Thodu Sukh books and stories free download online pdf in Gujarati

થોડું સુખ

નવલિકા ‘થોડું સુખ’ લેખક: યશવંત ઠક્કર

રોજની જેમ સવારના પાંચના ડંકા પડ્યા. રોજની જેમ જ એ પથારીમાંથી ઊભી થઈ. એની પથારી એટલે એક જૂનું ગોદડું કે જે ઠેકઠેકાણેથી ફાટેલું હતું. જીવલેણ દર્દને વરેલા દર્દીના ચહેરા પરથી જેમ તેજ ઓછું થતું જાય તેમ એ ગોદડામાંથી રોજ થોડું થોડું રૂ ઓછું થતું જતું હતું. ઊભા થઈને એને હોઠવગુ રહેલું ઠાકોરજીનું નામ શ્વાસ લેવા જેટલી સ્વાભાવિકતાથી લીધું અને અણગમતી ઘટના જેવું ગોદડું સંકેલી લીધું.

ગેસ્ટરૂમમાંથી બહાર નીકળીને ભવસાગર વીંધતી હોય તેમ એણે દવાખાનાની લૉબી વીંધી. વૉર્ડના અધખુલ્લા બારણામાંથી એણે, રાતપાળીમાં આવેલી નર્સનો નિદ્રાદોર તૂટી ન જાય એવી કાળજી સાથે, સંકેલાયેલા ગોદડા જેવી પોતાની જાતને અંદર સરકાવી દીધી.

પ્રભાત થઈ ચૂક્યું હોવા છતાં વૉર્ડમાં આછુંપાતળું અંધારું ને ઝાંખીપાંખી શાંતિ હજુ અકબંધ હતાં. એ દબાતે પગલે જ તેર નંબરની પથારી તરફ વળી. ત્યાં તો વીસ નંબરની પથારીની મધ્યમાંથી પ્રગટેલો ‘જય શ્રીકૃષ્ણ’નો માંદલો અવાજ મચ્છરદાનીમાંથી ગળાઈને એનાં કાન સુધી પહોંચ્યો. પરાણે દેવું ચૂકવતી હોય તેમ એણે જવાબમાં ‘જય શ્રીકૃષ્ણ’ કહ્યું.

તેર નંબરની પથારી પાસે પહોંચીને એને ગોદડાને પલંગની નીચે ધકેલી દીધું. પછી મચ્છરદાનીનો છેડો ઊંચે ચડાવીને પોતાનાં દીકરાને કપાળે હાથ મૂક્યો. એના હાથને દીકરાના દેહની બેભાન અવસ્થાનો અને પાછલા ભવના દુશ્મન જેવાં કાળોતરા તાવનો રોજિંદો સ્પર્શ થયો. એણે કાળોતરા તાવને મૂંગા શાપ દીધા. પછી વાંકા વાળીને દીકરાના કપાળે એક બચી ભરી. નાઇટલૅમ્પના ઝાંખા ઝાંખા અજવાળે દીકરાના ઝાંખા ઝાંખા ચહેરાને એ થોડી ક્ષણો સુધી જોઈ રહી. પછી ‘જેવી ઠાકોરજીની મરજી’ના ઉચ્ચાર સાથે દવા રાખવાના કબાટ તરફ વળી. કબાટમાંથી, આગલી સાંજે મૂકેલું દાતણ લઈને મોઢામાં નાંખ્યું.

જે રીતે અંદર આવી હતી એ જ રીતે એ વૉર્ડની બહાર નીકળી ગઈ.

જ્યારથી કાળોતરો તાવ ચડવાથી દીકરો બેભાન અવસ્થામાં સારી પડ્યો ત્યારથી એના દરેક દિવસની શરૂઆત મોટાભાગે આ રીતે જ થતી. આખા દવાખાનામાં એ સહુથી પહેલી ઊઠી જતી હતી અને નાહી લેતી હતી. વૉર્ડના દર્દીઓનું માનવું હતું કે ઉંમર અને ઉપાધિના કારણે એની ઊંઘ ઓછી થઈ ગઈ છે એટલે જ એ વહેલી ઊઠી જાય છે અને નાહીધોઈ લે છે.

