Arebiyan Nights ni Romanchak Vartao books and stories free download online pdf in Gujarati

Arebiyan Nights ni Romanchak Vartao

અરેબિયન નાઇટ્‌સ’ની રોમાંચક વાર્તાઓ

વિનુભાઇ ઉ. પટેલ

અનુક્રમણિકા

૧. શહરયાર અને શાહજમાં

૨. મૂર્ખ ગધેડો

૩. વેપારી અને જિદ્દી પત્ની

૪. દાનવ વેપારી

૫. વૃદ્ધ અને હરીણિ

૬. બે કાળા કૂતરા અને વૃદ્ધ

૭. વૃદ્ધ અને ખચ્ચરી

૮. ગરીબ માછીમાર

૯. દુબાં હકીમ

૧૦. સાચો અને ઇમાનદાર માણસ

૧૧. વજીર અને રાજકુમાર

૧૨. ચાર રંગોવાળી માછલીઓ

૧૩. કાળા ટાપુનો બાદશાહ

૧૪. ત્રણ ફકીર અને પાંચ બેગમો

૧૫. ગરીબ મજૂર

૧૬. પહેલો ફકીર

૧૭. બીજો ફકીર

૧૮. સજ્જન માણસ અને પરી

૧૯. ત્રીજો ફકીર

૨૦. બેગમ જુબેદા

૨૧. સિંદબાદ અને કઠિયારો

૨૨. પહેલી સફર

૨૩. સફર બીજી

૨૪. ત્રીજી સફર

૨૫. સફર ચોથી

૨૬. સફર પાંચમી

૨૭. છઠ્ઠી સફર

૨૮. સફર સાતમી

૨૯. નિર્દોષ પત્ની

૩૦. નૂરુદ્દીન અને બદરુદ્દીન

૩૧. એક કુબડો ગાયક

૩૨. કેરુનો ફિરંગી

૩૩. લસણ નહીં ખાતો મોદી

૩૪. ચાર અંગૂઠા કપાયેલો માણસ

૩૫. કપાયેલા હાથવાળો યુવાન

૩૬. એક અપંગની વાર્તા

૩૭. દસ ડાકુઓ

૩૮. બેડોળ બકબક

૩૯. બિચારો બકબારહ

૪૦. આંધળો બબૂક

૪૧. કાણિયો અલકોજ

૪૨. આળસુ અલંસચર

૪૩. શાહ બકબકી

૪૪. અબ્બુલહસન અને શમ્સુન્નહાર

૪૫. શાહજાદા કમરુજ્જમાંની પ્રેમકથા

૪૬. અમજદ અને અસદ

૪૭. બદચલન નૂરુદ્દીન

૪૮. બદ્રબાદશાહ અને ગુલનાર

૪૯. ગનીમ અને ફિતના

૫૦. શાહજાદા જૈનુસ્સનમની પ્રેમકથા

૫૧. શાહજાદો ખુદાદાદ

૫૨. દરિયાબારની શાહજાદી

૫૩. સૂતા જાગતા માણસની વાત

૫૪. અલાદ્દીન અને જાદુઇ ચિરાગ

૫૫. હારુન રશીદ અને ત્રણ માણસો

૫૬. અંધ અબ્દુલ્લા

૫૭. સીદી નોમાન

૫૮. ખ્વાજા હસન

૫૯. અલીબાબા અને ચાલીસ ચોર

૬૦. બગદાદનો અલીખ્વાજા

૬૧. ચાવીવાળો ઘોડો

૬૨. અહમદ અને પરીબાના

૬૩. બહેનોની દુશ્મનાવટ

અનુક્રમણિકા

૧ : શહરયાર અને શાહજમાં

પ્રાચીન કાળમાં યમન એક વૈભવશાળી દેશ હતો. એની જાહોજલાલી આંખોને આંજી દે તેવી હતી. ચારેબાજુ અસીમ સુખની નદીઓ વહેતી હતી જાણે. યમનનો રાજા હતો જમજાહ. તે હતો દયાવાન અને ન્યાયપ્રિય. એનું સામ્રાજ્ય દૂર દૂર સુધી વિસ્તાર પામ્યું હતું.

શહરયાર અને શાહજમાં રાજા જમજાહના બે પુત્રો. શહરયાર મોટો અને શાહજમાં નાનો. બાદશાહના અવસાન પછી શહરયાર યમનનો રાજા બન્યો. નાનાભાઇ શાહજમાંને એ દિલથી ખૂબ ચાહતો હોઇ એણે એને તાતાર દેશ આપી દીધો. શાહજમાં એ સમરકંદને તાતારની રાજધાની બનાવી. એ પણ સુખ ચેનમાં દિવસો વીતાવતો હતો.

સમયને વીતતાં ક્યાં વાર લાગે છે? દસ દસ વરસનાં વ્હાણાં જોતજોતામાં વાઇ ગયાં. શહરયારને નાનાભાઇની યાદ સતાવતી હતી. ભાઇને મળવા એનું હૈયું તલપાપડ થઇ રહ્યું હતું. એક દિવસ એણે એના મુખ્ય પ્રધાનને ભાઇ શાહજમાંને લેવા મોકલ્યો.

મોટાભાઇના પ્રધાનને પોતાના રાજમહેલમાં આવેલો જોઇ શાહજમાં ભાવવિભોર થઇ ગયો. ભ્રાતૃભાવની સરવાણીથી એનું હૈયું ભીંજાઇ ગયું. ભાઇનો સંદેશો સાંભળી એની આંખોમાં હર્ષાશ્રુ ઉભરાયાં.

માખણના પિંડ જેવા નરમ અને સુંવાળા એના કાળજા પર પ્રેમની ઓકળીઓ ઉપસી આવી.શાહજમાં એ પ્રધાનમંત્રીની આગતાસ્વાગતા કરવા હોઇ કચાશ રાખી નહીં.

દસ દિવસના સૂર્ય ઊગીને આથમી ગયા. અગિયાર દિવસે એ ભાઇને મળવા ચાલી નીકળ્યો.

થોડીક મંજિલ કાપ્યા પછી એ આરામ કરવા થોભ્યો. હકીકતમાં તો એને એની સુંદર બેગમની યાદ સતાવતી હતી.

અષાઢીબીજના ચાંદ જેવી સુંદર અને લાવણ્યમયી દેહયષ્ટિ ધરાવતી બેગમની યાદ આવતાં જ શાહજમાંએ એના કાફલાને પાછો વળવા હુકમ કર્યો. અધીરા હૈયે એ પાછો મહેલમાં આવ્યો.

પણ જેના મુખસૌંદર્યનું પાન કરવા એ બહાવરો બની ગયો હતો એ બેગમ એને ક્યાંય દેખાઇ નહીં. એણે દાસીઓને પૂછ્યું. કોઇ દાસી કઇં જણાવી શકી નહીં. છેવટે એણે બેગમના શયનગૃહ તરફ ડગ માંડ્યાં.

ત્યાં એણે જે દૃશ્ય જોયું એ જોઇને એના પગની નીચેથી જમીન સરકવા લાગી. માથા પર જાણે મણમણના ધણના ઘા ઝીંકાવા લાગ્યા. જેને એ પ્રાણથીયે અધિક પ્યાર કરતો હતો એ એની બેગમ અદના ગુલામ સાથે રંગરેલિયાં મનાવી રહ્યી હતી. કેવો ભયાનક વિશ્વાસઘાત! કેવી ધૃષ્ટ બેવફાઇ!

એનું હૈયું દાઝી ગયું. આંખોએ જાણે અંગારા ચંપાયા. એની હૈયા સગડીમાં ધિક્કાર અને નફરતના દાવાનળની જ્વાળાઓ ઊઠી.

ક્રોધથી એ તપાવેલા લોખંડની જેમ લાલચોળ થઇ ગયો. પળનોય વિલંબ કે વિચાર કર્યા વગર એણે મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી અને બેગમ અને ગુલામનાં માથાં ધડથી જુદાં કરી દીધાં.

અને એ ભાઇ શહરયારને ત્યાં જવા ચાલી નીકળ્યો.

ભાઇના આવવાના સમાચાર મળતાં શહરયારના હૈયામાં હરખની હેલી ચઢી. મહેલના દરવાજે જઇ નાનાભાઇનું ઉમળકાભેર સ્વાગત કર્યું. એને સૌથી સુંદર મહેલમાં ઉતારો અપાયો.

શાહજમાંનું ગળતું જતું શરીર જોઇ ભાઇ શહરયારને ચિંતા થવા લાગી. એનું મન બહેલાવવા એણે ભારતમાંથી કેટલીય શાનદાર વસ્તુઓ મંગાવી. સુંદરમાં સુંદર ગાયિકાઓ અને નૃત્યાંગનાઓની વ્યવસ્થા કરવા છતાં શાહજમાંનું સ્વાસ્થ્ય કથળતું જ ગયું.

છેવટે શહરયારે શિકારે જવાનું નક્કી કર્યું. પણ શાહજમાંનું મન માન્યું નહીં. શાહરયારે કશો હઠાગ્રહ કર્યો નહીં. શહરયારના શિકારે ચાલ્યા ગયા પછી શાહજમાં મહેલની બારીએ જઇ બેઠો.

અંધારું થતાં જ બેગમોના મહેલનો ગુપ્ત દરવાજો ઊઘડ્યો. એક ગુપ્ત દરવાજામાંથી એક એક કરીને પૂરી એકવીસ સ્ત્રીઓ નીકળી, જેમાં બાદશાહ શહરયારની બેગમ પણ હતી.

અચાનક ચમત્કાર થયો. પેલી એકવીસ સ્ત્રીઓમાંથી દસ સ્ત્રીઓએ એમનાં કપડાં કાઢી નાખ્યાં. કપડાં કાઢી નાખનારા દસ સ્ત્રીવેશમાં રહેલા પુરુષો હતા. થોડીવાર પછી બેગમે સાદ દીધો - ‘મસૂદ!...મસૂદ!’

સાદ દેતાં જ એક કાળો પડછંજ પુરુષ હાજર થયો. એણે બેગમને આલિંગનમાં જકડી લીધી. વાસના ભૂખ્યાં એ સ્ત્રી પુરુષ બેહ્‌દી રમત રમતાં રહ્યા. સૂરજની પહેલું કિરણ ફૂટતાં જ એ પ્રેમલીલા સમાપ્ત થઇ ગઇ.

આ દૃશ્ય જોઇ શાહજમાંનું દુઃખ ઓસરી ગયું. એને એ સમજાઇ ગયું કે સ્ત્રીઓ ઉપર વિશ્વાસ રાખે છે એ ધોખો ખાય છે. એના કાળજા પરથી દુઃખ અને ચિંતાનો ભાર હળવો થઇ ગયો. તેનામાં પ્રસન્નતા ફરી પાંગરી ઊઠી.

શહરયારે શાહજમાંને રાજીપાની વાત પૂછી તો એ આંખ આડે કાન કરતો રહ્યો.

વારંવાર શાહજમાંને શહરયાર પૂછતો જ રહ્યો. અંતે સાચી વાત કહેવા શાહજમાંને મજબૂર થવું પડ્યું.

શાહજમાં પાસેથી ખરી હકીકત જાણ્યા પછી શહરયાર ધૂંઆપૂંઆ થઇ ગયો. છતાં હજી તેને નાનાભાઇની વાત પર વિશ્વાસ બેસતો ન હતો. ત્યારે શાહજમાંએ ફરી પરીક્ષા લેવા જણાવ્યું.

બંન્ને ભાઇઓએ શિકાર કરવા જવાની જાહેરાત કરી. બંન્ને શહેરથી થોડે દૂર જઇ અટકી ગયા. રાત પડતાં જ બંન્ને જણા લપાતા છુપાતા મહેલમાં આવી બારીએ બેસી ગયા.

રાત પડી. ફરી એકવીસ સ્ત્રીઓ. દસ પુરુષો અને દસ સ્ત્રીઓ. બેગમે મસૂદના નામનો સાદ કર્યો. મસૂદ હાજર થતાં જ જેમ વૃક્ષને વેલ વિંટળાઇ જાય એમ એ મસૂદને વિંટળાઇ ગઇ. બંન્ને છાકટાં બની પ્રેમક્રીડામાં ખોવાઇ ગયાં.

શહરયારની આંખોમાં લોહીના ટશિયા ફૂટ્યા. જાણે એક સામટા હજાર કાળોતરા ડસી ગયા એને. હતાશ થઇ એણે કહ્યું - ‘જિંદગીનો શો વિશ્વાસ! આ પતિત ઓરતો સાથે રહી શ્વાસ લેવાનું પણ દોહ્યલું થઇ જાય છે. હું બહુ દુઃખી છું, શાહજમાં! ચાલ, સફરે ચાલી નીકળીએ.’

‘મોટાભાઇ! આપની વાત શી રીતે હું નકારી શકું! પણ આ દુનિયામાં કોઇ આપણાથી પણ વધારે દુઃખી કોઇ આપણને ભેટી જાય તો આપણે પાછા ફરવું પડશે.’

શહરયારે શરત સ્વીકારી લીધી.

બંન્નેભાઇઓ સફરે ચાલી નીકળ્યા. ખૂબ ચાલ્યા પછી તેઓ એક નદીના કિનારે પહોંચ્યા. નદી ઘણી મોટી હતી. બંન્ને ખૂબ થાકેલા હતા. તેથી જોતજોતામાં ઊંઘી ગયા. ગાઢ નિદ્રામાં પડે તે પહેલાં બંન્નેએ ભયંકર ગર્જના સાંભળી. તેઓ ગભરાઇ ગયા. તેમણે આમતેમ જોયું. તેમણે જોયું કે નદીમાંથી એક ભીમકાય થાંભલો બહાર આવી રહ્યો હતો. તે આકાશ ભણી ખૂબ ઊંચો થયો. અંતે એમાંથી એક શેતાન પ્રગટ થયો.

શેતાનની પાસે કાચની પેટી હતી. પેટી ઉપર મોટાં મોટાં ચાર તાળાં લાગેલાં હતાં.

શેતાનની બીકથી બંન્ને ભાઇ ઝાડ પર ચઢી ગયા અને આગળ શું થાય છે એ જોવા લાગ્યા. શેતાને પેલી પેટી ઉઘાડી. પેટી ઉઘડતાં જ એમાંથી આકર્ષક દેહલાલિત્ય ધરાવતી એક સુંદરી બહાર આવી. એની સુંદરતા ચિત્તાકર્ષક હતી. શરીર પર એણે કીમતી વસ્ત્રો અને ઘરેણાં ધારણ કરેલાં હતાં.

શેતાને સુંદરી કહ્યું - ‘તારા સૌંદર્ય પર ઓળઘોળ થઇને હું અહીં તને લાવ્યો છું. પણ આજે હું ખૂબ થાકી ગયો હોવાથી તારી સાથે મઝા માણી શકું એમ નથી. આજે હું સૂઇ જાઉં છું.’

શેતાન ઊંઘી ગયો. અચાનક પેલી સુંદરીની નજર બે ભાઇઓ ઉપર પડી. એણે એમને નીચે આવવા ઇશારો કર્યો. બે ભાઇઓ નીચે આવવાની ના પાડી ત્યારે શેતાનને જગાડીને તેમને મસળી નાખવાની સુંદરીએ ધમકી આપી.

મોતની બીકથી પેલા બે નીચે આવ્યા. સુંદરીએ એમને એની વાસના સંતોષવા જણાવ્યું. ભયના માર્યા બંન્નેએ પેલી સુંદરીની વાસના સંતોષી.

રતિક્રીડા દરમ્યાન પેસી સુંદરીએ બે ભાઇઓના હાથની આંગળીઓ ઉપરથી વીંટીઓ કાઢી લઇ એક માળામાં પરોવી દીધી. એણે કહ્યું - ‘આ શેતાન મને સાગરના ઊંડા પાણીમાં રાખે છે. વળી એ એમ માને છે કે હું બેદાગ પવિત્ર સતી છું. પણ મેં આમ જ સો વીંટીઓ એકઠી કરેલી છે. મારે તમને જણાવવું છે કે સ્ત્રીને કોઇ ગુલામ બનાવી શકતું નથી. એ જે ધારે છે તે કરીને જ જંપે છે. હવે તમે બંન્ને અહીંથી નાસી છૂટો.’

એમના ગયા પછી સુંદરી શેતાનના પડખામાં સમાઇ ગઇ. સસ્તામાં શાહજમાંએ કહ્યું - ‘આ કુલટા કેટલી નીચ છે, છતાં શેતાન એને પતિવ્રતા સમજે છે. વાસ્તવમાં સ્ત્રીના ચરિત્ર અને પુરુષના ભાગ્યને ભગવાન પણ નથી સમજી શકતા. ભાઇ! તમે જ કહો કે આ શેતાન આપણાથી ઓછો દુઃખી છે?’

આપણી શરત પ્રમાણે હવે આપણે ઘરે પાછા ફરીએ. ઘેર પાછા આવીને શહરયારે એની એકવીસ બેગમો અને ગુલામોને મોતને ઘાટ ઉતારી દીધાં. શાહજમાં પણ એના શહેર સમરકંદ ચાલ્યો ગયો.

આ પછી શહરયારે પ્રતિજ્ઞા કરી કે તે દરરોજ એક કાચી કુંવારી કન્યા સાથે લગ્ન કરશે અને આખી રાત એની સાથે આનંદ માણી સવાર પડતાં એની કતલ કરી દેશે. બાદશાહના આ હુકમથી આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો. લોકો દેશ છોડી ભાગવા લાગ્યા.

પણ પ્રધાનજી શી રીતે નાસી છૂટે! એને શહરજાદ અને દુનિયાજાદ નામની બે દીકરીઓ હતી. મોટી દીકરી વિદ્વાન, ગુણવાન, હિંમતવાન અને સમજદાર હતી. પિતાને તેણે કહ્યું ‘પિતાજી! હું મારા જ્ઞાનથી બાદશાહ સલામતને પાઠ ભણાવી છોકરીઓ પર થનાર અત્યાચારનો અંત લાવવા માગું છું. આપ મારી ચિંતા કરશો નહીં.’

પ્રધાને નવાઇ પામતાં કહ્યું - ‘તું પાગલ થઇ ગઇ છે. જાણી જોઇને તું બળતામાં હાથ નાખવા તૈયાર થઇ છે. તને મોતનો ડર નથી લાગતો? વગર વિચાર્યે જે બીજાના કામમાં દખલ દે છે. તે મૂર્ખ ગધેડાની જેમ માર્યો જાય છે.’

‘શી રીતે અબ્બાજાન?’ મને મૂર્ખ ગધેડાની વાર્તા કહો.

અનુક્રમણિકા

૨ : મૂર્ખ ગધેડો

ઘણા સમય પહેલાંની વાત છે. એક જાનવરાનો વેપાર કરનાર વેપારી હતો. ખેતી અને પશુપાલન એનો મુખ્ય ધંધો હતો. એકવાર જાનવરો ખરીદવા એ કોઇક ગામમાં ગયો.

રાત થઇ ગઇ હતી એ ગામમાં જાનવરોનો વેપાર કરતા વેપારીએ પેલા જાનવર ખરીદવા આવેલા વેપારીને પશુઓના વાડા પાસે રાતવાસો કરાવ્યો.

આ વાડામાં એક ગધેડું અને એક બળદ પણ હતા. ગધેડું અને બળદ એકબીજા સાથે વાતચીત કરી રહ્યાં હતા. વેપારીને એમની વાત સાંભળવામાં રસ પડ્યો.

બળદ ગધેડાને કહેતો હતો - ‘ગધેડાભાઇ! તમે મારાથી વધારે સુખી છો. હું દિવસ આખો હળ ખેંચું છું. માલની હેરાફેરી કરું છું. રાત દિવસ સખત મહેનત કરું છું. છતાં રાતે ઘેર આવું છું ત્યારે મારો માલિક મને સડેલું ઘાસ ખાવા આપે છે. મારે તો સૂવાનું પણ છાણ મૂત્રથી ગંધાતી જમીન પર મારાથી હવે આ દુઃખ સહન થતું નથી. ભગવાન હવે મને એમની પાસે બોલાવી લે તો સારું.’

ગધેડાએ લાગણીવશ થઇ કહ્યું - ‘હે બળદભાઇ! તમે પોતે જ આનંદ કે સુખમાં રહેવું પસંદ કરતા નથી. તમે તમારા માલિકનું કામ કરી કરીને અધમૂઆ થઇ જશો તોય તેને તમારી ઉપર દયા આવવાની નથી. મારી સલાહ માનો. કાલથી તમે બિમારીનું નાટક શરૂ કરી દો. ખાવા પીવાનું પણ બંધ કરી દો.’

બળદને ગધેડાની વાત ગળે ઉતરી. બીજા દિવસે એણે એમ જ કર્યું. તે બિમારીનું નાટક કરી પડી રહ્યો. ખેડૂત એને કામે જોતરવા આવ્યો ત્યારે એણે બળદને બિમાર પડેલો જોયો. ખેડૂતે જઇને એના માલિકને બળદની માંદગીની વાત કરી.

માલિકે આ સાંભળી ખેડૂતને કહ્યું - ‘જો બળદ બિમાર હોય તો આજે ગધેડાને હળે જોતરી કામ ચલાવી લે.’

ખેડૂતે ગધેડાને હળે જોડ્યો. દિવસ આખો હળ ખેંચી ખેંચીને ગધેડો મરણ તોલ થઇ ગયો. બળદ તો નિરાંતે આરામ કરતો હતો.

‘દિકરી! વગર વિચાર્યું કામ કરવું એ આફતને આમંત્રણ આપવા જેવું છે.’ પણ શાહજાદી શહરજાદે પિતાની વાત માની નહીં. આથી પ્રધાને ગુસ્સામાં દીકરીને કહ્યું - ‘તું તારા જ પગ પર કુહાડો મારી રહી છે. નકામો તારો જીવ ગુમાવીશ. જો તું તારી જીદ નહીં છોડે તો જેમ પેલા હઠીલા વેપારીએ એની પત્નીને શિક્ષા કરી એમ તું પણ સજાને પામીશ’

‘એ શી રીતે, અબ્બાજાન?’

અનુક્રમણિકા

૩ : વેપારી અને જિદ્દી પત્ની

પ્રધાને જણાવ્યું કે બીજે દિવસે વેપારી અને એની પત્ની જમી પરવારી બળદ અને ગધેડાની વાતો સાંભળવા લાગ્યા.

ગધેડાએ બળદને પૂછ્યું - ‘હે બળદભાઇ! હવે તમે શું કરશો?’

લાંબો શ્વાસ લેતાં બળદે કહ્યું - ‘હે ગર્દભભાઇ! હું તો તમારો બતાવેલો કીમિયો અજમાવીને આરામનું જીવન વીતાવીશ.’

‘ભાઇ! એમ કરશો તો, તમારો જીવ ગુમાવશો.’

‘એ શી રીતે, ભલા?’

‘તમારો માલિક ચમારનો કહેતો હતો કે તેનો બળદ બિમાર છે. હું એનું ચામડું ઉતરાવવા ઇચ્છું છું.’

આ વાત પર વેપારીને ખડખડાટ હસવું આવી ગયું. પત્ની એ હસવાનૂું કારણ પૂછ્યું. પતિએ પત્નીને કહ્યું કે, આ ગધેડા અને બળદની વાતો છે. હું તને એ નહીં જણાવી શકું.

સાંભળતાં જ એની પત્ની રાતીપીળી થઇ ગઇ. તેણે જીદ પકડી. રડવાનું શરૂ કર્યું. ધમકી આપતાં એણે પતિને કહ્યું કે જો એ તેને ખરી વાત નહીં જણાવે તો પોતે જીવ કાઢી દેતાં પણ નહીં ખચકાય. સમસ્યા તો હવે ઊભી થઇ. જો પતિ તેને વાત જણાવી દે તો પતિનો જીવ જઇ શકે એમ હતું.

મજબૂર પતિ દરવાજા પાસે બેસી ગયો. ત્યાં મરઘો. મરઘી સહવાસમાં મગ્ન હતાં. એક કૂતરાએ આ દૃશ્ય જોયું. એણે મરઘાને ધિક્કારતાં કહ્યું - ‘તારા માલિકની ચિંતાનો પાર નથી. ને તું અહીં આનંદ લૂંટી રહ્યો છે!’ ધિક્કાર છે તને.

મરઘાએ જોરથી બાંગ લગાવતાં અભિમાનથી કહ્યું - ‘માલિક ડરપોક છે. પોતાની ઘરવાળીથી ગભરાય છે, જુઓ, હું પચાસ મરઘીઓનો એકલો ઘણી છું, છતાં બધીને મારા કાબૂમાં રાખું છું. મારા માલિકે તો એની પત્નીને ઓરડામાં પૂરી દઇ ઢોર માર મારવો જોઇએ, કૂતરાભાઇ! મારથી તો ભલભલાં ભૂતેય ભાગી જાય.’

વેપારી આ સાંભળીને તેની પત્નીને લઇ એક ઓરડામાં ચાલ્યો ગયો. તેણે પત્નીને લાકડીથી ફટકારવાનું શરૂ કર્યું. પત્ની જોરજોરથી રડવા લાગી, અને કહેવા લાગી કે હવે તે કશું જ પૂછશે નહીં.

પ્રધાને તેની દીકરીને કહ્યું - ‘હું તારી હઠને લીધે જ સજા પામીશ.’

શાહજાદી શહરજાદે પ્રત્યુત્તર આપતાં કહ્યું - ‘અબ્બાજાન! આવા તો અનેક કિસ્સાઓ હું પણ આપને સંભળાવી શકું એમ છું. પણ મારે આપનો સમય બગાડવો નથી. જો આપ બાદશાહ સલામનને મારી ઇચ્છા નહીં જણાવો તો હું સામે ચાલીને એમની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકીશ.’

આખરે વિવશ પ્રધાને દીકરીની વાત બાદશાહને જણાવી. બાદશાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું - ‘તમારી દીકરી માટે હું મારી પ્રતિજ્ઞાનો ભંગ કરવાનો નથી. તેથી હું આ લગ્ન નહીં કરી શકું.’

પણ શાહજાદી એમ ક્યાં માને એવી હતી! અંતે બાદશાહે શહરજાદ સાથે લગ્ન કરી લીધાં. શહરજાદ બાદશાહના મહેલમાં આવી બાદશાહે જેવો એનો ઘૂંઘટ ઊઠાવ્યો કે એના મુખમાંથી શબ્દો નીકળ્યા - ‘માશા અલ્લાહ...’

પણ શહરજાદની આંખો આંસુથી છલકાઇ ગઇ હતી. બાદશાહે પૂછ્યું - ‘બેગમ! તમારી આંખોમાં આંસુ?’

‘મારા સરતાજ! મારી દુનિયાજાદ નામની એક નાની બહેન પણ છે. આપની રજામંદી હોય તો એને બોલાવી લઉં અહીં. હું એને દિલોજાનથી ચાહું છું.’

બાદશાહે તેને તેમ કરવા આજ્ઞા કરી. દુનિયાજાદ આવી ગઇ. તે પણ ખૂબ સુંદર હતી. થોડીવાર ત્રણેય જણાં નિઃશબ્દ બેઠાં રહ્યાં. થોડીવાર પછી દુનિયાજાદે કહ્યું - ‘બહેન! કોઇ વાર્તા સંભળાવો. મને માથામાં દર્દ થવા આવ્યું છે.’

‘મારા ખાવિંદનો હુંકમ હોય તો.’

બાદશાહે હુકમ કર્યો.

શહરજાદે વાર્તા કહેવી શરૂ કરી.

અનુક્રમણિકા

૪ : દાનવ અને વેપારી

એક ધનાઢ્ય વેપારી વેપાર અર્થે દેશ વિદેશના પ્રવાસે નીકળ્યો હતો. એ પાછો ફરી રહ્યો હતો ત્યારે થાકનો માર્યો આરામ કરવા બેઠો. એક તળાવના કિનારે ઘટાદાર વૃક્ષોનો છાંયડો જોઇ એ આકર્ષાયો હતો.

બેઠો બેઠો ફળો ખાઇ તેમના ઠળિયા આમતેમ નાખતો જતો હતો. પછી એણે ભગવાનને પ્રાર્થના કરી. એ શાંતિથી બેઠો હતો ત્યારે એક શેતાન હાથમાં ભયંકર છરા સાથે ત્યાં પ્રગટ થયો. તેણે વેપારીને પડકારતાં કહ્યું - ‘બદમાશ! હમણાં જ હું તને હલાલ કરી દઉં છું.’

‘પણ કેમ?’

‘કેમ કે તેં મારા દીકરાની હત્યા કરી છે.’

‘અરે ભાઇ! મેં તો એક નાની સરખી કીડીનેય મારી નથી તો પછી આવો મિથ્યા આરોપ મૂકવાનું કોઇ કારણ?’

દાંત કચકચાવતાં શેતાને કહ્યું - ‘તું ફળ ખાઇને એના ઠળિયા ફેંકતો હતો ત્યારે એક ઠળિયો મારા દીકરાની આંખમાં વાગ્યો. તારો ઘા એવો ભયંકર હતો કે મારો દીકરો મરી ગયો.’

ક્ષમા માગતાં વેપારીએ કહ્યું - ‘દૈત્યરાજ! મને ક્ષમા કરો. મેં જાણી જોઇ એમ કર્યું નથી. ભૂલથી બની ગયું હશે.’

દૈત્ય માન્યો નહીં. તે વેપારી ઉપર તૂટી પડ્યો. પુત્ર અને પત્નીને યાદ કરતાં. એણે જોરથી એવી તો ચીસ પાડી કે શેતાનના હાથ અટકી ગયા.

સવાર થઇ ચૂક્યું હતું. શહરજાદે તેની વાર્તાને વચમાં અટકાવી. બાદશાહ ખુશ હતો. પૂરી વાત સાંભળવા એ અધીરો બની ગયો હતો. તેણે કહ્યું કે જ્યાં સુધી વાર્તા પૂરી થશે નહીં ત્યાં સુધી એની પત્નીને મારવામાં આવશે નહીં.

આ બાજુ પ્રધાન દીકરીના મોતની ચિંતામાં આકુળ વ્યાકુળ થઇ રહ્યો હતો. આખી રાત તે ઊંઘી શક્યો ન હતો. બાદશાહ ક્યારે એની દીકરીનું માથું ઉતારી લેવાનો હુકમ કરશે એની ચિંતામાં એ વ્યગ્ર હતો, પણ આવો કોઇ હુકમ સવાર થયા છતાં સંભળાયો નહીં. એ આનંદથી નાચી ઊઠ્યો.

આખો દિવસ રાજા રાજકાજમાં ડૂબેલો રહ્યો. રાત્રે પાછા ફરી એણે શહરજાદ સાથે આનંદ લૂંટ્યો. પછી એણે દાનવ અને વેપારીની વાત પૂરી કરવા કહ્યું. હવે દુનિયાજાદ પણ આવી ગઇ હતી. શહરજાદે વાર્તા આગળ વધારવી શરૂ કરી વેપારીએ દૈત્યને વારંવાર વિનંતી કરી કે એને પોતાની પત્ની અને બાળકોને મળવા દેવામાં આવે. એમને મળીને એ એક વરસમાં પાછો આવી જશે.

કોણ જાણે કેમ શેતાનને તેના પર દયા આવી.

એણે એને જવાની પરવાનગી આપી.

વેપારી પોતાનાં પત્ની અને બાળકોને મળવા તો આવ્યો, પણ એ ખૂબ વ્યથિત હતો. વાતવાતમાં એ રડી પડતો. એણે એનો કારભાર દીકરાઓને સોંપી દીધો. લેણદેણની પણ પતાવટ કરી નાખી.

વરસ વીત્યે જ્યાં પેલો કાળો દૈત્ય રહેતો હતો, એ જંગલમાં તે પાછો આવ્યો.

આ સમયે ત્યાં એક વૃદ્ધ તેની હરીણિ સાથે આવી ચઢ્યો. વેપારીની બધી વાતો સાંભળીને વૃદ્ધે તેનાં વખાણ કર્યાં,- ‘તારા જેવો સાચુકલો અને ઇમાનદાન આદમી આ ધરતી પર શોધ્યો જડે એમ નથી. ખુદા તારી રક્ષા કરે.’

આ સમયે એકબીજો વૃદ્ધ પણ ત્યાં આવી ચઢ્યો. એની સાથે કાળા કૂતરા હતા. તેણે પણ વેપારીની વાત સાંભળી. ને અંતિમ પરિણામની રાહ જોવા લાગ્યો.

વળી એક ત્રીજો વૃદ્ધ પણ ખચ્ચર સાથે ત્યાં આવ્યો.

એટલામાં દૈત્ય અટ્ટહાસ્ય કરતો ત્યાં આવી ચઢ્યો. પેલો હરીણિ વાળો વૃદ્ધ શેતાનના પગ પકડી બોલ્યો. ‘જો તમે મને જીવતદાન આપશો તો હું આ હરીણિની વાર્તા આપને સંભળાવીશ. જો આપને ઠીક લાગે તો આ વેપારીનો ગુનો માફ કરી દેજો.’

શેતાને બૂઢાને વાર્તા કહેવા મંજૂરી આપી.

અનુક્રમણિકા

૫ : વૃદ્ધ અને હરીણિ

વૃદ્ધે કહ્યું - ‘આ હરીણિ મારી પિતરાઇ બહેન અને પત્ની છે. બાર વર્ષની ઉંમરે મેં એની સાથે લગ્ન કર્યાં હતાં. અમારી વચ્ચે ખૂબ પ્રેમ હતો અને અમે સુખચેનથી જીવતાં હતાં.’

વરસો વીતવા છતાં અમારે ત્યાં કોઇ સંતાન ન થયું. છેવટે મેં એક દાસી ખરીદી. એણે એક પુત્રને જન્મ આપ્યો. જ્યારે એ દસ વર્ષનો થયો ત્યારે વેપારના કામ અર્થે મારે બહાર જવાનું થયું. મેં પેલાં બેઉની જવાબદારી મારી પત્નીને સોંપી.

મારા ગયા પછી મારી પત્નીએ કાળો જાદુશીખી લીધો. એણે દાસીને ગાય અને મારા દીકરાને વાછરડો બનાવી દીધો. બંનેને તેણે એક વિશ્વાસુ ગોવાળિયાની ગૌશાળામાં મોકલી દીધાં.

હું જ્યારે કામધંધેથી પાછો આવ્યો ત્યારે મારી પત્ની રડવા લાગી. રડતાં રડતાં એણે કહ્યું કે દાસી મરી ગઇ છે અને પુત્ર કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે. મારા પર તો જાણે આભ તૂટી પડ્યું. હું ગમગીન થઇ ગયો. મારા દીકરાને હું શોધતો હતો પણ એનો ક્યાંય પત્તો લાગ્યો નહીં.

ઇદને દિવસે મેં નક્કી કર્યું કે ઇબ્રાહીમ ખલીલુલ્લાહને ‘સુન્નત’ની બલી ચઢાવીશ. એ માટે મેં મારા ગોપાલકને એક મોટી ગાય લાવવા જણાવ્યું. એ એ જ ગાય લાવ્યો કે જે મારી રખાત હતી. એની આંખોમાંથી આંસુઓની ધારા ચાલી. મારાથી એને હલાલ કરવાનું સાહસ ના થયું. તેથી મેં તેને એક બીજા માણસ પાસે હલાલ કરાવી. જો કે મારે એને હલાલ કરવી ન હતી પણ તેમ કરવા મારી પત્નીએ જીદ પકડી હતી.

ત્યાર પછી મેં વાછરડાને મંગાવ્યો, જે મારો દીકરો હતો. એ તો બિચારો રડવા જ લાગ્યો. મારા પગમાં પડી ગયો. મારી પત્નીના હઠાગ્રહ છતાં મેં એને હલાલ કર્યો નહીં, વિચાર્યું કે આવતી ઇદના દિવસે એને હલાલ કરીશ.

એ પછી મારી ગોપાલકે જણાવ્યું કે - ‘માલિક! મારી દીકરી થોડો ઘણો કાળો જાદુ જાણે છે. જ્યારે હું એને લઇ જઇ રહ્યો હતો ત્યારે તે એક સાથે રડવા હસવા લાગી. બેઉ બાબતોને એક સાથે થતી જોઇ મેં જ્યારે મારી દીકરીને પૂછ્યું તો તેણે જણાવ્યું કે આ વાછરડો તમારા માલિકનો પુત્ર છે, અને જે ગાયની કતલ કરવામાં આવી છે તે તેની રખાત છે.’

વેપારીના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. પછી વાછરડા પાસે ગયો. વાછરડો તેને જોઇ નાચવા કૂદવા લાગ્યો. વેપારી આહિરની દીકરી પાસે જઇ બોલ્યો - ‘બેટી! શું તું આને પાછો માણસ બનાવી શકું ખરી?’

છોકરીને ઉત્તરવાળતાં કહ્યું - ‘બનાવી તો દઉં, પણ મારી એક શરત છે.’

‘શી શરત છે?’

‘જો તમે તમારા દીકરાનું મારી સાથે લગ્ન કરાવો અને તમારી દુષ્ટા પત્નીને સખત શિક્ષા કરો તો તમારું કામ કરવાની મારી તૈયારી છે. બોલો છે મંજૂર?’

મેં એની વાત માની લીધી. એણે એક પાત્રમાં પાણી ભર્યું. પછી મંત્ર ભણી. વારંવાર વાછરડા પર છાંટવા લાગી. ફરીથી તે વાછરડામાંથી માણસ થઇ ગયો. મેં મારા દીકરાને લાગણીભીના હૈયે છાતીસરસો ચાંપી દીધો. પછી મેં એને આહિર કન્યાની શરત જણાવી. મારા દીકરાએ તેની સાથે લગ્ન કરી લીધું.

તે પછી મારા દીકરાની વહુએ તેના કાળા જાદુના કામણથી મારી પત્નીને હરીણિ બનાવી દીધી. થોડાં જ વરસોમાં મારા દીકરાની વહુ પરલોક સિધાવી ગઇ. મારા દીકરાની બેચેની વધતી જઇ. એ ધંધારોજગાર માટે બહાર ચાલ્યો ગયો. પણ તે ગયો તે ગયો જ ફરી કદી પાછો આવ્યો નહીં.

દીકરાના વિયોગે મને દુઃખી દુઃખી કરી મૂક્યો. મેં એને શોધી કાઢવાનો મનસૂબો કર્યો. એને શોધવા મેં ઘર છોડ્યું. પાછળ કોઇ વિશ્વાસુ માણસ ના રહ્યો. તેથી ના છૂટકે હરીણિ બનેલી મારી પત્નીને સાથે રાખવી પડી. હે શેતાન રાજા! શું મારી વાત મજેદાર નથી?

શેતાને કહ્યું - ‘હા,હા, હું એ ગુનેગાર વેપારીના ગુનાનો ત્રીજો ભાગ માફ કરું છું.’

બાદશાહ શહરયારને વાતમાં રસ પડ્યો હતો. એણે શહરજાદને કંઇક વધારે સંભળાવવા કહ્યું. શહરજાદે બે કાળા કૂતરા અને વૃદ્ધની વાર્તા શરૂ કરી.

અનુક્રમણિકા

૬ : બે કાળા કૂતરા અને વૃદ્ધા

બે કૂતરાવાળા વૃદ્ધે એની કથા આ રીતે કહી -

અમે ત્રણ ભાઇઓ હતા. મરતી વેળાએ અમારા અબ્બાએ એમની મિલકતમાંથી અમને એક એક હજાર દીનાર આપ્યા હતા. અમને મળેલી એ પૂંજીમાંથી અમે ત્રણેય ભાઇઓએ વેપાર શરૂ કર્યો. અમારા ત્રણેયનો વેપાર જુદો જુદો હતો.

ત્રણ વર્ષ પછી મારો મોટોભાઇ એનો વેપાર બંધ કરીને પરદેશ ચાલ્યો ગયો. અમારો વેપાર ચાલુ જ હતો. એક દિવસ એકાએક એક ભિખારી મારી સામે આવી ઊભો અને ભીખ માગવા લાગ્યો. એના રંગઢંગ વિચિત્ર હતા. મને કહ્યું - ‘ભાઇ! શું આ કમભાગીને ભૂલી ગયા?’

હું ઓળખી ગયો એને. ગદ્‌ગદ્‌ થઇ મેં એને ગળે લગાડી દીધો. હેતનાં ઝળઝળિયાં ઉભરાયાં અમારા બંનેની આંખોમાં.

એની આવી દયનીય દુર્દશા જોઇ હું ખિન્ન થઇ ગયો. મેં એને ધંધો ફરી શરૂ કરવા એક હજાર દીનાર આપ્યા.

આ બનાવ પછી મારો નાનો ભાઇ પણ દુકાન વેચી પરદેશ ચાલ્યો ગયો. થોડાક જ સમયમાં એ પણ ભિખારી થઇ પાછો ફર્યો. મેં એને પણ હજાર દીનાર ખર્ચીને દુકાન ખોલી આપી.

હવે તે બંન્નેએ મને પરદેશ જઇ ધન કમાવા મજબૂર કરી દીધો. મેં ત્રણ હજાર દીનાર લઇ પરદેશ જવાનું અને ત્રણ હજાર દીનાર જમીનમાં ભંડારી દેવાનું નક્કી કર્યું.

અમે ત્રણેય દરિયાઇ માર્ગે પરદેશ જવા નીકળ્યા.

એક મહિના પછી અતિશય સમૃદ્ધ શહેરના દરિયા કિનારે અમારી નૌકા આવી પહોંચી. અહીં વેપાર કરીને અમે દસ ગણા દીનાર કમાયા. અમારી પાસે જોતજોતામાં ધનના ઢગલા થઇ ગયા.

અમે પાછા ફરવાનું વિચાર્યું. જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે રૂપરૂપના અંબાર જેવી સૌંદર્યની શાહજાદી નવયુવતી અમને મળી. ચાંદને શરમાવે એવું એનું રૂપ! જોતાં જ હું એની નજાકત પર આફરીન થઇ ગયો. એની લાવણ્યમયી દેહલત્તાએ, જેમ લોહચુંબક લોખંડના ટુકડાને આકર્ષે એમ મને આકર્ષ્યો.

એણે મને મારી દાસી બનાવવા વિનંતી કરી. મેં એની વિનંતી સ્વીકારી લીધી. મેં એને નવાં વસ્ત્રો અને આભૂષણો આપ્યાં. તે પહેરીને નવયૌવના વધારે આકર્ષક લાગી. પછી મેં તો એની સાથે લગ્ન કરી લીધાં.

અમે પાછા અમારા શહેરમાં આવી ગયા. હું ખૂબ ખુશ હતો. મારી ખુશી મારા ભાઇઓના કાળજે કાંટાની જેમ ભોંકાતી હતી. ઇર્ષાની આગમાં બળીને તેઓ હેવાન બની ગયા. એક દિવસ તક મળતાં નૌકાવિહારના બહાને તેઓ મને અને મારી પત્નીને દરિયામાં લઇ ગયા. તેમણે અમને બંન્નેને દરિયાના ઊંડા પાણીમાં ફંગાળી દીધાં.

મને તો ત્યારે જ ખબર પડી કે મારી પત્ની કોઇ સાધારણ સ્ત્રી ન હતી. પણ જાદુગરણી પણ હતી. તેણે તેની જાદુવિદ્યાના પ્રભાવથી મને અને તેની જાતને ડૂબતાં બચાવી. પલકવારમાં તેણે એક બેટ ઉપર મને લાવી મૂક્યો.

મારી પત્નીએ એ જ ક્ષણે પ્રતિજ્ઞા કરી કે તે મારા ભાઇઓને જીવતા રહેવા દેશે નહીં. મેં એને એમ ન કરવા સમજાવી. મેં એને કહ્યું કે મોત સિવાય જે સજા કરવી હોય તે તું કરી શકે છે એમ છે. મેં પ્રેમપૂર્વક કહ્યું - ‘મને જીવનદાન દેનારી પ્રાણપ્યારી જીવનદાત્રી! મારા ભાઇઓને હણીશ નહીં.’

એણે મારી વિનંતીને આવકારી. મારા ભાઇઓને નહીં મારવાનો મને દિલાસો દીધો. એણે મને બેટપરથી મારા ઘેર પહોંચાડી દીધો. અને અંતે એ પણ અદૃશ્ય થઇ ગઇ.

જમીનમાં દાટેલું ધન ખોદી કાઢી મેં ફરી વેપાર શરૂ કર્યો. એક દુકાન ખોલી દીધી.

એક દિવસ દુકાને જઇ જેવો હું ગાદી ઉપર બેઠો કે તરત જ બે કાળા કૂતરા મારી સામે આવી ઊભા અને પૂંછડી પટપટાવવા લાગ્યા. પછી તો તે કૂતરા મારા પગ ચાટવા લાગ્યો.

મને અચંબો થયો.

બરાબર એ જ સમયે આકાશમાર્ગેથી મારી જાદુગર પત્ની મારી સામે આવી ઊભી અને બોલી - ‘મારા સરતાજ! આ બે કૂતરા આપના ભાઇ છે. મારી બહેને એમના વહાણને દરિયામાં ડૂબાડી દીધું અને એમને દસ વરસો માટે કૂતરા બનાવી દીધા.’

હું કશી વાત કરું એ પહેલાં તો એ અદૃશ્ય થઇ ગઇ.

વૃદ્ધે કહ્યું - ‘શેતાનરાજ! દસ વરસ પૂરાં થઇ ગયાં છે. હું એ જાદુગરણીને શોધી રહ્યો છું. કહો, કેવી લાગી મારી આ વાર્તા?’

‘ઘણી જ રસિક. હું એ વેપારીના ગુનાનો એક વધુ હિસ્સો માફ કરું છું. હવે તું વાર્તા સંભળાવ ઘરડા ખચ્ચરવાળા.’

અનુક્રમણિકા

૭ : વૃદ્ધ અ ખચ્ચરી

ત્રીજો વૃદ્ધ લાંબો નિશ્વાસ નાખતાં બોલ્યો - ‘હે શેતાન રાજા! આ દેખાય છે. તે ખચ્ચર નથી. આ તો મારી પત્ની છે. હું મારી પત્નીને બેહદ ચાહતો હતો.’

એકવાર હું સફર પર ગયો હતો. ઘણા દિવસો પછી પાછો આવ્યો ત્યારે રાત પડી ગઇ હતી. હું ચોરની જેમ દબાતે પગમાં ઘરમાં દાખલ થયો.

મારા શયનખંડ પાસે જઇ જોયું તો તેમાં એક દીવો સળગી રહ્યો હતો, અને પત્ની એક ગુલામ સાથે રંગરેલિયાં માણી રહી હતી.

નફરત અને ગુસ્સાથી મારું માથું ભમી ગયું. હું ક્રોધાવેશમાં કંઇક કરું તે પહેલાં તેણે મારી ઉપર પાણી છાંટી મને કૂતરો બનાવી દીધો. મને શી ખબર કે તે કાળો જાદુ પણ જાણતી હશે! એણે મને કૂતરો બનાવી ઘરમાંથી ભગાડી દીધો. હું આમ તેમ રખડતો રહ્યો. ભૂખનો માર્યો હું એક કસાઇની દુકાન આગળ આવી ઊભો. ત્યાં વધ્યું ઘટ્યું સડેલું માંસ ખાઇ મારી ભૂખ સંતોષી.

એક દિવસ હું એક શિકારીને ઘેર જઇ ચઢ્યો. તેની દીકરી પણ જાદુટોના જાણતી હતી. તેણે મને જોઇને પરદાની આડમાં એની જાત છુપાવી દીધી.

શિકારીને નવાઇ લાગી. પૂછ્યું - ‘અરે! આ શું? તું કેમ પરદા પાછળ સંતાઇ ગઇ?’

તેણે કહ્યું - ‘આ કૂતરો નથી, માણસ છે. એની પત્નીએ એને જાદુવિદ્યાથી કૂતરો બનાવી દીધો છે. જોઉં છે? બતાવું?’ કહેતાં પાણી છાંટી મને માણસ બનાવી દીધો. મેં એનો આભાર માન્યો અને પૂછ્યું કે મારી પત્નીની બેવફાઇની શી સજા કરું?

તેણે મને પાણી મંત્રી આપ્યું. આ પાણી લઇ હું મારી પત્ની પાસે ગયો. તો તેની જાદુવિદ્યાનો કોઇ કાળો પ્રયોગ કરે તે પહેલાં મેં મંત્રેલું પાણી તેની ઉપર છાંટી દીધું. પાણી ઉપર પડતાં જ તે ખચ્ચરી બની ગઇ.

હું હવે આ ખચ્ચરી એટલે કે મારી પત્નીને લઇ આમતેમ ભટકી રહ્યો છું. હે મહાશેતાન! કેવી લાગી મારી આ વાત?

‘અદ્‌ભૂત! અદ્‌ભૂત! હું વેપારીના બધા જ ગુના માફ કરી દઉં છું.’ વેપારી શેતાનની જાળમાંથી છૂટી હરખભેર તેના ઘર તરફ ચાલ્યો ગયો.

અનુક્રમણિકા

૮ : ગરીબ માછીમાર

એક ગરીબ મુસલમાન માછીમાર હતો. એ નિયમ પ્રમાણે માત્ર ચાર વખત જ નદીમાં જાળ નાખતો હતો. પછી ભલે તેમાં માછલી આવે કે ન આવે. આજ કારણે ઘણા દિવસ એની સ્ત્રી અને બાળકોને ભૂખ્યાં રહેવું પડતું હતું.

એકવાર પરોઢિયે નદીએ જઇ અલ્લાહનું નામ લઇ તેણે નદીમાં જાળ નાખી. જાળમાં કોઇ મોટી માછલી આવી હોય એવું એને લાગ્યું. એણે જાળ સંકેલી. જોયું તો જાળમાં મરેલા ગધેડાનું હાડપિંજર હતું. તેણે ફરી જાળ ફેંકી. જાળ કાદવમાં ફસાઇ ગઇ. ત્રીજી વાર જાળમાં કાંકરા અને પથ્થર આવ્યાં.

આમ કરતો સૂર્ય ઊગી ગયો. નમાજ પઢીને તેણે અલ્લાહને વિનંતી કરી કે તે તેની ઉપર દયા કેમ નથી કરતો!

તેણે ચોથીવાર જાળ પાણીમાં નાખી. જાળમાં એક પિત્તળનો લોટો ભરાયો. જોયું તો લોટો ભારે વજનદાર હતો.

લોટો સીલબંધ હતો. અને સીલ ઉપર કોઇક છાપ દેખાતી હતી. એણે અધીરાઇ સાથે સીલ તોડ્યું. જોયું તો લોટો ખાલી હતો. એણે વિચાર્યું કે એ લોટો વેચીને બાળકોને ખવડાવશે. પણ એ લોટામાંથી ધૂમાડો નીકળતો દેખાયો. જોતજોતામાં એ ધૂમાડામાંથી એક ભૂત આકાર પામ્યું. માછીમારનો જીવ અધ્ધર થઇ ગયો. તે ભયભીત થઇ દોડવા લાગ્યો. પણ એના પગ જાણે ઉપડતા જ ન હતા.

પેલા જીને (ભૂતે) આકાશભણી જોયું. પછી એણે બે હાથ જોડી માછીમારને કહ્યું - ‘મેરે આકા સુલેમાન! હું હવે જિંદગીભર તમારી આજ્ઞા માનતો રહીશ. મને માફ કરજો.’

હિંમત એકઠી કરી માછીમારે કહ્યું - ‘હે જીનરાજ! સુલેમાનને જન્નતનશીન થયે પૂરાં ૧૮૮૦ વર્ષ થઇ ગયાં. તમે તમારી ઓળખાણ આપો.’

‘હું જીન છું. જીન...જીન...જીન...’

માછીમાર અભણ અને ગમાર હતો. તેણે બેવકૂફી કરતાં કહ્યું - ‘તને જીન નહીં, પણ ઘૂવડ અને ગધેડો કહેવો જોઇએ.’

આંખોમાંથી અંગારા વરસાવતા જીને કહ્યું - ‘ખબરદાર! હું તને મારું તે પહેલાં તું સભ્યતાથી બોલતાં શીખ.’

માછીમારે આશ્ચર્યચકિત થતાં કહ્યું - ‘અરે, વાહ! મેં કોઇ જ ગુનો કર્યો નથી. મેં તો તને આ બંધ લોટામાંથી બહાર કાઢ્યો અને તું મારો જીવ લેવા તૈયાર થયો છે? નવાઇ લાગે છે મને!’

જીન પણ મૂર્ખ અને અક્કડ હતો. તેણે કઠોર સ્વરમાં કહ્યું - ‘એ સાચું છે કે તેં મને લોટામાંથી બહાર કાઢી આઝાદ કર્યો પણ એનો અર્થ એવો નથી કે હું તારું મોત ના નીપજાવું. હું તારી એક જ ઇચ્છા માની શકું, કે હું તારી હત્યા શી રીતે કરું?’

‘મને નિર્દોષને મારવાનું કારણ?’ માછીમારે પૂછ્યું.

જીને હસતાં હસતાં કહ્યું - ‘હું દયાળું અને ઇશ્વરભક્ત જીન નથી. હું તો ઘોર, નાસ્તિક અને ઇશ્વરે બનાવેલી આ ખૂબસૂરત દુનિયાની વિરુદ્ધ છું. એ સાચું છે કે પ્રભુ સુલેમાને મને આસ્તિક બનાવવા માટે ઘણા ઉપાય કર્યાં. અનેકવાર ઉપદેશ આપ્યો. પણ મેં માન્યો નહીં. મારું અભિમાન ઓગળ્યું નહીં. અંતે એક લોટામાં બંધ કરીને કોઇક શોતનપાસે મને ઊંડા પાણીમાં નંખાવી દીધો. તે વખતે મેં પ્રતિજ્ઞા કરી હતી કે જે મને સો વર્ષમાં મુક્ત કરાવશે એને હું માલામાલ કરી દઇશ. સો વરસ વીતી ચૂક્યાં છે. પછી મેં પ્રતિજ્ઞા કરી કે જે કોઇ મને આ સદીમાં મુક્ત કરાવશે એને બધી જ જમીન બક્ષિસ આપી દઇશ. પાછાં સો વરસ વીતી ગયાં. ત્રીજીવાર મેં પ્રતિજ્ઞા કરી કે આ સો વર્ષમાં મને જે આઝાદી અપાવશે એને હું બાદશાહ બનાવી દઇશ. પણ પરિણામ કઇં જ ના આવ્યું. ત્યારે મેં નિરાશ,હતાશ અને દુઃખી થઇ પ્રતિજ્ઞા કરી કે હવે જે મને લોટામાંથી બહાર કાઢશે એની હું હત્યા કરીશ.’

ગરીબ માછીમારે ફરી આજીજી કરી. - ‘હે ગરીબનવાઝ! મારી ઉપર રહેમ કરો. મને મારશો નહીં.’

‘ના, ના! એ ના બને.’

બુદ્ધિમાનોનું કહેવું છે કે જ્યારે બદા જ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે ચાલાકીથી કામ લેવું જોઇએ. માછીમારે વિચાર કરીને કહ્યું - ‘જીનરાજ! આપ ખુશી ખુશી મારી હત્યા કરી શકો છો. પણ મારી એક શરત છે.’

‘શી શરત?’

‘તમારે મને ખાતરી કરાવવી પડશે કે તમે આટલા મોટા આ નાનકડા લોટામાંથી જ નીકળ્યા છો.’

જીન પહેલાં તો નાખુશ થયો. એણે માછીમારને ખૂબ ધમકાવ્યો. પણ માછીમાર તો એક નો બે ના થયો. એણે કહ્યું કે જો તે લોટામાં પેસી બતાવે તો જ વાત સાચી માને.

જીન વટમાં આવી ગયો. જોતજોતામાં એ પેલા લોટામાં પેસી ગયો. તેણે અંદરથી કહ્યું - ‘બરાબર જોઇ લે. મૂર્ખ માછીમાર.’

માછીમારે લોટાને તરત જ બંધ કરી તેના ઉપર સીલ લગાવી દીધું. પછી કહ્યું - ‘નીચ દુષ્ટ! તું પાણીમાં રહેવાને લાયક જ છે.’

‘દોસ્ત! એવું ના કરીશ. હું તો મજાક કરતો હતો.’ - પણ માછીમારને એની વાત પર વિશ્વાસ આવ્યો નહીં. એણે કહ્યું - ‘તને બહાર કાઢીને હું મારો જીવ જોખમમાં મૂકવા નથી માંગતો શેતાન! મને ખબર છે કે ગ્રીક રાજાએ દુબા હકીમ સાથે જે ઉપેક્ષિત વર્તન કર્યું હતું તેવું જ તું મારી સાથે કરશે. સાંભળ, દુબાં હકીમની વાત-’

અનુક્રમણિકા

૯ : દુબાં હકીમ

રૂમાં નામનું એક નગર હતું. તેનો રાજા ગ્રીક હતો. તે કુષ્ઠ રોગથી પીડાતો હતો. રોગ મટાડવા એણે ઘણા બધા ઇલાજ કરાવ્યા, પણ રતિભાર ફાયદો થયો નહીં.

એકવાર આ નગરમાં દુબાં નામનો એક યુનાની હકીમ આવી ચઢ્યો. એણે રાજાની પાસે સમાચાર મોકલાવ્યા કે તે વગર દવાએ તેમનો આ રોગ મટાડી શકશે.

રાજાએ હકીમને તેડાવ્યો. હકીમે રાજમહેલે આવી દવાના પ્રયોગથી એક દડો અને લાંબુ ભેટ બનાવ્યાં. તેણે એ દડો અને બેટ રાજાને આપતાં કહ્યું - ‘મહારાજ! ઘોડા ઉપર સવારી કરીને આ દડા અને બેટ વડે આપ રમત રમજો. જ્યારે આપ પરસેવાથી લથપથ થઇ જાઓ. ત્યારે ગરમ પાણીથી સ્નાન કરી લેજો. પછી નિરાંતે સૂઇ જજો. કાલે જ આપ રોગમુક્ત થઇ જશો.’

હકીમે જણાવ્યા પ્રમાણે રાજાએ કર્યું. બીજે દિવસે તો રાજાનો રોગ ગાયબ. તે સાજો નરવો થઇ ગયો. રાજાએ ખુશ થઇ હકીમને સોનાનો હીરા જડેલો પોશાક અને હજાર દીનારની ભેટ આપી બાદશાહને પોતે આપેલી કીંમત ઓછી જણાઇ તેથી તેઓ રોજ રોજ હકીમને સારાં વસ્ત્રો અને સોનામહોરો આપવા લાગ્યો.

રાજાના વજીરથી આ જોયું ના ગયું. તેને હકીમની ઇર્ષા થવા લાગી. તે અંદરને અંદર બળવા લાગ્યો.

બાદશાહ હતા કાનના કાચા. વજીરે બાદશાહની કાન ભંભેરણી શરૂ કરી. તેણે કહ્યું - ‘જહાંપનાહ! હકીકતમાં તો એ યુનાની હકીમ આપને મારવા ઇચ્છે છે.’

કાનભંભેરણીના અનેક કારસા એણે અજમાવી જોયા. પણ બાદશાહને એની વાત પર વિશ્વાસ બેઠો નહીં. તેણે કહ્યું - ‘પ્રધાનજી! મને તમારી વાતો પર જરા પણ વિશ્વાસ નથી. આ હકીમનો દુનિયામાં જોટો જડે એમ નથી. જરૂર તમને એની ઇર્ષા આવતી લાગે છે. મને બાદશાહ સિંદબાદની વાર્તા બરાબર યાદ છે, કે જેના પ્રધાને બાદશાહને સગાપુત્રનો વધ કરતાં રોક્યો હતો.’

પ્રધાને કહ્યું - ‘મને સંભળાવો એ વાર્તા.’

બાદશાહે કહ્યું - ‘સિંદબાદની સાસુ યુવરાજને મરાવવા ઇચ્છતી હતી. તેણે બાદશાહ પાસે હુકમ પણ કરાવ્યો. પણ પ્રધાને કહ્યું કે, જહાંપનાહ! કાંઇ કામમાં ઉતાવળ કરવી સારી નહીં સાંભળો-’

અનુક્રમણિકા

૧૦ : સાચો અને ઇમાનદાર માણસ

જૂના જમાનાની વાત છે. એક સત્યનિષ્ઠ અને ભલો માણસ તેની પત્નીને જીવથીયે વધારે ચાહતો હતો. એના વિના એક પળપણ એ રહી શકતો ન હતો. પક્ષીઓનો પણ એ એટલો જ ચાહક. પક્ષીઓના બજારમાં જઇને એકવાર એ એક પોપટ ખરીદી લાવ્યો. પોપટ વિદ્વાન માણસની જેમ સવાલના જવાબ આપતો. વળી એ આસપાસ બનતી બધી નાની મોટી ઘટનાઓનું ધ્યાન રાખતો હતો.

આ ભાલ ઇન્સાનને એકવાર પરદેશ જવાનું થયું. તેણે સોનાનું પોપટનું પાંજરૂં પત્નીના સુવર્ણકક્ષમાં ટીંગાડી દીધું. બીજે દિવસે એ પરદેશ ચાલ્યો ગયો.

પરદેશથી આ સજ્જન પાછો ફર્યો ત્યારહે પોપટે તેને સઘળી હકીકત જણાવી દીધી. પત્ની વિશેની આવી વાતો સાંભળી એનું માથું ચકરાવે ચઢી ગયું.

એણે એની પત્નીને આ વિશે પૂછ્યું - પત્નીને નવાઇ લાગી કે પતિને આ બધી વાતોની ખબર શી રીતે પડી હશે? એને થયું કે નક્કી કોઇ દાસીનું જ કારસ્તાન હસે પણ તેના પતિએ સોગંદ ખાધા પછી એને પાકી ખાતરી થઇ કે આ દાસીનું નહીં, પણ પોપટનું જ કારસ્તાન છે.

બીજીવાર જ્યારે એ શહેરની બહાર ગયો ત્યારે તેની પત્નીએ એક દાસીને ચક્કી ચલાવવા કહ્યું. બીજીને પોપટ પર પાણીનો મારો ચલાવવા કહ્યું. અને ત્રીજીને દીવાની સામે કાચના ટુકડા ધરી પોપટની આંખમાં એનાં એરિયાં પાડવા કહ્યું.

ત્રણેયે સૂચના પ્રમાણે કર્યું. બીજે દિવસે એનો પતિ બહારથી પાછો ફર્યો ત્યારે તેણે પોપટને પૂછ્યું - ‘શું સમાચાર છે?’

પોપટે જવાબ આપ્યો - ‘કાલ આખી રાત વાદળો ગરજતાં રહ્યાં, પાણી વરસતું રહ્યુ, અને વીજળી ચમકતી રહી.’

પેલા સજ્જને વિચાર્યું કે આકાશ રાત્રે સ્વચ્છ હતું અને વીજળી નો તો એક લસરકોય દેખાયો ન હતો આ પોપટ જૂઠો અને લુચ્ચો છે. ગુસ્સાની આવેશમાં એ આંધળો બની ગયો. એણે પોપટની ડોક મરડી નાખી. પોપટના રામ રમી ગયા.

એક બે દિવસ બાદ પડોશીઓ પાસેથી પેલા ભલા માણસે ખરી હકીકત જાણી ત્યારે એને પસ્તાવાનો પાર ના રહ્યો.

ગ્રીક રાજાએ કહ્યું - ‘પ્રધાનજી! હું એ સાચા અને ઇમાનદાર સજ્જનની જેમ ઉતાવળમાં વગર વિચાર્યે હકીમને મારી શકું એમ નથી.’

બાદશાહ શહરયાર મંત્રમુગ્ધ થઇ વાર્તાઓ સાંભળી રહ્યો હતો. દુનિયાજાદે પણ વાર્તાને વખાણી. શહરજાદે નવી વાર્તા સંભળાવી શરૂ કરી.

અનુક્રમણિકા

૧૧ : વજીર અને રાજકુમાર

એક બાદશાહને તેના રાજકુમાર ઉપર અતિશય પ્રેમ હતો. એના રક્ષણ માટે બાદશાહે એક વજીરની નિયુક્તિ કરી હતી.

રાજકુમાર એક દિવસ વજીરની સાથે શિકારે ગયો. એની નજર એક હરણ પર પડી. તેણે હરણનો પીછો કર્યો. પીછો કરતાં કરતાં તે એકગાઢ અને ભયાનક જંગલમાં જઇ ચઢ્યો. વજીરથી એ વિખૂટો પડી ગયો હતો. તે બેચેન થઇ ગયો. હવે શું કરવું? આ જ વખતે ધ્રુસકે ધ્રુસકે રડતી એક નવયૌવના ને તેણે જોઇ.

રાજકુમાર તેની પાસે ગયો અને તેનું ઠામ ઠેકાણું પૂછ્યું. એણે જણાવ્યું કે તે હિંદુસ્તાનના રાજાની રાજકુમારી છે. તે ઘોડા પર સવારી કરીને જઇ રહી હતી. ત્યારે અચાનક ઝોકું આવી જતાં ઘોડા પરથી ગબડી ગઇ. ઘોડો ભડકીને તેને મૂકીને ભાગી ગયો.

રાજકુમારે એને દયાભાવથી પોતાના ઘોડા ઉપર બેસાડી દીધી. થોડુંક અંતર કાપ્યા પછી રાજકુમારીએ તેને ઘોડા પરથી ઉતારી દેવા વિનંતી કરી. રાજકુમારે તેને ઘોડા પરથી ઉતારી દીધી.

ઉતરીને પેલી તરુણી એક રહસ્યમય મકાનમાં ચાલી ગઇ. રાજકુમારને એણે બહાર ઉભા રહેવા જણાવ્યું હતું. એ સુંદરીએ અંદર જઇ કહ્યું - ‘બેટા! આજે તારા માટે હું એક સુંદર અને અલમસ્ત જુવાન લઇ આવી છું.’

રાક્ષસના દીકરાએ જિજ્ઞાસા સાથે પૂછ્યું - ‘મા...મા...એને જલ્દીથી અંદર મોકલ. મને કકડીને ભૂખ લાગી છે.’

બહાર ઊભેલા રાજકુમારે મા દીકરા વચ્ચેની આ વાત સાંભળી. એ ઘોડા પર બેસી નાસી છૂટ્યો. રાજમહેલમાં પાછા ફરીને રાજકુમારે બનેલી ઘટના એના પિતાને કહી સંભળાવી. સૌ પ્રથમ તો રાજાએ પોતાના કુંવરની રક્ષા નહીં કરવા બદલ પ્રધાનને મૃત્યુદંડ દઇ દીધો.

એની વાર્તા પોતાના રાજાને સંભળાવી વજીરે કહ્યું. - ‘જહાંપનાહ! આ દુબાં હકીમ આપને મારવા જ આવ્યો છે. એ ચાલાક અને મહાઠગ છે. મને તો લાગે છે કે જરૂર એ કોઇ દુશ્મન દેશનો જાસૂસ હોવો જોઇએ.’

કહ્યું છે કે એક જૂઠાણાનું વારંવાર રટણ કરવાથી જૂઠાણું પણ સાચમાં ફેરવાઇ જાય છે. રાજા માટે પણ આમ જ થયું. રાજાને પ્રધાનની વાતમાં વિશ્વાસ બેસવા લાગ્યો. પછી તો એણે પ્રધાનની વાત સાચી માની દૂબાં હકીમને મોતને ઘાટ ઉતારી દીધો.

પેટીમાં બંધ રાક્ષસને માછીમારે કહ્યું - ‘નીચ! નમકહરામ! આ બાબત પણ દૂબાં હકીમ અને ગ્રીક સમ્રાટ જેવી છે. મેં તને મુક્તિ અપાવી અને તું જ મને મારવા તૈયાર થયો!’ સાંભળ - ‘દૂબાં હકીમ પ્રાણદંડથી ડર્યો નહીં. તેણે બાદશાહને કહ્યું - ‘મને મોતની પરવા નથી. પણ એકવાર ઘેર જઇ મારે મારી પત્ની અને બાળકોને મળવું છે. મારી પાસે અસંખ્ય ઉપયોગી અને મહત્ત્વનાં પુસ્તકો છે. એ હું મારા શિષ્યોને આપવા માંગું છું. એક ચમત્કારિક પુસ્તક આપને માટે લાવવાની પણ મારી ઇચ્છા છે.’

‘અલ્યા! એવું તો શું છે એ પુસ્તકમાં?’

‘એમાં એક સાબરમંત્રનો અદ્‌ભૂત પ્રયોગ છે. એ પ્રયોગથી આપ મારું માથું ધડથી જુદું કરી દો પછી એ પુસ્તકના છઠ્ઠા પાન પર લખેલી ત્રીજી લીટીને વાંચીને આપ મારા કપાયેલા માથાને કોઇ સવાલ પૂછશો તો તેનો તરત જ તે જવાબ આપશે.’

બાદશાહના મનમાં તાલાવેલી લાગી. એણે હકીમને ઘેર જવાની રજા આપી. ઘેર જઇ હકીમ પત્ની અને બાળબચ્ચાંને મળીને એક મોટું પુસ્તક લઇ પાછો આવ્યો. ઘણી વિનંતી કરવા છતાં બાદશાહ એકનો બે ના થયો. હકીમનું માથું ધડથી અલગ કરાવીને જ એ જંપ્યો.

બાદશાહે હકીમનું મસ્તક એક તાસકમાં મૂકાવ્યું. મસ્તકમાંથી લોહી ટપકતું બંધ થઇ ગયું. કપાયેલા મસ્તકે પુસ્તકનું છઠ્ઠું પાનું ખોલવા કહ્યું - ‘બાદશાહથી આ પાનું ખુલ્યું નહીં. તેણે વારંવાર આંગળીઓને અને અંગૂંઠાને મોંઢામાં નાખી થૂંકવાળાં કરી પાનું ખોલવા પ્રયત્ન કર્યા. પરિણામ એ આવ્યું કે પુસ્તકના પાના પર લગોવલું ઝેર બાદશાહની જીભ પર લાગ્યું અને તે થોડીવારમાં જ મૂત્યુ પામ્યો.’

હકીમના કપાયેલા માથાએ કહ્યું - ‘કૃતઘ્ન અને નીચ બાદશાહ તારા પાપનું ફળ ચાખી લીધું ને?’

શહરજાદે વાર્તા પૂરી કરતાં કહ્યું કે માછીમારે દૈત્યને લોટામાંથી, સોગંદ આપી બહાર કાઢ્યો. પછી દૈત્ય...અરે! અરે! સવાર થઇ ગયું છે. હું મારી વાર્તા પૂરી...

બાદશાહ શહરયારે કહ્યું - ‘ના, બેગમ ના. તમે આગળ પણ આવી જ વાર્તાઓ સંભળાવો.’ દુનિયાજાદે પણ જીજાજીની વાતમાં સૂર પૂરાવ્યો.

શહરજાદે આગળ કહેવાનું શરૂ કર્યું. દૈત્યએ હજારવાર માછીમારને આજીજી કરી. તેણે મહામંત્રના કસમ ખાધા ત્યારે જ તેણે દૈત્યને લોટામાંથી બહાર કાઢ્યો. દૈત્યે પણ વચન આપ્યું હતું કે તે અનેક રસપ્રદ વાર્તાઓ સંભળાવશે.

દૈત્યએ બહાર નાકળતાં જ આળસ મરડી રાડ પાડી. પછી તેણે માછીમારને પાછળ પાછળ આવવા કહ્યું.

બંન્ને ચાલી નીકળ્યા. ચારે તરફ ફેલાયેલી ઊંચી પહાડીઓની વચ્ચે તેઓ આવી ઉભા. પહાડીઓની વચ્ચે એક સુંદર તળાવ હતું. તળાવમાં ચાર રંગની ચાર માછલીઓ હતી.

અનુક્રમણિકા

૧૨ : ચાર રંગોવાળી માછલીઓ

એ તળાવમાં ચાર રંગોવાળી માછલીઓ હતી. સફેદ, લાલ, કાળી અને પીળી. દાનવે કહ્યું કે આ માછલીઓને પકડીને બાદશાહની પાસે લઇ જવી. બદલામાં બાદશાહ તને અઢળક ધન આપશે.

માછીમારે દાનવના કહ્યા પ્રમાણે કર્યું. બાદશાહે ખુશ થઇ એને સોનામહોરો આપી. માછીમાર ખુશ થઇ ત્યાંથી ચાલ્યો ગયો. બીજી તરફ રાક્ષસે જમીનમાં મોટી સુરંગ તૈયાર કરી. જોતજોતામાં તે એમાં સમાઇ ગયો.

આ ચિત્રવિચિત્ર માછલીઓને પકાવવા બાદશાહે ખાસ રસોયણને હુકમ કર્યો.

શહરજાદે તેના પતિ તરફ જોયું. કહ્યું - ‘મારા ખાવિંદ! માછલીઓ રાંધનારી રસોયણે માછલીઓને ઉપર ઉપરથી છોલીને ઘીમાં તળવા મૂકી. એકબાજુથી એ તળાઇ ગઇ ત્યારે તેણે એક માછલીને બીજી તરફ ઉલટાવી. એને ઉલટાવતાં જ રસોઇઘરની એક દીવાલ આખે આખી ફાટી ગઇ. દીવાલ ફાટતાં જ તેમાંથી એક સુંદર યુવતી પ્રગટ થઇ. તે મરેલી માછલીઓને કહેવા લાગી. - ‘મારી પ્યારી માછલીઓ! તમે તમારી પ્રતિજ્ઞાને વળગી રહેજો.’’

આટલું બોલતાં ચારેય માછલીઓ જીવતી થઇ ગઇ. એક સાથે તેમણે કહ્યું - ‘જ્યારે તમે કર્જ મુક્ત થશો ત્યારે જ અમે પણ કર્જમુક્ત થઇશું.’

પેલી સુંદરી અદૃશ્ય થઇ ગઇ. તૂટેલ દીવાલ પાછી હતી તેવી જ થઇ ગઇ પણ આ જોઇ રસોઇયણ બેભાન થઇ ગઇ. જ્યારે તે ભાનમાં આવી ત્યારે બધી જ માછલીઓ બળીને રાખ થઇ ગઇ હતી.

વજીરે આવીને પૂછ્યું ત્યારે તેણે આખો વૃતાંત કહી સંભળાવ્યો. વજીરને રસોયણની વાત પર વિશ્વાસ બેઠો નહીં. એણે માછીમાર પાસે એવી જ માછલીઓ ફરી મંગાવી. તેને તળવા મૂકતાં ફરી આવું જ બન્યું. વજીરે બાદશાહને આખી હકીકતની જાણ કરી બાદશાહે ફરી માછીમારને ચારસો દીનાર આપી એવી જ માછલીઓ મંગાવી. એમને એક એકાંત જગામાં તળાવાઇ. એક માછલીને ઉલટાવતાં જ દીવાલ તોડી એક રાક્ષસ પ્રગટ થયો. એણે પણ માછલીઓને એટલું જ કહ્યું કે તમે તમારા પ્રાણના ભોગે પણ અડગ રહેજો. આટલું કહી રાક્ષસ છૂ થઇ ગયો. આ જોઇ બાદશાહ અને બીજા જોનારા દંગ રહી ગયા.

વજીર અને બાદશાહે તળાવ પાસે આવીને જોયું. બાદશાહને ખૂબ આશ્ચર્ય થયું. બાદશાહે તેના વજીરને કહ્યું કે જાતે જ આ તળાવની માહિતી મેળવશે. એણે વજીરને સૂચના આપી કે તેના આ રહસ્યમય અભિયાનની કોઇને પણ જાણ થવી જોઇએ નહીં. સમજી વિચારીને બાદશાહ પહાડીઓ તરફ ચાલી નીકળ્યો. ચાલતો ચાલતો એ એક મહેલ પાસે આવી પહોંચ્યો. મહેલ લોખંડનો બનેલો હતો.

‘છે કોઇ અંદર?’ બાદશાહે જોરથી બૂમ પાડી.

વારંવાર પૂછવા છતાં કોઇ જવાબ ના મળ્યો ત્યારે બાદશાહ મહેલમાં પ્રવેશ્યો. બાદશાહને થયું કે એ મહેલ કોઇ ફરિસ્તાનો હશે. રસ્તામાં નરમ ગાલીચા પાથરેલા હતા. બારીઓ ઉપર મખમલી પર્દા ઝૂલતા હતા. આ પર્દા પર સોના ચાંદીનાં ફૂલો મઢેલાં હતા. અને તેમની કિનારો પર હતા સોનાના સિંહ. સિંહોના મુખમાંથી ફૂવારા છૂટતા હતા. જેમાંથી ગુલાબના અર્કની સુવાસ આવતી હતી.

બાદશાહ એક મનમોહક બગીચામાં બેઠો. એણે એક નવયુવાનનો જોરજોરથી રડવાનો અવાજ સાંભળ્યો. તે જુવાન સિંહાસન પર બેઠો હતો. બાદશાહ તેની પાસે ગયો ત્યારે તેણે કહ્યું - ‘હે અજાણ્યા મુસાફર! મને માફ કરજો. હું અપંગ છુ.ં હું આપને કોઇ મદદ કરી શકું એમ નથી.’ તેણે તેનું વસ્ત્ર હઠાવ્યું. જોયું તો એનું નીચેનું અર્ધું શરીર પત્થરનું હતું.

બાદશાહે વિનમ્રતાથી કહ્યું - ‘મારે આપની ખાસ પ્રકારની મદદની જરૂર છે. શું તમે આ તળાવની રંગીન માછલીઓ અને આપની આવી હાલતનું રહસ્ય જણાવી શકશો?’

નવજુવાન થોડીવાર માટે અસમંજસમાં પડી ગયો. પછી સ્વસ્થ થઇ તે બોલ્યો - ‘મહાશય! જો તમારે સાંભળવું જ હોય તો સાંભળો-

અનુક્રમણિકા

૧૩ : કાળા ટાપુનો બાદશાહ

હું રાજકુમાર છુ.ં મારા પિતાનું નામ મહમૂદશાહ હતું. તેઓ આ પહાડીઓમાં રાજ્ય કરતા હતા. જે જગાએ આજે તળાવ છે. એ જગાએ મારા પિતાના રાજ્યની રાજધાની હતી.

મારા પિતા જન્નતનસીન થઇ ગયા પછી હું આ રાજ્યનો રાજા થઇ ગયો હતો. મારા કાકાની દીકરી સાથે અગાઉથી મારું લગ્ન થઇ ગયું હતું. અમે બંને એકબીજાને દિલોજાનથી ચાહતાં હતાં. વરસો સુધી અમે એક બીજામાં ખોવાયેલાં જ રહ્યાં. પણ પછી પ્રેમમાં મને નીરસતા આવવા લાગી.

એક દિવસ મારી પત્ની સ્નાગૃહમાં સ્નાન કરવા માટે ગઇ. નાહતાં એને ઘણી વાર લાગી. છાનોમાનો જઇને હું એના પલંગની નીચે સંતાઇ ગયો.

બે દાસીઓ ત્યાં આવી અને વાતો કરવા લાગી. એમની વાતનું તાત્પર્ય એ હતું કે મારી પત્ની મને કશુંક પીવડાવી દઇ, બેહોશ કરી કોઇ જાણે ક્યાં જતી હતી.

રાત્રે એણે આવીને શરબત આપ્યું ત્યારે દાસીઓની વાતમાં મને પાકો વિશ્વાસ બેઠો. મેં એની નજર ચૂકવી શરબત ઢોળી નાખ્યો અને બેભાન બનવાનો ઢોંગ કરી હું હાલ્યા ચાલ્યા વગર પલંગમાં પડી રહ્યો. એણે થોડીવાર કોઇ મંત્રનું રટણ કર્યું અને પછી બહાર નીકળી ગઇ. ખુદાને યાદ કરતો હું એનો પીછો કરવા લાગ્યો. કેટલાક દરવાજા વટાવી એ એક બગીચામાં પહોંચી. આ બગીચામાં કોઇ જુવાન અગાઉથી જ એની રાહ જોતો ઊભો હતો.

એણે એના પ્રેમીને કહ્યું - ‘જાનેજીગર! હું તને અપાર પ્રેમ કરું છું. તું મારા મંત્રની મહાશક્તિઓથી અજાણ નથી. હું મારા જાદુથી આ આખા પ્રદેશને પશુ પક્ષીઓનું નિવાસ સ્થાન બનાવી શકું એમ છું.’

તે અને તેનો આશિક ધીમે ધીમે મારી પાસે આવ્યાં. મેં એને જોરદાર લાત મારી. પણ તે મર્યો નહીં, ઘાયલ થઇ ગયો. એ કામ મેં એટલું ત્વરિત અને ચાલાકીથી કર્યું કે મારી બેગમ મને ઓળખી શકી નહીં. પછી પેલાને પાટાપિંડી કરીનેં તે મારી પાસે આવી.

બીજે દિવસે રાજકાજમાંથી પરવારી હું મારે મહેલે ગયો ત્યારે બેગમ મેલાંઘેલાં વસ્ત્રો પહેરી ઉદાસ ચહેરે બેઠી હતી. રડતાં રડતાં તે કહેવા લાગી - ‘આજે મારા પિયરથી ત્રણ બહુ માઠી ખબર આવી છે. અમ્મા બિમાર છે. અબ્બાજાન લડતાં લડતાં મૃત્યુ પામ્યા છે, અને ભાઇ ઊંચી છત પરથી પડીને ખુદાને પ્યારો થઇ ગયો છે.’

મેં એને ખોટું ખોટું આશ્વાસન આપ્યું. મને ખબર હતી કે આ બધાં તો એણે ઉપજાવી કાઢેલાં બહાનાં હતાં. છતાં એણે રડવાનું નાટક ચાલુ જ રાખ્યું. એમ ને એમ એક વરસ વીતી ગયું.

એકવાર બેગમે મને કહ્યું કે તે એક શાનદાર કબર બનાવવા ઇચ્છે છે, અને તે પણ કિલ્લામાં જ જેથી એ મૃત્યુ પામેલાં સ્વજનોને યાદ કરીને હૈયું હળવું કરી શકે.

એની ઇચ્છાનુસાર મેં કિલ્લામાં એક શાનદાર કબર તૈયાર કરાવી દીધી. કબરની ઉપર કલાત્મક ગુંબજ પણ તૈયાર કરાવ્યો. તે હલકટ સ્ત્રી તેના આશિકને કબરના નીચેના ભાગમાં લઇ આવી અને તેની સેવાચાકરી કરવા લાગી. ધીમે ધીમે તે ફરી સ્વસ્થ થઇ ગયો.

એકવાર હું એ કબરના નીચેના ભાગમાં જઇ પહોંચ્યો. મેં જોયું અને સાંભળ્યું કે તેના આશિકને વળગીને રડી રહી હતી. એ કહેતી હતી - ‘આજ દિન સુધી તમારા જેવો મર્દ મેં આ દુનિયામાં જોયો નથી. હું તમારી દીવાની છું. પણ તમે-’ તે અપલક આંખોએ જોઇ રહ્યો.

બે વરસનો વખત વીતી ગયો.

એનો આશિક સંપૂર્ણ સ્વસ્થ થયો નહીં તેથી તે ક્રોધથી લાલપીળી, થઇ તાડૂકી - ‘ઇર્ષાળુ કમીના! તારે લીધે મારા આશિકની આ દશા થઇ છે. તલવાર ખેંચી મેં એને મારવાનો મનસૂબો કર્યો. પણ હું તલવાર મ્યાનમાંથી બહાર કાઢું તે પહેલાં જ તેણે મંત્રસિદ્ધિથી મને અડધો પત્થરનો બનાવી દીધો. મારી રાજધાનીને તળાવમાં ફેરવી નાખી. મારા ચાર ટાપુઓને ચાર પહાડીઓ બનાવી દીધા. આ નીચ સ્ત્રી દરરોજ મને સો કોરડા ફટકારે છે. એ પછી એ મારા દૂઝતા ઘા પર બકરીનું કઠોર ચામડું નાખી ચાલી જાય છે.’

બાદશાહે કહ્યું - ‘તું એના ઘરનું ઠેકાણું જાણે છે?’

‘’ના. પણ એ રોજ અહીં આવે છે.’ બીજે દિવસે બાદશાહે એનો પીછો કર્યો. તક મળતાં જ એના પ્રેમીના ટુકડે ટુકડા કરી એણે એક કૂવામાં નાખી દીધા. અને તે પેલાની જગા પર આવી સૂઇ ગયો.

થોડીવાર પછી એ છિનાળ સ્ત્રી આવી અને પ્રેમનો ઇજહાર કરવા લાગી. એણે અનેક રીતે પ્રેમની ભીખ માગી ત્યારે બાદસાહે કહ્યું - ‘બેગમ! તું મારે લાયક નથી.’

દુરાચારી ઓરતે કહ્યું - ‘મારો કોઇ વાંકગુનો?’

‘તું તારા પતિને એટલી નિર્દયતાથી કોરડા ફટકારે છે કે મને બેચેનીમાં ઊંઘ પણ નથી આવતી.’

‘આટલી જ વાત છે, પ્રાણ પ્રિય? ઠીક છે, હું હમણાં જ એને સાજો સારો કરી અહીંથી ભગાડી મૂકું છું.’ કહીને તે તેના પતિ પાસે ગઇ અને તેને ઠીક કરીને ભગાડી મૂક્યો. પછી બાદશાહ પાસે આવી બોલી - ‘બીજો શો હુકમ છે મારા આકા?’

‘તેં જે માણસોને માછલીઓ બનાવી રાખ્યા છે, તેમનું શું? તેમની ચીસો મને ખિન્ન કરી મૂકે છે.’

‘તો?’

‘તું એમને માણસ બનાવી દે હતા તેવા. અને પેલા ચાર ટાપુ પણ.’

પેલી કુલટાએ બાદશાહના કહ્યા પ્રમાણે કર્યું. બધું પહેલાં જેવું થઇ ગયા પછી બાદશાહે એને પોતાની પાસે બોલાવી. પાસે આવતાં જ બાદશાહે એ કોઇ કાળો જાદુ અજમાવે તે પહેલાં જ તલવારથી એના શરીરના બે ટુકડા કરી પેલા કૂવામાં નાખી દીધા.

બાદશાહ બહાર આવી ચારેય ટાપુઓના રાજકુમારને મલ્યો. બાદશાહને ત્યારે જ ખબર પડી કે તે એના શહેરથી એટલો દૂર આવી ગયો હતો કે પાછા ત્યાં પહોંચતાં વરસ લાગે એમ હતું.

બાદશાહ નિઃસંતાન હતો. એણે યુવાન રાજકુમારને પોતાનો ઉત્તરાધિકારી બનાવી દીધો. પછી એ લાવલશ્કર સાથે પોતાના નગરમાં પાછો ફર્યો. નગરે આખી રાત જશ્ન મનાવ્યો.

અનુક્રમણિકા

૧૪ : ત્રણ ફકીર અને પાંચ બેગમો

બગદાદ શહેરમાં બાદશાહ હારૂન રશીદ રાજ્ય કરતો હતો. એના રાજ્યમાં એક ગરીબ મજૂર રહેતો હતો.

ખુદાની બંદગી કરીને એ મજૂરી શોધવા એકદિવસ ઘરની બહાર નીકળ્યો. એ મજૂરીની શોધમાં જ હતો ત્યાં એક સ્વરૂપવાન સ્ત્રીએ ઇશારો કરી એને પોતાની પાસે બોલાવ્યો. પેલો મજૂર એ સ્ત્રીની પાસે ગયો. તે યુવતીનું સૌંદર્ય મનમોહક અને મનભાવન હતું.

યુવતીએ કહ્યું - ‘તારે મારી સાથે આવવું છે?’

‘જરૂર. મારે તો મજૂરી જ કરવી છે ને!’

મજૂર એ હસીનાની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે આજે ઘણો જ ખુશ હતો. ખુશનસીબને જ આવી રૂપ સુંદરી મળી જાય છે. પેલી સુંદરીએ એક મકાન આગળ જઇ દરવાજો ખટખટાવ્યો. એક ઇસાઇએ દરવાજો ખોલ્યો. એણે ખૂબ જ કીમતી શરાબ એ હસીનાના હાથમાં આપ્યો.

આ પછી એ સુંદરીએ ફળ મેવાનો એટલો બધો સામાન ખરીદ્યો કે મજૂરે હસતાં હસતાં કહ્યું કે એને જો પહેલેથી જાણ કરવામાં આવી હોત તો તે ઠેલણગાડી લઇ આવ્યો હોત. તે સામાન ઊંચીકી એક શાનદાર હવેલી પાસે પહોંચી ગયો.

દરવાજો ખટખટાવતાં એક સોળ વરસની સુંદરીએ બારણાં ઉઘાડ્યાં. તે સુંદરી રાજકુમારી જેવી લાગતી હતી. મજૂરના મનમાં એ વસી ગઇ.

અંદર એક ખુરશી પર બીજી સુંદરી બેઠી હતી. એણે મજૂરને સામાન ઉતારવામાં મદદ કરી. સામાન ઉતારી લીધા પછી પેલી સુંદરીએ એને એક સોનામહોર આપી. મજૂરને સમજતાં વાર ના લાગી કે એ સુંદરીઓનાં નામ આ પ્રમાણે છે. જેની સાથે એ આવ્યો હતો એ હતી અમીના. જેણે દરવાજો ખોલ્યો હતો તે હતી સાફી. અને જેણે સામાન ઉતારવામાં મદદ કરી હતી તે હતી જુબેદા.

મજૂરે પહેલીવાર અમીનાને સારી રીતે જોઇ. તે તો એના સૌંદર્યને મુગ્ધ બની જોતો જ રહ્યો.

જુબેદાએ કહ્યું - ‘આ મજૂરને થોડાક વધારે પૈસા આપી છૂટો કરો.’

મજૂરે માથું નમાવીને કહ્યું - ‘મને જરૂરિયાત કરતાં વધારે મળી ગયું છે. એના મનમાં શંકા થઇ. અહીં કોઇ પુરુષ દેખાતો ન હતો. પણ તેણે એનું કારણ પૂછ્યું નહીં. એણે ખાવાની ઇચ્છા જણાવી.’

ત્રણેય સુંદરીઓએ મજૂર સાથે ભોજન લીધું. ખાઇ લીધા બાદ મજૂરે આજની રાત અહીં જ સૂઇ જવાની તેની ઇચ્છા જણાવી.

અમીના બોલી - ‘તારે અહીં સૂઇ રહેવું હોય તો ચૂપચાપ સૂઇ રહેજે. અહીંની કોઇ ગતિવિધિ અંગે કશું પૂછીશ નહીં. જો કોઇ સવાલ પૂછીશ તો જાનથી માર્યો જઇશ.’

મજૂરે અમીનાની વાત મંજૂર રાખી.

અમીનાએ પછી કેટલાક ચાંદીના દીવા પ્રકટાવ્યા. એ દીવાઓના પ્રકાશમાં કશુંક વાંચ્યું. એ જ વખતે કોઇકે દરવાજો ખટખટાવ્યો. દાસીએ જઇને દરવાજો ઊઘાડ્યો.

દરવાજા પર એક સરખો ચહેરો ધરાવતા ત્રણ ફકીર ઊભા હતા. તેઓની ડાબી આંખ ફૂટેલી હતી.

‘તમારી શી ઇચ્છા છે?’

‘અમારે રાતવાસો કરવો છે.’ એક ફકીરે કહ્યું - ‘હું એ પણ જણાવી દઉં કે અમે આપનું બેહદ મનોરંજન કરીશું.’

ત્રણેય ફકીરોએ વિનમ્રતાથી પ્રણામ કર્યાં. ભોજન પછી સંગીતનો જલસો શરૂ થયો. ત્યારે ફરીવાર પાછા દરવાજે ટકોરા પડ્યા. દાસીએ દરવાજો ખોલ્યો. દરવાજા પર બીજા ત્રણ માણસો ઊભા હતા.

સવાર થવાની તૈયારી હતી. શહરજાદે તેના પતિ શહરયારને કહ્યું - ‘મારા માલિક! સવાર થવા આવ્યું છે. વાર્તાને વિરામ આપું? દુનિયાજાદે શહરયાર તરફ જોયું. શહરયારે કહ્યું - ‘સવાર થાય ત્યાં સુધી ત્રણ ફકીરોની વાત કહો.’

શહરજાદે અલ્લાહનો આભાર માનતાં કહ્યું - ‘એ ત્રણેય આગંતુકો હતા - ‘હારૂન રશીદ, વજીર જાફર અને મુખ્ય સેનાની મસરૂર.’

બાદશાહ રાત્રે તેના અંગત માણસોને લઇ નગરચર્ચા સાંભળવા નીકળ્યા હતા. આ હવેલી પાસેથી પસાર થતાં એમના કાને મધુર સંગીતની સુરાવલિઓ સંભળાઇ. બાદશાહને જિજ્ઞાસા થઇ આવી. તેઓ હવેલીના દરવાજે આવી ઊભા.

દાસીએ પૂછ્યું - ‘તમે કોણ છો?’

વજીરે જણાવ્યું - ‘અમે ત્રણ વેપારીઓ છીએ. જાતજાતની કીમતી વસ્તુઓ લઇને આવ્યા છીએ. એક ધનવાને અમને બોલાવ્યા હતા. અમે ત્યાં ગયા અમે ખૂબ દારૂ પીધો. ખાધું પણ એટલું જ. નાચ ગાનનો પણ ભરપૂર આનંદ લૂંટ્યો. ત્યાં જ એકાએક રાજના સિપાઇઓએ છાપો માર્યો. કેટલાય પકડાઇ ગયા. અમે ત્યાંથી નાસી છૂટ્યા. અમને આજની રાત આશરો આપો તો મહેરબાની.’

માલકણની આજ્ઞા થતા દાસી ત્રણેયને અંદર લઇ જવાથી. આશરો આપતા પહેલાં એમની સામે પેલી શરત મૂકવામાં આવી, જે મજૂરની સામે મૂકવામાં આવી હતી.

ત્રણેયને એક ઓરડામાં સૂવડાવી દીધા.

અમીના પેલા મજૂરને લઇ બંધ ઓરડા પાસે આવી. તાળું ખોલ્યું. ઓરડામાંથી એણે સાંકળથી બાંધેલી કાલી કૂતરી બહાર કાઢી.

જુબેદાની પાસે આવી કૂતરી પૂંછડી પટપટાવવા લાગી. જુબેદાએ એને કોરડાથી ફટકારવાનું શરૂ કર્યું. કૂતરી ચીસો પાડવા લાગી. કોરડો વીંઝી વીંઝીને જુબેદા થાકી ગઇ. એ હાંફવા લાગી. પેલી કૂતરીને ફરી ઓરડામાં પૂરી દેવામાં આવી. પછી બીજી કૂતરી લાવવામાં આવી. એની પણ એ જ વલે થઇ કેવાં અજીબોગરીબ વ્યવહાર!

ત્રણેય વેપારીઓ અને ફકીરો આ વિચિત્ર ઘટનાથી અચંબામાં પડી ગયા.

આ પછી અમીનાએ એક શાનદાર પેટી બહાર કાઢી. પેટીમાં બંસરી હતી. દાસીએ વાંસળી દ્વારા વિરહના સૂર છેડ્યા. પછી અમીનાએ પણ એટલા ભાવ અને દર્દથી વિરહ ગીત ગાયું કે વાતાવરણ પણ મંત્રમુગ્ધ થઇ ગયું. અમીના ભાવવિભોર બની બેહોશ થઇ ગઇ. એને દાસી અને જુબેદાએ સંભાળી લીધી.

ઊંડો નિઃશ્વાસ નાખી જુબેદાએ વસ્ત્રો ઉતાર્યાં. એના ખભા કાળા પડી ગયા હતા. જોનારા હતપ્રભ થઇ ગયા. કોણે આ નાજુક કળીને બેરહમીથી મારી હશે!

વ્યથિત હૈયે એક ફકીર બોલ્યો - ‘આના કરતાં તો આપણે જંગલમાં રહ્યા હોત તો સારું.’

બાદશાહ હારૂન રસીદે ફકીરને પૂછ્યું - ‘શું તમે આ કૂતરી અને સુંદરીની બાબતમાં કશું જાણો છો?’

‘ના.’ તેણે જવાબ આપ્યો.

બધાં પહેલીવાર જ અહીં આવ્યા હતા.

જુબેદાએ આ લોકો વચ્ચે થતી વાતચીત સાંભળી લીધી. તે નારાજ થઇ બોલી. - ‘તમે લોકો સવાલો કરીને આપણી શરતનો ભંગ કરી રહ્યા છો. આ લોકો શું કરી રહ્યા છે?’

મજૂરે સ્વામીભક્તિ દર્શાવતાં કહ્યું - ‘આ લોકો હમણાં જે બન્યું તે વિશે જાણવા ઇચ્છે છે.’

ગુસ્સામાં જુબેદાએ જમીન પર પગ પછાડ્યો. પગ પછાડતાં જ દીવાલનો એક દરવાજો ઊઘડ્યો. એમાંથી અણીદાર મોટા છરા લઇ સાત કાળા જલ્લાદ નીકળ્યા. એકે પ્રણામ કરી કહ્યું - ‘માલિકણ! ફરમાવો. શો હુકમ છે? જો આપની આજ્ઞા હોય તો આ બધાને નરકમાં પહોંચાડી દઇએ.’

‘થોભો. મને આ બધાનાં ઠામ ઠેકાણાં જાણવા દો.’ જુબેદાએ કહ્યું - ‘પછી મજૂર સામે જોઇ બોલી - ‘હે ભાઇ મજૂર! તું તારો પરિચય આપ.’

અનુક્રમણિકા

૧૫ : ગરીબ મજૂર

મજૂર તો મજૂર હતો. ગભરાતાં ગભરાતાં એણે કહ્યું - ‘મારી તો નથી કોઇ વાર્તા કે નથી કોઇ કિસ્સો. હું તો એક સામાન્ય ગરીબ મજૂર છુ.ં રોજની જેમ આજે પણ હું મજૂરીની શોધમાં નીકળ્યો હતો. તમારી બહેન મને ભેટી ગઇ અને હું તેમની સાથે આ હવેલીમાં આવી ગયો. બસ, આ જ છે મારી વાર્તા.’

