Bhashani aaj ane aavtikaal books and stories free download online pdf in Gujarati

ભાષાની આજ અને આવતીકાલ..

ભાષાની આજ અને આવતીકાલ..

તળપદા શબ્દો, રમણીય રુઢિપ્રયોગો, અલગ અલગ બોલીઓ કે કહેવતો વગેરેને કરમાતા, વિસરાતા, હળધૂત થઇ ધીમે ધીમે ક્રમિક રૂપે ઓગળાતા જોઇને તો હરકોઈ ભાષાપ્રેમીઓને સ્વાભાવિક બળાપો જ થાય. એમનો ડર છે કે આધુનિક ભાષાઓના બજારમાં માતૃભાષાનાં શબ્દોની સાથે ભાષાના મૂળાક્ષરો પણ ઓગળી જશે કે શું?

માતા સાથેનો સંબંધ જેમ હૃદયથી બંધાય તેમ માતૃભાષાનો સંબંધ પણ હૃદયથી જ બંધાય. અને એવો સંબંધ જ્યાં બંધાયો હોય ત્યાં વિરહ વેદના જરૂર આપે જ. માતૃભાષાની ચિંતા કરનારા એવા લાખો મશાલચીઓને, સંતાનોને આપણે પહેલા તો લાખેણા વંદન અને સલામ જ કરીએ.

માતૃભાષા તરીકે ગુજરાતી ભાષાની દેશ વિદેશે પ્રવર્તમાન સ્થિતિ, સિદ્ધિઓ, ભાષા અંગેના આપણા સ્વપ્નો/ઈચ્છાઓ, એની આડે આવતા અંતરાયો અને એના નિવારણ અંગેના ઉપાયો….જેવા મુદ્દાઓ આ લેખમાં આવરીશું.

આજ
ગુજરાતમાં અંગ્રેજી ભાષા પ્રત્યેની દોટ આજકાલ વધુ લાગે છે. એના કારણો ઘણા હોઈ શકે છે. બદલતા વિશ્વમાં બદલતી જરૂરીયાતો વચ્ચે પોતાની મૂળ ભાષા અને સંસ્કારની પરંપરાને વળગી રહેવું, જાળવી રાખવી કે ખીલવવી એ સરળ નથી. ભાષા હવે માત્ર રોજીંદો જીવન વ્યવહાર ચલાવવા પુરતી જ કદાચ મર્યાદિત નથી રહી.

માની લઈએ કે વિશ્વભાષા તરીકે અંગ્રેજી ભાષા કદાચ વિશ્વમાં હવે આગળ પડતું સ્થાન લઇ ચુકી છે. ભારતમાં પણ કામકાજની ભાષા, બેન્કોની વહીવટી ભાષા વગેરે સ્થળોએ હવે હિન્દી ભાષા સાથે અંગ્રેજી ભાષા પણ નજરે પડે છે. વળી મોબાઈલ ફોનમાં પણ રોમન લીપીમાં ગુજરાતી મિશ્રિત કચુમ્બરી ભાષા ઉભરતી જોઈને તો હૈયાફાટ રુદન કરવાની જ ઈચ્છા થાય ! પરંતુ એમ કરી શકાતું નથી કેમ કે એ ક્ચુમ્બરી ભાષાથી સંવાદ તો સર્જાય જ છે. ગુજરાતમાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી શાળાઓ પણ ખુબ જ ઝડપથી વધી રહી છે. અને એમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવવા વાલીઓ પણ આકાશપાતાળ એક કરી રહ્યા છે. હવે તો ડર એ વાતનો લાગે છે કે આ ગતિએ તો થોડા જ વર્ષોમાં ગુજરાતી માધ્યમની શાળાઓ ગુજરાતમાં જ અલ્પસંખ્યક તો ન થઇ જાય ને?

