Life path in Gujarati Motivational Stories by Rakesh Thakkar books and stories PDF | જીવન પથ - ભાગ 73

Featured Books
Categories
Share

જીવન પથ - ભાગ 73

જીવન પથ
-રાકેશ ઠક્કર
ભાગ-૭૩
 
        ‘વધારાનો પ્રયાસ તમને ભીડથી અલગ કરી દેશે.’
 
      આ સુવિચાર આજના સ્પર્ધાત્મક યુગમાં સફળતાનું સૌથી મોટું રહસ્ય છે. આપણે બધા કોઈ પણ કામમાં પૂરતી મહેનત કરીએ છીએ, પરીક્ષા પાસ કરી લઈએ છીએ કે ઓફિસનું કામ પૂરું કરી લઈએ છીએ, પણ શું એટલું પૂરતું છે? આજના જીવનનું હળવું જ્ઞાન એ છે કે સામાન્ય લોકો અને અસામાન્ય વિજેતાઓ વચ્ચે માત્ર 'એક ટકા' કે 'એક વધારાના પગલાં' નો જ ફરક હોય છે. બધા જ લોકો ૯૯ ટકા મહેનત કરે છે, પણ જે વ્યક્તિ છેલ્લી ઘડીએ પેલો એક વધારાનો પ્રયાસ કરે છે, તે જ રેસ જીતી જાય છે.
 
      આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે મેં મારું શ્રેષ્ઠ આપ્યું, પણ જો પરિણામ ન મળે તો તેનો અર્થ એ છે કે આપણી મહેનતમાં હજુ થોડી કચાશ બાકી હતી. ગુજરાતીમાં કહેવાય છે કે, "બુંદે બુંદે તળાવ ભરાય." તેમ નાના-નાના વધારાના પ્રયાસો જ વ્યક્તિને સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે. જે લોકો માત્ર સમય જોઈને કામ કરે છે તેઓ ભીડમાં ખોવાઈ જાય છે, પણ જે લોકો સમયની પરવા કર્યા વગર પોતાની જવાબદારીથી થોડું વધારે કરે છે, તેમનો અવાજ દુનિયા સાંભળે છે.
 
       આજના આધુનિક યુગમાં આપણે બધા 'મિનિમમ એફર્ટ' (ઓછામાં ઓછા પ્રયાસ) અને 'મેક્સિમમ આઉટપુટ' (વધુમાં વધુ વળતર) ના ફોર્મ્યુલા પર જીવીએ છીએ. આપણને ઓછી મહેનતે બધું જ ઝડપથી જોઈએ છે. આ શોર્ટકટની માનસિકતા આપણને કાયમ માટે ભીડનો એક હિસ્સો બનાવીને રાખી દે છે. જ્યારે તમે કોઈ પ્રોજેક્ટમાં કે અભ્યાસમાં માત્ર નિર્ધારિત કામ પૂરતું સીમિત ન રહેતા થોડું વધારે સંશોધન કરો છો અથવા થોડી વધુ કાળજી રાખો છો, ત્યારે તમારું કામ ચમકી ઉઠે છે.
 
       "જે વધારે ઘસાય છે, તે જ હીરો બને છે." હીરો પણ કાચો હોય ત્યારે સામાન્ય પથ્થર જેવો જ લાગે છે, પણ તેને સુંદર આકાર આપવા માટે જે વધારાની ઘસાઈ કરવી પડે છે, તે જ તેને કિંમતી બનાવે છે. વધારાનો પ્રયાસ એટલે જ તમારી અંદરના કૌશલ્યને ધારદાર બનાવવાની સાધના. તે તમને તમારી મર્યાદાઓમાંથી બહાર કાઢીને એક નવી ક્ષિતિજ પર લઈ જાય છે.
 
        આ વાતને સમજવા માટે એક બહુ જ સરળ અને પ્રેરક પ્રસંગ જોઈએ. એક મોટી કંપનીમાં બે યુવાનો સેલ્સ મેનેજર તરીકે સાથે જોડાયા—અનિલ અને સુનિલ. બંનેની યોગ્યતા અને પગાર સરખા હતા. એક વર્ષ પછી કંપનીએ સારા પ્રદર્શન બદલ સુનિલને પ્રમોશન આપીને મોટો હોદ્દો આપ્યો, જ્યારે અનિલ ત્યાં જ રહ્યો.
 
       અનિલથી રહેવાયું નહીં અને તે બોસ પાસે ગયો અને પૂછ્યું, "સર, અમે બંને એક જ સરખું કામ કરીએ છીએ, તો પછી સુનિલને જ કેમ પ્રમોશન મળ્યું?" બોસે સ્મિત કરીને અનિલને એક કામ સોંપ્યું, "અનિલ, જરા બજારમાં જઈને જોઈ આવ તો કે આપણા નવા પ્રોડક્ટની માર્કેટમાં શું સ્થિતિ છે?" અનિલ થોડીવાર પછી પાછો આવ્યો અને કહ્યું, "સર, મેં તપાસ કરી, આપણો માલ બજારમાં વેચાઈ રહ્યો છે."
 
       બોસે પછી સુનિલને બોલાવીને એ જ કામ સોંપ્યું. સુનિલ અડધો કલાક પછી પાછો આવ્યો અને તેણે વિગતવાર અહેવાલ આપ્યો. તેણે માત્ર સ્થિતિ જ નહોતી જોઈ, પણ કયા વેપારીને કઈ મુશ્કેલી છે, ગ્રાહકોને કઈ બાબત વધુ ગમે છે અને હરીફ કંપનીઓ શું ભાવ આપે છે તેનું આખું લિસ્ટ રજૂ કર્યું. બોસે અનિલ સામે જોયું અને કહ્યું, "અનિલ, તું એટલું જ કરતો જેટલું મેં કહ્યું હતું, પણ સુનિલે હંમેશાં પોતાના કામથી 'વધારાનો પ્રયાસ' કર્યો છે. આ જ ફર્ક તેને તારાથી અલગ કરે છે."
 
        આ પ્રસંગ આપણને શીખવે છે કે જે લોકો માત્ર નિર્ધારિત કામ કરીને સંતોષ માની લે છે, તેઓ ક્યારેય ચમકતા નથી. જો તમારે જીવનમાં સફળ થવું હોય, તો તમારે હંમેશાં અપેક્ષા કરતા થોડું વધારે આપવાની આદત પાડવી પડશે. આ વધારાનો પ્રયાસ શરૂઆતમાં કદાચ તમને થકવી નાખનાર લાગશે, પણ લાંબા ગંગે તેનું પરિણામ અદભુત હોય છે.
 

      "પરિશ્રમ ક્યારેય એળે જતો નથી" અને જો પરિશ્રમમાં થોડો વધારો કરી દેવામાં આવે તો તે ઇતિહાસ રચી દે છે. આજના જીવનનો સાર એ જ છે કે તમારા રોજિંદા કામમાં 'એક ડગલું વધુ' ચાલવાની ટેવ પાડો. આજે તમે જે પણ કરો છો, તેમાં તમારું સર્વસ્વ આપ્યા પછી પણ થોડી વધુ મહેનત ઉમેરી દો. આ વધારાનો પ્રયાસ જ તમને ભીડમાંથી બહાર કાઢીને સફળતાના શીખરે બેસાડશે.