Madhdariye Podhya Vamal books and stories free download online pdf in Gujarati

મધદરિયે પોઢ્યાં વમળ

તારીખ : ૦૯-૦૮-૨૦૨૨

તન્મય દેસાઈ, ખૂબ જ સુંદર ખેલાડી, કુશળ કોમેન્ટરેટર, અનોખો શિક્ષક, શિસ્તનો આગ્રહી કોચ, ખુશમિજાજ પતિ, અતિ પ્રેમાળ પિતા અને સમાજમાં લોકપ્રિય વ્યક્તિત્વ. તેનાં હાથ નીચેથી પસાર થયેલ બાળક, તેનો એકાદ અદ્ભુત ચમત્કાર જોયા વિના રહ્યો જ ન હોય. ક્યાંય કસુર હોય તો માફ કરવાની તન્મયની વૃત્તિ જ નહીં. પણ, બીજી તરફ, એ જ તન્મય સર, બાળકોને વિચારશક્તિનાં નવાં આયામોનો પરિચય કરાવે કરાવે,

શાળામાં તન્મય લગભગ બાર વર્ષથી પી. ટી. ના શિક્ષક તરીકે નોકરી કરે. ડિગ્રી કડક સરકારી પણ, નોકરી ખાનગી શાળામાં એટલે સુપરવાઈઝર મેડમ, પ્રિન્સીપાલ મેડમ, એડમિનીસ્ટ્રેટર સાહેબ અને ટ્રસ્ટી સમુદાયનું તીર તેની તરફ તકાયેલું જ રહે, 'આ આખો દિવસ કરે છે શું? બાળકોને રમાડવાનો તે કાંઈ પગાર આપવાનો હોય?' પણ, તે બધાં જ મોરચે લડતો રહેતો. ઉપરથી બાળક રમતોમાં ભાગ લેવાં ઈચ્છતું હોય અને માતાપિતા તેને પુસ્તકોમાં જ ડૂબાડી રાખવાં ઈચ્છતાં હોય તો યે એ લડાઈ તન્મયની થઈ જતી. એક બે શિક્ષિકાઓનો પાછલે બારણેથી અને થોડાં માતા-પિતાનો સક્ષમ ટેકો તન્મયને હંમેશા રહેતો.

આજે રિસેસ પહેલાં જ શાળાની ઓફિસમાં એક પરિપત્ર આવ્યો હતો. સીનીયર કારકુને તે વાંચી, નોંધી અને સંચાલક સાહેબની આજ્ઞા મુજબ તન્મયને બોલાવીને તે પરિપત્ર સહી કરાવીને સોંપાયો. તન્મયને ક્યાં ખબર હતી કે આ પરિપત્ર તેનું અને શાળાનાં રમતવીરોનું ભવિષ્ય ચમકાવી દેશે.

