Rajashri Kumarpal - 10 books and stories free download online pdf in Gujarati

રાજર્ષિ કુમારપાલ - 10

૧૦

ગુજરાતનો વિદ્યાપતિ

એ વખતે ગુજરાતનો વિદ્યાપતિ કવિ રામચંદ્ર હતો. કવિ શ્રીપાલ ખરો. એનો સિદ્ધપાલ પણ ખરો. એમ તો પંડિત સર્વજ્ઞ વિદ્વાન હતો. પણ કવિ રામચંદ્રની વાણીમાં સાક્ષાત સરસ્વતી રહેતી! એની વાણી, એની છટા, એનો શબ્દટંકાર – સભામાં એ વિજયી સેનાપતિ સમો દેખાતો. એની એકએક ઉક્તિ આવે ને માણસોના મન અને શીર્ષ ડોલી ઊઠે! એની ભરતીમાં ટંકારવ ધનુષનો હતો, તો શબ્દોમાં ખુમારી નિરંકુશ વાણીપતિની હતી. રામચંદ્રની સિદ્ધિ જોઈ કલિકાલસર્વજ્ઞ જેવા આચાર્ય હેમચંદ્રાચાર્યને પણ થઇ આવ્યું હતું કે કહો-ન-કહો, વિદ્યાનું અવિચળ સ્થાન ગુજરાતમાં આ ચલાવશે!

બીજાને એક વિદ્યાના સ્વામી થતાં નેવનાં પાણી મોભે જતાં; રામચંદ્ર તો ત્રણત્રણ વિદ્યાનો અદ્વિતીય સ્વામી હતો. ‘ત્રૈવિદ્યવેદી’ રામચંદ્ર પાસે શબ્દોનો મહાર્ણવ છલકાતો. એવો કોઈ શબ્દ નહિ, જે રામચંદ્ર પાસે હાથ જોડીને ઊભો ન હોય. એવી કોઈ ન્યાયની ગૂંચ નહિ, જેને રામચંદ્ર ઉકેલી ન શકે, એવું કોઈ કવિનું કાવ્ય નહિ, જ રામચંદ્રની વાણી આવતાં તુલનામાં ફિક્કું ન પડે! સભામાં એ ઊભો થાય એટલે બીજા બધા વેંતિયા લાગે! જેવી એની વાણી અદ્ભુત, એવી જ એની નિરંકુશતા પણ અદ્વિતીય હતી. નિરંકુશતા રામચંદ્રની! એ દાસાનુદાસ કેવળ વાણીદેવતાનો!

રામચંદ્રનાં સ્વતંત્રતા અને સ્વમાન એ એના પોતાના જ. એમાં લેશ માત્ર બાંધછોડ નહિ. સમર્થમાં સમર્થ જોદ્ધો હોય, પ્રબળમાં પ્રબળ કુનેહવાળો મંત્રી હોય, નિરંકુશમાં નિરંકુશ રાજવી હોય, રામચંદ્રના ગૌરવને જાળવીને એની પાસે એ વાત કરી શકે! એને મન કવિતા એ અનવદ્ય વસ્તુ હતી. એમાં ક્યાંય લેશ પણ વિસંવાદ નહિ, જરા પણ દોષ નહિ. સો ટચમાં એક પા રતી ઓછું મૂલ્યાંકન હોય એટલે રામચંદ્ર એને ફેંકી દે! એની પાસે આત્મશ્રદ્ધાનો ગજબનો રણકો ચોવીસે ઘડી હાજર હતો. એ આત્મશ્રદ્ધા પાસે મોટામોટા ચમરબંધી પણ પાણી ભરે! એ જમાનામાં રામચંદ્રે નાટકો ઉપર નાટકો આપીને લોકોને ત્યાં ઘેરઘેર સરસ્વતીની નદી વહેવરાવી હતી, સભાઓ જીતીને ભારતભરમાં ગુજરાતનો એણે વિજયઘોષ કરાવ્યો હતો. હેમચંદ્રાચાર્યની પૌષધશાળાને નવાનવા સર્જનો આપીને ગુજરાતની વિદ્યાભૂમિને અદ્વિતીય બનાવી દીધી હતી. ગુજરાતનાં રાજકવિ સિદ્ધપાલ હતા, પણ ગુજરાતનો વિદ્યાપતિ તો આ રામચંદ્ર હતો! એક સમ્રાટના ગૌરવથી સરસ્વતીની વાટિકામાં એ વિહરી રહ્યો હતો!