ગુજરાતમાં પણ ગુજરાતી ભાષાને સાચવી રાખવાનો જાણે મુકાબલો જ અમુક પરિવારોમાં અને સંગઠનોએ કરવો પડતો હોય છે. એ દ્રષ્ટિએ જોતાં એમના તમામ પ્રયાસો અભિનંદનીય જ કહેવાય. છતાં પણ કવિતા પઠન, વાર્તા પઠન, ચર્ચા વિચાર કે ગઝલ મુશાયરાના આયોજનોની સંખ્યા અને આયોજનોમાં આવતા શ્રોતાઓની સંખ્યા ગુજરાતીઓની વસ્તીના પ્રમાણમાં ચિંતાજનક જ ગણાય. એક વાતનો ઉલ્લેખ કરી શકાય કે શ્રી રમણ સોનીએ એમના એક લેખમાં એમ કહયુ છે કે એમને અમેરિકાસ્થિત એક પ્રતિષ્ઠિત ગુજરાતી લેખિકાએ વર્ષો પહેલા કહ્યું હતું કે ગુજરાતમાંથી પરદેશ જતા કેટલાક જાણીતા લેખકો પણ વેઠઉતાર વક્તવ્યો કરે છે ! જો કે આ વાત એકાદ અપવાદ રૂપે જ લેવાય. બહુતયા કવિઓ અને લેખકો ઉત્તમ ગુણવત્તાનું જ સાહિત્ય પીરસે છે.

ક્યારેક એવું પણ અનુભવાય કે મંદિરો બાંધવા પાછળ કે મનોરંજન કાર્યક્રમોના આયોજન પાછળ પાણીની જેમ પૈસો વહેવડાવાય છે પરંતુ સાહિત્યપ્રવૃત્તિ માટે, પુસ્તકો ખરીદવા માટે કે ઘરમાં નાનું પુસ્તકાલય બનાવવા માટે ધન ખૂટે જ છે. તળ ગુજરાતમાં કદાચ સ્થિતિ એવી ય હોવાનું અનુમાન કરી શકાય કે સાહિત્યરસિકો અને સાહિત્ય પ્રશંસકોની કુલ સંખ્યામાંથી કવિઓ અને લેખકોની સંખ્યાની બાદબાકી જો કરવામાં આવે તો શેષ શૂન્ય રહે, કે અલ્પ સંખ્યા જ રહે ! ..અને આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. વિદેશે પણ લગભગ આવું જ છે.

સાહિત્ય સર્જનમાં પ્રોત્સાહન જરૂરી છે પરંતુ એ સાથે ઉચ્ચ ગુણવત્તાનો આગ્રહ પણ રાખવો તો જરૂરી ખરો. જે સાહિત્ય આજે લખાય છે એમાંનો અમુક સર્જ્ક્વર્ગ લખાયા પછી જલ્દી છપાવવાની પળોજ્ણમાં જ પડ્યો હોવાનું અમુક કૃતિમાં અનુભવાય છે. કેમ કે અમુક સર્જનમાં મઠારવાની ક્રિયાનો જ ક્ષય થયેલો હોવાનું લાગ્યા વગર રહેતું જ નથી. સર્જનની ગુણવત્તા સાથે તો સમાધાન ન જ હોય. માટે જ ઉત્તમ સાહિત્યકારો મઠારવા ઉપર સતત ભાર મુકે છે !

વિદેશે ગુજરાતીની સ્થિતિ થોડી અલગ છે. ઘરમાં ગુજરાતી ભાષા સતત બોલાતી, વંચાતી, લખાતી કે સંભળાતી ન હોય તેવા સંજોગોમાં ગુજરાતી જાણનાર માબાપોનાં ઘરમાં ગુજરાતીતા ટકાવી રાખવાના ભીષ્મ પ્રયાસો કરનાર પરિવારો અને સંસ્થાઓ તો કદર કરવા યોગ્ય જ છે. ત્યાં ગુજરાતી ભાષાના વર્ગો ય ચાલે છે, પરતું તેમાય હવે હાજરી પાતળી નજરે પડે છે. પુસ્તકાલયોમાં ગુજરાતી પુસ્તકો તો મંગાવાય છે પરંતુ વાંચકોની સંખ્યા ઘટતી જાય છે. અંગ્રેજી છાપાંઓ વાંચતા ગુજરાતીઓની સંખ્યા વધુ જોવા મળે છે અને એ કારણે પુસ્તકાલયોના અન્ય ભાષામાં લખાયેલ નવા પુસ્તકોની સંખ્યા અને ખર્ચ પર કરવત ફરી વળી છે.