જુબેદાએ એને માફ કરી દીધો.

પછી તેણે એક ફકીને પાસે બોલાવ્યો. કહ્યું - ‘તું તારી બાબતમાં સાથે સાચી હકીકત જણાવ.’

અનુક્રમણિકા

૧૬ : પહેલો ફકીર

પહેલા ફકીરે વાત માંડી - ‘ઓ સુંદરી! હું એક શાહજાદો છું. મારા અબ્બા અને કાકા બંન્ને બાદશાહ હતા. કાકાને એક દીકરો હતો. અમે બંન્ને ભાઇઓ એક બીજાને ખૂબ ચાહતા હતા.’

કાકાનું રાજ્ય થોડું દૂર હતું. વર્ષમાં એકવાર હું એની પાસે જતો હતો. બે મહિના એની સાથે રહી, મોજ મસ્તી કરી પાછો આવતો હતો.

આ વખતે હું મારા કાકાના દેશ ગયો તો મારો ભાઇ ખૂબ જ રાજી જણાતો હતો. મેં એને એના રાજીપાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે તેણે એક આલીશાન મહેલ બંધાવ્યો હતો. આજે એનું મુહૂર્ત હતું. એણે મને સાથે આવવા કહ્યું. પણ શરત મૂકી કે એક વાતને એણે ગુપ્ત રાખવી પડશે. મેં એની વાત માની લીધી.

એ ચાલ્યો ગયો. પાછો આવ્યો ત્યારે શરાબના નશામાં એ ચકચૂર હતો અને એની સાથે એક સુંદરી હતી સુંદરીએ પારદર્શક વસ્ત્રો પહેરેલા હતાં, જેથી એનું આખું શરીર દેખાતું હતું. અમે નવા મહેલ તરફ ચાલી નીકળ્યા. તે મને મહેલમાં લઇ આવ્યો અને ગુપ્ત રસ્તો બતાવવા લાગ્યો.

મેં જોયું કે થોડીવાર બાદ મારો પિતરાઇ ભાઇ હાથમાં પાણી ભરેલું પાત્ર અને ચૂનાની ટોપલી લઇ આવ્યો. પછી એણે એક જગાએ સમાધિ ઉપરની માટી દૂર કરી. એક ગુપ્ત રસ્તો દેખાયો. અમે લોકો નીચે ઉતર્યા.

મારા ભાઇએ કહ્યું - ‘આજે આપણે મોજમઝા કરીશું. અને રંગરેલિયાં મનાવીશું. કદાચ તને એ જોઇ શરમ આવશે. તું પાછો ચાલ્યો જા. ફરી આવજે ક્યારેક. પણ ખબરદાર! આ વાતનો અણસાર શુદ્ધાં કોઇને આવવો જોઇએ નહીં. જતી વખત માટી બરાબર ઢાંકી દેજે.

મેં પૂછ્યું - ‘ક્યાં જાય છે, ભાઇ? પણ એ નિરૂત્તર રહ્યો. ચાર દિવસ સુધી મેં ભાઇની રાહ જોઇ. પણ તે ના આવ્યો. હું મહેલમાં આવીને સૂઇ ગયો. કેટલાય દિવસો પછી એ પાછો ના ફર્યો ત્યારે હું મારા મંત્રીને લઇ મારા રાજ્યમાં પાછો આવી ગયો.

પણ આ શું? મારા રાજ્યમાં પ્રવેશતાં જ મને બળવાખોર ગણાવી બંદી બનાવી લેવામાં આવ્યો. મારા પિતાનું અવસાન થયું. કોઇ નકહરામ વજીર મારા રાજ્યનો સુલતાન બની બેઠો હતો. બાળપણમાં ગિલોલથી જેની આંખ ફૂટી ગઇ હતી તે મને તિરસ્કારતો હતો. એને મારી સુંદરતાની અદેખાઇ આવતી હતી.

એની આગળ મને લઇ જવાતાં જ એણે પહેલાં મારી આંખ ફોડી નાખી. દર્દનો માર્યો હું બેભાન બની ગયો. ભાનમાં આવ્યો ત્યારે મેં જોયું કે હું જેલના સળિયા પાછળ હતો.

બાદશાહ બની બેઠેલા વજીરે તિરસ્કારથી કહ્યું - ‘આ નીચ આદમીને શહેરની બહાર લઇ જઇ મારી નાખો.’

એ જલ્લાદ મને જંગલમાં લઇ ગયો. મારું સદ્‌ભાગ્ય કે એ જલ્લાદ પર મારા પિતાના અનેક ઉપકારો હતા. એણે મને છોડી દીધો. કહ્યું - ‘શાહજાદા! અહીંથી ભાગી જા. એટલો દૂર ચાલ્યો જા કે તને કોઇ જોઇ ન શકે.’

મેં એમ જ કર્યું. થોજાક દિવસો ભટક્યા પછી હું મારા કાકાના દેશ પહોંચ્યો. કાકા તો મને જોઇ રાજી રાજી થઇ ગયા. મારા પિતાના અવસાનના સમાચાર મેં એમને કહ્યા ત્યારે તેઓ બહુ જ દુઃખી થઇ ગયા. ઊંડો નિસાસો નાખતાં તેમણે કહ્યું - ‘હે ખુદા! શું દીકરાના મૃત્યુંનું દુઃખ ઓછું હું તે તેં ભાઇના મૃત્યુનું દુઃખ આપી દીધું.’ એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. મારું હૈયું પીગળી ગયું. હું મારા ભાઇને આપેલો કોલ ભૂલી ગયો. મેં સઘળી હકીકત જણાવી દીધી.

કાકા મારા ભાઇના આવારાપણાને જાણતા હતા. હવે જ્યાં ગુપ્ત રસ્તો હતો ત્યાં જવા મારા કાકા નીકળ્યા. મહામહેનતે લોખંડના દરવાજાને તોડવામાં આવ્યો. એ ગુપ્ત રસ્તે જ્યારે તેઓ પેલા મહેલમાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું તો મારો ભાઇ અને પેલી સુંદરી એકબીજાને આલિંગન આપેલી સ્થિતિમાં મરેલાં પડ્યાં હતાં.

કાકાએ ક્રોધમાં આવી એમને ખાસડાંથી ફટકાર્યા અને પછી એમની ઉપર થૂંક્યા.

પ્રશ્નાર્થસૂચક નજરે મેં કાકા સામું જોયું પૂછ્યું - ‘આપ આ બંન્ને પ્રત્યે આટલો તિરસ્કાર કેમ કરો છો?’

કાન પકડીને કાકાએ માફી માગી કહ્યું - ‘બેટા! આ બંન્ને ઇર્ષાખોર છે. મારો દીકરો બાળપણથી જ તેની સગી બહેનને પ્રેમ કરતો હતો. ઘણું સમજાવ્યા છતાં એ માન્યો નહીં. એની વાસના ઉત્તરોત્તર વધતી જ ગઇ. જવાન થતાં તેમણે બદી જ મર્યાદાઓ ઓળંગી દીધી. મેં એમને અલગ અલગ જગાએ રાખવાની વ્યવસ્થા કરી. ત્યારે મારા દીકરાએ આ ગુપ્ત મહેલ બંધાવી અહીં રહેવાનું શરૂ કર્યું. તે ઘણો અધમ અને પાપી હતો. ભગવાને એને એના પાપનું ફળ આપી દીધું.’

આ સાંભળીને મારાં રૂવાંડાં ખડાં થઇ ગયાં.

કાકાએ મને એમનો વારસદાર બનાવવાની ઇચ્છા વ્યક્ત કરતાં કહ્યું - ‘બેટા! હવે તું જ મારો સહારો છે.’

આ અરસામાં મારા પિતાનું રાજ્ય પડાવી લેનાર વજીરે કાકાના રાજ્ય પર હુમલો કર્યો. ભયંકર લડાઇ થઇ. આ લડાઇમાં મારા કાકા માર્યા ગયા.

હું પણ હિંમત હારી બેઠો અને મેદાન છોડી ભાગી ગયો. જીવ બચાવવા હું નાસતો ફરતો બગદાદ શહેરમાં પહોંચી ગયો. અહીં જ મને આ બે ફકીરોનો ભેટો થઇ ગયો. સંજોગવશાત અમે ત્રણેય કાણા છીએ અને દુઃખી છીએ. આ જ મારી દર્દભરી દાસ્તાન છે.

શહરજાદે જોયું કે બાદશાહ સલામતને એની વાતોમાં રસ પડતો હતો. તેથી તેણે બીજી ફકીરની વાત શરૂ કરી.

અનુક્રમણિકા

૧૭ : બીજો ફકીર

બીજા ફકીરે કહ્યું - ‘ઓ હસીના! નાનપણમાં હું ખૂબ જ વિદ્યાપ્રેમી હતો. સર્વ વિષયોમાં પારંગત બનવાની મારી મહેચ્છા હતી. મારી તીક્ષ્ણ બુદ્ધિ જોઇ મારા શિક્ષકો મારી વિશેષ કાળજી લેતા હતા. જોતજોતામાં હું સર્વજ્ઞાનસંપન્ન થઇ ગયો. સફળતા મારાં ચરણો ચૂમવા લાગી.’

મારી ખ્યાતિ મોગરાની મહેંકની જેમ ચારેબાજુ ફેલાઇ.

એકવાર અમારા પ્રદેશના રાજાએ મને કહેણ મોકલ્યું. હું બાદશાહ પાસે ગયો. તેમણે મને દાસ દાસીઓ અને મૂલ્યવાન સામાન આપી પરદેશ જવા જણાવ્યું. જેથી અમારા રાજ્યની વિદ્યાઓનો હું ફેલાવો કરી શકું.

મેં બાદશાહના પ્રસ્તાવને મંજૂરી આપી. હું ભારત ભણી રવાના થયો. મને મારા મુલ્ક અને બાદશાહનું નામ રોશન કરવાની તીવ્ર ઇચ્છા હતી. પણ રસ્તામાં મને લૂંટારાઓએ લૂંટી લીધો. અમારા રક્ષકોને મારી નાખ્યા અને દાસદાસીઓ તથા કીમતી સામાન લઇ પલાયન થઇ ગયા. જીવ બચાવવા હું પણ ઘોડાપર બેસી ભાગી છૂટ્યો.

નાસ્તો ફરતો હું જંગલમાં પહોંચી ગયો. મને ખૂબ તરસ લાગી હતી. હું પાણીના શોધમાં નીકળ્યો. પાણી પીને પાછો આવ્યો ત્યારે જોયું તો મારો ઘોડો મરી ગયો હતો. મેં એક નાની સરખી ગુફામાં આશરો લીધો. આખી રાત ભૂખે વીતાવી.

દિવસો સુધી જંગલમાં ફળો ખાઇ ફરતો ફરતો છેવટે હું એક શહેરમાં આવ્યો.

મારાં કપડાં મેલાં થઇ ગયાં હતાં. વાળ રૂક્ષ થઇ ગયા હતા. શરીરનો રંગ કાળો પડી ગયો હતો. થાકીને હું લોથપોથ થઇ ગયો હતો.

એક દરજીની દુકાને જઇ મેં તેને મારી આપવીતી કહી સંભળાવી. દરજી બુદ્ધિમાન હતો. તેણે સલાહ આપતાં કહ્યું કે મારે કોઇને મારું ઠામ ઠેકાણું બતાવવું નહીં. અહીંનો બાદશાહ તમારા બાદશાહ અને પ્રજાનો દુશ્મન છે. એ જાણશે તો તને જાનથી મારી નાખશે.

દરજીએ મને ગભરાવી મૂક્યો તેમ છતાં તેણે મને તેના ઘરમાં આશરો આપ્યો. મને ગરમ પાણીથી નવડાવ્યો. સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. નવાં કપડાં આપ્યાં. તેણે મને કહ્યું - ‘રોજી રોટી મેળવી શકાય તેવો કોઇ ઉદ્યોગ આવડે છે તમને?’

મેં કહ્યું - ‘હું સર્વજ્ઞાન સંપન્ન વિદ્વાન છું. અનેક વિદ્યાઓ હું જાણું છું.’

‘અરે ભાઇ! અહીંનો બાદશાહ અભણ અને મૂર્ખ છે. એને ભણેલા ગણેલા લોકો પ્રત્યે નફરત છે. તમે, જંગલમાં જઇ લાકડાં કાપી લાવી વેચશો તો તમારો ગુજારો થઇ રહેશે.’

મેં લાકડાં કાપી લાવી વેચવાનું શરૂ કર્યું. આમને આમ એક વરસ વીતી ગયું. મારી પાસે થોડાક પૈસા એકઠા થયા.

દુનિયા વિચિત્રતાઓથી ભરેલી છે.

એકવાર વધુ કમાવાની લાલચમાં ઝાડને મૂળમાંથી કાપી રહ્યો હતો ત્યારે મારી કુહાડી લોખંડના જાડા પતરા સાથે અથડાઇ. મેં ત્યાં ખોદીને જોયું તો તે લોખંડનો દરવાજો હતો. ઊંડું ખોદીને મેં આખો દરવાજો બહાર કાઢ્યો. અંદર ગુપ્ત રસ્તો દેખાયો. નવાઇ પામી હું એમાં દાખલ થયો. થોડી વારમાં મેં એક વિશાળ મહેલ જોયો. મહેલની શોભા જોઇ હું હેબતાઇ ગયો. કેવો ભવ્ય અને કલાત્મક મહાલય! મહેલના વરંડામાં એક ખૂબસૂરત નવયુવાન હસીના બેઠી હતી. તેને જોતાં જ હું તેના મોહમાં પડી ગયો.

એણે મને જોતાં જ પૂછ્યું - ‘તમે કોણ છો? અહીં શી રીતે આવ્યા?’

મેં ઉત્તર આપ્યો - ‘હું તો એક અદનો આદમી છું. સંજોગોનો શિકાર થઇ અહીં આવી ચઢ્યો છું.’

તે બોલી - ‘ઓહ! પૂરાં પચ્ચીસ વરસથી હું અહીં કેદ છું. હે મુસાફર, હું આબૂની ટાપુની શાહજાદી છું. એ ટાપુ પરથી જ આ બનૂસની છોકરી આવે છે. એ ટાપુનો રાજા છે. અબૂતૈમરસ.’ હું એમની દીકરી છું. મારા અબ્બાએ મારું લગ્ન એમના ભત્રીજા સાથે કરાવી દીધું. સાસરીમાં જાઉં તે પહેલાં જ એક શેતાન જબરજસ્તીથી મને અહીં ઊઠાવી લાવ્યો. શેતાન ઘણો કદાવર અને બિહામણો છે. આ એનો ગુપ્ત મહેલ છે. તે દર દસ દિવસે એકવાર અહીં આવે છે, કેમકે એ શેતાનનું લગ્ન થઇ ચૂક્યું છે. એની પત્ની પણ જોરાવર અને જાદુની જાણકાર છે. એની બીકથી હવે તે રોજ રોજ અહીં આવતો નથી. ચાર દિવસ પહેલાં એ અહીં આવ્યો હતો. હવે છ દિવસ પછી એ અહીં આવશે ત્યાં સુધી તમે મારી સાથે આરામથી રહી શકશો.

મેં એ ખૂબસૂરત હસીનાની વાત માની લીધી. લાંબા સમય સુધી અમે સુખદુઃખની વાતો કરતાં રહ્યાં.

પછી મેં સુગંધીદાર દ્રવ્યોથી સ્નાન કર્યું. એણે મને સુંદર વસ્ત્રો પહેરવા આપ્યાં. સ્વાદિષ્ટ ભોજન જમાડ્યું. મદિરા પીવડાવી. દારૂના નશામાં મેં કહ્યું - ‘હે ભાગ્યવંતી! તું મારી સાથે કેમ ભાગી નીકળતી નથી?’

‘એવી ભૂલ ક્યારેય ના કરશો નહીં. આ શેતાનને અનેક કાળાજાદુ આવડે છે. તે આપણને બંન્નેને મારી નાખશે. હું જે કહું છું તેમાં જ ભલાઇ છે.’

મને હવે બરાબર નશો ચઢી ગયો હતો. હું નહોતો ઇચ્છતો કે મારી પ્રાણપ્યારી દસ દિવસમાં એકવાર પણ શેતાન માટે સેજ સજાવે.

હું આવેશમાં આવી ગયો. આ મહેલમાં એક જાદુઇ યંત્ર લગાડેલું હતું. હું પણ અનેક વિદ્યાઓનો જાણકાર હતો. મેં એ યંત્રને ધ્યાનથી જોઇ સાવધાનીથી તેની પર જોરતી લાત મારી. યંત્ર તૂટી ગયું.

ધરતીકંપ આવ્યો હોય એમ આખો મહેલ થરથરવા લાગ્યો. ચારે તરફ અંધકાર છવાઇ ગયો. પછી જોરજોરથી અવાજ સંભળાવા લાગ્યો. ક્ષણ વારમાં અગ્નિની જ્વાળાઓ ભભૂકી ઊઠી.

મારી આ હરકતને જોઇ હસીના ડરી ગઇ. તેણે કહ્યું - ‘અરે! અરે! આ શું કર્યું? જલદીથી નાસી છૂટો હવે.

હું ભાગ્યો. પણ ઉતાવળમાં કુહાડી અને દોરડું લેવાનું ભૂલી ગયો. પણ ત્યાં તો પેલો શેતાન હાજર થઇ ગયો, અને બોલ્યો - ‘કેમ યાદ કર્યો મને?’

‘નશામાં હું ભાન ભૂલી ગઇ હતી. ભૂલતી યંત્રને અડી જવાયું. મને ક્ષમા કરો.’

શેતાને દોરડું અને કુહાડી જોઇને પૂછ્યું - ‘આ દોરડું અને કુહાડી?’

‘ખબર નથી એ શી રીતે અહીં આવી ગયાં! તમારી સાથે તો નથી આવ્યાં ને?’

‘તેં કોઇને તારું શરીર તો નથી સોંપ્યું ને?’

‘છી...છી...છી...હું તમારા સિવાય. બીજા કોઇને મારું શરીર સોંપુ ખરી!’

શેતાને એને માર માર્યો.

લાકડાંની ભારી લઇ હું પાછો ફર્યો. હું એક દિવસ દરજીને ઘેર ગયો ન હતો. તેથી તેણે મને તે માટેનું કારણ પૂછ્યું. બીમારીનું બહાનું બતાવી હું મારા ઓરડામાં ચાલ્યો ગયો. જરાક આડે પડખે થયો ત્યાં જ આવીને દરજીએ કહ્યું - ‘કોઇ વૃદ્ધ માણસ તારી કુહાડી અને દોરડું આપવા આવ્યો છે.

‘તમે લઇ લો.’

‘પણ એ તને હાથોહાથ આપવાનું કહે છે.’

સૂકા પાંદડાની જેમ હું થરથરવા લાગ્યો. દરજીને નવાઇ લાગી. હું કઇંક કહું તે પહેલાં જ દીવાલ તોડી શેતાન મારી સામે પ્રકટ થયો. ગુસ્સામાં આંખો ફાડી તેણે કહ્યું - ‘હું શેતાનોના શેતાન અને જાદુગરોના જાદુગર અબલીસનો સંબંધી છું. જૂઠું બોલીશ તો હું તને કાચો ને કાચો કરડી ખાઇશ.’

મારા તો હોંશકોશ ઊડી ગયા. પલકવારમાં જ શેતાન મને લઇને આકાશમાં ઊડી ગયો. કેટલુંક અંતર કાપ્યા પછી એ નીચે ઉતરી તેના જાદુઇ મહેલમાં ગયો.

સામે શાહજાદી હસીના મોં લટકાવીને બેઠી હતી. તેના શરીર ઉપર મારનાં ચકામાં ઉપસેલાં દેખાતાં હતાં. તેનાં વસ્ત્રોના લીરેલીરા ઊડી ગયા હતા. મને જોતાં જ એ ગભરાઇ ગઇ.

મારી તરફ ઇશારો કરીને શેતાને કરડાકીથી કહ્યું - ‘બે શરમ કુલટા! આ જ છે ને તારો આશિક?’

તેણે કંપતા સ્વરે કહ્યું - ‘મેં તો એને કદી જોયો પણ નથી.’

ઠીક છે. તું એને ઓળખતી નથી કે નથી એ તારો આશિક, તો લે આ છરો અને એનું માથું કાપીને ધડથી અલગ કરી દે.’ હસીના તરફ છરી ફેંકતાં એણે કહ્યું.

શેતાનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો, એણે પેલી સુંદરીના બંન્ને હાથ કાપી નાખ્યા. બિચારી એ તો મરી ગઇ હું ડરી ગયો. થરથર કંપવા લાગ્યો. શેતાનના પગમાં પડી મેં પ્રાણની ભીખ માગી. શેતાને મને જીવતો તો રાખ્યો પણ માફ ના કર્યો. પૂછ્યું - ‘બોલ કૂતરા! તને કયું જાનવર બનાવું?’

મેં શેતાનને વિનંતી કરી. કૃપા કરી મને માણસ જ રહેવા દો. જેમ એક શરીફ માણસે કજિયાખોર પડોશીની બધી વાતો ભૂલી જઇ એનું ભલું જ કર્યું હતું. તે જ રીતે ગઇ ગુજરી ભૂલી જઇને મને માફ કરી દો.’

‘એ શી રીતે?’ શેતાને પૂછ્યું.

‘આ રીતે.’

અને મેં વાર્તા સંભળાવવી શરૂ કરી. સાંભળો -

અનુક્રમણિકા

૧૮ : સજ્જન માણસ અને પરી

એક મોટા નગરમાં બે માણસ રહેતા હતા. એક ભલો અને એક બૂરો. ભલો હંમેશાં ભલાઇ અને બૂરો હમેશાં બૂરાઇ કરતો હતો. ભલો માણસ એના પડોશીથી દુઃખી હતો.

ત્યાં એક ઊંડો કૂવો હતો. ભલા માણસને એકાંતમાં રહી રહીને વૈરાગ્ય જાગ્યો. તે ફકીર બનીને જીવન વીતાવવા લાગ્યો. તે ખુદાની બંદગી કરતો અને લોકોને સદુપદેશ આપતો. જોતજોતામાં ચોમેર એની નામના થઇ ગઇ. લોકો એનાં દર્શન માટે પડાપડી કરવા લાગ્યા. બૂરા પાડોશીએ એની કીર્તિ વધતી જોઇ ત્યારે એ બળીને ખાખ થઇ ગયો. રસ્તામાંથી એનો કાંટો કાઢવાની યોજના એ વિચારવા લાગ્યો. એ ભલા માણસ પાસે ગયો. ભલા માણસે એનો આદર સત્કાર કરી ખબર અંતર પૂછ્યા.

બૂરાએ કહ્યું કે પોતે એકાંતમાં કોઇ ખાસ વાત કરવા ઇચ્છે છે. એ ભલા માણસને કૂવા તરફ લઇ ગયો.

કૂવાની પાસે આવતાં જ બૂરા માણસે ભલા માણસને કૂવામાં ધક્કો મારી નાખી દીધો. પછી પોતે ઘેર ચાલ્યો ગયો.

પણ ઇશ્વરની મરજી વગર પાંદડુંય ક્યાં હાલે છે! જેની જીવનરેખા અતૂટ હોય એને ભલા કોણ મારી શકે! એ જેવો કૂવાને તળિયે ગયો કે તેણે એક સુંદર પરીને જોઇ. પરીએ પેલા ભલા જણને બેસવા આસન આપ્યું. ભલા માણસને કોમલ હાથોનો સ્પર્શ તો થયો પણ એ કશું જોઇ શક્યો નહીં.

એક પરીએ બીજીને પૂછ્યું - ‘શું તું આ ભલા માણસને જાણે છે?’

‘ના.’

‘આ ફકીર જેવો માણસ ઇલ્મે ઇલાહી છે. તે અધ્યાત્મને જાણનારો છે. બિચારો એક પડોશીથી તંગ આવી ગયો છે. પડોશી વારંવાર હેરાન કરતો રહે છે. એને, અને એ પડોશીને વારંવાર માફ કરી દે છે. એને એના પડોશીએ કૂવામાં ધકેલી દીધો છે પણ ભગવાન કરે એ ભલા માટે. આ ભલા માણસનું નસીબ ખુલી જવાનું છે. કાલે બાદશાહ આની પાસે આવશે. એની દીકરી શાહજાદી પર ડિમડિમ ડિમાનો દીકરો મૈમૂશૈતાન ફિદા છે. તે આ પ્રેમરોગથી જ બીમાર છે. આ ભલા માણસ પાસે કાળી બિલાડી છે. એની પૂંછડી પર સફેદ ગોળ ચાંદો છે. આ ભલો માણસ એ ગોળ, સફેદ ચંદરવામાંથી સાત વાળ તોડીને એમને બાળી નાખે અને શાહજાદીના નાકમાં એ ધૂમાડો પહોંચાડે તો શાહજાદીની બીમારી મટી શકે એમ છે. વળી તે શેતાનની છાયામાંથી પણ મુક્તિ મેળવી શકે.’

પરીઓની મદદથી ભલો માણસ પાછો એની ઝુંપડીએ આવી ગયો હતો. બિલાડી આવતાં જ એણે એની પૂંછડીમાંથી સાત વાળ તોડી લીધા. પછી એ બાદશાહની પ્રતીક્ષા કરવા લાગ્યો.

થોડીવારમાં બાદશાહ અને એનો વજીર આવ્યા.

બાદશાહે માન સહિત ભલા માણસને ઊંચા આસન ઉપર બેસાડ્યો.

બાદશાહે કહ્યું - ‘આપ સર્વવિદ્યાઓમાં પારંગરત છો તેથી અમારા આગમનનો આશય તો જાણી જ ગયા હશો. જો આપની દુઆથી મારી દીકરી સ્વસ્થ થઇ જશે તો હું આપનો આભારી થઇશ.’

ભલા માણસે કહ્યું - ‘આપ શાહજાદીને અહીં બોલાવી લો તો સારું.’

એ જ વખતે શાહજાદીને બોલાવવામાં આવી.

પરીએ બતાવેલા પ્રયોગથી ભલા માણસે શાહજાદીનો ઇલાજ કર્યો. ધૂમાડો જેવો શાહજાદીના નાકમાં ગયો તેવો જ તે જાદુગર, ‘મરી ગયો બાપ રે, મરી ગયો.’ એવી ચીસો પાડતો ત્યાંથી ભાગી ગયો.

શાહજાદી રોગમુક્ત થઇ ગઇ. ભાનમાં આવી તે બોલી - ‘હું ક્યાં છું? મને અહીં કોણ લાવ્યું?’

દીકરીને ગળે લગાડતાં બાદશાહે કહ્યું - ‘ખુદાનો ખૂબ ખૂબ આભાર કે તું સારી થઇ ગઇ!’ આ બધું આ ફકીરની દુઆથી થયું છે.

શાહીજાદીના મનમાં પહેલી નજરે જ આ ભલો માણસ વસી ગયો. બાદશાહે શાહજાદીનું લગ્ન ભલા માણસ સાથે કરાવી દીધું. થોડા દિવસો બાદ મહામંત્રીનું અવસાન થઇ ગયું, ત્યારે બાદશાહે આ સજ્જન માણસને પોતાનો મુખ્ય વજીર બનાવી દીધો.

બાદશાહ બનવા છતાં એ ભલા માણસે એની ભલાઇ છોડી નહીં. એણે એક દિવસ પેલા બૂરા માણસને બોલાવી એક હજાર સુવર્ણ મુદ્રાઓ અને વીસ ગાંસડી કીમતી વસ્ત્રો આપ્યાં બીજા ફકીરે જણાવ્યું કે તેણે તેની આ કથા શેતાનને સંભળાવી અને પોતાના અપરાધની ક્ષમા માગી તો ગુસ્સામાં એણે મને ઊંચા પર્વતના શિખર ઉપર મૂકી દીધો. પછી એણે મેલી વિદ્યાનો પ્રયોગ કરી મને વાંદરો બનાવી દીધો, અને શેતાન અદૃશ્ય થઇ ગયો.

મનોમન હું શેતાનને ભાંડતો રહ્યો. મારી દશા દયનીય હતી. વાંદરાની યોનિમાં હું આમતેમ ભટકવા લાગ્યો. એક મહિના પછી હું કોઇક સમુદ્રના કિનારે પહોંચ્યો. એક જહાંજ પર ચઢી જઇ આખરે હું એક બંદર પર પહોંચ્યો.

નસીબના ખેલ પણ અજબગજબ છે!

જહાજ ખાલી થતાં જ બાદશાહે એક મુખ્ય સરદારને કહ્યું - ‘અહીંના મુખ્યમંત્રીના અવસાન પછી કોઇ લાયક અને સર્વજ્ઞાનસંપન્ન માણસ હજુ સુધી મળ્યો નથી. બધી જ વિદ્યાઓમાં પારંગત માણસની જરૂર છે.’

મેં એક કાગળ પર કવિતાની ચાર પંક્તિઓ લખી. મને ખાતરી હતી કે કોઇ વિરલો જ આવી કવિતા લખી શકે. મને મારી આવડત બતાવવાનો સોનેરી સમય મળી ગયો.

બાદશાહને મારી કવિતા ખૂબ ગમી. બાદશાહ અને વજીર બંન્ને ખુશ થઇ ગયા. એમને ખબર પડી કે આ લખનાર તો એક મામૂલી વાંદરો છે ત્યારે તેમના આશ્ચર્યનો પાર ના રહ્યો.

મને દરબારમાં બોલાવવામાં આવ્યો. બાદશાહને ઝૂકી ઝૂકી સલામ કરી હું અદબ સાથે ઊભો રહ્યો. બાદશાહ મને તેની સાથે ભોજનાલયમાં લઇ ગયો. ચટાકેદાર ભોજન પેટ ભરી ખવડાવ્યું.

આ વખતે જ બાદશાહની શાહજાદી હુશ્ન મલિકા અહીં આવી અને ઘૂંઘટ ખોલી નાખ્યો. પછી કહ્યું - ‘અબ્બાજાન! આ વાંદરો નથી પણ માણસ જાત છે. શેતાનોના શેતાન મૈમૂએ એને વાંદરો બનાવી દીધો છે. એણે તો શાહજાદી અકૂનીને પણ મારી નાખી છે.’

બાદશાહે વિસ્ફારિત નેત્રોએ પૂછ્યું - ‘તને આ રહસ્યની ક્યાંથી ખબર?’

અભિમાનના તોરમાં માથું હલાવી શાહજાદીએ કહ્યું - ‘અબ્બાજાન! જ્યારે આપે મને ધાયને સોંપી દીધી હતી ત્યારે તેણે મને જાદુઇ વિદ્યા શીખવાડી હતી. એણે મને જાદુગરીના સત્તર પાઠ ભણાવ્યા હતાં. હું મારી વિદ્યાથી ધારું તો આપણા આખા રાજ્યને સમુદ્રમાં ડૂબાડી શકું એમ છું.’

‘દીકરી! જો તું આટલી જાદુવિદ્યા જાણતી હોય તો આને વાંદરામાંથી માણસ કેમ બનાવતી નથી? જો તું માને વાંદરામાંથી માણસ બનાવીશ તો હું એને આપણા રાજ્યનો મહામંત્રી બનાવી, તારું લગ્ન એની સાથે કરાવી આપીશ.’

શાહજાદીએ અબ્બાની વાત મંજૂર રાખી. અંદર જઇ એ એક જાદુઇ છડી લઇ આવી, જેની પર ‘ઇબ્રાની’ ભાષામાં મંત્ર લખેલો હતો.

મને એક ખુલ્લા વરંડામાં લઇ જવામાં આવ્યો.

શાહજાદીએ હાથ હલાવી મંત્ર ભણ્યો. અંધારું છવાઇ ગયું હતું. બરાબર આ જ વખતે મૈમૂ શેતાન સિંહના જેવી ભયંકર ગર્જના કરીને પ્રકટ થયો. એ શાહજાદીને ધમકાવવા લાગ્યો એ આગળ કંઇક કરે એ પહેલાં શાહજાદીએ સાવધાન થઇ એણે પોતાના માથાનો વાળ તોડી મંત્ર ભણ્યો. વાળ તલવાર થઇ ગયો. આ જાદુઇ તલવારથી સિંહના રૂપમાં આવેલા મૈમૂ શેતાનનું માથું એણે કાપી નાખ્યું.

પછી શેતાન વીંછી બની ગયો. શાહજાદી પણ સાપ બની ગઇ. બંન્ને વચ્ચે લડાઇ થઇ. બંન્ને ઊડવા લાગ્યાં. જોતજોતામાં બંન્ને અદૃશ્ય થઇ ગયાં.

થોડીવાર પછી એક બીજો ચમત્કાર થયો. જમીન ફાટી અને એમાંથી બે બિલાડીઓ નીકળી. એક સફેદ હતી અને બીજી કાળી. કાળી બિલાડી બકરી બની ગઇ. અને તેણે બિલાડી પર હુમલો કર્યો. બિલાડી એક નાનો કીડો થઇ ઝાડ પરથી પડેલા દાડમના ફળમાં પેસી ગઇ.

દાડમ ડુંગળી બની ગયું. એ વરંડામાં પડી ગયું. પડતાં જ ફાટી ગયું. એના નાના નાના ટુકડા થઇ ગયા. શેતાન એ ટુકડાઓને ચાવવા લાગ્યો.

એમાંથી થોડોક ભાગ સમુદ્રમાં જઇ પડ્યો, અને માછલી બની ગયો. શેતાન પણ એની પાછળ પાછળ સમુદ્રમાં કૂદી પડ્યો. તે પણ માછલી બની ગયો. પછી બંન્ને લડવા લાગ્યાં.

થોડીવાર પછી શાહજાદી અને શેતાન મોંઢામાંથી આગ ઓકતાં બહાર આવ્યાં. શેતાન અમારા તરફ ભયંકર આગનજ્વાળાઓ છોડી રહ્યો હતો. આગની જ્વાળાઓમાં એક ગુલામ બળીને ભડથું થઇ ગયો. બાદશાહનું મોં કાળું પડી ગયું અને મારી ડાબી આંખ બળી ગઇ.

આખરે શાહજાદીએ કોઇક મહામંત્ર અજમાવ્યો. એક ભયાનક અગનગોળો ઉત્પન્ન થયો અને શેતાન બળીને રાખ થઇ ગયો.

શાહજાદીએ મંત્ર ભણીને મારા પર પાણી છાંટ્યું. હું વાનરમાંથી માણસ બની ગયો શાહજાદીએ નિરાશા સાથે કહ્યું - ‘હું જીતી તો ગઇ છું પણ મારું મૃત્યુ હવે નજીકમાં જ છે. થોડીવારમાં હું મરી જઇશ.’

તે મરી ગઇ. કહો કે બળીને ભસ્મ થઇ ગઇ.

બાદશાહ બેભાન થઇ ગયો. એનો ઇલાજ કરાવવામાં આવ્યો. મેં શેતાનની રાખને કમરામાં ફેંકી દીધી અને શાહજાદીની રાખને રેશમી વસ્ત્રમાં બાંધી દફનાવી દીધી. ત્યાં એક ભવ્ય મકબરો બંધાવી દીધો.

શાહજાદીના મોતનું કારણ હું જ હતો એવું બાદશાહ સમજી બેઠો. એમણે મને દેશ નિકાલ કર્યો. મારી આપવીતી બગદાદના ખલીફા હારૂન રશીદને સંભળાવવા હું અહીં આવી પહોંચ્યો તો સંજોગોએ મને આપની પાસે પહોંચાડી દીધો. જુબેદાએ એનો ગુનો પણ માફ કરી દીધો.

અનુક્રમણિકા

૧૯ : ત્રીજો ફકીર

જુબેદાતો હુકમ થતાં જ ત્રીજા ફકીરે કહ્યું - ‘હું શૂરવીરોમાં શૂરવીર બાદસાહ ‘કસબ’નો પુત્ર અજબ છું. હું મારી મૂર્ખાઇને લીધે જ કાણો થયો છું.’

અબ્બાજાનના અવસાન પછી હું મારા રાજ્યનો બાદશાહ બન્યો. સલ્તનત સંભાળતાં જ મેં નક્કી કર્યું હતું કે મારા રાજ્યનાં નાનાં મોટાં શહેરોમાં જાતે જઇને જ તેમના હાલ જાણીશ, અને પ્રજાનાં દુઃખો દૂર કરીશ.

દસ નાનાં અને એક મોટું એમ અગિયાર જહાજ લઇ હું ચાલી નીકળ્યો. કેટલાક દિવસ તો બધું હેમખેમ ચાલ્યું. પણ પછી દરિયામાં મોટું તોફાન આવ્યું અને અમે આફતમાં સપડાઇ ગયા.

તોફાન શમી ગયા પછી અમે જોયું તો અમે એક ટાપુ પર આવી ગયા હતા. આ ટાપુ જાતજાતનાં ધાન્યોથી પરિપૂર્ણ હતો. અમે અનાજ ખરીદીને આગળ વધ્યા.

બે દિવસ પછી સમુદ્રના કિનારે અમે એક ઊંચો પર્વત જોયો. જહાજના કપ્તાને જણાવ્યું કે એ ચુંબકનો પહાડ હતો. જેમજેમ અમારું વહાણ એ પહાડની નજીક જશે તેમ તેમ તેનું સંતુલન બગડતું જશે. વધુ નજીક જતાં જ વહાણનો લોખંડનો સામાન એ ચુંબકીય પહાડની તાકાતથી બહાર નીકળી આવ્યો. થયું કે હવે જહાજ ડૂબી જશે.

પહાડનું શિખર ગોળાકાર છે. તેની ઉપર પિત્તળનો ઘોડો છે. તેની ઉપર પિત્તળનો માણસ સવાર થયેલો છે. પહાડ પર કાળા જાદુની અસરથી હજારો લોકો મરતા રહ્યા છે.

આ સામે આવેલા સંકટને જોઇ અમે બધા રડવા લાગ્યા મોત નજર સામે ઉભેલું જોઇ હું પણ ડરી ગયો.

પલકવારમાં જ જહાજ પેલા પર્વત સાથે અથડાઇને ડૂબી ગયું. અમારાં અગિયારે અગિયાર વહાણ ભંગારમાં ફેરવાઇ ગયાં. મને તરતાં આવડતું હતું તેથી ખુદાની રહેમથી હું તરીને કિનારે આવી પહોંચ્યો. મારો જીવ બચી ગયો. બાકીના બધા માણસો ડૂબી ગયા.

હવે મારે શું કરવું? સાહસ કરીને પર્વતની ટોચ પર હું ચઢવા લાગ્યો. રાત્રે હું પેલી ગોળાકાર ટોચ ઉપર પહોંચી ગયો. થાકને લીધે હું સૂઇ ગયો.

મને ઊંઘમાં સપનું આવ્યું. સપનામાં મેં એક દરવેશને જોયો. એણે મને કહ્યું તું જ્યારે જાગે ત્યારે તારી નીચેની જમીન ખોદજે. તને ત્યારે પિત્તળનું એક ધનુષ અને કામનાં ત્રણ બાણ મળશે.

એ બાણોથી તું પિત્તળની મૂર્તિઉપર છેદ કરજે. ત્યારે જાદુ થશે. એમ કરતાં જ મૂર્તિ પાણીમાં પડી જશે અને ઘોડો તારી પાસે આવી જશે. એ ઘોડાને તું અહીં જ દાટી દેજે.

એમ કરવાથી સમુદ્રનું મોજું ઊંચું ઉછળીને ગોળાકાર ટોચ પર આવશે. એ પછી એક નાવિક નાની શી નૌકા લઇ આવશે. તું એમાં બેસી જશે. નવ દસ દિવસમાં તું એવી જગાએ જઇ પહોંચીશ. જ્યાં કોઇ તારો વાળ પણ વાંકો કરી શકશે નહીં. ત્યાંથી તું નિર્વિઘ્ને તારા દેશ પહોંચી જઇશ. ખબરદાર! આ દરમ્યાન તારે ખુદાનું નામ લેવાનું નથી. જો ખુદાને યાદ કરીશ તો ફરી મુશ્કેલીમાં મુકાઇ જઇશ.

મેં દરવેશના કહ્યા મુજબ કર્યું. નાવ પર સવાર થઇ હું સુરક્ષિત જગાની નજીક પહોંચી ગયો હતો. હરખના હેલારામાં મારા મુખમાંથી ‘યા અલ્લાહ’ નીકળી ગયું.

ઇશ્વરનું નામ દેવાનાં જ નાવ પાણીમાં ડૂબી ગઇ. હું તરવા લાગ્યો. તરતો તરતો હું કિનારે આવ્યો. મેં મારાં કપડાં સૂકવ્યાં. પછી ભયાનક જંગલમાં હું રસ્તો શોધવા લાગ્યો. સાંજ પડવા આવી ત્યારે મેં એક જહાજ આવતું જોયું. એમાં ઘણા બધા ગુલામો હતા. તેમણે કિનારે ઉતરીને એક મોટો પથ્થર હટાવ્યો. પછી તે બધા નીચે ઉતરી ગયા. છેવટે એક વૃદ્ધ પોતાની સાથે એક નવયુવાનને લઇ એ ભોંયરામાં ઉતરી ગયો.

વૃદ્ધ થોડીવાર પછી સામાન લઇ બહાર આવ્યો. પણ પેલો નવયુવાન ભોંયરામાં જ હતો. મને થયું, આ લોકો નવજુવાનને કેદ કરીને જઇ રહ્યા છે. જિજ્ઞાસાથી મેં એ ભોંયરામાં પ્રવેશ કર્યો. અંદર એક સુંદર અને ભવ્ય હવેલી હતી. પેલો નવયુવાન અનેક આનંદપ્રમોદની વસ્તુઓ વચ્ચે બેઠો હતો. મને જોઇ એ ગભરાઇ ગયો.

મેં એને દિલાસો આપતાં કહ્યું - ‘તું જરાય ગભરાઇ નહીં. હું બાદશાહ છું. તને જરૂર મદદ કરીશ.’ પેલા નવયુવાને કહ્યું - ‘મારી આપવીતી ચિત્રવિચિત્ર છે. મારા પિતા ખ્યાતનામ ઝવેરી છે. હીરા માણેક અને કીમતી રત્નો પારખવાની એમની આવડતને કારણે તેમણે ખૂબ ધન મેળવ્યું હતું. દોમ દોમ સાહ્યબી હોવા છતાં એમને એક જ વાતનું દુઃખ હતું. એમને કોઇ સંતાન ન હતું.’

એકવાર મારા પિતાને સ્વપ્નું આવ્યું કે એમને ત્યાં સંતાનનો જન્મ થશે પણ એની આવરદા અલ્પ હશે. પિતા રાજી થયા અને દુઃખી પણ.

પિતાજીએ અનેક નામી અનામી જ્યોતિષિઓને તેડાવ્યા, અને દીકરાના અલ્પ આવરદાનું કારણ પૂછ્યું. જ્યોતિષિઓએ કારણ બતાવતાં કહ્યું કે, ‘ચૌદમા વરસે બાદશાહ ‘અજબ’ પિત્તળની મૂર્તિનો નાશ કરીને દીકરાના મોતનું કારણ બનશે.’ તેણે તે મૂર્તિનો નાશ કર્યો.

મને બચાવવા માટે જ મારા અબ્બાજાને આ ભોંયરૂં તૈયાર કરાવી તેમાં જીવનજરૂરી બધા સરસામાનની વ્યવસ્થા કરાવી દીધી છે. મને મારા રક્ષણ માટે જ અહીં રાખવામાં આવ્યો છે. મેં વિચાર્યું કે આ નિર્દોષની શી ભૂલ? મેં એને ધીરજ બંધાવી કે. એણે ગભરાવાની કોઇ જરૂર નથી. વળી ઉમેર્યું - ‘જ્યારે તારા પિતા આવશે ત્યારે હું પણ એમની સાથે જઇશ.’

મેં એને મારી ઓળખાણ આપી નહીં. જાતજાતની વાતો સંભળાવી હું હંમેશાં એને ખુશ રાખતો હતો. આમને આમ ઓગણચાલીસ દિવસો પસાર થઇ ગયા.

ચાલીસમા દિવસે છોકરો એના પિતાના આવવાની રાહ જેવા લાગ્યો. એ વારંવાર મારો આભાર માનતો હતો. ચાલીસમા દિવસે ઊઠીને એ નિત્યકર્મથી પરવારી ગયો. પછી તેણે સફરજન ખાવાની ઇચ્છા જણાવી. મેં સફરજન કાપવા છરો હાથમાં લીધો. ફર્શ ભીની હતી. મારો પગ લપસ્યો છરા સાથે હું એવો જોરથી પટકાયો કે મારા હાથમાંનો છરો પાસે બેઠેલા છોકરાના કાળજાની આરપાર નીકળી ગયો. બિચારો છોકરો મૃત્યુ પામ્યો. હું ચોધાર આંસુએ રડવા લાગ્યો.

જ્યોતિષિઓની વાત સાચી પડી. હું તરત બહાર આવ્યો. મને એક વહાણ આવતું દેખાયું. જલ્દીથી હું ઝાડ પર ચઢી ગયો અને પાંદડાંની ઓથમાં સંતાઇ ગયો.

થોડીવાર પછી જહાજ પરથી તે વૃદ્ધ ઉતર્યો. અંદર ગયો દીકરાને લોહીલુહાણ અને મૃત્યુ પામેલી હાલતમાં જોઇ પોક મૂકી રડવા લાગ્યો. દાસ દાસીઓએ એને સાંભળી લીધો. પાણી છાંટી એને ભાનમાં આણ્યો. અંતે એ દુઃખી બાપે એના દીકરાને દફનાવી દીધો. મારી અણજાણતાં થયેલી એ ભૂલનો મને ભારે પસ્તાવો થતો હતો. રાત્રે હું અહીં જ સૂતો, નદીનું પાણી ઓછું અને શાંત થયું ત્યારે હું તરીને સામે કિનારે ગયો. મેં દૂર નજર કરી. મને અગ્નિ સળગતો દેખાયો. પણ ત્યાં અગ્નિ ન હતો. ત્યાં હતો એક શુદ્ધ તાંબાનો કિલ્લો. સૂરજના તાપમાં એ અગ્નિ દેવો લાલચટ્ટક દેખાતો હતો. હું કિલ્લાની નજીક ગયો ત્યારે મારા આશ્ચર્યનો પાર ના રહ્યો.

હું ત્યાંજ બેસી ગયો. કિલ્લાનો દરવાજો ઊઘડ્યો. એમાંથી દસ યુવાનો બહાર આવ્યા. એ બધાય કાણા હતા. એમની સાથે એક દરવાન પણ હતો. ફકીર મારી પાસે આવીને બોલ્યો - ‘અહીં ક્યા કારણથી આવ્યા છો? કહો.’

મેં મારી સાથે જે વીત્યું હતું તે કહી સંભળાવ્યુ.ં એને મારા પ્રત્યે અનુકંપા જાગી. તે મને કિલ્લાની અંદર લઇ ગયો. કિલ્લો અજબગજબનો હતો. એ દરવાન એની બિરાદરી પાસે પહોંચ્યો. જઇને ઊંચા આસન પર બેસી ગયો. તેણે મને ચૂપચાપ બેસી રહેવા જણાવ્યું. જો હું એમ નહીં કરું તો હું આફતમાં સપડાઇશ એમ પણ એણે કહ્યું. મારે એમના કોઇ કામમાં ન હતી દખલ દેવાની કે ન હતો કોઇ પ્રશ્ન પૂછવાનો.

આટલી વાત પછી દરવાને ભોજન પીરસ્યું. એણે મને પણ આપ્યું.

ભોજન પછી સુરાપાન કરી મારી આપવીતી પૂછી. દરવાને કહ્યું - ‘સૂવાનો સમય થયો છે પણ રોજની જેમ ફરજ પ્રત્યે કોઇનું ધ્યાન ગયું નથી.’ આટલું કહેતો તેણે બાજુની ઓરડીમાંથી ભૂરા કપડાથી વીંટેલી દસ થાળીઓ કાઢી, અને દરેકની સામે એક એક મૂકી દીધી.

યુવાને કપડાના ટુકડા હઠાવ્યા. થાળીઓમાં રાખ, કોલસા અને ઓલવાઇ ગયેલા કાળા દીવા હતા. બધાએ એ રાખ પોતપોતાના ચહેરા ઉપર ચોપડી. બદા જેટલા સુંદર હતા તેટલા જ કદરૂપા થઇ ગયા. પછી બધા મોટેથી રડવા લાગ્યા. કાણી આંખો ભારે બિહામણી લાગતી હતી. રડતાં રડતાં બધા કહેતા હતા - ‘અમારી મૂર્ખતા અને ખોટા ખર્તાનું જ આ પરિણામ છે.’

તેઓ આખી રાત રડતા રહ્યા. ફકીરે બધાના સામે પાણી ભરેલું પાત્ર મૂક્યું. બધા મોં ધોઇ સૂવા ચાલ્યા ગયા.

મને નવાઇ લાગતી હતી. આ રહસ્ય જાણવાનું વારંવાર મને મન થયું. પણ ખામોશ રહેવું એ મારી મજબૂરી હતી. આ રહસ્યની ચિંતામાં આખી રાત હું ઊંઘી ના શક્યો.

અમે ટોળટપ્પા કરવા બહાર ગયા ત્યારે મેં પૂછી જ નાખ્યું. - ‘માલિક! આપ તો ભારે જાદુગર છો. ચાલાક પણ એવા જ છો. શું હું ગઇ રાતે બનેલી ઘટનાનું રહસ્ય જાણી શકું?’

‘એ રહસ્યને નહીં જાણવામાં જ તમારી ભલાઇ છે.’ એક જવાને કહ્યું. બીજી રાત્રે પણ આ જ ઘટના ક્રમ ચાલ્યો.

મેં હવે રહસ્ય જાણવાની જિદ કરી. ત્યારે જવાને કહ્યું - ‘દોસ્તીને લઇ અમે રહસ્ય પરથી પરદો ઊંચકવા નથી ઇચ્છતા છતાં તું ના જ માને તો તારી મરજી. અમારી જેમ તારી ડાબી આંખ ફૂટી જાય તો અમને દોષ ના દેતો. તું ચાલ્યો જજે. કારણ કે અહીં દસ યુવાનો જ રહી શકે છે. હું મારી જીદ પર મક્કમ રહ્યો. એણે કહ્યું - ‘અમે તને એક જાતના ચામડામાં બંધ કરી દઇએ છીએ. તને મહાકાય એક પક્ષી ઊઠાવીને લઇ જશે, તે પણ પહાડ પર.’

તેમણે કહ્યા મુજબ મને ચામડામાં બંધ કરી દીધો. તેમણે જણાવ્યું કે પહાડ પર પહોંચતાં જ મારે એ ખાલ ચીરીને બહાર નીકળી જવું, નહીં તો એ મને કાપી કાપીને ખાઇ જશે. એ પછી એણે બીજી સૂચનાઓ આપી.

પહાડ પર પહોંચતાં જ ચામડું ચીરી હું બહાર આવી ગયો. હું થોડુંક જ ચાલ્યો ત્યાં સોનાનો દુર્ગ નજરે પડ્યો. મેં એ કિલ્લામાં પ્રવેશ કર્યો. એણે મને કહેલું કે આખી વાતનું રહસ્ય મને ત્યાં મળી જશે.

એ કિલ્લાને નવ્વાણું ચંદન અને સોનાના દરવાજા હતા. દરવાજા અને મહેલોમાંથી પસાર થતો હું ઝરૂખામાં પહોંચ્યો. ત્યાં ચાલીસ ખૂબસૂરત હસીનાઓ બેઠી હતી. મને જોઇને ખુશીની મારી એ નાચવા લાગી. કહ્યું - ‘આપનાં દર્શન કરીને અમે ખરા દિલથી ખુશ થયાં છીએ.’

તે પછી એક હસીના મને આરસપહાણના મહેલમાં લઇ ગઇ અને કહ્યું - ‘આજથી આપ અમારા સ્વામી છો, અને અમે બધી સુંદરીઓ આપની દાસી છીએ.’

મારા આનંદનો પાર ના રહ્યો. પછી એ સુંદરીઓ મારી સેવામાં લાગી ગઇ. એકે મને સ્નાન કરાવ્યું. બીજીએ મારા પર અત્તર છાંટ્યું. ત્રીજીએ કીમતી વસ્ત્રો પહેરાવ્યાં. ચોથીએ સ્વાદિષ્ટ ભોજન જમાડ્યું. પાંચમીએ શરાબનો જામ સામે ધર્યો. મને થયું કે સ્વર્ગની અપ્સરાઓ વચ્ચે આવી પહોંચ્યો છું.

રાત થતાં એક સુંદરીએ અત્તરનો દીપ પ્રકટાવ્યો. ભોજન જમાડ્યા પછી સુરાપાન કરાવ્યું. સુંદરીઓએ નાચ ગાન કર્યાં. અડધી રાત સુધી આ જલસો ચાલતો રહ્યો.

પછી એક સુંદરી મારી પાસે આવી બોલી - ‘સફર કરી કરીને આપ થાકી ગયા હશો. હવે આરામ કરો. આપ જે સુંદરીને પસંદ કરતા હો તેને તમારી શય્યાભાગીનિ બનાવી લો. અને તેના સૌંદર્ય અને શરીરને ભોગવી આનંદ માણો. તમને આમાંથી જે પસંદ હોય તેનો હાથ પકડી લો.’

મેં એક સુંદરીને પસંદ કરી લીધી. એટલે બીજી બધી ત્યાંથી ચાલતી થઇ, અમે ક્યાંય. સુધી ચુંબન, આલિંગન અને પરિરંભણ કરતાં રહ્યાં.

આમ દરેક રાત્રે હું જુદી જુદી સુંદરીઓને ભોગવતો રહ્યો. અગિયાર મહિના કેમ વીતી ગયા એની ખબર પણ ના પડી. એકવાર બધી રમણીઓ રડી રડીને વિલાપ કરવા લાગી. એકે રડતાં રડતાં કહ્યું - ‘હવે આપ અમને રજા આપો.’

‘પણ કેમ?’

‘કારણ કે અમે અગિયાર મહિના જ અહીં રહીએ છીએ અને એક મહિનો અમારે ઘેર જઇએ છીએ.’ એમાંથી એક સુંદરીએ કહ્યું - ‘ખાવા પીવાના પૂરી વ્યવસ્થા છે. તમે તમારાં અરમાનો અને દિલ પર કાબૂ રાખજો. એટલું ધ્યાન રાખજો કે સોનાનો દરવાજો ભૂલથી પણ ના ઉઘાડતા. જો એમ કરશો તો તમારે માથે આફતના પહાડ તૂટી પડશે. આપ અમને આપના વિરહમાં ઝૂરતી મૂકીને ચાલ્યા જશો. જો આપ એ સોનાનો દરવાજો નહીં ખોલો તો એક મહિના પછી અમે પાછી આવી આપનું મનોરંજન કરીશું.’

તે મને બધી ચાવીએ આપી ચાલી ગઇ.

પૂરા નવ્વાણું દરવાજા અને સોમો સોનાનો દરવાજો. મેં જિજ્ઞાસા વશ એક એક દરવાજો ઊઘાડવાનું શરૂ કર્યું. મેં જે જોયું તેનાથી હું ઝૂમી ઊઠ્યો. એકમાં બગીચો હતો. બીજામાં રંગબેરંગી તાં ફૂલો હતાં. ત્રીજામાં જાતજાતનાં પક્ષીઓ હતાં. ચોથામાં ચાલીસ દરવાજા હતા અને નીચે હતાં પગથિયાં હું પગથિયાં ઉતરી ગયો. ત્યાં બેશુમાર ધન ખડકેલું હતું. એ ચાલીસ ભંડાર હીરા, મોતી, માણેક, નીલમ, પોખરાજ અને સોનાચાંદીનાં આભૂષણોથી ભરેલા હતા.

હું કેટલો ખુશનસીબ છું! વાહ! વાહ!

હું એક પછી એક દરવાજો ખોલતો રહ્યો અને જોતો રહ્યો. દરેકમાં કંઇકને કંઇક નવી વસ્તુઓ હતી. હવે રહ્યો સોમો સોનાનો દરવાજો. પણ એ દરવાજો ખોલવાની પેલી સુંદરીઓએ ના ભણી હતી. હું ધીરજ ખોઇ બેઠો. મારી બુદ્ધિ બહેર મારી ગઇ. સુંદરીઓની વાતને મેં મજાક ગણી ગણકારી નહી છેવટે મેં સોનાનો દરવાજો પણ ખોલી નાખ્યો.

અદ્‌ભૂત! અદ્‌ભૂત!

એમાં કેસર પાથરેલી હતી. મોટાં મોટાં સુવર્ણપાત્રોમાં ગુલાબજળ ભર્યું હતું. ત્યાં એક કદાવર અને સુંદર ઘોડો બંધેલો હતો. મેં હિંમત કરી અને ઘોડાને છોડીને બહાર લઇ આવ્યો. અરે! આ શું?! આ તો પાંખવાળો ઘોડો હતો! હું એની પર સવાર થઇ ગયો. એ જરાય ન હાલ્યો કે ન ચાહ્યો. હું લગામ ખેંચતો જ રહ્યો. પણ એના પર કશીય અસર ના થઇ. છેવટે મેં એને ચાબૂક મારી. ચાબૂક વાગતાં જ એ હવામાં ઊડવા લાગ્યો. ઘોડો પવનના વેગથી ઊડતો હતો. ઘણું અંતર કાપ્યા પછી એ જમીન પર ઉતરવા લાગ્યો. એ પિત્તળના કિલ્લાની છત પર ઉતર્યો. હું નીચે ઉતરવા જતો હતો ત્યાં જ ઘોડાએ શરીર થર થરાવ્યું. હું નીચે ગબડી પડ્યો. એણે મારા મોં પર એટલા જોરથી એના પૂંછડાનો ફટકો માર્યો કે મારી આંખ ફૂટી ગઇ. હું કાણો થઇ ગયો. મને ખૂબ વેદના થઇ. ઘોડો આકાશમાર્ગે ઊડી ગયો.

દુઃખથી કણસતો કણસતો હું નીચે ઉતર્યો. રસ્તામાં મને વૃદ્ધ ફકીર મળ્યો. પેલા દસ યુવાનો પણ હતા એની સાથે વૃદ્ધે મને કહ્યું - ‘તું કોઇ પણ સંજોગોમાં અહીં રહી શકશે નહીં. આ જ ક્ષણે તું બગદાદ ચાલ્યો જા. ત્યાં તને એક ભલો અને સજ્જન માણસ મળશે અને તું તારું જીવન ત્યાં ગુજારી શકીશ.’

હું એ જ વખતે ફકીર નો વેશ બદલી ચાલી નીકળ્યો. બસ, આજ મારી દર્દભરી દાસ્તાન છે.

જુબેદાએ એની સાચી હકીકત સાંભળી એને પણ માફી બક્ષી.

બાદશાહ, વજીર અને સેનાપતિએ ચોક્ખે ચોખ્ખું જણાવી દીધું કે તેઓ તો વેપારી છે. તેમની પોતાના કોઇ કહાણી નથી.

ફકીરોને ક્ષમા આપી ઘરની બહાર કાઢી મૂક્યા બાદશાહ હારૂન રશીદે જાફરને કહ્યું કે તેઓ આ શહેરમાં નવા નવા છે, એમને આપણા શહેરમાં આશરો આપો.

પણ બાદશાહને પેલી ત્રણ સ્ત્રીઓ અને કાળી કૂતરીની બાબતમાં ચેન પડ્યું નહીં. ચિંતામાં એ ઊંઘી શક્યો નહીં.

શહરજાદ ત્રણ ફકીરોની વાત સંભળાવી ચૂપ થઇ ગઇ. ઘણી રાતો વીતી ચૂકી. શહરજાદની વાતો એટલી રોચક અને રોમાંચક હતી કે બાદશાહને સાંભળતાં ધરવ થયો નહીં. તે ભૂલી ગયો કે સવાર થાતાં જ પત્નીની હત્યા કરવાની છે.

દુનિયાજાદે પૂછ્યું - ‘તે ત્રણ સ્ત્રીઓ કોણ હતી? એની વાર્તાઓ પણ સંભળાવો.’

‘ઠીક છે. તો સાંભળો -’

અનુક્રમણિકા

૨૦ : બેગમ જુબેદા

શહરજાદે કહ્યું - ‘બીજા દિવસે હારૂન રશીદે જાફરને મોકલીને જુબેદા, અમીના અને સાફીને બોલાવરાવી. એમની કૂતરીને પણ લાવવામાં આવી. જુબેદાને બાદશાહે જણાવ્યું કે ગઇ રાતે એ વેપારીના રૂપમાં એને ઘેર રહ્યો હતો, અને આખી રાત ઊંઘી શક્યો ન હતો.’

જુબેદાએ કહ્યું - ‘બાદશાહ સલામત! મારી કહાની પણ ઓછી નવાઇ ભરેલી નથી. એ કાળી કૂતરીઓ મારી બહેનો છે. અમીના અને સાફી મારી ઓરમાન બહેનો છે. એમના ખભા પર કાળી નિશાનીઓ છે અબ્બાના અવસાન પછી અમે ત્રણે બહેનો સાથે જ રહેતી હતી. પછી એ બંન્ને એમની મોસાળ ચાલી ગઇ. માના મરી ગયા પછી અમારા ભાગે એક એક મુદ્રાઓ વધુ આવી મારી બંન્ને મોટી બહેનોનાં લગ્ન થઇ ગયાં. મોટી બહેનનો પતિ ધન લઇને આફ્રિકા ચાલ્યો ગયો. ત્યાં તેણે વેપારમાં ધ્યાન આપવાને બદલે ગુંડાગીરી શરૂ કરી. એ બદચલન પણ હતો. પરિણામે થોડાક જ દિવસોમાં એના માથે દેવાનો ઢગ ખડકાઇ ગયો. એણે મારી બહેનને ઘરમાંથી કાઢી મૂકી.’

આ જ રીતે મારી વચટ બહેનને પણ ઘરવટો આપવામાં આવ્યો. એક દિવસ મારી બહેન ચિંથરેહાલ હાલતમાં મારી પાસે આવી. મેં રેશમના વેપારમાં સારી એવી કમાણી કરી હતી. મેં એને આશરો આપ્યો.

મારી બંન્ને બહેનો જુવાન હતી. એ બંન્નેએ ફરીવાર લગ્ન કરવાનું મને જણાવ્યું. એને શંકા હતી કે હું ધનના અભિમાનમાં એમને દાસીઓ માની ના બેસું! પણ એ બંન્નેને મેં આશ્વાસન આપ્યું કે હું તેમને મારી બહેનો જ માનીશ. અલ્લાહની મહેરબાનીથી હું સારું એવું ધન કમાઇ. વિચાર્યું કે વધારે ધન કમાવા દરિયો ખેડવો જોઇએ.

હું વહાણનો કાફલો લઇ બગદાદ શહેરમાંથી ‘બઊંનગર’ તરફ ચાલી નીકળી.મારી બંન્ને બહેનો પણ સાથે જ હતી. જહાજને મેં હિંદુસ્તાન તરફ વાળ્યું. વીસમા દિવસે અમારું વહાણ એક ટાપુના કિનારે આવી ચઢ્યું. ટાપુની પાછળ પહાડીઓ હતી. આ ટાપુ પર એક સમૃદ્ધ નગર હતું. જે જોવાની ઇચ્છા હું રોકી શકી નહીં. મારી બંન્ને બહેનોને એકલી મૂકી હું એક નૌકા લઇ ચાલી નીકળી.

હું નગરના કિનારે પહોંચી. જોયું તો અહીં હથિયાર ધારી સૈનિકો ઊભા હતા છતાં હું નગરમાં પેઠી જ. જોયું તો જ્યાં ત્યાં પથ્થરો જ વેરાયેલા પડ્યા હતા. નગરનાં બધાં મકાનો બંધ હતાં. નગરનો દરવાજો સોનાના પતરાથી મઢેલો હતો. ત્યાં પ્રકાશમાન ઝુંમરો લટકતાં હતાં. સમજતાં મને વાર ના લગી કે એ શાહી મહેલ હતો.

હું મહેલમાં જઇ પહોંચી. આ કેવી વિચિત્રતા! બધા સૈનિકો પત્થરના હતા. ભોજન શાળા, દરબારકક્ષ, શયન કક્ષ વગેરે સૂમસામ હતાં. એક અત્યંત સુંદર અને આભૂષણોથી સજ્જ યુવતી પણ પથ્થરની જ બનેલી હતી. એના માથા પર મુગટ હતો. એ અહીંની બેગમ જેવી લાગતી હતી.

હું એની પાસેથી પસાર થઇ. મને અહીં કોઇ જીવતું માણસ દેખાયું નહીં. સાંજ પડતાં હું પાછી ફરવા તૈયાર તો થઇ, પણ હું પાછા ફરવાનો રસ્તો જ ભૂલી ગઇ. રસ્તો શોધવા ઘણાં ફાફાં માર્યાં પણ મારા બધા પ્રયત્નો વ્યર્થ ગયા. હવે રાત બરાબર જામી હતી. થોડીવાર પછી એક નાની મસ્જિદ મેં જોઇ. મેં ખુદાનો આભાર માની તમાજ અદા કરી.

મેં જોયું કે એક ખૂબસૂરત યુવાન ધર્મગ્રંથ વાંચવામાં લીન હતો. મસ્જિદમાં બે મીણબત્તીઓ સળગતી હતી. મને અચંબો તો એ વાતનો હતા પત્થરના આ નગરમાં આ જુવાન પત્થર બનવામાંથી શી રીતે બાકાત રહી ગયો હશે! ખુદાની બંદગીનો આ પ્રતાપ હશે કે પછી કોઇ ચમત્કાર હશે! મેં એનું ધ્યાન મારી તરફ વાળતા કહ્યું -

‘હે અલ્લાહના બંદા,

મારી ઉપર રહેમ કર,

મને બગદાદ પહોંચાડી દે.

આટલું મારું કામ કરી દે.’

યુવાને મારા તરફ નજર કરી કહ્યું - ‘હે સુંદરી! તું કોણ છે? આ જાલિમ નગરમાં શી રીતે આવી ગઇ?’

મેં કહ્યું - ‘કૃપા કરી આપ આપનો પરિચાય આપો.’

કુરાનને માથું નમાવી એણે મને બેસાડ્યો. પછી કહ્યું - ‘આ શહેર મારા બાદશાહ અબ્બા હજરનું પાટનગર હતું. અહીંની પ્રજા અગ્નિપૂજક હતી અને દૈત્યોના રાજા નારદીનને પૂજતી હતી. પણ મને મારી આયાએ જણાવ્યું હતું કે આ દુનિયાનો માલિક ફક્ત ખુદા છે. ખુદા જ આ દુનિયાને ચલાવે છે. જે એની બંદગી કરે છે એ આરામની જિંદગી જીવી શકે છે.’

ઉંમર થતાં આયા તો અનંતના માર્ગે ચાલી ઘઇ. પણ હું મારા ધર્મ પ્રત્યેની મારી શ્રદ્ધા છોડી શક્યો નહીં. ખુદા પ્રત્યે ખરા દિલથી હું સમર્પિત હતો.

અગ્નિપૂજકો વધતા ગયા પછી ત્રણ સાલ બાદ આકાશવાણી થઇ. - ‘નાસ્તિકો! અગ્નિ અને નારદીનની પૂજા કરવી છોડી દો. અલ્લાહની બંદગી કરો. એ ઘણો જ દયાળુ છે. તમારા બધા જ ગુના માફ કરી દેશે.’

આમ છતાં એમણે આકાશવાણીની વાત કાને ધરી નહીં. ત્રણ વર્ષ પછી કુદરતનો કહેર આ નગર પર તૂટી પડ્યો. જોતજોતામાં મારાં મા બાપ સાથે નગરના બધા લોકો પત્થરના થઇ ગયા.

અલ્લાહમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોવાથી હું બચી ગયો. હું અહીં એકલવાયાણાનું દુઃખ ભોગવી રહ્યો છું કદાચ મારું એકલવાયા પણું દૂર કરવા જ ખુદાએ તને અહીં મોકલ્યો હશે!

મને પારાવાર આનંદ થયો. મેં કહ્યું - ‘હું બગદાદનો રહીશ છું. મારું જહાજ નદીના કિનારા પર ઊભું છે. મારી પાસે ધનદોલતની કોઇ કમી નથી. તમે મારી સાથે રહી મઝાથી જીવન વીતાવજો.’

એ શાહજાદાએ મારી વાત સ્વીકારી લીધી. સવાર પડતાં અમે જહાજ ઉપર પાછા ફર્યાં. મારી બહેનોએ આખી રાત ચિંતામાં રડી રડીને વીતાવી હતી. અમે બગદાદ તરફ વહાણ હંકાર્યું.

શાહજાદો અત્યંત સ્વરૂપવાન હતો. રસ્તામાં મારી બહેનોએ મને પૂછ્યું - ‘બગદાદમાં આ રાજકુમારને ક્યાં રાખશો?’ ‘બગદાદ પહોંચીને હું શાહજાદા સાથે નિકાહ કરી લઇશ.’ પછી મેં શાહજાદને પૂછ્યું - ‘તમે મને તમારી બેગમ તરીકે સ્વીકારશો?’

રાજકુમારે ઉત્સુકતાથી કહ્યું - ‘હું આ સાંભળવા જ ક્યારનો ઉત્સુક હતો. જલ્દીમાં જલ્દી એ દિવસ આવી જવો જોઇએ. મારી દિલરૂબા.’

કુદરત પણ વિચિત્ર છે. જે બેનોને પ્રેમ, સહારો અને આશરો આપ્યો હતો તે જ બહેનો મારી ઇર્ષા કરવા લાગી અને મારા મોતના ઉપાય શોધવા લાગી.

એક દિવસ મારી શંકા સાચી પડી. મને અને રાજકુમારને ઊંઘમાં જ નદીમાં ફેંકી દીધાં. રાજકુમાર ઊંડા પાણીમાં ડૂબી ગયો. હું તરતી તરતી એક નિર્જન ટાપુ પર જઇ પહોંચી. આ ટાપુ નગરથી દસ કોસ દૂર હતો. હું થાકને લીધે સૂઇ ગઇ.

આ વખતે ત્યાં એક સાપ આવી ચઢ્યો. એની જીભ વારંવાર લપકારા મારતી હતી. મને થયું એ કોઇ મુશેકલીમાં હતો. તે જ વખતે મારી નજર એની પૂંછડી પર પડી જોયું તો એક અજગર એને ગળી જવા મથી રહ્યો હતો.

મેં એક મોટો પત્થર ઊઠાવી એ અજગર પર ફેંક્યો. એનું મોં છુંદાઇ ગયું. એણે સાપને છોડી દીધો. અજગરના મોંઢામાંથી મુક્ત થતાં જ સાપ આકાશમાર્ગે ઊડી ગયો. હું જઇને બીજી જગાએ સૂઇ ગઇ.

મારી આંખો ઉઘડી ત્યારે મેં મારા માથા તરફ એક યુવતીને લીલાં કપડામાં બે કૂતરીઓ લઇ બેઠેલી જોઇ.

હું અચંબો જ પામી ગઇ. પૂછ્યું - ‘બેટી! તું કોણ છે?’

‘હું એ જ સાપણ છું. જેને તમે અજગરના મોંમાંથી ઉગારી હતી. થયું તમારા ઉપકારનો બદલો વાળી આપું. હું તમારા વહાણ પર ગઇ હતી. મંત્રવિદ્યાથી તમારી બે બહેનોને કૂતરીઓ બનાવી લઇ આવી છું. વળી તમારી બધી ધનદોલત મેં તમારે ઘેર પહોંચાડી દીધી છે. બોલો, હવે શો હુકમ છે?’

‘મને મારે ઘેર પહોંચાડી દો.’

એ આપણે આંખના પલકારામાં મને મારે ઘેર મૂકી દીધી. પરીએ જતાં જતાં કહ્યું - ‘તારી આ અધમ અને ઇર્ષાળુ બહેનોને પૂરી સજા મળી નથી, માટે તું રોજ એમને સો સો ચાબૂક ફટકારજે. હું તારે વશ થઇ ગઇ છું કામ પડે ત્યારે યાદ કરજે. હાજર થઇ જઇશ.’

આથી જ રોજ હું એમને સો કોરડા મારું છું. જ્યારે તેઓ ચીસો પાડે છે અને રડે છે ત્યારે મારું હૃદય પીગળી જાય છે. તેથી હું ખુદ પણ રડવા બેસી જાઉં છું. પછી એમને ગળે લગાડી એમનાં આંસુ લૂછું છું.

હું શું કરું? લાચાર છું. ગુનેગારને શિક્ષા તો કરવી જ જોઇએ ને? જો એમ ના કરવામાં આવે તો ધરતી ઉપર ગુનાખોરી વકરી જાય. બાદશાહ સલામત! આવી છે મારી જીવનકહાણી. બાદશાહે અમીના તરફ જોયું.

અમીનાએ હવે તેની જીવનકથા કહેવી શરૂ કરી.

અમીનાએ કહ્યું - ‘અબ્બાજાન ખુદાને પ્યારે થઇ ગયા પછી મારી અમ્મા એક સૂના પ્રદેશના ઘરમાં રહેવા ચાલી ગઇ. તે હવે શાંતિથી જીવન જીવવા માગતી હતી.’

એ પ્રદેશના એક ધનવાન સાથે મારું લગ્ન કરી દેવાયું હું એશારામમાં રહેવા લાગી પણ મારા નસીબમાં સુખ ઝાઝો સમય ન રહ્યુ. લગ્ન પછી એક વર્ષે જ મારા પતિનું મૃત્યુ થઇ ગયું. મારા પતિ પાસે બેશુમાર દોલત હતી. એમના મૃત્યુ પછી મને નેવું હજાર સોનામહોરો મળી.

છમાસના સમયગાળામાં મેં બે હજાર સોનામહોરોનું ખર્ચ કરીને દસ જોડ રેશમના વસ્ત્રો તૈયાર કરાવ્યાં. એક વર્ષ વીત્યા પછી મેં એ વસ્ત્રો પહેરવામું શરૂ કર્યું.

એક દિવસની વાત છે.

હું શૂન્યમનસ્ક અને ઉદાસ થઇ બેઠી હતી, ત્યારે જ દાસીએ આવી મને કહ્યું - ‘આપને કોઇ વૃદ્ધા મળવા ઇચ્છે છે.’

મારી આજ્ઞા મળતાં દાસી વૃદ્ધાને અંદર લઇ આવી. મને સલામ કરી કહેવા લાગ્યાં - ‘મેં એક અનાથ છોકરીને પાળી પોષી ઊછેરી છે. આજે રાત્રે એનું લગ્ન છે. લગ્નની રીતરસમથી હું અજાણ છું, તેથી મારે તમારા જેવી સુંદર, બુદ્ધિશાળી અને રીતરિવાજોની જાણકાર સ્ત્રીની મદદની જરૂર છે. હું તમારા સિવાય બીજા કોઇથી પરિચિત નથી. તમારે મારા તરફથી લગ્નમાં હાજરી આપવી પડશે.’ આટલું કહેતાં તે ઉદાસ થઇ ગઇ.

એની ઉંમરને લીધે મને એના પર દયા આવી. મેં હા કહી.

વૃદ્ધાએ આશિષ આપતાં કહ્યું - ‘ખુદા તમને નસીબની બેગમ બનાવે. તમામ ખુશીઓ તમારાં ચરણ ચૂમે. હું સાંજે આવીને તમને લઇ જઇશ.’

સાંજ પડતાં જ નાહી, ધોઇ, રેશમી વસ્ત્રો પહેરી, અત્તર છાંટી હું એની રાહ જોવા લાગી.

વૃદ્ધા આવી. હું એની સાથે ચાલી નીકળી. વૃદ્ધા મને એક સાંકડી ગલીમાં થઇ એક હવેલી પર લઇ ગઇ. હવેલીના દરવાજા પર લખ્યું હતું - ‘આરામહવેલી.’

અમે હવેલીમાં દાખલ થયાં. અત્યંત નાજુક અને નમણી સુંદર યુવતીએ મારું સ્વાગત કર્યુ.ં એ મને ભેટી અને પછી એક આસન ઉપર મને બેસાડી દીધી.

યુવતીએ મારો તરફ નજર કરતાં પૂછ્યું - ‘શું તમે અહીં લગ્નનો લ્હાવો લેવા આવ્યાં છો? એ સાચું છે કે બીજાનાં લગ્નમાં પોતાના લગ્ન જેવો આનંદ ક્યાંથી આવે! તમે પોતે જ લગ્ન કરી લો. વગ્નની વાત હું એટલા માટે કહું છું કે મારો ભાઇ સુંદર, નવયુવાન અને રંગીન મિજાજનો છે. તે તમારા હુશ્ન પર ફિદા છે. અને તમને ક્યારેય ભૂલી શકે એમ નથી. જો તમે એનો પ્રેમ સ્વીકારી લો તો સારું, નહીં તો એ તમારા માટે એનો જીવ કુરબાન કરી દેશે. હું ખાતરી પૂર્વક કહું છું કે આવો યુવાન તમે દીવો લઇને શોધવા જશો તોય નહીં જડે.’

એટલીવારમાં તો એ જુવાન મારી પાસે આવી બેસી ગયો. હું પણ એને જોઇ એના પર મોહી પડી. મારું હૈયું રણઝણી ઉઠ્યું. મેં લગ્ન મમાટે હા કહી દીધી. વાતચીત દરમ્યાન એ ખૂબ બુદ્ધિશાળી જણાયો. કાજીને બોલાવી તરત જ શાદીની રસમ અદા કરવામાં આવી. કરારનામા પર સાક્ષીઓની સહીઓ લેવાઇ. મને પણ કહેવામાં આવ્યું કે હું પારકા પુરુષ વિશે સ્વપ્નનામાં પણ વિચારીશ નહીં.

બસ, પછી તો હું શાહી ઠાઠમાઠમાં રહેવા લાગી. એકવાર હું પેલી વૃદ્ધા અને દાસીઓ સાથે બજાર ગઇ. વૃદ્ધાએ કહ્યું - ‘અહીં એક યુવાન દુકાનદાર બહુ જ ભલો અને સુંદર છે. એ ઇમાનદારીથી વેપાર કરે છે. આપ એની દુકાન પર ચાલો.’

અમે બધાં એ દુકાન પર પહોંચ્યાં. મેં એક સુંદર જરીનો તાકો પસંદ કર્યો. પારકા પુરુષ સાથે હું બોલતી ન હતી તેથી મેં બધી વાતચીત દાસી મારફતે જ કરી. મેં એની કિંમત પૂછી ત્યારે જ હવસખોર યુવાને મારી સામે જોઇ હસીને કહ્યું - ‘એની કિંમત એક ચુંબન છે.’

વૃદ્ધા પહેલાં તો નારાજ થઇ . પછી મને સમજાવવા લાગી - ‘એમાં શી તકલીફ છે. આપે તો માત્ર ગાલે જ ચુંબન કરવાનું છે! એમાં વળી આટલાં વાર વિચાર શાનાં!’ મેં બહું વિચાર્યું નહીં. મને પણ થયું કે એમાં વાયદો તોડવા જેવી કોઇ વાત ન હતી. હું તે યુવાનને ચુંબન કરવા તૈયાર થઇ ગઇ. ત્યારે એ યુવાને એટલા જોરથી મારા ગાલ પર બચકું ભર્યું કે હું બેભાન થઇ ગઇ. એ જુવાન દુકાન બંધ કરીને તરત જ ત્યાંથી ચાલતો થયો.

મારા ભાનમાં આવતાં જ વૃદ્ધાએ કહ્યું કે એ તેની ભૂલ હતી. છતાં દુઃખી થવા જેવી કોઇ વાત ન હતી. હું એવી દવા કરીશ કે ત્રણ જ દિવસમાં તારો ઘા રૂઝાઇ જશે.

હવેલી પર પહોંચી હું શયનખંડમાં સૂઇ ગઇ.

મારા પતિએ જ્યારે મારી હાલત વિશે પૂછ્યું ત્યારે જૂઠું બોલતાં મેં કહ્યું કે હું જઇ રહી હતી ત્યારે એક કઠિયારો લાકડાંનો ભારો લઇ સામેથી આવતો હતો. એનું એક અણીદાર લાકડું મારા ગાલમાં પેસી ગયું છે.

મારા પતિ અતિશય શ્રીમંત હતા. એમણે બદા જ કઠિયારાઓની હત્યા કરાવી નાખવાનું વિચાર્યું. હું ડરી ગઇ. મને થયું કે બિચારા નિર્દોષ માર્યાં જશે. એટલે મેં ફેરવી તોળી કુંભારનું નામ લીધું. તેણે બધા કુંભારોને મરાવી નાખવાનું જણાવ્યું. નિર્દોષ લોકોનૈ મોતના વિચાર માત્રથી જ કંપી ગઇ.

આ વખતે મારા પતિની આયા એવી વૃદ્ધાએ ગમે તેમ કરી મારો જીવ બચાવ્યો. પણ સવાર થતાં જ મારા પતિએ એક સેવક પાસે મને સો કોરડા મરાવ્યા. હું બેભાન થઇ ગઇ. મને જ્યારે ભાન આવ્યું ત્યારે મેં મને એક હવેલીમાં ગાદલા પર સૂતેલી જોઇ. વૃદ્ધાએ મારી ખૂબ સેવા ચાકરી કરી. થોડા દિવસમાં હું સ્વસ્થ થઇ ગઇ.

મેં મારા પતિના ઘરને શોધ્યું, પણ મારા બીજા પતિએ એનો સંપૂર્ણ નાશ કરાવ્યો હતો. હું તદ્દન એકલી પડી ગઇ. આખરે ચારેબાજુથી નિરાશ થયેલી હું મારી બહેન જુબેદાને ઘેર આવી પહોંચી. જુબેદાએ મને એની સગી બહેનની જેમ રાખી. માના મૃત્યુ પછી સાફી પણ આવી ગઇ. અમે ત્રણે આનંદથી રહેવા લાગી.

બાદશાહે જુબેદાને પૂછ્યું - ‘જે તમારી બહેનોને કૂતરીઓ બનાવી ગઇ હતી તે સાપ પરી અત્યારે ક્યાં છે?’

‘એણે મને વાયદો કર્યો છે કે જ્યારે હું તેને યાદ કરીશ ત્યારે તે હાજર થઇ જશે.’ જુબેદાએ કહ્યું.

બાદશાહે હુકમ કરી વાળને આગમાં નંખાવી દીધા. પરી બાદશાહની સામે હાજર થઇ ગઇ. બોલી - ‘શો હુકમ છે, આકા?’

‘આ કૂતરીઓને ફરી સ્ત્રીઓ બનાવી દે.’

‘ઠીક છે.’

‘અમીનાના ખભા પતિના મોતના આઘાતથી કાળા પડી ગયા છે. એના પતિનું નામ બતાવ.’

‘જેવો હુકમ, આકા.’

મંત્ર ભણીને પરીએ પેલી કૂતરીઓ ઉપર પાણી છાંટ્યું. તે તેમના અસલ સ્વરૂપમાં આવી ગઇ. એ પાણીથી અમીનાના ખભા સારા થઇ ગયા. પરીએ જણાવ્યું. અમીનાનો પતિ નાનો રાજકુમાર અમીન છે.

બાદશાહે પરીનો આભાર માન્યો.

તેણે શાહજાદા અમીનને પાછી અમીના સોંપી દીધી. કહ્યું કે તે પવિત્ર છે. બાદશાહે જાતે જુબેદા સાથે નિકાહ પઢી લીધા. ત્રણેય ફકીરોએ સાફી અને બે સગી બહેનો સાથે લગ્ન કરી લીધાં. બધાં જ સુખચેનથી રહેવા લાગ્યાં.

અનુક્રમણિકા

૨૧ : સિંદબાદ અને કઠિયારો

શહરયાર સુલતાન તેનો ખૂની ખેલ ભૂલવા લાગ્યો હતો. શહરજાદની વાર્તાઓ એવી તો રોચક અને રોમાંચક હતી કે તે સાંભળતાં થાકતો ન હતો. નાની બહેન દુનિયાજાદ પણ વાર્તા સંભળાવવાનો આગ્રહ કરતી રહેતી હતી.

રાત પડતાં જ સુલતાન શહરજાદને નવી વાર્તા સંભળાવવા કહેતો. અને બેગમ નવી વાર્તા શરૂ કરતી -

બાદશાહ હારૂન રશીદના સમયમાં એક સિંદબાદ નામનો કઠિયારો રહેતો હતો. તે ખૂબ જ ગરીબ હતો. લાકડાં વેચીને એ તેનો ગુજારો કરી લેતો.

એકવાર થાક્યો પાક્યો એ એક હવેલી પાસે આવીને બેસી ગયો. હવેલીમાં મુજરો થઇ રહ્યો હતો. હવેલીમાંથી અત્તરની સુગંધ ભરી વાયરો વાતો હતો. એને મસાલેદાર જાતજાતની રસોઇની સોડમ આવતાં જીભ લપકારા મારવા લાગી અને મોંઢામાંથી લાળ ટપકવા લાગી.

એણે જિજ્ઞાસાવશ ચોકીદારને પૂછ્યું.

ચોકીદારે કહ્યું - ‘આ નગરમાં રહેવા છતાં તું ખલાસી સિંદબાદને નથી જાણતો? ખરેખર તું બહુ જ કમભાગી લાગે છે.’ કઠિયારાને કળ વળતાં તે ઊભો થયો. જવાની તૈયારી કરી. ત્યાં જ હવેલીમાંથી કહેણ આવ્યું. એ આજુબાજુ નજર ફેરવતો ફેરવતો અંદર દાખલ થયો. અંદર જઇ ત્યાં નો વૈભવ વિલાસ જોઇ એ આભો બની ગયો. એ હજુ અંદર ગયો. પછી કપડાની કદાવર ગોળ ગાંસડી પર હાથ રાખી ઊભો થઇ ગયો.

ચોકીદારે કહ્યું - ‘અમારા માલિક આટલું કાપડ દરરોજ દાનમાં આપે છે.’

એક યુવાન અંદરથી કઠિયારા પાસે આવ્યો અને ખૂબ જ વૃદ્ધ એવા સિંદબાદ પાસે લઇ ગયો. સિંદબાદ રત્ન જડેલ સિંહાસન ઉપર બેઠો હતો. એણે અમૂલ્ય પોશાક પહેર્યો હતો. કઠિયારાને એણે જાતજાતનાં ફળો અને સ્વાદિષ્ટ રાંધેલું માંસ ખાવા અપાવ્યું. કઠિયારો તો જિંદગીમાં પહેલીવાર જ મળેલું આવું સ્વાદિષ્ટ ભોજન જોઇ લાગલો તૂટી જ પડ્યો.

ખાઇલીધા પછી એને દ્રાક્ષની મદિરા પિવડાવવામાં આવી. એ પણ જલસો જોવા લાગ્યો.

કઠિયારાએ આવું વૈભવી સુખ માણી લીધા પછી બે હાથ જોડી કહ્યું - ‘હે ગરીબનવાઝ! મારી ભૂલ થઇ ગઇ. હું બહાર ઊભો રહીને મારા અને આપના નસીબ વિશે વિચારતો હતો. હું પણ સિંદબાદ અને આપ પણ સિંદબાદ! હું ગરીબ અને આપ અમીર આમ કેમ?’

સિંદબાદે લાંબો શ્વાલ લેતાં કહ્યું - ‘કોઇ પણ માણસ માત્ર ભાગ્યના સહારે અમીર નથી થઇ શકતો. અમીર થવા માટે કઠોર પરિશ્રમ કરવાની જરૂર છે. સાહસ કર્યા વગર કોઇ વ્યક્તિ તેનું ભાગ્ય બદલી શકતો નથી. એ મેરે હમનામ! હજારો તકલીફો વેઠીને અને ખતરનાક સાગરોની સફર કરીને જ હું આટલું ધન કમાયો છું. કેટલીયેવાર મોતના મુખમાંથી પાછો આવ્યો છું.’

‘મને કહેશો એવી સફરની કોઇ વાત?’

‘જરૂર.’ સિંદબાદે વાત કહેવી શરૂ કરી.

અનુક્રમણિકા

૨૨ : પહેલી સફર

મારા પિતાના અવસાન પછી હું સાવ એકલો પડી ગયો. મને કોઇની પણ મદદ મળી નહીં. કુટુંબનું ભરણપોષણ કરવું અકારું થઇ પડ્યું. હું હેરાન થઇ ગયો. ખૂબ મહેનત કરવા છતાં સારી કમાણી થતી નહીં. ઘરવાળાંને મારાથી પૂરો સંતોષ આપી શકતો ન હતો. હું દીન હીન અને લાચાર થઇ ગયો.

મને થયું કે હવે મારા વસમા દિવસો શરૂ થયા છે. હું ફના થઇ જઇશ. મને અનુભવી અને બુદ્ધિમાન વડીલોની વાત યાદ આવી કે જ્યારે ખરાબ દિવસો આવે ત્યારે જગા બદલી નાખવી જોઇએ. મેં બહાર જવાનો નિઃશ્ચય કર્યો.

હું થોડીઘણી દોલત કમાતા વેપારીઓ પાસે જઇ પહોંચ્યો. મેં એમને વિનંતી કરી. એમને મારા પર દયા આવી. મારા થોડાઘણા માલને જહાજમાં ચઢાવી તેઓ બસરા તરફ ચાલી નીકળ્યા. હું પણ સાથે જ હતો.

સફરના રસ્તામાં કેટલાંય શહેર આવ્યાં. મેં મારો માલ વેચી સારો એવો નફો રળી લીધો. અમારૂં જહાજ તે જ ગતિથી ચાલી રહ્યું હતું. આમારા કપ્તાને દૂરબીનથી જોયું તો દૂર એક ટાપુ દેખાયો. ગુલામોને તેણે નાના તંબૂ ખોલવા જણાવ્યું અને મુસાફરોને કહ્યું - ‘જે આ ટાપુનો આનંદ માણવા ઇચ્છતા હોય તે માણી લે.’

બીજા વેપારીઓ સાથે હું પણ મારું ખાવાનું લઇ ચાલ્યો ગયો. અમે થોડુંક જ ચાલ્યા હોઇશું ત્યાં ધરતીકંપના કેટલાક આંચકા આવ્યા. અમે ગભરાઇ ગયા. કપ્તાને બૂમ પાડી - ‘દોડો! દોડો! પાછા ફરો! જલ્દીથી જહાજ પર આવી જાઓ. આ કોઇ ટાપુ નથી. પણ મહાકાય માછલી છે. એ પડખું ફેરવશે તો તમે બધા ડૂબી જશો.’

બીજા વેપારીઓ વહાણની નજીકમાં જ હતા. તેઓ દોડીને વહાણ પર ચાલ્યા ગયા. હું ઘણો દૂર હતો. કપ્તાને જહાજ હંકાર્યું. હું એકલો રહી ગયો. માછલીએ ઊંડા પાણીમાં ડૂબકી મારી. હું પણ ઊંડા પાણામાં પડ્યો. મને તરતાં આવડતું હતું. પાણીની ઉપર આવતાં જ મેં એક લાકડાનો તરાપો જોયો. તરાપો પકડી હું સાગર ઘૂઘવાતાં મોજાં સાથે લડવા લાગ્યો.

એક આખી રાત અને આખો દિવસ હું તરતો રહ્યો. હાથપગ થાકી ગયા હતા. થયું કે હવે હું ડૂબી જઇશ. પણ મને કિનારો દેખાયો. મેં મનોમન ખુદાની બંદગી કરી. કિનારે પહોંચ્યા પછી હું થોડીવાર સૂઇ રહ્યો. પછી કેટલાંક ફળો ખાધાં. ઝરણાનું મીઠું પાણી પીધું. થોડેક દૂર એક ઘોડો ઘાસ ખાઇ રહ્યો હતો. હું તેની પાસે ગયો. જોયું તો તે લોખંડના ખીલા સાથે બાંધેલો હતો.

હું ત્યાં જઇને જેવો ઊભો રહ્યો કે તરત જ એક તિરાડમાંથી એક માણસ નીકળ્યો. તેણે મને પૂછ્યું - ‘તું કોણ છે? અહીં શા માટે આવ્યો છે?’

મેં તેને મારી સાથે બનેલી ઘટના કહી સંભળાવી. તે મને તેની સાથે લઇ ગયો. જ્યાં એના બીજા કેટલાક સાથીદારો હતા. તેણે તેમને મારો પરિચય આપ્યો. મેં એમને પૂછ્યું - ‘આવી વેરાન જગામાં તમે લોકો ક્યા હેતુથી આવ્યા છો?’

એમાંથી એકે જવાબ વાળતાં કહ્યું - ‘અમે અમારા બાદશાહના અશ્વપાલો છીએ. અમે ઘોડીઓને ચરાવીએ છીએ. એમની સારસંભાળ રાખીએ છીએ અને દવાદારૂ પણ કરીએ છીએ. આ જગાની વિશેષતા એ છે કે અહીં દરિયાઇ ઘોડા આવે છે, જે અમારી ઘોડીઓને ગર્ભવતી બનાવે છે. આમ થવાથી દરિયાઇ ઘોડાની નસ્લ પેદા થાય છે. આવા ઘોડા પર અમારા બાદશાહ સવારી કરે છે. અમે અમારી ઘોડીઓને બાંધીને દરિયાઇ ઘોડા આવવાની રાહ જોઇએ છીએ.’

એ લોકો મારી સાથે સારો વ્યવહાર કરતા હતા. તેમણે મને ખાવાનું આપ્યું. તે જ વખતે એક દરિયાઇ ઘોડે દેખા દીધી. તે અલમસ્ત અને ખૂબ ઉત્તેજિત થયેલો જણાતો હતો. એ હવસનો શિકાર બની ગયો હતો. એ એક ઘોડીને ચાટવા લાગ્યો. પછી એણે આગળના બે પગ ઊંચા કરી ઠેકો માર્યો. પછી એ શાંત થઇ ગયો. બીજા ઘોડાઓ પણ આમ જ કરતા રહ્યા. આથી અમે દર વરસે ઘોડીઓને લઇ અહીં આવીએ છીએ.

પછી એ એમના નગર તરફ પાછા ફર્યાં. હું પણ એમની સાથે ગયો. એક સૂબાએ તેના બાદશાહને મારી ઓળખાણ આપી. બાદશાહ મારા પર ખુશ થયો. એણે એના ગુલામોને મારી પરવરીશમાં કોઇ કચાશ નહીં રાખવાનો હુકમ કર્યો.

ત્યાં જેટલા પરદેશીઓ આવતા એ બધાને હું બગદાદ વિશે પૂછતો રહેતો. હું બગદાદ પહોંચવા આતુર અને બેચેન હતો. વિચારતો હતો કે ગમે તે રીતે હું મારા માદરે વતન બગદાદ પહોંચી જાઉં. ત્યાં હું હિંદુસ્તાનના વેપારીઓને મળીને ખુશ થતો હતો. કેમ કે એ લોકો પ્રામાણિક અને વ્યવહારકુશળ હતા.

ત્યાં રહેતાં રહેતાં અનેક સૂબાઓ સાથે મારે પરિચય થયો. કેટલાક રાજાઓ સાથે પણ મારે પરિચય થયો. છતાં મારા દિલોદિમાગમાંથી બગદાદ ભૂલ્યું ભૂલાતું ન હતું.

એકવાર હું ‘કસીબ’ નામનો ટાપુ જોવા ગયો. ત્યાં જોરજોરથી નગારાં વાગી રહ્યાં હતાં. ચિત્રવિચિત્ર અવાજો સંભળાતા હતા. ત્યાં ચિત્રવિચિત્ર જીવો જોઇ હું દિગ્મૂઢ થઇ ગયો. મેં અહીં ઘૂવડના મોં વાળી માછલી જોઇ.

મારી નજર ટાપુના કિનારા તરફ ગઇ. ત્યાં વેપારીઓ તેમનો માલ ઉતારતા હતા. તેઓ પછી માલ લઇ શહેર તરફ રવાના થયા. એ જ વખતે મારી નજર ગાંસડીઓ પર પડી. મારું મન ચકરાવે ચઢી ગયું. એ ગાંસડીઓ તો મારી હતી! ગાંસડીઓ પર મારૂં નામ પણ અકબંધ હતું. જેમને બસરામાં મેં છોડી દીધી હતી તે જ હતી આ ગાંસડીઓ.

હું જહાજના કપ્તાન પાસે જઇ પહોંચ્યો. મેં ગાંસડીઓ તરફ ઇશારો કર્યો.

તેણે કહ્યું - ‘સિંદબાદ તો દરિયામાં ડૂબીને મૃત્યુ પામ્યો છે. આ ગાંસડીઓ તો એ બદનસીબ વેપારીની છે.’

કપ્તાનને વિશ્વાસ આપતાં મેં કહ્યું - ‘એ બદનસીબ સિંદબાદ હું જ છું. આ ગાંસડીઓ મારી છે. ભગવાનની દયાથી હું બચી ગયો છું.’

‘તારી વાતનો શો ભરોશો?’ કપ્તાને કહ્યું. પછી ઉમેર્યું - ‘મેં મારી સગી આંખોએ એને ડૂબતો જોયો છે. આ ગાંસડીઓ તને શી રીતે આપી શકું હું?’

મેં ઇશ્વરના સોગંદ ખાઇ કપ્તાનને અથથી ઇતિ સુધીની ઘટના કહી સંભળાવી. ગાંસડીઓમાં કઇ કઇ ચીજો છે તે પણ જણાવ્યું. કેટલીક નિશાનીઓ પણ જણાવી. ગાંસડીઓ ખોલતાં જ મારા બતાવ્યા પ્રમાણેની બધી વસ્તુઓ નીકળી. કપ્તાનના મનમાં હવે કોઇ શંકા રહી નહીં. તે મને ભેટી પડ્યો અને મારા માલની ગાંસડીઓ મને પાછી આપી.

