Tyare Ek Shixak Pan Rade Chhe... books and stories free download online pdf in Gujarati

Tyare Ek Shixak Pan Rade Chhe...

“ત્યારે એક શિક્ષક પણ રડે છે.”

પટેલ જીજ્ઞા

લેખક પરિચય:-

પટેલ જીજ્ઞા વ્યવસાયે સરકારી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.નાનપણથી જ વાંચનમાં શોખ ધરાવતા ૨૫ વર્ષીય લેખિકા વાંચનના તેના અનુભવોને કલમથી કંડારવાના કામ સાથે સલગ્ન છે.શાળામાં આવતા ઘણા શામયીકોમાં પોતાના લેખોને પ્રકાશિત કરી ચુક્યા છે.આ ઉપરાંત માતૃભારતી માં પણ તેની બુક ઉપલબ્ધ છે.પોતાની સ્વતંત્ર વિચારધારાથી વાંચકોનું દિલ જીતનાર લેખિકા વઘુ સફળતાના શિખરો સર કરે તે માટે વાંચકોનો સાથ સહકાર જરૂરી બની રહે છે. માટે તમારા અભિપ્રાયો આપવા અપીલ છે.જેથી ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય અને સાથે-સાથે લખાણને વધુ ધારદાર બનાવી શકાય.

અર્પણ;-

સૌથી પેહલા મારા પ્રેરણાબળ એવા મારા વંદનીય દેવી સરસ્વતીમાં ને અર્પણ.મારા સ્વર્ગસ્થ દાદા, દાદી,મારા માતા-પિતા,ભાઈ-બહેનો,મારા મિત્રો,મારા સ્ટાફ મિત્રો, માતૃભારતી એપ,માતૃભારતી પર મળેલા મિત્રો,અને મારા વાંચકોને અર્પણ કરતા અત્યંત આનંદની લાગણી અનુભવું છું.

પ્રકરણો:-

  • તેજસ્વીની અને તેનું પરિવાર
  • તેજસ્વીનીની શાળામાં નવાબેનનું આગમન
  • અભ્યાસમાં અનેરો ઉત્સાહ
  • તેજસ્વીનીનું બદલાતું વર્તન
  • વર્તનનો ખુલાશો
  • વર્તન-પરિવર્તન
  • ત્યારે એક શિક્ષક પણ રડે છે.......

    કુદકે ને ભૂસકે બદલાઈ રહેલા સમાજને જોઈ એક વાત ચોક્કસ સમજમાં આવી જાય કે દરેક ક્ષેત્ર આ બદલાવની અસર હેઠળ છે.જેમાં શિક્ષણ પણ સમાવિષ્ઠ જ છે.આમ જોવા જઈયે તો બદલાવથી શિક્ષણમાં જે નોંધનીય સુધારો થયો છે તે ખરેખર પ્રશંસનીય જ છે.વધતો જતો સક્ષારતાદર,ટેકનોલોજી,અવનવા આવીસ્કારો,દૂરવર્તી શિક્ષણ...આવા તો અઢળક ઉદાહરણો મળી રહે જે સાંભળીને મનને ખુશી મળે.પણ જયારે વાત નીકળે મુલ્ય શિક્ષણની ત્યારે મોઢા પર તોતેર મણના તાળા લાગી જાય છે.ક્યારેક વિદ્યાર્થી સાથે કરાયેલા ગેરવર્તનની વાત પ્રકાશમાં આવે ત્યારે એક નીશાસો નીકળી જાય. સમાજમાં સૌથી અપેક્ષનીય લોકોના આવા પડદા પાછળના ચિત્રો કેટલા હલકા છે.ક્યારેક માત્ર પુસ્તકના જ પુજારી બનીને રેહતા શિક્ષકો તેના કુમળા વિદ્યાર્થીના મનોભાવ કળી નથી શકતા.કદાચ ફૂલ ટકાવારીથી ભરેલી તેની પાસે માર્કશીટો પણ હશે.પણ એ ફેઈલ થઇ જાય છે, જયારે એક કુમળા છોડને કચડી નખાય છે ત્યારે. અહી આવા જ એક શિક્ષકની કહાની છે.

