sevani mashal books and stories free download online pdf in Gujarati

સેવાની મશાલ

🌹🌺🌻🌼🌷🌼🌻🌺🌹



"આ જોને યાર, સરકાર પણ કશાં નક્કર પગલાં લેતી નથી. ધારે તો બધા અધિકારીઓ ઘણું બધું કરી શકે છે, પણ એ લોકોના અણધડ નિયમોને કારણે અંતે તો લોકોને જ તકલીફમાં મુકાવું પડે છે." રોહને ફોનમાં પોતાના મિત્ર અંકિતને ફરિયાદના સુરમાં કહ્યું. બંને વચ્ચે થોડીવાર આમતેમ વાતો ચાલી, જેમાં રોહનની દરેક વાતમાં આ કોરોનાની મહામારીની ફરિયાદોનો ઢગલો જ હતો.

ફોન રાખીને રોહન પાછો પોતાના કામે વળગ્યો. આઈ.ટી. કંપનીમાં કામ કરતાં રોહનને વર્ક ફ્રોમ હોમનો ઓપ્શન તો હતો, પરંતુ ઘરે એકલા કામ કરવાનો કંટાળો આવતો હોવાથી એ અને બીજા કેટલાક એના સાથી કર્મચારીઓ ઓફિસે આવતા હતા. એ દિવસે થોડું વધારે કામ હોવાથી રોહન સૌની છેલ્લે કંપનીમાંથી બહાર નીકળ્યો હતો. બહાર નીકળીને પાર્કિંગમાં પોતાના બાઈક પાસે આવીને બાઈક ચાલુ કરતાં થોડીવાર સુધી એ ચાલુ જ થયું નહતું.

થોડીવાર સુધી ઘણાં પ્રયત્નો કરવા છતાંય બાઈક શરું ન થતાં રોહન થોડો અકળાઈ ગયો. આસપાસમાં નજીકમાં ચાલીને જઈને જોતા એને એક-બે ગેરેજો દેખાણા, પરંતુ મીની લોકડાઉનના કારણે એમના શટર પડેલા હતા. એ જોઈને તો રોહનના મોંમાંથી રીતસરની ગાળ જ નીકળી ગઈ. મનમાંને મનમાં ધૂંધવાતા એ બોલ્યો કે "આ ગેરેજોને તો ખુલ્લા રાખવા હતા. લોકોને વાહન બંધ પડે તો સર્વિસ કયાં કરાવે?" મનમાં બબડતો બબડતો એ ઘરે જવા માટે રીક્ષાની રાહ જોવા લાગ્યો. આવા સમયે ફોન કરીને કોઈને તેડવા માટે બોલાવવાનું એણે મુનાસીબ ન માન્યું.

થોડીવાર પછી એક ખાલી રીક્ષા જોતાં જ, હાથ ઊંચો કરતાં જ રીક્ષા એની બાજુમાં આવીને ઉભી રહી ગઈ. રોહને પોતાના ઘરનું સરનામું કહ્યું અને ત્યાં સુધી જવા માટેનું ભાડું નક્કી કર્યું. રીક્ષાવાળાએ જે ભાડું કહ્યું એના ડબલ આપવાની રોહને ઓફર કરી અને કહ્યું કે "રસ્તામાં કોઈપણ બીજા મુસાફરને બેસાડવો નહિ. આ મહામારીમાં કોણ ચેપી હોય એ કોને ખબર?"

રીક્ષાવાળા મુકેશભાઈએ કહ્યું કે "ભલે. બેસી જાવ."

રોહનના રીક્ષામાં બેસતાં જ મુકેશભાઈએ રીક્ષા ભગાવી મૂકી. થોડે આગળ જતાં જ એક કેળાવાળાની લારી દેખાતા જ મુકેશભાઈએ રીક્ષા સાઈડમાં ઉભી રાખીને, કેળાવાળા સાથે ભાવતાલ કરીને ત્રણસોક રૂપિયાના કેળા ખરીદ્યા. એ બધા કેળાઓ રીક્ષામાં પાછળ રાખીને રીક્ષા ફરી ભગાવી મૂકી.

કેળા જોઈને રોહને પૂછ્યું કે "આટલા બધા કેળા? ઘરે કથા છે કે શું?"

"અરે, ના ના. આવા સમયમાં કથા માટે પણ લોકોને ભેગા ના કરાય. આ તો રસ્તામાં સરકારી હોસ્પિટલ આવશે ત્યાં ગરીબ દર્દીઓને આપવા માટેના છે." મુકેશભાઈએ જવાબ આપતા કહ્યું.

