા હતા પણ કોઈ રસ્તો નહોતો સૂઝતો, અચાનક એક રસ્તો એમને એક વાત યાદ આવી ને તમામ વિદ્યાર્થી ને પોતાના તમામ વિદ્યાર્થી ઓ ને પોતાની ચેમ્બર માં બોલાવી લીધા.

“ આવ નિરલ, બેસો બધા. કોઈ કહેશો કે આપણાં હોસ્પિટલ માં બાળક નો મૃત્યુ દર કેટલો છે? “

અચાનક સર ના આવા પ્રશ્ન થી બધાને નવાઈ લાગી.

“સર ગયા મહિને 36 બાળકો મૃત્યુ પામ્યા હતા, એમાં સર 40% બાળકો ન્યુમોનિયા ના લીધે અને .....”

નિરલ ને પ્રત્યુતર આપતા આપતા વચ્ચે થી જ ડૉ. અવિજિત એ અટકાવી.

“મે મૃત્યુ ના કારણો નથી પૂછ્યા, મારે તમને એક બીજી વાત કરવી છે.” ડૉ. અવિજિત જેમ જેમ બોલતા હતા એમ એમ નિરલ સહિત અન્ય વિદ્યાર્થીઓ પણ અચરજ સાથે ડૉ. અવિજિત સામે જોઈ રહ્યા હતા.

“ કેટલી સહજતા થી આપણે આ મૃત્યુદર નો આંકડો બોલીએ છીએ, શું તમે જાણો છો કે આ આંકડા પાછળ ની વેદના ? એક બાળક ના મૃત્યુ બાદ એક માં ની વેદના?” ડૉ. અવિજિત નો સ્વર ભારે હતો.

બધા જ મૂક મને ડૉ. અવિજિત ની વાત ધ્યાન થી સાંભળી રહ્યા હતા.

“ આજે હું તમને એક સુજાતા ની વાત કહીશ..” ડૉ. અવિજિત એ આગળ વાત શરૂ કરી.

“સુજાતા આજે ત્રણ દિવસ થી હોસ્પિટલ ના આઇસીયુ વિભાગ ની બહાર બેઠી છે, ત્રણ દિવસ થી એનું બાળક ગંભીર રીતે બીમાર છે, ત્રણ દિવસ થી એ એકલી જ બેઠી છે, એનો પતિ એની સાથે નથી કેમ કે એ મજૂરી કરી ને ગુજરાન ચલાવે છે અને મજૂરી માં એક દિવસ ની પણ રજા પડે એ અત્યારે પોષાય એવું નથી કેમ કે સુજાતા ખૂબ જ ગરીબ છે અને એ બંને એમના ગામ થી થી દૂર શહેર માં અહી વ્યવસાય ની શોધ માં આવ્યા છે. ત્રણ દિવસ થી એની છાતી દૂધ ના ભરાવા ના લીધે એકદમ કઠણ બની ગઈ છે, એ આઇસીયુ વિભાગ ની બહાર ના બાંકડા પર બેસી બેસી એ રાહ જોવે છે કે ક્યારે ડોક્ટર કે નર્સ બહાર આવે અને એવું કહે કે હવે તમારું બાળક સાજું થઈ ગયું અને હવે તમે એને તમારું દૂધ પીવડાવી શકો છો.

ડોક્ટર અને નર્સ બહાર આવે છે, જાય છે પણ સુજાતા સામે નજર સુધ્ધાં પણ નહોતા નાખતા, કેમ કે એના બાળક ની તબિયત માં સુધાર હજુ સુધી નહોતો થયો. એક આશા સાથે એ દરવાજો ખૂલે એટલે ડોક્ટર અને નર્સ ની સામે જોઈ રહે છે, એને મન માં એવું થાય છે કે ડોક્ટર હમણાં એવું કહેશે કે તમારું બાળક સાજું થઈ ગયું છે અને તમે હવે એને તમારું દૂધ પીવડાવી શકો છો ને ઘરે જઈ શકો છો પણ સુજાતા ની આશા ઠગારી નીવડે છે.

ને અચાનક ત્રણ દિવસ ના અંતે આઇસીયુ નો દરવાજો ખૂલે છે, ડોક્ટર અને નર્સ એના બાળક ને લઈ ને બહાર આવે છે, સુજાતા રાજી થઈ જાય છે પણ એની ખુશી ક્ષણભંગુર બની રહે છે. જ્યારે ડોક્ટર અને નર્સ નજીક આવે છે અને એનું બાળક એને ખોળા માં આપતાં એવું કહે છે કે માફ કરજો અમે તમારા બાળક ને બચાવી ના શક્યા.

