Savaya Bhartiy books and stories free download online pdf in Gujarati

“સવાયા ભારતીય...!!!”

ભારતનો ઇતિહાસ ખુનથી ખરડાયેલો છે. અનેક વીરોના બલીદાનથી ભારત દેશ અસ્તિત્વમાં આવ્યો છે. ફકત અંગ્રેજો જ નહી, પરંતુ મોગલોએ પણ આપણા દેશને લુટયો છે અને રાજ કર્યુ છે. મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી, ભગત સિંગ, જવાહરલાલ નહેરુ, સરોજીની નાયડુ, ડૉ.બાબા સાહેબ આંબેડકર, મંગલ પાંડે, ડૉ રાજેંદ્ર પ્રસાદ, ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બૉઝ ઘણા નામો જાણીતા છે શિવાજી મહારાજનો ફાળો કંઇ નાનો સુનો નહતો. તે બહુ જ કુશળ યોધ્ધા હતા. વાચક મિત્રો આજે આપણે એક એવી હસ્તિની ચર્ચા કરીશું જેનો ઉલ્લેખ કયાય કરવામા આવ્યો નથી. માધ્યમિક શાળામાં આપણે દેશના ઘણા હોનહાર સપુતોની જાણકારી મેળવી છે. આજે આપણે વાત કરવાની છે એક અનોખા, અદ્વિતીય, નિર્ભીક, અંગ્રેજ પત્રકાર...!!! હા તમે બરાબર વાંચ્યુ અંગ્રેજ પત્રકાર બૅંજામિન હોર્નિમન.

બૅંજામિન હોર્નિમનનો જન્મ અત્યંત સુખી કહી શકાય એવા પરીવારમાં ઇસવીસન ૧૮૭૩મા ડવ કોર્ટમાં પિતા વિલીયમ હોર્નિમન સારાહ હોર્નિમનને ત્યાં થયો . તેમના પિતા ઇંગ્લેન્ડમાં નૌકા દળ સાથે જોડાયેલા હતા, તો સાથે સાથે પત્રકારત્વ અને નાટક કલામા પણ તેઓ એટલા જ વ્યસ્ત રહેતા હતા. બૅંજામિન હોર્નિમનની માતા સારાહે તેમને પ્રાથમિક શિક્ષણ આપ્યુ હતુ, બૅંજામિન હોર્નિમને પહેલા લશ્કરમા ભવિષ્ય બનાવાનું વિચારેલુ અને તેની માટે ઇંગ્લેન્ડના રૉયલ મિલટ્રીમા જોડાયા પણ ખરા પરંતુ પછી પાછળથી વિચાર બદલીને વ્યવસાય કરવાનુ નક્કી કર્યુ, વેપાર ખેડ્યો પણ ખરો આગળ જતા આખરે પિતા વિલીયમ હોર્નિમનની જેમ જ પત્રકારત્વના ક્ષેત્રમા જવાનુ નક્કી કરી તેમા જ પદાર્પણ કર્યુ, અને ૧૮૯૪મા પોટર્સમાઉથના સધર્ન ડેઇલી મેઇલથી શરુઆત પણ કરી દીધી અને ત્યારબાદ તો બૅંજામિન હોર્નિમને ઇંગ્લેન્ડના ઘણા જુદા સમાચારપત્રોમા કામગીરી બજાવી હતી.

૧૯૦૬માં ભારતમા કૉલકાતાના સ્ટેટ્સમન અખબારમા ફકત છ મહિના માટે કામગીરી આપવાનું નકકી કરી જોડાયા હતા, અને ત્યાં સમાચાર સંપાદકની સાથે સાથે સહાયક તંત્રી તરીકે પણ કામગીરી બજાવતા હતા. ૧૯૧૧મા હિંદમા ભરાયેલા દિલ્હી દરબાર નામનો અહેવાલ લખ્યો આ લેખ ખુબ જ પ્રસિધ્ધ પામ્યો અને આ લેખ બદ્દલ તેમને ચંદ્રક પણ એનાયત થયો હતો. ભલે બૅંજામિન હોર્નિમનની કારકીર્દી પત્રકારત્વથી શરુ થઇ નહતી પરંતુ સમય જતા પત્રકારત્વ તેમના નસ નસમા વહેતુ થઇ ગયુ હતુ. તેમનુ જમાપાસુ એ હતુ કે તેમની પાસે મુકતપણે વિચાર કરવાની ઉમદા શકિત હતી રાજકીય પરિસ્થિતિનો કયાસ કાઢવાની અદભુત શકિત હતી. અને અન્યાય સામે આક્રોશ પ્રગટ કરતા જરા પણ અચકાતા નહી. બૅંજામિન હોર્નિમન ફકત છ મહિના માટે ભારત આવ્યા હતા, પરંતુ આટલા ઓછા સમયમા જ ભારતના એટલા મોટા ભકત બની ગયા કે આજીવન આ જ દેશમા રહેવાનો પાકકો નિર્ણય પણ કરી લીધો હતો!!!!