મુકેશભાઈનો જવાબ સાંભળીને રોહનને ઘણું આશ્ચર્ય થયું. એણે પોતાના ફરિયાદી સ્વભાવ મુજબ જ મુકેશભાઈને પૂછ્યું કે "ત્યાં તો કેટલા બધા દર્દીઓ હોય છે. આટલા કેળા તો કેટલાને થાય? અને આ કોરોનાના દર્દીઓને આવી રીતે ખાવાની વસ્તુઓ બહારથી આપવાની છૂટ હોય છે!?"

એ સાંભળીને મુકેશભાઈએ કહ્યું કે "સાહેબ, એ જ વાત છે ને કે આ સમયમાં દર્દી એટલે સૌને કોરોનાગ્રસ્ત દર્દી જ મગજમાં આવે. પરંતુ આજેય બીજી-ત્રીજી બીમારીઓમાં સપડાયેલા લોકો પણ એટલા જ છે. એના તરફ લોકોનું ઘણું ઓછું ધ્યાન થઈ ગયું છે. અને હુંય જાણું છું કે ત્યાં ઘણાંબધા દર્દીઓ હોય છે. આપણે એ બધાને નથી આપી શકવાના. પરંતુ આપણે તો આપણી ક્ષમતા મુજબ જેટલાને પણ કશુંક આપી શકીએ એટલાને તો આપીએ."

મુકેશભાઈનો જવાબ સાંભળીને રોહન થોડીવાર તો ચૂપ થઈ ગયો. હોસ્પિટલ આવતા જ મુકેશભાઈએ સાઈડમાં રીક્ષા ઉભી રાખીને રોહનને કહ્યું કે "જો તમને વાંધો ન હોય તો હું પાંચ જ મિનિટમાં આ કેળા અંદર આપીને આવતો રહીશ, અને તમારે આવું હોય તો તમે પણ મારી સાથે ચાલો."

મુકેશભાઈના વ્યક્તિત્વમાં કશુંક અલગ જ તત્વ હતું, જેને કારણે રોહન એમની વિનંતીને નકારી શક્યો નહીં અને એ પણ મુકેશભાઈ સાથે હોસ્પિટલમાં અંદર ગયો. અંદર જઈને એ બંનેએ દર્દીઓને અને એમની સાથે આવેલાઓને એક-એક, બબ્બે કરતાં બધા કેળાઓ આપીને, બહાર નીકળીને પાછા રિક્ષામાં ગોઠવાયા. કેળા ભલેને મુકેશભાઈએ ખરીદ્યા હતા, પરંતુ દર્દીના ચહેરા પર આભારના જે ભાવ હતા એ જોઈને રોહનને પણ મુકેશભાઈ જેટલો જ કોઈને કશુંક આપવાનો આનંદ થયો હતો.

રિક્ષામાં ગોઠવાતાં જ રોહને કહ્યું કે "આવું કામ તો ખરેખર સરકારે કરવું જોઈએ. બીજી સામાજીક સંસ્થાઓએ પણ કરવું જોઈએ. સરકારના અપૂરતા પ્રયાસોને લીધે જ જુઓને આ મહામારીમાં લોકોને કેવી હાલાકી પડી રહી છે."

રોહનની વાત સાંભળીને મુકેશભાઈએ સમજાવતાં કહ્યું કે "સાહેબ, તમારી વાત સો ટકા સાચી છે. પરંતુ સરકાર કે પછી બીજી સામાજિક સંસ્થાઓ પણ કેટલું કરી શકે? આપણા દેશની એક તો વસ્તી જ ઘણી વધુ છે અને બીજું આ મહામારીમાં દરેક લોકો ગૂંચવાયેલા છે. બધાને બીજાનો વાંક કાઢવો છે અને ફરિયાદો કરવી છે. જવાબદારી કોઈકને જ લેવી છે. એના કરતાં આપણાથી જેટલું પણ થાય એટલું તો સેવાનું કાર્ય કરીએ."

મુકેશભાઈની વાત સાંભળીને રોહન થોડીવાર ચૂપ થઈ ગયો અને ફરી પૂછ્યું કે "તમે આ કેટલા સમયથી કરો છો?"