‘મારા socks બ્રોક થઇ ગયા’ એમ કહેનાર પૌત્રોને સાંભળીને ગુજરાતી બોલવાનો પ્રયાસ કરવા બદલ એની પીઠ થાબડી એના મોજાં ફાટી ગયા હોવાનું અનુમાન કરી વડીલો સહેજ હરખ કરી લે છે. તો વળી અમુક સંજોગોમાં ફટાકડા ફૂટવાની ક્રિયાને જ દિવાળીના ઉત્સવ સમજનાર બાળક પૂછે કે, ‘ડેડી, દિવાળી કેટલા વાગે આવવાની?’ તો ફટાકડા કેટલા વાગે ફોડશો એમ બાળક પૂછવા માગે છે એમ પિતા સમજી જ જાય છે.

આમ સમગ્ર રીતે સમાજ ત્રણ ભાગમાં વહેંચાયેલો કહી શકાય, ગુજરાતી બોલી શકનાર પરિવારો, ગુજLISH બોલતા પરિવારો અને અંગ્રેજીભાષી ગુજરાતી પરિવારો. ગુજરાતી પરિવારોમાં ગુજરાતી વાંચન અને લેખન ઓછું થતું જાય છે. જે વંચાય છે એમાં કેટલું સાહિત્ય ઉત્તમ કક્ષાનું છે એ તો શોધખોળનો વિષય છે. આવા સંજોગોમાં વાંચવા, લખવાનો સતત પ્રયાસ કરતા રહેનાર સહુ કોઈ તો અભિનંદનના જ અધિકારી છે.

આવતીકાલ
ભાષા અને સંસ્કૃતી એકબીજાથી અભિન્ન છે. એમના સંવર્ધન માટે અન્ય જ્રરુરતો ઉપરાંત એક જરૂર છે અન્ય અગ્રતાઓ સાથે સમજણપૂર્વક બાંધછોડ કરવાની. તમામ અપેક્ષાઓ અને તેનો અગ્રતાક્રમ નક્કી કરતી વખતે વેડફાતો સમય શોધી તેના ઉપર રોક લગાવવા પર ભાર મુકવાની પણ સખ્ત જરૂર ખરી. આવતી કાલ માટે દરેક પરિવારમાં પણ માતૃભાષામાં બોલચાલ, વ્યવહાર, ઘરમાં એક પુસ્તકાલયની હાજરી, પરિવારમાં ય સારા પુસ્તકો વાંચવાની ટેવ, કોઈક ઉપસતા મુદ્દા ઉપર પારિવારિક સ્તરે ચર્ચા કે બાળકો સાથે અને પરિવારમાં નિયમિત કૌટુંબિક વાતાવરણ ઉભું કરવું પડશે. પરિવારોને નવપલ્લવિત કરવા પડશે. પછી એવા પરિવારોમાં ઐક્યભાવના વિકસાવી પારિવારિક પ્રવૃત્તિઓ પણ વિકસાવવી અને પોરસાવવી પડશે અને એવા જ અન્ય પ્રયાસો દ્વારા માતૃભાષા પરનું અનાકર્ષ્ણ દુર કરી અન્ય ભાષા ઉપરનો લગાવ પણ પરિવારના સભ્યોમાં ટકાવવો પડશે.

આંતરિક લાગણીઓને વ્યક્ત કરવા માટે કોઈ શ્રેષ્ઠ ભાષા હોય તો તે માતૃભાષા જ છે કેમ કે ભાષા આપણા આંતર તથા બાહ્ય જીવન સાથે ઓતપ્રોત હોય છે. તે આપણા આચાર અને વિચારને ઘડે પણ છે અને પ્રતિબિમ્બિત પણ કરે છે.

હરિવલ્લભ ભાયાણી સાહેબે લખ્યું છે કે, શ્રીમદ ગીતાજીમાં ભગવાને અર્જુનને કહેલા શબ્દો જો આપણા હેતુ માટે વાપરીને કહીએ તો, ‘સાહિત્ય સાહિત્યરસિકોને કહે છે કે, ‘જો તારું ચિત્ત મારામય થશે તો તું મારો ભક્ત થઈશ.’ ભાયાણી સાહેબની આ દ્રષ્ટિ આપણને કેટલી જબરી શિખામણ આપી જાય છે! પ્રત્યેક ભાષાપ્રેમી એમની આ વાતને વાગોળી જુએ તો?

