Mere Sapno ki Rani - Part - 1 books and stories free download online pdf in Gujarati

મેરે સપનો કી રાની - ભાગ ૧

મેરે સપનો કી રાની [પ્રકરણ ૧]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ:

ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

તો દોસ્તો, આ વાત છે અમારી કોલેજના વાર્ષિક-સમારંભના દિવસોની. વરસ પૂરું થવા આવ્યું હતું, પરીક્ષાઓ માથે હતી, પણ સ્ટડીઝને સીરીયસલી લેવાને હજી બધાને વાર હતી, કારણ તે પહેલા તો એન્યુઅલ ફંકશન આવવાનું હતું, કે જેની બધા સ્ટુડન્ટ્સ દર વરસની જેમ ક્યારના આતુરતાપૂર્વક વાત જોતા હતા.

જેમ જેમ તે નજીક આવતું ગયું, તેમ તેમ બધાના મનમાં તેનું એટમોસફીયર બનતું ગયું, અને છેલ્લા છેલ્લા દિવસોમાં તેની તૈયારી માટે અમે સર્વે મિત્રો પુર-જોશથી લાગી ગયા.

આમેય તે, આ દિવસોમાં કોલેજમાં લેક્ચર્સ તો થતાં નહીં, એટલે મેં પણ અભ્યાસની હાયહોય માળીયે ચડાવીને આ આનંદ-મેળાની મજા લેવાનો નિશ્ચય કરી લીધો, અને બધી તૈયારીઓમાં સહભાગી થવા લાગ્યો.

અને હા, તે ઉપરાંત આનાં માટે બીજું કારણ એ પણ હતું, કે મારા સમગ્ર કોલેજ-કાળ દરમ્યાન હું જેને શોધતો હતો, કદાચ આ બહાને તેની સાથે મુલાકાત થઇ જાય.

.

૧૬ વર્ષની વયે શાળા-જીવન પૂરું કરીને કોમ્પ્યુટર-સાયન્સમાં ત્રણ વર્ષનો ડીપ્લોમા-કોર્સ કરવા મેં પુનાની 'સીમ્બયોસીસ' કોલેજમાં એડમીશન લઇ લીધું હતું. આ કોલેજની રેપ્યુટેશન જ એવી છે કે કોઈ પણ સ્ટુડન્ટનું પહેલું આકર્ષણ આ જ કોલેજ હોય.

ત્યાં મેં જોયું કે, જેવું સંભાળવામાં આવતું હતું, તેવી જ આ કોલેજ હતી. બીજી બધી કોલેજ-લાઈફ કરતાં અહિયાં જીંદગી કંઇક અલગ જ હતી. જુવાની તો અહિયાં જાણે કંઇક વેગળા જ રંગે રંગાયેલી લાગતી. હરપળ લેટેસ્ટ ફેશનેબલ આઉટફીટ્સમાં સજ્જ, એવું અહિયાં કંઇક અલગ જ ક્રાઉડ જોવા મળતું. કોલેજનું કેમ્પસ, તેની બિલ્ડીંગ, તેની કેન્ટીન, બધામાં જ જાણે આધુનિકતાના દર્શન થતાં. ટુ-વ્હીલર કરતા ફોર-વ્હીલર વધુ દેખાય, ને વડા-પાવની સરખામણીએ બર્ગર વધુ ખવાય.

.

કુલ ૬ મહિનાનું પહેલું સેમેસ્ટર તો આમને આમ, મૂંઝવણ અને અચંબિત અવસ્થામાં જ ક્યાં પૂરું થઇ ગયું, તે ખબર જ ન પડી. ક્લાસમાં આપણા પોતાનાં લાગનારા તો બહુ ઓછા હતા, અને ‘પોતાની’ જેવી લાગનારીઓ તો સાવ જ, એટલે કે સાવ જ ઓછી.

એટલે...ન છૂટકે મારું પૂરું ધ્યાન મેં અભ્યાસમાં જ પરોવી દીધું. વચ્ચે વચ્ચે કોઈ કોઈ દોસ્તને ગર્લ-ફ્રેન્ડ મળતી ગઈ, પણ હું તો યાર, સાવ લુખ્ખો જ રહી ગયો.

