Human Values books and stories free download online pdf in Gujarati

માણસનું મુલ્ય

 "માણસનું મુલ્ય" લેખ નું શીર્ષક વાંચી ને મનમાં પ્રશ્ન જરૂર થશે કે શું છે એક માણસનું મુલ્ય  ? આ મુલ્ય કેવી રીતે નક્કી કરી શકાય ? માણસે તો આ દુનિયાની દરેક વસ્તુને માપી શકાય કે તેનું મુલ્ય આંકી શકાય તે માટે ઘણી વિવિધ પ્રકારની રીતો વિક્સાવી છે? તો શું પોતાના આંકન  માટે આવી કોઇ રીત વિક્સાવી છે ખરી ? કે એવું કોઇ માપદંડ નિશ્ચિત કરેલો છે  જેથી કોઇ પણ માણસનું મુલ્યનું આંકન કરી શકાય . આ વાત જો કોઇ વડીલ ને પુછવામાં આવે તો જવાબ મળશે કે માણસનૂં મુલ્ય તેના વિચારો ,કર્મો ,તથા બીજા લોકો માટે તેના દ્વારા કરવામાં  આવેલા સારા કે ખરાબ કાર્યો થકી નક્કી થઇ શકે છે. જેના  કર્મો સારા અને શ્રેષ્ઠ તેનું મુલ્ય પણ ઉંચું.આમ મૂલ્યવાન માણસ એ સાચો સજ્જન છે. તે તેની આસપાસના દરેકને તેમના લિંગ, જાતિ, સંપ્રદાયને ધ્યાનમાં લીધા વિના આદર આપે છે, માર્ગદર્શન આપે છે અને મદદ કરે છે તે તેની મર્યાદાઓ જાણે છે, તે મહાન અંતરાત્મા ધરાવે છે અને ઉમદા, ન્યાયી અને સક્રિય છે. મુલ્યવાન માણસો  માત્ર પ્રેરણા જ નથી આપતા પરંતુ અન્ય લોકો માટે પણ સારુ ઉદાહરણ છોડી દે છે. હા અહી એક વાત જરૂર કહીશ કે સફળ માણસ અને મૂલ્યવાન માણસ વચ્ચે થોડું અંતર હોય છે. સફળતા હંમેશા તમને તમારા માટે કંઈક મેળવવા માટે દબાણ કરે છે પરંતુ જો તમે મૂલ્ય પર કામ કરશો તો બધા દ્વારા તમને  ઓળખવામાં આવશે. કોઇ માણસ સફળ છે તો તે મુલ્યવાન છે એવુ કહી શકાય નહી.
           જો કે આ બધા માપદંડ આજે કેટલા લોકો દ્વારા સ્વીકારવામાં આવે છે એજ એક સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે  આજના  આ ટેકનોલૉજી વાળા યુગ માં કોઇ પણ માણસનું મુલ્ય એ તેની રહેણીકરણી અને તેની વૈભવી જીવનશૈલી ને જ ધ્યાન માં રાખીને આંકવામાં આવે છે.જેની પાસે પૈસા હોય તેની કિંમત હોય છે.જેની  પાસે સારો મોટો બંગલો કે ઘર અને ગાડી હોય તેની જ વેલ્યુ હોય છે. તે તેને કેવી રીતે મેળવે છે તેનાથી કોઈ ને કોઇ જ ફરક પડતો નથી સારા અને અત્યંત આધુનિક ગેજેટ્સ નો ઉપયોગ કરતાં હોય, મોંઘી દુકાનો અને મોટા મોટા મોલ્સ માં જઇ ને બ્રાંડેડ વસ્તુઓની ખરીદી કરતાં હોય, હંમેશાં બ્રાંડેડ વસ્તુઓ જ પહેરતાં હોય, વારે-તહેવારે ફાઇવ સ્ટાર હોટેલ્સ માં જમતાં હોય ,પોતાની માતૃભાષા છોડી અન્ય ભાષા પર ગર્વ કરી એ જ ભાષામાં વાતચીત કરવાનો આગ્રહ રાખતા હોય, આ બધુ કરવા સક્ષમ હોય તેવા લોકોને જ આજના સમયમાં મૂલ્યવાન વ્યક્તિ ગણવામાં આવે છે ને જો આ બધુ ન હોય કે ના કરી શકે એનું જાણે  કોઇ મુલ્ય જ નહી.