બૅંજામિન હોર્નિમન દેખાવે ગોરા અને પહોળા ખભો ધરાવતા હતા. તેમના પહેરવેશની વાત કરીએ તો તેઓ ભારતમાં ખાદીનું ધોતિયુ ઝભ્ભો અને ગાંધી ટોપી પહેરતા હતા આજીવન બ્રહ્મચર્ય પાળનાર બૅંજામિન હોર્નિમન ફકત ચુસ્ત શાકાહારી જ નહતા પરંતુ ઇંગ્લેન્ડ મા જન્મેલા હોવા છતા દારુને પણ હાથ લગાડતા નહી. ભારતની આઝાદીમા ખુબ જ રસ ધરાવતા હતા, સાથે સાથે તેમને આપણી લોકશાહી પધ્ધતિ પણ ખુબ જ જચતી હતી. અસ્પૃશ્યતાનો તો આક્રોશભેર વિરોધ કરતા હતા સાથે આધુનિક વિજ્ઞાન માટે ભારતીયોને ઉત્સુક કરતા હતા. લેખક તેમજ વક્તા તરીકે પણ નામના મેળવી ચુકયા હતા. બૅંજામિન હોર્નિમને સ્ટેટ્સમન અખબારમા પણ બદલાવ લાવ્યો હતો. લેખમા ભારતીયની ભાવના છલકાય અને સંવેદનાના પડઘા પડે એવુ પરિવર્તન કર્યુ હતુ. વળી ત્યા એવો નિયમ હતો કે ફકત અંગ્રેજની જ નિમણુંક કરવામા આવતી હતી પરંતુ બૅંજામિન હોર્નિમને રિર્પોટર તેમજ મદદનીશ તંત્રીના હોદ્દા પર હિંદીભાષીને નિમવાનું ચાલુ કર્યુ હતુ. આમ કરવાથી થયુ એવુ કે સ્ટેટ્સમનની લોકપ્રિયતા ભારતમા ખુબ જ વધવા લાગી જેથી જુના સહકર્મચારી સાથે અણબનાવ થતો જ રહેતો. બીજી બાજુ બૅંજામિન હોર્નિમનને મુંબઇના બોમ્બે ક્રોનિકલની ઓફર મળી, જે તક હોર્નિમનને તરત જ ઝડપી લીધી. અહી આઝાદીમાં ભાગ લેવા માટે તેમણે રાજકીય પ્રવૃતિમા ભાગ લેવાનુ ચાલુ કર્યુ. તેમની સત્યાગ્રહ ચળવળમા ઍની બેસંટના હાથ નીચે વાઇસ પ્રેસિડંટ તરીકે નિમણુક કરવામા આવી હતી કાળા કાયદા તરીકે ઓળખાતા રૉલૅટ એક્ટનો (૧૯૧૯) પણ જબરો વિરોધ કર્યો હતો. એકબાજુ અંગ્રેજોના ત્રાસથી છુટવા ઘણા ભારતીયો સામે ચાલીને અંગ્રેજોની ગુલામી સહેવા તૈયાર થઇ ગયા હતા ત્યારે આ વિરલ વ્યકિત અંગ્રેજ હોવા છતા તેમની સામે જ બળવો કર્યો હતો. એક અંગ્રેજ ભારતમા વસીને અંગ્રેજો વિરુધ્ધ જ બળવો કરે તો વિચારો કેવો ધરતીકંપ સજર્યો હશે ત્યારે ? ૧૯૧૯મા તેમને દેશનિકાલ ફરમાવવામા આવ્યો હતો. દેશવાસીએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. સાત વરસ સુધી દેશનિકાલ સહવો પડયો હતો, પણ ઇંગ્લેન્ડમા રહીને પણ હિંદની આઝાદીને સહયોગ આપવા પ્રેરક લેખો આપતા જ રહ્યા હતા. એમના દેશનિકાલથી વાતાવરણ બદલાઇ ગયુ હતુ. ગાંધીજીએ કહ્યુ હતુ કે, “મારે અત્યંત દિલગીરી અને સાથે આનંદપુવક જણાવાનુ કે સરકારે હોર્નિમનને મુંબઇથી ખસેડી લીધા છે હોર્નિમને આપણને સફળતાનો મંત્ર આપ્યો છે તેઓ ઉદાર અને બહાદુર અંગ્રેજ છે પોતાને જે અનિષ્ટ લાગ્યુ છે તે પ્રકાશમાં આણ્યુ છે”. આ વખતે બૅંજામિન હોર્નિમન ઘણા જ અસ્વસ્થ થઇ ગયા હતા તો બીજી બાજુ અંગ્રેજોએ તેની નોકરી છીનવવાના પ્રયાસ પણ કર્યા હતા. ભારતીય માટે એટલા હમદર્દ હતા કે દેશનિકાલનો આદેશ અવગણીને પ્રજામા ચેતના ફુંકતા જ રહ્યા હતા. મુંબઇના જાહેર જીવનમા ખુબ જ સહયોગ આપ્યો હતો. ઇંગ્લેન્ડના નાગરિક હોવા છતા ભારત માટે ભારતની આઝાદી માટે ખુબ જ પ્રેરણા આપતા રહ્યા. ઇંગ્લેન્ડના અધિકારી ઉધોગપતિ અને ઇંગ્લેન્ડના રાજવી તેમને દેશદ્રોહી જ સમજતા હતા.

