My Life My Way books and stories free download online pdf in Gujarati

માય લાઇફ માય વે

અનિરુધ્ધ અને મિનાક્ષીના લગ્નને ૩૫ વર્ષપૂરા થયા હતા. કભી ખુશી કભી ગમ જેવા આ ૩૫ વર્ષ દરમિયાન બંને દિકરો રાગ અને એક દિકરી રાગિણી ના માતા પિતા બન્યા. બંને બાળકો ભણીગણી અને પરણીને વિદેશમાં પોતપોતાની જિંદગીમાં સરસ સેટલ છે.

        આજે અનિરુધ્ધ એની નોકરીમાંથી રિટાયર થવાનો છે. આજે નોકરીમાં એનો છેલ્લો દિવસ છે. એટલે અનિરુધ્ધ માટે આજે પાછો કભી ખુશી કભી ગમ જેવો દિવસ છે. પણ મિનાક્ષી આજે ઘણી ખુશ છે. એણે આજની સાંજ માટે પ્લાન કરી રાખ્યો છે.અનિરુધ્ધને સરપ્રાઇઝ આપવા એને ભાવતી વાનગીઓ બનાવી છે. રંગબેરંગી સુગંધી ફૂલો વડે અનિરુધ્ધનું “વેલકમ હોમ” લખેલા પોસ્ટર સાથે સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. અને એ પણ અનિરુધ્ધની મનપસંદ કલરની સિલ્કની સાડી પહેરીને... બધી તૈયારી થઇ ગઇ છે. અને હિંચકે બેસી અનિરુધ્ધની રાહ જોતી એના ભૂતકાળમાં સરી ગઇ....

અનિ..તમે રિટાયર થયા પછી શું કરશો..? એટલે કે આટલા વર્ષો નોકરી કર્યા પછી ઘરમાં રહેવું ફાવશે..?

વિચાર્યુ નથી મિનાક્ષી, પણ કંઇક તો કરીશ જ... મને નવરા એકલા ઘરમાં બેસી રહેવું ના ગમે..!

પણ તમે ક્યાં એકલા છો કે હશો..! હું તમારી સાથે કાયમ છું અને રહીશ જ..! અને એ પણ ૨૪ કલાક સાથે..! વર્ષો પછી આપણે ૨૪ કલાક સાથે હોઇશું..! અનિ, કહો ને આપણે શું કરીશું..?

કહ્યું ને મિનાક્ષી કંઇ જ વિચાર્યુ નથી અને રિટાયરમેન્ટને હજી બે મહિનાની વાર છે. પછી કંઇક વિચારીશ...!

મેં તો વિચારી રાખ્યું છે અનિ..!

શુ..?

આપણે આપણા દિકરા દિકરી રાગ અને રાગીણી પાસે જઇશું. એમના બાળકોને ઊછેરીશું અને દાદા દાદીની ફરજો પૂરી કરીશું..!

બસ, મને આ જ પસંદ નથી..! ક્યાં સુધી આપણે બીજાનું કરતાં રહીશું..?

એ લોકો બીજા નથી..! આપણા બાળકો છે..! આપણું લોહી છે...!

પણ એ લોકો પોતાની જંદગીમાં સુખી છે અને ખુશ પણ છે...! માટે આપણે એ લોકોની જિંદગીમાં ઇન્ટરફીયર કરવાની જરૂર નથી..!

અરે..પણ...

પ્લિઝ મિનાક્ષી ,રાત બહુ થઇ છે ..સૂઇ જા હવે...!