હું કીમતી માલસામનની એ ગાંસડીઓ લઇ બાદશાહ પાસે ગયો. બાદશાહે ગમતી ચીજો ખરીદી અને ખૂબ ધન આપ્યું. બાકીનો માલ મેં બજારમાં વેચી દીધો. ત્યાંથી ચંદન, કપૂર, જાયફળ, લવિંગ વગેરે લઇને હું પાછો આવવા રવાના થયો. આખરે મારું વહાણ બસરા પહોંચ્યું. આ સફરમાં મને એક લાખ સુવર્ણમુદ્રાઓનો ફાયદો થયો. ઘેર આવી હું સુખચેનથી રહેવા લાગ્યો.

સિંદબાદે કઠિયારાને થોડુંક ધન આપ્યું, અને ફરી કાલે આવવા જણાવ્યું. તે પોતાની બીજી સફરની વાર્તા સંભળાવશે.

અનુક્રમણિકા

૨૩ : સફર બીજી

બીજે દિવસે કઠિયારો નક્કી કરેલા સમયે સિંદબાદની હવેલીએ પહોંચી ગયો. સિંદબાદે પહેલાંની જેમ એને ખવડાવીને સુરાપાન કરાવ્યું. એને આસન ઉપર બેસાડ્યો અને એની સામે સૂકો મેવો ધર્યો. સિંદબાદે બીજી સફરનો વૃત્તાંત કહેવા માંડ્યો - પહેલી સફરમાં મને પડેલી વિટંબણાઓથી હું ત્રાહિમામ પોકારી ગયો હતો. મેં ફરી ક્યારેય દરિયામાં નહીં જવાનું નક્કી કર્યું હતું. પણ મારા નિર્ણયને મારાથી વળગી રહેવાયું નહીં. હું બીજી સફરની તૈયારીઓ કરવા લાગ્યો.

વેપાર માટે મેં કેટલોક માલ ખરીદ્યો. થોડાક વેપારીઓ સાથે હું બગદાદથી ચાલી નીકળ્યો. રસ્તામાં હું માલ વેચતો જતો હતો અને તવો માલ ખરીદતો જતો હતો. આમ હું આગળ વધતો ગયો.

આ વખતે અમને હર્યોભર્યો ટાપુ મળી આવ્યો. અમે એ ટાપુ પર ઉતર્યાં. હર્યોભર્યો હોવા છતાં, અમે જોયું તો આ ટાપુ ઉજ્જડ અને વેરાન હતો. મારી શંકા દૂર કરવા હું દૂર દૂર ફરવા લાગ્યો. અહીં ઠેરઠેર સૂકા મેવાનાં વૃક્ષો હતાં. મારા સાથી વેપારીઓ એ વૃક્ષો ઉપરથી ફળો તોડી ખાવા લાગ્યા. મેં પણ ખાધાં. પછી હું એક ઝરણા પાસે આવીને બેસી ગયો. ત્યાં બેસીને મેં ભાતું ખાધું, ખાધા પછી મેં મદિરા પીધી. ઠંડા પવનને લીધે હું જોતજોતામાં ઊંઘી ગયો.

મેં જાગીને જોયું ત્યારે ત્યાં કોઇ જ નહતું. મારું વહાણ સમુદ્રમાં દૂર જઇ પહોંચ્યું હતું. હું સ્તબ્ધ થઇ ગયો. મારું મગજ બહેર મારી ગયું. હું બેહોશ થઇ ગયો. ભાનમાં આવ્યો ત્યારે મને થયું કે મારા જેવો કોઇ મુરખ હશે કે પહેલી સફરમાં આટઆટલી તકલીફો વેઠવા છતાં હું બીજી સફરે નીકળી પડ્યો!

હું ભટકતો રહ્યો. ચાલતો રહ્યો.

અચાનક મેં એક સફેદ શિલા જેવું જોયું. એની પાસે જતાં જ મને થયું કે એ ખરેખર કોઇક અનોખી વસ્તુ હતી. એ ગોળાકાર હતી. એની ચારેબાજુ ચક્કર કાપવા છતાં મને એનો કોઇ દરવાજો દેખાયો નહીં.

એનો ઘેરાવો પચાસ સાઇઠ ગજ હતો. સૂરજ આથમવાની તૈયારી હતી. અંધારું રાક્ષસની પાંખોની જેમ ફેલાઇ રહ્યું હતું. હતાશ થઇ હું અપલક નેત્રે આકાશ તરફ તાકી રહ્યો.

ત્યારે મને કદાવર શરભ પક્ષીની યાદ આવી ગઇ. મેં ધારી લીધું કે આ સફેદ ગોળગોળ એ પક્ષીનું ઇંડુ હતું.

મારી ધારણા સાચી ઠરી. શરભ પક્ષી ઊડતું ઊડતું આવ્યું અને ઇંડા પર બેસી ગયું. એના પગના પંજા મારી સામે હતા. પંજા મોટા અને તીક્ષ્ણ નખવાળા હતા. મેં વિચાર્યું કે હું મારી પાઘડીનો એક છેડો મારી કમર પર બાંધી દઉં અને બીજો છેડો શરભના પગના પંજા પર બાંધી દઉં તો તે મને અહીંથી ઉડાડીને બહાર લઇ જશે. ઇશ્વરની મરજી હશે તો હું આ નિર્જન ટાપુ પરથી કોઇ સારી જગાએ પહોંચી જઇશ.

થોડીવાર વિચારીને મેં એમ જ કર્યું.

બીજી સવારે તે મહાકાય પક્ષી ઊડ્યું. તેની સાથે હું પણ ઊડવા લાગ્યો. મજબૂત બંધ બાંધવા છતાં મારું કાળજું કંપતું હતુ.ં ઘણીવાર ઊડ્યા પછી મેં જોયું કે એ જમીન પર ઉતરી રહ્યું હતું. જેવું એ જમીન પર ઉતર્યું કે એના પંજામાંથી મેં મારી પાઘડી છોડાવી લીધી. પણ બદકિસ્મત તો પડછાયાની જેમ મારી પાછળ પડ્યું હતું. હું જ્યાં ઉતર્યો ત્યાં એક મહાકાય અજગર પડેલો હતો. હું સાવચેતીપૂર્વક દોડીને ત્યાંથી આઘો ચાલ્યો ગયો. પછી પેલું શરભ પક્ષી અજગરને તેની ચાંચમાં દબાવી ત્યાંથી ઊડી ગયું.

જ્યાં પેલા પક્ષીએ મને છોડી દીધો હતો ત્યાં પર્વતોથી ઘેરાયેલી બિહામણી ઘાટી હતી. પર્વતો એટલા ઊંચા હતા કે તેમના પર ચઢીને પેલે પાર જવું તદ્દન અશક્ય હતું.

હું હોશમાં આવ્યો. મેં જોયું તો મારી ચારે તરફ મોટા મોટા હીરા હતા. મને નવાઇ લાગી. આવી ભયાનક જગામાં આટલા કીમતી હીરા! વાસ્તવમાં ઇશ્વરની માયા અનોખી છે. ગમે ત્યાં અને ગમે ત્યારે એનો ચમત્કાર કોઇ પણ જોઇ શકે છે. એ બહુમૂલ્ય હીરાઓને મેં મારી પાઘડીના એક છેડે બાંધી લીધા. હું અહીંના સાપ અને અજગરથી સાવધાન હતો. હાથીને પણ આસાનીથી ગળી જાય એવા મહાકાય અજગરમેં ક્યાંય જોયા ન હતા.

હું મારી જાતને સાચવતો આખો દિવસ ફરતો જ રહ્યો. રાત પડતાં હું એક ગુફાના મોં પાસે આડો મોટો પત્થર મૂકી સંતાઇ ગયો. બીકનો માર્યો હું સૂઇ શક્યો ન હતો.

સવારે જેવો હું બહાર નીકળ્યો તેવું જ મેં જોયું કે હીરા ઉપર તાજા માંસના ટુકડા પડેલા હતા. મેં સાંભળ્યું હતું કે માંસના લોચા સાથે હીરા ચોટી જાય છે. પછી ગીધ તેમને ઊઠાવી તેમના માળામાં લઇ જાય છે. હું વાતને બરાબર સમજી ગયો. ઇશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો કે તે મને અહીંથી ઉગારી લે.

હીરાને મેં મારી કમરે બાંધી લીધા. જોડે એક માંસનો લોચો પણ. હું ખુદાને વિનંતી કરવા લાગ્યો કે તે મને અહીંથી બહાર કાઢે. થોડીવાર પછી એક વિશાળકાય ગીધ આવ્યું અને મને ઊઠાવીને એના માળામાં લઇ ગયું. વેપારીઓએ માંસના લોચાની જગાએ માણસને જોઇ તેમના આશ્ચર્યનો પાર ના રહ્યો. તેઓ બૂમો પાડવા લાગ્યા અને પથરા મારવા લાગ્યા.

ગીધ ગભરાઇને ઊડી ગયું. હું નીચે ઉતર્યો. એકવાર તો વેપારીઓએ જાણ્યું કે હું કોઇ જિન કે શેતાન હોઇશ. પણ મારી દર્દભરી વાત સાંભળી એમને ધીરજ બંધાઇ. તેઓ મને તેમના નિવાસસ્થાને લઇ ગયા.

મેં એમની સામે પાઘડીના છેડે બાંધેલા હીરા વેર્યા તો તેમની તો જાણે આંખો જ ફાટી ગઇ! એક વેપારીએ કહ્યું - ‘આટલા બધા હીરા અમે અમારી જિંદગીમાં જોયા નથી. જે વેપારીને ત્યાં હું રહ્યો હતો તેને મેં પોટલી આપતાં કહ્યું કે તે ઇચ્છે એટલા હીરા એમાંથી લઇ લે.’

એણે એક મોટો અને થોડાક નાના હીરા લીધા. એ વેપારીઓ ગીધના માળા વહેંચી લેતા હતા. જેના નસીબમાં જેટલું લખ્યું હોય તેટલું મળી જતું હતું એમને. એમની વચ્ચે કોઇ તકરાર થતી નહીં. એમની આવી ભાવના મને ખૂબ ગમી ગઇ. એ બધા વેપારીઓ ઘણા સારા હતા. હું એમની સાથે ‘રુહી’ બેટ પર ચાલ્યો ગયો.

આ દ્વીપ પણ વિચિત્ર હતો. અહીં ગગનચુંબી વૃક્ષો હતાં. એની ડાળીઓને કાપતાં જે રસ નીકળતો તે સૂકાઇને કપૂર બની જતું. આ ટાપુમાં ગેંડા અને હાથીઓ પણ હતા. ગેંડા એના શિંગડાના પ્રહારથી હાથીને ઘાયલ કહી દેતો તો કોઇવાર મારી પણ નાખતો. આ રીતે એક જીવ બીજા જીવનું ભક્ષણ કરતો. કોઇકવાર શરભ પક્ષી હાથીને પંજામાં પકડી લઇ જતો.

રુહ દ્વીપ પછી હું કેટલાય ટાપુઓમાં ગયો. માલ વેચતો અને ખરીદતો પણ. આમ હું અઢળક ધન કમાયો મેં એટએટલી આફતો જોઇ અને સહન કરી કે હું માંડ માંડ મરતાં મરતાં બચ્યો. ખૂબ ધન કમાઇને હું ઘેર આવ્યો. મારાં ઘરવાળાંના રાજીપાની કોઇ સીમા ન હતી. એમણે ગરીબોને ખેરાત કરી અને અનેક દરગાહો પર ચાદરો ચઢાવી.

આ રીતે મેં મારી બીજી સફર પૂરી કરી. કાલે તું આવજે. હું તને મારી ત્રીજી સફરની વાર્તા સંભળાવીશ. કઠિયારો સંતોષ પામતો ચાલ્યો ગયો.

અનુક્રમણિકા

૨૪ : ત્રીજી સફર

કઠિયારો સિંદબાદની હવેલીએ આવી પહોંચ્યો.

સિંદબાદે ત્રીજી સફરની વાત શરૂ કરતા કહ્યું -

‘મેં બે સફરોમાં અનેક કષ્ટો વેઠ્યાં હતાં કેટલીયેવાર મોતને હાથતાળો આપી ચૂક્યો હતો. છતાં ધન કમાવાની લાલચે મેં ત્રીજી સફર ખેડવાનું નક્કી કર્યું.’

મેં ત્રીજી સફર શરૂ કરી. જહાજ પર સવાર થઇ હું બસરા પહોંચ્યો. મારી સાથે વિશ્વાસુ વેપારીઓ હતા. અમે ઉત્તર તરફ વહાણો હંકાર્યા. કેટલાય શહેરોનો પ્રવાસ ખેડ્યો માલ ખરીદતો રહ્યો અને વેચતો રહ્યો. દરિયાઇ સફરમાં ડગલે ને પગલે જીવનું જોખમ રહેલું છે. એકવાર દરિયામાં ભયંકર વાવાઝોડું આવ્યું. અમારું વહાણ ડૂબું ડૂબું થઇ રહ્યું હતું. અમે ખુદાની ઇબાદત કરતા વહ્યા. વાવાઝોડું એટલું તો ભયંકર હતું કે અમે દિશા ભૂલી ગયા. ચારે તરફ બસ પાણી જ પાણી. ખુદાની મહેરબાનીથી અમે એક ટાપુ ઉપર પહોંચ્યા. જહાજને કિનારા પર લાંગરી અને ટાપુ ઉપર ઉતર્યાં.

અમારા કપ્તાને કહ્યું - ‘અરે! અરે! આ ટાપુતો જંગલી માનવોનો છે. જંગલી મનુષ્યો ખૂંખાર અને ખતરનાક હોય છે. જલ્દી પાછા જહાજ પર આવી જાઓ.’

એ બોલતો હતો ત્યાં જ જંગલી માનવોનું એક મોટું ઝુંડ અમારી તરફ દોડી આવ્યું. એ ટોળાએ અમારું વહાણ ઘેરી લીધું. વનમામનવો સવાગજના કદવાળા અને લાલ વાળ વાળા હતા. કપ્તાન બીકનો માર્યો કેટલાક સાથી વેપારીઓને જહાજમાં બેસાડી જહાજ લઇ નાસી છૂટ્યો.

વનમાનવોએ અમને પકડી લીધા. પછી એ અમને એમના રહેવાના સ્થળે લઇ ગયા. ત્યાં એક મોટું ચોગાન હતું. માણસનાં હાડકાંનો મોટો ઢગ ખડકાયેલો અમે જોયો. ત્યાં માંસ શેકવાનો સામાન પડ્યો હતો. તેમણે અમને એવી રીતે ઘેરી લીધા હતા કે ત્યાંથી અમારાથી નાસી છૂટાય એમ ન હતું.

અંધારું થતાં જ એક ગુફાના મુખ પરથી મોટો પત્થર ખસેડી તાડના ઝાડ જેટલો ઊંચો એક નવમાનવ બહાર આવ્યો. એને જોતાં જ અમે બધા ડરી ગયા.

એની આંખોમાંથી જાણે આગના ગોળા છૂટતા હતા. તેના આગળના દાંત બહાર હતા નીચલો હોઠ છાતી સુધી લટકતો હતો. એના મોઢામાંથી ટપકતી લાળ એવી તો દુર્ગંધ મારતી હતી કે અમારાં માથાં જાણે ફાટી જતાં હતા. એના કાન હાથીઓ જેટલા મોટા હતા. એના નખ ઘૂવડની ચાંચ જેટલા હતા અમે બધા આ વિકરાળ પ્રાણીને જોતાં જ ભયના માર્યા ભાન ગુમાવી બેઠા.

અમે ભાનમાં આવ્યા ત્યારે જોયું કે તે અમને એક એક કરીને પરખી રહ્યો હતો. અમે ધ્રુજતા હતા. અમને લાગ્યું કે આ અમારી અંતિમ ક્ષણો હતી.

વનમાનવે મને ઊંચક્યો. જોયું. લાગ્યું કે હું એને પસંદ આવ્યો ન હતો. એણે અમારામાંથી એક માણસને પસંદ કર્યો. એ એને પકાવીને ખાઇ ગયો, અને પછી મોટી શિલા પર સૂઇ ગયો.

સવાર થતાં જ અદૃશ્ય થઇ ગયો.

આખી રાત અમે ઇશ્વરની બંદગી કરતા રહ્યા. એના ગયા પછી અમે ખૂબ રડ્યા. અમે કરી કરીને શું કરીએ. એ જંગલી માનવો સાથે લડવાની અમારી શી ઓકાત! બીજે દિવસે પણ આવીને એ અમારામાંથી બીજા માણસને ખાઇ ગયો. ભૂખ્યાને કોઇની ઉપર દયા ક્યાં આવે છે!

પછી અમે લાકડાની કામ ચલાઉ નૌકાઓ બનાવી લીધી. ત્રીજે દિવસે એ વનમનુષ્ય ત્રીજા એક જણને ખાઇ ગયો. માણસની સાથે મોત આવે છે ત્યારે તે તેનાથી બચવા અનેક ઉપાયો વિચારે છે. જંગલી માનવના ત્રાસમાંથી છૂટવાનો કીમિયો હું વિચારવા લાગ્યો. માંસ પકાવવાના બે લોખંડના સળિયા અગ્નિમાં તપાવ્યા. તપીને લાલચોળ થઇ ગયા ત્યારે મેં, ફાટી આંખે ઊંઘી ગયેલા એ જંગલીમાનવની આંખોમાં જોરથી ઘોસી દીધા. તેની આંખો ફૂટી ગઇ. તે આંધળો થઇ ગયો.

હવે અમારામાંથી કોઇ એની પકડમાં આવ્યું નહીં. અમે પછી દરિયા કિનારે પહોંચ્યા અને અમે જાતે બનાવેલી નૌકાઓ લઇ ચાલી નીકળ્યા. પેલો મુખિયા વનમનુષ્ય બીજા કેટલાય જંગલીમાનવોનું મોટું ટોળું લઇ દરિયા કિનારે આવ્યો. એમણે દરિયામાં છૂટા પત્થરો ફેંકવા માંડ્યા. પાણીમાં ઊંચાં મોજાં ઊઠવા લાગ્યાં. એક પછી એક અમારી હોડીઓ ડૂબવા લાગી. અલ્લાહની મહેરબાનીથી મારી નાવ બચી ગઇ. મારી સાથે મારા બે સાથીદારો પણ બચી ગયા.

તેમ છતાં આમારું નસીબ બે ડગલાં પાછળ હતું. પવનની ગતિ ફરી તેજ થઇ ગઇ. આંધીમાં અટવાયેલા અમે ભૂલા પડી ગયા. અમે અનાયાસ સાપો અને અજગરોથી ભરેલા ટાપુ પર આવી પહોંચ્યા. મારા બે સાથીઓને અજગર ગળી ગયા. મને ખુદા યાદ આવી ગયા. રાત આખી હું ઝાડ પર બેસી રહ્યો. નિરાશાએ મને ભરડો લીધો હતો. મારી મૂંઝવણ વધી ગઇ. હવે બચવાનો કોઇ જ રસ્તો ન હતો. આખરે આપઘાત કરીને દુઃખમુક્ત થવાનો વિચાર આવી ગયો મને. આત્મહત્યા કરવાના અફર નિર્ણયથી મેં સમુદ્ર તરફ પગ ઊપાડ્યા. દરિયાકિનારાની નજીક પહોંચતાં જ એક જહાજ મારા જોવામાં આવ્યું. જહાજના ખલાસીઓએ મને એકલો જોઇ તેમની પાસે બોલાવી લીધો. એકે કહ્યું - ‘હે ભાઇ! તું શી રીતે બચી ગયો! અહીં તો આખે આખો માણસ ગળી જનારા અજગરોની વસ્તીનો પાર નથી.’

મેં એને મારી કરમ કહાણી કહી સંભળાવી. એને મારી દયા આવી. મને ભૂખ્યાને એણે ભોજન કરાવ્યું. અને પહેરવા નવાં વસ્ત્રો પણ આપ્યાં. મેં એ લોકો સાથે અનેક સ્થળોનો પ્રવાસ ખેડ્યો. છેવટે અમે ચંદનનાં ગીચ વૃક્ષોવાળા ‘સિલહટ’ ટાપુ પર પહોંચ્યા.

મારી પાસે કશું જ બચ્યું ન હતું. બચ્યો હતો એકમાત્ર હું. જહાજના કપ્તાને મને નિરાધાર, અસહાય અને ગરીબ સમજીને કહ્યું કે તેની પાસે એક વેપારીનો માલ હતો એ વેપારી બગદાદનો રહેવાસી હતો અને અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. તેણે મને કહ્યું - ‘તું એ માલ વેચીનેપગભર થવાનો પ્રયત્ન કર. અને વેપારમાંથી મળેલો નફો લઇને તું બાકીનાં નાણાં બગદાદ એને પહોંચાડી દેજે.’

મેં નવાઇ પામતાં કહ્યું - ‘ભાઇજાન! હું પણ બગદાદનો જ રહેવાસી છું. મારું નામ સિંદબાદ છે. નસીબના મારથી હું વાજ આવી ગયો છું.’

‘તું સિંદબાદ છે?’

‘હા, ભાઇ!’

‘અરે! આ કેવો ચમત્કાર! આ બધો માલ પણ સિંદબાદનો જ છે. હું એ જ કપ્તાન છું. જે જંગલીમાનવીઓના ટાપુ પરથી જીવ બચાવવા તમને લીધા વગર નાસી છૂટ્યો હતો. ઉતાવળમાં મેં મારા જહાજમાં કેલોક માલસામાન ભરાવી લીધો હતો. એમાં તમારો સામાન પણ આવી ગયો.’

કપ્તાન મને ધારીધારીને જોઇ રહ્યો હતો. કદાચ એને શંકા હશે કે હું જૂઠું બોલી રહ્યો હતો. પણ ચહેરો કઇં ઓછો બદલાઇ જાય છે! એ મને ઓળખી ગયો. એ મને ભેટીને રડવા લાગ્યો.

વેપાર માટે આ ટાપુ સારો હતો. અહીંના સમુદ્રમાં મેં વિચિત્ર માછલીઓ જોઇ. કોઇ ગાયના મોં જેવા મોં વાળી હતી તો કોઇ ઊંટ જેટલી લાંબી પહોળી હતી. આ જગત વિચિત્રતાઓનો ખજાનો નથી શું? મેં વેપાર કરી ખૂબ ધન મેળવ્યું. પછી બસરા થઇ બગદાદ પાછો ફર્યો. આમ મારી ત્રીજી સફરનો અંત આવ્યો.

સિંદબાદે કઠિયારાને થોડુંક ધન આપ્યું અને બીજે દિવસે ચોથી યાત્રાની કહાની સાંભળવા આવવાનું કહ્યું.

અનુક્રમણિકા

૨૫ : ચોથી સફર

કઠિયારો આવતાં જ સિંદબાદે ચોથી સફરની વાર્તા આરંભી.

એ કહેવા લાગ્યો - ‘દરેક સફરમાં મારે પારાવાર કષ્ટોનો સામનો કરવો પડ્યો છે. છતાં હું હિંમત હાર્યો નહીં. બગદાદમાં રહી રહીને હું કંટાળી ગયો હતો મને જુદાં જુદાં શહેરો અને ટાપુઓ જોવાનો શોખ હતો.’

જાતજાતનો સામાન લઇ હું કેટલાક વેપારીઓ સાથે ચાલી નીકળ્યો. પ્રવાસ ચાલતો જ રહ્યો. અંતે હું ‘તીરા’ અને ‘કિર્માં’ બંદરો તરફ ચાલી નીકળ્યો. એક દિવસ મારું જહાજ તોફાનમાં અટવાયું. કપ્તાને ખલાસીઓને શઢ છોડી નાખવાં સૂચના આપી.

અનેક ઉપાયો કરવા છતાં જહાજ બચી શક્યું નહીં. વિકરાળ વાવાઝોડાએ શઢ ફાડી નાખ્યું. જહાજ હાલકડોલક થવા લાગ્યું છેવટે કિનારે પહોંચતાં પહોંચતાં એ ભાંગીને ભૂક્કો થઇ ગયું. અમારો બધો માલ સામાન બરબાદ થઇ ગયો. ઘણા વેપારઓ ડૂબી મર્યાં.

અમે થોડાક જણ તરીને કિનારે પહોંચ્યા. તે એક ટાપુ હતો. થાકી ગયેલા હોવાથી ફળો ખાઇને ઝાડની છાયામાં સૂઇ ગયા.

કેવી વિકટ સમસ્યા! એકલવાઇ જિંદગી! માણસનું નામ નિશાન ના મળે. અમે અમારા નસીબને ધિક્કારવા લાગ્યા. ખુદાને યાદ કરવા લાગ્યા. અમને પત્ની અને બાળકોની યાદ સતાવવા લાગી.

ઇશ્વર ઉપર શ્રદ્ધા રાખી અમે ટાપુના ગીચ જંગલમાં પ્રવેશ્યા. અહીં અમને બધે શેતાન દેખાયા અમે તો જાણે જીવતાં જીવ મરી ગયા! બીકના માર્યા અમે થરથર કાંપતા હતા.દૈત્યોએ એક એક કરીને પકડી લીધા અને એમને ઘેર લઇ ગયા.

એક દાનવ અમને પાંચ જણને પકડીને એને ઘેર લઇ ગયો. એણે અમારી સામે જાતજાતનાં ભોજન ખાવા મૂક્યાં. મેં મારા સાથીઓને એ ભોજન નહીં ખાવા જણાવ્યું કારણ કે મને દાળમાં કાળું હોવાનો વહેમ પડ્યો હતો પણ એ એટલા તો ભૂખ્યા હતા કે મારી વાત કાને ધર્યા વગર બધું ઝાપટી ગયા.

ભોજનમાં કોઇ એવી વસ્તુ ભેળવવામાં આવી હતી કે ખાધા પછી તેઓ નાચવા કૂદવા લાગ્યા. હું રાક્ષસનો બદઇરાદો પારખી ગયો હતો. તે સારું સારું ખવડાવી અમને હષ્ટપુષ્ટ બનાવી પછી હલાલ કરવા માગતો હતો. હું ભૂખ્યો રહેવા લાગ્યો તેથી કમજોર થતો ગયો, જ્યારે મારા સાથીઓ ખાઇ ખાઇને તગડા થવા લાગ્યા. રાક્ષસ એ પછી મારા સાથીઓને શેકી શેકીને ખાઇ ગયો.

એક દિવસ એ રાક્ષસોને કોઇક દાવતમાં જવાનું થયું. બધા ગયા ત્યારે મારી સાથે એક વૃદ્ધ, બીમાર અને અસક્ત રાક્ષસ બેસી રહ્યો. સંજોગો સારા ઊભા થયા હતા. પેલો વૃદ્ધ રાક્ષસ સૂઇ ગયો કે તરત જ હું મૂઠીઓવાળી નાઠો.

આ વખતે ઉપરવાળાએ મને મદદ કરી કમજોર અને દુર્બળ હોવા છતાં સાત દિવસ હું ભાગતો જ રહ્યો. માણસ મરણિયો થાય ત્યારે ગમે તેવું જોખમ ઊઠાવી લે છે. આઠમા દિવસે હું કાળા સમુદ્રને કિનારે પહોંચ્યો. મેં જોયું તો અહીં કેટલાક માણસો મરી તોડતા હતા. હું એમની પાસે ગયો. તેઓ અરબી ભાષા બોલતા હતા. હું મારી માતૃભાષા સાંભળી રાજીના રેડ થઇ ગયો. મેં અરબી ભાષામાં એની સાથે વાત કરી ત્યારે તે મારા તરફ ખેંચાયો. મારો પરિચય પૂછ્યો મેં અશ્રુભીની આંખે મારી દર્દભરી દાસ્તાન કહી સંભળવી.

હું એ વેપારીઓ સાથે રહેવા લાગ્યો. તેઓ માલભરીને પોતાના દેશ જવા રવાના થયા તો તેમણે મને પણ સાથે લીધો. એમણે તક મળતાં મને એમના બાદશાહ સમક્ષ હાજર કર્યો. બાદશાહે મારી કરુણ કથની સાંભળી દયાથી એમના નગરમાં રહેવાની મંજૂરી આપી.

હું અહીં નાનાં મોટાં રાજ્યનાં કામ કરી મારો ગુજારો કરવા લાગ્યો. પણ હું ઇચ્છતો હતો કે કોઇક વેપારી બગદાદથી આવે અને મને એની સાથે વતન બગદાદમાં લઇ જાય. મારા કામથી ખુશ થઇ બાદશાહે એમના નગરમાં મુખ્ય હાકેમ બનાવી દીધો. ત્યાંના રહેવાસીઓ સાથે હું હળીમળી ગયો હતો હું એ દેશના નાગરિક જેવો થઇ ગયો.

એકવાર મેં બાદશાહ, સેનાપતિ અને સૈનિકોને જીન વગરના ઘોડાઓ ઉપર સવારી કરતાં જોયા. મને નવાઇ લાગી. જીનની બાબતમાં તેઓ જાણતાય ન હતા. મેં કેટલાક મોચીઓને બોલાવી મારા માર્ગદર્શન હેઠળ જીન તૈયાર કરાવ્યાં પછી એ જીન મેં બાદશાહને ભેટ આપ્યાં.

જીનને ઘોડા પર કસીને બાદશાહે જ્યારે સવારી કરી ત્યારે એ ખુબ ખુશ થઇ નવાઇ પામ્યો.

બાદશાહે બદલામાં મને ખૂબ ધન આપ્યું. પછી તો આખી ફોજ માટે મેં અનેક જીન તૈયાર કરાવ્યાં. મારી આ શોધથી બધા રાજી રાજી થઇ ગયા. એક દિવસ બાદશાહે મને બોલાવી તે કહ્યું - ‘મને વચન આપ કે હું જે કહીશ તે તું કરીશ.’

મેં વિનમ્રતાથી જવાબ આપ્યો. - ‘આ નાચીઝ શી રીતે આપની આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકે! આપને માટે તો જાન કુરબાન કરતાં પણ હું નહીં અચકાઉં.’ ‘હું તારું લગ્ન કરાવવા ઇચ્છું છું. જેથી તું અમારું રાજ્ય છોડી બીજે ક્યાંય ભાગી ન જાય.’

હું જિંદગી અને સફરની લડાઇ લડતાં લડતાં થાકી ગયો હતો. બાદશાહે તેમના જ પરિવારની એક ખૂબસૂરત સ્ત્રી સાથે મારાં લગ્ન કરાવી દીધાં.

શું એની સુંદરતા! હું એના પ્રેમમાં આકંઠ ડૂબી ગયો. વાસનાએ મને આંધળો બનાવી દીધો હતો. હું એ પણ ભૂલી ગયો કે બગદાદમાં મારે પત્ની અને બાળકો છે.

પણ હું કરું તો શું કરું? મારી મજબૂરી હતી. એ દિવસોમાં એક મિત્રની પત્નીનું અવસાન થઇ ગયું. હું એને ઢાઢસ બંધાવવા એને ઘેર ગયો. મેં આશ્વાસન આપતાં કહ્યું - ‘મોત પર આપણો કોઇ અધિકાર નથી. એ તો એનો સમય થતાં, આવી જ જાય છે. જે થઇ ગયું એને ભૂલી જા. ખુદા તને લાંબી ઉંમર બક્ષે.’

એ રોતલ થઇ કહેવા લાગ્યો. - ‘તમારી આ દુઆ ખુદા પણ કબૂલ નહીં રાખે. આ નગરનો એક અનોખો રિવાજ છે કે પતિ સાથે પત્નીએ અને પત્ની સાથે પતિએ મરવું પડે છે. મારા મોતને કોઇ ટાળી શકે એમ નથી. લોકો મને મારી પત્નીની લાશ સાથે પહાડની ભયંકર ગુફામાં ફેંકી દેશે અને હું રીબાઇ રીબાઇને મરી જઇશ.’

કેવો વિચિત્ર રિવાજ!

હું તો સાંભળીને અચરજમાં ડૂબી ગયો.

જ્યારે મરેલી સ્ત્રીનાં સગાંવહાલાં આવી લાશને નવરાવી શૃંગાર કરવા લાગ્યાં ત્યારે તો હું આભો જ બની ગયો. એને ખુલ્લા જનાજામાં બેસાડવામાં આવી. લોકો જનાજો લઇ ચાલ્યા. એનો પતિ પણ શાકોચિત વસ્ત્રો ધારણ કરી ધીમે અને ભારેપગલે પાછળ પાછળ ચાલવા લાગ્યો.

ખૂબ જ ખરાબ અને કાળજું કંપાવનારી કુપ્રથા! પણ રિવાજ એટલે રિવાજ.

ગુફા પાસે પહોંચી લોકોએ ભાગ મળી ગુફાના મુખ ઉપરથી ભારે શિલા હટાવી. દરવાજો ખુલી ગયો. પહેલાં લોકોએ લાશને ગુફામાં ધકેલી દીધી. મૃત પત્નીનો પતિ બે હાથ જોડી બધાંની માફી માગવા લાગ્યો. એ પછી એને પાણી ભરેલા ઘડા અને સાત રોટલા સાથે ગુફામાં મૂકી દેવામાં આવ્યો. પછી લોકોએ ગુફા બંધ કરી દીધી.

બાદશાહે કહ્યું - ‘આદિકાળથી આ પ્રથા અમારા ખાનદાનમાં ચાલી આવે છે. ચાહે અમીર હો યા ગરીબ. રાજા હો યા રંક. આ પ્રથા દરેકે માનવી જ પડે છે તારે પણ એ મનાવી જ પડશે.’

મેં આ પ્રથાનો વિરોધ કર્યો તો બાદશાહે કહ્યું - ‘ખાનદાની પ્રથાનું સન્માન દરેકે કરવું પડે છે. એમ કરવામાં ના આવે તો ખાનદાન પર કુદરતનો કહેર તૂટી પડે છે.’

‘પણ હું તો પરદેશી છું.’

‘તો શું થઇ ગયું! તેં અહીંના રીતરિવાજ મુજબ આ રાજ્યની સ્ત્રી સાથે લગ્ન કર્યું છે. માટે આ પ્રથા તને પણ લાગુ પડે છે.’ મને ચિંતા થવા લાગી. મારી પત્ની મરી ગઇ તો!

અને નસીબની બલિહારી તો જુઓ. જેનો ડર હતો તે જ આગળ આવી ઊભું. થોડા દિવસ પછી મારી પત્ની મૃત્યુ પામી. હું સમસમી ગયો. શું ઇશ્વરે મને આ દહાડો દેખાડવા રાક્ષના મોં માંથી બચાવ્યો હશે!

બાદશાહ પરિવાર સાથે મારે ઘરે આવ્યો. બીજા લોકો અને હાકેમો પણ આવ્યા. એમણે મારી પત્નીને નવડાવી અને શૃંગાર કરાવ્યો. પછી ખુલ્લા જનાજામાં મૂકી તેઓ પેલી ગુફા તરફ ચાલવા લાગ્યા. ગુફા પાસે પહોંચતાં જ મેં હાથ જોડી બધાને કહ્યું કે મારી પત્ની અને બાળકો બગદાદમાં હયાત છે. મારી ઉપર દયા કરવામાં આવે. પણ મારી આજીજી વ્યર્થ નીવડી. મને મારી પત્નીની લાશ, પાણીના ઘડા અને સાત રોટલા લાથે ગુફામાં ધકેલી દેવામાં આવ્યો.

પછી એ બધા ગુફાનું દ્વાર બંધ કરી ચાલ્યા ગયા. ગુફા ખૂબ ઊંડી હતી. તેમાંથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતી હતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં. હું જીવનની આખરી ક્ષણોમાં ખુદાને યાદ કરવા લાગ્યો. મારી પાસેના રોટલા ખલાસ થઇ ગયા હતા. એકમાત્ર પાણીના સહારે હું જીવી રહ્યો હતો.

અંતે એક દિવસ ગુફાનું દ્વાર ઊઘડ્યું. એક પુરુષની લાશ સાથે એક સ્ત્રી આવી. એની પાસે રોટલા હતા. મેં પેલી સ્ત્રીને મારી નાખી અને રોટલા ખાઇ ગયો. ખાવાના હેતુથી મારા હાથે એક સ્ત્રીનું મોત નીપજ્યું. એનો પસ્તાવો આજે ય શૂળ બની મારા હૃદયને ડંખી રહ્યો છે બીજે દિવસે પણ મેં મૃત પત્નીની સાથે આવેલા પુરુષનેય મારી નાખ્યો.

ટાપુ પર કોઇ મહામારી ફેલાઇ હતી. રોજ રોજ રોટલા લઇ કોઇને કોઇ આવતું રહ્યું ને તેમને મારી હું રોટલા ખાતો રહ્યો.

એકવાર મેં કોઇની ચીસ સાંભળી. હું અવાજની દિશા તરફ ગયો કોઇક નાસી રહ્યું હતું. હું તેની પાછળ પાછળ દોડ્યો. દોડતાં દોડતાં મને એ ગુફામાં સૂરજના અજવાળાનાં દર્શન થયાં. હું તે તરફ ચાલ્યો. એક બાકોરામાંથી સૂર્યપ્રકાશ આવતો હતો. ખુદાની મારા પર કેવી રહેમ! હું એ બાકોરામાંથી બહાર નીકળી ગયો બહાર નીકળી જોયું તો પાસે એક નદી વહેતી હતી. મને લાગ્યું કે કોઇ માંસાહારી જલચર પ્રાણીએ માણસનું માંસ ખાવા બાકોરું પાડ્યું હશે! મેં સ્વસ્થતા મેળવી. પછી હું પાછો ગુફામાં ગયો. વીણી વીણીને લાખોની કિંમતનાં ઘરેણાં મેં એકઠાં કરી લીધાં. પછી પાછો બહાર આવી કોઇક જહાજની આતુરતાથી રાહ જોવા લાગ્યો.

મારા સદ્‌નસીબે મેં એક વહાણ આવતું જોયું. મેં મારો કુર્તો કાઢી હવામાં ફરકાવ્યો. કપ્તાનનું ધ્યાન મારા તરફ ગયું. એક નાવ મોકલી એણે મને એના જહાજમાં બોલાવી લીધો. મેં જહાજ પરના બધાને મારો પરિચય આપ્યો. મેં કપ્તાનને થોડી બક્ષિસ આપવા માંડી પણ તેણે તે લેવાનો ઇન્કાર કર્યો.

અમારું જહાજ આખરે એક ભૂરા ટાપુ પર પહોંચ્યું. આ ટાપુ લંકાથી દસ દિવસની મજલ જેટલો દૂર હતો. અમે અહીંથી નાળિયેર કપૂર અને શેરડીની ચટાઇઓ ખરીદી. અમે ફરતા ફરતા બગદાદ આવી પહોંચ્યા.

આવી છે મારી ચોથી યાત્રાની રોમાંચક વાર્તા.

અનુક્રમણિકા

૨૬ : સફર પાંચમી

કઠિયારાને સિંદબાદની વાતોમાં રસ પડતો હતો. તે પછીના દિવસે પણ નવી સફરની વાત સાંભળવા આવ્યો. સિંદબાદે એની પાંચમી સફરની વાર્તા શરૂ કરી. મેં આ વખતે મારું પોતાનું વહાણ ખરીદી લીધું હતું. વફાદાર માણસો સાથે, જહાજમાં માલભરી હું કાળા સમુદ્ર તરફ ચાલી નીકળ્યો. અમે એક વેરાન અને ઉજ્જડ ટાપુના કિનારે જઇ પહોંચ્યા.

ટાપુ જોવાની મને ઇચ્છા થઇ. હું મારા થોડાક માણસોને લઇ ટાપુ પર ચાલી નીકળ્યો. અમે અહીં ‘શરભ’ પક્ષીનું ઇંડું જોયું. એ ખૂબ જ મોટું અને પાકી ગયેલું હતું. અમે કુહાડીઓથી એ ઇંડું તોડી નાખ્યું અને શેકીને ખાઇ ગયા. તે જ વખતે આકાશમાં ઊડતાં બે ‘શરભ’ પક્ષીઓને અમે જોયાં.

કપ્તાને એમને ઓળખતાં બૂમ પાડી - ‘દોડો, દોડો, જે પક્ષીના બચ્ચાને આપણે શેકીને ખાઇ ગયા છીએ તેનાં મા બાપ આપણા પર ગુસ્સે થયાં લાગે છે. જલ્દીથી જહાજ પર આવી જાઓ.’

અમે મૂઠીઓ વાળીને નાઠા. શરભ પક્ષીઓએ અમારા જહાજ પર પત્થરો નાખવાનું શરૂ કર્યું. કપ્તાને જહાજને ઘૂમાવીને ગતિ વધારી. આથી શરભ પક્ષીઓ વધારે ગુસ્સે થઇ ગયા.ં એ મોટી મોટી શિલાઓ લાવીને જહાજ પર નાખવા લાગ્યા. અમારું જહાજ ભાંગીને ભૂક્કો થઇ ગયું. અમે ડૂબવા લાગ્યાં. ડૂબતા એવા મારા હાથમાં લાકડાનો એક તરાપો આવી ગયો. એની મદદથી હું તરવા લાગ્યો. તરતો તરતો હું કિનારે પહોંચી ગયો. થાકને લીધે હું સૂઇ ગયો. મને ઊંઘ આવી ગઇ.

ઊઠીને થોડાં ફળ ખાધાં. ઝરણાનું પાણી પીધું. મને રાહત થઇ.

પછી હું ફરવા લાગ્યો.

મેં ફરતાં ફરતાં એક અપંગ વૃદ્ધ જોયો. એનું નીચેનું અંગ નકામું થઇ ગયું હતું. થયું કે એ પણ મારી જેમ વખાનો માર્યો હશે! મેં પૂછ્યું - ‘મહાશય! આપ કોણ છો? શા માટે અહીં બેઠા છો?’

એ કશું બોલ્યો નહીં. ઇશારાથી એણે મને જણાવ્યું કે તે અપંગ છે. તેણે મને રસ્તાની સામે પહોંચાડવા કહ્યું. મેં ભલાઇનું કામ સમજી એને ખભા ઉપર બેસાડ્યો. અને સામે પાર લઇ ગયો પણ આ શું? એણે મારી ગરદનની ચારે બાજુ એના પગ કસીને વિંટાળવા શરૂ કર્યાં. એની પકડમાંથી છૂટવા હું હવાતિયાં મારવા લાગ્યો. એની સામે મારું કશું જોર ચાલ્યું નહીં. એ મને મારતો મારતો ઘસડીને જંગલમાં લઇ ગયો. એણે મને ગુલામ બનાવી દીધો. હું એને ખભા પર બેસાડી આમ તેમ ભટકતો રહ્યો. હું દુઃખી દુઃખી થઇ ગયો.

હું આ ત્રાસમાંથી છૂટવાનો ઉપાય શોધવા લાગ્યો.

આખરે મને એક ઉપાય સૂઝયો.

મેં એક દૂધીને અંદરથી સાફ કરીને તેમાં દ્રાક્ષનો રસ ભરી દીધો. દૂધી મેં સંતાડીને રાખી. કેટલાક દિવસો પછી દ્રાક્ષનો રસ તેજ નશીલી મદિરા બની ગયો. આ જ રીતે ખૂબ દારૂ બનાવી લીધો. પછી પેલાને ખભાપર બેસાડી હું નાચતો ફરતો રહ્યો. આવું કઇ કેટલાય દિવસ ચાલ્યું. મારી મસ્તી જોઇ પેલા દુષ્ટને શરાબ પીવાની તલપ લાગી.

તેણે ખૂબ દારૂ ઢીંચ્યો. જ્યારે એ ભાન ગુમાવી બેઠો ત્યારે મેં એને જોરથી જમીન પર પટકી દીધો. પછી એને પત્થરોથી કૂટી કૂટીને સ્વધામ પહોંચાડી દીધો. મેં હવે હાશકારો અનુભવ્યો. પછી હું મીઠા પાણી વાળી નદી તરફ ગયો. અહીં મને કેટલાક માણસો મળ્યા. તેમણે મને પૂછ્યું - ‘તેં પેલા નિર્દય અને ઘાતકી વૃદ્ધની ચુંગાલમાંથી શી રીતે છુટકારો મેળવ્યો?’

મેં એમને મારો અજમાવેલો કીમિયો કહી સંભળાવ્યો. એ બધા વેપારીઓ હતા. તેમણે મને તેમની સાથે લીધો. જહાજ ચાલવા લાગ્યું. નાળિયેરીનાં વૃક્ષોથી ભરેલા એક ટાપુ પર અમે ઉતર્યા. હું ગાલામોની સાથે નાળિયેર તોડવા ચાલ્યો ગયો. વૃક્ષો ઘણાં ઊંચાં હતાં. નાળિયેર તોડવાં અશક્ય હતાં. નાળિયેરીનાં વૃક્ષો ઉપર અમે વાંદરા જોયા. અમે એમને પત્થર મારવા લાગ્યા. ગુસ્સે ભરાયેલા વાનરો નાળિયેર તોડી તોડી અમારી ઉપર ફેંકવા લાગ્યા. જોતજોતામાં નાળિયેરનો ઢગલો થઇ ગયો. અમે નાળિયેર અમારી ટોપલીઓમાં ભરી લીધાં.

વેપારી ખુબ ખુશ થયો. કહ્યું - ‘જો તું આમ જ નાળિયેર લાવતો રહીશ તો ઘણું ધન કમાઇશ. તને તારે ઘેર જતાં વાર નહીં લાગે.’

હું નાળિયેર તોડી ઘણું કમાયો. હવે હું બગદાદ તરફ વહાણની રાહ જોવા લાગ્યો. કેટલાક દિવસો પછી એક જહાજ દેખાયું. મેં એના કપ્તાનને મારી કથની સંભળાવી. કપ્તાન મારો દોસ્ત બની ગયો.

આખરે મેં મારા દયાળુ વેપારી પાસેથી વિદાય લીધી. આગળના ટાપુ પર મેં નાળિયેર વેચી મરીની ખરીદી કરી. પછી અમે એવા ટાપુ પર પહોંચ્યા જ્યાં લોકો દારૂને ઓળખતા શુદ્ધાં ન હતા. અહીંના લોકો સદા સાચું જ બોલતાં. અહીં મેં મરી વેચીને ચંદન અને અબનૂસની ખરીદી કરી લીધી. અહીં રહીને મેં સાગરમાંથી મોતી કાઢવાની કળા પણ શીખી લીધી.

એમ કરતાં હું ખૂબ ધન કમાઇને બગદાદ પહોંચ્યો. મેં મારી કમાણીનો દસમો ભાગ ખેરાત કરી દીધો. સિંદબાદે તેની સફરની દાસ્તાન પૂરી કરતાં સો સોનાના સિક્કા આપી બીજે દિવસે આવવા જણાવ્યું.

અનુક્રમણિકા

૨૭ : છઠ્ઠી સફર

કઠિયારો આવતાં જ મેં છઠ્ઠી સફર બયાન કરવાનું શરૂ કર્યું. એક વરસ મેં આરામ કર્યો અને ઘરવાળાં સાથે મોજમસ્તી કરી. કહે છે કે આદત લાચારી બની જાય છે. પછી નવી નવી હરકતો પેદા કરે છે. વરસ વીતતાં વીતતાં મારું મન ઉપર નીચે થવા લાગ્યું. છેવટે મેં સફરે જવાનું નક્કી કર્યું.

એક મજબૂત જહાજ લઇ હું પારસ દેશ ભણી રવાના થયો. મારા કપ્તાનનો પણ અભિપ્રાય હતો કે અનેક દેશોની સફર કરી ખૂબ ધન કમાવું. એક દિવસ સૂરજના અજવાળામાં અમારું વહાણ આપોઆપ જ તેજ ગતિથી ચાલવા લાગ્યું. અમે ગભરાઇ ગયા. આ શું થયું?

અમે કશું વિચારીએ એ પહેલાં જ અમારું જહાજ પહાડ સાથે જોરથી ટકરાયું અને તૂટી ગયું. અમે એ પહાડની તળેટીમાં બેસી આંસુ સારવા લાગ્યા. કેટલાક તો મોટે મોટેથી રડવા લાગ્યા. અમને થયું કે શું એ મોતનો પર્વત હતો! અમે જોયું તો અહીં તૂટેલાં જહાજોનો ઘણો ભંગાર વેર વિખેર પડ્યો હતો. તો વળી હાડપિંજરોના ઢગ ખડકાયા હતા.

અહીં નદીઓ આવીને પહાડની નીચે પેસી જતી હતી. આ પહાડ પર લાલ પન્ના જેવા કીમતી રત્નોની ખાણી હતી. પહાડના એક મોટા છિદ્રમાંથી લાળ ટપકતી હતી. જેને માછલીઓ ખાતી હતી. પછી માછલીઓ એને મોઢામાંથી બહાર કાઢી નાખતી હતી, જેનો ઢગલો ખડકાઇ જતો હતો. પહાડ પર જાતજાતનાં વિચિત્ર વૃક્ષો પણ હતાં ત્યાં પાણીમાં એવાં મોટાં વમળો ઊભાં થતાં હતાં તે મોટાં મોટાં જહાજોને ગળી જતાં હતાં. અમારે માટે મોટી સમસ્યા તો એ હતી કે અહીંથી નીકળવું શી રીતે? પાણીમાં કૂદી પડવાથી તો પહાડનીચે જવાય એમ હતું. પહાડ ઉપર ચઢવાનોય કોઇ રસ્તો ન હતો.

ખાવાનું હવે ખૂટી પડ્યું હતું. મારા સાથી ભૂખે એક એક કરીને મરી ગયા. સમય જતાં એ બધા મરી પરવાર્યાં. કોઇ અગમ્ય પુણ્ય પ્રતાપે હું બચી ગયો. પણ એકલો પડી જવાથી મને ભય સતાવવા લાગ્યો. મિત્રો અને ઘરવાળાની વાત નહીં માનવા બદલ મને પેટ ભરીને પસ્તાવો થવા લાગ્યો.

મરતો માણસ શું નથી કરતો? મને થયું કે આખરે મરવાનું તો નક્કી જ છે. તો પછી શા માટે બચવા માટે પ્રયત્ન ના કરવો! પહાડની નીચે પેસી જતી નદી પાતાળમાં તો નહીં જતી હોય? જરૂર એ ક્યાંકને ક્યાંક તો નીકળતી જ હોવી જોઇએ. મેં લાકડાંનો એક તરાપો તૈયાર કર્યો. એ તરાપા ઉપર ત્યાંનાં રત્નો લાદી લીધાં. એમને લાકડાં સાથે કસીને બાંધી લીધાં. પછી તરાપા સાથે હું વહેતા પ્રવાહમાં કૂદી પડ્યો.

મારો તરાપો તીવ્ર ગતિથી ચાલવા લાગ્યો. મને એકમાત્ર ઉપર વાળાની જ ઓથ હતી. તરાપો વહેતો રહ્યો. પછી ઠંડી હવા ફૂંકાવા લાગી. હું મારી આંખ મળી ગઇ. હું જાગ્યો ત્યારે જોયું કે હું કિનારા પર પડ્યો હતો. અને લોકો જિજ્ઞાસાથી મને જોતા હતા.

મેં એ લોકોને ઝૂકીને સલામ કરી. જવાબમાં એમણે કશુંક કહ્યું. પણ એમની ભાષા હું સમજી શક્યો નહીં.

એક અરબી ભાષાનો જાણકાર મારી પાસે આવ્યો. એણે કહ્યું - ‘અમે આ શહેરમાં રહેનારા ખેડૂતો છીએ. સવારે ખેતરોને પાણી પાવા આવીએ છીએ. તમારી હોડી નદીમાં ડૂબી જઇ ઝાડની ડાળીઓમાં કસાઇ ગઇ હતી. અમે એને કાઢીને બાંધી દીધી છે. કારણ કે તમે સૂતેલા હતા.’

મેં એમને ભૂખ્યા હોવાની જાણ કરી. એમણે મને રોટલો, શાક અને માછલી ખાવા આપ્યાં. ખાઇ લીધા પછી મેં એમને મારી આવી હાલતનું બયાન કહી સંભળાવ્યું. ‘ખુદાનો આભાર માનો કે તમે બચી ગયા. શું તમે અમારા બાદશાહને મળવાનું પસંદ કરશો.’ મેં હા કહી. એ લોકો મને દરબારમાં લઇ ગયા. મે ંબાદશાહને સલામ કરી, પછી પરિચય આપ્યો. બાદશાહે મને આસન પર બેસાડી મારી કથની સાંભળી. મારી વાતથી બાદશાહ ખુશ થયા. એમણે ઇતિહાસ લખનાર મુન્શીને બોલાવી હુકમ કર્યો કે મારી બધી સફરોનો ઇદિહાસ લખે.

મેં બાદશાહને કેટલાંક કીમતી હીરા ભેટ ધર્યાં. પણ બાદશાહે તો તેમાં એમના ખજાનામાંથી થોડાંક રત્નો ઉમેરી પાછા આપી દીધા હું ત્યાં રહેવા લાગ્યો.

આ ટાપુનું નામ ‘સરન’ હતું. એ ભૂમધ્ય રેખાની નીચે હતો. આથી અહીમનું હવામાન કાયમ એક સરખું જ રહેતું હતું. અહીં હીરાની અનેક ખાણો હતી. હીરાને ઘાટ આપવા માટેના કરડ પત્થર પણ હતા ટાપુ એંશી માઇલ લાંબો પહોળો હતો આ એ જ પહાડ હતો જ્યાં ખુદા આદમ સ્વર્ગમાંથી નીકળી રહ્યા હતા. મેં એનાં દર્શન કર્યાં.

આખરે મારું દિલ આ જગાથી ભરાઇ ગયું. મેં બાદશાહ પાસે બગદાદ જવા રજા માગી. બાદશાહે ભેટસોગાદો સાથે પ્રેમથી મને વિદાય આપી. વળી બગદાદના બાદશાહ માટે તેમણે મને એક પત્ર તથા કીમતી રત્નો પણ આપ્યાં. પછી મને શાનદાર જહાજમાં બેસાડી કપ્તાનને મને હેમખેમ બગદાદ પહોંચાડવા સૂચના આપી.

બસરા થઇ છેવટે હું બગદાદ આવી પહોંચ્યો. મેં ‘સરન’ ટાપુના બાદશાહે મોકલાવેલી વસ્તુઓ મેં હારૂન રશીદને ભેટ ધરી. પછી હું મારે ઘેર ગયો. ઘરવાળાં મને જોઇ ખુશખુશાલ થઇ ગયાં.

આમ કહી સિંદબાદે કઠિયારાને સો મુદ્રાઓની ભેટ આપી અને ફરી બીજે દિવસે આવવા જણાવ્યું.

અનુક્રમણિકા

૨૮ : સાતમી સફર

કઠિયારો સમય થતાં સિંદબાદની હવેલીએ આવ્યો. ખાઇ પીને નવી સફરની વાર્તા સાંભળવા એ તૈયાર થઇ ગયો હતો. સિંદબાદે એને કથા કહેવી શરૂ કરી -

દોસ્ત છઠ્ઠી યાત્રાની તકલીફો અને આફતો સહન કર્યા પછી મેં નક્કી જ કર્યું હતું કે હવે દરિયાઇ સફર કદી નહીં કરું. મારો નિર્ણય અટલ હતો, પણ મારા મુલ્કના ખલીફા હારૂન રશીદે એક દિવસ મને દરબારમાં બોલાવ્યો એમણે હુકમ કરતાં કહ્યું - ‘મારા બહાદુર સિંદબાદ! મારો એક પત્ર અને કેટલીક ભેટસોગાદો લઇ તારે ‘સરન’ ટાપુના બાદશાહ પાસે જવાનું છે એને હું કીમતી ભેટો આપી એની ઇજ્જતમાં વધારો કરવા ઇચ્છું છું. તથા તેને મારો મિત્ર બનાવવા ઇચ્છું છું. આ એક બાદશાહનો બીજા બાદશાહ સાથેનો રાજકીય વહેવાર છે.’

હવે હું શું કરું? બાદશાહના હુકમનો અનાદર શી રીતે થઇ શકે? મજબૂર થઇને મારે સફરે જવું પડ્યું. હું જહાજ લઇ નીકળ્યો. જહાજ દરિયામાં ચાલતું રહ્યું. હું ‘સરન’ ટાપુ પર પહોંચ્યો. બાદશાહે મારું સન્માન કર્યું. મેં ખીલીફાએ મોકલાવેલ પત્ર અને ભેટો એમની સામે મૂક્યાં. એ આનંદથી ભાવવિભોર બની ગયો.

મેં ઘણી ના પાડી તેમ છતાં બાદશાહે મને થોડા દિવસ એમની મહેમાનગતિ માણવા રોકી લીધો. વારંવાર વિનંતી કર્યા પછી એમણે એક દિવસ મને જવાની રજા આપી. મારી વિદાયવેળાએ એમણે મને પુષ્કળ ધન આપ્યું.

હું ખુશ હતો. અમારું જહાજ દરિયામાં ચાલી રહ્યું હતું. મારા નસીબની અવળચંડાઇ તો જુઓ! ચોથે દિવસે અમારા જહાજને દરિયાઇ ચાંચિયાઓએ ઘેરી લીધું. અમારો બધો માલ લૂટી લીધો. અમને બધાંને ગુલામ બનાવી દીધા. એ લોકોએ અમારાં બધાં કપડાં લઇ લીધાં. પછી અમને એક ટાપુમાં વેચી દીધા.

મારી કેવી દુર્દશા! હું મારે ઘેર કેટલાય ગુલામો રાખતો હતો, પણ હું જ આજે ગુલામ બની ગયો. હું એને ત્યાં કામકાજ કરવા લાગ્યો. એક દિવસ એ વેપારીએ પૂછ્યું - ‘શું તને ધનુષ બાણ ચલાવતાં આવડે છે?’

તે મને એક હાથી ઉપર બેસાડી જંગલમાં લઇ ગયો. એણે મને એક ઊંચા અને મજબૂત ઝાડ ઉપર બેસાડી ધીધો. કહ્યું - ‘અહીંથી જે હાથી પસાર થાય એને તારે બાણથી વીંધી નાખવાનો છે. હાથી મર્યા પછી તારે મને જાણ કરવાની છે. તું ભોજન પણ તારી સાથે જ રાખ.’

દિવસે તો કોઇ હાથી આ તરફ ફરક્યો નહીં. રાત્રે અહીંથી હાથીઓનું ટોળું પસાર થયું. મેં ઉપરા ઉપરી ઘણાં બાણ ચલાવ્યાં, પણ એક પણ હાથી મર્યો નહીં. ફક્ત એક હાથી ઘાયલ થયો.

બે મહિના સુધી હાથીને મારવાની ફિરાકમાં રહ્યો, પણ મારો કોઇ ગજ વાગ્યો નહીં.

એક દિવસ એક હાથીનું મોટું ટોળું મારા તરફ આવ્યું. પહેલાં એ જોરજોરથી બરાડ્યા. કેટલાક હાથીઓએ એમની સૂંઢોમાં વૃક્ષોને લપેટીને ઉખાડવા માંડ્યાં. હું થરથર કંપવા લાગ્યો. થયું કે આ હાથીઓ આજે મસડીને મારા ફોદેફોદા કાઢી નાખશે. મારી પત્ની અને બાળકો નોંધારાં થઇ જશે. હું ખુદાને યાદ કરવા લાગ્યો.

હું જે ઝાડ પર બેઠો હતો એ ઝાડ એક હાથીએ ઉખેડી નાખ્યું. હું જમીન પર પડ્યો. થયું હવે બચવાનો કોઇ ઉપાય નથી. હું મોતની રાહ જોવા લાગ્યો. ત્યારે એક ચમત્કાર થયો સૌથી મોટા અને કદાવર હાથીએ મને એની સૂંઢ વીંટાળી દીધી. હું મારી પત્ની અને બાળકોને યાદ કરવા લાગ્યો. મોત હવે મારાથી વેંત છેટું હતું. પણ હાથીએ મને પછાડ્યો નહીં. એણે ઉંચકીને મને એની પીઠ પર બેસાડી દીધો.

એ મને એક વેરાન જંગલમાં લઇ ગયો. ત્યારે પણ હું ગભરાયેલો હતો. એ હાથીઓ મને એક એવી જગાએ લઇ ગયા. જ્યાં હાડકાંનો ઢગલો હતો. મને ત્યાં છોડીને હાથીઓ ચાલ્યા ગયા.

વાસ્તવમાં એ હાથીઓનાં હાડકાં અને હાથીદાંત હતા. મને થયું, કેવા સમજદાર હાથીઓ છે! એમણે તો મને પાપ કરતાં રોકી લીધો. હાથીદાંત માટે હું એમને મારવા તૈયાર થયો હતો. હરખાતો હરખાતો હું મારા માલિક પાસે પહોંચ્યો. એને બધી જ હકીકતથી વાકેફ કર્યા. તે પણ ખુશ થયો. એક હાથી લઇને અમે તે જગાએ ગયા અને બધા હાથીદાંત લઇ આવ્યા.

મારા માલિકને ખૂબ ફાયદો થયો. એણે મને ગુલામીમાંથી મુક્ત કર્યો. મને પણ ઘણા હાથીદાંત ભેટ આપ્યા. હું જહાજની પ્રતીક્ષા કરવા લાગ્યો. જહાજ આવતાં જ હું બગદાદ જવા રવાના થયો. મેં મારા ખલીફા બાદશાહને આખો વૃત્તાંત કહ્યો. મને એમણે ઘણી બક્ષિસ આપી.

આ પછી હું અહીં જ રહેવા લાગ્યો. હવે મારી ઉંમર પણ થઇ ગઇ છે, દોસ્ત! માણસે નસીબના ભરોસે બેસી રહેવું જોઇએ નહીં. મહેનત કરતા જ રહેવું જોઇએ. પુરુષાર્થ કરવાથી જ ભાગ્ય ઊઘડે છે.

કઠિયારો નવો ઉત્સાહ અને સંદેશ લઇ ચાલ્યો ગયો. એ સિંદબાદનો મિત્ર બની ગયો હતો.

અનુક્રમણિકા

૨૯ : નિર્દોષ પત્ની

ખલીફા હારૂન રશીદ જાફર અને તેમનો ખાસ ગુલામ ‘મસરૂર’ એમની આદત અને ઇરાદાને કારણે ફરતા ફરતા એક સાંકડી ગલીમાં પહોંચ્યા. આ ગલીમાં એક જોરાવર માણસ ચાલ્યો જઇ રહ્યો હતો. તેની દાઢીના વાળ છાતી સુધી ઝૂલતા હતા. માથે જાળ હતી. ખભા પર નાળિયેરનો ટોપલો હતો. હાથમાં લાકડી હતી. તેના મોં ઉપર ઉદાસીનતા અને ચિંતાના ભાવ સ્પષ્ટ દેખાતા હતા.

તેને હતાશ જોઇ વજીરે પૂછ્યું - ‘તું કોણ છે અને ક્યાં જાય છે?’

‘હું માછીમાર છું. માછલાં પકડવા જઇ રહ્યો છું.’ તેઓ આગળ ચાલ્યા ગયા. પણ બાદશાહની નજર સામે હજુ પેલા માછીમારનો ઉદાસ ચહેરો તરવરી રહ્યો હતો.

બપોર ચઢી ગયા. ખલીફા નદીને કિનારે ગયા. તેમણે જોયું કે માછીમાર હજુ ત્યાં જ બેઠો હતો.

તેમણે પૂછ્યું - ‘હજુ સુધી કોઇ માછલી પકડાઇ નથી?’

‘ના. આજે દિવસ જ ખરાબ ઊગ્યો લાગે છે.’

‘એમ કર. મારું કહેવું માની તું જાળ નાખ. ખુદા તારું ભલું કરશે. જો જાળમાં એક પણ માછલી નહીં આવે તોય હું તને સો સોનામહોરો આપીશ.’ ખલીફાના કહેવાથી માછીમારે જાળ નાખી. જાળમાં એક ભારે પેટી બહાર આવી. ખલીફાએ સો સોનામહોરો આપી એ પેટી લઇ લીધી. મહેલમાં આવી તેમણે પેટી ખોલી તો તેમાંથી એક મૃત સ્ત્રીનાં કપાયેલાં અંગો મળી આવ્યાં.

ખલીફાએ વજીરને કહ્યું - ‘આ કેવી વ્યવસ્થા?! આવી અંધાધૂંધીનું કારણ શું?’ આપણા રાજ્યમાં કોઇ સ્ત્રીને મારી, તેનાં અંગો કાપી નદીમાં નાખી દે અને એની ખબર શુદ્ધાં આપણને ના પડે! આપણે ખુદાને શું મોં બતાવીશું? જો ત્રણ દિવસમાં આવું ઘાતકી કૃત્ય કરનાર નું પગેરું નહીં મેળવો તો હું તમારું અને તમારા આખા કુટુંબનું નામોનિશાન મીટાવી દઇશ.

કહે છે ને કે રાજા, વાજાં ને વાંદરાં. એમની રીત જ સાવ ઉલટી. ત્રણ દિવસ વહી ગયા. હત્યારાનો કોઇ પત્તો ના મળ્યો. ચોથા દિવસે રાજાએ કુટુંબ સાથે વજીરને તેડાવ્યો. વજીર અલ્લાહને યાદ કરી રહ્યો હતો ત્યાં જ એક યુવાને આવી ખલીફાને કહ્યું - ‘માલિક! આ મારો અપરાધ છે. એ કતલ મેં કરી છે.’

એ વખતે એક વૃદ્ધ ત્યાં આવી ચઢ્યો. તેણે સલામ કરીને કહ્યું - ‘બાદશાહ સલામત! આ યુવાન ખોટું બોલે છે. એ સ્ત્રીની હત્યા મેં કરી છે.’

બધા વિચારમાં પડી ગયા. ખરેખર કતલ કોણે કરી હશે? બાદશાહ અને વજીરના કહેવાથી યુવાને જણાવ્યું - ‘હે શાહોના શાહ! આ વૃદ્ધ બીજું કોઇ નહીં પણ મારા કાકા અને સસરા છે. મારું લગ્ન બાર વર્ષની ઉંમરે થયું હતું. આજે એ વાતને અગિયાર વરસ વીતી ગયાં, મારી પત્ની પવિત્ર અને પતિવ્રતા હતી. અમારે ત્રણ બાળકો પણ છે. અમારું જીવન સુખચેનથી ભર્યુંભર્યું હતું.’

જ્યારે મારી પત્ની બીમાર પડી ત્યારે એને સફરજન ખાવાની ઇચ્છા થઇ. પણ કસમયમાં સફરજન મળવું દુષ્કર થઇ પડ્યું. મને ભાળ મળી કે બસરામાં સફરજન મળે છે. હું બસરા જઇ ત્રણ સફરજન લઇ આવ્યો. મારી પત્નીએ એમને સૂંઘીને પલંગ નીચે મૂકી દીધાં.

હું મારી કાપડની દુકાને જઇ બેઠો થોડીવાર પછી મેં જોયું કે એક ગુલામ સફરજન ઊછાળતો ઊછાળતો જઇ રહ્યો હતો. મેં ગુલામને ઊભો રાખ્યો. પૂછ્યું - ‘આ સફરજન ક્યાંથી લાવ્યો?’

એણે મને હસીને કહ્યું - ‘આ તો મારી પ્રિયતમાએ મને આપ્યું છે. આજે હું એની પાસે ગયો તો તે બીમાર હતી કદાચ એનો પતિ આ કોઇ બીજા શહેરમાંથી લાવ્યો હશે.’ પછી ગુલામે ઊમેર્યું - ‘પહેલાં અમે ખાવાનું ખાધું. પછી દારૂ પીધો. આ સફરજન એણે મને આપ્યું છે.’

મારું લોહી ઉકળી ઊઠ્યું. તરત જ હું ઘેર ગયો. પલંગની નીચે ત્રણની જગાએ બે જ સફરજન હતાં. મેં પૂછ્યું - ‘ત્રીજું સફરજન ક્યાં છે?

‘કોઇ છોકરું લઇ ગયું હશે.’ એણે જવાબ આપ્યો. પત્નીનો પારકા પુરુષ સાથે સંબંધ જાણી હું ગુસ્સાથી આંધળો થઇ ગયો. મારું માથું ભમવા લાગ્યું. કશો વિચાર કર્યા વગર હું ખંજર લઇ એના પર તૂટી પડ્યો. મેં એના ત્રણ ટુકડા કરી દીધા. પછી એ ટુકડા એક પેટીમાં બંધ કરી નદીમાં નાખી દીધા.

જ્યારે હું ઘેર પાછો ફર્યો ત્યારે મારો મોટો દીકરો રડી રહ્યો હતો. મને થયું કે એની મા માટે રડતો હશે. મેં રડવાનું કારણ પૂછ્યું - એણે કહ્યું - ‘આજે હું મારી અમ્માના પલંગ નીચેથી સફરજન લઇ રમતો હતો ત્યારે એક ગુલામે આવી મારા હાથમાંથી તે છીનવી લીધું અને ચાલ્યો ગયો. મેં રડતાં રડતાં ગુલામને કહ્યું કે મારી અમ્મા બીમાર છે. આ સફરજન બીજા શહેરમાંથી મારા અબ્બા લાવ્યા છે. છતાં એ માન્યો નહીં ને સફરજન લઇ ચાલ્યો ગયો.’

મારા દીકરાની વાત સાંભળી હું મારી જાતને ધિક્કારવા લાગ્યો. નિર્દોષ પત્નીની હત્યા ના ગુના બદલ હું ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. મને મારા ગુનાની સજા મળવી જ જોઇએ. મારા કાકા પણ આ દર્દનાક હકીકત જાણ્યા પછી જીવવા માંગતા ન હતા. બાદશાહ સલામતા મને સજા ફરમાવો, જેથી મારા જીવતી સદ્‌ગતિ થાય.

ખલીફા બાદશાહે વિચારીને કહ્યું - ‘આ હત્યાકાંડ પેલા નીચ ગુલામને કારણે થયો છે. એને પકડીને જલ્દી મારી સામે હાજર કરો.’ વજીરે ગુલામની શોધ આરંભી. પણ હજારો ગુલામોમાં પેલા ગુલામને શી રીતે શોધવો? વજીર ખિન્ન અને ઉદાસ થઇ ગયો.

અચાનક વજીરે તેની દીકરીના હાથમાં સફરજન જોયું. તેણે દીકરીને પૂછ્યું - ‘તું આ સફરજન ક્યાંથી લાવી?’ મેં આ સફરજન રહાન ગુલામ પાસેથી ખરીદ્યું છે.

વજીરે રહાન ગુલામને પકડી લીધો. તેણે સાચે સાચી વાત જણાવી દીધી. વજીરે રહાન ગુલામને ખલીફા બાદશાહ સામે રજૂ કર્યો. ખલીફાએ એ ગુલામને ગુનેગાર ઠરાવી મોતની સજા ફરમાવી.

વજીરે ખલીફાનો ફેંસલો માની લીધો. અને કહ્યું - ‘જો આપને મિસરના બાદસાહના વજીર નૂરૂદ્દીન અને બદરૂદ્દીન કિસ્સો સહસ્યમય અને સાચો લાગે તો આ ગુલામને માફી બક્ષજો.’

‘સંભળાવો. કેવોક રહસ્યમય છે એ કિસ્સો?’

વજીરે કહ્યું - ‘સાંભળો.’

અનુક્રમણિકા

૩૦ : નૂરૂદ્દીન બદરુદ્દીન

યમનનો બાદશાહ શહરયાર એની બેગમની વાર્તાઓમાં એવો તો ખોવાઇ ગયો હતો તે વગર આરામ કર્યો જુદી જુદી રસપ્રદ વાર્તાઓ સાંભળવા ઇચ્છતો હતો. શહરજાદે નવી વાર્તા શરૂ કરી.

મિશ્ર દેશનો વજીર ચાલાક અને પ્રજાપાલક હતો. એને બે દીકરા હતા. મોટો શમરુદ્દીન મહમ્મદ અને નાનો નૂરુદ્દીન અલી. જ્યારે વજીરનો દેહાંત થયો ત્યારે બાદશાહે તે બંન્નેને વજીરપદ આપ્યું. એક મહિના સુધી રિવાજ મુજબ પિતાના મોતના શોકને લઇ ઘરમાં જ બેસી રહ્યા. એક મહિના પછી તેઓ દરબારમાં પહોંચ્યા.

એ બંન્ને બાદશાહના વિશ્વાસુ હતા. બાદશાહ જ્યારે શિકારે જતા ત્યારે એકને સાથે લઇ જતા અને બીજો રાજ્યનો કારભાર સંભાળતો. એક દિવસની વાત છે.

બંન્ને ભાઇઓ અંદરોઅંદર વાત કરતા હતા. બંન્નેએ નક્કી કર્યું કે તેઓ ધનવાન અને ઇજ્જતદાર સુંદર હસીનાઓ સાથે લગ્ન કરશે. બંન્નેની પત્નીઓ એક સાથે જ ગર્ભવતી થશે. તારી પત્ની પુત્રને જન્મ આપશે અને મારી પત્ની પુત્રીને. જ્યારે તેઓ બંન્ને મોટાં થશે ત્યારે આપણે એમનાં લગ્ન કરાવીશું.

નાના ભાઇએ કહ્યું - ‘બિસમિલ્લાહ! ખુદા એવું જ કરશે. તમારે ત્યાં પુત્રનો જન્મ થાય અને મારે ત્યાં પુત્રીનો.’ ‘પણ તારે મારી દીકરીને ત્રણ હજાર સોનામહોરો, ત્રણ ગામ અને ત્રણ દાસીઓ આપવી પડશે. તે પણ લગ્નના ખર્ચ ઉપરાંત. બોલ છે મંજૂર?’

‘ના! એ બધું તો દીકરીવાળા આપે છે.’

નૂરુદ્દીને તરત જવાબ આપ્યો - ‘આવી અવળી વાત કેમ કરે છે?’

શમસુદ્દીન નારાજ થઇ ગયો. કહ્યું - ‘હું તારી પાસેથી આવા જવાબની અપેક્ષા નહતો રાખતો. હું નહોતો જાણતો કે તું મારી બેઇજ્જતી કરશે. હું મારી દીકરીની શાદી તારા દીકરા સાથે ક્યારેય નહીં કરું. તારી નફટાઇ બાદશાહ આગળ રજૂ કરી તને સજા અપાવીશ.’ શમસુદ્દીન નૂરુદ્દીનનું ખચ્ચર બીમાર થઇ ગયું. એ પગપાળા ચાલવા લાગ્યો. એને બસરા જવું હતું. એ એક ઘોડેસવારને આજીજી કરી પાછળ બેસી ગયો બસરા પહોંચી એણે ઘોડેસવારનો આભાર માન્યો. એ રહેવા માટે મકાન શોધવા લાગ્યો.

એણે જોયું તો રસ્તામાં એક ઘોડેસવાર આવી રહ્યો હતો. રસ્તે ચાલનારાં અને ઝૂકી ઝૂકીને સલામ કરતાં હતા. એ અહીંનો વડો મંત્રી હતો. નૂરુદ્દીને પણ એને ઝૂકીને સલામ કર્યા. વજીરે કહ્યું - ‘ભાઇ! તમે કોણ છો? અજાણ્યા લાગો છો. અહીં આવવાનું કારણ?’

‘હું મિશ્ર દેશનો રહેવાસી છું. ત્યાંના બાદશાહનો વજીર છું. ભાઇની સાથે ઝઘડો થવાથી દેશ છોડી અહીં આવ્યો છું. ફરી ફરીને હું નવી માહિતી અને અનુભવો મેળવવા ઇચ્છું છું.’ વજીરે કહ્યું - ‘બેટા! પદેશમાં સુખ નથી મળતું. જો તું મારી સાથે રહેવા ઇચ્છતો હોય તો ખુશીથી આવી શકે છે.’

નૂરુદ્દીન તૈયાર થઇ ગયો.

વજીરે એને પોતાને ત્યાં રાખ્યો અને દીકરાની જેમ લાડપ્યાર કરવા લાગ્યો. વજીરે એને બરાબર પારખી લીધા પછી કહ્યું -‘બેટા! હું હવે ઘરડો થઇ ગયો છું. મારે સંતાનમાં માત્ર એક દીકરી જ છે. મારી એવી ઇચ્છા છે કે તું એની સાથે લગ્ન કરી લે. હું તને દરબારમાં વજીરનું પદ અપાવીશ. મારી દીકરીનું લગ્ન પણ ખુદ બાદશાહ જ કરાવશે.’ નૂરુદ્દીને વૃદ્ધ વજીરની વાત માની લીધી.

નૂરુદ્દીનનું લગ્ન બાદશાહની દેખરેખ હેઠળ ધામધૂમથી થયું. ઇશ્વરની લીલા અનેરી હોય છે. બરાબર આ જ દિવસે શમસુદ્દીન બાદશાહની સાથે શિકારે ગયો હતો, એક મહિના પછી એ જ્યારે પાછો ફર્યો ત્યારે એણે જાણ્યું કે એનો નાનો ભાઇ બે ત્રણ દિવસનું કહીને ગયો હતો જે આજ સુધી પાછો આવ્યો નથી. તે ખૂબ દુઃખી થયો. એણે ભાઇને શોધવા ઘણા પ્રયત્ન કર્યો, પણ એ તો ગધેડાના શિંગડાની જેમ છૂ થઇ ગયો હતો. તે લાચાર થઇ ગયો. સંજોગ એવો થયો કે લગ્ન પણ એક જ દિવસે થયાં.

આગળ પણ સંજોગોએ કમાલી કરી દેખાડી નૂરુદ્દીનને ત્યાં દીકરો અવતર્યો અને શમસૂદ્દીનને ત્યાં દીકરી. વજીરે જન્મ દિવસ પર ખૂબ ખેરાત કરી અને ભૂખ્યાંને ભોજન કરાવ્યું. દીકરાનું નાં બદરૂદ્દીન હસન રાખવામાં આવ્યું.

વૃદ્ધાવસ્થાનું બહાનું આગળ ધરી વજીરે પોતાની જગાએ નૂરુદ્દીનની નિમણૂંક કરાવી દીધી. નૂરુદ્દીને કુશળ વહીવટ અને પ્રામાણિકતાથી પ્રજાનો પ્રેમ જીતી લીધો. તે લોકપ્રિય થઇ ગયો.

બદરુદ્દીન ચાર વર્ષનો થયો ત્યારે એને નાનાનું અવસાન થયું. સાત વર્ષની ઉંમર થતાં બદરુદ્દીનને ભણવા મદ્રેસામાં દાખલ કરવામાં આવ્યો. અહીં એને બધા વિષયો ભણાવવામાં આવતા એ રાજનીતિમાં પારંગત થઇ ગયો. આખું કુરાન એ શરીફ એને મોંઢે થઇ ગયું હતું.

બદરુદ્દીન યુવાન થઇ ગયો એટલે નૂરુદ્દીન રાજકારણનો અનુભવ આપવા એને રાજદરબારમાં લઇ ગયો. દરબારીઓ એને જોઇ ખુશ થઇ ગયા. સમયને પસાર થતાં ક્યાં વાર લાગે છે.

નૂરુદ્દીન વૃદ્ધ થતાં દીકરાને પાસે બોલાવી સમજાવ્યું - ‘બેટા! માણસ સારાં કર્મો કરીને જ મહાન થઇ શકે છે. તેં હંમેશાં જાતજાતની કળાઓને ઇજ્જત બક્ષી છે. લાલચના માર્યા લોકો ખરાબ કામોને સારાં સમજી બેસે છે. તારે વજીરનું પદ સંભાળવાનું છે. એ માટે દરેક ખરાબ કામથી સાવધ રહેજે. કોઇ એવું કામ ના કરીશ જેથી તારી અને તારા કુટુંબની નિંદા થાય. મારા મૃત્યુ પછી તું આંસુ સારીશ નહીં.’ ક્ષણવાર માટે રોકાઇને એણે ફરી કહ્યું - ‘ મારું મોત હવે નજીકમાં છે તેથી હું તને મારા ખાનદાન વિશે ચોખ્ખેચોખ્ખું જણાવી દઉં છું. હું મિશ્ર દેશનો રહેવાસી છું. મારા પિતા અહીંના મંત્રી હતા. અબ્બાના મૃત્યુ પછી અમે બે ભાઇઓ હકૂમતના અધિકારી થઇ ગયા પણ એક દિવસ કોઇ વાતે અમારી વચ્ચે અણબનાવ થઇ ગયો. મારે એક મોટો ભાઇ છે. શમશુદ્દીન તે હાલ મિશ્રમાં છે. હું નારાજ થઇ અહીં ચાલ્યો આવ્યો.’ બરુદ્દીને એને એક કાગળ આપ્યો, જેમાં કુટુંબના પરિચયની સાથે ભાઇ સાથે કઇ બાબતે અણબનાવ થયો તેની વિગત પણ હતી.

દીકરાને બધું સમજાવી નૂરુદ્દીને પ્રાણત્યાગ કર્યો. બદરુદ્દીને એક મહિના સુધી શોક મનાવ્યો. પિતાના મૃત્યુના શોકને લઇ તે ઘરની બહાર પણ નીકળતો નહીં. બાદશાહે કહેણ મોકલાવ્યા છતાં એ દરબારમાં ગયો નહીં. આથી બાદશાહને માઠું લાગ્યું. એણે બદરુદ્દીનને વજીર પદેથી દૂર કર્યો. બાદશાહે એની બધી મિલકત જપ્ત કરી લીધી. અને એને કેદ કરી લેવાનો હુકમ ફરમાવ્યો.

નવો વજીર કેટલાક સિપાઇઓને લઇ તેને કેદ કરવા ગયો. બદરુદ્દીનના એક વિશ્વાસુ સેવકે એને ચેતવી દીધો. બદરુદ્દીન પાછલા દરવાજેથી દોડીને કબ્રસ્તાન તરફ ચાલ્યો ગયો. તે સમયે રાત હતી. ચારે તરફ ઘોર અંધકાર હતો એને કશું દેખાતું ન હતું. એ જઇને એના પિતાની કબર પાસે બેસી ગયો.

તારાઓના આછા ઉજાસમાં એણે જોયું કે કોઇક યહૂદી અગાઉથી જ એના પિતાની કબર પાસે બેસી કુરાન એ શરીફ વાંચી રહ્યો હતો.

બદરુદ્દીનને જોઇને તેને નવાઇ લાગી. બદરુદ્દીને કહ્યું - ‘મારા પિતાએ સ્વપ્નમાં આવી મને કહ્યું કે એમની કબર તૂટી ગઇ છે.હું અહીં તે જોવા આવ્યો છું.’

તે યહૂદીએ કહ્યું -‘તારા પિતા ખૂબ જ હોંશિયાર અને જ્ઞાનવાન હતા. હું જ એમના વેપારનું ધ્યાન રાખતો હતો. એમના અંતિમ દિવસોમાં જહાજોમાં માલ ભરીને દેશાવર મોકલ્યો હતો. તું સૌથી પહેલાં આવનાર જહાજનો સોદો કરીશ તો હું તને એક હજાર રૂપિયા આપીશ.’

બદરુદ્દીનને એની વાત જચી ગઇ. એણે હા કહીને પેલા યહૂદી પાસેથી એક હજાર મુદ્રાઓ લઇ લીધી. યહૂદી ચાલ્યો ગયો. બદરુદ્દીન ત્યાં જ સૂઇ ગયો. ત્યાં એક જિન રહેતો હતો. તે તેની પાસે આવ્યો. બદરુદ્દીનનું સૌંદર્ય જોઇ તે તેના પર મોહિત થઇ ગયો.

જ્યારે જિન ત્યાંથી જવા લાગ્યો ત્યારે તેને એક સ્વર્ગની અપ્સરા મળી. જિને તેને કહ્યું - ‘હે સુંદરી! જો તું મારી સાથે આવે તો હું એક એવા યુવાન સાથે તારી મુલાકાત કરાવીશ કે જેના સૌંદર્યનો જોટો જડે તેમ નથી. આટલો સુંદર યુવાન તેં સ્વપ્નમાં પણ નહીં જોયો હોય!’

અપ્સરાનું મન લલચાયું. તે જિન સાથે કબ્રસ્તાનમાં આવી. બદરુદ્દીનને જોતાં જ તે મુગ્ધ થઇ ગઇ. તેણે કહ્યું - ‘આ યુવાન જેટલો સુંદર છે તેટલી જ સુંદર એક તરુણી મેં જોઇ છે. એ મિશ્રના શમસુદ્દીનની દીકરી છે. મિશ્રનો બાદશાહ તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. પણ આ દરમિયાન શમસુદ્દીનને ખબર પડી કે તેનો નાનો ભાઇ નૂરુદ્દીન એક પુત્ર મૂકી મૃત્યુ પામ્યો છે. એ એની દીકરીનું લગ્ન નૂરુદ્દીનના પુત્ર સાથે કરાવવા માગે છે. તે તેના ભાઇને આ લગ્નનું વચન આપી ચૂક્યો છે તેણે શમસુદ્દીનની દીકરીનું લગ્ન કદરૂપા અને અપંગ માણસ સાથે કરાવવાનું નક્કી કરી લીધું. તેણે એક ઘોડા પાળવાવાળા પર પસંદગી ઉતારી, શમસુદ્દીનને બાદશાહના ગુસ્સા આગળ હથિયાર હેઠો મૂકવાં પડ્યાં. ભયથી ભૂતપણ ભાગી જાય છે. એ રાતે જ પેલા કદરૂપ માણસને વરરાજા બનાવી રાજ્યના માણસો લગ્ન માટે ચાલી નીકળ્યા.’

અપ્સરાએ આર્તસ્વરે કહ્યું - ‘આહ! જિન! શું આપણે આ યુવાનને મિશ્ર પહોંચાડી દઇ પેલા કદરૂપા અને અપંગ માણસને અહીંયા ઊઠાવી લાવીએ? જો એ શક્ય બને તો એ કોડભરી સુંદરીની જિંદગી બરબાદ થતી બચી જાય.’

બંન્નેએ એ ચમત્કાર કરવાનું વિચારી લીધું. જિને અપ્સરાને સોનામહોરોની થેલી આપતાં કહ્યું - ‘ખૂબ સોના મહોરો લૂંટાવજે. કોઇથી ડરવાની જરૂર નથી. હું તારી સાથે જ છું.’

પછી શું થયું?

એ બંન્નેએ ચાલાકીપૂર્વક પેલા અપંગને ત્યાંથી ઊઠાવી લીધો અને તેની જગાએ બદરુદ્દીનને વરરાજા બનાવી બેસાડી દીધો. જાન ચાલવા લાગી. કોઇને કશી જ શંકા ન ગઇ.

દરવાજા પર બદરુદ્દીનને અટકાવ્યો. પણ અપ્સરાએ અને નર્તકીઓએ ચાલાકીથી એને અંદર લઇ લીધો. કાજીની સામે બંન્નેએ પતિપત્ની તરીકે એકબીજાને કબૂલ કર્યાં. બંન્નેના નિકાહ થઇ ગયા. સુંદરીએ જ્યારે આટલા સુંદર યુવાનને પોતાના પતિ તરીકે જોયો ત્યારે એ રાજીના રેડ થઇ ગઇ. પછી બંન્ને ભોગવિલાસમાં ડૂબી ગયાં. બંન્નેના જીવનમાં સુખીની કોઇ મણા ના રહી.

જિન અને અપ્સરાએ પેલા અપંગને ડરાવી ધમકાવી ત્યાંથી કાઢી મૂક્યો.

બદરુદ્દીન ત્યાંથી નીકળી સૂઇ ગયો. જિન અને અપ્સરાએ તેને ઊઠાવીને એક મસ્જિદ આગળ મૂકી દીધો. એની પાઘડી અને થેલી હુસ્ના પાસે રહી ગઇ હતી. બદરુદ્દીન અત્યારે પણ વરરાજના વેશમાં જ હતો. મસ્જિદ પાસે એને સૂતેલો જોઇ લોકોએ વિચાર્યું કે એ પત્નીથી રિસાઇને અહીં આવ્યો હશે. લોકોએ તેને જગાડ્યો. તેણે કહ્યું -‘હું ક્યાં છું? તમે લોકો અહીં શા માટે ઊભા છો?’

તેમણે કહ્યું - ‘તને અહીં સૂતેલો જોયો માટે.’ તે બોલ્યો - ‘ખુદાની લીલા અકળ છે. કાલે સાંજે હું બસરામાં હતો. રાત્રે મિશ્રની રાજધાની ‘કેરું’ માં મારા નિકાહ થયા. અને સવારે મસ્જિદ પાસે.’

લોકો તેની વાત પર ખડખડાટ હસી પડ્યા. એમને થયું કે બિચારો આ કોઇ ગાંડો માણસ છે! દુઃખી થઇ બદરુદ્દીન ત્યાંથી ચાલ્યો. લોકો તેને પાગલ સમજતા હતા. ચાલતો ચાલતો એ એક કંદોઇની દુકાને આવ્યો. કંદોઇએ એને ચેતવ્યો. ‘ખબરદાર! આ હકીકત તારે કોઇને કહેવાની નથી. નહીં તો બેમોત માર્યો જઇશ. હા, તું દીકરાની જેમ મારી પાસે રહેવા ઇચ્છતો હોય તો તારે કોઇથી ડરવાની જરૂર નથી.’

પરિસ્થિતિ વિકટ હતી. એણે કંદોઇની વાત માની લીધી. એ એનો દત્તકપુત્ર બની રહેવા લાગ્યો. એણે દત્તકપુત્ર માટેના દસ્તાવેજો પણ તૈયાર કરાવી લીધા. જ્યારે શમસુદ્દીનની દીકરી હુશ્ના જાગી તો એણે એના પતિને અદૃશ્ય થયેલો જોયો. તેણે વિચાર્યું કે તે કુદરતી હાજતે ગયો હશે. પણ ઘણીવાર થવા છતાંય તે પાછો ના આવ્યો ત્યારે હુશ્ના રડવા લાગી.

તે જ વખતે તેનો પિતા શમસુદ્દીન ત્યાં આવ્યો. એક કદરૂપા અને અપંગ માણસ માટે એને રડતી જોઇ એ ગુસ્સે થઇ ગયો. કઠોર સ્વરમાં એણે કહ્યું - ‘બેશર્મ! એક કદરૂપા અને અપંગ માટે આટલો લગાવ?’ ‘મારો પતિ અપંગ અને કદરૂપો? ના, ના, એ તો ખૂબ સુંદર છે.’

‘શું?!’

‘હા, અબ્બાજાન, ખુદાની કસમ.’ શમસુદ્દીન આશ્ચર્યચકિત થઇ ગયો. એણે પેલા અપંગને પાછળ થોડે દૂર ઊંધો લટકેલો જોયો ત્યારે નવાઇ પામતાં પૂછ્યું -‘તું અહીં ક્યાંથી?’ ‘અરે! હું તો પેલા જિનથી બચી ગયો. નહીં તો એ મને મારી જ નાખત.’

શમસુદ્દીને પેલા અપંગને હેઠે ઉતાર્યો. એણે સાચી હકીકત જણાવી. પછી બાદશાહ પાસે જઇ એણે બનેલી ઘટના બયાન કરી ત્યારે જ એને જંપ વળ્યો. અહીં, હુશ્નાએ બદરુદ્દીનની પાઘડી અને થેલી પિતાને બતાવ્યાં. શુમસુદ્દીને પાઘડી જોઇ. પાઘડીમાં નૂરુદ્દીનનો પત્ર પણ હતો. એ પત્ર વાંચતાં જ શમસુદ્દીન નાચી ઊઠ્યો. ઇશ્વરનો આભાર માનતાં બબડ્યો. - ‘હું ઇચ્છતો હતો એમ જ થયું.’

બદરુદ્દીન પાછો ના જ આવ્યો. હુશ્ના માટે એની પાઘડી અને થેલી સંભારણું બની રહ્યાં.

નવ મહિના પછી હુશ્નાએ એક દીકરાને જન્મ આપ્યો. એનું નામ ‘અજબ’ પાડવામાં આવ્યું. એને કોઇ વાતની ખોટ ન હતી. અજબ પાણી માગતો તો દૂધ હાજર કરવામાં આવતું. પણ વધુ પડતા લાડપ્યારથી એ દિવસે દિવસે વધુ ને વધુ ઉદ્ધત બનતો ગયો. એ વારંવાર એના મિત્રો સાથે ઝઘડતો એના મૌલવીએ પણ અજબને સુધારવા ઘણા પ્રયત્નો કર્યા, પણ એ બધા નિષ્ફળ નીવડ્યા.

જ્યારે એક દિવસ મૌલવીએ બાળકોને એમના પિતાનાં નામ પૂછ્યાં ત્યારે અજબે પિતાને બદલે નાનાનું નામ કહ્યું. બધાએ હસીને એની ઠેકડી ઊડાડી. કહ્યું કે શમસુદ્દીન તો એના નાનાનું નામ છે. એનો બાપ તો એક જિન છે.’

અજબને આ સાંભળી દુઃખ થયું. આ અપમાન એને અસહ્ય થઇ પડ્યું. એણે મા પાસે આવી પિતાનું નામ પૂછ્યું. હુશ્નાએ એને એના પિતાનું નામ જણાવ્યું. છતાં વાત વહેતી થઇ કે અજબનો બાપ એક જિન છે.

ત્યારે શમસુદ્દીએ નક્કી કરી લીધું કે એના ભત્રીજાની ભાળ મેળવશે. તેણે તેની સાથે પોતાની દીકરી અને અજબને લીધાં. કેટલાય દિવસના પ્રવાસને અંતે તેઓ દમાસ્કસ પહોંચ્યાં. અહીં તેમણે એક ધર્મશાળામાં આશરો લીધો. અજબ ફરતો ફરતો પેલા હલવાઇની દુકાને પહોંચ્યો. આ દુકાન પર એનો બાપ બેઠો હતો. બદરુદ્દીને જેવો આ બાળકને જોયો કે એના હૃદયમાં અગમ્ય પ્રેમનાં પૂર ઊમટ્યાં. એણે બાળકને મલાઇ ખાવા આપી. અજબને મલાઇ ખૂબ ભાવી. એણે કહ્યું - ‘મારી મા સિવાય. આવી મલાઇ કોઇ જમાવી શકતું નથી.’

આ અજાણ્યો બાળક કોણ છે તે જાણવા બદરુદ્દીન દબાને પગલે બાળકની પાછળ પાછળ ચાલવા લાગ્યો. અજબે તેને પાછળ પાછળ આવવાની ના પાડી. કહ્યું કે, એની મા અને નાના ખૂબ નારાજ થઇ જશે. તેઓ ત્રણ દિવસ ત્યાં રહ્યાં. અજબ દરરોજ દુકાનપર જતો અને મલાઇ ખાતો.

પછી તેઓ ત્યાંથી બસરા ચાલ્યાં ગયાં. ત્યાં તેમણે બાદશાહને ભેટ આપી અને નૂરુદ્દીન વિશે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી. એમની બધી વાતો સાંભળી બાદશાહે એમને નૂરુદ્દીનની પત્ની પાસે મોકલી આપ્યાં. નૂરુદ્દીનની પત્ની પોતાના પૌત્ર, વહુ અને જેઠને મળીને ખૂબ ખુશ થઇ. એણે પૌત્ર અજબને મલાઇ ખવડાવી. મલાઇ ખાતાં જ એને બદરુદ્દીનની યાદ આવી ગઇ. તેણે દાદીને એ વિશે જણાવ્યું. દાદીએ વિશ્વાસ આપતાં કહ્યું - ‘આવી મલાઇ માત્ર મારો દીકરો જ જમાવી શકે છે.’ અજબે કહ્યું - ‘હા,હા, એમણે પણ એવું જ કહ્યું હતું.’

પછી તેઓ પાછાં દમાસ્કસ ચાલ્યાં ગયાં. બદરુદ્દીન પર છળ કપટ કરવાનો આરોપ મૂકી એને શમસુદ્દીને પોતાના કબજામાં કરી લીધો. બદરુદ્દીને એનો વિરોધ કર્યો. કેમકે એને કશું યાદ ન હતું. છેવટે શમસુદ્દીને તેને એવી દવા પિવડાવી કે તે બેહોશ થઇ ગયો. શમસુદ્દીને એને એક પેટીમાં બંધ કરી દીધો.

પછી તેઓ મિશ્ર પાછા આવ્યા. હુશ્નાને જે રાત સુહાગરાત તરીકે મનાવી હતી. બરાબર એ જ રીતે ઓરડો શરણગાર્યો. એની પાઘડી અને થેલી પણ ત્યાં મૂકી દીધાં. જેથી બદરુદ્દાનને બધી વાતો યાદ આવી જાય.

એને એ જ ઓરડામાં સૂવડાવ્યો. બદરુદ્દીને જ્યારે ભાન આવ્યું ત્યારે તેણે એ ઓરડો, પાઘડી અને થેલી ઓળખી કાઢ્યાં. હુશ્નાએ પણ નિકાહની રાત્રે જે કપડાં પહેર્યાં હતાં. તે જ કપડાં અત્યારે પહેર્યાં હતાં. બધું ઠીકઠાક થઇ ગયું.

એણે પ્યારથી કહ્યું - ‘હુશ્ના.’

‘મારા ખાવિંદ! સવારે આપને પલંગમાં ના જોઇને હું દુઃખી થઇ ગઇ હતી.’ ‘શું વાત કરે છે? હું અહીંથી દમાસ્કસ ચાલ્યો ગયો હતો. મસ્જિદના દરવાજે મારી આંખ ઊઘડી. લોકો મને પાગલ જાણી મારી મશ્કરી કરતા હતા. હું કંદોઇની પાસે ચાલ્યો ગયો. કંદોઇએ મને દત્તક લઇ લીધો. પંદર વરસ વીતી ગયાં.’

‘હા! મને છોડીને ચાલ્યા ગયે.’ હુશ્નાએ કહ્યું.