સુજાતા એના બાળક ને ખોળા માં તો લઈ લે છે પણ ડોક્ટર ની વાત માનવા તૈયાર નથી કે એનું બાળક મારી ગયું છે, કેમ કે એ સૂઈ પણ જતું હતું ને ત્યારે પણ આવું જ દેખાતું હતું. ડોક્ટર અને નર્સ તો બાળક ને આપી ને પાછાં ચાલી જાય છે, પણ સુજાતા પોતાના બાળક ને ખોળા માં લેતાં જ એને ઉઠાડવા ના પ્રયત્નો ચાલુ કરે છે, એના નાના નાના હોઠ પર હાથ ફેરવે છે આની નાની નાની આંખો અને નાક પર પ્રેમ થી આંગળીઓ ફેરવે છે, તેના ગાલ પર એક વ્હાલભર્યું ચુંબન કરીને હેત વર્ષાવે છે, એના હાથ નીચે પડી જાય છે તો હાથ ને પકડે છે, એની ડોક ને આધાર આપે છે. ખોળા માં પ્રેમ થી બાળક ને ઉઠાડતી ઉઠાડતી સુજાતા હોસ્પિટલ ની બહાર જાય છે, હોસ્પિટલે બહાર એના માટે એમ્બ્યુલન્સ ની વ્યવસ્થા કરી છે, જેવી હોસ્પિટલ ની બહાર આવે છે કે બહાર નો કોલાહલ સાંભળી ને ખુશ થઈ જાય છે એને એમ કે હવે એનું બાળક ઉઠી જશે કેમ કે એને અવાજ માં ઊંઘવાની ટેવ નહોતી. એના બાળક ને ઉઠાડે છે અને પોતાના બાળક સાથે સંવાદ સાધે છે

“ ઉઠ ને બેટા, હવે આપણે ઘરે જવાનું છે, ઉઠ ને બેટા તારે તારી મમ્મી નું દૂધ નથી પીવું. ઉઠ ને બેટા ઉઠ ને, જો હવે આપણે હવે પીપ પીપ માં ઘરે જવાનું છે, અહી નથી રહેવાનુ, આપણે ઘરે જઈ ને બંને જણા રમીશું. ઉઠ ને બેટા, ઉઠ ને ! કેમ આજે આવું કરે છે!”

ને ભારે હૈયે સુજાતા એમ્બ્યુલન્સ ના એક ખૂણા માં ગોઠવાઈ જાય છે, અને ફરી પાછાં એ જ પ્રયત્નો એના ચાલુ રહે છે હવે તો એ દૂધ પીવડવા એટલી અધીરી બને છે કે છાતી ખોલી ને બાળક ના મોં માં મૂકી દે છે. અત્યારસુધી તો એવું બનતું હતું કે એનું બાળક ઊંઘ માં પણ જ્યારે છાતી મોં માં લે તો ધાવવા લાગતું હતું આપણ આજે એના હોઠ બિલકુલ ફફડતા નથી, એ જોઈ ને એને છાતી માં ભાર લાગે છે કે કેમ આજે એનું બાળક આવું કરે છે. ફરી પાછાં એ એના કપડાં સરખા કરે છે અને એને એ ક્ષણ યાદ આવી જાય છે કે જાયરે એ એના બાળક ને નવડાવતી હતી, ત્યારે કેવા છબ છબિયાં કરતું હતું અને નવડાવી ને આ કપડાં પહેરાવ્યા ત્યારે એ કેવું સરસ મજાનું સ્મિત કરતું હતું, સુજાતા ની આંખો માં આ વાત ને લઈ ને ચમક આવે છે અને હોઠ પર હાસ્ય આવે છે, પણ જ્યારે ભૂતકાળ માં થી વર્તમાન માં પાછી ફરે છે અને પોતાના બાળક ની બંધ આંખો પર જ્યારે નજર જાય છે ત્યારે એનું હાસ્ય વિલાઈ જાય છે, અને ફરી એ પોતાના બાળક ને ઉઠાડવા ના પ્રયત્નો ચાલુ કરે છે.

એટલા માં એનું ઘર આવી જતાં એ બાળક ને લઈ ને એની ઓશરી માં પ્રવેશ કરે છે, એ જુએ છે કે પોતાના બાળક ના રમકડાં અસ્તવ્યસ્ત પડ્યાં છે, એક એક રમકડાં ને જોતાં જ જ્યારે એનું બાળક એ રમકડાં સાથે રમતું હતું એ ક્ષણ જીવંત બને છે ને વિચારે છે કે આ ઘૂઘરા સાથે એનું બાળક કેટલું રમતું હતું, હમણાં પેલી મોટર હાથ માં લઈ ને ફરતું હતું અરે હમણાં જ પેલો ખાટલા નો પાયો પકડી ને ઊભા થઈ ને એની માં ને બોલાવી ને સ્મિત આપતું હતું. પોતાના બાળક ની કિલકારીઓ થી ગુજતું રહેતું ઘર આજે સૂનું પડી ગયું હતું. ઘર ના એક ખૂણા માં એના નાના બાળક ની એક નવી કપડાં ની જોડ પડી છે, એને વિચાર્યું હતું કે કોઈ સારો પ્રસંગ આવશે ત્યારે એને એ કપડાં પહેરાવશે પણ હવે કદાચ એ પ્રસંગ નહીં આવે એવું વિચારી ને એ હોસ્પિટલ ને કપડાં ને કાઢી ને પોતાના મરેલા બાળક પર ભીની આંખે અને ભારે હૈયે નવા કપડાં પહેરાવે છે.