મિનાક્ષી સાંભળીને અવાક જ થઇ ગઇ..! એણે ધાર્યુ ન્હોતું કે અનિરુધ્ધ આવી વાતો કરશે..! ઘડિયાળમાં ૭ ના ટકોરા સંભળાયા અને મિનાક્ષી ભૂતકાળમાંથી બહાર આવી. એણે જોયું કે ૭ વાગ્યા છે એટલે અનિરુધ્ધ ગમે તે સમયે આવી શકે છે. પણ આજે અનિરુધ્ધ ૭ વાગે નહીં આવ્યો. થાકીને મિનાક્ષી સોફા પર બેઠી. ઘડિયાળ ૭.૩૫નો સમય બતાવતી હતી. મિનાક્ષીને સવાલ થયો કે આટલાં વર્ષોમાં અનિરુધ્ધ ૭ વાગ્યાથી ક્યારેય મોડો નથી આવ્યો. તો આજે કેમ..?  પોતાની જાતને જવાબ પણ એણે જ આપ્યો કે આજે એની ફેરવેલ પાર્ટી છે એટલે મોડું થયું હશે. ઘડિયાળમાં પોણા આઠ વાગ્યા  અને ડોરબેલ વાગી.. મિનાક્ષીએ આરતીની થાળી લઇ દરવાજો ખોલ્યો અને સામે અનિરુધ્ધ દેખાયો. એના કપાળે ચાંદલો હતો અને હાથમાં ગિફ્ટ હતી. મિનાક્ષીએ આરતી ઊતારી અનિરુધ્ધનું વેલકમ કર્યું. ઘરમાં દાખલ થતાં જ અનિરુધ્ધના હાથમાંથી ગિફ્ટ લઇ બાજુ પર મુકી એને પાણીનો ગ્લાસ આપ્યો. અનિ, પહેલાં તમે ફ્રેશ થઇ જાવ. આજે મેં તમારી મનગમતી વાનગી બનાવી છે. આજે હું બહુ જ ખુશ છું. કારણકે હવેથી આપણે બંને ૨૪ કલાક સાથે રહીશું. અનિરુધ્ધ ફ્રેશ થવા બેડરૂમમાં ગયો અને મિનાક્ષી ડાઇનીંગ ટેબલ સજાવવા લાગી.

 અરે, તમારે ક્યાં હવે વહેલાં ઊઠીને ઓફિસે જવાનું છે ..?!

એમ કહી કહીને મિનાક્ષીએ રોજ કરતાં વધારે અનિરુધ્ધને ખવડાવ્યું અને એ પણ પ્રેમથી અને ખુશી ખુશી અને એણે પણ રોજ કરતાં થોડું વધારે ખાધું. રાત્રે જમ્યા પછી બંને જણ મુખવાસ ખાતાં ખાતાં હિંચકે બેઠા. આખા દિવસ દરમિયાન ઓફિસમાં શું થયું ? બધાં ખુશ હતાં કે દુ:ખી..? વગેરે પ્રશ્નો મિનાક્ષીએ પૂછ્યા અને અનિરુધ્ધે બહુ જ સહજતાથી એના જવાબો આપ્યા તથા આખા દિવસ દરમિયાન ઓફિસમાં શું થયું એ બધું જ કહ્યું. મિનાક્ષીએ અનિરુધ્ધનો હાથ પકડી એનું માથું એના ખભા પર મુક્યું અને એ લોકોની વાતોનો દોર આગળ ચાલ્યો. અનિરૂધ્ધે કહ્યું..

મિના, મારે તારી સાથે બહુ જ અગત્યની વાત કરવી છે..!

મને ખબર છે તમારે શું કહેવું છે તે..!

શું..?

તમારે પણ આપણા દિકરા દિકરી પાસે જવું છે..! એમના બાળકોને રમડવાં છે...! એ લોકો સાથે રહવું છે..! ખરું ને...!

ના મિનાક્ષી, આ વાત આપણા બે જણની છે...!

તમે મને ફરવા લઇ જવાના છો ને..! તમે મને કહો એટલે તરત જ આપણી બેગ તૈયાર કરી દઇશ..!

મિનાક્ષીનું માથું હજુ પણ અનિરુધ્ધના ખભા પર છે. અને વધારે જોરથી એનું બાવડું પકડીને જાણે અનિરુધ્ધની અંદર સમાઇ જવા માંગતી હોય તેમ બેઠી.

ના, એવું કંઇ નથી મિનાક્ષી, આ વાત મારી અને તારી છે...!

હા, તો બોલો આજે હું બહુ જ ખુશ છું..!

મને તારાથી છૂટાછેડા જોઇએ છે...!