એની ઊંઘ ઓછી થઈ જવાની વાત ખોટી નહોતી. પરંતુ એનું વહેલી સવારે જ નાહીધોઈ લેવાનું કારણ કોઈને ધ્યાનમાં આવ્યું નહોતું. હકીકત એ હતી કે એની પાસે પોતાનો દેહ ઢાંકવા કાજે એક જ જોડી કપડાં હતાં. એ કપડાં પણ ક્યાંક ક્યાંકથી સાંધેલાં હતાં. છતાં, એ કપડાંથી દેહ સચવાઈ જવાનો સંતોષ એ લઈ શકતી હતી. દિવસે જે પહેરવાના કામમાં નહોતો આવતો એવો એક ફાટેલો સાડલો શરીરે વીંટાળીને એ પોતાનાં કપડાં ધોઈ નાંખતી હતી. ધોયેલાં કપડાં સુકાવવા નાંખીને એ ઉતાવળે ઉતાવળે નાહી લેતી હતી ને અર્ધાંપર્ધાં સુકાયેલાં કપડાં ફરીથી પહેરી લેતી હતી. આવા સંજોગોમાં એને, વહેલી સવારનું અંધારું ઓઢ્યા સિવાય છૂટકો જ નહોતો. ઠાકોરજીની મરજી સમજીને એને પોતાની આવી દશા સ્વીકારી લીધી હતી. પોતાના આ દુખની વાત કોઈના મોઢે કરતી નહોતી. સુખનો ડુંગર ઊતરતી મધ્યમ વર્ગની બાઈ આ સિવાય બીજું શું કરી શકે?

એની ઉંમર પચાસની આસપાસ હતી. પરંતુ ઉપરાછાપરી આવેલી આફતોએ એને મુરઝાવી નાંખી હતી. દીકરાની બેભાન અવસ્થા એ તો છેલ્લામાં છેલ્લી આફત હતી.

*****

દુખની શરૂઆત એના ધણીનો ધંધો પડી ભાંગ્યો ત્યારથી થઈ હતી. એ પહેલાં તો એનું ઘર અલખના ઓટલા જેવું હતું. જ્યાંથી કેટલાયનાં ભૂખદુઃખ ઉભી પૂછડીએ ભાગતાં હતાં. સગાંવહાલાંનાં જુવાન છોકરાઓ એને ત્યાં જ પડ્યાપાથર્યા રહેતા હતા. એ છોકરાઓ ખાઈપીને સવારે ન વધે એટલા બપોરે અને બપોરે ન વધે એટલા રાત્રે વધતા જતા હતા. એ વખતની વાતો જ લીલીછમ વાડીઓ જેવી હતી. એનાં ધણીનો ધંધો જ એવો વિશાળ ઘૂના જેવો હતો કે જેમાં જેટલા સમાય એટલા ઓછા! કોઈ હટાણે જાય તો કોઈ ઉઘરાણીએ જાય. કોઈ સોદો કરવા જાય તો કોઈ ફેરી કરવા જાય. કોઈ દુકાન સાચવે તો કોઈ વળી વ્યવહાર પણ સાચવે.

વિશ્વાસે ચાલતા ધંધામાં બાકોરાં પડ્યા વગર રહેતાં નથી. એ ધંધામાં પણ બાકોરાં પડ્યાં. ધંધામાંથી કમાણી ઓછી થતી ગઈ. રણે ચડેલા શૂરવીરની જેમ એના ધણીનો ધંધો ઝઝૂમ્યો...ઝઝૂમ્યો ને છેવટે તૂટી પડ્યો. એ ધંધો ફરીથી ઊભો થયો નહિ. મદારીનો ખેલ પૂરો થાય અને છોકરાં ઘરની વાત પકડે એમ સગાંવહાલાંના છોકરાઓએ પોતપોતાના ઘરની વાત પકડી. તે આજની ઘડી ને કલાનો દી! એમાંથી કોઈ નવા વરસના ‘જય શ્રીકૃષ્ણ’ કહેવા પણ ડોકાયો નહોતો.

