Operation Cycle Season 2 - 27 books and stories free download online pdf in Gujarati

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 27

ભાગ 27

કેવડિયા કોલોની, ગુજરાત

ગુજરાત રાજયની જીવાદોરી સમાન એવી નર્મદા નદી પર જે દિવસથી સરદાર સરોવર ડેમનું બાંધકામ પૂર્ણ થયું એ દિવસથી જ કેવડિયા મથકનું મહત્વ વધી ગયું હતું. વર્ષે-દહાડે હજારો સહેલાણીઓ એ સમયે પણ સરદાર સરોવર ડેમ નિહાળવા અહીં આવતા હતા. આ હજારોની સંખ્યાને લાખોમાં કરવાનું ભગીરથ કાર્ય કર્યું અહીં નિર્મિત સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઊંચી ભવ્ય પ્રતિમાએ...562 દેશી રજવાડાઓમાંથી એક અખંડ ભારત યુનાઈટેડ ઈન્ડિયા બનાવવાનું અશક્ય લાગતું કાર્ય કરનારા સરદાર પટેલની આ પ્રતિમાને નામ અપાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી.

ગુજરાત સરકાર દ્વારા આ સ્થળને એક ઉત્તમ પ્રવાસન સ્થળમાં ફેરવવાની ભારે કવાયત હાથ ધરવામાં આવી છે..જેના ફળ સ્વરૂપ અહીં ફ્લાવર ઓફ વેલી, ટેન્ટ સીટી, લેસર શો વગેરેનું પણ ત્યાં આયોજન થયું. આ બધા ઉમેરા પછી અહીં આવતા લોકોની સંખ્યામાં સાચેમાં કૂદકે ને ભૂસકે વધારો થયો. અને આ સાથે જ સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતની સાથે ભારતના સૌથી વધુ વ્યસ્ત પ્રવાસન સ્થળમાંથી એક બની ગયું.

એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી હોવાથી આ તારીખની આસપાસ કેવડિયા કોલોની ખાતે ભવ્ય કાર્યક્રમોનું આયોજન થતું..જેના લીધે આ દિવસોમાં પ્રવાસીઓની સંખ્યા બમણી થઈ જતી. આ બધી વસ્તુઓને ધ્યાનમાં લઈને લશ્કર-એ-તોયબાએ જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી ત્યારે આતંકવાદીઓની એ ગણતરી બિલકુલ સાચી હતી કે આમ કરવાથી મહત્તમ જાન-માલનું નુકશાન ટેરરિસ્ટ અટેકથી થઈ શકશે.

અકબર પાશાએ આ કાર્ય માટે પોતાના ભાઈ અફઝલની પસંદગી કરી હતી, કેમકે અફઝલની બુદ્ધિમત્તાથી એ પરિચિત હતો. ટેકનોલોજીનો જાણકાર અફઝલ પોતાની કુશળતા અને ચતુરાઈથી એમની મહત્વકાંક્ષી યોજનાને યોગ્ય મંજીલ પુરી પાડશે એ વાતમાં કોઈ મીનમેખ પણ નહોતો.

આતંકવાદીઓ એમના મનસૂબામાં સરળતાથી સફળ પણ થઈ ગયા હોત જો નગમા અને માધવને બલવિંદરની ડાયરી ના મળી હોત. આતંકવાદી હુમલો ક્યાં થવાનો છે એ જાણ્યા વિના હુમલાને અટકાવવો લગભગ અશક્ય જ હતું..પણ, ભારતીય ગુપ્તચર સંસ્થાઓ જોડે એ માહિતી આવી ચૂકી હતી કે અફઝલ અને એના સાથી સ્લીપર્સ સેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ટાર્ગેટ કરવા જઈ રહ્યા હતા ત્યારે એમને આમ કરતા અટકાવવા રૉ, આઈબી, ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસના કર્મઠ અધિકારીઓ માથે કફન બાંધી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રવાના થઈ ચૂક્યા હતા.

મોતની ચિંતા કર્યા વિના ભારત માતાનાં સંતાનોની રક્ષા હેતુ નીકળેલા આ શૂરવીરો આખરે પોતાના કાર્યમાં સફળ થવાના હતા કે નહીં એ તો આવનારો સમય જ જણાવી શકે એમ હતો.

