Lottery books and stories free download online pdf in Gujarati

લોટરી

લોટરી,

લેખક: નાગરાજ "હ્ર્દય"

મારી આંખો ઉપર ઇશવરે બનાવેલી તારલા જડિત કાળી ચાદર ઢંકાયેલી હતી. એ ટમટમતાં તારાઓમાં હું મારી ખૂદની કલ્પનાને આકાર આપી રહ્યો હતો. પરંતું દર્યાની નાની નાની લહેરો તે સમયે મને ખલેલ પહોંચાડતી હતી. દર્યા કિનારાની ભિની રેતી પણ મારા ફાંટેલાં લૂગડામાંથી મને ગલગલીયા કરતી હતી. તે સમયે સમુદ્રના તરંગો મારા પગને સ્પ્ર્ષીને મને વહાલ કરતાં હતાં. પૂરો દિવસ ઉનાળાની ગરમીએ મારા પર જૂલમ ગુજાર્યો હતો. તેથી દર્યાની ઠંડી લહેર અંતર મનમાં શિતળતા પહોંચાડતી હતી.

તે સમયે ત્યાં મારા સિવાય કોઈ ન હતું. હું રેતીને મારી પથારી બનાવીને પડ્યો હતો. સજિવ સૄષ્ટી કરતાં મને પ્રકૄતીની સૄષ્ટી વધું ગમતી. સજીવો તો મને હડધૂત કરીને કાઢી મુકતા. પણ પ્રકૄતી હંમેશા મને આવકારતી. દરિયાનું પાણી, તેની શિતળ લેરખી, પિઠને ઠંડક પ્રદાન કરતી રેતી આ બધાં મારા સ્વજન હતાં. દિવસે હું શહેરમાં પુરી શાન સાથે કટોરાને ધન પ્રાપ્ત કરવાનું માધ્યમ બનાવતો. જેટલા પૈસાં મળે તે લઈ મારા દરિયે આવી જતો. દર્યાની સાક્ષિએ જ પૈસા ગણતો. પણ ક્યારેય પૈસાને રેતી નિચે દબાવ્યાં ન હતાં. મેં કોઈ દિવસ કાળુ નાણું ભેગુ કરવાનું વિચાર્યું જ ન હતું. મારો તો ચોખ્ખો વ્યવહાર રહેતો. થોડા પૈસાથી આહારનો બંદોબસ્ત થઈ જાય એટલે બાકીના પૈસાથી લોટરી ખરિદી લેતો. મને લોટરી ખરીદવાનો ખૂબ શોખ હતો. એ લોટરી મારા મેલા પેંટના ખિસ્સામાં સ્થાન ગ્રહણ કરતી, એટલે મારા પેંટની આબરૂ વધી જતી. ત્યાર પછી લોટરીને દબાવતો છૂપાવતો દરિયા કિનારે લઈ જતો. પછી ત્યાં હું મારી પથારીમાં પડ્યો પડ્યો લોટરીને કલ્પનામાં લગાડતો. તારલા પણ મને કલ્પનામાં સહયોગ કરતાં. તેઓ પોતાની સફેદ સપાટી પર મારો મહેલ ચણી નાખતા. મહેલમાં મારુ રત્ન જડીત સિંહાસન એક તારાની જેમ ચમકતું. જ્યારે તે સિંહાસન પર હું બિરાજમાન થતો ત્યારે પૄથ્વીના તમામ લોકો મને નમન કરતાં, દાસિઓ છપ્પન ભોગ લઈ આવતી, રાણીઓ વિંજણા દ્વારા મને પંખો નાખતી. પરંતું તે વિંજણામાંથી થોડો વધુ પવન ફૂંકાણો. એટલે મારા શરીર પર મને ઠંડો અહેસાસ થયો. મારી આંખો તે ઠંડકને જોવા તરત ઊઘડી ગઈ.