  • તેજસ્વીની અને તેનું પરિવાર
  • પ્રકૃતિની ગોદમાં રમતું એક નાનું ગામ એટલે સુખપુર. સહ્યાદ્રીની પર્વતમાળાઓ જેની ચારે તરફથી રખેવાળી કરે છે એવું આ ગામ સાગ,સાલના વ્રુક્ષોથી ઉભરાતું હતું.નાના નાના ખેતરો ચોખાના લીલાછમ રોપથી લેહરાતા હતા.ગામડિયું ગામ જેમાં જવ્લેજ કોઈ પાકું મકાન હશે.વાંસના લાકડા અને છાણથી લીંપણ કરેલા મકાનો છુટા છવાયા તારલીયાઓ જેવા હતા.જે વેરવિખેર હોઈ છે છતાં આંખોને જોવા ગમે. ગામમાં એક નદી.નદીની કાઠે ઘાસથી જાણે મઢેલી હોઈ તેવી ભેખડો.જેમાં તેજસ્વીનીનું એક ઝુપડું શાંત વાતાવરણને નીકુંજીત કર્યા કરતુ.સફેદ ફૂલોવાળું આછા ગુલાબી રંગનું,પાછળ બે પટ્ટા વાળું ફ્રોક પેહરી ને તેજસ્વીની ઢબો ઢાંચ ,પુરા પાંચ બોલતી પાંચીકે રમતી હતી.રમતા-રમતા અચાનક ઠેકડો મારીને ઉભી થઇ.અરે આજે તો નવા બેન આવવાના છે. “કેવા હશે? મારકણા હશે કે? વાર્તા કરશે, વધુ લેસન આપે તેવા હશે કે?ચલ તેજુડી ઝડપથી ચલ નવા બેનને હું બધાય ની પેહલા જોઈ લઈશ.પછી બધાને બેનની વાતું કહીશ.”

  • તેજવીનીની શાળામાં નવાબેનનું આગમન
  • કેટલો પ્રેમ હોઈ છે બાળકોને તેના શિક્ષકો પ્રત્યે! દરેક વાતનું નાનું-નાનું અવલોકન કરે અને તરત જ તેનું અનુકરણ પણ થાય.શિક્ષકે કહેલી વાતને જાણે બ્રહ્મ વચનો સમજીને માની લે છે.ક્યારેક તો પોતાના શિક્ષકે કહેલી વાતનો જો વિરોધ થાય કે કોઈ ખોટી કહે ત્યારે ઉગ્ર દલીલબાજી પણ કરતા હોઈ છે. શિક્ષક્ને જો આવા દેવ સ્થાને મુકીને પૂજતા હોઈ તેને દાનવપાનું કેમ દેખાડાય?

    માતા-પિતા મજુરી કરે છે એટલે તેજસ્વીની ઘરનું કામ કરતી જાય અને નાના ભાઈને સંભાળતી જાય.ઘર શાળાથી થોડું દુર એટલે ભાઈને જોવા રિસેશમાં જરા પણ સમય બગડ્યા વગર દોડતી જાય અને દોડતી આવે.ભાઈને જમાડી પોતે જમીને ફરી નિશાળે સમયસર પોહ્ચી જાય. આજે તો પગમાં જાણે સ્પ્રિંગ ફીટ કરી દીધી હોઈ તેમ ઉછળા મારે છે.નવા બેનને જોવાની ઉત્સુખતા તેને અધીરી કરી રહી છે.કપડાની થેલીનું દફતર લઈને નીકળી પડે છે, વ્રુક્ષોનિ હારબંધ ગોઠવણીની વચ્ચેથી. પોતાના રોજના પરિચિત આ વ્રુક્ષોને જાણે હસતા હસતા કેહતી હોઈ તેવું લાગે છે, “કે આજે તો અમારા નવા બેન આવે છે.અમને ભણાવશે.અમને ખુબ મજા પડશે.”રસ્તો કોણ જાણે કેમ આજ તો વધુ લંબાતો જતો હતો.બીજા કોઈ પોહચે તેની પેહલા પોહ્ચીને બેનને જોઈ લવ.સારી પેહરી હશે કે ડ્રેસ ? એવું તો વળી મનમાં બોલતી પણ જાય.અને થોડી જ વાર માં આવી પોહચી નિશાળના દરવાજા પાસે.

    નિશાળના દરવાજા પાસે રોજ ટોપલો લઈને ફળ વેંચતી જીવતીમાં બોલી પડ્યા “અરે તેજી,કેમ આજે આટલી વેહલી? પોયરીની જાત છો આમ એકલું વેહલા આવીને રખડવાનું શું કામ?”

