From the window of the shaman - 10 books and stories free download online pdf in Gujarati

શમણાંના ઝરૂખેથી - 10 - શમણાં ઝંખે મીઠી છાંવ..

૧૦. શમણાં ઝંખે મીઠી છાંવ..


આખા દિવસનો ઘટનાક્રમ નમ્રતાનાં મનમાં ચાલતો રહ્યો. રાતે પોતાની પથારીમાં હોવાં છતાંય, મન બગીચાની એક કલાકને વાગોળતું રહ્યું. સુહાસની બાઇક પર પહેલી વાર બેસવાનું થયું, મનમાં નક્કી કરેલ બગીચો અને પોતાની પસંદગીનો આઇસ્ક્રીમ, અને વાત કર્યા વગર જ બેસી રહેવાની ક્રિયા...ને ઘણું બધું.

વિચારોની ઘટમાળ 'આઇસ્ક્રીમ અને બગીચા' પર ઘુમરાવા લાગી - 'એજ બગોચો' અને 'મારી પસંદગીની આઇસ્ક્રીમ' - એ કેવી રીતે સૂઝ્યું હશે એમને? આઈસ્ક્રીમની વાત એમણે યાદ રાખી ખરી?" મુખ પર હળવી મુસ્કાન રમવા લાગી.

આખી રાત પુરી થઈ છતાંય મુખ પરની મુસ્કાન ચહેરા પર જાણે થિજેલી જ રહી. એટલે સવારે મમ્મીએ ચા બનાવવાનું કામ સોંપતા હળવી ઠેકડી કરી લીધી, "જોજે ચા મીઠી ન થઈ જાય!"

ચા પીતી વખતે મમ્મીએ ચાનાં સ્વાદમાં ગંભીરતાનો રસ ઉમેરતાં હોય તેમ નમ્રતાનાં નૃત્યનાં અધૂરા વર્ગો પુરા કરવાનું સૂચન કરી દીધું. "બેટા, ઉપરવાળાની દયાથી બધું સારું જ ચાલી રહ્યું છે. હજુ બે મહિના સુધી તારા હાથ-પગ છુટા છે, ત્યાં સુધી તારા ક્લાસનું પતાવી દે. આમેય પંદર દિવસથી તો એ બાજું વિચાર્યું જ નથી."

નમ્રતા હકારમાં માથું હલાવતી રહી અને પોતાનાં એક હાથની કોણી ટેબલ પર ટેકવીને ચા પીતી રહી. એટલે મમ્મીએ પોતાની વાત આગળ ધપાવી. "જો દીકરા, હવે આટલો તો ટાઇમ છે તારી પાસે. પછી સાસરે જઈને આ બધું કાંઈ થોડું થવાનું. સાસરી એ તો સાસરી જ કહેવાય. ભલે, ઘર સારું છે. પૈસેટકે બધું જ સારું જ છે; પણ લગ્ન પછી લગામ લાગ્યા વગર ના રહે!

"મમ્મી એતું બધું થઈ જશે. ડાન્સના કલાસ માટેતો કાલે જ જઈ આવીશ. સંગીતનાં ક્લાસનું ય સાથે જ જોઈ લઇશ. થાય એટલું ખરું! એ લોકોએ નોકરી કે બીજી કોઈ બાબત માટે ક્યાં વિરોધ કર્યો છે? બાકી જોયું જશે."

"કાલે શા માટે? આજે કર્યું એ કામ. આજેજ તપાસ કરી લે." મમ્મીએ પોતાનો સ્પષ્ટ અભિગમ રજું કર્યો.

"સારું મમ્મી, એવું કરીશ ત્યારે" જવાબ આપ્યો અને મનની અંદર ડાન્સિંગ કલાસનું લોકેશન નજર સામે આવી ગયું. પોતાનું મન થનગનાટ કરતું કરતું, પગમાં ઘૂંઘરુંનાં અવાજ લઈ, આજુબાજુનાં પરિચિત સ્થળોએ નીકળી પડ્યું. બસ, એ તો ચાલ્યું - ટહેલતું!

