Sambandh-ne Sagpan-ni Shun Jarur? books and stories free download online pdf in Gujarati

સંબંધને સગપણની શું જરૂર

સંબંધને સગપણની શું જરૂર ?

હજૂ પાંચ મિનિટ વધારે રોકાયો હોત તો ચોક્ક્સ આજે મારી ટ્રેન છૂટી જવાની હતી. આમ પણ સવારના સાડા છ થઈ ગયા હતા. રોજ આ સમયે તો હું પ્લેટફોર્મ પર પહોંચી ગયો હોઉં. 'ઓહ નો, આમેય એક તો આજે મોડું થઈ ગયું છે અને તેમાં હવે પાછી અહીં પણ રાહ જોવી પડશે.' મારી અકળામણ હવે વધતી જઈ રહી હતી. મેં મનોમન બબડાટ કર્યો. છેલ્લી પાંચ મિનિટથી હું તે રસ્તા પર તેમની રાહ જોતો ઊભો હતો. આખરે કંટાળીને મેં છેલ્લીવાર મારી કાંડા ઘડિયાળ પર નજર નાખી 'હવે એ લોકો નહીં આવે.' એમ વિચાર કરતા, સવાલોથી મૂંઝાએલા મન સાથે હું મારી બાઈક સ્ટાર્ટ કરવા જ જતો હતો, પણ એટલામાં જ બંને સામેથી આવતા દેખાયા. એક તો સ્ટેશન પહોંચવામાં મોડું થઈ રહ્યું હતું અને તેમાં રાહ જોવી પડી હતી. આ બંને કારણથી હું થોડો અકળાયેલો હોવા છતાં તેમને નજર સામે જોતાં જ અનાયાસ જ મારા મોઢા પર સ્મિત આવી ગયું. મેં એક અજીબ પ્રકારની હાશ અને સંતોષનો અનુભવ કર્યો. 'હાશ ! બહુ રાહ જોવડાવી પણ આખરે આવ્યા ખરાં.' મારાથી બોલાઈ ગયું. મેં તરત મારી બાઈક સ્ટાર્ટ કરી અને ચર્ચગેટ ફાસ્ટ પકડવા માટે બોરીવલી સ્ટેશન તરફ હંકારી મૂકી. તેમને પણ આજે મોડું થઈ ગયું હતું તેથી થોડી ઉતાવળમાં દેખાતા હતા. એટલે જ તો આજે બરાબર બાજૂમાંથી પસાર થઈ જવા છતાં મારા પર તેમની નજર સુધ્ધા નહોતી પડી. મને તે માટે થોડો અફસોસ થયો પણ વધુ કંઈ વિચારવા માટે આજે સમય જ ક્યાં બચ્યો હતો ? પણ આ અવળચંડુ મન! તેને સમય સાથે શું લાગે વળગે ? ધરાર તેણે સવાલો કરવા જ માંડ્યા. 'કેમ આજે મોડા પડ્યા હશે ?' વારંવાર એકનો એક સવાલ મારા મનમાં ઘુમરાયા કરતો હતો. રોજ એક જ સમય, એક જ સ્થળ અને એક સરખી પરિસ્થિતિ સાથે હું આટલી હદે ટેવાઈ ગયેલો હતો કે આજે થોડું મોડું થતા હું આટલો અજંપ થઈ ગયો ? 'કેમ આજે મોડા પડ્યા હશે ? માંદા તો નહીં હોય ને ? રાત્રે સૂતા મોડું થઈ ગયું હશે કદાચ. મારે એકવાર પૂછી લેવું જોઈતું હતું નહીં?' મનમાં આવા બધા અનેક વિચારો આવ્યા કરતા હતા. 'જે પણ કારણ હોય તે આખરે મળ્યા ખરાં ને ?' મારા મને મારી સામે છેલ્લી દલીલ કરી અને મને ચૂપ કરી દીધો. આ સમયે અનાયાસ એક કવિની પંક્તિઓ મારા માનસપટલ પર ઊભરી આવી; "મનને સમજાવો નઈં કે મન સમજતું હોય છે, આ સમજ, આ અણસમજ તે ખુદ સરજતું હોય છે."