આમ બંન્ને મિયાં બીબીનું પુનર્મિલન થયું. બંન્ને એકબીજાને ખૂબ પ્રેમ કરવા લાગ્યાં. સવાર થતાં શમસુદ્દીને બદરુદ્દીનને ગળે લગાડતાં કહ્યું - ‘બેટા! તું મારું જ લોહી છે. ખોવાયેલા પરિવારને પાછો મેળવીને આજે હું ખૂબ ખુશ થયો છું.’

બદરુદ્દીનના આનંદની કોઇ સીમા ન હતી. એને તો એક સાચા મા, પત્ની, દીકરો, તાઉ, ભાઇ બધાં જ મળી ગયાં. જ્યારે શમસુદ્દીને દીકરો મળ્યાની વાત બાદશાહને જણાવી તો ત્યારે બાદશાહ પણ ઘણો ખુશ થયો. તેણે શમસુદ્દીન અને બદરુદ્દીનનો ગુનો માફ કરી દીધો.

આ ખુશીમાં શમસુદ્દીને કેટલાય દિવસ ઉત્સવ ઊજવ્યો. તેઓ બધાં આનંદમાં રહેવા લાગ્યાં. આ વાર્તા પોતાના ખલીફાને સંભળાવી. જાફરે ‘રેહાન’ની ક્ષમા માગી. બાદશાહે એનો ગુનો માફ કરી દીધો. અને બીજા ગુનેગારોને પણ સજાથી મુક્ત કર્યાં.

શહરજાદે જોયું કે બાદશાહ શહરયાર બહુ જ પ્રસન્ન છે. વાર્તાઓ ખૂબ રોચક હતી. બસોથી પણ વધારે દિવસો વીતી ચૂક્યા હતા. તેમ છતાં બાદશાહને સંતોષ થતો ન હતો. એણે કહ્યું - ‘બેગમ! આવી જ બીજી રસિક વાર્તાઓ સંભળાવો. આ વાર્તાઓએ તો મને નવું જીવન બક્ષ્યું છે.’

દુનિયાજાદે જીજાજીની વાતમાં ટાપસી પૂરી. બોલી ‘દીદી! તું કેટલી રોચક અને રસભર વાર્તાઓ સંભળાવે છે!’

શહરજાદે કહ્યું - ‘આજે રાત્રે નવી વાર્તા સંભળાવીશ.’

અનુક્રમણિકા

૩૧ : એક કુબડો ગાયક

શહરજાદનું મગજ જાણે રસપ્રદ કિસ્સાઓનો ભંડાર હતું. એણે બાદશાહ શહરયારને નવી વાર્તા સંભળાવી. તાતાર દેશના કાશગર નગરમાં એક દરજી રહેતો હતો. તે તેની દુકાન પર કપડાં સીવ્યા કરતો હતો. એકવાર એક ગાયક એની દુકાન પાસે બેસી ગાવા લાગ્યો. તે મીઠા લય અને સૂરમાં ગાઇ રહ્યો હતો. દરજીને એની ગાયકી પસંદ પડી ગઇ.

એ દરજીએ પેલા ગાયક પાસે જઇ કહ્યું - ‘મહાશય! આપ ખૂબ સુંદર અને મધુર ગાઓ છો. મારી પત્નીને સંગીતનો ઘણો શોખ છે. તે આપનું ગીત સાંભળી ઘણી પ્રસન્ન થશે.’ દરજી તે ગાયકને ઘેર લઇ ગયો. ઘેર આવી દરજીએ એની પત્નીને કહયું કે તે પોતાની સાથે એક ઉત્તમ ગાયક લાવ્યો છે. એ તને સુમધુર ગીત સંભળાવશે પણ એ પહેલાં તું એને સ્વાદિષ્ટ ભોજન કરાવ.

એની પત્નીએ સ્વાદિષ્ટ માછલી રાંધી. ગાયકને જમવા માટે બેસાડ્યો. પણ કોણ જાણે શી રીતે રાંધેલી માછલીમાં કાંટો રહી ગયો હતો. તે ગાયકના ગળામાં ભરાઇ ગયો. દરજી ગભરાઇ ગયો. એ એને લઇ દવા કરાવવા હકીમ પાસે લઇ ગયો. તેણે જઇને દરવાજે ખટખટાવ્યો. ઘણીવાર થવા છતાં પણ દરવાજો ઊંઘડ્યો નહીં. દરજીનો ગભરાટ વધ્યો. એણે બેભાન જણાતા ગાયકને દરવાજા પાસે ઊભો કરી દીધો અને એ ઘેર પાછો ફરી ગયો.

તે દરમ્યાન હકીમને કોઇક દરવાજો ખટખટાવતું હોય એવું લાગ્યું. તે દરવાજો ઉઘાડવા નીચે ઊતર્યો. જેવો એણે દરવાજો ખોલ્યો કે લાશ ઢળી પડી. હકીમે એ લાશને જ દર્દી માની લીધો પણ પછી એણે જોયું તો ખબર પડી કે એ મૃત્યુ પામેલો હતો. એને દુઃખ થયું હકીમને થયું કે પોતે આવવામાં વાર લગાડી તેથી જ આ માણસ મરી ગયો. હું આની હત્યાના ગુનામાં ફસાઇ ના જાઉં! એણે લાશને પોતાના ઘરની પછવાડેના ચોગાનમાં, બાદશાહના મોદીના ઘરની દિવાલને ટેકવીને ઊભી કરી દીધી.

મોદી જાતજાતનાં તેલ રાખતો હતો. એ તેલ જોવા અવારનવાર આવતો જતો રહેતો. આછા અંધારામાં એણે જોયું કે દીવાલની ઓથે કોઇ ચોર ઊભો રહ્યો છે. એ લાકડી લઇ આવ્યો અને લાશ પર ઉપરાઉપરી લાકડી ઝીંકવા લાગ્યો. લાશ ઢળી પડી. મોદીએ એની નાડી જોઇ તો તે મરી ગયેલો જણાયો. એ બીકનો માર્યો ધ્રુજી ગયો. એ તરત જ એને ખભા પર ઊપાડી થોડે દૂર આવેલી એક દુકાનપાસે લઇ ગયો અને દુકાનના આગળના ભાગે ટેકવી ત્યાંથી ચાલ્યો ગયો.

તે વખતે એક ગોરો ફિરંગી ત્યાં આવ્યો. તે ધનવાન હતો. એ રાજમહેલનો શિલ્પકાર હતો. રાત્રે તે કોઇ વેશ્યાના કોઠા પરથી પાછો ફરી રહ્યો હતો. એણે પેલી લાશ જોઇ. એને થયું કે કોઇ ચોર હશે. એણે લાશને જમીનપર નાખી લાતોથી મારવાનું શરૂ કર્યું.

ફિરંગીનો અવાજ સાંભળી પહેરેદારો ત્યાં દોડી આવ્યા. ફિરંગી ને તેમણે પકડી લીધો. ફિરંગી નશામાં ચૂર હતો. પહેરદારોએ એને મારવાનું કારણ પૂછ્યું.

તેણે કશો જવાબ ના આપ્યો.

પહેરેદારોએ લાશને જોઇ કહ્યું -‘અરે આ તો મરી ગયો છે.’

ફિરંગી શાહી શિલ્પકાર હતો તેથી પહેરદારો એને સીધા જ બાદશાહ પાસે લઇ ગયા અને હકીકત જણાવી. બાદશાહે મોતના ગુના બદલ ભર બજારે તેને ફાંસીએ લટકાવી દેવાની સજા સંભળાવી.

ફિરંગીની ફાંસીની વાત નગરમાં ચર્ચાનો વિષય બની ગઇ. મોદીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે એને ખૂબ ખેદ થયો. એણે વિચાર્યું કે પોતે કરેલા ગુનાની સજા નિર્દોષ ફિરંગીને મળી રહી છે.

એ તરત બાદશાહ પાસે આવ્યો. એણે ગુનો કબૂલ કરી લીધો. બાદશાહે મોદીને ફાંસીની સજા કરી. હકીમનો અંતરાત્મા ઉકળી ઊઠ્યો. એણે વિચાર્યું કે હત્યા પોતે કરી છે. અને સજા નિર્દોષ મોદીને મળી છે. તે બાદશાહ પાસે આવ્યો અને ગુનો કબૂલી લીધો. બાદશાહે મોદીને નિર્દોષ જાહેર કરી હકીમને ફાંસીની સજા કરી.

દરજીને થયું કે આ બધામાં ખરો ગુનેગાર તો પોતે છે. એ પણ બાદશાહ પાસે પહોંચ્યો. તેણે તેનો ગુનો કબૂલી લીધો. બાદશાહ મૂંઝાઇ ગયો. કારણ કે ગાયક કૂબડો હતો અને શાહી દરબારી પણ હતો.

ત્યારે બાદશાહે એને કહ્યું -‘મને એવી જીવંત અને રસિક વાર્તા સંભળાવ કે મને લાગે કે એ વાર્તાથી પણ વધારે રસપ્રદવાર્તા તમારા લોકોની છે. જો એમ થશે તો તમને બધાને હું ફાંસીની સજામાંથી મુક્ત કરી દઇશ.’

અનુક્રમણિકા

૩૨ : કેરુનો ફિરંગી

ફિરંગીએ તેની કથા સંભળવી. હે ન્યાયાધીશ બાદશાહ! હું મિશ્રની રાજધાની કેરુનો રહેવાસી છું. મારા પિતા દલાલ હતા. દલાલી કરીને તેઓ ખૂબ પૈસા કમાયા હતા. પિતાના અવસાન પછી મેં એમનો કારોબાર સંભાળી લીધો. દલાલીના ધંધામાં જાતજાતના વેપારીઓને મળવાનું થતું. હું એમને ભાવ તાલ જણાવતો.

એક દિવસ હું બજારમાં ફરતો હતો. એક યુવાને આવીને પૂછ્યું - ‘તલનો શો ભાવ છે?’ મેં કહ્યું - ‘સો દિરહામના એક મણ.’

એ મને મણના દસ દિરહામના ભાવે તલ વેચવાનો હતો. મેં નફાવાળો સોદો મંજૂર રાખ્યો. એની પાસે દોઢસો મણ તલ હતા. વેપારીએ તેને ૧૬૫૦૦ દિરહમ આપ્યા તેણે મને ૧૫૦૦ દિરહમ આપ્યા. મને શરીફ સમજીને એ યુવાને બીજા ૧૫૦૦ દિરહમ થાપણ તરીકે આપ્યા. તેણે કહ્યું -‘મારી થાપણ સંભાળીને રાખજે.’

ત્યાર પછી તે ઘણીવાર મને મળ્યો. એકવર્ષ પછી તે મારે ઘેર આવ્યો. મેં એને મહેમાન સમજી જમાડ્યો. એણે ડાબા હાથે ખાવાનું ખાધું. ડાબા હાથે એણે મુખવાસ લીધો. મને થોડી નવાઇ લાગી. મેં પૂછ્યું - ‘શું તમારે ત્યાં ડાબા હાથે ખાવાનો રિવાજ છે?’

એણે મને જણાવ્યું કે એનો ડાબો હાથ કપાઇ ગયેલો છે.

મેં ઇંતેજારીથી પૂછ્યું - ‘તમારો હાથ શી રીતે કપાઇ ગયો?’

તેણે કહ્યું - ‘હું બગદાદનો રહેવાસી છુ.ં મારા અબ્બા ત્યાંના જાણીતા શ્રીમંત હતા. અબ્બાના જીવતાં જ મેં મિશ્ર જવા વિચારેલું, પણ પુત્રના મોહને લઇ તેમણે મને જવા દીધો નહીં, તેમના મૃત્યુ પછી બગદાદ અને મૂસલથી મેં કેટલીયે જાતનો સામાન ખરીદ્યો અને મિશ્રની રાજધાની ‘કેરુ’ પહોંચ્યો. કેરુ જઇ મેં એક ધર્મશાળામાં મારો સામાન મૂકી દીધો, અને બજાર તરફ ચાલી નીકળ્યો. બજારમાં મને દલાલોએ ઘેરી લીધો.

એમના દ્વારા મેં માલ વેચવાનું શરૂ કર્યું. પછી વધેલો માલ બજારના દુકાનદારોને વેચી દીધો અને નિયમાનુસાર સોમ અથવા રવિવારે વેચેલા માલના રૂપિયા લઇ આવતો. એક દિવસ હું બદરુદ્દીન દુકાનવાળાને ત્યાં બેઠો હતો. તે વખતે કેટલીક દાસીઓની સાથે એક સુંદર યુવતી આવીને મારી પાસે બેસી ગઇ. તેનાં વક્ષઃસ્થલ ખૂબ મોટાં અને ભારે હતાં. એના ગળામાં લટકતી માળા, પર્વતોની વચ્ચે વહેતા ઝરણા જેવી શોભતી હતી. હું તેની તેની પ્રત્યે આકર્ષાયો.

એ યુવતીએ બદરુદ્દીન દુકાનવાળા પાસે જરીના કાપડનો તાકો માગ્યો. દુકાનદારે એને કીમતી જરીનો તાકો બતાવ્યો. સુંદરીએ કહ્યું - ‘કાપડ બેશક ઘણું સારું છે. હું એની કિંમત ૧૧૦૦ દિરહમ આપી શકું એમ છું.’

‘અફસોસ છે કે ઉધાર હું માલ આપી શકતો નથી. કેમ કે આ કાપડનો માલિક આ નવયુવાન વેપારી છે.’ બદરુદ્દીને મારી તરફ ઇશારો કર્યો. ‘આપ મારા પર વિશ્વાસ રાખજો. હું પૈસા આવતી કાલે જરૂરથી મોકલી આપીશ.’

દુકાનદારે ના કહી એટલે તે ત્યાંથી ચાલવા લાગી. એને જતી જોઇ મેં કહ્યું - ‘સાંભળો!’ તે પાછી ફરી. ખૂબ હસીન હતી. મેં એ હસીનાને જરીના કાપડનો તાકો આપવા દુકાનદારને જણાવ્યું. પછી સુંદરી તરફ જોઇ કહ્યું - ‘તમે પૈસાની ચિંતા કરશો નહીં. એની કિંમત એટલી જ છે કે એકવાર આપના ચંદ્ર જેવા મુખનું દર્શન કરાવો.’

એ સુંદરીએ બુરખો હટાવ્યો. એ સ્વર્ગની અપ્સરા જેવી હતી. હું તો એની પર એવો લટ્ટુ થઇ ગયો કે હોશહવાસ ખોઇ બેઠો. એના ચાલ્યા ગયા પછી મેં બદરુદ્દાનને કહ્યું - ‘જનાબ! કોણ હતી એ હસીના? એ કોની બીબી છે? નસીબ હોય તો જ આવી સુંદર સ્ત્રીનાં દર્શન થઇ શકે.’

‘આ અહીંના અમીરની દીકરી છે. એનો બાપ પારાવાર સંપત્તિ મૂકીને મારી ગયો છે.’ હું નિશ્વાસ નાખતો ધર્મશાળામાં આવી ગયો. પણ મને ઊંઘ આવી નહીં. હું એ સુંદરીને યાદ કરતો રહ્યો. ખૂબ મુશ્કેલીથી મેં રાત પસાર કરી.

બદરુદ્દીનની દુકાન ખુલતાં જ હું ત્યાં પહોંચી ગયો. પેલી રમણી તેની દાસીઓ સાથે આવી અને પૈસા આપી બોલી - ‘કાલના તાકાના પૈસા.’ મેં એને પૈસા આપવા ના પાડી અને તેનું મુખ બતાવવા કહ્યું. પણ બુરખાની જાળીમાંથી કટાક્ષ કરી એ ચાલી ગઇ. મારા કાળજા પર તીર ભોંકાયું. ઉદાસ થઇને હું ત્યાં ચાલતો થયો. થોડેક જ દૂર ગયો ત્યાં પાછળથી કોઇકે મારા ખભે હાથ મૂક્યો. મેં જોયું કે એ પેલી સુંદરીની દાસી હતી.

સભ્યતાથી તેણે કહ્યું - ‘જનાબ! મારી માલકણ આપને બોલાવી રહી છે.’ હું દાસીની સાથે ચાલ્યો. તે થોડેદૂર એક દુકાન પર મારી રાહ જોઇ રહી હતી.

મને જોતાં જ એ પાસે આવી. એકાંત જોઇ બોલી - ‘હે દિલદાર! મારા હૈયામાં પણ પ્રેમની આગ ભડકી ઊઠી છે. કાં તો તમે મને તમારી સાથે લઇ જાઓ અથવા તમે મારા ગરીબખાનામાં પધારો.’ ‘હું પરદેશી છું. મારું ઘર તો એક ધર્મશાળા છે.તે આપ માટે યોગ્ય ના ગણાય. જો આપને કોઇ વાંધો ના હોય તો આપ મને આપના દોલતખાનામાં લઇ જાઓ.’

‘આપ એમ કરો, કાલે નમાજ પછી મારા ગરીબખાનામાં પધારજો.’ હું ધર્મશાળામાં પાછો આવ્યો. પથારીમાં પડ્યો પડ્યો પડખાં ફેરવવા લાગ્યો. જેમ તેમ કરીને મેં રાત વીતાવી.

નમાજ પછી સમય થતાં હું એને ઘરે પહોંચ્યો.

દાસીએ કહ્યું કે એની માલકણ મારા વગર બેચેન અને પરેશાન છે. એ મને સજાવેલા આરામગૃહમાં લઇ ગઇ. થોડીવાર બાદ પેલી હસીના સજીધજીને મારી પાસે આવી. પહેલાં તેણે મને ભોજન કરાવ્યું. પછી શરાબ પીવડાવ્યો. નાચ ગાન પણ થયાં.

પછી અમે બે એકલાં પડ્યાં. આખો દિવસ મોજ મસ્તીમાં વીતી ગયો. રાત પણ આનંદમાં પસાર થઇ ગઇ. પાછા ફરતાં મેં પચાસ મહોરોવાળી થેલી એના ઓશિકે મૂકી દીધી. એ પછી તો નિયમ જેવું થઇ ગયું.

એક દિવસ હું શાહી મહેલ જોવા ગયો. ત્યાં ભાગદોડ મચી ગઇ. એક જગાએ ભીડ હતી. હું પણ ભીડમાં ઘૂસ્યો. જોયું એક ઘોડેસવાર જઇ રહ્યો હતો. એના ઘોડાની જીન સાથે રૂપિયાની એક થેલી બાંધેલી હતી એ ઘોડાની આગળ એકાએક એક કઠિયારો આવી ગયો. ઘોડાની ગતિ ધીમી પડી ગઇ. ખબર નહીં મને શું થયું કે મેં પેલી રૂપિયાની થેલી એક ઝટકામાં ખેંચી લઇ મારી કેડમાં ખોસી દીધી.

ઘોડેસવાર પણ કઇં જાય એમ ન હતો. એણે ચાલતા ઘોડેછરીનો છૂટો ઘા કર્યો. છરી વાગતાં હું ઘાયલ થઇ ઢળી પડ્યો. મને પકડી લેવામાં આવ્યો. મેં ડાબા હાથે થેલી ઝૂંટવી હતી તેથી સજાના ભાગ રૂપે મારો ડાબો હાથ કાપી નાખવામાં આવ્યો. મારો ડાબો પગ પણ કાપી નાખવાો હતો, પણ ઘોડેસવારે મારા વિશે જાણીને મારી ડાબો પગ કાપવાની સજા માફ કરી દીધી.

લોહી વહી જવાથી હું અશક્ત થઇ ગયો હતો. મેં દારૂ પીધો હકીમ પાસે પાટા પિંડી કરાવી. પેલી સુંદરી વિના હું બેચેન થઇ ગયો હતો. ચોરી છૂપીથી હું એને ઘેર ગયો. સુંદરીએ મને વ્યથિત જોઇ મદિરા પીવડાવી. હું નશામાં ભાન ભૂલી ગયો.

હું પલંગપર પડ્યો. તક જોઇ પેલી સુંદરીએ કપડું હઠાવી મારો કપાયેલો હાથ જોઇ લીધો. હું ભાનમાં આવ્યો ત્યારે સુંદરી રડી રહી હતી. એને થયું કે હું એના પ્રેમમમાં પાગલ થઇને જ આ દુર્દશાને પામ્યો હતો. તેણે મને મારું બધું ધન પાછું આપી દીધું. વધારામાં એણે એનું ધન પણ મને આપી દીધું. પછી એ માંદી પડી અને થોડાક દિવસોમાં મૃત્યુ પામી.

‘મને એ કપાયેલા હાથવાળા જવાન ઉપર પ્રેમ ઊભરાયો. મેં તેને કહ્યું કે તે જરાય ગભરાય નહીં. હું તારો ભાગીદાર થઇ વેપાર કરીશ. મેં આખું વર્ષ ધંધો કરી એને ખૂબ કમાણી કરી આપી. પછી એ એને ઘેર ચાલ્યો ગયો અને હું મારે ઘેર. શું આ વાતો પેલા કુબડાની વાર્તા કરતાં વધારે રસપ્રદનથી?’ ‘બિલકુલ નહીં. આ તો સામાન્ય વાર્તા છે. હું તારી શિક્ષા માફ કરી શકું એમ નથી.’ બાદશાહે કહ્યું.

ત્યારે મોદીએ કહ્યું - ‘જો મારી વાર્તા આપને પસંદ પડે તો અમારા બધાંનો ગુનો આપ માફ કરી દેશો?’

અનુક્રમણિકા

૩૩ : લસણ નહીં ખાતો મોદી

મોદીએ વાર્તા કહેવાનું શરૂ કર્યું. હે ગરીબ પરવર! થોડાક દિવસો પહેલાં એક લગ્ન સમારોહમાં મને બોલાવવામાં આવ્યો હતો. હું મારા ગજા પ્રમાણે ત્યાં ગયો. એક બહુ જ શ્રીમંતની દીકરીનું લગ્ન હતું. ત્યાં અત્યંત વૈભવી ઠાઠમાઠ હતો નિકાહ પછી બધાંએ એક મોટા હોલમાં જમવાનું હતું. ભોજનમાં લસણનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. બધા મઝાથી લસણ ખાતા હતા ત્યારે એક યુવાન લસણને અડતો પણ ન હતો.

યજમાને એને પૂછ્યું -‘તમે કેમ લસણ ખાતો નથી?’ કહ્યું - ‘એકવાર લસણ ખાધા પછી હું મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયો હતો. એ મુશ્કેલી યાદ આવતાં હું આજે પણ ધ્રુજી જાઉં છું.’ યજમાને કહ્યું - ‘એ તમારો વહેમ છે. આ લસણ મસાલો નાખીને બનાવ્યું છે. સ્વાદિષ્ટ છે. આ ખાવાથી તમારો વહેમ દૂર થઇ જશે.’

‘હું મજબૂર છું. જનાબ. જો હું એ ખાઇશ તો રાખ અને સાબુથી ચાલીસવાર મારે મારા હાથ ધોવા પડશે.’ ‘આપ લસણ ખાઓ તો ખરા. હાથ ધોવા માટે હું રાખ અને સાબુની વ્યવસ્થા કરું છું.’

યજમાનના અતિ આગ્રહને વશ થઇ એ યુવાને ચાર આંગળાંમાં લસણ લઇ એક ફાકો માર્યો. એને અંગૂઠો ન હતો. યજમાને અંગૂઠો ન હોવાનું કારણ પૂછ્યું. ‘એ બહુ લાંબી વાત છે. એક ઘટના એવી બની હતી કે મારા હાથપગના અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા.’

‘કેવી ઘટના? કહો.’ યુવાન એક તરફ બેસી ગયો.એણે વાત સંભળવાવવી શરૂ કરી -

અનુક્રમણિકા

૩૪ : ચાર અંગૂઠા કપાયેલો માણસ

હું બગદાદનો વતની છું. મારા પિતા રાજદરબારમાં એક આબરૂદાર અધિકારી હતા. તેઓ ખૂબ ઉદાર હતા. ઉપરવાળાની મહેરબાનીથી બધું સમુંસૂતરું ચાલતું હતું. યુવાન થતાં જ મેં વેપાર શરૂ કર્યો. એક દુકાન પણ લીધી.

એક દિવસે ખચ્ચર ઉપર સવારી કરીને એક સુંદરી મારી દુકાને આવી. એની સાથે એક સેવક અને દાસી હતાં. તે ખૂબ જ સુંદર હતી. હું એની તરફ એકીટસે જોઇ રહ્યો.

ખચ્ચર ઉપરથી તે નીચે ઉતરી. દાસી સાથે કશીક વાત કરી. પછી મારી પાસે આવી દુકાનમાં બેસવાની પરવાનગી માગી. મારી અનુમતિ મળતાં જ એ દુકાનમાં આવી બેસી ગઇ. એ વખતે મારા અને મારા નોકર સિવાય અહીં બીજું કોઇ જ ન હતું.

એણે એના મોં પરથી જાળી દૂર કરી. આટલી સુંદર યુવતી મેં આજ સુધી જોઇ ન હતી. એણે મારા તરફ નેત્રબાણ ફેંક્યું. અને મોં ઉપર બુરખો ઢાંકતાં બોલી -‘મારે જરીનાં વસ્ત્ર જોઇએ છીએ. તમારી પાસે હોય તો મને બતાવો.’ ‘મારી પાસે નથી. પણ જો તમે કહો તો બીજી દુકાનેથી મંગાવી દઉં.’

‘ભલે!’

એની અનુમતિથી હું પાંચ હજાર દિરહમનાં જરીનાં વસ્ત્ર લઇ આવ્યો. એને વસ્ત્ર પસંદ આવી ગયાં, અને એણે કહ્યું કે તે પૈસા પહોંચાડી દેશે. હું એના પર એવો મુગ્ધ થઇ ગયો હતો કે મેં તેનું ઠામ ઠેકાણું પણ પૂછ્યું નહીં.

સાત દિવસ વીતી ગયા.

આઠમા દિવસે જ્યાંથી એ જરીનાં વસ્ત્ર લાવ્યો હતો. તે દુકાનદારો ઊઘરાણી કરવા લાગ્યાં. મેં હાથ જોડી તેમને થોડાવધુ દિવસ આપવા વિનંતી કરી.

નવમા દિવસે પેલી હસીના દાસીઓ સાથે આવી. કહ્યું -‘મેં મારા ઘર પર તમારી ઘણી રાહ જોઇ, પણ તમે પૈસા લેવા આવ્યા જ નહી.ં’ એણે પૈસા કાઢી મારી સામે મૂક્યા.

મેં તરત જ લેણદારોનું લેણું ચૂકવી આપ્યું.

હું એના રૂપમાં એવો તો ખોવાઇ ગયો હતો કે એના કહેવા માત્રથી મેં એક હજાર જરીનાં વસ્ત્રો લઇ આવી એની સામે મૂકી દીધાં. મેં ના તો એનું નામ પૂછ્યું કે ના પૂછ્યું એનું ઠેકાણું. એ વસ્ત્રો લઇને ચાલી ગઇ

દિવસો પસાર થવા લાગ્યા. પણ આ વખતે તો દેખાઇ જ નહીં. શહેરમાં એક મહિનો એને હું શોધતો રહ્યો છેવટે મેં મારી દુકાનનો સામાન વેચી લેણદારોને લેણું ચૂકવી આપ્યું.

અચાનક એક દિવસ એ આવી. એણે મને પાઇએ પાઇ ચૂકવી આપી. હું કશું બોલું તે પહેલાં તેણે મને પૂછ્યું -‘આપ પરણેલા છો કે કુંવારા.’

મેં એને કુંવારા હોવાનું જણાવ્યું.

હસીનાએ ધીમેથી મને કહ્યું - ‘હું તમારા પ્રેમમાં પાગલ થઇ ગઇ છું. તમારા વગર જીવવું મારે માટે અકારું થઇ પડ્યું છે.’ પછી જતાં જતાં એણે કહ્યું - ‘આ ગુલામની વાત માની લેજો.’

બીજે દિવસે એનો ગુલામ આવ્યો. આવીને એણે કહ્યું - ‘તમે ખૂબ નસીબદાર છો. અમારી માલકણ પર પતંગિયાની જેમ હજારો યુવાનો પ્રાણ પાથરવા તૈયાર છે. પણ એ તો આપ પર ફિદા છે.’ ગુલામે એની માલકણનો પરિચય આપ્યો. કહ્યું - ‘બાદશાહ હારુન રશીદની એ ખાસ ગુલામડી છે. એ બાદશાહને ઘણી વફાદાર છે. ખુદ બેગમે જ એને ઊછેરી છે. બેગમની સામે આપનું નામ લઇ એણે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેથી બેગમ આપને જોવા માગે છે. શાહી જનાનખાનામાં પ્રવેશ કરવો અશક્ય છે. તેથી નદી કિનારે બનેલી મસ્જિદ પાસે આપ મારા આવવાની રાહ જોજો.’

ગુલામ આટલું કહી ચાલ્યો ગયો. મેં સુવાસિત દ્રવ્યોવાળા જળથી સ્નાન કર્યું. બનીઠનીને હું નદી કિનારાની પાસેની મસ્જિદે જઇ પહોંચ્યો. ત્યાં ગુલામ હોડી લઇ મારી પ્રતિક્ષા કરી રહ્યો હતો.

હોડી ઉપર લાકડાની કેટલીયે પેટીઓ હતી. એક પેટીમાં મને બંધ કરી દેવામાં આવ્યો. નાવડી ચાલવા લાગી. થોડીવાર હોડી ચાલતી રહી. પછી એ જનાનખાનાના દરવાજા પાસે પહોંચી. પેટી ઉતરાવીને મારી માશૂકા મને જમાદારને ઘેર લઇ ગઇ. જમાદારે પેટીની તપાસ કરવા જણાવ્યું, ત્યારે તેણે તેને ઇશારો કરી તેમ નહીં કરવા જણાવ્યું. જ્યારે જમાદાર માન્યો નહીં ત્યારે મારી પ્રિયતમાએ કહ્યું કે એમાં બેગમ સાહિબાના કીમતી અલંકારો છે. ચાવી પણ એમની પાસે છે. તીર નિશાન પર જ લાગ્યું અને હું જનાનખાનામાં પહોંચી ગયો.

મારી પ્રેમિકા મને એને ઘેર લઇ ગઇ. ઉપરના ખંડમાં લઇ જઇ મને પેટીમાંથી બહાર કાઢ્યો. તે નીચે આવી કે બાદશાહ આવીને પેટી ઉપર બેસી ગયો. બાદશાહના ગયા પછી તે બોલી -‘આપ આ ઉપાધિઓ મારા માટે વેઠી રહ્યા છો. પણ ડરવાનું હવે કોઇ કારણ નથી. હું ગમે તે સમયે તમને બેગમ સાહિબા આગળ રજૂ કરી દઇશ.’

અમે સાથે જ ભોજન કર્યું. મદિરાપાન પણ કર્યુ. આખી રાત રંગ મસ્તીમાં વીતાવી. મને દરબારી વિવેકની કેટલીક વાતો સમજાવી બેગમ સમક્ષ હાજર કરવામાં આવ્યો. મેં બેગમ હુજૂરને ઝૂકીને સલામ કરી. પછી અદબથી ઊભો રહ્યો.

બેગમે કહ્યું - ‘આ સીધી સાદી છોકરીનું લગ્ન એની પસંદગીના પાત્ર સાથે થાય એવું હું ઇચ્છું છું. એ તને ખૂબ પસંદ કરે છે. તું અહીં ચાલાકીથી સંતાઇને રહે. દસમા દિવસે તમારી શાદી કરાવીશ.’

હું ગુપ્ત આવસમાં છુપાઇ રહ્યો. દસમા દિવસે મારા નિકાહ થયા. ખૂબ સ્વાદિષ્ટ ભોજન મળ્યું. તે દિવસે મેં લસણ ખાધું હતું. પણ હાથ મોં સારી રીતે ધોયાં ન હતાં.

રાત્રે હું મારી પત્ની પાસે ગયો. અમને એક આલીશાન કમરામાં રાખવામાં આવ્યાં હતાં. મારી પત્ની અતિશય સુંદર દેખાતી હતી. મેં એને આલિંગન આપવાનો પ્રત્યન કર્યો ત્યારે એણે ચીસ પાડી. એણે એટલા જોરથી ચીસ પાડી હતી કે દાસીઓ ત્યાં આવી ગઇ. મેં એને આમ વિરોધ કરવાનું કારણ પૂછ્યું.

આવેશમાં આવી તેણે કહ્યું - ‘તું બદતમીજ છે. લસણ ખાધા પછી હાથ મોં પણ ના ધોયાં! જા, મારી નજીક ના આવતો. લસણની ગંધથી મારું માથું ફાટી જાય છે.’ ઘણું સમજાવ્યા છતાં એ એક ની બે ના થઇ. તે ઘમંડી હતી. તેણે મને ગુલાનોને સોંપી દીધો. તેઓ મને બાંધીને મારવા લાગ્યા.

તે દિવસથી મારી પત્ની બીમાર પડી ગઇ. સ્વસ્થ થયા પછી એ મારી પાસે આવી ત્યારે પણ એનો ગુસ્સો ઓસર્યો ન હતો. એણે મને જીવતો તો મૂક્યો, પણ ગુલામોને કહી મારા હાથપગના અંગૂઠા કપાવી નાખ્યા. પછી મારી મલમપટ્ટી કરી. મદિરા પણ પીવડાવી.

મારી પત્નીએ મને હુકમ કર્યો -‘તું જ્યારે પણ એક લસણ ખાઇશ ત્યારે ખાધા પછી ચાલીસ વખત સાબુ અને રાખથી હાથ ધોવા પડશે.’ મેં એમ કરવા વચન આપ્યું.

પછી અમે એક મકાન બનાવ્યું અને આનંદથી રહેવા લાગ્યાં. એક વર્ષ પછી મારી પત્ની બીમાર પડી. થોડી માંદગી ભોગવી એ મૃત્યુ પામી.

મેં બીજું લગ્ન કર્યું. બીજી પત્ની પણ પરલોક સિધાવી ગઇ.

ખબર નહીં, મારા ક્યા ગ્રહ ખરાબ હતા કે મેં ત્રીજી અને ચોથીવાર લગ્ન કર્યાં પણ મારી એ પત્નીઓ પણ મૃત્યુ પામી.

મને થયું આ મકાન જ સદ્યું નહીં. મેં એ અપશુકનિયાળ મકાન વેચી દીધું. વેપાર કરતાં કરતાં હું ફારસમાં આવ્યો અને અહીં જ રહી ગયાં.

મોદીની વાર્તા સાંભળી બાદશાહે કહ્યું ચાર અંગૂઠા કપાયાની વાત રસપ્રદ છે, પણ ચમત્કારિક તો નથી જ. શું કહેવું છે હકીમ તમારું?

હકીમે પણ વાર્તા સંભળાવી.

અનુક્રમણિકા

૩૫ : કપાયેલા હાથવાળો યુવાન

હકીમે ઇશ્વરને યાદ કરીને કહ્યું - ‘હે આલમપનાહ! હું દમાસ્કસનો જાણીતો હકીમ છું.’ એક દિવસ રાજદરબારના સેવકે મને બોલાવ્યો. એ મને એક બીમાર વ્યક્તિ પાસે લઇ ગયો.

દર્દી ઘણો અશક્ત હતો. મેં એને સલામ કરી. જવાબમાં એણે માથું હલાવ્યું. મેં એની નાડી જોઇ. રોગ પારખી મેં એને દવા આપી. નવ દિવસો પછી હું એની પાસે ગયો તો મેં સ્વસ્થ થઇ ગયેલો જોયો. તે ખૂબ ખુશ હતો. એણે મને ઘણા પૈસા આપ્યા. પછી એણે મને કાયમ માટે એનો હકીમ બનાવી દીધો. એ જ્યારે મને મળતો ત્યારે ઘણું માન આપતો.

એકવાર એ મને એના સ્નાનગૃહમાં લઇ ગયો. એણે કપડાં કાઢ્યાં ત્યારે મેં જોયું કે એનો હાથ કપાયેલો હતો. યુવાને દુઃખી અવાજે કહ્યું - ‘મારો કપાયેલો હાથ જોઇ આપ નવાઇ ના પામશો. મારી કહાણી અજબની છે. જો આપની પાસે સમય હોય તો મારે તે વાત આપને કહેવી છે.’

મેં વાત સાંભળવાની તૈયારી બતાવી. અમે એક બગીચામાં ગયા. એણે વાત કહેવી શરૂ કરી. ‘હું મૂસલદેશના અમીર ખાનદાનનો દીકરો છું. મારા પિતા દસ ભાઇઓમાં સૌથી મોટા હતા.’

મારા નવ કાકાઓ નિઃસંતાન હતા. દસ ભાઇઓ વચ્ચે હું એકલો જ હતો. મારા ભણતર તરફ વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. આથી હું ઘણી વિદ્યાઓમાં પ્રવીણ થઇ ગયો.

દર શુક્રવારે મારા પિતા અને કાકાઓ શહેરની એક મોટી મસ્જિદમાં નમાજ અદા કરવા જતા હતા.

એક દિવસ એક માણસે મને કહ્યું - ‘નીલ નદીને કિનારે આવેલો મિસર દેશ ખૂબ સુંદર અને સમૃદ્ધ છે.’ મેં મિસર જવા વિચાર્યું. સંજોગવશાત્‌ મારા કાકા મિસર જવાના હતા. મેં એમની સાથે જવા જીદ કરી. મારા પિતાએ મને દમાસ્કસ સુધી જવા સંમતિ આપી. હું પિતા અને કાકા સાથે કેટલાંય શહેરો પસાર કરતો કરતો દમાસ્કસ પહોંચ્યો. દિવસો સુધી અમે ધર્મશાળામાં રહ્યા. મારે ત્યાં જ રહેવાનું હોઇ મોટાભાગનો સામાન મેં વેચી દીધો હતો. મારી પાસે જો કે ઘણા પૈસા હતા.

પોતાના નક્કી કરેલા આયોજન અનુસાર મારા પિતા અને કાકા મને ત્યાં જ છોડીને આગળ ચાલ્યા ગયા. હું કરકસરથી રહેવા લાગ્યો. ફાલતું એક પૈસોય ખર્ચતો નહીં.

મેં શહેરમાં એક મોટી હવેલી ભાડે રાખી, એમાં આરામથી હું રહેવા લાગ્યો.

એક દિવસની વાત છે. એક રૂપાળી યુવતી મારી પાસે આવી અને કહેવા લાગી - ‘શું આપ કપડાં વેચો છો?’ કહીને એ સીધી જ હવેલીમાં આવી ગઇ. મારી પાસે થોડું કીમતી કાપડ હતું. મેં એને અંદરના ઓરડામાં બેસાડી. પછી કહ્યું - ‘મારી પાસે આપને શોભે એવું સુંદર કાપડ છે.’

એ સુંદરીએ મારી વાત સાંભળી ના સાંભળી કરી કહ્યું - ‘હું કાપડ ખરીદવા આવી નથી. હું તો તમને મળવા આવી છું. સાંજે ચાલી જઇશ. મહેરબાની કરી મને ખાવાનું આપો.’ હું તેનાથી આકર્ષાયો હતો. ખાવાને બદલે મેં સૂકો મેવો, ફળો અને મદિરા મૂક્યાં અમે સાથે બેસી ખાધું. પછી અમે મોજમસ્તીમાં ખોવાઇ ગયા.ં

સાંજ પડી ત્યારે મેં એની સામે દસ મુદ્રા ધરી. એણે એ લેવાનો નનૈયો ભણ્યો બોલી - ‘મેરે મહેબૂબ! હું પૈસા માટે નથી આવી.’ ઊલટાનું તે મને જબજસ્તીથી દસ મુદ્રાઓ આપી ચાલી ગઇ.

ત્રણ દિવસ પછી એ ફરી આવી. અમે એકબીજાને ખૂબ પ્રેમ કર્યો. તેણે કહ્યું - ‘મારા માશૂક કશું જ વિચાર્યા વગર મેં મારું બધું જ તમને સોંપી દીધું. મને હવે દગો ના દેશો. આવતી કાલે મારી સાથે એક યુવતી આવશે. એ તમને મળવા ખુબ આતુર છે. મારે જોવું છે કે તમે કેટલા પ્રામાણિક છો. યુવતીનો આદર સત્કાર ધામધૂમથી કરજો.’ આટલું કહી તે પચાસ મુદ્રાઓ મને આપી ચાલી ગઇ. મને થોડી નવાઇ લાગી.

પછીના દિવસે મારી માશૂકા તેની સખીને લઇને આવી. અહા! શું બેજોડ એનું સૌંદર્ય! એને જોતાં જ હું હોશહવાસ ખોઇ બેઠો અને એના પર ફિદા થઇ ગયો. મારી એ હરકત એને ગમી નહીં. તે નારાજ થઇ ગઇ. પછી અમે સૂરાપાન કર્યું. જ્યારે હું બીજી યુવતીને વધારે ભાવ આપવા લાગ્યો ત્યારે મારી માશૂકા રિસાઇને ચાલી ગઇ. મેં પેલી આવેલી સુંદરીને બાથમાં લેવા વિચાર્યું. પણ તે તો ઠંડીગાર બની ગઇ.

મને સમજતાં વાર ના લાગી કે અમે નશો કરેલો હઇ મારી પૂર્વ માશૂકાએ શરાબમાં ઝેર ભેળવી દીધું હશે. જેથી એ મરી ગઇ હશે! ઇર્ષ્યાનું આથી ખરાબ બીજું કેવું પરિણામ હોઇ શકે! મેં પેલી મૃત સુંદરીને દાટી દેવડાવી અને બધું સમેટી ચૂપચાપ ‘કેરન’ પહોંચી ગયો.

કાકાએ આશ્ચર્યથી પૂછ્યું - ‘તું અહીં?!’ ‘ચાચાજાન! આપને મળવા મારું હૈયું બેતાબ થઇ રહ્યું હતું તેથી ચાલ્યો આવ્યો.’

હું એમની સાથે જ રહ્યો. પિતા ખૂબ ખુશ હતા. હું ધર્મશાળામાં છુપાઇ ગયો. જ્યારે તેઓ ચાલ્યા ગયા. ત્યારે પાછો દમાસ્કસ આવ્યો. આવીને પેલી હવેલીમાં જ રહ્યો. અહીં એક ગુલામને ઝાડુ મારતાં કીમતી સોનાની માળા જડી. મને સમજાઇ ગયું કે જે અહીં મૃત્યુ પામી હતી તે જ સુંદરીની એ માળા હતી.

દમાસ્કસમાં રહેતાં રહેતાં મારા બધા પૈસા ખર્ચાઇ ગયા. ત્યારે મેં પેલી માળા એક દલાલને વેચવા આપી. દલાલે એ માળા એક ઝવેરીને બતાવી. ઝવેરીએ માળા લઇ ચૂપચાપ કોટવાળને મોકલાવી દીધી. મારા પર ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો.

દલાલ પાસેથી કોટવાળે મારા રહેઠાણની ભાળ મેળવી. મને પકડવામાં આવ્યો. પૂછપરછ શરૂ થઇ. હું જુઠ્ઠું બોલી શક્યો નહીં. મેં ગુનો કબૂલી લીધો. મને સજા થઇ. મારો ડાબો હાથ કાપી નાખવામાં આવ્યો.

ન્યાયાધીશે મને બોલાવ્યો. કારણ કે એમની દીકરી પણ હાર લઇ ભાગી ગઇ હતી. એમણે મને સાચે સાચું જણાવવા કહ્યું. મેં શરૂથી અંત સુધી આખી ઘટના કહી સંભળાવી.

ન્યાયાધીસે લજ્જા અને દુઃખથી માથું ઝૂકાવી કહ્યું - ‘હે મુસાફા કોઇ કારણ વગર કોટવાળે તને સજા કરી છે. હકીકતમાં એ બંન્ને યુવતીઓ મારી દીકરીઓ હતી. તારી પાસે પહેલી આવી હતી. એ મારી દીકરી વિધવા હતી. એનું લગ્ન ‘કેરુ’ના રહેવાસી મારા ભત્રીજા સાથે થયું હતું, પણ તેનું અવસાન થયું. તે શરૂશરૂમાં તેની સાસરીમાં રહી. ત્યાં જ એ ભાન ભૂલી બદચલન થઇ ગઇ. અહીં આવ્યા પછી એણે એની નાની બહેનને પણ ખોટે રસ્તે ચઢાવી. એણે એની નાની બહેનને ઝેર આપી મારી નાખી.

‘ખુદા દરેકનાં ભલાં બૂરાં કામો પર નજર રાખે છે. થોડા દિવસો પછી એ કમજાત પણ મરી ગઇ. હા, તને કોઇ વાંધો ના હોય તો તું મારી ત્રીજી દીકરી સાથે નિકાહ કરી લે.’ મેં એ દુઃખી અને ત્રસ્ત માણસને જોયો. દયા અને સહાનુભૂતિને લઇ મેં એની ત્રીજી દીકરી સાથે લગ્ન કરી લીધું. પછી હું ઘેર પાછો ફર્યો.’

બાદશાહે કહ્યું - ‘આ વાર્તામાં પણ ખાસ દમ કે ચમત્કાર નથી. હું માફી આપી શકું એમ નથી.’

ત્યારે દરજીએ વાર્તા સંભળાવી.

અનુક્રમણિકા

૩૬ : એક અપંગની વાર્તા

દરજીએ કહ્યું - ‘ત્રણ દિવસ પહેલાંની વાત છે. મને એક અમીરને ત્યાં મિજબાનીમાં આમંત્રણ મળ્યું હતું. હું ત્યાં ગયો. લગભગ વીસ માણસો હતા. અમીર એ ભોજન સમારંભમાં એક અપંગને લઇ આવ્યો. અપંગ હોવા છતાં દેખાવે તે સુંદર હતો. એ કોઇ ઉચ્ચ કુળનો જણાતો હતો. એથી એનું માન જાળવવા અમને ઊભા થવાનું ઠીક લાગ્યું. અમે ઊભા થઇ એની ઇજ્જત વધારી.’

એક વખતે એક હજામ ત્યાં આવ્યો. એને જોતાં જ અપંગ યુવાન ક્રોધિત થઇ ગયો. એણે અમીરને કહ્યું - ‘આ દુષ્ટ હજામને અહીંથી તગડી મૂકો.’

વાળંદને ત્યાંથી કાઢી મૂકાવામાં આવ્યો. અમે સૌ એક ઓરડામાં આવ્યા. અપંગે જે કહ્યું તે આ મુજબ છે -

તે બગદાદનો રહેવાસી હતો. એ એના પિતાનું એકમાત્ર સંતાન હતો. એણે પિતાનો બધો કારભાર સંભાળી લીધો હતો. પિતાના અવસાન બાદ એ બગદાદમાં અમન મેનથી રહેતો હતો. એ યુવાન હતો પણ એને કામશાસ્ત્રાનું કશું ભાન ન હતું. સ્ત્રીઓની બાબતમાં એને કોઇ માહિતી ન હતી.

એક દિવસ એ બજારમાંથી પસાર થતો હતો એને એક સાથે કેટલીયે સ્ત્રીઓ ભેટી ગઇ. એમનાથી બચાવા એ એક સાંકડી ગલીમાં પેસી ગયો. ત્યાં જઇ એ એક આસન પર બેસી ગયો. તે વખતે સામેથી બારી ખુલી. એક ૧૫-૧૬ વર્ષની છોકરીએ તેને જોયો. તે જરાક મલકી. ઇશારો કર્યો. એણે એ જોયું. એના શરીરમાં ગરમાવો વ્યાપી ગયો. એ પેલી છોકરીને મોહી પડ્યો.

થોડીવાર પછી એક કાજી આવ્યો. તે પેલા મકાનમાં ચાલ્યો ગયો. એણે વિચાર્યું કે કદાચ એ પેલી છોકરીનો બાપ હશે. હું ઘેર આવ્યો. પણ પેલી છોકીરનાં લટકામટકાંએ મારો પીછો છોડ્યો નહીં. પલંગ પર પડ્યો રહેતો. બિમાર જેવો થઇ ગયો. જેમજેમ એ દવા કરાવતો ગયો તેમ તેમ પ્રેમરોગે એને વધારે ને વધારે ભરડામાં લીધો.

એકવાર એકાંતમાં એક ડોસી એને મળી. તેણે તેને જોઇને કહ્યું - ‘તારા નખમાંય રોગ નથી. લાગે છે કે તું કોઇક સુંદરીના પ્રેમમાં પડી ગયો છે! શું તું એનું નામ જાણે છે?’ તેણે પેલી છોકરીનું ઠેકાણું ડોસીને જણાવ્યું. તે તેને જાણતી હતી. કહ્યું - ‘અરે! એ તો કાજીની દીકરી છે. એના પર તો કેટલીય જાતના પ્રતિબંધ છે. એ તો ઘરની બહાર પણ આવી શકતી નથી. પણ હું કોઇક રસ્તો શોધી કાઢીશ.’ કહી તે ત્યાંથી પાછી ચાલી ગઇ.

એ વૃદ્ધાએ છોકરીનો સંપર્ક કર્યો. એણે તેને યુવકની પ્રેમવેદના જણાવી. પહેલાં તો એ હા ના કરવા લાગી. પછી એણે કહ્યું - ‘શુક્રવારે મારા અબ્બા નમાજ પઢવા મસ્જિદે જાય ત્યારે તમે એને અહીં લઇ આવજો.’ ડોસી પેલા યુવાન પાસે ગઇ. શુક્રવારે છોકરીને મળવા જવાની વાત જણાવી.

યુવાને વાળંદને બોલાવી હજામત કરાવી. વાળંદનો સ્વભાવ તો તમને ક્યાં ખબર નથી! એના સ્વભાવ મુજબ એણે બકવાસ કરવાનું શરૂ કર્યું. એક ક્ષણ માટેય એની જીભ અટકતી ન હતી. તેણે યુવાનને કહ્યું - ‘હા, હા, હું કાજી સાહેબની હજામત કરતો હતો. તેઓ દરેક જગાએ મને સાથે જ લઇ જતા હતા.’ યુવાને હજામને ધમકાવ્યો. લવારો ના કરવા સખત શબ્દોમાં ચેતવણી આપી. પણ માને તો હજામ શાનો! છેવટે એણે કહ્યું - ‘આપ સારા કામે જતા હો તો મને સાથે લઇ જાઓ, નહીં તો આપનું કામ સફળ નહીં થાય.’

હજામત બનાવડાવી યુવાને એને તગડી મૂક્યો. એ સમયસર કાજીને ઘેર પહોંચી ગયો. પેલી છોકરી પણ મુગ્ધભાવે એના આવવાની પ્રતીક્ષા કરી રહી હતી. પેલો હલકટ વાળંદ પણ યુવાનનો પીછો કરતો કરતો ત્યાં પહોંચી ગયો હતો. એણે સંતાઇને બે યુવાન હૈયાંની પ્રેમલીલા જોઇ લીધી.

યુવાન અને યુવતી અંદર ચાલ્યાં ગયાં. ઘણીવાર થવા છતાં તેઓ બહાર આવ્યાં નહીં. બરાબર એ જ વખતે કાજી ઘેર આવી ગયા. છોકરી ગભરાઇ ગઇ। એણે યુવાનને એક મોટી પેટીમાં સંતાડી દીધો. કાજીએ આવીને તેના ગુલામને કોઇક ભૂલના પરિણામ રૂપે મારવાનું શરૂ કર્યું. ગુલામ રાડો પાડવા લાગ્યો. આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા.

નાઇએ વગર વિચાર્યે જ માની લીધું કે કાજી પેલા યુવાનને મારી રહ્યો છે. તેણે કાજીને બધી વાત કહી સંભળાવી.

કાજી અસમંજસમાં પડી ગયો. એ પેલા યુવાનને શોધવા લાગ્યો. જે પેટીમાં એને સંતાડવામાં આવ્યો હતો એ પેટી પાસે એ જઇ પહોંચ્યો. પેટી ખોલી તે કાજી હેરાન થઇ ગયો. એને માથે જાણે આભ તૂટી પડ્યું. આ તો નિયમ વિરુદ્ધની વાત હતી. પ્રેમલીલા! અને તે પણ કાજીના ઘરમાં! બધાંએ ભેગા મળી એને એવો તો માર્યો કે એ પાંગળો થઇ ગયો.

અપંગ યુવાને અમીરને કહ્યું - ‘હું આ હજામને લીધે પાંગળો થઇ ગયો. એ કમબખ્ત મારો પીછો જ છોડતો નથી.’

હજામે ત્યારે કહ્યું - ‘એમાં મારો કઇ વાંક ગુનો નથી.’

દરજીએ વાર્તા પૂરી કરી. બાદશાહને આ વાર્તા ઠીક લાગી.

અનુક્રમણિકા

૩૭ : દસ ડાકુઓ

હજામે વાર્તા શરૂ કરી -

બાદશાહના રાજ્યમાં દસ ડાકુઓની ટોળકીએ હાહાકાર મચાવી દીધો હતો. એ લોકો પ્રજાને લૂંટતા હતા. ત્રાસ આપતા હતા. છેવટે બાદશાહ ખલીફાએ એના કોટવાળને બોલાવી હુકમ કર્યો - ‘આવતી ઇદ પહેલાં એ દસેય ડાકુઓને જીવતા કે મરેલા મારી સામે હાજર કરવામાં નહીં આવે તો હું તમને મોતને ઘાટ ઉતરાવી દઇશ.’

કોટવાળ ગભરાઇ ગયો. ડાકુઓને જબ્બે કરવા એણે આકાશ પાતાળ એક કર્યાં. અંતે તેમને પકડી લઇ એક હોડીમાં બેસાડી કેદખાનામાં લાવી પૂરી દીધા. ચોરી છૂપીથી હું પણ એ હોડીમાં બેસી ગયો હતો.

કેદખાને પહોંચતાં જ સૈનિકોએ અમને ઘેરી લીધા હતા. ખલીફાએ બધાંનાં માથાં કલમ કરવાનો હુકમ કર્યો. પેલા દસેય ડાકુઓના માથાં ધડથી અલગ કરી દેવામાં આવ્યાં. હવે મારો વારો હતો. જલ્લાદ મારું માથું કાપતા પહેલાં અટકી ગયો.

‘કેમ અટકી ગયો?’ ખલીફાએ પૂછ્યું.

‘ગરીબ પરવર! આ માણસ તો અગિયારમો છે.’ ખલીફાએ મને પૂછ્યું - ‘શું તું ડાકુ છે?’

મેં કહ્યું - ‘હુજૂર! હું ડાકુ નથી. હું તો ભૂલથી હોડીમાં બેસી ગયો હતો. હું તો આપનો ખવાસ છું.’ બાદશાહે હસીને કહ્યું - ‘અલ્યા! જલ્લાદે ગણીગણીને જો માથાં કલમ ના કર્યાં હોત તો તું પણ માર્યો જાત.’

‘આપની દયાના પ્રતાપે જ હું બચી ગયો છું. અમે સાત ભાઇઓ છીએ. હું બધાથી ઓછું બોલું છું. મારા છએ ભાઇઓ જરૂર કરતો વધારે બોલે છે તેથી તેઓ વધારે દુઃખી થાય છે. બધા જ ભાઇઓ ચિત્ર વિચિત્ર છે. મારો એક ભાઇ કદરૂપો છે. બીજો છે પોપલો. ત્રીજો કાણો છે. ચોથો આંધળો છે. પાંચમો છે બૂચિયો. છઠ્ઠો વળી ઠેકડા મારી મારીને ચાલે છે. અન્નદાતા! જો આપ એમની વાતો સાંભળશો તો ખૂબ મઝા પડશે.’

બાદશાહ રાજી થઇ ગયા. તેઓ ખવાસને મહેલમાં લઇ આવ્યા.

અનુક્રમણિકા

૩૮ : બેડોળ બકબક

બાદશાહ શહરયારને બહુ મોજ આવતી હતી. એણે શહરજાદને કહ્યું કે એ નવી નવી વાર્તાઓ સંભળાવતી જ રહે. દુનિયાજાદ તો ઇશ્વરનો આભાર માનતી હતી કે એની બહેન હજુ પણ જીવતી છે.

એણે ખવાસના બેડોળ મોટાભાઇની વાર્તા સંભળાવી-

ખવાસે બાદશાહને કહ્યું કે એનો મોટોભાઇ ‘બકબક’ ગરીબ હતો. એણે એક વેપારીની દુકાન પાસે દુકાન લઇ રાખી હતી.

એક દિવસની વાત છે. મારો ભાઇ દુકાન પર બેઠો હતો. એની નજર વેપારીની પત્ની પર પડી. તે સુંદર અને આકર્ષક હતી. તેને જોતાં જ મારો ભાઇ એની પાછળ લટ્ટુ થઇ ગયો. એણે ઇશારો પણ કર્યો.

પતિવ્રતા અને સમજદાર સ્ત્રીએ ભાઇ માટે દાસી સાથે કીમતી કાપડ મોકલાવ્યું. ભાઇએ કાપડમાંથી સરસ કપડાં સીવી દીધાં. દાસી કપડાં લેવા આવી ત્યારે એનાથી પૂછાઇ ગયું - ‘આપની રાત કેવી પસાર થઇ?’

‘બહુ જ બેચેનીમાં. રાત આખી ઊંઘ ના આવી. તમારી શેઠાણીના પ્રેમમાં હું પાગલ થઇ ગયો છું.’ ભાઇએ કહ્યું.

‘એમની પણ એવી જ હાલત છે.’ દાસીએ કહ્યું.

પછી તો વારાફરતી જાત જાતનાં કપડાં એ સીવડાવતી રહી. બકબક સિલાઇનો એક પૈસોય લેતો ન હતો. એને કોઇ કમાણી થતી ન હતી. ઉછીના પૈસા લઇ એ ખાવા પીવાની વ્યવસ્થા કરતો. એ મારી પાસેથી પણ ઉધાર રૂપિયા લઇ જતો. વેપારીને ઘેર એના આંટાફેરા વધી ગયા. વારંવાર કહેવા છતાં મારો ભાઇ સિલાઇના પૈસા લેતો ન હતો.

વેપારીની પત્નીએ બદી હકીકત એના પતિને જણાવી દીધી. વેપારીએ બકબકને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું. રાત્રે ત્યાં જ સુવડાવી દીધો. થોડીવાર બાદ ભાઇને જગાડી એણે ચક્કી પીસવા કહ્યું. ભાઇ ચક્કી ચલાવવા લાગ્યો. વેપારી એને ચાબૂકથી ફટકારવા લાગ્યો. મારા ભાઇએ પૂછ્યું - ‘આ શું કરો છો?’

એણે કહ્યું - ‘મારથી માણસ વધારે ચાલાક બને છે.’ વેપારીએ એક પળ પણ એને થાક ખાવા દીધો નથી. આખી રાત ચક્કી ખેંચીખેંચીને ભાઇની હાલત ખરાબ થઇ ગઇ. એ જમીન પર ઢળી પડ્યો. ધમણ ચાલીતી હોય એમ હાંફવા લાગ્યો.

એ ચૂપચાપ પાછો ઘેર આવી ગયો. દાસી બોલાવવા આવી તો પણ એણે ફરી જવાનું નામ શુદ્ધાં ના લીધું. બકબકમાં બુદ્ધિ આવી ગઇ. હવે તે તેના કામમાં જ મન પરોવવા લાગ્યો. એના માથા પરથી પ્રેમનું ભૂત ઉતરી ગયું.

અનુક્રમણિકા

૩૯ : બિચારો બકબારહ

બાદશાહ સલામત! મારો બીજો ભાઇ ‘બકબારહ’ પોપલો હતો. રોજ એ ફરવા ને બહાને એક ગલીમાં જતો હતો.

એક દિવસ એક ડોસીએ બકબારહને કહ્યું - ‘હું તને એક શિખામણ આપવા ઇચ્છું છું. જો તું મારી વાત માનશે તો તને ફાયદો જ ફાયદો થશે. હું તને એક સુંદર અને ધનવાન એવી મારી માલકણને ઘેર લઇ જઇશ. એ તને ખૂબ ધન આપશે અને તું રાતોરાત અમીર થઇ જઇશ. શરત એટલી કે તારે એ સુંદરી સાથે મોજમજા કરવી પડશે.’

મારો ભાઇ લલચાઇ ગયો. એ ડોસી સાથે ચાલ્યો ગયો. એ તેને એક મોટી હવેલીમાં લઇ ગઇ. કેટલાક ઓરડા પાર કર્યાં પછી એ ડોસીએ તેને એક ઓરડામાં બેસાડ્યો. એ માલકણને બોલાવવા ચાલી ગઇ.

થોડીવાર પછી કેટલીક સ્ત્રીઓ ત્યાં આવી એ બકબારહને જોઇ ખડખડાટ હસવા લાગી. ભાઇને સરસ ભોજન જમાડવામાં આવ્યું. પછી મદિરા પણ પીવડાવી. ભાઇ એક સુંદરી સાથે ચેનચાળા કરવા ગયો. તો એ સુંદરીએ એને તમાચો મારી દીદો. ભાઇને એ ના ગમ્યું. એને માઠું લાગ્યું. ડોસીએ એને ઘણો સમજાવ્યો. આખરે એ પાછો પેલી યુવતીઓ પાસે ચાલ્યો ગયો.

યુવતીઓએ એની સાથે અટકચાળાં કરી એની હાલત બગાડી નાખી.

એક યુવતીએ કહ્યું - ‘હું તને સુખી કરવા ઇચ્છું છું.’

ભાઇએ કહ્યું - ‘તું જેમ કહીશ તેમ હું કરીશ.’

તે તેને એક ઓરડામાં લઇ ગઇ.

ઓરડામાં લઇ જઇ એણે ભાઇના દાઢી મૂછ કાપી નાખ્યાં. અને સ્ત્રીનો વેશ ધારણ કરાવ્યો. બનાવટી છાતી ઉપસાવી. એને આબેહૂબ સ્ત્રી બનાવી પેલી યુવતી માલકણ પાસે લઇ ગઇ. એને ગાવા નાચવાનું અને ઠૂમકા મારવાનું પણ શીખવાડી દીધું. માલકણ પાસે લઇ જતા પહેલાં ડોસીએ તેને કહ્યું કે તે નગ્ન થઇને માલકણ સામે આમ તેમ આંટા મારે, જેથી તે ઉત્તેજિત થઇ જાય. જો એમ કરીશ તો એ તને માલા માલ કરી દેશે.

ડોસીની વાત એણે કાને ધરી લીધી. એ માલકણ પાસે સ્ત્રી વેશમાં ગયો અને પછી નગ્ન થઇ આમ તેમ દોડ્યો. માલકણ પણ અર્ધવસ્ત્રોમાં અહીં તહીં દોડવા લાગી. પછી એ સંતાઇ ગઇ. મારો ભાઇ એને શોધતો એક દરવાજા પાસે ગયો. દરવાજો ઊઘડી ગયો. દરવાજો ઊઘડતાં જ એ બહાર નીકળી ગયો. એને અર્ધનગ્ન હાલતમાં જોઇ ત્યાં ભીડ એકઠી થઇ ગઇ। તમાશાને તેડું ના હોય! એની આ હરકત બદલ ગધેડા પર બેસાડી, ખાસડાં મારતા મારતા લોકો એને કાજી પાસે લઇ ગયા. કાજીએ કહ્યું - ‘આ સ્ત્રીના વેશમાં ચોરીઓ કરતો રહે છે. એથી ગધાડાપર બેસાડી એને નગરની બહાર કાઢી મૂકવામાં આવે.’

બિચારો બકબારહ! ધનની લાલચમાં દેશની બહાર ચાલ્યો ગયો.

અનુક્રમણિકા

૪૦ : આંધળો બબૂક

મારો ત્રીજો ભાઇ - ‘બબૂક’ જન્મથી જ આંધળોહતો. આંધળો હોવાથી બિચારો ભીખ માંગીને પેટિયું રળતો હતો. એ ક્યારેય કોઇની પાસે સામે ચાલીને કશું માંગતો ન હતો. તેથી લોકો તેને ‘ગૂંગાબાબા’ તરીકે ઓળખતા. એ દરવાજો ખટખટાવી ઊભો રહેતો હતો અને જે મળે તેનાથી સંતોષ માનતો.

એક દિવસ એક ઘરની આગળ જઇને એ ઊભો રહ્યો. દરવાજો ખખડાવી એ ઊભો રહ્યો. દરવાજો ખોલી માલકણ બહાર આવી અને એને એના પતિ પાસે લઇ ગઇ.

માલિકે કહ્યું - ‘તને અહીં ભીખ તો મળવાની જ નથી. પણ તારે એ જણાવવું પડશે કે તું કોણ છે?’ આંધળાએ કહ્યું- ‘આપ અકારણ મને હેરાન કરી રહ્યા છો. હું આંધળો છું. મને નીચે મૂકી આવો.’

પણ તેને નીચે મૂકી આવવામાં આવ્યો. નહીં. મારો ભાઇ પગથિયાં પરથી ગબડી પડ્યો. એને ખૂબ વાગ્યું. એ રડતો રડતો ચાલવા લાગ્યો. રસ્તામાં એ એના આંધળા ચારે મિત્રો ભેટી ગયા.

મારા ભાઇએ કહ્યું - ‘મિત્રો! આજે હું મરતાં મરતાં બચી ગયો છું. કાલે કદાચ મરી પણ જાઉં. માટે તમે પોતપોતાના રૂપિયા લઇ લો.’

એ ત્રણેય મારા ભાઇના ઘેર ગયા. રૂપિયા ગણવા લાગ્યા. મારો ભાઇ જે ઘરમાં દાદર ઉપરથી પડી ગયો હતો તે ખરેખર તો ચોર જ હતો. ભાઇનો પીછો કરતો કરતો એક ચોર આવીને ઉપર દોરડું ઝાલી લટકી ગયો હતો. આંધળા ચોરોએ પોત પોતાના પૈસા લઇ લીધા. મારા ભાઇએ એમને રોટલા ખવડાવ્યા. પેલો ચોર પણ ભૂખ્યો હતો. તે રોટલા ચાવવા લાગ્યો. એને ચાવવાનો અવાજ સાંભળી મારા ભાઇએ એને પકડી લીધો.

બહારના લોકો દોડી આવ્યા. એ પહેલાં પેલો ચોર પણ આંધળો હોવાનો ડોળ કરી ‘ચોર...ચોર...’ની બૂમો પાડવા લાગ્યો. લોકોને એકઠા થયેલા જોઇ ચોરે કહ્યું - ‘અમે ચારેય આંધળા છીએ. અમે એક જ જગાએ પૈસા રાખીએ છીએ. આજે ભાગ વહેંચવાની વેળાએ આ ત્રણની દાનત બગડી. એ મારા પૈસા ઓહિયાં કરી જવા માગે છે.’

એની વાત સાંભળી ત્રણેય આંધળાઓએ કહ્યું - ‘આની વાત ખોટી છે.’

પણ ચોર બકબક કરતો જ રહ્યો. કોટવાળે એને દસ કોરડા મરાવ્યા. ચોરે આંખો ખોલી નાખી. પેલા ત્રણેયને પણ ફટકારવામાં આવ્યાં. પણ હકીકતમાં તો એ ત્રણ ખરેખર આંધળા જ હતા.

આ દુનિયાની રીત જ એવી નિરાલી છે કે પ્રામાણિક માણસના માથે દુઃખનાં ઝાડ ઊગી નીકળે છે. અહીં પણ આંધળાઓ સાથે અન્યાય થયો. કોટવાળે બધું. ધન લઇ લીધું. ચોરને ૨૫૦૦ દિરહમ આપી દઇ એનું મોં બંધ કરી દેવામાં આવ્યું. બાકીના રૂપિયા પોતાના ખિસ્સામાં મૂકી કોટવાલે આંધળાઓને દેશનિકાલની સજા સંભળાવી.

બાદશાહને વાર્તા ગમી. ખવાસે ચોથા ભાઇની વાર્તા શરૂ કરી.

અનુક્રમણિકા

૪૧ : કાણિયો અલકોજ

મારો એક ચોથો ભાઇ અલકોજ હતો. તે કાણો હતો. એ ઘેટાં બકરાંથી ખૂબ માહિતગાર હતો. એ કસાઇનું કામ કરતો અને માંસ પણ વેચતો.

એક દિવસ એક ઘરડો માણસ એની પાસે આવ્યો. એણે છ શેર માંસ ખરીદ્યું. બદલામાં એણે નવી નોટો આપી. મારા ભાઇએ એ બધી નોટો ગલ્લામાં મૂકી. પાંચ મહિના આમ ને આમ ચાલ્યું. જ્યારે મારા ભાઇએ એ નોટો એકઠી કરવા માંડી ત્યારે ખબર પડી કે એ માત્ર કાગળના ટુકડા જ હતા.

મારા ભાઇએ એ ડોસાને પકડી પાડ્યો. એણે એને બદલે કાગળના ટુકડા હોવાની વાત કરી ત્યારે ચોર કોટવાળને દંડે એમ એણે અવળી વાત કરી. ‘આ માંસ વેચવાવાળો ખૂબ અપ્રમાણિક છે. બકરીના માંસને બદલે એ માણસનું માંસ વેચે છે.’ મારો ભાઇ લોકોને એની દુકાને લઇ ગયો. જોયું તો બકરીના કપાયેલા માથાની જગાએ માણસનું કપાયેલું માથું લટકી રહ્યું હતું. મારો ભાઇ આશ્ચર્ય સાથે મૂંઝવણમાં મૂકાઇ ગયો.

કોટવાળે એને ઢોર માર માર્યો. પછી એને દેશની બહાર હાંકી કાઢ્યો.

એ બિચારો ભૂખ્યો તરસ્યો સંતાતો સંતાતો દેશની બહુદૂર જઇ રહ્યો હતો. તે દુઃખી હતો.

એકાએક એણે ઘોડાના ડાબલાનો અવાજ સાંભળ્યો.

એ બીકનો માર્યો એક અમીરના ઘરમાં પેસી ગયો. ઘરમાં પેસતાં જ બે કદાવર ગુલામોએ એને પકડી લીધો. તેમણે કહ્યું - ‘કાલે રાતે તો તું ભાગી ગયો હતો, પણ આજે ભાગીને ક્યાં જઇશ? કાલે તું બધું જ ધન ચોરી ગયો હતો. આજે તું મારા માલિકને મારવા આવ્યો છે બતાવ, ક્યાં છે ખંજર?’

મારા ભાઇ પાસે માંસ કાપવાનો છરો હતો. એમણે એ લઇ લીધો.

પછી તેમણે મારા ભાઇને કાજી સમક્ષ હાજર કર્યો. મારા ભાઇએ વારંવાર કહ્યું કે તે બેગુનાહ છે. એણે એની સાથે બનેલી બીના અક્ષરશઃ કાજીને કહી સંભળાવી. કાજીને એની વાત પર થોડો વિશ્વાસ બેઠો. છતાં સો કોરડા અને દેશનિકાલની સજા તો મળીને જ રહી.

ખલીફાએ એને ઇનામ આપ્યું. એણે પાંચમા ભાઇની વાર્તા શરૂ કરી.

અનુક્રમણિકા

૪૨ : આળસુ અલંસચર

મારો અતિ આળસુ એવો પાંચમો ભાઇ હતો. અલંસચર. એની પાસે મારા પિતાએ આપેલી એક હજાર દિરહમની મુદ્રાઓ હતી. એને એ કોઇ શ્રીમંતની શ્રીમંતાઇથી ઓછી લાગતી ન હતી.

કાચનાં વાસણો ખરીદી એ એક દરજીની દુકાન પાસે બેસી ગયો. બેઠો બેઠો એ શેખચલ્લીની જેમ વિચારોમાં ખોવાઇ ગયો. આ બધો કાચનો સામાન વેચી હું બે હજાર મુદ્રાઓ પેદા કરીશ પછી બેમાંથી ચાર હજાર અને ચારમાંથી આઠ હજાર. એમ મારી પાસે મુદ્રાઓ વધતી જ રહેશે. પછી હું હીરાનો વેપાર કરીશ. આમ હું શહેરનો સૌથી મોટો શ્રીમંત બની જઇશ. હું એક સુંદર હવેલી ખરીદીશ. મારી પાસે રથ, ઘોડા, પાલખીઓ અને દાસ દાસીઓ હશે. મારી પાસે એક લાખ મુદ્રાઓ થઇ જશે ત્યારે હું રાજ્યના મંત્રીની દીકરી માટે લગ્નનો પ્રસ્તાવ મૂકીશ. વજીરની દીકરીને હું એક હજાર મુદ્રાઓ આપીશ. મારી ખ્યાતિ દસે દિશાઓમાં ફેલાઇ જશે. નગરના લોકો ઝૂકી ઝૂકીને મને સલામ કરશે.

જ્યારે હું નિકાહ કરીને મારી હવેલીએ જઇશ ત્યારે મારી પત્ની શણગાર સજીને બેઠી હશે. હું એના તરફ જોઇશ પણ નહીં. એ પછી મારી સામે આવી ઊભી રહેશે. હું નજર હટાવી લઇશ. એ બની ઠનીને ફરી આવશે પણ હું એની તરફ નજર શુદ્ધાં નહીં કરું.

આમ સ્વપ્નો જોવામાં રાત સરી ગઇ. બીજે દિવસે મારી સાસુ આજીજી કરતી આવશે. મને સમજાવતાં કહેશે કે જમાઇરાજ! આપ આપની પત્નીને પ્રેમ કરીને રાજી કરો. તે ઘણી દુઃખી અને ઉદાસ છે.

હું ત્યારે પણ કઇંજ બોલીશ નહીં. પછી મારી પત્ની હાથમાં મદિરાનો જામ લઇને આવશે. ગુસ્સામાં હું એને જોરદાર લાત મારીશ. કેવીક લાત! આમ જોરથી....કહી સાચે સાચ એણે જોરથી એવી લાત મારી કે એનાં કાચનાં બધાં વાસણો તૂટી ગયા.

દરજીએ એનો મનોભાવ જાણી કહ્યું - ‘દુષ્ટ! આવી સુશીલ અને સુંદર પત્નીને હડધૂત કરવાની આવી જ સજા મળે. જો એ વજીરની જગાએ હું હોત તો તને સો કોરડા મારત.’ બધાં વાસણો તૂટી જવાથી એ પોક મૂકી રડવા લાગ્યો. ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું. એક શ્રીમંત સ્ત્રીને મારા ભાઇ પર દયા આવી. એણે એને પાંચસો મુદ્રાઓ આપી ભાઇ અલંસચરે તેનો આભાર માન્યો. એ ઘેર આવી ગયો.

એ સમય એક વૃદ્ધાએ આવીને કહ્યું - ‘જો મને થોડું પાણી આપે તો હું નમાજ અદા કરી આવું.’ તેણે તે વૃદ્ધાને પાણી આપ્યું. વૃદ્ધાએ હાથ મોં ધોઇ નમાજ અદા કરી. તેણે આશીર્વાદ આપ્યા. ભાઇએ એને બે દિરહમ આપવા માંડ્યા પણ એણે એ લેવાની ના પાડી.

અલંસચરે પૈસા નહીં લેવાનું કારણ પૂછ્યું ત્યારે વૃદ્ધાએ કહ્યું કે એક સ્ત્રી એને અવાર નવાર પૈસા આપતી રહે છે. તમે એને જોશો તો નવાઇ પામશો. અલંસચરે પૂછ્યું - ‘શું હું તે સ્ત્રીનાં દર્શન કરી શકું?’ ‘માત્ર દર્શન જ નહીં, નિકાહ પણ કરી શકશો.’ વૃદ્ધાએ કહ્યું અને ઉમેર્યું - ‘ચાલો! મારી સાથે ચાલો.’

હું એ વૃદ્ધા સાથે ચાલ્યો. થોડીવારમાં તેઓ એક ભવ્ય હવેલી પાસે આવી ઊભાં. વૃદ્ધાએ દરવાજો ખટખટાવ્યો. એક યૂનાની સ્ત્રીએ દરવાજો ખોલ્યો. તે સુંદર અને શ્રીમંત જણાતી હતી. એણે એને એક અલગ ઓરડામાં બેસાડ્યો. ‘હું હમણાં જ આવું છું.’ કહી તે ચાલી ગઇ. એ જ ક્ષણે એક સશક્ત માણસે ત્યાં આવીને કહ્યું - ‘તું અહીં કેમ આવ્યો છે? એણે એની પાસેથી બધી મુદ્રાઓ છીનવી લીધી. એને એવો માર્યો કે એ મરણતોલ થઇ ગયો. એને એ વૃદ્ધાએ એક ખાડામાં નાખી દીધો.’

જ્યારે અલંસચરને ભાન આવ્યું ત્યારે એ ઘેર આવ્યો. એક મહિના પછી એ સ્વસ્થ થયો. એણે સારાં વસ્ત્રો પહેર્યાં. કાચના ટુકડાઓ થેલીમાં ભરીને તે પેલી ડાકણ વૃદ્ધાની શોધમાં નીકળી પડ્યો. સાથે એક ધારદાર કટાર પણ લીધી. તે વૃદ્ધાને શોધતો જ રહ્યો. આખરે એને એક ચૌટામાં એ મળી ગઇ. તેણે તેને કહ્યું - ‘મારી પાસે પાંચસો મુદ્રાઓ છે. મારે પરદેશ જવું છે તેથી હું એને કોઇકની પાસે સુરક્ષિત રાખવા ઇચ્છું છું.’

પેલી ડોસી ઠગ હતી. એની આખી ટોળકી હતી. તેણે અલંસચરને કહ્યું કે એનાથી વધારે કોઇ પ્રામાણિક નથી. એનો દીકરો ઝવેરી છે. ચાલો મારી સાથે.

ડોસી તેને પહેલાં લઇ ગઇ હતી. તે જ હવેલી પર ફરી લઇ ગઇ. તે તેની સાથે અંદર ગયો. તેને બેસાડવામાં આવ્યો. તે પાછી અંદર ચાલી ગઇ. તે વખતે એનો ભાઇ ત્યાં આવ્યો અને મને તેની પાછળ પાછળ આવવા કહ્યું.

અલંસચર બહુ સાવધાન હતો. પેલો શેતાન એની આગળ થયો કે એણે એની ગરદન પર જોરથી છરો ફેરવ્યો. શેતાનનું માથું ધડથી અલગ થઇ ગયું. પછી મેં પેલી ડોસી અને યૂનાની મહિલાનું કામ પણ તમામ કરી દીધું. પછી મેં એ હવેલીમાં તપાસ શરૂ કરી.

જેણે એને પાંચસો મુદ્રાઓ આપી હતી તે સુંદરી તેને મળી ગઇ. મારા ભાઇએ તેને પૂછ્યું - ‘તું આ ટોળકીમાં શી રીતે ફસાઇ ગઇ?’ તેણે કહ્યું કે તે એક અમીરની પત્ની છે. પેલી ડોસી કોઇ કોઇવાર અહીં આવતી રહેતી હતી. એકવાર એ કોઇક બહાને મને અહીંયાં લઇ આવી ત્યારથી મને એ શેતાને અહીં ગોંધી રાખી છે.

‘અહીં કેટલું ધન છે?’

‘ઘણું જ.’ કહી એ મને ધનભંડાર તરફ લઇ ગઇ। ભાઇ તો ધન જોઇ દંગ રહી ગયો. એણે એ ધન પોતાના ઘર ભેગું કરવા વિચાર્યું. એ માટેની વ્યવસ્થા કરવા એ બહાર ચાલ્યો ગયો. પાછા ફરીને તેણે જોયું ત્યારે ના તો ત્યાં ધન હતું કે ના હતી પેલી સુંદરી.

ભાઇ હતાશ થઇ ગયો. ત્યાં આમ તેમ થોડું ધન વેરાયેલું પડ્યું હતું. તે લઇને એણે સંતોષ માન્યો. જેના ભાગ્યમાં સુખ નથી હોતું તે તેને મળતું નથી. હવે ભાઇ મારા ઘરમાં રહે છે. તેણે તરત નવી વાર્તા શરૂ કરી.

અનુક્રમણિકા

૪૩ : શાહ બકબકી

મારો છઠ્ઠોભાઇ શાહ બકબકી ગરીબ હતો. પિતાએ આપેલી મુઠ્ઠીભર દોલતનો શો અર્થ! જોતજોતામાં બધા દિરહમ ખર્ચાઇ ગયા. એક દિવસ એ ખૂબ ધનવાન એવા બરમકીની હવેલીએ ગયો. તે તેની સામે જઇ ઊભો રહ્યો.

સફેદ દાઢી મૂછ અને સફેદ વાળમાં બરમકી પયગંબર જેવો લાગતો હતો. એણે પૂછ્યું - ‘અહીં કેમ આવ્યો છે. ભાઇ?’

બકબકીએ માથું હલાવી કહ્યું - ‘ગરીબનવાઝ! હું ખૂબ જ ગરીબ અને નિરાધાર છું.’ બરમકીએ ગર્વથી કહ્યું - ‘મારા હોતાં કોઇ ગરીબ શી રીતે રહી શકે! પાણી પીવું છે ભાઇ!’

મેં કહ્યું - ‘હા.’ પાણી લાવવા એણે બૂમ પાડી. ઘણીવાર થવા છતાં કોઇ પાણી લઇ આવ્યું નહીં. બરમકી જાણે ધોતો હોય એમ હાથ હલાવવા લાગ્યો. ઉપરથી જાણે પાણી ના પડતું હોય!

‘તું પણ હાથ ધોઇ લે.’ બરમકીએ કહ્યું. ભાઇ હાથ ધોવાનો અભિનય કરવા લાગ્યો. એ જ રીતે ખાવાનું ખાવાનો અભિનય કરવા એણે કહ્યું ત્યારે ભાઇએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે એમ કરવાથી એની ભૂખ મટશે નહીં. બરમકીએ પૂછ્યું - ‘તને ખીર ભાવે છે?’

ચિઢાઇને ભાઇએ જવાબ આપ્યો - ‘ક્યાં છે ખીર?’ પણ એ બરમકીના ભયને લીધે ખાવાનું નાટક કરતો રહ્યો. બધી જ સ્વાદિષ્ટ વાનગીઓના સ્વાદ એણે કહી બતાવ્યા. મીઠી શરબતનો આનંદ પણ એણે લઇ લીધો હતો જાણે. પછી એણે કહ્યું - ‘હું ખૂબ નશામાં છું.’ બરમકીએ હસીને કહ્યું - ‘દોસ્ત! કેટલાય દિવસોથી હું તારા જેવા માણસની શોધમાં હતો. તું મને અનુકૂળ નીકળ્યો. અમારી નાટકબાજીમાં ઘણો સમય બરબાદ થઇ ગયો. પણ એમાંય કઇંક રહસ્ય છે.’

એણે રસોઇયાને ખાવા પિરસવા સૂચના આપી. આશ્ચર્યની વાત તો એ હતી કે એણે જે સ્વાદિષ્ટ વાનગીઓની કલ્પના કરી હતી તે બધી જ ટેબલ પર મૂકવામાં આવી હતી. બકબકીએ ધરાઇને ભોજન કર્યું. મદિરા પણ પીધી.

એ પછી નર્તકીઓએ નાચ ગાન કર્યાં. બરમકીને ભાઇ પસંદ પડ્યો. એણે એને પોતાની પાસે રાખી લીધો. વીસ વરસ પાણીના રેલાની જેમ વહી ગયાં. ભાઇની પાસે ખૂબ ધનદોલત થઇ ગયાં. બરમકી બીમાર પડ્યો. એ મરી ગયો. એને કોઇ સંતાન ન હતું. તેથી એની સ્થાવર જંગમ મિલકત ઉપર રાજ્યની માલિકી થઇ ગઇ. જે હાલતમાં મારો ભાઇ બરમકી પાસે ગયો હતો એ જ હાલતમાં એ પાછો આવ્યો.

થોડા દિવસ પછી મારો એ ભાઇ એક કાફલા સાથે મક્કા જવા ચાલી નીકળ્યો. રસ્તામાં ડાકુઓએ એને લૂંટી લીધો. એક ડાકુએ એને ગુલામ બનાવી દીધો. એ ડાકુએ મારા ભાઇ પાસે ધનની માંગણી કરી. મારા ભાઇ પાસે શું હોય? ધત નહીં મળવાથી ઉશ્કેરાયેલા ડાકુએ મારા ભાઇના હોઠ ચીરી નાખ્યા. જ્યારે ડાકુ ધાડ પાડવા જતો ત્યારે એ એની પત્નીની દેખરેખ રામખવાનું કામ ભાઇને સોંપતો. ડાકુની બીકને લીધે મારો બાઇ એની વાસના સંતોષી શકતો નહતો. એકવાર એ બદચલન ડાકુરાણીએ ડાકૂની સામે કોઇક ઇશારો કર્યો. ડાકુએ એ ગુસ્સાથી તપાવેલા લાલચોળ તાંબા જેવો થઇ ગયો. એ મારા ભાઇને એક ઊંચા પહાડ પર મૂકી આવ્યો. તે પહાડ પરથી પસાર થતો રસ્તો બગદાદ જતો હતો. મને જ્યારે મુસાફરો દ્વારા ભાઇના વાવડ મળ્યા ત્યારે હું ત્યાં જઇ ભાઇને લઇ આવ્યો.

ખલીફા હારુન રશીદ મારી વાર્તાઓથી પ્રસન્ન થયા. તેમણે મને ‘મૌનીબાબા’નું નામ આપી દીધું. સાથે સાથે દેશ છોડી જવાનો હુંકમ પણ સંભળાવ્યો. ખલીફા મૃત્યુ પામ્યા ત્યારે હું બગદાદ પાછો આવી ગયો. મારા બધા ભાઇઓ મરી ચૂક્યા હતા. હવે હું આ અપંગની સેવામાં દિવસો પસાર કરું છું.

દરજીએ કૂબડા ગાયકની બધી હકીકત બાદશાહને જણાવી દીધી. બાદશાહે જેલમાંથી તરત જ ખવાસને બોલાવ્યો. બધી વાતો કહી જણાવ્યું કે અમને પણ કોઇ રોમાંચક વાર્તા સંભળાવો.

હજામે કહ્યું - ‘પહેલાં પેલા મૃત્યુ પામેલા કૂબડા ગાયકને હાજર કરો.’

કૂબડાની લાશ લાવવામાં આવી. લાશ જોઇ એણે કહ્યું કે આ તો હજુ જીવતો છે. એણે એની પેટીમાંથી તેલ કાઢી એની ગરદનની આજુબાજુ માલિસ કરી. પછી એના જડબામાંથી ચીપિયા વડે માછલીનો કાંટો ખેંચી કાઢ્યો. કુબડો છીંકો ખાવા લાગ્યો. એનું શરીર સળવળવા લાગ્યું. કુબડો જીવતો થઇ ગયો.

બાદશાહ હજામ પર ખુશ થઇ ગયો. એમણે એને દરબારમાં રાખી લીધો. દરજી, મોદી, હકીમ અને ફિરંગી એ ચારેયની સજા માફ કરવામાં આવી. રાત ઢળી ચૂકી હતી. સૂરજ ઊગી ગયો હતો. બાદશાહ શહરયાર એ વાર્તાઓમાં એવો તલ્લીન થઇ ગયો હતો કે કેટલી રાતો પસાર થઇ ગઇ એનું પણ એને ભાન ના રહ્યું.

દુનિયાજાદે કહ્યું - ‘દીદી! બીજી વાર્તા સંભળાવો.’

શહરજાદે કહ્યું કે આજે તે અબ્બુલહસન અને શમ્સુન્નહારની વાર્તા સંભળાવશે.

અનુક્રમણિકા

૪૪ : અબ્બુલહસન અને શમ્સુન્નહાર

હારુન રશીદના શાસન કાળમાં બગદાદમાં અબ્બુલહસન નામનો એક અત્તરનો વેપારી રહેતો હતો. એની પહોંચ શાહી મહેલની બેગમો અને દાસીઓ સુધી હતી. ઇરાનનો રાજકુમાર આ વેપારીને ત્યાં આવતો જતો રહેતો. આ રાજકુમાર બળવાન, સુંદર અને બુદ્ધિશાળી હતો. એનું સૌંદર્ય ગમે તેવી સ્ત્રીનું મન મોહી લે એવું હતું.

એક વખતની વાત છે. આ રાજકુમાર પેલા વેપારીને ત્યાં બેઠો હતો ત્યારે પાલખીમાં બેસી એક યુવતી ત્યાં આવી અને દુકાનની અંદર ચાલી ગઇ. એ સ્વર્ગની અપ્સરા જેવી સુંદર હતી. એના શરીર પરની સુગંધ હવામાં ફેલાઇ જતી હતી. એણે બુરખાની જાળી મોં પરથી દૂર કરી. જાણે એક સાથે સેંકડો ચંદ્રમાં ઠંડી ચાંદની ફેલાવવા લાગ્યા. બંન્નેની નજરો મળી, અને એકબીજા માટે પહેલી નજરનો પ્રેમ થઇ ગયો. બંન્નેએ પરસ્પરને દિલ દઇ દીધાં. તેઓ બંન્ને એકાંતમાં મળવા બ્હાવરાં બની ગયાં.

સુંદરીએ વેપારીને એકલા બોલાવી કહ્યું - ‘આ રાજકુમાર ઉપર હું ઓળઘોળ થઇ ગઇ છું. એની કાયાનાં કામણે મારું કાળજું વીંધી નાખ્યું છે. ગમેતેમ કરી એને મારા મહેલે લઇ આવશો તો હું આપનો ઉપકાર ક્યારેય નહીં ભૂલું.’ આટલું કહી તે સુંદરી ચાલી ગઇ.

રાજકુમાર હોશ ગુમાવી બેઠો. એને નથી ચેન કે નથી આરામ. એ પેલી સુંદરીના સૌંદર્યમાં ખોવાઇ ગયો હતો. જ્યારે વેપારીએ એને કહ્યું કે - ‘રાજકુમાર! હવે ભાનમાં આવો. પંખી તો ઊડી ગયું. એનો વિચાર કરવો માંડી વાળો. એતો ખલીફા બાદશાહ હારુન રશીદની પ્રેમિકા છે. આ બાબતની જરા સરખી ગંધ ખલીફાને આવી જશે તો તેઓ તમને અને મને ફાંસીએ લટકાવતાં વાર નહીં લગાડે.’

છતાં રાજકુમાર તો એનામાં જ ખોવાયેલો રહ્યો. આ લોકો હજુ વાતો જ કરતા હતા ત્યાં તો પેલી સુંદરીની એક દાસી ત્યાં આવી ચઢી. એણે કહ્યું - ‘મારાં માલકણે આપ બંન્નેને તેડાવ્યા છે. આપ જરાય ગભરાશો નહીં.’

તે બંન્ને દાસી સાથે ચાલી નીકળ્યા. સુંદરીનું નામ શમ્સુન્નહાર હતું. જેને પ્યારથી બધાં શમ્સ(સૂર્ય) કહેતાં હતા. તેનો પોતાનો ભવ્ય મહેલ હતો. જે કક્ષમાં એ બંને બેસાડવામાં આવ્યાં હતાં. તે કક્ષમાં ઇરાની કીમતી ગાલીચા બીછાવેલા હતા. એમાં રત્નજડિત આસન હતાં. રંગબેરંગી કાચનાં ઝુમ્મરો લટકી રહ્યાં હતાં. આખો શાહી ઓરડો પ્રકાશથી ઝળાંહળાં થઇ રહ્યો હતો.

થોડીવારે શમ્સ આવી. રેશમી પોશાકમાં એનું લાવણ્ય મન મોહક લાગતું હતું. એનું ફાટ ફાટ યૌવન આંખોને આંજી નાખતું હતું. રાજકુમાર બીન બજાવતો રહ્યો અને શમ્સ નાચતી રહી. બંન્નેનાં હૈયાં જ્યારે ઉત્તેજિત થઇ ગયાં ત્યારે પ્રેમની વેદનાએ મર્યાદા ઓળંગી દીધી. શમ્સ રાજકુમારનો હાથ ઝાલી બીજા એકાંત ઓરડામાં લઇ ગઇ. પ્રેમનો વિનિમય કરવામાં બંન્ને ખોવાઇ ગયાં. કોઇને સમયનું ભાન રહ્યું નહીં. ઘણીવાર થવા છતાં તેઓ બહાર આવ્યાં નહીં ત્યારે દાસીએ દરવાજો ખટખટાવ્યો. તેઓ ભાનમાં આવ્યાં. પછી એકબીજાનો હાથ ઝાલી બહાર આવ્યાં.

ત્યારે જ ખાસ દાસીએ આવી સમાચાર આપ્યા - ‘જહાંપનાહનો ખાસ ગુલામ ‘મશરૂમ’ આપની સેવામાં આવી ઊભો છે.

શમ્સે પેલા બંન્નેને છુપાવી દીધા.

એણે ગુલામને બોલાવ્યો. તેણે આવીને કહ્યું - ‘જહાંપનાહ આપને યાદ કરી રહ્યા છે.’

‘અહા! એતો મારું સદ્‌ભાગ્ય કહેવાય. હું તો એમનાં ચરણ ચૂમવા પણ તૈયાર છું.’

એણે તરત વિશ્વાસુ દાસીને સૂચના આપતાં કહ્યું - ‘ટરકસ નદીના કિનારાવાળા ગુપ્ત રસ્તે આ બંન્નેને બહાર મોકલી દે. ત્યાં નૌકા ઊભી છે.’

બાદશાહ આવતાં જ એ એની સેવામાં ઊભી થઇ ગઇ. ગાયિકાએ એક વિરહગીત ગાયું. શમ્સ વિહવળ બની ગઇ. બે દિવસ પછી આ વાત પૂરી થઇ ગઇ.

કહે છે કે પ્રેમ અને કસ્તૂરી કદી છૂપાં રહી શકતાં નથી. રાજકુમાર વિરહની આગમાં બળી જળીને સૂકાવા લાગ્યો. એણે ખાવા પીવાનું છોડી દીધું હતું. ત્યાં શમ્સની પણ એવી જ દશા હતી. વેપારીના એક દોસ્ત ઝવેરીએ પૂછ્યું કે, ‘શું શમ્સની દાસી આપની પાસે આવતી રહે છે?’

એણે ના પાડી. જ્યારે ઝવેરીએ વિશ્વાસ બંધાવ્યો કે એ કોઇ ગુપ્ત વાતને ઊઘાડી નહીં પાડે ત્યારે તેણે સાચી હકીકત જણાવી.

ઝવેરી ખરેખર નેક માણસ હતો. એણે વાતને પેટમાં જ ભંડારી દીધી. છતાં અત્તરના વેપારીની નિદ્રા તો વેરણ થઇ ગઇ. એણે વિચાર્યું કે ખલીફા બાદશાહને ખબર પડી જશે કે એ બંન્નેના મિલન માટે તે મદદ કરે છે ત્યારે બાદશાહ તેના આખા પરિવારને ઘાણીએ ઘલાવી તેલ કરાવશે. તે એટલો તો ગભરાઇ ગયો કે તેની અત્તરની દુકાન વેચી બીજે શહેર ચાલ્યો ગયો.

જ્યારે ઝવેરીને ખબર પડી કે વેપારી બીકનો માર્યો નાસી છૂટ્યો છે ત્યારે એ રાજકુમાર પાસે ગયો. તેણે તેને ભરોસો આપ્યો કે પોતે તેના પ્રેમના કિસ્સામાં મદદ કરશે જ.

એ વખતે શમ્સની ગુલામડી ત્યાં આવી. ઝવેરી સંતાઇ ગયો. તેના ચાલ્યા ગયા પછી એ પાછો આવ્યો. રાજકુમારે તેને કહ્યું કે દાસીને શંકા ગઇ છે કે વેપારીને મેં ભગાડી મૂક્યો છે. એ શંકાને દૂર કરવી જરૂરી છે. ઝવેરીએ એ કામમાં મદદ કરવાનું વચન આપ્યું. બીજે દિવસે દાસી શમ્સનો કાગળ લઇ આવી. એ કાગળ ભૂલથી નીચે પડી ગયો. ઝવેરીએ એ લઇ લીધો. તે તેને વાંચી રહ્યો હતો ત્યારે જ દાસી ત્યાં આવી ચઢી. ઝવેરીએ કાગળ તેને આપી દીદો. દાસીને ઝવેરી પર વિશ્વાસ થયો. દાસી રાજકુમારનો કાગળ લઇ પાછી ચાલી ગઇ. એ પછી શમ્સ અને રાજકુમાર એકબીજાને મળવા ખૂબ જ અધીરાં થઇ ગયાં.

દાસીએ જણાવ્યું કે શમ્સ જાતે એને મળવા આવશે. તેણે ભોજન, મદિરા અને બીજી વ્યવસ્થા ગોઠવવા તેને થોડીક સોનામહોરો આપી. ઝવેરીએ તરત જ એ સાધારણ મકાનના ઓરડાને સજાવી દીધો. સૂરજ ડૂબતાં જ શમ્સ એની વિશ્વાસુ દાસી સાથે આવી પહોંચી. બંન્ને જણાં વિરહના અગ્નિને મિલનના શીતળ વરસાદથી ઠંડો કરવામાં ખોવાઇ ગયાં.

ઝવેરી સચેત થઇ નજર રાખી રહ્યો હતો. ત્યારે કોઇકે ત્યાં આવીને એના કાનમાં કઇંક કહ્યું. આગંતુકની વાત સાંભળી ઝવેરી દોડ્યો. ઘેર આવી જોયું તો ડાકુઓ એનું ઘર લૂંટી રહ્યા હતા. એમના હાથમાં તલવારો હતી. કંઇવાર સુધી લૂંટફાટ કરીને તેઓ ચાલ્યા ગયા. પછી એક ગુલામે જણાવ્યું કે તેઓ ડાકુ હતા. તેમણે પહેલાં પણ આ શહેરમાં ધાડ પાડી હતી. જો બાદશાહને ખબર પડી કે શમ્સ મારા ઘરમાંથી અદૃશ્ય થઇ છે તો એ મને ફાંસીએ લટકાવી દેશે. આખી રાત એ બેચેન રહ્યો. સવાર પડતાં જ એક અજાણ્યો માણસ એને બોલાવવા આવ્યો. એણે એને કંઇંક કહ્યું. ઝવેરી એની સાથે ચાલી નીકળ્યો.