તે રિસેસમાં પોતાની જગ્યાએ ધોરણ ૨ નાં વર્ગશિક્ષિકા એવાં વૈશાલીબહેનને મેદાનમાં રમતાં બાળકોનું ધ્યાન રાખવાની વિનંતી કરીને પ્રિન્સીપાલ મેડમની ઓફિસ તરફ ગયો. રોહન ત્યાં જ પોતાનાં મિત્રો સાથે ઘરેથી લાવેલ ડબ્બા ખોલી લંચ કરવા બેઠો હતો. તેની નજર તન્મય સર ઉપર પડી અને તેણે પોતાનો ડબ્બો ઝડપભેર બંધ કરી દીધો. સરની નજરથી એમ ચૂકાય ખરું? તન્મય સરે ત્યાં ઊભા રહી આંખના ઈશારે જ પૂછ્યું, 'શું છે ડબ્બામાં?' રોહનનો ડબ્બો ખુલ્યો અને નજર નીચી ઢળી ગઈ. અનાયાસ મોંમાંથી નીકળી ગયું, 'સર, આજે મમ્મી ઘરે નહોતી. પપ્પાને આ જ બનાવતાં આવડે છે.' રોહનની બાજુમાં બેઠેલ અનુપ તન્મય સરનો આગળનો હુકમ તેમના બોલ્યા વિના જ સમજી, ઊભો થઈ દોડ્યો અને શાળાનાં બાળકો માટે જાતે મહેનત અને ભાવથી, પોતાનાં ઘરેથી રાંધીને લંચ લાવતાં યશસ્વી આંટી પાસેથી રોહન માટે સ્ટીલની ડીશમાં બે તાજાં, ગરમાગરમ મિક્સ વેજીટેબલ પરાઠા અને નાની વાટકીમાં ધાણા ફુદીનાની ખાટી-મીઠી, આછી તીખાશવાળી ચટણી લઈને આવ્યો. રોહને સર સામું જોઈ મૂક માફી માંગી અને પોતાનો ડબ્બો સરને ધરી દીધો. તન્મય સરે ડબ્બો લઈ ત્યાં ડ્યૂટી બજાવતાં ફ્લોર લીડર મયંકને આપી દીધો. શાળામાં નૂડલ્સ, પાસ્તા, પિઝા જેવાં ફૂડ લાવવાની મનાઈ હતી. રોટલી, પરોઠા, શાક, ખીચડી, મસાલાભાત જેવું પૌષ્ટિક ભોજન જ લાવવાની સૂચના દરેકને હતી. રોહન, અનૂપ અને મંડળી, કાંઈ બન્યું જ નથી તેમ હોંશે હોંશે જમવા લાગ્યાં. તન્મય સર આગળ વધી પ્રિન્સિપાલ ઓફિસનાં દરવાજે ઊભાં રહ્યાં. માલિની મેડમે તેમને સસ્મિત આવકાર્યાં.

સર રજા લઈ મેડમની સામેની તરફની ખુરશીમાં બેઠાં, હાથમાંનો પરિપત્ર ખોલી મેડમને આપ્યો. 'અરે, સર. આ તો ઘણી સારી તક છે આપણાં બાળકો માટે. વીસ જ દિવસમાં તમે વોલીબોલની બે ટીમ તૈયાર કરી શકશો?' મેડમે પરિપત્ર વાંચી પૃચ્છા કરી. તન્મયને આટલાં જલ્દી સકારાત્મક નિર્ણયની આશા નહોતી. તે બોલ્યાં, 'હા, ચોકકસ મેડમ. મને શાળાનાં કલાકો પછી બાળકોનાં રોજનાં ત્રણ કલાક જોઈશે. આપ જો વાલીઓને સમજાવવા મારી મદદ કરો તો... ' તન્મયને બોલતો રોકી મેડમે એક વિજેતા જેવું સ્મિત આપ્યું. તન્મયને તરત જ એક દીકરીઓની અને એક કુમારોની એમ બે ટીમની યાદી બનાવવા કહ્યું. મેડમે કારકુનને તેમજ જુનિયર કોમ્પ્યુટર શિક્ષકને બોલાવી વાલીઓ માટે એક પરિપત્ર તૈયાર કરાવ્યો, જે મુજબ આવતીકાલે રિસેસ પહેલાં લગભગ ચાળીસ પસંદગી પામેલાં બાળકોનાં વાલીઓને આમંત્રણ અપાયું હતું. એટલામાં જ ત્યાં એડમિનીસ્ટ્રેટર સાહેબ તેમજ એક ટ્રસ્ટી મેડમ ઓફિસમાં આવ્યાં. તેઓને સન્માનતાં માલિની મેડમ અને તન્મય સર ઊભાં થઈ ગયાં. ટ્રસ્ટી શ્રી શાશ્વતી મેડમ અને એડમિનીસ્ટ્રેટર શાહ સાહેબની અનુભવી આંખોથી બંનેની આંખોની ખુશી છુપાઈ ન શકી. તેઓ બધાં ખુરશીઓમાં બેઠાં પછી એક નાનકડી મિટીંગમાં તન્મય સરને બાળકોની બે ટીમ તૈયાર કરવા જરૂરી બધી જ મદદ કરવાનું વચન અપાયું. અને આ બધું તેઓ તાત્કાલિકપણે માલિની મેડમ અને સીનીયર કારકુનની મદદથી કરી શકે છે તેમજ વારંવાર એડમિનીસ્ટ્રેટર સાહેબ કે ટ્રસ્ટી મંડળને પૂછવાની જરૂર નથી તેમ પણ જણાવ્યું.

