muththi uncheri stri books and stories free download online pdf in Gujarati

મૂઠ્ઠી ઊંચેરી સ્ત્રી

વાર્તા

મુઠ્ઠી ઉંચેરી સ્ત્રી


સૌરાષ્ટ્રના એક નાના એવા ગામ જેતપુરમાં સાડીની મિલમાં કામ કરતા સુરેશભાઈ અને નયનાબેનને ત્રણ દીકરીઓ. પ્રિયંકા, નેહા અને વૈશાલી. આર્થિક રીતે જોવા જઈએ તો ખૂબ સુખી સંપન્ન કહી શકાય એવું નહી પરંતુ, ખાધેપીધે સુખી કહી શકાય એવું સુરેશભાઈનું કુટુંબ હતું. સુરેશભાઈની ત્રણેય દીકરીઓમાં વૈશાલી સૌથી નાની. વૈશાલીની બે મોટી બહેનો પ્રિયંકા અને નેહાના બાજુમાં જ આવેલા જૂનાગઢમાં ખાધેપીધે સુખી કહેવાય એવા કુટુંબમાં લગ્ન થઈ ગયા હતા. હવે સુરેશભાઈ અને નયનાબેનને માથે સૌથી નાની દીકરી વૈશાલીની જ જવાબદારી બાકી રહી હતી.

વૈશાલી પહેલેથી જ ખૂબ હોશિયાર.... ઘરકામમાં પણ સારી આવડત વાળી અને સ્વભાવે પણ ખૂબ જ શાંત અને મળતાવડી હતી. સ્કૂલમાં અને કોલેજમાં યોજાતી સ્પર્ધાઓમાં તે ઘણીવાર ઇનામો પણ જીતી લાવતી. વૈશાલીને ઉચ્ચ અભ્યાસ કરવો હતો પરંતુ, પિતાની આર્થિક નબળી પરિસ્થિતિને કારણે વૈશાલી વધારે ઉચ્ચ અભ્યાસ કરી ન શકી. વૈશાલી દેખાવમાં પણ સુંદર કહી શકાય એવી હોવાથી વૈશાલી જ્યારે કોલેજના ત્રીજા વર્ષમાં હતી ત્યાં તો નાતમાંથી એના માટે માંગા આવવાની શરૂઆત થઇ ગઇ હતી.

સુરેશભાઈ અને નયનાબેન પણ વૈશાલીનું લગ્ન મોટી બે
બહેનોની જેમ ખાધેપીધે સુખી એવા ઘરમાં ગોઠવાઈ જાય એ માટે મનોમન ભગવાનને પ્રાર્થના કરતા રહેતા. વૈશાલીનું લગ્ન સારી જગ્યાએ ગોઠવાઈ જાય તો એક માતા-પિતા તરીકે તેમના માથેથી જવાબદારીનો ભાર પણ થોડો ઓછો થઈ જાય. દીકરીઓને સાસરે સુખી જોઈને એમના મનને પણ ટાઢક વળે.

સુરેશભાઈના એક નજીકના સંબંધી એક દિવસ વૈશાલી માટે રાજકોટમાં રહેતા કુટુંબની વાત લઈને આવે છે. તેમની વાત સાંભળીને, વાત ઉપરથી તો સુરેશભાઈ અને નયનાબેનને એમના કરતાં ઘણું સારું અને સુખી-સંપન્ન તેમજ બીજી બધી રીતે પણ યોગ્ય લાગે છે એટલે પછી જોવાનો પ્રોગ્રામ નક્કી કરવામાં આવે છે. નક્કી થયેલા દિવસે સુરેશભાઇના નજીકના સંબંધી મુરતિયો અને એમનાં માતા-પિતાને લઈને સુરેશભાઈના ઘરે આવે છે.