કેટલીયે ગલીઓ અને મહોલ્લા વટાવી એ જ્યાં ડાકુઓ ઊભા હતા ત્યાં પહોંચ્યો. ઝવેરીને જોતાં જ સરદારે કહ્યું - ‘આ બે પ્રેમીઓને જોઇ અમારાં દિલ પીગળી ગયાં છે. અમને એમના પર દયા આવે છે.’ ઝવેરીએ કહ્યું - ‘આ સુંદરી ખલીફા બાદશાહ હારુન રશદીની પ્રિયતમા શમ્સુન્નહાર છે, અને આ યુવક છે બસરાનો રાજકુમાર.’

સરદારને જેવી પોતાની ભૂલ સમજાઇ કે તરત તે બોલ્યો - ‘અમારી ભૂલ માફ કરો. અમે આપને ઓળખ્યાં નહીં. જો અમને તમારી ખરેખરી ઓળખાણ પડી હોત તો અમે આવું દુષ્કૃત્ય ના કરત.’ એમણે ઝવેરીનું લૂંટેલું ધન પાછું આપી દીધું. રાજકુમાર અને શમ્સને ડાકુઓએ મુક્ત કરી દીધાં.

અચાનક ત્યાં દરબારી સિપાઇ આવી ચઢ્યો. આવીને એ શમ્સને શાહી મહેલમાં લઇ ગયો. પેલા બંન્નેને એણે જવા દીધા. બંન્ને ઘેર આવ્યા. રાજકુમાર ઘણો દુઃખી હતો.

ત્રીજે દિવસે ઝવેરી એના મિત્રને ત્યાંથી આવી રહ્યો હતો ત્યારે એને શમ્સની દાસી રસ્તામાં મલી. એણે રાજકુમાર વિશે પૂછ્યું ત્યારે ઝવેરીએ કહ્યું કે શમ્સની યાદમાં એ બ્હાવરો બની ગયો છે. દાસીએ કહ્યું - ‘ડાકુઓએ તમારું ધન લૂંટી લીધું. એના બદલામાં મારી માલકણે બસો સોનામહોરો મોકલાવી છે. આપ એનો સ્વીકાર કરો.’

ઝવેરીએ સોનામહોરો લઇ લીધી. રાજકુમાર દુઃખી અને બેચેન હતો. એકવાર ઝવેરી બજારમાંથી પાછો ફરી રહ્યો હતો ત્યારે એક દાસી ગભરાતી ગભરાતી દોડીને તેની પાસે આવી કહ્યું - ‘આપ બંન્ને એટલું જલ્દી આ શહેર છોડીને ભાગી જાઓ. કારણ કે માલકણે એક દાસીને શાહી મહેલમાંથી કાઢી મૂકી છે. તેણે બદલો લેવા તમારી બંન્નેની વાત બાદશાહને જણાવી દીધી છે. બાદશાહે શમ્સને પકડાવીને પોતાની પાસે બોલાવી લીધી છે. એ જીવે છે કે મરે છે એતો અલ્લાહને ખબર!’

ઝવેરીએ આવીને રાજકુમારને બધું જણાવ્યું. ખૂબ વિકટ પરિસ્થિતિ હતી. નાસી છૂટવામાં જ સલામતી હતી. બંન્નેએ ઘણા બધા પૈસા સાથે લીધા અને ઘોડા ઉપર બેસી ‘અંબાજ’ નગર ભણી ચાલી નીકળ્યા. રસ્તામાં ડાકુઓએ એમને લૂંટી લીધા. બધીય મહોરો લઇ લીધી. કપડાં પણ ઉતરાવી દીધાં. એક માત્ર લંગોટી ભેર રઝળતા રઝળતા તે એક મસ્જિદમાં પહોંચ્યા. જ્યાં એક દયાળુ માણસે એમની દર્દભરી દાસ્તાન સાંભળી કપડાં આપ્યાં.

રાજકુમાર પ્રેમિકા શમ્સને યાદ કરી રડતો જ રહ્યો. એ બીમાર થઇ ગયો. વિરહની વેદના નહીં જીરવાતાં એણે ઝવેરીને કહ્યું. - ‘દોસ્ત! મારું મોત હવે નજીક છે. તું મારે ઘેર જજે અને મારી માને કહેજે કે એના દીકરાની અંતિમ ઇચ્છા એ હતી કે એને બગદાદમાં દફનાવવામાં આવે.’ એ પછી થોડા જ દિવસોમાં રાજકુમારનું મૃત્યુ થયું.

ઝવેરીએ બસરા જઇને બધી જ હકીકતથી તેની માને વાકેફ કરી. એની મા અને ઝવેરી અંબાજ નગર આવ્યા. અહીંથી રાજકુમારનું શબ લઇ તેઓ બગદાદ આવ્યાં. ત્યાં તેમણે જાણ્યું કે ખલીફાએ શમ્સને માફ કરી દીધી હતી. પણ તે રાજકુમારના પ્રેમને ભૂલી શક્યા ન હતા. છેવટે વિરહની વેદનામાં શમ્સ પણ આ ફાની દુનિયા છોડી ચાલી નીકળી.

ખલીફાએ મહેલમાં જ શમ્સની કબર તૈયાર કરાવી. હવે ખલીફાનું દિલ પીગળ્યું હતું. તેમને શમ્સ અને શાહજાદાના પ્રેમની સચ્ચાઇની ખાતરી થઇ ગઇ હતી. એણે એમ પણ કહ્યું કે જો ખુદાની મહેરબાનીથી શાહજાદાની લાશ અહીં આવે તો તેને પણ શમ્સની કબરમાં જ દફનાવવામાં આવશે. જેથી બંન્ને પ્રેમીઓ ફરી એકવાર સ્વર્ગમાં એકબીજાને મળી શકે.

શહરજાદે એની વાર્તાને વિરામ આપ્યો. દુનિયાજાદ અને બાદશાહ શહરયારનાં હૈયાં પણ ભરાઇ આવ્યાં. શહરજાદે કહ્યું - ‘કાલે હું આપને શાહજાદા કમરુજ્જમાંથી પ્રેમ કહાણી સંભળાવીશ.’

અનુક્રમણિકા

૪૫ : શાહજાદા કમરુજ્જમાંની પ્રેમકથા

પારસ નદીથી વીસ કોસ દૂર ચેર્લ્ડન ખાલ્દાન નામનો એક ટાપુ આવેલો હતો. બધી રીતે આ ટાપુ સરસ અને સુંદર હતો. અહીંના લોકો સુખી હતા. શાહજમાં અહીંનો બાદશાહ હતો. એને ચાર પત્નીઓ અને સાત રખાત હતી. છતાં દુઃખની વાત તો એ હતી કે બાદશાહને કોઇ ફરજંદ ન હતું. એક દિવસ એણે એના મંત્રીને કહ્યું - ‘મંત્રીજી! મારે બધી વાતનું સુખ છે. પણ પુત્ર વિના આ ટાપુ ભોગવશે કોણ?’

મંત્રીએ કહ્યું - ‘માણસ જ્યારે તમામ પ્રયત્નો કરી થાકી હારી જાય છે ત્યારે ખુદાનું શરણું સ્વીકારે છે. આપ ખુદાની બંદગી કરતા રહો. એ જ આપનું દુઃખ દૂર કરશે.’ બાદશાહની બંદગી ફળી. કેટલાક સમય પછી સૌથી મોટી બેગમે દીકરાને જન્મ આપ્યો. બાદશાહે એની ખુશાલીમાં ગરીબોને દાન આપ્યું અને અમીરોને ઇનામોની લ્હાણી કરી.

મૌલવીના કહ્યા પ્રમાણે દીકરાનું નામ ‘કમરુજ્જમાં’ રાખવામાં આવ્યું. શાહી મહેલમાં લાડપ્યારથી દીકરાનો ઉછેર થવા લાગ્યો. પંદર વર્ષની ઉંમરનો થતાં તો તેણે બધી વિદ્યાઓમાં નિપુણતા મેળવી લીધી. એને યુવરાજ પદ આપવામાં આવ્યું.

ઉંમરલાયક થતાં એના લાગ્નની વાત નીકળી તો સ્તબ્ધ થઇ ગયો. એ ખામોશ રહ્યો. લગ્ન માટે એણે સાફ ના પાડતાં કહ્યું કે - ‘હું જીવનભર કુંવારો રહેવા ઇચ્છું છું. કારણ કે સ્ત્રીઓનાં ચિત્ર વિચિત્ર ચરિત્રો વિશે મેં પુસ્તકોમાં ઘણું વાંચ્યું છે.’ શાહજાદાની અમ્મા ફાતમા બેગમે પણ દીકરાને ઘણું સમજાવ્યો. બાદશાહે વિચારી જોવા એક વર્ષનો સમય પણ એને આપ્યો. પણ તે એના નિઃશ્વાસમાં અડગ રહ્યો. વર્ષ પૂરું થતાં બાદશાહ શાહજાદા પર ખુબ ગુસ્સે થયા અને એમણે શાહજાદાને કેદમાં નંખાવી દીધો. એના મનોરંજન માટે ત્યાં કેટલાંક પુસ્તકો રાખવામાં આવ્યાં.

કેદખાનામાં એક જૂનો કૂવો હતો. એમાં એક અપ્સરા રહેતી હતી. દરરોજ અડધી રાતે એ કૂવામાંથી બહાર આવતી. એ આજે પણ બહાર આવી હતી. તે કેદખાનામાં અજવાળું જોઇ પાછી જતાં જતાં થોભી ગઇ. એણે સૂઇ રહેલા યુવરાજ તરફ નજર કરી. જોતાવેંત જ એના રૂપ ઉપર મોહી પડી. તે એને ચુંબન કરી આકાશમાં ઊડી ગઇ. તેને બીજા કોઇકના ઉડવાનો અણસાર આવ્યો. તેણે પૂછ્યું - ‘તું કોણ છે?’

તેણે કહ્યું - ‘હું વિતહુશ દૈત્ય છું. સરશાહનો દીકરો. હું ચીન દેશ જઇ રહ્યો છું. ત્યાં ‘ગોર’ નામે બાદશાહ છે તેને એક દીકરી છે. સુંદરતામાં આખી આલમમાં એનો જોટો ના જડે. કેટલાય બાદશાહો જાગીરદારો અને જમીનદારો તેની સાથે લગ્ન કરવા માટે ઉત્સુક છે. બાદશાહે એનું લગ્ન એની મરજી પર છોડી દીધું છે. એનું નામ ‘બદૌરા’ છે, તે પુરુષ જાતને નફરત કરે છે.

લગ્ન માટે એ વારંવાર ના પાડતી રહી ત્યારે એનાં મા બાપે વિચાર્યું કે બદૌરાની માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. એને કેદ કરવામાં આવી. એક ડોસીને એની સારસંભાળ લેવાનું સોંપ્યું. બાદશાહે ઢંઢેરો પીટાવ્યો કે જે કોઇ એને લગ્ન કરવા સમજાવશે એની સાથે જ એનું લગ્ન કરાવી આપવામાં આવશે. ‘કેદમાં એક શાહજાદો પણ હતો. અનુપમ અને આકર્ષકનું એકવાર એને જોઇશ તો થશે કે કેટલીયે બદૌરા એના પર કુરબાન થઇ જાય એમ છે. એને પણ એના બાપે. લગ્ન નહીં કરવાની હઠને લીધે જ કેદ કરી રાખ્યો છે.’

દૈત્ય બદૌરાને અને અપ્સરા કમરુજ્જમાંને સુંદર કહેતાં જ રહ્યાં. ખૂબ લાંબી ચર્ચા ચાલી. દૈત્ય વટમાં આવી ગયો. તેણે કહ્યું કે તે આજ સમયે શાહજાદીને ઊઠાવીને લઇ આવેછે. દૂધનું દૂધ અને પાણીનું પાણી.

દૈત્ય ચીન પહોંચ્યો. અને બદૌરાને ઊઠાવી લઇ આવ્યો, અને લાવીને શાહજાદાની પાસે સુવડાવી દીધી. બંન્ને ખૂબ આકર્ષક હતાં. કોણ કોનાથી વધુ સુંદર છે એ કહેવું મુશ્કેલ હતું. ફેંસલો કરવો અઘરું હતું. હવે શું કરવું? છેવટે નક્કી કરવામાં આવ્યું કે ફેંસલો કોઇ ત્રીજા મારફતે જ કરાવવો. પેલી અપ્સરાએ ‘કરકસ’ દૈત્યને બોલાવ્યો. એને પૂછ્યું - ‘આ બેમાં કોણ વધુ સુંદર છે?’ કરકસ પણ તમ્મર ખાઇ ગયો. બંન્ને આ ધરતી ઉપરનાં અતિસુંદર સ્ત્રીપુરુષ હતાં.

હવે બંન્નેને જગાડવાનું નક્કી થયું, જેથી એ બંન્ને જાતે જ ફેંસલો કરી લે. બસ, પછી તો અપ્સરા ક્ષણવારમાં મચ્છર થઇ ગઇ. એણે રાજકુમારની બોચી ઉપર ડંખ માર્યો. એ ચમકીને બેઠો થઇ ગયો. એ એના અનુપમ લાવણ્યને જોઇ જ રહ્યો. બસ, પછી તો એણે એને એના બાહુપાશમાં જકડી લીધી. ચુંબનોનો વરસાદ વરસાવ્યો. એણે વિચાર્યું કે એના અબ્બાજાને પહેલાં આ સુંદરી બતાવી હોત તો એણે લગ્નની ના જ ના પાડી હોત! અરે! આ કેવી સુંદર છે! સ્વર્ગની અપ્સરાય એની આગળ પાણી ભરે. રાજકુમારે એને જગાડવા વિચાર્યું પણ એ માયાવશ સૂઇ જ રહી. રાજકુમારે પોતાની વીંટી એની આંગળીએ પહેરાવી દીધી અને એની વીંટી પોતાની આંગળીએ પહેરી લીધી. પછી એ પણ ઘોર નિદ્રામાં સરી પડ્યો.

આ વખતે અપ્સરા બદૌરાને મચ્છર બની કરડી. તે જાગી ગઇ. પાસે સૂતેલા રાજકુમારને જોતાં જ એ મોહિત થઇ ગઇ. એ પણ વિચારવા લાગી કે પિતાજીએ આ પુરુષની સાથે લગ્ન કરવા જણાવ્યું હોત તો હું કોઇ વિરોધ ના કરત. પછી એ પણ માયાવશ સૂઇ ગઇ. અપ્સરાએ હાર સ્વીકારતાં કહ્યું - ‘શાહજાદી વધારે સુંદર છે. હવે તું એને જ્યાંથી લાવ્યો હોય ત્યાં પાછી મૂકી આવ.’

દૈત્યે એને તરત ચીન પહોંચાડી દીધી. સવાર થતાં રાજકુમારે પહેરેદારને પૂછ્યું - ‘રાત્રે અહીં એક સુંદરી સૂતી હતી એ ક્યાં ગઇ?’

પહેરેદારે નમ્રતાથી કહ્યું - ‘શાહજાદે આલમ! આપે કોઇ સપનું જોયું હતું કે શું? આપના ઓરડાનું તાળું તો બંધ છે. જરૂર આપને કોઇ ભ્રમ થયો લાગે છે.’

રાજકુમારે ક્રોધાવેશમાં કહ્યું - ‘તું લુચ્ચો છે. જૂઠ્ઠું બોલે છે. સાચે સાચું કહે, નહીં તો હું તને કૂવામાં ઊંધો લટકાવી દઇશ.’

કૂવામાં લટકાવવાની વાત સાંભળી પહેરેદારે કરગરીને કહ્યું - ‘હુજૂર! પૂછપરછ કરીને હું તમને ખરી હકીકત બતાવીશ.’

તે બાદશાહને બોલાવી લાવ્યો. તેમણે પૂછ્યું - ‘બેટા! તું શું રાત્રે યુવતીની વીંટી.’ કહેતાં એણે બાદશાહ સામે આંગળી ધરી. વીંટી જોઇ બાદશાહને નવાઇ લાગી. પછી દીકરાની વિહ્‌વળતા જોઇ કહ્યું - ‘બેટા! ગભરાઇશ નહીં. હું જલ્દીથી એની સાથે તારું લગ્ન કરાવી આપીશ.’ તેમણે અનેક દેશો અને બંદરો પર એ યુવતીને શોધવા માણસો મોકલ્યા.

અહીં જ્યારે શાહજાદી બદૌરા જાગી તો તેની પણ આવી જ દશા હતી. એણે એની વૃદ્ધ પાલક માતાને આખી ઘટના કહી સંભળાવી. પછી પૂછ્યું - ‘એ સુંદર નવયુવાન ક્યાં છે?’ પાલક માતાએ કહ્યું - ‘એવો કોઇ યુવાન નથી. લાગે છે કે તને ભ્રાંતિ થઇ હોવી જોઇએ અથવા તેં સ્વપ્નું જોયું હોવું જોઇએ.’

‘ના, મા ના! એ ભ્રાંતિ નથી કે નથી સ્વપ્નું. એ વાત સાચી છે. ખુદાની કસમ. તમે બધાં એ વાત મારાથી છુપાવી રહ્યાં છો.’ એ બેબાકળી થઇ ગઇ. લોકોને મારવા લાગી. પછી એ દોડી ગઇ. એ જાણીને એની મા મોટી બેગમ ત્યાં આવી. એણે પણ કહ્યું કે આટલા કડક પહેરામાં અંદર ચકલુંય ના આવી શકે.

ત્યારે શાહજાદીએ એની માને વીંટી બતાવી. શાહજાદીએ કહ્યું - ‘તેના વિશે હું કશું જ જાણતી નથી. પણ હવે હું એટલું જાણું છું કે તેના વગર હું જીવી શકીશ નહીં. જો એ મને નહીં મળે તો હું આત્મહત્યા કરી લઇશ.’ સમસ્યા ઘણી ગંભીર હતી. બેગમને તો થયું કે કુંવરી કોઇક કાળા જાદુનો શિકાર થઇ ગઇ છે. એટલે એણે જાહેરાત કરાવી કે જે કોઇ કુંવરીને સાજી કરી દેશે એને એ પોતાનો જમાઇ બનાવશે.

શાહજાદીનાં તોફાન વધી જવાથી એને સોનાની સાંકળે બાંધી દેવામાં આવી. પાલક માનો એક દીકરો હતો. એનું નામ હતું મરજૂબા. એ ઘણો જ હોંશિયાર હતો. તે લગભગ કુંવરી જેટલી જ ઉંમરનો હતો. તે જ્યોતિષવિદ્યાનો પણ જાણકાર હતો.

આ મરજુબાં જ્યારે ચીન આવ્યો ત્યારે એક નગરની બહાર એણે કેટલાંક મસ્તક લટકતાં જોયાં. ભાળ મેળવતાં એને જાણવા મળ્યું કે શાહજાદીને સાજી કરવા આવેલા કમભાગી માણસોનાં એ માથાં હતાં. તે શાહજાદી પાસે આવીને બેસી ગયો. એણે જ્યોતિષવિદ્યા અજમાવી, અને પાસા ફેંક્યાં. રાજકુમારીએ કહ્યું - ‘ભાઇજાન! હું પાગલ નથી કે નથી તો મને ભૂતપ્રેતનો વળગાડ વળગ્યો. મારી માની ભૂલ થઇ લાગે છે.’

મરજૂબાંને પાકી ખાતરી થઇ ગઇ કે શાહજાદી કોઇકના પ્રેમમાં દીવાની બની ગઇ હતી. એણે એને ખાતરી આપતાં કહ્યું કે એ પેલા યુવાનને શોધી કાઢશે નહીં ત્યાં સુધી પગ વાળીને બેસશે નહીં. એ યુવાનનો પત્તો લગાવવા ઠેકઠેકાણે ફરવા લાગ્યો. એને માત્ર રાજકુમારીની દીવાનગીની વાતો જ સાંભળવા મળી.

જ્યારે એ ફરતો ફરતો ખાલ્દાન ટાપુની આસપાસ પહોંચ્યો ત્યારે એણે શાહજાદા કમરુજ્જમાંની પ્રેમ કહાણી સાંભળી. એને સમજતાં વાર ના લાગી કે આ યુવાન આ પ્રદેશનો જ રહેવાસી હોવો જોઇએ. એના મનમાં આશાનો સંચાર થયો.

એણે તે ટાપુ પર જવાનું નક્કી કર્યું. એ જહાજ લઇ ચાલી નીકળ્યો. એનું જહાજ પાણી ઉપર સરી રહ્યું હતું. એકાએક પવનની ગતિ તેજ થઇ ગઇ. અચાનક જહાજ કોઇક ખડક સાથે અથડાયું. અથડાઇને તે તૂટી ગયું. મરજુબાંએ તૂટેલા જહાજના એક લાકડાના પાટિયાને પકડી લીધું. એ પાટિયાની મદદથી તરવા લાગ્યો.

એ ખૂબ સંકટમાં હતો. ત્યાં કિલ્લાના બૂરજ ઉપર બાદશાહ શાહજમાં બેઠો બેઠો નદીના વહેતા પાણીને જોઇ રહ્યો હતો. વહેતા પાણીના કલકલ અવાજમાં એ લીન હતો. અચાનક નદીમાં એણે કોઇ માણસને બચવા માટે તરફડિયાં મારતો જોયો. એણે એના સેવકોને પેલા ડૂબતા માણસને બચાવી લેવા હુકમ કર્યો.

સેવકો મરજુબાંને બહાર લઇ આવ્યાં. શાહજમાંએ એની સાથે વાતચીત કરી. એણે જ્યારે રસપૂર્વક વાત કરી તો બાદશાહને થયું કે એને રાજકુમાર પાસે મોકલી દેવો જોઇએ.

મરજુબાંને રાજકુમાર કમરુજ્જમાં પાસે મોકલવામાં આવ્યો. શાહજાદાએ દુઃખી સ્વરે એને કહ્યું - ‘હે ભાઇ! મારા રોગની દુનિયામાં કોઇ દવા નથી. મને પ્રેમરોગ થયો છે. પ્રેમની પીડાથી હું કળીએ કળીએ કપાઇ રહ્યો છું.’

હસીને મરજુબાંએ કહ્યું - ‘શાહજાદા સાહેબ! તમારા રોગની દવા મારી પાસે છે.’

‘હેં...એં...એં...!! શું વાત કરો છો!’

‘હા, હું સાચું કહું છું.’ ‘શી દવા છે,જલ્દી કહો.’

‘તમે જેના પ્રેમમાં પડી સાનભાન ખોઇ બેઠા છો એ યુવતી ચીનના બાદશાહની દીકરી છે. એનું નામ બદૌરા છે. એ પણ આપને માટે, જેમ પાણીની બહાર માછલી તડપે એમ તડપી રહી છે, તમને એ સાંભળીને આનંદ થશે કે ચીનના બાદશાહ ‘ગોરે’ એલાન કર્યું છે કે જે એની દીકરીનું દર્દ દૂર કરશે એની સાથે જ એ એને પરણાવશે.’

શાહજાદો કામરુજ્જમાં જોતજોતામાં સ્વસ્થ થઇ ગયો. બાદશાહ પેલા આંગુતક મરજુબો પર પ્રસન્ન થયો. એણે એને મોટું ઇનામ આપ્યું. એક દિવસ શાહજાદાને થોડા બહાદુર સૈનિકો સાથે લઇને તે જંગલમાં શિકાર કરવા નીકળી પડ્યો.

બે ત્રણ શિકાર કર્યા પછી મરજુબાંએ પાસો ફેંક્યો. એણે જાતે બે ઘોડા લીધા, ને પણ સૈનિકો જાણી ના જાય એમ. પછી શાહજાદાને લઇ એ જુદા જ રસ્તે ચાલી નીકળ્યો. ખૂબ દૂર નીકળી ગયા પછી એણે એક જાનવરનો શિકાર કર્યો. એ જાનવરના લોહીથી શાહજાદાનાં કપડાં ખરડીને ફેંકી દીધાં. ઘોડા પણ જંગલમાં છોડી મૂક્યા.

આ નાટક પછી શું થયું. જાણો છો?

સૈનિકો શાહજાદાને શોધવા આખું જંગલ ખૂંદી રહ્યાં હતાં. ત્યારે તેમણે લોહીથી ખરડાયેલાં શાહજાદાનાં વસ્ત્રો જોયાં. એમણે માની લીધું કે કોઇ આદમખોર જંગલી જાનવરે એમને ફાડી ખાધાં હશે. તેઓ ઉદાસ અને દુઃખી થઇ પાછા વળી ગયા.

મરજૂબાં સાથે કમરુજ્જમાં ક્યારેક ઊંટ, ક્યારેક ઘોડા કે ક્યારેક નૌકામાં બેસી સફર કરતો કરતો ચીન પહોંચી ગયો. જ્યોતિષીના સ્વાંગમાં શાહજાદીનો ઇલાજ કરવા, બાદશાહ પાસે કહેણ મોકલ્યું. બાદશાહે જ્યોતિષીને બોલાવ્યો. પણ એ ન હતા ઇચ્છતા કે આટલો સરસ નવયુવાન રાજકુમારી પાસે ઇલાજ કરવા જાય અને નિષ્ફળ જતાં મોતને વહાલું કરે. પણ જ્યોતિષીએ પાકી ખાતરી આપ્યા પછી બાદશાહે તેને ઇલાજ કરવા મંજૂરી આપી.

કારાગાર પાસે જઇ એણે શાહજાદીને વીંટી મોકલાવી. વીંટીને ઓળખતાં જ શાહજાદી વ્યાકુળ થઇ ગઇ. એણે બેડીઓ તોડી નાખી. અને શાહજાદાની પાસે જઇ, જેમ વેલ વૃક્ષને વિંટળાઇ જાય એમ એને વિંટળાઇ ગઇ. એ રડતી રડતી કહેવા લાગી - ‘મારી જિંદગીના આધાર! મારાં સ્વપ્નોના શાહજાદા! તમારે માટે હું બીમાર હતી.’ મન ભરીને પ્રેમગોષ્ઠિ કર્યા પછી બંન્ને જણાં ચીનના બાદશાહ ‘ગોર’ સામે જઇ ઊભાં.

બાદશાહે કહ્યું - ‘પહેલાં તું તારી ઓળખાણ આપ.’ તેણે કહ્યું - ‘હું બાદશાહ શાહજમાંનો પુત્ર કમરુજ્જમાં છું. અમે એક ટાપુના માલિક છીએ. હું ઘણી બધી વિદ્યાઓ જાણું છું. એના સ્વપ્નામાં હું આવ્યો હતો અને મારા સ્વપ્નામાં આ આવી હતી. અમારા દેહ ભલે જુદા રહ્યાં, આત્મા એક જ છે.’ જાણીને બાદશાહ ખુશ ખુશ થઇ ગયો. સારું મૂહુર્ત જોઇને એણે કુંવરીના નિકાહ કમરુજ્જમાં સાથે કરાવી દીધા.

આ નેક કામ માટે મરજુબાંને બાદશાહે વજીરપદ ભેટ ધર્યું.

કમરુજ્જમાંને બાદશાહે રાજ્યનો મુખ્ય વજીર બનાવ્યો.

બદૌરા અને કમરુજ્જમાં ચીનમાં રહીને આનંદથી જીવન પસાર કરતાં હતાં. તેમને કોઇ વાતનાં દુઃખ કે ચિંતા ન હતાં. એક દિવસ કમરુજ્જમાંએ સ્વપ્નામાં પિતાનાં દર્શન કર્યાં. જાણે એ ગંભીર માંદગીમાં સપડાયા હતા. એ ‘બેટા!...બેટાં! તું ક્યાં છે?’ એમ બબડી રહ્યા હતા.

શાહજાદાએ તેની પત્નીને પિતાની માંદગીના સમાચાર આપ્યા. એણે ખાતરીપૂર્વક કહ્યું કે એનું સ્વપ્નું કદી જૂઠ્ઠું હોઇ શકે નહીં. બદૌરાને પણ ચિંતા થઇ. એણે એના પિતાને એ વાતની જાણ કરી. એણે પિતાને સાસરે જવાનું જણાવ્યું. ખૂબ ખિન્ન મને ગોરે એની દીકરીને સાસરે જવા અનુમતિ આપી. કેટલાય ઘોડા, રથ, વસ્ત્રાલંકારો અને આભૂષણો આપી એને વિદાય કરી.

રસ્તો લાંબો અને કઠિન હતો. એ ચાલતાં જ રહ્યાં. થાકે ત્યારે વિસામો ખાઇ લેતાં. મુશ્કેલીઓ વેઠતાં વેઠતાં એ જંગલી જાનવરોથી ભરેલા ભયાનક જંગલમાં તેઓ પહોંચ્યાં. એક જગાએ એમણે પડાવ નાખ્યો. રાત્રે જ્યારે શાહજાદી સૂઇ ગઇ ત્યારે શાહજાદની નજર એના ચાંદીના બટુવા પર પડી.

કમરુજ્જમાંની આતુરતા વધી. એણે બટવો હાથમાં લીધો. ઉઘાડ્યો. એમાં સિક્કાના આકારવાળી એક લાલ વસ્તુ એણે જોઇ. એને બરાબર સમજવા એ ચાંદનીના અજવાળામાં આવ્યો.

ચંદ્રના અજવાળામાં એ લાલ વસ્તુ માંસના ટુકડાની જેમ ચમકતી હતી. એ જ્યારે એને ધારી ધારી જોઇ રહ્યો હતો. ત્યારે કોઇ નિશાચર પક્ષી એના હાથમાંથી ઝપટ મારીને એને લઇ ઊડી ગયું.

એની પત્ની આ વાત જાણશે ત્યારે નિરાશ અને ઉદાસ થશે એ વિચારે એ નિશાચર પક્ષી પાછળ દોડ્યો. પણ પક્ષી કઇં હાથમાં આવે? એ પીછો કરતો જ રહ્યો. આમને આમ અગિયાર દિવસ વીતી ગયા. પક્ષી તો છૂ થઇ ગયું, પણ બિચારો શાહજાદો ભૂલો પડી ગયો. છતાં પણ એ હિંમત હાર્યો નહીં. પક્ષીની શોધ એણે ચાલુ જ રાખી. એને એક માળીનો ભેટો થઇ ગયો. માળીએ એને જણાવ્યું કે એ એક હિંદુરાજ્યમાં આવી ચઢ્યો હતો. આ રાજ્યમાં એક પણ મુસલમાન નથી. આજે અમારો તહેવારનો દિવસ છે. તેથી તેને કોઇ તકલીફ નહીં પડે એમ પણ એણે જણાવ્યું. તેણે શાહજાદાને આરામ કરી, ભોજન લઇ પશ્ચિમ દિશા તરફ ચાલ્યા જવા કહ્યું. એણે એમ પણ કહ્યું કે ચાલતા જતાં એ એના ગન્તવ્ય સ્થળે આશરે એક વર્ષમાં પહોંચી જશે. બીજો કોઇ ઉપાય ન હતો. એણે કહ્યું - ‘તારે તારી જાત છુપાવી. નદી કિનારે જહાજની રાહ જોવી પડશે.’

અવારનવાર કમરુજ્જમાં એની પત્ની બદૌરાને યાદ કરીને રડી લેતો. અહીં, બદૌરાએ જ્યારે એના બટુવામાં માયાવી કાચના ટુકડાને જોયો નહીં ત્યારે એ સમજી ગઇ કે, હવે કેટલાક દિવસ એને વિરહમાં પસાર કરવા પડશે એ રાજકુમારનું રૂપ ધારણ કરીને તેની સાસરી ચેલ્ડાન તરફ ચાલી નીકળી.

ચાલતી ચાલતી એ ‘અબૂની’ જઇ પહોંચી ત્યાંના બાદશાહે તેને અતિથિ સમજી આશ્રય આપ્યો. ત્રીજા દિવસે એ જવાની રજા માગી ત્યારે બાદશાહે કહ્યું - ‘હે રાજકુમાર! હવે હું વૃદ્ધ થઇ ગયો છું. મારે સંતાનમાં એક દીકરી સિવાય બીજું કોઇ નથી. એ ખૂબસુરત અને યુવાન છે. એનાં લગ્ન તારી સાથે કરવાની મારી ઇચ્છા છે.’

બદૌરા ધર્મસંકટમાં મૂકાઇ ગઇ. એ પોતે સ્ત્રી હતી. એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે શી રીતે લગ્ન કરી શકે! પણ જો એ ના પાડે તો ગુસ્સામાં બાદશાહ એને કારાગારમાં ધકેલી દે એમ હતું. અને જો હા પાડે તો પહેલી રાતે જ જૂઠાણું પકડાઇ જાય એમ હતું. તેમ છતાં એણે ઊંડો વિચાર કરીને શાહજાદી હયાતુન્નફસ સાથે નિકાહ પઢી લીધા.

રાત પડતાં જ્યારે ‘હયાત’ સુહાગરાત મનાવવા તેના પતિ પાસે પહોંચી ત્યારે બદૌરા ખુદાની બંદગી કરવા બેસી ગઇ. જ્યારે હયાત સૂઇ ગઇ ત્યારે એ પણ સૂઇ ગઇ. એ સવારે વહેલી ઊઠીને દરબાર ભણી ચાલી ગઇ. આમ, ત્રણ દિવસ વહી ગયા. બદૌરા જેવી બંદગીમાંથી ઊઠી કે હયાતે કહ્યું - ‘તમે કેમ મારી સાથે બોલતા નથી? આપના અબોલાની વાત જાણી મારા પિતા દુઃખી દુઃખી થઇ ગયા છે. આપ મારો અપરાધ જણાવશો? જો બેકસૂર એવી મને આપ સતાવશો તો મારા પિતા આપના ધડ ઉપરથી માથું ઉતારી લેશે.’

અંતે બદૌરાને સાચી હકીકત જણાવી દેવાનું જ ઠીક લાગ્યું. એણે હયાતને છાતીએ વળગાડી કહ્યું - ‘બહેન! મને માફ કરીને મારો જીવ બચાવી લે.’ બહેન એવું સંબોધન સાંભળતાં જ હયાત છળી ગઇ.

‘હા, બહેન! હું તારી જેમ સ્ત્રી છું. પતિથી છૂટી પડેલી હું તેમને શોધવા ભટકી રહી છું.’ કહેતાં એણે પોતાની વીતકકથા કહી સંભળાવી.

હયાતનું હૈયું મીણની જેમ પીગળી ગયું. એણે બદૌરને બધું જ સંભાળી લેવાની ખાતરી આપી. અને ખરેખર હયાતે સ્થિતિ સંભાળી પણ લીધી.

અહીં કમરુજ્જમાં માળીને ત્યાં રહી કામ કરતો રહ્યો. એ માળી એને પોતાનો પુત્ર સમજતો હતો. એક દિવસ એક જહાજ આવ્યું. માળીએ એને ખાવાનું અને ફળો આપી વિદાય કર્યો. એ નદી કિનારે જઇ રહ્યો હતો. થાકી જવાથી એ એક ઝાડ નીચે આરામ કરવા બેઠો. ત્યાં બે ચકલીઓ લડી રહી હતી. એકાએક એક ખૂંખાર ચકલીએ બીજી ચકલીને પીંખી નાખી. એ નીચે પડી. એના પેટમાંથી પેલી લાલ વસ્તુ નીકળી ગઇ. એ વસ્તુ એણે ઊઠાવી લીધી અને ધોઇ નાખી. એ રાજીના રેડ થઇ ગયો. જે વસ્તુ માટે એ આટઆટલાં સંકટો વેઠી રહ્યો હતો એ જ લાલ વસ્તુ હતી એ.

આ સમયે માળીએ આવીને એને કહ્યું - ‘વહાણ આવતાં વાર લાગશે, ત્યાં સુધી તું આ ઝાડ કાપી નાખ.’ઝાડ કાપતાં જ એને એક રસ્તો દેખાયો. એ એમાં દાખલ થયો તો એણે જોયું કે એમાં સોનાના ચૂરણથી પચાસ વાસણો ભરેલાં હતાં. કમરુજ્જમાંએ માળીને આ વાત જણાવી. માળીએ એ બધું ધન એને ભેટ ધરી દીધું. કોઇને ખબર ના પડે માટે એ સોનાના ચૂર્ણ પર એણે ઓલિવનાં પાંદડાં ઢાંકી દીધાં.

સોનાનું ચૂરણ ભરેલાં પેલાં વાસણો જહાજ ઉપર ચઢાવી દેવામાં આવ્યાં. પણ શાહજાદો ત્યાં પહોંચ્યો ન હતો. હા, એણે એક વાસણમાં પેલી માયાવી વસ્તુ મૂકી દીધી. જહાજ ચાલવા લાગ્યું. જહાજ આખરે સબૂનીના કિનારે પહોંચ્યું. બદૌરા દરરોજ આવતા વહાણને જોતી. એ દિવસે જહાજ આવેલું જાણી એણે પૂછપરછ કરી તો કપ્તાને કહ્યું કે જહાજમાં માલ ભરેલો છે. પણ માલ લાવનાર મુસાફર ત્યાં રહી ગયો છે.

એણે બધો માલ ખરીદી લીધો. મહેલમાં આવી એણે વાસણો ખોલ્યાં તો એણે પેલી માયાવી ચીજ પણ જોઇ. બદૌરા એને ઓળખી ગઇ.

કપ્તાનને એણે પાસે બોલાવ્યો. એણે એને બધી હકીકત પૂછી કપ્તાને કમરુજ્જાંના દેખાવનું વર્ણન કર્યું ત્યારે એણે ધમકી ભર્યાં અવાજમાં કહ્યું કે એણે માલ લઇને મુસાફરને કેમ એકલો છોડી દીધો. જાઓ, જઇને એ મુસાફરને લઇ આવો નહીં તો જહાજ જપ્ત ફરી લેવામાં આવશે.’

કપ્તાન ગભરાઇ ગયો. એ પાછો ગયો અને શાહજાદાને લઇ આવ્યો. શાહજાદાને નવરાવીને નવાં વસ્ત્રો પહેરાવ્યાં. શાહજાદા બદૌરા હજુ પણ પુરુષના વેશમાં જ હતી.

કમરુજ્જમાં એને ઓળખી ના શક્યો. જ્યારે એને પેલી માયાવી વસ્તુ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે એણે બધી હકીકત બયાન કરી.

બદૌરા અંદર ગઇ. એ સ્ત્રીનાં વસ્ત્રો ધારણ કરી પાછી આવી ત્યારે કમરુજ્જમાં એને જોઇ જ રહ્યો. ગળગળા થઇ એણે કહ્યું - ‘મારી જાને જિગર! હું અબૂનીના બાદશાહનો આભારી છું કે જેથી હું તને ફરી પાછી મેળવી શક્યો.’ એ બદૌરાને લઇ એ બાદશાહ પાસે ગયો.

અબૂનીએ પૂછ્યું - ‘જુવાન! મારી દીકરી અને જમાઇ ક્યાં છે?’

કમરુજ્જમાંએ અબૂનીને આખો વૃત્તાંત કહી સંભળાવ્યો.

વૃત્તાંત સાભળી બદૌરાએ બાદશાહને કહ્યું કે હયાતના નિકાહ શાહજાદા કમરુજ્જમાં સાથે કરવામાં આવે. બંન્ને પત્નીઓ સાથે શાહજાદો અમનચેનથી રહેવા લાગ્યો. એ બેગમોના પ્રેમમાં ખોવાઇ ગયો.

સમય જતાં બંન્નેએ એક એક દીકરાને જન્મ આપ્યો. બદૌરાના પુત્રનુ નામ ‘અમજદ’ પાડવામાં આવ્યું. અને હયાતના દીકરાનું નામ પાડવામાં આવ્યું ‘અસદ.’

અનુક્રમણિકા

૪૬ : અમજદ અને અસદ

બેગમ શહરજાદે પતિ શહરયાર સામું જોઇ કહ્યું - ‘અમજદ અને અસદ નો કિસ્સો તો એથીયે વધુ લાજવાબ છે.’ ‘સંભળાવો.’ શહરયારે કહ્યું.

શહરજાદે શરૂ કરતાં કહ્યું - અમજદ અને અસદનો ઉછેર શાહી ઠાઠમાઠથી થયો હતો. છ સાત વરસના થતાં એમણે બધી વિદ્યાઓ શીખી લીધી હતી. તેઓ જુવાન થતાં જંગલમાં જઇ શિકાર પણ કરવા લાગ્યા હતા.

જુદા જુદા મહેલ હોવા છતાં તેઓ સાથે જ રહેતા. તેમને એક બીજા માટે ખૂબ પ્રેમ હતો. બાદશાહની અનુપસ્થિતિમાં તેઓ રાજકાજમાં પણ ધ્યાન આપતા હતા. એકવાર અમજદ કોઇ કામે જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં એને એક ગુલામ મળ્યો. માથું ઝૂકાવી એણે કહ્યું - ‘ઊભા રહો.’

અમજદે ઘોડાને થોભાવ્યો. ગુલામે તેને કાગળ આપ્યો. અમજદે કાગળ વાંચ્યો અને ગુલામનું માથું ધડ પરથી ઉતારી લીધું. બીજે દિવસે એક ઘરડી સ્ત્રીએ એવો જ પત્ર અસદને આપ્યો. એણે પેલી વૃદ્ધાનું માથું કાપી નાખ્યું.

એમની માતાઓએ એમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે એમણે કશો જવાબ આપ્યો નહીં. કમરુજ્જમાં આવતાં જ બંન્ને પત્નીઓએ આ કતલની વાત તેને જણાવી. એણે દીકરાઓને કતલનું કારણ પૂછ્યું, તેઓ પિતાને પણ કોઉ ઉત્તર આપી શક્યા નહીં. આથી ગુસ્સે થયેલા એમના પિતાએ વજીર જિંદરને હુકમ કર્યો કે તે બંન્ને દીકરાઓને જંગલમાં લઇ જઇ એમનો માથાં ઉતારી લે. જિંદર ધ્રુજી ગયો. પણ બાદશાહનો હુકમ માન્યા વગર ક્યાં છૂટકો હતો?

શાહજાદઓએ પિતાનો હુકમ માથે ચઢાવ્યો. આજ વખતે જિંદરનો ઘોડો દોડ્યો. એ એને પકડવા પાછળ દોડ્યા. ત્યારે જ ઝાડીમાંથી એક વાઘ બહાર આવ્યો અને જિંદર પર હુમલો કર્યો. અમજદે એ જોયું. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી એ વાઘ પર તૂટી પડ્યો અને વાઘના રામ રમાડી દીધા.

જ્યારે શાહજાદાઓએ એમનાં માથાં કલમ કરવા કહ્યું ત્યારે જિંદરે નનૈયો ભણ્યો. એ બોલ્યો - ‘જેણે મારો જીવ બચાવ્યો હોય તેને હું શી રીતે મારી નાખું!’ પછી તેણે ઉમેર્યું - ‘આપને હલાલ નહીં કરવાની ભલે ગમે તેટલી મોટી સજા મને મળે. હું એ સજા ભોગવવા તૈયાર છું. હું આપના ઝભ્ભા વાઘના લોહીથી રંગી કહી દઇશ કે મેં આપને હલાલ કરી દીધા છે.’

કમરુજ્જમાંએ જ્યારે ઝભ્ભા જોયા ત્યારે એ છાતી ફાટ રડ્યો, કારણ કે જે પેલા કાગળ મોકલવામાં આવ્યા હતા તે તો તેની માતાઓના હતા. આ બાબતને કમરુજ્જમાંએ કુટિલતામાં ખપાવી બંન્ને બેગમોને કારાગરમાં કેદ કરાવી દીધી.

પેલી બાજુ બંન્ને ભાઇઓ રખડતા. રઝળતા એક શહેર પાસે પહોંચ્યા. અમજદ થાકી ગયો હતો. અસદ શહેર તરફ ગયો. ત્યાં જઇ તેણે એક વૃદ્ધને બજારનો રસ્તો પૂછ્યો. વૃદ્ધે પૂછ્યું - ‘બજારમાં કેમ જવું છે?’

‘ખાવાની વસ્તુઓ ખરીદવા.’

વૃદ્ધે લાગણી બતાવતાં કહ્યું - ‘તું મારે ઘેર ચાલ અને તું ઇચ્છે એટલો ખાવાનો સામાન લઇ લે.’

અસદ એ વૃદ્ધની વાતથી ભરમાઇ ગયો. તે તેની સાથે તેના ઘેર ગયો. અહીં આવીને એણે જોયું તો અહીં ચાલીસ માણસો હવન જેવું કઇંક કરી રહ્યા હતા. તે બધા અગ્નિપૂજક હતા. તે હેરત પામી ગયો. એને કશું જ સમજાતું ન હતું. વૃદ્ધે એક ગજવાનને બોલાવી કહ્યું - ‘આને ભોંયરામાં કેદ કરી દે.’

વળી એણે બીજી સૂચના આપતાં ગજવાનને જણાવ્યું - ‘બોસ્તિના અને કેવાના નામની સ્ત્રીઓને કહી દેજે કે આને થોડું થોડું ખાવાનું પીવાનું આપી જીવતો રાખે. ઇદના તહેવાર પર એની અગ્નિ પર્વત પર બલિ ચઢાવી દેવામાં આવશે.’

અસદને જેલખાનામાં પૂરી દીધો. એને થોડુંક ખાવાનું આપવામાં આવ્યું. એના સાથે થોડી મારઝૂડ પણ થઇ. એ હોશ ખોઇ બેઠો અને ભાઇ અમજદને યાદ કરી રડવા લાગ્યો.

બીજે દિવસે સવારે અમજદ એના ભાઇને શોધવા નીકળ્યો. રસ્તામાં એને એક દરજી મળ્યો. દરજી મુસલમાન હતો. તેણે જણાવ્યું કે - ‘જો તારો ભાઇ અગ્નિપૂજકોના ફંદામાં ફસાઇ ગયો હશે તો તેનું બહાર નીકળવું મુશ્કેલ થઇ જશે તું મારે ત્યાં રોકાઇ જા. હું તારું રક્ષણ કરીશ.’

અમજદ દરજીને ત્યાં રોકાઇ ગયો. ઘણા દિવસો વીતી ગયા. પણ ભાઇ અસદની ભાળ મળી નહીં. એક દિવસ એ બજારમાંથી જઇ રહ્યો હતો ત્યારે તેને એક સુંદર સ્ત્રી મળી. એણે કટાક્ષ કરતાં કહ્યું - ‘ક્યાં જઇ રહ્યા છો?’

‘ઘેર જઇ રહ્યો છું.’

‘ઘેર જઇ રહ્યા છો?’

‘હા, જતો હતો તો ઘેર જ. પણ હવે તો હું તમારી સાથે જ આવીશ. હું તમારા પર આફરીન થઇ ગયો છું.’

‘ના,ના, હું તમારે ઘેર આવીશ. હું ઇજ્જતદાર લોકોને ખૂબ પસંદ કરું છું.’ તેણે તેમ કહેતાં અમજદનો હાથ પકડ્યો.

અમજદે વિચાર્યું કે જો એ આને દરજીને ઘેર લઇ જશે તો એ નાખુશ થશે. એણે પેલી યુવતીને ના કહી દીધી. પણ પેલી સ્ત્રીએ એનો પીછો ના છોડ્યો તે ના જ છોડ્યો. આખરે એ એને લઇ એક બંધ મકાનની ઓસરીમાં ઢાળેલા ખાટલા પર બેસી ગયો.

‘શું આ ઘર તમારું છે?’ સુંદરીએ પૂછ્યું. ‘હા, પણ મારો નોકર તાળું મારી ક્યાંક ચાલ્યો ગયો છે.’ પેલી સુંદરીએ તાળું તોડી નાખ્યું. મકાન સુંદર હતું. એક ઓરડો સરસ સજાવેલો હતો. એમાં ભોજન અને શરાબ રાખેલાં હતાં. અમજદે વિચાર્યું કે નક્કી આ કોઇ શ્રીમંતનું મકાન હશે.

પેલી યુવતી અપ્યાશા સ્ત્રી હતી. એણે ભોજન આરોગવા માંડ્યું. અમજદને પણ ભોજન લેવા મજબૂર કર્યો. હસીનાની પીઠ દરવાજા તરફ હતી. તેઓ હજુ પૂરું જમી પણ ર્હયાં ન હતાં ત્યાં જ એ મકાનનો માલિક આવી પહોંચ્યો. એ આ રાજ્યનો મુખ્ય અશ્વપાલ હતો.

થોડીવારમાં જ બહાદુર ગુલામ બની આવી ઊભો. અમજદે એને ખોટો ખોટો ઠપકો આપ્યો. ત્યારે પેલી યુવતી તો સાચેસાચ એને કોરડાથી ફટકારવા લાગી.

જ્યારે રાત્રે અમજદ અને પેલી યુવતી આનંદ માણી રહ્યાં હતાં ત્યારે યુવતીએ નીચતાની પરાકાષ્ટા ઓળંગતાં અમજદને કહ્યું કે તેમણે ગુલામનો કાંટો કાઢી નાખવો જોઇએ. અમજદે એમ ના કરવા કહ્યું. પણ એ માની જ નહીં. એ જાતે જ કરવતી લઇ ગુલામની ગરદન કાપવા તૈયાર થઇ ગઇ. અમજદથી આ સહન થયું નહીં. તેણે યુવતીના હાથમાંથી કરવતી ઝૂંટલી લઇ યુવતીનું માથું કાપી નાખ્યું. માથું કપાઇને બહાદુર ઉપર પડ્યું. અમજદ તેની લાશ ઠેકાણે પાડવા વિચારી રહ્યો હતો. બહાદૂરે યુવતીની લાશ નદીમાં ફેંકી દેવાની જવાબદારી સ્વીકારી. લાશને ઊઠાવીને એ ચાલ્યો. રસ્તામાં પોલીસોએ એને પકડી લીધો. એક યુવતીની હત્યા કરવાના ગુનાને કારણે એને મોતની સજા આપવામાં આવી. આખા નગરમાં ઢંઢેરો પિટાવાયો. અમજદે આ વાત જાણી. એણે વિચાર્યું કે પોતે કરેલા ગુનાની સજા એક નિર્દોષને મળી છે. તે દરબારમાં પહોંચ્યો. એણે બાદશાહને પોતાની સાથે બનેલા બનાવની સઘળી હકીકત જણાવી. બાદશાહે એને રાજકુમાર જાણી સન્માન આપ્યું. બહાદુરની સજા માફ કરી એને મંત્રીપદ આપવામાં આવ્યું.

મંત્રીપદ સ્વીકારવાની સાથે જ બહાદુરે જાહેરાત કરાવી કે જે કોઇ પણ અસદને શોધી લાવશે તેને મોટું ઇનામ આપવામાં આવશે. અસદની ભાળ મેળવવા ગુપ્તચરોને પણ સાબદા કરી દેવામાં આવ્યાં હતાં. છતાં હજી સુધી અસદના કોઇ સગડ મળ્યા ન હતા. દિવસો વીતતા ગયા.

એક દિવસ અગ્નિપૂજકે બહરામ નામના માણસને કહ્યું કે એ અસદને પર્વત ઉપર પહોંચાડી દે. પાણીમાં રહી પર્વત ઉપર જવાનું હતું. બહરામે અસદને પેટીમાં પૂરી જહાજપર પેટી ચઢાવી દીધી. જહાજ બેગમ મરજીનાના નગરના કિનારે પહોંચ્યું. બેગમ મરજીનાને અગ્નિપૂજકો તરફ ભારે ધૃણા હતી. બહરામને મરજીનાના સ્વભાવની ખબર હતી. આથી તેણે અસદને બહાર કાઢી નવાં કપડાં પહેરાવી દીધાં. એને મુન્શી બનાવી દીધો. છતાં મરજીના આગળ અશદનું બનાવટી મુન્શીનું રૂપ છાનું રહી શક્યું નહીં. બહેરામે મરજીનાને કહ્યું કે તેણે બધા ગુલામો વેચી દીધા છે. એક માત્ર મુન્શી જ બચવા પામ્યો છે.

મરજીનાએ રૂઆબથી કહ્યું - ‘હવે હું આને મારી પાસે જ રાખીશ. તમે ત્રણ દિવસ અહીં રહી શકો છો!’ વાત એમ હતી કે મરજીના અસદના સૌંદર્ય પાછળ ઘેલી થઇ ગઇ હતી. એ અસદને એક બગીચામાં લઇ ગઇ. એની પાસેથી બધી સાચી વાત જાણી. પછી એ પાછી ગઇ. એની સાથે સિપાઇઓ હતા. કિનારા પર આવી એણે ગુસ્સાથી બહાદુરને કહ્યું - ‘નીચ! તું શાહજાદાનો બલિ ચઢાવવા ઇચ્છતો હતો? હું તમને બધાને મોતને ઘાટ ઉતારી દઉં છું.’

અસદનું નસીબ હજુ પણ બે ડગલા પાછળ ચાલતું હતું. મરજીના દ્વારા મંત્રી બનાવ્યા બાદ આનંદમાં એણે એટલો દારૂ પીધો કે એ લથડિયાં ખાતો ખાતો દૂર નીકળી ગયો. ત્યાં નદીનો કિનારો હતો. ત્યાં તો બેભાન થઇ ગયો. ફરી તેને બહરામના માણસોએ પકડી લીધો. તેઓ એને જહાજ પર લઇ ગયા. જહાજ પાણીમાં રસ્તો કાપવા લાગ્યું.

મરજીનાને આ વાતની ખબર પડતાં જ એણે તેજ ગતિથી ચાલી શકે એવું જહાજ મંગાવ્યું. તેણે જહાજ લઇ બહરામનો પીછો કર્યો. બહરામ પકડાઇ ગયો. તેનું જહાજ લૂંટી લેવામા આવ્યું. બહરામ અસદને નદીમાં નાખી પોતે પણ પાણીમાં કૂદી પડ્યો. મરજીનાએ બાકીનાને પકડી લીધા.

તરતો તરતો અસદ કિનારે આવ્યો. પછી ચાલતો ચાલતો એ અગ્નિપૂજકોના નગરમાં આવી ગયો. થાકીને લોથપોથ થઇ ગયેલો અસદ વિશ્રામ કરવા એક મંદિરના ઓટલે બેઠો. અહીં સંજોગવશાત્‌ બહરામ પણ હતો. એ અસદને ઓળખી ગયો. એણે અસદને ફરી પકડી લીધો. એના હાથપગ બાંધી દેવામાં આવ્યા. હા, આ વખતે ઇદનો તહેવાર વીતી ગયો હતો. આથી એને ફરીથી ભોંયરામાં પૂરી દેવામાં આવ્યો, આવતાં વર્ષે એનો બલિ ચઢાવવાનું નક્કી થયું.

અસદ રાત દિવસ દુઃખથી તરફડતો રહ્યો. બોસ્તિનાનું હૈયું પીગળી ગયું. તેણે કહ્યું - ‘તું ચિંતા કરીશ નહીં. મેં આ બેરહમ અગ્નિપૂજકોનો સાથ છોડી દીધો છે. વળી મેં ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે. હવે તમને કોઇ તકલીફ નહીં પડે.’

બોસ્તિનાની હૈયાધારણે એ સુખેથી દિવસો પસાર કરલા લાગ્યો. એક દિવસ બોસ્તિના બજાર જઇ રહી હતી. ત્યારે એણે જાહેરાત સાંભળી. જાહેરાત કરવાવાળો બોલતો હતો - ‘નગરનાં પ્રજાજનો સાંભળો! જે કોઇ વજીરના ભાઇ અસદને શોધી આપશે તેને માલામાલ કરી દેવામાં આવશે.’

બોસ્તિનાને ગુપ્ત રસ્તે અસદને છોડાવી લીધો, અને એને વજીર અમજદ પાસે લઇ ગઇ. અસદને જોતાં જ અમજદની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. હર્ષાવેશમાં બંન્ને ભાઇઓ ક્યાંય સુધી રડતા રહ્યા. પછી અમજદે અગ્નિપૂજકોને પકડાવી મોતની સજા ફરમાવી. મોતની સજાથી ગભરાયેલા અગ્નિપૂજકોએ શાહજાદની માફી માગી ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો.

ત્યારે બહરામે કહ્યું તે અબૂની ગયો હતો. ત્યાં આ બંન્ને ભાઇઓના પિતા કમરુજ્જમાં બિમાર છે. બંન્ને ભાઇઓ અબૂની જવા તૈયાર થયા. તે વખતે ત્યાં મરજીના આવી ગઇ. એ અસદને શોધી રહી હતી. ચીનનો બાદશાહ ગોર પણ અહીં આવી ગયો હતો. અમજદે પ્રણામ કરી તેના નાનાને કહ્યું કે પોતે બદૌરાનો પુત્ર છે.

ગોરને દરબારમાં લાવવામાં આવ્યા. એટલામાં કમરુજ્જમાં અને શાહજમાં પણ તેમને શોધતા શોધતા અહીં આવી ચઢ્યાં. અસદના મરજીના સાથે અને બોસ્તિનાના અમજદની સાથે નિકાહ કરવામાં આવ્યા. દિવસો સુધી શાહી મહેમાન રહ્યા પછી બધાં પોતપોતાને દેશ ચાલ્યાં ગયાં.

શાહજમાં અને કમરુજ્જમાંએ ખુદાનો આભાર માન્યો.

અબૂની પહોંચ્યા પછી બદૌરા અને હયાત ખુશીનાં માર્યાં નાચી ઊઠ્યાં. દીકરાતો મળતાં મળ્યા, સાથે સુંદર વહુઓ પણ મળી. બધાં આનંદથી રહેવા લાગ્યાં.

બાદશાહ શહરયાર આવી રસપ્રદ અને રોમાંચક વાર્તાઓ સાંભળવા બેચેન હતો. એણે શહરજાદને કહ્યું - ‘બેગમ! આવી બીજી વાર્તાઓ સંભળાવો. દુનિયાજાદે પણ શહરયારની ટાપસી પૂરાવતાં કહ્યું - ‘હા, દીદી, સંભળાવો...સંભળાવો.’

શહરજાદે નૂરુદ્દીની વાર્તા આરંભી.

અનુક્રમણિકા

૪૭ : બદચલન નૂરુદ્દીન

બસરા શહેર પર હારુન રશીદના પિતારઇ ભાઇનું શાશન હતું. તે અબ્બાસી વંશનો હતો. જબેની એનો મુખ્યા મંત્રી હતો. મંત્રીએ એમની સેવામાં બીજા બે મંત્રીઓ રાખ્યા હતા. એકનું નામ ખાકાન હતું અને બીજાનું નામ હતું સૂઇ. ખાકાન લોકોમાં જેટલો પ્રિય હતો એટલો જ સૂઇ અપ્રિય હતો. આ કારણે બંન્નેને જરાય બનતું ન હતું.

એકવાર જબેનીએ ખાકાનને પવિત્ર અને નાચગાનની જાણકાર દાસી ખરીદી લાવવા કહ્યું. વળી એમ પણ કહ્યું કે એ સુંદર પણ હોવી જોઇએ.

મુક્યમંત્રીનો હુકમ થતાં જ ખાકાન દસ હજાર મુદ્રાઓમાં એક એવી દાસી ખરીદીને લાવ્યો જે બધી જ રીતે અનુપમ હતી. તેનું નામ ‘હુશ્ના અફરોઝ’ હતું. એક દિવસ ખાકાનના દીકરા નૂરુદ્દીને હુશ્ના અફરોઝને જોઇ. તે જોતાં જ તેના પર મોહી ગયો. હુશ્ના પણ નૂરુદ્દીનને જોઇ આકર્ષિત થઇ ગઇ. પણ હુશ્નાની પાસે જવું સહેલું ન હતું. નૂરુદ્દીનની મા અને બીજા નોકર ચાકરોની નજરમાંથી બચી શકાય એમ ન હતું.

પણ એક દિવસ નૂરુદ્દીનને મોકો મળી ગયો. એ હુશ્નાના કક્ષમાં પહોંચી ગયો. બન્નેએ એમના મનની ઇચ્છાઓ સંતોષી લીધી.

ખાકાનની પત્નીને આ વાતની ગંધ આવી ગઇ. એણે એના પતિને કહ્યું - ‘બધી બાજી ઊંધી વળી ગઇ છે. હુશ્ના નાપાક થઇ ગઇ છે. હવે એ બાદશાહ માટે લાયક રહી નથી. હવે એક જ રસ્તો છે, બીજી દાસી ખરીદીને હુજૂરની સેવામાં મૂકવામાં આવે. આ દાસી હવે નૂરુદ્દીન સાથે નિકાહ પઢી લે એમાં જ એની ભલાઇ છે. કેમ કે હુશ્ના વગર તમારો પુત્ર જીવી શકશે નહીં.’

વાત જાણ્યા પછી ખાકાનને બહુ દુઃખ થયું. દીકરાએ જે કર્યું તે ખરાબ હતું. પણ હવે કરવું શું? સંતાનની આગળ દુનિયાનાં બધા મા બાપ હારી જાય છે. પણ આ આઘાત ખાકાન જીરવી શક્યો નહીં. તેનું શરીર દિવસે દિવસે ગળતું ગયું. એક દિવસ એ અનંતની યાત્રાએ ચાલ્યો ગયો.

નૂરુદ્દીન આવારા અને બદચલન હતો. એણે અપ્યાશીમાં બધું ધન ઊડાડી દીધું. ખર્ચતાં ખર્ચતાં તો કૂવો પણ ખાલી થઇ જાય! નૂરુદ્દીન બેકાર બની ગયો. એ ગરીબીમાં એવો તો પીસાઇ રહ્યો હતો કે એણે એની પત્નીનાં ઘરેણાં શુદ્ધાં વેચી નાખ્યાં. જ્યારે સંજોગો સાવ બદતર થઇ ગયા ત્યારે તેને પત્નીએ કહ્યું - ‘તમે મને વેચી દો, અને પછી કંઇક નાનું મોટું કામ કરો. ભવિષ્યમાં જ્યારે ફરીવાર તમારો દહાડો વળે અને બે પાંદડે થાઓ ત્યારે મને પાછી ખરીદી લેજો.’

નૂરુદ્દીન આત્મબળ અને આત્મવિશ્વાસ ગુમાવી બેઠો હતો. એણે દલાલો મારફત અફરોઝને વેચવાની પેરવી કરી. સૂઇએ એને ચાર હજાર મુદ્રાઓમાં ખરીદી લીધી. વજીર સૂઇ દુશ્મનની પત્નીનો સોદો કરી મૂછ પર તાવ દેવા લાગ્યો. નૂરુદ્દીન આજ વાત જાણી ત્યારે એણે એ સોદો પડતો મૂક્યો. સોદો રદ થતાં બંન્ને વચ્ચે બોલાચાલી પણ થઇ. નારાજ થયેલો સૂઇ બાદશાહ પાસે જઇ પહોંચ્યો. સૂઇએ બાદશાહને સલામ કરી કહ્યું - ‘બાદશાહ સલામત! મને ખબર પડી છે કે જે સુંદર દાસી આપને માટે ખાકાને ખરીદી હતી તે સુંદર દાસીને નૂરુદ્દીને અભડાવી દીધી. આ વાતની જાણ આપને થવા દીધી નથી. આજે ખાકાન આ દુનિયામાં નથી. હવે નૂરુદ્દીન એ ગુલામડીને બજારમાં વેચી રહ્યો છે. મેં ચાર હજારમાં એનો સોદો પાકો કર્યો હતો. હવે એ મને એના બાપનો દુશ્મન સમજીને સોદો ફોક કરવા તૈયાર થયો છે. એ દાસીને એના ઘરે લઇ ચાલ્યો ગયો છે.’

આવનારી આંધીનાં એંધાણ નૂરુદ્દીનને આવી ગયાં હતાં. એ ભાગી છૂટવાની ફિરાકમાં હતો. તે વખતે જ એના એક જૂના ગુલામે એને કહ્યું કે વજીર બાદશાહની પાસે ગયો છે. નૂરુદ્દીન હુશ્ના અફરોઝને લઇ નાસી છૂટ્યો. બંન્ને એક જહાજમાં બેસી ચાલી નીકળ્યાં.

એઓ બગદાદ પહોંચ્યાં. એમની પાસે ખાસ ધન તો હતું નહીં. એટલે મકાન ભાડે લેવાનું શક્ય જ ન હતું. બંન્ને જણાં એક શાહી બગીચામાં વિરામ કરવા બેઠો. એ જ વખતે શાહી બગીચાનો રખેવાળ શેખ ઇબ્રાહીમ ત્યાં આવી ચઢ્યો. એણે પૂછપરછ કરી તો નૂરુદ્દીને પગમાં પડીને કહ્યું - ‘હે દયાળુભાઇ! અમે પરદેશી જણ છીએ. રહેવાની જગા મળી નહીં તેથી અમે આ બગીચામાં આવ્યાં છીએ. અમને આજની રાત અહી ંરહેવા દો.’

શેખ એ બંન્નેને એને ઘેર લઇ ગયો. નૂરુદ્દીને બે મહોરો એને આપી ખાવા પીવાની વ્યવસ્થા કરવા કહ્યું. એ મહોરો લઇ ચાલ્યો ગયો. ખરેખર તો આ મકાન ખલીફાનું હતું, પણ ઇબ્રાહીમે એને પોતાનું છે એમ જણાવી ત્યાં રાખી લીધાં હતાં. નૂરુદ્દીનને દારૂ પીવાની ઇચ્છા થઇ. એણે શેખને દારૂ લાવવા કહ્યું. શેખે જણાવ્યું - ‘તોબા! તોબા! હું ચાર વાર મક્કા મદીના જઇ આવ્યો છું. હું શરાબને હાથ પણ અડાડવાનું હરામ સમજું છું. પછી પીવાની તો વાત જ કેવી!’

નૂરુદ્દીને ઇબ્રાહીમને કહ્યું - ‘શરાબને હાથ અડાડવાનું હું આપને ક્યાં કહું છું. જુઓ, સામે પેલું ગધેડું ઊભું છે. એને લઇ જાઓ કલાલને કહેજો કે એના પર બે બોટલો મૂકી આપે. આપે દારૂનો સ્પર્શ શુદ્ધાં નહીં કરવો પડે.’ નૂરુદ્દીને ઇબ્રાહીમને પૈસા આપ્યા. ઇબ્રાહીમ ચાલ્યો ગયો.

થોડીવાર પછી એ શરાબ લઇ પાછો ફર્યો. દરવાજો બંધ કરી બંન્નેએ દારૂ પીધો. પછી અફરોઝ મધુર સ્વરે ગીત ગણગણવા લાગી. નૂરુદ્દીને કહ્યું - ‘શેખ સાહેબ! આપ તો બહુ દયાળુ છો. આપનો જેટલો આભાર માનું એટલો ઓછો પડે.’ ત્યારે હૂશ્ના બોલી - ‘ખરી મઝાતો શેખ સાહેબ આપણી સાથે બેસીને શરાબ પીએ ત્યારે પડે....એ એમના હાથે તો નહીં જ પીએ.હવે હું એમને પીવડાવીને જ જંપીશ.’

હુશ્નાએ થોડો વિચાર કર્યો. પછી નૂરુદ્દીનને સૂઇ જવાનો ઢોંગ કરવાની સૂચના આપી. નૂરુદ્દીન જાણે ઊંઘી ગયો. હુશ્નાએ હળવા સ્મિત સાથે, નયનબાણ ચલાવતાં લાડથી કહ્યું - ‘શેખ સાહેબ! આજે તો આપે પીવો જ પડશે.’ કહેતી એ ઇબ્રાહીમની નજીક સરકી.

ઇબ્રાહીમને ગલીપચી થઇ. એ વિચારવા લાગ્યો - ‘આટલી સુંદર હસીના કાલાવાલા કરતી મારી પાસે આવે. અને હું આવો મોકો હાથમાંથી જવા દઉ?’ હુશ્નાએ શરાબમાં ઝબોળેલી સેવો ઇબ્રાહીમને ખવડાવી. પછી નેત્રબાણ માર્યું. ઇબ્રાહીમતો આખે આખો વીંધાઇ ગયો. બધું જ ભૂલી જઇ એ જામ પર જામ પીવા લાગ્યો.

નૂરુદ્દીને ઊઠીને કહ્યું - ‘શેખ સાહેબ! આપ તો શરાબનો સ્પર્શ પણ નથી કરતા!’ ‘શું કરું? સામે, પ્રેમપૂર્વક પિવડાવનારી હસીના બેઠી હોય પછી ભાન ક્યાંથી રહે?’ એણે ખૂબ પીધો. પછી ગાવા લાગ્યો. શેખ ગણગણી રહ્યો હતો. રાતના અંધકારમાં એ એની પ્રાણેશ્વરીને જોઇ શકતો ન હતો. એણે સૂકાં લાકડાં એકઠાં કરી અગ્નિ સળગાવ્યો, જેથી એ હુશ્નાનો ચહેરો જઇ આનંદ માણી શકે.

બરાબર આ જ વખતે બાદશાહ મહેલની અગાસીમાં બેઠો હતો. દૂરથી એણે અગ્નિ સળગતો જોયો કે તરત જ મંત્રી જાફરને લઇ એ અહીં આવી પહોંચ્યો. આવીને જોયું તો શેખ ઇબ્રાહીમ હોશહવાસ ખોઇ બેસી શરાબ પી રહ્યો હતો. ને હસીન યુવતી બંસરી પર ગીત ગાઇ રહી હતી. ખલીફાએ ધીમેથી કહ્યું - ‘પોતાને હાજી કહેવડાવનાર શી રીતે શરાબ પી રહ્યો છે!’

ઇબ્રાહીમે બાદશાહને જોયો. એ ચોંકી ગયો.

બાદશાહે જાફરને બે માછલીઓ અને માછીમારોનો પોષાક લઇ આવવા કહ્યું.

જાફરે બાદશાહની સૂચનાનો અમલ કર્યો.

બંન્ને જણાએ માછીમારોનો વેશ લઇ બારણું ખટખટાવ્યું.

નૂરુદ્દીને પૂછ્યું - ‘કોણ છે?’

‘ગરીબ પરવર! આપ કેટલા રહેમદિલ છો!’

‘હુશ્ના! હાલ નૂરુદ્દીનના ખરાબ દિવસો ચાલે છે. પણ ખુદા એક દિવસ બધું ઠીકઠાક કરી દેશે. ચાલો.’

તેઓ મહેલ તરફ ચાલ્યાં ગયાં.

નૂરુદ્દીન બગદાદ પહોંચ્યો. તે દરબારમાં હાજર થયો. એણે ખલીફાનો પત્ર દરબારમાં રજૂ કર્યો. બાદશાહે એ પત્રનું માન રાખી તેનો આદર કર્યો. એટલામાં ત્યાં મંત્રી સૂઇ આવી ચઢ્યો. એણે પત્ર જોઇ બાદશાહના કાનભંભરતાં કહ્યું - ‘જહાંપનાહ! મને આ કાગળ બનાવટી હોવાની ગંધ આવે છે. મને તો આમાં કોઇક કાવતરું હોવાનું દેખાય છે.’

નૂરુદ્દીન એના ભાગ્યને મનોમન ભાંડવા લાગ્યો.

સૂઇની વાત પર વિશ્વાસ મૂકી બાદશાહે નૂરુદ્દીનને એના હવાલે કરી દીધો સૂઇ એને પોતાની હવેલીએ લઇ આવ્યો અને પાછળની કોટડીમાં એને પૂરી દીધો.

બાદશાહ જબૈનીએ સાતમા દિવસે નૂરુદ્દીનને મારી નાખવાનો હુકમ કર્યો. સૂઇ એને વધસ્તંભ તરફ લઇ જઇ રહ્યો હતો. ત્યારે સંજોગવસાત્‌ જાફર એને સૈન્ય સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે બાદશાહને નૂરુદ્દીનના સમાચાર પૂછ્યા. વધની વાત સાંભળતા તથા સાચી હકીકતની જાણ થતાં જબેનીએ ઘોડેસવાર મોકલી નૂરુદ્દીનની મોતની સજા અટકાવી. સૂઇને એનાં કાળાં કરતૂતો બદલ પકડી લેવામાં આવ્યો.

જાફરે સૂઇને કેદ કરી બગદાદ લઇ જવાની આજ્ઞા માંગી. ત્યારે જબેનીએ કહ્યું - ‘મારે પણ ભાઇજાનને મળવું છે એમનાં દર્શન કર્યે ઘણાં દિવસો થઇ ગયા છે.’

તેઓ બગદાદ પહોંચ્યા. બધી વાતો સાંભળી ખલીપા ગુસ્સે થઇ ગયા. એમણે નૂરુદ્દીનને હુકમ કર્યો - ‘આ નાલાયક અને મક્કાર સૂઇને તું તારા હાથોથી મોતને ઘાટ ઉતારી દે, નૂરુ્‌દ્દીન!’

નૂરુદ્દીને માથું નમાવી કહ્યું - ‘પરવરદિગાર! સૂઇ મારો અને મારા ખાનદાનનો દુશ્મન છે. એ સાચું, પણ હું મારે હાથે એની હત્યા કરી નર્કમાં જવા નથી ઇચ્છતો.’

સૂઇની મોતની સજા કાયમ રાખવામાં આવી.

બાદશાહે નૂરુદ્દીનને મંત્રી બનાવવાનું વિચાર્યું પણ તેણે તો બાદશાહની સેવા કરતા રહેવાની જ એની ઇચ્છા જણાવી. ખલીફાએ નૂરુદ્દીનની વાત માની લીધી. ખલીફાએ એને ઘણું ધન અને હવેલી આપ્યાં. સાથે સાથે એની પત્ની અફરોઝ પણ.

નૂરુદ્દીન હુશ્ના અફરોઝને મળી રડી પડ્યો. હુશ્ના પણ રડવા લાગી. પછી તેઓ આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યાં.

અનુક્રમણિકા

૪૮ : બદ્રબાદશાહ અને ગુલનાર

ઇરાન સમૃદ્ધ અને સુંદર દેશ હતો. તેના બાદશાહનું નામ બદ્ર હતું. એને સો બેગમો અને અસંખ્ય દાસીઓ હતી. બાદશાહ શક્તિશાળી હતો. બધી વાતે એ સુખી હતો. છતાં દુઃખ તો એ વાતનું હતું કે એને કોઇ સંતાન ન હતું. એ એના વારસદાર તરીકે એને સંતાન આપી શકો. એવી સ્ત્રીની શોધમાં હતો.

એક દિવસ એ સભા ભરીને બેઠો હતો ત્યારે એના વજીરે કહ્યું - ‘સુંદરી સાથે એ વેપારીને અહીં હાજર કરવામાં આવે.’ વેપારી સુંદર સ્ત્રીને લઇ ઉપસ્થિત થયો. એને જોતાં જ બાદશાહ મોંઢામાં આંગળાં નાખી ગયો. સુંદરી અદ્‌ભૂત અને અનુપમ સૌંદર્ય ધરાવતી હતી. બાદશાહે આવું બેજોડ સૌંદર્ય આજ સુધી જોયું ન હતું.

બાદશાહને એ ગમી ગઇ. વેપારી બાદશાહને એને ભેટરૂપે આપવા માગતો હતો. પણ તેમણે તેમ કરવાની ના પાડી. વેપારીએ ઘણી આનાકાની કરી છતાંય બાદશાહે એને દસ હજાર સોનામહોરો આપી. કોઇ પણ વસ્તુ મફતમાં પડાવી લેવી એ રાજનીતિની વિરુદ્ધ હતું.

બાદશાહે પેલી રમણીને દાસીઓના હાથમાં સોંપી દીધી. દાસીઓ એને ગુલાબજળ અને અત્તરથી સ્નાન કરાવતી. એને સુંદર વસ્ત્રાલંકારો પહેરાવવામાં આવતા હતા. દાસીઓને એ વાતની નવાઇ લાગતી કે નવી સુંદરી સાવ મૌન રહેતી હતી.

બાદશાહ એની પાસે આવ્યો. પૂછ્યું - ‘તારું નામ શું છે? તું ક્યાંની રહેવાસી છે?’ જવાબમાં એ મૌન જ રહી. બાદશાહ એને પ્રેમ કરવા લાગ્યો અને આનંદ લૂંટવા લાગ્યો એ એક હરફ શુદ્ધાં ઉચ્ચારતી ન હતી. એ સુંદર સ્ત્રી ગર્ભવતી થઇ ત્યારે પહેલીવાર બોલી - ‘હું એ માટે ચૂપ હતી કે હું ખૂબ ગુસ્સામાં હતી. મને જબરજસ્તીથી અહીં લાવવામાં આવી છે. પણ હવે...હવે હું ગર્ભવતી થઇ ગઇ છું.’

‘તારી વાત સાચી છે, બેગમ?’

‘હા, મારા સરતાજ. સાચી છે.’

આ સમાચારની ખુશાલીમાં બાદશાહે ગરીબોને એકલાખ સોનામહોરો વહેંચી.

બાદશાહે ફરી એનો પરિચય પૂછ્યો - ‘મારું નામ ગુલનાર છે. મારા પિતાનું નામ આસીન છે. એ સાગર સમ્રાટ હતા. તેઓ સમંદાલના બાદશાહ હતા. સમંદાલ સમુદ્રની નીચે છે. પિતાએ તેમના મૃત્યુ અગાઉ મારા ભાઇ ‘સાલેહ’ને તેમનો ઉત્તરાધિકારી બનાવી દીધો હતો.

પિતાનું મૃત્યુ થતાં લાગ જોઇને દુશ્મન રાજાએ અમારા રાજ્ય પર હુમલો કરી દીધો. મારા ભાઇએ જોરદાર મુકાબલો કર્યો પણ આખરે એ હારી ગયો. જીવ બચાવવા અમે કોઇ અજાણ્યા જંગલમાં જઇ રહેવા લાગ્યાં. હું યુવાન અને ઉંમરલાયક થઇ હતી તેથી મારા ભાઇને મારા લગ્નની ચિંતા કોરી ખાતી હતી. એ મારાં લગ્ન કોઇક બાદશાહ સાથે કરાવવા ઇચ્છતો હતો જેથી ભવિષ્યમાં મારા તરફની એને કોઇ ચિંતા ના રહે અને પોતાનું રાજ્ય પાછું જીતી લેવા એ બાદશાહની મદદ પણ માગી શકાય.

પણ મને આ ધરતી ઉપર વસતાં માણસો પ્રત્યે ભારે તિરસ્કાર હતો. હું જાણતી હતી કે આ લોકો ગરજ મતલબી અને અન્યાયી હોય છે. છતાં મારો ભાઇ મારા લગ્ન માટે કૃત્તનિશ્ચયી હતો. હું ટાપુ ઉપરથી ભાગી છૂટી. ત્યાં મુમતાજ નામનો એક શ્રીમંત મને મળ્યો. હું એની સાથે એને ઘેર ગઇ. એની ઇચ્છા મારા પર પ્રેમના નામે બળાત્કાર કરવાની હતી. મેં એને જોરથી લાત મારી ફેંકી દીધો.

એણે ગુસ્સે થઇ મને એક વેપારીને વેચી મારી છે. એ વેપારીએ આપને ભેટ તરીકે સોંપી. હા, એ વાત સાચી છે કે આપના અપાર સ્નેહથી જકડાયેલી હું હવે આપને વશ થઇ ગઇ છું. આ છે મારી કથની. ‘ઓહો! તો તો તું ખાનદાન કુળની શાહજાદી છે, એમને? હવે મને તારા પર ગર્વ થાય છે. તારાં ઘરવાળાં ક્યારેક મને મળશે તો હું જરૂર એમને મદદ કરીશ.’

ગુલનારે ચંદન મંગાવ્યું. એને સળગાવ્યું. ધૂમાડો નીકળતાં જ એ કશોક મંત્ર બોલી. એણે કોમોટીન નામની વસ્તુના ટુકડા કરી સળગતા અગ્નિમાં નાખ્યાં. પછી ધીમેથી સિસોટી વગાડી. ગુલનારે બાદશાહને સંતાઇ જવા કહ્યું. બાદશાહ એક ઓરડીમાં સંતાઇ ગયો. થોડી જ વારમાં સાગરમાંથી એક જાજ્વલ્યમાન યુવાન બહાર આવ્યો. એની પાછળ સફેદવાળવાળી એક વૃદ્ધા આવી. પછી બીજી પાંચ સાત યુવતીઓ આવી. બધાં જ ખૂબ સુંદર દેખાતાં હતાં.

બાદશાહ આ ચમત્કાર જોઇ જ રહ્યો. ગુલનારે તેને કહ્યું કે એ બધાં એનાં ઘરવાળાં હતાં. તેમનો પરિચય કરાવતાં તેણે કહ્યું - ‘આ મારો ભાઇ સુલતાન સાલેહ. આ છે મા ફરાશી અને આ છે દાસીઓ.’ માઅ જ્યારે પૂછ્યું ત્યારે ગુલનારે બધી હકીકત તેને જણાવી સાલેહ એના જીજા અને ભાણાને મળીને રાજી રાજી થઇ ગયો. એ ભાણાને ખોળામાં બેસાડી સમુદ્રમાં કૂદી પડ્યો.

સુલતાન શહરીમાન બેચેન થઇ ગયો. તેને લાગ્યું હવે દીકરો બદ્ર હાથથી ગયો! તેણે રાડ પાડી - ‘બેગમ! તારા ભાઇએ આ શું કર્યું?’ ગુલનારે બાદશાહને દિલાસો દેતાં કહ્યું - ‘મારા સરતાજ! તમે દુઃખી ના થશો. દીકરા બદ્રનો વાળ પણ વાંકો નહીં થાય. એને સાગરના પાણીમાં ઊની આંચ પણ નહીં આવે. એનો મામો એની સાથે છે. હું તો એની મા છું. શું મને મારો દીકરો વ્હાલો નહીં હોય? મારો ભાઇ શાહજાદાને લઇ હમણાં આવ્યો જ સમજો.’

અને સાગરમાં ખળભળાટ થયો. સાલેહ અને શાહજાદો બદ્ર બસીમ હેમખેમ બહાર આવ્યાં.

સાહેલે સુલતાનને પૂછ્યું - ‘જીજાજી! આપનો જીવ તો તાળવે ચોટી ગયો હશે. નહીં?’

‘એ અમારો વારસદાર છે. ચિંતા તો થાય જ ને?’

‘જીજાજી! અમે શાહજાદાની આંખમાં આંજણ આંજ્યું અને અમારા દેવ સોલોમને આપેલો મંત્ર ભણ્યો. અમારે ત્યાં નવા આવનાર બાળકની આ રીતે વિધિ કરવાનો અમારો રિવાજ છે. હવે આપનો શાહજાદો ક્યારેય પાણીમાં ગૂંગળાશે નહીં. તે અમારી જેમ સાગરની સપાટી પર ચાલી શકશે.’

સાલેહે બાદશાહને સાગરનાં કીમતી રત્નોની ભેટ ધરી. સુલતાન રત્નો જોઇ અચંબો પામી ગયો. તેણે ગુલનારને કહ્યુ - ‘બેગમ! તમારા ભાઇએ તો આપણને ન્યાલ કરી દીધાં.’ થોડા દિવસો પછી સાલેહ એના દેશ પાછો ફર્યો.

પૂનમના ચંદ્રની જેમ બદ્ર વધતો ચાલ્યો. બધી વિદ્યાઓ એણે કોઠે કરી લીધી હતી. જોતજોતામાં પંદર વર્ષની ઉંમરનો થઇ ગયો હતો બદ્ર. સુલતાન શહરીમાને એક દિવસ એલાન કરતાં કહ્યું - ‘હું હવે વૃદ્ધ થવા આવ્યો છું. શાહજાદો બદ્રબસીમ મારો વારસદાર છે. મારા પછી એ આ રાજ્યનો સુલતાન થશે.’ બધાએ બદ્રબસીમને ભાવિ સુલતાન તરીકે વધાવી લીધો. બધાંએ એને સિંહાસન ઉપર બેસાડી દીધો.

સિંહાસન પર બેસતાં જ બપોર સુધી લોકોનો ન્યાય તોળવાનું કામ કર્યું. બપોર પછી એ મસ્જિદમાં નમાજ પઢવા જવા લાગ્યો. એ ખુદાની પાંચેય નમાજ અદા કરતો થઇ ગયો. વર્ષો વીતતાં ગયાં.

બાદશાહ શહરીમાન એકવાર ગંભીર માંદગમાં પટકાયા. હકીમોની કોઇ કારી કામ ના આવી. એ જન્નતનશીન થઇ ગયા. ગુલનારને હવે બદ્રની શાદીની ચિંતા સતાવવા લાગી. તે વખતે તેનો ભાઇ સાલેહ ત્યાં આવ્યો. કહ્યું - ‘તમારે બદ્રની શાદીની જરાય ચિંતા કરવાની નથી મેં એક શાહજાદી જોઇ છે. એનું નામ જવાહિર છે. તે ખૂબ જ સુંદર છે. બદ્રએ એની સુંદરતા વિશે અમારી વાતો સાંભળી લીધી છે. તે હવે એની સાથે લગ્ન કરવા ઉત્સુક છે.’

સાલેહ સમક્ષ બદ્રએ એ શાહજાદી જોવાની ઇચ્છા પ્રકટ કરી ક્યારે તેણે તેને ના પાડી દીધી. સાલેહે બદ્રને એક વીંટી આપી જે પહેરીને એ સમુદ્રમાં સેર કરી શકે. સાલેહ જવાહિરના પિતા સંદાલ પાસે ગયો. એણે સંદાલને કીમતી ભેટો આપી પોતાના ભાણાના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. આ સાંભળતાં જ સમુંદાલ ગુસ્સે થઇ ગયો. એની આંખોમાંથી તણખા ખરવા લાગ્યાં. એ સાલેહને ત્યાં જ મારી નાખત, પણ સાલેહ છૂપાઇને ત્યાંથી ભાગી છૂટ્યો. એણે સામે આક્રમણ કર્યું. સમંદાલને હરાવી એણે બંદી બનાવી દીધો.

શાહજાદીને આ વાતની ખબર પડી. એ થોડીક દાસીઓને લઇ ભાગી છૂટી અને જંગલમાં જઇ છુપાઇ ગઇ. બદ્રને જવાહિર વગર ચેન પડતું ન હતું. એ એને શોધતો શોધતો, એ જ્યાં છુપાઇને બેઠી હતી ત્યાં જઇ પહોંચ્યો. જવાહિરને જોતાં જ એ ઉત્તેજિત થઇ ગયો. એણે જવાહિરને ચુંબન કરવા પ્રયત્ન કર્યો તો એ ગુસ્સે થઇ ગઇ. એણે બદ્રને શાપ, આપતાં કહ્યું - ‘જા, તું લાલ પીઠ અને લાલ પંજાવાળું પક્ષી થઇ જા.’

બદ્ર બાદશાહ એવું જ પંખી બની ગયો.

જવાહિરે જ્યાં પાણીનું એક પણ ટીપું ના મળે એવા ટાપુ પર એ પંખીને છોડાવી દીધું.

આ બાજુ સાલેહ જવાહિરને શોધ્યે જતો હતો. પણ તે ક્યાંય મળી નહીં. બદ્ર પણ ગાયબ થયેલો હતો. ગુલનારે બધી વાત માને કરી. માએ એને દિલાસો દીધો કે એ એને શોધી કાઢશે. તું ઇરાન જઇને રાહ જોજે. ગુલનાર ઇરાન પાછી ફરી.

બદ્ર પંખી થઇને ઉડતો રહેતો હતો. એક દિવસ એક પંખી પાલકની નજર એના પર પડી ગઇ. પંખીપાલકે આવું રૂપાળું પંખી કદી જોયું ન હતું. એ લલચાયો. અને એણે પંખીને પકડી લીધું. ઘણા બધા લોકો એ પંખી ખરીદવા ઇચ્છતા હતા. પણ પંખી પાલકે એને વેચવાને બદલે બાદશાહને ભેટ આપવાનું યોગ્ય માન્યું. એ પેલું પંખી લઇ બાદશાહ પાસે ગયો. બાદશાહે પંખીના બદલામાં એને બે સોનામહોરો આપી.

બાદશાહ પેલું રૂપાળુ પક્ષી લઇ એની મલિકા પાસે ગયો. એની મલિકા તંત્ર મંત્રની જાણ કાર હતી. એ એને ઓળખી ગઇ. તેણે કહ્યું - ‘આ પંખી નથી, આ તો છે ગુલનારનો શાહજાદો બદ્ર બસીમ. સમંદાલની દીકરી જવાહિરે એને જાદુવિદ્યાથી પક્ષી બનાવી દીધો છે.’ બાદશાહે કહ્યું - ‘તો હવે વાર શાની! તમે પણ જાદુવદ્યા ક્યાં નથી જાણતાં? એને ફરી તેના મૂળ સ્વરૂપમાં લાવી દો.’

બેગમે મંત્ર ભણી તેના પર પાણી છાંટ્યું. એ બદ્ર બની ગયો. બાદશાહે બદ્ર બસીમને ગળે વળગાડી દીધો. પછી એક શાનદાર જહાજમાં બેસાડી ઇરાન મોકલી દીધો.

કેટલાય દિવસ વહાણ હેમખેમ ચાલતું રહ્યું. અગિયારમા દિવસે જહાજ આંધીમાં અટવાઇ ગયું. તૂટી ફૂટીને જહાજ પાણીમાં ડૂબી ગયું. બધા સાથીઓ વિખૂટા પડી ગયા. બદ્ર એક તરાપાને સહારે કિનારે પહોંચ્યો. કિનારા પર જાતજાતનાં જાનવરો એ એને અટકાવ્યો. એ એમનાતી બચીને પર્વતની ગુફામાં સંતાઇ ગયો. ત્યાં એણે આરામ કર્યો. પલળી ગયેલાં કપડાં સૂકવ્યાં. પછી સુકાયેલાં કપડાં પહેરી એ નગર ભણી ચાલ્યો.

નગર સૂમસામ હતું. માણસ જવલ્લે જ જોવા મળતું. દુકાનો બધી ખાલી પડી હતી. રસ્તામાં એને અબ્દુલ્લા નામનો એક વૃદ્ધ માણસ મળ્યો. એણે પ્રેમપૂર્વક બદ્રને કહ્યું - ‘બેટા! તું ક્યાં આવી ચઢ્યો! આ તો જાદુઇ નગર છે. અહીંની મલિકા એક જાદુગરણી છે. એ વાસનાથી ખૂબ પીડાઇ રહી છે. જે જાનવરો તને શહેરના અને નગરના પ્રવેશદ્વાર પર અટકાવતાં હતાં તે બધાં તો એ જાદુગરણીએ જાનવર બનાવી દીધેલા યુવાનો છે. એ તને એટલા માટે અટકાવતા હતા. કે તું પણ જાનવર ના બની જાય. ઠીક છે. હવે તું આવી જ ગયો છું તો મારે ઘેર રહી જા.’ બદ્રએ વૃદ્ધના ઘરમાં રહેવા લાગ્યો. એક દિવસ પેલી જાદુગરણીની સવારી નીકળી. એ જાદુગરણીની નજર બદ્ર ઉપર પડી. તે તેને એના મહેલમાં લઇ આવી. એણે વૃદ્ધને વચન આપ્યું હતું કે તે બદ્રનું કઇં જ બગાડશે નહીં.

ચાલીસ દિવસો સુધી એ લંપટ સ્ત્રીએ બદ્ર સાથે રંગરેલિયાં માનાવી એની ભડકે બળતી વાસનાની આગ બૂઝાવી. પછી એની આદત મુજબ બદ્રને જાનવર બનાવવાનું એ વિચારવા લાગી. એણે એક કૂવો ખોદ્યો. પછી મંત્ર ભણવા લાગી. મંત્ર ભણીને તેણે નાની રોટલી તૈયાર કરી. જાદુગરણી બદ્રને સૂતેલો સમજતી હતી, પણ ખરેખર એ જાગતો જ પડી રહ્યો હતો. એ એની વિધિ જોઇ ડરવા લાગ્યો. પછી તો તે તેની પાસે આવી સૂઇ ગઇ.

સવારે ઉઠતાં જ એણે જાદુગરણીને કહ્યું - ‘હું તમારા પ્રેમમાં એવી તો મશગૂલ થઇ ગયો હતો કે મારા વૃદ્ધ કાકા પ્રત્યેની ફરજ પણ ભૂલી ગયો. તમારી તો માયા જ મોહક છે. તમારાથી એક પલપણ અળગા થવાનું મને ગમતું નથી, પણ શું કરું! હું મજબૂર છું. મારે એકવાર તો કાકા અબ્દુલ્લાને મળવા જવું જ પડશે. તમારી રજા હોય તો હું આમ ગયો ને આમ આવ્યો.’

મલિકાએ એને કાળો ઘોડો આપ્યો અને બે ગુલામ એની સાથે મોકલી આપ્યા. એ અબ્દુલ્લાની પાસે આવ્યો અને રાત્રે બનેલી બીના કહી સંભળાવી.

અબ્દુલ્લાએ એને કહ્યું - ‘એ નીચ અને નરાધમ બાઇનો શો ભરોસો! એ એનું વચન ભૂલીને તને જાનવર બનાવવાની વેતરણમાં હોય એમ લાગે છે મને તો. પણ તું ગભરાઇશ નહીં, હું તને જુવારના દાણા મંત્રીને આપું છું. એને તું સંતાડીને તારી પાસે રાખી મૂકજે. તું એની પાસે જઇશ ત્યારે એ તને ઘઊંના મંત્રેલા દાણા આપશે એ દાણા એને ખબર ના પડે એમ નાખી દેજે. અને તારી પાસેના જવના દાણા એ બાઇને ગમે તે રીતે ખવડાવી દેજે.’

બદ્ર બસીમે બધું બરાબર સમજી લીધું. એ જાદુગરણી પાસે જવા પાછો વળી ગયો. પેલા સૂકાયેલા જવના દાણા એની પાસે હતા. બદ્રને પાછો આવેલો જોઇ જાદુગરણી મનોમન હરખાઇ. એણે કહ્યું - ‘તારા વિના મને સૂનું સૂનું લાગતું હતું. કાળજાના કટકાથી અળગા શી રીતે રહેવાય! હાં, જો હું તારે માટે શું લાવ્યો છું.’ એણે જવના દાણા જાદુગરણી સામે ધરતાં કહ્યું - ‘તું આ અમૂલ્ય દાણા ખાઇશ તો કદી ઘરડી નહીં થાય.’

‘એમ? મારી પાસે પણ અદ્‌ભૂત ઘઊંના દાણા છે. તું ખાઇશ તો અમર થઇ જઇશ. પછી આપણે ખૂબ મઝા કરીશું.’ જાદુગરણીએ બદ્રને ઘઉંના દાણા ખાવા આગ્રહ કર્યો. બદ્રએ ઘઉંના દાણા હાથમાં લઇ મોંઢામાં મૂકવાનો દેખાવ કર્યો. પછી એણે જાણે ખાતો હોય એમ દાણા ચાવવાનું નાટક કર્યું. તરત જ રાણીએ હાથમા પાણી લઇ બદ્ર ઉપર છાંટતાં કહ્યું - ‘નીચ! જા, તું કાળિયું ખચ્ચર થઇ જા.’

બદ્ર પર એના જાદુની કોઇ અસર થઇ નહીં. એ તો હસતો હતો. બાહુપાશમાં જકડી લીધો. મારા મોહતાજ! માઠું ના લગાડશો હું તો મીઠી મજાક કરતી હતી.’ ‘અરે! એમ કંઇ મને માઠું લાગે? પ્રેમમાં તો આવું ચાલ્યા જ કરે. હું તારી પ્રેમભરી મજાક ના સમજું એટલો મૂરખ નથી. ઠીક છે. લે હવે તું પણ આ જવના દાણા ચાખી જો.’

જાદુગરણીએ દાણા મોંઢામાં નાખી ચાવવા માંડ્યા કે તરત જ બદ્રએ એના પર પાણી છાંટી કહ્યું - ‘હે નીચ અને કપટી રાણી! તું કાળિયું ખચ્ચર બની જા.’ જાદુગરણી કાળિયું ખચ્ચર બની ગઇ.

કાળિયા ખચ્ચરને લઇ બદ્ર બસીમ અબ્દુલ્લા પાસે આવી પહોંચ્યો. અબ્દુલ્લાએ કહ્યું - ‘આ ખચ્ચર ઉપર સવારી કરીને તું તારે દેશ ચાલ્યો જા. પણ ધ્યાન રાખજે, કોઇ પણ કિંમતે તારે એને વેચવાનું નથી. વળી એ પણ ધ્યાન રાખજે કે એની લગામ નથી તો કોઇ બીજાના હાથમાં સોંપવાની કે નથી એના મોં પરથી દૂર કરવાની.’

‘ઠીક છે,’ કહી એ ખચ્ચર પર બેસી પોતાને દેશ જવા ચાલી નીકળ્યો.

રસ્તામાં એને એક ડોસી મળી. ડોસીએ એને લાડથી કહ્યું કે આ ખચ્ચરના બદલામાં પાણીપંથી ઘોડી આપવા તૈયાર છે. એમ કરવાનું કારણ જણાવતાં એણે કહ્યું કે એના દીકરાની આવી જ ઘોડી મરી ગઇ છે, અને એ ઘોડી માટે જીદ કરીને બેઠો છે.

બદ્રએ અબ્દુલ્લાની વાત યાદ કરી એમ કરવા ડોસીને ના પાડી દીધી. પણ એ ડોસીના પાખંડના ચક્કરમાં આવી ગયો. એણે એનું ખચ્ચર ડોસીને આપી દીધું. ડોસી ખચ્ચર લઇ નદી પાસે ગઇ. લગામ કાઢી લઇ એણે નદીમાંથી પાણી લઇ એના પર છાંટ્યું. એ ફરી પાછી જાદુગરણી બની ગઇ. પેલી વૃદ્ધે ડોસી હકીકતમાં જાદુગરણીની મા જ હતી. ડોસીએ એ વખતે એક રાક્ષસ પેદા કર્યો. એ એક હાથમાં બદ્ર બસીમને અને બીજી હાથમાં જાદુગરણી લેબ અને એની માને લઇ આકાશ માર્ગે ઊડી ગયો.

