Raktbeej Film Review books and stories free download online pdf in Gujarati

રક્તબીજ ફિલ્મ રીવ્યૂ

લેખકો પુસ્તક લખે ત્યારે એ પુસ્તકની વાર્તા સાથે જીવતા હોય છે. આ એક ધ્યાન પ્રક્રિયા છે કે જેમાં લેખક વાર્તા લખતી અને જીવતી વખતે દુનિયાથી લગભગ કપાઈ જાય છે અને ત્યારે જ અદ્ભુત અને યાદગાર રહી જાય એવા પાત્રો જનમે છે. વાચક જ્યારે આ વાર્તા વાંચે ત્યારે પોતાને કોક પાત્ર સાથે જોડી પોતે વાંચતા વાંચતા વાર્તા જીવે છે. પણ જો કોઈ વાર્તા ખરેખર પોતાના જીવતા પાત્રો શોધે તો?

રક્તબીજની વાર્તા એક લેખીકાની વાત છે કે જેને મારી નાંખવાનો પ્લાન ઘડવામાં આવે છે. શું? એક લેખીકાને મારી નાંખવાનો પ્લાન? એ પણ એની વાર્તાઓ અને પાત્રો માટે? આ ઘટના અજુગતી છે પણ વાસ્તવ માં આવું ઇતિહાસ માં થયું છે જ્યારે લેખકને મારવાની ધમકીઓ મળી હોય કે મરવાના પ્રયત્નો થયા હોય. જાણીતી બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનને એમના દેશ બાંગ્લાદેશમાંથી ભાગવું પડ્યું કારણ કે ત્યાં એમને જાનનું જોખમ ઊભું થયું હતું. લેખક તારિક ફતેહ પણ એમના દેશ પાકિસ્તાનને છોડી કેનેડા જતા રહ્યાં કારણ કે પાકિસ્તાનમાં એમના વિચારોને ધર્મ વિરોધી ગણવામાં આવ્યા છે.

રક્તબીજ દેશ વિદેશમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે પુરસ્કાર જીતનારી ફિલ્મ છે. ગુજરાતમાં થિયેટર રીલિઝ થતાં વાર થઈ કારણ કે કોરોના ને જરૂર કરતાં વધુ એટેંશન જોઈતું હતું. પણ આખરે ૨ વર્ષ રાહ જોવડાઈ રક્તબીજ થિયેટર રીલિઝ થઇ. ધીરજનાં ફળ મીઠાં હોય છે પણ આ ફળ એટલે ફિલ્મ મીઠી કક્ષાની નથી, જો તમને મસાલા ફિલ્મો, હલકી કોમેડી કે હીરોગીરીમાં રસ હશે તો આ ફિલ્મ તમારા માટે નથી.

ગુજરાતી ભાષાની ફિલ્મોમાં જ્યારથી ' અર્બન ' જોડાયું ત્યારથી શહેરની પ્રજા પણ ગુજરાતી ફિલ્મો જોતી થઈ. તેઓ પ્રેમ અને ખેતરમાં ગીતો સિવાય હવે શહેરની વાર્તાઓ શોધે છે. કોલેજ, રેસ્ટોરન્ટ, પાર્ટીઓ વગેરે ફિલ્મોમાં દેખાય છે. પણ આ અર્બન વ્યૂઅર કંઇક જુદુ ઈચ્છે છે, ફકત પારિવારિક ડ્રામા જોઈને પણ આ પ્રજા થોડીક બોર થશે, ત્યારે ડાયરેકટર હાર્દિક પરીખ આ તદન નવું કન્સેપટ લઈને વ્યૂઅરને અચંબામાં મૂકી દીધા છે.

આવી ફિલ્મો ના બનાવાય જે સતત મગજને ચેલેન્જ આપે, મગજ ચલાવીએ કે ફિલ્મ જોઈએ? આ ફિલ્મમાં એક મજેદાર પ્લોટ અને ફાડુ એક્ટિંગનો ડબલ ડોઝ છે જે તમને સારી માત્રામાં એન્ટરટેન કરશે. ધીમી વાર્તા તમને પહેલાં પ્લોટ માટે તૈયાર કરશે પછી સુપર ફાસ્ટ ભાગીને થ્રીલ આપશે.

ડેનિશા ગુમરા એક વિખ્યાત અને એરોગાંટ લેખિકાના રોલમાં જોરદાર પરફોર્મન્સ આપે છે જ્યારે આપણા જૂના જાણીતા એક્ટિંગ પાવર હાઉસ નિસર્ગ ત્રિવેદી એક ડોનના રોલમાં પુરે પુરો ન્યાય આપે છે. નકશરાજ ખૂબ ચર્મિંગ છે, નિશ્ચય રાણા ખુબજ મજબૂત પાત્ર છે જે વાર્તાને પણ મજબૂતી આપે છે, કૌસંબી ભટ્ટ છેલ્લે આવીને પોતાનો જાદુ સ્ટેજ પર પાથરી દે છે. બીજા પાત્રો હું ઈચ્છીશ કે તમે ફિલ્મ જોઈને માણો.

માતૃભારતી આ ફિલ્મના બનવા પાછળ નિમિત્ત બન્યું એવું કહેવાય કારણ કે લેખક ડેનિસ અને ડાયરેકટર હાર્દિક પરીખ પહેલી વખત માતૃભારતી માટે શોર્ટ ફિલ્મ બનાવતી વખતે જ મળ્યા અને એ પણ વેન્યુ પાર્ટનર ટી પોસ્ટ પર, કે જેમના બીજા કેફેમાં રક્તબીજ શૂટ થઈ છે.

રક્તબીજ માં નામો અને થોડોક પ્લોટ શિવ પુરણથી લેવાયો છે એવું લાગે છે, પાત્રોના નામ પણ શિવ અને પાર્વતીના વાપરીને તમને માઈથોલોજી સાથે જોડી રાખવા ફિલ્મ સક્ષમ છે. પ્લોટના મૂળમાં સાયકોલોજી અને માઈથોલોજીને સારી રીતે મિક્સ કરાયા છે.

ફિલ્મમાં ગીતો લખ્યા છે હર્ષ શોધને, જે મારો પ્રિય કવિ અને માછન થિયેટર ચલાવનાર એક્ટર ડાયરેકટર પણ છે . ગીતો ખુબજ સરસ છે અને દિલને અંદર સુધી ઘા કરી જાય એવા છે. બેકગ્રઉન્ડ મ્યુઝિક ખુબજ સરસ છે, ઉત્સુકતા વધારે અને પકડી રાખે એવો માહોલ એક્ટ અને મ્યુઝિકથી ઊભો કરાયો છે.

ગુજરાતીમાં આ પ્રકારના વિષય પસંદ કરવા હું લેખક ડેનિસ ને દાદ આપીશ અને સાથેજ ગુજોત્સવને પણ અભિનંદન આપીશ કે ફિલ્મ બનાવવા ટીમને તક આપી.

ગુજરાતી ફિલ્મો થિયેટરોમાં જોજો, તો હજી ઘણું સારું મટીરીયલ મળશે.

- મહેન્દ્ર શર્મા ૧૧.૦૪.૨૦૨૨