Mallika books and stories free download online pdf in Gujarati

મલ્લિકા.. એક પ્રેમકથા

રાજુ પોતાનાં ઘેટાં બકરાંને બુચકારતો બુચકારતો મોંમાં સિસોટી અને હાથમાં સોટી લઈને પોતાના ઘેટાં બકરાંની પાછળ પાછળ ચાલ્યો જતો હતો.

અચાનક તેને કોઈ મીઠું મધુર મધુરું ગીત ગાતું હોય તેવો ભાસ થયો તેણે ચારેય બાજુ નજર કરી પરંતુ આખાય વન વગડામાં તેને પોતાના અને પોતાના ઘેટાં બકરાં સિવાય કોઈ દેખાયું નહીં.

મીઠાં મધુરાં ગીતના તાનમાં આવીને તે પણ પોતાના હાથમાં રાખેલી સોટી બોચીમાં પાછળ ભરાવીને ડોલતો ડોલતો પોતાના ઘેટાં બકરાંને બુચકારતો બુચકારતો આગળ વધ્યે જતો હતો.

આખોય વન વગડો પાર કરીને પેલે પાર તેની પોતાની હાથેથી બનાવેલી સુંદર ઝૂંપડી હતી. જેમાં તે પોતાની માં સાથે રહેતો હતો.

રાજુએ ઘરે આવીને ઘેટાં બકરાંને ખીલે બાંધ્યા અને પોતે આંગણામાં માંએ પાણી ભરી રાખ્યું હતું તે ટાઢા પાણીએ નાહીને વાળું કરવા બેઠો.

માંની પણ હવે ઉંમર થઈ હતી એટલે તેનાથી બહુ કામકાજ થતું નહીં તેથી વાળું કરતાં કરતાં રાજુને ટકોર કરતી હતી કે, આપણાં સમાજની કોઈ સારી છોકરી ગોતીને પરણી જા. હવે મારાથી તારું અને તારા આ ઘેટાં બકરાંનું કામ થતું નથી.

અને રાજુ પોતાની માંની વાત હસી કાઢતો હતો અને કહેતો કે, હજી તો નાનો છું માવડી હું, ઘણીયે વાર છે મારે હજી પરણવાની તુંએ કાં ઉતાવળ કરછ અને આ વન વગડામાં આપણાં સમાજની કોઈ છોરી આવવા તૈયાર તો થવી જોઈએ ને અને આમ માં દિકરાનો મીઠો ઝઘડો ચાલ્યા કરતો હતો.

અને રાજુ મલકાતો મલકાતો મનમાં કંઈક ગણતો ગણગણતો ખાટલામાં આડો પડ્યો અને પેલું મીઠું મધુરું ગીત જાણે ફરીથી તેના કાનમાં ગુંજી રહ્યું હોય તેમ તે, એ ગીતની ધૂનમાં ખોવાઈ ગયો રાત ક્યાં પડી ગઈ અને તેને નીંદર આવી ગઈ તેની આજે તેની ખબર જ ન પડી.

બીજે દિવસે રોજ કરતાં તે થોડો વહેલો જ ઉઠી ગયો હતો અને માંને રોટલા કરવાનું કહ્યું અને પોતે નાહી ધોઈને તૈયાર થઈ ગયો હતો આજે વહેલો ઉઠીલો જોઈને માંએ તેને ટોક્યો પણ ખરો કે, આજે તારું હવાર વહેલું પડી ગયું અને રાજુ કંઈ જવાબ આપ્યા વગર જ પાણીની ડોલ હાથમાં લઇ ઘેટાં બકરાંને પાણી પીવડાવવામાં પડી ગયો.

ઘેટાં બકરાંનો ચરાવવાનો ટાઈમ થતાં જ ફરીથી તે માંએ રોટલો અને શાક બાંધી આપ્યા હતાં તે ભાથું લાકડીએ બાંધીને સીમ તરફ નીકળી પડ્યો.

આજે ફરીથી તે વન વગડામાંથી ઘેટાં બકરાં ચરાવીને પાછો વળી રહ્યો હતો અને ફરીથી તેના કામમાં તેજ મીઠું મધુરું ગીત સંભળાવા લાગ્યું. આજે તે થોડીક વાર માટે ત્યાં થોભી ગયો અને ગીતના લયમાં જાણે મંત્રમુગ્ધ થઈ ગયો હોય તેમ ગીત ક્યાંથી સંભળાઈ રહ્યું છે તે દિશામાં ગયો અને ચારેય બાજુ દ્રષ્ટિ ફેરવીને આ ગીત કોણ ગાઇ રહ્યું છે તેની શોધ કરવા લાગ્યો પણ આજે ફરીથી તેને આખા વન વગડામાં ચારેય બાજુ પોતે અને પોતાના ઘેટાં બકરાં સિવાય કોઈ દેખાયું નહીં અને નિરાશ થઈને તે પાછો વળ્યો.