રાક્ષસ લેબના મહેલમાં ઉતર્યો. લેબ ગુસ્સામાં બોલી - ‘કૂતરાની ઓલાદ! તેં મારો પ્રેમ જોયો છે, પણ ગુસ્સો જોયો નથી. હવે તને તારા કપટની સજા મળશે જ.’ લેબે બદ્ર ઉપર મંત્રેલું પાણી છાંટ્યું. બદ્ર પંખી થઇ ગયો. જાદુગરણી લેબે એને પાંજરામાં પૂરી દીધું. પછી દાસીને હુકમ ફરમાવતાં કહ્યું - ‘આને ભૂખ્યો તરસ્યો રાખજે જેથી પાંજરામાં જ એનું કામ તમામ થઇ જાય.’

દાસી દયાળું હતી. એ છાનીછપની પંખીને દાણા પાણી આપતી રહી. એ દાસી બધાંની નજર ચૂકવી એક દિવસ બદ્રના કહેવાતા કાકા પાસે જઇ પહોંચી. બધી વાતથી એમને વાકેફ કર્યાં. અબ્દુલ્લાએ જાદુવિદ્યાથી એક પાંખોવાવો રાક્ષસ ઉત્પન્ન કર્યો. આ જીને અબ્દુલ્લાને પૂછ્યું - ‘આકા! હુકમ ફરમાવો.’

‘તું આ દાસીને લઇ હમણાંને હમણાં ઇરાન પહોંચી જા. ત્યાં જઇ ગુલનાર અને એની માને અહીં બનેલી બધી હકીકત જણાવજે. બદ્રને હવે આ સ્થિતિમાંથી ગુલનાર જ બચાવશે.’ ‘જેવી આજ્ઞા.’ કહેતાં જીન દાસીને લઇ ઊડ્યો. થોડીવારમાં એ ગુલનારના મહેલમાં ઉતર્યો. ગુલનારે દાસીને જોઇ આવકાર આપ્યો. અને પૂછ્યું - ‘અહીં આવવાનું પ્રયોજન?’

નોકરડીએ બદ્ર બસીમની દશાનું વર્ણન કર્યું. ગુલનાર અને એની મા શહેનાજબાનું દાસીની વાત સાંભળી મૂંઝાઇ ગયાં. ગુલનારે શહેર આખામાં સાદ પડાવ્યો કે બદ્ર બાદશાહ જીવતો છે, પણ કેદમાં છે. એને બચાવવા આપણે તાકીદનાં પગલાં ભરવાં પડશે.

ગુલનાર એના ભાઇ પાસે પહોંચી એની વાત રાક્ષસોય ટાળી શકતા ન હતા. ગુલનારની વાત સાંભળતાં સાહેલે જાદુગરણી લેબના નગર પર હુમલો કર્યો. ક્ષણવારમાં આખું નગર હતું ન હતું થઇ ગયું. દાસી પાસેથી માહિતી મેળવી ગુલનારે, બદ્ર પંખી થઇ પુરાયો હતો તે પાંજરું કબજે કર્યું. પંખીને પાંજરામાંથી બહાર કાઢી, ગુલનારે તેના પર પાણી છાંટતાં કહ્યું - ‘તું તારા અસલ સ્વરૂપમાં આવી જા.’

બદ્ર એના મૂળ સ્વરૂપમાં આવી ગયો.

માએ પુત્રને ગળે વળગાડી ચુંબનોથી નવડાવી દીધો. ગુલનારે અબ્દુલ્લાના ઉપકારનો બદલો વાળવા એને એ નગરનો રાજા બનાવ્યો. પેલી દાસીને અબ્દુલ્લાની રાણી બનાવી.

પછી બદ્રએ માને પોતાના નગરમાં જવાની ઇચ્છા જણાવી. માઅ કહ્યું - ‘જવું તો છે જ. પણ પહેલાં તારા માટે લાયક કન્યા તો શોધવી પડશે ને?’ ‘મા! હું લગ્ન કરીશ તો ફક્ત જવાહિર સાથે જ કરીશ. એ દુનિયાની બધી સ્ત્રીઓમાં રત્ન સમાન છે.’

‘બેટા! તારા રાજીપામાં જ મારો રાજીપો.’ ગુલનારે કહ્યું. અલ સમંદર હવે ગુલનારના કબજામાં હતો. સાહેબે એને ગુલનાર સમક્ષ હાજર કર્યો.

અલ સમંદરને જોતાં બદ્રએ ઊભા થઇ ઝૂકીને સલામ કરી. કહ્યું - ‘હું આપની પાસે આપની શાહજાદી જવાહિરનો હાથ માગું છું.’

અલ સમંદરે બદ્ર બસીમની માગણી મંજૂર કરી લીધી. કાજીને તેડાવી બદ્રના જવાહિર સાથે નિકાહ કરાવવામાં આવ્યા.

દસ દિવસ સુધી નગર આખામાં મહોત્સવ મનાવવામાં આવ્યો. પછી બદાં ખુશીથી પોતપોતાનાં રાજ્યોમાં પાછાં ફર્યાં.

અનુક્રમણિકા

૪૯ : ગનીમ અને ફિતના

શહરજાદની વાર્તાઓ બાદશાહ શહરયારને ખૂબ ગમતી હતી. એણે બીજી નવી વાર્તા સંભળાવવા કહ્યું. શહરજાદે નવી વાર્તાનો આરંભ કર્યો. ઘણા સમય પહેલાંની વાત છે.

દમાસ્કસ શહેરમાં અપ્યૂબ નામે વેપારી રહેતો હતો. એને એક પુત્ર હતો. પુત્રનું નામ હતું ‘ગનીમ’ એને ‘અલ્કલંબ’ નામે એક પુત્રી પણ હતી. બંન્ને ખૂબ દેખાવડાં હતાં. તે વખતે દમાસ્કસ ઉપર હારુન રશીદની આણ હતી. દમાસ્કસમાં મુહમ્મદ જેવેતીનું શાસન હતું. ગનીમ મોટો થયો. એ યુવાન થયો હતો. એનો બાપ ગંભીર માંદગીને લઇ મૃત્યુ પામ્યો હતો. પિતાના મૃત્યુ પછી તમામ દોલત ગનીમના હાથમાં આવી. ગનીમ એને કુશળતાથી સંભાળવા લાગ્યો.

એકવાર એ એનાં ગોદામો તપાસી રહ્યો હતો. ત્યારે એની નજર કેટલીક ગાંસડીઓ ઉપર પડી. આ ગાંસડીઓ ઉપર ‘બગદાદ’ એમ લખવામાં આવ્યું હતું.

અને એ ગાંસડીઓમાં કઇંક ભેદ જણાયો. એના વિશે એણે માને પૂછ્યું.

માએ એને કહ્યું - ‘તારા અબ્બાનું કામ ખૂબ જ કાળજીવાળું હતું. તેઓ જે માલ જે દેશમાં મોકલવા ઇચ્છતા હતા તે માલપર તે દેશનું નામ અચૂક લખાવતા.’ ગનીમે વિધવા માને ખાતરીપૂર્વક કહ્યું - ‘મા! મારા અબ્બાનું અધૂરું રહેલું કામ હવે હું પુરું કરીશ.’

માએ તેને તેમ ના કરવા જણાવ્યું - ‘ના, ના, બેટા! હજુ વેપાર કરવામાં તું કાચો છે. તને હજુ એટલો અનુભવ થયો નથી. વળી અહીંથી બગદાદ નું ધારતો હોઇશ એટલું નજીક પણ નથી.’ ‘મા! શું તને મારા પર વિશ્વાસ નથી? હું વેપારીનો દીકરો છું. મોરનાં ઇંડાંને તે વળી ચિતરવામાં હોય! તું જોજે તો ખરી, ચપટી વગાડતાં હું પિતાએ આદરેલું અધૂરું કામ પૂરું કરી દઇશ.’ ગનીએ કહ્યું.

માએ તેને ઘણો સમજાવ્યો. રસ્તામાં આવી પડનારી વિટંબણાઓથી સાવધ કર્યો. સાહસ કરવામાં કેટલું જોખમ છે તે પણ જણાવ્યું. પણ ગનીમ ના માન્યો તે ના જ માન્યો. માએ ઘણી ના પાડવા છતાં જહાંજોમાં માલ ભરી બગદાદના રસ્તે ચાલી નીકળ્યો.

માના કહ્યા પ્રમાણે રસ્તામાં અપાર મુશ્કેલીઓ આવી. છતાં મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી એનો કાફલો આખરે બગદાદ પહોંચી ગયો. ત્યાં એક મોટી હવેલી લઇ એ રહેવા લાગ્યો. એ અહીં ખૂબ જ અમીર દેખાઇ રહ્યો હતો.

થોડા દિવસ એણે આરામમાં વીતાવ્યાં. પછી એક દિવસ એ એના માલના નમૂના લઇ બજારમાં જઇ પહોંચ્યો. એણે માલની ગાંસડીઓ ગુલામોનાં માથાં પર ચઢાવી હતી.

અહીં બધાં જ વેપારીઓ ગનીમના બાપને ઓળખતા હતા. એક નેક અને ઇજ્જતદાર વેપારી તરીકે એમની ખ્યાતિ ચોમેર ફેલાઇ હતી. આથી ગનીમને એનો માલ વેચવામાં તકલીફ પડી નહીં. વેપારીઓએ ચપોચપ એનો બધો માલ ખરીદી લીધો. આ વેપારમાંથી ગનીમને બહુ મોટો ફોયદો થયો.

બીજે દિવસે એ પાછો બજારમાં ગયો. એણે જોયું તો આખું બજાર બંધ હતું. તપાસ કરતાં ખબર પડી કે એક જાણીતા વેપારીનું અવસાન થયું હોઇ બધા વેપારીઓ એને દફનાવવા કબ્રસ્તાન ગયા હતા. એ પહેલાં મસ્જિદમાં ગયો. બીજા વેપારીઓ સાથે એણે નમાજ પઢી પછી એ કબ્રસ્તાન તરફ ચાલ્યો ગયો.

કબ્રસ્તાનમાં જ રાત પડી ગઇ. ગનીમને હવે ત્યાં વધુ વખત રોકાવું ઠીક લાગ્યું નહીં. એને બીક હતી કે ક્યાંક ગુલામો માલ લઇને રફુચક્કર ના થઇ જાય! એ બધાંની નજરથી બચીને હવેલી તરફ ચાલી નીકળ્યો.

અજાણ્યું શહેર હતું. રસ્તો પણ અજાણ્યો હતો. એમાં વળી પાછું ઘોર અંધારું હતું. એ રસ્તો ભૂલી ગયો. એ શહેરના પ્રવેશદ્વાર પાસે આવ્યો ત્યારે મુખ્ય દરવાજો બંધ થઇ ગયો હતો. હવે શું કરવું? ઘણો વિચાર કર્યા પછી એ એક ઝાડ પર ચઢી ગયો. કારણ કે એને ભૂત પ્રેતની બહુલીક લાગતી હતી.

અચાનક ગનીમે અજવાળું જોયું. એણે જોયું તો કેટલાક ગુલામ એક મોટી પેટી ખભા પર ઊંચકી જઇ રહ્યા હતા. એકના હાથમાં ફાનસ હતું. એમણે રાજમહેલના ગુલામોનાં વસ્ત્રો પહેર્યાં હતાં.

કબ્રસ્તાનમાં જઇ એમણે પેટી નીચે મૂકી. એક ગુલામ બોલ્યો - ‘આને આપણે અહીં જ મૂકી દઇએ. હવે મને બહુ બીક લાગે છે.’ પણ એના મુખિયાએ કહ્યું - ‘માલકણનો હુકમ છે કે એને અહીં જ દાટવામાં આવે.’

ગુલામોએ ઊંડે ખાડો ખોદી પટારો દાટી દીધો. પછી તેઓ ત્યાંથી પાછા વળી ગયા. એમના ગયા પછી ગનીમ ઝાડ ઉપરથી નીચે ઉતર્યો. એ પટારો જ્યાં દાટ્યો હતો ત્યાં આવ્યો. ખાડા ઉપરથી એણે મારી હઠાવી. પટારાનું તાળું તોડી નાખ્યું. એણે જોયું તો એની આંખો ફાટી ગઇ. પટારામાં એક સુંદર યુવતી બેભાન થઇ પડી હતી એણે બળ વાપરીને પેલી સ્ત્રીને બહાર ખેંચી કાઢી. એના ચહેરા ઉપર એણે પાણી છાંટ્યું. ધીમે ધીમે એ ભાનમાં આવી. એ બબડી - ‘હું ક્યાં છું? મારા માણસો ક્યાં છે?’

ગનીમે કહ્યું - ‘મને કશી ખબર નથી. થોડાક માણસો પટારામાં પૂરી દઇ આપને અહીં દાટી ગયા હતા. લાગે છે કે ભગવાને આપને બચાવવા જ મને અહીં મોકલ્યો હશે!’ ‘યા ખુદા! આપનો ખૂબ ખૂબ આભાર. હવે તમે મને એ જ પટારામાં પૂરી દઇ, કોઇક ખચ્ચર પર પટારો ચઢાવી આપને ઘેર લઇ જાઓ. ત્યાં હું તમને મારી દર્દનાક કથની સંભળાવીશ...’ પેલી સ્ત્રીએ કહ્યું. સવારે એક ખચ્ચરવાળો ત્યાંથી પસાર થતો હતો. ગનીમે બહાનું બનાવી પટારો ખચ્ચર પર મૂકાવી દીધો. અને તેને પોતાની હવેલીએ લઇ આવ્યો.

એ પટારો એણે એના શયનકક્ષમાં મૂકાવી દીધો. રાત્રે એણે પેલી સુંદર સ્ત્રીને પટારામાંથી બહાર કાઢી. હવેલીનો દરવાજો બંધ કરાલી દીધો. ગુલામને એણે સ્વાદિષ્ટ ભોજન બનાવવા હુકમ કર્યો. બધું ગોઠવાઇ ગયા પછી ગનીમ તે સુંદરી પાસે આવ્યો. એ સુંદર અને ચિત્તાકર્ષક હતી. ગનીમની નજર એકાએક એના દુપટ્ટા પર પડી. એ જોતો જ રહી ગયો. દુપટ્ટાપર લખ્યું હતું - ‘હું હારુન રશીદની ફિતના છું.’

બંન્નેએ ભોજન કર્યું. પછી તે બોલી - ‘મારું નામ ફિતના છે. હું બાદશાહ હારુન રશીદની મહેબૂબા છું. આખું બગદાદ મારા નામથી પરિચિત છે. ખલીફાએ મારે માટે ભવ્ય રાજમહેલ બનાવડાવ્યો છે. એમાં સંગેમરમરનું હમામખાનું છે. કાચનું વસ્ત્રાલય છે. સુંદર રસોઇઘર છે. દાસદાસીઓનો તો તોટો નથી. અનેક પ્રકારની રાજવી સગવડો છે. બાદશાહ પણ મને જિગરથી ચાહતા હતા. બાદશાહના મારી ઉપરના અપાર પ્રેમથી મલિકા જુબેદા ખાતૂન બળતી હતી. એણે એનો રસ્તો સાફ કરવા એક દાસીને લાલચ આપી. દાસીએ મને બેભાન બનાવી દીધી. પછી જે કઇં થયું. એ તો તમે જાણો જ છો. હાં, પણ એ વાતનું ધ્યાન રાખજો કે આ વાતની કોઇને જરા સરખી પણ ગંધ આવવી જોઇએ નહીં. મલિકા જુબેદાથી ખાસ સાવધાની રાખવાની છે. અત્યારે બાદશાહ સલામત મહેલમાં નથી. હું તમને એક ખાસ વાત કહેવા માંગું છું કે જ્યાં સુધી કોઇ ઘરની વાત પોતે જ બીજાને ના કહે ત્યાં સુધી બીજાને ખબર પડતી નથી.’

ગનીમ બધું સાનમાં સમજી ગયો. એણે બે દાસીઓ બોલાવી અને ફિતનાની સેવામાં મૂકી દીધી.

બંન્ને એકબીજાથી આકર્ષાયાં હતાં. એકબીજા પર મોહ પામી ગયાં હતાં. એમનાં હૈયાંમાં પ્રેમનું વાવાઝોડું તોફાન મચાવી રહ્યું હતું. પણ ખલીફા હારુન રશીદની બીકથી તેઓ એકબીજાનો સ્પર્શ શુદ્ધાં કરી શકતાં ન હતાં.

ફિતના ક્યાં છે એની કોઇને ખબર ન હતી. જુબેદાની ઊંઘ હરામ થઇ ગઇ હતી. ખલીફાએ બેગમ જુબેદાને પૂછ્યું ત્યારે એ હેરાન થઇ ગઇ. એણે વિચાર કરીને તેની ધાયને બોલાવી. વૃદ્ધ ખૂસટ લુચ્ચી અને ચાલાક હતી. જુબેદાએ એની મૂંઝવણ સૂસટ સામે રજૂ કરી.

ખૂસટે કહ્યું - ‘એમાં ચિંતા કરવા જેવું છે જ શું! એનો ઉપાય હું બતાવું તમને, બેગમ સાહિબા! એમ કરો, ફિતના જેવી જ બે લાકડાની મૂર્તિઓ તૈયાર કરાવો. હું એમાંથી એકને મરેલી જાહેર કરીને કબ્રસ્તાનમાં દફનાવી દઇશ. બીજીના પગને તળિયે નામ કોતરાવીને મહેલમાં રખાવી દઇશું. બાદશાહ સલામત સમજી જશે કે ફિતના મૃત્યુ પામી છે.’

બેગમે આમ જ કર્યું. આખા શહેરમાં વાત ફેલાવવામાં આવી કે ફિતના મૃત્યુ પામી છે. ખલીફા આવ્યા ત્યારે આ વાત જાણી એમને ભારે આઘાત લાગ્યો. તેઓ તેમના ખાસ સેવક મસરૂરને લઇ કબ્રસ્તાનમાં ગયા. દૂરથી જ શાહી કબર જોઇ એમને ફિતનાના મૃત્યુની ખાતરી થઇ ગઇ। એમણે ફાતિહા પઢવાનું શરૂ કર્યું. તેમ કરતાં ખલીફાના મનમાં શંકા થઇ કે એ કબર તદ્દન નવી નવી હતી. કબર ખોદાવી એને જોવાનું મન થઇ આવ્યું પણ મૌલવીઓએ કહ્યું હતું કે કબર ખોદાવવી ધર્મની વિરુદ્ધનું કૃત્ય હતું, ઇસ્લામની વિરુદ્ધ હતું.

ખલીફાએ અને બીજા લોકોએ ચાલીસ દિવસ શોક ધારણ કર્યો. એકતાલીસમાં દિવસે કાળાં કપડાં ઉતારી દેવામાં આવ્યાં. ફિતનાએ ગનીમને કહ્યું કે એ એને ખલીફા બાદશાહ સામે ખૂબ જ સાવચેતીથી રજૂ કરે. કદાચ બાદશાહ એટલા બધા ખુશ થઇ જાય કે તમને ઇનામમાં મારી જ ભેટ ધરી દે, અને બેગમને સજા પણ કરે.’ પ્રશ્ન ત્યાં હતો કે આ વાત બાદશાહ સુધી પહોંચાડે કોણ? ખૂબ વિચાર કરી દાસી જોડે પત્ર મોકલાવ્યો.અને એમ કરી એને બાદશાહની નૂરુન્નિહારને આપી દીધો. એક દિવસ બાદશાહ સૂતો હતો. નૂરુન્નિહાર અને નિગહત એમની પગચંપી કરતી હતી.

ત્યારે લાગ જોઇ નૂરુન્નિહારે કહ્યું - ‘ગરીબ પરવર! ગુસ્તાખી માફ કરો તો મારે એક અરજ કરવી છે.’ ‘કહે.’

‘ફતના બેગમ જીવે છે.’ ‘બાદશાહ ચોંકી ઊઠ્યો. બેઠા થઇ જતાં એણે કહ્યું - ‘શું વાત કરે છે? ફિતના જીવે છે?’

‘હા, હૂજૂર. હું ખોટું નથી કહેતી. એમણે પત્ર મોકલાવ્યો છે.’ ‘ક્યાં છે પત્ર?’

નૂરુન્નિહારે પત્ર બાદશાહ સામે ધર્યો. બાદશાહ તેને હાથમાંથી કાગળ ખેંચી લઇ વાંચવા લગ્યો. તે ગળગળો થઇ બબડ્યો. ‘મારી માશૂકા ચાર મહિના સુધી એક વેપારીની પાસે રહી. ગનીમે જરૂર એને નાપાક કરી હશે! અરેરે! ફિતના તારા વિયોગમાં મેં કેટલાં દુઃખો સહન કર્યાં અને તું પારકા મર્દ સાથે મોજમસ્તી કરતી રહી!’

બાદશાહે ચારસો સૈનિકો મોકલી બંન્નેને ગિરફ્તાર કરી લાવવા હુકમ કર્યો. પણ ફિતનાએ ગનીમને સંતાડી દીધો, અને પોતે ગિરફ્તાર થઇ ગઇ. એને ખબર હતી કે બાદશાહમાં ભયંકર નફરત ઠોંસી ઠોંસીને ભરેલી છે. ગનીમને જોતાં જ એ એનું માથું ઉતારી લેશે.

બાદશાહે દમાસ્કસના શાશકને પત્ર લખ્યો કે અટ્યુબ વેપારીનો દીકરો ગનીમ તેમનો ગુનેગાર છે. એની બધી જ મિલકત જપ્ત કરી લેવામાં આવે. અને એમાં કુટુંબીજનોને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે.

જબેની સમજતો હતો કે પુત્રએ કરેલા ગુનાની સજા તેના આખા કુટુંબને ના મળવી જોઇએ. તેમ છતાં બાદશાહ હારુન રશીદની બીકથી એણે ગનીમને મા બહેનને નગ્ન કરી દેશ નિકાલ કરી દીધાં. જ બેની જ દયાળુ હતો આથી તેણે તેમને ઓઢવા માટે એક ધાબળો આપ્યો.

એ બંન્ને રખડતી રઝળતી એક ગામમાં પહોંચી. થોડીક સ્ત્રીઓએ એમની દર્દભરી દાસ્તાન સાંભળી. એમને આ નિરાધાર સ્ત્રીઓ પર દયા આવી. એમણે એમને કપડાં આપ્યાં તથા ખવડાવ્યું. ત્યાંથી તે બંન્ને આગળ ચાલી ક્યારેક મસ્જિદમાં તો વળી ક્યારે ધર્મશાળામાં રહી તેઓ રાતો પસાર કરવા લાગી. એમ કરતાં એ પોતાના દીકરા ગનીમને શોધવા બગદાદ પહોંચી.

આ તરફ ફિતના એના ભાગ્યને ધિક્કારતી બંદીખાનામાં રડી રડીને દિવસો વીતાવતી હતી. એક દિવસ બાદશાહ ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે ફિતના આક્રંદ કરતી બોલતી હતી - ‘હે ગનીમ! તેં મારી કેટલી સેવા કરી છે! તું મારા પ્રત્યે આકર્ષાયો હતો એ સાચું, પણ મેં તને કહ્યું કે હું બાદશાહ સલામતની છું ત્યારે તેં મને સ્પર્શ શુદ્ધાં ના કર્યો. તેં મારી પવિત્રતા જાળવી છે. છતાં બાદશાહે તને બરબાદ કરી નાખ્યો. એનાથી તો એ વધું સારું થાત કે તેં મને બરબાદ કરી નાખી હોત.’ કહી એ ફરી કરુણ વિલાપ કરવા લાગી.

ફિતનાના કરુણ આક્રંદે બાદશાહનું હૈયું હચમચાવી દીધું. એણે ગુલામ મસરૂરને, ફિતનાને હાજર કરવા હુકમ કર્યો. મસરૂરે ફિતનાને બાદશાહ સમક્ષ હાજર કરી.

રડતાં રડતાં ફિતનાએ બાદશાહને જે સાચું હતું તે જણાવી દીધું. એણે પાક ખુદા અને કુરાન-એ-શરીફના સોગંદ ખાઇ કહ્યું કે પોતે નખશિખ પવિત્ર છે. સત્ય એ સત્ય જ હોય છે. એની અસર થયા વગર રહેતી નથી.

ખલીફાનું હૈયું હલબલી ગયુ.ં એણે ફિતના સમક્ષ દિલસોજી વ્યક્ત કરી પ્રાયશ્ચિત કર્યું. ચારે તરફ ગનીમ, એની મા અને બહેનને શોધવા માણસો દોડાવવામાં આવ્યાં. વળી બાદશાહે આખા નગરમાં જાહેરાત કરાવી કે ગનીમનો ગુનો માફ કરવામાં આવ્યો છે. આનંદથી ઝૂમી ઊઠેલી ફિતનાએ ફકીરો અનો મૌલવીઓને ધનની ખેરાત કરી તેમને, ગનીમ સહીસલામત પાછો ફરે એ માટે ખુદાને બંદગી કરવા કહ્યું. એ પોતે પણ એમને શોધવાના કામમાં લાગી ગઇ. ઇશ્વરની કૃપા અને ફકીરો મૌલવીઓની દુઆ આખરે રંગ લાવી.

શોધતાં શોધતાં એક મસ્જિદમાં ફિતનાને ગનીમની મા અને બહેન અલકલંબ મળી આવ્યાં. તેની ખુશીનો પાર ના રહ્યો. એ ગનીમની વાત કરી રહ્યાં હતાં ત્યાં જ એક શાહી નોકરે આવીને જણાવ્યું કે એક બીમારે જેવો માણસ હકીમજીના દવાખાનામાં લાવવામાં આવ્યો છે. તે એનું નામ ‘ગનીમ’ જણાવે છે.

બધાં દોડતાં દવાખાનો પહોંચ્યાં. ગનીમને જોઇ એમની આંખો હરખમાં શ્રાવણ ભાદરવો વરસાવવા લાગી. ફિતના ગનીમને લઇ આવી. એને એક શાહી મહેલમાં રાખવાની વ્યવસ્થા પણ કરી. સાથે એક હકીમને પણ રાખવામાં આવ્યો.

ગનીમને બધાંએ પૂછ્યું ત્યારે એ એટલું જ બોલ્યો - ‘ઇશ્વરની લીલા ન્યારી છે. એનો પાર પામવો આપણા હાથની વાત નથી.’

ખલીફાએ આ વાત જાણી કે તરત જ વજીરને મોકલી એ ત્રણેયને દરબારમાં તેડાવ્યાં.

બાદશાહે કહ્યું - ‘ગનીમ અને એના પરિવારને મેં અકારણ તકલીફો આપી છે. મારે કારણે એમને ઠેકઠેકાણે ભટકતાં રહી ઠોકરો ખાવી પડી છે. હું એ માટે ખરા દિલથી પ્રાયશ્ચિત કરવા ઇચ્છું છું. જુબેદાને ઇર્ષાની આગમાં બાળવા માટે હું અલકલંબ સાથે નિકાહ કરીશ. કારણ કે એ તો શાહી મહેલને જ લાયક છે. ગનીમ ફિતનાને ચાહતો હોવા છતાં પણ મારી ઇજ્જત પર કોઇ કલંક લાગવા દીધું નથી તેથી હું જ ગનીમના નિકાહ ફિતના સાથે કરાવીશ.’ પછી એણે ગનીમની મા સામે જોઇ કહ્યું - ‘આપ કસમયે વિધવા થઇ ગયેલ છો, હજુ તમારી ઉંમર પણ એટલી ક્યાં થઇ છે! જો તમારી ઇચ્છા હોય તો તમે અમારા વજીર જાફર સાથે નિકાહ કરી શકો છો.’

ગનીમની મા ભોંય ખોતરવા લાગી. બાદશાહ મૌનની ભાષા સમજી ગયા. બાદશાહે કાજીને બોલાવી એમની નિકાહ કરાવી દીધા.

વાર્તા પૂરી થતાં દુનિયાજાદે ઘણાં વખાણ કર્યાં. શહરયારે પણ જ્યારે પ્રસંશા કરી ત્યારે શહરજાદે કહ્યું ‘આપ જ્યારે જૈનુસ્સનમની પ્રેમકથા સાંભળશો ત્યારે મોંઢામાં આંગળાં નાખ્યાં વગર નહીં રહો.’

‘સવાર થવા આવી છે. એ કથા હું રાત્રે સંભળાવીશ.’

બધા પોતપોતાને કામે લાગી ગયા.

અનુક્રમણિકા

૫૦ : શાહજાદા જૈનુસ્સનમની પ્રેમકથા

રાત પડતાં જ શહરજાદે વાર્તા માંડી. વર્ષો પહેલાં બસરામાં એક બાદશાહ થઇ ગયો. એ ન્યાયપ્રિય અને પ્રજાપાલક હતો. પણ એને દીકરો ન હતો. એ વાતનું એને ભારે દુઃખ હતું. પ્રજા પણ એને ત્યાં પુત્ર જન્મ થાય એ માટે પ્રાર્થના કરતી હતી.

ઇશ્વરની મહેરબાનીથી એમને ઘેર પારણું બંધાયું. પુત્ર જન્મની ખુશાલીમાં આખા બસરામાં મહોત્સવ ઉજવવામાં આવ્યો. જ્યોતિષીઓએ એનું ભવિષ્ય ભાખતાં કહ્યું હતું કે એ દીકરો મહાપ્રતાપી, પરાક્રમી અને પ્રજાપ્રિય થશે. એ ઘણું લાંબુ જીવશે. તેમ છતાં કેટલાક ગ્રહો નબળા હોઇ એને કેટલાંક કષ્ટો વેઠવાં પડશે.

જ્યોતિષીઓને ઇનામ આપતાં બાદશાહે કહ્યું - ‘એ રાજબીજ છે. મુશ્કેલીઓ સાથે બાથ ભીડવી એ તો એનું કામ છે. એને એના રાજ્યની સીમા વધારવા માટે અને બળવા દબાવી દેવા માટે મુશ્કેલીઓ સામે મોરચો તો માંડવો જ પડશે.’ જ્યોતિષીઓ ચાલ્યા ગયા.

શાહજાદો પાંચ સાત વરસનો થયો એટલે એને ભણવા મૂક્યો. એ ભણ્યો તો ખરો, પણ બાદશાહની ઢળતી ઉંમરનું ફરજંદ હતું એટલે બગડી પણ ગયો. એ દિવસે દિવસે ઉડાઉ થતો ગયો.

બાદશાહ બીમાર પડ્યા. જેમ જેમ ઇલાજ થતો ગયો તેમ તેમ તેમનું દર્દ વધતું ગયું. કોઇ ઉપચાર કારગત ના નીવડ્યો. બાદશાહનું મરવું નિશ્ચિત હતું. મોતને માથા પર આંટા મારતું જાણી બાદશાહે જૈનુસ્સનમને પાસે બોલાવ્યો. કહ્યું - ‘સ્વાર્થી અને ગરજવાન માણસનો ક્યારેય વિશ્વાસ રાખીશ નહીં. તું કોઇની સાથે વધારે પ્રેમ કે વધારે શત્રુતા રાખીશ નહીં. રાજ્યની પ્રજાને ઓલાદની જેમ પ્રેમ અને સુખ આપજે. નફો નુકસાનનો વિચાર કર્યા વગર કોઇ કામ કરીશ નહીં.’ આટલું બોલી બાદશાહે દેહ છોડી દીધો.

દસેક દિવસનો જૈનુસ્સનમ પિતાના મોતના સંતાપમાં રહ્યો. પછી એણે દરબારમાં જવાનું શરૂ કર્યું. તમામ સત્તા અને સંપત્તિ હાથ આવતાં જ એણે આવારગી શરૂ કરી. એ અપ્યાશીમાં પડી ગયો. આડેધડ ખર્ચ કરવાને લીધે રાજ્યના ખજાનાનું તળિયું દેખાવા લાગ્યું. પરિણામે સૈનિકોને જ્યારે પગાર મળ્યો નહીં ત્યારે તેઓ નોકરી છોડી ઘેર ચાલ્યા ગયા. શહેરમાં દંગા ફસાદ વધી ગયા. રાજ્યમાં અંધાધૂંધી વ્યાપી ગઇ.

હવે બાદશાહ જૈનુસ્સનમને એની ભૂલ સમજાઇ. એણે મનોમન પિતાને અને પિતાની વાતોને યાદ કરી ક્ષમા માગી. પશ્ચાતાપ સ્વરૂપે એણે એની શાશન વ્યવસ્થામાં ફેરફાર કર્યો. આરામી અને કામચોર અધિકારીઓને એણે એમના હોદ્દા પરથી દૂર કર્યા. અને તેમની જગાએ વૃદ્ધ અને અનુભવી માણસોની નિમણૂંક કરી. પણ રાજ્યનો ખજાનો તો ખાલી થઇ ગયો હતો.

એક રાત્રે એને સપનું આવ્યું. સપનામાં એણે એક વૃદ્ધ જોયો. એણે કહ્યું - ‘જો તારે ધન જોઇતું હોય તો તું મિસરની રાજધાની કેરુ પહોંચી જા.’ સવારે ઊઠીને એણે માને રાત્રે આવેલા સપનાની વાત કરી, અને કેરુ જવાનો મનસૂબો જાહેર કર્યો. એની માએ ના પાડતાં કહ્યું - ‘બેટા! તું નાનો અને બીન અનુભવી છે. વળી કેરુ ઘણું દૂર છે. અને ત્યાં પહોંચવાનો રસ્તો પણ કઠિન છે.’

પણ જૈનુસ્સનમે માની વાત માની નહીં. એક દિવસ એણે કેરુની વાટ પકડી લીધી. કેરુ પહોંચી ગયા પછી એ વિશ્રામ કરવા એક ધર્મશાળામાં રોકાયો.

થાકી ગયેલો હોવાથી તે આડે પડખે થયો. એને ઊંઘ આવી ગઇ. ઊંઘમાં સ્વપ્નામાં પેલો વૃદ્ધ માણસ જ જોયો. એ કહેતો હતો - ‘બેટા! હવે તું પાછો ચાલ્યો જા. ઘેર પહોંચતાં જ તને બેશુમાર ધન મળશે.’

આંખ ઊઘડતાં જ એને એની મુર્ખતા પર દયા આવી. સારું થયું કે આ વાત મા સિવાય એણે કોઇને કહી ન હતી. ઘેર પાછા ફરવા સિવાય હવે એની પાસે બીજો રસ્તોય ન હતો. એ પાછો બસરા ગયો. આવીને એણે બધી વાત માને કરી. માએ એને કહ્યું કે ભગવાન જે કરે તે ભલા માટે કરે છે.

તે શયનકક્ષમાં ગયો. એને ઊંઘ આવી ગઇ. એણે સપનામાં ફરી એ જ વૃદ્ધને જોયો. એણે રહસ્યસ્ફોટ કરતાં કહ્યું - ‘મેં તને કેરુ એટલા માટે બોલાવ્યો હતો કે હું તારી હિંમત જાણવા માગતો હતો. સાંભળ! કાલે તું તારા પિતા પહેલાં જ્યાં રહેતા હતા એ જૂના મહેલમાં જજે. ત્યાંથી તને અઢળક સંપત્તિનો ખજાનો મળશે.’

જૈનુસ્સનમને આ વાત પણ માને જણાવી. માએ હસીને કહ્યું - ‘એ તારો ઘરડો માણસ મને પાગલ લાગે છે. નકામાં તને સપનામાં આવીને પરેશાન કરે છે. બેટા! એટલું યાદ રાખજે કે સપના કદી સાચાં પડતાં નથી.’

જૈનુસ્સનમે માને કહ્યું - ‘મા! છેલ્લીવાર મારી વાત માની જા. પછી હું સપનાની વાતને મારા મનમાંથી હંમેશને માટે દૂર કરી દઇશ.’ દીકરાની જીદ સામે માએ હથિયાર હેઠાં મૂકી દીધાં. એ એક ગુલામને લઇ મહેલ તરફ ઉપડ્યો. ગુલામને ખભે પાવડો. કોદાળી હતાં. એ જૂના મહેલને દરવાજે પહોંચ્યા પછી ગુલામના હાથમાંથી પાવડો કોદાળી લઇ એને પાછો મોકલી દીધો.

દરવાજો ખોલી જૈનુસ્સનમ મહેલમાં દાખલ થયો. મહેલના આંગણામાં પાકી જમીન હતી. એની નજર તાળું લગાવેલા એક બંધ દરવાજા પર પડી. એણે વિચાર્યું, નક્કી એમાં જ ખજાનો હશે! તાળું તોડી એ અંદર ગયો. અંદરની રવેશી એકદમ સ્વચ્છ જણાતી હતી. છત પર ઝુમ્મરો લટકતાં હતાં. દીવાલો ચાંદીથી જડેલી હતી. એને પહેલીવાર છીંપલાથી મઢેલી ચાર ટિપોઇ મળી આવી. એમના પર દસ દસ મોટા દેગડા મૂકવામાં આવ્યા હતા. જોયું તો, બધા દેગડા સોના મહોરોથી ભરેલા હતા. એણે એમાંથી થોડીક સોનામહોરો હાથમાં લીધી. મહેલમાં જઇ એની માને સોનામહોરો બતાવી. માને નવાઇ લાગી. ખુશી પણ થઇ. એ બોલી - ‘બેટા! તારી સપનાની વાત સાચી પડી.’ અને એ પણ દીકરા સાથે જૂના મહેલે જવા નીકળી ગઇ.

મા દીકરો જૂના મહેલે પાછા આવ્યાં. એમણે એક ખૂણામાં ગોઠવેલો એક બીજો દેગડો પણ જોયો. એણે એનું ઢાંકણ ખસેડી જોયું તો તેમાંથી એક ચાવી મળી આવી. પણ આ ચાલી લાગે એવું તાળું કોઇ જગાએ દેખાયું નહીં. ઘણી બધી શોધખોળ કર્યા પછી એમણે એક પત્થરમાં છિદ્ર જોયું. એ છિદ્રમાં ચાવી નાખી ફેરવતાં પત્થર ખસવાથી દરવાજો ઊઘડ્યો. જોયું તો અંદર એક ભવ્ય મહેલ હતો.

મહેલની વચ્ચોવચ્ચ સોનાના નવ થાંભલા હતા. આમાંથી આઠની ઉપર હીરામાંથી બનાવેલી એક એક આકૃતિ ઉપર એમની નજર પડી. હીરાના પ્રકાશથી આખો મહેલ ઝળહળી રહ્યો હતો.

પણ એને આશ્ચર્ય તો એ વાતનું થતું હતું કે નવમા થાંભલા પર મૂર્તિ કેમ નહીં હોય! તે એને જોવા માટે તે થાંભળાની નજીક ગયો. તો એને કઇંક લખાણ કોતરેલું દેખાયું. તે વાંચવા લાગ્યો. લખ્યું હતું - ‘પ્યારા પુત્ર! આ આઠેય મૂર્તિઓ મહામહેનત અને મહામુશ્કેલીઓથી મળે છે ખરી. પણ નવમી મૂર્તિ તો અમૂલ્ય છે. જો તારે એ અપ્રાપ્ય નવમી મૂર્તિ મેળવવી હોય તો તું મીસરની રાજધાની કેરું ચાલ્યો જજે. ત્યાં મારો એક ખાસ ગુલામ મુબારક તને મળશે. એ તને નવમી મૂર્તિ મેળવવામાં મદદ કરશે. એની મદદ વગર તું નવમી મૂર્તિ મેળવી શકશે નહીં.’

જૈનુસ્સનમ કેટલાક ગુલામો લઇ કેરુ પહોંચ્યો. એણે મુબારકનું મકાન શોધી કાઢ્યું. મુબારક પોતાના માલિકના દીકરાને જોઇ ખુશ થયો. એણે કહ્યું કે, ‘તમારા પિતાએ મને ખરીદ્યો હતો.’ જૈનુસ્સનમે મુબારકને અહીં તેના આવવાનો હેતુ જણાવ્યો. એણે નવમી મૂર્તિ મેળવવા બીજે દિવસે એની સાથે જવાનું જણાવ્યું.

પછીના દિવસે મુબારકની ભોજનશાળામાં, ખાસ મહેમાનો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જૈનુસ્સનમ પણ એ સમારંભમાં ઉપસ્થિત થયો. જૈનુસ્સનમે આવેલા મહેમાનોને એનો પરિચય આપતાં કહ્યું - ‘આ બસરાના બાદશાહ અને મારા માલિકના પુત્ર બાદશાહ જૈનુસ્સનમ છે.’

જૈનુસ્સનમે કહ્યું - ‘હું આજે તને અમારી ગુલામીમાંથી મુક્ત કરું છું. હવે તું મારી જેમ આઝાદ છે.’ મુબારકે એના માલિકનો આભાર માન્યો.

બીજે દિવસે બંન્ને ચાલી નીકળ્યા. દિવસોના પ્રવાસ પછી તેઓ એક ઘોરજંગલમાં પ્રવેશ્યા. મુબારકે જૈનુસ્સનમને જણાવ્યું કે એ જંગલમાં ખૂંખાર પ્રાણીઓ અને ભૂતપ્રેત રહેતાં હતાં. જૈનુસ્સનમ ગભરાયો નહીં. મુશ્કેલીઓ સામે બાથ ભીડવાનું હવે એને ફાવી ગયું હતું.

મુબારકે તેને જણાવ્યું - ‘આગળ એક નદી આવશે. એને પાર કરવા એક જાદુઇ હોડી મળશે. બસ, તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે મોંઢામાંથી જરા સરખોય અવાજ ના નીકળે, કેમ કે, હોડીનો નાવિક તદ્દન વિચિત્ર હશે. એને જોઇને આપે અવાજ કર્યો તો નક્કી માનજો કે હોડી ડૂબી જશે.’

થોડીવારમાં નદી આવી ગઇ. મુબારકે મંત્ર ભણ્યો. તરત જ ચંદનના લાકડામાંથી બનેલી હોડી સામે આવી ઊભી. હોડીનો શઢ ભૂરો અને રેશમી હતો. મુબારકના કહેલા મુજબ નાવિક વિચિત્ર હતો. એનું માથું હાથીનું હતું અને બાકીનું શરીર સિંહનું હતું. બંન્ને નાવમાં બેઠા. નાવ પાણી ઉપર તેજ ગતિથી સરકવા લાગી. પણ આ શું! નાવ નદીમાં ડૂબી ગઇ. ડૂબીને જેવી એ ઉપર આવી તો સામો કિનારો આવી ગયેલો જણાયો.

મુબારકે કહ્યું - ‘આ પ્રેતનગર છે. અહીંનો બાદશાહ ભૂતોનો બાદશાહ છે.’ જૈનુસ્સનમે જોયું કે આ જગા અત્યંત રમણીય હતી. બસ, એ તો જોતો જ રહી ગયો. પછી તેઓ આગળ વધ્યા. એક ડરામણો રસ્તો પાર કરીને તેઓ એક કિલ્લાના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા. આ જગા અપાર રત્નો અને મણિઓથી આચ્છાદિત હતી. ચારે તરફ ઊંડી ખાઇ હતી. ફક્ત એક જ જગાએ બાર ગજ લાંબો અને છ ગજ પહોળો પુલ હતો. એની ચારેબાજુ ઓલીવતાં ગીચ વૃક્ષો હતાં.

દરવાજા આગળ કેટલાંય ભૂતો પહેરો ભરી રહ્યાં હતાં. મુબારક ઊભો રહી ગયો. બોલ્યો - ‘હવે આપણે આપણા રક્ષણનો ઉપાય પહેલેથી જ વિચારી લેવો પડશે.’

એણે ચાર પટ્ટા કાઢ્યા. બે પોતે બાંધ્યા અને બે જૈનુસ્સનમને બંધાવ્યા. પછી મુબારકે ચાદર પાથરી ભૂતોના રાજાનું આહ્‌વાન કર્યું. મુબારકે તેને જણાવી દીધું હતું કે જો તે ભૂતના સ્વરૂપે હાજર થશે તો આપણી ખેર નથી, અને જો મનુષ્ય રૂપે હાજર થશે તો તે મદદ કરશે.

જેવો મુબારકે મંત્ર ભણ્યો કે તરત જ ભૂતરાજ માનવીના રૂપમાં હાજર થયો.

બાદશાહે ભૂતરાજને સલામ કરી. ભૂતરાજે કહ્યું - ‘બેટા! મને તારા મૃત પિતા ઉપર બહુ જ પ્રેમ હતો. એ જ્યારે જ્યારે મારી પાસે આવ્યા હતા ત્યારે ત્યારે મેં એમને રત્નજડિત એક એક મૂર્તિ આપી હતી. નવમી મૂર્તિ માટે મેં એમને કહ્યું હતું કે તે હું તમારા પુત્રને આપીશ. સપનામાં ત્રણ વાર જે વૃદ્ધ દેખાયો હતો તે હું જ હતો. પેલો શિલાલેખ પણ મેં જ લખવેલો હતો. વિશ્વાસ રાખજે. હું તને જરૂર નવમી મૂર્તિ આપીશ. પણ એ માટે મારી એક શરત તારે મંજૂર કરવી પડશે.’

‘કેવી શરત, ભૂતનાથ?’ જૈનુસ્સનમે પૂછ્યું.

‘તારે મારે માટે પંદર વર્ષની નવયુવાન યુવતી લાવવી પડશે.’ ‘બીજું?’

‘એ યુવતી પવિત્ર અને સચ્ચચરિત્ર હોવી જોઇએ. એને તારે પણ બૂરી નજરથી દેખવાની નથી.’

‘પણ એ પવિત્ર અને સચ્ચરિત્ર હોય એની મને ખબર શી રીતે પડે? વળી હું એ પણ શી રીતે જાણી શકું કે એણે કોઇની આગળ સર્વસ્વનું સમર્પણ નહીં કર્યું હોય?’

‘એ જાણવા હું તને એક અરીસો આપું છું. એ જાદુઇ અરીસાની વિશેષતા એ છે કે કોઇ પવિત્ર છોકરી એમાં એનો ચહેરો જોશે તો તે ખૂબ તેજસ્વી દેખાશે. અને જો એ પાક નહીં હોય તો તો એનો ચહેરો બેડોળ દેખાશે.’

અરીસો લઇ જૈનુસ્સનમ કેરુ આવ્યો. મુબારક પણ એની સાથે હતો. એમણે બધે જ તપાસ કરી પણ કોઇ યુવતી અરીસાની પરીક્ષામાં પાસ થઇ નહીં.

હતાશ અને લાચાર થઇ એ બંન્ને બગદાદ આવ્યાં. ત્યાં ખૂબ પૈસો ખર્ચતા રહ્યા. એક મુરાદ નામનો ગરીબ વ્યક્તિ એમની નિંદા કરતો હતો અને મનમાં તે મનમાં બળતો હતો એને પણ બાદશાહે કીમતી વસ્ત્રો આપી પોતાના પક્ષે લઇ લીધો.

તેમણે મુરાદને એમની સમસ્યા જણાવી ત્યારે તેણે કહ્યું કે તે એક ભૂતપૂર્વ વજીરની દીકરી છે. એ ભણવા માટે બહાર ગઇ નથી. એના પિતાએ ઘરમાં જ એને બધી વિદ્યાઓ શીખવાડી છે. બાદશાહે વજીરની ભાળ મેળવી. પોતાનો પરિચય આપી વજીરની દીકરી સાથે નિકાહ કરી લીધા. બે ત્રણ દિવસ રોકાઇને તેઓ પાછા ચાલ્યા ગયા.

વજીરની પુત્રીને આ લગ્નના ખરા રહસ્યની જ્યારે જાણ થઇ ત્યારે એ ગુસ્સે થઇ ગઇ. તેણે કહ્યું - ‘ખુદા તને ક્યારેય માફ નહીં કરે.’ પણ જૈનુસ્સનમ એ યુવતી ઉપર મરી રહ્યો હતો. તે વજીરની દીકરી હતી. મુબારકને ખબર હતી કે જો તેઓ આ યુવતીને લઇને નહીં જાય તો ભૂતરાજ બાદશાહને મારી નાખશે. તેઓ ભૂતરાજ પાસે આવ્યાં. દુઃખી મનથી તેમણે ભૂતરાજને પેલી યુવતીની ભેટ ધરી. યુવતી રડી રહી હતી. લાચાર થઇ બાદશાહ પણ રડવા લાગ્યો.

ભૂતરાજે કહ્યું - ‘નવમી મૂર્તિ હું તારા રાજ્યમાં આપીશ. હવે તમે અહીંથી જાઓ.’ એ સૌ પાછાં ફર્યાં. જૈનુસ્સનમે માને બધી વાત કરી. પછી તેઓ ખજાનાવાળા મહેલમાં આવ્યાં.

એકાએક ભયંકર ગર્જના થઇ. જાણે આભ ફાટ્યું.

ોઓ કશું સમજે વિચારે તે પહેલાં ભૂતરાજ મનુષ્યનું ખોળિયું ધારણ કરી પ્રગટ થયો. એણે બાદશાહની માને કહ્યું - ‘રાણી સાહેબા! હું આપના પુત્રને ખૂબ ચાહું છું. એને લાયક બાદશાહ બનાવવા માટે મેં એની કઠિનમાં કઠિન પરીક્ષા કરી છે. આ પવિત્ર નથી. સચ્ચરિત્ર સુંદરી પણ મેં એને માટે જ પસંદ કરી છે. આ એની જ પત્ની બનીને રહેશે અને નવમા થાંભળા પર લગાડવા માટેની હીરાની મૂર્તિ! તમે લોકો ખૂબ ખુશ રહો.’

આટલું કહી તે અદૃશ્ય થઇ ગયો. જૈનુસ્સનેમ અને તેનો પરિવાર ખુશ થઇ રહેવા લાગ્યો.

અનુક્રમણિકા

૫૧ : શાહજાદો ખુદાદાદ

શહરજાદે શહરયારને કહ્યું - ‘હું તમને જે વાર્તા કહેવાની છું તે જૈનુસ્સનમે દરિયાબાર દેશમાં સાંભળી હતી. અને એણે જ એ સંભળાવી હતી.’

પ્રાચીન સમયમાં હૈરન એક ભવ્ય નગર હતું. દસે દિશાઓમાં એનો ડંકો લાગતો હતો. દૂરદૂરના દેશોમાં એની વિજયપતાકા ફરકતી હતી. અહીંના બાદશાહને પચાસ બેગમો હતી. છતાં એમાંથી કોઇએ બાદશાહને પુત્ર રત્નની ભેટ ધરી ન હતી. બાદશાહની ખિન્નતાનો પાર ન હતો.

એક રાત્રે એક દિવ્ય વિભૂતિએ સ્વપ્ન્નામાં એને દર્શન દેતાં કહ્યું - ‘બેટા! તારી મનોકામના પૂર્ણ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થશે. તું સવારે તારા બાગમાંથી એક દાડમ મંગાવી એના પચાસ દાણા ખઇ જજે.’

બાદશાહ રાજી રાજી થઇ ગયો. સવારે ઊઠી નાહી ધોઇ એણે નમાજ અદા કરી. માળી પાસે બગીચામાંથી એક દાડમ મંગાવ્યું. પછી એણે ગણીને દાડમના પચાસ દાણા ખાઇ લીધા. પછી એ દરરોજ રાત્રે એની એક એક બેગમ પાસે જવા લાગ્યો. ખુદાની રહેમથી બધી બેગમોએ ગર્ભ ધારણ કર્યો. પણ પિરોજા નામની બેગમે ગર્ભ ધારણ કર્યો નહીં. બાદશાહ આથી ગુસ્સે ભરાયો. અને એણે પિરોજાનું માથું ઉતારી લેવા હુકમ કર્યો. વજીરે બાદશાહને શાંત કરી સમજાવ્યો. કહ્યું - ‘જહાંપનાહ! કદાચ આપણને ગર્ભાધાનની ખબર જ ના પડી હોય તો?’ બાદશાહનો ક્રોધ શમી ગયો. તેણે પિરોજાનો મૃત્યુદંડ માફ કર્યો. પણ પોતાના ભત્રીજા સુમેરની સાથે સામરિયા દેશ મોકલાવી દીધી.

સમય સમયનું કામ કરતો રહ્યો. વખત થતાં બધી બેગમોએ પુત્રને જન્મ આપ્યો. ત્યાં સામરિયા દેશમાં પિરોજાની કુખે પણ પુત્ર અવતર્યો. સુમેરે હૈરન નગરના બાદશાહને આ સમાચારની જાણ કરી. બાદશાહે સુમેરને લખી જણાવ્યું - ‘એનું નામ ખુદાદાદ રાખવામાં આવે. વળી એને સારી તાલીમ આપવામાં આવે અને પરાક્રમી બનાવવામાં આવે.’

સુમેરે એના કાકાની વાતનો અમલ કર્યો. ખુદાદાદ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ બધી વિદ્યાઓમાં નિપુણ થતો ગયો. હથિયાર ચલાવવામાં એ કાબેલ બની ગયો. એની બહાદુરીની તો વાત જ શી કરવી?

ખુદાદાદને અઢાર વરસ પૂરાં થયાં હતાં. હવે એ દુનિયાદારીની વાતો પણ સમજવા લાગ્યો હતો. એને હવે એ વાતની જાણ પણ થઇ હતી કે એના પિતા હૈરન દેશના બાદશાહ છે. એને એમ પણ ખબર પડી કે એના પિતાના નગરને પડોશી રાજ્યના રાજા અને હાકેમ હડપ કરી જવા માંગતા હતા. જો તેના પિતા ચેતતા નહીં રહે તો હૈરન હાથથી જાય એમ હતું.

એણે બધી વાત પિરોજાને જણાવી. માએ એને સમજાવતાં કહ્યું - ‘બેટા! જો એવી પરિસ્થિતિ ઊભી થશે તો તારા પિતા મદદ માટે તને જરૂર તેડાવશે.’ પણ ખુદાદાદનું મન માનતું ન હતું.

એણે વિચાર્યું કે પિતાના કહેણની રાહ જોવામાં તો ક્યાંક પિતા દુશ્મનો સામે હારી ના જાય! પછી પસ્તાવો કરવાથી કશું જ વળશે નહીં. એ એના ચુનંદા સાથીઓને લઇને, સફેદ ઘોડા ઉપર સવારી કરી હૈરન દેશ તરફ ચાલી નીકળ્યો. કંઇક નદી, નાળાં અને ટેકરીઓને પાર કરતો કરતો એ હૈરન પહોંચી રાજદરબારમાં હાજર થયો.

સુંદર દેહલાલિત્ય અને પોલાદી બાહુબળવાળા .યુવાનને જોઇ બાદશાહ દંગ રહી ગયો. એ યુવાનથી અંજાઇ ગયો. બાદશાહે એને એની ઓળખાણ આપવા કહ્યું. એણે જવાબમાં જણાવ્યું કે ‘હું કેરુના એક શ્રીમંતનો નબીરો છું. યુદ્ધ વિદ્યામાં હું પાવરધો છું. હથિયાર ચલાવવામાં મારો કોઇ જોટો જડે એમ નથી. જો આપ મને આપના દુશ્મનો પર હુમલો કરવાની પરવાનગી આપતો હો તો હું આપની સેવા કરવા તત્પર છું.’

બાદશાહે એ યુવાનના આત્મવિશ્વાસને પારખીને એને મુખ્ય સેનાનાયકની જવાબદારી સોંપી દીધી. નવા આગંતુકને મળેલી અસીમ ઇજ્જતને જોઇ વજીર અને બાદશાહના બીજા પુત્રો ઇર્ષાની આગમની ભઠ્ઠીમાં શેકાવા લાગ્યા જાણે!

ખુદાદાદના તમામ વિરોધીઓએ ભેગા થઇ વિચાર્યું કે એને શિકારના બહાને જંગલમાં લઇ જઇ પતાવી દેવો જોઇએ. આગ અને દુશ્મનને તો ઉગતાં જ ડામી દેવાં જોઇએ! નહીં તો પછી શિકારને બહાને આપણે ક્યાંક સંતાઇ જવું જોઇએ અને ચાર દિવસ પાછા ફરવું જોઇએ નહીં. આપણને કોઇને નહીં જોતાં પિતાજીને લાગશે કે સત્તાની લાલચમાં ખુદાદાદે આપણને મરાવી નાખ્યા હશે.

બધાંને બીજી યોજના ખૂબ ગમી. બાદશાહ પાસે બધાએ શિકાર પર જવાની આજ્ઞા માગી. વળી એમણે બાદશાહને એમ પણ જણાવ્યું કે તેમને સૌને ખુદાદાદ તરફથી પણ રજા મળી ગઇ છે.

તેઓ શિકારે ચાલ્યા ગયા. બે ત્રણ દિવસ વીતી ગયા છતાં તેમાંથી કોઇ પાછું ફર્યું હનીં. બાદશાહ, વજીર અને દીકરાઓ વિશે ખુદાદાદને વારંવાર પૂછતાં રહ્યાં. ખુદાદાદ પાસે કોઇ જવાબ ન હતો. છેવટે એ પણ વિમાસણમાં મૂકાઇ ગયો. બાદશાહે એનો બોલાવી ધમકાવતાં કહ્યું - ‘શાહજાદા હજુ પાછા આવ્યા નથી. તેં એમને એકલા જવાની મંજૂરી કેમ આપી? લાગે છે કે આમાં તારી જ કોઇ ભેદી ચાલ છે. આ તારું જ કાવતરું લાગે છે. જા, જઇને એ બધાને શોધી લાવી મારી સામે હાજર કર.’

ખુદાદાદને બાદશાહનાં વેણ તીરની જેમ ભોંકાયાં. ખુદાદાદ એમને શોધતો શોધતો એક ભયાનક જંગલમાં જઇ પહોંચ્યો. જંગલમાં લાલ પથ્થરોનો એક કિલ્લો એક જણે જોયો. એ ઘણો મોટો અને મજબૂત દેખાતો હતો. કિલ્લાના દ્વાર પર એક સુંદર યુવતી બેઠી હતી. ખુદાદાદને જોતાં જ એ બોલી - ‘મુસાફર! અહીંથી જલ્દી પાછો વળી જા, નહીં તો નરભક્ષી કાળો રાક્ષસ તને ખાઇ જશે. એ ખતરનાક આદમખોર છે.’

‘પણ તું અહીં શી રીતે આવી?’

‘હું આ જંગલમાંથી જઇ રહી હતી ત્યારે એ પાપાીએ મને પકડીને કેદ કરી લીધી. એ મારા પર બળાત્કાર કવા ઇચ્છતો હતો. પણ ઇશ્વરની અપાર દયાથી આજ સુધી હું બચતી રહી છું. પણ જો આજે હું એની વાત નહીં માનું તો એ મને જીવતી નહીં રહેવા દે તું ભાગી જા અહીંથી. હવે એના આવવાનો સમય થઇ ગયો છે.’

એ જ વખતે એ આદમખોર રાક્ષસ બરાડા પાડતો આવી પહોંચ્યો. ખુદાદાદ એનું ભયંકર સ્વરૂપ જોઇ એકવાર તો ગભરાઇ ગયો પછી એણે ખુદાને પ્રાર્થના કરી કે એ એનું રક્ષણ કરે અને એને મારવાની શક્તિ આપે.

આદમખોરે ખુદાદાદને જોયો. એ ખુશ થયો. ખુદાદાદ સાવધાન થઇ ગયો. એણે એની તલવારનો જોરદાર ઘા રાક્ષસ ઉપર કર્યો. ઘા એના ઘૂંટણ ઉપર લાગ્યો. પેલા આદમખોરે ખુદાદાદ પર તલવારનો વળતો ઘા કર્યો. ખુદાદાદ પેંતરો બદલી બચી ગયો. એણે ફરી એની તલવારનો જોરદાર ઘા આદમખોર પર કર્ય.ો આદમખોરનો ગદાવાળો હાથ કપાઇને હેઠો પડ્યો. પછી ખુદાદાદે ચપળતાથી એક એવું બાણ છોડ્યું કે આદમખોરનું માથું ધડતી અલગ થઇ ગયું.

પેલી સુંદરીનો ચહેરો હસી ઊઠ્યો. ખુદાદાદ પેલા કિલ્લામાં ગયો. એક માણસને કિલ્લામાં પ્રવેશ કરતો જોઇ હબ્શી નોકર અને સૈનિકો ઊભા થઇ ગયા. ખુદાદાદે કિલ્લામાં કેદ કરાયેલા બધા કેદીઓને છોડી દીધા. એને એક અશ્વશાળામાંથી એના ભાઇઓના ઓગણપચ્ચાસ ઘોડા પણ મળી આવ્યાં. ઇશ્વરની દયાથી એના બધા ભાઇઓ જીવતા હતા. એણે એમને કાલકોટડીમાંથી મુક્ત કર્યાં.

ખુદાદાદે પેલી સુંદર યુવતીને પૂછ્યું - ‘તું ક્યાંની રહેવાસી છે? હું તને તારે ઘેર સુખરૂપ પહોંચાડી દઇશ.’

યુવતીએ કહ્યું - ‘હું કેરુ પાસેના દરિયાબાર દેશની શાહજાદી છું. એક દુષ્ટે મારા પિતાને મારીને એમની રાજ્ય હડપ કરી લીધું છે.’

ત્યારે ખુદાદાદ અને એના ભાઇઈઓએ એને એની કહાણી સંભળાવવા આગ્રહ કર્યો.

અનુક્રમણિકા

૫૨ : દરિયાબારની શાહજાદી

સુંદરીએ કહેવા માંડ્યું - ‘કેરુની પાસે એક બેટ હતો. એ બેટનું નામ હતું દરિયાબાર. એનો હાકેમ બળવાન છતાં દયાળું હતો. દોમદોમ સાહ્યબીમાં આળોટતો હતો. દુઃખ તો એ વાતનું હતું કે નિઃસંતાન હતો. હજારો પીર પયગંબરો અને સિદ્ધોની પાસે ગયા પછી એનું વાંઝિયા મહેણું ભાંગ્યું. એને ઘેર એક પુત્રી અવતરી. હું જ એ બદનસીબ દીકરી છું.’

મારો જન્મ થતાં જ એક ભવ્ય સમારંભ યોજવામાં આવ્યો હતો. ફકીરોને ખેરાત કરવામાં આવી હતી. મસ્જિદોમાં રોશની કરવામાં આવી હતી. મારા પિતાની ઇચ્છા હતી કે તેમના અવસાન પછી હું જ એમનીા ઉત્તરાધિકારી બનું. મને હમેશાં શ્રેષ્ઠ ગુરુજનો જાતજાતની તાલીમ આપતા હતા.

હું મોટી થઇ. એક દિવસ મારા પિતાજી શિકાર ખેલવા ગયા. ઘણે દૂર જંગલમાં ગયા. પછી એ એમના સાથીદારોથી વિખૂટા પડી ગયા. એક હરણનો પીછો કરતાં કરતાં તેઓ ઘનઘોર જંગલમાં ચાલ્યા ગયા.

રાત થઇ ગઇ હતી. તેઓ ભૂલા પડી ગયા હોઇ આમતેમ રખડતા હતા. ઓચીંતો જંગલમાં તેમણે પ્રકાશ જોયો. પ્રકાશને જોતાં જ કઇંક મદદની આશાએ તેઓ ઝડપથી એ દિશામાં ચાલવા લાગ્યા. તેઓ ચાલતા ચાલતા એક મોટા મકાન પાસે આવી પહોંચ્યા. જોયું તો એક આદમખોર એક બળદનું માંસ ખાઇ રહ્યો હતો.

એણે થોડુંક માંસ ખાઇ શરાબ પીધો. એ સુંદરીને લગ્ન માટે આગ્રહ કરી રહ્યો હતો. પણ સુંદરી એને મચક આપતી ન હતી. એ ગભરાયેલી અને દુઃખી હતી. એની પાસે ત્રણ વર્ષનું એક બાળક બેઠું હતું.

એ યુવતીની દુર્દશા જોઇ મારા પિતાનું હૃદય વલોવાઇ ગયું. પણ તેઓ લાચાર હતા. તેમનાથી રાક્ષસનું કશું બગાડી શકાય તેમ ન હતું. છતાં એ ઊભા ઊભા વિચારતા હતા કે આ નિર્દોષ યુવતીને આદમખોરની ચુંગાલમાંથી શી રીતે બચાવવી.

એ નરરાક્ષસ કહેવા લાગ્યો - ‘ઓ પ્રાણપ્યારી! તું મને ક્યાં સુધી તડપાવ્યા કરીશ. હું તારાં રૂપ અને યુવાનીમાં પાગલ જેવો થઇ ગયો છુ.ં હું તને ખરા દિલથી ચાહું છું. અને તને મારી રાણી બનાવીને રાખીશ. પણ એક તું છે કે મને નફરત કરે છે. હવે તું મારી ધીરજની કસોટી ના કરીશ.’

પેલી યુવતીએ ધૃણા અને તિરસ્કારથી કહ્યું - ‘તું જઇને તારું મોઢું અરીસામાં જો. તારા મોં પર તો હું થૂંકું છુ.’ એ જ વખતે તક મળતાં મારા પિતાએ બાણ ચલાવ્યું. એ બાણ નરરાક્ષસની છાતીમાં લાગ્યું. એણે ભયંકર ચીસ પાડી. એ ભોંય પર પછડાયો અને તરફડીને મૃત્યુ પામ્યો.

નરરાક્ષસના મરી ગયા પછી મારા પિતાએ અંદર જોઇને યુવતીને પૂછ્યું - ‘તું કોણ છે?’ એણે કહ્યું કે, અહીંતી થોડેકદૂર અરાસંગ નામનો એક કબીલો છે. એ કબીલાનો સરદાર એનો પતિ છે. આ આદમખોર રાક્ષસ એનો દરબારી હતો. એક દિવસ છળકપટ કરીને એણે એના પતિને મારી નાખ્યા અને એક બાળક સમેત એ એને અહીં ઊઠાવી લાગ્યો. આ પછી શું થયું એના તો તમે સાક્ષી છો જ. કેટલાય દિવસોથી એ સુંદરીને ભ્રષ્ટ કરવા માગતો હતો પણ એ એનાથી બચીને જ રહી.

મારા પિતા એ યુવતીને એના બાળક સાથે લઇને નગરમાં પાછા ફર્યાં. એમણે એને માટે અલગ મહેલ બનાવડાવ્યો. પછી એ યુવતીની મરજી હોય તો તેની સાથે નિકાહ કરવાનું પણ વિચારી લીધું. એમણે તો એ યુવતીના પુત્ર સાથે મારા નિકાહ કરવાનું પણ નક્કી કરી લીધું હતું. પણ લગ્ન અગાઉ મારા પિતાએ એક શરત મૂકી કે તે ફરી કોઇની સાથે લગ્ન નહીં કરી શકે. મુસલમાનોમાં ચાર લગ્નો તો કાયદેસર ગણાતાં તેથી તેને એ શરત યોગ્ય લાગી નહીં. એક વાત પણ જણાવી દઉં કે મારા પિતાએ એ પણ વિચાર્યું હતું કે તેઓ મારા પતિને જ રાજ્યનો વારસદાર બનાવશે. પણ બધી બાજી ઊંધી વળી ગઇ. મારું લગ્ન થયું નહીં.

એ નીચ અને પાપીએ મારા પિતાને કપટથી મારી નાખ્યા. એ મને પણ ખતમ કરી દેવા માગતો હતો. પણ એક વફાદાર વજીરે મને ત્યાંથી ઊંઠાવી એક દોસ્તને ત્યાં સંતાડી દીધી. તક મળતાં તેણે મને એક જહાજમાં બેસાજી તેના મિત્ર બાદશાહને ત્યાં મોકલાવી દીધી.

જહાજ હેમખેમ ચાલ્યે જતું હતું. પણ એની જશા જ ખરાબ હોયને સુખેથી શી રીતે રહી શકે! અચાનક સમુદ્રમાં તોફાન ઊઠ્યું. જહાજ બેકાબૂ બની એક ખડક સાથે ટકરાયું. અને તૂટી ગયું.

એક લાકડાના ટુકડાનો સહારો મળતાં હું તરીને કિનારે આવી. તે વખતે ત્યાંથી એક રાજકુમાર તેના ઘોડેસવાર સાથે પસાર થઇ રહ્યો હતો. એની નજર મારા પર પડી. એ મારી વ્યથા જાણી મને એના મહેલમાં લઇ ગયો. એ મારી સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. પણ ત્યાં જ પડોશી બાદશાહે એના રાજ્ય પર આક્રમણ કર્યું. મને આશરો આપનાર બાદશાહના રાજ્યને ધૂળમાં મિલાવી દીધું.

અમે ત્યાંથી ભાગીને નદીકિનારે આવ્યાં. એક માછીમારની નાની શી હોડીમાં અમે બેઠાં. ત્રણ દિવસ બાદ એક જહાજ અમારી નજરે પડ્યું. હું શાહજાદા સાથે જહાજ પર ચઢી ગઇ. પણ ખરાબ ગ્રહોએ અમારો પીછો છોડ્યો ન હતો. એ જહાજમાં ડાકુઓ હતા. હું બૂરખામાં હતી. પેલા ડ.ાકુઓએ શાહજાદાને પાણીમાં ડુબાડી દીધો. એમને ખબર પડી ગઇ હતી કે એ શાહજાદો મારો થનાર પતિ હતો. મને ખૂબ જ દુઃખ થયું.

એક જડાકુએ મારો બુરખો ખોલી નાખ્યો. મારી સુંદરતા ઉપર આંધળા થઇ ડાકુઓ મારા પર અધિકાર કરવા મોંહેમાંહે લડવા લાગ્યાં. દરેક જણ મને તેની બનાવવા ચાહતો હતો. પણ જેની લાઠી એની ભેંશ એ ન્યાયે એક ખૂબ શક્તિશાળી ડાકુએ બીજા ડાકુઓને મારી મારા પર અધિકાર મેળવી લીધો. હું થરથર ધ્રુજવા લાગી. ત્યારે એણે મને કહ્યું - ‘તારે મારાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે હું હીજડો છું. હું તને કેરુ લઇ જઇ મારા મિત્રને તારી ભેટ આપીશ.’ હવે મારુ દુઃખ બેવડાઇ ગયું.

એ મને લઇને ચાલતો થયો. હજુ અમે થોડે જ દૂર પહોંચ્યાં. હોઇશું ત્યાં એ માણસખાઉ રાક્ષસે ઓચિંતો હુમલો કર્યો. એણે સહેલાઇથી પેલા હીજડાને મારી નાખી મને એની પાસે આંચકી લીધી. એ લંપટ પણ મને એની પત્ની બનાવવા ઇચ્છતો હતો.

દરિયાબારની રાજકુમારીએ એની વાર્તા પૂરી કરતાં કહ્યુ - ‘હે દયાળુ ખુદાદાદ આપ માણસખાઉ દૈત્યને મારી નાખીને મને આવી પડેલી આફતોમાંથી બચાવી લીધી છે. એટલે હવે આપ મારા જીવનદાતા અને મારું સર્વસ્વ છો હું તો આપની સાથેજ લગ્ન કરવા ઇચ્છું છું.’

દરિયાબારની રાજકુમારીએ ખુદાદાદ સાથે નિકાહ કરી લીધાં. બીજે દિવસે હૈરન તરફ રવાના થઇ ગયો. રસ્તામાં ખુદાદાદે એની અસલિયત છતી કરી. ‘હું હૈરન દેશનો બાદશાહ છું. બેગમ પિરોજા મારી માતા છે. હું હૈરના બાદશાહનો પુત્ર ખુદાદાદ છું.’

સાંભળી દરિયાબારની શાહજાદી પ્રસન્ન થઇ. એણે વિચાર્યું કે એના પિતાને જ્યારે આ વાતની જાણ થશે ત્યારે ખુદાદાદને તેઓ એમનો વારસદાર બનાવશે. આ વાતની જાણ એના ભાઇઓને થઇ. એમના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો. પિતાજી હવે ખુદાદાદને જ એમનો ઉત્તરાધિકારી બનાવશે એ વાતમાં એમને કશી શંકા રહી નહીં.

પિતા, ખુદાદાદ આવ્યાની વાત જાણે એ પહેલાં એમણે ષડયંત્ર રચ્યું. એમણે રાત્રે ઊંઘમાં જ એને પતાવી દેવાનું નક્કી કર્યું.

રાત્રે સૂતેલા ખુદાદાદ પર ગદાઓનો વરસાદ વરસાવી મરતોલ કરી દીધો. એને મરી ગયેલો જાણી એ બધા નાસી છૂટ્યા. પોતાના દેશમાં જઇ બાદશાહને કહ્યું કે તેઓ શિકાર કરતાં કરતાં ભૂલા પડી ગયા હતા. અને દૂર અજાણ્યા પ્રદેશમાં પહોંચી ગયા હતા.

હેમખેમ પાછા ફરેલા દીકરાઓને જોઇ બાદશાહને કાળજે ટાઢક વળી. પિતા સામે એ દીકરાઓએ ખુદાદાદનું નામ શુદ્ધાં લીધું નહીં. સવાર થતાં દરિયાબારની દીકરીએ મૃતપ્રાય અવસ્થામાં ખુદાદાદને જોયો. એના શરીર પરના ઘા જોઇ એ ફફડી ઊઠી. જે જલ્દી કોઇ હકીમને શોધવા ચાલી ગઇ. એ જ્યારે પાછી ફરી ત્યારે ખુદાદાદ ત્યાં ન હતો. એને થયું કે કોઇ જંગલી જાનવર એને ઊઠાવી ગયું હશે. એ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એની સાથે આવેલા હકીમ જર્રાહે એને આશ્વાસન આપ્યું અને એ એને ઘેર લઇ ગયો.

એક દિવસ શાહજાદી પાસેથી હકીમ જર્રાહે વિગતવાર હકીકત સાંભળી એણે એને હૈરન જવા સમજાવ્યું. જર્રાહે ભાડાનાં બે ઊંટ મંગાવ્યાં. અને હૈરન તરફ તેઓ રવાના થયાં. સુખદુઃખ સહન કરતાં કરતાં કેટલાક દિવસો પછી તેઓ હૈરશ્ન પહોંચ્યા.ં એઓ એક ધર્મશાળામાં ઉતર્યાં.

આ સમયે બેગમ પિરોજા પણ હૈરનમાં આવી ગઇ હતી. દરિયાબારની શાહજાદીએ જર્રાહને કહ્યું - ‘આપણે ખુદાદાદની માને મળવું જોઇએ.’

જર્રાહે એને સમજાવ્યું કે એ ઓગણપચાસ શાહજાદાએને ખબર પડી જશે તો તેઓ તેમને જીવતાં નહીં મૂકે. આપણ પિરોજા બેગમને સીધા જઇને મળવું જોઇએ. જર્રાહે કહ્યું.

એક દિવસ જર્રાહે જોયું કે કોઇ શાહી મહિલાએ પાલખીમાં બેસી આવી રહી હતી. બધા લોકો સડકને કિનારે ઊભા રહી ગયા. એણે એક માણસને પૂછ્યું તો ખબર પડી કે પિરોજા બેગમ મસ્જિદ જઇ રહી હતી.

જર્રાહ મસ્જિદમાં ચાલ્યો ગયો. જ્યારે પિરોજા બેગમ ખેરાત વહેંચી રહી હતી. ત્યારે તેની પાસે જઉ ઝૂકીને સલામ કરી જર્રાહે ધીમેથી કહ્યું - ‘મલિકા એ આલમ! મને ક્ષમા કરો તો હું શાહજાદા ખુદાદાદ અંગે કઇંક જણાવવા માગું છું.’ પિરોજા એને એકાંતમાં લઇ ગઇ. જર્રાહે રડતાં રડતાં બધી ઘટના જણાવી દીધી. ખુદાદાદના મોતના સમાચાર સાંભળતાં જ બેગમ બેહોશ થઇ ગઇ.

એને તરત જ શાહી મહેલમાં લાવવામાં આવી. પિરોજાએ બધી વાત બાદશાહને કહી ત્યારે તેમને ખબર પડી કે ખુદાદાદ એમનો પોતાનો દીકરો છે. બાદશાહ આવા બહાદુર અને બુદ્ધિમાન દીકરાના મોતના સમાચારથી દુઃખી થઇ ગયો. એણે નક્કી કર્યું કે પોતાના જલીલ અને ભાઇના હત્યારા શાહજાદાઓને સજારૂપે તે ફાંસી આપશે.

બાદશાહ ખુદાદાદ માટે વિલાપ કરતો રહ્યો એને ખુદાદાદ માટે જેટલી વેદના હતી. એટલી જ બીજા શાહજાદાઓ માટે નફરત હતી. એમણે પેલા ઓગણપચાસ દીકરાઓને ફાંસીએ ચઢાવવાની તૈયારીઓ કરી લીધી.

બરાબર આ જ સમયે બાદશાહના જૂના દુશ્મને એના પર હુમલો કરી દીધો. તે હૈરન તરફ ઝડપથી ચાલ્યો જઇ રહ્યો હતો. આ ઓચિંતો થયેલા હુમલાથી બાદશાહ ગભરાઇ ગયો. તે વખતે એક વિશ્વાસુ સરદાર તેના ચુનંદા સૈનિકો સાથે મદદે આવ્યો. શત્રુના સૈન્ય પર જેમ ભૂખ્યો સિંહ શિકાર પર તૂટી પડે તેમ એ તૂટી પડ્યો. તે કોણ હતો? ક્યાંથી આવ્યો હતો? એ વાતની કોઇને ખબર પડી નહીં. એણે પળવારમાં જ શત્રુસેનાને ધૂળ ચાટતી કરી દીધી. જીવ બચાવવા દુશ્મનો નાસી છૂટ્યા.

જ્યારે એ બાદશાહના દરબારમાં ગયો ત્યારે એની આંખો ફાટી ગઇ. એણે ખુશીના હિલોળા લેતાં ખુદાદાદને ગળે વળગાડી દીધો. ખુદાદાદે પિતાના ચરણ ચૂમતાં કહ્યું - ‘મુશ્કેલીની વેળાએ હું આપને મદદ કરી શકું એ મારે માટે જ અલ્લાતાલાએ મને જીવતો રાખ્યો છે.’

બાદશાહે ખુદાદાદને છાતીએ વળગાડી કહ્યું - ‘બેટા! હું તો સાવ નિરાશ થઇ ગયો હતો.’ બેગમ પિરોજા અને દરિયાબારની રાજકુમારીને આ વાતની જાણ થઇ ત્યારે એમના આનંદની કોઇ અવધિ ના રહી. એમણે મનોમન ખુદાનો આભાર માન્યો.

બધા લોકો આનંદના ઉત્સવમાં ભાગીદાર થવા એકઠા થઇ ગયા, ત્યારે ખુદાદાદે જણાવ્યું કે - ‘જ્યારે રાજકુમારી હકીમને લેવા નગરમાં ગઇ ત્યારે એક ખેડૂત મારી પાસે આવ્યો હતો. તેણે મારી નાડી જોઇ અને મને જીવતો જાણી એને ઘેર લઇ ગયો. તે વૈદુ જાણતો હતો. એણે મનોયોગથી મારો ઇલાજ કર્યો. ધીમે ધીમે હું ભાનમાં આવીને સ્વસ્થ થયો. પછી મેં પરખી પરખીને કેટલાક હિંમતવાન બળવાન નવયુવાનોને એકઠા કર્યાં. એમને સાથે લઇ મેં આપને મદદ કરી મારું પિતૃઋણ ચૂકવ્યું.’

એકીઅવાજે બધાં એ ખુદાદાની પ્રસંશા કરી એના જીવતા હોવાના સમાચાર જાણી નગર આખું ઝૂમી ઊઠ્યું. ખુદાદાદે જાણ્યું કે એના ભાઇઓને ફાંસીએ ચઢાવવાનો હુકમ થઇ ચૂક્યો છે ત્યારે એમની સજા માફ કરવા એણે પિતાને આગ્રહભરી વિનંતી કરી.

એના ભાઇઓ પસ્તાવાના ઝરણામાં ડૂબકી ખાવા લાગ્યા. એમણે ખુદાદાદની ક્ષમા માગી આભાર માન્યો. બાદશાહે ખુદાદાદને એમનો ઉત્તરાધિકારી જાહેર કર્યો.

શહરજાદે આ વાર્તા પૂરી કરી ત્યારે દુનિયાજાદે એનાં ખૂબ વખાણ કર્યાં. શહરયારને પણ આ વાર્તા ગમી.

શહરજાદે નવી વાર્તા સંભળવાવા કહ્યું ત્યારે બાદશાહે કહ્યું કે રાત્રે નવી વાર્તા સંભળાવજો.

અનુક્રમણિકા

૫૩ : સૂતા જાગતા માણસની વાત

શહરજાદે રાત પડતાં જ વાર માંડી. બગદાદ શહેરમાં એક શ્રીમંત રહેતો હતો. એની પાસે ધન ખૂબ જ હતું. છતાં એ ઘણો કંજૂસ હતો. એનો દીકરો અબુલહસન એના પિતાના સ્વભાવથી ઊલટો સ્વભાવ ધરાવતો હતો. એ ઘણો ખર્ચો કરતો. જ્યારે એના પિતાનો દેહાંત થઇ ગયો ત્યારે એ મિત્રોનો એકઠા કરી નાચગાન અને શરાબમાં દિવસો પસાર કરવા લાગ્યો. વર્ષ પૂરું થતાં થતાંમાં બધું ધન કપૂરની જેમ ક્યાં ઊડી ગયું એની ખબર પણ ના પડી. ફૂલમાં રસ હોય ત્યાં સુધી જ તેના પર પતંગિયું આંટા મારતું રહે છે. ધન ખૂટી ગયા પછી અબુલહસન પાસે તેનો કોઇ મિત્ર ફરકતો ન હતો.

એ દુઃખી દુઃખી થઇ ગયો. એની માથી એનું દુઃખ જોયું ના ગયું. એણે દીકરાને થોડુંક ધન આપી વેપાર કરવા કહ્યું. એની સ્થિતિ દિવસે દિવસે સુધરવા લાગી.

તે ક્યારેય એકલો જમતો ન હતો. એની સાથે કોઇને કોઇ એકાદ જણ તો હોય જ. ભોજન કરાવીને એ એને વિદાય કરી દેતો હતો. એક દિવસની વાત છે.એ વેપારીના સ્વાંગમાં પુલ ઉપર ઊભો હતો. તે વખતે ખલીફા હારુન રશીદ વેપારીનો વેશ ધારણ કરી એની પાસેથી પસાર થયા તેમની સાથે એક જાડો હબ્સી ગુલામ પણ હતો.

અબુલહસને એને પોતાને ઘરે આવી ભોજન લેવા વિનંતી કરી. હું દરરોજ એક મહેમાનને ભોજન કરાવું છું. અબુલહસનની પરોણાગત અને એની સભ્યતાથી ખલીફા ઘણા પ્રસન્ન થયા. ખલીફાએ વિનમ્રતાથી પૂછ્યું - ‘તમે મને કોઇ સેવા જણાવો. હું તમારી મહેમાન પરશ્તી અને ભોજનથી ઘણો સંતોષ પામ્યો છું.’

અબુલ હસને કહ્યું - ‘આપે મારા જેવા નાના માણસને ત્યાં ભોજન કરી મારી આબરૂ વધારી છે. આમ તો મારી કોઇ જ ઇચ્છા નથી, પણ મારા મહોલ્લામાં એક બદમાશ મુલ્લા અને તેના ચાર સાથીદારો ઘણા જુલ્મી છે. એમણે અમારા મહોલ્લાની ઊંઘ હરામ કરી દીધી છે!’ ખલીફાએ તેને પૂછ્યું - ‘એ બદમાશો માટે તમે શું વિચારી રાખ્યું છે.’

લાંબો શ્વાસ લેતાં એણે કહ્યું - ‘હું અલ્લાહને એવી વિનંતી કરું છું કે ખલીફા મને એક દિવસ માટે બાદશાહ બનાવી દે તો હું એમને ખબર પાડી દઉં.’ પછી તેણે કહ્યું - ‘હવે આપ આરામ કરો. હું પણ આરામ કરું.’

એ સૂઇ ગયો. પણ ખલીફાને ઊંઘ ના આવી. એમણે એમના ગુલામોને હુકમ કર્યો કે અબુલ હસનને આમ ઊંઘતો જ તેઓ તેમના મહેલે લઇ ચાલે. મેં એના શરાબમાં બેહોશીની દવા ભેળવી દીધી છે. આ ઘરને બરાબર જોઇ લો.’

હુકમ મળતાં જ ગુલામો એને બાદશાહના મહેલે લઇ ગયા. અને એને બાદશાહના પલંગ પર સુવડાવી દીધો. એમણે એમ પણ કહ્યું કે આની સાથે, જેવું મારી સાથે વર્તન કરવામાં આવે છે. એવું જ વર્તન કરવામાં આવે. એનો કોઇના દ્વારા અનાદર થવો જોઇએ નહીં. એની સેવા, ચાકરીમાં કોઇ કચાશ રહેવી ના જોઇએ. જમવાનું પણ એને ઉત્તમ પ્રકારનું આપવામાં આવે.

સવારે અબુલ હસનની આંખ ઊઘડી ત્યારે એણે પોતાને શાહી મહેલના શયનગૃહમાં જોયો. અનેક દાસ દાસીઓ ખડે પગે એની તહેનાતમાં ઊભાં હતાં. એને માટે બધી જ વસ્તુઓ હાજર હતી. એક દાસે એની પગચંપી કરતાં કહ્યું - ‘જહાંપનાહ! ઊઠો. નમાજનો સમય થઇ ગયો છે.’

હમણાં સુધી અબુલ હસન આ ઘટનાને સપનું સમજી રહ્યો હતો. પછી એણે જોયું કે એક હકીકત જ હતી. નમાજ પઢી લીધા પછી તો એને લાગ્યું કે એ ખરેખર બાદશાહ હતો. મસરૂરે એને છીંકણી આપી. જ્યારે એને છીંક આવી ત્યારે એક ગુલામે સોનાના કટોરામાં એની લીંટ ઝીલી લીધી. એ જોઇ એને નવાઇ લાગી.

બસ! વૈભવ જ વૈભવ. પછી ગાયિકાઓએ એને સુમધુર ગીત સંગીત સંભળાવ્યું. મસરૂરે કહ્યું - ‘જહાંપનાહ! આપ જલદીથી તૈયાર થઇ જાઓ. દરબારમાં સૌ આતુરતાથી આપની પ્રતીક્ષા કરી રહ્યા છે. તેઓ આપનાં દર્શન માટે ઉત્સુક છે.’

અબુલ હસને શંકાશીલ સ્વરમાં કહ્યું - ‘તમે મને ખલીફા સમજીને છેતરાતા તો નથી ને?’ મસરૂમે સલામ કરતાં કહ્યુ ‘માલિક! આપ કોઇ સ્વપ્નું નથી જોઇ રહ્યા. આ હકીકત છે. આપ શાહ-એ-બગદાદ ખલીફા હારુન રશીદ જ છો.’

‘હેં...એ...એ...એ...!’ જાણે એની આંખો ફાટી ગઇ.

ખલીફા છુપાઇને અબુલ હસનના ચહેરાના ભાવ જોઇ મલકાતા હતા.

અબુલ હસનના મનમાં શંકાઓનાં વમળો સર્જાયાં. એણે એખ ગુલામને પૂછ્યું - ‘સાચું સાચું કહે, હું કોણ છું?’

‘આપ ખરેખર શાહ-એ-બગદાદ જ છો. અમારા માલિક!’

જ્યારે એને પૂરેપૂરી ખાતરી થઇ કે વાસ્તવમાં ખલીફા જ છે ત્યારે તેણે શાહી દરબારી પોશાક ધારણ કરી લીધો અને દરબારમાં પહોંચી ગયો. બધા દરબારીઓએ ઊઠીને, ઝૂકીને એને સલામ કરી.

એ સિંહાસન પર બેઠો. દરબારીઓ પણ તેમનાં આસનો પર બેસી ગયા. અબુલ હસને પ્રજાની કેટલીયે ફરિયાદો સાંભળી. પછી કોટવાળને બોલાવી પેલા મહોલ્લાનું નામ જણાવ્યું. પછી કહ્યું - ‘એ મહોલ્લામાં એક અજાન કરવાવાળો માણસ રહે છે. એને અને એના સાથીઓને શિક્ષા કરવામાં આવે. અજાન કરવાવાળા માણસના પગને તળિયે સો દંડા મારવામાં આવે. અને એના સાથીદારોને સો સો કોરડા ફટકારવામાં આવે. પછી એમને ઊંટો ઉપર અવળા બેસાડી દેશનિકાલ કરવામાં આવે. મહોલ્લાવાળાઓની સતામણી કરવાની આ જ યોગ્ય સજા છે.’

કોતવાલે આ સજા બાબતમાં હારુન રશીદની મંજૂરી માગી તો એમણે પણ એમ કરવા અનુમતિ આપી. ત્યારે અબુલ હસને કોટવાળને કહ્યું કે એ મહોલ્લામાં અબુલ હસનની મા રહે છે. એને એક હજાર સોનામહોરો આપવામાં આવે.

વજીરે એની આજ્ઞા પ્રમાણે કર્યું. અબુલ હસનની માને જ્યારે એક હજાર સોનામહોરો આપવામાં આવી ત્યારે એ એવું સમજી કે એ બધી ખલીફાની મહેરબાની છે. દરબારનો સમય પૂરો થયો. અબુલ હસન જ્યાંથી આવ્યો હતો એ મહેલ તરફ પાછો ફર્યો. શૌચાદિ ક્રિયાથી પરવારીને એણે સાત સુંદરીઓ સાથે ભોજન લીધું. ગીતો સાંભળ્યાં. નૃત્ય જોયું. એમની સાથે શરબત પણ પીધો.

એ સોનાના મહેલમાં ગયો તો જોતો જ રહી ગયો. મખમલી પથારી, રેશમી પર્દા, આકર્ષક ફાનસો, રંગીન ઝુમ્મરો અને કેટલીય સુંદરીઓ! જોઇને એ આશ્ચર્યચકિત થઇ ગયો. એ સુંદરીઓમાં એક સુંદરી તો લાખોમાં એક હતી. એની પાસે જઇ અબુલ હસને પૂછ્યું - ‘શું નામ છે તમારું?’

એ સુંદરીએ કટાક્ષ કરી જવાબ આપતાં કહ્યું - ‘મોતીમાલા.’ પછી બાકીની સુંદરીઓ સાથે છેડછાડ કરી દરેકનું નામ પૂછતો રહ્યો.

એ ખલીફાના એકેએક ઓરડાને જોતો રહ્યો. વજીરે સુંદરીઓને અગાઉથી સમજાવી દીધું હતું તેમ લાગ મળતાં એક સુંદરીએ શરબતમાં દવા ભેળવી એને પિવડાવી દીધી. એ બેહોશ થઇ ગયો બેહોશીમાં એ ઊંઘી ગયો.

સવારે એની આંખ ઊઘડી તો એણે પોતાને પોતાના ઘરમાં પલંગ પર સૂતેલો જોયો. એ અર્ધનિદ્રામાં ગુલામો અને સુંદરીઓને બોલાવવા લાગ્યો. બૂમરાણ સાંભળી એની મા ત્યાં આવી. દીકરાને પરેશાન થયેલો જોઇ પૂછ્યું - ‘શું વાત છે, બેટા? તેં ખરાબ સપનું તો નથી જોયું ને?’

અબુલહસનને પરિસ્થિતિ પલટાયેલી જણાઇ. હજુ એને વિશ્વાસ બેસતો ન હતો. તેણે કહ્યું - ‘એ ડોસી! તું કોને બેટા કહે છે?’ ‘તને બેટા, તને. તું મારો દીકરો અબુલ હસન છે. શું તું મને નથી ઓળખતો?’

એણે છંછેડાઇને કહ્યું - ‘હે મૂર્ખ ડોસી! તું મને ખલીફા બાદશાહને તારો દીકરો કહે છે! તને હારુન રશીદની બીક નથી લાગતી? એ તને તારા આ અપરાધની કઠોરમાં કઠોર સજા આપી શકે છે. એમ કહી એ એની માને મારવા લાગ્યો. મા બૂમો પાડવા લાગી. અડોશી પડોશી એકઠા થઇ ગયા, અબુલ હસનને પકડી કહેવા લાગ્યા. - ‘અબુલ હસન! શું તુ પાગલ થઇ ગયો છે! તારી માને જ નિર્દયતાથી માર મારી રહ્યો છે.’

પડોશીઓને ખાતરી થઇ ગઇ હતી કે અબુલ હસન પાગલ થઇ ગયો છે. એમણે એને પાગલખાનામાં ભર્તી કરી દીધો.

પાગલખાનામાં એને કોરડા મારવામાં આવ્યાં. સારું ખાવાનું પણ આપવામાં આવતું ન હતું. દિવસે દિવસે એ કમજોર થતો ગયો.

પણ મા તો આખરે મા જ હોય છે. એક દિવસ એ પાગલખાને જઇ પહોંચી. અબુલ હસન માને જોતાં જ એને ગળે વળગી પડ્યો અને રડવા લાગ્યો. માએ જાણ્યું કે હવે એ સારો થઇ ગયો છે. પાગલખાનાના અધિકારીઓને આજીજી કરી એ એને ઘેર લઇ આવી ને ફરીથી વેપારમાં લાગી ગયો.

એ ફરી એની જૂની આદત મૂજબ વર્તવા લાગ્યો. એ દરરોજ પુલ પર આવતો અને એક અજાણ્યા મુસાફરને ઘેર લાવી ભોજન અને વિશ્રામ કરાવતો.

એમને એમ એક મહિનો વીતી ગયો. ફરી એકવાર વેપારીના વેશમાં ખલીફા એને ભેટી ગયા. ખલીફાને જોતાં જ એ રોમાંચિત થઇ ગયો. એણે એમના પર આરોપ લાગાવ્યો કે એમને લીધે જ પોતાને અનેક દુઃખો ભોગવવાં પડ્યાં છે.

ખલીફાએ વિનમ્રતાથી અબુલહસનની વાત સાંભળી. કહ્યું - ‘શું મારે લીધે તારે કષ્ટ વેઠવા પડ્યાં છે? જો એમ હોય તો હું તારી માફી માગું છું.’

અબુલ હસને ખલીફાને માફ કરી દીધા. એ એમને એને ઘેર લઇ આવ્યો. ભોજન કરી મદિરાપાન કર્યું. પછી ખલીફાએ પૂછ્યું - ‘શું તેં ક્યારેય પ્રેમ કર્યો છે?’

ગંભીર થઇ એણે કહ્યું - ‘ના જનાબ! મેં ક્યારેય પ્રેમ કર્યો નથી. સુંદરીઓને પણ હું સપનામાં જ મળ્યો છું. મેં સુંદરીઓના હાથોથી ખલીફાના મહેલમાં મદિરાપાન કર્યું હતું એ પણ કદાચ સપનું જ હતું.’

એ રીતે જાતજાતની વાતો કરતાં કરતાં તેઓ સૂઇ ગયા. અબુલ હસનની આંખ ઊઘડી તો એણે પોતાનૈ શાહી મહેલમાં જોયો. એણે વિચારી લીધું કે એ દુષ્ટ મહેમાને પોતાને ફરી ફસાવ્યો છે. આહ! શેતાન વારંવાર કેમ મારા પર સવાર થાય છે! મહેમાનના કહેવાથી એ મને કેમ અહીં લઇ આવે છે! પણ આજે તો હું પથારીમાંથી ઊઠીશ જ નહીં. પછી કોઇ મારું બગાડી લેવાનું છે. હું ખુદાને યાદ કરીશ એટલે શેતાન ભાગી જશે.’

શો ઠઠારો! શો વૈભવ! એક સુંદરીએ આવી સ્મિત કરતાં કહ્યું - ‘મારા માલિક! ઊંઠો હવે! સૂરજ ઊગવા આવ્યો છે.’ અબુલ હસને જોયું તો પેલી સાતેય સુંદરીઓ એને ઘેરીને ઊભી હતી.

એકને એણે એની પાસે પ્રેમથી બેસાડી પૂછ્યું - ‘સાચે સાચું કહેજે, હું કોણ છું? અને અત્યારે ક્યાં છું?’ ‘આપ ખલીફા છો. અત્યારે આપ શાહી મહેલમાં છો.’

‘તો શું પહેલાં જે થયું હતું એ સપનું હતું! પણ એ દુષ્ટ અનાજ આપનાર અને એના ચાર સાથીદારોને દેશનિકાલ કરવાનું...હા, હા, પહેલાં હતું એ જ સપનું હતું. હું ખલીફા છું.’ એ ખુશીથી ઝૂમી ઊઠ્યો.

એ એવો તો ઉત્તેજિત થઇ ગયો હતો કે પેલી સુંદરીઓ સાથે કપડાં ઉતારી એ નાચવા લાગ્યો. એને આમ નાચતો જઇ ખલીફા જોરજોરતી હસવા લાગ્યા.

એમના અટ્ટહાસ્યનો અવાજ સાંભળી અબુલ હસને એમના તરફ જોયું. બસ, એ જોતો જ રહી ગયો. જે માણસ હસતો હતો એ એજ માણસ હતો. જેને એણે વેપારીના વેશમાં જોયો હતો. એને હવે અસલિયત સમજાઇ ગઇ હતી. વેપારીના વેશમાં બીજું કોઇ નહીં, પણ ખલીફા જાતે જ હતા.

એ શરમાઇ ગયો. એણે કપડાં પહેરી લીધાં. અને ખલીફાનાં ચરણ ચૂમવા લાગ્યો.

