last plate of lunch books and stories free download online pdf in Gujarati

અંતિમ ભાણું.....

અંતિમ ભાણું.... વાર્તા... દિનેશ પરમાર 'નજર '

*****************************************
ઘર સુધી પહોંચી શકું એવું જણાતું ના,
આજ તારી યાદનું ધુમ્મસ છવાયું છે.
શ્ર્વાસનો છે આખરી અવસર ઊજવી લો,
ગામનું સ્મશાન ફૂલોથી સજાયું છે.
-ધૂની માંડલિયા
*****************************************
મુંબઈથી મારવાડ જંક્શન તરફ જતી ટ્રેન નંબર ૦૨૯૬૫ શીડ્યુઅલ સમયથી અડધા કલાક મોડી ૮. ૦૦ વાગે કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૩ ઉપર જેવી આવીને ઊભી રહી, કે મુસાફરીથી કંટાળેલા પ્રવાસીઓ ફાટાફટ ઉતરીને સીડી તરફ ભાગવા લાગ્યા.
છેલ્લા પાંચ વર્ષથી ફાવે તેવી વાંસળી વગાડી, ભીખ માંગતો કાનજી વાંસળી વગાડતા અટકી ગયો. તેણે જોયું તો આશરે ચાલીસી વટાવી ગયેલો એક શેઠ જેવો જાજરમાન વ્યક્તિ ફર્સ્ટ ક્લાસ એસી ડબ્બામાંથી ઉતરી સીડી તરફ ઝડપથી આગળ વધતા સમયે તેના પેન્ટના ગાજવામાંથી હાથ કાઢતા લેધરનું પાકીટ પ્લેટફોર્મ પર પડી ગયું.
એ તો સારું થયું કે અન્ય કોઈ ભિખારી જુએ અને સેરવી લે તે પહેલા અપંગ કાનજી ઢસડાતો ઢસડાતો ત્યાં પહોંચી ભીડ વચ્ચેથી પાકીટ લઈ એક તરફ સરકી ગયો.
તેણે સીડી પર દોડતાં ટોળાં ઉપર નજર નાખી પણ પાકીટના માલિક દેખાયા નહીં. તે ભિખારી તરીકે વિવશ થઈ જીવન પસાર કરતો હતો પરંતુ તે નખશિખ પ્રમાણિક અને નિષ્ઠાવાન હતો એટલે તે થોડો નિરાશ થયો.
સીડીની જમણી તરફ તેની ચાલણ ગાડી મુકી હતી ત્યાં ગયો. અને આડસ કરી પાકીટ જોવા લાગ્યો. તેમાં મોટી મોટી નોટો, તથા જુદાજુદા કાર્ડ હતા .
"તે મુરબ્બીને જ્યારે ખબર પડશે ત્યારે કેટલા દુઃખી અને હતાશ થશે..?" આ વિચારે ખેદ અનુભવી એક કાર્ડમાં દર્શાવેલ સરનામે તપાસ કરવા, કાનયો બીજો કંઇ પણ વિચાર કર્યા વગર સ્ટેશનની બહાર આવી ખૂણા પર કાયમ ઉભા રહેતા અને ઓળખતા રિક્ષાચાલકની રિક્ષામાં બેસી સીધો જ બોપલ વિસ્તારની સૂર-પંચમ બંગલો'ઝના' કાનન નિવાસ' બંગલે પહોંચી ગયો.
રિક્ષાવાળાને છુટો કરી કા'નો ચાલણ ગાડી પર જેવો બંગલા આગળ ગયો, તેના દિદાર જોઈ સિક્યોરિટી ગાર્ડે તેને રોક્યો.
તેણે કહ્યું, " ભાઈસાબ મારે શેઠનુ કામ છે."