રોજ સવારે હું મારા ઘરથી ઓફિસ જવા માટે બોરીવલી રેલ્વે સ્ટેશન તરફ જવા નીકળું અને રસ્તામાં મને આ આધેડ વયનું યુગલ મળતું. શરૂઆતમાં મારૂં પણ ધ્યાન નહોતું પણ એક દીવસ, બે દીવસ, ત્રણ દીવસ. તમારા રોજના રસ્તા ઉપર તમને કોઈ એક જ વ્યક્તિ, એક જ જગ્યાએ, એક જ સમયે ભટકાતી હોય તો સ્વાભાવિક રીતે જ તમારૂં તેના પ્રત્યે ધ્યાન ગયા વગર ન રહે. તેજ રીતે આ યુગલ પણ રોજ સવારે મને સામે મળતું. મારે તેમને કોઈ નામ નથી આપવા, બસ હું તેમને કાકા અને કાકી તરીકે ઓળખતો. મારે મન આ દંપત્તિ સહજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું. કોઈ વાર કાકાનાં હાથમાં ખારી શીંગનું નાનકડું પકીડું હોય અને બંને થોડામાંથી ઘણું શેર કરીને ખાતા હોય. તો કોઈ વાર શાકભાજીની થેલી કાકીનાં હાથમાંથી લઈ લેવા માટે કાકા આનાકાની કરતાં હોય. ખૂબ સહજ અને સ્વાભાવિક લાગતું આ બધું મારા મનને એક આહ્‍લાદક આનંદથી ભરી દેતું. રોજ સવારે તે લોકો નિયમિત રીતે તે રસ્તા પર આંટો મારવા નીકળે, રસ્તાની શરૂઆતમાં જ ઉભેલા માતાના મંદિર પર શીશ નમાવે પછી ચાર દુકાન છોડીને બહાર કેરૅટ લઈ ઉભેલા દૂધવાળા પાસે એક દૂધની થેલી ખરીદે અને આટલું કરતા કરતા બરાબર મારા જવાના સમયે જ ત્યાં, તે જ રસ્તા પર મને બસ સ્ટેન્ડ પાસે સામા મળે. રોજ રોજ આવું થવાને કારણે મને હવે તેમને જોવાની આદત પડી ગઈ હતી. ઘણીવાર તેઓ પણ મને જોઈ લેતા. ઘરડી આંખો જાણે મારામાં કોઈ સગપણ શોધવા મથી રહી હોય તેવી આશાથી, પ્રેમાળ નજર સાથે તે લોકો મને જોતા. ધીમે ધીમે યોગાનું યોગ એવા સર્જાયા અને મારી માન્યતા પણ એવી પલટાવા માંડી કે હવે હું એવુ માનતો થઈ ગયો હતો કે સવારના પહોરમાં આ કાકા અને કાકી મને સામા મળે, તો મારો દિવસ સરસ જાય છે. ખબર નહીં મારી આ માન્યતામાં કેટલી સચ્ચાઈ હતી. ખરેખર કોઈ સચ્ચાઈ હતી પણ કે નહીં તે પણ હું નક્કી કરી શકતો નહોતો. કદાચ મારે નક્કી કરવું જ નહોતું. કારણ કે તે લોકો મને સામા મળે તે મને ગમવા માંડ્યુ હતું. આટલી મોટી ઉંમર, વાળમાં આવી ગયેલી સફેદી, ચહેરો, હાથ વગેરે આખાય શરીરની ચામડી પર પડી ગયેલી કરચલીઓ અને ઘડપણ તેની સાથે જ લઈને આવે છે તેવી ધીમી ધીમી ચાલ. તેમનું આ બધું જ મને ગમતું હતુ. મને લાગે છે કદાચ તેની પાછળનું મૂળ કારણ એ હતુ કે આટલી મોટી ઉંમરે પણ તેમના એક બીજા પ્રત્યેના પ્રેમ અને ઉષ્મા જે રીતે જળવાઈ રહ્યા હતા છે તે જોઈ મને આનંદ થતો હતો. તેમને એક બીજાનો મળતો સહારો, સાથ અને હૂંફની કલ્પના માત્ર મને રોમાંચિત કરતી હતી. જ્યારે પણ તે લોકો પર નજર નાખીએ ત્યારે આ ઉંમરે પણ બંને પતિ-પત્ની ઓછા અને પ્રેમી યુગલ વધુ દેખાતા હતા. 'કેવું અદ્‍ભૂત યુગલ છે આ !' હું બોલી ઊઠતો. કદાચ અ યુગલ મારા મનમાં આકાર લઈ રહેલું મારા જ ભાવિનું શમણું પણ હોય!

