Jivansangini - 33 - Last part books and stories free download online pdf in Gujarati

જીવનસંગિની - 33 - છેલ્લો ભાગ

પ્રકરણ-૩૩
(માફી)

આકાશનું ભણવાનું હવે પૂરું થઈ ગયું હતું. આકાશને હવે એમ.ડી.ની ડીગ્રી મળી ચૂકી હતી. જે વર્ષે આકાશને ડીગ્રી મળી એ જ વર્ષે એની મેડીકલ કોલેજની સ્થાપનાના પણ ૫૦ વર્ષ પુરા થતા હતા. તેથી ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશથી અનેક કલાકારોને મનોરંજન માટે બોલાવવામાં આવ્યા હતા. તેમાં વીર પણ સામેલ હતો.

આકાશ અને આકાંક્ષા બંને આખા પ્રોગ્રામને હોસ્ટ કરવાના હતા. એટલે કોલેજના ડીન તેમની બધા કલાકારો જોડે ઓળખાણ કરાવતા હતા. બધાની ઓળખાણ કરાવતાં કરાવતાં તેઓ છેલ્લે વીર પાસે પહોંચ્યા. ડીને વીરની ઓળખાણ કરાવતા આકાશને કહ્યું, "આકાશ! આ વીર છે. તેઓ ખૂબ જ સારા શાસ્ત્રીય સંગીતકાર છે. અને દેશ વિદેશમાં તેઓ ખૂબ નામના ધરાવે છે."

આકાશ બોલ્યો, "હા, સર! નામથી તો હું એમને ઓળખું જ છું. વીરસાહેબને કોણ નથી ઓળખતું? પરંતુ આજે રૂબરૂ આપશ્રીને પહેલી વાર મળવાનું થયું. આપને મળીને મને ખૂબ જ આનંદ થયો વીર સાહેબ."

"મને પણ તમને મળીને અત્યંત આનંદ થયો ડૉક્ટર સાહેબ!" વીર બોલ્યો. ત્યાં જ વીરને કોઈનો ધક્કો વાગતાં એણે ગળામાં પહેરેલું લોકેટ જમીન પર પડ્યું.

વીર લોકેટ લેવા જ જતો હતો પણ એ પહેલાં આકાશનો હાથ ત્યાં પડ્યો. અને એ લોકેટ વીરને આપવા જ જતો હતો ત્યાં જ એની નજર લોકેટમાં રહેલા ફોટોગ્રાફ પર પડી. એમાં મેહુલ અને અનામિકાનો ફોટો હતો. લોકેટમાં પોતાની માતાનો ફોટો જોઈને તેને સમજાઈ ગયું કે, વીર જ અનામિકાનો સાવકો દીકરો છે. એની આંખો સહેજ ભીની બની. અને એણે વીરને સવાલ કર્યો, "આ લોકેટમાં જે ફોટો છે એ તમારી મમ્મી છે?"

"હા, પણ કેમ અચાનક એવો સવાલ?" વીરે પૂછ્યું.

" શું આ જ તમારી સગી માતા છે? શું એમણે જ તમને એમની કુખેથી જન્મ આપ્યો છે?" આકાશે પૂછ્યું.

"ના, એમણે મને જન્મ તો નથી આપ્યો. પરંતુ મારે મન એ સગી મા કરતાં પણ વિશેષ છે. કારણ કે, જ્યારે મારી મા મને છોડીને ઈશ્વર પાસે જતી રહી ત્યારે એણે જ મને પોતાના જીવના જતનની જેમ સાચવ્યો છે. એટલે એમનો હું જેટલો ઉપકાર માનું એટલું ઓછું છે. અને હું ક્યારેય કદાચ એનું મારા પરનું આ ઋણ નહીં ચૂકવી શકું. પણ તમે મને આ બધું શા માટે પૂછી રહ્યાં છો?"

"કારણ કે, તમારી એ જ સાવકી માનો સગો દીકરો હું છું. આકાશ! નિશ્ચય અને અનામિકાનો દીકરો આકાશ." આકાશે હવે ખુલાસો કર્યો.

" ઓહ તો તું જ છો આકાશ? મારી મમ્મીનો સગો દીકરો? તને ખબર છે એ તને કેટલું યાદ કરતી હોય છે! અને એણે કદાચ આખું જીવન તારી જ યાદમાં વિતાવી દીધું છે એમ કહું તો ખોટું નથી. શું તને ઈચ્છા નથી થતી તારી મમ્મીને મળવાની?" વીરે પૂછ્યું.

"હા, મને મન તો ખૂબ જ થાય છે. મારા પપ્પા પણ એમણે મમ્મી જોડે એમણે જે કંઈ પણ વર્તન કર્યું એ બદલ એ ખૂબ જ પસ્તાઈ રહ્યાં છે. એ પણ મારી મમ્મીની માફી ઈચ્છે છે." આકાશ બોલ્યો.