ખલીફાએ એને ગળે વળગાડી દીધો. કહ્યું - ‘હું તો આ બધું મારું દિલ બહેલાવવા મનોરંજન માટે કરી રહ્યો હતો. હું તને આજથી મારા દરબારમાં એક હજાર સોનામહોરોના પગારથી નોકરીએ રાખી લઉં છું.’

અબુલ હસન રાજીના રેડ થઇ ગયો. ઘેર જઇ એણે માને જણાવ્યું - ‘અમ્મા! એ વેપારી બાદશાહ સલામત જાતે જ હતા. એમણે મને દરબારમાં નોકરીએ રાખી લીધો છે.’ એની માએ ખુદાનો આભાર માન્યો.

‘બેગમના કહેવાથી જ અબુલ હસન મહજબી દાસીને પ્રેમ કરે છે. માટે એના નિકાહ એની સાથે કરાવવામાં આવે.’ બાદશાહે કહ્યું. સૌથી સુંદર દાસી સાથે એના નિકાહ થયા. મલિકા જુબેદાએ એને અપાર ધન આપ્યું.

દોલત આવતાં જ અબુલ હસને એના મૂળ સ્વભાવ મુજબ શાહી ઢંગથી રહેવાનું શરૂ કર્યું. એ ગમે તેને ભોજન કરાવતો. શરાબ પીવડાવતો. સમય જતાં એ દેવાદાર થઇ ગયો. લોકો એની પાસે ઊઘરાણી કરવા આવવા લાગ્યા. હવે શું કરવું?

એણે એક ઉપાય શોધી કાઢ્યો. એણે દાસીને કહ્યું - ‘પ્યારી! આપણી દરિદ્રતા દૂર થઇ શકે એવો એક વિચાર મને સૂઝયો છે.’

‘કયો વિચાર?’ ‘અ માટે આપણે મરવું પડશે.’ ‘તમે મરો.’

‘અરે, પાગલ, જૂઠેજૂઠુ મરવાનું છે, સાચું થોડું મરવાનું છે!’

આખરે એ માની ગઇ. અબુલ હસન પશ્ચિમ તરફ માથું રાખી સૂઇ ગયો. એના માથા પાસે પાઘડી મૂકી કફન ઓઢાડી દેવામાં આવ્યું.

દાસી મહજબી રડતી રડતી બેગમ પાસે ગઇ. એણે એના પતિના મૃત્યુના સમાચાર કહ્યાં. બેગમ જુબેદાનું હૈયું ભરાઇ આવ્યું. એણે મજહબીને એક હજાર સોનામહોરો અને એક રેશમીવસ્ત્રનો તાકો આપ્યો. એ સોનામહોરો અને રેશમી કાપડ લઇ ઘેર પાછી આવી.

અબુલ હસને ઊઠીને કહ્યું - ‘ચાલી ગયું ને મારું ચક્કર? તીર બરાબર નિશાન પર જ વાગ્યું. જોયું ને, કેટલું બધું આવી ગયું આપણી પાસે!’

બીજે દિવસે અબૂલ હસન રડતો રડતો ખલીફા પાસે ગયો. ખલીફા એની પત્નીના મૃત્યુના સમાચાર જાણી ખૂબ દુઃખી થયો. એમણે પણ લાગણીવશ થઇ તેને ઘણું બધું ધન આપ્યું.

બે ત્રણ દિવસ વીતી ગયા. બાદશાહ અને બેગમ બેઠાં હતાં. આનંદથી વાતો કરી રહ્યાં હતાં. બેગમે પશ્ચાતાપ કરતાં કહ્યું - ‘મારા સરતાજ! ખૂબ માઠા સમાચાર છે. બિચારો અબુલહસન ખુદાનો પ્યારો થઇ ગયો. ખુદાને મારી પ્રાર્થના છે કે એને જન્નત નસીબ કરાવે.’

ખલીફાએ આકાશ ભણી નજર કરતાં કહ્યું - ‘હે ખુદા! આ તે તારા કેવા અજબ ખેલ છે! બિચારી મજહબી પણ મૃત્યુ પામી. આજે અબૂલ હસન મારી પાસે આવ્યો હતો. શું બંન્ને એક સાથે મૃત્યુ પામ્યાં?’

‘અરે! એ તો કાલે મરી ગયો હતો. મજહબી મારી પાસે આવી હતી. મેં એની ઉત્તરક્રિયા કરવા સોનામહોરો પણ આપી દીધી.’

‘આપ આ શું કહી રહ્યાં છો! એ તો આજે જ આવ્યો હતો. મને તમારી વાત પર ક્યાંથી વિશ્વાસ આવે!’ એ વાત પર બંન્ને વચ્ચે તકરાર થઇ ગઇ.

ખલીફાએ કહ્યું - ‘આપણે એકબીજા સાથે શા માટે લડવું! હું હમણાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઉં છું.’ બાદશાહે તરત જ મસરૂરને બોલાવ્યો. એને બધી વાત સમજાવીને કહ્યું - ‘અબુલ હસન અને એની પત્ની મરી ગયાં શું? સારી રીતે પૂરી તપાસ કરી આવ.’

મશરૂર ચાલ્યો ગયો. અબુલ હસને તેને જોઇ લીધો. એણે તરત જ મહજબીને સુવડાવી દઇ કફન ઓઢાડી દીધું. અને વિલાપ કરવા લાગ્યો. - ‘હાય! મારી પ્રાણપ્યારી! મને એકલો મૂકીને તું ક્યાં ચાલી ગઇ?’

મશરૂર આ જોઇ દુઃખી થઇ ગયો. અને બાદશાહ પાસે પાછો આવ્યો. એણે આવીને કહ્યું - ‘ખરેખર! અબુલ હસનની પત્ની મૃત્યુ પામી છે.’

એ જ વખતે બેગમે એની વૃદ્ધ દાસીને અસલિયત જાણવા મોકલી. એ ત્યાં ગઇ. દૂરથી જ મહજબીએ એને જોઇ. એણે ઝટ અબુલ હસનને આંગણામાં સૂઇ જવા કહ્યું. પછી એ એના માથા આગળ બેસી પોક મૂકી રડવા લાગી.

વૃદ્ધ દાસી દુઃખી થઇ ગઇ. એણે મહજબીને સાંત્વના આપી. પછી એ ત્યાંથી પાછી ફરી. કહ્યું - ‘બિચારી મજહબી વિધવા થઇ ગઇ.’

હવે બેગમને ગુસ્સો આવ્યો. જઇને એણે ખલીફાને કહ્યું - ‘આપ પણ કેવા છો! મહજબી જીવતી છે અને અબુલ હસન મૃત્યુ પામ્યો છે.’

બાદશાહને પણ હવે ક્રોધ આવ્યો. બોલ્યો - ‘ના,ના, એ જીવે છે. મેં એને મારી સગી આંખોએ જોયો હતો. અને સગી આંખોએ જોયેલું કદી જૂઠું ના હોઇ શકે.’ બંન્ને પોતપોતાની વાત પર અડગ રહ્યાં.

પછી બાદશાહ અને બેગમ જુબેદા બંન્ને એક સાથે અબુલહસનને ઘેર ગયાં. બાદશાહ અને બેગમને આવતાં જોઇ બંન્ને આંગણામાં પશ્ચિમ તરફ મોં રાખી કફન ઓઢી સૂઇ ગયાં. આ બાજુ વૃદ્ધ દાસી અને મશરૂર પણ લડવા લાગ્યો. બંન્ને એખબીજા પર જૂઠા આરોપ લગાલી રહ્યાં હતાં. એમણે એક એક રેશમી વસ્ત્રની બાધા રાખી.

બાદશાહ અને બેગમ બંન્ને અબુલ હસનના ઘરમાં પ્રવેશ્યાં. બંન્નેને મરેલાં જોઇ તેમને ભારે નવાઇ લાગી. ખલીફા બહુ બુદ્ધિશાળી હતો. એને સમજાઇ ગયું કે નક્કી દાળમાં કઇંક કાળુ છે. તેમણે જોરથી કહ્યું - ‘તમારા બેમાંથી જે કોઇ બતાવશે કે પહેલાં કોઇ મરી ગયું હતું. હું એને એક હજાર સોનામહોરો ભેટ આપીશ.’

અબુલહસન કફન ફેંકી દઇ બેઠો થઇ ગયો. બોલ્યો - ‘પરવરદિગાર! પહેલાં મહજબી મૃત્યુ પામી હતી.’ એણે બોલવાનું પૂરુંય કર્યું ન હતું કે મહજબી બેઠી થઇને બોલી - ‘ના, બેગમ સાહેબા! પહેલાં એ મૃત્યુ પામ્યા હતા!’

બેગમ મરેલાંને જીવતાં થયેલાં જોઇ અચંબો પામી. બાદશાહ તો જોરજોરથી હસવા લાગ્યા. કહ્યું - ‘તમારાં બેની અવળચંડાઇને લીધે અમે બે આખો દિવસ લડતાં રહ્યાં હતાં. બોલો, તમે આવું શા માટે કર્યું?’

અબુલ હસને એની નાદારીની વાત વિગતવાર બાદશાહને કહી - ‘હુજૂર! હું બીજું શું કહું! મજબૂરીમાં માણસ ગમે તે કરે છે. આપ અમને માફ કરી દો. આવી ભૂલ હવે બીજી વખત નહીં કરીએ.’

બાદશાહે હસતાં હસતાં કહ્યું - ‘તમારું આ નાટક મને બહુ ગમ્યું. લાગે છે કે મેં તને અહીં લાવી હેરાન કર્યો હતો એનો બદલો તેં લઇ લીધો. ઠીક છે, હું તમને બંન્નેને માફ કરું છું. વળી તને ત્રણ હજાર સોનામહોરો અને બે થાન કાપડ પણ ભેટ રૂપે આપું છું.’

બાદશાહ અને બેગમ હસતાં હસતાં ચાલ્યાં ગયાં. દુનિયાજાદે કહ્યું - ‘દીદી આ વાર્તા તો ખૂબ સરસ રહી. આવી જ બીજી વાર્તા સંભળાવો.’

શહરજાદે કહ્યું - ‘હું તને અલાદ્દીન અને એના જાદુઇ ચિરાગની વાર્તા સંભળવીશ.’

શહરયારે કહ્યું - ‘સવાર થઇ ગઇ છે. હવે રાત્રે સંભળાવજો.’

અનુક્રમણિકા

૫૪ : અલાદ્દીન અને જાદુઇ ચિરાગ

ચીનની રાજધાનીમાં એક દરજી રહેતો હતો. એનું નામ મુસ્તફા હતું. એ ખૂબ જ ગરીબ હતો. એને એક દીકરો હતો. એનું નામ અલાદ્દીન હતું. તે આળસુ અને બેકાર હતો. છતાં એ સતત અવનવી હરકતો કરતો રહેતો હતો. દરરોજ એની કોઇને કોઇ ફરિયાદ આવતી રહેતી. મુસ્તફા એથી ખૂબ દુઃખી રહેતો હતો.

પિતાનું અવસાન થયા પછી અલાદ્દીને દુકાન બંધ કરી દીધી. નાણાં ભીડને લીધે થોડા દિવસો પછી એણે દુકાન વેચી દીધી. જે થોડાઘણા રૂપિયા મળ્યા એમાંથી એની માએ સૂતર કાંતવાનું શરૂ કર્યું. માની આવી કંગાલ દશાની પણ અલાદ્દીન પર કોઇ અસર થઇ નહીં. ચૌદ વર્ષની ઉંમર થઇ હોવા છતાં ના તો એને દુનિયાદારીનું કોઇ ભાન થયું કે ના તો એ કોઇ જવાબદારી સમજ્યો.

એક દિવસ એ રમતો હતો ત્યારે એક જ્યોતિષી અને આફ્રિકન જાદુગર સાથે એનો મેળાપ થયો. આ લોકોએ અલાદ્દીનને જોયો. એમણે એને પસંદ કરી લીધો, કારણ કે એઓ આવા જ એક છોકરાને શોધતા હતા.

જાદુગરે અલાદ્દીનને પાસે બોલાવ્યો. ગળે વળગાડી વ્હાલ કર્યું. પછી કહ્યું - ‘બેટા! હું તારો કાકો છું. તારા પિતા મારા મોટાબાઇ હતા. હું તો નાનપણથી જ પરદેશોમાં ફરતો રહ્યો છું. વરસો પછી પાછો ફર્યો ત્યારે મેં જાણ્યું કે મારા મોટાભાઇ મૃત્યુ પામ્યા છે. તને જોઇને મારા કલેજે ટાઢક વળી. તારી માને મારી સલામ કહેજે. હું કાલે તારે ઘેર આવીશ.’ કહી બાળકને લલચાવવા થોડા પૈસા આપી એ ચાલ્યો ગયો.

અલાદ્દીન દોડતો દોડતો એને ઘેર આવ્યો. એણે માને બધી જ વાત જણાવી. એની માને ચિંતા થવા લાગી. એને ખબર હતી કે એનો કોઇ જ દિયર ન હતો. આ વળી ક્યો દિયર ફૂટી નીકળ્યો. એ ઊંડા વિચારમાં ડૂબી ગઇ.

બીજે દિવસે પલો જાદુગર ફરી આવ્યો. અલાદ્દીનને એણે એક સોનામહોર આપી. બોલ્યો - ‘તારી માને કહેજે કે ભોજન બનાવીને તૈયારી રાખે. આજે હું તારે ઘેર જ ભોજન લઇશ.’ સોનામહોર લઇ અલાદ્દીન ઘેર ગયો. એણે માના હાથમાં સોનામહોર મૂકતાં કહ્યું - ‘મા! આજે મારા કાકા આપણે ઘેર આવવાના છે. તેઓ જમવાના છે. પણ અહીં જ તું એમને માટે સારું જમવાનું બનાવજે.’

કદાચ એ પતિનો કોઇ દૂરનો ભાઇ તતો હોય એમ વિચારીને એ બજાર ગઇ. એણે સારામાં સારું માંસ ખરીદ્યું. ઘેર આવી માંસ સાથે બીજો મિષ્ટાન્ન પણ બનાવ્યાં. એ અલાદ્દીનના કાકાની રાહ જોવા લાગી.

ત્યાં જ દરવાજે ટકોરા પડ્યાં. અલાદ્દીને દરવાજો ઊઘાડ્યો. એના કાકા ઘરમાં પ્રવેશ્યાં. એના હાથમાં શરાબની બે બોટલ અને થોડાંક ફળો હતાં. એ બધો સામાન અલાદ્દીનના હાથમાં પકડાવી એની મા પાસે ગયો અને ઝૂકીને સલામ કરતાં પૂછ્યું - ‘મારા ભાઇજાન ક્યાં બેસતા હતા?’

અલાદ્દીનની માએ એક આસન તરફ ઇશારો કર્યો. એ નાટકબાજ જાદુગરે વારંવાર એ આસનને ચૂમ્યું. પછી અફસોસ વ્યક્ત કરતાં કહ્યું - ‘હું કેટલો બદકિસ્મત છું કે ભાઇનાં અંતિમ દર્શન પણ ના કરી શક્યો. ભાભીજાન! આ શહેર છોડ્યે ચાલીસ વર્ષ થઇ ગયાં છે. હું આખી દુનિયામાં ફર્યો છું. પૈસા પણ ખૂબ કમાયો. હું બહુ જ સુખી છું. આ મારો દીકરો અલાદ્દીન શું કરે છે. આજકાલ?’ પછી અલાદ્દીન તરફ નજર નાખી કહ્યું - ‘અલાદ્દીન બરોબર ભાઇજાન જેવો જ દેખાય છે.’

ભાભી પાસેથી જાણવા મળ્યું કે અલાદ્દીન કશું જ કરતો નહોતો. જાદુગરે કહ્યું - ‘ભાભીજાન! આપ જરાપણ ચિંતા કરશો નહીં. કાલ સુધીમાં હું એને માટે કામની તજવીજ કરીશ. કાલે હું એને સારાં કપડાં પહેરાવી વેપારીઓ પાસે લઇ જઇશ, અને બજારમાં જ એને દુકાન ખોલી આપીશ.’

બીજે દિવસે જાદુગર આવ્યો. અલાદ્દીનને માટે એક સરસ કપડાં પણ લાવ્યો હતો. એને કપડાં પહેરાવી વેપારી બનાવી દીધો. એ એને એની સાથે લઇ ગયો. મઝાનો નાસ્તો કરાવ્યો. થોડીક સોનામહોરો આપી પાછો એને ઘેર મૂકી ગયો. વેપારીના વેશમાં દીકરાને જોઇ માની છાતી ગજગજ ફૂલી. એણે એના બનાવટી દિયરનો ઘણો ભાર માન્યો.

એ પછીના દિવસે જાદુગર અલાદ્દીનને ફરી એની સાથે લઇ ગયો. બપોર સુધી એને બગીચાઓમાં ફેરવ્યો. એણે બે ત્રણવાર એને સરસ ખવડાવ્યું. બાગમાં બેસાડી એ એને રસપ્રદ વાર્તાઓ સંભળાવવા લાગ્યો.

અલાદ્દીનને આ આનંદ લૂંટવામાં એવી તો મઝા પડી ગઇ હતી કે એ ક્યાં આવી ગયો હતો એનુંય ભાન ન રહ્યું. એણે જોયું કે એ પહાડોની વચ્ચે એક ગીચ જંગલમાં આવી ચઢ્યો હતો. જાદુગર એને ફોસલાવીને અહીં જ લાવવા ઇચ્છતો હતો. અહીં એ એના કાળા જાદુને સિદ્ધ કરવા માગતો હતો. અલાદ્દીન ગભરાઇ ગયો. એનું મન બહેલાવતો રહ્યો. સમજાવતો રહ્યો. લલચાવતો રહ્યો.

આમ ને આમ અંધારું થઇ ગયું. અંધારું થતાં જાદુગરે આગ લગાડી. આગમાં કશોક સુગંધિત પદાર્થ નાખ્યો. એમ કરતાં ઘાટો ધૂમાડો ઊઠ્યો. અને ચારેબાજુ છવાઇ ગયો. ક્ષણવારમાં જ ધરતી ધ્રુજવા લાગી. જાણે ધરતીકંપના થયો હોય! જેમાં કડું લગાડેલું હતું એવો એક પથ્થર ત્યાં પ્રગટ થયો.

જાદુગરે અલાદ્દીનને પહેલાં સમજાવ્યો. પછી ડરાવ્યો. અને એક તમાચો પણ ચોડી દીધો. અલાદ્દીનને હવે સમજાઇ ગયું હતું કે જો એણે જીવતા રહેવું હોય તો એ જેમ કહે તેમ કરવું પડશે.

અલાદ્દીનને જાદુગરે એક જાદુઇ વીંટી આપી કહ્યું - ‘તું આ જાદુઇ વીંટીથી પત્થરને સહેલાઇથી હટાવી શકીશ પછી તું નીચે ચાલ્યો જજે. ત્યાં તને મોટો ખજાનો મળશે. લોખંડના કડાને પકડીને પત્થરને હટાવી દે. એની નીચે તને એક દરવાજો મળી આવશે. પછી તને પગથિયાં દેખાશે. એ પગથિયાં તું ઉતરી જજે. પછી ત્રણ ઓસરી આવસે. એમને તું વટાવી દેજે. તારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કોઇ બીજને ભૂલેચૂકે પણ અડકી ના જવાય. જો કોઇ વસ્તુને તું અટકીશ તો તારું મોત થઇ જશે. બેટા! તું જરાય ગભરાઇ નહીં કે ચિંતા કરીશ નહીં. હવે તારો પૈસાદાર થવાનો સમય નજીક આવી ગયો છે. પછી તું બગીચામાં પહોંચી જજે. ત્યાં તને ફરી પગથિયાં દેખાશે એ પગથિયાં ચઢીને છેવટે તું છત ઉપર પહોંચી જજે. તને ત્યાં એક પ્રકાશિત દીવો દેખાશે. એ દીવો હોલવી તું મારી પાસે પાછો આવી જજે. ચિરાગ બૂઝાતાં તને બધું ધૂંધળુૂં ધૂંધળું દેખાશે. પણ તારે એ ચિરાગને ક્યાંય ઘસવાનો નથી.’

જાદુગરના કહ્યા મુજબ અલાદ્દીન ચિરાગ બૂઝાવી દઇ લઇ આવ્યો. ત્યાં વૃક્ષો ઉપર એણે હીરા જોયા. એણે ભરાય એટલા ગજવામાં ભરી લીધા. ચિરાગને પણ એણે એના ઝભ્ભામાં મૂકી દીધો. એ ખાડામાં હતો. એણે ‘કાકા...કાકા...’એવી જોરથી બૂમો મારી.

એણે ખાડામાંથી બહાર કાઢવા કાકાને વિનંતી કરી. કાકાએ કહ્યું - ‘પહેલાં તુ મને ચિરાગ આપી દે પછી હું તને બહાર કાઢીશ.’ પણ અલાદ્દીને તેને ચિરાગ આપ્યો નહીં. એના હાથમાં હીરા હતા તેથી એ ચિરાગ ઉપર ફેંકી શકે એમ ન હતો.

વારંવાર કહેવા છતાં અલાદ્દીને ચિરાગ અપ્યો નહીં ત્યારે જાદુગર ખાડા ઉપર પત્થર મૂકી ત્યાંથી ચાલ્યો ગયો. અલાદ્દીન ‘કાકા...કાકા...’ કરી રડતો રહ્યો.

ખરી વાત તો એ હતી કે જેને પણ બધાં ભૂત પ્રેત આધીન હતાં એવો એ ચિરાગ જાદુગર મેળવવા ઇચ્છતો હતો. અલાદ્દીન એની મજબૂરીને લઇ ચિરાગ જાદુગરને આપી શકતો ન હતો. જ્યારે જાદુગર એમ સમદતો હતો કે એ જાણી જોઇને ચિરાગ આપતો ન હતો. જાદુગરની ઇચ્છા એવી હતી કે જેવો ચિરાગ એના હાથમાં આવી જાય કે એ તરત અલાદ્દીનને મોતને ઘાટ ઉતારી દે. જાદુગર અપવિત્ર હોઇ એ ચિરાગ વાળી પાક જગાએ જઇ શકે એમ ન હતો.

જાદુગરે વિચાર્યું કે અલાદ્દીન ખાડામાં ભૂખ્યો તરસ્યો મરી જશે. એને એ ચિંતા પણ સતાવતી હતી કે અલાદ્દીન પાછો ઘેર નહીં પહોંચે તો એની મા નગરના કોટવાલ પાસે જઇ ફરિયાદ કરશે. જો એમ થશે તો સિપાઇઓ એની તપાસ કરશે. તેઓ એને કેદ કરી કારાગરમાં બંધ કરી દેશે. બીકનો માર્યો જાદુગર આખરે આફ્રિકા ચાલ્યો ગયો.

અલાદ્દીન રઘવાયો થઇ હાથ ઘસવા લાગ્યો ત્યારે અનાયાસ એની આંગળી પરની પેસી જાદુઇ વીંટી ચિરાગ સાથે ઘસાઇ. એમ થતાં જ એક ભયંકર જિન પેદા થયો બોલ્યો - ‘શું હુકમ છે આકા? હું તમારો ગુલામ છું.’

પહેલાં તો અલાદ્દીન એને જોઇ ભયનો માર્યો ધ્રુજવા લાગ્યો. એ રડતાં રડતાં બોલ્યો - ‘મને જલ્દીથી અહીંથી બહાર કાઢો.’ જિને તરત જ એને બહાર મૂકી દીધો. એ પેલા ચિરાગને લઇ એને ઘેર ગયો. ઘેર પહોંચતાં જ એ ધબ્‌ કરતોક ને જમીન પર પછડાઇ પડ્યો. ત્રણ દિવસ બાદ એ ઘેર પાછા ફરેલા દીકરાને જોઇ એની મા ખુશ ખુશ થઇ ગઇ. એણે દીકરાને વહાલ કરી પેટ ભરીને ખાવાનું ખવાડાવ્યું. ખાઇને એ સૂઇ ગયો.

સવારે ઊઠીને માને એણે કપટી કાકાનાં કરતૂતની જાણ કરી. એણે એમ પણ કહ્યું કે અલ્લાતાલાની મહેરબાનીથી જ આજે જીવતો છે. એણે માને કહય.ું - ‘મા, હું નાહી ધોઇ આવું. ત્યાં સુધી તું સરસ રસોઇ તૈયાર કરી દે.’ માએ કહ્યું - ‘બેટા! રસોઇ બનાવવાના સામાનમાં ઘરમાં કશુંજ નથી.’

હા, અલાદ્દીને માને આપેલાં રત્નો અંધારામાં ચમકી રહ્યાં હતાં. એની માને આ અમૂલ્ય રત્નોની કીંમતની કઇં ખબર ન હતી. હવે શું કરવું? એણે ચિરાગના દંડને જમીન પર ઘસ્યો. ઘસતાં જ એક ભયંકર જિન પેદા થયો. બોલ્યો - ‘સો હુકમ છે, આકા? હું આપનો ગુલામ છું.’

અલાદ્દીન એની તાસીર જાણી ગયો હતો. તેણે કહ્યું - ‘મને ખૂબ ભૂખ લાગી છે મારે માટે તું ભોજન લઇ આવ.’ હુકમ મળતાં જ જિને એના હાથ ફેલાવ્યા અને આંખના પલકારામાં સ્વાદિષ્ટ ભોજન એના હાથમાં આવી ગયું. જિન એનું કામ કરી અદૃશ્ય થઇ ગયો.

અલાદ્દીનની મા હજુ નિશ્ચેત હતી. અલાદ્દીને તેના મોંઢા ઉપર પાણી છાંટ્યું. તે ભાનમાં આવી. અલાદ્દીને કહ્યું - ‘મા! ચાલ, ખાવાનું ખાઇ લે.’

મા તો સામે પડેલી જાતજાતની વાનગીઓને જોઇ જ રહી. એના મોંમાં પાણી આવી ગયું. આજ સુધી એણે આવી વાનગીઓ જોઇ જ ક્યાં હતી! ખાતાં ખાતાં અલાદ્દીને માને ચિરાગનું રહસ્ય જણાવ્યું. એણે માને કહ્યું - ‘તારે ડરવાની કોઇ જરૂર નથી. આ જાદુઇ ચિરાગ છે અને જિન મારો ગુલામ છે. મા હવે ભયમુક્ત થઇ ગઇ.’

બે દિવસો સુધી ભોજન ચાલ્યું. ત્રીજે દિવસે જિન જે ચાંદીની થાળીમાં ભોજન લાવ્યો હતો તે અલાદ્દીન વેચવા બજારમાં ગયો.

એ થાળી લઇ એક યહૂદીની દુકાને ગયો. યહુદીએ નકશીદાર ચાંદીની થાળી હાથમાં લઇ કહ્યું - ‘બોલ, કેટલા પૈસા લઇશ?’

અલાદ્દીને કહ્યું - ‘મને એની કિંમતની ખબર નથી.’ યહૂદીએ એની અજ્ઞાનતાનો ફાયદો ઊઠાવ્યો. એણે એને એક અશર્ફી આપી. એક અશર્ફીમાંથી એણે ભોજન સામગ્રી ખરીદી. એ ઘેર આવ્યો અને બાકીના સિક્કા એણે માને આપ્યા.

બે ત્રણવાર યહૂદીને ત્યાં વાસણ વેચતાં એક સોનીએ તેને જોઇ લીધો. એ જતો હતો ત્યારે તેને બોલાવી સોનીએ કહ્યું - ‘હું તને તારાં વાસણોની વધારે કિંમત આપીશ. તું તારાં વાસણો મને વેચતો રહેજે.’ પછી એકવાર અલાદ્દીને સોનીને વાસણ વેચ્યાં. સોનીએ એને બોંત્તેર સોનામહોરો આપી. અલાદ્દીન ઘણો રાજી થઇ ગયો.

બજારમાંથી સામાન ખરીદી એ ઘેર આવ્યો. એ અવારનવાર બજારમાં જતો રહેતો. એ ઝવેરી બજારમાં પણ ગયો હતો. ત્યાં એ રત્નોને જોયા કરતો હતો. એના ઘરમાં એવાં જ રત્નો હતાં. એ બજારમાં જઇ કીંમતી રત્નો વેચવાની હિંમત કરી શક્યો નહીં. કદાચ ઝવેરી પૂછે કે આ રત્નો એ ક્યાંથી લાવ્યો તો શો જવાબ આપવો! એ ડરી ગયો.

એક દિવસની વાત છે. એ બજારમાં ફરતો હતો. ત્યારે એણે રાજ્ય તરફથી થતી જાહેરાત સાંભળી - ‘સાવધાન! સાવધાન! બાદશાહ સલામત તરફથી એલાન કરવામાં આવે છે કે આવતી કાલે શાહજાદી બદરબદૌર શહેરના મોટા સ્નાનગૃહમાં સ્નાન માટે જવાની હોઇ બજાર બંધ રહેશે. કોઇ પણ માણસે આ સમયે ઘરની બહાર નીકળવું નહીં. જે કોઇ આ એલાનનું ઉલ્લંઘન કરશે તેને સજા કરવામાં આવશે.’

અલાદ્દીને આ સાંભળ્યું. તેના મનમાં શાહજાદીને જોવાની ઉત્સુક્તા જાગી. પણ કરવું શું? આખરે એણે હમામખાનાની સામે આવેલું એક ઘર શોધી કાઢ્યું. એ રાજકુંવરીના આવતા પહેલાં જ એ ઘરમાં પહોંચી ગયો. જઇને એ એવી જગાએ ગોઠવાઇ ગયો કે જ્યાંથી આખું સ્નાનગૃહ સ્પષ્ટ રીતે જોઇ શકાતું હતું.

સમય થતાં રાજકુંવરી એના મહેલમાંથી નીકળી. એ પાલખીમાં હતી. સ્નાનગૃહ આવતાં જ એ નીચે ઉતરી. સાથે એની દાસીઓ હતી. સ્નાનગૃહના પ્રવેશદ્વાર પર પહેરેદાર પહેરો ભરતા હતા. અલાદ્દીન સાવધ થઇ ગયો.

શાહજાદી બદરબદૌરે એનાં ભારે વસ્ત્રો ઉતાર્યાં. અલાદ્દીને એને અંતઃવસ્ત્રોમાં જોઇ તો એ જોતો જ રહી ગયો. જાણે સાક્ષાત્‌ આરસની પૂતળી. એણે એની મા સિવાય આજ સુધી કોઇનેય બેપર્દા જોઇ ન હતી. આવી અનુપમ લાવણ્યમયી સુંદરીને જોઇ અલાદ્દીન ભાવવિભોર થઇ ગયો. કેવું અદ્‌ભૂત સૌંદર્ય! એ રાજકુંવરી પર મોહિત થઇ ગયો. ઘેર આવ્યો તો પ્રેમમાં એ પાગલ જેવો થઇ ગયો હતો.

એની માએ એની વિહ્‌વળતાનું કારણ પૂછ્યું તો સાચી વાત ના કહેતાં એણે તબિયત સારી નહીં હોવાનું બહાનું કાઢ્યું. એની મુગ્ધતાએ એની નિંદ્રા હરી લીધી. એણે ખાવાનુંય છોડી દીધું.

દીકરાની બેચેની અને વ્યાકુળતાથી માને ચિંતા થવા લાગી. એ એને વારંવાર એના દુઃખનું કારણ પૂછતી રહી. છેવટે અલાદ્દીનને સાચી હકીકત માને જણાવવા મજબૂર થવું પડ્યું. મા દીકરાની વાત સાંભળતાં જ હબકી ગઇ. દીકરાને સમજાવતાં એણે કહ્યું - ‘બેટા! ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી! એ ઝાંઝવાનાં જળ જોવાની જીદ છોડી દે. જો બાદશાહને આ વાતની ખબર પડશે તો તને અને મને ફાંસીને લટકાવી દેશે. આજ પછી ક્યારેય આવી વાત કરીશ નહીં.’

અલાદ્દીને દુઃખી સ્વરમાં માને કહ્યું - ‘મા હું ક્યાં તો રાજકુંવરીને ગળે લગાડીશ, ક્યાં તો મોતને ગળે લગાડીશ.’ દિનપ્રતિદિન દીકરાની કથળતી જતી દશા જોઇ મા ઘણી દુઃખી થતી. અલાદ્દીન એની જીદમાં અટલ હતો. આખરે મા તો મા છે ને! એ હારી ગઇ. એણે કહ્યું - ‘બેટા! હું બાદશાહ પાસે જઇ તારા મનની વાત જણાવીશ. પણ બાદશાહ પાસે કઇં ખાલીહાથે ઓછું જવાય? અને આપણી પાસે બાદશાહને ભેટ ધરવા જેવું છે પણ શું?’

અલાદ્દીને કહ્યું - ‘મા, આપણી પાસે જે છે તે આ નગરના મોટા મોટા શ્રીમંતો પાસે પણ નથી. જેને તું પત્થર માની રહી છે. એ તો ઘણા કીમતી હીરા છે. તે લઇને તું બાદશાહ પાસે જા.’ મા અનેકવાર દરબારમાં ગઇ. પણ એ બાદશાહને મળી શકી નહીં. આખરે એક દિવસ એનો પ્રયત્ન સફળ થયો. પણ એ તો બાદશાહને જોઇ થરથર ધ્રુજવા લાગી. એને થયું કે બાદશાહને વાત શી રીતે કરવી! બાદશાહ એનું અપમાન કરી કાઢી મૂકશે તો! છતાં એને એના દીકરાના ચિરાગ અને જીન પર ભરોસો હતો.

એ બાદશાહ પાસે ગઇ. એણે પેલા હીરા બાદશાહને ભેટ ધર્યાં. હીરા જોઇને બાદશાહની આંખો ફાટી ગઇ. આવાં અમૂલ્ય રત્નો બાદશાહે એની જિંદગીમાં ક્યારેય જોયાં ન હતાં. એને થયું કે આ સ્ત્રી જરૂર અતિશય શ્રીમંત હોવી જોઇએ.

બાદશાહે એને અહીં આવવાનું કારણ પૂછ્યું. ‘હું મારા દિકરા માટે શાહજાદીનો હાથ માગવા આવી છું. મારો દીકરો અતિસુંદર અને કાબેલ છે.’

બાદશાહે વિનમ્રતાથી કહ્યું - ‘તમારી વાત મને મંજૂર છે. પણ દહેજની વ્યવસ્થા કરવા મારે ત્રણ મહિનાનો સમય જોઇએ.’ અલાદ્દીનની મા ઘેર પાછી ફરી. એના આનંદની કોઇ અવધિ ન હતી. અલાદ્દીને જ્યારે આ વાત જાણી ત્યારે એ ખુશીથી નાચી ઊઠ્યો. એને કોઇ ચિંતા ન હતી. એની પાસે અશક્યને શક્ય બનાવે એવી જાદુઇ ચિરાગ હતી.

પણ વજીરને આ સંબંધ ગમ્યો નહીં. એણે બાદશાહના કાન ભંભેરતાં કહ્યું - ‘જહાંપનાહ! આપે આ શું કર્યું ! પેલી ગરીબ ડોસીની વાત માની લીધી! ખાનદાનનો પણ વિચાર ના કર્યો! એની હેસિયત તો તમારાં પગનાં ખાસડાં બરાબરેય નથી.’ ખુશામત કરી. બાદશાહને ભોળવી શાહજાદીના લગ્ન પોતાના દીકરા સાથે કરાવવા રાજી કરી લીધો.

બે મહિના વીતી ગયા. એક દિવસ શહેરમાં દીવા સળગવાની ચર્ચાએ જોર પકડ્યું. નગરમાં રોશની થવાનું કારણ પૂછતાં અલાદ્દીનની માને ખબર પડી કે શાહજાદી બદરબદૌરનાં લગ્ન વજીરના દીકરા સાથે થઇ રહ્યાં છે તેની એ ખુશાલી હતી.

એ અલાદ્દીન પાસે દોડતી આવી, અને પોતાની સાથે દગો થયાની વાત એને જણાવી. અલાદ્દીનના હોશકોશ ઊડી ગયા. એણે ચિરાગ ઘસ્યો. તરત જ જિન ઉત્પન્ન થયો. બોલ્યો - ‘આકા! શો હુકમ છે?’ ‘વજીરનાં પુત્ર અને શાહજાદીના નિકાહ થઇ ગયા પછી તું એ બંન્નેને પલંગ સાથે અહીં ઊઠાવી લાવ.’ અલાદ્દીને જિનને કહ્યું.

રાત્રે નિકાહની રસમ પૂરી થઇ. દાસીઓએ બદરબદૌરને સુહાગરાત માટેનો પોશાક પહેરાવ્યો એ જેવી શયનકક્ષમાં ગઇ કે જિને તે બંન્નેને પલંગ સાથે ઊઠાવી લીધાં અને તેમને અલાદ્દીનને ઘેર પહોંચાડી દીધાં. અલાદ્દીને વજીરના પુત્ર તરફ આંગળી કરતાં જિનને કહ્યું - ‘આ કમબખ્તને અત્યંત દુર્ગંધ મારતા કેદખાનામાં નાખી દે, જેથી એની સુહાગરાત યાદગાર બની જાય.’

જિને અલાદ્દીનના હુકમનું તરત જ પાલન કર્યું. વજીરપુત્રને એણે ગંધાતા કારાગારમાં ધકેલી દીધો. પછી અલાદ્દીને કહ્યું - ‘શાહજાદી! તમે જરાય ગભરાશો નહીં. ખરી વાત તો એ છે કે હું ઘણા દિવસોથી જીગરજાનથી ચાહું છું. આપને મેં ચોરીછૂપીથી, સ્નાનગૃહમાં નહાતાં જોયાં હતાં. ત્યારથી હું આપનો દિવાનો થઇ ગયો છું. આપના હાથ માટે બાદશાહ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે આપના પિતાએ રાજીખુશીથી આપના નિકાહ મારી સાથે કરવાની વાત મંજૂર રાખી હતી. પણ ગમે તે કારણે આપના પિતાજી એમના વિચનમાંથી આજે ફરી ગયા છે.’

શાહજાદી અત્યાર સુધી આ દિવાના આશિક વિશે કશું જ જાણતી ન હતી. અલાદ્દીને જ્યારે તેની તલવાર બે વચ્ચે મૂકી ત્યારે શાહજાદીએ વિચાર્યું કે યુવાન ખાનદાન છે. સવારે શાહજાદીને શાહી મહેલમાં એણે પાછી મોકલી. વજીરપુત્રને શરમના માર્યાં પિતાથી બધી વાત છાની રાખી.

શાહજાદીની મા દીકરીને ઉદાસ અને ઉદ્વિગ્ન જોઇ બધી વાત સમજી ગઇ. કઇંક ન થવાનું થયું હોવાની એને ગંધ આવી ગઇ. દીકરીને એ પૂછી બેઠી - ‘તું ઉદાસ અને દુઃખી કેમ છે?’ શાહજાદી નિરુત્તર રહી. માએ જાણ્યું કે નક્કી એણે કોઇક ખરાબ સ્વપ્નું જોયું હશે. બીજે દિવસે પણ એવું જ બન્યું.

બેગમે બધી વાત બાદશાહને જણાવી. બાદશાહે વજીરને આ વાત કરી. વજીરે પણ બાદશાહને જણાવ્યું કે એનો દીકરો પણ બે દિવસથી કમજોર અને બેહાલ લાગતો રહ્યો છે. એ બાદશાહની સામે જવાની પણ હિંમત કરી શકતો ન હતો.

એણે એના વજીર પિતાને કહ્યું - ‘બે ચાર દિવસ શાહજાદી સાથે રહીશ તો પાગલ થઇને મરી જઇશ.’ એણે પિતાને તાત્કાલિક તલાક કરવાની વાત કરી. વજીરે બાદશાહને એના પુત્રની માનસિક સ્થિતિનો ખ્યાલ આપ્યો. બાદશાહે વિના વિલંબે શાહજાદી અને વજીરપુત્રના તલાક કરાવી દીધા.

એક મહિના પછી અલાદ્દીને માને ફરી દરબારમાં મોકલી. એણે ભેટ ધરી બાદશાહને કહ્યું - ‘હું મારા દીકરાના નિકાહ આપની શાહજાદી સાથે કરવા ઇચ્છું છું.’ બાદશાહે કહ્યું - ‘તારી માગણી હું ત્યારે જ સ્વીકારી શકું કે આવાં રત્નોના ચાલીસ થાળ ભરી તું મારી સામે હાજર કરે.’ અલાદ્દીનની માએ ભેટ ધરેલાં રત્નો તરફ આંગળી ચીંધી.

અલાદ્દીને જિનની મદદથી રત્નોના ચાલીસ થાળ ભરી મંગાવ્યા એ લઇને માને બાદશાહ પાસે મોકલી. આટલાં રત્નો જઇ બધાંને અચંબો થયો. એ સામાન્ય દરજીના છોકરા પાસે આટલું ધન આવ્યું ક્યાંથી? બાદશાહ પણ અમૂલ્ય રત્નોના ચાલીસ થાળ જોઇ હતપ્રભ થઇ ગયો. એનો મોંમાંથી સિસકારો નીકળી ગયો. એણે શાહજાદીના નિકાહની હા કહી દીધી. પછી કહ્યું - ‘તમે અલાદ્દીનને કહો કે દરબારમાં મારી સામે હાજર થાય.’

માએ ઘેર આવી બાદશાહની ઇચ્છા દીકરાને જણાવી. અલાદ્દીને જિનને પ્રગટ કરી શાનદાર વસ્ત્રાલંકારો અને બાદશાહની અશ્વશાળામાં પણ ન હોય એવી ઊંચી ઓલાદનો ઘોડો હાજર કરવા જણાવ્યું. જિને પલકવારમાં એ બધું હાજર કરી દીધું. પછી અલાદ્દીન ઘોડાપર સવારી કરી દરબારમાં જવા નીકળ્યો. એને ઘોડાની આગળ પાછળ ગુલામો અનેદાસીઓનું ઝુંડ ચાલતું હતું. શાહજાદી બદરબદૌર માટે કીમતી કપડાં અને આભૂષણો જિન પાસે મંગાવ્યાં.

ભારે દબદબા સાથે અલાદ્દીન દરબારમાં પહોંચ્યો. બાદશાહે એનું સ્વાગત કર્યું. પછી એ એને મહેલમાં લઇ ગયો. બાદશાહે ઇચ્છા પ્રગટ કરી કે તેના મહેલની સામેના ખાલી મેદાનમાં એક ભવ્ય મહેલ તૈયાર કરવામાં આવે. અને એમાંની દરેક વસ્તુ અનોખી હોય.

રાજાની ઇચ્છાનુસાર રાતો રાત જિનને હુકમ કરી અલાદ્દીને ભવ્ય અને આલીશાન મહેલ તૈયાર કરાવી દીધો. આખું નગર રાતો રાત બનેલો આ અનોખો મહેલ જોવા ઉમટી પડ્યું. વજીરના મનમાં શંકા ગઇ.

એણે બાદશાહને એકાંતમાં લઇ જઇ કહ્યું - ‘પરવરદિગાર! આ શી રીતે શક્ય બને! રાતો રાત આખો મહેલ તૈયાર થવો અશક્ય છે. માનો કે ના માનો, પણ મને તો આ વાતમાં અલાદ્દીનનો કોઇ જાદુઇ ચમત્કાર જ કામ કરતો હોય એમ લાગે છે.’ બાદશાહે વજીરને ધમકાવતાં કહ્યું - ‘જાદુઇ શક્તિ બધા પાસે હોય છે. અલાદ્દીન પાસે પણ એવી શક્તિ છે. લાગે છે કે તને એની એ જાદુઇ શક્તિ જોઇ ઇર્ષા આવે છે. પણ હું શાહજાદીના નિકાહ અલાદ્દીન સાથે જ કરાવવાનો છું.’

બાદશાહે ધામધૂમથી બદરબદૌરને અલાદ્દીન સાથે પરણાવી. દહેજમાં અઢળક સંપત્તિ અને અનેક મૂલ્યવાન વસ્તુઓ આપી. અલાદ્દીન અને શાહજાદી દુનિયાનું ભાન ભૂલી પ્રેમમાં ગળાડૂબ ડૂબી ગયાં. અચાનક કોઇક દુશ્મન રાજા બાદશાહના રાજ્ય પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો હતો. અલાદ્દીને બાદશાહને આ સમાચાર જણાવી કહ્યું - ‘આપ ચિંતા કરશો નહીં. હું આક્રમણખોરોના દાંત ખાટા કરી દઇશ. હું એમને ધોળે દિવસે આકાશના તારા બતાવી દઇશ. આપ મને એ દુશ્મનોનો સામનો કરવાની રજા આપો.’

બાદશાહ તરફથી અનુમતિ મળતાં જ પાયદળ અને અશ્વદળ લઇ અલાદ્દીન યુધ્ધના મેદાન તરફ ચાલી નીકળ્યો. ત્યારે યુદ્ધ થયું. છેવટે અલાદ્દીને દુશ્મન સેનાને મારી હઠાવી વિજય મેળવ્યો. આ વિજયથી રાજદરબારમાં અલાદ્દીનું માન વધી ગયું.એની ખ્યાતિ ચારે દિશામાં ફેલાઇ ગઇ.

આ તરફ આફ્રિકા ગયા પછી જાદુગર એ વાત ભૂલી ગયો હતો કે એણે અલાદ્દીનને ખાડામાં બંધ કરી દીધો હતો. એને થયું કે એ બિચારો મરી ગયો હશે. છતાં અલાદ્દીન વિશે જાણવા એની જિજ્ઞાસા થઇ.

એણે જ્યોતિષવિદ્યાનાં પુસ્તકોનો અભ્યાસ કરી ‘રમલ’ પદ્ધતિથી પાસા ફેંકી જોયા. જાદુઇ ગોળાકાર કાચમાં પણ એણે જોયું. એને ખબર પડી કે દરજીનો છોકરો તો રાજકુમારી સાથે લગ્ન કરીને આનંદથી જીવન જીવી રહ્યો છે. દરબારમાં પણ એનું ખૂબ માન છે.

એ અંદરને અંદર સમસમી ઊઠ્યો. એના મનમાં બદલો લેવાની ભાવના સળવળી ઊઠી. એ ચીન તરફ ચાલી નીકળ્યો. જાદુઇ શક્તિથી એ થોડીવારમાં જ ચીન પહોંચી ગયો. એક ધર્મશાળામાં ઉતરી અલાદ્દીનની બાબતમાં બધી હકીકત ભેગી કરવા લાગ્યો. એને ખબર પડી કે એ અમુક દિવસે મહેલમાંથી નીકળી શહેરમાં આવે છે.

બસ, એને આટલું જ જાણવું હતું. જાદુગરે પિત્તળના બાર ચિરાગ તૈયાર કરાવ્યા. એ બધા પર સરસ મઝાનું નકશીકામ કરાવ્યું. અલાદ્દીન જ્યારે મહેલમાં ન હતો ત્યારે એ પેલા ચિરાગ લઇ મહેલની નીચે પહોંચી ગયો.

એ બૂમો પાડતો હતો - ‘જૂના ચિરાગના બદલામાં નવા ચિરાગ લઇ લ્યો.’ એક દાસીનું ધ્યાન એની તરફ ગયું. દાસીને એના હાથમાંના ચિરાગ પસંદ આવ્યાં. એને એકાએક ધ્યાનમાં આવ્યું કે એક જૂનો ચિરાગ અંદરના શાહી ઓરડામાં પડેલો છે. ત્યાં એ જરાયે શોભતો ન હતો.

એણે શાહજાદી બદરબદૌર પાસે જઇ કહ્યું - ‘શાહજાદી સાહેબા! આપના અંદરના ખંડમાં એક સાવ જૂનો ચિરાગ છે. તે ત્યાં જરાપણ શોભતો નથી. આપણે જૂના ચિરાગના બદલામાં નવો લઇ લઇએ તો?’

શાહજાદીનો પેલા જૂના ચિરાગની અસલિયત અને ચમત્કારની ખબર ન હતી. એણે દાસીની વાત માની લીધી. દાસી અસલ ચિરાગને લઇ જાદુગર પાસે ગઇ અને એ આપી બદલામાં નવો નકશીદાર ચિરાગ લઇ આવી.

ચિરાગ હાથ લાગતાં જ જાદુગર ઉતાવળો ઉતાવળો જંગલ ભણી રવાના થઇ ગયો. અડધી રાત થતાં એણે ચિરાગ ઘસ્યો. એક મહાકાય જિન પેદા થયો. બોલ્યો - ‘શો હુકમ છે, આકા?’ જાદુગરે કહ્યું - ‘પેલા અલાદ્દીનના મહેલને એની બેગમ અને દાસીઓ સાથે આફ્રિકા લઇ ચાલ.’

આ બન્યું ત્યારે અલાદ્દીન શિકારે ગયો હતો. જાદુગરે જેમ કહ્યું તેમ જિને કર્યું. સવારે બાદશાહે જોયું તો સામે મહેલ ના દેખાયો. ત્યાં તો પહેલાંના જેવું સાફ મેદાન હતું. એ ગભરાઇ ગયો. એણે ચીસો પાડી.એની ચીસો સાંભળી વજીર દોડી આવ્યો. બાદશાહને શાંત પાડતાં એ બોલ્યો - ‘ગરીબ પરવર! મને તો આ વાતની શંકા પહેલેથી જ હતી. મેં આપને ચેતવતાં કહ્યું પણ હતું કે અલાદ્દીન જાદુગર છે. એણે જે કંઇ કર્યું છે એ બધું એના જાદુનું જ પરિણામ છે.’

‘બસ કરો...જાઓ, એ દુષ્ટ અને કપટી અલાદ્દીનને પકડીને મારી સમક્ષ હાજર કરો.’ વજીર સિપાઇઓની ટુકડી લઇ અલાદ્દીનને શોધવા નીકળ્યો. શોધતાં શોધતાં એક જંગલમાંથી એ મળી આવ્યો. વજીરે એને બાદશાહનો હુકમ કહી સંભળાવ્યો. એ નવાઇ પામ્યો. વજીરે એને બાંધી લીધો, અને બાદશાહ પાસે લઇ આવ્યો.

અલાદ્દીનને જોતાં જ બાદશાહે રાડ પાડી કહ્યું - ‘દુષ્ટ મહેલ ક્યાં ગયો? મારી આંખનું રતન મારી શાહજાદી ક્યાં ગઇ? ગમે તે ભોગે એને શોધી લાવી મારી સામે હાજર કર. જો એમ નહીં થયા તો તારું માથું ધડથી અલગ કરી દઇશ.’

બાદશાહને સમજાવતાં વજીરે કહ્યું - ‘જહાંપનાહ! આને મારવાથી નુકસાન આપણને જ થશે. એને કહો કે એ શાહજાદીને શોધી લાવે.’

બાદશાહે કડક અવાજમાં કહ્યું - ‘હું તને ચાલીસ દિવસની મહેતલ આપું છું. ત્યાં સુધીમાં શાહજાદીને ગમે ત્યાંથી સોધી લાવ. જો તું એમ કરવામાં નિષ્ફળ જશે તો તારું સમસ્તક કલમ કરતાં હું અચકાઇશ નહીં.’

અલાદ્દીને છાતી કાઢી ગર્વથી કહ્યું - ‘હું આપની શાહજાદી અને મારી પત્નીને ચાલીસ દિવસમાં શોધી કાઢી આપની સામે હાજર કરીશ. જો હું એમ નહીં કરી શકું તો હું મારા હાથે જ મારું માથું ધડ ઉપરથી ઉતારીને આપના ચરણોમાં ધરી દઇશ.’

આટલું કહી ખુદાને યાદ કરી એ મહેલની બહાર ચાલ્યો ગયો. અલાદ્દીન જાદુગરની ભાળ મેળવવા ભયાનક એ ગીચ જંગલો વટાવતો એક નિર્જન જગામાં નદી કિનારે પહોંચી ગયો. તરસ લાગી હોવાથી એણે નદીમાંથી પાણી પીધું. અચાનક એનો પગ લપસ્યો. એ નદીમાં પડ્યો. એક પત્થર સાથે એની આંગળીની વીંટી ઘસાઇ. વીંટી ઘસાતાં જ એક જિન પ્રગટ થયો. તેણે માથું નમાવી કહ્યું - ‘શો હુકમ છે. આકા? હું વીંટીનો જિન છું.’

‘પહેલાં મારો જીવ બચાવ.’ જિને એને ઊંચકીને નદીની બહાર મૂકી દીધો.

‘મને શાહજાદી અને મહેલનું ઠેકાણું બતાવ.’

‘તે અત્યારે આફ્રિકામાં છે.’

‘એ બંન્નેને પાછાં ચીન લઇ લે.’

‘એ તદ્દન અશક્ય છે.’

‘કારણ?’

‘કારણ કે હું વીંટીનો જિન છું. જ્યારે એ ચિરાગનો જિન છે.’

‘તો હવે?’

‘હું આપને એ મહેલે પહોંચાડી શકું એમ છું.’

‘ઠીક છે.’

વાતવાતમાં વીટીના જિને અલાદ્દીનને એના મહેલે પહોંચાડી દીધો. અહીં એણે ઘર ભાડે લીધું અને એ છુપાઇને રહેવા લાગ્યો. એક દિવસ એક દાસી એને જોઇ ગઇ. એ દોડતી દોડતી શાહજાદી પાસે પહોંચી. એણે શાહજાદીને અલાદ્દીન જોયાની વાત કરી. શાહજાદીને દાસીની વાત માન્યામાં આવતી ન હતી. એણે એની ખાસ અંગત દાસીને ભાળ મેળવવા મોકલી જો ખરેખ એ મારા ખાવિંદ જ હોય તો તેમને ચોર દરવાજેથી અંદર લઇ આવજે. દાસીને તેણે કહ્યું.

દાસી અલાદ્દીનને અંદર લઇ આવી. ઘણા દિવસો પછી એ બંન્નેનું મિલન થયું. એકબીજાને વળગીને ભોળાં પારેવાની જેમ એ પ્રેમ કરવા લાગ્યા.ં બંન્નેની આંખોમાંથી હર્ષાશ્રુની હેલી થઇ રહી હતી. અલાદ્દીને બદરને એના ચિરાગના ચમત્કારની વાત જણાવી. હવે બદરબદૌરને થયું કે આ બધી મુશ્કેલીઓની જડ એ પોતે જ છે. એણે ચિરાગ આપી દીધો ન હોત તો આવા વસમા દિવસો જોવા પડ્યા હોત નહીં.

અલાદ્દીને તેને ચિરાગ વિશે પૂછ્યુ.ં એણે કહ્યું કે જાદુગર એ ચિરાગને એના ઝભ્ભામાં સંતાડી રાખે છે. એ એને ક્યારેક અલગ કરતો નથી. હા, એ એકવાર એ મારી પાસે આવે છે અને મને એની પત્ની બનવા સમજાવે છે. એ જાલીમથી મેં મહામુસીબતે મારી પવિત્રતા જાળવી રાખી છે. અલાદ્દીને બદરને ચોર દરવાજો ખુલ્લો રાખવા કહ્યું.

એ બહાર ચાલ્યો ગયો. એક ગામડાના માણસ પાસે એણે કપડાંની અદલાબદલી કરી. તેણે તે ગામડિયાને થોડા પૈસા આપ્યા. એ બિચારો રાજી થઇ ગયો. પછી એણે એક દુકાનપર જઇ ઝેર ખરીદ્યું. એ ચોર દરવાજે શાહજાદી પાસે આવી બોલ્યો - ‘આજે જ્યારે જાદુગર તારી પાસે આવે ત્યારે તું પ્રેમનું ખોટું ખોટું નાટક કરજે. એ તારા પ્રેમમાં બરાબર લપેટાઇ જાય પછી તું એને શરાબમાં ઝેર પાણી દેજે.’ અલાદ્દીને ફકીરનો વેશ ધારણ કરી લીધો.

જાદુગર આવતાં જ બદરે એની સાથે પ્રેમનું નાટક કર્યુ.ં પ્રેના ઘોડાપૂરમાં તણાતા જાદુગરને એણે શરાબમાં ઝેર પીવડાવી દીધું. ઝેરની અસર શરૂ થતાં જ એ તરફડી તરફડીને મૃત્યુ પામ્યો. અલાદ્દીન ત્યાં જ હતો. એ આવ્યો. એણે જાદુગરનાં બધાં જ વસ્ત્રો ફાડી નાખ્યાં. વસ્ત્રોમાં છુપાલેવો ચિરાગ એણે લઇ લીધો. ચિરાગ પ્રાપ્ત થતાં જ એણે ખુદાનો આભાર માન્યો. એણે ચિરાગને નીચે રગડ્યો. તરત જ જિન પેદા થયો. કહ્યું - ‘શો હુકમ છે, આકા?’

‘આ મહેલને એની મૂળ જગાએ લઇ લે.’ અલાદ્દીને કહ્યું. જિને આંખના પલકારામાં મહેલને લાવી એની મૂળ જગાએ મૂકી દીધો. બાદશાહ એ જોઇ પ્રસન્ન થઇ ગયો. દીકરીને મળવા એ ઘણો ઉતાવળો થઇ ગયો હતો. દીકરી બદરની પણ એવી જ સ્થિતિ હતી.બંન્ને દોડ્યાં. પિતાપુત્રીનું મિલન થયું.

પિતાને તેણે કહ્યું - ‘ચિરાગ બદલવાની ભૂલ મેં જ કરી હતી. એથી જ દુઃખના દાવાનળમાં આપને બળવું પડ્યું છે.’ શાહજાદીના પિતાએ અલાદ્દીનને માફી બક્ષી. આફ્રિકામાં જાદુગરનો એક બાઇ ‘સાલેહ’ રહેતો હતો. એણે એની વિદ્યાથી જાણી લીધું કે એનો ભાઇ મૃત્યુ પામ્યો છે. એને એને મારનારો કોઇ ચીનનો માણસ છે.

સાલેહ ચીન ગયો. ત્યાં જઇ વયોવૃદ્ધ ઇશ્વરભક્ત ‘ફાતિમા’ને ઘેર એ રોકાયો. એણે ફાતિમાને કેદ કરી એનાં કપડાં પહેરી લીધા.ં હવે એ ફાતિમા જેવો જ દેખાવા લાગ્યો. કોઇને ખબર ના પડી કે સાલેહ એ જ ફાતિમા છે.

અલાદ્દીન શિકારે ગયો હતો. છ દિવસ થઇ ગયા હતા. તક સારી હતી. ફાતિમાના વેશમાં એ મહેલે પહોંચ્યો. એણે મહેલ અને એની સજાવટની ખૂબ પ્રસંશા કરી એણે મહેલની છતનાં વખાણ કરતાં કહ્યું - ‘જો આ છતની વચ્ચો વચ્ચ સરવ પક્ષીનું ઇંડું આવી જાય તો એ બેજોડ બની જાય. એકદમ અદ્વિતીય. પણ એનું ઇંડું લાવવું સહેલું નથી.’

અલાદ્દીન શિકારેથી પાછો ફર્યો ત્યારે એણે બદરબદૌરને ઉદાસ ચહેરે બેઠેલી જોઇ. એણે એને ઉદાસ હોવાનું કારણ પૂછ્યું તો તેણે સરવ પક્ષીના ઇંડાની વાત જણાવી. અલાદ્દીને તરત જ જિનને પ્રગટ કરી ઇંડું લાવવાની વાત કરી.

જિન ભડક્યો. ગુસ્સામાં એણે કહ્યું - ‘અરે!અહેસાન ફરામોસ! મેં તારી બધી આજ્ઞાનું પાલન કર્યું છે. તું જેને માટે યોગ્ય ન હતો તે બધું જ મેં તને આપ્યું છે. છતાં આજે તું મારા સ્વામીનો જીવ માગી રહ્યો છે? હું તને હમણાં જ યમલોકમાં પહોંચાડી દેત, પણ તારું મોત હમણાં નથી, સાંભળ, તારી બેગમ કોઇ જાદુગરની ચઢવણીથી ઇંડું માંગી રહી છે. કેટલી બેહૂદી માગણી છે એ. થાય છે કે તારાં બધાં સુખોનો અંત લાવી દઉ. તને ખબર છે જે ઇશ્વરભક્ત ફાતિમાના રૂપમાં છે એ જાદુગરે એને બહેકાવી છે. એટલે જ એ આવી અયોગ્ય માંગણી કરી રહી છે.’

અલાદ્દીને માથું દુઃખવાનું બહાનું બનાવ્યું. ફાતિમા બનેલા જાદુગરે કહ્યું કે એ ક્ષણવારમાં શિરદર્દ મટાડી શકે એમ છે. અલાદ્દીનનું માથું દબાવવા લાગ્યો. માથું દબાવતાં દબાવતાં એણે એની છરી કાઢી અલાદ્દીન પહેલેથી જ ચેતી ગયો હતો. એણે જાદુગરનો હાથ મરડી છરી છીનવી લીધી, અને એની છાતીમાં હુલાવી દીધી.

એ ચીસ પાડી મરણ શરણ થયો. બેગમે કહ્યું - ‘અરેરે! આ પાપ આપે કેમ કર્યું? એ તો ઇશ્વર પરાયણ સ્ત્રી હતી.’ અલાદ્દીને રહસ્યસ્ફોટ કરતાં કહ્યું - ‘એ ફાતિમા નહીં, પણ મૃત જાદુગરનો નાનો ભાઇ સાલેહ હતો.’

બેગમે ઇશ્વરનો આભાર માન્યો.

ચીનનો બાદશાહ હવે ઘરડો થઇ ગયો હતો. એને કોઇ દીકરો ન હતો. એણે દીકરીને એના રાજ્યની વારસદાર બનાવી દીધી. અલાદ્દીને શાશનની વ્યવસ્થા સંભાળી તેઓ સુખેથી રહેલા લાગ્યાં.

અનુક્રમણિકા

૫૫ : હારુન રશીદ અને ત્રણ માણસો

રાત પડતાં જ શહરજાદે નવી વાર્તા આરંભી - ક્યારેક માણસનું મન હાલકડોલક સ્થિતિમાં રહે છે. એ નથી તો સુખી હોતો કે નથી તો દુઃખી હોતો. આવી જ દશા ખલીફા હારુન રશીદની હતી એની ઉદાસીનતા જોઇ વજીરે પૂછ્યું - ‘માલિક! આપ ઉદાસ અને ચિંતિત કેમ છો?’

‘મને જ સમજાતું નથી. કે હું ઉદાસ કેમ છું.’ ખલીફાએ કહ્યું. વજીર જાફર બાદશાહની રગેરગ જાણતો હતો. એણે હસતાં હસતાં કહ્યું - ‘હું જણાવું કારણ?...આજે પહેલી તારીખ છે. દર પહેલી તારીખે વેશપલટો કરી આપ નગરચર્ચા જોવા જાણવા નીકળો છો.’ ‘હા,હા, એમ જ છે.’

જાફર અને ખલીફા વેપારીનો લિબાસ ધારણ કરીને મહેલમાંથી નીકળ્યા. ફરતા ફરતા તેઓ એક પુલ પર પહોંચ્યા. પુલ પર એક આંધળો ભિખારી તેમની સામે આવ્યો. એણે ભીખની આશાએ હાથ લાંબો કર્યો. ખલીફાએ એના હાથમાં એક સુવર્ણ મુદ્રા મૂકી. ભિખારીએ કહ્યું જેમ આપે મારા હાથમાં સોનામહોર મૂકી એ જ રીતે આપ મારા ગાલ પર એક તમાચો મારી દો. જો આપ એમ નહીં કરો તો હું આપની સોનામહોર પાછી આપી દઇશ.

પહેલાં તો ખલીફા અને જાફરને થયું કે આ ભિખારી કાં તો પાગલ હશે અથવા એ મજાક કરી રહ્યો હશે. પણ એણે તો જીદ કરી. બાદશાહે એને ખરેખર એક તમાચો ચોડી દીધો. રાજાને ભિખારીની આવી રીતભાતથી નવાઈ લાગી. એણે જાફરને એ આંધળા ભિખારીને આવતી કાલે દરબારમાં હાજર કરવા કહ્યું.

પછી તેઓ ત્યાંથી આગળ ચાલ્યા. થોડે દૂર ગયા ત્યારે એમણે જોયું તો એક સવાર ઘોડી ઉપર બેસીને, ઘોડીને તેજ ગતિથી દોડાવી રહ્યો હતો. ઘોડીના મોંમાંથી ફીણના ગોટા નીકળતા હતા.

ખલીફાએ એક માણસને પૂછ્યું - ‘આ જુવાન ઘોડીને નકામી આમ તેજ ગતિથી કેમ દેડાવી રહ્યો છે?’ પેલા માણસે કહ્યું - ‘કારણની તો મનેય ખબર નથી. પણ એ યુવાન દરરોજ આ જ રીતે ઘોડી દોડાવતો હોય છે.’

ખલીફાએ એને પણ દરબારમાં આવવા જણાવ્યું. પછી તેઓ ચાલ્યાં. ચાલતાં ચાલતાં એમણે આરસપહાણનો એક મહેલ જોયો. પૂછતાં જાણવા મળ્યું કે એ મહેલ હસન નામના એક વેપારીનો હતો. એક જમાનામાં એ ખૂબ દરિદ્ર હતો. એ દોરડાં ગૂંથીને એનું પેટિયું રળતો હતો. એકાએક આટલો ધનવાન શી રીતે થઇ ગયો એ જાણવા ખલીફાએ એને પણ દરબારમાં હાજર કરવા જાફરને બાદશાહે સૂચના આપી. પછી બંન્ને મહેલ તરફ પાછા ફર્યાં.

અનુક્રમણિકા

૫૬ : અંધ અબ્દુલ્લા

બીજે દિવસે ત્રણેયને ખલીફાના દરબારમાં હાજર કરવામાં આવ્યાં. ખલીફાએ આંધળા ભિખારીને પૂછ્યું - ‘તેં મારા હાથે એક તમાચો ખાધો હતો તેનું શું રહસ્ય છે?’ જણાવ.

ભિખારી બાબા અબ્દુલ્લાએ કહ્યું -

હું બગદાદનો વતની છું. મા બાપના અવસાન બાદ હું અપાર સંપત્તિનો સ્વામી બન્યો. પણ ખરાબ સોબત અને ખોટી ચાસચલગતને લીધે, જેમ ઘાસનાં તણખલાં પર પડેલો ઝાકળ થોડીવારમાં જ ઊડી જાય તેમ મારી અઢળક દોલત જોજોતામાં વેડફાઇ ગઇ. પછી બધી ખરાબ આદતો છોડી દઇ મેં ધન કમાવાનું શરૂ કર્યું. તનતોડ મહેનત કરીને મેં જે બચાવ્યુ.ં એમાંથી એક એક કરી એશીં ઊંટ ખરીદ્યાં. હું ઊંટો ભાડે આપતો. આમ મારું ગુજરાન ચાલ્યે જતું.

એકવાર બસરાના એક વેપારીને ત્યાં માલ ઉતારી હું ઘર તરફ પાછો ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં એક ફકીર મને ભેટી ગયો. મેં એને ખાવાનું ખવડાવ્યું.

ફકીરે મને કહ્યું - ‘મારા ધ્યાનમાં એક એવી જગા છે કે જ્યાં બેશુમાર ધન પડેલું છે.’

મેં એને પ્રાર્થના કરતાં કહ્યું - ‘આપ તો ફકીર છો. આપને ધન દોલત સાથે શી લેવા દેવા? જો તમારે દોલત જ જોઇતી હોય તો તમને સોનામહોરોથી લાદેલું એક ઊંટ આપવા તૈયાર છું.’ એણે ઊંટ લેવા ના પાડી. કહ્યું - ‘મારે તારાં અડધાં ઊંટ જોઇએ છીએ. ધન દોલતની તો ત્યાં કોઇ કમી નથી.’

મેં ફકીરની વાત માની લીધી. ધનનો મોહ કોને નથી હોતો? હું મારાં એંશી ઊંટ લઇ ફકીર સાથે નીકળી પડ્યો. અમે એક સાંકડે રસ્તે ચાલીને ગીચ જંગલમાં પહોંચ્યા. ફકીરે લાકડાં સળગાવ્યાં. એણે સળગતા અગ્નિમાં થોડાક સુગંધિત પદાર્થો નાખ્યા. પછી મંત્ર જેવું કશુંક ગણગણવા લાગ્યો. ચારે તરફ ધૂમાડો છવાઇ ગયો. ધૂમાડો ઓછો થતાં મેં જોયું તો સામે એક મહેલ ઊભો હતો. અમે બંન્ને એમાં પ્રવેશ્યા. મહેલમાં ધનના ઢગલા ખડકાયેલા જોયાં. એમાંથી અમે એંશી ઊંટ પર લદાય એટલું ધન લાદી દીધું.

બહાર આવી ફકીરે એની ઝોળીમાંથી કેટલીક વસ્તુઓ કાઢી. મંત્ર ભણી એ વસ્તુઓ એણે મહેલ તરફ નાખી. મહેલ અદૃશ્ય થઇ ગયો. ફકીરે કોઇક લેપ ભરેલી ડબ્બીઓ એના ઝભ્ભાના ગજવામાં મૂકી દીધી.

અમે એંશી ઊંટ લઇ પાછા ફર્યાં. મેં વચન પ્રમાણે ચાલીસ ઊંટ ફકીરને આપી દીધાં. ચાલીસ ઊંટ મારી પાસે રહ્યાં. પછી અમે પોતપોતાના રસ્તે વળી ગયા. મેં છૂટા પડતી વખતે ચાલાકી અજમાવી જોઇ કહ્યું - ‘આપ એકલા ચાલીસ ઊંટ શી રીતે સંભાળશો? એમને શી રીતે ખવડાવશો. પીવડાવશો? એમ કરો. તમે વીસ ઊંટ રાખી લો. ચાલીસ ઊંટની પળોજણમાં પડશો તો ઇશ્વરભક્તિ કરવામાં આપને ખલેલ પહોંચશે.’ ફકીરે અબ્દુલ્લાની વાત માની વીસ ઊંટ પાછાં આપી દીધાં.

મારી લાલચ વધતી ગઇ. લાલચ જેવી બીજી કોઇ બૂરી બલા નથી. ખુશામત ખુદાને પણ પ્યારી લાગે છે. મેં ફરી ફકીરની ખુશામત કરવી શરૂ કરી. ખુશામતથી ફૂલાઇને એણે મને એની પાસે બચેલાં વીસ ઊંટ પણ આપી દીધાં. ફકીરને ચાલ્યો જતો જોઇ મેં કહ્યું - ‘મહાત્મા! એક અરજ છે. તમારી પાસેની પેલી નાનકડી ડબ્બીમાં શું છે એ કહેતા જાઓ તો સારું.’

ફકીરે કહ્યું - ‘એ જાદુઇ ડબ્બી છે. એમાંનો લેપ ડાબી આંખમાં આંજવાથી દુનિયાભરમાં દટાયેલા ખજાના દેખાય છે. પણ એ લેપ જો ભૂલથી પણ જમણી આંખમાં અંજાઇ જાય તો હંમેશને માટે આંધળા થઇ જવાય.’

મેં વિચાર્યું કે આ ફકીર સાચું કહે છે કે ખોટું એનો જાતઅનુભવ કરી લેવો જઇએ. મેં એની પાસે ડબ્બી માગી. ફકીરે ડબ્બી મારી સામે ધરી. મેં આંગળીના ટેરવા પર લેપ લઇ લીધો. એની નજર સામે જ મેં મારી ડાબી આંખમાં લેપ આંજી દીધો. મને દુનિયાના ગુપ્ત ખજાના દેખાવા લાગ્યાં.

મને થયું કે આ ફકીર હજુ મારાથી સાચી વાત છુપાવે છે. જમણી આંખમાં લેપ આંજવાથી જરૂર એ ખજાના આપોઆપ મારે ઘેર પહોંચી જવા જોઇએ. મેં આંગળીના ટેરવે વધેલો લેપ જમણી આંખમાં આંજી દીધો. લેપ લગાવતાં જ હું આંધળો થઇ ગયો. હું રડવા લાગ્યો. અને ચીસો પાડવા લાગ્યો. હવે પસ્તાવો કરવાથી કશું વળે એમ ન હતું. મારી દૃષ્ટિ જતાં જ ફકીર ધન ભરેલાં મારાં બધાં જ ઊંટ લઇને ભાગી ગયો. હું એક વેપારીને વિનંતી કરી એના એક ઊંટ પર સવાર થઇ હું બગદાદ પાછો ફર્યો.

હું આંધળો થઇ ગયો. મારે માટે જીવન ગુજારવું હવે વસમું થઇ પડ્યું. પેટ ભરવા મારે ભીખ માગ્યા સિવાય બીજો કોઇ રસ્તો ન હતો. હું ભીખની સાથે સાથે હંમેશાં ભીખ આપનાર દાતા પાસે પ્રાયશ્ચિત રૂપે હું એક તમાચો ખાઉં છું.

એની આંખે ઝળઝળિયાં આવી ગયાં. એ ગળગળો થઇ ગયો. ખલીફાને એના પર દયા આવી. એણે એના વજીરને કહ્યું - ‘આ ભિખારીને રાજના ધનભંડારમાંથી રોજ પાંચ પાંચ દિરહમ આપવામાં આવે. જેથી એને ભીખ માગવી પડે નહીં. તેણે ભિખારીને કહ્યું તું એ વાત પણ લોકોને જણાવતો રહેજે કે અતિલોભ એ પાપનું મૂળ છે. હવે બાકીનું જીવન તું ઇશ્વરભક્તિમાં વીતાવજે, અને ગુનો કરવાતી દૂર રહેજે.’

પછી ખલીફાએ પેલા યુવાનની કારણવગર ઘોડીને ફટકારી દોડાવવાની આદત વિશે જાણવાની ઇચ્ચા વ્યક્ત કરી.

અનુક્રમણિકા

૫૭ : સીદી ઓમાન

ખલીફાએ પેલા યુવકને કહ્યું કે કદાચ એણે કોઇ ગુનો પણ કર્યો હશે તો પોતે એને ક્ષમા આપશે. એમણે કહ્યું - ‘તું તારી વાત તદ્દન સાચી અને પ્રામાણિક પણે કહે.’

યુવકે કહ્યું - ‘ગરીબ પરવર મારું નામ સીદી ઓમાન છે. માતા પિતાના મૃત્યુ પછી હું બેશુમાર સંપત્તિનો સ્વામી બની ગયો. યુવાન અને સુંદર પણ એટલો જ હતો. મેં એક અમીના નામની સ્વરૂપવાન યુવતી સાથે નિકાહ કરી લીધા.’

લગ્ન પછી બીજા દિવસે અમે બંન્ને સાથે જમવા બેઠાં. હું ચમચાથી ખાઇ રહ્યો હતો. મેં જોયું કે મારી પત્ની ચિમટી પડે ચોખાનો એક એક દાણો લઇ ખાતી હતી. એણે આઠદસ દાણા ખાધા અને એ ઊભી થઇ ગઇ. આવું ત્રણ ચાર દિવસ ચાલ્યું. મને હવે એની આ વર્તણૂંક અંગે ચિંતા અને શંકા થવા લાગી.

એક રાત્રે અમે ઊંઘી રહ્યાં હતાં. એકાએક મારી આંખ ઊઘડી ગઇ. મને લાગ્યું કે અમીના મને તાકીને જોઇ રહી હતી. મેં ગાઢ ઊંઘમાં હોઉં એવો ડોળ કર્યો. હું નસકોરાં પણ બોલાવવા લાગ્યો. મને ઘસઘસાટ ઊંઘતો જાણી એ ઊઠી અને ઘરમાંથી નીકળી બહાર ચાલી ગઇ. મને મારી શંકા સાચી પડતી લાગી. મેં એનો પીછો કર્યો. ભયાનક રાત્રે એ એકલી એક કબ્રસ્તાનમાં આવી અને બીજી ડાકણોના ટોળામાં ભળી ગઇ. બધી ડાકણો કબરમાંથી તાજી દફનાવેલી લાશો બહાર કાઢી ખાવા લાગી. આ દૃશ્ય જોઇ હું રાતની ઠંડીમાં પણ પરસેવે રેબઝેબ થઇ ગયો. દોડતો દોડતો હું પાછો ઘરે આવી ગયો અને અલ્લાહને યાદ કરી સૂઇ ગયો. ઘણીવાર પછી એ પાછી આવી અને કપડાં બદલી સૂઇ ગઇ.

આટલું ખતરનાક રહસ્ય હું વધારે દિવસ સહન ના કરી શક્યો. એક દિવસ અમે ખાવા બેઠાં ત્યારે મેં એને કહ્યું - ‘તને તો દફન કરેલી લાશોના માંસ સિવાય બીજું કશું ભાવતું નથી, નહીં ને?’

ગુસ્સાથી દાંત કચકચાવતાં એ બોલી - ‘તું મારું રહસ્ય જાણી ગયો છે, ખરુ ને? તો હવે એ પાપનું ફળ ભોગવ.’ કહેતાં તેણે મંત્ર ભણી મારા પર પાણી છાંટ્યું. હું કૂતરો બની ગયો. પછી એણે લાકડીથી ફટકારી મને ભગાડી મૂક્યો.

હું પહેલાં એક કસાઇની દુકાને ગયો. પછી હું એક ભોજનશાળા આગળ જઇ ઊભો. ભોજન શાળાના માલિકે મને ખાવા માટે ઘઊંના રોટલા આપ્યાં. પછી તો ત્યાં જવાનો મારો રોજનો ક્રમ થઇ પડ્યો. જો કોઇ ગ્રાહક માલિકને ખોટો સિક્કો આપતો તો હું એના પર પગ મૂકી જણાવી દેતો કે એ ખોટો સિક્કો છે.

મારી આ ચાલાકીની ચર્ચા ચારે બાજુ થવા લાગી. એકવાર એક સજ્જ મહિલા ભોજનશાળામાં આવી. એને ખબર પડી કે કૂતરો ચમત્કારી છે. એ મને એને ઘેર લઇ ગઇ। એણે એની દીકરીને મારી ખ્યાતિ વિશે જણાવ્યું. એ બહાર આવી. બહાર આવતાં જ એણે બૂરખાનો ચક પાડી દીધો. અને કહ્યું - ‘અરે, આ તો કૂતરો નહી માણસ છે.’ એણે હાથમાં પાણી લીધું. કઇંક મંત્ર બોલી. હાથમાંનું પાણી એણે કૂતરા પર છાંટ્યું હું ફરી મારા અસલ સ્વરૂપમાં આવી ગયો.

મેં એ યુવતીને મારી કરમ કહાની કહી સંભળાવી. એને મારા પર દયા આવી. એણે મને પાણી મંતરી આપ્યું. કહ્યું - ‘તું તારી પત્ની પર આ પાણી છાંટી જે જાનવરનું નામ લઇશ એ બની જશે તે.’

મેં મારી ડાકણ પત્નીને એ મંત્રેલું જળ છાંટીને ઘોડી બનાવી દીધી. બસ, ત્યારથી એ નીચ અને આદમખોર પત્નીને આ જ શિક્ષા કરતો રહ્યો છું.

ખલીફાએ કહ્યું - ‘ઠીક છે. તારે એને જેટલી શિક્ષા કરવી હોય એટલી કરજે.’

હવે ખલીફાએ ત્રીજા માણસ તરફ જોયું, ખ્વાજા હસન હવ્વાલે એની વાર્તા સંભળાવવી શરૂ કરી.

અનુક્રમણિકા

૫૮ : ખ્વાજા હસન

ખ્વાજા હસનને બે મિત્રો હતા. એકનું નામ સાદ હતું અને બીજાનું નામ હતું સાદી. સાદ હમેશાં કહ્યા કરતો કે માણસે સતત કર્મ કરતા રહેવું જોઇએ. આ જીવન કર્મપ્રધાન છે. જે સતત સખત મહેતન કરતો રહે છે. એને બધું જ પ્રાપ્ત થાય છે. જ્યારે સાદી માનતો કે નસીબ જ સર્વોપરિ છે, નસીબ વગર કશું પ્રાપ્ત થતું નથી.

એ બંન્ને પોતપોતાના મતમાં અડગ હતા. એક દિવસ ચર્ચા કરવા કરતા તેઓ ખ્વાજા હસન પાસે આવ્યાં. તે વખતે તે દોરડું ગૂંથી રહ્યો હતો. સાદે આવીને કહ્યું - ‘હું તમને સો મુદ્રાઓ આપું તો શું તમે ધનવાન થઇ જશો?’

‘એ રકમ ઘણી ઓછી જ છે. છતાં પ્રયત્ન કરીને હું અમીર થઇ શકું એમ છું.’

સાદે ખ્વાજા હસનને બે મુદ્રાઓ આપી. ખ્વાજા હસને વિચાર્યું કે - ‘હું વેપાર કરીશ. મેં દસ મુદ્રાઓ જુદી કાઢી લઇ બાકીની નેવું મુદ્રાઓ પાઘડીમાં બાંધી લીધી. હું બજારમાં જઇ માંસ ખરીદી લાવ્યો. એ લઇને હું સડક પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે એક સમજીએ ઝપટ મારી અને માંસને બદલે મારી પાઘડી લઇને ઊડી ગઇ.’

સાદે ફરી મને સો મુદ્રાઓ આપી. મેં એ મુદ્રાઓ કપડામાં બાંધી ઘાસના ભૂસામાં સંતાડી દીધી. સાંજે ઘેર આવી જોયું તો ભૂસાનો ઢગલો જ ગાયબ, મેં પત્નીને પૂછ્યું - ‘ભૂસું ક્યાં ગયું?’

‘એ તો મેં આપી દીધું.’

‘ભૂસામાંથી કંઇ મળ્યું હતું તને?’

‘હા. એક કાપડનો ટુકડો.’

‘એ ક્યાં ગયો?’ ‘એને મેં નકામો ગાભો સમજી આપી દીધો.’

હું નિરાશ થયો. પણ મેં વિચાર્યું કે આ બધા જ નસીબના ખેલ છે. છ મહિના પછી સાદ અને સાદી મારી પાસે આવ્યા. સાદે મને પૂછ્યું - ‘પેલી મુદ્રાઓનું શું કર્યું?’ મેં એને સાચે સાચી હકીકત જણાવી. એ સાંભળી સાદે કહ્યું - ‘કિસ્મત ખરાબ હોય ત્યારે સોનું પણ માટી થઇ જાય છે.’

સાદીએ કહ્યું - ‘હવે તમે કિસ્મતનો જાદુ જોજો. એ તમને શી રીતે અમીર બનાવે છે!’ સાદીએ એક સોનામહોર મારા હાથમાં મૂકી બોલ્યો - ‘જો તમારા ભાગ્યમાં અમીર બનવામું લખાયું હશે તો આ એક સોનામહોરથી જ બની જવાશે.’

એક માછીમારની જાળ તૂટી ગઇ હતી. એને કોઇએ એક મુદ્રા પણ આપી નહીં. એણે મારી પાસે મુદ્રા માગી. મેં એને એ એક મુદ્રા આપી દીધી. એણે મને વચન આપ્યું હતું કે એ પહેલી જાળ નાખશે ત્યારે એમાં જેટલાં માછલાં આવશે તે બધાં મને આપી દેશે.

માછીમાર નેકદિલ હતો. એની પહેલી જાળમાં એક જ માછલી આવી. એ મને માછલી આપી ગયો. મેં એને કાપી તો મારા આશ્ચર્ય વચ્ચે એના પેટમાંથી એક કાચનો કટકો નીકળ્યો. એ ટુકડો અતિ તેજસ્વી હતો. રાત્રે પણ એ ખૂબ ચમકતો હતો.

મારી બાજુના જ મકાનમાં એક ઝવેરી રહેતો હતો. એક દિવસ એની પત્ની મારે ઘેર આવી. એણે કાચનો ટુકડો જોયો અને બોસી - ‘અરે! આ તો હીરો છે હીરો.’ એણે ઘેર જઇ એના ઝવેરી પતિને વાત કરી. એના પતિએ એને એ હીરો ખરીદી લાવવા કહ્યું. એણે મારી પત્નીને વીસ મુદ્રાઓ આપવાની તૈયારી બતાવી. પણ મારી પત્ની એ પચાસ મુદ્રાઓની માંગણી કરી. ઝવેરીની પત્ની પચાસ મુદ્રાઓ આપી હીરો ખરીદવા રાજી થઇ ગઇ. મને થયું કે વીસની સીધી પચાસ! જરૂર આ કીમતી હીરો હોવો જોઇએ.

મેં મારી પત્નીને હીરો વેચવાની ના પાડી. ઝવેરીની પત્નીએ એક હજાર મુદ્રાઓ આપવાની તૈયારી બતાવી. મેં એક લાખની માંગણી કરી. આખરે સોદો નક્કી થઇ ગયો. મને એક લાખ મુદ્રાઓ મળી ગઇ. મેં ઇશ્વરનો આભાર માન્યો.

હું તરત બજારમાં ગયો. દાસ દાસીઓ, વસ્ત્રો, ઘરેણા વગેરે ખરીદી લાવ્યો. મેં એક સુંદર હવેલી બનાવડાવી. હું રાતો રાત અમીર થઇ ગયો. એકવાર સાદ અને સાદી બંન્ને મિત્રો મારે ઘે આવ્યા. મેં એમને મારી માલિકીની હવેલી વિશે જણાવ્યું. મેં એમને કહ્યું કે કિસ્મત પલટાતાં જ બધું પલટાઇ જાય છે.

એ જ વખતે મારો નોકર ઘાસનું ભૂસું ખરીદીને લઇ આવ્યો. એને મારી રૂપિયાની પોટલી પણ મળી ગઇ. આ એ જ પોટલી હતી જે મેં ભૂસામાં સંતાડી હતી. વાહ રે કિસ્મત!

સાદીએ કહ્યું - ‘હકીકતમાં નસીબના ખેલ નિરાલા હોય છે. જોયું ને? એકમાંથી એક લાખ મુદ્રાઓ.’ બધાએ એની વાત સ્વીકારી લીધી.

ખલીફાએ કહ્યું - ‘હસન તારો એ મૂલ્યવાન હીરો મારી પાસે છે.’ સવાર થઇ ગયું હતું. શહરયારને વાર્તાઓ સાંભળવામાં મઝા પડતી હતી. શહરજાદે કહ્યું - ‘આજે રાત્રે હું તમને અલીબાબા અને ચાલીસ ચોર ની વાર્તા સંભળાવીશ.’

‘જરૂર સંભળાવજો.’ દુનિયાજાદે કહ્યું.

અનુક્રમણિકા

૫૯ : અલીબાબા અને ચાલીસ ચોર

પારસ દેશમાં કાસીમ અને અલીબાબા નામના બે સગા ભાઇઓ રહેતા હતા. કાસીમનું લગ્ન એક ધનવાનની એકની એક દીકરી સાથે થયું હતું. એને દાયજામાં ખૂબ દોલત મળી. સસરાના મૃત્યુ પછી તો એ ખૂબ શ્રીમંત થઇ ગયો. એને સાસરીમાંથી દાટેલો ધનભંડાર પણ મળ્યો.

અલીબાબા તદ્દન ગરીબ અને કંગાળ હતો. એની સાસરી પણ સાવ ગરીબ હતી. એ ત્રણ ગધાડાં લઇ જંગલમાં જતો અને લાકડાં લઇ આવતો. લાકડાં વેચવાથી જે થોડાઘણા પૈસા મળે એમાંથી એનું ગુજરાન ચાલતું. ઘણીવાર તો લાંધણ તાણી સૂઇ રહેવું પડતું.

એક દિવસ એ જંગલમાં લાકડાં કાપી રહ્યો હતો. એણે ચાલીસ લૂંટારાઓને ઘોડાપર સવાર થઇ આવતા જોયા. એમણે મોંઢા પર બુકાનીઓ બાંધેલી હતી. દરેકના હાથમાં નાગી તલવાર હતી. લૂંટારા જોઇ અલીબાબ બીકનો માર્યો સંતાઇ ગયો. પેલા લૂંટારાઓનું દળ એક ગુફા પાસે જઇ પહોંચ્યું. લૂંટારાઓનો સરદાર ઘોડા પરથી નીચે ઉતર્યો. ગુફા પાસે જઇ એણે કહ્યું - ‘ખુલજા, સિમસિમ.’

બોલતાં જ ગુફાના મોં પરની એક મોટી શિલા આપમેળે દૂર થઇ. હવે શું થાય છે એ જોવા જાણવાની અલીબાબાની ઇંતેજારી વધી. એ ધ્યાન દઇને જોતો રહ્યો. સાંભળતો રહ્યો. ચાલીસ ડાકુઓ ગુફામાં પેઠા. થોડીવારમાં એ પાછા બહાર આવી ગયા. ડાકુ સરદારે કહ્યું -‘બંધ થઇ જા. સિમસિમ.’

પેલી પત્થરની શિલા સરકીને પાછી ગુફાના મોં પર ગોઠવાઇ ગઇ. આ રહસ્ય જાણવાનું મન થયું. લૂંટારાઓના ગયા પછી અલીબાબએ આમતેમ જોયું. એ સાવધાની, રાખી ગુફાની નજીક ગયો એણે જોરથી બૂમ પાડી - ‘ખુલજા, સિમસિમ.’

ગુફાનો દરવાજો ખુલી ગયો. અલીબાબા એનાં ગધેડાં લઇ અંદર ગયો. જોયું તો એ ચક્કર ખાઇ ગયો. ગુફા કલ્પી ન શકાય. એટલી સંપત્તિથી ભરેલી હતી. હીરા, ઝવેરાત અને સોનાનાં કીમતી ઘરેણાંથી એ છલકાતી હતી.

અલીબાબાએ એનાં ગધેડાં પર ભરાય એટલો માલ ભરી લીધો. પછી એ બહાર આળ્યો. બોલ્યો - ‘બંધ થઇ જા સિમસિમ.’ દરવાજો બંધ થઇ ગયો. એણે ધન છુપાવવા ગધેડાં ઉપર લાકડાં મૂકી ઢાંકી દીધું.

સાંજે ઘેર આવ્યો. લાકડાં એક બાજુ મૂકી અલીબાબએ ધનને ઘરમાં લઇ જઇ પત્નીની સામે મૂકી ધીધું. એની પત્નીની આંખો ચાર થઇ ગઇ. એ વિચારવા લાગી કે એનો પતિ આટલું બધું ધન ક્યાંથી લઇ આવ્યો. શું એણે ક્યાંક ધાડ તો નહીં પાડી હોય!

અલીબાબાએ પત્નીને બધી વાત માંડીને કરી. સોનાના અલંકારો અને સોનામહોરો ભોંયમાં ભંડારી દેવાનું એણે વિચાર્યું. પણ એમ કરતા પહેલાં હીરા, સોનામહોરો અને ઘરેણાં ગણી લેવાનું એને ઠીક લાગ્યું. અલીબાબએ એની પત્નીને સમજાવ્યું કે આટલી બધી દોલત ગણવાનું સહેલું નહીં હોય. એના કરતાં એનું વજન કરીને જ એને જમીનમાં દાટી દઇએ.

અલીબાબાની પત્ની કાસિમની પત્ની પાસે ત્રાજવાં લેવા ગઇ. એણે કાસીમની પત્ની પાસે ત્રાજવાં માગ્યાં. એ અલીબાબાની કંગાલિયત જાણતી હોઇ વીચારવા લાગી કે અલીબાબાને ત્રાજવે તોલવાની જરૂર પડી!

એના મનમાં શંકાનો કીડો સળવળ્યો. એ વિચારવા લાગી કે નક્કી કઇંક દાળમાં કાળું છે! પણ પૂછવું શી રીતે? છતાં જાણ્યા વગર એના જીવને કરાર વળે એમ ન હતુ.ં એણે વિચારી લીધું કે અલીબાબાના ઘરમાં જે કોઇ વસ્તુ તોલાય તેઓ થોડો ઘણો ભાગ ત્રાજવે ચોંટી રહે તો જ ખબર પડે કે કઇ વસ્તુ તોલાઇ છે. એણે ત્રાજવાંના એક પલડા ઉપર ખબર ના પડે એ રીતે મીણ લગાડી દીધું.

અલીબાબાની પત્ની ત્રાજવાં લઇ આવી. એમણે બધું ધન જોખી લીધું. પછી એ બધું જમીનમાં ભંડારી દીધું. એક સોનામહોર એક પલડા પર લગાવેલા મીણ સાથે ચોટી ગઇ હતી તેની ખબર ના તો અલીબાબાને પડી કે ના તો એની પત્નીને.

કામ પૂરું થતાં જ એ ત્રાજવાં કાસિમની પત્નીને પાછાં આપી આવી. કાસિમની પત્નીની ધારણા સાચી પડી. એણે ત્રાજવાના પલ્લા પર ચોંટેલી સોનામહોર જોઇ. એણે એ લઇ લીધી અને સીધી જ ઉતાવળી ઉતાવળી કાસિમ પાસે ગઇ. પૂછ્યું - ‘આ શું છે?’

કાસિમે જોતાં જ કહી દીધું - ‘આ તો સોનામહોર છે. તું ક્યાંથી લાવી?’ એની પત્નીએ છણકો કરી કહ્યું - ‘તમે તો કહેતા હતા કે તમારો ભાઇ ગરીબ છે એને તો મૂઠી ધાનનાય ફાંકા પડે છે. પણ આજે તો એના ઘરમાં સોનામહોરો ત્રાજવે તોલાઇ છે.’

રાત્રે કાસિમને ઊંઘ ના આવી. એ પથારીમાં પડખાં ઘસતો રહ્યો. સવાર થતાં જ એ અલીબાબ પાસે ગયો. ધમકી આપતાં એણે કહ્યું - ‘બોલ, ત્રાજવે તોલવી પડે એટલી બધી સોનામહોરો તું ક્યાંથી લાવ્યો? સાચે સાચું કહે. જો તું નહીં કહે તો મારે નગરના કોટવાલને તારી ફરિયાદ કરવી પડશે.’

અલીબાબને થયું કે હવે ખરી હકીકત જણાવી દેવામાં જ એની ભલાઇ છે. એણે કાસીમને બધું સાચે સાચું કહી દીધું. કાસીમનો જીવ ઊંચો નીચો થઇ ગયો. એને ધીરજ ના રહી. એ દસ ગધાડાં લઇ ગુફા તરફ ચાલી નીકળ્યો. ગુફા પાસે જઇ એણે કહ્યું - ‘ખુલ જા, સિમસિમ.’

ગુફાનું દ્વાર ખુલી ગયું. ગધાડાં સાથે એ અંદર ગયો. અંદર જઇ એણે કહ્યું - ‘બંધ થઇ જા. સિમસિમ.’ દરવાજો બંધ થઇ ગયો. એણે ગધેડાં પર ભરાય એટલું ધન ભરી લીધું. આટલી બધી ધન સંપત્તિ એક જગાએ જોઇ એને જાણે તમ્મર આવી ગયાં. આનંદના અતિરેકમાં એ ‘સિમસિમ’ શબ્દ ભૂલી ગયો. યાદ કરવા એણે ઘણી કોશિષ કરી પણ એને એ શબ્દ યાદ ના આવ્યો તે ના જ આવ્યો.

એ ગભરાયો. બીકને લીધે એને ગળે શોષ પડવા લાગ્યો. એ ખુદાને યાદ કરવા લાગ્યો. આખરે એ ‘ખુલ જા...ખુલ જા...’ કહી કહીને થાકી ગયો છેવટે હતાશ થઇ લમણે હાથ દઇ બેસી ગયો.

બરાબર આ જ વખતે ડાકુઓ ત્યાં આવ્યાં. સરદારે ‘ખુલ જા સિમસિમ’ કહ્યું ને દરવાજો ખુલ્યો દરવાજો ખુલતાં જ કાસિમે દોટ મૂકી. ડાકુઓએ તેને પકડી લીધો અને તલવારથી તેના ચાર ટુકડા કરી દીધા. એ ચારેય ટુકડાઓને ડાકુઓએ ગુફાના ચાર ખૂણામાં લટકાવી દીધા. એટલા માટે કે કોઇ આવી ભૂલ ના કરે.

મોડી રાત થવા છતાં જ્યારે કાસિમ ઘરે પાછો આવ્યો નહીં ત્યારે એની પત્નીને ચિંતા થવા લાગી. તેને અશુભ વિચારોએ ઘેરી લીધી. એની પીડા વધી જતાં એ હારી થાકીને અલીબાબા પાસે ગઇ. એણે અલીબાબા આગળ એની ચિંતા વ્યક્ત કરી. અલીબાબાએ ભાભીને દિલાસો આપતાં કહ્યું - ‘ભાઇજાન બહુ ચાલાક અને હોંશિયાર છે. મોંડુ વહેલું થયા કરે. આવી જશે હમણાં.’

પણ કાસિમ ક્યાંથી પાછો આવે! બીજા દિવસે પણ એ પાછો ના આવ્યો ત્યારે અલીબાબા એનાં ગધેડાં લઇ ગુફાએ જઇ પહોંચ્યાં. ‘ખુલ જા, સિમસિમ’ કહેતાં જ ગુફાનું દ્વાર ખુલી ગયું. એ અંદર ગયો. જઇને જોયું તો એના પગ જકડાઇ ગયા જાણે! એણે ભાઇની લાશના ચાર ટુકડા ચાર દિશામાં લટકતા જોયાં. વિચાર કરવાનો આ સમય ન હતો. ઝટપટ એ ચાર ટુકડા અને થોડુંક ધન ગધેડાં પર મૂકી, લાકડાંથી ઢાંકી એ બહાર નીકળી ગયો. અને ઘેર પાછો ફર્યો.

કાસિમની લાશ જોતાં જ એની પત્ની પોક મૂકી રડવા લાગી. અલીબાબએ એને સમજાવી કહ્યું - ‘રડવાનું બંધ કરો ભાભી. કોઇને પણ ખબર પડશે કે આ બધું ધન લૂંટનું છે તો આપણે જેલમાં જવું પડશે. પેલા ડાકુઓને આ વાતની જાણ થશે તો આપણી ખેર નથી.’ કાસિમની એક મરજિના નામની દાસી હતી. મરજિના ખૂબ હોંશિયાર અને વફાદાર હતી. એને કહેવામાં આવ્યું - ‘મરજિના! એક એવો દરજી શોધી લાવ કે લાશના ચાર ટુકડા બરાબર સાંધી આપી. વળી તું એવું અત્ર લાવી આપ કે જેથી આ લાશ દુર્ગંધ મારે નહીં.’