ગરીબીની પાછળ પાછળ દમની બીમારી પણ પરિવારમાં પ્રવેશી અને એના ધણીને વળગી. દીકરા કમાતા થાય એ પહેલાં એનાં ધણીએ દુનિયામાંથી વિદાય લીધી.

ધણીનો અકાળે સાથ છૂટ્યો છતાંય એ હિંમત હારી નહિ. એણે મન મનાવ્યું કે: ‘મારે તો રામ-લખ્ખણ જેવા બે દીકરા છે. એક તો મોટો થઈ ગયો છે ને બીજો પણ જોતજોતામાં મોટો થઈ જશે. પછી તો દુઃખ પીછો છોડ્યા વગર રહેવાનું છે?’

પરંતુ જુલમી જમીનદાર જેવું દુઃખ ધરાતું જ નહોતું. લગ્નની ઉમરે પહોંચેલા મોટા દીકરાને ક્ષય રોગે ઘેરી લીધો. એનાં જીવનમાં ફરીથી એક નવો સંઘર્ષ શરૂ થયો.

આઠેક મહિના પહેલાં એ દિકરાની સારવાર કરાવવા સરકારી ક્ષય નિવારણ કેન્દ્રમાં આવી હતી. પછી તો માદીકરો જાણે કે એક નવી જ દુનિયાના રહેવાસી બની ગયાં. દવા, ઇન્જેક્શન, ગ્લુકોઝ, એકસ-રે વગેરે દિનચર્યાનો હિસ્સો બની ગયાં. ડોકટરોએ કહ્યું હતું કે: ‘જો પરેજી પાળશો અને નિયમિત દવા લેશો તો ચોક્કસ સારું થઈ જશે.’

ડોક્ટરોની એ વાત સાચી પડી હતી. એનો દીકરો સાવ સાજો થઈ ગયો હતો. એને દવાખાનામાંથી રજા પણ મળી ગઈ હતી. માદીકરાએ હોંશે હોંશે ગામ જવાની તૈયારી પણ કરી લીધી હતી.

પરંતુ એની જિંદગી જાણે કે, પ્રેક્ષકોની આંખોમાંથી આંસુ વહાવવાના ધ્યેય સાથે બનાવેલી કરુણ ફિલ્મ જેવી હતી. જેમાં એક વિઘ્નની પાછળ જ બીજું વિઘ્ન પોતાની ફરજ બજાવવા ખડે પગે ઊભું રહેતું હતું.

જે દિવસે એ દવાખાનું છોડીને સાજા થયેલાં દીકરાને લઈને પોતાને ગામ જવાની હતી એ દિવસની આગલી સાંજે જ એનાં દીકરાને તાવ ચડ્યો હતો. ગયા ભવના લેણદાર જેવો એ તાવ આજની ક્ષણ સુધી એનાં દીકરાના શરીરમાં ધામો નાંખીને પડ્યો હતો. દીકરો બેભાન અવસ્થામાં સરી પડ્યો હતો બદલાતી દવાઓ કે બદલાતા ડૉકટરો એના નસીબને બદલી શકતાં નહોતાં. એના દીકરાની બીમારી, નિષ્ણાત ડોકટરો માટે અભ્યાસનો વિષય થઈ ગઈ હતી. એ ડોક્ટરોનું કહેવું હતું કે, ‘હજારે એકાદ કેસ આવો બનતો હોય છે.’

હજારેમાં એકાદને થાય છે એવી બીમારી પોતાના દીકરાને થઈ છે એ હકીકત જાણીને એ હેબતાઈ ગઈ હતી. હાથમાં આવેલું સુખ સરી ગયું હતું. હવે એ કોઈની સાથે ઝાઝી વાતો કરતી નહોતી. જૂની જાહોજલાલીની વાતો કહેવાની એની ટેવ, દુકાળમાં ઝાડપાન સુકાઈ જાય તેમ સુકાઈ ગઈ હતી. એનો દીકરો રોજ રોજ થોડો થોડો સુકાતો જતો હતો.