રાકેશભાઈ અને માલતીબેનનું કુટુંબ મધ્યમ વર્ગીય કહી શકાય એ પ્રમાણેનું હતું. એમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી. દીકરી સેજલ પરણીને તેના સાસરિયામાં ઘણી સુખી હતી અને પરાગ માટે જોવાનું ચાલતું હતું. રાજકોટમાં એક પ્રાઈવેટ કંપનીમાં મેનેજરની જોબ કરતો પરાગ પણ ઊંચો...., એકવડીયા બાંધાનો...., ઘઉંવર્ણો...અને દેખાવમાં સરસ કહી શકાય એવો હતો.

બંને કુટુંબો વચ્ચે ચા-પાણી અને વાતચીત થાય છે. વૈશાલી અને પરાગ પણ ઘરના બીજા રૂમમાં વાતચીત માટે થોડી વાર મળે છે. બંને પોતાના વિશે એકબીજાને જણાવે છે અને પરસ્પર પરિચિત થવાનો પ્રયાસ કરે છે. લગભગ એક-દોઢ કલાકની મીટીંગ પછી રાકેશભાઈ, માલતીબેન અને પરાગ ત્રણેય વિદાય લે છે.....

રાકેશભાઈ, માલતીબેન અને પરાગના ગયા પછી સુરેશભાઈ અને નયનાબેન વૈશાલીને બોલાવીને પાસે બેસાડે છે. ત્રણેય જણ મળીને છોકરાના કુટુંબ વિશે વાતચીત કરે છે. ત્રણેયની વાતચીત પરથી આમ તો બધી રીતે યોગ્ય કહી શકાય અને આમ પણ પોતાના પ્રમાણે મધ્યમ વર્ગીય પણ ખાધેપીધે સુખી કહી શકાય એવું નાનું કુટુંબ હતું. વૈશાલીને પણ પરાગ પસંદ આવ્યો હતો પણ હવે છોકરા વાળા તરફથી શું જવાબ આવે તેની રાહ જોવાની હતી.

સુરેશભાઈ અને નયનાબેનના ઘરેથી વિદાય લીધા પછી રાકેશભાઈ, માલતીબેન અને પરાગ ત્રણેય જણ ઘરે પહોંચીને વૈશાલી અને એમના કુટુંબ વિશે વાતચીત કરે છે. તેઓને પણ સુરેશભાઈનું ઘર ખાનદાની અને સંસ્કારી કુટુંબ લાગેલું અને પરાગને પણ વૈશાલીને બધી જ રીતે પસંદ પડેલી.

અરસ-પરસ બંને કુટુંબોને બધુ બરાબર લાગતા વૈશાલી અને પરાગની વાત આગળ વધે છે અને બંને કુટુંબો મળીને સગાઈનું શુભ મુહૂર્ત નક્કી કરે છે. નક્કી કરેલા શુભ દિવસે પરાગ અને વૈશાલીની સગાઈ થાય છે. વૈશાલી પણ પોતાના કરતાં એક-બે ડગલા ઊંચું કહી શકાય એવું ઘર મેળવીને ખૂબ ખુશ હતી. સુરેશભાઈ અને નયનાબેન પણ તેમની આ નાનકડી દીકરી વૈશાલીને સારું ઘર મળ્યું તેથી રાજી હતા.

વૈશાલી અને પરાગ વચ્ચે ફોન પર વાતોની આપ-લે થતી. રજાના દિવસે ક્યારેક પરાગ તેને મળવા પણ આવતો. બંને સાથે ફરવા પણ જતા અને સગાઈ થયા પછી વૈશાલી તહેવારમાં કંકુ પગલાં કરવા એકવાર સાસરે પણ આવી હતી. પરાગથી વૈશાલી બધી જ રીતે ખૂબ ખુશ હતી.

લગભગ સાત-આઠ મહિના પછી પરાગ અને વૈશાલીના લગ્નની તારીખ નક્કી કરવા માટે બંને કુટુંબો મળે છે અને લગ્નનો શુભ દિવસ નક્કી કરવામાં આવે છે. પરાગ અને વૈશાલીના ધામધૂમથી લગ્ન થાય છે અને વૈશાલી લગ્ન કરીને સાસરે આવે છે.