આ સાંભળતાં જ હિંચકામાંથી આવતો ચૂં..ચૂં.. અવાજ બંધ થઇ ગયો. ઘડિયાળમાંથી ટીક ટીક સંભળાતું બંધ થઇ ગયું. બધું જ અટકી ગયું. સમય પણ થંભી ગયો. જાણે કે દુનિયા જ અટકી ગઇ હોય એવું લાગવા માંડ્યું. બહારની રાતની શાંતિએ ઘરમાં પ્રવેશ કરી લીધો. મિનાક્ષીએ પકડી રાખેલો અનિરુધ્ધનો હાથ છૂટી ગયો. ધીરેથી ખભા પરથી માથું ઊંચકી થોડી દૂર ખસી.

તમે મારી સાથે મજાક કરો છો ને...!

ના મિનાક્ષી, હવે મારે મારી જિંદગી જીવવી છે. આખી જિંદગી બીજા માટે બહુ બધું કર્યું. હવે મારે પોતાના માટે જીવવું છે. પોતાની જાત સાથે સમય પસાર કરવો છે.

ચાલો, રાત બહુ થઇ ગઇ છે. સૂઇ જાવ હવે.. કાલે સવારે વાતો કરીશું.

કહીને મિનાક્ષી બેડરૂમમાં સૂવા જતી રહી. થોડીવાર પછી અનિરૂધ્ધ પણ સૂવા ગયો . બીજે દિવસે સૂરજ ઊગ્યો પણ સોનેરી ન્હોતો. બંને જણ ચા નાસ્તો કરવા બેઠા. બંને ના જીવનમાં ત્રીજું કંઇક પ્રવેશ કરી ચુક્યું હતું. એ હતી ગઇકાલ રાતની નિરવ શાંતિ. બંને જણે એક પણ શબ્દ બોલ્યા વગર ચા નાસ્તો કરી લીધો. અનિરુધ્ધ સોફા પર બેસી છાપું વાંચવામાં વ્યસ્ત અને મિનાક્ષી પણ ચા નાસ્તામાંથી પરવારી અનિરુધ્ધના સામેના સોફા પર બેઠી. અને અનિરુધ્ધને એક નજરે જોયા કરવા લાગી. અનિરુધ્ધ પણ એને ત્રાંસી નજરે જોઇ પાછો છાપામાં છુપાઇ ગયો.

ત્રાંસી નજરે મને જોઇ પેપરમાં શું કામ મોં છુપાવો છો..?  મિનાક્ષી બોલી...

તમને હું હવે નથી ગમતી..? જવાબ આપો....!

ના મિનાક્ષી એવું નથી...!

તમારી જિંદગીમાં કોઇ બીજી સ્ત્રી છે.?

ના..!

તો પછી કેમ મારાથી આ ઊંમરે તમને છૂટાછેડા જોઇએ છે.?

અનિરુધ્ધ કોઇ જવાબ નથી આપતો. એ ચૂપ છે. એ જોઇ મિનાક્ષી બોલી... તો પછી હવે મને સાંભળો પછી આપણે બંને છૂટા.. તમે તમારા રસ્તે અને હું..... થોડી ઇમોશનલ થઇ જતાં...

           હું જ્યારે નાની હતી ત્યારે મને પણ કાર બહુ જ ગમતી..હું એનાથી જ રમતી..અલગ અલગ જાતની અને મોડેલની કાર બસ મારી એ જ રમત.. અને બીજી રમત બોલ બેટ એટલે કે ક્રિકેટ. એ જ રમત અને રમકડાં જે છોકરાઓ રમતા. આ રમત રમતાં રમતાં હું થોડી મોટી થઇ એટલે મારા હાથમાં કાર અને બોલ બેટની જગ્યાએ ઢીંગલી પકડાવી દીધી. અને કહ્યું કે હવે તારે આનાથી રમવાનું. હજુ તો હું માંડ ઢીંગલી સાથે દોસ્તી થઇ એની સાથે રમતાં રમતાં થોડી મોટી થઇ ગઇ એટલે મારા હાથમાંથી મારી દોસ્ત છીનવીને મને રસોડામાં લઇ ગયા અને પાછું કહ્યું કે જિંદગીમાં આના વગર નહીં ચાલે. પછી તો મમ્મી, દાદી, કાકી, ફોઇ અને મામી જે પણ હાજર હોય તે મને રસોડામાં લઇ જતા. મારે એમની મદદ કરવાની અને અવનવી વાનગીઓ શીખવાની. મને નવી નવી વાનગી બનાવવામાં આનંદ આવવા લાગ્યો. જ્યારે કોઇ કહે ને આજે સરસ ખાવાનું બન્યું છે એટલે હું તરત જ હરખાઇ જતી, ખુશ થઇ જતી. એ આનંદ અને ખુશી સાથે વધુ થોડી મોટી થઇ એટલે મને કહેવામાં આવ્યું કે હવે તારા માટે છોકરો જોવો પડશે તારા લગ્ન કરવાના છે. નવાઇ લાગતી લગ્ન પ્રથાની. મને કહ્યું હતું લગ્ન એટલે જિંદગીભર પ્રેમ..બે વ્યક્તિ વચ્ચે નહીં પણ બે કુટુંબ વચ્ચે નો પ્રેમ અને વિશ્વાસ..!

