RAIN WITH PAIN books and stories free download online pdf in Gujarati

ચોમાસુ


શીર્ષક : ચોમાસુ (લઘુ વાર્તા )
સર્જક : જયેશ ગાંધી
તા.૧૪.૦૬.૨૨

વાતાવરણ માં ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો ,સવાર થી જે ઉકળાટ હતો તેમાં હવે રાહત હતી.સૌ અબાલ વૃદ્ધ વરસાદ શરુ થાય તેની રાહ જોતા હતા.ખેતર માં ગયેલ ખેડૂત ને વાવણી માટે ની ઉતાવળ હતી તો દુકાને બેઠેલ શેઠિયા ને માલ પલળી ના જાય તેની ચિંતા હતી,નાના બાળકો ને નહાવાની તો સ્વાદ રસિયા ને ભજીયા ની લહેજત ની પડી હતી.કેટલાક ચા -પ્રેમી સવાર થી વરસાદ ની રાહ જોતા હતા. મોર ના ટહુકા થી લઇ મેલા થઈગયેલ વૃક્ષો ના પાન પણ વરસાદ ના આવવા ની રાહ જોતા હતા .સૌ ના હૃદય માં એક અલગ જ ઉમંગ હતો. અને વળી યુવા -પ્રેમી ની વાત જ ના કરશો વગર વરસાદે ભીંજાય ગયા હતા.

એક ખૂણા માં ઉભેલો ધનજી અને એનો છોકરો રવલો બે ઉદાસ હતા. બંને રાહ તો વરસાદ ની જોતા હતા કારણ કે જો વરસાદ આવે તો તેમની ચા વેચાય ,બાજુ ની લારી ઉપર થી રસ્તે જનારા સાહેબ લોકો શેકેલી મકાઈ ખાય. અને જો પૈસા આવે તો ... તેમની થોડી ચિંતા દૂર થાય .
હું પણ ત્યાંજ હતો .મેં અમસ્તા જ ધનજી પૂછ્યું :" કેમ ઉદાસ છો ? વરસાદ પાડવા ની તૈયારી છે. નાના બાળકો થી લઇ મોટેરા પણ આનંદ માં છે ને તમે ??
૫૫ વર્ષ ની ઉમર વાળા,ધનજી ભાઈ ૨ બાળક ની જવાબદારી ઉપર થી ઘરમાં બીમાર સ્ત્રી અને ગરીબી તો જાણે સમ ખાઈ ને આવી હોય એમ જતી જ નહોતી. માંડ માંડ ગુજરાન ચલાવે ,મોંઘા દૂધ ની સામે ચા નો ભાવ આપે નહિ ,રસ્તા પર લારી ઉભી રાખવા નો નગર પાલિકા ટેક્સ લે ,નાની છોકરી ને ભણવા માટે મોટા ને બીજી લારી લઇ આપી અને મોટો પણ કેટલો ૧૪ વર્ષ નો ..
મારી સામે જોયું ,ફીકી અને થાક થી ઊંડી ઉતરી ગયેલ આંખો ..જાણે કે જીવવું પણ મજબૂરી હોય . ત્રણ જીવન નો સંઘર્ષ બે આંખો માં ઉતરી આવ્યો હોય એમ લાગ્યું. મેં ફરી હિંમતકરી પૂછ્યું "કઈ તકલીફ છે કાકા ?"
વરસાદ તો ના વરસ્યો પણ એમની આંખ માં બે આંસુ જરૂર દેખાયા ." બેટા, આજે સવાર થી બંને છોકરા ભૂખ્યા છે, મોટા એ તો મકાઈ ના દાણા ના ભાવે તો પણ ખાધા પણ નાની તો હજુ નાદાન ,તે કે છે મારે રોટલી જ ખાવી છે !,ઘરે ધાન નથી અને પાસે પૈસા નથી, તારી કાકી ની દવા તો ૩ દિવસ થી લાવ્યો જ નથી .હમણાં આ સ્ટેશન નો રસ્તો બંધ છે માટે લોકો પેલા રસ્તે ફરી ને જાય છે માટે ચા પીવા કોઈ આવતું નથી .ચોમાસુ બેસવાનું એટલે રસ્તા નું સમારકામ ચાલે છે માટે ..બધું બંધ છે .બધું બંધ બોલ્યા ત્યારે મને એવું લાગ્યું કે એમનું બધું બંધ થય ગયું હોય ,ચોમાસા ને કારણે એક પરિવાર ની દિનચર્યા અટકી ગઈ તે પણ વગર વરસાદે .

