My Experiences - Rona Nadya Hai books and stories free download online pdf in Gujarati

મારા અનુભવો - રોના જરૂરી હૈ

રોના જરૂરી હૈ...

હસવું એ પ્રસન્નતા નથી અને રડવું એ દુઃખી થવું એમ નથી. હસવું અને રડવું એક પ્રતિક્રિયા છે જે તે સમયાનુસાર પરિસ્થતિ અનુરૂપ લાગણીના ઉદ્વેગ અંતરમનમાં આવે એમ આપણે અચાનક જ હસીએ અને રડીએ છીએ.

જિંદગી મોડર્ન થઈ છે, લાક્ષણિક પ્રતક્રિયાઓ સંતાવી માણસ ફેક ચહેરો લઈને ફરી રહ્યો છે કે કદાચ કોકને આપણી કોક વ્યથા કે આપણી કોક ઉપલબ્ધિ જાહેર ન થઈ જાય. આવી અકુદરતી ફેક્ વર્તુણક વ્યક્તિને રોબોટ બનાવી રહી છે.

વિરાટ કોહલી ફરી ફોર્મમાં આવે અને ખુબજ અઘરા સમયે ભારતીય ટીમ ને જીત આપાવે અને અર્ધશતક મારે ત્યારે બે આંસુ હર્ષના આવી જ જાય આંખોમાં. જ્યારે કોઈ પોતીકું તમને ગમતી ખાવાની વસ્તુ લઈને આવે ત્યારે તો ચોક્કસ રડી લેવું, બોર્ડર ફિલ્મમાં જ્યારે "સંદેસે આતે હૈં, હમેં તડપાતે હૈં " ગીત વાગે ત્યારે આંખોમાં આંસુ આવશે, રોકવાનું નહીં.

કોક પ્રિયજનની યાદમાં બીજા પ્રિયજનની સામે યાદ કરીને રડવું એ આપણી નબળાઈ નથી, કોકની વાત કે વર્તનથી દુઃખ થાય અને રડતા આપણે એને જણાવીએ તો એ આપણી પારદર્શકતા દેખાડે છે, નબળાઈ નથી. કોક વડીલ વર્ષોથી યાદ કરે અને આપણે એમને મળવા જઈએ ત્યારે જે હર્ષના આંસુ આંખમાં આવ્યા એ વર્ષો જૂની યાદોને સવારના પવનની જેમ તાજુ કરી દેતા હોય છે. આપણે આવું કંઇક કર્યું કે થવા દીધું?

પણ આવી ક્ષણો અનાયાસે જ જીવનમાં આવે, આપણે બોલાવતા નથી, બસ થઈ જાય છે. કારણ કે આપણે લાગણીહીન એવા વિચારો અને વ્યસનોથી છલોછલ ભરાયેલા બેઠા છીએ. શોપિંગ પહેલાં મિત્રો કે સગા વહાલા સાથે થતું હવે ઓનલાઇન થયું એટલે સબંધોને હૂંફ બહુ મળતી નથી. પરિવાર સાથે જોવાય એવા ફિલ્મો પણ ક્યાં બને જ છે, હમ આપકે હૈં કૌન તમે કોની જોડે જોવા ગયા હતા?કે જી એફ ભલે ગમ્યું પણ કેટલા ને અને કેમ? પ્રિયજનોને ઘરે જમવા બોલાવીને કલાકો થતી વાતો, યાદો અને એમાં હસવું રડવું હવે બહુ થતું નથી. કેટલા આવા કાર્યક્રમ આપણે ગોઠવાય છે?

મેટ્રિક્સ ફિલ્મમાં બતાવે છે કે એક કિરદાર એક ભ્રમમાં જીવે છે, દુનિયા ખરેખર રોબોટ બની ગયી છે પણ આં કિરદારને એવું બતાવવા માં આવી રહ્યું છે કે માણસો હજી જીવે છે. આ વાત આજે મહદઅંશે સાચી છે, જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજ્ન્સ અને મશીન લર્નિંગ પર સંશોધન થઇ રહ્યાં છે, મશીનો આપણને ઓળખતી થઈ છે, સમજતી થઈ છે, એમને ખબર છે કે અમુક દિવસે, અમુક જગ્યાએ આપણે શું ખાઈશું, ખરીદીશું અને ખર્ચીશું. પણ હજી કદાચ એમને ખબર નથી કે ક્યારે રડવું પણ આવી જાય. ગૂગલ ફોટોસ જોકે જૂના ફોટા દેખાડી યાદો તાજી કરી આપે છે.

એક વસ્તુ નક્કી કરીએ કે આપણે માનવ રહેવું છે કે મશીન બની જવું છે? માનવ રહેવા માટે આનંદ અને આંસુ કુદરતી અને પ્રાસંગિક હોવા જોઈએ અને આવવા જ જોઈએ. બસ એક બીજાને માણસની જેમ મળીએ, ખબર અંતર પૂછીએ, ફકત પગાર કેટલો અને મકાન કેટલા પૂછવા કરતાં એવું પૂછીએ કે ભાઈ આનંદ મંગલ છે, જૂના લોકોના નામ સાથે એનો સબંધ અને સંદર્બ યાદ અપાવીએ તો આંકડાઓની યાદી નહીં પણ આંસુઓની હરોળ આવશે ખરી.

