No Girls Allowed - 4 books and stories free download online pdf in Gujarati

નો ગર્લ્સ અલાઉડ - ભાગ 4



આદિત્ય ખન્ના એક 28 વર્ષનો સેલ્ફ બિઝનેસમેન. જેણે ખુદના દમ પર સાત વર્ષ પહેલાં એક કંપનીની શરુઆત કરી. જેમનું નામ આપ્યું. "એકે એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડ "
નાની મોટી સેવા અને ચીજવસ્તુઓની એડવર્ટાઇઝમેન્ટ અને માર્કેટિંગ કરી આપનારી ઘણી કંપનીઓ બજારમાં હતી પરંતુ દરેક કંપનીઓ એડવર્ટાઇઝ માટે મોંઘી કિંમતો ચાર્જ સ્વરૂપે લેતા હતા. જેથી નાના બિઝનેસ કરતા લોકોને પોતાની પ્રોડક્ટ અને સેવાઓને લોકો સુધી પહોંચાડવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ સમસ્યાના સમાધાન માટે આદિત્ય એ આ કંપનીની સ્થાપના કરી. પોતે ખુદ રિચ ફેમિલીમાંથી આવતો હોવાથી ઇન્વેસ્ટમેન્ટ એમની પાસે ઓલરેડી તૈયાર હતું. બસ જરૂર હતી તો આઈડિયાને સારી રીતે વળાંક આપવાની. જેણે આદિત્યે ખૂબ સારી રીતે અન્ય બિઝનેસ મેન સાથે ઓછી કિંમતે ડીલ કરી અને એમના પ્રોડક્ટ માટે સારી એવી એડવર્ટાઇઝમેન્ટ ચલાવી. આમ ધીમે ધીમે સાત વર્ષના ગાળામાં જ આદિત્યનું એડવર્ટાઇઝમેન્ટ નામના બજારમાં સારું એવું નામ બનાવી લીધું. નાના મોટા બિઝનેસમેન પણ પોતાની પ્રોડક્ટના એડવર્ટાઇઝમેન્ટ માટે આદિત્ય સાથે જ કોન્ટ્રાક્ટ કરવા લાગ્યા. આ રીતે આદિત્યની કંપનીનું નામ આખા ગુજરાતમાં ફેમસ થઈ ગયું.

જ્યારે કોઈ કંપની પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે આદિત્યની કંપની સાથે ડીલ કરે ત્યારે આદિત્ય માત્ર ટીવી એડ જ નહિ પરંતુ સોશિયલ મીડિયા દ્વારા પણ તેમના પ્રોડક્ટની જાહેરાત કરતી. જેથી બમણો ફાયદો સામે વાળી કંપનીને થતો અને આદિત્યની કંપની પણ એમની સાથે ગ્રોથ કરતી.

આદિત્ય ખન્નાનો ચેહરો લંબગોળ, ક્લીન શેવ કરેલો, સામાન્ય ટુંકા હેર સ્ટાઇલ રાખતો, કંપનીનો ફાઉન્ડર અને સીઈઓ હોવાથી ફોર્મલ કપડાં જ પહેરી રાખતો. વધારામાં હાથમાં વોચ અને ક્યારેક ઘરની બહાર નીકળે ત્યારે ગોગલ્સ ચડાવી લેતો. કોઈ મિટિંગ માટે જ્યારે આદિત્ય શૂટ પહેરતો ત્યારે એમનો રંગ આખી મિટિંગમાં કંઇક અલગ જ છાપ છોડી જતો. સ્વભાવે શાંત પરંતુ કામ બાબતે કઠોર સ્વભાવ એમ્પલોય પ્રત્યે દાખવતો. આટલી મોટી કંપની ચલાવતો પૈસાદાર અને હેન્ડસમ હોવા છતાં આદિત્ય સિંગલ કેમ હતો? એ સવાલ જરૂર મનમાં ઉદભવ્યો હશે પરંતુ એમની પાછળ પણ એક કહાની છે. જે આગળના ભાગોમાં અનન્યા સાથે જ ખબર પડશે.