....અને એટલા માં જ આજુબાજુ જ્યારે ખબર પડે છે ત્યારે પાડોશીઓ અને વડીલો આવે છે એને સમજાવે છે સાંત્વના આપે છે અને એનું બાળક પાછું માંગે છે હવે દાટવા માટે. નથી આપવું એને એનું બાળક. શું કામ આપે એ એનું બાળક ? 9 મહિના પેટ માં અને 9 મહિના પેટ ની બહાર જતન કરી ને સાચવેલું બાળક શું કામ આપે એ કોઈ ને દાટવા ? ઘણી સમજાવટ ના અંતે એ પોક મૂકી ને રડે છે અને રડી ને જ્યારે એ પોતાનું બાળક એક વડીલ ને દાટવા માટે આપે છે, જરા વિચારજો કે એક માં ના હ્રદય ની સ્થિતિ શું હશે? સુજાતા ની આંખો માં થી અશ્રુધારા વહેતી જ જાય છે વહેતી જ જાય છે. જ્યારે વડીલ એના મૃત બાળક ને લઈ ને ઘર નો ઉંબરો જેવો ઓળંગે છે કે તરત એ વડીલ ને રોકે છે એમને ઊભા રહેવાની વિનંતી કરે છે ને કહે છે કે

“ એક છેલ્લી વાર મને મારા બાળક ને જોઈ લેવા દો.”

એ એના બાળક ને છેલ્લી વાર જોવે છે એના નાના નાના હોઠ પર હાથ ફેરવે છે આની નાની નાની આંખો અને નાક પર પ્રેમ થી છેલ્લી વાર આંગળીઓ ફેરવે છે, તેના ગાલ પર એક છેલ્લું વ્હાલભર્યું ચુંબન કરીને હેત વર્ષાવે છે અને પોતાના બાળક સાથે એક છેલ્લો સંવાદ સાધે છે.

“ બેટા સૂઈ જજે, હવે તને તારી મમ્મી ઉઠાડવા નહીં આવે.”

એ દોડતી જાય છે અને ઘોડિયા માં થી એક ઘૂઘરો લઈ ને એ વડીલ ને આપે છે એને ભારે અવાજ સાથે એક અરજ કરે છે “ આને જ્યાં પણ સુવડાવો, આ એક ઘૂઘરો એના હાથ માં મૂકી દેજો અને ઘોડિયા માં ઘૂઘરો પકડી ને જ ઊંઘવાની ટેવ હતી.”

અને જ્યારે એ વડીલ પોતના મૃત બાળક ને લઈ ને જાય ને દેખાતા બંધ થાય ત્યાં સુધી એ વહેતી આંખો એ નિહાળે છે. પોતાના બાળક ને વિદાય આપવા ઊંચો કરેલો સુજાતા નો હાથ ઊંચો જ રહી જાય છે.”

ને વાત પૂરી કરતાં કરતાં જ ડૉ. અવિજિત નો સ્વર ભારે થઈ જાય છે અને ભીની આંખો એ જ્યારે એમના વિદ્યાર્થીઓ પર નજર ફેરવે છે તો દરેક ની આંખો ભીની હોય છે. એમને લાગે છે કે એમને જે સમજાવું હતું એ દરેક વિદ્યાર્થીઓ સારી રીતે સમજી ગયા છે.

નિરલ ની આંખો માં હવે ભારોભાર પસ્તાવો દેખાય છે. એક દર્દી પાછળ આટલી સંવેદના હોય છે એનો હવે એને ખ્યાલ આવે છે. પોતે જ્યારે મૃત્યુદર મોં આંકડા ને રજૂ કર્યો ત્યારે એને ખ્યાલ જ નહોતો કે એક બાળ મૃત્યુ સાથે આટલી બધી લાગણીઓ જોડાયેલી હોય છે. અને એક ડોક્ટર તરીકે પોતાનું કામ બીમારી ને સાથે સાથે આટલી બધી લાગણીઓને સાચવવાનું હોય છે એ હવે નિરલ ને સમજાય છે. નિરલ ના હ્રદય માં હવે લાગણી નો અંકુર પાંગરી રહ્યો હતો.

નિરલ ની હવે કોઈ પણ દર્દી સાથે ની વાત માં પ્રેમ છલકાય છે, એ પ્રેમ થી એ દરેક ને સમજાવે છે, દરેક બાળ દર્દી સાથે એક લાગણી ના તંતુ સાથે જોડાઈ ને એમની સારવાર કરે છે, ને હવે વોર્ડ માં સહુ કોઈ ડૉ.નિરલ ના જ આવવાની રાહ જોવે છે.

નિરલ આજે એના શહેર ની બેસ્ટ પીડિયાટ્રિક ડોક્ટર છે, જે દર્દ ની સાથે સાથે એની સાથે જોડાયેલી સંવેદના ને પણ સમજે છે.

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર

જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, Vadnagar