અને ત્યાં અચાનક એકદિવસ તમે આવ્યા અને તમારી સાથે મારા લગ્ન થઇ ગયા. ધામધૂમથી લગ્ન થયા. ખુશીનો માહોલ હતો. મને આજે પણ એક એક પળ યાદ છે આપણા લગ્નની..!

લગ્ન પછી તમારી સાથે રહેવા લાગી. તમને બરાબર જાણતા.. તમારા ઘરનાં લોકોને બરાબર ઓળખતા ચાર વર્ષ થયા અને એ દરમિયાન હું બે બાળકોની મા બની ગઇ. પછી તો પૂરો સમય બંને બાળકોની સારસંભાળ, દેખરેખ એ બંનેની કાળજી અને તમારી તથા બા બાપુજીની જરુરિયાતો પૂરી કરતાં ક્યારે બંને બાળકો મોટા થઇ ગયા અને મારા વાળમાં સફેદી આવી ગઇ એ જ ખબર ના પડી...બંને બાળકો ભણીગણી પરણીને એમની જિંદગીમાં ખુશ અને સુખી છે એ વાતના આનંદ સાથે જિંદગીને આગળ ધપાવી. આજે તમે રિટાયર થવાના છો એ વાતથી એટલી ખુશ હતી કે એક અઠવાડીયા પહેલાં તમને ઘરે આવકાર આપવા બધી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. દિકરી પરણીને સાસરે ગઇ અને દિકરો ભણીગણીને વિદેશમાં સેટલ થયો. ત્યારે દુ:ખ થયું હતું પણ તમે સાથે છો એ વાતે દુ:ખને જલ્દી વિદાય થવું પડયું. તમારો સાથ અને તમારી જરૂરિયાતને મારી આદત બનાવી દીધી. અને જ્યારે તમારા રિટાયરમેન્ટની ઘડી નજીક આવી ત્યારે તમારા ૨૪ કલાકના સાથની કલ્પનાએ મને સુખના આકાશ સુધી પહોંચાડી દીધી. પણ આજે તમે મારી કલ્પનાને કકડભૂસ કરી નાખી.. મારી ખુશીને છીનવી લીધી.. ચિંતા ના કરો હું તમને નહીં કહું કે તમે તમારા નિર્ણય પર ફેર વિચાર કરો.  મારી છેલ્લી ઇચ્છા પૂરી કરશો...?

અનિરુધ્ધે કશું બોલ્યા વિના પોતાનું માથું હલાવી હા કહી..!

આજે છેલ્લીવાર એક ટેબલ પર એક સાથે જમવા બેસીએ...?

અનુરુધ્ધે આ વખતે પોતાની આંખના ઇશારાથી હા કહી...!

તમે ચિંતા ના કરતાં તમારું સાંજનું ખાવાનું પણ બનાવતી જઇશ અને કાલ સવારના નાસ્તા માટે તમને ભાવતા મેથીના થેપલા અને ગ્રીન ચટની પણ બનાવી જઇશ. થોડી અવાજમાં નરમાશ સાથે સવારની ચા તમારે જાતે બનાવવી પડશે.

મારી એક ઇચ્છા પૂરી કરશે..? અનિરુધ્ધે સંકોચ સાથે પૂછ્યું..

