Peli Ajani Chhokari - 5 books and stories free download online pdf in Gujarati

પેલી અજાણી છોકરી : ભાગ - 5

પેલી અજાણી છોકરી

રૂચિતા ગાબાણી


Chapter - 5

આર્યનને મન થયું કે તે ડાયરી વાચી લે. પણ આર્યનના શરીફ સ્વભાવે તેને તેમ કરતા રોકી લીધો, અને ક્યાંક બીજે ફાઈલ શોધવા તે રૂમની બહાર્ નીકળી ગયો. પણ, સુહાની માટે તેના મનમાં જે નવી ફીલિંગ્સ જાગી હતી, તે તેને ડાયરી પાસે પાછો ખેચી લાવી. “અમે બેસ્ટફ્રેન્ડસ છીએ, અમારી વચ્ચે કેવા સીક્રેટ્સ.” એમ વિચારતા તેણે ડાયરી વાચવાની શરુ કરી.

ડાયરીમાં સુહાનીએ ઘણું બધું લખ્યું હતું. કોલેજની મસ્તી, લેકચર બંક કરીને જોએલી મુવીઝ, પોતાના સપના, ઈચ્છાઓ વગેરે વગેરે. આર્યન એક એક પેજ ધ્યાનથી વાચી રહ્યો હતો. વાંચતો જતો હતો, અને સુહાની વિષે નવું નવું જાણી રહ્યો હતો. દરેક પેજ વાંચતાની સાથે તેનું સુહાની માટેનું ખેચાણ વધી રહ્યું હતું.

૧૦-૧૦-૨૦૧૦ :

આજે અમે નવા ઘરે શિફ્ટ થયા. બધું જ નવું હતું અમારી માટે. સામાન મુકવા માટે અમે ત્રણ જ જણ હતા, હું, મમ્મી અને પપ્પા. વસ્તુઓ વધારે નહતી, પણ અમુક વસ્તુ જે હેવી હતી તે મારા માટે ઉચકવી થોડી મુશ્કેલ હતી. પપ્પાની તો હવે ઉમર થઈ ગઈ, એટલે એમનાથી પણ ના ઉચકાય. હવે અફસોસ થઈ રહ્યો હતો કે કાશ શીફટીંગવાળા ને બોલાવી જ લીધા હોત. પણ હવે શું ?

ત્યારે જ લીફ્ટમાંથી એક છોકરો આવ્યો. મૂવીમાં હિરોઈનને બચવવા કોઈ હિરો આવ્યો હોય, મને તેવું લાગ્યું. :D હીહી. તે આવ્યો, અને હું કાઈ કહું કે પુછુ, તેની પહેલા જ તે હેલ્પ કરવા લાગ્યો. સામાન લીફ્ટમાં મુકવાથી લઈને, ઘરની અંદર મુકવા સુધીની હેલ્પ તેણે કરી. હું તો તેનાથી ઈમ્પ્રેસ થઈ ગઈ. કેટલો સારો અને હેલ્પીંગ હતો તે. આ ઉમર જ એવી છેને, કે બધા બોવ જલ્દી ગમી જાય.

(આર્યનને હસવું આવી રહ્યું હતું આ વાંચીને. તેને ખબર હતી કે સુહાનીના સ્વભાવમાં ચંચળતા સાથે એક ઠહેરાવનું અલગ જ કોમ્બીનેશન છે, પણ પહેલી મુલાકાતમાં જ તે પોતાને પસંદ કરવા લાગી હતી તે હમણાં જ ખબર પડી.)

૧૬-૧૦-૨૦૧૦ :

ઓહહ ડાયરી, આજે તો એવું લાગે છે કે હું હવા માં ઉડી રહી છુ. મને સમજાતું નથી કે મને આ શું થઈ રહ્યું છે, પણ આ જે હોય તે, મને બોવ મજા આવી રહી છે. મન થાય છે કે આ પંખીઓ ની પાંખો ઉધાર લઈને આકાશમાં આંટો મારી આવું. હવે હું આખો દિવસ બસ પેલા લીફ્ટમાં મળ્યો હતો તે છોકરા વિષે જ વિચાર્યા કરું છુ. ખબર નથી પડતી કે, તે સારો છે કે ફક્ત ખાલી મારા મનને ગમી ગયો છે ? ઓ ડાયરી, કાશ તું મને જવાબ આપી શકતી હોત.

