From the window of the shaman - 11 in Gujarati Fiction Stories by Ketan Vyas books and stories PDF | શમણાંના ઝરૂખેથી - 11. વ્યગ્ર શમણાંને શાતા વળી..

શમણાંના ઝરૂખેથી - 11. વ્યગ્ર શમણાંને શાતા વળી..

૧૧. વ્યગ્ર શમણાંને શાતા વળી..


....નમ્રતાએ એક મેસેજ મોકલી દીધો, 'ફ્રી થાવ ત્યારે ફોન કરશો?" અને લગભગ બારેક વાગ્યાની આસપાસ ફોન આવી ગયો. મમ્મી રસોડામાં હતા. નમ્રતાએ 'આવું છું' કહી પોતાનાં રૂમમાં જઈ વાત પણ કરી. ડાન્સિંગ અને સંગીત ક્લાસીસની વાત પણ જણાવી. "બહુ જ સારું કહેવાય" એવા સુહાસનાં શબ્દોથી નમ્રતાનાં શરીરમાં સ્પંદન ફરી વળ્યાં, પણ બે-ત્રણ દિવસ ઓફિસનું કામ વધારે હોય; ક્યાંય નીકળાય એવું નહોતું, વાતથી મુખ પર થોડી ઝાંખપ પણ આવી ગઈ.

વધારે વાત થાય એવું તો હતું નહીં. સુહાસ પાસે બહુ સમય નહોતો; ને ફોન પર વધારે શું વાત કરવી એ સૂઝતું પણ નહોતું. નમ્રતા કાંઈ પણ વધારે વિચારી ન શકી કે ન કોઈ પણ પ્રકારનો આગ્રહ કરી શકી. કામકાજની પરેશાની હોય અને ખોટી દોડભાગ થાય એવું યોગ્ય ન લાગ્યું. પોતાની જાતને મનાવીને રસોડામાં મમ્મીની મદદે પહોંચી ગઈ.

"લાવો મમ્મી, તમે બેસો. રોટી હું કરી દઈશ.'' કહીને ધીમે ધીમે પોતાનું કામ ચાલુ કરી દીધું. પોતાનાં મનમાં ઘુમરાતા વિચારોને શાંત રાખવા રોટલી વણતી રહી ને મંદ સ્વરે ગીતો ગણગણતી રહી. થોડી વારમાં બધું કામ - રસોડાનું અને ભોજનનું - પણ પતી ગયું.
* * * * * *
સાંજે પાંચ વાગે કલાસીસના સ્થળે પણ પહોંચી ગઈ. આજે તો માત્ર મળવાનુંજ તો હતું. આમતો, ડાન્સિંગ કલાસીસ બે મહીનેય પતે તેમ નહોતા. અને સંગીતનાં કલાસીસ માટે તો અઠવાડિયે ત્રણ દિવસ માટે જ જવાનું રહેતું હોય છે. વાતચીત થઈ જાય તો પ્રેકટીસ ચાલું રહે અને સમયનો ઉપયોગ પણ થાય.

સંગીતનાં વર્ગો તો ચાલું કરવાની મંજૂરી મળી ગઈ હતી. ગાયન અને સંગીતમાં હાર્મોનિયમ જે અધૂરું હતું એ ચાલું થઈ જશે; ડાન્સિંગનાં કલાસીસ ચાલું થાય એવું ન લાગ્યું. ડાન્સ ટીચરે જ થોડાં દિવસ માટે રજા રાખેલી હતી. તેમની મુલાકટતો થઈ ગઈ. પોતાની વાત કરી. સગાઈની વાત પણ જણાવી. તેનાં ડાન્સ ટીચર, મીનાક્ષીબેન, પોતાનાં ઘરમાં જ ડાન્સના વર્ગો ચલાવતાં. પણ, કોઈ પરિસ્થિતિના લીધે રજાઓ રાખવી પડે તેમ હતી. તેમણે નમ્રતાની સગાઈની વાતને લઇ આનંદ વ્યક્ત કર્યો. મીનાક્ષીબેનના ઘરે મહેમાન આવ્યા હોય એવું પણ લાગ્યું. એટલે નમ્રતાએ ત્યાંથી રજા લીધી.