ધીમે ધીમે એક જ રસ્તા પર સામસામેથી પસાર થતા હોવાને કારણે અમારી નજરો મળવા માંડી. થોડા દિવસ આજ રીતે ચાલ્યા બાદ તે કાકાએ એક દિવસ મારી તરફ જોઈ સ્માઈલ આપતા હોય તે રીતે હસતા મોઢું હલાવ્યું. બોખા મોઢાને કારણે ગાલની ચામડી લચી પડેલી અને અમારી આંખો મળી અને મેં પણ સામે અભિવાદન કર્યું. ખબર નહીં એમને શું સૂઝ્યું પણ તે દિવસે જે રીતે એમણે મને અચાનક સ્માઈલ આપ્યું તે જોઈ હું ખૂબ ખુશ થઈ ગયો હતો. મને ગમ્યું. આ કાકા અને કાકીને સવારે મળવાથી મારો દિવસ સારો જાય છે તેવી મારી માન્યતાને તે દિવસે થોડું ઓર બળ મળ્યું. દેખીતી રીતે તે દિવસે મારી સાથે કંઈ જ ખાસ ન બન્યું હોવા છતાં તે આખોય દિવસ મારો ખુબ ઉત્સાહમાં ગયો. હું તે દિવસે ખરેખર આનંદમાં હતો. પછી તો આવું રોજનું થઈ ગયું તેમની સામેથી હું પસાર થાઉં અને બંને મારી તરફ જોઈ હસે, હું પણ તેમને હુંફાળુ સ્મિત આપું અને પસાર થઈ જાઉં. રોજ માત્ર બે જ સેકન્ડનો અમારો આ સંબંધ હશે, પણ છતાં સુંદર સંબંધ હતો. કદાચ સંબંધ પણ કહી શકાય કે નહીં એય ખબર નથી. પણ એક અદ્રશ્ય તાતણોહતો જેણે અમને બાંધી લીધાં હતાં.