હું જયારે પણ તેને જોઉં છુ ને ત્યારે, દરેક વખતે તે મને કઈક નવો જ લાગે છે, કઈક અલગ લાગે છે, છતાપણ પોતાનો હોય તેવો લાગે છે. કદાચ, હું તેને ચાહવા લાગી છુ. <3 મારે તેના વિષે વધુ જાણવું પાડશે. મારાથી બચીને જશે ક્યાં ? બિલ્ડીંગમાં જ તો રહે છે.

(“ઓહ, સુહાની તો મને પ્રેમ કરે છે, એ પણ કેટલા સમયથી. એટલે જ તો તે આસાનીથી બધું અપનાવી શકી, મને સમય આપી શકી.” આર્યન વિચારતો રહ્યો.)

૨૩-૧૦-૨૦૧૦ :

આજે તો મારો દિવસ સુપર ડુપર મસ્ત ગયો. આજે હું મારી એક ફ્રેન્ડ માટે વેઈટ કરી રહી હતી, એક તો કેટલો તડકો હતો અને તે આવવામાં સમય લઈ રહી હતી. સારું થયું કે હું મારો ફેવરેટ ગ્રીન દુપટ્ટો બાંધીને ગઈ હતી. દુપટ્ટો સાથે હતો એટલે મનમાં એમ થયું કે કાશ, કઈક સારું થઈ જાય, કાશ અત્યારે આર્યન અહિયાં આવે.

હા, તેનું નામ આર્યન છે એ મેં જાણી લીધું. મસ્ત્ત નામ છેને. “આર્યન”.

અને ગેસ વોટ ? ભગવાને મારી સાંભળી લીધી. એ જ સમયે આર્યન ત્યાંથી નીકળ્યો, અને ખબર નહિ કેમ તેણે મારી સામે જોયું, અને થોડી સેકેન્ડ માટે અમારી આંખો મળી. ઉફ્ફ, શું કહું.. દિલ એકાદ ધબકારો ચુકી ગયું.

પછી અફસોસ થયો, કે કાશ મેં દુપટ્ટો ના બાંધ્યો હોત તો તે કદાચ મને ઓળખીને, મારી સામે સ્માયલ પણ કરત. એ બહાને અમારી થોડી ઓળખાણ વધત. હું એની સ્માયલ જોઈ શકત. પણ વાંધો નહિ, આવા ચાન્સ તો મળતા રહેશે.

(“વોટ ??”, આ બધું વાચીને જટકો લાગવાને કારણે આર્યનથી આટલું જ બોલાયું. “મતલબ કે જે છોકરીને હું શોધી રહ્યો હતો, તે મારી સામે, મારી પત્ની તરીકે કેટલા સમયથી મને મળી ગઈ હતી, અને હું આ વાત થી સાવ અજાણ હતો. પણ, પણ સુહાનીની આંખો તો બ્લેક છે, અને મને પાક્કું યાદ છે કે તે છોકરીની આંખો બ્રાઉન હતી. શું તેણે કોન્ટેક લેન્સ પહેર્યા હશે તે દિવસે ? તેને મેં જયારે બધી વાત કરી, ત્યારે તે કેમ કશું ના બોલી ? કદાચ ભૂલી ગઈ હશે ?“ કેટલા બધા સવાલો થતા હતા. કદાચ ડાયરીમાંથી જવાબ મળી જાય, એ આશાથી આર્યન જ્યાં પોતાનું નામ વંચાય તે જ પેજ વાંચવા લાગ્યો.)

