Balakoma Shist - Aavshyak Ane Chhatan Aakrun books and stories free download online pdf in Gujarati

બાળકોમાં શિસ્ત - આવશ્યક અને છતાં આકરું

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : બાળકોમાં શિસ્ત - આવશ્યક અને છતાં આકરું

શબ્દો : 1595
સજેસ્ટેડ શ્રેણી : પ્રેરણા / ધાર્મિક

બાળકોમાં શિસ્ત - આવશ્યક અને છતાં આકરું

કહેવાય છે કે બાળકો તે આવતીકાલની સમાજનું પ્રતિબિંબ છે સાથે સાથે કોઈપણ સંજોગોમાં બાળક શું વર્તન કરશે તેનો ઘણોખરો આધાર તેનાં ઘરની રહેણી કરણી પર તેમજ તેનાં કુટુંબમાં વડીલો દ્વારા નક્કી કરેલી મર્યાદાની ઉપર રહેલો છે. પરંતુ તેમ છતાં અમુક એવાં નિયમો છે કે જેમાં સામાજિક દ્રષ્ટિ એ લગભગ કમ કહી શકાય તેવાં પણ કેટલાંક શિસ્તનાં નિયમો અનુસાર બાળક વર્તે તેમ અતિઘણું આવશ્યક હોય છે.
માહોલ કોઈપણ હોય કે પછી કુટુંબની રહેણીકરણી જે પણ હોય પરંતુ તેઓ તેમનાં માટે નક્કી કરેલી મર્યાદામાં રહે અને નક્કી કરવામાં આવેલાં તેમનાં રોજિંદા નિયમો અનુસાર શિસ્તબધ્ધ રહે તે શીખવવું આજનાં યુગમાં ખૂબ જ જરૂરી બની ગયું છે. ઘણીવાર એવું પણ બને છે કે માતાપિતા દ્વારા બાળકો પર લાદવામાં આવેલાં અમુક નિયમો તેમને ન પણ ગમતાં હોય અને તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેનો વિરોધ પણ પ્રગટ કરતા હોય, પરંતુ આવી બાબથોમાં તેઓનાં પરોક્ષ વર્તનને નજર અંદાજ કરી અને પ્રત્યક્ષ વર્તન કે ફરિયાદ અથવા તો દલીલને શાંતચિત્તે વિચારી અને જે તે બાબતનાં લાભાલાભ જો બાળક સાથે ચર્ચવામાં આવે અને એમને સમજાવવામાં આવે તો બાળકો માતાપિતા પાસે પોતાની જાતને ખુલ્લી મૂકવાભાં અને પોતાની લાગણીઓ દર્શાવવામાં પણ એકજાતની સલામતીનો અનુભવ કરતાં હોય છે, અને સમય જતાં જે તે શિસ્ત કે જેનો તેમને વિરોધ હતો તેનાં ફાયદાઓ જાણતાં અને પોતાનાં જીવનમાં એનાં કારણે પૉઝિટીવલી ફર્ક અનુભવતા એ જ બાળકોનો પોતાનાં માતાપિતા પ્રત્યેનો આદરભાવ પણ વધી જાય છે. રહી વાત કોઈપણ શિસ્તનાં બદલામાં બાળકોએ કરેલાં પરોક્ષ વર્તનની, તો ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકોને ફરિયાદ અથવા તો પોતાની અસંમતિ દર્શાવવાનો યોગ્ય રસ્તો ઘણીવાર ખ્યાલ જ નથી હોતો, એવા સમયે એક માતાપિતા તરીકે આપણે તેને એનાં વર્તનનો અર્થ સમજાવીએ અને એનું સારું કે માઠું પરિણામ શું હોઈ શકે તે વિશે જરાક પણ આંગળી ચીંધીશું તો બાળકને આપણી આગળ પોતાની લાગણીઓ પ્રગટ કરવામાં સ્હેજ પણ કોઈ દિવાલ નહીં જ નડે એ વાત નક્કી જ છે.