આદિત્ય પોતાના સમય અનુસાર ઓફીસે પહોંચી ગયો. હાથમાં ફાઈલ લઈને તેણે ઝડપથી લેપટોપમાં એ કંપની વિશે જાણકારી મેળવવાની શરૂ કરી. એમ તો એ ફાઇલમાં બધી માહિતી એ કંપની એ ઓલરેડી લખી કાઢેલી હતી. પરંતુ આદિત્ય કોઈ પણ કંપનીની એડ કરી દે એવો ન હતો. થોડાક જ મિનિટો બાદ તેમને જાણવા મળ્યું કે આ કંપની તંબાકુને પ્રમોટ કરે છે. તેમનો મુખ્ય હેતુ યુવાનોને પોતાના પ્રોડક્ટથી એડિક્ટ કરીને પૈસા છાપવાનું હતું. તેમને ઝડપથી રાકેશને પોતાની ઓફીસે બોલાવ્યો અને કહ્યું.

" વોટ નોનસેન્સ ઈઝ ધિસ!..." આદિત્યે જોરથી ફાઈલને ટેબલ પર પછાડી.

" શું થયું સર?"

" રુલ્સ એન્ડ રેગુલેશનની લગભગ તને જાણ નથી લાગતી?"

" નો સર..હું આ કંપનીના દરેક રૂલ્સ ફોલો કરું છું...." એસીની ફૂલ ઠંડીમાં પણ રાકેશના ચહેરા પર પરસેવો છુટવા લાગ્યો.

" આ કેવી કંપનીની ફાઈલ તે મને આપી છે! તને ખબર છે ને કે આપણે એવી કોઈ કંપનીની કે પ્રોડક્ટની એડ નથી બનાવતા જે સમાજ માટે કે દેશ માટે નુકશાનકારક હોય અને એમાં પણ ખાસ કરીને તંબાકુની એડ તો ક્યારેય નહીં..."

" સોરી સર મિસ્ટેક થઈ ગઈ, મને એમ કે આ કંપની એડ માટે મોટી રકમ ઓફર કરતા હતા તો મને થયું હું આ કંપનીને મોટો ફાયદો અપાવું.. વન મોર ટાઇમ સોરી સર, આગળથી આવી ભૂલ નહિ થાય..."

" આગળથી આવી ભૂલ કરવાનો હું તને મોકો જ નહિ આપું.."

" મતલબ સર?"

" યુ આર ફાયરડ..."

" પણ સર..." હાથ જોડતો રાકેશ વિનતી કરવા લાગ્યો પરંતુ આદિત્યે લીધેલું ડિસિઝન ફાઇનલ હતું.

આવી ઘટનાઓ આ કંપનીમાં કંઈ નવી નહોતી. મહિનામાં એક બે એવા કિસ્સાઓ અવારનવાર બનતા જ રહેતા કે જેમને રૂલ્સ તોડવાની સજા તરીકે કંપનીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યું હોય. છતાં પણ આ કંપનીમાં જોબ લેવા માટે લોકોની પડાપડી થતી હતી કારણ કે કામની સામે આદિત્ય અન્ય કંપનીઓ કરતા વધુ સેલેરી આપતો હતો. કામ બઘું પૂર્ણ કરીને આદિત્ય ઘરે પહોચ્યો. ઘરને મહેલ કહીને સંબોધિત કરીએ તો એમાં કંઈ નવાઈ નહિ કારણ કે જે રીતે આદિત્યે ઘરની બનાવટ કરી હતી એ જોઈને તો ભલભલાની આંખો ફાટીને બહાર આવી જાય. કોઈ મૂવીમાં જેમ રાજમહેલ દેખાડવામાં આવે એવું ઘર આદિત્યે તૈયાર કર્યું હતું. કેટલાય નોકરો એમને ત્યાં નોકરી કરતા હતા. પરંતુ આદિત્ય કોઈ નોકરની મદદ લેતો નહિ એ ખુદ પોતાનું કામ જાતે કરી લેતો. કોઈ અરજન્ટ કામ હોય તો જ નોકર પાસેથી મદદ લેતો. નોકર રાખવા પાછળનું કારણ એમની નાની બહેન કાવ્યા અને એમના મમ્મી પાર્વતી બેન હતા. આદિત્યના પિતા વર્ષો પહેલા જ અવસાન પામી ચુક્યા હતા. અંતિમ વખત જોઈ ન શકવાનું દુઃખ આજે પણ આદિત્યને રડાવી દેતું હતું.