વૈશાલીના સાસરે પહેલેથી જ ઘરમાં માલતીબેનનો દબદબો અને શાસન ચાલતું હતું. આખા ઘરમાં માલતીબેન નો જ વર્ચસ્વ હતું. માલતી બહેન કહે તો રાત અને માલતીબેન કહે તો દિવસ એવું ઘરમાં માલતીબેનનું સામ્રાજ્ય હતું. માલતીબેનના સ્વભાવને રાકેશભાઈ અને પરાગ બંને ખૂબ સારી રીતે ઓળખતા હતા. પરંતુ રોજબરોજ ઝઘડા કરવા કરતાં માલતીબેન ના સ્વભાવ સાથે એડજસ્ટ થઈ જવાનું જ બંને બાપ-દીકરાને યોગ્ય લાગતું.

લગ્નની શરૂઆતનો એકાદ મહિનો તો ઘરમાં બધું જ બરાબર ને સુવ્યવસ્થિત કહી શકાય એવી રીતે ચાલ્યું. વૈશાલી પણ સાસરે નવા ઘરની રૂઢી અને રીતભાત પ્રમાણે ઢળી જવાનો પ્રયાસ કરે છે. માલતીબેન, રાકેશભાઈ અને પરાગ ત્રણેયની જરૂરિયાતનું બધી જ રીતે ધ્યાન રાખે છે અને ઘરની જવાબદારીઓને સારી રીતે નિભાવે છે. પરંતુ, માલતીબેન તેમના કચકચીયા અને કર્કશ સ્વભાવ પ્રમાણે વૈશાલીના દરેક નાના-મોટા કામ પર ઝીણવટભરી નજર રાખતા રહે છે.
વૈશાલીના દરેક કામમાં તેને ટોકતા રહે છે પરંતુ, વૈશાલી સેટ થવાનો પ્રયાસ કરતી રહે છે. સાસુ માલતીબેન પોતાના માટે જ કહી રહ્યા છે એમ વાતને પોઝિટિવલી લઈને વધારે સારી રીતે તેમની આજ્ઞાને અનુસરવાનો પ્રયાસ કરતી રહે છે.

માલતીબેન ગમે તેટલું કચકચ કે ટકટક કરે પણ વૈશાલી તેના સ્વભાવ પ્રમાણે વાતને સારી રીતે જ લેવાનો પ્રયાસ કર્યા કરે. પરાગ તો આખો દિવસ ઓફિસે હોય પણ રાકેશભાઈ આ બધું જ જોયા કરે. તેમને પણ પોતાની પત્ની માલતીનું આ વર્તન ગમતું નથી પરંતુ, વહુની સામે માલતીબેનને કશું કહી નથી શકતા.

આમ કરતાં કરતાં જોતજોતામાં તો બે વરસ પસાર થઇ જાય છે પરંતુ, માલતીબેનનો સ્વભાવ સુધરવાને બદલે વધારે ને વધારે બગડતો જાય છે. તેમની જોહુકમી તો વધતી જ જાય છે. લગ્નના બે વર્ષ સુધી સંતાન ન હોવાથી માલતીબેન હવે તો વાતે-વાતે વૈશાલીને ટોણા મારતા રહે છે. અત્યાર સુધી સાસુના બધા જ મેણા-ટોણા સહન કરીને પણ ઘરમાં સંસ્કારી બનીને રહેતી વૈશાલીથી આ વાત ઘણી વાર સહન નથી થતી પરંતુ, તે કડવો ઘૂંટડો પી જાય છે. પરાગ પણ રાત્રે થાકીને ઓફિસેથી આવતો હોય એવું વિચારીને વૈશાલી કદી પરાગને પણ ફરિયાદ નથી કરતી. ચુપચાપ બધું સહન કર્યે જાય છે. પરંતુ, વૈશાલીની સહનશક્તિની માલતીબેન ઉપર કોઈ સકારાત્મક અસર થતી નથી.....