દરિયો પણ મારી કલ્પનાઓમાં દખલ અંદાજી કરતો. તેના હસતા મોજા મારી મશકરી કરતાં કરતા, સ્વપ્ન પર પાણી પણ ફેરવી દેતા, પવન પણ તેની સાથે મળીને મને હેરાન કરવાની યોજનાઓ ઘડતો. પરંતુ મારો ક્ષમાશિલ અને દયાળું સ્વભાવ તે બન્નેને મારા કોપથી બચાવી લેતો.

તે સવારે પણ મારી આંખો સૂર્યદેવ પહેલાં ખુલ્લી ગઈ. અંધારુ પણ યથાવત હતું. દરિયો રખેવાળી કરતો જાગતો હતો. મેં થોડીવાર દરિયા સાથે વાતો પણ કરી. ફક્ત તે મારા છેલ્લા પ્રશ્ને મૌન થઈ ગયો. "શું મને આજે લોટરી લાગશે? દરિયાનું એ મૌન મને કાંટાની જેમ ખૂંચતું હતું. રત્નાકર પણ મને હમ્મેશ નિરધન રૂપમાં જોવા માગતો હતો. તે મને તેની ભાષામાં ઘણી વખત મહેનતનો રોટલો ખાવાનું કહેતો. પણ તેને શું ખબર કે સજિવ સમાજ તેર વર્ષના ભિખારીને કોઈ દિવસ કામે ન રાખે.

મે પછી દરિયા સામે નમતું મુક્યું. કારણકે આગળી ક્ષણે મારે તેના પાણીથી જ શુદ્ધ થવાનું હતું. એટલે સવારના સુવર્ણ કિર્ણોએ મને સૂચના આપી કે સૂર્યદેવ થોડા જ સમયમાં પધારશે. સૂર્યદેવની મને ઘણી શરમ લાગતી, તેની સામે નગ્ન બની દર્યામાં ધૂબાકા મારવા મને યોગ્ય ન લાગતું. તેથી મેં તરત દર્યામાં દોટ મુકી. દર્યાના મોજાઓ મારી દલિલોથી રિસાયાં હોય તેમ મને ફરીથી કિનારે ધકેલી દેતાં. ઊછળીને એક બે થપાટ પણ મારતાં. પરંતું હું અડગ મનનો માનવી હાર કદી ન માનું. ગમે તેમ કરીને સ્નાન પૂરૂ કરું. સ્નાન કરીને કપડા પણ તેમાં જ જબોળી નાખું. મારી આ હરકતથી હંમેશા દરિયો ગુસ્સે થતો. ભવિષ્યના સમરાટ સામે તે પાણીની તલવાર પણ ઊગામતો. તે તલવાર મારા ગળા પરતો પડતી. પરંતું ચમત્કાર થાય તેમ મારું ગળુ કોઈ દિવસ કપાણું નહી.

હવે સાગર કિનારે લોકોની અવર જવરે મને મારા જ ઘરમા"થી હાકી કાઢ્યો. મે મારા ફાંટેલાં કપડા ફરી ધારણ કર્યાં. એક પથ્થર નિચેથી મે લોટરીની ટિકિટ બહાર કાઢી. આજે તે ચોક્કસ લાગવાની, એવી ઊમિદ સેવતો હું ટિકિટને ચૂમી લેતો.

ત્યારબાદ ટિકિટને મે મારા ગજવામાં મૂકી દિધી. પછી ઉતાવળે મારા પગ શહેર તરફ દોડવા લાગ્યાં. શહેરની મોટી મોટી ઇમારતો મને આ ક્ષણે વામણી બનાવતી હતી. રસ્તા પર દોડતા વાહનો મારા માર્ગમાં અવરોધ પેદા કરતાં હતાં. તેના કારણે છાલા પડી ગયેલા મારા પગ ફૂટપાથ પર આરામ કરી લેતા. તે છાલાની પિડાને ઠંડક પહોંચાડવા માટે માથાનો પરસેવો પેંટમાં થઈને પગ સુધી પહોંચી જતો. ફૂટપાથ પર ચાલતાં લોકો મને કૂતરાની જેમ ભગાવતાં હતાં. તે સમયે મને ઘણું દુખ થતું, મારા ફાંટેલા કપડા જોય લોકો મને પ્રાણીની જેમ હેંડલ કરતાં. પણ તે ક્ષણે હું મારા મનને ભવિષ્યની ઝીંદગી વિશે સમજાવતો. ફરી તે મહેલ અને સિંહાસનની યાદ અપાવતો. એટલે તરત નાના છોકરા જેવું મારુ મન ખુશ થઈ જતું.