એ દુઃખોના કોઠાઓની વચ્ચે ફસાયેલી હોવા છતાં એ ઝઝૂમતી હતી. એક જ જોડી કપડાંથી પોતાનો દેહ સાચવવાની સાથે સાથે આબરૂ, માન અને મર્યાદા સાચવીને જીવતી હતી.

*****

આજે પણ એણે પોતાનાં શરીર પર ફાટેલો સાડલો વીંટી લીધો અને પહેરવાનાં કપડાં ધોઈને બાથરૂમની બહાર ગેલેરીની પાળીએ સુકાવા માટે નાંખ્યાં.

ઉતાવળે ઉતાવળે નાહીને એ બાથરૂમની બહાર નીકળી અને પોતાનાં કપડાં લેવા ગઈ તો એનાં હ્રદયમાં એક નવો ધ્રાસકો પડ્યો. પાળી પર સુકાવા માટે નાખેલો સાડલો ત્યાં હતો નહિ. એણે બેબાકળા થઈને આસપાસમાં સાડલો શોધ્યો. પરંતુ હાથ આવ્યો નર્યો અફસોસ!

એણે લાગ્યું કે પવનને લીધે સાડલો ઊડીને નીચે ગયો હશે. હવે અફસોસ કરવાનો કે ઠાકોરજીને આજીજી કરવાનો એની પાસે સમય નહોતો. ઠાકોરજીનું નામ તો એની પોતાની જાણ બહાર જ એનાથી લેવાઈ ગયું હતું. એણે ઝડપથી અર્ધાં ભીના ચણીયો-કબજો પહેર્યાં ને ઉપર ભીનો ટુવાલ વીંટી ઓઢી લીધો. એણે દાદરા તરફ ઉતાવળાં પગલાં ભર્યાં.

દાદરામાં જ, મૉર્નિંગ ડ્યુટીમાં આવેલી નર્સ સાથે એ ભટકાતાં ભટકાતાં બચી.

‘માસી, ડોક્ટરની જરૂર પડી કે શું?’ નર્સે પૂછ્યું.

‘ના રે ના.’ જવાબ આપતાં આપતા જ એ દાદરો ઉતરી ગઈ.

કાંકરા અને કાંટાની પરવા કર્યા વગર જ એણે ખુલ્લા પગે દવાખાનાના મેદાનમાં દોટ મૂકી. દવાખાનાને મોટું ચક્કર મારીને, જે પાળી પર સાડલો સુકવવા નાંખ્યો હતો એ પાળીની ઠીક નીચે એ શ્વાસભેર પહોંચી ગઈ.

એ અંધારી અને અવાવરું જગ્યામાં એણે ઘણાં આવલાં માર્યાં પણ સાડલો મળ્યો નહિ.

‘ક્યાં ગયો હશે?’ એ મુંઝાવા લાગી. ‘કોઈને લઈ લેવાની લાલચ થાય એવો તો હતો નહિ. આ પવનનું જ કામ હોવું જોઈએ. ભૂલ તો મારાથી જ થઈ ગઈ છે. ગઈ કાલ સાંજથી જ પવનનું જોર વધ્યું હતું. અઢાર નંબરનો દર્દી તો બોલ્યો’તો પણ ખરો કે: ‘આજથી પવન ફર્યો છે. હવે જરૂર નવાજૂની થવાની.’

પોતાનો જીવ બાળતી એ સાડલાના ભ્રમથી દોરવાતી રહી અને આખા મેદાનમાં ફાંફા મારતી રહી. પરંતુ સાડલો જાણે કે ધરતીમાં સમાઈ ગયો હતો!

છેવટે ‘જેવી ઠાકોરજીની મરજી’ એવું બબડતી એ દવાખાના તરફ પાછી ફરી. હવે એનાદેહને થાક અને મનને વેદના વરતાવાં લાગ્યાં.

