Naam-ma Te Shun Chhe? books and stories free download online pdf in Gujarati

નામમાં તે શું છે?

નામમાં તે શું છે? પલ્લવી જીતેંદ્ર મિસ્ત્રી.

-શું શોધે છે તું આટલી રાત્રે?

-હું નામ શોધું છું.

-નામ? કેમ? તારે તારું નામ બદલવું છે? એવું તે શું બની ગયું, કે તારે તારું નામ બદલી નાંખવું પડે? કે પછી તારા સ્વભાવ મુજબ તેં કોઈ સાથે શરત મારી હતી, કે “આમ” ન થાય તો જોજો, હું મારું નામ બદલી નાંખીશ.

-તમે પણ શું, જરા કંઈ થાય ને મારા સ્વભાવ વિશે અટકળ કરવા માંડો છો, ‘હલકું લોહી હવાલદારનું?’ તમે ચિંતા ન કરો, મારે મારું નામ બદલવું પડે એવું હજી સુધી તો કંઈ બન્યું નથી.

-તો પછી આટલી મોડી રાત્રે, આવી માનસિક કસરત કરવાનું શું પ્રયોજન?

-હું આપણી રન્નાના બાબા માટે નામ શોધું છું.

-ફોઈના બદલે વળી માસી ક્યારથી નામ પાડતી થઈ ગઈ?

-ફોઈ હોય તે જ નામ પાડે, એવું હવે ક્યાં રહ્યું છે? અને ધારો કે રહ્યું હોય તો પણ, મેં કોઈ સારું નામ શોધી રાખ્યું હોય તો એની ફોઈને મદદરૂપ થવાય ને?

-એ કરતાં તું મને મદદરૂપ થાય તો કેવું?

-એ કઈ રીતે?

-બેડરૂમની લાઈટ બંધ કરી દઈને, મને હવે ઊંઘ આવે છે.

-પણ પછી અંધારામાં હું નામ શોધું કઈ રીતે?

-અરે, તારે તો ફક્ત નામ જ શોધવાનું છે ને, ક્યાં કોઈ વસ્તુ કે વ્યક્તિને શોધવાની છે? અત્યારે કોઈ નામ વિચારી રાખ, સવારે નોંધી લેજે.

-સવાર સુધીમાં એમાંના કેટલાક નામો હું ભૂલી જાઉં તો?

-ભૂલી જવાય એવા નામ શોધ્યા હોય તો ય શું, અને ન શોધ્યા હોય તો ય શું?

-એ તમે નહીં સમજો, તમારાથી થાય તો મને મદદ કરો.

-ભલે, બોલ. કઈ રાશિ પરથી નામ શોધવાનું છે?

-કન્યા રાશિ.

-કન્યા રાશિ? કન્યા રાશિ પરથી તો કન્યાના સારા નામો મળે.

-પણ આપણે કન્યાનું નહીં, બાબાનું નામ શોધવાનું છે. હવે તમે મજાક છોડીને સીરીયસલી કન્યા રાશિ પરથી. એટલે કે- પ..ઠ..ણ. અક્ષરો પરથી બાબાનું નામ શોધવામાં મદદ કરો.

-લે, એ તો સાવ સહેલું છે, ‘ઠાકોરજી’ નામ લખી લે.

-૨૧મી સદીમાં આ તમે કઈ સદીનું નામ લઈ આવ્યા?

-ભગવાનનું નામ સદીઓની સદીઓ સુધી અમર રહેવાનું.

-મજાક જ કરવાના હોય તો બેટર, કે તમે સૂઈ જાવ.

-ના, ના. સીરીયસલી, હવે ચાલ બોલ, તારા મનમાં જે હોય તે નામો તું જ બોલ.

-યે હુઈ ના બાત. બોલું? તમે સાંભળશો?

-છૂટકો છે કંઈ?

-જાવ ત્યારે, મારે તમને કંઈ કહેવું જ નથી.

