Miraculous Rudraksha - 6 books and stories free download online pdf in Gujarati

ચમત્કારિક રૂદ્રાક્ષ - 6

ચમત્કારિક રૂદ્રાક્ષ ભાગ-૬

(આ ભાગ વાંચ્યા પહેલા આગળના પાંચ ભાગ વાંચશો તો આ ભાગ વાંચવાની વધુ મજા આવશે.)

        એ સ્કેચનું વર્ણન કરૂ તો, પાણીની ઉંચી લહેરો, એ લહેરોમાં એક નાવ, નાવમાં આશરે ચાર-પાંચ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓ પાણીમાં હાથ-પગ મારતા અને બે-ત્રણ વ્યક્તિઓ નાવમાં પોતાને સુરક્ષિત રાખવા માટે હવાતિયા મારતા, આકાશમાંથી વરસતો વરસાદ અને આકાશમાંથી ઉતરતી એક પ્રકાશની રેખા.... જાણે વિજળી પડતી હોય.

        મેં પૂછ્યું, રાઠા સાહેબ, આમાં અજૂગતુ શું છે. આ તો સામાન્ય બાબત કહેવાય.

રાઠા સાહેબ બોલ્યા... હા..! જો આ દ્રશ્ય ચોમાસાનું હોય તો સામાન્ય કહેવાય પરંતું આ સ્કેચ જ્યારે બન્યો ત્યારે ધોમધખતો તડકો હતો. આકાશમાં એક પણ વાદળ ન હતું અને એક-દોઢ મહિના સુધી વરસાદની કોઇ સંભાવના પણ ન હતી. દરિયો એકદમ શાંત હતો જાણે કોઇ શાંત નદી હોય. આ સ્કેચ જોઇને અમે વિચાર્યુ, હશે...! પહેલો સ્કેચ સંયોગ હશે. અને આ બીજો સ્કેચ તો એમ જ ઇધ્યાએ કાલ્પનિક રીતે જ બનાવ્યો હશે. એવું વિચાર્યું. હજુ તો અમે આવું વિચારીયે ત્યાં તો ઇધ્યાએ બીજા પાનામાં નવો સ્કેચ દોરવાનો શરૂ કર્યો. આ સ્કેચ દોરવામાં તેની ઝડપ વધી ગઇ. જાણે જે કાંઇ વિચારે છે તે ફટાફટ સ્કેચમાં કંડારી દઉં...! ઇધ્યા સ્કેચ દોરતો ગયો અને અમે સ્કેચ જોતા રહ્યા.

        સ્કેચ વીસેક મિનીટમાં તો પૂરો થઇ ગયો. જેવો સ્કેચ પૂરો થયો, ઇધ્યા Please Sorry….., Please Sorry….. બોલતો-બોલતો ઘરમાંથી બહાર જતો રહ્યો. ઇધ્યાનો મિત્ર ઇધ્યાની પાછળ દોડ્યો અને હું સ્કેચ સમજવા ઇભો રહ્યો. સ્કેચ જોયો.... અને જાણે મારી આંખો જ ફાટી ગઇ.... મેં મનોમન સ્કેચમાં દોરેલ ચિત્રને ગામના ઘરો સાથે સરખાવવાનું શરૂ કર્યુ. અને..... એ ઘર.....

        ઘરની ફરતે વંડી, પ્રવેશનો મોટો દરવાજો, દરવાજા પછી એક વરંડો, વરંડામાં ઠાઠડી પર એક વ્યક્તિને સૂવડાવેલ, તેના પર કપડુ ઓઢાડેલ, આજુબાજુમાં લોકોનું રૂદન, વરંડા પછી મકાનની દિવાલ અને દિવાલના પ્રવેશ બારણા પાસે ગુજરાતી આંકમાં લખેલ “૧૩૭”.

        “૧૩૭” એટલે કે ઘર નં- ૧૩૭. અને ગામમાં ઘર નં- ૧૩૭ એટલે કોનું ઘર? ઇધ્યાના ગામના મિત્રનું જ ઘર. મિત્રનું નામ રાકલો. સાચુ નામ તો રાકેશ હતું પણ અમે બધા એને રાકલો જ કહેતા. હું સ્કેચ જોઇને સ્તબ્ધ થઇ ગયો. હું રાકલાની પછળ દોડ્યો એને સ્કેચમાં જોયેલ ચિત્ર કહેવા. પણ ઇધ્યા અને રાકલો મને જડ્યા નહી. એટલે હું રાકલાના ઘરે ગયો તો જોયું કે રાકલાના ઘરે તાળુ હતું. ઘર બંધ હતું. એટલે મેં ગામમાં બધાને પૂછ્યું કે રાકલાનો પરિવાર ક્યાં? કોઇને ખાસ ખબર ન હતી. એટલે મેં રાકલાના ઘરના દરવાજે જ રાકલાની રાહ જોવાનું નક્કી કરી. તેના ઘરના છેટે બેઠો. એક કલાક પછી રાકલો ઘરે આવ્યો અને મેં રાકલાને સ્કેચ વિશે જણાવતા જ રાકલો દોડતો-દોડતો ઇધ્યાના રૂમ પર આવ્યો. તે પણ એ સ્કેચ જોઇને ડરી ગયો. રાકેશે તુરંત જ તેના ઘરના સભ્યોને ફોન કરવાનું નક્કી કરી ગામના પબ્લિક ટેલિફોન બુથ પરથી શહેરમાં ક્યાંક ફોન લગાવ્યો. ફોન પરની વાત સાંભળી તે શાંત થયો. એટલે મેં પૂછ્યું. લ્યા.... શું થયું એ તો કે...!