આ મહાકવિ રામચંદ્ર પાસે જતાં ઉદયનને પણ મનમાં ગડભાંજ થતી હતી. વખત છે, રામચંદ્ર જરાક પણ મનદોષ વાણીમાં દેખી જાય – થઇ રહ્યું! કવિ રામચંદ્ર પાસેથી પછી કોઈ કાંઈ કઢાવી શકે એ વાતમાં માલ નહિ, કારણકે એ તો પાછો સંસારથી વિરક્ત સાધુ! એટલે એને કોઈની કાંઈ પડી જ ન હતી! ઉદયન પણ આખે રસ્તે આ મહા સમર્થ વિચિત્ર વિદ્વાન પાસે કેટલા શબ્દો કેવી રીતે બોલવા એનું જ મનમાં પારાયણ કરી રહ્યો હતો. 

રાજસભામાં કલિકાલસર્વજ્ઞ તો પોતાના ગૌરવથી શોભતા રહે. એમાં વિવેક હતો. એટલે આ આવ્યો હતો તેવો કોઈ કવિજન સભાનું માપ કાઢવા આવે, ત્યારે રામચંદ્રની હાજરી અનિવાર્ય ગણાતી. પોતે મંત્રણાસભામાંથી ઊઠતો હતો ત્યારે કંટેશ્વરી મહંતનો પટ્ટશિષ્ય આવ્યાના સમાચાર મહારાજને દાસી આપી ગઈ હતી. ઉદયનને ત્યારે જ લાગ્યું હતું કે કંટેશ્વરીના મહંતે કાંઈક ઉપાડ્યું હોવું જોઈએ. મહારાજ કુમારપાલ કલિકાલસર્વજ્ઞ પાસે એ માટે આવવાના. એ વખતે પણ પોતે ત્યાં હોય તો ઠીક. જૈનધર્મના વિજયધ્વજ સમી અહિંસાને અપનાવવાનો મહારાજનો નિશ્ચય કંટેશ્વરીના ભોગથી શરુ થાય એમાં એને પોતાનો વિજય લાગતો હતો. પણ એ અકાલ ઘર્ષણ કરાવ્યા વિના જ પતે એ એની ખાસ ઈચ્છા હતી. એને ખાતરી હતી કે કંટેશ્વરીનો ભવાનીરાશિ એકલો ન હતો. એ  જબરદસ્ત ખીલાને આધારે જ કૂદી રહ્યો હતો. એટલે એ આ વિષયમાં તરત તો નમતું નહિ જ આપે. એને હજી સ્પષ્ટ માર્ગ દેખાતો ન હતો. એ જ્યારે પૌષધશાળામાં આવ્યો ત્યારે આ વિચાર એના મનમાં ઘૂમી રહ્યો હતો. આ વાતમાં પીછેહઠ થાય તો-તો થઇ રહ્યું! એના મનથી એ જૈનોનો પરાજય હતો, જ્યારે વાત સિદ્ધ કરતાં ઘર્ષણનો ભય ઘૂરકતો જ હતો. ઘર્ષણ થાય તો રાજનીતિનો પરાજય હતો!

પૌષધશાળામાં એ પેઠો જે દ્રશ્ય એણે જોયું તેનાથી એનો અંતરાત્મા ઘડીભર પ્રસન્ન થઇ ગયો. આંહીં જાણે વિદ્યાની આનંદવાટિકા કોઈએ સ્થાપી હોય તેમ ઠેકાણે-ઠેકાણે ચારે તરફ બેઠેલા જૈન સાધુઓ જ્ઞાનની, ધર્મની, શબ્દની, સાહિત્યની, વ્યાકરણની, ન્યાયની, કાવ્યની, નાટકની ચર્ચા કરી રહ્યા હતા. ગ્રંથોના ઢગલેઢગલા આમથી તેમ ફેરવતા શિષ્યો દેખાતા હતા. ક્યાંક ચિત્રો દોરાતા હતાં. ક્યાંક અણમોલ પ્રતીને સાચવવાની તૈયારી થઇ રહી હતી. ક્યાંક શાહી ઘૂંટાતી હતી. ક્યાંક સોનેરી રજ તૈયાર થતી હતી. એક ઠેકાણે સાધુઓ અનેક ગ્રંથોનો તુલનાત્મક અભ્યાસ કરી રહ્યા હતા, તો બીજે સાધુવૃંદ લહિયાને સૂચના આપી રહ્યું હતું. એક જગ્યાએથી કવિવાણીનું સુધામૃત આવતું હતું, તો બીજેથી બુદ્ધિ થાકી જાય એવી ન્યાયછટા ઊપડતી હતી. વિદ્યાભૂમિની કોઈ અદ્ભુત સૃષ્ટિ ઊભી થતી ઉદયને આંહીં જોઈ. એ બંને તરફ અભિવાદન કરતો ખંડમાં આગળ વધ્યો. મધ્યમાં એક સાદી પાટ ઉપર ઊનનાં શુદ્ધ ધોળાં વસ્ત્રોમાં આચાર્ય હેમચંદ્રાચાર્ય બેઠેલા એની નજરે પડ્યા. એમની સૌમ્ય શાંત મૂર્તિની આસપાસ એક પ્રકારની અનોખી શાંત હવા જાણે ઊભી થઇ રહી. પોતાની આસપાસની વિદ્યાવાટિકા જોઇને ઇન્દ્રભવન જોવાની પણ જાણે એમને ઈચ્છા ન હોય તેમ એમની મુખમુદ્રામાંથી આનંદ-આનંદની જાણે વર્ષા વરસી રહી હતી. 