રોજ રોજ સાથે જ ચાલતા એ યુગલમાં આજે કાકા આગળ ચાલી રહ્યા હતા અને કાકી તેમનાથી લગભગ દસ ફૂટ દૂર પાછળ આવી રહ્યા હતા. મને લાગ્યુ કે કદાચ કાકી અમસ્તાં જ પાછળ રહી ગયા હશે. આપણામાં આમ પણ પતિ અને પત્નીમાં મહદાંશે એવું જોવા મળતું હોય છે કે પતિ આગળ આગળ ચાલતો હોય અને પત્ની પાછળ. તેથી મેં તે વાત ખાસ ધ્યાન પર નહોતી લીધી. પણ આજે કાકા કે કાકી બેમાંથી એકેય એ મને સ્માઈલ ન આપ્યું. મારી બાઈક પસાર થઈ ગઈ. બીજા દિવસે પણ આવું જ બન્યું. તે દિવસે તો કાકાએ મને જોયો પણ ખરો છતાં તે ન હસ્યા. જો કે કાકીના ચહેરા પર થોડી ખુશી દેખાતી હતી ખરી પણ તે પણ હસ્યા તો નહોતાં જ. આખરે ત્રીજે દિવસે હું રોકાઈ ગયો. કાકાની બરાબર બાજુમાં મારી બાઈક પહોંચતા જ મેં બ્રેક મારી. કાકા મને જોઈ હસ્યા, આ અમારી પહેલી મુલાકાત, 'કેમ છો કાકા ?' મારૂં નામ જણાવ્યુ અને ત્યારબાદ મેં પૂછ્યુ હતું. 'બસ ભાઈ, મજામા છીએ હોં.' તેમણે જવાબ આપ્યો. 'હું રોજ અહીં થી સ્ટેશન જાઉં છું ઓફિસ જવા માટે, તમે અને કાકી રોજ આમ આંટો મારવા નીકળો છો તે હું જોઉં છું.' મેં આમ જ પરિચય વધારવાના આશયથી કહ્યું. 'હા, ભાઈ મને ખ્યાલ છે.' તેમણે ટૂંકો જવાબ આપ્યો. આખરે મેં પૂછી જ લીધું. 'કાકા છેલ્લા ત્રણ દિવસથી હું જોઉં છું, કાકી તમારાથી દૂર દૂર ચાલે છે. પહેલા તો ક્યારેય આવું નહોતું. શું કાકીની તબિયત બરાબર નથી ? તેઓ માંદા છે ?' મારો પ્રશ્ન સાંભળી તરત કાકાએ પાછળ જોયું અને કાકીને પણ ત્યાં જ ઉભા રહી ગયેલા જોઈ બોલ્યા, 'માંદી ! આ બાઈ મને માંદો પાડે તેમાની છે. તે શાની માંદી પડે, આ તો જરા અમારી વચ્ચે ઝઘડો થઈ ગયો છે અને એટલે તારી કાકી રિસાયેલી છે. બે દિવસથી મનાવું છું પણ માનતી નથી, આજ-કાલમાં માની જશે. ડોન્ટ વરી. ચાલ ભાઈ તારે ઓફિસ જવાનું મોડું થતું હશે !' કહેતા કાકા ત્યાંથી ચાલવા લાગ્યા, કાકીએ પણ તેમની પાછળ પાછળ પગ ઉપાડ્યા. હું તેમની તરફ જોઈ હસ્યો અને ત્યાંથી નીકળી ગયો. બે દિવસ પછી ફરી બંને સાથે હતા. સુલેહ થઈ ગઈ હતી. તેમને ફરી મૂળ રૂપમાં જોઈ હું ખુશ થઈ ગયો. પાંચ દિવસ પછી ફરી કાકા અને કાકી બંને એક સાથે મારી સામે મુસ્કુરાયા. 'કેવું સરસ યુગલ' તે દિવસે ફરી મને એ જ વિચાર આવ્યો. 'આ ઉંમરે પણ આ રીતના ઝઘડા, રિસામણા અને મનામણાં ખરેખર આવુ હોઈ શકે ? આ ઉંમરે પણ શું આવો પ્રેમ કોઈ પતિ-પત્ની વચ્ચે હોઈ શકે ?' મેં મને પોતાને જ સવાલો કરવા માંડ્યા. તેમની અંગત જિંદગી, સંતાનો, ઘર વગેરે વિશે અનેક પ્રશ્નો હવે મારા મનમાં અટવાયા કરતાં, પણ થોડો સમયનો અભાવ અને ઘણો બધો સંકોચ મને પૂછતાં રોકી લેતાં. પણ તોય, મારે મનતો સવારનું એ સ્મિત જ મનનાં બગીચામાં ઝાકળભીના ફૂલની જેમ ખીલી ઊઠતું હતું.

થોડા દિવસ બધુ બરાબર ચાલ્યું અને હવે વળી પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ. આજે કાકી આગળ ચાલતા હતા અને કાકા પાછળ રહી ગયા હતા. આ વખતે મેં પહેલે જ દિવસે બાઈક ઊભી રાખી દીધી. તે દિવસે મને કાકી સાથે વાત કરવાનો મોકો મળ્યો હતો. મેં કોઈપણ જાતની ઔપચારિકતા વગર વર્ષોથી ઓળખતા હોય તે રીતે કાકીને સીધુ જ પૂછી લીધું. 'કાકી શું કર્યું કાકાએ ?' કાકી મારી તરફ જોઈ એક પળ માટે અચકાયા પણ પછી તરત જ બેઝીઝક પણે બોલ્યા. 'અરે ગાંડો થઈ ગયો છે આ બુઢ્ઢો, હું થાકી ગઈ હતી તો મેં કાલે ખાલી એક દિવસ ચા બનાવવા માટે ના પાડી, તો જાતે ગેસ ચાલુ કરીને મચી પડ્યો, ક્યાંક દાઝી જાત તો ? એટલે હું વઢી તો મોં ચઢાવીને બેસી ગયા સાહેબ.' હું હસ્યો, મેં કાકા તરફ જોયું અને મારા બંને કાન પકડી હોંઠ ફફડાવ્યા અને ઈશારાથી જ 'સૉરી' કહ્યું. તે નાના બાળકની જેમ મોઢું હલાવી ના પાડવા માંડ્યા. મેં ફરી કાન પકડી ઈશારો કર્યો. 'પ્લીઝ, માની જાવને આમ શું કરો છો ?' તે હસ્યા અને મારી પાસે આવી મને ગાલ પર હળવી ટપલી મારી. અને ફરી જાણે કંઈ જ બન્યુ ન હોય તેમ એકમેકનો હાથ પકડી બંને સાથે ચાલવા માંડ્યા. હું ખુશ હતો. ખૂબ ખુશ. અને મારી જેમ જ કાકા કાકી પણ ખુશ હતા. તે દીવસ ફરી મારો દીવસ અફલાતૂન જવાનો હતો. સંબંધોને મથાળું આપવાની મથામણમાં આપણે આયખું ઘસી નાખતાં હોઈએ છીએ. અને અહીં એક સંબંધ સોળે કળાએ ખિલ્યો હતો અને તે કોઈ "નામ"નો મહોતાજ ધરાર નહોતો જ.

