Dil Sambhal Jaa Jara books and stories free download online pdf in Gujarati

દિલ સંભલ જા જરા

દિલ સંભલ જા જરા...

મારી સામે મારો 13 વર્ષનો દીકરો મોબાઇલમાં ગેમ રમતો હતો. એણે શીખેલા વૈદિક મેથ્સ અને એના ગણિતના વિષય ઉપર સુંદર પ્રભુત્વની મહેરબાનીથી એ ગેમમાં આવતી ગણત્રીઓ આરામથી કરી લેતો હતો. એની ગણિતમાં આવી શાર્પનેસ જોઇને મારી અંદર નવી -નવાઈનો ગર્વ પોસાતો હોય એમ લાગ્યું અને નજર સમક્ષ મારા 10 વર્ષની ઉંમરની એક ઘટના જાણે હમણાં જ બની હોય એવી લીલીછ્મ બનીને લહેરાવા લાગી.

નાનપણથી બધા જ વિષયોમાં હું બહુ હોંશિયાર પણ ગણિતનું નામ પડે એટલે મને ચક્કર આવવા લાગે ને ઉલ્ટી જેવું થવા લાગે. એક દિવસની સાંજની વેળાની આ વાત છે. મેરે પાસ આઓ મેરે દોસ્તો એક કિસ્સા સુનાઉં..

મારી સામે એક બચુકડી કાળી લંબચોરસ પાટી (સ્લેટ) પડેલી હતી જેમાં એક બાજુના છેડે તારમાં પૂરોવાયેલા લીસા, ચકચકીત, ચપટા લાલ –લીલા – પીળા મણકાં ભરાવેલા હતાં. મારા જમણાં હાથની તર્જની અને અંગૂઠાની વચ્ચે બે – એક સફેદ અને બીજી ગુલાબી –ભૂરા-પીળા પટ્ટાવાળી પેન પકડેલી હતી અને મારા માસૂમ મોઢા પર દેશની ચૂંટણી વખતે કયા નેતાને ચૂંટવો જેવી દ્વિધા-રેખાઓ પથરાયેલી હતી, કઈ પેન વાપરું ? સફેદ ચોરસઆકારની પેન હતી મોટી પણ મને આજે એનાથી લખવાનું મન નહતું થતું અને જે ગુલાબી –ભૂરી –પીળીધારીવાળી પેન મને આકર્ષી રહેલી એ બહુ જ નાની હતી. 11 થી 20 ના ઘડિયા લખતા લખતા એની આયુની ઘડીઓ કયારે ખૂટી જાય એ કહેવાય એમ નહતું, આખરે રસ્તાની મજા માણવા કરતા હોમવર્ક પૂરું કરવાની મંઝિલને પામવાની ઇચ્છા સાથે સફેદ પેન પર પસંદનો કળશ ઢોળ્યો.