ઉદયનને આ વિરોધાભાસે એક પળભર થોભાવી દીધો. આ પૌષધશાળાની બહાર જ ચિંતાઓનો કોઈ પાર ન હતો. આંહીં આનંદની કોઈ સીમા ન હતી. તેણે કલિકાલસર્વજ્ઞ તરફ દ્રષ્ટિ કરી. એમનાં નેત્રો હાથમાં રહેતી પોથીનાં પાનાં ઉપર ઢળી ગયા હતાં. મુખમુદ્રા ઉપર અનોખું તેજ ઝળકી રહ્યું હતું. ભૂત, વર્તમાન અને ભવિષ્યને જાણવાવાળો. માણસ જે અદ્ભુત આત્મતૃપ્તિ અનુભવે એવી થઇ જાય. શાંત, સ્વસ્થ એવા આચાર્યનું આસન જ યોગની કોઈ નૈસર્ગિક ભૂમિકા બતાવી રહ્યું હતું! એમની બેઠક એ જાણે એમની જ અનોખી શૈલી સૂચવી રહી હતી! ઉદયન એ અદ્ભુત તેજસૃષ્ટિ જોઈ જ રહ્યો અને પછી પ્રણામ – ખમાસણ દેતો મસ્તક જમીન તરફ ઝુકાવી નમી રહ્યો. આચાર્ય હેમચન્દ્રની દ્રષ્ટિ પાનામાંથી એક પળભર ઉપર થઇ. તેમણે બે હાથ જોડીને ઊભેલા મંત્રીશ્વરને દીઠો: ‘ઓહો! ઉદયન મહેતા! આવો-આવો. આજ ભલી આ પૌષધશાળા અત્યારમાં સાંભરી આવી? ક્યાં નીકળ્યા?’ આચાર્યના શબ્દમાં ગજબની મધુરતા હતી. આ શી રીતે આવી હશે એનો મંત્રી વિચાર જ કરતો રહ્યો.

‘પ્રભુ! આપનાં જ દર્શન કરવા આવ્યો હતો. મુનિરાજ રામચંદ્રજીને પણ મળવું હતું!’

‘કેમ કોઈ કવિજન આવ્યા છે કે શું? રામચંદ્ર પાસેના ખંડમાં જ હશે. કોઈ નવું નાટક એમને સાંભર્યું લાગે છે! એમને દેવી એ રીતે પ્રસન્ન થયાં છે!’

‘આપે સાંભળ્યું તો હશે નાં? કોંકણનો કવીન્દ્ર કર્ણાટરાજ આવેલ છે!’ ઉદયને કહ્યું.

‘હા, રામચંદ્રે કહ્યું હતું. કર્ણાટરાજનું નામ તો વિખ્યાત છે.’ આચાર્ય એને પણ શબ્દસૃષ્ટિ દ્વારા જ ઓળખતા જણાયા. ‘શબ્દોના કેટલાંક અપૂર્વ ભેદો એણે પણ બતાવ્યા છે!’

‘પણ આંહીં તો એ એક આહ્વાન લઈને આવ્યો છે!’

હેમચંદ્રાચાર્ય જરાક ચમકી ગયા લાગ્યા. મંત્રીનો ‘આવ્યો છે’ એ પ્રયોગ એમને વિવેકહીન જણાયો. ઉદયન પણ તરત એ કળી ગયો. એટલામાં આચાર્ય બોલ્યા: ‘કવીન્દ્ર આવ્યા હશે. એમને રાજની સેવા રહી એટલે આવવું તો પડે ને! પણ વિદ્યાના ઉપાસક માટે વિદ્યા વિના ક્યાંય શાંતિ જોઈ ખરી, મહેતા! સમજે તો બધાને શાંતિ મળે.’

‘પણ ધર્મ વિના એ સમજાય ક્યાંથી?’

