Rajashri Kumarpal - 9 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 9

ઉદયનની ચિંતા

મંત્રીશ્વર અને કાકભટ્ટ બહાર નીકળ્યા. મહારાજ સિદ્ધરાજના જમાનાથી બંને સાથે કામ કરી રહ્યા હતા, એકબીજાના હ્રદયની વાતો સમજી શકતા હતા. કાકભટ્ટે વર્ષોથી મંત્રીનું સાન્નિધ્ય સેવ્યું હતું. એણે જ મહારાજને અર્બુદગિરિમાં વિક્રમથી રક્ષ્યા હતા; પણ આજે ડોસાએ એંશી વરસે જે રાજભક્તિ દર્શાવી એ જોઇને કાકભટ્ટને કેશવની જલસમાધિ સાંભરી આવી. 

રાજભક્તિની આવી વજ્જર જેવી મજબૂત જીવંત દીવાલોમાં બેઠેલું પાટણ એને અમર લાગ્યું. કુમારપાલ અત્યારે હવે પાટણ છોડે એમાં સોએ સો ટકા જોખમ હતું. કુમારપાલનો વજ્જર-નિશ્ચય અને એનું રાજનૈતિક અવ્યવહારુ લાગતું જૈની વલણ એ બંનેએ એના માટે અનેક નવા દુશ્મનો ઊભા કર્યા હતા. અજયપાલ સોરઠમાં જાય એ પણ ઠીક ન હતું, એટલે ડોસો પોતે એંશી વરસે તલવાર બાંધવા તૈયાર થયો હતો. પણ કાકભટ્ટ માટે ખરું આશ્ચર્ય તો  હજી બાકી હતું. 

તેઓ બહાર નીકળ્યા એટલે ઉદયને કાકના ખભા ઉપર હાથ મૂક્યો: ‘કાકભટ્ટ! સાંભરે છે? જયદેવ મહારાજના જમાનામાં એમણે રુદ્રમાળ ઉપર ધજા ચડાવી ત્યારે તમામ જૈનમંદિરો ઉપરથી ધજા ઉતરાવી હતી. એ વખતે રાજ્યાશ્રિત સેવા અને મહારાજ જયસિંહદેવનો રુદ્રપ્રતાપી સ્વભાવ એટલે એ ધર્મલાંછન સહી લીધું ને જૈનમંદિરો ઉપરથી ઊતરતી ધજાઓ મૂંગે મોંએ હું જોઈ રહ્યો! પણ એનો ડાઘ તો આંહીં બેઠો હતો,’ ઉદયને પોતાની છાતી ઉપર હાથ મૂક્યો, ‘કાકભટ્ટ! તમે પોતાના છો, તમને વાત કહેવામાં વાંધો નથી, પણ આજ વર્ષો પછી ગુર્જરરાષ્ટ્રનો ચૌલુક્યમણિ જૈની વલણ બતાવી રહ્યો છે ને જોજને-જોજને એકએક જૈનમંદિર સ્થાપી દેવાનું મારું ધર્મસ્વપ્ન સિદ્ધ થાય તેમ છે ત્યારે રાજા આડે ઢાલ થઈને એને રક્ષવા દેહન્યોછાવરી કરી નાખવાની મારી ફરજ છે. રાજા કહેશે તો આખા દેશને ધર્મલાભ થશે. અને આની પછી જો પ્રતાપમલ્લ આવશે તો-તો દેશ આખો એકધર્મી થઇ રહેશે! ઉદયન મંત્રી રહે કે ન રહે – એ બહુ મોટી વાત નથી! પણ મોટામાં મોટી આડખીલી, કાક ભટ્ટ! આ તમારા અજયપાલની છે, આપણે એને પાટણ છોડાવવું જ પડશે – અને તે પણ ગણતરીના દિવસોમાં, તમે વિચાર કરતા રહેજો: ઘર્ષણ વિના એ સિદ્ધ શી રીતે થાય?’

