Savai Mata - 60 books and stories free download online pdf in Gujarati

સવાઈ માતા - ભાગ 60

સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા*
*લેખન તારીખ : ૧૨-૦૪-૨૦૨૪*

રમીલા કારમાંથી ઊતરી અને લગભગ પેટ દબાવતી સ્ટોર તરફ આગળ વધી. કામ કરી રહેલ પિતાને ભાસ થયો અને તેણે પાછળ જોયું. નાનપણમાં ખૂબ ભૂખ લાગી જતાં રમીલા જેમ પોતાનાં નાનકડાં હાથ વડે પેટ દબાવી રાખતી તેવી જ રીતે તેણે આજે પણ પેટ દબાવેલ દેખાયું. પિતાથી ન રહેવાતાં તે માલિકને બે મિનિટનો ઈશારો કરી ત્રીજી દુકાનમાં ગયો અને બે કુલ્ફી એક પ્લેટ સાથે લઈ આવ્યો. પિતાને પોતાની મનપસંદ વસ્તુ લાવેલ જોતાં જ રમીલાનો પેટનો દુઃખાવો ક્યાંક દૂર ગાયબ થઈ ગયો.

પોતાનાં સુંદર કપડાંને અનુરૂપ જગ્યા ન શોધતાં રમીલા બાજુની બંધ દુકાનના પગથિયે બેસી ગઈ અને પિતાનાં હાથમાંથી પ્લેટ લઈ કુલ્ફી ખાઈ રહી. ઝડપભેર બંને કુલ્ફી પૂરી કરી. તેને જોઈ પિતાને ખ્યાલ આવી ગયો કે, આજે દીકરી સાવભૂખી જ ઘરે આવી છે. પિતા ઊભો થઈ બીજી બે કુલ્ફી લઈ આવ્યો. આ વખતે રમીલાએ એક કુલ્ફી પોતે લઈ બીજી પરાણે પિતાને ખવડાવી. બેયની વચ્ચે વાર્તાલાપ તો ચાલી જ રહ્યો હતો. દીકરી પિતા પાસે બેસી હળવી ફૂલ થઈ ગઈ હતી અને પિતાને વર્ષો પછી પેલી નાનકડી દીકરી મળી ગઈ હતી જેને મન પિતા દ્વારા લવાયેલ કુલ્ફી સર્વોપરી સુખ ગણાતું. લગભગ વીસ-પચીસ મિનિટ વીતી ગઈ.

દુકાનમાં રહેલ શેઠથી રહેવાયું નહીં. તે ઠસ્સાદાર કારમાંથી ઊતરેલ યુવતીને આમ બાજુની દુકાનના ઓટલે જોઈ ક્યારનોય ઓઝપાઈ રહ્યો હતો. થોડાં કુતૂહલ અને થોડા સંકોચ સાથે તેણે પિતા-પુત્રીની આનંદવાટિકામાં પ્રવેશ કર્યો અને બોલ્યો, "તમે બંને અંદર દુકાનમાં બેસો. આ દીકરી આમ બહાર બેસે એ સારું ન લાગે."

દુકાનદારનો એક કર્મચારી એવો પિતા બોલ્યો, "શેઠજી, બસ, વધુ પાંચ જ મિનિટ. મારી રમુ તો હમણાં ઘરે જતી રહેશે. આજે ઘણાં સમયે તેને તેની મનપસંદ કુલ્ફી એ જ જૂની ઢબે ખવડાવી શક્યો. આજે મારી દીકરી થાકેલી હતી અને ભૂખ્યી પણ. રોજ તો તે જમે પછી આઈસક્રીમ કે કુલ્ફી ખાય છે. પણ આજે તેણે એ જ વર્ષો જૂની ભૂખ સાથે, થાક અને આનંદની ભેળી થઈ ગયેલ લાગણીમાં કુલ્ફી ખાધી છે."

દુકાનદારને આજે પોતાનાં સંનિષ્ઠ કર્મચારીમાં નિતાંત પિતા દેખાયો. તેમને વધુ ખલેલ ન પહોંચાડવાના આશયથી તે બોલ્યો. તમે દીકરી સાથે ઘરે જઈ શકો છો. આમ પણ આજે ઘણે મોડે સુધી કામ કર્યું છે. મળીએ કાલે સવારે."

પિતા બે હાથ જોડતાં બોલ્યો, "ખૂબ મહેરબાની સાહેબ."અને દીકરીને સંબોધતાં બોલ્યો," રમુ, ચાલ. ઘરે જઈએ?"