એક વાત એ પણ એમાંથી જડે છે કે સાહિત્યનુ સર્જન કરતાં પહેલાં અને એ સર્જનને લોકાર્પણ કરતાં પહેલાં પ્રત્યેક વ્યક્તિએ પ્રથમ તો સાહિત્યરસિક, સાહિત્યપ્રશંસક અને સાહિત્યસેવક બનવું અતિ જરૂરી હોય છે. એમ જો ન થાય તો સાહિત્યિક મિલનો સામાજિક મિલનો જ બની રહે છે અને એ રીતે તો એનો મૂળ હેતુ જ માર્યો જાય છે. સામાજિક અને ધાર્મિક સમારંભો જેટલી જ સંખ્યામાં સાહિત્ય સમારંભોનાં આયોજનો પણ આયોજાવા જરૂરી છે. સાહિત્ય સર્જકોને સાહીત્ય સર્જનમાં નડતા અવરોધો અને મર્યાદાઓનો પણ ઉકેલ શોધવો એટલો જ જરૂરી છે. આ વિષય અંતર્ગત ઉપસ્થિત થતા તમામ મુદ્દાઓનો ઝીણવટભર્યો અભ્યાસ કરવાની જ તાતી જરૂર છે.

આ લેખ લખતી વખતે ભારતમાં જ પરંતુ ગુજરાતની બહારથી એક સક્રિય ગુજરાતીભાષાના સંવર્ધકનો સંદેશ આવ્યો, ‘એક જાણીતા મેગેઝીન દ્વારા વિશ્વના કોઇપણ ખૂણે રહેતા હોય એવા ગુજરાતી વિદ્યાર્થી હોય એવા લેખકો અને કવિઓ વિશે લેખ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નામ સૂચવો.’ મેં જીભે હતું એવું એક નામ તરત સૂચવ્યું. બસ, પછી તો માથું ખંજવાળતા પણ બીજું એકપણ નામ જડ્યુ નહીં. એમની રજામંદી લઇ ઈ મંડળોમાં એ અંગેની જાહેરાતો મૂકી. જાણકારોને ય મેં વ્યક્તિગત રૂપે ફોન કર્યા. વિદેશે ફોન કર્યા. પરંતુ એવા નામો મળવા સહેલા ન હતા. ન જ મળ્યા.

આનો સીધો અર્થ એ થયો કે વિદ્યાર્થી અવસ્થાથી જ સાહિત્ય સર્જન, કાવ્ય સર્જન કરનારાઓ તો આંગળીના વેઢે ગણાય એટલા જ છે. ચાર દિવસને અંતે ફક્ત ૧૦ એવા વિદ્યાર્થી લેખકોના નામ અમે આજ સુધીમાં મેળવી શક્યા છીએ. હજી બીજા નામો આવશે એવી આશા છે જ. પરંતુ સવાલ એ થાય કે આટલા વિશાળ ગુજરાતમાંથી ફક્ત ૧૦ જ વિદ્યાર્થી હોય એવા લેખકોના નામો મળે એ શું સૂચવે છે? માની લઈએ કે યોગ્ય જાહેરાત ન થવાને કારણે આટલા ઓછા નામો જડ્યા. જો વ્યવસ્થિત જાહેરાતનો આધાર લઇ શોધ કરાઈ હોત તો થોડા વધુ નામ મળત. ગુજરાતની બહારથી કે પરદેશથી એકપણ એવો વિદ્યાર્થી લેખક ન મળ્યો ! એ આપણી નબળાઈ જ છે. ૧૦ થી વધીને ૧૦૦૦ કે ૨૦૦૦ સુધી પણ એ યાદી લંબાય તો પણ વૈશ્વીકસ્તરે ગુજરાતીઓની વસ્તીના એ કેટલા ટકા થયા?

