Kaalchakra - 2 books and stories free download online pdf in Gujarati

કાલચક્ર - 2

( પ્રકરણ : બે )

ઓમકારના ઘઉંના જે ખેતરમાંથી ચાડિયો ઓમકારના દીકરા નંદુને ઊડાવીને લઈ ગયો હતો, એ ખેતરથી થોડેક દૂરથી એક બસ પસાર થઈ રહી હતી. બસમાં મુંબઈની ‘વિલ્સન કૉલેજ’ના પંદર વિદ્યાર્થીઓ હસતા-ગાતા મુંબઈ તરફ આગળ વધી રહ્યા હતા. તેઆ પોતાના આલ્બર્ટ સર અને બેલા ટીચર સાથે ખંડાલામાં પિકનિક મનાવીને મુંબઈ તરફ પાછા ફરી રહ્યા હતા.

વિદ્યાર્થીઓમાં દસ યુવાનો અને પાંચ યુવતીઓ હતી. બે યુવતીઓ નવ યુવાનો સાથે ગાતી-ધીંગામસ્તી કરી રહી હતી, જ્યારે એક યુવાન રોમિત પાછલી સીટ પર ચુપચાપ બેઠો હતો. એનાથી ચાર સીટ આગળ ત્રણ યુવતીઓ લવલીન, શિલ્પા અને નેહા બેઠી હતી.

‘આ છોકરાઓ કયાર સુધી ભેંસાસુરમાં ગીતો ગાઈને આપણને બોર કરતા રહેશે ?’ શ્યામ રંગની બૉબ્ડ કટ વાળવાળી શિલ્પાએે કહ્યું.

‘જ્યાં સુધી આ લોકો જાતે જ કંટાળી-થાકી નહિ જાય.’ ગોરા રંગની, લાંબા સોનેરી વાળવાળી કોઈ ફિલ્મી હિરોઈન જેવી ખૂબસૂરત લવલીએ કહ્યું.

‘મને નથી લાગતું કે, આપણે મુંબઈ પહોંચીએ ત્યાં સુધી એ લોકો કંટાળે.’

ઘંઉવર્ણી અને ઘુઘરાળા વાળવાળી નેહાએ કહીને, પાછલી સીટ પર ગંભીર ચહેરે બારી બહાર જોતા બેઠેલા ફિલ્મી હીરો જેવા હેન્ડસમ રોમિત તરફ એક નજર નાખી લેતાં લવલીને કહ્યું : ‘...પણ તારો મજનૂ કેમ આમ મોઢું લટકાવીને બેઠો છે ?’

‘એ આપણી સામેની અંતાક્ષરીમાં હારી ગયો, એ વાતને પચાવી શકયો નથી.’ લવલીએ કહ્યું.

‘જિંદગીમાં હાર-જીત તો થતી જ રહે છે.’ શિલ્પા બોલી : ‘તેં એને સમજાવ્યો નહિ ?’

‘સમજાવ્યો, પણ સમજતો જ નથી ને !’

‘...લાગે છે કે, એ આપણાંથી ડરી ગયો છે !’ નેહાએ રોમિતની ખિલ્લી ઉડાવી.

‘હા, જો ડર ગયા, સમજો વો મર ગયા !’ શિલ્પા હસતાં બોલી, એ જ પળે ‘ભડામ્‌ !’ એવો જોરદાર ધડાકો સંભળાયો અને બસ સહેજ હાલક-ડોલક થતી, થોડેક આગળ પહોંચીને બ્રેકની ધીમી ચિચિયારી સાથે ઊભી રહી ગઈ.

‘શું થયું !’ સહુથી આગળની સીટ પર બેઠેલી બેલા ટીચરે ડ્રાઈવર રહેમાનને પૂછયું.