ઓકે-ઓકે, સાવ એવું તો નહીં જ યાર.. બે-ત્રણ એફેર્સ થયા ય હતા, પણ જેને પ્રેમ કહેવાય તેવું તો કંઈ થયું જ નહીં. હું મારી જીવન-સાથી, મારા સપનાની રાણીને શોધતો રહ્યો, પણ મનમાં જેવી કલ્પના હતી તેવી તો કોઈ પ્રત્યક્ષમાં મળી જ નહીં. એટલે બાકીના અઢી વર્ષ, આમને આમ, બીજા 'નસીબદાર' દોસ્તોને જોઈ જોઇને બળવામાં જ કાઢ્યા.

.

યસ, પણ એનો એક ફાયદો એ થયો, કે આ ત્રણ વરસનો ડીપ્લોમા મેં સારા માર્ક્સ સાથે ક્લીઅર કર્યો. કોલેજમાં ફર્સ્ટ ને પુના-યુનીવર્સીટીમાં પાંચમો આવ્યો, તમારો આ દોસ્ત.

જો કે મારા પેલા 'નસીબદાર' મિત્રોમાંથી કેટલાયનો તો આ દરમ્યાન પ્રેમ-ભંગ થઇ ગયેલો, અને તેમનાં આ ફ્રસટ્રેશનનું પરિણામ તેમના રીઝલ્ટમાં વર્તાઈ આવ્યું.

મતલબ કે, થયું એ..કે ત્રણ વરસનો ડીપ્લોમા પત્યા પછી ડીગ્રી-કોલેજમાં એડમીશન લેતી વખતે મને તો ચાલો વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે એડમીશન મળી ગયું, પણ આ ડીગ્રી-કોર્સમાં મારી સાથે મારા ડીપ્લોમાના બસ..ફક્ત બે-ત્રણ જ દોસ્તો આવી શક્યા. એટલે હવે, બધે નવેસરથી એકડા ઘૂંટવાના હતા. નવા ફ્રેન્ડ્સ..નવું ગ્રુપ..નવું સર્કલ..બધું ય નવું.

.

ભણવામાં સફળતાની સાથે આ યશ પણ મળ્યો, એટલે એનો તો જાણે મને એવો ચસ્કો લાગ્યો, કે ડીગ્રી-કોલેજમાં ય હું તો નીચી મુંડી કરીને ભણવા લાગ્યો. કેન્ટીન, પાર્કિંગ-સ્પોટ, ને એવા બધા સ્થળો કરતાં લાઈબ્રેરી અને લેબમાં જ હું વધુ સમય વિતાવતો. આમે ય હું ડીપ્લોમા-સ્ટુડન્ટ હોવાને કારણે, [પહેલા બે સેમેસ્ટર સ્કીપ કરીને] ડાયરેક્ટ થર્ડ સેમેસ્ટરમાં એડમીશન મળી ગયું હતું, તો પહેલા બે સેમેસ્ટરનું ભણ્યા વગર તે થર્ડ સેમેસ્ટર થોડું ટફ જતું હતું.

તો એટલે નક્કી જ કર્યું હતું, કે એકે ય લેકચરમાં બંક નહીં મારવાનું; ટાઈમ પર બધા સબમીશન આપી દેવાના..વગેરે વગેરે. ઇન શોર્ટ, ફૂલ ડેડીકેશન ટુ મા સરસ્વતી..!

આને લીધે પ્રોફેસરોની ભાષામાં હું 'હોશિયાર' અને બાકી બધાંની ભાષામાં 'બુક-વર્મ' એટલે કે ‘પુસ્તકિયો-કીડો’ ગણવા લાગ્યો.

.

આમને આમ બે વર્ષ બીજા વીતી ગયા. ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું, છ-છ મહિનાનાં ચાર સેમેસ્ટર બસ, આમ જ લેબ, લાઈબ્રેરી અને ક્લાસ વચ્ચે તરફડીયા મારતા મારતા જ બીજાં કોઈ ઇન્ટરેસ્ટીંગ બનાવ સિવાય વીતી ગયા.