ધીમે-ધીમે માલતીબેન પરાગને પણ વૈશાલીની વિરુદ્ધમાં ઉશ્કેરવાનું શરુ કરે છે. વૈશાલીને ઘર સાચવતા નથી આવડતું..... વૈશાલીને સંતાન નથી...... તું ઓફિસે જતો રહે છે પછી વૈશાલી અમારું ધ્યાન બરાબર નથી રાખતી..... આવી હજારો વાતો કરી-કરીને માલતીબેન પરાગનું પણ બ્રેઇનવોશ કરવાનો પ્રયાસ કર્યા કરે છે. પરંતુ, પરાગ વૈશાલીને કશું કહેતો નથી કારણ કે પરાગ એના મમ્મીના કર્કશ સ્વભાવથી ખૂબ સારી રીતે પહેલેથી જ પરિચિત હતો.

આવા જ તંગદિલીભર્યા વાતાવરણમાં બીજા છએક મહિના પસાર થઇ જાય છે. માલતીબેન હવે પરાગ ઉપર દબાણ કરે છે કે વૈશાલીને કાઢી મૂકીએ. તારે જો સંતાન ન થાય તો આખી જિંદગી તમે કેવી રીતે જીવશો. પરાગ અને રાકેશભાઈનું માલતીબેનના દબાણ સામે કશું જ ચાલતું નથી અને એક દિવસ માલતીબેન સંતાન નથી એ બાબતે ખૂબ જ ઝઘડો કરીને વૈશાલીને ઘરમાંથી કાઢી મૂકે છે.

ઘરના ઉંબરાની બહાર પગ મૂકતાં જ વૈશાલી લગભગ બેભાન જેવી થઈ જાય છે. હવે શું કરવું...? વૈશાલીને કશું જ સમજાતું નથી. વૈશાલીને ક્ષણ માટે વિચાર આવે છે કે જો આ રીતે મમ્મી-પપ્પાના ઘરે જઈશ તો મારા મા-બાપ નું શું થશે..? એમના ઉપર શું વીતશે....? આ વિચાર તેને ધ્રુજાવી મુકે છે. પરંતુ, વૈશાલી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી. વૈશાલી જેમ તેમ કરીને એસ.ટી.બસ પકડીને પોતાના પિયર પહોંચે છે.

દર વખતે હસતા મોઢે આંટો દેવા આવતી દીકરીનું આજે આમ પડેલું અને રોયેલું મોઢું જોઈને વૈશાલીના મમ્મી નયનાબેન કશુંક અઘટિત બન્યું છે એવું તરત જ સમજી ગયા. દીકરીને મીઠો આવકારો આપે છે. પાણી ભરીને લાવે છે પણ વૈશાલી નીચું મોઢું કરીને ગુમસુમ બેસી રહે છે ત્યારે નયનાબેન હળવેકથી પૂછે છે કે શું થયું બેટા....? વૈશાલી ખૂબ ભારે હ્રદયે મમ્મીને આખી ઘટના અને બે વર્ષના લગ્નજીવનની આપવીતી સંભળાવે છે. વૈશાલી સાસરે સુખી છે એવું સમજતા નયનાબેન અને સુરેશભાઈ વૈશાલીને પડેલું દુઃખ સાંભળે છે ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી જાય છે. પોતાની સંસ્કારી દીકરીએ મા-બાપને ચિંતા ન થાય એ માટે બે વર્ષ સુધી કેટકેટલું સહન કર્યું એની આજે તમને તેમને પહેલી જ વાર ખબર પડે છે.

વૈશાલીની આખી વાત સાંભળી. વૈશાલી ને બંનેએ સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. ગરીબ મા-બાપ વૈશાલીના સાસરીયા સામે કોઇ જ અવાજ ઉઠાવી શકવા માટે સક્ષમ નથી. થોડા દિવસ વૈશાલીના આમ ને આમ જ પિયરીયામાં વીતે છે પછી વૈશાલી એક દિવસ વિચારે છે કે....., હું મા-બાપ ઉપર બોજ બનીને આમને આમ કેટલા દિવસ રહી શકું ? વૈશાલીએ મન મક્કમ કરીને અધુરું ભણવાનું ફરી પાછું શરૂ કરે છે. ભણવાની ફીની વ્યવસ્થા કરવા માટે પોતે થોડું
ભરત-ગુંથણ અને સિવણનું કામ પણ કરે છે અને પોતાનો ખર્ચો પોતાની જાતે જ પાડવાનો પ્રયાસ કરે છે.