‘ધર્મ પણ વિદ્યાનું એક અવિભાજ્ય અંગ છે, મંત્રીજી!’ આચાર્ય સમજાવતા હોય તેમ બોલ્યા, ‘વિદ્યા આવે ત્યારે જ ધર્મ પણ આવે છે. મહારાજ કુમારપાલે આટલી વયે શરુ કર્યું છે. તમે સાંભળ્યું હશે નાં? યોગશાસ્ત્ર! એ વિદ્યા આવશે એટલે ધર્મ આવશે. એટલે શાંતિ આવશે. એટલે શક્તિ આવશે. મહારાજ અત્યારે તો યોગનું રહસ્ય જાણવા મથી રહ્યા છે! કાં તો હમણાં આવશે પોતે!’

‘ઓહો! ત્યારે મહારાજે તો જબરદસ્ત ફેરફાર ઉપાડ્યો લાગે છે!’

ઉદયન વિચાર કરી રહ્યો. આચાર્યની ભૂમિકા વધારે સબળ હતી, પણ સફળ ખરી? કુમારપાલ એની મેળે ધર્મ સમજે, પછી પોતે આચરે એવી એક નિસરણી આચાર્ય ઊભી કરી રહ્યા હતા. એવો શાંત સ્વસ્થ ફેરફાર ઘણો વધારે બળવાન હતો. પણ અજયપાલ જેવા એ નિસરણીને નીચેથી જ ખેંચી લે એ સામે આચાર્ય પાસે શું સાધન હતું? એને પોતાની વાત જ વધુ વ્યવહારુ લાગી. 

એટલામાં તો બહાર રાજહસ્તિનો ઘંટાઘોષ કાને પડ્યો. આચાર્યે ઉપવસ્ત્ર જરા સરખું કર્યું. વધારે સ્વસ્થ બેઠા: ‘મહારાજ આવતા લાગે છે!’

ઉદયને એમની દ્રષ્ટિમાંની ઈચ્છા વાંચી. તે ત્વરાથી પાસેના ખંડમાં સરી ગયો. ત્યાં એને ઉતાવળો આવતો જોઇને એક જૈન મુનિ ઊભા જેવો થઇ ગયો. પણ ત્યાં તો મહામંત્રીને જોઇને એણે ઉતાવળે આવકાર આપ્યો. ઉદયન એમને અભિવાદન કરતો જોઈ રહ્યો. કાંઈક શ્યામ, થોડાબોલો પણ આંખમાં એક પ્રકારની અનોખી માંજરી છાયા ધરાવતો એક સાધુ ત્યાં ઊભો હતો. એ મુનિ બાલચંદ્ર હતો. તેને અસ્વસ્થ થતો દેખીને મંત્રી ચમકી ગયો. તેના મનમાં એક વિચાર આવી ગયો, ‘આ તો બાલચંદ્ર છે. વાતો તો નહિ સાંભળતો હોય?’

‘રામચંદ્રજી ક્યાં છે, પ્રભુ!’ તેણે બાલચંદ્રને પૂછ્યું...

બાલચંદ્ર મીઠું હસ્યો. એને જવાબ આપતાં પહેલાં હસવાની ટેવ લાગી: ‘રામચંદ્રજી? પાસેના ખંડમાં બેઠા છે. કાંઈક નાટક લખી રહ્યા છે એમને સો ગ્રંથની લગની લાગી છે! સંખ્યા-બળમાં તેઓ તલ્લીન થઇ ગયા છે!’ એનો કટાક્ષ સાંભળવાની મંત્રીને પડી ન હતી. એને તો રામચંદ્રને મળવું હતું.

પણ ઉદયને એને સાથે ઉપાડ્યો આંહીં એકલો પાછો આચાર્યની વાતો સાંભળવા એ ઊભો રહેશે એમ એને લાગ્યું.

અંદર ગયા તો ત્યાં કવિવર રામચંદ્ર શબ્દ-સમાધિમાં બેઠેલા જણાયા. એમની તલ્લીનતા એવી હતી કે કોણ આવ્યું ગયું એની જાણે એમને ખબર જ ન પડતી હોય! એક શ્લોકને મોટેથી બોલીને તેઓ વારંવાર જુદીજુદી રીતે ગાઈ રહ્યા હતા. અભિનયકાર જાણે શબ્દેશબ્દનો રસ અનુભવતો હોય! તેમને મંત્રીશ્વર આવ્યા તે ખબર પડી લાગી નહિ. ઉદયને છેક સામે બેસીને જ્યારે પ્રણામ કર્યા ત્યારે એમની દ્રષ્ટિ ત્યાં પડી. ‘કોણ? ઓહો! મંત્રીજી! તમે ક્યાંથી? કોણ છે સાથે? બાલચંદ્ર? બેસો-બેસો.’