કાકભટ્ટને ઉદયનની મહત્વાકાંક્ષા તો ધ્યાનમાં હતી, પણ હવે એંશી વરસે એમાં ઓટ આવ્યો હશે એમ એ માનતો હતો. આજ એની નવાઈની હદ ન રહી. કુમારપાલ પછી ગાદીએ આવનારા પ્રતાપમલ્લને પણ દોરવાની હજી ડોસાને એંશી વરસે આશા હતી!

એટલામાં તો ઉદયન બોલ્યો: ‘મહારાજ વનરાજે એકસો દશ કર્યા હતાં. આયુષના બંધ પૂરા હોય તો એક વખત સોરઠ, લાટ, અર્બુદગિરિ, મેદપાટ, કોંકણ, સિંધ, મરુભૂમિ, માલવા, જાંગલદેશ અને શતદ્રુના કિનારા સુધી આ જૈન ધર્મનો કેસરી ચંદ્રક તમે વ્યાપી ગયેલો જોશો. રાજ્યો જશે, રાજાઓ જશે, મારા-તમારા જેવા કૈંક જશે, અને કાક ભટ્ટ! અનેક મિથ્યા ધર્મો પણ જશે – આ એક જ ધર્મ અવિચળ રહેશે! મારી એ શ્રદ્ધા છે. ભારતવર્ષવ્યાપી એ થાશે. હું સવાસો વર્ષે પણ એની જયઘોષણા ભાગીરથીતટ ઉપર સાંભળું એટલે થયું! પણ ચાલો આપણે ધર્મની વાતો બહુ કરી. બોલો કાકભટ્ટ! તમને હવામાં હવે શું લાગે છે?’

‘અનિશ્ચિતતા, પ્રભુ! ત્રણ વાત હવામાં છે. ત્રણે ભયંકર છે. ત્રણે શરૂઆતથી આપણી સાથે ચાલતી આવી છે. પ્રભુથી એ ક્યાં અજાણ્યું છે?’

‘પણ એ હવે અટકશે ક્યાં જઈને?’

‘આ ઘર્ષણ મહારાજ કુમારપાલનો ઘાત કરાવે. મને તો એમાં નિરર્થક પ્રાણહાનિ દેખાય છે.’

‘અરે! ભટ્ટજી! શું બોલો છો?’

‘ઠીક કહું છું, પ્રભુ! અર્બુદગિરિનો આપનો વિક્રમવાળો અનુભવ જ સંભારો ને! મહારાજ કુમારપાલનું તે વખતનું રાજ્યારોહણ ઘણાને ખટકતું હતું; અત્યારે ખટકે છે આ ધર્મારોહણ! એટલે આ વસ્તુ છાનો વિરોધ કે છાની યોજના ઊભી કરાવશે જ. ભલું હશે તો અત્યારે પાટણમાં થઇ રહી હશે! આ પહેલી વાત છે!’

‘મને પણ ભણકારા તો આવ્યા છે. બીજી વાત કઈ છે?’

‘બીજી વાત પણ આપણે જાણી છે. મહારાજ મૂલરાજના સમયથી ચાલતી શ્રુતિપરંપરા. લૂતારોગ ચૌલુક્યોના વંશમાં વારંવાર આવે છે. ભાવ બૃહસ્પતિએ મહારાજ માટે એ જ વાંધો ઉઠાવ્યો હતો. અનવદ્ય પુરુષ રાજા હોય. એ વાંધો હવે એ આગળ ધરશે. ભાવ બૃહસ્પતિ જેવા હવે નીકળી આવશે! આજ દિવસ સુધી એમનો વિરોધ પ્રગટ હતો, પણ પ્રબળ ન હતો. હવે એ પ્રબળ થવાનો.’

‘અને ત્રીજી વાત?’