તેનુ ઉપર-નીચે નિરીક્ષણ કરી સિક્યોરિટી બોલ્યો, " ચલ ભાગ અહીંથી.. મોટો ના જોયો હોય શેઠને મળવાવાળો...!"
"અરે ભાઈ સાબ... મારે ખરેખર શેઠનું ખુબ અગત્યનું કામ છે."
આ રકઝક દરમિયાન બંગલામાંથી બહાર નીકળી રહેલી ગાડીમાંથી શેઠશ્રી ભાનુપ્રસાદ ચોક્સીનું ધ્યાન તે તરફ જતા ડ્રાઇવરને સુચના આપી ઉભી રખાવી ગાડીનો કાચ નીચે ઉતારી સિક્યોરિટી તરફ જોઈ બોલ્યા," શું... છે..? "
સિક્યોરિટી કંઈ જવાબ આપે તે પહેલાં કા'નો ચાલણ ગાડી દોડાવી શેઠ પાસે ગયો અને તેમને પાકીટ બતાવ્યું.
શેઠે પોતાના ખોવાયેલા પાકીટને જોતા, કા'નાને અંદર મોકલવાની સુચના આપી ગાડી અંદર પરત લેવડાવી.
ભવ્ય મહેલ જેવા બંગલાના વિશાળ બગીચામાં કમ્પાઉન્ડને અડી આવેલ ઘટાટોપ વૃક્ષોની છાયામાં મૂકેલ હિચકામાં શેઠ બેઠા.
જેવો કાનજી ત્યાં પહોંચ્યો, તેને ટેકો લઈ ઉપર ખુરશીમાં બેસવા ઈશારો કરતા, કાનજી હાથ જોડીને નીચે ઘાસની ફર્શ પર બેસી ગયો.
"તું ભિખારી જેવો દેખાય છે પણ તારા લક્ષણ અને બોલચાલ તેવી નથી?... કારણ..?" શેઠ બોલ્યા.
કાનજીની આંખમાં આંસુ આવી ગયા. તે પંજાથી લૂંછતા બોલ્યો, " શેઠ હું ખોખરા ગરીબ નગરની ચાલીમાં મા-બાપ સાથે રહેતો હતો. મારા પિતા બાંધકામ સાઈટ પર મજુરી કામ કરતા અને બા નજીકના બંગલામાં કચરો પોતું કરતી. આજથી સાતેક વર્ષ પહેલાં હું સરકારી શાળામાં પાંચમા ધોરણમાં ભણતો હતો ત્યારે, એકવાર શાળાએ જતા સમયે રસ્તા પર એક ટ્રકની બ્રેક ફેઇલ થઇ જતાં તેણે કાબુ ગુમાવ્યો અને કમનસીબે મારો પગ ટાયર નીચે આવી ગયો .
એકવાર મારી લાચાર સ્થિતિ જોઈ મા સાથે, "હવે આને આખી જિન્દગી પોષવાનો મારે.." કહીને મારા બાપુ ખુબ ઝગડ્યા. મને ખુબ લાગી આવ્યું. હું તે રાત્રે કહ્યા વગર ઘર છોડીને નીકળી ગયો. કોઈ એ મારી તપાસ પણ ન કરાવી.
ત્યારની ઘડીને આજનો દિવસ હું સ્ટેશન પર માંગી ખાવ છું. "
શેઠ ઊંડા વિચારમાં પડી ગયા, તેઓ બોલ્યા," મારે તારા જેવા ઈમાનદાર છોકરાની જરૂર છે. હવે તુ અહીં જ રહીશ. "
" પણ... શેઠ.. હું સાવ નકામો તમારા કંઈ કામમાં નહીં આવું. " કાનજી રડમસ થઈ બોલ્યો.
" અરે..! તારે આ બગીચામાં રોજ સવાર સાંજ વાંસળી વગાડવી, એટલે અમને તો સારું લાગશે જ પણ.. આ વૃક્ષો, છોડ, ફૂલો પણ આનંદથી વિકાસ પામશે. "
કાનજીએ કંઈ પણ બોલ્યા વગર નીચી મુંડી એ હા દર્શાવી.