અરે, અરે! હું તો મજાક કરતો હતો, અને તું તો રિસાઈ ગઈ. ચાલ બોલ જોઉં.

-બોલું? પાવક.

-પાવક? એ તો ‘શીરા માટે શ્રાવક’ જેવું લાગે.

-તો પૌરવ?

-કૌરવના સગાભાઈ જેવું લાગે.

-તો પછી પાર્શ્વ?

-આમ સારું છે, પણ ‘પાર્શ્વભાઈ’ બોલવાનું ફાવે નહીં.

-ઓકે. તો પાર્થ કેવું છે?

બહુ જ કોમન છે

-પ્રિયવદન સરસ નામ છે ને?

-ના, અમદાવાદથી ગાંધીનગર જેટલું લાંબુ નામ સારું નહીં લાગે.

-તો પછી પ્રસન્ન?

-આટલા બધા ટેન્શન વચ્ચે આજના યુગમાં કોઈ પ્રસન્ન રહી શકે ખરું? કોઈ એપ્રોપ્રીએટ નામ બોલ ને યાર.

-તો પછી તમે જ કોઈ એવું નામ શોધી આપો ત્યારે ખરા.

-સોક્રેટીસ કહી ગયા છે, કે ‘What is there in a name?’

-જનાબ, એ વાત ‘સોક્રેટીસ’ નહીં, પણ ‘શેક્સપીઅર’ કહી ગયેલા.

-જ્યારે નામમાં જ કશું નથી, ત્યારે એ વાત શેક્સ્પીઅર કહી ગયા હોય કે સોક્રેટીસ, શું ફરક પડે છે?

-હે ભગવાન! હું વળી તમારી સાથે આ ચર્ચામાં ક્યાં પડી? ‘To Argue with a Husband, is like to fight with Hippopotamus in mud.’ તમે એ કહો કે તમારે મને મદદ કરવી છે, કે નહીં?

-જે વસ્તુ અજરામર નથી, નાશવંત છે, એવી વસ્તુ કે નામ પાછળ આટલો બધો સમય, શક્તિ, બુધ્ધિ અને સૌથી કીંમતી એવી ઉંઘ બગાડવાનું કોઈ કામ છે?

-કામ વગર એમ જ કંઈ હું મથામણ કરતી હોઇશ? આપણે કોઈ સારું નામ શોધી નહીં રાખીએ અને એની ફોઈ, પરેશ, પ્રકાશ, પલ્લવ, પ્રવીણ કે પંકજ જેવું કોઈ ચીલાચાલુ કે આલતુ ફાલતુ નામ પાડી દે તો?

-તો આપણે એ નહીં સ્વીકારવાનું. આપણે તો આપણે જે નામ પાડીએ એ જ નામે એને બોલાવવો.

-તે ના ચાલે. એકવાર એનું નામ પડ્યું એટલે ખલ્લાસ. જુઓને, હેમાબેનની દીકરીનું ‘કાદમ્બરી’ જેવું સરસ નામ છે. પણ એ નામ પાડવામાં વાર કરી એમાં બધા એને ‘ભોટી’ કહીને બોલાવવા લાગ્યા, તો હવે એ જ નામ પડી ગયું ને? મંગુકાકા-અનસૂયામાસીની દીકરી ‘કેયૂરી, બે છોકરાની મા બની ગઈ, તો પણ ‘ઠકી’ નું જે લેબલ લાગ્યું તે ઉખડ્યું જ નહીં. અને આપણી ‘ધરા’ ને આપણે કેટલી વાર ‘ધરા’ કહીને બોલાવી, કાયમ ’ડોલી’ જ કહીએ છીએ ને?

-તને સાચી વાત કહું? વ્યક્તિનું નામ ભલે ને ગમે તે હોય, એનાથી વ્યક્તિ તો જે છે એ જ રહેવાની ને, કે બદલાઈ જવાની?

-એટલે, મને સમજાયુ નહીં.