પ્રમાણમાં થોડી કડક અનુભવાતી સફેદ ઝગ જેવી પેન સ્લેટ પર સડસડાટ પાણીના રેલા સમી ચાલવા લાગી અને મને મારી પસંદગી પર ગર્વ થયો. મોટેથી ગણગણતા આ જ શતાબ્દી સ્પીડે મેં સોળ સુધીના ઘડિયા તો ફટાફટ લખી કાઢ્યાં પણ સત્તરની અધવચાળે જઈને મારી લેખનગાડીમાં પંકચર પડયું અને મગજમાંથી યાદશક્તિની બધી હવા ફુ..સ્સ…! સત્તર છ્ક કેટ્લાં થાય…? સ્કુલમાં ગણિતશિક્ષક દ્વારા ઘડિયા જોરજોરથી બોલીને લખવાની ટેવ પાડવામાં આવેલી હતી એથી પેનની સાથે સાથે મારું મોઢું પણ અટકી ગયું અને સામે બેઠેલા મારા અનિલકાકાની નજર તરત ટીવીના ચિત્રહારમાંથી ઉડીને મારા અધખુલ્લા ઉદાસ મુખારવિંદ પર આવીને અટકી ગઈ. અનિલકાકા – પપ્પાના સૌથી નાના ભાઈ- મારા નાના કાકા. એમનું અંગ્રેજી અને ગણિત બેયના જ્ઞાન ઉપર તમે મહારાણા પ્રતાપની ટેક જેવું ગર્વ લઈ શકો એવું. એમના ગમતા મુકેશના ગીતને જોવામાં વિક્ષેપ પડ્યો એટલે કે મને રોજ આંખોના ડોળાં કાઢી કાઢીને શીખવાડેલા આંકના ઘડિયામાં હું કાચી પડી એટલે – રામજાણે પણ એમની આંખોના ખૂણે એક નાનકડો બ્રાઉન તલ ધરાવતી વિશાળ અને સ્વચ્છ ધોળી ધોળી આંખોના ખૂણા લાલ થવા લાગ્યાં અને હું એ લાલાશથી વધુ ડરી ગઈ. તરત જ મેં એમની આંખોમાંથી નજર હટાવીને એ સંમોહનપ્રક્રિયાને તોડીને મારા હાથની સફેદ પેન પર નજર ખોડી દીધી કેમ જાણે એ પેન પર ત્રાટક કરવાથી એ આપમેળે ચાલવા માંડવાની હોય અને મારા આંકના ઘડિયા પૂરા કરી નાંખવાની હોય. પણ આ શું….લાલ આંખથી બી જઈને જ્યાં નજર પૂરોવી એ સફેદ પેન પણ મને રાતીચોળ લાગી. બે ય હાથની તર્જની વડે આંખો ચોળીને બરાબરધ્યાનથી ફરીથી જોયું તો પેન તો સફેદ જ નીકળી મારા ડર મને એની પર લાલ કોટીંગનો આભાસ આપતું હતું . છાતીમાં નાનકડું દિલ ધક..ધક કરવા લાગ્યું, એના ધબકારા કાનમાં પડઘાવા લાગ્યાં. હમણાં કાકાનો હાથ ઉઠશે અને પડશે મારા કોમળ ગોરા ગાલ ઉપર…ભયથીઆંખો મીંચાઈ ગઈ. આમ તો 11 થી 20 સુધીના બધા ઘડિયા મને કડકડાટ મોઢે હતા પણ આજે મૂર્હત સારું નહતું.શુભકાળના ચોઘડિયામાં પણ અશુભ ઘટના ઘટતી હતી. રોજ બહેનપણીઓ સાથે એકીશ્વાસે 300 દોરડા કુદી જવાની હરિફાઈમાં પણ આટલો શ્રમ નહતો પડતો.મારો શ્વાસ ઘુંટાવા લાગ્યો, અકળામણનો પારો એની ચરમસીમા ઉપર પહોંચી ગયો અને આંખમાંથી બોરબોર જેવડાં આંસુડાં સરી પડયાં. ભયના મારી આંખો બંધ થઈ ગઈ. બંધા આંખોમાં પેલી રિજેકટ કરેલી ગુલાબી- વાદળી અને પીળી ધારીવાળી પેનના કલર એમનો બદલો વાળવા સ્પાર્કલીંગ ટ્વિંકલની જેમ આડા-ઉભા –ત્રાંસા ગંગમ સ્ટાઈલનો ડાંસ કરવા લાગ્યાં.ઉફ્ફ..!

ત્યાં તો મારા માથા ઉપર એક મોરપીંછસમો હળ્વો સ્પર્શ થયો અને ચમકીને મેં આંખો ખોલી તો અનિલકાકા મારી સામે હળવું સ્મિત ફરકાવતા હાથમાં પાણીનો ગ્લાસ લઈને ઉભા હતાં.એ વખતે મને એ હળવું સ્મિત પણ રાવણના હરણ જેવું આભાસી લાગ્યું. માથું હલાવીને એ આભાસને ધરાર ઝટકી કાઢ્યો. મોઢામંઆવીગયેલું ધકધકતા દિલની ધડકનો મહાપરાણે કંટ્રોલ કરીને બે પળની રાહતનો શ્વાસ લેવાની એ ઘડીને આવકારી અને પાણીનો ગ્લાસ લઈને મોઢે માંડ્યો તે છેક એના અંતિમ ઘૂંટને ગળા નીચે ઉતારીને જ ઝંપી. થોડી હિંમત ભેગી કરીને કાકાને કહ્યું,

‘કાકા,તમે કહેલું તો મેં બધા આંક કડકડાટ મોઢે કરેલા…તમે કહો એના સમ…’ માંડ માંડ આટલા શબ્દોને ગળામાંથી ધક્કો મારીને બહાર મોકલ્યાં ને હિઁમત કાકાના ડરથી પાછી પડી ભાંગી ને આંખોમાંથી બેય કાંઠે છલકાતી ગાલ પર વહેવા લાગી.