હું દસ કિલોમિટર કાપીને મારા કાર્ય સ્થળે પહોંચી ગયો. મે ત્યા આવીને જોયુ તો મારી જગ્યાએ કોઈ પચીસ છવીસ વર્ષનો યુવાન બેઠો હતો. તેણે પણ મારી જેમ ફાંટેલાં લૂગડા પહેર્યાં હતાં. હાથમાં ચમકતો સ્ટિલનો કટોરો હતો. તેણે મારી પાસે પણ દસ વિસ રૂપીયા માંગ્યાં. પરંતું જેવી તેની નજર મારા હાથમાં રહેલા કટોરા પર પડી. એટલે મને કૂતરાની જેમ ભગાડવા લાગ્યો. તેના આવા દૂર્વર્તનથી મને ગુસ્સો આવી ગયો. એક બાજુ તો તે ભિખારી મારી જગ્યાએ આવીને બેઠો હતો. અને મને જ ભગાડવાની વાત કરતો હતો. તે સમયે મારો ગુસ્સો સાતમાં આસમાને હતો. મારી આંખો તે ભિખારી પર અગ્ની વરસાવા તૈયાર હતી. પણ આંખો પોતાનું કામ કરે તે પહેલાં તો હાથે પોતાનું કામ કરી નાખ્યું. હાથમાં રહેલો કટોરો મે તેના મોઢા પર મારી દિધો. કટોરાયે તે યુવકનું મોઢુ છોલી નાખ્યું હતું. જરાંક અમથું લોહી પણ નિકળ્યું હતું.

કટોરાએ મારા અપમાનનો બદલો આખરે લઈ લિધો. હું મારા તે પરાક્રમને શાબાશી આપતો ત્યા જ ઊભો હતો. એટલામાં તે યુવકની બુમ સાંભળીને ઘણાં બધાં બિખારીઓ ભેગા થઈ ગયાં. તે બધાંની આખોમાં મને ક્રોધની જ્વાળાઓ દેખાતી હતી. મે તરત જોય લિધુ કે મારા ભવિષ્યને મેથી પાક મળવાનો હતો. તેથી તરત મે હાથની મૂઠ્ઠીઓ વાળી. મારા પગ પણ મારો આદેશ વગર બોલે સમજી ગયાં હતાં. એટલે હું ભાગતો ભાગતો એક ગલીમાં ઘૂસી ગયો. મે પાછળ ફરીને જોયું તો તે બધા લોકો ગાયપ થઈ ગયાં હતાં. તે નિહાળી મને અપાર આનંદ થયો. મન દર્યાના મોજાની જેમ ઊછળવા લાગ્યું. શાંતીએ ફરીથી મારા ચહેરા પર ગઢ બાંધ્યો. શ્વાસ તે સમયે ગઢના જરૂખામાંથી બહાર ફૂંકાતો હતો. ધિરે ધિરે મે શ્વાસને કાબુમાં લિધાં. હવે મારો કટોરો મારી પાસે ન હતો. છેલ્લા સાત વર્ષથી તે મારુ પેટ ભરી રહ્યો હતો. કટોરાના વિરહમાં મારી આંખોએ પણ બે ત્રણ આંસુ વહાવ્યાં. જે કાકાએ મને તે કટોરો ભેટ કર્યો હતો. તેની પણ યાદ આવી. હવે મને નવો કટોરો કોણ આપશે? તેવો સવાલ હું મારી જાતને કરતો રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાં એકાએક મારી નજર એક દુકાન પર પડી. દુકાનમાં બેઠેલા મોંટુભાઈ મને જ જોય રહ્યાં હતાં. એટલે ધિમા ડગલે હું તેમની પાસે ગયો.
"લાવ લોટરીની ટિકિટ. તને લોટરીનું પરીણામ જોઈ આપું." મોંટુભાઈની તે વાત સાંભળીને મારા શરિરમાં ફરી વખત ઊર્જાનો સંચય થયો. જાણે પાનખરમાં પુષ્પો ખિલી ઊઠ્યા હોય તેવો અહેસાસ મને થયો. મારા ચહેરા પર ખુશીની ખૂશબુ મહેકવા લાગી. મે ઝડપથી લોટરીની ટિકિટ ખિસ્સામાંથી બહાર કાઢી. અગર લોટરીનું પરિણામ બે ત્રણ દિવસ પછી આવ્યું હોત, તો ટિકિટનું નક્કી અવસાન થઈ ગયું હોત. ચૂંથાઈ ગયેલી ટિકિટ મે મોંટુભાઈના હાથમાં મૂકી. મોંટુભાઈએ પણ મહામહેનતે લોટરીના આંકડા વાચ્યાં. ત્યાર પછી તેમણે અકબારના એક બે પાના આમથી તેમ ફેરવ્યાં. તે પાના સાથે હું મારી કિસમતને પણ બદલતા જોય રહ્યો હતો. જેવી રિતે વિદ્યાર્થીઓને પોતાના પરિણામ પહેલાં જેવી લાગણી અનુભવાઈ એવી જ લાગણી હું પણ અનુભવતો હતો.