ખરું જોવા જઈએ તો બાળકોમાં નિર્ણયશક્તિનો અને અનુભવોનો અભાવ હોય છે અને છતાં ઘણું બધું એમનાં માટે નવું હોવાથી જીજ્ઞાસા પણ ભારોભાર ભરેલી હોય છે, અતિ નાનાં એવાં જીવનમાં એ લોકોને ઘણું બધું તો શીખી લેવું હોય છે, ઘણું જાણી લેવું હોય છે, પરંતુ એની જિજ્ઞાસાવૃત્તિને સંતોષવાનાં ઘણાં રસ્તા હોય જ છે, પરંતુ તેનાં માટે વધુ પ્રમાણમાં આપી દીધેલી છૂટ ક્યારેક સ્વતંત્રતા ને બદલે બાળકોને સ્વછંદતા તરફ પણ વાળી શકે છે. આપણાં બાળકોની સમક્ષ એટલું સ્પષ્ટ હોવું જરૂરી છે કે તેઓએ આપણું કહ્યું કરવાનું જ છે, આનો અર્થ ક્યારેય એવો નથી થતો કે માતાપિતા તરીકે આપણને મનફાવતી દરેક વાતો તેમની પાસે કહ્યું કરાવવી, પરંતુ શિસ્ત અને સરમુખત્યારશાહી એ બે વચ્ચેની પાતળી ભેદરેખા આપણે માતાપિતાએ પણ સમજવી જરૂરી જ છે. ઘણીવાર એવું બનતું હોય છે કે ભયથી કામ ચાલતું હોય, કે આમ નહીં થાય તો આ સજા થશે, શા માટે ભલા ? જે જીવન હજુ આપણાં બાળકને જોવાનું, છાઢવાનું બાકી છે તેનાં પ્રત્યેનો ડર પેદા કરવો એ પણ યોગ્ય બાબત નથી જ, પણ હા કોઈપણ બાબતમાં શિસ્ત જરૂરી છે તે જાણવું બાળક માટે જેટલું આવશ્યક છે એટલું જ આવશ્યક આપણાં માટે એ જાઢવું છે કે કોઈપણ મુદ્દે કે જ્યાં શિસ્તની વાત આવે ત્યાં બાળકને તેની અગત્યતા અને સારાનરસાં દરેક પાસાનો ખ્યાલ હોય જ, આમ કરવાથી અડધી સફળતા ત્યાં જ મળી જતી હોય છે, અને પછી સમજાવટ વાળી વાતમાં બાળક શિસ્તપાલન અંગે વધુ સજાગ રહે છે અને ઉમળકાથી કહ્યું કરે છે પરિણાભે બાળકની છાપ પણ એક આજ્ઞાંકિત બાળક તરીકેની પડે છે અને એ જ તો અંતિમ ધ્યેય છે એક માતાપિતાનું કે બાળક આજ્ઞાકારી હોય, બીજું જોઈએ પણ શું ?


હવે વાત આવે છે કે કેવી વાતોમાં બાળકો પાસે શિસ્તપાલન જરૂરી છે ? બાળકોને લગભગ કેવી કેવી ઉંમરમાં ક્યા ક્યા પ્રશ્નોએ શિસ્તપાલનની આવશ્યકતા ઊભી થાય છે? આવો તપાસીએ.


બાળક જ્યારે ચાલતા શીખેલું હોય છે એટલે કે લગભગ વર્ષથી દોઢ વર્ષની ઉંમરનું હોય ત્યારે એને રમકડાં અને અન્ય વસ્તુઓ વચ્ચેનો ફરક લગભગ ખ્યાલ નથી આવતો, તેને માત્ર પોતાની વસ્તુ ઓળખતાં આવડે છે, એ વસ્તુ કોઈ લઈ લેશે તો એ રડવા દાગશે કે મારવા લાગશે, અને કોઈપણ નવી વસ્તુ કે જે શું છે એ પણ એ બાળક ન જાણતું હોય તેમ છતાં એનો રંગ કે આકાર ગમી જાય તો એ લેવા માટે એ જીદ્દ કરશે. હવે આવા સંજોગોમાં જેણે પણ કોઈએ બાળકનું રમકડું લઈ લીધું હોય તે વ્યક્તિ જો એ જ પરિવારનું બીજું બાળક હોય તો માતા પિતા કે હાજર વડીલો એ રડવાનું કે જિદ્દને આગળ વધતું અટકાવવા ઘણીવાર એ રમકડું બીજાની પાસેથી ખૂંચવીને પણ એને આપી દેશે, આવા વખતે જરૂરી છે કે આપણે બાળકને બીજું કંઈક આપીને એવું સમજાવીએ કે બેટા એ પણ તો તારું જ ભાંડુ છે ને, ભલેને લીધું લે તું આ બીજુ લઈલે, ફંન્ને જણ સંપીને રમો, ખૂબ નાની વાત છે પરંતુ નાની ઉંમરમાં જો આ શીખી શકશે તો એ બાળકને ક્યારેય કોઈ સાથે સંપની કે ભાઈચારાની વાતને લઈને કકળાટ નહીં જ થાય એ વાત નક્કી છે.