પણ અચાનક આજે સવારે તેમને આવતા મોડું થઈ ગયું અને હું અકળાઈ ઉઠ્યો હતો. બે દિવસ આમ જ ચાલ્યું એટલે હું ઓફિસ જવા માટે એક ટ્રેન મોડો જવા માંડ્યો. પણ ત્રણ દિવસ પછી એક સવારે કાકા-કાકી આવ્યા જ નહીં. એક, બે, ત્રણ કરતા પાંચ દિવસ નીકળી ગયા. હું ઉકળાટ કરતો હતો, ઉંચો-નીચો થતો હતો, તેમનું ઘર ક્યાં છે તે પણ મને નહોતી ખબર કે ઘરે જઈ તપાસ કરી શકું. તે આખાય પાંચ દિવસ મારા પણ ઉચાટમાં જ વિત્યા. આખરે છઠ્ઠા દિવસની સવારે મને દૂરથી કાકા આવતા દેખાયા. હું હોંશે હોંશે તેમની પાસે દોડી ગયો. તે એ જ નિર્મળતાથી મારી સામે જોઈ હસ્યા. મેં કહ્યું, 'કાકા ક્યાં હતા આટલા દિવસ ? મેં કેટલી રાહ જોઈ તમારી ?' પણ તેમણે જવાબ ન આપ્યો બસ માત્ર પ્રેમથી મારી તરફ જોતા રહ્યા. મેં આગળ ચલાવ્યું. 'કાકી ક્યાં છે કાકા ? કેમ દેખાતા નથી ફરી ઝઘડો થયો કે શું ?' તેમનો ચહેરો એકદમ શાંત થઈ ગયો. 'હા ભાઈ અમારી વચ્ચે ફરી ઝઘડો થઈ ગયો, પણ આ વખતે તારી કાકી એવી રિસાઈ ગઈ કે પોતે પાછળ રહેવાની જગ્યાએ મને પાછળ મૂકી ખૂબ આગળ ચાલી ગઈ. ખૂબ આગળ, ખૂબ...' હું ત્યાં જ ઊભેલો રહી ગયો અને કાકા કંઈક ન સમજાય તેવો બબડાટ કરતા કરતા જતા રહ્યા. મારૂં મન સુન્‍ન થઈ ગયું. એ એક-બે મિનિટ ન ટ્રેન યાદ આવી, ન ઓફિસ. મારી અંદર સડેડાટ દોડતું જતું કંઈક અચાનક થંભી ગયું.

સાચુ કહું તો મારી જિંદગીમાં કોઈ ફર્ક નથી પડ્યો, તે યુગલ મને સામે મળી જતું તો મારો દિવસ સારો જતો તેવું પણ નહોતું જ, આ માત્ર મારો એક વહેમ હતો. પણ અંદરથી કંઈક ડહોળાઈ ગયું. કોઈ જ લોહીનું સગપણ ન હોવા છતાં જાણે મને એમ લાગવા માંડ્યુ કે હું અનાથ થઈ ગયો. સારસ-સારસીનું જોડું જાણે મારી નજર સામે વિખૂટું પડી ગયું. પણ મને તેનાથી શો ફર્ક પડવો જોઈએ ? મને ફર્ક ન જ પડવો જોઈ એ, અલબત્ત નહોતો જ પડ્યો. પણ, ખબર નહીં પવનની એક જોરદાર ઝપટ આવી કે શું થયું ? પણ મારી આંખ ભીની થઈ ગઈ, દીલ જોર જોરમાં જાણે મને કહી રહ્યું હતું કે મારે બરાડા પાડી પાડીને રડવું છે. "મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે..." ના. સાલું આ મન કંઈ જ સમજતું નથી હોતું.