બીજાં દિવસે સવારે આવેલાં વાલીગણનો પણ પ્રતિસાદ ખૂબ જ સકારાત્મક મળ્યો. અને શરૂ થઈ ગઈ રોજ સાંજે વોલીબોલ ટીમની પ્રેકટિસ. રોજે રોજ બાળકોનો આત્મ વિશ્વાસ વધતો જતો હતો. વાલીઓ લેવા મૂકવા આવતાં, તેમનાં દ્વારા બીજાં વાલીઓને જાણ થતાં તેમણે પણ પોતાનાં બાળકોને રમતમાં જોડવાની વિનંતી કરવા આવ્યાં. બધાંયને થોડાં દિવસ પછી બોલાવવાનું વચન આપી તન્મયે હાલ પસંદ કરેલાં બાળકો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. સરના પોતાનાં ઉપરના આ ભરોસાથી બાળકો પણ તાલીમ દરમિયાન ખૂબ જ સહકાર આપતાં. અવસર હતો શહેરની પચીસ ખાનગી શાળાઓનાં વિદ્યાર્થીઓ વચ્ચેની આંતરશાળા સ્પર્ધાનો. જે ટીમ પ્રથમ ત્રણમાં આવે તેમને શહેરનાં શ્રેષ્ઠીઓ તરફથી મેડલ અને શાળાને માતબર રોકડ ત્થા ટ્રોફીનાં ઈનામ, પ્રમાણપત્રો તો ખરાં જ. આ બધાંમાં તન્મય સરની શાળા એક જ એવી હતી જે પ્રથમ વખત આવી સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી. આડકતરી રીતે આ અવસર પોતાની શાળાનાં બાળકોને તન્મય સરે જ પોતાનાં મિત્ર એવાં આ સ્પર્ધાના આયોજક અહેમદ મિર્ઝાને કહી સામેથી માંગ્યો હતો.