‘એક કામ પડ્યું છે, પ્રભુ!’ ઉદયને બેઠક લેતાં કહ્યું. સીધીસાદી વાત જ રામચંદ્ર સાથે કરવામાં સાર હતો. વખતે ગુરુ એને બોલાવે એટલે એણે તરત જ વાત  ઉપાડી.

‘શું?’

‘કર્ણાટરાજનું કાલે રાજસભામાં આગમન છે, તમે તો એ જાણો જ છો, પણ મને થયું કે તમારે કાને જરાક વાત નાખતો જાઉં!’

‘શાની વાત?’

‘એવું છે, પ્રભુ! એનું આ આહ્વાન તો આપણને ત્યાં ખેંચવા માટેનું છે. આપણે નિર્બળ દેખાવું નથી, તેમ આહ્વાન તરત ખડું થઇ જાય તેવું પણ કરવું નથી. તમારી પાસે શબ્દો તો હાથ જોડીને ઊભા છે. શબ્દોના તમે સ્વામી છો!’

‘હા, કેમ નહિ? શબ્દો રામચંદ્રજીના!’ રામચંદ્રની સાહિત્યશક્તિને હીણી બનાવવાનો કોઈ પ્રસંગ જવા ન દેવો એવો બાલચંદ્રનો નિયમ લાગ્યો. પણ બાલચંદ્રની પ્રશંસામાં રહેલો કાંટો રામચંદ્રને સ્પર્શી શક્યો નહિ. બાલચંદ્ર સામે ઉપેક્ષાભરેલી એક દ્રષ્ટિ તેમણે ઉદયનને જ જવાબ વાળ્યો, ‘એનો અર્થ એવો, મંત્રીશ્વર! કે આજ્ઞા પ્રમાણે કોઈ કાવ્ય કરવાનું છે?’

ઉદયન તરત જ ચેતી ગયો. તેણે હસીને કહ્યું: ‘જેની પાસે રસ, અલંકાર ને વાણી સ્વયં મુગ્ધ બનીને ઊભાં છે એને આજ્ઞા આપનારો હું કોણ? આજ્ઞા આપવા આવું એટલી બધી ઘેલછા મારામાં આવી નથી. હું તો તમને અમારી રાજનીતિની વાત કહેવા આવ્યો હતો, મુનિજી! આ આવ્યા છે કવિરાજ એ જાણે સંધિવિગ્રહિક જેવા છે; તમને એ ધ્યાનમાં હોય તો સારું. તેઓ કવિ નથી. એમને કવિ ગણવાના પણ નથી.’ 

‘તો તો બરાબર છે, રાજનીતિની વાત હોય તો.’ રામચંદ્રના સ્વાભિમાને સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી હતી. 

‘તમે વાત જાણી હોય તો ઠીક.’ ઉદયન આગળ વધ્યો: ‘વાત જાણવાની તો આ મેં રેખા બતાવી એટલી જ, બાકી તો તમે સમર્થ છો. જાણવા પૂરતી તમને આટલી વાત કહેવી હતી એટલે હું આવ્યો. બીજી ચિંતા હું શું કરવા કરું? બોલો, હમણાં તો નાટકોની ધારા જ વરસાવાજ માંડી છે ને શું? કેટલાં, સો પૂરાં કરવાં છે?’

‘હા – ધારા જ!’ બાલચંદ્ર હસતાં-હસતાં બોલી ઊઠ્યો: ‘અને નિરાધાર – જાણે આકાશમાંથી ... હા-હા! રામચંદ્રમુનિ! તે પાછો હસી પડ્યો. 

રામચંદ્રે પ્રત્યુત્તર આપ્યો નહિ. એટલામાં કોઈ બીજા મુનિમહારાજ બાલચંદ્રને ખોળતા ત્યાં આવ્યા એટલે એ તરત ત્યાંથી ચાલ્યો ગયો.

‘મુનિજી!’ એ ગયો કે તરત ઉદયને રામચંદ્રને કહ્યું. પણ પાછો એ શબ્દ ગળી ગયો.

‘કેમ અટક્યા, મંત્રીશ્વર?’ રામચંદ્રે પૂછ્યું. 

જવાબમાં ઉદયન ઊભો થઈને પાસેની ભીંત તરફ જોઈ આવ્યો. બાલચંદ્ર તો ત્યાં હતો નહિ. રામચંદ્રને નવાઈ લાગી. ‘આ મુનિ મહારાજ...’ ઉદયને બેઠક લેતા કહ્યું. 

‘એ જરા છે એવા વિચિત્ર.’ રામચંદ્ર બોલ્યો: ‘કાવ્યમાં પાછળ રહી ગયા છે, એટલે એ નિર્બળતાથી એમનો ધર્મ ચૂકી જાય છે. અંત:કરણ ખાસ મેલું નથી!’