*********

પછી તો કાનજીને સારા કપડા મળ્યા, અલાયદી સર્વિસ રૂમમાં ન્હાવા ધોવા રહેવા ખાવાની વ્યવસ્થા પણ થઈ ગઈ.
આશરે છ એક માસ તો સારું ચાલ્યું. પરંતુ તેની વાંસળી સંભાળીને , શેઠની એક ની એક પુત્રી રોહિણીને તેના પ્રત્યે એક તરફી પ્રેમથઈ ગયો, ક્યારેક મળવાને બહાને તે નોકરને અન્ય કામ બતાવી પોતે તેનું ભાણું લઈ આપવા જતી અને તેની સામે ટગર ટગર જોઈ હસતી..
પરંતુ.. કાનજીતો આ હરકત જોઈ નીચી મુંડી કરી જતો.
એકવાર આ રીતે જ બહાનું કાઢી ભાણું લઈને આવેલ રોહિણીએ ઝૂકીને કાનજીનો હાથ ઝાલી લીધો,અચાનક આ હરકતથી કાનજી ગભરાઈ ગયો.
" વ્હાલા કા'ના, જમી લીધા પછી ભાણું જોજો."
આટલું કહીને તે તો હસતી હસતી ચાલી ગઈ, પણ કાનજીની હાલત ખરાબ થઈ ગઈ.
તે સરખું ખાઈ પણ ના શક્યો વધેલું તેણે કચરા પેટીમાં પધરાવી, ભાણું ધોઈ નાખ્યું. પાછો સર્વિસ રૂમમાં આવી ભાણું આગળ પાછળ ફેરવીને જોયું. ફરી કાનજી ગભરાઈ ગયો અને આખેઆખો હલી ગયો.
ભાણાંની પાછળ રોહિણીએ પાકા લાલ ઓઈલ કલરથી દિલ દોર્યું હતું અને તેમાં લખ્યું હતું 'આર - કે'
"જે શેઠે વિશ્વાસથી આસરો આપ્યો, રોટલો આપ્યો તે જાણી જાય તો શું થાય? ..." ના વિચાર માત્રથી સાંગોપાંગ ધ્રૂજી ગયેલો કાનજી તે રાત્રે ભાણાં સાથે ફરી એક વાર ઘર ત્યાગી દૂર દૂર બીજા અજાણ્યા શહેરમાં કાયમ માટે ચાલ્યો ગયો.....