‘ત્રીજી વાત તમે પોતે જ હમણાં કહી તે. મહારાજનું આ અમિથ્યા ધર્મ પ્રત્યેનું વલણ. એણે નિંદ્ય ગણનારા ઊભા થઇ જ રહ્યા છે. એ વર્ગ રાજાનો ઉચ્છેદ કરવા, રાજાને પદભ્રષ્ટ કરવા કે રાજ ઉથલાવી નાખવા મથશે. આ ત્રીજી વાત છે.’

‘કાકભટ્ટજી! ત્યારે મારે તમને હવે એજ કહેવાનું છે. તમે છો, ત્રિલોચનપાલ છે, અર્ણોરાજ આપણો નાણેલો છે, ધારાવર્ષદેવજી પણ વિશ્વાસુ રહ્યા. તમારે મહારાજ આડે વજ્જરની જીવતી દિવાલ આંહીં ઊભી કરવી પડશે. મહારાજનું રુદ્રરૂપ તમે જાણો છો. એનો કૃતનિશ્ચયી સ્વભાવ તમે જાણો છો. એક વખત એ શમશેર ઉપાડશે, પછી કૃષ્ણદેવનો ઈતિહાસ ફરીને ઊભો થઇ જતાં વાર નહિ લાગે! પણ આપણે એ થવા દેવો નથી, તેમ જ મહારાજને કોઈ આંગળી ચીંધી જાય એ પણ રહેવા દેવું નથી. આજે તમે માનશો – મને બે પળનું ખરેખરું સુખ મળ્યું!’

‘શું કહ્યું, પ્રભુ? ક્યારની વાત છે?’

‘આપણે મંત્રણાસભામાં હતા ત્યારની. અજયપાલના મોંમાં ઘર્ષણના શબ્દો આવતા હું જોઈ રહ્યો હતો. એમાંથી જ ઘર્ષણ ઊભું થતાં વાર ન લાગે. એટલામાં એક પળમાં એણે શાંત થતો જોયો... મને લાગ્યું કે છેવટે વિવેક જીતશે...’

‘જ્યારે મહારાજની પાછળ બેઠેલ નારીમંડળમાં તેણે દ્રષ્ટિ કરી ત્યારની એ વાત છે?’

‘હાં... બરાબર... તમે એ વાત અસલ પકડી પાડી!’ ઉદયનને નવાઈ લાગી. તેને કાકભટ્ટ માટે માન પણ થયું. તેની તીક્ષ્ણ વેધક દ્રષ્ટિમાં આટલી નાની વાત પણ અણદીઠી નહોતી રહી! ‘મને એ વખતે એક પળનો સુખાનુભવ થયો, કાકભટ્ટ! મને લાગ્યું કે અજયપાલને પણ કોઈ દોરનાર છે! એટલે એ વિવેક સમજશે, પણ એ આશા તરત ઊડી ગઈ! નાયિકાદેવી સત્તાકાંક્ષી છે, તેજસ્વી છે, સોમનાથભક્તિથી રંગાયેલી છે. ભાવ બૃહસ્પતિની છાયામાં છે, એનો કેટલો વિશ્વાસ? મેં તમને આ કહેવા માટે જ રોક્યા હતા કે આપણે ઘર્ષણ અટકાવતા જ રહેવું. તો જ મહારાજની ધર્મનીતિ પ્રજામાં પણ સ્થાઈ બની જશે. ઘર્ષણ અટકાવવું છે અને  ભવિષ્યની વાત પણ સિદ્ધ કરવી છે. મેં તમને આ કહી દીધું, આવતી કાલે હું સોરઠમાં હોઉં તોપણ તમે આંહીં જોતા રહો ને વાગડને પણ રસ્તો દોરતા રહેજો. હવે તમતમારે મહારાજે કહ્યું તે પ્રમાણે પેલાં કવિને માપી કાઢો. મારે પણ કવિ રામચંદ્રને પૌષધશાળામાં મળવું છે.’