ઉદયનને રામચંદ્રની આ નિખાલસતામાં ભયંકર ભાવિના પડઘા ઊભા થતાં સંભળાયા.

‘એને વાતો સાંભળવાનો શોખ છે, પ્રભુ!’ તેણે કહ્યું. 

રામચંદ્રે શાંતિથી કહ્યું: ‘જરાક એ નિર્બળતા પણ ખરી. વિદ્યાવ્યાસંગ વધશે એટલે એ સરી જશે!’

‘પણ, પ્રભુ! આ નિર્બળતા ઘણા ભયંકર પરિણામ...’

ઉદયન બોલતો અટકી પડ્યો. બાલચંદ્ર પોતે ત્યાં આવીને પાછો ઊભો રહી ગયો હતો: ‘મંત્રીરાજ! ગુરુમહારાજ... યાદ કરે છે!’

ઉદયન વિચાર કરતો ઊભો થયો. આ બાલચંદ્રને ભીંતસોંસરવી વાત સાંભળી લેવાની કુદરતી બક્ષિસ મળી હોય તેમ તેને લાગ્યું. અત્યારે પણ એણે રામચંદ્ર સાથેનું એનું છેલ્લું વાક્ય પકડી તો લીધું નહિ હોય? એને લાગ્યું કે આ બાલચંદ્ર વિશે આજથી જ ધ્યાન રાખી લેવા જેવું છે. પોતાને સોરઠ જાવું પડે તો સૌને ચેતવી દેવા, નહિતર એ હશે છે તે હાસ્ય ભયંકર છે.  

આચાર્ય પાસે તે આવ્યો. ત્યાં તેણે મહારાજ કુમારપાલ અને આચાર્ય હેમચંદ્રાચાર્યને સામસામે આસન ઉપર બેસીને કોઈ વિશ્રમ્ભકથામાં પડી ગયેલા હોય એવા દીઠા. રાજાનું અને ગુરુનું આ મિલનદ્રશ્ય ઘડીભર ઉદયન જોઈ રહ્યો. તે પળભર આંખો મીચી ગયો. એનું અંતર અકલ્પ્ય સુખાનુભવ કરી રહ્યું રાજા અને ગુરુ એને પોતાનું સ્વપ્ન સિદ્ધ કરતાં જણાયા. રાજ્યાશ્રિત ધર્મ, એટલે ધર્મવિસ્તાર. એને આવેલો દેખીને આચાર્ય મોટેથી બોલ્યા: ‘આવો-આવો, મંત્રીજી! મહારાજ તમને યાદ કરી રહ્યા છે!’

‘પ્રભુ! રામચંદ્રમુનિને મળવા આવ્યો હતો!’ ઉદયન હાથ જોડીને આગળ આવ્યો. 

‘તમે સાંભળ્યું તો છે નાં?’ કુમારપાલે કહ્યું, ‘મહંતજીના પટ્ટશિષ્યે આવીને માંગણી કરી છે: જે ભોગ દરેક નવરાત્રિમાં માં કંટેશ્વરીને ચૌલુક્ય સિંહાસન આપતું આવ્યું છે તે સિંહાસને મોકલી દેવો. બોલો, શો જવાબ આપવાનો છે?’

ઉદયન જવાબ આપતાં પહેલાં થંભી ગયો. આ સીધા ઘર્ષણની વાત આવતી હતી. એણે એ આવવાની આગાહી જોઈ હતી. હા પાડવી ભયંકર હતી, પણ નાં પાડવી વધુ ભયંકર હતી. એણે ભવાની રાશિની તો તે વખતે ગ્રંથોત્સવ નવરાત્રિમાં હોઈ શકે એમ કહ્યું હતું, પણ હવે તો એણે સીધી માગણી મૂકી હતી. એ માગણીને પ્રબળ ટેકો મળેલો હોવો જોઈએ. 

‘ગુરુદેવને પૂછીએ, પ્રભુ!’ તેણે જવાબ આપ્યો.

‘ગુરુદેવ તો હા પાડે છે!’ કુમારપાલ બોલ્યો. 