પરાગના પપ્પા રાકેશભાઈ ખૂબ સજ્જન માણસ હતા. વૈશાલીને માલતીબેને જ્યારે ખૂબ જ કડવા વેણ સંભળાવીને ઘરમાંથી કાઢી મુકી ત્યારે રાકેશભાઈ અંદરથી હચમચી ગયેલા પરંતુ, રાકેશભાઈનું ઘરમાં કશું જ ઉપજતું નહી. પરાગનું ઘર પોતાની પત્નીના કારણે ભાંગી જવાથી રાકેશભાઈ આ કડવો ઘૂંટડો કોઈપણ રીતે ગળે ઉતારી શકતા ન હતા અને અંદરથી ખૂબ જ દુઃખી અને ટેન્શનમાં રહ્યા કરતા. જુવાન દીકરા
પરાગને પણ તેની મમ્મી વિશે કશું કહી શકતા ન હતા. આવડી ઉંમરે દીકરાનું હર્યુભર્યું ઘર તૂટતું જોઈને રાકેશભાઈ બીમાર રહેવા લાગ્યા અને એક દિવસ અચાનક રાકેશભાઈને હાર્ટ એટેક આવી જાય છે અને રાકેશભાઈ નું મૃત્યુ થઈ જાય છે

આ બાજુ વૈશાલી તેની સાથે થયેલી અઘટિત ઘટનાને ભૂલીને આગળ વધી જવા માંગે છે. વૈશાલી ભણવામાં તો પહેલેથી હોશિયાર જ હતી એટલે ગ્રેજ્યુએશન પૂરું કરે છે અને એક પ્રાઈવેટ કંપનીમાં વૈશાલી જોબ પર લાગી જાય છે. કામમાં વ્યસ્ત રહેવાની સાથે-સાથે વૈશાલી પોતાના દુઃખદ ભૂતકાળને ભુલવાનો પ્રયાસ પણ કરતી રહે છે. પોતાની કુનેહ અને આવડતથી ઓફિસમાં તેમને એકાદ વરસમાં પગાર વધારો પણ કરી આપવામાં આવે છે. હવે વૈશાલી પોતાના પગારમાંથી પોતાનો ખર્ચો તો ઉપાડી જ લેતી હતી પરંતુ હવે ઘરમાં પિતાને પણ થોડી મદદ કરી શકતી હતી. જિંદગીની ગાડી હવે થોડી સારી રીતે ચાલી રહી હતી પરંતુ વૈશાલીનું નોકરીમાં મન લાગતું ન હતું. પોતે જે પરિસ્થિતિનો ભોગ બનવું પડ્યું તેવી પરિસ્થિતિનો ભોગ બીજી સ્ત્રીઓને ન બનવું પડે એ માટે વૈશાલી સ્ત્રીઓને માટે કામ કરતી એક સંસ્થા ખોલવાનું નક્કી કરે છે. શરૂઆતમાં બે-ત્રણ રૂમનો ભાડાનો ફ્લેટ રાખીને વૈશાલી વૃદ્ધાશ્રમ અને સાથે-સાથે ત્યક્તા સ્ત્રીઓને ( જેમને સાસરેથી ત્રાસ આપીને પર છોડી મુકવામાં આવેલી હોય તેવી સ્ત્રીઓને ) સહારો આપતી "મધુવન" નામની એક સંસ્થા શરૂ કરે છે. ધીમે-ધીમે વૈશાલીના સ્વભાવ... આવડત અને તરછોડાયેલા વૃદ્ધોની કાળજી કરવાની કુનેહના લીધે તેની સંસ્થાનું ખૂબ સારું નામ થઇ જાય છે અને તે ભાડાના ફ્લેટમાંથી હવે મોટી જગ્યાએ સંસ્થાને શિફટ કરે છે. પોતે સંસ્થાની સંચાલિકા અને ટ્રસ્ટી તરીકે ખૂબ સારી રીતે કામગીરી કરી રહી છે.