"...ત્યાં નજીકમાં જ એક મોલ છે. એક બર્ગર હાઉસ છે. ત્યાંથી થોડે જ દૂર એક ફેમિલી રેસ્ટોરન્ટ છે. જેની નજીક જ એક 'રાધે' ચાની હોટેલ છે." નૃત્યનાં તાલે ચાલી નીકળેલું મન ચાની હોટેલ પર પહોંચીને ત્યાંના બાંકડે બેસી પડ્યું. " કેટલા સરસ ટેબલ ગોઠવેલ છે. બાજુમાં એક લીમડાનું ઝાડ છે. એ ઝાડની બાજુમાં પડેલ બાંકડે બેસીને ચા પીવા માટે એમને પણ બોલાવીશ. એકાદ મહિનો ક્લાસ ચાલશે તો ત્રિસેક દિવાસતો એમને ત્યાં જ મળી જવા કહીશ. રાજુભાઇ 'રાધે'વાળાની ચાતો જોડીમાં ને ગ્રૂપમાં બેસવામાં જ જાણીતી છે." ઘરનાં ટેબલે બેઠાં બેઠાં, પોતાનાં કપની ચાતો પુરી થઈ ગઈ'તી; પણ 'રાધે'ની ચાનાં બે કપ હજું ટેબલ પર આવીને પડ્યાતાં. ..

..." પીવો ને ચા. અહીંની ચા બહુ સરસ હોય છે!" પોતે સુહાસને કહેતી હતી, ને પછી; 'રાજુકાકા, ખારી બિસ્કિટ આપજોને..!"
સુહાસની નજર મારી આંખમાં ધારી ધારીને વળગી પડી'તી. "કેમ, ખારી બિસ્કિટ બહુ ગમે છે તને?"

"ના, ના, એટલે હા, પણ એવું નહીં; અહીં બેસીને ચા સાથે ખારી બિસ્કિટ બહુ સ્વાદિષ્ટ લાગે છે. મને બહુ જ ગમે છે. તમેય ટ્રાય કરો."

"આમતો મને એ.. એટલે આ ખારી ઓછી ગમે. પણ, આજે તો ટ્રાય કરીશ જ." બોલીને એક ટુકડો ચાના કપમાં થોડો અડાડી, મોંમાં મુકી દીધો. "સરસ લાગે છે! તારા માટે આપણે ઘરમાં જ ખારીના પેકેટ ભરી લાવીશું" સુહાસે નમ્રતાની ઈચ્છાને બિરદાવતા ભાવીનું આયોજન જણાવ્યું.

"ના.., જોજો એવું કરતાં. હું તો મારા ઘરેય ક્યારેક જ ખારી ખાવ છું. આનાં માટે તો અહીં જ આવવું પડે. આવશોને? આવીશુંને? એક -એક કપ ચા ફરી મંગાવીએ?" જવાબની રાહ જોયા વગર જ, "રાજુકાકા, બે કપ ચા લાવશો?"....

.." એ મારી સામે જોઈ રહ્યા હતા, મેં ચાના આવવાની રાહ જોઈ મારા કપ પર નજર ઝુકાવી દીધેલી હતી. ખરેખર ચાનો સ્વાદ આજે જુદો જ હતો. આનંદ હતો કારણકે બે આંખો તીરછી થઈ મારી તરફ લાગેલી હતી અને સાથે હતી ખારી બિસ્કિટ તેમજ ચાના કપ આવવાની રાહ.....! બહુ અદભુત દ્રશ્ય - ખાલી થયેલા કપ, ખારીનું અડધું પતી ગયેલ પેકેટ, ને ચાનો કપ ફરી ભરાય તેની રાહ; અને અમે બેઉં સામસામે, લીમડાની નીચે, ખારીની સાથે મીઠી મધુરી ચાનો આનંદ લેતાં હોઈએ..! પણ, હજુ કેમ નહીં આવ્યા...? ચા લઈને...? ...."