‘હેં! હા, પાડે છે?’ ઉદયન આશ્ચર્યમાં સ્તબ્ધ થઇ ગયો. ઘર્ષણ ટાળવા માટે પણ ગુરુ જૈન ધર્મનો ભોગ આપે તો-તો થઇ રહ્યું! તેનું મન જરા અસ્વસ્થ થઇ ગયું, એટલામાં તો હેમચંદ્રાચાર્યે શાંતિથી કહ્યું: ‘મંત્રીજી! કંટેશ્વરી એ ચૌલુક્યોની ગોત્રદેવી છે. મહંતજી માતા માટે ભોગ માગે છે. તમે એ શી રીતે અટકાવશો? આ દેવીનો પ્રસાદ? ગોત્રદેવી વિષેનું માન દરેકના મનમાં જેવુંતેવું નહિ હોય. અને આ તો ચૌલુક્ય સિંહાસનની ગોત્રદેવી છે. મહંતજી પરંપરાથી ત્યાં છે. નકાર-હકાર વચ્ચે શું પડ્યું છે એની તમને ક્યાં ખબર નથી?’

ઉદયનને ગુરુના વેણમાં કાંઈ સમજણ પડી નહિ. એને અરેરાટી થઇ આવી. શું આ ગુરુ સાચેસાચું બોલે છે? તેણે બે હાથ જોડ્યા: ‘પણ, પ્રભુ! મહારાજે તો ક્યારનું મહંતને કહેવરાવી પણ દીધું છે: હિંસા મહારાજને નથી ખપતી!’

‘તમારા કહેવાથી?’ રામચંદ્રે શાંત સ્વસ્થતાથી કહ્યું: ‘મંત્રીજી! દરેક વસ્તુને કાલનિયતિ હોય છે.’

‘મારા કહેવાથી નહિ, પ્રભુ! મહારાજના સમજવાથી!’ 

‘એમ? તો-તો મહારાજને અત્યારે આમ કરવું ઘટે છે. મહારાજ પોતે જ માતાજીનો ભોગ લઈને મંદિરે ધરવા જાય. માતાજીને ભોગ ધરે. કુલદેવીની પરંપરા જાળવે. મહંતજીએ કહેવરાવ્યું છે કે કુલદેવી ભોગ માગે છે...!’

‘અરે, પણ, ગુરુદેવ!...’

‘જુઓ, મહેતા! મહારાજ અહિંસાને વર્યા છે, તો શું લોકાચારને વર્યા નથી? કુળદેવીને મહારાજ જઈને ભોગ ધરાવે જ ધરાવે! મહંતજીએ એમ કહેવરાવ્યું છે કે માતાજીએ પોતે આ વખતે ભોગની માગણી કરી છે! મહારાજ કુલાચાર પ્રમાણે ભોગ ધરાવે. મહંતજી કહે છે તેમ માતા નવમીએ સ્વયં ભોગ ગ્રહણ કરશે. મહારાજ પોતે મંદિરમાં હાજર રહેશે!’

‘પછી?’

‘પછીની વાત પછી. મહારાજ એનો નિર્ણય તે દિવસે આપશે. અત્યારે તત્કાલ તો કુળદેવીની પરંપરા મહારાજ જાળવી લે એ જ ઠીક ગણાય! લોકાચાર મહારાજ જાળવશે ને પછી ધર્મ પણ સમજીને જાળવશે!’

‘બોલો, મહેતા! હવે તમે શું કહો છો? ગુરૂદેવનો તો આ નિર્ણય છે!’ કુમારપાલે કહ્યું. 

‘ગુરુદેવના નિર્ણય ઉપર બોલનારો હું કોણ?’ ઉદયને જવાબ વાળ્યો. 

‘તો મહારાજ એ પ્રમાણે કરે.’ આચાર્ય શાંતિથી બોલ્યા: ‘મહંતજીને પરંપરાભંગ ન રુચે – કોઈને ન રુચે. તેઓ શાંત થાય. કંટેશ્વરી તરફનો લોકકોલાહલ પણ શમી જાય. તત્કાલ પૂરતો વિરોધ પણ શમે. મહારાજ કંટેશ્વરી માતાને ધરાવેલા ભોગની તપાસ કરવા નવરાત્રિના દિવસે પોતે જાય ત્યારે આ તરફથી જાય. બીજી વાત એ પ્રસંગે થઇ રહેશે. 

કુમારપાલને ભોગ ધરવાનો હતો ને એ ભોગ દેવી પોતે લે કે નહિ – એ દ્રશ્ય પણ જોવા જવાનું હતું. ઉદયનને આમાં ક્યાંક રસ્તો દેખાયો, છતાં એનું મન માનતું ન હતું. 