રાકેશભાઈના મૃત્યુના છએક મહિના બાદ તરત જ માલતીબેન પરાગને બીજા લગ્ન કરવા માટે દબાણ કરવા લાગે છે. પરાગ વૈશાલીને ભૂલ્યો નથી કારણ કે તે વૈશાલીને ખૂબ ચાહતો હતો. પરાગ અને વૈશાલી ની વચ્ચે પર્સનલી કોઈ જ વાંધો ન હતો પરંતુ, માતાના કડક અને તાનાશાહી સ્વભાવના કારણે પરાગની જિંદગી પણ વૈશાલી વગર ઉજ્જડ અને વેરાન બની ગઈ હતી. પરાગને તેની મમ્મીની જોહુકમીના કારણે બીજા લગ્ન કરવા પડે છે. પરાગના બીજા લગ્ન મધ્યમ વર્ગની સીમા સાથે થાય છે. સીમાનું પણ પહેલા એક વાર લગ્ન તૂટી ગયેલું.

સીમા અને પરાગના કોર્ટ મેરેજ થાય છે અને લગ્ન કરીને સીમા સાસરે ઘરે આવે છે. માલતીબેન જેવી રીતે વૈશાલી ઉપર જોહુકમી ચલાવતા હતા એવી જ જોહુકમી સીમા પર ચલાવવાનો થોડા જ દિવસમાં પ્રયાસ શરૂ કરે છે પરંતુ, અહીંયા માલતીબેનની ચાલ ખોટી પડે છે સીમા માલતીબેનના એક વાક્યની સામે ત્રણ વાક્ય કહી દે છે. માલતીબેનની એક પણ શિખામણ કે વાત કાને ધરતી નથી. પોતાની રીતે જ રસોઈ બનાવે છે...., પોતાની રીતે જ મનમાનીથી રહે છે અને ફુરસદનો બધો ટાઈમ મોબાઇલમાં જ પસાર કરે. માલતીબેન મુંઝાય છે કારણ કે માલતીબેનનું શાસન સીમા સામે ચાલી શકતું નથી. પરાગના બીજા લગ્ન કરાવીને માલતીબેને જાણે તેના જ પગ ઉપર કુહાડી મારી હતી એવો અનુભવ તેને પોતાને થવા લાગેલો. પરંતુ, હવે તો ફરિયાદ પણ કોને કરે....? હવે તો પરાગને પણ ફરિયાદ કરી શકાય એમ ન હતી કારણ કે પોતે જ દબાણ કરીને પરાગને બીજા લગ્ન કરાવ્યા માટે મજબૂર કરેલો.

સીમા અને માલતી બંન્ને સાસુ-વહુના ઝઘડા લગભગ રોજનો નિત્યક્રમ બની ગયા હતા. પરાગ તો પહેલેથી જ તેના મમ્મીને જાણતો હતો એટલે સીમાને પણ શું કહે...? માલતીબેન અને સીમાની વચ્ચે પરાગની પરિસ્થિતિ સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી. સીમાને હવે માલતીબેન ઘરમાં કાંટાની જેમ ખૂંચતા હતા. સીમા પરાગને રાત્રે બેડરૂમમાં જુદું થવાનું કહેતી પરંતુ એવું શક્ય ન હતું કારણકે પપ્પા પણ દુનિયા છોડીને ચાલી ગયેલા અને મમ્મીને એકલા છોડીને કેવી રીતે જુદું થવાય..?!

માલતીબેનની આ રોજની કચકચથી સીમા લગ્નના થોડાક જ વર્ષમાં તો સાવ કંટાળી ચૂકી હતી. એક દિવસ માલતીબેન સીમાને તેના મા-બાપ વિશે આડાઅવળા કવેણ કહ્યા ત્યારે સીમાથી આ સહન થતું નથી અને સીમા પરાગને કહે છે કે કાં તો આ ઘરમાં હું નહીં અથવા તો તારી મમ્મી નહી..... મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવીએ મને મમ્મી આ ઘરમાં જોઈએ જ નહી.