*************

આતંકવાદી હુમલો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થવાનો હતો એની જાણકારી ભારતીય ગુપ્તચર સંસ્થાઓને મળી ચૂકી છે એ વાતથી બેખબર અફઝલ પાશા તથા એના સાગરીતો કોઈપણ જાતના વિઘ્ન વિના સરળતાથી કેવડિયા કોલોની આવી પહોંચ્યા. એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીનો ઉપયોગ કરવાની એમની ગણતરી સાચેમાં કારગર નીવડી..કેમકે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આકસ્મિક કારણોને પહોંચી વળવા થોડા-ઘણા હોસ્પિટલ સ્ટાફ અને ફાયરફાઈટર્સને હાજર રાખવામાં આવતા.

આ કારણથી જ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીમાં સવાર કોઈપણ આતંકવાદીની રસ્તામાં કોઈ જાતની પૂછપરછ કરવામાં ના આવી..અને એમની ગાડીઓ વિના રોકટોક છેક નવાગામ આવી પહોંચી. બાકીની ગાડીઓને કેવડિયા રોકી દેવામાં આવતી અને પર્યટકોને નક્કી વાહનોમાં જ આગળ મોકલવામાં આવતા પણ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓને રોકવામાં નહિ આવે એ વાત લશ્કર-એ-તોયબાનાં આકાઓ જાણતા હતા.

નવાગામથી આગળ ટેન્ટસીટી જોડે બાકીની ઈમરજન્સી ગાડીઓની પાસે જ એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓને પાર્ક કરવામાં આવી. ચાર દિવસ ચાલનારા ભવ્ય કાર્યક્રમનાં લીધે પંચમૂલી સરોવર નજીક ઊભા કરવામાં આવેલા ટેન્ટ સિટીમાં પણ ભારે જનમેદની જોવા મળી રહી હતી. આવી ભરચક જનમેદનીમાં આતંકવાદી ખાલી મશીનગન વડે હુમલો કરી દે તો પણ સેંકડો લોકોનો જીવ જઈ શકે એમ હતો.. છતાં આમ કરવાની અફઝલની કોઈ મંછા નહોતી..કેમકે, એ જાણતો હતો કે મશીનગન વડે આતંકવાદી હુમલો કરવામાં જેટલા લોકોનો ભોગ લેવાશે એનાં કરતા સો ગણા લોકો ગ્રીન ડ્રેગનનાં હુમલામાં મોતને ભેટશે.

"નવાઝ...તું અને તારા જોડે જેટલા માણસો છે એ બધા જ એમ્બ્યુલન્સ પાર્ક કરીને સ્ટેચ્યુ નજીક જમા થયેલી ભીડમાં ખોવાઈ જાઓ..હું તમારી સાથે સતત સંપર્કમાં રહીશ." ટેન્ટસીટી નજીક પહોંચતા જ અફઝલે નવાઝનો સંપર્ક સાધતા કહ્યું. "હું તમને જેવો આદેશ આપું એ સાથે જ તમારા જોડે રહેલા ડેટોનેટર એક્ટિવ કરી દેજો..અલ્લાહ તમને જન્નત બક્ષશે..."

"ખુદાહાફિઝ...ભાઈ...મળીએ ત્યારે જન્નતમાં.." આટલું કહી નવાઝે અફઝલ જોડેનો સંપર્ક વિચ્છેદ કરી દીધો.

એમ્બ્યુલન્સ પાર્ક કરી નવાઝ અને એમ્બ્યુલન્સમાં સવાર તમામ સ્લીપર્સ સેલ સાદા પોશાકમાં આવી ગયા..એ દરેકે એક જાકીટ પહેર્યું હતું જેની અંદર બૉમ્બ ફિટ કરેલ હતા. એ લોકો આત્મઘાતી હુમલો કરવાનું પણ આયોજન કરીને આવ્યા હતા. ગ્રીન ડ્રેગન દ્વારા મચાવવામાં આવેલી તબાહીની સાથે આત્મઘાતી બોમ્બરો દ્વારા પણ ભયંકર જાનમાલનું નુકશાન થાય એવી ગણતરી આ પાછળ હતી.