‘લાગે છે કે પંકચર પડયું !’ કહેતાં ડ્રાઈવર રહેમાન સીટનો દરવાજો ખોલીને નીચે ઊતર્યો, તો બેલા ટીચરની બાજુમાં બેઠેલા આલ્બર્ટ સર ઊભા થયા. બસ્- ામાંના બધાં વિદ્યાર્થીઓ પણ પોત-પોતાની સીટ પરથી ઊભા થવા માંડયા એટલે ખડતલ શરીરના આલ્બર્ટ સરે પોતાના રોબીલા અવાજમાં હુકમ આપ્યો : ‘બધાં પોત-પોતાની બાજુની સીટ પર બેસી રહો, કોઈએ બહાર નીકળવાનું નથી.’ અને આલ્બર્ટ સર બસની નીચે ઊતર્યા. તેમણે જમણી બાજુના પાછળના ટાયર પાસે ઘુંટણિયે બેઠેલા રહેમાન અને બેલા ટીચર પાસે પહોંચીને ટાયર પર નજર નાંખી. ટાયર ફાટી ગયું હતું. કોઈક અણીદાર વસ્તુ ટાયરમાં ખૂંપેલી દેખાતી હતી.

બેલા ટીચરે ટાયર તરફ હાથ આગળ વધાર્યો. તેણે ફાટેલા ટાયરની ધાર પકડીને એની અંદરની બાજુ જોઈ.

‘આ તો ટાયરની આરપાર ઘૂસી ગયું છે !’ આલ્બર્ટ સર બોલી ઊઠયા. બેલા ટીચર જમણા હાથથી એ અણિદાર વસ્તુ ખેંચી કાઢવા ગઈ, ત્યાં જ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. ‘...ખબર નથી એ શું છે, પણ છે ખૂબ જ ધારદાર !’ પીડાભર્યા અવાજે બોલતાં તેણે ચીરો પડી ગયેલી-લોહી નીંગળતી આંગળી મોઢામાં મૂકી દીધી.

આલ્બર્ટ સરે પોતાનો હાથ ઈજા ન પામે એ રીતના ટાયરમાં ખૂંપેલી વસ્તુ ખેંચી કાઢી અને એને જોવા લાગ્યા. બેલા ટીચર અને રહેમાન પણ એ વિચિત્ર વસ્તુને ધ્યાનથી નીરખી રહ્યા.

એક પાંચેક ઈંચ જેેટલો મોટો લોખંડનો ચોરસ ટુકડો હતો. એ ટુકડા પર જાણે માણસની એક લાશ કોતરાયેલી હતી. એ લોખંડના ટુકડાની ચારે બાજુના ખૂણામાં જાણે કોઈ ભયાનક પ્રાણીના પાંચ-પાંચ ઈંચ લાંબા અણિદાર-ધારદાર દાંત ફીટ થયેલા હતા.

આલ્બર્ટ સરે એ વસ્તુને પાછળની તરફ ફેરવી. એ બાજુ વચ્ચેના ભાગમાં જાણે કોઈ માણસની ખોપરી કોતરેલી હોય એવું લાગતું હતું.

‘...આવી વસ્તુ મેં પહેલી વાર જોઈ !’ બેલા ટીચર બોલી.

‘મેં પણ મારી ત્રીસ વરસની જિંદગીમાં કદી આવી વસ્તુ જોઈ નથી.’ રહેમાન બોલ્યો.

‘વસ્તુ છે પણ ખતરનાક !’ આલ્બર્ટ સર બોલ્યા : ‘આટલા જાડા ટાયરને પણ કેવી ખરાબ રીતના ફાડી નાખ્યું.’ અને આલ્બર્ટ સરનું ધ્યાન એની એક અણી પર લાગેલા લાલ ધબ્બા પર ગયું : ‘આની પર તો લાલ ડાઘ પણ લાગેલો છે, જાણે લોહી ન હોય !’

રહેમાને આલ્બર્ટ સરના હાથમાંથી એ વસ્તુ લીધી, ત્યાં જ બસની નજીકની બારીમાંથી બહાર ઝાંખતા ઈરફાને કહ્યું : ‘રહેમાન! જલદી ટાયર બદલ, અને ચાલ.’

‘હા !’ કહેતાં રહેમાને આલ્બર્ટ સર સામે જોયું અને ધીરેથી બોલ્યો : ‘સર ! ટાયર નહિ બદલી શકાય !’

‘કેમ ?’ બેલા ટીચર પૂછી ઊઠી. ‘હું જેક લેવાનું ભૂલી ગયો છું.’

‘તને શું કહેવું ને તારું શું કરવું એ જ સમજ પડતી નથી !’ આલ્બર્ટ સર ગુસ્સાથી બોલ્યા : ‘હવે શું કરીશું !’