*********

કાળનું ચક્ર ફરતું રહ્યું... સોળ સત્તર વર્ષનો કાનજી બીજા શહેરમાં ભીખ માંગી માંગી સાઠ વર્ષ ક્રોસ કરી ચૂક્યો હતો...
પોતાના શેઠને દુઃખ ન થાય અને પોતાની પ્રમાણિકતા, નીતિ પરનો ભરોસો ઉઠી ન જાય તે આશય થી કાનજી પણ, રોહિણી પ્રત્યેના પ્રેમની લાગણીઓની અભિવ્યક્તિને કાચબાની જેમ પોતાની અંદર શંકોરી જીવન વિતાવી તો દીધું.
પણ... આટલા વર્ષે રોહિણીને જોવાની ઇચ્છા જાગી.
"કેવી દેખાતી હશે? તે પણ મારી જેમ વૃદ્ધ થઈ ગઈ હશે... તેના લગ્ન પછી, તેના બાળકો પણ પરણાવી દીધા હશે.. કદાચ...!"
અને એક દિવસ સાંજના સમયે કાનજી લપાતો છુપાતો રોહીણીના પિતા એટલે કે શેઠના બંગલે આવી ચઢ્યો. આખુ શહેર જુદુ જ જણાતુ હતું.
એક જમાનામાં આલિશાન મહેલ જેવો બંગલો આજે સાવ નિર્માલ્ય અને સૂનો જણાતો હતો. કોઈ સિક્યોરિટી કે ચોકિદાર કે માણસોની ચહલ પહલ જણાતી નહતી.
તે ધીરે રહીને કટાઈ ગયેલા દરવાજા પાસે ગયો. અને "કોઈ... છે?" ની બુમ લગાવી.
થોડીવારે 'કીચુડ 'અવાજ સાથે મુખ્ય બારણું ખુલ્યું . "કોણ..???"
આટલા વરસ પછી પણ, એજ જાણીતા ચહેરા સાથે , વૃધ્ધાવસ્થા ધારણ કરેલ રોહીણી આછા અજવાસમાં પ્રગટ થઈ.
દરવાજો ઉઘાડી કાનજી ચાલણ ગાડી હંકારી જેવો બારણે પહોચ્યો કે રોહીણી ઓળખી ગઈ,
"કાનજી...? "
જાડા કાચની ધૂંધળી આંખો માંડીને કાનજી એટલું બોલ્યો, "આટલા વર્ષે પણ ઓળખી કાઢ્યો..?"
"ભુલાયા જ ક્યાં છો.." કહેતી રોહીણી દોડી આવી અને કાનજીને બાઝી રોવા લાગી. વર્ષો પહેલાં આપેલું ભાણું કણજીના હાથમાં જોઈ રોહિણી બોલી, " આ આટલા વરસો સાચવી રાખ્યું તે જ તમે પણ મને પ્રેમ કરો છો તે પ્રગટ કરે છે."
પછી માંડીને વાત કરી.
"પપ્પાનો ધંધો ખુબ સરસ ચાલતો હતો. આજથી વીસ વર્ષ પહેલાં તેમના પાર્ટનરે દગો કર્યો અને બધુ તેના નામે કરી વેચીને અમેરિકા ભાગી ગયો.
પપ્પાએ લેણદારના લીધેલા પૈસા ચૂકવવા સઘળુ વેચી મારી રકમ ચુકવી.
પરંતુ... આ બંગલો ગિરવે મૂકી જે લોન લીધી હતી તે ચુકવી શકે તેમ ન હોઈ, અને બેંક તરફથી બંગલા પર ટાંચની નોટિસ મળતા, લાગી આવતા એક રાત્રે દવા ગટગટાવી કાયમ માટે સૂઈ ગયા.
મમ્મી તો ઘણા વર્ષો પહેલાં ચાલ્યા ગયા હતા. હું બચેલા દાગીના વેચી બેંક સામે કોર્ટમાં દશ વર્ષ સુધી લડતી રહી. ગયા અઠવાડીયે જ બેંકની તરફેણમાં ચુકાદો આવ્યો છે.
મેં સામેથી આ યાદો ભરેલા ભવ્ય ભૂતકાળ ધરાવતા બંગલાનો કબજો કાલે આપવા બૅન્કને કમિટ કરેલું અને મેં સાથે સાથે તે પણ નક્કી કરેલું કે આજે રાત્રે આ ઘરમાં જ દેહત્યાગ કરવો. અને જુઓ તો ખરા મૃત્યુ પહેલાના જીવનની બાકી બચેલી પળો જેની જોડે વિતાવવા હું મનોમન પ્રાર્થતી રહી તે મારા કાનજીને ઈશ્વરે સમયસર મોકલી આપ્યો. "
આંખમાં ઉમટી આવેલા પોતાના અને કાનજીના આસું પોતાના હાથથી લૂછતા રોહિણી બોલી," આપણે અત્યારે જ આ શહેર છોડી બીજા શહેરમાં ચાલ્યા જઈએ "
એક પળની પણ રાહ જોયા વિના તેઓ એક જમાનામાં જ્યાં તેમનો પ્રથમ અને મુગ્ધ પ્રેમ જન્મયો હતો તે જગા ત્યાગી દૂર દૂર ચાલ્યા ગયા........