મિનાક્ષીએ પણ કશું બોલ્યા વગર પોતાનું માથું હલાવી હા કહી..!

સાંજની ચા આપણે સાથે પીએ..?

 મિનાક્ષીએ આ વખતે આંખના ઇશારાથી હા કહી..!

અને રસોડામાં જતી રહી. અનિરુધ્ધને સમજ ના પડી હોય એમ  બસ એ તો જોતો રહયો મિનાક્ષીને અને એણે કહેલી વાતો એને પાછી સંભળાવા લાગી જાણે કોઇ વોઇસ ઓવર હોય એમ..! આ રુમ માંથી આ રુમમાં આંટા માર્યા પણ એના માટે સમય અટકી ગયો હતો. વારેઘડી રસોડા તરફ જઇ ચૂપકે થી ૨-૩ વાર મિનાક્ષીને જોઇ પણ આવ્યો. અને અચાનક મિનાક્ષીની બૂમ સંભળાઇ...

અનિ, ચલો ખાવાનું તૈયાર છે...!

અનિરુધ્ધ ધીરે પગલે ડાઇનીંગ ટેબલ તરફ ગયો. સરસ રીતે સજાવેલું ડાઇનીંગ ટેબલ અને એને ભાવતી વાનગીની સોડમ...

અરે, બેસો ખાવાનું ઠંડુ થઇ જશે...ઊભા કેમ છો..?

મિનાક્ષી ને જોતાં એ પોતાની કાયમની જગ્યા પર બેઠો...મિનાક્ષી એની થાળી પીરસવા લાગી...

મને શું જુઓ છો..? ખાવાનું શરૂ કરો... ઠંડુ થઇ જશે..!

તું પણ બેસ જમવા..!

ના, તમે શરૂ કરો.. હું થોડું કામ આટોપીને આઉં છું. મેં આજે કામવાળી બાઇને રજા આપી હતી...!

કેમ..?

મને એમ હતું કે આજે આખો દિવસ આપણે બે.....

અધુરું વાક્ય રાખી મિનાક્ષી રસોડામાં ચાલી ગઇ. અનિરુધ્ધ કંઇ પણ બોલ્યા વગર ખાવાનું શરૂ કર્યુ. પહેલો કોળીયો મોંઢામાં મુકયો અને પાછો એને વોઇસ ઓવરની જેમ મિનાક્ષીના શબ્દો સંભળાયા અને એ ટેબલ પરથી ઊભો થઇ ગયો. સીધો રસોડામાં જઇને મિનાક્ષીને લઇને ટેબલ પર બેસાડી.. અને ખાવાનું શરૂ કરવા ઇશારો કર્યો. બંને ચૂપચાપ ખાવા લાગ્યા. વચ્ચે ત્રાંસી નજરે ચૂપકે થી બંને એકબીજાને જોઇ લેતા.. ચૂપચાપ ખાવાનું પુરું કરી મિનાક્ષી રસોડું આટોપવા ગઇ હંમેશની જેમ અને અનિરુધ્ધ હંમેશની જેમ હિંચકા પર બેઠો. અને હંમેશની જેમ મિનાક્ષી મુખવાસ લઇને આવી અને અનિરુધ્ધને આપી ત્યાંથી જવા ગઇ કે તરત જ અનિરુધ્ધે મિનાક્ષીનો હાથ પકડી એની બાજુમાં હિંચકા પર બેસાડી. મિનાક્ષી થોડી દૂર ખસી.... એક લાંબી ચૂપકીદી તોડતા અનિરૂધ્ધે બોલ્યો..

મિના....!

મિનાક્ષી એ આશ્ચર્યથી એની તરફ જોયું. એને ખબર છે કે અનિરુધ્ધ એને પ્રેમથી મિના કહીને બોલાવતો.. એ આશ્ચર્ય સાથે જ એણે પણ કહ્યું

બોલો...!

હું ખોટો હતો...!

મિનાક્ષીએ ઇશારાથી સવાલ કર્યો..! અનિરુધ્ધે પોતાની વાતો કહેવાની શરૂ કરી..