હા તે દરમ્યાન એક ઈમ્પોરટંટ વાત એ થઇ, કે ૨૧ વર્ષની ઉમર થઇ જવાથી લીગલી મેરેજ કરવાનો હક મળી ગયો. બહું રોમાંચ થયો એ વખતે. પણ..પણ, મેરેજ કરવા કોની સાથે?

રોજ રાતે પથારીમાં પડું એટલે એક જ ખયાલ આવે- ‘મેરે સપનો કી રાની કબ આયેગી તું, બીતી જાયે જીન્દગાની કબ આયેગી તુ... ચલી આ તુ.....ચલી આ....’

.

ખેર..અને પછી આવ્યું આ અન્યુઅલ-ફંકશન જેની હું હમણાં વાત કરતો હતો. લેક્ચર્સ નહીં થતાં હોવાને કારણે અભ્યાસ કોરાણે મુકીને ઓર્ગેનાઈઝર તરીકે હું ફેસ્ટીવલમાં જોતરાઈ ગયો.

આમે ય આ ૬ઠ્ઠા સેમેસ્ટર સુધી પહોચતા પહોચતા પ્રોફેસરો સાથે બધાનું સારું ટ્યુનીંગ થઇ ગયું હોય, ઉપરાંત હાથ નીચે ત્રીજા ચોથા સેમેસ્ટરના જુનીયર સ્ટુડન્ટ હોય, એટલે ખુબ કમ્ફર્ટેબલ પોઝીશન હતી. ને ઉપરથી પાછી આ ઓર્ગેનાઈઝર તરીકેની પદવી. પછી તો શું?
ફુલ-ધમાલ..!

રોજ રોજ પ્લાનિંગ, મીટીંગ, ડેકોરેશન...આ મૂકી આવ..પેલું લઇ આવ..વગેરે વગેરે.

ઓફ-કોર્સ, આને લીધે કેટકેટલી નવી ઓળખાણો ય થઇ. લેકિન 'વો નહીં મિલી જિસકા ઇન્તઝાર થા..'

રોજ સવારે હું અને મારા બે-ત્રણ દોસ્ત ટેબલ લગાવીને બેસતાં. ગેમ્સમાં ભાગ લેવા માટે આવનારાનાં નામ નોંધતા. અને..

.

એક દિવસ 'તે' આવી..

એકદમ અણધારી.. ટોટલી અનએક્ષ્પેકટેડ..!

મસ્ત ડાર્ક મરુન રંગનું ટોપ અને લાઈટ બ્લુ જીન્સ.. ને વાળ એકદમ ખુલ્લા.

અને કપાળે ટીકલી..?

ના, નહોતી...

હોત તો ગમત, પણ જવા દો ન હોય તો...

પણ તરવરાટભરી નજર અને આંખમાં જુઓ તો ગજબની ઉત્સુકતા..

.

આ બંદાની પાવરફુલ સોચને તો એ જ વખતે ખબર પડી ગઈ કે, દોસ્ત તું આટલા વર્ષોથી જેને ગોતી રહ્યો હતો એ તો આ રહી, અહિયાં.. તારી સામે.

છાતીમાં કળ આવવી કોને કહેવાય, તે દિવસે મેં, એ પહેલીવાર અનુભવ્યું.

તે આવીને અમારા ટેબલ પાસે ઉભી રહી.

તેની સાથે તેની એક સહેલી ય હતી, અને મારા અચરજ વચ્ચે તેની સહેલીને તો હું ઓળખતો ય હતો. એટલે મેં મારો મોરચો પહેલાં તે સહેલીની તરફ જ વાળ્યો. ઇવેન્ટની માહિતી અને એવું બધું, ખુબ સ્ટાઇલ મારી મારીને દેવા લાગ્યો.

પછી થોડા અહીંતહીંના ગપ્પા માર્યા, પણ અમારા એ મેડમ તો પોતાનું મોઢું જ ન ખોલે. એટલે પછી મેં જ તેને પૂછ્યું-

"યુ ઓલ્સો ઇન્ટરેસ્ટેડ ટુ પાર્ટીસીપેટ ઇન સમ ગેમ?

તો તેણે તો યાર, ધડ દઈને ના જ પાડી દીધી..!