*********

બીજા અજાણ્યા શહેરમાં અશક્ત શરીરની લાચારીમાં ભીખ માંગીને પેટ ભરતા પણ, એકમેકને સહજ આદિમ આવેગમાં ચાહી ખરા અર્થમાં નિઃસ્વાર્થ પ્રેમની અમીરાઈમાં જીવતા રોહિણી અને કાનજીને સાત વર્ષ ક્યારે વીતી ગયા...? તેની ખબર જ ના પડી...
અષાઢ મહિનો પૂરો થવામાં હતો. સતત ત્રણ દિવસ પડેલા અવિરત વરસાદને કારણે નદીમાં પૂર આવવાથી તથા શહેરનો જીવન વ્યવહાર કપાઈ જતા, દૂધ, શાક અને જરૃરિયાતની વસ્તુઓ મળી શકી ન હતી . લોકો ઘરની બહાર નહોતા નીકળી શક્યાં, ન દુકાનો ખુલી , ન રેંકડી.. ન કશુંએ ખુલ્યુ. ભુખથી તરફડી મરી ગયેલા કેટલાય લોકોની લાશો, જાહેર રસ્તા પર, બગીચાઓના બાંકડે, ઠેક ઠેકાણે રઝળતી હતી.
ફ્લાયઓવર બ્રિજની નીચે એક ખૂણા પર કાચી ખોલીમાં રહેતી રોહીણી છેલ્લા ત્રણ દિવસથી, ભૂખથી પથારીવશ હતી અને કાનજી ચિંતામાં....
ચોથે દિવસે વરસાદ બંધ થતાં અને રેંકડીઓ તથા નાસ્તાની લારીઓ ખુલતા, બંધ આંખ કરી પડી રહેલી રોહિણીની નજીક જઈ કાનમાં "હું તારા માટે કઇંક ખાવાનું લઈ આવું" કહીને રેંકડી દોડાવી મૂકી.
બે કલાક જેટલું લોકોને કરગરી અને ભૂખ સંતોષાય તેટલું ભાણાંમાં લઈ ફ્લાય ઓવર બ્રિજ તરફ ભાગ્યો..
આજે ઉઘાડ નિકળતા રોગચાળો ફાટી નીકળવાની દહેશતને ધ્યાનમાં રાખી, સ્લમ વિસ્તાર, અન્ય ભિખારીઓ રહેતા હતા તે જાહેર વિસ્તારમાં શહેરના સુધરાઈ તરફથી માણસો સાથે શબવાહિનીઓ દોડાવી બિનવારશી લાશનો યોગ્ય રીતે નિકાલ કરવાનો હૂકમ થયો હતો.
કાનજી લગભગ પાંચસો મીટર દૂર હતોને તેણે જોયું તો, બ્રિજના છેડે રહેતા ભિખારીઓના ટોળા વચ્ચે, શહેરના સુધરાઈ ખાતાની શબવાહિનીમાં રોહિણીને ગોઠવી રહ્યા હતા. ભૂખથી રોહિણી શબવાહિની આવી તેના થોડા સમય પહેલાં જ મરણ પામી હતી.
કાનજીએ ચાલણ ગાડીને જોરથી ધક્કો મારી દોડાવી મુકી.
પરંતુ તે પહોંચે તે પહેલાં શબવાહિની ફ્લાય ઓવર બ્રિજ ઉપર થઇ નદીની પેલી બાજુ આવેલા મુક્તિધામ તરફ જવા છૂટી ચૂકી હતી.
તે ચાલણ ગાડીના સહારે માંડ માંડ બ્રિજ ઉપર પહોંચ્યો. નદીની પેલી તરફ ઘણી નનામી સળગી રહી હતી અને તેના ધૂમાડા આકાશ તરફ ઉડી રહ્યા હતા.
તેનો આત્મા અસહ્ય વેદનાથી કકળી ઉઠયો.
જે ભાણાંમાં રોજ ભેગા જમતા તે, રોહિણીની ત્રણ ત્રણ દિવસની ભુખ ભાંગવા લાવેલા આજના ભાણાં તરફ એક નજર નાખી, ,ભોજનથી ભરેલું અંતિમ ભાણું હવામાં ફંગોળતા,તે ઝોલા ખાતુ ખાતુ નદીમાં પછડાઈ વહેણમાં તણાઈ ગયું.
ને.. કાનજી..???
ફરી મુક્તિ ધામ તરફ નજર નાખી, હવામાં કારમી ચીસ પાડી પુલ પર ચત્તોપાટ પટકાતાની સાથે કાયમને માટે મોતની પછેડી ઓઢી સૂઈ ગયો..........

*****************************************