‘શું ખોવાઈ ગયું છે?’ ચોકીદારના સવાલના જવાબમાં ‘નસીબ’ એના હોઠ સુધી આવ્યું ને ડૂમો થઈને ગાળાની નીચે ઉતરી ગયું. મોર્નિંગ-ડ્યુટીમાં આવેલી નર્સે પણ પૂછ્યું કે:’માસી, અત્યારમાં ક્યાં જઈ આવ્યાં?’ એણે નર્સનો સવાલ જાણે કે સાંભળ્યો જ નહિ. વોર્ડમાં જાગી ગયેલા દર્દીઓ એના ‘જય શ્રીકૃષ્ણ’ની રાહ જોતા રહ્યા ને એ પડછાયાવત દીકરાની પથારીના ખૂણે જઈને બેસી ગઈ.

થોડી વાર પછી વોર્ડમાં અજવાળું અજવાળું થઈ જશે પછી પોતે શું ઓઢશે? એ ચિંતાએ એના મનનો કબજો લઈ લીધો. ‘જે આજસુધી નથી થયું તે હવે થશે.’ એનું મન કણસવા લાગ્યું. ‘આજે દુનિયા જાણશે કે પોતે કેટલી દયાને પાત્ર છે! અરેરેરે! વારતહેવારે સાડીઓના વહેવાર કરનારી એવી હું આજે એક સાડલા માટે વલખાં મારું છું? સુખના દિવસોમાં ભાગીદાર થનારાં બધાં ક્યાં ગયાં?’

એની નજર સામે, સુખના દિવસોમાં પહેરેલી સાડીઓ ફરફરવા લાગી. નણંદોની થેલીઓમાં પરાણે મૂકી દીધેલી સાડીઓ સાંભરી આવી. ગામની પાર્વતીબાઈને, દાતણ નાખી જવાનાં બદલામાં દીધેલી જૂની સાડીઓ એવી ને એવી જ સાંભરી ગઈ.

એની આંખો ભીંજાવા લાગી.

સ્વમાન જાળવી રાખવાનો એનો ખ્યાલ હવે ધરાશાયી થઈ ગયો. કોઈ એનાં હાથમાં એક, માત્ર એક, જૂનો તો જૂનો પણ પહેરવા લાયક એક સાડલો મૂકે એ વાત એનાં માટે હવે પ્રાણવાયુ જેટલી જરૂરી થઈ પડી.

‘હવે દુનિયાને ખબર પાડ્યાં વગર છૂટકો જ નથી. ભલે દુનિયા મારી દયા ખાય. ભલે મારું સ્વમાન રાખ થઈને વેરાઈ જાય. હવે કોઈની સામે હાથ લાંબો કરવો જ રહ્યો.’ એણે કોઈની મદદ લેવાના વિચારો આવવા લાગ્યા. દુનિયા એણે ખોટી ન સમજે અને એના દુઃખને પારખે એવાં શબ્દોની એણે શોધ આદરી.

મદદ માંગવાના શબ્દો યાદ કરતાંની વારમાં જ એની આંખોમાંથી આંસુઓએ જાણે કે દોટ મૂકી!

હવે તો કોઈની નજરે એ આંસુ ચડે એટલી જ વાર હતી.

પણ...પણ...પણ...

અવળું જોઈને એણે ઝડપથી પોતાનાં આંસુ એવી રીતે લૂછી નાંખ્યાં કે જાણે એ આવ્યાં જ નહોતાં.

પછી એ વોર્ડનાં બારણાં તરફ જોઈ રહી કે જ્યાં હમણાં જ એનો નાનો દીકરો એની નજરે પડ્યો હતો.

સોળ વરસ પૂરાં કરી ચૂકેલો એનો નાનો દીકરો ઝડપથી એનાં તરફ આવી રહ્યો હતો. પરંતુ એથી પણ વધારે ઝડપથી એને વિચારો આવવા લાગ્યા. ‘કેમ આવ્યો હશે? હજુ પંદર દી પહેલાં તો આવ્યો હતો. શું થયું હશે? ગામડે એકલા નહિ ગમતું હોય? દુકાન ફરીથી ચાલુ કરવાનો હતો તો નહિ કરી હોય? દુકાન નહિ ચાલતી હોય? કોઈ સાથે ઝઘડો? કોઈ નવો લેણદાર? કોઈ નવી આફત?... ‘

‘બા, જય શ્રી કૃષ્ણ.’ દીકરાએ પગે લાગીને કહ્યું.