ઘરે આવીને તેજ પાછો નિત્યક્રમ વાળુ કર્યું નાહી ધોઈને ખાટલામાં આડો પડ્યો અને વિચારવા લાગ્યો કે આટલું મીઠું મધુર ગીત કોણ ગાતું હશે ? કોનો અવાજ હશે ? આટલું સુંદર સંગીત મને રોજ ક્યાંથી સંભળાતું હશે ? અને કોઈ ગાઈ રહ્યું છે તો મને જડતું કેમ નથી ? અને વિચારોમાં ને વિચારોમાં થાકેલો પાકેલો તે સુઈ ગયો.

આમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ઘણાંબધાં દિવસ સુધી આ નિત્યક્રમ ચાલ્યો.

પરંતુ આજે રાજુએ નક્કી કર્યું હતું કે આ ગીત કોણ ગાઇ રહ્યું છે તે હું શોધીને જ રહીશ તેથી તે પોતાના ઘેટાં બકરાંને લઈને થોડો વહેલો જ પાછો વળ્યો હતો.

અને ફરીથી તે જ જગ્યા આવતાં જ રાજુ થોભી ગયો અને તેના કાનમાં ફરીથી તેજ સૂર રેલાવા લાગ્યા, તે જ ગીત તે જ મીઠો મધુરો મનને મોહિત કરી દે તેવો અવાજ અને તે જ લય.

આજે ફરીથી તે, જે દિશામાંથી અવાજ આવતો હતો તે દિશામાં ચાલવા લાગ્યો રસ્તામાં એક મોટો પહાડ આવ્યો પહાડમાં એક નાની બખોલ હતી બખોલની અંદરથી આ ગીત સંભળાઈ રહ્યું હતું. તેથી તે પોતાના ઘેટાં બકરાંને ત્યાં જ છોડીને બખોલની અંદર પ્રવેશ્યો અંદર પ્રવેશતાં જ તેને જાણે સ્વર્ગમાં આવી ગયો હોય તેમ ખૂબજ આહલાદક, મનને મોહી લે તેવું પાણીનું સુંદર ઝરણું પહાડ ઉપરથી વહી રહ્યું હતું તે અને ખૂબજ સુંદર વનરાજી જોવા મળી.

આ સુંદર ઝરણાં નીચે એક ખૂબજ રૂપાળી, નજર લાગી જાય તેવી કાચની પૂતળી સમાન નવયૌવના સ્નાન કરી રહી હતી અને સાથે સાથે મીઠું મધુરું ગીત પણ ગાઈ રહી હતી.

રાજુ તેને જોઈને જ આશ્ચર્યચકિત થઇ ગયો અને આ જગ્યા પરથી હટવાનું તેને મન થતું ન હતું. તે આ નવયૌવનાને નીરખવા માટે ઝરણાંની લગોલગ એક ઝાડ હતું તેની પાછળ સંતાઈ ગયો.

પરંતુ આ નવયૌવનાને જોવામાં મશગુલ તેનો પગ લપસ્યો અને તે ઝરણાંના ઊંડા પાણીમાં પડ્યો, તેને તો તરતાં આવડતું જ ન હતું તેથી તે પાણીનું વહેણ જેમ ખેંચાઈ રહ્યું હતું તે બાજુ ખેંચાઈ રહ્યો હતો અને બચવા માટે તરફડીયા મારી રહ્યો હતો.

આ સુંદર નવયૌવનાની નજર તેની ઉપર પડી અને તે રાજુને બચાવવા તેની તરફ દોડી ગઈ તરવામાં પાવર્ધી આ નવયૌવનાએ રાજુને બચાવી લીધો.

પછી તેણે રાજુને આ બાજુ કઈરીતે આવી ગયો તે પૂછપરછ કરી બંને વચ્ચે વાતચીત થઈ. તે રાજુની બોલીથી અને વાતોથી મોહિત થઈ ગઈ અને તેણે રાજુને રોજ અહીં પોતાને મળવા આવવા કહ્યું. રાજુ પણ તેની ઉપર મોહિત થઈ ચૂક્યો હતો.

પછી તો આ નિત્યક્રમ થઈ ગયો હતો. રાજુ દરરોજ તેને મળવા આવતો અને બંને સાથે બેસીને જ રાજુ જે પોતાની માંએ વાળું બાંધીને આપ્યું હોય તે જમતાં, ધીમે ધીમે આ નવયૌવના મલ્લિકા રાજુના ગાઢ પ્રેમમાં પડી ગઈ.

પરંતુ એક દિવસ મલ્લિકાના પિતાજી મલ્લિકાને રાજુ સાથે જોઈ ગયા તેમણે રાજુને મારવા માટે હથિયાર ઉઠાવ્યું પણ મલ્લિકા વચ્ચે પડી અને રાજુને બચાવી લીધો અને પછી તેણે પોતાને રાજુ ખૂબ પસંદ છે અને તેની સાથે વિવાહ કરવા માંગે છે તે વાત પણ પોતાના પિતાજીને જણાવી.

ત્યાં જ એ સુંદર જગ્યામાં જ રાજુના મલ્લિકા સાથે લગ્ન થયાં અને રાજુ તેને લઈને પોતાની માં પાસે પોતાની ઝૂંપડી તરફ પાછો વળ્યો....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/2/2021