પછી આવે છે ઉંમર પાંચથી દસ વર્ષની વચ્ચેનાં સમયગળાની, આવે વખતે બાળકોને બીજા સાથે કૉમ્પિટિશન કરવામાં જાણે કે આનંદ આવતો હોય છે, પછી એ દોડીને રેસ લગાવવાની વાત હોય કે પછી ભાઈબંધ, બહેનપણી કે પોતાનાં જ મોટા નાના ભાઈબહેનોને જોઈને એમની જેવાં જ અને એવી જ કિંમતનાં કપડાં, રમકડાં લેવાની કે પછી બહાર જમવા જવાની, કોઈકવાર બર્થડે પાર્ટી નું સેલીબ્રેશન કરવાની તો કોઈકવાર ન જોવા જેવી ફિલ્મો જોવાની, એવા વખતે જરૂરી છે કે માતાપિતા પોતાનું બજેટ, અને પોતાની મર્યાદા તેમજ શા માટે એમાંનું કંઈ કરવુ નથી અથવા તો ઓછા પ્રમાણમાં કરવાનું છે તે બાબતની ગંભીરતા સરળ ભાષામાં બાળકોને સમજાવે. સાથે સાથે માતાપિતાનું વર્તન પણ એવું હોવું જોઈએ કે તમે તો આમ કરો છો તો અમે કેમ નહીં એવો પ્રશ્ન પૂછવાની બાળકને નૌબત ન આવે, અહીં પ્રશ્ન આવે છે ઘરનાં માસિક કે વાર્ષિક બજેટનો જે દરેક બાળકને તેની અગત્યતા સાથે સમજાવવું અત્યંત આવશ્યક છે, પાંચ થી દસ વર્ષની ઉંમર એ બાળકોની એવી ઉંમર છે કે જેમાં બાળકોને એ ખ્યાલ આપવો ખરેખર જરૂરી છે કે જે કુટુંબમાં એ રહે છે તેની આર્થિક સ્થિતિ કેવી છે અને એ અનુસાર કેટલો ખર્ચ પોસાશે, અને હા અહીં પણ એક જ વાત કે સમજાવટથી કહેવામાં આવેલી કોઈપણ વાત બાળક નહીં જ ટાળે અને બખૂબી એને નિભાવવાનો પ્રયત્ન કરશે જ કરશે. પણ હા એવે વખતે આપણે પણ સત્યની ટોચ પર રહીને માતાપિતા તરીકે કામ લેવાનું હોય છે નહીંતર બાળકને પોતાનાં જ માતાપિતાનાં વર્તન અને કહેલી વાત બે વચ્ચે અંતર જણાશે તો સાચું ખોટું નક્કી કરવામાં મુશ્કેલી થશે જ થશે એ પણ એટલું જ અગત્યનું છે એક માતાપિતા તરીકે આ વાતને સમજવું.
હવે આવે છે દસ થી પંદર વર્ષની ઉંમરનો તબક્કો, કે જેમાં બાળકોમાં ઘણાં હોર્મોનલ ચેન્જિસ આવે છે, તેઓને પોતાની તરુણાવસ્થા અને યુવાવસ્થા એ બંનેનો સમન્વય કરાવતી ઉંમર એટલે કે ટીનએજ નો સામનો કરવાનો છે, જેમાં તેઓ બાળપણમાંથી યુવાની તરફ ડગ ભરી રહ્યાં છે, બાળક જો છોકરો છે તો એનામાં ક્યારેક ક્યારેક પુરુષત્વની છાંટ વર્તનમાં પણ જોવા મળશે, પુરુષ સહજ ગુસ્સો પણ આવશે અને પુરુષની જેમ પોતાના જ હાથમાં બધી બાગડૌર છે તેવી લાગણી પણ થશે, સાથે સાથે શારિરિક આવેગોનો પણ એને અનુભવ થશે, આવા વખતે તેને ખાસ કરીને એક એવા મિત્રની જરૂર છે જે એનાં શારિરિક આવેગો અને પરિવર્તનોને પુરુષની ભાષામાં અને છતાં બાળકને થતાં લાડથી સમજાવી શકે, આ કામ પિતાથી ઉત્તમ બીજું કોઈ કરી જ ન શકે, એટલે આવા સમયે પિતાએ પિતા હોવાની સાથે સાથે બાળકનાં મિત્ર પણ બનવાનું છે, હળવી મીઠી મજાક ની સાથે સાથે મર્યાદાનો પણ અહેસાસ કરાવે અને કેવાં કેવાં આવેગોમાં પણ શાંતિથી કામ લઈને બાળક કોઈ ખોટા રસ્તે ન ચડી જાય તેનું ધ્યાન પણ રાખવું અને બાળકનું એ પ્રત્યે ધ્યાન દોરવું પણ ખરું જ, જ્યારે કોઈપણ વાત સમજાવટથી કરવામાં આવે છે અને સારા નરસાં પાસા વિશે માહિતી આપીને કરવામાં આવે છે તો બાળક પણ જરૂરથી એમાં સાથ આપશે જ અને પોતે પણ તેનામાં આવતાં ફેરફારોની સાથે અનુકૂલન સાધીને શિસ્તભંગ પણ નહીં કરે અને સુંદર જીવન જીવી શકશે.