        રાકલાએ જણાવ્યું, મારા ઘરના બધા ન સભ્યો મારા મામાના ઘરે શહેરમાં ગયા છે મારી મામાની દિકરીની સગાઇ નક્કી કરી એટલે. એઓ બસમાં ગયા છે અને બસમાં જ પરત ફરવાના છે એટલે આપડે કાંઇ ચિંતા જેવું નથી. આ સ્કેચમાં તો પાણી દોર્યુ છે. અને એ લોકો તો બસમાં આવાના છે. એટલે કોઇ વાંધો નથી. ચિંતા ના કરો. મેં છતાં રાકલાને કહ્યું, કંઇ કામકાજ હોય તો કે જે...! એમ કહી હું અને રાકલો છૂટા પડ્યા.

        રાકલાના ઘરથી મહાદેવનું આ મંદિર નજીક પડે. એટલે મેં વિચાર્યું મહાદેવના દર્શન કરીને ઘરે જઉં. હું અહીં મંદિરે આવતો હતો ત્યારે મેં મંદિરની સામે.... બસ આ જ જગ્યાએ જ્યાં અત્યારે ઇધ્યા બેઠો છે ત્યાં જ મેં ઇધ્યાને ઉભેલો જોયેલો. તે ખુબ જ રડી રહ્યો હતો અને બોલતો હતો.... Rakesh, Please Sorry….! I can’t do anything…! I am helpless….! હું ફરી મૂંજાયો. મહાદેવજીના દર્શન કરીને હું ફરી રાકલાના ઘરે ગયો અને તેને ઇધ્યાની માંડીને વાત કરી. પણ રાકેશે એને ઉડાઉ જવાબ આપીને વાત બદલી નાંખી. રાકેશે બહુ ધ્યાનમાં ન લીધુ એટલે હું પણ એ ભુલી અને મારા કામમાં વ્યસ્ત થઇ ગયો.

        સચોટ ચાર દિવસ પછી, એટલે કે પાંચમા દિવસે હું રાકેશ અને ગામના અન્ય લોકો ગામના રેલ્વે સ્ટેશનની બાજુમાં ચા પીવા ઉભેલા અને રેલ્વે સ્ટેશનની ઓફિસમાં રાખેલ ટીવીમાં સમાચાર આવતા હતા તે ઉભા ઉભા અમે સાંભળતા હતા. અને તેમાં સમાચાર આવ્યા કે...

        પોરબંદર બાજુના દરિયામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ, વિજળી પડવા તથા દરિયામાં મોટા મોજા ઉછળવાના બનાવો બની રહેલ છે, દરિયામાં ફસાયેલ પચ્ચીસ વ્યક્તિઓને લઇ જતી નાવ ઉંધી થઇ જતાં કેટલાક લોકોના પાણીમાં ડુબી જતા મૃત્યુ થયાના સમાચાર મળેલ છે. દરિયામાંથી સાત શવ કાઢવામાં બચાવ ટુકડીને સફળતા મળેલ છે અને બાકીના શવ અથવા જીવીત લોકોની શોધખોળ બચાવ ટુકડી જીવના જોખમે કરી રહેલ છે. મૌસમ વગર આ અચાનક આવેલા દરિયાઇ તુફાન તથા વરસાદી વાતાવરણના પલટા અંગે લોકોમાં અનેક અટકળો ચાલી રહેલ છે. અમે આ સમાચાર સાંભળી રહ્યા હતા અને ચા ની ચૂસકીનો આનંદ માણી રહ્યા હતા.

        બીજે દિવસે સવારે છ વાગ્યાના સુમારે ગામમાં એક એમ્બ્યુલન્સ સાયરન વગાડતી આવી અને ઘર નંબર ૧૩૭ ની બહાર ઉભી રહી. એમ્બ્યુલન્સના સાયરનથી ગામનું શાંત વાતાવરણ જાણે અચાનક જ તંગ બની ગયું. જેઓ સવારના વહેલા જાગી ગયા હતા તેઓ એમ્બ્યુલન્સની પાછળ પાછળ ઘર નંબર ૧૩૭ સુધી આવી પહોંચ્યા. આ ગામ વાસીઓમાં હું પણ હતો. એમ્બ્યુલન્સનો દરવાજો ખુલ્યો. એમ્બ્યુલન્સમાંથી એક મહિલા (રાકેશની મા), એક કિશોરી (રાકેશની બહેન) રડતા રડતા ઉતર્યા અને તેમની પાછળ એમ્બ્યુલન્સના કર્મચારીઓ એક.....! એક શવ બહાર લઇને આવ્યા. શવને મકાનના આગળની બાજુના વરંડામાં રાખવામાં આવ્યું. શવ પર ઢાંકેલુ કપડુ રાકેશે થોડુ હટાવ્યું....! અને....રાકેશ....! રાકેશ....! ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડ્યો. આ શવ હતું તેના બાપુજીનું.

 મેં અચાનક જ રાઠા સાહેબને પૂછ્યું.... અરે...! રાકેશના બાપુજીનું....! કેવી રીતે....? એ તો બસમાં આવવાના હતા ને? એમને તો દરિયા સુધી પણ નતું જવાનું...! તો તે....! કેવી રીતે...??!!

(આ વાર્તા એક કાલ્પનિક વાર્તા છે. આ વાર્તાને તેમાં જણાવેલ સ્થળ, વાર્તા તથા નામો સાથે કોઇ જ સીધો કે આડકતરો સંબંધ નથી.)