નવાઝ અને બે સ્લીપર્સ સેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ફૂડ સ્ટોર તરફ આગળ વધ્યા જ્યારે વસીમ અને એક અન્ય સ્લીપર્સ સેલ ઝુલોજીકલ પાર્ક તરફ જતા રસ્તે અગ્રેસર થયા. એ લોકોના રવાના થતા જ અફઝલ અને એની સાથે મોજુદ સ્લીપર્સ સેલના સભ્યો વિજળીવેગે નવાઝ દ્વારા પાર્ક કરવામાં આવેલી એમ્બ્યુલન્સ ભણી નીકળી પડ્યા..આ દરમિયાન અફઝલના હાથમાં એક સૂટકેસ મોજુદ હતી; જેની અંદર ગ્રીન ડ્રેગનની મુખ્ય ટ્યુબ ખૂબ સાચવીને રાખવામાં આવી હતી.

એમ્બ્યુલન્સની અંદર ગ્રીન ડ્રેગનનાં બાકીનાં ભાગ રાખવામાં આવેલા હતા..અફઝલ અને બીજા બે સ્લીપર્સ સેલ એમ્બ્યુલન્સનો પાછળનો દરવાજો ખોલી એમ્બ્યુલન્સમાં સવાર થઈ ગયા જ્યારે બાકીના બે સ્લીપર્સ સેલ આજુબાજુ નજર ઘુમાવતા એમ્બ્યુલન્સને ટેકે ઊભા રહી ગયા.

આતંકવાદીઓએ બનાવેલી બ્લુ પ્રિન્ટ મુજબ અફઝલ પહેલા તો ગ્રીન ડ્રેગનના ભિન્ન ભાગોને એક કરવાનો હતો..ત્યારબાદ સંપૂર્ણ મશીનરીને પર્યટન સ્થળની શક્ય એટલી મધ્યમાં લઈ જવાનો હતો. સેન્ટ્રલ પોઈન્ટ પર લાવ્યા પહેલા અફઝલ એ ખતરનાક, વિનાશકારી હથિયારને એક્ટિવેટ કરવાનો હતો..જે ગોઠવેલી મિનિટોની અંદર પોતાની મેળે વિસ્ફોટ થવાનું હતું.

પોતાની યોજનાના આખરી ચરણને અંજામ આપવાની કવાયત સ્વરૂપે અફઝલ પાશા ખૂબ જ ચાલાકી અને સાવધાની સાથે ગ્રીન ડ્રેગન નામના હથિયારનાં ભિન્ન પાર્ટ્સને એક કરવાની કામગીરીમાં લાગી ગયો.

**********

અફઝલ પાશા અને એના સાથી સ્લીપર્સ સેલ કેવડિયા પહોંચે એની વીસેક મિનિટ પહેલા રાજવીર શેખાવત, આહુવાલીયા અને અન્ય ઑફિસર્સ કેવડિયા આવી પહોંચ્યા હતા.

અફઝલ પોતાની ગેંગ લઈને ત્યાં આવી પહોંચ્યો હશે એવી ગણતરી સાથે રાજવીર શેખાવતે રસ્તામાં જ બધાને જરૂરી સૂચનાઓ આપી દીધી હતી.

શેખાવતે બનાવેલી યોજના મુજબ કમિશનર વણઝારા, નગમા અને રાજલ સીસીટીવી કેબિનમાં બેસી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આવતા દરેક રસ્તાનું અને તમામ પ્રયત્ન સ્થાનોનું મોનીટરીંગ કરશે..જ્યારે બાકીનાં તમામ સભ્યો ફિલ્ડ પર હાજર રહેશે.