૨-૧-૨૦૧૧ :

આજે બિલ્ડીંગમાં ડીનરનું આયોજન કરવામાં આવેલું, જેથી બધા એકબીજા સાથે જમે, વાતો કરે અને હળેમળે. હું પણ ગઈ હતી. બધા કાઉન્ટર પર મારી નજર ગઈ, ત્યાં આર્યન પણ ઉભો હતો. ઓય ડાયરી, તેને જોઇને, શરીરની આ સીસ્ટમ કેમ આડી-અવળી થઈ જતી હશે ? તેને જોવ ને કાંઈક જાદુ જેવું થઈ જાય છે. આજુબાજુમાં કોણ છે ? શું ચાલી રહ્યું છે તેનું ભાન જ નથી રહેતું. એ સામે આવેને ત્યારે તેની એ જાદુવાળી દુનિયામાં જ રહેવાનું મન થાય છે.

આપોઆપ તેના તરફ કદમો ચાલવા લાગ્યા, તે શેના કાઉન્ટર પર ઉભો છે તેપણ મને યાદ નથી. અરે, તેની સ્માયલ જ એટલી સરસ હતી કે, તે શું આપી રહ્યો છે તેનાથી શું ફરક પડે છે ? ફરીથી અમારી નજરો મળી. અને...મને કેવું ફિલ થયું એ લખવા મારા પાસે શબ્દો નથી.

૧૨-૧-૨૦૧૧ :

ઓ ડાયરી, ભગવાન આજે ખુબ પ્રસન્ન હોય મારા પર તેવું લાગે છે. જેને ચાહવા લાગી હતી, તેની સાથે લગ્ન કરવાની વાત લઈને આર્યનના પેરેન્ટ્સ ખુદ આવ્યા હતા. આટલી બધી ખુશી હું કેવી રીતે હેન્ડલ કરું ?? જેને પ્રેમ કરવા લાગી છુ, એને માંગવો પણ ના પડ્યો અને ભગવાને મને આપી દીધો. ભગવાન, તમે સાચ્ચે જ ગ્રેટ છો.

હું એટલી બધી ખુશ છુ કે અત્યારે મારાથી લખાતું પણ નથી અને ફેસ પરથી આ શરમ અને સ્માયલ જતી જ નથી. તેની પણ હા છે આ લગ્ન માટે, તે પણ આટલો જ ખુશ હશે ને ?

૨૦-૧-૨૦૧૧ :

મુહુર્તની કઈક ઉતાવળને લીધેથી, અમે બનેવ કઈ સરખી વાત કરી શકીએ તેની પહેલા જ અમારા લગ્ન થઈ ગયા. જો કે મને તેનાથી ફરીયાદ નહતી, મારા પેરેન્ટ્સ અને મારા દિલે આર્યનને ચૂઝ કરેલો. પણ...

લગ્ન થયા, અને તે રાત આવી, જેની રાહ લગભગ દરેક છોકરા-છોકરીને હોય છે. મારા પણ કઈક સપના હતા, કે હું એની સાથે ઘણી બધી વાતો કરીશ, તેને પૂછીશ કે તે મારા વિષે શું વિચારે છે, ખુશ છેને ? વગેરે વગેરે. અમે ક્યારેપણ વાત જ નહતી કરી, એટલે આવી જ વાત કરવાની હોય ને. વિચાર્યું હતું કે વાતો કરશું અને થોડો રોમેન્સ પણ. પણ કઈક જુદું જ થયું. આર્યન આવ્યો અને આવતા જ તેણે કહી દીધું કે, આ લગ્ન ઉતાવળમાં થયા હોવાથી, મને થોડો સમય જોઈએ છે. મારા બધા જ સપનાઓ રેળાઈ ગયા.

(આર્યન આ બધું વાંચીને લાગણીશીલ થઈ રહ્યો હતો. દુખ થયું એ અહેસાસ થતા કે તેણે સુહાનીને કેટલી હર્ટ કરી હતી, છતાપણ તેણે ક્યારેય કોઈ જ ફરીયાદ ના કરી.)

૫-૭-૨૦૧૧ :

ફક્ત પત્ની હોઉં તો જ તેને પ્રેમ કરી શકું એવું થોડી છે, તેની ફ્રેન્ડ બનીને પણ હું તેને પ્રેમ કરી જ શકું ને. અમે ખરા અર્થમાં હવે મિત્રો બનવા લાગ્યા છીએ. તે મારો ફ્રેન્ડ બનીને, આ રીલેશનથી ખુશ છે, મને પણ ખુશ રાખવાની હમેશા કોશિશ કરતો રહે છે. હું પણ તેનું એટલું જ ધ્યાન રાખું છુ, પત્ની બનીને, મિત્ર બનીને, કે જે કહો તે. મારું તો બધું એ જ છેને. તે કરે કે ના કરે, હું તો તેને પ્રેમ કરું છુ ને.