વાત આવે છે આ જ ઉંમરની છોકરીઓની, બાળક તો છે જ પરંતુ તે હવે બાળકીમાંથી સ્ત્રી તરફ જઈ રહી છે, એવા સમયે આવતા શારિરિક ફેરફારો અને સાથે સાથે માનસિક પણ ખરાં જ, છોકરીઓ હશે તો તેમને તૈયાર થવાનું મન થશે, મોટાભાગનો સમય કાચમાં જોયા કરવું અને વાતે વાતે શરમાવાનો ગુણ પણ એનામાં વિકસશે જ, આવા વખતે તેને પોતાની માતાની હૂંફ અને સાથની સતત જરૂર છે, જાતીય જ્ઞાન અને સાથે સાથે તેનામાં વરતવી પડતી મર્યાદાઓ દિકરીને વિશ્વાસમાં લઈને એક માતા જ કરી શકે, અને તેમ છતાંય ક્યાંય તેની લાગણીને ઠેસ ન પહોંચે તે પણ ધ્યાન રાખવાનું છે, ઘણાં પરિવારમાં દિકરીઓ રજસ્વલા ધર્મમાં બેસવા લાગે એટલે એની બહાર જવા પર રોકટોક લગાવી દેવામાં આવે છે, છોકરાંઓ સાથે બોલવું પણ નહીં નાં કડક આદેશો આપવામાં આવે છે, આવું કરવાથી તો દિકરીને અવગણના કે ઉપેક્ષા લાગશે અને એ છાનું છાનું કોઈને મળતા શીખશે, જરેરી એ છે કે એને સ્ત્રી અને પુરુષનાં સંબંધોનું જ્ઞાન આપવામાં આવે અને તેની મર્યાદા સમજાવવામાં આવે, તે પોતે આત્મવિશ્વાસથી છોકરાઓની વચ્ચે પણ સક્ષમ ઊભી રહી શકશે અને મર્યાદાથી જીવી શકશે, બસ જરૂર છે માત્ર થોડીક સમજાવટની.


બાળકની ઉંમરનાં જેટલાં પણ તબક્કા છે તે દરેક તબક્કે પડકારો પણ છે અને મજા પણ છે, વારંવાર બસ એટલું જ કહીશ કે સમજાવટ જરૂરી છે, સમજાવટથી જો કામ લેવામાં આવે તો શિસ્તપાલન ઘણું સહેલું બની જાય છે, બસ આપણે માતાપિતા તરીકે સજાગ હોઈએ કે કોઈપણ ક્ષેત્રમાં પછી એ ઘર હોય કે કોઈ ફંક્શન હોય બાળકો શું બોલશે, શું કરશે તો યોગ્ય છે તેની સમજણ આપણે માતાપિતાએ જ તેમને આપવાની છે, ઓલું કહે છે ને કે, 'કૂવામાં હોય તો હવાડામાં આવે' એ કહેવત અનુસાર બાળકો શિસ્તપાલન કરે છે કે નહીં તે બાબતનો ઘણોખરો આધાર આપણે એમને તેનું મહત્વ સમજાવી શક્યા છીએ કે નહીં તેનાં પર જ રહેલો છે. કારણ બાળક જ્યારે જન્મ લઈને આપણાં હાથમાં આવે છે ત્યારથી લઈને એ જ્યાં સુધી પરિપક્વ થઈને સમાજની વચ્ચે ઊભું રહી શકે તેવું થાય ત્યાં સુધીની એની શરૂઆત થી લઈને આખરી સુધીની ઓળખાણ અને એ ઓળખાણથી લઈને વિશ્વાસ એ બધું જ તેનાં માતાપિતા પર હોય છે, માતાપિતા એને જેવું સમજાવશે તેવું જ એ શીખશે, અને એવું જ એ કરશે એ વાત નક્કી છે, તો પછી શા માટે એક માતાપિતા તરીકે આપણે સમજાવટથી જ કામ કેમ ન લઈએ ?


અસ્તુ,

નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888