બસ, 'રાધે'ની ચાના બાંકડે અટકેલું મન ચાની રાહમાં હતું....ત્યાં..

"બેટા,... ઓ ચકુ?" મમ્મીએ નમ્રતાના ખભ્ભે હાથ મૂકી ફરી કહ્યું, 'ચકુ, જોને... થોડી ચા વધી છે. આપી દઉ. એકાદ કપ જેટલી જ છે." કપમાં ઝુકેલી આંખો, ટેબલની ધારે ચીપકેલી કોણી, ને હાથમાં ત્રાંસો થઈ નમ્રતાને તાકી રહેલો કપ - અચાનક આવેલ મમ્મીના આવજથી ઝબકીને સીધાસટ થઈ ગયાં.

હં..હં.. હા .., શું ? બે કપ? હા..ઠીક છે આપી દો.

"ક્યાં ખોવાય ગઈ? આમ ટેબલ પર દિવસ કાઢવો છે કે શું? હવે થોડું આયોજન કરીને ચાલવું પડે. એક મહિના પછી કામ વધી જશે."મમ્મીએ ચાની તપેલી ખાલી કરી. "એક કામ કર. બજારમાં જઈ આવ અને ક્લાસનું પણ જોઈ લે. સવારે જ બેઉં કામ પતી જશે.

"મમ્મી.., એક કામ કરુ તો? સાંજે જવાનું રાખું તો કેવું? પોતાનાં મનનાં ચાલેલું સાંજનું દ્રશ્ય કદાચ આજે જ સાકાર કરવાની ઈચ્છા થઈ આવી હોય તેમ પોતાની ઈચ્છા દર્શાવી દીધી. "અને.., ટાઇમ મળશે તો સંગીતનાં કલાસ પર પણ જોઈ લઇશ. એના માટે તો સાંજે જવું પડે.'' મમ્મીનો જવાબ 'ના' તો ન જ હોય તેની ખાત્રી હતી. ને મમ્મી કાંઈ આગળ બોલ્યા પણ નહીં.

પોતાનાં વિચારોની સાથે મનમાં આયોજન ચાલવા લાગ્યું. 'એમનેય ફોન કરીને પૂછી જોઇશ. તેમની નોકરીનું સ્થળ ત્યાંથી પાંચેક કિલોમીટર જેવું જ તો હશે. સાંજે એમનો છૂટવાનો ટાઇમ પણ થયો હશે. પણ, કદાચ એ ન આવી શકે તો? ભલેને, વાત કરવામાં શું? અરે.. સારું નહીં લાગે? કાલે તો આવીને ગયા! " ને આમ, મનમાં ગડમથલ ચાલતી રહી, "શું કરું? ફોન કરીને વાત કરી જોઇશ. એ આવે તો ઠીક છે. એમને જણાવી દઈશ કે હું રોજ સાંજે ચાર થી છ સુધી ડાન્સ ક્લાસમાં જવાની છું. સરનામું પણ આપી દઈશ." ટેબલ પર બેઠાં બેઠાં ચાનો બીજો કપ પૂરો કરતાંની સાથે સાંજની તૈયારીમાં મન પરોવાઈ ગયું. તેની નજર સામે 'એ તીરછી અને વિસ્મયથી ભરેલી સુહાસની આંખો તરવરી રહી હતી...!

પણ, મનમાં ઉભા થયેલા સંવાદ માટે, એણે પોતાની જાતને સાંત્વના પણ આપી દીધી, 'એક વાર વાત કરી દઈશ; આવે તોય ઠીક ને ન આવે તોય ઠીક. બસ, આવી જાય તો સારું. એમનેય ગમશે - ત્યાંની ચા ને સાથે ખારી બિસ્કિટ - લીમડાની મીઠી છાંમાં..!

...ક્રમશ: