Shortcut - Saaro Ke Khoto ? books and stories free download online pdf in Gujarati

શૉર્ટકટ - સારો કે ખોટો ?

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : શૉર્ટકટ - સારો કે ખોટો ?

શબ્દો : 1028
સજેસ્ટેડ શ્રેણી : પ્રેરણા / ધાર્મિક

શૉર્ટકટ - સારો કે ખોટો ?

આજનાં ઝડપથી બદલાતા યુગમાં ક્ષણ - પ્રતિક્ષણ કંઈક ને કંઈક નવું આવતું જ જાય છે, એ દરેક નવાની સાથે કદમ મિલાવવું સૌ કોઈની હદની વાત નથી. કહેવાય છે કે :

"આપણી લીટી લાંબી કરવા ક્યારેય કોઈની લીટી ટૂંકી ન જ કરાય "

પરંતુ શું આપણે ખરેખર એ નિયમને પ્રમાણિક પણે વળગીને રહી શકીએ છીએ ખરા ? તમે પણ તમારાં માંહ્યલાને પૂછી જોજો, જવાબ મહદઅંશે ના માં જ આવશે, કારણ ક્યાંક ને ક્યાંક આપણે આપણી પોતાની જાત સાથે પણ થોડુંક જૂઠ્ઠાણુંતો ચલાવતાં જ હોઈએ છીએ, અને એ જૂઠ્ઠાણાને આપણે સમાધાનનું નામ આપી દઈએ છીએ. ખરેખર જોવા જઈએ તો એ સમાધાન તો હોતું જ નથી એ હોય છે નરો વા કુંજરો વા જેવું બોલાયેલું આપણું પોતાની જ જાત સાથે નજીવા કારણોની છટકબારી શોધવા અર્થે બોલાયેલું જુઠ્ઠાણું.

ઘણીવાર એવું બનતું હોય છે કે જાણતા અજાણતા આપણે ક્યારેક આપણું સારું કરવા કોઈકનું ખોટું કરી બેસતાં હોઈએ છીએ તો વળી ક્યારેક આપણું સ્હેજમાંથી ખરાબ ન દેખાય એ માટે આપણે નાની નાની વાતે મોટો દંભ આચરતા હોઈએ છીએ અને એ દંભને લઈને સર્જાય છે એક મોટી જૂઠૂઠાણાંઓની હારમાળા, રોજબરોજની જિંદગીમાં ફસાયેલાં આપણે સ્હેજ સરખોપણ વિચાર નથી કરતા કે આપણી દોડ કઈ તરફની છે અને આ સઘળું ક્યાં જઈને અટકશે ? આપણાં નાના મોટાં છૂઠ્ઠા વર્તનોથી આપણે નવી પેઢીને ખરેખર શું કંઈક સારુ આપી રહ્યા છીએ કે પછી આપણે તેમને આપણાં જ વર્તન દ્વારા કોઈ ખોટી રાહ તો નથી શીખવાડી રહ્યાં ને ? વિચાર માંગી લે એવો પ્રશ્ન છે મિત્રો.. આવો તપાસીએ,

એવું કહેવાય છે કે પોતાનાં સિધ્ધાંતોનાં કે નૈતિકતાનાં ભોગે ક્યારેય કોઈ જ કાર્ય ન કરવું , ભલે ને પછી તેમાં મોટામાં મોટો ફાયદો જ કેમ રહેલો ન હોય ? કારણ આપણે જ્યારે આપણાં સિધ્ધાંતો સાથે બાંધછોડ કરીએ છીએ ત્યારે આપણે થોડીકવાર પૂરતું આપણું મન બનાવી લેતાં હોઇએ છીએ પણ પછી આપણને આપણાં જ મનને સમજાવવાનું મુશ્કેલ લાગે છે. કારણ આપણને ખરેખર એવી આદત નથી હોતી. અને આવું જ્યારે રોજબરોજની જિંદગીમાં બનવા લાગે છે ત્યારે આપણે થઈએ છીએ ડિપ્રેશનનાં શિકાર, અને અજગર જેમ પોતાનાં ખોરાક ફરતે ભરડો લે તેમ ડિપ્રેશન આપણાં મનોમસ્તિષ્ક ફરતે ભરડો લેવા લાગે છે અને આપણી મૌલિક વૈચારિક શક્તિને ક્યાંય આઘે ફગાવી દે છે. ન તો આપણે ઘરનાં રહીએ છીએ ન ઘાટનાં, અને પરિણામે એ ડિપ્રેશનમાંથી નિકળવાનાં રસ્તા વિચારવાને બદલે આપણે વિચારવા લાગીએ છીએ તેની નાની નાની છટકબારીઓ, એટલી હદ સુધી કે નાની નાની ધાતોમાં ક્રોધ કરવો, ઘડીએ ઘડીએ પોતાની વાતને સાચી સાબિત કરવા જેવાં પણ આવડે તેવાં જૂઠ્ઠાણાં પર જૂઠ્ઠાણાનો મારો ચલાવતાં પણ આપણે સ્હેજ પણ અચકાતાં નથી. ક્યારેય આપણે એ વિચારી જ નથી શકતા કે આ દોડ ક્યાં જઈને અટકશે, ભલા માણસ સત્યની રાહે ચાલાયાં હશો તો રસ્તો દૂર લાગશે, વિકટ પણ લાગશે પરંતુ ખુમારી પૂર્વક લક્ષ્ય સુધી પહોંચી શકશો, અને જે વ્યક્તિ સત્યની રાહે ચાલે છે ને તેને ક્યારેય કશું યાદ નથી રાખવું પડતું, બાકી જૂઠ્ઠાણાં ચલાવતી અને સતત જૂઠ્ઠાણાંમાં જ જીવતી વ્યક્તિને તો મગજમાં પણ એક મેમરીકાર્ડ લઈને ફરવું પડે છે કે ફલાણાં સમયે ફલાણી વ્યક્તિને આમ જવાબ આપેલ, સાચું બોલવાવાળાને આમાંનો કોઈ જ પ્રશ્ન સતાવતો નથી, કારણ હકીકત ક્યારેય યાદ નથી રાખવી પડતી, તે સત્ય હકીકતોનો સંઘરો તો ઈશ્વરે દરેક મનુષ્યને બાય ડિફૉલ્ટ આપેલ જ છે, અને એટલે જ ઘણીવાર એવું પણ થતું હોય છે કે જ્યાં અસત્ય બોલેલ હોય ત્યાં પણ ભૂલમાં જ આપણે ક્યારેક સત્ય બોલી જતાં હોઈએ છીએ અને પકડાઈ જતાં એ તો એવું ત્યારે... આ સાલું મગજ જ એવું થઈ ગયું છે કે કંઈ જ યાદ રહેતું નથી તેમ કહીને આપણે આપણો જ તાયફો અટકાવવા ખુદની બદનક્ષી કરતા ફરીએ છીએ, અને આવી બદનક્ષીઓ આપણને એટલી હદે કોઠે પડી ગઈ છે કે ન પૂછોને વાત, એક સમય હતો જ્યારે ઘરની ગૃહિણીઓ ખોટું બોલીને પણ બચત કરતી અને એ પૈસો છોકરાંઓની જરૂરિયાતની ચીજવસ્તુઓ લાવવામાં કે પછી વર્ષને અંતે ઘરનો ગણતરીનો તાળો મેળવતા પડતી કૂટમાં ઉમેરવામાં ચાલતો, જ્યારે આજે પૈસો એનો એ જ છે પરંતુ છૂઠ્ઠાણાંઓએ પોતાનું સ્થાન બદલ્યું છે, એ જ પૈસો કે જે પોતાની જ અગવડ સાચવવા છૂઠ્ઠુ બોલીને સંઘરેલો કામમાં આવતો તે આજે છૂઠ્ઠું બોલીને બચાવવામાં તો આવે જ છે પરંતુ વપરાયછે પોતાનું સ્ટેટસ હોય તેથી થોડું વધું ચડિયાતું બતાવવા પણ આ બધું ક્યાં સુધી ચાલશે ? અને ખરેખર શું એ કામ લાગશે ખરું ? આવી તો અનેકો ધાતો છે કે જેમાં આપણને લાંબો રસ્તો ક્યારેય વ્હાલો લાગ્યો જ નથી અને શૉર્ટકટ જાણે આપણી જાગીર હોય તેમ આપણે પળેપળ એ જ અપનાવવા લાગ્યા છીએ.


આ કહેવાતા શૉર્ટકટ્સ કંઈ માત્ર રૂપિયા પૈસા કે વ્યવહારો પૂરતાં જ સિમિત છે એવું નથી તે હવે લાગણીમાં પણ વચ્ચે આવવા લાગ્યાં છે. સ્હેજ પોતાનું ફાવતું કરાવવા કે પછી આપણી જ વ્યક્તિથી થોડાંક દૂર ખસી જવા માટે આપણે આવાં શૉર્ટકર્ટ વાપરીએ છીએ જેને ઈમોશનલ બ્લેકમેઈલીંગ પણ કહી શકાય. કોઈક આપણી ગમતી પ્રવૃત્તિમાં જ આપણે રચ્યાં - પચ્યાં હોઈએ અને સામેની વ્યક્તિ સુધી પહોંચવામાં મોડાં પડીએ તો બહાનું ક્યારેય સાચું બતાવીશું જ નહીં ને, પણ આપણી પોતાની જાતને જ આપણે એવે સમયે લાચાર, નિઃસહાય, બિચારી, બાપડી કે વિવશ એમ બતાવીને આપણે પોતે જાતે જ પોતાનાં સ્વથી ઉતરતી કક્ષામાં મૂકતાં આપણે અચકાતાં નથી જ, આને ઈમોશનલ બ્લેક મેઈલીંગ નહીં તો બીજું શું કહેવાય ભલા ? સ્હેજ અમથી કોઈકની અમી દ્રષ્ટિ મેળવવા આપણે પોતે જાતેજ હીનતામાં આવી જઈએ અને પોતે જાણે સાવ વિવશ છીએ એવું બતાવીને પોતાની જ જાતને વામણી બતાવીએ તે ક્યાં નો ન્યાય ? અને આવું કેટલા અંશે યોગ્ય ?


ખરેખર પોતાની જ જાત સાથે આપણને યુધ્ધે ચડાવી દે એવો પ્રશ્ન છે આ, એકવાર આટલો પ્રશ્ન જો આપણે આપણી જાતને પૂછવામાં સમર્થ રીતે પાર પડીશું ને તો જ આપણે આપણાં સ્વ ની સાથે ઉન્નત મસ્તકે જીવી શકીશું એટલો મને અડગ વિશ્વાસ છે. ક્યારેય કોઈનુંય પત્તું કાપ્યા વગર જ આપણે આગળ વધીએ, કોઈનું ખરાબ દેખાડી આપણું સારું દેખાડવાનાં પ્રયત્ન ન કરીએ અને એ જ રીતે, દરેક સંબંધની, દરેક વ્યવહારની મર્યાદા જાળવીને તેને યોગ્ય ન્યાય આપીને સત્યની પડખે રહીને જ્યારે જીવી શકીશું ત્યારે જ ખરા અર્થમાં આપણે જીવનને જીવવા લાયક બનાવી શકીશું અને ખુશહાલી તેમજ ઝિંદાદીલીથી જીવી શકીશું. અને આવા બધાં નિશ્વય કરવા માટે ક્યારેય કોઈ જ મૂહૂર્તની જરૂર હોતી જ નથી, શુભસ્ય શીઘ્રમ કે પછી કલ કરે સો આજ કર કે આજની ઘડી રળિયામણી જે પણ લાઈન ગમે તે સઘળી વાત આપણાં ભલા માટેની જ છે તેમ માની આજે જ નિશ્વય કરીએ, કે કોઈપણ મંઝિલે પહોંચવા માટે કોઈ જ શૉર્ટકટ નહીં, ધીમી તો ધીમી પણ સાચની સંગત વાળી અને નિઃસ્વાર્થની ગત સારી, તો ચાલો હવે રાહ કોની ? શૉર્ટકટને કહો બાયબાય અને રસ્તો તૈયાર જ છે ચાલો ડગ ભરવા જ માંડો, ફત્તેહ છે આગે.

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888