"સોરી શિગલા, તને લોટરી નથી લાગી." મોંટુભાઈના તે શબ્દોએ મારા સપનાઓને મારી નાખ્યાં. નિરાશાએ ફરી વખત મને દત્તક લઈ લિધો. મારું નામ ચિરાગ હોવા છતાં હું કોઈના કૂળનો ચિરાગ ન હતો. માત્ર મારી લાગણીઓ જ મને પોષિત કરતી.

લોટરીના પરીણામથી નાખુશ બનેલો હું મોંટુભાઈની દુકાન સામે જ મૂર્તી બની ગયો. માત્ર મારી આંખો જ જિવંત હોય તેમ છલકતી હતી. સમજદાર મગજે મને હિમ્મત આપવાની કોશિશ કરી, પણ હઠિલા મને મગજની એકેય વાત ન સાંભળી.

હવે હું ચૂપ ચાપ ત્યાથી ચાલવાં લાગ્યો. મારું મન વ્યથામાં પાગલ બનતું હતું. હું ક્યાં જઈ રહ્યો હતો. તેની પણ મને ખબર ન રહી. આ ક્ષણે ભવિષ્યના સમરાટ માટે કોઈ સ્થાન ન રહ્યું. જે પોતાનું ન હતું. તે જ આજે હું હારી ગયો હતો.

પરીણામની નિરાશાએ મારો બાહ્ય જગત સાથેનો સંપર્ક તોડી નાખ્યો હતો. હું એક હવામાં ઊડતાં પર્ણની માફક રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યાં અચાનક કોઈ વૄદ્ધ માણસ મારા પગ પાસે પડ્યો. મારું ધ્યાન તરત તે વૄદ્ધ પર ગયું. તે વૄદ્ધને એક સ્ત્રી અને પુરુષ ધક્કા મારી રહ્યાં હતાં. વૄદ્ધ રડતાં અવાજે તેના દિકરાને આજિજિ પણ કરતા હતાં. પરંતું તે દિકરો પેલી સ્ત્રીની વાત સાંભળતો હતો. તે વૄદ્ધને રસ્તા પર રઝળતો મુકી દેવામાં આવ્યો. તેઓએ પોતાના બંગલાનો મુખ્ય દ્વાર પણ બંધ કરી દિધો. તે દ્રષ્ય જોયને મારુ દિલ વધુ ધબકવા લાગ્યું. મે તરત તે વૄદ્ધને સહારો આપીને ઊભા કર્યાં. તેનો કરચલીવાળો ચહેરો જોયને હું તરત તેને ઓળખી ગયો. તે વૄદ્ધે જ મને કટોરો આપ્યો હતો. તે વૄદ્ધે પણ મને ઓળખી લિધો. મને જોતા તે અશ્રુધારા વહાવા લાગ્યાં. તેણે પોતાની ખરાબ પરિસ્થિતિને મારી સામે રડતા રડતાં વર્ણવી. તેમનું કથન સાંભળીને મારા પણ રૂવાડા ઊભા થઈ ગયાં.