મુકેશભાઈએ જવાબ આપતાં કહ્યું કે "છેલ્લા છ-સાત વરસથી સમજોને. છ-સાત વરસ પહેલાં એક અકસ્માતમાં મારો પગ ભાંગ્યો હતો. હું પણ સારવાર હેઠળ એ સરકારી હોસ્પિટલમાં દાખલ હતો. ઘરેથી મારું જમવાનું તો આવતું જ હતું. ત્યારે હોસ્પિટલમાં સમયાંતરે કોઈને કોઈ સેવાભાવીઓ આવીને ચા-નાસ્તો આપી જતા, તો કોઈ ફ્રૂટ આપી જતું. કોઈ આવીને અમુક લોકોની દવાઓ પણ પોતાના ખર્ચે લાવી આપતા, તો કોઈ આવીને બધાના ખબર-અંતર પણ પૂછી જતા. કોઈ તો દર્દીઓ સાથે આવેલાઓને જમવાના ટિફિનની પણ વ્યવસ્થા કરી દેતા.

એ બધામાં અમુક લોકો કોઈ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા તો અમુક લોકો મારી જેવા સાવ સામાન્ય કહેવાય એવા જ હતા. સૌ પોતપોતાની રીતે કશુંક ને કશુંક આપી જતા હતા. અહીંયા આવતા અમુક દર્દીઓ તો સાવ એટલી નબળી પરિસ્થિતિના હોય છે કે એમના માટે આ બધું આશીર્વાદ સમાન જ પુરવાર થાય છે. હું જેવો સાજો થયો કે મેં તરત જ નક્કી કરી લીધું કે અઠવાડીએ કે દસ દિવસે મારાથી જેટલી થાય એટલી હું પણ આવી જ કોઈ નાની-મોટી સેવા કરતો રહીશ.

પાન-માવા કે તમાકુનું મને કોઈ જાતનું વ્યસન નથી. રીક્ષાભાડાં પણ મને સારા એવા મળી રહે છે. ઘરે કરકસરથી રહીએ છીએ એટલે બચત પણ થાય છે. એટલે દર અઠવાડીએ આવી રીતે ફ્રૂટ કે પછી ચા-નાસ્તો હું ત્યાં હોસ્પિટલમાં કરાવી આવું છું. કોઈ એવા દર્દીઓ હોય તો એમને ઘર સુધી પણ છોડી આવું છું અને ભાડું પણ નથી લેતો. આપણાથી ભલેને મોટા કામો ના થાય પણ જેટલા પણ થઈ શકે એટલા તો કરીએ, શક્ય એટલા બીજાને ઉપયોગી તો થઈએ."

મુકેશભાઈની વાત સાંભળીને રોહન વિચારે ચડી ગયો કે "આ રિક્ષાવાળો થઈને જો આટલું કરતો હોય, તો મારે તો પરિસ્થિતિ ઘણી સારી છે. હું બેઠા બેઠા ખાલી ફરિયાદો જ કરું છું. ધારું તો હું પણ ઘણું સેવાનું કાર્ય કરી શકું છું. આમપણ ખાલી ફરિયાદો કરવી એના કરતાં નાનું તો નાનું આવું કશુંક નક્કર કાર્ય કરવું જ મહત્વનું છે. એનાથી કોઈના જીવનમાં હકારાત્મક પરિવર્તન તો આવશે."

રોહનનું ઘર આવતાં જ મુકેશભાઈએ રીક્ષા ઉભી રાખી દીધી. રોહને રીક્ષામાંથી ઉતરીને પોતાનું ભાડું ચુકવ્યું અને સાથે સાથે બીજા એક હજાર રૂપિયા પણ મુકેશભાઈને આપ્યા અને કહ્યું કે "આગલી વખતે હોસ્પિટલે જાવ ત્યારે તમારી રીતે દર્દીઓને આમાંથી કશુંક ખવડાવી દેજો. અને હા, તમને થેન્ક યુ પણ. તમે તમારા ઉદાહરણ દ્વારા મને ઘણું શીખવાડ્યું છે. હું પણ હવેથી તમારી જેમ કશુંકને કશુંક સેવાનું કાર્ય કરતો રહીશ."

રોહનની વાત સાંભળીને મુકેશભાઈ આનંદિત થતાં થતાં જતા રહ્યા અને રોહને પણ ઘરે અંદર જવા પગ ઉપાડ્યા. મુકેશભાઈએ પોતાના નાનકડાં સેવાકાર્ય થકી સેવાની મશાલનો તણખો રોહનની ભીતર પણ પ્રગટાવીને, સેવાની જયોતને આગળ ધપાવીને વધુ પ્રજ્વલિત કરી હતી અને સાથે સાથે આ દુનિયાને પહેલાં કરતાં પણ વધુ સુંદર બનાવી હતી.


🌹🌺🌻🌼🌷🌼🌻🌺🌹


✍️...Sagar Vaishnav

Share

NEW REALESED