    “અરે જીવતીમાં આજ અમારે નવાબેન આવવાના છે, તો એનું સ્વાગત કરવું પડે ને!”

    જીવતીમાં હસ્વા લાગ્યા ‘બોવ મોટી સ્વાગત વાળી થાય છે ને’

    તેજસ્વીની દફતર ખંભા પર લટકાવીને રસ્તા પર મિટ માંડી બેસી રહી. થોડી વારે બધા નિશાળીયાઓ આવવા લાગ્યા અને શિક્ષકો પણ.પણ ક્યાંય નવા બેન ના દેખાયા.અંતે નિરાશ થઈને પ્રાર્થનામાં બેસીને બધાને પૂછી જોયું.પણ કોઈને કઈ ખબર ન’તી કે બેન ક્યારે આવશે?બધા બાળકોને જીજ્ઞાશા હતી.અંદરો અંદર ઘુશ-પુશ કર્યા કરે. “ચાલો બાળકો આંખો બંધ કરીને હાથ જોડી પ્રાથના શરુ કરો” આચાર્યના હુકમ સાથે પ્રાર્થના શરુ થઇ.કાલી ઘેલી ભાષામાં બોલાતી પ્રાર્થનામાં વચ્ચે કૈક વિક્ષેપ થયો.બધા ધીમે ધીમે આંખો ખોલી ને જોઈ રહ્યા.ધીમી ધીમી વાતો શરુ થઇ.બેન આવ્યા,નવા બેન આવી ગયા.તેજસ્વીની પણ અધખુલી આંખો કરી જોઈ રહી.દરરોજ કરતા આજે પ્રાર્થના બહુ ઝડપથી પૂરી થઇ ગઈ. અને બધી નિર્દોષ ભોળી આંખો નવા આવનાર શિક્ષિકાબેન પર ચોંટી ગઈ. આજે સહેજપણ હિલચાલ નહિ કે ના કોઈ શોર બકોર.સસલાની જેમ કાન સરવા કરીને બેન બોલે તેની રાહ જોઈ રહ્યા.

    “ નમસ્તે બાળકો,મારું નામ હેતલ પરમાર,આજથી હું ચોથા ધોરણના બાળકોને ભણાવીશ. કોણ ભણે છે ચોથા ધોરણમાં ઉચી આંગળી કરો જોઈએ?”

    ચોથા ધોરણમાં ભણનાર બધા બાળકોએ આંગળી ઉંચી કરી.જાણે કઈ મોટી સિદ્ધી હાંસિલ કરી હોઈ તેમ મોઢા પર એક અનોખું તેજ દેખાઈ રહ્યું. કોઈ કોઈ તો એક હાથે ઉંચી આંગળી કરી છે અને બીજા હાથે બાજુમાં બેઠેલા દોસ્તોને ઠેંગો બતાવે છે.બેન તો અમને ભણાવશે.તેજસ્વીની પણ ખુશ થતી હતી.બેનનું નખશીખ અવલોકન થઇ રહ્યું હતું.પ્રાર્થના પૂરી થઇ.બધા બાળકો પોત-પોતાના વર્ગમાં ગયા.તેજસ્વીની થોડી નીરાસ થઇ ગઈ.પોતે વેહલી આવીને જે કામ કરવા માંગતી હતી એ ન’તી કરી શકી એટલા માટે. પણ નવા બેન પોતાના વર્ગમાં ભણાવશે એ વાતથી ઘણી ખુશ પણ હતી.