વૄદ્ધ માણસ કોઈ કામ ન કરી શકે એટલે લોકોને માથે પડતાં હતાં. કૂતરા, બિલાડા માટે લોકો ઘરમાં જગ્યા રાખશે. પરંતું ઘણાં લોકો પોતાના મા બાપ માટે થોડી પણ જગ્યાં ન રાખે. તે વૄદ્ધની વાત સાંભળી મને તેમના પર દયા આવી. મારી પાસે પણ ઘર ન હતું. હું તો દર્યાની રેતમાં પથારી બનાવતો. રોજ આકાશને ઓઢીને સૂતો. સાગરની લહેરો મને પવન નાખતી. એટલે તે વૄદ્ધને ક્યા સાચવવા એની મુંઝવણમાં મૂકાયો. છતાં કોઈ ઉપાય સૂજ્યો નહી. એટલે હું તે વૄદ્ધને મારા ઘેર લઈ આવેલો. મારુ ઘર દરિયાની રેતમાં અદ્રષ્ય હતું.

મારી લાગણી જોય તે વૄદ્ધ કાકાને થોડી હિમ્મત મળી . તે પણ મારા ઘરને નિહાળીને ખૂબ ખુશ થયાં. જાણે તેની સાથે કંઈ બન્યું જ ન હોય તેમ ઊછળતાં મોજાને આનંદ સાથે જોવા લાગ્યાં.

સંધ્યા ઢળવા પર હતી. ધિરે ધિરે લાલ પ્રકાશ રાત્રીનું આધિપત્ય સ્વીકારી રહ્યાં હતાં. તેની સાથે મારું મન પણ ચિંતા સામે ઘૂંટણ ટેકવતું હતું. ચિંતા એ વાતની હતી કે પેલા વૄદ્ધ કાકાને શું ખાવા આપવું. મે કાકાને કહી તો દિધું હતું, કે હું ખાવાનું લઈ આવું. પરંતું આ ક્ષણે મારી પાસે ફૂટી કોડી પણ ન હતી. તે બધું વિચારતો હું દરિયા કિનારે ચાલી રહ્યો હતો. ત્યાં અચાનક મારી નજર એક પ્લાસ્ટિકના પેકેટ પર પડી. તે પેકેટ તોડેલું હતું. પરંતું તેમાં ખાદ્ય પદાર્થ હજી પણ હતો. તે ખાદ્ય પદાર્થને લઈ જવા સિવાય મારી પાસે બિજો કોઈ માર્ગ ન હતો.

વૄદ્ધ કાકાની સાથે મે પણ તે ખાદ્ય પદાર્થ ખાધો. દર્યાના પાણીએ અમારી પ્યાસ બૂજાવી. મને તો ખારુ પાણી પિવાની આદત પડીગઈ હતી. પણ કાકા તે પાણી પિ શક્યાં નહી.