જો આપણે લાગણીવશ થઈને રડીએ છીએ તો આપણે જીવીએ છીએ. જીવો છો ને?


- મહેન્દ્ર શર્મા ૦૬.૧૧.૨૦૨૨



ભણવું ફકત પુસ્તક પઠન નથી


ક્લાસના સૌથી નબળા વિદ્યાર્થીને સરવાળો, બાદબાકી ભાગાકાર અને ગુણાકાર આવડે છે, કેમ?


ક્લાસના લગભગ ૯૦-૯૫% વિદ્યાર્થીઓ મોટાભાગના વિષયોમાં પાસ થઈ જાય છે કેમ?


તમે એક વિદ્યાર્થીને ક્લાસ બહાર કોઈ સિલેબસ માંથી પ્રશ્ન પૂછો, જવાબ લગભગ નિયર પરફેક્ટ હશે. પણ ક્લાસ કે પરીક્ષામાં એ ભૂલ કરે છે, કેમ?


આપણું મગજ સાંભળેલ, જોયેલ, સુંઘેલ કે વાંચેલ વસ્તુઓ પોતાની જાતને સમજાવવા જાતે જ ઘણી વખત પુનરાવર્તન કરે છે, અને જો એ પુનરાવર્તન બાહ્ય સેન્સ થી એટલે જોવા સાંભળવાથી પણ આવે તો વધુ મજબૂત બને અને કાયમી મેમરી કે યાદશક્તિ બની જાય.


હું રાજસ્થાન પુષ્કરરાજ તીર્થ ઘણી વખત ગયો છું, કારણ કે મારા પપ્પાના વતન અજમેર શહેરની સૌથી નજીકનું તીર્થ આ છે, ત્યાં મેં નાના બાળકો જેમનું પેઢીઓ થી કામ છે ગાઈડ કરવું, તે બાળકોને અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિશ અને રશિયન ભાષા બોલતા જોયા સાંભળ્યા છે. આ ભાષાઓ એમની શાળાઓમાં તો ભણાવવામાં નથી આવતી. પણ લાખોની સંખ્યામાં આવતા ટુરિસ્ટને સાંભળી આ બાળકો શીખી જાય છે.


પ્લંબિંગ, કાર્પેન્ટર કે ઇલેક્ટ્રિક વાળા પોતાના છોકરાઓને કામ કેવી રીતે શીખવાડે છે?


હવે પાછું ક્લાસના નબળા વિદ્યાર્થી પાસે આવીએ, એ વિદ્યાર્થી પણ સાંભળે છે, જુઓ છે બસ ઘરે જઈને પુસ્તક પકડતો નથી. એટલે ૫૦-૬૦% ભણવાનું ક્લાસમાં થઈ ગયું, એ પ્રશ્ન પૂછતો નથી કારણ કે એને બીજા બાળકો સામે બેઇજ્જતી ન થાય એટલે ન સમજેલું રહી જાય.તેમ છતાં એને કંઈક સમજાયું જે પરીક્ષામાં લખશે અને પાસ થઈ જશે.


આ બાબત સુધારવા બે બાજુએ આ મોરચો સંભાળવા જેવો છે


વાલીઓએ બાળકોને પુસ્તક પકડો પુસ્તક પકડો ની જીદ કરતા છોકરાઓને ક્લાસમાં બસ ધ્યાન પૂર્વક ભણો એ બાબતે સજાગ કરીએ, છોકરાઓને ક્લાસમાં પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરીએ. પ્રશ્ન પૂછવા પ્રેરણા આપવા વિવિધ વાર્તાઓ અને કિસ્સાઓ કહીએ કે જેથી બાળક પ્રશ્ન પૂછવું એ પોતાનો હક અધિકાર સમજે.


બીજો મોરચો શિક્ષણ વિભાગે સંભાળવો પડે, સિલેબસ ઘટાડીને એક જ સિલેબસ પુનરાવર્તન કરીને ભણાવવું જોઈએ કે જેથી જે ભણાવ્યું એ છોકરાઓને યાદ રહે. બાબર, ઇબ્રાહિમ લોદી કે અકબરની વંશાવલી ગોખવાથી પણ યાદ નથી રહેતી પણ ભારત ખેતીપ્રધાન દેશ છે એ યાદ રહે છે. ઘઉં હરિયાણા અને પંજાબથી આવે છે બધાને યાદ છે અને ગુજરાતમાં કપાસ અને મગફળીની ખેતી થાય છે એ યાદ રહી જાય છે કારણ કે આજુ બાજુના પરિબળો સમાચાર લગાતાર યાદ અપાવે છે.


ટ્યુશન ક્લાસ પણ વિદ્યાર્થીને દર અઠવાડિયે પરીક્ષા લઈને પુનરાવર્તન જ કરાવે છે. સાથે જ ત્યાં ઓછા વિદ્યાર્થીઓ કે અ પરિચિત વિદ્યાર્થીઓ સાથે હોય પ્રશ્ન પૂછવામાં છોકરાઓ ઘબરાતા નથી. પણ એ માહોલ ક્લાસમાં ઊભું થાય તો મોટાભાગના પરિણામ સારા આવે.


- મહેન્દ્ર શર્મા ૩૦.૧૦.૨૦૨૨