કોલકાતાની બંગભંગ ચળવળ વખતે શેરી શેરીમાં પ્રજા અને ગોરા અંગ્રેજ વચ્ચે અહેવાલ પ્રગટ કરવા બાતમી મેળવતા હતા. બૅંજામિન હોર્નિમન પોતાના સિધ્ધાંત અને નિયમ પ્રમાણે જ કામ કરવાનું પસંદ કરતા હતા. હોમરુલ લીગના તો તેઓ પ્રાણ બની ગયા હતા. મુંબઇમા સુધરાઇના સભ્ય તરીકે ચુંટાયા હતા. બૅંજામિન હોર્નિમન હંમેશા કાયદામાં રહીને જ લેખો લખતા હતા. જેથી અંગ્રેજ સરકારને તેમની વિરુધ્ધ કોઇ કાર્યવાહી કરતા અચકાતા હતા તેમનુ મૃત્યુ ૧૯૪૮ માં મુંબઇ ખાતે થયુ હતુ તેમની સ્મૃતિમા હોર્નિમન સર્કલ ગાર્ડન પણ બનાવવામાં આવ્યુ છે .

બહુ જ દુ:ખની વાત તો એ છે મિત્રો કે ભારતની આઝાદીમા આટલો અમુલ્ય ફાળો આપવા છતા આપણા મોટા ભાગની પ્રજા તેમને ઓળખતા જ નથી, ઘણી જ શરમજનક વાત એ છે કે આ મહાન વ્યકિતનો ઇતિહાસમા પણ ઉલ્લેખ નથી થયો. એ મહાન હસ્તિને કોટી કોટી વંદન જે પરદેશની આઝાદી માટે સ્વદેશને જ દ્રોહ કરે. પોતાની જાન જોખમમા મુકીને ફકત ચળવળમા ભાગ જ નહોતા લેતા પણ ભારતીય પ્રજાને ઉત્સાહીત પણ કરતા હતા. બૅંજામિન હોર્નિમન જો ચાહત તો પોતાની આ સર્જનાત્મક શકિતથી અંગ્રેજોને મદદ કરી શકતા હતા પરંતુ તેમનું હદય કેટલુ કઠણ હશે કે પોતાના દેશ સામે જ લડાઇમા ઉતરે તો બીજી દ્રષ્ટીએ જોઇએ તો તેમનુ હદય કેટલુ નરમ હશે કે ભારતની પ્રજાનુ દુ:ખ જોઇ તેમને મદદ કરવા તૈયાર થઇ ગયા હશે. તેમના આ યોગદાન બદ્દલ તેમની અહી ઓળખાણ આપવા હું બહુ જ ગર્વ અનુભવુ છુ.!!!!!! આવા સવાયા ભારતીયને ભારત હંમેશા પ્રેમથી આવાકારતુ રહેશે આવા મહાન વિભુતીની ફકત ભારતમા જ નહી પરંતુ ભારતીયોના દીલમાં પણ સ્થાન મળતુ રહેશે......