ખાવા પિવાની બધી પ્રક્રીયા પતાવીને અમે બન્ને રેતીની પથારીમાં પડ્યાં. તે પથારીમાં પડતાં તો મને સ્વર્ગ જેવો અહેસાસ થતો. પણ થોડી થોડી ગરમ રેતી તે કાકાને સતાવતી હતી. તે વારંવાર પડખા ફરતા હતાં. તેથી તેનું ધ્યાન રેતી પરથી હટાવવાં, મે તેની સાથે વાતો કરવાનું શરુ કર્યું. તેણે પોતાની અમિરીની વાત મને કરી. તેણે જે સુખાકારી જોય હતી, તેણે તેની વાત કરી, અમે એક બિજાના શોખથી અવગત થયાં. તેમને પણ મારી જેમ લોટરીની ટિકિટો ખરિદવાનો શોખ હતો. મારા મોમાંથી જેવો લોટરી શબ્દ નિકળ્યો. એટલે તેણે તરત ખિસ્સામાંથી લોટરીની ટિકિટ કાઢી. લોટરી કોઈ દિવસ લાગતી જ નથી, મે તેમ પણ જણાવ્યું. પરંતું હસતા મુખે તેઓએ લોટરીને પોતાનો શોખ ગણાવ્યો.

તે પાંચ કરોડની લોટરી હતી. તેને જોયા પછી ફરી મારું મન તારાઓમાં મહેલ જોવા લાગ્યું. તેમણે તે ટિકિટ મને આપીને, આવતી કાલે તેનું પરીણામ જોવા જવાનું જણાવ્યું.

સૂર્યની પહેલી કિરણ મને સ્પર્ષી. એટલે તરત હું લોટરી લઈને મોંટુભાઈની દુકાને પહોંચી ગયો. મોંટુભાઈ પણ મારી જ રાહ જોઈને બેઠા હોય તેમ તરત મારી ટિકિટ લઈ લિધી.
"શિગલા, આ વખતે તને પાંચ કરોડની લોટરી લાગી." તે સાંભળી હું ઊછળવા લાગ્યો. મારી ખુશીની સિમાં તૂટી ગઈ. હાથ હવામાં નૄત્ય કરવાં લાગ્યાં. તે સમાચાર હું વૄદ્ધ કાકાને આપવા માટે હવા ગતીએ દર્યા કિનારે પહોંચી ગયો. વૄદ્ધ કાકા પણ તે ખુશીના સમાચાર સાંભળી ખુશ થયાં.

હવે દરિદ્રતા દૂર થવાની હતી. તે ઘૂઘવતા દર્યા સામે જ મારો મહેલ બનવાનો હતો. માત્ર તે મહેલમાં હું અને કાકા સુખેથી જિવવાના. હતા. લોટરીના પૈસા અમારા હાથમાં આવ્યાં એટલે અમારા બધાં ખ્વાબો પૂરા થયાં. કાકાએ મને જે કંઈ આપ્યું હતું એ લાજવાબ હતું. ખારા દરિયામાંથી મોતી શોધી આપનાર એ કાકા જીવ્યા ત્યાં સુધી મને કહ્યા કરતા કે,
"તું એક વૃદ્ધ આશ્રમ બનાવીને તારાથી થાય એટલી વૃદ્ધની સેવા કરજે, કુદરત તને ક્યારેય નહીં નિરાશ કરે."
કાકાની આ વાત મારે હૈયે વસી ગઈ હતી. એની પીડા મારી પીડા બની ગઈ હતી. હું એટલે જ કાકાના કહ્યા મુજબ કાર્ય કરવા પ્રેરાયો.

આશ્રમ બન્યાના ટૂંકા જ સમયમાં વૃદ્ધ વ્યક્તિઓની બમણી ભરતી શરૂ થઈ ગઈ હતી. હું આ દરેક વ્યક્તિઓની દિલ દઈને સેવા કરતો, કરતો સાથે લોટરીની ટિકિટ પણ ખરીદ્યા કરતો. હવે સ્થિતિ એ થઈ ચૂકી હતી કે, હું મારા કાર્યમાં ક્યારેય નિરાશ થતો જ નહીં. મેં જ્યારે આધુનિક મકાનમાં એકદમ લેટેષ્ટ સુવિધા વાળો આશ્રમ શરૂ કર્યો ત્યારે હરખનો પાર ન રહ્યો, દરિયાની રેતીમાં રમતું મારું અસ્તિત્વ રડી ઉઠ્યું, આંખો વરસી પડી અને મારામાં બેઠેલો હું બોલી ઉઠ્યો,
"ભગવાન ભીખારીનોય હોય છે."