.

પત્યું..? હવે આગળ શું બોલે માણસ..? હા પાડી હોત, તો નામે ય ખબર પડત એનું. પણ શું થાય..!

એટલીવારમાં મારું ધ્યાન તેની આંગળીમાંની વીંટી પર ગયું. તેમાં k લખેલ હતો.

તરત જ મનમાં વિચાર શરુ થઇ ગયા.

અં...કેતકી... કવિતા.. કિરણ.. ના..ના.. કોમલ... કંઈ જ સમજ નહોતી પડતી. એટલે પછી મેં તેને પૂછી જ નાખ્યું-

"તારું નામ કેતકી છે કે?"

"ના..!"

[તો પછી બોલને શું છે તે] "તો.. કવિતા?"

"ના..!"

[એની તો...!] "ઓકે. પણ તારું નામ k થી સ્ટાર્ટ થાય છે.. રાઈટ?"

"ના....!"

.

અરે યાર.. તો તો પછી ચોક્કસ આનો કોઈ બોય-ફ્રેન્ડ હશે જ, 'k'થી શરુ થતાં નામવાળો. પણ મેડમ કંઈ ખબર જ ન પડવા દે..સાવ આપણું વાક્ય જ કાપી નાખે, તો પછી કરવું શું?

મનમાં લોચા વળવા માંડ્યા એટલે મારાથી રહેવાયું નહીં. અને પૂછી જ નાખ્યું-

"તારું નામ શું છે?"

"..."

મેડમ ચુપ.

.

મારા મનમાં તો.. શું કહું હવે.. વિચારોનું જાણે કે સુનામી આવી ગયું.

એનું નામ જાણવા પછી તો એકદમ મરણીયો થઇ ગયો. મનમાં ને મનમાં મને ગમતાં નામ.. પ્રીતિ... રિયા... નિરાલી... સલોની... વગેરે, તેની પર્સનાલીટી સાથે જોડવા લાગ્યો.

પણ દોસ્ત, કંઈ જામતું જ નહોતું. વળી પાછુ મનમાં ‘k’નું ભૂંગળું વાગવા લાગ્યું.

અને ત્યાં તો તે બોલી-

"પાયલ..!"

.

તેના અવાજે હું જાણે કે ભાનમાં આવ્યો.

વાહ.. કેટલું મસ્ત નામ છે, મને આ નામ પહેલા કેમ ન સુઝ્યું?

એકદમ તેનાં જેવું જ મીઠડું નામ..!

તેનાં અવાજ જેવો જ રણકાર તેના નામમાં ય હતો.

પબ્લિક કહેતી હોય છે, કે કોઈ છોકરીનો અવાજ જો બહુ જ સુરીલો હોય, તો એમ કહેવાય કે, -રૂપાની ઘંટડી જેવો અવાજ છે.પણ આનો અવાજ તો રૂપાની શું.. સોનાની ઘંટડી જેવો હતો.

છતાં ય પેલું ‘k’નું ભૂંગળું મારા મનને શાંતિથી બેસવા નહોતું દેતું. એટલે જસ્ટ પૂછ્યું-

"વીટીમાં તો ‘k’ લખ્યું છે..?"

[જસ્ટ પૂછ્યું યાર. એને એમ ન લાગવું જોઈએ કે છોકરો બહુ બધો ઇન્ટરેસ્ટ લે છે.]

"મારા દાદાએ આપી છે" -પાયલકુમારી બોલ્યા.

[ઓ..દાદાએ..! હેં, દા...દા...એ...? પણ કેમ? યાર, આ તો પેલા 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે જેવું થયું કે- "તુમ્હારી આંખે મુજે મેરી દાદીમા કી યાદ દિલાતી હૈ"]

"તેમનું નામ ‘k’ પરથી છે કે?" -રિસ્પોન્સ મળ્યો એટલે મેં થોડું આગળ પુછી જ નાખ્યું. ખોટેખોટા મનમાં વિચારોનો આફરો ચડે, તેનાં કરતાં થોડી ચોખવટ થઇ જાય તો શાંતિ.