-એટલે એમ કે કોઈ વ્યક્તિનું નામ હોય ‘પ્રજ્ઞેય’ (ઘણું જાણનાર), પણ એ પોતાના દેશના પ્રાઈમ મિનિસ્ટરનું નામ પણ નહીં જાણતો હોય. કોઈનું નામ હોય ‘પ્રણવ’ (ઓમકાર), જેણે જિંદગીમાં કદી ‘ઓમકાર’ નહીં કર્યો હોય, પણ અભિમાનથી બધાંની સામે સદાય ‘હુંકાર’ જ કર્યો હોય. નામ હોય ‘પ્રણય’ (પ્રેમ), પણ એ આખી દુનિયાને નફરતની નજરે જ જોતો હોય. નામ હોય ‘પારસ’, ( જે લોખંડને સ્પર્શે તો લોખંડ પણ સોનુ બની જાય), પણ એવો ડફોળ પાકે કે સોનાને અડે તો સોનુ પણ લોખંડ થઈ જાય. નામ હોય ‘પૂજિત’ (પૂજાનાર-પૂજ્ય), ને એ પૂજાય પણ ખરો, પણ ફૂલોથી નહીં, લોકોની ગાળોથી. નામ હોય ‘પ્રબુધ્ધ’ (જાગેલું-જાગૃત), પણ ક્યારેય અજ્ઞાનની ઊંઘમાંથી કદી ન જાગવાની પ્રતિજ્ઞા કરી હોય. મારો કહેવાનો મતલબ એ છે કે, ‘નામમાં તે વળી શું છે?’

-તમે નામની એનાલિસીસમાં આટલો બધો સમય બરબાદ કર્યો, તે કરતાં મને મદદ કરી હોત તો બીજા દસ નવાં નામ મળી જાત ને? અને ભલે તમે કહો, કે ‘નામમાં તે વળી શું છે?’ પણ તમે જ વિચારો કે -‘પતંજલિ’ નામ ઋષિમુનિઓને જ સારું લાગે, એ નામનો એક્ટર કોઈ દિવસ સાંભળ્યો છે? પુનિત, પાવન, પુષ્કર, પરમ કે પુંડરિક નામનો કોઈ દાણચોર પાક્યો છે? પદ્મનાભ, પ્રિયવ્રત, પ્રિયકાંત કે પ્રિયવદન નામનો ભિખારી કોઈ દિ’ ભીખ માંગતો જોયો છે? પર્જન્ય, પ્રધુમ્ન, પૌર્વિક, પિનાક કે પાર્થિવ નામનો પટાવાળો કોઈ ઓફિસમાં કામ કરતો ભટકાયો છે?

-માની લે કે નથી ભટકાયો, તો શું?

-તો એટલું જ કે- નામ પાડીએ તો બહુ વિચારીને કે સમજીને, કોઈ સરસ, સુંદર, મનભાવન, પ્રેક્ટિકલ, એપ્રોપ્રીએટ નામ પાડવું જોઈએ.

-તને આશા છે કે- એવું નામ મળશે?

-ચોક્કસ. જુવો, મારી પાસે આ ‘ગુજરાતી શબ્દકોશ’ છે.

-ઓહ! આટલી રાત્રે તું આ ‘દળદાર’ ગ્રંથમાંથી નામ શોધવા બેસીશ?

-તમે ચિંતા ન કરો. હું બેડરૂમની લાઈટ બંધ કરીને, નીચેના માળે ડ્રોઈંગરૂમમાં જઈને નામ શોધીશ.

-હાશ ! થેંક્યુ ! ગુડ નાઈટ.

-ગુડ નાઈટ કહેતાં પહેલાં એક વાત કહું?

-કહે, પણ ફક્ત એક જ વાત, હોં.

-તમારી ફોઈએ તમારું નામ ‘કુંભકર્ણ’ પાડ્યું હોત, તો એ વધુ એપ્રોપ્રીએટ ન હોત?