‘ચિંતા ન કરો, સર !’ રહેમાને કહ્યું : ‘હમણાં કોઈ વાહન નીકળશે તો એની પાસેથી જેક લઈને ટાયર બદલી લઉં છું.’

‘ઠીક છે !’ આલ્બર્ટ સરે કહ્યું, પણ બસની અંદરથી બારીમાંથી આ ત્રણેયને જોઈ રહેલા અને એમની વાતચીત સાંભળી રહેલો ઈરફાન બબડયો : ‘આ રસ્તેથી કોઈ વાહન નીકળે તો આપણાં નસીબ ! બાકી કલાક પહેલા હાઈવેની અંદરના આ રસ્તે ચઢયા પછી અહીં સુધી આવતા મને તો એકેય વાહન આવતું-જતું દેખાયું નથી !’

‘શુભ-શુભ બોલ, ઈરફાન !’ ઈરફાનની બાજુની સીટ પર બેઠેલા યશએ કહ્યું,

ત્યાં જ ‘રેડિયો જી’ પર સમાચાર શરૂ થયા.

‘હવે રેડિયો જી પર આજના તાજા સમાચાર સાંભળો.’ બસના સ્પીકરોમાંથી લેડી એનાઉન્સરનો અવાજ ગૂંજ્યો : ‘આજના સનસનાટીભર્યા સમાચાર છે, ‘ખંડાલાની ચાળીસ લાશના !’

‘એય..!’ ઈરફાને બૂમ પાડી : ‘..બધાં ચુપ રહો, સમાચાર સાંભળો.’ બસમાં બધાં વચ્ચે ચાલી રહેલો ગણગણાટ શાંત થઈ ગયો, એટલે રેડિયો

પરનો એનાઉન્સરનો અવાજ વધુ ચોખ્ખો સંભળાવા લાગ્યો : ‘બે કલાક પહેલાં જ મુંબઈ-ખંડાલા હાઈવે પરની એક ખાઈમાંથી પોલીસને એક બસ મળી આવી છે. અત્યારે અમારા રિપોર્ટર ઘટના સ્થળે પહોંચી ચૂકયા છે અને આપણને ત્યાંની પરિસ્થિતિ જણાવી રહ્યા છે.’

બસમાં બધાં એકધ્યાનથી સમાચાર સાંભળી રહ્યા.

‘હા, તો હિમેશ !’ રેડિયોમાંથી એનાઉન્સરનો અવાજ સંભળાયોઃ ‘...ત્યાંની શું હાલત છે એ આપણાં શ્રોતાઓ જાણવા બેચેન છે.’

‘અહીંનું દૃશ્ય ખૂબ જ ભયાનક છે.’ હિમેશનો અવાજ સંભળાયો : ‘બસમાં ચાળીસ જેટલી સ્ત્રી-પુરુષોની લાશો પડી છે ! લાશોની હાલત એટલી હદે ખરાબ છે કે, જોનારનું કાળજું કાંપી ઊઠે.’

‘....એટલે લાશો લોહીમાં લથબથ. ’

‘...એ તો છે જ, પણ વિચિત્ર વાત એ છે કે કોઈ લાશ આખી નથી. દરેક લાશનું કોઈને કોઈ અંગ ગાયબ છે.’ હિમેશ ઘટનાસ્થળનો આંખે દેખ્યો અહેવાલ સંભળાવી રહ્યો હતો : ‘અને બસની નજીકમાંથી માણસોના કેટલાંક હાડપિંજર પણ મળી આવ્યા છે, અને.,’ અને હિમેશનો અવાજ આગળ ગૂંજે એ પહેલાં જ