"એ તારા પપ્પાને માફ કરી શકશે કે નહીં એ તો હું નથી જાણતો. પણ એટલું જરૂર જાણું છું કે, તને મળીને એ ખૂબ ખુશ થશે. જો તું ઈચ્છે તો તું એને મળવા મારા ઘરે આવી શકે છે. હું તને મારો નંબર અને એડ્રેસ આપું છું. તને જ્યારે પણ મન થાય ત્યારે તું એમને મળવા આવી શકે છે. તારા માટે તો એમના દિલના દ્વાર હંમેશાથી ખુલ્લા જ છે. તું આવીશ તો અમને બધાંને ગમશે." વીરે કહ્યું.

"અને તારા પપ્પા? શું એમને ગમશે? શું એમને મારા આવવાથી ખુશી થશે?" આકાશે પૂછ્યું.

"હા, એ તો ઉલટા ખુશ થશે કે, એક મા ને એનો દીકરો મળી ગયો. તું મારા પપ્પાને ઓળખતો નથી. સંતાનોની બાબતમાં એ ખૂબ જ લાગણીશીલ છે એટલે એ જરૂર તારી ભાવનાઓને સમજશે." વીરે કહ્યું.

"હા, તો હું ચોક્કસ એમને મળવા આવીશ. અને પછી એણે આકાંક્ષાની ઓળખાણ કરાવતા કહ્યું, આ મારી દોસ્ત છે આકાંક્ષા! અને ટૂંક સમયમાં જ અમે બંને લગ્ન કરવાના છીએ તો હું એમના આશીર્વાદ લેવા જરૂર આવીશ." આકાશે કહ્યું.

ચાલો! હવે પ્રોગ્રામ શરૂ કરવાનો સમય થઈ ગયો છે મારે હવે સ્ટેજ પર જવું જોઈએ આટલું કહીને આકાશ સ્ટેજ પર જતો રહ્યો. આકાશ અને આકાંક્ષાએ આખા પ્રોગ્રામનું સંચાલન બહુ જ સારી રીતે કર્યું અને વીરનો પ્રોગ્રામ પણ બધાંને ખૂબ જ ગમ્યો. બધાંને ખૂબ જ મજા પડી.
*****
ઘરે આવીને વીરે અનામિકાને બધી વાત કરી. એની આકાશ જોડે મુલાકાત થઈ એ વાત પણ કરી અને એને એમ પણ કહ્યું કે, મેં એને એડ્રેસ આપ્યું છે એટલે એ તને મળવા જરૂર આવશે. અનામિકા આ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. અને આકાશ કયારે એને મળવા આવે એની રાહ જોવા લાગી. આ બાજુ આકાશે પણ ઘરે જઈને નિશ્ચયને વીરની મુલાકાતની વાત કરી અને કહ્યું કે, એ એની મમ્મીને મળવા માંગે છે. પરંતુ આકાશની વાત સાંભળીને નિશ્ચય દુઃખી મને બીજા રૂમમાં જતો રહ્યો. અને થોડીવાર પછી હાથમાં એક ચિઠ્ઠી લઈને આવ્યો અને એણે આકાશને કહ્યું, "તું અનામિકાને જ્યારે પણ મળવા જાય ત્યારે મારી આ ચિઠ્ઠી એને આપજે અને કહેજે કે, આ મારો માફીપત્ર છે. જો બની શકે તો એ મને માફ કરી દે. આમ તો હું માફી માગવાને લાયક નથી પણ છતાં જો એ મને માફ કરી દેશે તો હું એનો આભારી રહીશ." આટલું કહીને નિશ્ચય ત્યાંથી જતો રહ્યો.
*****
થોડાં સમય પછી આકાશ અને આકાંક્ષા બંને અનામિકાને મળવા આવ્યા. બંને મા-દીકરાનું અનોખું મિલન થયું. થોડીવાર તો એ બંને એકબીજાને જોતાં જ રહ્યા અને બંનેના મોંમાંથી શબ્દો નીકળી રહ્યા ન હતા. અનામિકા બોલવા જતી હતી ત્યાં જ આકાશે એને રોકી અને બોલી ઉઠ્યો, "તારે હવે મને કોઈ જ સફાઈ આપવાની જરૂરિયાત નથી. વીરે મને બધું જ જણાવી દીધું છે. હું પણ તારી પરિસ્થિતિ સમજી શકું છું. અને આ જો! આ આકાંક્ષા છે. જે ટૂંક સમયમાં જ તારી વહુ બનવાની છે."

