The Great Indian Family books and stories free download online pdf in Gujarati

ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી

ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી

- રાકેશ ઠક્કર


વિકી કૌશલની ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી એવી ગ્રેટ ગતસ નથી કે દર્શકો થિયેટર સુધી જાય. સમીક્ષકોએ ઠીક ગણાવેલી ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી નું નિર્દેશન ધૂમ 3 ના નિર્દેશક વિજય કૃષ્ણ આચાર્યએ કર્યું છે એમ કહેનારે એમની મહાફ્લોપ ફિલ્મો ટશન અને ઠગ્સ ઓફ હિંદુસ્તાન પણ યાદ કરી લેવી જોઈએ!

વિકી પોતે એક સારો અભિનેતા રહ્યો છે. એ લોકપ્રિય હીરોઈન કેટરીના કૈફનો પતિ છે અને એની આ અગાઉની ફિલ્મ જરા હટકે જરા બચકે થોડી સફળ રહી હતી છતાં ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી ભારતીય દર્શકોની પસંદ પર ખરી ઉતરી શકે એવી નથી. તેથી વિકીને એક ચેતવણી પણ મળી છે. સ્ક્રીપ્ટની પસંદગી કરતી વખતે હવે ધ્યાન રાખવું પડશે. દર્શકો નબળી વાર્તાવાળી ફિલ્મોને મહત્વ આપતા નથી.

આવી ફિલ્મો પહેલા જ દિવસે દર્શકો માટે તરસી જતી હોય છે. સત્ય પ્રેમ કી કહાની અને રૉકી ઔર રાની કી કહાની ની જેમ પારિવારિક મનોરંજન આપવા સાથે સામાજિક સંદેશ આપતી ફિલ્મ તરીકે ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલી ને પસંદ કરવામાં આવશે એવી આશા ઠગારી નીકળી છે.

પોણા બે કલાકની ફિલ્મ પણ દર્શકોનું વધારે મનોરંજન કરી શકતી નથી. ખરેખર તો લંબાઈ થોડી વધુ હોત તો વિષયને વધારે ન્યાય આપી શકાયો હોત. ફિલ્મમાં હિન્દુ–મુસ્લિમ એકતાનો સંદેશ આપવાની કોશિષ થઈ છે. શરૂઆતમાં પારિવારિક ગણાતી ફિલ્મની વાર્તા સાંપ્રદાયિક સદભાવનાના મુદ્દા પર આગળ વધે છે. પણ એનો વધારે પડતો ઉપદેશ આપતી હોય એવું લાગે છે. હજુ વધુ હાસ્ય રાખવાની જરૂર હતી. જેથી મનોરંજન સાથે ઉપદેશ આપી શકાય તો દર્શક કંટાળી ના જાય.

બલરામપુર નામની એક જગ્યાએ જાણીતા પંડિત પરિવારનો વેદવ્યાસ એટલે કે બિલ્લૂ ઉર્ફે ભજનકુમાર (વિકી કૌશલ) એના નામ પ્રમાણે જ ભજન ગાવા માટે જાણીતો હોય છે. બાળપણથી ધાર્મિક સમારંભોમાં ગાતો બિલ્લૂ જેને પ્રેમ કરતો હોય છે એ અમીર છોકરીના લગ્ન પ્રસંગે ભજનસંધ્યા કરવા તૈયારી કરતો હોય છે ત્યારે એક ચિઠ્ઠી પરથી એને ખબર પડે છે કે અસલમાં એનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હોય છે. એ પરેશાન થાય છે ત્યારે એના પિતા તીર્થયાત્રા પર ગયા હોય છે. તેની સામે મુશ્કેલીઓ આવે છે પણ એનો સામનો કેવી રીતે કરે છે એ બતાવ્યું છે.

વેદવ્યાસ ત્રિપાઠી મુસલમાન હોવાની વાત શહેરમાં ફેલાય છે પણ એને તર્કબધ્ધ રીતે રજૂ કરવામાં આવી નથી. સંવાદ પર વધારે મહેનત કરવાની જરૂર હતી. એના પાત્રમાં લોજિકની કમી દેખાય છે. છેલ્લે વિકીનો મોનોલોગ છે એમાં ઇમોશનનો અભાવ છે. ક્લાઇમેક્સ દમદાર બની શક્યો નથી.

અગાઉ 2015 માં આજ મુદ્દા પર પરેશ રાવલની ધર્મસંકટ આવી હતી એ વધારે પ્રભાવિત કરી ગઈ હતી. આમાં વિકીની માનુષી સાથેની એક પ્રેમકથા પણ છે. માનુષી છિલ્લર ફિલ્મોની પસંદગી કરવામાં થાપ ખાઈ રહી છે અને પોતાની અસર છોડી શક્તી નથી. એ કારણે એક અભિનેત્રી તરીકે તેને બોલિવૂડમાં સ્થાપિત થવામાં સમય લાગવાનો છે. વિશ્વ સુંદરી હોવાથી નિર્દેશકો એને માત્ર સુંદર સ્ત્રી તરીકે રજૂ કરવા માત્રથી સંતોષ માની રહ્યા છે. એનું કામ એક કિસ, એક ડાન્સ ગીત અને સુંદર ચહેરાના કેટલાક ક્લોઝ અપ્સ આપવા પૂરતું છે. ફિલ્મમાંથી એનું પાત્ર કાઢી નાખવામાં આવે તો પણ વાર્તામાં કોઈ ફેર પડે એમ નથી. એને પૃથ્વીરાજ ચૌહાણ ની જેમ જ ખાસ તક મળી નથી. એના પાત્ર વિશે અભિપ્રાય આપી શકાય એટલી પણ ભૂમિકા નથી.

વિકીનું પાત્ર પણ યોગ્ય રીતે રચવામાં આવ્યું નથી. વિકી સારો પ્રયત્ન કરતો હોવા છતાં ઘણા દ્રશ્યોમાં પાત્ર સાથે એનું કામ બંધબેસતું લાગતું નથી. બહુ સ્પષ્ટ અભિપ્રાય મળ્યો છે કે જો તમે વિકીના બહુ મોટા ચાહક ના હોય તો OTT પર રજૂ થાય ત્યાં સુધી રાહ જોઈ શકો છો. વિકીએ પોતાની ભૂમિકાને ભજવી જાણી છે પણ એમાં એના માટે વિશેષ કરવા જેવુ કંઇ ન હતું.

કુમુદ મિશ્રા, મનોજ પાહવા, યશપાલ શર્મા અને સૃષ્ટિ પ્રભાવિત કરી જાય છે. ગીત- સંગીત નિરાશ કરે છે. કન્હૈયા ટ્વિટર પે આજા સિવાય કોઈ ગીત યાદ રહે એવું નથી. ફિલ્મના થોડા વખાણ કરનારા સમીક્ષકોએ પણ સ્વીકાર્યું છે કે હજુ થોડા મસાલા નાખ્યા હોત તો ગ્રેટ નહીં પણ વધુ સારી મનોરંજક પારિવારિક ફિલ્મ બની શકી હોત અને નિર્દેશક જે સંદેશ આપવા માગતા હતા એ વધુ દર્શકો સુધી પહોંચી શક્યો હોત.