શું જરૂરી છે કે હું દરેક બાબતમાં બે કે ચાર અંગ્રેજી શબ્દોનો બોલવામાં  સમાવેશ કરું જેથી મને સંસ્કારી કહી શકાય ?  અરે આમાંથી   એકાદ પરીબળ ઓછુ હોય તો પણ જેની પાસે છે એવી વ્યક્તિ ની સરખામણીમાં તમે  એક પગથિયુ નીચેના છો એવું તમને  વારે વારે અનુભવ કરાવવામાં આવશે. અને  જો કોઇ  માણસને  એવી જીવનશૈલી જીવવાની તક મળે છે તો  તે તેના જીવનને જોખમમાં મુકીને પણ તે માટે ગમે તે કામ કરવા તૈયાર થઈ જાય છે.ને જ્યારે આ મુજબનું વાતવરણ કોઈ પણ માણસને  જો બાળપણ થી જ મળે તો તે પણ આજ રીતે આંકન કરવા લાગે તે પણ એવું  જ સમજવા લાગે કે જીંદગી આવી  હોય તો જ લોકોની વચ્ચે માન-મોભો મળે. બાળપણ માં  જ્યારે મારા કેટલાક મિત્રોને એક સામાન્ય જીંદગી થી વધારે આરામદાયક જીવનશૈલી (ઉપર વર્ણવ્યા મુજબની ) જીવતા જોતો ત્યારે મને પણ ધણી વાર એવી જીવનશૈલી જીવવાના વિચારો સતત થયા કરતા.પણ જેમ જેમ હું મોટો થતો ગયો ,નોકરી કરતો થયો અને  મારી ઇચ્છા મુજબની પરિસ્થિતિનું (મારી જીવનશૈલી આરામદાયક બનાવવા માટે જરુરી પરિસ્થિતી)  નિર્માણ કરવા સક્ષમ થયો  તેમ તેમ હું સમજી ગયો કે હું રૂ.300 ની ઘડિયાળ પહેરું કે રૂ.  30000 ની, બંને  સમય તો સમાન જ બતાવશે.મારી પાસે રૂ.300 ની બેગ હોય  કે  રૂ.30,000 ની  પણ તેની અંદર રહેલી  વસ્તુઓ કે સામગ્રીમાં  કોઈ ફેરફાર થશે નહીં. હું 300 ચોરસ વારના ઘરમાં રહું કે 3000 ચોરસ વારના ઘરમાં, એકલતાનો અહેસાસ તો સરખો જ હશે. અંતે મને એ પણ ખબર પડી કે જો હું બિઝનેસ ક્લાસમા મુસાફરી કરુ કે ઇકોનોમી ક્લાસમાં મુસાફરી કરુ,  મારા મુકામ પર તો જે-તે  નક્કી  સમય પર જ પહોંચીશ. તો આ બધા થી જો કોઇ ફર્ક પડવાનો જ ના હોય તો શા માટે એ પાછળ આંધળી ડોટ મુકવી.કોઇને ભૂખ લાગે ને જમવા માટે સારી હોટલ નજીક મા ન મળે ત્યારે લારી કે રેકડી માથી ખાવાનું  લેવામા પણ કોઈ તેને અપમાન માનતું નથી. અને એટલા માટે જ ઘરના  બાળકોને ખૂબ સમૃદ્ધ કે સુખી બનવા માટે પ્રોત્સાહિત કરશો નહીં પરંતુ તેમની  પાસે જે છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરી કેવી રીતે ખુશ રહેવું તે શીખવો આથી  જ્યારે તેઓ મોટા થાય ત્યારે વસ્તુઓનુ મહત્ત્વ જુએ, તેમની કિંમત કે બ્રાંડ  નહીં. બ્રાંડેડ વસ્તુઓ વેપાર જગતનું સૌથી મોટું