    ૩) અભ્યાસમાં અનેરો ઉત્સાહ

    બેન વર્ગમાં આવે એટલે તેમનું સ્વાગત કરીશું.પાટિયા પર ડીઝાઇનથી “સ્વાગતમ” પણ લખાઈ ગયું.બધા બાળકોને જોઈ એ પરિસ્થિતિ નો ખ્યાલ આવે કે કદાચ સબરીના ઘરે રામ આવ્યા ત્યારે સબરીના ભાવ કેવા હશે? કેટલા નિર્દોષ,કેટલા ભોળા અને કેટલા શુખી હોઈ છે બાળકો.આવો નિર્દોષ પ્રેમ બીજે ક્યાં જોવા મળે?કોઈ પણ જાતની અપેક્ષા વગર પ્રેમ અને માન બાળક શિવાય બીજું કોણ આપી શકે?કેટલો ઉમંગ છે આજે આ ચોથા ધોરણના બાળકોમાં.એક નાની અમથી વાતમાં પણ મન મુકીને ખુશ થાઇ છે.જીવનનો જો કોઈ સુવર્ણ કાળ હોઈ તો એ આપણું બાળપણ છે.નાનપણની વાતો આજે આપણે યાદ કરવા બેસીએ તો ચેહરા પર એક સ્મિતની લહેરખી આવી જાય.હું તો કહું છું કે જયારે પણ કોઈ વાત થી ઉદાસ થઇ જયીયે,ત્યારે કોઈ બાળકનું અવલોકન કરી લેવું.કેટલી નિખાલસ હરકતો હોઈ છે.કાલી-ઘેલી ભાષામાં હજુ માંડ કંઇક બોલતા શીખ્યા હોઈ અને વાતો તો મોટા માણસો જેવી કરે ત્યારે દિલ બધા જ દુખ ભૂલીને તેની સાથે જુમી ઉઠે છે.

    બાળકોના મોટા અવાજ સાથે શિક્ષિકાબેન રૂમમાં દાખલ થાય છે. “વેલ કમ ટીચર”.

    “થેંક યુ”.ટીચરે જવાબ વાળ્યો.

    આજે તો વાતાવરણ જ કંઇક અલગ હતું.તેજસ્વીની પેહલી જ બેંચ પર બેઠી હતી.અને બસ બેનને ટગર-ટગર જોયા કરતી.ભણાવવાનું શરુ કર્યું.ઉત્સાહ સાથે બાળકો મન દઈને આજે તો ધીરજ ધરીને બેઠા હતા. દિવસ પસાર થઇ ગયો.આજે તો દિવસ પણ ટૂંકો લાગતો હતો.બધા ઘંટ વાગતાની સાથે જ નીકળી પડ્યા,લીલીછમ કેડીઓ પર નાના નાના પગલા માંડતા. રસ્તામાં પણ બેનની જ વાતો.મને નામ લઈને બોલાવ્યો તો કોઈ કહે મારી નોટમાં સાઈન કરી,વળી એકને અવાજ ના કરવા કહેલું તેને તો બધા બહુ ખીજવે.આમ આખો દિવસ નવાબેને શું કર્યું,શું કહ્યું તેવી જ ચર્ચા ચાલી.

    તેજસ્વીનીએ પણ ઘરે આવીને મમ્મી પપ્પાને નવા બેન વિષે બધું જણાવી દીધું.ખુશ ખુશાલ તેજુને જોઈ તેના મમ્મી-પપ્પા પણ ખુશ થયા. શાળા પ્રતિ ઉત્સાહ હવે રોજ વધતો જતો હતો.લેસન કરવામાં પણ બહુ કાળજી રાખે.થોડા સમયમાં તો તેજસ્વીનીનો ગ્રાફ બહુ આગળ વધી ગયો. જે રફતારથી એ આગળ વધતી હતી એ જોઇને તો એમ જ લાગે કે, વર્ગમાં અવ્વલ આવશે.

    પણ નશીબને કંઇક બીજું જ મંજુર હતું.જયારે સમય પોતાનો દાવ ખેલે છે ત્યારે માનવામાં પણ ના આવે તેવી ઘટના ઘટિત થતી હોઈ છે.જેમાં સમય,આપણે ખુદ,સમાજ,પરિસ્થિતિ બધું થોડે ઘણે અંશે જવાબદાર હોઈ છે. ક્યારેક એવા હાલત ઉભા થાય છે કે તેમાં કોને દોષ આપવો એ નક્કી કરવું બહુ કપરું થઇ જતું હોઈ છે.

  • તેજસ્વીનીનું બદલાતું વર્તન
  • તેજસ્વીની જે નવા આવનાર બેનના પ્રભાવ નીચે બહુ આગળ વધે છે.તેના શિક્ષણ કાર્યમાં નોંધ પાત્ર વધારો થાય છે.જે પોતાના શિક્ષકનો પડ્યો બોલ જીલે છે.પણ છેલ્લા કેટલાક દિવસોથી તેજસ્વીની શાળાએ સમયસર નહોતી આવતી.આજ સુધી નવાબેન ક્યારેય તેજુને ખીજાયા નહોતા.પણ લગાતાર કેટલાય દિવસથી મોડી આવતી તેજુને બેન વર્ગમાં બધાની વચ્ચે કડક શબ્દોમાં વોર્નિંગ આપી ત્યારે તેજુ ચુપ-ચાપ બધું સાંભળી લેતી.