બે દિવસ પહેલાં મઝાનાં યુનિફોર્મ આવી ગયાં. અને આખરે એ દિવસ આવી ગયો જ્યારે તન્મય સરની શાળાની બંને ટીમ માત્ર રમી જ નહીં, કિશોરોની ટીમ બીજાં ક્રમાંકે આવી અને કિશોરીઓની ટીમ શહેરમાં પ્રથમ. પ્રિન્સિપાલ માલિની મેડમ સહિત બધાંયની આંખો ખુશીથી છલકી ઊઠી. અને જોતજોતામાં દરરોજ સાંજે ત્રણ કલાક વોલીબોલ ટ્રેનીંગ શાળાનાં મેદાનમાં શરૂ થઈ ગઈ. એ ઉપરાંત બાસ્કેટબોલ, ક્રિકેટ, કિશોરો માટે મલખંભ તેમજ કિશોરીઓ માટે રોપ મલખંભ, બેડમિન્ટન, કેરમ, ચેસ, અને કંઈ કેટલીયે બીજી રમતો શરુ કરી. વર્ષો વીતતાં ગયાં. ક્યાંક સહકર્મીઓનાં વિરોધ તો ક્યાંક સુંદર સહકાર, વાલીગણ અને બાળકોનો અનેરો ઉત્સાહ અને તન્મય સરની અથાગ મહેનતે શાળાનાં બાળકોને અભ્યાસ ઉપરાંત રમતમાં પણ નોંધપાત્ર બનાવ્યાં અને સમય એવો આવ્યો કે જેવી તેમની શાળાની કિશોરીઓ રમતના મેદાન ઉપર પ્રવેશ કરે એટલે બાકીની ટીમ ઈશ્વરને પ્રાર્થના કરે કે, 'આ ટીમ સામે તેમને રમવું ન પડે.' અને જે ટીમનાં નામ તેમની સામે રમવા ઉચ્ચારવામાં આવે તે ટીમ, 'અરે! આ લોકો તો બહુ ખતરનાક રમે છે. તેમની સામે તો એકપણ પોઇન્ટ નહીં થાય આપણો.' એમ રમતાં પહેલાં જ મનથી ભાંગી પડે. આ પાછળ તન્મય સરની સ્ટ્રેટેજી કામ કરી ગયેલી. નવી આંતરશાળા મેચનું આયોજન થતાં જ ટીમ બની, જરૂરિયાત કરતાં બમણા વિદ્યાર્થીઓની. સાંજે પ્રેકટિસ માટે પહોંચેલા કિશોરોમાં ગણગણાટ શરૂ થયો,'આપણને બધાંને એક જ ટીમમાં રાખ્યાં છે સરે, આપણી સામે કોણ રમશે?' ત્યાં જ તન્મય સરનાં મોંમાં રહેલી સીટી વાગી અને એકથી છ ક્રમાંક અપાયેલાં કિશોરો નેટની એકબાજુ પોઝીશન લઈ ઊભાં રહ્યાં. સરની બીજી સીટી વાગતાં જ બધાંએ સરની નજરનું અનુસંધાન કરતાં શાળાનાં કિન્ડર ગાર્ટનનાં જુનિયર - બી વર્ગખંડમાંથી આવતાં ખેલાડીઓને જોઈ એક તીણી ચીસ બધાંનાં મોંમાંથી નીકળી ગઈ. સરે તેમનાં ભાવ સમજી બધાંનો પરિચય આપ્યો, 'આ ખેલાડીઓનો વ્યક્તિગત પરિચય તેમની રમતની ખાસિયતોથી છે. આજે તેઓ તમને બધાંને ટ્રેઈનીંગ આપવા આવ્યાં છે.' આકાશ તેમનાં પ્રભાવી ચહેરા અને ખડતલ શરીરો જોતાં બોલી ગયો, 'પણ કેમ સર તેમની સાથે?' આવનાર રમતવીરોએ પોતાની જગ્યા સંભાળી અને સર પોતાનાં નાજુક બાળકો તરફ મેદાનમાં આવી ગયાં અને બોલ્યાં, 'અરે દીકરાઓ, મજબૂત અને અનુભવી ટીમ જોડે રમીને તૈયાર થશો, તો તમારી ઉંમરની ટીમને તો તમે પળવારમાં પછાડીને ચણામમરાની જેમ ફાકી લેશો.' કિશોરોમાં હવે ભયના સ્થાને અનોખો જુસ્સો વર્તાયો. બધાંયે સિલેક્ટ થયેલાં વિદ્યાર્થીઓએ પંદર દિવસ સુધી ખૂબ જ સારી ટ્રેઈનીંગ લીધી અને પ્રથમ મેચથી જ બીજી શાળાઓને હંફાવવા લાગ્યાં.

સરે આવી ત્રણ-ત્રણ ટીમ તૈયાર કરેલી કિશોરોની અને કિશોરીઓની. અલગ અલગ જગ્યાએ ભાગ લેવા એકની એક ટીમ જાય તો થાકી જાય, અભ્યાસ પણ વધુ સમય માટે છૂટી જાય. એટલે વારાફરતી જુદી જુદી ટીમ મોકલાય. માતા-પિતાઓ અને શિક્ષકોનો સહકાર પણ અભૂતપૂર્વ હતો, અને સહાધ્યાયીઓને તો કેવી રીતે ભૂલાય? મેચ રમવા ગયેલાં બાળકોનો છૂટી ગયેલ ટેસ્ટ, ફરીથી અલગ પેપર સેટ કરી શિક્ષકો લેતાં. માતા-પિતા બાળકોનાં છૂટેલાં તાસની દિવસો સુધીની નોટ્સ શિક્ષકો પાસેથી ભેગી કરી રાખતાં અને સહાધ્યાયીઓએ તો મદદમાં હદ કરી. તેઓ પોતાનાં મિત્રો રમીને પાછાં આવે પછી તેમને ફરી અભ્યાસ કરાવવાનું શરૂ કર્યું. કોઈ કોઈના ઘરે જાય તો કોઈ રિસેસમાં અને શાળા છૂટ્યા પછી થોડી વાર માર્ગદર્શન આપે. કોઈ તો પોતાની નોટસની ફોટોકોપી કરાવી તૈયાર રાખે અને આખી જ સમજાવી જાય. આમ બધાંયની ભેગી મદદરૂપ કવાયતથી એકસાથે સોથી વધુ વિદ્યાર્થીઓ રમતોમાં ભાગ લેતાં થયાં.