જૂઠાણું છે, જેનો સાચો હેતુ ધનિકોના ખિસ્સામાંથી પૈસા કઢાવવાનો છે, પરંતુ હકીકત એ છે  કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો એનાથી ખૂબ વધારે પ્રભાવિત થાય છે. અહી હું એક વાત ની ચોક્કસ સ્પષ્ટ્તા કરીશ કે બ્રાંડેડ વસ્તુઓ વાપરશો જ નહી એવું હું નથી કહેતો. હા, તમારે ખરેખર કોઇ એવી વસ્તુની જરુરિયાત છે જે બ્રાંડેડ સિવાય ક્યાય મળે એમ નથી અને તે તમે પોતાના આનંદ માટે ખરીદો છો ત્યા સુધી બરાબર છે પણ આસપાસ ના લોકો માં પોતાનું સ્ટેટસ દર્શાવવા અને ફક્ત લોકો માં દેખાડો કરવા માટે જ બ્રાંડેડ વસ્તુઓ ખરીદવી તે કેટલા અંશે યોગ્ય છે ? શું હું આઇફોન હમેશાં સાથે લઈ ફરું તો જ લોકો મને સમજદાર અને બુદ્ધિશાળી માનશે  ? શું હું રોજ Mac'd અથવા KFC પર જઈ ને ખાઉં જેથી લોકોને એવું ન લાગે કે હું કંજુસ છું ? શું તે જરૂરી છે કે હું દરરોજ ડાઉનટાઉન કાફેની મુલાકાત લઈને મિત્રો સાથે બેસું, જેથી લોકો સમજે કે હું એક ઉમદા પરિવારમાંથી છું ?  શું તે જરૂરી છે કે હું Gucci ગૂચી, Lacoste લેકોસ્ટે, Adidas એડિડાસ અથવા Nike નાઇકી ની જ વસ્તુઓ પહેરું જેથી લોકો મને high status નો કહે ?  સરવાળે નુક્શાન તો તમારું પોતાનું જ થશે કારણકે તમે અઢળક પૈસા ખર્ચી ને બ્રાંડેડ વસ્તુઓ ખરીદી કોના માટે પોતાના માટે ? ના , લોકો ને બતાવવા એમા નુક્શાન કોનું થયું બોલો ? એવું પણ બની શકે કે તમારી જરુરીયાત વાળી ઘણી વસ્તુઓ તમને તમારી આસપાસના લોકલ માર્કેટ માં પણ સારી ગુણવત્તાયુક્ત અને વાજબી અને ઓછા ખર્ચે મળી જાય જે બ્રાંડેડ વસ્તુ જેવી જ હોય પણ તેનું મુલ્ય તેની સરખામણીએ  ઘણું ઓછું હોય તો બન્ને માં ઉપયોગ તો સરખો જ કરવાનો છે. ને યાદ રાખો દરેક બ્રાંડ પહેલા તો લોકલ પ્રોડક્ટ જ હોય છે બાદમાં તેની  સારી ગુણવતા તથા વધુ વપરાશ ને લીધે ગ્રાહકોના મનમાં ઘર કરી જતા તેનું વૈશ્વિક સ્તરે બ્રાંડ માં રુપાંતર થાય છે. અરે આજે તો ખુદ દેશની સરકાર પણ  "Vocal for Local campaign" દ્વારા લોકોને અપીલ કરી આસપાસની લોકલ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા આગ્રહ કરી રહી છે અને એ માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાશ કરી રહી છે જેથી લોકોમાં આસપાસની લોકલ પ્રોડક્ટ નો વપરાશ વધે અને લોકલ ઉત્પાદન વેગવન્તું બને જેના લીધે એવું પણ બને કે આજે તમે જે વસ્તુઓને લોકલ સમજો છો એ પણ નજીકના ભવિષ્યમાં મોટી બ્રાંડ બને તો નવાઇ નહી ..