પરાગ સીમાને સમજાવવાનો પ્રયાસ કરે છે પરંતુ, આજે પરિસ્થિતિ સીમાના માથા ઉપરથી જતી રહી હતી. સીમા કોઈ પણ વાતે સમજવા કે માનવા તૈયાર થતી નથી અને માલતીબેનને વૃદ્ધાશ્રમમાં મુકવાની પરિસ્થિતિ આવીને ઊભી રહે છે.

શહેરની આજુબાજુ વૃદ્ધાશ્રમ ચલાવતી સંસ્થાઓની તપાસ કરવામાં આવે છે. થોડી તપાસ કર્યા પછી એક વૃદ્ધાશ્રમમાં મળવાની અપોઈન્ટમેન્ટ લેવામાં આવી. સીમા અને પરાગ માલતીબેનને લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા. સીમા, પરાગ અને માલતીબેન ત્રણેય જણ સંસ્થાની અંદર પ્રવેશ કરે છે અને રીસેપ્શન પર પૂછપરછ કરતાં પરાગને ખબર પડે છે કે આ સંસ્થાની સંચાલિકા તેની પૂર્વ પત્ની "વૈશાલી મહેતા" છે અને તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. વૈશાલી મહેતાનું નામ સાંભળીને પરાગનું હૃદય એક ધબકારો જાણે ચૂકી જાય છે.!!

પરાગ માલતીબેન અને સીમાને આ સંસ્થાની સંચાલિકા વૈશાલી મહેતા છે એ જણાવે છે પરંતુ, હવે એપોઇન્ટમેન્ટ લઇ લીધી હોવાથી પાછું જઈ શકાય તેમ નથી. થોડી જ વારમાં રિસેપ્શન પર ઓફિસમાંથી ફોન આવે છે અને ત્રણેય જણને અંદર મળવા બોલાવવામાં આવે છે.

સીમા, પરાગ અને માલતીબેન ત્રણેય કેબીનમાં દાખલ થાય છે અને સામેની ખુરશી ઉપર સંચાલિકા તરીકે વૈશાલી મહેતાને જુએ છે ત્યારે માલતીબેનની હાલત તો જાણે કાપો તો લોહી ન નીકળે એવી થઇ ગઇ છે. માલતીબેન માટે તો અત્યારે મોઢું નીચું રાખી બેસવા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.

વૈશાલી પરિસ્થિતિને સામાન્ય કરવાનો પ્રયાસ કરતા અને ઓફિસમાં છવાયેલા સન્નાટાને તોડતા પરાગની સામે જોઈને કહે છે કે....બોલો શા માટે આવવાનું થયું...?? પરાગ પણ
વૈશાલીની સામે નજર નથી મેળવી શકતો અને નીચું જોઈને જ કહે છે કે....મારા મમ્મી માલતીબેન માટે ફોર્મ ભરવાનું છે. વૈશાલી ફોર્મ ભરવાની બધી જ પ્રોસિજર પરાગને સમજાવી દે છે અને માલતીબેનને સંસ્થામાં રાખતા પહેલા જે કંઈપણ પ્રાથમિક પેપરવર્ક પ્રોસિજર હોય એ પૂરી કરવામાં આવી અને પરાગ અને સીમા માલતીબેનને વૈશાલી મહેતાની સંસ્થામાં મૂકીને રવાના થાય છે.

જે વહુને માલતીબેને હેરાન કરવામાં કશું જ બાકી નહોતું રાખ્યું એની જ સંસ્થામાં આજે એની જ દેખરેખ હેઠળ રહેવાનો વારો આવશે એવું તો માલતીબેને પોતે ક્યારેય સ્વપ્નમાં પણ નહીં વિચાર્યું હોય. પરંતુ..., સમય છે ને બધાનો એક સરખો ક્યારેય ચાલતો નથી. આજે માલતીબેન પોતાના ઘરના પણ રહ્યા ન હતા. પોતાના કડક સ્વભાવના કારણે આજે તો તેણે ઘર અને દીકરો બંન્ને ગુમાવ્યા હતા. હવે તેમના માટે આ વૃધ્ધાશ્રમ સિવાય બીજો કોઇ આશરો ન હતો