તેને મારી વાતો અને લાગણીઓમાં ફકત મિત્રતા જ દેખાતી હશે. સારું છે કે તેને નથી ખબર કે હું તેને ચાહું છુ, નહિ તો તે મારી સાથે આટલી સહજતાથી ના રહી શકત, અને ગિલ્ટી ફિલ કર્યા કરત. એટલે જ તો, જે ચાલી રહ્યું છે, તેનાથી હું ખુબ જ ખુશ છુ.

૨૭-૧-૨૦૧૨ :

સોરી ડાયરી, આટલા સમયથી તને લખતી જ નહતી. વિચાર્યું હતું કે હવે કશું નથી લખવું. સારી-ખરાબ જેવી હોય તેવી, યાદો લખવી નથી, પણ મનના જ કોઈ ખૂણામાં સંઘરી રાખવી છે. પણ આજે બહુ એકલું એકલું લાગે છે, એટલે મારા જુના સથવારા પાસે પાછી આવી છુ.

આજનો દિવસ મારો સૌથી યાદગાર દિવસ હતો. આજે મારો બર્થડે હતો. અને આર્યને મારા માટે સરપ્રાઈઝ ડે-આઉટ પ્લાન કર્યો હતો. સવારથી જ અમે ઘરેથી નીકળી ગયા. મંદિર ગયા. બપોરે કોઈ રેસ્ટોરન્ટમાં જમીને, એક કોમેડી મુવી જોઈ. હું તો તેને જ જોયા કરતી હતી. હસતી વખતે તે કેટલો મસ્ત લાગે છે. આપોઆપ તેના પર ધ્યાન જતું જ રહે. અને તેને જોવા લાગુ એટલે બાકી બધું ભૂલાય જ જાય. સાંજે થોડી વાર બીચ પર આંટા માર્યા, પાણીપુરી ખાવાની કોમ્પીટીશન કરી, વાતો કરી, અને ઘરે આવી ગયા. પણ ના, હજી વાત પૂરી નથી થઈ.

ઘરે આવ્યા પછી પણ અમે થાક્યા નહતા. એકબીજાથી મન જ નહતું ભરાયું. એટલે જ તો રાતે લેટ સુધી જાગીને વાતો કરતા રહ્યા. અચાનક આર્યને મને એક વાત કહી, કોઈ બ્રાઉન આંખોવાળી વિષે, જેને તે પ્રેમ કરતો હતો, હજીપણ કરે છે. અને, તેના ઊંઘ્યા પછી હું ખુબ રડી..હું તેને...

આર્યને ડાયરી બંધ કરી દીધી. તે આગળ ના વાચી શક્યો, તે સમજતો હતો કે સુહાનીને ત્યારે કેટલું દુખ થયું હશે. આર્યન ગળગળો થઈ ગયો. દુઃખ થઈ રહ્યું હતું, કે સુહાનીએ ક્યારેપણ પોતાના મનની વાત કહી નહિ, અને પોતે એટલો મુર્ખ કે જાતે પણ સમજી ના શક્યો.

“આમ કાઈ દુખ ઢાંકીને હસતો ચહેરો રખાય ? મને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ કહે છે ને તું ? જુઠી. ખરેખર બેસ્ટ ફ્રેન્ડ માનતી હોત તો એક લાફો મારીને કહી દીધું હોત, કે હું તને હર્ટ કરી રહ્યો છુ, અને છતાય તું મને ચાહે છે. અને હવે હું પણ તને ચાહું છુ સુહાની”, આર્યન પોતાને જ કહી રહ્યો હતો.

આર્યન, હાથમાં કારની ચાવી લઈને ઘરની બહાર જતો હતો. મમ્મી એ પૂછ્યું, “ઓફીસ જાય છે ?” આર્યને કહ્યું, “ના, સુહાનીને લેવા.”