વિલાયતમાં સાર્વજનિક પુસ્તકાલયોમાં દરેક ભાષામાં લખાયેલા પુસ્તકો રખાય છે. એ માટે દર વર્ષે નવા પુસ્તકો ખરીદવાનું બજેટ પણ નક્કી થાય છે. પછી અમુક સમયાંતરે એ પુસ્તકોમાંથી જુના પુસ્તકોને કાઢી નાખે છે. અંગ્રેજી પુસ્તકો નજીવી કીમતે વેચાઈ જાય છે. બાકી બચેલા પુસ્તકો – એમાં અન્ય ભાષાના નજીવી કીમતે ય ન ખરીદાયેલા પુસ્તકો વધુ હોય છે – તેઓ સ્થાનિક અલ્પ સંખ્યક સંસ્થાઓને મફત આપી દે છે. ગુજરાતી સંસ્થાઓમાં આ રીતે પડેલા પુસ્તકો પણ જવલ્લે જ વંચાતા હોય છે. એવી જ એક સંસ્થામાંથી અનાયાસે એક કાવ્યનું પુસ્તક મારી નજરે પડ્યું. અંગ્રેજીમાં કુદરતી સૌન્દર્ય ઉપર લખાયેલી કવિતાઓનું એ પુસ્તક પાકિસ્તાની મૂળની એક ૧૨-૧૩ વર્ષની વિદ્યાર્થીની અંબર સલોન દ્વારા આજથી લગભગ ૨૦-૨૫ વર્ષ પહેલા લખાયેલ હતું. આ પુસ્તક એની શાળાના મુખ્ય શિક્ષકે છપાવીને પ્રકાશિત કર્યું હતું. આ તો અનાયાસે મારા હાથે આવેલ પુસ્તકની વાત થઈ. ત્યાં પ્રત્યેક શાળાઓમાં સાહિત્ય સર્જનને મહત્વ અપાય છે. અંબર જેવા કેટલાયે વિદ્યાર્થીઓના સાહિત્ય સર્જનના શોખને શાળાઓમાં ઉત્સાહ મળે છે. વિલાયતની હજારો શાળામાંથી દર વર્ષે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સાહિત્ય સર્જન થતું જ રહે છે અને શાસકો દ્વારા એની પ્રતિયોગીતાઓ અને કદર પણ ખુબ થાય જ છે. આવું કામ ગુજરાતી ભાષામાં સાહિત્ય સર્જન ક્ષેત્રે ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ દ્વારા ઉપાડાય તો? પરદેશમાં તો પ્રાયમરી સ્કુલના બાળકોને સ્કૂલમાંથી નિયમિત સાર્વજનિક પુસ્તકાલયોમાં પણ લઈ જવાય છે. ત્યાં બાળકો માટેનો અલાયદો પુસ્તક વિભાગ, પ્લે વિભાગ, એક્ટીવીટી વિભાગ વગેરે હોય છે. ત્યાંથી બાળકો પુસ્તકો નિયમિત ઘરે લાવીને વાંચતા પણ હોય છે. સ્કુલ જ એમની કવિતાઓ પુસ્તક રૂપે છપાવે પણ છે. આપણી શિક્ષણ સંસ્થાઓમાં આવું ક્યાંક ક્યાંક જ થતું હોઈ શકે છે.

ઉપસંહાર
પ્રત્યેક ગુજરાતી પરિવારો, શાસકો અને સંસ્થાઓની સામે આજે આ સવાલો છે..
– ગુજરાતી ભાષાનો ભાતીગળ વારસો આપણે સાચવવો છે?
– અન્ય પરિવારો સુધી પણ પહોંચાડવો છે?
– ગુજરાતીની ઓળખ સાચવવી છે?
– શું આપણે અન્ય ભાષા જ અપનાવવી છે ?

‘અનેક વિપરીત બાહ્ય પરિબળોની વચ્ચે પણ સ્થિર બુદ્ધિ રાખીને આપણે માતૃભાષાનાં સાચા સંતાન ક્યારે બનીશું ?’

ભાષાની આવતીકાલ કેવી હશે એનો આધાર આપણા જવાબો ઉપર છે. બાકી તો અંગ્રેજી વાયા ગુજLISH કોઠે પડવા જ માડી છેને?

મહાનિબંધ જેવા આ વિષય ઉપર મર્યાદિત શબ્દોમાં તે કેટલું કહી શકાય? ગોવર્ધન પર્વતને એક નાનું તણખલું તે કદી ઉપાડી શકે? ક. મો. મુનશી કે ગોવર્ધનરામ ત્રિપાઠી જેવાના સાહિત્યકારોને જેમણે વાંચ્યા છે એ સહુ તો હજીયે એમના સર્જન જોઈ ‘ઘેલા’ થઈ એમના પર વરસેલી ‘સરસ્વતિ’ની કૃપા ભૂલી શકતા જ નથી….

નિર્ણય
ચાલો, આપણે ય ઊભા જ થઇ ગુજરાતી બોલીએ, ગુજરાતી વાંચીએ, ગુજરાતી લખીએ, ગુજરાતી સાંભળીએ અને ગુજરાતી જીવીએ જ…!

– ગુણવંત વૈદ