બસની અંદર આવેલી બેલા ટીચરે રેડિયોની સ્વિચ ઑફ કરી. હિમેશનો અવાજ બંધ થઈ ગયો, બધાંએ બેલા ટીચર સામે જોયું. બેલા ટીચરે મોબાઈલ પર હાઈવે પોલીસનો નંબર લગાવ્યો અને બોલવા માંડી : ‘હેલ્લો ! અમે મુંબઈ-ખંડાલા હાઈવે પરથી બોલી રહ્યા છીએ. અમારી બસને પંકચર પડયું છે. અમારી પાસે ટાયર બદલવાનું સાધન નથી, પ્લીઝ અમને મદદ કરો !’ અને મોબાઈલમાં સામેથી કોઈ જવાબ સંભળાવાને બદલે ‘હેલ્લો ! હેલ્લો ! તમારો અવાજ સંભળાતો નથી. પ્લીઝ, જરા જોરથી બોલો.’ એવો જ અવાજ સંભળાવા લાગ્યો, એટલે બેલા ટીચરે ફરીથી એ જ વાત દોહરાવી, પણ સામેથી એ જ રીતનો જવાબ સંભળાયો. સામેવાળાને તેનો અવાજ સંભળાતો નહોતો.

બેલા ટીચરે ફોન કટ કર્યો અને ફરીથી હાઈવે પોલીસનો નંબર લગાવવા લાગી,

ત્યારે બસની બહાર ઊભેલો ડ્રાઈવર રહેમાન પેલી વિચિત્ર અણિદાર વસ્તુને હેરવી-ફેરવીને જોતાં આલ્બર્ટ સરને કહી રહ્યો હતો : ‘સર ! આ ન તો જંગલી હાથીના દાંત છે કે ન તો કોઈ વરૂ જેવા પ્રાણીના નખ ! આ તો કંઈક અજબ વસ્તુ જ લાગે છે !’

‘એ જે કંઈ પણ હોય એને ફેંકી દે.,’ આલ્બર્ટ સરે બસના દરવાજા તરફ ચાલતાં કહ્યું : ‘..એમાં ઝેર પણ હોઈ શકે.’ અને તેઓ બસમાં ચઢયા. બસમાં ડ્રાઈવિંગ સીટ પર બેઠેલી બેલા ટીચર હજુ પણ મદદ માટે હાઈવે પોલીસનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરી રહી હતી.

તો છેલ્લી સીટ પર જેકબ પાસે બેઠેલી સ્મિતાએ જેકબને ગભરાટ-ભર્યા અવાજે કહ્યું : ‘શું લાગે છે, તને જેકબ ? બસમાં ખાઈમાં પડેલા એ ચાળીસ જણાંના શરીરના અંગ કેવી રીતના ગાયબ. ’

‘ભૂલી જા, એ સમાચારને !’ જેકબે સ્મિતાની વાત કાપતાં કહ્યુંઃ ‘છાપાં, રેડિયો અને ટી. વી.વાળા વાતને મરી-મસાલો ભભરાવીને જ લોકો સામે રજૂ કરે છે.’

જોકે, જેકબે સ્મિતાના મનમાંથી આ સમાચાર ખંખેરાવી નાખવા માટે જ આવું કહ્યું હતું, બાકી તેના પોતાના મનમાં જ એ સમાચારને લગતો સવાલ ઘુમરાઈ રહ્યો હતો : ‘બસ ખાઈમાં પડે, તો એમાં બેઠેલાંઓના હાડકાં-પાંસળાનો કચ્ચરઘાણ નીકળી જાય, પણ એમનાં કોઈને કોઈ અંગ તે વળી કેવી રીતના ગાયબ થાય ? ! ?’

૦ ૦ ૦

સાંજના સાડા પાંચ વાગ્યા હતા. વિલ્સન કૉલેજની ખોટકાયેલી આ બસથી થોડેક દૂર આવેલા ઓમકારના ખેતરમાં અત્યારે પણ સન્નાટો છવાયેલો હતો.

થોડીક મિનિટો પહેલાં ચાડિયો નંદુને લઈને હવામાં લઈને ઊડી ગયો એ વખતે છવાયેલો સન્નાટો એવોને એવો જ હતો ! નંદુની સાર-સંભાળથી જ ઊગેલા-ઊછરેલા ખેતરમાંના ઘઉંના પાકને પણ જાણે નંદુને ચાડિયો ઊઠાવી ગયો એનો આઘાત લાગ્યો હોય એમ એ સ્થિર ઊભો હતો.

આ પાક વચ્ચે નંદુનો મોટો ભાઈ ચંદર ફરી રહ્યો હતો ! તે પોતાના નાનાભાઈના ગૂમ થવા પાછળના ભેદનું પગેરું શોધી રહ્યો હતો ! તો એની સાથે એમનો પાળેલો કૂતરો કાળિયો પણ જમીન સૂંઘતો આગળ વધી રહ્યો હતો.

