Hathma hath books and stories free download online pdf in Gujarati

હાથમાં હાથ..

અલય સતત પીછો કરી રહ્યો હતો. તેને ખબર પડી ગઈ હતી કે આ એજ ચાલ છે, એ જ બાંધો અને એ જ કલર છે, બહુ રૂપાળી પણ નહીં અને બહુ કાળી પણ નહીં બસ, આ જ કલર હતો તેનાં શરીરનો ઘંઉવર્ણો પણ પર્સનાલિટી સખત, કોઈ પણ માણસને એકજ વારમાં ઈમ્પ્રેસ કરી દે તેવી અને મારા જેવો તો તેના પ્રેમમાં પણ પડી જાય..!!

આમ વિચારતાં વિચારતાં અલય સખત ઝડપથી ચાલી રહ્યો હતો અને અંગનાનો પીછો કરી રહ્યો હતો.

અંગના પણ કંઈક વધારે પડતી જ ઉતાવળમાં હતી. તેની પીઠ ઉપર એક નાનકડું ટેટુ કરાવેલું હતું, બટરફ્લાય. બસ, એટલે જ અલયને પાક્કો વિશ્વાસ બેસી ગયો હતો કે સો એ સો ટકા આ અંગના જ છે. તેણે એક બેગ ભરાવેલુ હતું અને કાનમાં ઈયરફોન લગાવેલા હતાં અને પોતાની મસ્તીમાં મસ્ત બસ એકદમ સ્પીડમાં ચાલી રહી હતી.

એટલામાં એક ટ્રેઈન આવી અને હજી તો ઉભી પણ રહી ન હતી અને અંગનાએ તે પકડી લીધી અને ફટાફટ લેડીઝ ડબ્બામાં ચડી ગઈ.

" ઑહ, નૉ..." અલયના મોંમાંથી ઉદગાર નીકળી ગયો અને માથે હાથ મૂકીને તે દાદર રેલ્વે સ્ટેશન ઉપર ઉભો ઉભો એ ફાસ્ટ દોડતી ટ્રેનને એકીટસે જોઈ રહ્યો.

પછી તેનાં ચહેરા ઉપર એકદમ ઉદાસી છવાઈ ગઈ. પાંચ વર્ષ પછી બરાબર પાંચ વર્ષ પછી તેણે અંગનાને જોઈ હતી. કદાચ, તે અંગના છે કે નહિ તે પણ નક્કી ન હતું પરંતુ છતાં અલયનું મન તેને જોઈને એક થડકાર ચૂકી ગયું હતું અને તે બીજું કંઈ વિચારે તે પહેલાં તો તેનું મન અને તેનાં પગ બંને તેનો પીછો કરવા લાગી ગયા હતાં.

હવે શું..?? એ તો ચાલી ગઈ..?? તેણે તો દોડતી ટ્રેન પકડી લીધી..અને આ તો બૉમ્બે છે, બૉમ્બે અહીંયા રોજના હજારો માણસોની અવરજવરમાં અંગના તેને ફરીથી મળશે ખરી..?? તે એક વિકટ પ્રશ્ન છે.

મન કેવું માંકડા જેવું છે..!! જેને આટલા સમયથી ભૂલી ગયો હતો અને ફરીથી ક્યારેય યાદ પણ નહીં કરું તેવી કસમ પણ ખાઈ લીધી હતી છતાં તેનો સામાન્ય અણસાર મળતાં જ પાછું એનાં વિચારોમાં ખોવાઈ ગયું અને વર્તમાનમાંથી ભૂતકાળમાં ધકેલી ગયું.

અલયના કૉલેજ કાળના સમયની આ વાત છે. ત્યારે અલય આઈ.ટી. એન્જિનિયરીંગના છેલ્લા વર્ષમાં હતો અને તેને જોગીન્ગ અને ખુશનુમા સવાર બંને ખૂબ વ્હાલાં એટલે એકપણ દિવસ તેનો જોગીન્ગ વગરનો પસાર થતો નહીં વહેલી સવારે ઉઠીને તે ગાર્ડનમાં જોગીન્ગગ ટ્રેક ઉપર આવી જતો અને ક્યારેક તેનો મિત્ર વિવાન પણ તેને કંપની આપવા માટે આવી જતો.

એક દિવસ અચાનક અંગના પણ પોતાના આકર્ષક જોગીન્ગ ટ્રેકમાં જોગીન્ગ કરવા આવી ચડી. નવી સ્માર્ટ છોકરીને જોઈને આ બંનેના મનમાં સળવળાટ ઉપડ્યો, અલય અને વિવાન બંને મિત્રો વચ્ચે બીટ લાગી કે કોણ પહેલા તેની સાથે દોસ્તી કરીને બતાવે છે...??

પછી તો વિવાન પણ નિયમિત રીતે જોગીન્ગ કરવા માટે આવવા લાગ્યો. એક દિવસ અલય થોડો વહેલો જ ગાર્ડનમાં આવી ગયો હતો અને એટલામાં અંગના પણ આવી.