શહેરમાં જ નહીં, શહેરની બહાર જિલ્લા અને રાજ્યની મેચમાં પણ સરનાં હાથ નીચે તૈયાર થયેલાં બાળકો તરખાટ મચાવતાં ગયાં. માત્ર અભ્યાસમાં, વકતૃત્વ, ગણિત, કોમ્પ્યુટર, વિજ્ઞાન જેવાં વિષયોમાં આગળ એવી આ શાળાનાં બાળકોએ માત્ર રમતોમાં મેળવેલ વિવિધ શીલ્ડ અને ટ્રોફીઓથી એક આખી દિવાલ જેટલું શો કેઈસ સજાવી દીધું.

આટલું કહી વામા થંભી. તેની નજીક બેઠેલ તેની સખીઓમાંથી શાશ્વતી ટહુકી, 'પછી, સરે અમને તો ઘણુંયે આપ્યું. મને તો નેશનલ સ્ટાર બનાવી વોલીબોલની રમતમાં. પણ હવે, મારાં જેવી સામી ટીમને હંફાવે એવી બીજી વામા આ શાળાને કે શહેરને નહીં મળે.' શાશ્વતીનાં ચહેરાની રેખાઓ તંગ થઈ. તે કાંઈ પૂછે એ પહેલાં જ વામાએ પોતાની વાતનું અનુસંધાન કરતાં કહ્યું, 'અમારાં એ તન્મય સરને પણ આ કોવિડની બીજી લહેર સાવ ચાળીસીનાં આરંભે જ ભરખી ગઈ. હજીયે આ વાત સંભારતાં મારાં રૂંવાડાં ખડાં થઈ જાય છે. જેમણે અમને કેટલાંયે બાળકોને રમતથીયે સફળતા મળે એ શીખવાડ્યું, તેમનો જીવનદીપ મધદરિયે જ...' વામા છૂટ્ટા મોંએ રડી પડી. શાશ્વતીને સમજાયું નહીં કે તે શું કરે પણ તેનો હાથ આપોઆપ વામાનાં ખભા ઉપર મૂકાઈ ગયો.

ત્યાં જ એક અવાજ પાછળથી આવ્યો,' દીકરા વામા, તારાં સરની બધી જ ટેકનિક તું જાણે છે ને? હવે બીજી અનેક વામા, પ્રિયા, અખિલ, રોહન આ મેદાનને આપવાનું કર્તવ્ય તારું.' તન્મય સરની જગ્યાએ શાળામાં નિમણૂક પામેલ મોહન સરની આ વાત સાંભળી વામાને ખાસ કાંઈ સમજાયું નહીં. વામા અભ્યાસ પૂર્ણ કરી નોકરી અર્થે બેંગલોર રહેતી હતી. મોહન સર આગળ બોલ્યાં, 'વામા, તું અને બીજાં સફળ બાળકો જ્યાં પણ હો, જ્યારે પણ સમય મળ્યે પોતાનો આશા અને ઉત્સાહભર્યો, રમતની ટેકનિકથી સજજ વિડિયો શાળાને મોકલતાં રહો. આપણે બધાં મળીને બાળકોની રમતમાં તન્મય સરને જીવંત રાખીશું.' વામા અને શાશ્વતીનાં આંસુથી ખરડાયેલાં ચહેરા ઉપર હળવું સ્મિત રમી રહ્યું. 'અને ત્યાં જ અટકવાનું નથી. શહેરમાં હોય એ બધાં જ સીનીયર વિદ્યાર્થીઓને મેસેજ કે ફોન કરી આવતીકાલે સવારે આઠ વાગ્યે અહીં જ આવવા કહી દો. આપણે તન્મય સરનાં નામે જ વોલીબોલ કપની ઘોષણા કરવા જઈ રહ્યાં છીએ.' બોલતાં પ્રિન્સીપાલ માલિની મેડમ મલક્યાં.

અલ્પા ભટ્ટ પુરોહિત
વડોદરા