"તમને બંનેને ખૂબ ખૂબ શુભકામના. મારા તમને બંનેને હંમેશાથી આશીર્વાદ છે." અનામિકાએ એને આશીર્વાદ આપ્યા. એ પછી બંનેએ મેહુલના પણ આશીર્વાદ લીધાં અને મેહુલે પણ એમને ખુશ રહો ના આશીર્વાદ આપ્યાં. વીર અને આકાશ પણ બંને ગળે મળ્યાં.

અને પછી આકાશે પોતાના પિતાએ આપેલી ચિઠ્ઠી અનામિકાને આપી અને કહ્યું, "આ પપ્પાએ આપી છે. તું એકવાર વાંચી લે."
અનામિકાએ ચિઠ્ઠી ખોલી અને વાંચવાની શરૂઆત કરી.

અનામિકા,
પ્રિય લખવાનો હક હવે હું ખોઈ ચૂક્યો છું. એટલે પ્રિય લખતો નથી. માત્ર અનામિકા જ લખું છું. મેં તારી સાથે અત્યાર સુધી જે કંઈ પણ વર્તન કર્યું તે બદલ હું તારી ક્ષમા માગું છું. હું પસ્તાવાની આગમાં સળગી રહ્યો છું. મારે તારી જોડે આવું વર્તન કરવું જોઈતું નહોતું. કદાચ એક દીકરાને મા થી અલગ કરવા માટે પણ હું એટલો જ જવાબદાર છું. બની શકે તો મને માફ કરી દેજે.
લિ. નિશ્ચય

અનામિકાએ ચિઠ્ઠી બંધ કરી અને એની આંખો સહેજ ભીની બની. એણે પોતાની આંખના આંસુ લૂછયાં અને આકાશને કહ્યું, "તારા પપ્પાને કહેજે કે, એક સ્ત્રી તરીકે હું કદાચ એને માફ કરી દઉં પણ મારી અંદરની મા કદાચ એને ક્યારેય માફ નહીં કરી શકે." આટલું બોલતાં અનામિકા ફસડાઈ ગઈ પણ મેહુલે એને સંભાળી લીધી.

*****
આકાશ અને આકાંક્ષા બંને અનામિકાના ઘરેથી રવાના થયાં. થોડાં સમય પછી આકાશ અને આકાંક્ષાના લગ્ન થયા. અનામિકા તો એ બંનેના લગ્નમાં સામેલ ન થઈ. પરંતુ માત્ર વીર એ લગ્નમાં સામેલ થયો. અને અનામિકાએ વીડિયો કોલિંગથી આકાશ અને આકાંક્ષાના લગ્ન નિહાળ્યા. અને બંનેને આશીર્વાદ પણ આપ્યા. પણ નિશ્ચયને અનામિકા માફ ન કરી શકી.

થોડાં સમય પછી વીરના લગ્ન પણ મેહુલના એક મિત્રની કન્યા જોડે થઈ ગયા. અનામિકા પોતાના બંને દીકરાઓ સેટલ થઈ ગયાં એ વાતથી ખુશ હતી.

વીર તો એના જીવનમાં હતો જ. પરંતુ હવે આકાશના ફરીથી અનામિકાના જીવનમાં આવવાથી એના જીવનમાં ફરી બહાર આવી ગઈ હતી. એ ખૂબ જ ખુશ હતી અને આકાશ અને વીર જેવાં દીકરાઓ ઈશ્વરે એને આપ્યાં એ માટે અનામિકા ઈશ્વરનો હૃદયપૂર્વક આભાર માની રહી.

(સમાપ્ત)
*****
અનામિકા જેવી અનેક જીવનસંગિનીઓની આ જ વાર્તા છે. આવી કેટલીયે અનામિકાઓ આપણાં સમાજમાં છે. અને નિશ્ચય જેવા પતિઓની પણ કમી નથી. પણ અનામિકાએ ખૂબ જ હિંમતથી નિશ્ચયને છોડીને બીજાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. અને બદલામાં સગાં દીકરાને ગુમાવ્યો. પણ એના જીવનમાં મેહુલ અને વીર આવ્યાં કે, જેણે અનામિકાને સંભાળી લીધી. અને અંતમાં આકાશને પણ સત્ય સમજાયું અને એ અનામિકાને મળવા ગયો અને સત્યની જીત થઈ. આપણી જ આસપાસના લોકોને જોઈને આ વાર્તા લખવાની પ્રેરણા મળી છે.

અનામિકાની આ વાર્તા વાંચીને જો કોઈ સ્ત્રી અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત કરશે તો મારી આ વાર્તા લખવાના કાર્યને યોગ્ય ન્યાય મળ્યો કહેવાશે. આશા રાખું છું કે, આપને આ વાર્તા પસંદ પડી હશે. આપનાં અમૂલ્ય પ્રતિભાવો અવશ્ય લખશો.
*****