* * * * *

સંગીતના કલાસ બે દિવસ પછી શરૂ કરવાનાં છે. એક કલાક વધારે પ્રક્ટિસની સૂચના પણ મળી હતી. બે મહિનામાં જેટલું થાય એટલું જ, બાકી હજું એકાદ વર્ષતો તાલીમ લેવી જ રહી. મનમાં ખુશીનો ભાવ પણ હતો કે બહુ દિવસ પછી આ બાજું આવવાનું થયું. આનંદમાં વધારો થઈ જાત જો એમણે અહીં આવવાની હા પાડી હોત; કારણ,આગલે દિવસે આમતો કાંઈ ખાસ વાતોજ નહોતી થઈ.

'કંઈ નહીં. ફરી ક્યારેક. હવે તો આ બાજું તો આવવાનું જ છે ને! એમ મનને મનાવી પોતાનું એકટીવા ચાલું કરી પોતાનાં ઘેર જવા નીકળી. સવારથી મનને લાલચ હતી કે એ મળવા આવે તો સારું. એવાં વિચારો પણ ઘણી વાર આવી ગયા કે અચાનક આવીને સરપ્રાઈઝ આપી દયે તો! મીનાક્ષી ટીચરનાં ઘરથી બહાર નીકળી ત્યારે પણ, અને સોસાયટીના દરવાજે પહોંચી ત્યારે પણ મનમાં એવી જ ઈચ્છા થયા કરતી હતી કે એ અચાનક આવીને સામે જ ઉભા હોય - મારી રાહ જોઇને.

એટલે જ એણે મીનાક્ષીબેનની મંગલમ સોસાયટીના ગેટ પર પહોંચીને એક્ટિવાને બ્રેક પણ લગાવી. ઉભા રહીને ચારે બાજુ નજર પણ કરી લીધી. ગેટની દીવાલ બાજુ એકટીવા ઉભું રાખ્યું. 'મેસેજ કે ફોન આવ્યો હોય એવું ય બને' એમ વિચારી મોબાઈલ ચેક કર્યો. પણ, ફોને પણ એમનાં આવવાનો કોઈ અણસાર ન આપ્યો. "કદાચ, 'રાધે' હોટેલ પર આવીને બેઠા હોય તો..?" અશક્ય જેવી આશાની પણ ખાત્રી કરી લીધી - ત્યાં જાતે જઈને...! રાધે હોટેલનાં જે વિચારો સવારે ચાલેલા એ પ્રમાણે ત્યાં બધું જ હતું. એક લીમડાનું ઘટાટોપ વૃક્ષ, નીચે ગોઠવાયેલ ચારેક બાંકડા, હોટેલની અંદરની બાજુએ બે હરોળમાં ગોઠવાયેલ છએક ટેબલ, સ્ટવ પર મૂકેલ ઉકળતી ચાનો તપેલું, ને એમાંથી નીકળતી વરાળ - બધું જ હતું. પણ, કોઈ પરિચિત ચહેરો નહોતો!

પોતાને ખબર હતી કે પોતે વ્યર્થના વિચારોએ ચડી ગઈ હતી. સુહાસે ચોખ્ખું જ કહ્યું હતું કે એમનાંથી નહીં નીકળાય. છતાંય, અહીં સુધી આવીને ખત્રી કરવા માટે નમ્રતાને પોતાની જાત પર ગુસ્સોતો આવ્યો જ પણ પોતાનાં વર્તનને લઈ હસવું પણ આવી ગયું. "શું નમ્રતા..., તુંય પણ! આમ સાવ પાગલ થઈ છો કે શું? પોતાની જાતને ટકોર તો કરી, પણ એનું મન એ હોટેલમાંથી છૂટતું નહોતું.