    હવે તેજસ્વીનીનો શાળામાં મોડા આવવાનો નિયમિત ક્રમ બની ગયો હતો.જેની દરકાર કાર્ય વગર નવાબેન પોતાના કાર્યમાં લાગ્યા રેહતા.પણ વાત આટલેથી અટકી નથી જતી.મોડા આવવાની વાત સામાન્ય બની ગઈ કેમ કે હવે તેજસ્વીની પોતાનું ગૃહ કાર્ય પણ નહોતી કરી લાવતી.રોજ એકાદ થપ્પડ મારીને બે-પાંચ વખત વધુ લખવા આપી દઈને બેન સંતોષ માની લેતા.અને તેજસ્વીની રોજ થપ્પડ ખાઈને.નવાબેનના આવવાથી જે ઉત્સાહ,જે ઉમંગ તેજુએ અનુભવ્યા હતા એ તો હવે ક્યારનાએ ઓસરી ગયા હતા.જેને દેવ સ્થાને મુક્યા હતા.તે હવે રોજ રોજ તેજુની નઝરમાં નીચા થતા જતા હતા.

    શું શાળામાં હોશીયારને જ માન-પાન મળે?નબળા બાળકોનું કોઈ નહિ? એવું તેજાસ્વીની જયારે વિચારતી ત્યારે નાની બે સુંદર આંખો બોર-બોર જેવડા આંસુથી છલકાઈ જતી.તને કેમ કઈ નથી આવડતું એવું જયારે ‘ટીચર’ તેજુને કેહતા ત્યારે મનના કોઈ ખૂણે બોલવાનું મન થઇ આવતું કે “નથી આવડતું એટલે જ તો શીખવા આવીએ છે બેન.નહિ તો અમને આમ માર ખાવામાં થોડો આનંદ આવે?” પણ સાથે ભણતા બધા મશ્કરી કરશે તો? પોતે વર્ગમાં હંસી પાત્ર બનશે એવું પણ વિચારી તેજસ્વીની પોતાનું મો નીચું કરી બેસી રેહતી.અને બેનની લાલઘુમ આંખો અને તેમના આકરા વચનો યાદ કરીને મનની વાત મનમાં જ મરી જતી.રોજ-રોજ મનમાં મુંજાતી તેજુ બરફની જેમ પીગળવા લાગી હતી. શરીર શુકાઈ રહ્યું હતું.વાળ પણ તેની થઇ રહેલી દુર્દશામાં મદદરૂપ થતા હતા.ક્યાં એ બેનના આવવાથી હરખઘેલી થયેલી તેજુ જે બે ચોટીઓ વાળીને રીબીનના ફૂમતામાં કોમળ-કોમળ હાથ ફેરવતી, વર્ગમાં પેહલી હરોળમાં બેસીને ચપટી વગાડતા જ બધું શીખી જતી. યુનિફોર્મમાં સજ્જ એક સિન્સિયર વિદ્યાર્થીની.અને ક્યાં આજે અસ્તવ્યસ્ત કપડા,વિખાયેલા વાળ અને આંખોમાં નિરાશા.જાણે કરમાયેલા ફૂલ જેવી લાગી રહી હતી.

    તેના બેપરવાહ ટીચર એ વિચારવાનું ભૂલી ગયા હતા કે તેના આવવાથી ખુશ થયેલી તેજુ કેમ હવે તેનાથી દુર ભાગતી ફરે છે.કેમ હવે તે નિયમિત પેહલા જેવી ‘તેજસ્વી’ થઇ ને નથી આવતી?