              આ બધું ફક્ત કહેવા માટે કે લખવા માટે નહી  હું આજે પણ  મારા કપડા સામાન્ય દુકાનોમાંથી ખરીદું છું .હું પણ મિત્રો સાથે ઢાબા  પર ગમે ત્યા અનુકુળ પડે ત્યાં  બેસી જાઉ છું.. હું મારી સરળ ભાષામાં બોલું છું. જો હું ઇચ્છું તો, આગળ લખેલું બધું જ કરી શકું છું.પણ,મેં એવા લોકોને પણ જોયા છે કે જેઓ બ્રાન્ડેડ જૂતાની જોડીના ખર્ચ જેટલા રૂપિયા મા આખા અઠવાડિયાનું રાશન મેળવી શકે છે. મેં એવા પરિવારો પણ જોયા છે કે જેઓ મેકડોનાલ્ડ ના  બર્ગરના ખર્ચમા આખા ઘર નો એક દિવસનો ખોરાક રાંધી શકે છે.મને હવે સમજાયું કે ખુબ બધા રૂપિયા જ સર્વસ્વ નથી, રૂપિયા જીવન જીવવા માત્ર જરૂરી છે પણ એક માત્ર જરૂરિયાત નથી.આ મહામારીમાં એ પણ જોવા મળ્યુ કે કરોડો રુપિયા હોવા છતાં પણ એવા લોકોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો જે સારી સારવાર માટે રુપિયાનો ઢગલો કરી શકવા સક્ષમ હતા તેઓ પણ હોસ્પિટલમાં એક બેડ મેળવવા કે ઓક્સિજન સીલીંડર મેળવવા માટે વલખા મારી રહ્યા હતા.જેઓ કોઈના બાહ્ય દેખાવ કે સ્થિતિ ના આધારે કોઇ માણસની  કિમત લગાવે છે, તેમને તરત જ તેમની સારવાર કરાવવી જોઈએ.માનવીય મૂળનું વાસ્તવિક મૂલ્ય તેની નૈતિકતા, વર્તન, સામાજિકતાની રીત, સહાનુભૂતિ અને ભાઈચારો છે,  ના કે તેનો  દેખાવ.અંતે મારી સમગ્ર વાત ને એક ઉદાહરણ થી ટુંકમા સમજાવું "એકવાર સૂર્યાસ્ત સમયે, સૂર્યે બધાને પૂછ્યું : "મારી ગેરહાજરીમાં મારી જગ્યાએ કોણ કામ કરશે?"આખી દુનિયા મૌન હતી.  કોઈની પાસે કોઇ જવાબ નહોતો.  પછી ખૂણામાંથી એક અવાજ આવ્યો.

એક નાનકડા દીવાએ કહ્યું - "તમે ચિંતા ન કરશો હું છું ને " હું મારો શ્રેષ્ઠ પ્રયાસ કરીશ."

તમારા વિચારમાં તાકાત અને તેજ હોવું જોઈએ.  તમે નાના કે મોટા હોવ તેનાથી કોઈ ફરક પડતો નથી, તમારી વિચારસરણી મોટી હોવી જોઈએ.તમારા મનની અંદર દીવો પ્રગટાવો અને યાદ રાખો...વેલ્યૂ તમારી હોવી જોઈએ. "સફળ માણસ બનવાને બદલે મુલ્યવાન માણસ બનવાનો પ્રયત્ન કરો."એક મુલ્યવાન માણસ જ્યા હોય છે ત્યા બદલાવ લાવે છે તથા જેની પાસે હોય છે તેની ગુણવતામાં વધારો કરે છે.સિંહ જયાં બેસે તેને જ સિંહાસન કહેવાય.......