રમીલાનો થોડો માનસિક થાક ઊતર્યો હતો અને કુલ્ફીમાં રહેલ શર્કરાએ તેનાં શરીરનાં થાકને પણ થોડો હડસેલ્યો હતો. તે ઊભી થઈ અને કાર તરફ ચાલી. પિતા દોડીને દુકાનમાં ગયો, શેઠની રજા લઈ, પોતાનો જરૂરી સામાન લઈ કાર તરફ આવ્યો. રમીલા કાર શરૂ કરી તેની રાહ જ જોઈ રહી હતી. જેવો તે કારમાં બેઠો, તેણે હળવેકથી કાર ચલાવવા માંડી. અલપઝલપ વાતો કરતાં ઘર આવી ગયું. બેયની વાતો લિફ્ટમાં પણ ખૂટતી ન હતી. પિતાએ લિફ્ટમાંથી નીકળી ઘરના દરવાજે ઘંટડી વગાડી. આજે થાકેલાં સમુ અને મનુ સૂઈ ગયાં હતાં. સવલીએ દરવાજો ઊઘાડ્યો. પતિ મોડેથી આવશે એવી તેને જાણ હતી પણ પિતા-પુત્રીને સાથે જ આવેલાં જોઈ તેને આનંદ થયો.

બેય પોતપોતાનાં ઓરડામાં જઈ, ફ્રેશ થઈ ડાઈનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ ગયાં. સવલી ગરમાગરમ રોટલા ઉતારવા લાગી. થાળીઓમાં અડદની વઘારેલી દાળ, લાપસી અને શકકરિયાંનું શાક હતાં. જોઈને જ રમીલા જાણી ગઈ કે નક્કી આજે રાજી અહીં આવી છે. તે ક્યારેય પણ મેઘનાબહેનના ઘરેથી ગામ જતી કે રાજી તેનાં માતા-પિતા સાથે શહેર આવતી તો આ વાનગીઓ તેને અચૂક ચાખવા, અરે માણવા મળતી. આજે હવે રાજી પાડોશણ ન હતી, તેના મોટાભાઈ મેવાની પત્ની, પોતાની ભાભી હતી.

તે થાળી ઊપરથી ઊભી થવા ગઈ પણ સવલી બોલી, "બેટા, એ થાકીન સૂતી છ. બેય બહુ ઝઘડ્યા હતાં અહીં આવતાં પહેલાં. એ બિચારી તારી ઓથ શોધતી આવી છે. એનાંય છોરાં મોટાં થઈ રયાં છ અને આપણો આ મેવો સુધરતો નથી."

રમીલાની આંખો ભીની થઈ ગઈ. તેણે વાનગીઓમાં રાજીનાં હાથનો સ્વાદ માણ્યો. પિતાનો પણ આનંદ થોડો ડહોળાઈ ગયો. પોતે બેય માણસ મજૂરી કરવામાં ક્યારેય પાછી પાની ન કરતાં ત્યાં આ એક મેવો જ કેમ આળસુ અને ખોટી વૃત્તિવાળો નીવડ્યો એ તેમને હંમેશ મૂંઝવતું. બેય જમીને ઊઠ્યાં.

રમીલા મહાપરાણે બોલી શકી, "બાપુ, હું કોશિશ કરું છું કાલની રજા મૂકવાની. ભાઈને કાંઈક કામે તો લગાડવો જ પડશે ને?" પછી તે બેયનાં જવાબની રાહ જોયા વિના પોતાનાં ઓરડા તરફ આગળ વધી. થોડાં થાક અને થોડી ચિંતાઓને ઓશિકા નીચે દબાવી વિચારોમાં ખોવાયેલી તે ક્યાં સૂઈ ગઈ તેની તેને પોતાને પણ જાણ ન રહી. અર્ધચંદ્ર બારીમાંથી સતત તેનાં મોં ઉપર ઉજ્જવળતા પાથરી રહ્યો.

આ તરફ સવલી પોતાનાં પતિ સાથે મેવા અને રાજીની વાતો કરી રહી. કાલથી થોડું કામ વધવાનું છે એ વિચારતાં બેય માણસ સમયસર સૂઈ ગયાં. તેમને સુપેરે જાણ હતી કે, હવે રમીલા મેવાને સ્થાયી કર્યા વિના હાશકારો નહીં પામે.

ક્રમશઃ