" આવી ગયો દીકરા?" પાર્વતી બેન આદિત્યને જોતા જ બોલ્યા. પરંતુ આદિત્ય કઈ પણ કહ્યા વિના સીધો હાથ પગ ધોઈને ડાઇનિંગ ટેબલ પર જમવા બેસી ગયો.

" હું શું કહેતી હતી કે કાવ્યા બેટી ઘરે એકલી રહીને કંટાળી જાય છે, એ કહેતી હતી કે અહીંયા ઘર નજીક જ એક સ્કૂલ છે ત્યાં ટીચરની પણ જરૂર છે તો કાવ્યાને ત્યાં..."
અડધે થી વાત કાપતા આદિત્ય બોલ્યો. " તો તમે વિચાર્યું કે કાવ્યાને ત્યાં નોકરી પર જવા દઈએ એવું જ ને?"

" હા દીકરા..."

ક્રોધેથી ભરાયેલો આદિત્ય બોલ્યો. " શું જરૂર છે એને નોકરી કરવાની? બધી જરૂરિયાત તો પૂરી થાય છે ને! ઘરને મહેલ બનાવીને તો આપી દીધું છે. તો પણ નહિ એમને નોકરી કરવા તમારે બહાર મોકલી જ દેવી છે.."

" પણ દીકરા એમને પણ એમના દમ પર કઈક કરવું છે, કઇંક બનવું છે, એમના પણ સપનાઓ છે.."

" આ બધી ફિલ્મી વાતો મારી સાથે ન કરો, મેં પહેલા જ તમને સો વખત જણાવી દીધું છે કે કાવ્યા નહિ તો કોઈ નોકરી કરે કે નહિ.."

" બોલ આગળ કે નહિ શું?"

" મારે તમારી સાથે વાત જ નહિ કરવી...જ્યારે પણ થાકી પાકીને ઘરે આવીએ તો કંઇક ને કંઇક માંગ તમારી ઊભી જ હોય, આટલું મોટું ઘર આપ્યું છે પણ કોઈને શાંતિથી રહેતા આવડતું જ નથી..." થોડુંક જમતા જ આદિત્ય ઊભો થઈને પોતાના રૂમ તરફ નીકળી ગયો.

" અરે પણ પૂરું જમી તો લે, અમારો ગુસ્સો જમવા પર તો નો ઉતાર.." પાર્વતી બેન બૂમો પાડતી આગ્રહ કરતા રહ્યા. પરંતુ આદિત્ય જવાબ આપ્યા વિના પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. કાવ્યા દૂર ઊભી આ બઘું જોઈ રહી હતી. તેમને હતું કે ઘરની નજીક જ સ્કૂલ હોવાથી ભાઈ એમને નોકરી કરવા જવા દેશે પરંતુ જ્યારે આદિત્યની સાફ મનાઈ સાંભળી ત્યારે હાથમાં પકડેલા પુસ્તકો જાણે એમના માટે પસ્તી બનીને રહી ગયા. એમના આંસુઓ એ પુસ્તકોને ભીંજવી નાખ્યાં. રડતી રડતી એ પણ પોતાના રૂમમાં જતી રહી અને આ બધાની વચ્ચે પાર્વતીબેન પોતાના પતિને યાદ કરતી આંસુ વહાવતી રહી.

ક્રમશઃ