એક જગ્યાએ કાળિયો રોકાયો. જમીન પર પડેલી વસ્તુને એણે સૂંઘી અને પછી ભસીને ચંદરનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું.

ચંદર નજીક આવ્યો. તે જમીન પર પડેલી એ વસ્તુને જોતો ઘુંટણિયે બેઠો. તે ઘડીભર એ વસ્તુને જોઈ રહ્યો અને પછી એ વસ્તુને ઉઠાવી લઈને ઘર તરફ દોડયો. તેની પાછળ કાળિયાએ પણ દોટ મૂકી.

ઘરની અંદર દાખલ થતાં જ તેણે ખુરશી પર બેઠેલા અને બારી બહાર, આકાશ તરફ તાકી રહેલા પપ્પા ઓમકારને કહ્યું : ‘પપ્પા !’

પણ ઓમકારની નજર ચંદર તરફ વળી નહિ. તે એ જ રીતના બેઠો રહ્યો. તેના ચહેરા પર દુઃખ હતું ! તેની આંખોમાં દર્દ હતું ! આઘાતથી જાણે તેનું શરીર લાકડા જેવું બની ગયું હતું !

‘પપ્પા !’ ચંદરે ઓમકારના ખભે હાથ મૂકયો : ‘જુઓ તો મને આ ખેતરમાંથી મળ્યું !’

ઓમકારમાં જીવ આવ્યો હોય એમ તેણે ચહેરો ફેરવીને ચંદર સામે જોયું. ચંદરે પોતાના હાથમાંની વસ્તુ ઓમકાર સામે ધરી. ઓમકારે એ વસ્તુ પોતાના હાથમાં લીધી અને એને જોઈ રહ્યો. એ ચપ્પુ હતું ! ચપ્પુનું પાનું પોણો ફૂટ લાંબુ, ધારદાર અને અણિદાર હતું. ચપ્પુનો જાડો હાથો અડધો ફૂટ જેટલો લાંબો હતો. હાથો લોખંડનો હતો અને એની પર જાણે કોઈક માણસની ખોપરી કોતરાયેલી હતી. ઓમકારે હાથો ફેરવીને હાથાની બીજી બાજુ જોયું. બીજી બાજુ જાણે માણસોની નાની-નાની લાશો કોતરાયેલી હતી !

ઓમકારે ચંદર સામે જોયું, ત્યાં જ તેના હાથમાંથી આપમેળે જ ચપ્પુ ઊડયું

ને સુઉઉઉઉઉ કરતાં સામેની દીવાલમાં ખૂંપી ગયું.

ઓમકાર અને ચંદર બન્નેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

થોડીક પળો તો ઓમકાર પોતાની જગ્યા પર જ બેસી રહ્યો. ચંદર પણ જેમનો તેમ જ ઊભો રહ્યો. પછી ઓમકાર ખુરશી પરથી ઊભો થયો અને ફોટા પર ચોંટેલા ચપ્પુ તરફ આગળ વધ્યો. ચંદર પણ કાંપતા પગલે ચાલ્યો.

દીવાલની નજીક પહોંચીને ઓમકાર એ ચપ્પુને જોઈ રહ્યો. તો ચંદર પણ એ ચપ્પુને અવાચક બનેલી હાલતમાં જોઈ રહ્યો.

૦ ૦ ૦

સાંજના પોણા છ વાગ્યા હતા.

ઓમકારના આ ખેતરથી થોડેક દૂર ‘વિલ્સન કૉલેજ’ની બસ ઊભી હતી. પંકચર પડયાને પચીસ મિનિટ થવા આવી હતી, પણ હજુ એક પણ વાહન પસાર થયું નહોતું, કે જેની પાસેથી જેક મેળવીને ટાયર બદલી શકાય.

જેકબ, સ્મિતા, મનજીત અને નતાશા બસમાં બેઠાં હતાં. રોમિત પણ પોતાની ખૂણામાંની સીટ પર બેઠો હતો.

અનૂજ, તેજસ અને મિલિન્દ બસની છત પર લેટેલા હતા.