"ના.. અમારી અટક ‘k’ પરથી છે. નામનાં અક્ષરવાળી વીંટી તો બધાં ય પહેરે."

મારા તો સમજો, ચારે ય એક્કા એકદમ ચિત્ત જ થઇ ગયા. બટ યસ, એટલો સંતોષ થયો, કે ‘k’ પરથી તેની અટક છે, અને હાલ પુરતું આપણે એટલું તો સેફલી સમજવાનું કે 'બીજું કોઈ' નથી..!

આટલું બોલીને તે તો ચાલી ય ગઈ.

.

એના પછી બાકીનો દિવસ મને એકદમ નકામો જ લાગ્યો. મનમાં કોણ જાણે, પણ એક પ્રકારનું હુરહુર લાગવા લાગ્યું ને પેટમાં જાણે ગોળા વળવા લાગ્યા હતા. કંઇક વિચિત્ર જ અનુભવવા લાગ્યું મને. દિવસ આખો પછી તો બસ, મજુરી જ કરી. વસ્તુઓ લાવવી મુકવી.. પ્લે-ગ્રાઉન્ડ સાફ કરાવવું. વગેરે વગેરે..

.

બીજા દિવસે તો એકદમ વહેલી પ્રભાતે જ ટેબલ લઈ, ને હું તો ત્યાં હાજર થઇ ગયો, કારણ મારી પેલી ઓળખીતી ગૌરી..જેની સાથે આગલા દિવસે તે આવી હતી..તેનાં સવારના ક્લાસ રહેતા. તો પાયલ-મેડમના ય સવારે જ હોય ને..!

યાર, સમજવાનું એ તો. કોમન સેન્સ..! યુ સી..?

થોડી વારમાં તે દેખાશે..એ વિચારથી જ મનમાં..કુછ-કુછ હોતા થા. હું તો જાણે બહુ કામમાં હોઉં તેવો શો-ઓફ કરતો બેઠો હતો. એટલી વારમાં તો તે આવી.

.

લાઈટ પિંક કલરનું પંજાબી-સુટ પહેરેલું, ને એમાં પાછાં સફેદ ટીકલાઓ, ને એવો જ સફેદ દુપટ્ટો.

'કાલે ઘને ઔર સુંદર બાલ, ડાબર-આંવલા તેલ સે'. પણ તેણે તેલ નહોતું નાખેલું. કોરાં વાળને પોની વાળીને ઓળેલા, ને ચહેરા પર વાળની એક જાડી લટ. હાથમાં એકાદ બે ચોપડીઓ, ને સાથે સાથે ખભ્ભે એક બ્લુ કલરનું પર્સ.

વા..ઉ, ધીસ વોઝ અ પીંક એન્ડ બ્લુનો સોલીડ કોમ્બો. એન્ડ યસ,

આજે તો કપાળ પર ટીકલી ય હતી, ઔર હાથ મેં ચૂડી, કાન મેં ઝુમકે ભી..!

મુ...આઆ...હ...!

સ.....રસ...!!!

એકદમ ઇન્ડિયન બ્યુટી..!

.

પણ તે થોડી કંઈ ફિકરમાં હોય તેવું લાગ્યું, ને સાથે હતી પેલી મારી ઓળખીતી..ગૌરી..!

બેઉ જણીઓ સીધી લાઈબ્રેરીમાં જ ગઈ. આ, તમારા દોસ્ત સામે તો યાર, જોયું ય નહીં.

મને થોડો ગુસ્સો આવ્યો..પણ આમ ખરું પૂછો તો, જુએ ય શા માટે?

તેની અને મારી કોઈ ખાસ ઓળખાણ તો હતી નહીં. અને હું ય દોસ્ત, કયો એવો કામદેવનો અવતાર કે કોઈ રાજકુમાર હતો. એકાદા કોઈ ટાયરમાં હવા ભરો, અને પછી ધીરે-ધીરે તેમાંથી હવા કાઢી નાખો, તો તે ટાયર કેવું ચીમળાય જાય..? બસ..! તેવો જ હું તો થઇ ગયો.

.