"આવું કેમ..? રાધે હોટેલ પર આજ સુધી કયારેય સુહાસ સાથે નથી આવી. પણ એમ કેમ લાગે છે કે અહીં અમે મળ્યા છીએ? સવારે જોવાયેલું દ્રશ્ય સાચું હોય તેવી લાગણી કેમ થાય છે?" આવાં વિચારોની અસરમાં એને ચા અને ખારી બિસ્કિટ યાદ આવી ગયા. આચાનક શું વિચાર આવી ગયો કે તેણે નીચે ઉતરી ખારી બિસ્કિટનું એક પેકેટ પેક કરાવી લીધું અને ઘર તરફ નીકળી ગઈ.

* * * * *

"આ કેમ લાવી, ચકુ?" હાથમાં ખારી બિસ્કિટનું પેકેટ જોઈ, ઘરે પહોંચેલી નમ્રતાને, મમ્મીએ સવાલ કર્યો. "તને વળી ક્યારથી ખારી ખાવાની ઈચ્છા થઈ ગઈ?

"એમ જ મમ્મી. આજે ઈચ્છા થઈ ગઈ. તમને ખબર છે ને કે હું અને મારી સહેલીઓ સાથે ડાન્સ ક્લાસમાંથી છૂટીને ક્યારેક રાધે હોટેલ પર જતાં. ..યાદ છે ને, ...ત્યાં અમે કયારેક બેસીને ચા-નાસ્તો કરતાં?" મમ્મીનાં 'હમ્મ' નાં પ્રતિભાવે તેણે વાત આગળ વધારી. "ત્યાંથી આજ નીકળી તો ઈચ્છા થઈ ગઈ, તે લઈ આવી."

"સારું સારું. મૂક એ વાત બધી. પહેલા એકે, કે કલાસીસનું શું નક્કી થયું? તારા પપ્પાય હમણાં આવ્યા..., એ પણ, પૂછતાં'તા." સરયુબહેને મૂળ કામ પત્યું કે નહીં એ જાણવાની ઉત્કંઠા બતાવી.

નમ્રતાએ વિગતે વાત જણાવી - સંગીત અને ડાન્સ કલાસની, અને પછી પપ્પાને ચા પીવાની બાકી છે એ ખાત્રી કરી; રસોડામાં ચા બનાવવા જતાં જતાં બોલી, 'મમ્મી, થોડી ભૂખ લાગી છે. ચા બનાવી લાવું છું."

ચા ના ત્રણ કપ તૈયાર કરી, મમ્મી-પપ્પાનેય ટેબલ પર બોલાવી લીધા. રાધે હોટેલની ખારી નું પેકેટ આજે પહેલી વાર પોતાનાં ઘરનાં ડાઇનિંગ ટેબલ પર ખુલી ને સામે ગોઠવાઈ ગયું હતું.

"સરસ લાગે છે!' મમ્મી અને પપ્પા - બેઉં લગભગ એક સાથે જ બોલી પડ્યા; પણ નમ્રતા, સવારે કલ્પનામાં અનુભવેલ, સ્વાદને વાગોળતી રહી, સરખાવતી રહી. આખી ખારી ચામાં ડુબાડી જોઈ, અડધી કરીને ટેસ્ટ કરી જોયો અને તેનાં પડ છુટા પાડીનેય જોઈ લીધું - પણ, મમ્મી-પપ્પાએ જે આનંદથી ચા-નાસ્તો કર્યો અને 'વાહ! મઝા પડી! નાં શબ્દો ઉચ્ચાર્યા; પણ, એ અનુભૂતિ ચાના દરેક ઘૂંટે નમ્રતા ફંફોસી રહી હતી.