    5) વર્તનનો ખુલાસો

    થોડા દિવસ પસાર થાય છે.તેજસ્વીની શાળામાં છેલ્લા કેટલાક દિવસોથી ગેરહાજર રહે છે.ટીચર તેના પર ખુબ ગુસ્સે થયા છે.હવે તો હદ કરી તેજુએ.આટલી લાપરવાહ થતી જાય છે.સ્કુલમાં આવે એટલી જ વાર છે.તે હવે સીધી રીતે નહિ માને.આવું વિચારીને બેઠેલા ટીચરને ક્યાં ખબર હતી કે વાસ્તવમાં શું બની રહ્યું હતું.વિશ્મયની વચ્ચે તેજુ આજે શાળાએ આવી હતી.એ પણ સમયસર.તેજુ પોતાની આદતથી ઉલટ ટીચરથી નઝર પલટવાને બદલે સામે ચાલીને તેની પાસે ગઈ.ટીચર કંઈ બોલે એ પેહલા જ “બેન,હું હવેથી દરરોજ ટાઇમે આવતી જઈશ.મારું લેસન પણ હવે રોજ થઇ જશે.”

    નવાઈ સાથે ટીચરે કહ્યું “તો આજ સુધી શું વાંધો હતો?”

    “બેન,અમારો ભોલો,નાનકડો મારો ભાઈ હવે મરી ગયો છે.એ નાનો હતોને ત્યારથી કઈ બોલતો ન’તો.એના હાથ-પગ પણ કંઇક અલગ જ હતા.મમ્મી કેહતી હતી કે એને માનશીક બીમારી છે.અને હમણાંતો એ વધુ ગાંડો થઇ ગયો હતો.મમ્મી-પપ્પા એના ઇન્જેક્સંના પૈસા માટે આખો દિવસ વાડીયે જતા.ઘરનું કામ પણ મારે કરવાનું અને અમારા ભોલાનું મારે ધ્યાન રાખવાનું હતું.એ થોડી વાર થાય ત્યાં દોડીને ભાગે,મને મારે,ખાવાનું માંગે એટલે મારે એની પાસે જ રેહવું પડતું.પણ બેન હવે એ ભગવાન પાસે જતો રહ્યો.હવે મને મારવું નહિ પડે.હવે મોડું પણ નહિ થાય.ઘરે હું આખો દિવસ તેની સાથે રમ્યા કરતી પણ હવે કોઈ રમવાવાળું નથી એટલે મારું લેસન રોજ થઇ જશે.પણ બેન ક્યારેક તમે લેસન ના આપ્યું હોઈ ત્યારે હું ઘરે એકલી શું કરીશ?ભાઈ હતો ત્યારે એ સાથે રમતો.”બોલતા-બોલતા તેજસ્વીની ઢીલી પડી ગઈ.

  • વર્તન-પરિવર્તન
  • તેજસ્વીના શબ્દો બેનના હૃદયને આરપાર નીકળી ગયા.બેન તેજુને પોતાની છાતીએ લગાડીને રડવા લાગે છે.એક ભુલકાની સાથે પોતે કરેલ ગેરવર્તન યાદ આવતા જ તેજસ્વીનીને ગાલે ચૂમીઓ ભરે છે.હળવેથી માથે હાથ ફેરવે છે. એક અપરાધભાવ તેની આંખોમાં છલકી આવે છે.એક નાનકડું બાળક મારી ગેરસમાજને લીધે ક્યાં થી ક્યાં પોહચી ગયું.કેમ મેં કદી એ કારણ જાણવાની કોશિશ ના કરી કે તેજસ્વીની શા માટે બદલાઈ રહી હતી?કેમ મેં ક્યારેય માથે હાથ મુકીને એક પ્રેમભરી વાતથી તેને સમજાવી નહિ?કેમ હું એક કળીને ખીલ્યા પેહલા જ મચડી નાખવા જઈ રહી હતી?તેજસ્વીનીનો શું વાંક હતો? એ તો બિચારું ભોળું બાળક કેહવાય.પણ મને કેમ આટલી અમથી વાત ના સમજાય? જયારે બેન પોતાના વર્તન વિષે વિચારે છે,જયારે તેનું મન તેને ખુદને જ ધિક્કારે છે,અને ત્યારે એક શિક્ષક પણ રડે છે.

    ક્યારેક કેટ-કેટલી જવાબદારી,કામ અને અમુક તોફાની બાળકોના વર્તનને લીધે નિર્દોષને દંડ મળતો હોઈ છે.તેવું અહી પણ બને છે.પણ ભૂલ દરેકથી થાય.માણસ માત્ર ભૂલને પાત્ર છે.પણ જો ભૂલને સમયસર સુધારી લેવામાં આવે તો ઘણું મોટું નુકશાન થતું બચાવી શકાય છે.