‘જય શ્રી કૃષ્ણ.દીકરા.’

‘કેમ છે ભાઈને?’ એણે મોટાભાઈ તરફ ભીની નજર નાંખી.

‘એમને એમ જ છે.પણ તુ કેમ..?’

‘બા. મે આપણી દુકાન ફરીથી ચાલુ કરી દીધી છે. ધંધો સારો ચાલે છે. પાંચસો રૂપિયા ભેગાં થઈ ગયા છે એટલે આપવા આવ્યો છું. આપણા જૂનાં ઘરાકો દોડીદોડીને આપણી દુકાને આવે છે. જૂની ઉઘરાણી પણ થોડીઘણી પતી ગઈ છે.... બા, ગામલોકોનો સહકાર ખૂબ જ છે. બધાં કહે છે કે તુ કોઈ વાતે મૂંઝાતો નહિ..’

એને મનમાં થયું કે: ‘હવે દીકરો બસ અરે તો સારું. દુઃખોથી ટેવાઈ ગયેલું મારું હૈયું કદાચ આટલું બધું સુખ સામટું સહન નહિ કરી શકે.’

પરંતુ દીકરો તો બોલ્યે જ જતો હતો: ‘બા,હું તારાં માટે બે જોડી કપડાં લાવ્યો છૂ..’

એનાથી દીકરા સામે ધારીધારીને જોવાઈ ગયું. દીકરાના રૂપમાં ઠાકોરજી આવ્યા હોય એવો વહેમ પણ એણે પડ્યો.

‘કપડાં?’ એનાથી પુછાઈ ગયું.

‘હા. રામજીભાઈ કાપડિયાને ત્યાંથી બે સાડલા લીધા છે. ચણીયા ને કબજાનું કાપડ પણ લઈ લીધું. પ્રેમજી દરજી પાસે તાત્કાલીક બે જોડી સીવડાવીને લેતો આવ્યો છું.’

‘આટલો બધો ખર્ચો શું કામ કર્યો દીકરા? પૈસા દઈ દીધા છે કે બાકી રાખ્યા છે?’

‘અર્ધાં દઈ દીધા છે ને અર્ધાં બાકી રાખ્યા છે. દેવાઈ જશે. તારે એ બધી ચિંતા કરવાની નહિ.’

‘હાશ!’ એનાં મનમાંથી પોકાર ઊઠ્યો. એનો દીકરો આજે એણે ચિંતા નહિ કરવાનું કહેતો હતો.

ડૉક્ટરની વિઝિટનો સમય થવા આવ્યો હતો.

‘તુ ભાઈ પાસે બેસ. હું કપડાં બદલાવીને આવું છું.’ તેણે દીકરાના હાથમાંથી કપડાની થેલી લેતાં કહ્યું.

એ ‘જય શ્રીકૃષ્ણ’નો જવાબ ‘જય શ્રીકૃષ્ણ’થી આપતી આપતી ઝડપથી વોર્ડની બહાર નીકળી ગઈ. રણમેદાન વીંધતી હોય એમ એણે દવાખાનાની લૉબી વીંધી.

હવે એના દેહમાંથી થાક અને મનમાંથી લાચારી ભાગી છૂટ્યાં હતા. જીવનસંગ્રામમાં ટકી રહેવા માટેનું નવું જોમ દેહ અને મન બંનેમાં ભળ્યું હતું.

બાથરૂમના એકાંતમાં એની આંખો ફરીથી વરસી પડી. એનાં આંસુઓમાં રોજિંદું દુઃખતો હતું જ.

પરંતુ આજે એમાં થોડું સુખ પણ ભળ્યું હતું.

[સમાપ્ત]