* * * * *

રાતે પોતાની રૂમમાં અરીસાની સામે બેસીને, હૃદયની બધી 'દિલે-એ-દાસ્તાન' કાચ પર છાપી દેવી હોય એમ અરીસાની સામે નજર કરી ઘુરકી રહી - થોડી ક્ષણ સુધી! આજે અરિસોય જાણે તેને સાંભળવાની તૈયારી સાથે બેઠો હોય! તે હોય જ ને..! છેલ્લા બે દિવસથી, બહાર જતી વખતે એ અલગ અંદાજમાં પોતાની સામે તૈયાર થઈ, મીઠી મુસ્કાન છોડીને જતી હતી!

"એક વાર આવી ગયા હોત તો શું વાંધો હતો?" નમ્રતાના મનમાં ચાલતાં ઘ્વની અનુભવવા, અરીસા માટે તો એ મુખનાં ભાવ જ પર્યાપ્ત હતાં. " સરપ્રાઈઝ તો સરપ્રાઈઝ - એય આપી દીધું હોત..! એમને ખ્યાલ તો આવે ને કે નમ્રતા ક્યાં છે, ક્યાં જાય છે, તેને શું ગમે છે, નમ્રતાને .. , વધારે નહીં..; બસ પાંચ મિનિટ ઉભાઉભ મળી ગયા હોત! આઈસ્ક્રીમનું યાદ રાખ્યું તો હું કેટલી ખુશ થઈ'તી..! એટલે... એ તો હજુય ખુશ જ છું. ....! ખુશી છે..? ક્યાં છે? .. તો આ વાંકુ થયેલું મોં અરીસામાં જો..! એક વાર એમનાથી ન અવાયું, તેમાં ચહેરો આમ સાવ ઉતરી ગયો..?" આઇસ્ક્રીમ, બગીચો, આગલા દિવસની મુલાકાત - દ્રશ્યો એ મનમાં ચાલતાં તોફાનને હળવું કરી દીધું..

એક હળવી મુસ્કાનથી ગાયબ થયેલી લાલી ચમકી ઉઠી. અરિસાએ નમ્રતાના બદલતાં રંગ-રૂપ ઘણી વાર જોયા હશે; પણ ચહેરા પરની આવી ગુલાબી ચમક તો ક્યારેય નહીં. નમ્રતાની આંખોની ગહેરાઈમાં, દૂર -સુદૂર, જાણે કોઈ ખલાસી પોતાનાં શમણાંની નાવને હંકારી રહ્યું હતું - શઢને મજુબૂત રીતે હવાની દિશામાં ઝુકાવી, પાણીનાં ઊંડા ને શાંત પ્રવાહને ચીરી, એ નાવને કિનારા તરફ લઈ જઈ રહ્યો હોય; એવી લાગણી જાણે મનમાં થતી હોય તેમ, નમ્રતાએ પોતાની આંખની પ્રતિકૃતિ પર નજર ટેકવી....!

આંખની સામે હૃદયમાં છપાયેલ સ્મૃતિ સળવળી ઊઠી - પહેલી વાર સુહાસની બાઇકમાં તેમની પાછળ બેસીને બગીચા તરફ જવાની ઘટના - પહેલો અનુભવ...!

એ સુંદર દ્રષ્ય તાજું થતાં, નમ્રતાનાં હોઠેથી બેએક વાકયો સરી પડ્યા.." કેટલું શાંતિથી બાઇક ચલાવ્યું - બગીચે જતી વખતે, કંઇક ફફડાટ હતો પણ એ ભય નહોતો! અને આઇસ્ક્રીમની પસંદગી.., એ કેમ ભુલાય?

...ક્રમશ:


Rate & Review

Amita Patel

Amita Patel 11 months ago

Heena Suchak

Heena Suchak 11 months ago

Vijay

Vijay 11 months ago

Usha Dattani

Usha Dattani 2 years ago