બંને પોત પોતાની રીતે પોતાની એક્સસાઈઝ કરતાં હતાં પણ અંગના જરા રીલેક્સ થવા માટે એક બાંકડા ઉપર બેઠી. અલય માટે અંગના સાથે વાતચીત કરવાનો સુંદર ચાન્સ હતો જેની અલય આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો.

અલય પણ તેની બાજુમાં જઈને બેઠો અને તે આ બાજુ ક્યાંય નજીકમાં રહેવા આવી છે...?? તેમ પૂછવા લાગ્યો.

અંગનાને અચાનક કોઈએ આવું પૂછ્યું તે થોડું વિચિત્ર પણ લાગ્યું અને તેને ગમ્યું પણ નહીં પરંતુ તેણે મને કે કમને સાચો જવાબ આપ્યો કે, " તે પોતાના અંકલને ત્યાં થોડા દિવસ રહેવા માટે આવી છે. "

પછીતો રોજની મુલાકાત અને બંને વચ્ચે સારી એવી મિત્રતા થઈ ગઈ. અવાર-નવાર વિવાન પણ સાથે રહેતો તેથી ત્રણેયનું એક ગૃપ બની ગયું હતું.

અલયને અંગના ખૂબ ગમવા લાગી અને તે અંગનાને એ બાબતે કોઈ વાત કરે તે પહેલાં જ એક દિવસ વિવાન અંગનાના દેખતાં બોલી ગયો કે, " આલીયા, તું શરત જીતી ગયો યાર " અને અંગનાને આખીયે આ વાતની ખબર પડી ગઈ. તે અલય અને વિવાનથી રિસાઈને ચાલવા લાગી. અલય અને વિવાને, બંનેએ તેને રોકવાની ખૂબ કોશિશ કરી, બંનેએ અંગનાની ખૂબ માફી પણ માંગી પરંતુ અંગના હવે પછી આવે તેમ ન હતી.

એ દિવસ પછી આજે પાંચ વર્ષ પછી અંગનાને અલયે જોઈ હતી અને એ પણ પાછળથી...

બીજે દિવસે ફરીથી એ જ રેલ્વે સ્ટેશન અને એ જ જગ્યા, અલય સમય કરતાં થોડો વહેલો જ જઈને અંગનાની રાહ જોતો ઉભો રહ્યો અને એટલામાં એક બાજુથી ટ્રેન આવી અને બીજી બાજુથી અંગના...

પણ આજે અલયે નક્કી કરીને જ રાખ્યું હતું કે જેવી અંગના આવે તેનો હાથ પકડીને તેને રોકી લેવી...

ટ્રેન જેટલી સ્પીડમાં ચાલતી હતી તેટલી જ સ્પીડમાં અલયના મનના વિચારો અને એટલી જ સ્પીડમાં અંગના પણ ચાલી રહી હતી.

અને અલયે અંગનાને પાછળથી જ પકડી પાડી અને બોલી ઉઠ્યો, "એય, અંગના તું અહીં ક્યાંથી...??"

અને અલયને જોઈને અંગના પણ ખુશ થઈ ગઈ અને બોલી ઉઠી કે, "મને ખબર હતી કે તું મને ગમે ત્યાંથી શોધી કાઢશે..‌"

અલય: એટલે હું તને યાદ છું, હજીપણ, તું મને ભૂલી નથી ગઈ.

અંગના: કોઈ પોતાનો પહેલો પ્રેમ કઈરીતે ભૂલી શકે..??

અલય: હું પણ તને નથી ભૂલી શકયો.

અંગના: જીવનની હરેક પળે તું મને યાદ આવ્યો છે. પરંતુ પપ્પાનું એકાએક અવસાન થયું પછી નાની બહેન ક્રીશા અને મમ્મીની સંપૂર્ણ જવાબદારી મારા ઉપર આવી ગઈ.
અહીં બૉમ્બેમા સરસ જૉબ મળી ગઈ એટલે અમદાવાદ છોડીને અહીં આવવું પડ્યું. મમ્મી અને ક્રીશા ત્યાં જ છે. હું અહીં પી.જી.માં રહું છું. પણ તું અહીં ક્યાંથી...??

અલય: બસ, મને પણ અંહી જ વીપ્રો કંપનીમાં સારી જોબ મળી એટલે હું પણ અહીં આવી ગયો છું.
તે લગ્ન કર્યા કે..

અંગના: બધું અહીંયા જ પૂછી લઈશ કે પછી ક્યાંક લઈ પણ જઈશ...??

અલય: અરે હા યાર, હું તો ભૂલી જ ગયો કે આપણે બંને ભારે ભીડ વચ્ચે ઉભા છીએ પણ મને અહીં પણ તારી બે આંખો અને તેમાં મારા માટે નિતરતો પ્રેમ જ દેખાય છે.

અંગના: એન્જિનિયરમાંથી શાયર ક્યારે બની ગયો...??

અલય: બસ, તારા પ્રેમમાં પડ્યો ત્યારથી.....

અને બંને એકબીજાનો હાથ પકડી ચાલ્યા પોતાની મંઝિલ તરફ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