કુમારપાલ થોડી વાર પછી ત્યાંથી ગયો. એનો રાજહસ્તિ હજી બે ડગલાં પણ નહિ ગયો હોય ત્યાં હેમચંદ્રાચાર્યના ચરણ સ્પર્શીને બદ્ધાંજલિ થઇ બોલ્યો: ‘અરે! પ્રભુ! આપણે શું કર્યું? આ તો આપણે ધર્મલાંછન વોર્યું! તમે મહાન છો, પણ ધર્મ વધારે મહાન છે. આ શું થઇ રહેલું છે? ભોગ ધરાવવાની ગુરુઆજ્ઞા? જૈનધર્મ હણીને રાજાને બચાવવો – ઘર્ષણ થતું અટકાવવું – એવી આ ગણતરી છે એમ મારે માનવું? પ્રભુ! ધર્મનું આ લાંછન મારાથી સહ્યું જાતું નથી! આ તો હાથે કરીને ધર્મને હણ્યો મહારાજે! મહંતજીને સ્પષ્ટ ના કહેવરાવી દીધી હતી, પછી એમાં આપણે શું?’ 

‘શાની, મહેતા? શાની ના કહેવરાવી હતી?’ આચાર્યે અજબ જેવી શાંતિથી કહ્યું. 

‘અજામેઘ કરવાની, નવરાત્રિમાં ભોગ આપવાની!’

‘એ “ના”ની “હા” કોણે, તમે કહેવરાવી?’

‘અરે, પ્રભુ! તમે જ ભોગ ધરાવવાની આજ્ઞા તો હમણાં આપી!’

‘જુઓ, મહેતા! મહંતજી કહે છે, માતાજી ભોગ માગે છે. આપણે કોણ કહેવાવાળા કે માતાજી ભોગ માગતાં નથી? એટલે માતાજી ભોગ માગતાં જ હોય તો આપવો ઘટે. રાજાને મેં ભોગ ધરાવવાનું એટલા માટે કહ્યું છે. રાજા ભોગ ધરાવવા જાય છે. કુલપરંપરા પ્રમાણે બકરાં માતાજીના મંદિરમાં સાંજથી જ ધરી દેવાનાં. માતાજી એની રીતે એનો ભોગ લેવાનાં. આપણે માણસની રીતથી દેવની રીત ન્યારી છે. માતાજી ભાવનાનાં ભૂખ્યાં છે. જેમ એ તમારો ધરેલો પ્રસાદ માત્ર ભાવનાથી ગ્રહે છે, તેમ જ ભોગનું સમજવું.’ આચાર્યની વાણી સમન્વયના પડધા પાડતી હતી. તેઓ આગળ બોલ્યા:

‘ચૌલુક્યોની પરંપરા તોડીને ઘર્ષણ જ્ન્માવવું એમ? આપણે તો નવી પરંપરા સ્થાપીને કુલદેવીનું સ્થાન વિશુદ્ધ ને બળવાન બનાવવું. આપણે કામ સત્યનું છે. એ સત્ય આ રસ્તો જ આપે એવો આગ્રહ, મહેતા! આપણાથી ન થાય. રાજા જ સમજી જાશે. દેવીને ભોગ ધરવાનો છે, પણ હિંસા દેવને ખપતી નથી. આપણે સત્યસ્થાપનનું કામ છે. ધર્માચારની ઘેલછાનું નહિ!’ આચાર્યશ્રીના વિશાળ કપાળ પર અદ્ભુત તેજ પ્રસરી રહ્યું હતું. 

‘નહિતર તો દેશ ડૂબે. રાજાને જે સિદ્ધાંત સાચા લાગ્યા છે તે તમામ એ કરવાનો છે. એ અહિંસાની પણ ઘોષણા કરશે. આપણી વચ્ચે આ મહાન સમુદ્ર છે – મંત્રીજી! તમે જોજો, રાજાની વાણી ત્યાં મહંતજી પાસે સાંભળજો!’

ઉદયન હેમચંદ્રાચાર્યની વાણી સાંભળી રહ્યો. એના મનમાં પહેલેથી એક જ વાત હતી. એજ સ્વપ્ન હતું. હરકોઈ વસ્તુ પહેલી જૈન હોવી જોઈએ, પછી એ ગમે તે હોય. વર્ષોથી એણે આ સ્વપ્ન સેવ્યું હતું. એને તો રાજા પાસે મંદિરો ઊભાં કરાવવાં હતાં. મંદિર હોય તો પછી સત્ય આવે. સત્ય હોય તો પછી મંદિર થાય. એ ફિલસૂફીમાં એને કાંઈ ગતાગમ પડી નહિ.

ગમે તેમ પણ અત્યારે ઘર્ષણ અટક્યું હતું એ જ એને માટે બસ હતું. ને જીવહિંસા થવાની ન હતી એટલે એની રાજનીતિ સફળ થતી હતી. એની ધર્મનીતિ પણ ફળતી હતી. એ આમ ફળે કે તેમ – એનું એને કામ ન હતું. વધારે ઊંડા પાણીમાં એ ઊતરવા માંગતો પણ ન હતો. આગામી પ્રસંગની એ રાહ જોઈ રહ્યો.