મેં જ્યારે ભણીગણીને સારી મોટી કંપનીમાં જોબ ચાલુ કરી ત્યારે મારા ઘરની પરિસ્થિતિ બહુ સારી ન્હોતી. પણ મેં મહેનત કરીને પરિસ્થિતિને સુધારી. પછી ધીમે ધીમે સફળતાની સીડી ચઢવા લાગ્યો. તારી સાથે લગ્ન કર્યા. સુખભરી જિંદગી માણી. તે મને સુંદર બે બાળકોની ભેટ આપી જે બંને પોતપોતાની જિંદગીમાં સુખી છે. મેં મારા ઘરની સ્થિતિ સુધારી ત્યારે મને પહેલીવાર થયું કે મારે કારણે હવે આ ઘરમાં સુખ આવ્યું છે. પછી બંગલોમાં રહેવા આવ્યા ત્યારે પણ મેં કહ્યું આ ફક્ત મારા કારણે જ થયું છે. જિંદગીના દરેક તબક્કાને મેં મારી જિંદગી સાથે જોડી દીધા હતા. બાળકોને ભણાવ્યા ગણાવ્યા. બંને જણ જિંદગીમાં સેટ થયા એ પણ મારા કારણે થયા એમ હું માનવા લાગ્યો. એ હદ સુધી કે તમે બધાં જ મારા કારણે સુખી છો અને જે પણ તમે ભોગવો છો એ ફક્ત મારા કારણે જ. બસ આ માન્યતામાં જિંદગી કાઢી નાખી અને જ્યારે રિટાયરમેન્ટનો વખત આવ્યો ત્યારે થયું કે બહુ કર્યુ બધાં માટે.. મારી પણ જિંદગી છે....ક્યાં સુધી મારે બીજાનું કર્યા કરવાનું.? આ બધાં સવાલો વચ્ચે  હું ઘેરાતો ચાલ્યો. બસ થઇ ગયુ હતું કે ફક્ત હું જ.. પણ આજે જ્યારે તારી વાત સાંભળી ત્યારે થયું કે મેં શું કર્યુ છે મારા પોતાના લોકો માટે..? ફક્ત રુપિયા કમાવા સિવાય બીજું શું કર્યુ મેં..? મને ખબર નથી કે આપણાં બાળકોને મેં છેલ્લે ક્યારે ટચ કર્યો હતો...! ક્યારે એ લોકો ના ડાયપર ચેન્જ કર્યા હતા..! અ લોકોની જરુરિયાતો રૂપિયા થી પૂરી કરતો રહ્યો અને સમજતો રહ્યો કે આ જ પ્રેમ છે. તારી સાથે પણ મેં એ જ કર્યુ. તારા પ્રેમને જરૂરિયાત સમજી રૂપિયા અને ઘરેણાંની વચ્ચે કચડી નાખ્યો.

અપરાધભાવ સાથે મિનાક્ષી મેં તારું દિલ દુભાવ્યું છે. મને તને છૂટાછેડા આપવાનો કોઇ હક નથી.. પણ તુ જો ઇચ્છે તો મને છૂટાછેડા આપી શકે છે. અને હું ખુશી ખુશી તને મારા જેવા egoistic માણસથી છૂટી કરીશ..!

મિનાક્ષી થોડી નજીક આવી...

તમારે મારી માફી માંગવી પડશે..!

માફી તો હું નહીં માંગુ...!

વળી પાછો તમારો MALE EGO વચ્ચે આવ્યો...!

ના, હું સજા ભોગવીશ...!

સજા...?! કેવી રીતે..?

તને પહેલાં કરતાં પણ વધારે પ્રેમ કરીને.... એ જ મારી સજા છે....!

મિનાક્ષી એ અનિરુધ્ધનો હાથ પકડ્યો અને એનું માથું અનિરુધ્ધના ખભા પર મુકી દીધું. વાતાવરણમાં અજબની ખુશી છવાઇ ગઇ. ચારેતરફ પ્રેમની સુગંધ ફેલાવા લાગી. અને હિંચકામાંથી આવતો ચૂં..ચૂં  અવાજ સંગીતમય બની ગયો.  પક્ષીઓનો કલરવ સંભળાવા લાગ્યો. બંને જણ પ્રેમથી હિલોળા ખાતા એકબીજામાં ખોવાઇ ગયા...!

 

                                                                                 સમાપ્ત