અર્જુન, નાયક, અબ્બાસ ગનીવાલા, આહુવાલીયા અને એટીએસનાં અન્ય બે કર્મચારીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલા સ્થળો પર ધ્યાન રાખવાનું કાર્ય સોંપાયું હતું..જ્યારે કેવિન, શેખાવત, માધવ દેસાઈ અને ડીઆઇજી શર્મા સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાયના અન્ય આસપાસના સ્થળો પર ધ્યાન કેન્દ્રિત કરવાના હતા. એટીએસનાં અન્ય બે અધિકારીઓ બેકઅપ તરીકે બહારની તરફ જતા રસ્તે તૈનાત રહેવાના હતા.

આ બધા ઉપરાંત એ લોકોની સાથે આઈટી એક્સપર્ટ વેણુ પણ હતો જે સીસીટીવી કેબિનમાં બેસી પોતાના લેપટોપની મદદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક નોંધાતી દરેક હિલચાલ પર ધ્યાન રાખવાની કોશિશ કરવાનો હતો.

આતંકવાદીઓ એકબીજા સાથે મોબાઈલ દ્વારા અવશ્ય સંપર્કમાં રહેશે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક મોબાઈલ ટાવર જામ કરવાની અર્જુને આપેલી હિદાયતને ધ્યાનમાં લઈ શેખાવતે વેણુને કેવડિયા પહોંચતા જ બધા જ મોબાઈલ નેટવર્ક જામ કરવા આદેશ આપી દીધો..જેનું પાલન કરતા વેણુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચતાની સાથે જ આસપાસના બધા મોબાઈલ નેટવર્ક જામ કરી દીધા.

શેખાવત એન્ડ કંપની સેટેલાઇટ ફોન થકી એકબીજા સાથે કનેક્ટેડ રહેવાની હોવાથી એમને મોબાઈલ નેટવર્ક ચાલુ હોય કે બંધ એનાથી કોઈ ફરક નહોતો પડવાનો..પણ, અર્જુને આપેલી આ સલાહથી આતંકવાદીઓ વચ્ચે કોઈ સંપર્ક થવાનો નહોતો એ હકીકત હતી.

આટઆટલી જનમેદની વચ્ચે આતંકવાદીઓને ધર દબોચવા અતિશય મુશ્કેલ કાર્ય તો હતું પણ એને કરવાનું ઝનૂન માથે ચડાવીને ત્યાં આવેલા ઑફિસર્સ જોડે અમુક એવી વસ્તુઓ હતી જેનાં થકી તેઓ આતંકવાદીઓની ઓળખ કરી શકે એમ હતા..પણ હજારોની જનમેદની વચ્ચે એ બધી હિંટ્સ કારગર નીવડી શકે એમ હતી..? એ બહુ મોટો પ્રશ્નાર્થ હતો.

સ્થાનિક પોલીસકર્મીઓનાં હેડ અને સ્થળ પરના ચીફ સિક્યોરિટી ઓફિસરને મળીને શેખાવતે ટૂંકમાં બધી વાત જણાવી દીધી હતી..જેના લીધે એ લોકોએ પણ બનતો સહયોગ આપવાની તૈયારી દાખવી હતી.

વણઝારા, નગમા અને રાજલ બાજ નજરે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા એની આસપાસ આવેલા જોવાલાયક સ્થળો પર નજર રાખે હતા..વેણુ પણ એમની સાથે ત્યાં સીસીટીવી કેબિનમાં જ હતો. બધા પોતપોતાની રીતે કામમાં લાગેલા હતા ત્યાં અચાનક વેણુના લેપટોપમાં એક નોટિફિકેશન આવી..આ નોટિફિકેશન જોતા જ વેણુની આંખો પહોળી થઇ ગઇ અને એનાં હાથ ફટાફટ લેપટોપનાં કીબોર્ડ પર ચાલવા લાગ્યા..પાંચેક મિનિટ સુધી વેણુ બારીકાઈથી લેપટોપની સ્ક્રીન ભણી જોઈ રહ્યો અને ત્યારબાદ આતંકીત સ્વરે બોલી પડ્યો.

"ઓહ માય ગોડ... હાઈડ્રોજન બૉમ્બ..!"

************

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ દિલધડક નવલકથા "ઑપરેશન ચક્રવ્યૂહ". આ નવલકથા દર ગુરુવારે અને રવિવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર  મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

પ્રતિશોધ અને  મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)