મેં કીધું કાકા " કડક મીઠી ચા બનાવો " થોડી હું પીશ અને થોડી તમે પીજો આ લો ૫૦૦૦ રૂપિયા મને તમારે પાછા આપવા ના જયારે તમારી પાસે આવે ત્યારે "
" તારા પૈસા ના લેવાય , જો તમે મદદ કરવા ઇચ્છતા હોય તો એક તાડ પાત્રી કે છત્તરી લઇ આપો ."
મેં પૂછ્યું "કાકા. પહેલા છોકરા ને ખવડાવો પછી થી થોડા પૈસા ની તાડ પત્રી લાવજો ,દવા લાવજો તમારા નાના મોટા બીજા કામ પતાવજો.."
" એવું નથી બેટા ,મારુ એક ઓરડી નું ઘર છે ,માટી ની ભીંતો અને વાંસ -થી બનાવેલું ,નળિયાં બધા તૂટેલા છે , જો વરસાદ પડે તો અમારે રહેવા ની મુશ્કેલી થાય એમ છે.બીમાર બાઈ માણસ ને ક્યાં લઇ જાવ.? સાહેબ ખરું કહું તો ચોમાસુ તો અમનેય ગમે પણ ..કહી ફરી તેમની આંખો વરસી ..હવે મને સમજાયું કે ગરીબ માણસ નું ચોમાસુ પણ ગરીબ જ હોય .તેમની મુખ્ય ચિંતા ઘર પડી જાય તેની હતી .
મેં પેલા નાના બાળક ને પાસે બોલાવ્યો. તેને પૂછ્યું તારું ઘર ક્યાં ? તેને ધનજી કાકા સામે જોયું પછી મારી નજીક આવ્યો .મેં એક પણ શબ્દ બોલ્યા વિના તેને ગાડી માં બેસાડી દીધો .રસ્તા માંથી તાડપત્રી લીધી , થોડોક ગરમ નાસ્તો લીધો અને અનાજ થોડું .તેનું ઘર જોઈ ને ખરેખર ઈશ્વર ને ટોકવા નું મન થાય .તૂટેલી હાલત જ કહેતી હતી કે વરસાદ પડે તો શું થાય ? એક વિચાર થી મને ધ્રુજારી છૂટી ગઈ તો પરિવાર ના મોભી ને આંખો તો વરસે જ ને .હે ભગવાન .. મેં છોકરા ની મદદ થી આખા ઘર ને કાળા મજબૂત પ્લાસ્ટિક (તાડપત્રી)થી વીંટી દીધું .: એમ કહો કે ચાર દીવાલ અને છત પર માત્ર તાડપત્રી જ હતી. હવે વરસાદ પડે તો પણ વાંધો નહિ .એમ વિચારી હું ઘર ની અંદર ગયો. નાની ને બોલાવી નાસ્તો આપ્યો. નાની ના ચહેરા પર સ્મિત ની વાદળી છલકી ગઈ. થોડા પૈસા ત્યાંજ મૂકી હું પાછો ચા ની લારી પર આવ્યો.
વરસાદ ની ધીમી ધારે શરૂઆત થઇ ચુકી હોય એમ લાગ્યું .ઘણી છાંટ સ્પર્શી ગઈ અંદર સુધી ભીંજવી પણ ગઈ. સાલું , કેવું કહેવાય ,
એક નગર માથે એક વાદળ અને વરસાદ પણ સરખો .ચોમાસા ની ઋતુ પણ એકજ, ને દરેક માટે તેની લાગણી અને અનુભૂતિ કેટલી અલગ અલગ .કોઈ ખુશી થી ચોમાસા ને વધાવે તો કોઈ ચિંતા માં તરછોડે ..ચોમાસુ સૌને ગમતું તો હોય પણ જીવન ટકાવી રાખવા ની ચિન્તા માં માણસ નો પ્રકૃતિ પ્રેમ વિસરાય જાય છે .
૩ કોલેજીયન અને એક ટેમ્પો ચા ની લારી પાસે ઉભા હતા. ચા ઉકળતી હતી અને બહાર વરસાદ પણ વરસતો હતો .
ખેડૂત થી લઇ નાના બાળકો, ચા અને ભજીયા રસિકો , યુવાન હૈયા સૌ ના ચહેરા અત્યારે ખુશ હશે ,ચોમાસા માં ભીંજાવા નો આનંદ હશે .
મેં કાકા પાસે ગયો અને તેમને કહ્યું "ધનજી કાકા , તમારી ઘર ની ચિંતા થોડી ઓછી કરી દીધી છે હવે તમારે મારુ એક કામ કરવા નું છે "
"બોલ બેટા, "
" એક કપ ચા આપો ..અને ....પહેલા ...તમે "
"અને શું ?.."
અને મારી સાથે તમે પણ આ વરસાદ માં ભીંજાવ ...
"ભલે બેટા .. તારું આજે તો માનવું જ પડશે ..
અમે બને પલળ્યા મેં એમના ચહેરા તરફ જોયું તો વરસાદ ના પાણી ની સાથે આંખ માં થી પણ પાણી નીકળતું હતું ..પણ આ પાણી એક સંતોષ નું હતું ..ચોમાસા ની ચિંતા ટળ્યા નું હતું ..મારો હાથ જોડી આભાર વ્યક્ત કર્યો . મેં એક કપ ચા પીધી ..ચા ની મીઠાસ અને ચોમાસા ની ભીનાશ ને વાગોળતો હું ઘર તરફ નીકળી ગયો .