    “પણ હવે મને મારી ભૂલ સમજાય ગઈ છે.હું ફરી તેનું તેજ લાવીશ. મારી ભૂલને હું જ સુધારીશ.” અને બેન લાગી પડે છે તેના કામમાં.એક સારા સંકલ્પ સાથે.તેજસ્વીનીને હતી એ જ જગ્યા પર લાવવા માટે.હા,ક્યારેક ખોટા જવાબો,ક્યારેક તોફાન-મસ્તી,ક્યારેક છાની-માની વાતો તો વળી ક્યારેક લડાઈ ઝઘડા પણ થતા.પણ એ બધી બાળ સહજ હરકતો છે.તેને મહત્વ આપ્યા વગર ગમ્મત સાથે જ્ઞાન પીરસતા બેન ફરીથી તેજુને પેહલી બેંચ પર જોઈ ખુશ થતા.

    પરિક્ષામાં તેજસ્વીનીના સારા દેખાવ પછી પોતાની જાતને થોડો દિલાસો આપીને બેન બધા બાળકોની વધુ નજીક આવી ગયા હતા.તેજુ ફરી એ ‘તેજસ્વીની’બની ગઈ.તેને ફરી એ જ પરી જેવી બનેલી જોઇને બેનને પણ શાતા મળતી.અને બેનના એક શુભ સંકલ્પના પરિણામે તેજસ્વીની પ્રથમ નંબરે પાસ થઈને શાળા છોડી હાઈ-સ્કુલમાં પ્રવેશે છે. પણ જતા-જતા એક વાર બેનને ભેટીને જરૂર રડે છે. તેજસ્વીની પેહલે થી જ ભણવામાં રૂચી ધરાવતી એટલે આગળ જતા પણ ઉતરોતર સફળતા મળતી રહી.સફળતા તેને એક મુકામ પર લઇ આવી.એ પણ એક શાળામાં શિક્ષિકા બની ગઈ.અને જોડાઈ ગઈ એક પવિત્ર કામમાં.

    ઘટના નાની અમથી છે પણ વાત ઘરે લઇ જવા જેવી છે. માણસના જીવનમાં માં-બાપ પછી જો કોઈનો પ્રભાવ પડતો હોઈ તો એ છે તેના શિક્ષકો .અને ખાસ કરીને પ્રાથમિક શિક્ષક.એવા કેટલાય કિસ્સા જોયા છે જેમાં શિક્ષકની બેદરકારીનું પરિણામ ભોગવતા લોકો ગેરમાર્ગે જતા હોઈ છે. શિક્ષકનું પોતાનું એક અલગ જ સ્થાન છે.શિક્ષણનો પવિત્ર વ્યવસાય બસ એક સાચી નિષ્ઠા જ તો માંગે છે.પગારને અગ્રમીતા આપીને જો ‘ધંધો’ જ કરવો હોઈ તેના માટે બીજા પણ ઘણા દરવાજા ખુલ્લા હોઈ છે.પણ કોઈના ભવિષ્ય સાથે ચેડા કરતા પેહલા હજાર વખત તેના પરિણામ અંગે પણ વિચારી જોવું. એક શિક્ષક તરીકે બેંક બેલેન્સ બનીવીને ઠાઠ માઠથી ફરવામાં સાચી સફળતા નથી. પણ જયારે વર્ષો પછી પણ ક્યાંક અચાનક કોઈ વિદ્યાર્થી મળી જાય અને “મારા શિક્ષક છે” કહીને કોઈની સાથે ઓળખાણ કરાવે ત્યારે સમજવું કે તમે રોપેલા બીજ આજે મોહરી ઉઠ્યા છે.શિક્ષક એક આદર્શ સ્થાન છે.જેમાંથી સમાજ આખો પ્રેરણા મેળવે છે.એક માં જયારે શિક્ષક્ના હાથમાં પોતાનું બાળક સોંપે છે ત્યારે હાશકારો અનુભવે છે.કારણકે એક શિક્ષક શ્રદ્ધા અને વિશ્વાશનું પ્રતિક છે.

    “એક શિક્ષક જો એક બાળક પ્રત્યેના વ્યવહારમાં ભૂલ કરે તો આખો સમાજ પણ એ ભૂલને સુધારવામાં અસમર્થ ઠરે છે.”

    ત્યારે એક શિક્ષક પણ રડે છે............