લવલી, શિલ્પા અને નેહા બસની બહાર, નજીકમાં જ પગ છૂટા કરી રહી હતી.

બસની સીટ પર બેઠેલી બેલા ટીચર મોબાઈલ ફોન પર હાઈવે પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી હતી, પણ સંપર્ક થતો નહોતો.

બસની બહાર ઊભેલા આલ્બર્ટ સર પણ મદદ મેળવવા માટે મોબાઈલ લગાવી રહ્યા હતા, પણ મોબાઈલ લાગતો નહોતો.

‘...ટાવર પકડાતો નથી.’ ક્યારનાય આલ્બર્ટ સરની બાજુમાં ઊભા-ઊભા મદદ માટે મોબાઈલ લગાવી રહેલા ઈરફાને કહ્યું.

‘હમણાં પોણો-એક કલાકમાં તો રાત પડી જશે !’ આલ્બર્ટ સરે નજીકના પથ્થર પર બેઠેલા ડ્રાઈવર રહેમાન તરફ જોતાં કહ્યું : ‘મેં મોટી ભૂલ કરી. મારે આ શોર્ટકટ લેવડાવવાની જરૂર નહોતી.’

‘મારું માનવું છે કે, આપણે પાંચ ટાયર પર ધીરે-ધીરે બસ આગળ વધારીને મેઈન હાઈવે પર પહોંચી જવું જોઈએ.’ બેલા ટીચરે બારી બહાર મોઢું કાઢતાં આલ્બર્ટ સરને કહ્યું ને પછી ડ્રાઈવર રહેમાનને પૂછયું : ‘તારું શું માનવું છે, રહેમાન ? !’

‘બરાબર છે !’ રહેમાને કહ્યું : ‘હું સાચવીને બસ ચલાવી લઉં છું.’

‘તો ચાલો !’ અને આલ્બર્ટ સરે બૂમ પાડીઃ ‘ચાલો બધાં, આપણે આગળ વધીએ છીએ.’

થોડેક દૂર, ઝાડની પાછળ બાથરૂમ કરી રહેલા યશ, અખિલ અને કરણના કાને પણ આલ્બર્ટ સરની આ બૂમ સંભળાઈ.

‘ચાલ !’ કહેતાં અખિલ ત્યાંથી આગળ વધ્યો, તેની સાથે કરણ પણ ઉતાવળે મેદાન પછી રસ્તા પર ઊભેલી બસ તરફ આગળ વધી ગયો.

યશને હજુ થોડીક વાર લાગે એમ હતી.

અચાનક યશને ઝુઉઉઉઉના અવાજ સાથે માથા ઊપરથી કોઈ વસ્તુ પસાર થઈ ગઈ હોય એવું લાગ્યું. ચોંકી ઊઠતાં યશે અદ્ધર જોયું. ખુલ્લા આકાશમાં કંઈ દેખાયું નહિ. તેણે આસપાસમાં જોયું. કોઈ નહોતું. યશે ઉતાવળ કરી, ત્યાં જ ફરી તેના માથા ઉપરથી કોઈ વસ્તુ પસાર થઈ ગઈ હોય એવો ઝુઉઉઉઉનો અવાજ સંભળાયો. ગભરાઈ ઊઠતાં યશે અદ્ધર જોયું અને એકસાથે બે પગલાં પાછળ હટયો, ત્યાં જ તેની પીઠ પાછળથી ફડ-ફડ-ફડનો મોટો અવાજ સંભળાયો, અને એ સાથે જ યશના મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

યશની આ ચીસ સાંભળીને થોડેક દૂર ઊભેલી બસમાં ચઢવા જઈ રહેલો ઈરફાન જે તરફથી યશની ચીસ સંભળાઈ હતી, એ તરફ વળ્યો અને એ તરફ દોડયો.

તો થોડીક પળો પહેલાં જ યશ પાસેથી નીકળીને બસ નજીક પહોંચેલા અખિલ અને કરણે એક-બીજા સામેે જોયું : ‘આ બાથરૂમ કરી રહેલા યશને વળી શું થયું કે એણે આમ ચીસ પાડી ?’ અને આનો જવાબ જાણવા માટે એ બન્ને પણ ઈરફાન પાછળ દોડયા.

(ક્રમશઃ)