‘મને ખબર છે બેટા, તું બહુ ડાહી અને હોંશિયાર છોકરી છે. આજે ભૂલાઈ ગયું તો કંઈ વાંધો નહીં.ચોપડીમાં ફરીથી જોઇ લે અને ફરીથી મોઢેકરી લે.’

અને રાવણના ખોળિયામાં વસેલા વિભીષણના આત્માને જોઇને હું બે ઘડી ચક્કર ખાઈ ગઈ. આ કાકા બોલતાહતાં કે..ગુસ્સેલ અનિલકાકા! જે હોય એ પણ અત્યારે તો મારા ખાવાની સજામાંથી મુક્તિ મળી ગ્યેલી અને એ તક હું ખોવાનહતી માંગતી. ફટાફટ ચોપડી ખોલીને વાંચ્યું તો તરત યાદ આવી ગયું કે સત્તર છ્ક એકસો ને બે થાય, બે પળ તો મને મારી ઉપર ગુસ્સો આવી ગયો. સાવ આમ આવડતા આંક કેવી રીતે ભૂલી ગઈ ? આંખો બંધ કરીને સત્તર છ્ક એકસો ને બે ની માળાના મણકાં એકસો ને આઠ વાર ગણીને માળા પૂરી કરી અને કાકા સામે જોઇને નિરાંતીયું સ્માઈલ ફરકાવ્યું. થમ્સ અપની નિશાની કરી ને ફરીથી આંક લખવા બેઠીતો પાછી પેન સત્તર છ્ક પર અટકી ગઈ. હવે..?

હાથ થરથર ધ્રૂજવાલાગ્યો, માથું એનું બેલેંસ ખોઇને આમથી તેમ ધૂણવા લાગ્યું. હવે હું ગઈ…વારંવાર રાવણ પાસેથી વિભીષણવેડાની આશા રાખવી એ માયાવીમ્રૂગ જેવી વાત હતી. ત્યાં અનિલકાકાએ મારા માથાપર હળ્વેથી હાથ ફેરવીને કહ્યું,

‘ સ્નેહા, સત્તર છ્ક એકનો ને બે થાય.ચાલ દસ વાર લખી કાઢ.’ નવાઈજનક પરિવર્તનનું વિશ્લેષણ કરવાને બદલે મૂંગામંતર થઈને મેં પાટી પર પેન ચલાવવાનું વધુ પસંદ કર્યું.

દસવાર લખી લીધા પછી હવે મને સત્તરનો આંક બરાબર પાક્કો થઈ ગયો. હોમવર્ક કરીને ઉભી થઈ અને કાકા માટે ચા મૂકવા રસોડા તરફ વળી. આજે કાકા ઉપર બહુ પ્રેમ ઉભરાઈ આવતો હતો. દરેક માનવીની ભીતરે એક ભોળા શંભુ વાસ કરે છે એની ખાત્રી થઈ ગઈ. આદુ –ફુદીનાવાળી ચા બનાવી સાથે ખાખરા અને બિસ્કીટથી ટ્રે ભરીને કાકાની સમક્ષ ધરી. અનિલકાકા મારી સામે જોઇને મંદ મંદ હાસ્ય ફરકાવતા હતા. ટ્રે લઈને મને ધીમેથી પૂછ્યું, ‘ સત્તર છ્ક કેટલાં થાય..?

અને આઘાત – પ્રત્યાઘાતની જેમ મારા મોઢામાંથી આપમેળે ’એકસોને બે’ નીકળી ગયું. અને ઘરમાં બધા ખડખડાટ હસી પડ્યાં.

અનિલકાકાના એ સ્વભાવપરિવર્તન વિશે હું હજુ અજાણ છું પણ આજે પણ અમે મળીએ ત્યારે અનિલકાકા અચૂક મને ‘સત્તર છ્ક..?’ પૂછે છે અને હું એકાએક દસ વર્ષની નાની બાળકી બની જાઉં છું ! મારું દિલ ધડકી ઉઠે છે. ધક..ધકતા દિલને 'સંભલ જા જરા' કહીને એનો ઉત્તર વિચારવામાં પડી જઉં છું.

-સ્નેહા પટેલ.