હવે, તેમની પાછળ-પાછળ લાઈબ્રેરીમાં જાઉં તે તો સાવ ‘ચીપ’ જ લાગે, અને એટલું તો સમજતો હતો. પણ પછી, થોડીવારે મનમાં વિચાર આવ્યો, કે- ચાલને જોઈ તો આવુ, કે ત્યાં એ કરે છે શું, આટલી સવાર સવારમાં..!

જાણે અમસ્તો જ ટહેલ મારવા આવ્યો હોઉં તેવો દેખાવ કરતા મેં લાઈબ્રેરીમાં એન્ટ્રી મારી. આડાઅવળા અહીંતહીં ડાફોળીયા માર્યા, ને જોયું તો તે બંને ઐયર-સર સાથે વાત કરવામાં મગ્ન હતી.

એટલીવારમાં તો ઐયર-સરની નજર મારી પર પડી. અને તેમણે મને બૂમ પાડી-

"અરે પ્રશાંત, કમ હિયર પ્લીઝ..!"

.

હું તો વીજળી વેગે એમની પાસે ગયો.

"અરે, આ પ્રશાંત છે ને..! આને પૂછતી જા. હોશિયાર સ્ટુડન્ટ છે. કોઈ પણ સબ્જેક્ટનો સવાલ પુછ, તને આન્સર મળશે જ."

આટલું કહીને સર તો ચાલવા માંડ્યા. એટલે એણે મને કહ્યું-

"અરે આ સબ્જેક્ટ જો ને.. આમાં તો મને કંઈ જ નથી સમજાતું. બધું ઉપરથી જ જાય છે. તને ટાઈમ હોય તો મને આમાં ગાઈડ કરીશ કે?"

"અરે એમાં શું યાર..? શ્યોર..!" -મેં એકદમ 'દિલથી' જવાબ આપ્યો.

.

અને પછીના એક-બે કલાક હું તેને એટલી ઉત્સુકતાથી બધું સમજાવીને કહેતો રહ્યો, જાણે પરીક્ષામાં તેને પાસ કરવાની ટોટલ જવાબદારી મારી જ હોય.

આટલી મસ્ત છોકરી સાથે ક્યારનો હું શું વાતો કરું છું -એ જાણવા મારા એકાદ બે દોસ્ત આંટા ય મારી ગયા.

જે હોય તે. એટલી બધી ફિકર આપણે શું કરવાની.

બટ યસ, એ પછીનો મારો દિવસ બહુ જ સરસ ગયો, ફૂલ મૂડમાં હતો હું. એ દિવસથી એટ-લીસ્ટ "હાય-બાય" તો શરું થઇ જ ગયા.

.

પછી ચાર-પાંચ દિવસમાં એન્યુઅલ કાર્યક્રમ શરુ થઇ ગયા.

પહેલા જ દિવસે 'સાડી-ડે' હતો.

હું તો ખુબ જ ઉત્સુક હતો તેને સાડી પહેરેલી જોવા માટે.

સાડીમાં તો દોસ્ત, છોકરીઓ એકદમ સ્માર્ટ લાગે. યુ નો ધેટ..!

અને આજકાલ છોકરીઓ સાડી પહેરે છે જ ક્યારે? વરસના વચલે દહાડે..

ઘરના અંગત લગ્નોમાં, કે પછી આવા 'સાડી-ડે' વખતે.

હવે, તેમનાં ઘરનાં લગ્ન-પ્રસંગમાં જવા જેટલાં નસીબદાર આપણે તો છીએ નહીં, તો વધ્યો બસ આ એક સાડી-ડે.

તો જેમ હમણાં કહ્યું તેમ, હું ખુબ જ ઉત્સુક હતો સાડી પહેરેલી પાયલને જોવા માટે. આટઆટલી પરીઓમાં મારી નજર તો બસ તેને જ શોધી રહી હતી.

.

પણ તે દિવસે તે આવી જ નહીં. તેની સહેલી પેલી ગૌરી પાસેથી ખબર પડી, કે બે-ત્રણ દિવસ માટે તે પોતાને ગામ ગઈ છે.

લુટ ગયે.... પહેલે જ દિવસે, મારો તો મૂડ ઓફ..! [વધુ પ્રકરણ-૨માં]

.

અશ્વિન મજીઠિયા..