માલતીબેન તો દીકરાની વહુ તરીકે વૈશાલીને સુખી કરવાની પોતાની ફરજ ચુકી ગયા હતા પરંતુ, માલતી તેની ખાનદાની અને સંસ્કારને લીધે પોતાની ફરજ ચૂકતી નથી. માલતીબેનને વૈશાલી ખૂબ જ પ્રેમથી પોતાની સંસ્થામાં આવકારે છે અને સ્વીકારી લે છે. દિવસમાં બે વખત જઈને માલતીબેનના પોતે ખબર અંતર પૂછે છે. માલતીબેનને ફાવે છે કે નહી.... માલતીબેનને કંઈ જોઈએ છે... એ વિશે પણ સમયાંતરે પૂછપરછ કરતી રહે છે.

વૈશાલીનું આવું કોમળ અને ખાનદાની વર્તન જોઈને માલતીબેનને એક સ્ત્રી હોવા પર આજે પોતાની જાત પર જ નફરત થાય છે. તેને પારાવાર પશ્ચાતાપ થાય છે. માલતીબેનને વૈશાલીની માફી માંગવી છે પણ જીભ ઉપડતી નથી.
વૈશાલીની આંખમાં આંખ મિલાવીને વાત કરવા માટે તેની નજર પણ આજે ઉપર ઉઠતી નથી. પોતે જ વિના વાંકે વૈશાલીનું જીવન બરબાદ કરી નાખ્યું એ ભૂલ તેને આજે સમજાઈ રહી છે.....

પોતાની અંદર રહેલો આ પશ્ચાતાપ તેને અંદરથી કોરી ખાય છે અને એક દિવસ હિંમત ભેગી કરીને માલતીબેન વૈશાલીની માફી માંગવાનું નક્કી કરે છે. બીજા દિવસે સવારે વૈશાલી જ્યારે તેમની ખબરઅંતર પૂછવા આવે છે ત્યારે માલતીબેન બે હાથ જોડીને વૈશાલીને માત્ર એટલું જ કહી શકે છે કે....., 'મને માફ કરી દેજે બેટા.' અને આટલું બોલતાની સાથે જ માલતીબેન ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડે છે. તે આગળ કશું જ બોલી શકતા નથી. વૈશાલી તેની અંદર થઈ રહેલા પશ્ચાતાપ ને જાણી જાય છે અને તેને માફ કરી દે છે. તેને સાંત્વના આપવાનો પ્રયાસ કરે છે. જે કાંઈ પણ થયું એ ઘટના
બનવાકાળ હતી એમ કહીને માલતીબેનને થોડા હળવા કરવાનો પ્રયાસ કરે છે. માલતીબેનને જીવનના અંત સુધી વૈશાલી પોતાની સંસ્થા "મધુવન" માં ખૂબ જ સારી રીતે પ્રેમથી સાચવે છે.

માલતીબેન પોતાના ઉગ્ર અને કર્કશ સ્વભાવના કારણે આજે જાતી જિંદગીએ પોતાનો પતિ.... પોતાનો દીકરો.... અને પોતાનો આશરો પણ ગુમાવી ચૂકયા ત્યારે વૈશાલી તેમની સાથે એક સહારો અને ટેકો બનીને ઉભી છે.

જેના લીધે વૈશાલીને આખી જિંદગી સંઘર્ષ કરવો પડ્યો અને પોતાનો હર્યોભર્યો સંસાર વિખરાઈ ગયો....આવા માફ ન કરી શકાય એવા માલતીબેનના દુર્વ્યવહાર છતાં પણ વૈશાલીએ માલતીબેનને જીવનના અંત સુધી પોતાની સંસ્થા "મધુવન" માં આશરો આપીને આજે એક સ્ત્રી તરીકે પોતાની ખાનદાની અને પોતાના સંસ્કારને આજે સમાજની સામે મુઠ્ઠી ઊંચેરા સાબિત કરી બતાવ્યા હતા....

- ૐ ગુરુ