દાસી મરજિના એક અત્ર વેચાનારાનીદુકાને ગઇ. બોલી - ‘મારા માલિકની તબિયત સારી નથી. એમને માટે મારે તીવ્ર સુગંધી વાળું અત્તર જોઇએ છીએ.’ એણે અત્ર લીધું અને પછી એ એક વૃદ્ધ અને અનુભવી દરજી મુસ્તુફાની દુકાને ગઇ. એ જ્યારે દુકાને ગઇ ત્યારે મુસ્તુફા અંધારામાં કપડાં સીવી રહ્યો હતો. મરજિના એ શંકા કરી ત્યારે તેણે કહ્યું - ‘હું તને અંધારામાં કાપીને ફરી સીવી શકું એમ છું. અને એ હસવા લાગ્યો.’

મરજિનાએ એને બે સોનામહોરો આપી. પછી એની આંખો પર પટ્ટી બાંધી એને પોતાની સાથે લઇ ચાલી નીકળી. એ કાસિમને ઘેર આવી. મુસ્તુફાએ કાસિમની લાશ સાંધી દીધી. મરજિનાએ મુસ્તુફાને પાછો એને ઠેકાણે પહોંચાડી દીધો. સવારે મરજિનાએ વાત વહેતી કરી કે એનો માલિક બીમારીને કારણે મૃત્યુ પામ્યો છે. પછી એની લાશને ઠાઠમાઠ સાથે દફનાવી દીધી.

આ બાજુ પેલા ડાકુઓ ધન લૂટ્યા પછી એને સંતાડવા ગુફાએ આવ્યાં. ગુફામાં પેસી એમણે જોયું તો લાશના ટુકડા અદૃશ્ય થયેલા દેખાયા. એમને થયું કે હવે એમને માટે ભારે ખતરો ઊભો થયો હતો. તેઓ ગભરાઇ ગયા. સરદારે કહ્યું - ‘સાથીઓ! આ કોનું કારસ્તાન છે એની ભાળ આપણે નહીં મેળવીએ તો આપણું જીવતા રહેવું અશક્ય છે. લાગે છે કે કોઇક આપણો પીછો કરી રહ્યું છે.’

એક ડાકુ અસ્લમે કારસ્તાન કરનાનું પગેરું શોધી કાઢવા બીડું ઊઠાવ્યું. એ નગરમાં આવ્યો. એ આમ તેમ ફરતો રહ્યો. એને જાણવા મળ્યું કે લાશને સીવીને દફનાવવામાં આવી ચે. એનું ધ્યાન અંધારામાં દરજીકામ કરતા મુસ્તુફા તરફ ગયું. અસલમ એની દુકાને ગયો. જઇને એણે મુસ્તુફાનાં અને એની કારીગરીનાં ભરપેટ વખાણ કર્યાં. કહ્યું - ‘મુસ્તુફા ચાચા! તમારી કારીગરીની તો વાત જ શી કરવી. તમારો જેવો કસબી કારીગર આખા પંથકમાં શોધ્યોય ના જડે. વાહ! વાહ! કમાલની કારીગરી છે. તમે તો લાશનેય સીવી જાણો છો એની તો મને હમણાં જ ખબર પડી.’

મુસ્તુફા ફૂલાઇને ફાળકો થઇ ગયો. કહ્યું - ‘મારી કારીગરીની તોલે કોઇ ના આવે, ભાઇ! હજુ હમણાં થોડા દિવસ પહેલાં જ મેં એક ચાર ટુકડા થઇ ગયેલી લાશને આબેહૂબ સાંધી આપી હતી.’

અસલમના હાથમાં મૂળ આવી ગયું. મુસ્તુફાના હાથમાં એક સોના મહોર મૂકી પૂછ્યું - ‘એમ?! ક્યાં સીવી હતી ચાર ટુકડાવાળી લાશને?’ મુસ્તુફાએ કહેવા આનાકાની કરી. અસલમે એના હાથમાં બીજી બે સોનામહોરો પકડાવી દીધી. મુસ્તુફાએ કહ્યું - ‘હું લાશની સિલાઇ કરવા ગયો ત્યારે મારી આંખોએ પાટો બાંધવામાં આવ્યો હતો. એટલે એ જગાના નામની તો ખબર નથી મને, પણ જો આપ રાત્રે આવી મારી આંખે પાટો બાંધી દો તો હું લઇ જાઉં ખરો એ જગા પર.’

અસલમ ખુશ થઇ પાછો ફર્યો. રાત્રે એ મુસ્તુફા પાસે આવ્યો. એણે મુસ્તુફાની આંખે પાટો બાંધી દીધો. મુસ્તુફા એને અલીબાબાને ઘેર લઇ આવ્યો. અસલમે અલીબાબના ઘરના દરવાજા પર ક્રોસ (ટ) નું નિશાન કરી દીધું.

સવારે મરજિના બહાર નીકળી. ત્યારે એણે દરવાજા ઉપર ક્રોસની નિશાની જોઇ. એ જાણી ગઇ કે આ નિશાની ડાકુઓ વિના બીજું કોઇ કરી શકે નહીં. પરિસ્થિતિની ગંભીરતા અને આવનારા પરિણામથી એ ગભરાઇ ગઇ. જરાવારમાં એ સ્વસ્થ થઇ ગઇ. વિચાર કરીને એણે બધાં જ ઘરોના દરવાજા ઉપર એવાં જ નિશાન કરી દીધાં. ડાકુઓ વેશપલટો કરીને અલીબાબા અને એના પરિવારનું કાસળ કાઢવા આવ્યા ત્યારે એમણે બધાં જ ઘરોના દરવાજા ઉપર એક સરખી જ નિશાનીઓ જોઇ. તેઓ અવઢવમાં પડી ગયા. અલીબાબાનું ઘર શોધવું શી રીતે! તેઓ હતાશ થઇ ગયા, અને પાછા વળી ગયા. ગુસ્સામાં ડાકુ સરદારે અસલમનું માથું ઉતારી લીધું.

આ વખતે ડાકુ રસદારે ઇનામની રકમ વધારી દીધી. ‘જહર’ નામે એક ડાકુએ તક ઝડપી લીધી. એ મુસ્તુફા પાસે આવ્યો. એણે એને સોનામહોરો આપી. રાત્રે આંખ પર પટ્ટીબાંધી મુસ્તુફા જહૂરને અલીબાબાને ઘેર લઇ ગયો. જહૂરે અલીબાબાના ઘરના દરવાજે ગેરુ વડે નિશાની કરી. સવારે મરજિનાએ નિશાન જોઇ તમામ ઘરો પર ગેરુ વડે નિશાની કરી. જેથી અલીબાબાનું ઘર ઓળખાઇ ના જાય.

તે રાત્રે ડાકુઓ અલીબાબાના પરિવારને ખતમ કરવા આવ્યા. પણ બધાં ઘરો પર એક સરખી નિશાનીઓ જોઇ તેઓ અચંબામાં પડી ગયાં. સરદારે હતાશ થઇ પાછા ફરીને જહૂરનું ઢીમ ઢાળી દીધું. હવે આ કામ કરવા એણે પોતે તૈયારી કરી.

એણે આડત્રીસ તેલના કુપા તૈયાર કરાવ્યા. કુપા એટલા મોટા હતા કે તેમાં એક એક માણસ સહેલાઇથી બેસી શકે પછી એણે ઓગણીસ ખચ્ચર મંગાવ્યા. બે કુપાઓ સિવાય બાકીનામાં એણે એક એક ડાકુને બેસાડી દધો. એમને ભોજન અને ખંજર પણ સાથે રાખવા જણાવ્યું. એમણે નક્કી કર્યું કે તેઓ અલીબાબાની હવેલીમાં રોકાશે સરદારે એમને કહ્યું કે રાત્રે જ્યારે તે કાંકરીઓ મારે ત્યારે બધા ડાકુઓ કુપાઓમાંથી બહાર આવી જશે, અને અલીબાબાના પરિવારની કતલ કરી દેશે.

યોજના તૈયાર થઇ ગઇ. રાત થતાં તેઓ અલીબાબના ઘર પાસે પહોંચ્યા. અલીબાબા જમી પરવારી બહાર આંટા મારતો હતો. સરદારે એને પોતે તેલનો વેપારી હોવાનું જણાવ્યું. એણે કહ્યું - ‘રાત થઇ ગઇ છે. આરામ કરવાની કોઇ જગા મળી જાય તો સારું. મારી પાસે તેલના કુપા છે. એ લૂંટાઇ જવાનો ભય છે. આપ આજની રાત આશરો આપશો તો હું જિંદગીભર તમારો ઉપકાર નહીં ભૂલું.’

અલીબાબાએ એને વેપારી જાણી પોતાના ઘરમાં રાતવાસો કરવા હા ભણી. એણે ખચ્ચરો ઉપરથી તેલના કુપા ઉતરાવી અલીબાબાના ઘરમાં મૂક્યા. અલીબાબાએ વેપારીને મદિરા પણ પીવડાવી. ભોજન તૈયાર થવા લાગ્યું. કહે છે કે ભગવાન કરે તે ભલા માટે.

મરજિનાએ ભોજન માટે માછલી તળવાની તૈયારી કરી. પણ ઘરમાં તેલ ઓછું હતું. હવે શું કરવું? એણે વિચાર્યું - ‘આ વેપારીના તેલના કુપામાંથી થોડું તેલ લઇ લઉં. એનાથી દીવો પણ પ્રગટાવું. જેથી અંધારામાં માછલી બળી ના જાય!’ એક વાસણ લઇ એ તેલના કુપા પાસે ગઇ. એણે જેવું એક કુપાનું ઢાંકણું ઊઘાડ્યું કે અંદરથી અવાજ આવ્યો - ‘શું અમારે બહાર નીકળવાનો સમય થઇ ગયો છે?’ મરજિના સમય પારખી ગઇ. તેણે અવાજ બદલીને કહ્યું - ‘ના, ના, હજુ ઘણીવાર છે.’

એણે એક એક કરી બધા કુપા તપાસી લીધા. બે કુપામાં ખરેખર તેલ્‌ હતું. કુપામાંથી ઘણું બધું તેલ કાઢી એણે બરાબર ઉકાળ્યું. પછી બધા કુપાઓમાં ઊકળતું તેલ રેડી દીધું. ડાકુઓ કુપાઓમાં જ અલ્લાહને પ્યારા થઇ ગયા.

અડધી રાત થતાં સરદાર જાગ્યો. એણે કુપાઓ ઉપર કાંકરા માર્યાં. પણ કોઇ ડાકુ કુપામાંથી બહાન ના આવ્યો. સરદાર ગભરાઇ ગયો. એણે કુપાઓ પાસે જઇ જોયું તો ડાકુઓ મૃત્યુ પામ્યા હતા. એ એનો જીવ બચાવવા પાછલા દરવાજેથી નાસી છૂટ્યો.

એને નાસી ગયેસો જાણી રાત્રે મરજિનાએ આખી વાત અલીબાબાને જણાવી. એલીબાબાએ મરજિનાને શાબાશી આપી. મરજિનાએ હોંશિયારીપૂર્વક હવેલીની પાછળની ખુલ્લી જગામાં મોટો ખાડો ખોદાવી ડાકુઓની લાશો દફનાવી દેવડાવી.

ડાકુ સરદારને એના સાથીઓના મૃત્યુના દુઃખની સાથે અલીબાબા ઉપર ગુસ્સો આવ્યો. એણે અલીબાબા સાથે બદલો લેવાનું નક્કી કરી લીધું.

ડાકુ સરદારે વેપારીનો વેશ ધારણ કર્યો. તેણે અલીબાબાના દીકરા માદરઅલીની દુકાન સામે જ દુકાન શરૂ કરી. એ એક સારો વેપારી બની ગયો. થોડાક સમયમાં એ ખ્વાજા હસન તરીકે પંકાઇ ગયો. એની નમ્રતા, ઉદારતા અને સભ્યતાથી અંજાઇ ગયેલા માદરઅલીને શી ખબર પડે કે એ ખ્વાજા હસન બીજો કોઇ નહીં, પણ ડાકુઓનો સરદાર છે.

માદઅલીએ એક દિવસ તેને પિતાને કહ્યું - ‘બાબા! આપણે ખ્વાજા હસનને જમવાનું આમંત્રણ આપીએ તો?’ અલીબાબાએ દીકરાની વાત સ્વીકારી લીધી. ઘણી વિનંતી કરીને એક દિવસ માદરઅલી ખ્વાજા હસનને ઘેર લઇ આવ્યો. ખ્વાજા હસનને આ જ જોઇતું હતું. કોઇ પણ ઉપાયે એ અલીબાબાના ઘરમાં પ્રવેશવા ઇચ્છતો હતો.

ઘરમાં પ્રવેશતાં જ સરદારે એનાં કપડાં ઢીલાં કરી એક ધારદાર ખંજર એમાં સંતાડી દીધું. માદરઅલીએ જમવાનું આમંત્રણ પાઠવ્યું. હોવા છતાં સરદારે જમવાની ના પાડી દીધી. એણે બહાનું કાઢી કહ્યું કે એ કોઇ પારકાના ઘરનું નમક ખાતો ન હતો.

અલીબાબાએ આગ્રહ કરતાં કહ્યું - ‘હું આપને માટે નમક વિનાના પકવાન તૈયાર કરાવી દઉં. આપ ભૂખ્યા પેટે અમારે ત્યાંથી પાછા ફરશો તો ખુદા ના રાજ થઇ જશે.’ ખ્વાજા હસનની વાત સાંભળી મરજિના ચમકી. એણે વિચારી લીધું કે જે માણસ જેની સાથે દગો કે હરામખોરી કરવાનું વિચારતો હોય એના ઘરનું નથી નમક ખાતો કે નથી પાણી પીતો. એ મનોમન બબડી - ‘આ માણસ સાધુના વેશમાં શેતાન છે. એ જરૂર કોઇ દગો કરશે જ.’

એણે ધારી ધારીને ખ્વાજા હસનને જોયો. એની પારખું નજર ડાકુઓના સરદારને ઓળખી ગઇ. એણે એમ પણ ધારી લીધું કે એ જરૂર બદલો લેવા જ અહીં આવ્યો હશે. મરજિના ધીરજ રાખી ઉપાય વિચારવા લાગી.

એણે મીઠા વિનાનું ભોજન તૈયાર કર્યું. ખ્વાજા હસનને આગ્રહ કરી જમાડ્યો. મદિરા પણ ખૂબ પીવડાવી. મરજિનાએ નર્તકીનાં કપડાં પહેરી લીધાં. બે હાથમાં ખંજર લઇ એ ‘ખંજરનૃત્ય’ કરવા લાગી. નૃત્ય કરતાં કરતાં ક્યારેક અલીબાબા પાસે, ક્યારેક માદરઅલી પાસે તો ક્યારેક સરદાર પાસે જવા લાગી. ત્રણેય જણા મંત્રમુગ્ધ બની નૃત્ય માણી રહ્યા હતા.

અચાનક એણે એવો ઠુમકો માર્યો કે જાણે એ હમણાં જ ખ્વાજા હસનના ખોળામાં જઇ પડશે. પણ એણે તો સરદાર પાસે જઇને જોરથી ખંજર એની છાતીમાં ભોંકી દીધું. સરદારે રાડ પાડી. લોહીલુહાણ થઇ એ ઢળી પડ્યો અને તરફડિયાં ખાતો ખાતો મરી ગયો. અલીબાબા અને માદરઅલી સ્તબ્ધ થઇ ગયા. અલીબાબાએ મરજિનાનું ગળું પકડી કહ્યું - ‘હરામખોર! તેં આંગણે આવેલા અતિથિને મારીને મહાપાપ કર્યું છે.’

મરજિનાએ કહ્યું - ‘માલિક! આપ મારી વાત ધ્યાનથી સાંભળો. આ કોઇ અમીર વેપારી ન હતો. આ તો ડાકુઓનો સરદાર હતો. જુઓ કહેતાં મરજિનાએ એના ઝભ્ભામાં છુપાવેલુ ખંજર બહાર ખેંચી કાઢ્યું. અને કહ્યું - ‘એ આપને મારી નાખવા અહીં આવ્યો હતો.’ અલીબાબા ડાકુ સરદારને ઓળખી ગયો. એ મરજિનાની વફાદારી જોઇ ગળગળો થઇ ગયો. એણે એને કહ્યું - ‘બેટા! તારા આ ઉપકારોનો બદલો હું શી રીતે ચૂકવી શકું! તારે લીધે જ આજે મારો પરિવાર સુરક્ષિત અને જીવતો છે.’

અલીબાબાએ એના પુત્ર અને પત્નીને પાસે બોલાવ્યાં. કહ્યું - ‘મરજિનાને ગુલામીમાંથી મુક્ત તેને આપણા દીકરાની વહુ બનાવીએ તોય એના ઉપકારોનું ઋણ આપણે ચૂકવી શકીએ એમ નથી. જો માદરઅલીની હા હોય તો હું એના નિકાહ મરજિના સાથે કરાવવા ઇચ્છું છું.’

માદરઅલીએ પિતાની વાત સ્વીકારી લીધી. માદરઅલી અને મરજિનાના રંગેચંગે નિકાહ થયા.

અલીબાબાએ પેલા ખજાનાનું રહસ્ય એના દીકરાને જણાવ્યું. માદરઅલીએ પહેલાં પૂરી તપાસ કરી કે કોઇ બીજો ડાકુ જીવતો તો નથી રહી ગયો ને! બધા ડાકુઓ ખતમ થઇ ગયા છે એવી જ્યારે એને ખાતરી થઇ ત્યારે એ ગુફામાં જઇ બધો જ ધન ભંડાર હવેલીએ લઇ આવ્યો. અલીબાબા બેશુમાર દોલતનો માલિક બની ગયો.

સેંકડો રાતો વીતી ગઇ. બાદશાહ શહરયાર એની પત્ની શહરજાદની કત્લ કરી શક્યો નહીં. એ એની પ્રતિજ્ઞા ભૂલી ગયો. અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તા પૂરી થતાં જ દુનિયાજાદે કહ્યું - ‘દીદી! કોઇ વાર્તા સંભળાવો. તમે તો કમાલની વાર્તાઓ સંભળાવો છો.’

‘જરૂર સંભળાવીશ. પણ હવે રાત્રે.’

અનુક્રમણિકા

૬૦ : બગદાદનો અલીખ્વાજા

બગદાદમાં હારુન રશીદનું રાજ્ય હતું. એમાં અલીખ્વાજા નામનો એક નાનો વેપારી રહેતો હતો. એનાં મા બાપ મૃત્યુ પામ્યાં હતા.ં એ એકલો હતો. દુનિયાદારીની એને ઝાઝી ગતાગમ ન હતી.

એક દિવસ સ્વપ્નમાં એણે કોઇક વૃદ્ધને જોયો. એણે કહ્યું - ‘બેટા! તું હજ કરીને તારો ધર્મ કેમ નિભાવતો નથી? તું જલ્દી મક્કા ચાલ્યો જા.’

અલી ખ્વાજાએ એની પાસેનો બધો માલ વેચીને થોડું ધન એકઠું કર્યું. એમાંતી એક હજાર સોનામહોરો એક ડબ્બામાં ભરી તેના પર ઓલીવનું તેલ ભરી દીધું. જેથી કોઇને સોનામહોરોની ખબર ના પડે. પછી એ ડબ્બો સાચવવા એણે એના ભાડૂઆતને સોંપી દીધો. પછી ખ્વાજા અલી કેટલોક માલ ઊંટ પર લાદી વેપારીઓ સાથે મક્કા જવા નીકળી પડ્યો.

કેટલાક દિવસો પછી એ મક્કા પહોંચ્યો. એણે એની શ્રદ્ધા મુજબ પરિક્રમા કરી. ત્યાં એણે વેપાર શરૂ કર્યો. એના કેટલાક સાથીદારોએ એને જણાવ્યું કે એની પાસેના માલથી એને ઘણો ફાયદો થાય એમ હતું. એને ફાયદો થયો ય ખરો. વેપાર કરતાં કરતાં એ જોવા લાયક સ્થળોએ પણ જવા લાગ્યો. એણે ઇજિપ્તના પિરામિડો જોયા. રોડસ ટાપુ પરની મસ્જિદ પણ જોઇ. પછી હલબ, મૂસલ, શીરાઝ થઇને એ દમાસ્કસ પહોંચ્યો. દમાસ્કસ સુંદર અને જોવાલાયક નગર હતું. આ નગરની રમણીયતા જોઇને એ બગદાદને ભૂલી ગયો. તે ત્યાં સાત વરસ રહ્યો.

સાત વરસ વીતી ગયાં. ત્યારે ભાડૂ આતની પત્નીને પેલા અલી ખ્વાજાએ થાપણ તરીકે સોંપેલા ડબ્બાની ચિંતા થવા લાગી. એક દિવસ એને ઓલીવનું તેલ ખાવાનું મન થઇ આવ્યું. એણે એના પતિને અલી ખ્વાજાએ સોંપેલા ડબ્બામાંથી થોડું ઓલીવનું તેલ કાઢી આપવા કહ્યું. એના પતિએ એને કહ્યું - ‘ઠીક છે, હું તને એ ડબ્બામાંથી થોડું તેલ કાઢી આપું છું. તારી ઇચ્છા પૂરી થશે. અને એ પણ જાણવા મળશે કે એ બગડી તો નથી ગયું નથી ને!’ બીજી જ ક્ષણે એની પત્નીએ કહ્યું - ‘તમારા દોસ્તની ગેરહાજરીમાં, વિશ્વાસપૂર્વક એમણે સોંપેલ થાપણમાંથી તેલ કાઢી લેવુ એ ચોરી ગણાશે. અને ચોરી એ આપણા મજહબ વિરુદ્ધ છે. એમ કરવું એ પાપ અને વિશ્વાસઘાત ગણાશે.’

એકવાર એની પત્ની બહાર ગઇ હતી. ઘરમાં એ એકલો જ હતો. એક વાસણ લઇ એ તેલના પેલા ડબ્બા પાસે પહોંચ્યો.વાસણ ધરીને એણે તેલનો ડબ્બો નમાવ્યો. તેલની સાથે થોડીક સોનામહોરો વાસણમાં પડી. એ આશ્ચર્યચકિત થઇ ગયો. સોનામહોરો જોઇ એને લાલચ જાગી અને મન બગડ્યું. એણે ઓલીવના તેલનો ડબ્બો આખે આખો ખાલી કરી બધી સોનામહોરો કાઢી લીધી. ગણી તો પૂરી એક હજાર હતી. એણે ઝટપટ એ હજાર સોનામહોરો જમીનમાં દાટી દીધી અને બજાર માંથી બીજું તેલ લાવી ડબ્બો હતો તેવો ભરી દીધો. એક મહિના પછી અલીખ્વાજા પાછો આવી ગયો. સીધો એ એના ભાડુઆતને ઘેર પહોંચ્યો.

બંન્નેએ ઘણીવાર સુધી સફર વિશે વાતો કરી. પછી અલીખ્વાજાએ એના તેલના ડબ્બાની માંગણી કરી. એના ભાડુઆત મિત્રએ એની તરફ ચાવી નાખતાં કહ્યું - ‘લો આ ચાવી, તમારો તેલનો ડબ્બો તમે જ્યાં મૂકીને ગયા હતા ત્યાં જ પડ્યો છે. અમે એના તરફ નજરેય નાખી નથી જાઓ, જઇને લઇ આવો.’

અલીખ્વાજા તેલનો ડબ્બો એને ઘેર લઇ ગયો. પણ આ શું! ડબ્બામાં એક પણ સોનામહોર ન હતી. એ ભાડુઆત પાસે પાછો આવ્યો અને સોનામહોરો વિશે પૂછ્યું.

એના મિત્રએ ગુસ્સે થઇ કહ્યું - ‘કેવી સોનામહોરો? તમે મારા પર ચોરીનું આળ ચઢાવો છો? મેં તો તમારા તેલના ડબ્બાને ફરી સ્પર્શ શુદ્ધાં કર્યો નથી.’ અલી ખ્વાજાએ એને ઘણો સમજાવ્યો. પણ એણે સાચી વાત જણાવવાનો સાફ ઇન્કાર કરી દીધો. છેવટે લાચાર ખ્વાજા ન્યાયની આશાએ ખલીફાના દરબારમાં જઇ પહોંચ્યો. એણે ખલીફા આગળ બધી વિગત રજૂ કરી. ખલીફાએ વિચાર કરીને બીજે દિવસે આવવા જણાવ્યું.

તે રાત્રે ખલીફા વેશ બદલીને પ્રજાના હાલહવાલ જાણવા નીકળી પડ્યા. હજુ રાત હમણાં જ પડી હતી. ચંદ્રનો શીતળ પ્રકાશ ધરતીને અજવાળતો હતો. આ અજવાળામાં કેટલાંક બાળકોને ખલીફાએ રમત રમતાં જોયાં.

બાળકોની રમતમાં ખલીફાને રસ પડ્યો. તેઓ રમત જોવા થોડીવાર ઊભા રહ્યા. એક સુંદર અને ચાલાક બાળકે બીજાં બાળકોને કહ્યું - ‘આજે આપણે નવી જ રમત રમીએ.’ એ છોકરાઓમાંથી પછી તો એક છોકરો કાજી બન્યો. બીજો એક છોકરો અલીખ્વાજા બન્યો અને ત્રીજો એક છોકરો બન્યો ખ્વાજાનો ભાડુઆત મિત્ર.

અલીખ્વાજા બનેલા છોકરાએ કાજી સમક્ષ એના ભાડુઆત દોસ્ત બનેલા છોકરા ઉપર આરોપ મૂક્યો કે એણે એના તેલના ડબ્બામાં છુપાવેલી હજાર સોનામહોરો ચોરી લીધી છે. ભાડુઆત દોસ્ત બનેલો છોકરો અભિનય કરતાં કાજીને જણાવતો હતો કે, મને એ પણ ખબર નથી કે તેલનો ડબ્બો એણે ક્યાં મૂક્યો હતો. પછી સોનામહોરો ચોરવાની તો વાત જ ક્યાં આવી? એ મારા પર ખોટો આરોપ મૂકે છે.

ખલીપાને તો ભાવતું મળી ગયું. આવતી કાલે એને આવા જ કિસ્સાનો ન્યાય કરવાનો હતો. એ આતુરતાથી બાળકાજીના ફેંસલાની રાહ જોતો ઊભો રહ્યો.

કાજીએ ભાડુઆત મિત્રને પૂછ્યું - ‘તું સાચે સાચું કહે છે કે સોનામહોરો તારી પાસે નથી?’ ભાડુઆત મિત્ર સોગંદ ખાવા તૈયાર થયો ત્યારે બાળકાજીએ એને અટકાવ્યો કહ્યું - ‘પહેલાં મારે તેલનો ડબ્બો જોવો પડશે. એમાંથી થોડું તેલ મારી પાસે લાવો.’

તેલ લાવીને કાજી સમક્ષ હાજર કરવામાં આવ્યું. બાળકાજીએ તેલ ચાખ્યું. પછી કહ્યું - ‘ઓહ! આટલાં વરસો પછી પણ તેલનો સ્વાદ જરાય બગડ્યો નથી. તેલતો હજુય એવું ને એવું જ છે. બે તેલીઓને હાજર કરવામાં આવે.’ એમનામાંથી જ બે તેલી બનેલા બાળકોએ આવી કહ્યું - ‘અમે તેલી હાજર છીએ!’

કાજીએ પૂછ્યું - ‘સાત સાત વરસો વીતવા છતાં શું તેલનો સ્વાદ એવો ને એવો રહી શકે?’ એક બાળતેલીએ જવાબ આપ્યો - ‘નામદાર! ગમે તેટલી સાવચેતીથી રાખવા છતાંય બે ત્રણ વરસમાં તો તેલનો રંગ અને સ્વાદ બધું જ બદલાઇ જાય.’

એણે તેલ ચાખવાનો અને સૂંઘવાનો અભિનય કરતાં કહ્યું - ‘વાહ! વાહ! આ તો કોઇ ચમત્કારી ઓલીવનું તેલ છે. સાત વરસ પછી પણ આજે એ એવું ને એવું જ છે.’ કાજીએ ન્યાય આપતાં કહ્યું - ‘ખ્વાજા હસનનો આ ભાડુઆત મિત્ર જુઠ્ઠો અને દગાબાજ છે. એને મોતની સજા ફરમાવવામાં આવે છે.’

બીજે દિવસે ખલીફાએ દરબારમાં પેલાં જ બાળકોને બોલાવડાવ્યાં, અને તેલનો ડબ્બો મંગાવી એમની પાસે જ ન્યાય કરાવ્યો. કાજી બનેલા બાળકે રાતની જેમ ભાડુઆત મિત્રને ગુનેગાર સાબિત કર્યો. બધા મોંઢામાં આંગળાં નાખી ગયા. બધાંએ બાળકની બુદ્ધિનાં વખાણ કર્યાં. ખલીફાએ એ બાળકાજીને ઇનામરૂપે એક હજાર સોનાની મુદ્રાઓ ભેટ આપી.

શહરજાદે કહ્યું - ‘હવે હું ચાવીવાળા ઘોડાની નવી વાર્તા સંભળાવીશ.’

અનુક્રમણિકા

૬૧ : ચાવીવાળો ઘોડો

પારસ દેશના લોકો નવા સંવત્સરનો તહેવાર ધામધૂમથી કરતા અને દાન આપતા. ખાસ કરીને શિલ્પકારો અને વૈજ્ઞાનિકો રાજાને અનોખી ભેટ આપતા. ઘણા સમય પહેલાં પારસ દેશના બાદશાહને એક ભારતીય વૈજ્ઞાનિકે ચાવીવાળા ઘોડાની ભેટ આપી હતી. એણે કહ્યું હતું - ‘આ લાકડાના ઘોડાની ચાવી ફેરવતાં જ એ ઊડવા લાગે છે અને થોડી મિનિટોમાં જ આકાશમાં સો બસો ચક્કર લગાવી પાછો આવી જાય છે.’

બાદશાહે વૈજ્ઞાનિકને એ ચમત્કાર બતાવવા કહ્યું - ‘પારસની રાજધાની શીેરાજથી દોઢસો કોસ દૂર એક પર્વતનું શિખર આવેલું છે. એની ઉપર એક ખજૂરનું વૃક્ષ છે. એ વૃક્ષનું એક પાન તોડીને લાવો.’ વૈજ્ઞાનિક તરત ઘોડા પર સવાર થયો. ચાવી ફેરવી. એ ઘોડો પંખીની જેમ ઊડવા લાગ્યો. જોતજોતામાં એ પેલા ખજૂરના વૃક્ષનું પાન તોડી લાવી પાછો ફર્યો.

બાદશાહતો જોઇને આભો બની ગયો. આવો ચમત્કારી ઘોડો એણે જિંદગીમાં ક્યારેય જોયો ન હોતો. એણે વૈજ્ઞાનિકને કહ્યું - ‘આ ઘોડાની કિંમત કેટલી છે? મારે આ ઘોડો વેચાતો લેવો છે.’ ‘બોલ્યું ચાલ્યું માફ કરજો, જહાંપનાહ! આપ આની કિંમત નહીં ચૂકવી શકો.’

‘શું બકે છે તેનું તને ભાન છે, વૈજ્ઞાનિક? પારસનો બાદશાહ દુનિયાની તમામ દોલત જેટલું ધન ચૂકવી શકે એમ છે.’ ‘પણ મારે મન એ દોલત તુચ્છ છે.’ ‘તો તારે શું જોઇએ છીએ? જે જોઇએ એ માગી લે.’ વૈજ્ઞાનિકે કહ્યું - ‘હું ઘોડાના બદલામાં શાહજાદીનો હાથ માંગું છું.’

યુવરાજ ફિરોજશાહે ગુસ્સાથી કહ્યું - ‘મહારાજ! આ આપનો ગુનેગાર છે. એની શરત સ્વીકારવી યોગ્ય નથી. એક આલીમવાલી માણસ સાથે શાહજાદીની શાદી?! એમ થશે તો ચારેકોર આપણી બદનામી થશે અને આપણી આબરૂ ધૂળમાં મળી જશે.’ ‘મારે આ ચમત્કારી ઘોડો જોઇએ.’

યુવરાજે વૈજ્ઞાનિકને કહ્યું - ‘મારે ઘોડાની પરીક્ષા કરવી પડશે.’ વૈજ્ઞાનિકે એની વાત મંજૂર રાખી. એણે ઘોડો ફિરોજશાહને આપી દીધો. યુવરાજ કશું જ વિચાર્યા વગર એની ઉપર સવાર થઇ ગયો અને ચાવી ફેરવી. ઘોડો ઊડ્યો. ક્ષણવારમાં એ આકાશમાં અદૃશ્ય થઇ ગયો. વૈજ્ઞાનિકને હવે ચિંતા થવા લાગી. કહ્યું - ‘યુવરાજને ઘોડો નીચે ઉતારવાનું તો આવડતું નથી. ક્યાંય એ આફતમાં ના મૂકાઇ જાય.’

બાદશાહને ચિંતા થઇ. એઓ વૈજ્ઞાનિક પર ગુસ્સે થયા. કહ્યું - ‘તારે ઘોડો ઉતારવાની કળા યુવરાજને જણાવવી જોઇએ ને!’ ‘પણ એ જાણવા જેટલી ધીરજ ક્યાં હતી એમને?’ રાજાએ વૈજ્ઞાનિકને સજા ફરમાવી કારાગારમાં ધકેલી દીધો. લોકો દુઃખી દુઃખી થઇ ગયા.

યુવરાજ જેમ જેમ ચાવી ફેરવતો એમ એમ ઘોડો ઉપરને ઉપર જતો. એ ગભરાયો. એને લાગ્યું કે હવે એનો જીવ જોખમમાં છે. એ ઇશ્વરને યાદ કરવા લાગ્યો. ભયને લીધે એ એકાએક લાંબો થઇ ઘોડાને વળગી પડ્યો. અણજાણતાં એનો હાથ ઘોડાના કાન પર પડ્યો. એણે જોયું તો અહીં પણ એક ચાવી હતી. એણે તરત ચાવી ફેરવવા માંડી. ઘોડો નીચે ઉતરવા લાગ્યો. ત્યારે અડધી રાત થઇ હતી. ઘોડો આકસ્મિક રીતે જ એક મહેલની છત ઉપર ઉતર્યો હતો.

ફિરોજશાહ ઘોડા પરથી નીચે ઉતર્યો. આમ તેમ એ થોડું ફર્યો. ફરતાં ફરતાં એણે જોયું કે મહેલમાં મીણબત્તીઓ સળગી રહી હતી. એમના આછા ઉજાસમાં એક શાહજાદી શાહી પલંગ પર સૂઇ રહી હતી. એને જોતાં જ યુવરાજ મુગ્ધ થઇ ગયો. એ એને જોતો જ એની પાસે બેસી ગયો. આહ! શું આકર્ષક રૂપ હતું!

શાહજાદીની આંખ ખુલી તો એક અજાણ્યો માણસ એણે એની પાસે બેઠેલો જોયો. એણે ચીસ પાડી. યુવરાજે એને એમ કરતાં રોકી કહ્યું - ‘શાહજાદી! ગભરાશો નહીં. હું પારસ દેશનો યુવરાજ ફિરોજશાહ છું.’ પછી એણે બધી હકીકત કહી સંભળાવી. રાજકુમારીએ કહ્યું - ‘શાહજાદા ફિરોજશાહ! હું બંગદેશની રાજકુમારી છુ.ં આપ નિરાંતે અહીં રહો આ મારા મહેલને આપનો જ મહેલ સમજો. મને આપ આપની દાસી સમજજો.’

શાહજાદાએ કહ્યું - ‘મને આપની ઉપર પૂરો વિશ્વાસ છે.’ ‘યુવરાજ! આપ નાહીં, ધોઇને ભોજન કરી લ્યો. પછી આપ આરામ કરો. બહુ થાકી ગયા લાગો છો.’ રાજકુમારીએ પ્રેમથી કહ્યું. ભોજનાદિથી પરવારી યુવરાજ ફિરોઝશાહ આરામ કક્ષમાં ચાલ્યો ગયો.

શાહજાદીની તો ઊંઘ જ હરામ થઇ ગઇ હતી. એક દાસી એની વ્યથા સમજી ગઇ. બોલી - ‘ગુસ્તાખી માફ હો, પણ આપ આ યુવરાજને આપનો જીવનસાથી બનાવી લો તો કેવું!’ શાહજાદીના મનમાં આ જ વિચાર રમતો હતો. છતાં જાણે શરમાતી હોય એમ ઉપર ઉપરથી બોલી - ‘લુચ્ચી! જા, ચાલી જા, અહીંથી.’

સવારે નાહી ધોઇ કીમતી અત્તર છાંટી આકર્ષક વસ્ત્રો અને અલંકારો ધારણ કરી એ યુવરાજ પાસે ગઇ. એને જોઇને શાહજાદાએ કહ્યું - ‘હું આપને દિલોજાનથી ચાહું છું.’ વચમાં જ શાહજાદી બોલી - ‘જે આપ ચાહો છો એ જ હું પણ ચાહું છું. હું વચન આપું છું કે આપ સિવાય બીજા કોઇ સાથે હું નિકાહ નહીં કરું.’

યુવરાજે કહ્યું - ‘મારી પાસે ચાવીવાળો ચમત્કારી ઘોડો છે. એ ઘોડાપર બેસી આપણે મારે દેશ પહોંચી શકીએ એમ છીએ. પણ હું એકવાર ઘેર જવા ઇચ્છું છું. મારા પિતાજી અને મારા રાજ્યની પ્રજા મારી ખૂબ ચિંતા કરતાં હશે.’

શાહજાદીએ યુવરાજની વાત માની લીધી. એ બંન્ને ચાવીવાવા ઘોડા પર બેસી થોડીવારમાં જ પારસ દેશ પહોંચી ગયા. યુવરાજને હેમખેમ પાછો ફરેલો જોઇ બાદશાહ, બેગમ અને પ્રજા રાજી રાજી થઇ ગયાં.

પણ બાદશાહે વિના કારણ બંદીવાન બનાવેલા વૈજ્ઞાનિકનો ગુસ્સો હજુ શાંત થયો ન હતો. બાદશાહને પાઠ ભણાવવાની ફિરાકમાં હતો.

આખરે એક દિવસ એને એ મોકો મલી ગયો. બંગદેશની શાહજાદીને પટાવી, ફોસવાલી ચાવીવાળા ઘોડા પર બેસાડી એણે ઘોડો ઊડાડ્યો. ઘોડો ઉડતો ઉડતો કાશ્મીન જઇ પહોંચ્યો. શાહજાદો આ વાત જાણી દુઃખી દુઃખી થઇ ગયો. એણે અન્નજળનો ત્યાગ કરી દીધો. વૈજ્ઞાનિક શાહજાદીને પત્ની બનાવવા શામ દામ દંડ અજમાવી રહ્યો હતો. એણે શાહજાદીને અસહ્ય ત્રાસ આપ્યો છતાં તે એકની બે ના થઇ. એણે સ્પષ્ટ જણાવી દીધું કે - ‘એ જીવ આપી દેશે, પણ એની સાથે લગ્ન તો નહીં જ કરે, વૈજ્ઞાનિકે હવે બળ વાપરવાનું વિચાર્યું. શાહજાદીએ જોરથી ચીસ પાડી.

આ જ સમયે કાશ્મીર નરેશ શિકારે જઇ રહ્યો હતો. નિર્જન જંગલમાં સ્ત્રીની ચીસ સાંભળી રાજા એ દિશામાં ગયો. એણે શાહજાદીની વાત સાંભળી. રાજાએ વૈજ્ઞાનિકને મારી નાખી શાહજાદીને પોતાની સાથે લીધી. પણ પછી તો બાવા ઊઠાડી ધગડા બેસાડવા જેવો ઘાટ થયો.

કાશ્મીર નરેશે પણ શાહજાદી સાથે લગ્ન કરવાની ઇચ્છા જાહેર કરી. શાહજાદીએ તેમ કરવા અસંમતિ દર્શાવી. કાશ્મીરના રાજાએ લગ્ન કરવા જ્યારે ખૂબ દબાણ કર્યું ત્યારે એ બેભાન થઇ ગઇ. ભાનમાં આવતાં જ શાહજાદીએ લગ્નની પીડા ટાળવા ગાંડી થઇ હોવાનો ઢોંગ કર્યો. એ ક્યારેક હસતી તો ક્યારેક રડતી. ક્યારે એ માનવામાં ના આવે એવી હરકતો કરવા લાગી. કાશ્મીર નરેશે એને સાજી કરવા ખૂબ ઉપાયો કરાવ્યા. પણ એ સાજી ના જ થઇ શકી. રાજા હેરાન પરેશાન થઇ ગયો.

આ બાજુ યુવરાજ ફિરોજશાહ શાહજાદીને શોધતો શોધતો કાશ્મીર આવી પહોંચ્યો. એણે સાધુનો વેશ ધારણ કર્યો હતો. કાશ્મીરમાં એને જાણવા મળ્યું કે ત્યાં એક શાહજાદી પાગલ થઇ ગઇ છે.

એ કાશ્મીર નરેશ પાસે પહોંચ્યો. એણે રાજાને વિનંતી કરી કે શાહજાદીને સાજી કરવા પોતાને તક આપવામાં આવે. બાદશાહને નવાઇ તો લાગી, પણ ગમે તે ભોગે એ શાહજાદીને સાજી કરવા ઇચ્છતો હતો. કાશ્મીર નરેશે એને શાહજાદી પાસે મોકલી આપ્યો. એણે શાહજાદી પાસે જતાં જ કક્ષમાંથી બધાંને બહાર મોકલી દીધાં. એકાંત મળતાં યુવરાજે પોતાની ખરી ઓળખાણ આપી. શાહજાદી યુવરાજને ઓળખી ગઇ. એને ભેટી પડી. એ રડવા લાગી. યુવરાજે એને અહીંથી ભાગી છૂટવાનો ઉપાય કરવાનો દિલાસો દીધો. એણે શાહજાદીને ગાંડપણ ઓછું કરવાની સૂચના આપી.

કાશ્મીર નરેશે જોયું તો એ નવાઇ પામી ગયો. એક મામૂલી હકીમની દવાએ કમાલનો જાદુ કર્યો હતો. શાહજાદી સાજી થતી જતી હતી. હકીમ બની બેઠેલા યુવરાજ ફિરોજશાહ ઉપર કાશ્મીર નરેશને પાકો વિશ્વાસ બેસી ગયો.

એણે યુવરાજને કહ્યું - ‘શાહજાદીની માનસિક સ્થિતિમાં સુધારો અવશ્ય આવ્યો છે. પણ એ પૂરેપૂરી સ્વસ્થ થઇ લાગતી નથી. મારે એને સંપૂર્ણ સ્વસ્થ થયેલી જોવી છે.’ યુવરાજે, જાણે એ કોઇ મંત્ર ભણતો હોય એવો દેખાવ કરીને કાશ્મીરના રાજાને કહ્યું - ‘મહારાજ! પહેલાં મને એ જણાવો કે શાહજાદીને આપ અહીં શી રીતે લઇ આવ્યા?’

રાજાએ યુવરાજને બધી વાત કહી સંભળાવી.

હકીમ યુવરાજે તરત જ કહ્યું - ‘હાં, હાં, સમજી ગયો. સમજી ગયો. જુઓ એ યાંત્રિક ચાવીવાળો ઘોડો મંત્ર તંત્રથી સિદ્ધ કરેલો છે. એને ખુલ્લા મેદનમાં ચોખ્ખાં હવા પ્રકાશમાં રાખવો પડશે. કાલે આપ ઘોડાને અને શાહજાદીને ખુલ્લા મેદાનમાં લાવી ઊભાં કરી દેજો. મારે મંત્રો દ્વારા એમને શુદ્ધ કરવાં પડશે. એમ થશે તો જ એમના પર થયેલી કાળાજાદુની અસર દૂર થશે. હા, શાહજાદીને એની હેસિયત પ્રમાણે સારાં વસ્ત્રો અને આભૂષણો પહેરાવજો. મેદાનમાં ઘણી બધી સળગતી સગળીઓ પણ મૂકાવજો.’

કાશ્મીર નરેશે ખુશ થઇ કહ્યું - ‘ઓહો, આટલું જ કરવાનું છે ને? આપના કહ્યા પ્રમાણે બધી વ્યવસ્થા થઇ જશે.’

બીજે દિવસે ઘોડાને અને શાહજાદીને મેદાનમાં લાવવામાં આવ્યાં. એમની ચારે તરફ સગડીઓ મૂકવામાં આવી. યુવરાજે શાહજાદીને ઘોડા પર બેસાડી દીધી. પછી સગડીઓમાં અગ્નિ પ્રજ્જવલિત કર્યો. એણે એ અગ્નિમાં ધૂપનો પાવડર નાખ્યો. ધૂમાડાના ગોટેગોટા ઊઠ્યા આખા મેદાનમાં ધૂમાડો ધૂમાડો થઇ રહ્યો. કશું જ જોઇ શકાતું ન હતું.

યુવરાજ તરત જ પેલા ઘોડા પર બેસી ગયો. શાહજાદીતો પહેલેથી જ બેઠેલી હતી. બેસીને તરત જ એણે ચાવી ફેરવી. ઘોડો ઊડ્યો. ચક્કર લાગવતો કાશ્મીર નરેશ ઊભો હતો એના માથા પર આવ્યો. યુવરાજે એને સંભળાય એમ મોટા અવાજે કહ્યું - ‘બે વાસનાભૂખ્યા નરેશ! હું પારસ દેશનો યુવરાજ ફિરોજશાહ છું. શાહજાદી મારી મંગેતર છે. હું એને લઇ જાઉં છું.’

થોડીક ક્ષણોમાં યુવરાજ શાહજાદી સાથે સ્વદેશ આવી પહોંચ્યા. યુવરાજના શાહજાદી સાથે નિકાહ થયા. બંગદેશમાં આ સમાચાર મોકલવામાં આવ્યાં. તેઓ આનંદથી રહેવા લાગ્યાં.

શહરજાદે આ વાર્તા અહીં પૂરી કરી અને રાત બાકી હોવાથી નવી વાર્તા શરૂ કરી.

અનુક્રમણિકા

૬૨ : અહમદ અને પરીબાનો

જૂના સમયમાં હિન્દુસ્તાનમાં એક શૂરવીર અને પ્રતાપી બાદશાહ થઇ ગયો.એને ત્રણ દીકરા હતા. હુસેન, અલી અને સૌથી નાનો અહમદ, બાદશાહને એક અનાથ ભત્રીજી પણ હતી. તેનું નામ નૂરન્નિહાર હતું નૂરન્નિહાર ખૂબ જ સુંદર અને બુદ્ધિશાળી હતી. એ પણ શાહજાદાઓ સાથે રહીને મોટી થઇ હતી. બાદશાહ એનું લગ્ન પોતાના કોઇ એક શાહજાદા સાથે કરાવવા ઇચ્છતો હતો. પણ એણે જાણ્યું કે એના ત્રણેય શાહજાદા પિતરાઇ બહેન ઉપર ફિદા હતા ત્યારે તેની સામે મોટી સમસ્યા ઊભી થઇ. કોઇ એક સાહજાદા સાથે નૂરન્નિહારના નિકાહ કરાવવામાં આવે તો બાકીના બે નારાજ થાય એમ હતું. જો નૂરન્નિહારને બીજા પરિવારમાં પરણાવવામાં આવે તો ત્રણેય શાહજાદાઓને ઠેસ પહોંચે એમ હતું.

કરવું શું? છેવટે બાદશાહને એક ઉપાય સૂઝયો. ત્રણેય શાહજાદાઓને બોલાવી બાદશાહે કહ્યું - ‘જે પરદેશ જઇ આવી મૂલ્યવાન ભેટ આપશે તેની સાથે હું નૂરન્નિહારના નિકાહ કરાવીશ.’

ત્રણેય શાહજાઓ જોઇએ તેટલું ધન લઇ પરદેશ જવા ચાલી નીકળ્યા. કેટલાક દિવસો સુધી તો તેઓ એક સાથે ચાલ્યા, પછી એમણે એમ નક્કી કર્યું કે તેઓ એક વરસ સુધી પ્રવાસ ખેડી અમુક ધર્મશાળામાં ભેગા થઇ એક સાથે જ ઘેર પાછા ફરશે. હુસેન દરિયાઇ માર્ગે વિષ્ણુગઢ ગયો. ત્યાં એક ધાબળા વેચનારો જોરજોરથી ધાબળા વેચવા બૂમો પાડતો હતો. એ કહેતો હતો કે જે આ ધાબળો નહીં ખરીદે એ જીવનભર પસ્તાશે. ધાબળાની કિંમત ચાલીસ હજાર હતી.

હુસેન એ વેપારી પાસે ગયો. પૂછ્યું - ‘આ ધાબળામાં એવી તે કઇ વિશેષતા છે કે એની આટલી ઊંચી કિંમત રાખી છે?’ વેપારીએ કહ્યું - ‘આ ધાબળો તમે જ્યાં ઇચ્છશો ત્યાં થોજીવારમાં જ તમને પહોંચાડી દેશે.’

હુસેને એનું પારખું કર્યું. એ જે ધર્મશાળામાં ઉતર્યો હતો ત્યાં જઇને પાછો આવી ગયો. એણે વેપારીને ચાલીસ હજાર મુદ્રાઓ ગણી આપી ધાબલો ખરીદી લીધો. ધાબળો લઇ એ કેટલાક દિવસો ફરતો રહ્યો. પછી એ જ્યાંથી છૂટો પડ્યો હતો તે ધર્મશાળામાં આવી ગયો. એ દરમિયાન એણે ભારતનાં એનેક જોવાલાયક સ્થળો જોયાં.

વચલો શાહજાદો અલી પારસ દેશની રાજધાની શીરાજ ગયો હતો. શીરાજ સમૃદ્ધ અને મોટું શહેર હતું. ત્યાંની દુકાનોમાં અસંખ્ય કીંમતી વસ્તુઓ ભરેલી હતી. ત્યાં બજારમાં એક માણસ હાથી દાંતનું દૂરબીન વેચી રહ્યો હતો. એની કિંમત ત્રણ હજાર મુદ્રાઓ હતી. દૂરબીનની આટલી ઊંચી કિંમતનું રહસ્ય જ્યારે એણે પૂછ્યું ત્યારે દૂરબીન વેચનારે કહ્યું - ‘આમાં એવો કાચ રાખવામાં આવ્યો છે કે બહુ જ દૂરની વસ્તુ તદ્દન નદજીકમાં જોઇ શકાય છે.’

એણે પરીક્ષા કરતાં પોતાના દેશને અને બાદશાહને સાવ જ નજીકમાં જોયાં. એ પણ દૂરબીન ખરીદીને પેલી ધર્મશાળામાં આવી ગયો, જ્યાંથી એ અલગ થઇ ચાલી નીકળ્યો હતો. સૌથી નાનો અહમદ સમરકંદ પહોંચ્યો હતો. એ ત્યાંના બજારમાં ફરતો હતો ત્યારે તેણે એક સફરજન વેચનારને જોયો. સફરજનની કિંમત ચાલીસ હજાર મુદ્રાઓ હતી.

એને થયું - ‘અધધધ....આટલું મોંઘું સફરજન! એવું તો શું હશે એમાં!’ એણે સફરજન વેચનારને એનું રહસ્ય પૂછ્યું - એણે કહ્યું - ‘આ સફરજન ચમત્કારિક છે. કોઇ મરણ પથારીએ પડેલા રોગીને આ સફરજન જો સૂંઘાડવામાં આવે તો ઘડીના છઠ્ઠા ભાગમાં તંદુરસ્ત થઇ એ બેઠો થઇ જાય. આને બનાવનાર હકીમે ઘણી જેહમત પછી બનાવ્યું છે આ. પણ એ હકીમ તો આને સૂંઘ્યા વગર જ મૃત્યુ પામ્યો. એનો પરિવાર આજે ગરીબી સામે ઝઝૂમી રહ્યો છે, એટલે જ આ સફરજન વેચવા કાઢ્યું છે.’

અહમદે એ સફરજન એક ગંભીર બીમારી વાળા દર્દીને સૂંઘાડી જોયું. એ દર્દી તરત જ સ્વસ્થ થઇ ગયો. એણે સફરજન ખરીદી લીધું. એ પણ પછી પેલી ધર્મશાળામાં આવી ગયો. ત્રણેય ભાઇઓ ફરી એકઠા થઇ ગયા. દરેકે એકબીજાને પોતે ખરીદેલી ચીજોની વિશેષતાઓ જણાવી.

હવે ખરી પરીક્ષા શરૂ થઇ. દૂરબીન વડે જોતાં દેખાયું કે નૂરન્નિહાર બીમાર છે. એ ત્રણેય પેલા ધાબળા પર બેસી પોતાને દેશ પહોંચ્યા. અલીએ સફરજન સૂંઘાડીને નૂરુને સાજી કરી દીધી.

બાદશાહ આ બધી લીલા જોઇ વિસ્મય પામ્યો. તેણે કહ્યું - ‘હકીકતમાં તમે લાવેલી ત્રણેય ચીજો અદ્‌ભૂત છે. દરેકમાં કમાલની જાદુગરી છે. હવે ફેંસલો કરવો અશક્ય છે. હવે તમે શહેરની બહાર જઇ એક એક તીર છોડો. જેનું તીર સૌથી આગળ જશે એની સાથે નૂરુના નિકાહ કરાવવામાં આવશે.’

ત્રણેય શહેરની બહાર ગયા. હુસેનના તીર કરતાં અલીનું તીર વધારે આગળ નીકળી ગયું હતું. અહમદે છોડેલા તીરનો તો ક્યાંય પત્તો જ લાગ્યો નહીં. બાદશાહે વચન પ્રમાણે અલી અને નૂરન્નિહારના નિકાહ કરાવી દીધા. આથી બંન્ને બાઇઓ ખિન્ન થઇ મહેલ છોડી ચાલ્યા ગયા. અહમદ એના તીરને શોધવા લાગ્યો. એને સમજાતું ન હતું કે એનું તીર આખરે ગયું ક્યાં?

એક દિવસ તીરને શોધતો શોધતો એ એક ઊંચા ખડક પર જઇ પહોંચ્યો. એને ત્યાંથી એનું તીર મળ્યું. એને નવાઇ લાગી, કે તીર અહીં સુધી આવ્યું શી રીતે! એણે ચારે તરફ નજર ફેરવી.એને એક દરવાજો દેખાયો. પગથિયાંમાં અંધારું હતું. એ દરવાજાની આંદર જઇ નીચે ઉતર્યો કે એણે તેજસ્વી પ્રકાશ જોયો. એ થોડો વધુ આગળ વધ્યો તો તેના આશ્ચર્ય વચ્ચે તેણે અનુપમ સૌંદર્ય ધરાવતી એક સુંદરીને જોઇ. એને જોઇ સુંદરીએ કહ્યું - ‘આઓ, શાહજાદા અહમદ. આપની આ દાસીની સલામ સ્વીકારો. રસ્તામાં કોઇ તકલીફ તો નથી પડીને?’

અજાણી યુવતીના મુખે એનું નામ સાંભળી એને અચરજ થયું. બોલ્યો - ‘આ ભયંકર જગામાં આવીને હું તો ડરી ગયો હતો. પણ તમને મળતાં હવે મારું કાળજે શાતા વળી છે. આપનો પરિચય?’ યુવતીએ નેત્રબાણ ચલાવી કહ્યું - ‘મારા પ્યારા શાહજાદ! મારા આરામગૃહમાં આવો. ત્યાં આપને કશી જ તકલીફ નહીં પડે.’

તેઓ બંન્ને એક સુંદર ખંડમાં આવ્યાં. યુવતી તેનો પરિચય આપતાં બોલી - ‘હું એક જિનની દીકરી છું. મારું નામ પરીબાનો છે. મેં જ આપને સફરજન વેચાતું આપ્યું હતું. વળી આપના તીરને મેં જ અહીં સુધી પહોંચાડ્યું હતું. આમ કરવા પાછળ મારી એક જ અભિલાષા હતી અને તે આપનાં દર્શન કરવાની.’

આ યુવતી સૌંદર્યનો બેજોડ ભંડાર હતી. અહમદ એને જોતાં જ પ્રભાવિત થઇ ગયો. શાહજાદા પરી બાનોના હાથમાંથી જામ લઇ શરાબ પીવા લાગ્યો. ઉત્તેજિત થઇ ગયેલી પરીબાનો એનો હાથ પકડી નૃત્યશાળામાં એને લઇ ગઇ. નૃત્યશાળામાં નર્તકીઓ નૃત્ય કરતી હતી. એ ઓમનાં લટકાંથી અહમદને ખુશ કરવા પ્રયત્ન કરતી હતી. આ તમાશો મોડા સુધી ચાલતો રહ્યો.

પછી તેઓ બંન્ને શયનકક્ષમાં આવ્યાં. બંન્ને એકબીજા પર પૂરેપરાં મુગ્ધ થઇ ગયાં હતાં. બંન્ને એકબીજાને ચુસ્ત આલિંગનમાં લઇ ચુંબનોથી ઝડીઓ વરસાવવા લાગ્યાં. સમય કદી કોઇની રાહ જોતો નથી. ત્રણ મહિનાનાં વહાણાં વાઇ ચૂક્યાં હતાં. બંન્ને એકબીજા વગર રહી શકતાં ન હતાં.

પ્રેમનો નશો થોડો ઉતર્યા પછી અહમદને તેના પિતા અને પરિવાર યાદ આવ્યાં. તેણે પરીબાનોને કહ્યું - ‘પ્રેમના નશામાં હું મારા પરિવાર પ્રત્યેના કર્તવ્યને ભૂલી ગયો હતો. મારે મારા ઘેર જઇ બધાંને મળવું જોઇએ.’ પરી બાનોએ એને પિતાને મળવા જવાની મંજૂરી આપી.

નૂરુને મેળવીને અલી ખૂબ ખુશ હતો. એ એના બંન્ને ભાઇઓને મળવા તડપી રહ્યો હતો. સાથે સાથે એ પિતાની વ્યથાથી પણ દુઃખી હતો. બાદશાહે એક જાદુગરણીને બોલાવી. એને અહમદ વિશે પૂછ્યું. જાદુગરણીએ કહ્યું - ‘હું એટલું ચોક્કસ કહી શકું કે એહમદ જીવે છે, પણ એ ક્યાં છે એની મને ખબર પડતી નથી.’

એ એનું ઇનામ લઇ ચાલી ગઇ. પરી બાનોએ અહમદને સોગંદ આપી કહ્યું હતું કે તે પોતાના વિશે કે આ જગા વિશે કોઇને કશું નહીં જણાવે. ફક્ત એ એટલું જ કહે કે પોતે ખૂબ સુખી છે. અને ખૂબ જલ્દી પાછું જવાનું છે. પરી બાનોએ એને તેજ ગતિથી દોડી શકે એવો ઘોડો અને કેટલાક સૈનિકો આપ્યા.

અહમદ એના દેશમાં પાછો આવ્યો. દીકરાને જોઇ બાદશાહ ગદ્‌ગદ્‌ થઇ ગયો. અહમદનો આંખે ઝળઝળિયાં આવી ગયાં. પ્રજાએ પણ અહમદના પાછા ફરવાની ખુશીમાં ઉત્સવ ઉજવ્યો. બાદશાહે પૂછ્યું - ‘બેટા! તું ક્યાં હતો? કેમ હતો?’

એણે જવાબ આપ્યો - ‘નૂરુ સાથે નિકાહ નહીં થઇ શકાવાથી હું ખૂબ દુઃખી થઇ ગયો. અને મેં છોડેલા તીરને શોધતો શોધતો એક ટીલા પાસે ચાલ્યો ગયો. હવે હું ત્યાં સુખેથી રહું છું.’

બાદશાહે પૂછ્યું - ‘તું ગમે ત્યાં રહે, પણ સુખેથી રહે એવી જ મારી ઇચ્છા હોય ને? મારે તને વિશેષ કશું પૂછવું કે કહેવુ નથી. હા, હું તને જોઇ લઉં છું ત્યારે મારા મનને નિરાંત થાય છે.’

‘જો એમ જ હોય તો હું દર મહિને આપને મળવા આવતો રહીશે.’ એણે પરીબાનોને પિતાની ઇચ્છા જણાવી તો એણે પણ એ વાત માની લીધી. તેઓ પાછાં એમની જગાએ આવ્યાં.

પિતાને આપેલ આશ્વાસન પ્રમાણે પછીના મહિને અહમદ પિતાને મળવા જવાનું ભૂલી ગયો ત્યારે પરીબાનોએ એને એ વાતની યાદ દેવડાવી. પરીબાનોના આ વ્યવહારથી અહમદ પ્રસન્ન થઇ ગયો. અહમદ જ્યારે જ્યારે આવતો ત્યારે પૂરા દમામથી આવતો. એનો ભપકો જોઇ એક વજીરને પેટમાં દુખવા લાગ્યું. એ શંકા કરવા લાગ્યો કે શું શાહજાદો કોઇ જાદુ શીખી આવ્યો છે કે પછી એણે કોઇ સિદ્ધિ મેળવી છે!

એણે જાદુગરણીને બોલાવી. એને શાહજાદો અહમદ ક્યાં રહે છે એની ભાળ મેળવી લાવવા જણાવ્યું. જાદુગરણી પેલા ટેકરા પર આવી બેસી ગઇ. પણ એને દરવાજો મળ્યો નહીં. પરીબાનોના જાદુને કારણે કોઇ દરવાજાને જોઇ શકતું ન હતું.

છેવટે જાદુગરણીને સફળતા મળી. એ બીમાર ડોસી બની ગઇ હતી. અહમદે એને જોઇ લીધી. પૂછ્યું - ‘તમે કોણ છો? અહીં શી રીતે આવ્યાં?’ ડોસીએ કહ્યું - ‘હું મારે ગામ જઇ રહી હતી. મને રસ્તામાં તાવ આવી ગયો.’

‘કોઇ ચિંતા કરશો નહીં. ચાલો. હું તમને મારા મહેલે લઇ જાઉં. ત્યાં તમે નિરાંતે આરામ કરજો.’ એ એક સૈનિકના ઘોડાપર બેસી ગઇ.

અહમદ પરીબાનો પાસે પહોંચ્યો. એણે એને કહ્યું કે આ વૃદ્ધા રસ્તામાં પડી હતી. એને તેજ તાવ આવ્યો છે. પરીબાનોએ ધારી ધારીને જોયું. બોલી - ‘આ બીમાર નથી. આપ આ વખતે, આપના પિતાને મળીને આવશો ત્યારે આપને એ સ્વસ્થ જણાશે.’

એક દાસીએ તેને દવા પીવડાવી. તે સાજી સમી થઇ ગઇ. તે બાનોને મલીને પાછી એને દેશ ચાલી ગઇ.

એણે બાદશાહને જણાવી દીધું હતું કે પરીબાનો એક જિનની દીકરી છે. અને અહમદ એની સાથે આરામની જિંદગી જીવે છે. તેણે એવું પણ કહ્યું કે - ‘અહમદ તમારો આજ્ઞાંકિત પુત્ર છે. છતાં ક્યારેક એ તમારું બૂરું પણ કરી શકે છે. કારણ કે એ પ્રેત કન્યાને વશ થઇ ગયો છે. આપ એને કેદ કરવાનો વિચાર માંડી વાળો. કેમ કે એની પાસે અપાર સૈન્યશક્તિ છે.’

બાદશાહે ફરી પેલી જાદુગરણીને તેડાવી. એણે એને કહ્યું કે અહમદની પાસે પ્રેતસૈન્ય છે. ભૂતોને કોઇ કેદ પકડી શકતું નથી. તમે હવે એની પાસે એવી વસ્તુની માંગણી કરો કે પરીબાનો એ લાવી જ ના શકે. બાદશાહની વાત પરીબાનોને સમજાઇ ગઇ. તેણે અહમદને કહ્યું - ‘બેટા! તેં તો મારાથી વાત છાની રાખી, પણ હવે મને ખબર પડી ગઇ છે કે તારી પત્ની એક પરી છે. પરી માટે કોઇ પણ વસ્તુ મેળવવી અશક્ય નથી. તું એની પાસે એક એવા તંબુની માંગણી કર કે એની નીચે આખું સૈન્ય સમાઇ જાય. વળી એ એટલો વજનમાં હલ્કો હોય કે તું એકલો જ એને ઊઠાવી શકે.’

અહમદે પહેલાં તો થોડી હા ના કરી. બાદશાહ નારાજ થઇ ગયો. પિતાની નારાજગી જોઇ છેવટે અહમદે વાતે માની લીધી.

એણે પરીબાનોને એ વાત જણાવી. એણે લાડ કરતાં કહ્યું - ‘હે મારા પ્રાણેશ્વર! તમે તો બહુ ભોળા છો. જે ડોસી આપની પાસે આવી હતી તેના નખમાંય રોગ ન હતો. એને જરાક હલકી દવા આપી તો એ સ્વસ્થ થઇ ગઇ. એને આપણા બધા ભેદની ખબર પડી ગઇ છે. એના કહેવાથી જ તમારા પિતાએ તંબુની માંગણી કરી છે. પણ તમે એની જરાય ચિંતા કરશો નહીં.’

પરીબાનોએ એની અંગત સખીને એવો તંબુ લાવવા કહ્યું તે સ્હેજવારમાં જ તંબુ લઇ આવી. એણે એ તંબૂ અહમદની હથેળી પર મૂક્યો તો અહમદને મશ્કરી લાગી. એણે વિસ્ફારિત આંખોએ પરીબાનો તરફ જોયુ.ં પરીબાનોએ એની સખીને કહ્યું - ‘આ તંબૂને ઊભો કરવાની યુક્તિ અહમદને જણાવી દે. એ અહમદને એક મોટા ખુલ્લા મેદાનમાં લઇ ગઇ અને તંબુ ઊભો કરવાની યુક્તિ બતાવી.’

તંબુ લઇને અહમદે બાદશાહ પાસે જવાની તૈયારી કરી ત્યારે પરી બાનોએ કહ્યું - ‘આટલી બદી ઊતાવળ શા માટે? એમ કરો, આવતા મહિને જાઓ ત્યારે તંબૂ લેતા જજો.’ પછીનો મહિનો આવતાં વાર ના લાગી. અહમદ તંબૂ લઇ બાદશાહ પાસે ગયો. બાદશાહે જાદુગરણીને બોલાવી. જાદુગરણીએ બાદશાહને કહ્યું - ‘હવે આપ ચસ્મ એ શેરાં (વાઘની આંખો)નું તંદુરસ્તી વર્ધક પાણી મંગાવો, અને બીમારીનું બહાનું બનાવી લ્યો.’

અહમદ પરી પાસે પાછો ફર્યો. એણે ચશ્મ એ શેરાંના પાણીની વાત પરીબાનોને કરી. પરીબાનો બધું સાનમાં સમજી ગઇ. એ પેલી જાદુગરણી પર ક્રોધે ભરાઇ. એણે અહમદને કહ્યું - ‘તમારા પિતાજી પેલી જાદુગરણીના બહેકાવામાં આવી ગયાં છે. લાગે છે કે એ જાદુગરણી ક્યારેક તમને ધર્મસંકટમાં મૂકી દેશે.’ અહમદે કહ્યું - ‘તો હવે મારે શું કરવું?’

પરીબાનોએ કહ્યું - ‘ભલે, એક મજબૂત કિલ્લામાં ચશ્મ એ શેરોનું પાણી છે. ત્યાં રાત દિવસ ચાર ખૂંખાર વાઘ ચોકી કરે છે. બે વાઘ ઊંઘે છે. અને બે જાગતા રહે છે. માટે તમે બે ઘોડા સાથે લેજો. એક ઘોડા પર તમે સવારી કરજો અને અને બીજા ઘોડા પર ચારા બકરાંનું માંસ લાદી દેજો. હું તમને બે દડા પણ આપું છું. એમાંથી એક દડો તમે તમારી પાસે રાખજો. અને બીજો ફેંકી દેજો એ ગબડતો ગબડતો તમને મહેલના દરવાજા સુધી પહોંચાડી દેશે. તમારે આ બધું કરતાં જરા પણ ડરવાનું નથી. ચારેય વાઘ જાગી જાય તો તમે તેમની સામે બકરાંનું માંસ નાખી દેજો. વાઘ માંસ ખાવા લાગે તમે ચસ્મ એ શીરોનું જળ ચાંદીની ઝારીમાં ભરી લઇ પાછા આવી જજો.’

બીજે દિવસે અહમદે પરીબાનોના કહ્યા પ્રમાણે કર્યુ.ં એ જળ લઇ પાછો ફરતો હતો ત્યારે ચારેય વાઘોએ ઓચિંતો તેના પર હુમલો કર્યો. પણ અહમદ ઘોડાને પૂરપાટ દોડાવી પિતાના મહેલમાં પહોંચી ગયો. વાઘની આંખોનું પાણી મેળવી બાદશાહ ખુશ થયો. છતાં દીકરા માટે એના મનમાં દુશ્મનાવટ જન્મી. બાદશાહ અને જાદુગરણીના બધા પાસા અવળા પડતા હતા.

બાદશાહે જાદુગરણીને ફરી બોલાવી, એને કોઇક ઉપાય કરવા કહ્યું. જાદુગરણીએ બાદશાહની વાત સાંભળી કહ્યું - ‘આ વખતે એક એવો માણસ માગો કે જેની દાઢી વીસ ગજ લાંબી હોય અને જે છ મણનો દંડ ફેરવી શકતો હોય.’ અહમદ વિચારવા લાગ્યો કે - ‘મારા પિતાએ એ જાદુગરણીના ચક્કરમાં આવવાની શી જરૂર પડી?’

છતાં એણે પિતાની માંગણી પરીબાનોને જણાવી. પરીબાનોએ હસતાં હસતાં કહ્યું - ‘મારો સગો ભાઇ શબ્બર એ બધાં લક્ષણો ધરાવે છે. એ ચિત્ર વિચિત્ર દેખાય છે. પણ એને જોઇ તમારે ડરી જવાનું નથી.’

પરી બાનોએ સોનાની સગડી મંગાવી. પેટીમાંથી થોડું અત્તર લીધું. સગડીમાં પ્રજ્વલિત અગ્નિમાં અત્તરની આહુતિ આપતાં જ શબ્બર હાજર થઇ ગયો. શબ્બર ભૂતોનો રાજા હતો. એના માથે કીમતી મુગટ હતો. એની દાઢી વીસ ગજ લાંબી હતી અને હાથમાં છ મણનો દંડ હતો.

શબ્બરે અહમદ સામે જોઇ પરીબાનોને પૂછ્યું - ‘બહેન! આ માણસ કોણ છે?’ ‘એ તારા જીજાજી છે. ભાઇ! હિન્દુસ્તાનના બાદશાહના પુત્ર શાહજાદા અહમદ. અમારા નિકાહ થયા ત્યારે તું યુદ્ધભૂમિમાં હતો. તેથી એ શુભ અવસરે હું તને બોલાવી શકી ન હતી.’

‘હું જીજાજીની શી સેવા કરું, દીદી?’

પરીબાનોએ શબ્બરને આદિથી અંત સુધીનો ઘટના ક્રમ કહી સંભળાવ્યો.

શબ્બર બધું સમજી ગયો. એ બાદશાહના દરબારમાં ગયો. અંગરક્ષકોને આ વિચિત્ર માણસને પકડી લેવાનો હુકમ કર્યો. એણે એના રક્ષકો જેવા એને પકડવા નજીક ગયા કે એણે દંડ ઊઠાવ્યો. અંગરક્ષકો ડરના માર્યાં પછા હઠી ગયા. ઊઠાવેલા દંડનો પહેલો ઘા શબ્બરે બાદશાહ પર કર્યો. બાદશાહ ક્ષણવારમાં ખુદાનો પ્યારો થઇ ગયો. પછી જે જે એની સામે આવ્યા એ બધાંને એણે યમલોકનો રસ્તો દેખાડી દીધો. પછી જાદુગરણીને પણ એણે મારી નાખી.

શબ્બરે અહમદને હિન્દુસ્તાનના બાદશાહનો તાજ પહેરાવ્યો. અહમદે ભાઇ અલીને ખૂબ ધન આપી એક જાગીર પણ ભેટ આપી. એ હુસેનને પણ જાગીર આપવા ઇચ્છતો હતો, પણ હસનને સાધુ થઇ રહેવામાં જ સાર જણાયો. પરીબાનો મલિકા એ હિન્દુસ્તાન બની.

શહરજાદે જેવી વાર્તા પૂરી કરી કે - ‘વાહ...વાહ...વાહ...વાહ...’ દુનિયાજાદ અને શહરયારે એની ખૂબ પ્રસંશા કરી. શહરજાદે પછીની રાત્રિએ નવી વાર્તા સંભળાવવાનું વચન આપ્યું.

અનુક્રમણિકા

૬૩ : બહેનોની દુશ્મનાવટ

શહરજાદે નવી વાર્તા શરૂ કરી. પ્રાચીન સમયમાં પારસ દેશના યુવરાજ ખુશરોશાહની ચારે તરફ બોલબાલા હતી. એ યુવરાજ હોવા છતાંય પ્રજાના હાલહવાલ જાણવા માટે ફરતો રહેતો હતો. પિતાના અવસાન બાદ એ બાદશાહ બની ગયો. ત્યારે પણ એ પૂરી નિષ્ઠાથી એનું કર્તવ્ય બજાવતો હતો. બાદશાહ બન્યા પછી એણે એનું નામ ‘કૈખુસરો’ રાખ્યું હતું.

એકવાર એ એના વજીર સાથે રાત્રે નગર ચર્ચા જોવા નીકળ્યો હતો ત્યારે એણે એક ગલીમાં સ્ત્રીઓનો લડવાનો અવાજ સાંભળ્યો. એણે અવાજ આવતો હતો એ ઘરના દરવાજાની તિરાડમાંથી અંદર જોયું તો ત્રણ બહેનો પોતપોતાની ઇચ્છાઓ જણાવી રહી હતી.

મોટી બહેને કહ્યું - ‘મને સરસ રોટલીઓ ખાવાનો શોખ છે. જો મારું લગ્ન કોઇ રસોઇયા સાથે થઇ જાય તો મઝા પડી જાય.’

વચલી બહેન કહેતી હતી - ‘મને તો નવી નવી જુદી જુદી જાત જાતની વાનગીઓ ખાવાનો શોખ છે. જો મારું લગ્ન શાહી રસોઇયા સાથે થાય તો હું ખુબ ખુશ થાઉં.’

સૌથી નાની બહેને કહ્યું - ‘મારું કામ એવા લોકોથી ચાલે એમ નથી. હું તો ઇચ્છું છું કે મારું લગ્ન ખુદ બાદશાહ સાથે જ થાય, એનાથી મારે એક દીકરો થાય. એના અડધા વાળ સોનાના અને અડધા વાળ ચાંદીના હોય, જ્યારે દીકરો રડે ત્યારે એની આંખમાંથી આંસુઓને બદલે મોતી ટપકતાં હોય અને એના હોઠ કમળની પાંખડીઓ જેવા હોય.’

આ બધી ચર્ચા સાંભળ્યા પછી કૈખુસરોએ નિષ્કર્ષ કાઢ્યો કે નાની બહેન સૌથી વધારે બુદ્ધિશાળી છે. બીજે દિવસે બાદશાહે વજીરને કહ્યું - ‘વજીર! એ ત્રણેય બહેનોને મારી સામે હાજર કરવામાં આવે.’

વજીરે ત્રણેય બહેનોને હાજર કરી. બાદશાહે તેમની રાત્રે જાહેર કરેલી ઇચ્છાઓ વિશે પૂછ્યું. કોઇ કશું બોલ્યું નહીં. બાદશાહે તેમને બધી વાતો સમજાવી. તેમની ઇચ્છા પ્રમાણે મોટી બહેનનને રસોઇયા સાથે અને વચલી બહેનને શાહી રસોઇયા સાથે પરણાવી દીધી. સૌથી નાની બહેન સાથે એણે લગ્ન કરી પોતાની બેગમ બનાવી દીધી. મોટી અને વચલી બહેન આ લગ્નને લઇ ઇર્ષાથી બળવા લાગી. આ બે બહેનો એકવાર સ્નાન કરતી હતી. નહાતાં નહાતાં મોટી બહેને કહ્યું - ‘નાની તો જરાય સુંદર નથી. બાદશાહે શું જોઇને એની સાથે લગ્ન કર્યું હશે!’

વચલી બોલી - ‘એ તો બાદશાહની મોટામાં મોટી ભૂલ છે. નાની તો બરાબર વાંદરી જ લાગે છે. હું સાચું કહું છું, બાદશાહ જો તને જુએ તો લટ્ટુ જ થઇ જાય. આપણે હાથ ઘસતાં બેસી રહેવાને બદલે કોઇક એવો કીમિયો કરવો જોઇએ કે આપણેય રાણીઓ બની જઇએ.’ એમણે ઘણાં તરકટ રચ્યાં. પણ એ એમની યોજનામાં સફળ થઇ શકી નહીં.

પેલી બાજુ નાની બહેન ગર્ભવતી થતાં રાજાએ મોટો ઉત્સવ મનાવ્યો. પ્રસવ સમયે બેગમ બેભાન થઇ ગઇ. બંન્ને બહેનોએ તક ઝડપી લીધી. તાજા જન્મેલા બાળકને છાબડીમાં સુવાડી નદીમાં તેમણે વહેતું મૂકી દીધું. અને બાળકની જગાએ કૂતરીનું ગલુડિયું મૂકી દીધું.

જોતજોતામાં વાત પગ કરી ગઇ - ‘બેગમે મરેલા ગલુડિયાને જન્મ આપ્યો છે.’

બાદશાહ અપમાન અને ક્રોધની જ્વાળાઓથી શેકાવા લાગ્યો. એણે બેગમની કત્લ કરવા હુકમ કર્યો. પણ વજીરે એને સમજાવીને શાંત પાડ્યો.

પેલું બાળક જેમાં રાખવામાં આવ્યું હતું તે છાબડી તરતી તરતી શાહી બગીચા પાસે આવી. બાગની પાસે જ બાગના રખેવાળનું મકાન હતું. એણે પાણી ઉપર તરતી છાબડી જોઇ. એણે એ છાબડી કાઢી મંગાવી. જોયું તો એમાં એક બાળક હતું. રખેવાળને કોઇ ઓલાદ ન હતી. એણે એની પત્નીને કહ્યું કે ખુદાએ આ ફૂલની આપણને ભેટ આપ્યું છે. મોં ફાડતાં જાણે પતાસું પડ્યું. એણે બાળક લઇ લીધું અને છાતી સરસું ચોંપ્યું. એનાં થાનમાં જાણે ધાવણના શેરડા ફૂટી ઊઠ્યા. એણે બાળક ક્યાંથી મળ્યું એની કોઇને ગંધ શુદ્ધાં આવવા દીધી નહીં.

બીજીવાર નાની બહેનને ગર્ભ રહ્યો. પ્રસવ થતાં જ પેલી ઇર્ષાળુ બહેનોએ બાળકને લઇ પહેલાંની જેમ નદીમાં વહેવડાવી દીધું. અને બાળકની જગાએ બિલાડીનું મરેલું બચ્ચું મૂકી દીધું. એ બાળકને પણ બાગના રખેવાવે કાઢી મંગાવી એની પાસે રાખી લીધું. એની પત્ની કાળજીપૂર્વક બંન્ને બાળકોનો ઉછેર કરવા લાગી. ત્રીજીવાર બેગમે એક બાળકીને જન્મ આપ્યો. પેલી બે બહેનોએ એને પણ કપટ કરી પાણીમાં વહેતી મૂકી દીધી. બગીચાના રખેવાળે એને બચાવી લીધી. બે બહેનોએ બાળકીની જગાએ આ વખતે મોટું છછુંદર મૂકી દીધું હતું.

વજીરે બાદશાહના ગુસ્સાથી આ વખતે પણ નાની બહેનને બચાવી લીધી. પણ ક્રોધથી રાતા પીળા થયેલા બાદશાહે હુકમ કર્યો કે જામા મસ્જિદ પાસે એક નાનું કારાગૃહ તૈયાર કરી એમાં એને કેદ કરવામાં આવે. વજીરે રાજાની આજ્ઞાનું પાલન કરતાં બેગમને કારાગૃહમાં નાખી દીધી.

શાહી ચમનનો રખેવાળ બે દીકરા અને એક દીકરી એમ ત્રણેયને લાડપ્યારથી ઉછેરવા લાગ્યો. એણે મોટા દીકરાનું નામ બહમન પાડ્યું અને નાના દીકરાનું નામ પાડ્યું પરવેજ. દીકરીનું નામ પરીજાદ રાખ્યું. ત્રણેયને એણે ઉચ્ચકક્ષાનું શિક્ષણ આપ્યું. બાણ ચલાવવામાં અને નિશાનેબાજીમાં એને કોઇ પહોંચી શકે એમ ન હતું. બાગના રખેવાળે એ વાત ગુપ્ત રાખી કે એ ત્રણ એનાં સંતાનો નથી. સમય જતાં કોઇ ગંભીર માંદગીને લઇ એ મૃત્યુ પામ્યો. એના મૃત્યુ પછી ત્રણેય ભાઇ બહેન પ્રેમ અને સંપથી રહેવા લાગ્યાં.

એક દિવસની વાત છે. બંન્ને એભાઇઓ શિકારે ગયા હતા. પરીજાદ મહેલમાં એકલી જ હતી. ત્યાં એક સાધ્વી જેવી બાઇ આવી. એણે પરીજાદ પાસે નમાજ પઢવાની મંજૂરી માંગી. મંજૂરી મળતાં તે બાઇએ નમાજ અદા કરી. પછી એણે મહેલ જોવાની ઇચ્છા પરીજાદને જણાવી. પરીજાદે દાસીઓને આખો મહેલ બતાવવા કહ્યું. પછી પરીજાદે એ બાઇને જમાડી. બાઇને સંતોષ થયો. પરીજાદે ધર્મઅંગે અનેક સવાલ કર્યા. બાઇએ બધા પ્રશ્નોના સંતોષકારક ઉત્તર આપ્યા.

પેલી બાઇએ મહેલનાં ખૂબ વખાણ કર્યાં. પરીજાદે એને પૂછ્યું - ‘આપે મહેલનાં માત્ર વખાણ જ કર્યાં. કોઇ ખામી જણાવી જ નહીં.’ બાઇએ જરાક ખચકાટ સાથે કહ્યુ - ‘જુઓ! હું કોઇ ખામી જણાવીશ તો આપ દુઃખી થશો.’

‘ના,ના, એમ નહીં. મને જરાય દુઃખ નહીં થાય. બોલો, શી ખામી છે? શું ખૂટે છે?’ પરીજાદે નમ્રતાથી પૂછ્યું.

‘મને ત્રણ વસ્તુઓ ખૂટતી જણાય છે.’

‘કંઇ ત્રણ વસ્તુઓ?’

‘એક એવું બુલબુલ જેનું ગીત સાંભળી બીજાં હજાર પક્ષી એકઠાં થઇ જાય.’

‘બીજું?’

‘ગાતું વૃક્ષ.’

‘ત્રીજું?’

‘સોનેરી પાણી?’

‘બીજું કંઇ?’

‘ના, બસ. એટલું જ.’

‘એ ત્રણેય વસ્તુઓ મળશે ક્યાંથી? તમને છે ખબર?’ પરીજાદે પૂછ્યું.

‘કોઇ માણસ પૂર્વ દિશામાં વીસ દિવસ સુધી ચાલતો રહે તો વીસમા દિવસે એને એક સન્યાસી મળશે. એજ બતાવી શકશે આ ત્રણેય વસ્તુઓનું ઠેકાણું.’ પેલી બાઇએ જણાવ્યું.

બે ભાઇઓ શિકારેથી પાછા ફર્યા ત્યારે બહેનને એમણે ઉદાસ બેઠેલી જોઇ. એમણે બહેનને ઉદાસીનતાનું કારણ પૂછ્યું. બહેને એમને પેલી બાઇએ કહેલી હકીકત કહી સંભળાવી. એણે ભાઇઓને કહ્યું - ‘હું એ ત્રણ વસ્તુઓ લેવા જવા ઇચ્છું છું. આપ મને આજ્ઞા આપો.’ ‘અમારા હોતાં તારું જવું ઠીક નથી. અમે ભાઇઓ શા કામના? હું મોટો છું. હું જ તને એ ત્રણેય વસ્તુઓ લાવી આપીશ.’

બહમને જવાની તૈયારી કરી જતા પહેલાં એણે એક છરી પરીજાદ સામે ધરતાં કહ્યું - ‘આ અરીસાની જેમ ચમકતી છરી લે. મારી કુશળતાના સમાચાર જાણવાનું મનુ થાય ત્યારે તું એને જોઇ લેજે. જા છરી લોહી જેવા લાલ રંગની દેખાય તો જાણજે કે હું મુશ્કેલીમાં છું.’

એ નાનો ભાઇ બહેનની રજા લઇ નીકળી પડ્યો. એ ચાલ્યો જતો હતો ત્યારે બરાબર વીસમા દિવસે એણે એક વૃદ્ધ જોયો. એનો દેખાવ વિકૃત અને બિહામણો હતો. ઘનગોર જંગલની વચ્ચે એ ઝૂંપડી બનાવી બેઠો હતો. એનો આખો ચહેરો લાંબાં દાઢીમૂંછ અને લાંબા વાળથી ઢંકાઇ ગયો હતો. એના નખ વધી ગયા હતા. શરીર ઉપર ઘાસનાં વસ્ત્રો ધારણ કરેલાં હતાં. માથા ઉપર ટોપો પહેરેલો હતો. બહમને એક ઝાડના થડ સાથે ઘોડો બાંધી દીધો. પેલા વૃદ્ધ પાસે જઇ એણે કહ્યું - ‘વડીલ! મેં આપને ઓળખ્યા નહીં. આટલા બધા વાળને લીધે આપ રીંછ જેવા લાગો છો. જો આપની આજ્ઞા હોય તો હું આપના વાળ ઓછા કરી આપું.’

વૃદ્ધે આજ્ઞા આપી. બહમને વૃદ્ધનાં દાઢીમૂંછ તથા માથાના વાળ ઓછા કરી દીધા. પછી બહમને કહ્યું - ‘માશાઅલ્લાહ! આપ કેવા સુંદર અને યુવાન દેખાઓ છો. મારી પાસે કોઇ દર્પણ નથી. તેથી હું તમને તમારો ચહેરો બતાવી શકતો નથી.’

‘ભાઇ! હું તારી સેવાથી પ્રસન્ન થયો છું બોલ! અહીં શા માટે આવ્યો છે તું?’ ‘વડીલ! હું ત્રણ વસ્તુઓ લેવા અહીં આવ્યો છું. ગાતું બુલબુલ, ગાતું વૃક્ષ અને સોનાનું પાણી. આપ મને કહેશો કે આ ત્રણ વસ્તુઓ મને ક્યાં મળશે?’ બહમને પૂછ્યું.

વૃદ્ધે વિનમ્રતાથી કહ્યું - ‘મને તારી ઉપર અપાર પ્રેમ છે. એટલે હું નથી ઇચ્છતો કે બીજા લોકોની જેમ તું પણ મુશ્કેલીમાં મુકાઇ ખતમ થઇ જાય. ત્યાં જેટલા ગયા છે એમાંથી એક પણ પાછો આવ્યો નથી.’ ‘હું મારું રક્ષણ જાતે કરી શકું એમ છું. મહેરબાની કરી આપ મને રસ્તો બતાવો.’ બહમને કહ્યું.

‘એ હુમલાખોર ગેબી માણસ છે. શી રીતે તારો બચાવ કરીશ?’ વૃદ્ધે બહમનને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહીં. બહમને જ્યારે ખૂબ જીદ કરી ત્યારે વૃદ્ધે એને ચમત્કારી દડો આપ્યો. કહ્યું - ‘આ દડો તને રસ્તો બતાવશે. જ્યારે દડો કોઇ પહાડ પાસે જઇ ઊભો રહી જાય ત્યારે તું ઘોડા પરથી ઉતરીને એ પહાડ પર ચઢી જજે. ત્યાં ખૂબ ભયંકર વાતાવરણ હશે. અનેક મુશ્કેલીઓ તારી સામે આવી ઊભી રહેશે. તને જાતજાતની ધમકીઓ પણ મળશે. ગાળો સાંભળવાનીય તૈયારી રાખવી પડશે તારે. પણ એ બધા પર ધ્યાન આપ્યા વગરતું આગળ વધતો જ રહેજે. જો ભૂલથી પણ તું પાછળ જોઇશ તો પત્થર બની જઇશ તું. ત્યાં તને જેટલા પત્થર દેખાશે એ બધાય માણસમાંથી બનેલા છે. તું જ્યારે પર્વતની ટોચ પર પહોંચી જઇશ ત્યારે તને ત્યાં એકે પાંજરું જોવા મળશે. એ પાંજરું તું લઇ જજે. પછી ગાતું બુલબુલ અને સોનેરી પાણી આપોઆપ તને મળી જશે. છતાં બેટા! હું હજુ પણ તને ચેતવું છું કે તું પાછો વળી જાય એમાં જ તારી ભલાઇ છે.’

‘ના...દયાળુ! મારે તો આપના આશીર્વાદ અને અલ્લાહની કૃપા જ જોઇએ. મારે જે મેળવવું છે એ હું મેળવીને જ રહીશ.’

એ દડો આગળ નાખી ઘોડા પર સવાર થઇ ગયો. દડો એક પહાડ આગળ આવી અટકી ગયો. બહમને ઘોડા પરથી ઉતરી પહાડ પર ચઢવાનું શરૂ કર્યું. ચારે તરફ એણે કાળમીંઢ પત્થરો જોયા. થોડુંક ચઢતાં જ કારમી ચિચિયારીઓ સંભળાવા લાગી. એક ગુફામાંથી અવાજ આવ્યો - ‘અરે ગધેડા! ક્યાં જઇ રહ્યો છે? શું મરવું છે તારે? તને તારો જીવ વહાલો નથી?...આ બેવકૂફ ગાતું બુલબુલને લેવા જઇ રહ્યો છે. એ ચોર, ખૂની અને બદમાશ છે. એનો વધ કરી નાખો. આ અવાજો ધીમે ધીમે એટલા તો ભયંકર થવા લાગ્યા કે જાણે બહમનના કાનના પડદા ફાટવા લાગ્યા.’

આ બધા ઘોંઘાટમાં એ પેલા વૃદ્ધની વાત વીસરી ગયો. એણે પાછળ જોયું. પાછળ જોતાં જ બહમન અને એનો ઘોડો પત્થર થઇ ગયા. પરવેજ અને પરીજાદ હમેશાં પેલી છરી જોયા કરતાં હતાં. જેવા એ પત્થર થઇ ગયા કે છરી પર લોહીનો લાલ રંગ ચમકતો દેખાયો. પરવેજના હાથમાંથી છરી છૂટી ગઇ. એ રડવા લાગ્યો. પરીજાદ પણ રડવા લાગી. એણે કલ્પાંત કરતાં કહ્યું - ‘મારા ભાઇ! મારી હઠને કારણે તમારો જીવ મુશ્કેલીમાં મુકાયો છે. મારે પેલી વૃદ્ધાની વાતોમાં આવવું જોઇતું ન હતું.’

પરવેજે પરીજાદને શાંત પાડી. એને સમજાવીને એ ભાઇનો બદલો લેવા તૈયાર થયો. પરીજાદે હજારવાર ના પાડવા છતાં એ માન્યો જ નહીં. પરવેજે એક માળા આપતાં એને કહ્યું - ‘જ્યાં સુધી માળાનાં મોતી જુદાં જુદાં રહે ત્યાં સુધી હું કુશળ અને જીવતો છું એમ જાણજે. પણ જો મોતી એકબીજા સાથે ચોંટી જાય તો જાણજે કે હું કોઇ ભારે આફતમાં છું.’

ઘોડા પર બેસી એ ચાલી નીકળ્યો. એ પેલી જગાએ આવી ઊભો જ્યાં દાઢીધારી સાધુ રહેતો હતો. એણે પહાડ પર જવા પરવેઝને ના કહી પણ એ તો એના નિશ્ચયમાં અડગ જ રહ્યો. છેવટે એની જીદ આગળ નમતું જોખી એણે પરવેઝને દડો આપ્યો. દડો લઇ એ પહાડ પાસે ગયો. એ પહાડ પર ચઢવા લાગ્યો. એ જ ભયંકર અવાજો. એ જ બિહામણું અટ્ટહાસ્ય. પરવેજ ધીરજ ખોઇ બેઠો. એણે પાછળ જોયું. એ પત્થર બની ગયો.

પરીજાદે માળાનાં મોતી એકબીજાનો ચોંટેલાં જોયાં. કે એ જાણી ગઇ કે એનો ભાઇ મુશ્કેલીમાં છે એ હૈયાફાટ રડવા લાગી.

બંન્ને ભાઇઓને ખોઇ બેઠેલી પરીજાદને હવે જિંદગી અકારી લાગવા માંડી. હવે એના જીવવાનો કોઇ મતલબ ન હતો. દાસ દાસીઓને સમજાવી એ નીકળી પડી. એ યુદ્ધકલામાં પાવરધી હતી. ઘોડા પર બેસીને પુરુષવેશમાં એ ચાલી નીકળી હતી. વીસમા દિવસે એ પેલા સન્યાસી પાસે પહોંચી. સન્યાસીએ એને ઓળખી લીધી. કહ્યું - ‘તું પુરુષવેશમાં સ્ત્રી છું. અહીં આવવાનું શું કારણ છે?’

પરીજાદે પેલી ત્રણ વસ્તુઓ અંગે જણાવ્યું. આ અગાઉે વસ્તુઓ મેળવવા નીકળેલા એના બે બાઇ મહામુસીબતમાં છે એ પણ જણાવ્યું. સન્યાસીએ એને કહ્યું - ‘તને ખબર જ છે કે તારા બે ભાઇઓ સંકટમાં છે કદાચ એ પત્થર બની ગયા છે છતાં તું આવું દુસ્સાહસ કરવા શા માટે તૈયાર થઇ છે?’

પરીજાદ એની પ્રતિજ્ઞા પર અટલ રહી. એ પહાડપર જવા ચાલી નીકળી. જતા પહેલાં એણે એના બંન્ને કાનોમાં ઠોંસીઠોંસીને રૂ ભરી દીધું. ઘોડા પરથી ઉતરી જેવી એ પહાડ પર ચઢવા લાગી કે ચારે બાજુથી ભયંકર અવાજો આવવા લાગ્યા. પણ કાનોમાં રૂ ભરી દીધું. હોવાથી પરીજાદને કશું જ સંભળાતું ન હતું. એ નિર્ભયતાથી પહાડની ટોચ પર પહોંચી ગઇ. જઇને એણે બુલબુલનું પિંજર હાથમાં લઇ લીધું. બુલબુલ બોલી - ‘હે દયાની દેવી! હે કલ્યાણી હવે હું તમારા કબ્જામાં છું. હવે કોઇ તમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં.’

બુલબુલે આગળ કહ્યું - ‘ચારે તરફ દેખાતા આ હજારો પત્થરો ખરેખર તો માનવીઓ છે. તમે એ બધા પર સોનેરી પાણીનું એક એક ટીપું નાખી દો. પછી આ સામે ઊભેલા ઝાડની ડાળી તોડી લો.’ પરીજાદે બધા માનવ પત્થરો પર સુવર્ણજલનું એક એક ટીપું નાખ્યું. બધા તેમના મૂળ સ્વરૂપમાં આવી ગયા. એના બે ભાઇઓ બહમન અને પરવેજ પણ એમના અસલ સ્વરૂપમાં આવી ગયા. તેઓ બહેન પરીજાદને ભેટીને રડવા લાગ્યા.

પત્થરમાંથી માનવી બનેલાઓએ પરીજાદનો આભાર માન્યો. બધાએ એની હિંમત, ધીરજ અને બુદ્ધિની પ્રસંશા કરી. પરીજાદે બુલબુલનું પિંજરૂ, બહમને ગાતું વૃક્ષ અને પરવેજે સોનેરી પાણી લઇ લીધાં. તેઓ પેલા સન્યાસીનો આભાર માનવા એની ઝૂંપડીએ ગયાં. જઇને જોયું તો સન્યાસી ત્યાંથી અદૃશ્ય થઇ ગયેલો જણાયો.

પરીજાદે મહેલમાં જઇ બુલબુલનું પાંજરું લટકાવી દીધું. ગાતા વૃક્ષને શાહી બગીચામાં રોપી દીધું. અને નાનો હોજ તૈયાર કરાવી એમાં સોનેરી પાણી રેડાવી દીધું. હોજમાં પાણી વીસ ફૂટ ઊછળતું હતું.

એક દિવસ એ બંન્ને ભાઇઓ શિકારેથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની મુલાકાત બાદશાહ સાથે થઇ. બાદશાહે એમનું ઠામઠેકાણું પૂછ્યું ત્યારે બહમને કહ્યું - ‘અમે આપના બગીચાના રખેવાળના દીકરા છીએ. અમારે એક બહેન પણ છે. અમે નગરની બહાર મહેલમાં રહીએ છીએ.’

‘તમે તો શિકારના શોખીન લાગો છો. આવું કામ તો રાજકુમારો જ કરી શકે. હું તમારી પરીક્ષા લઇશ.’

બહમન અને પરવેજે કેટલાય વાઘ અને રીંછોને મારી નાખ્યાં. એમની નિશાન બાજીથી બાદશાહ પ્રસન્ન થઇ ગયો. કહ્યું - ‘અદ્‌ભુત! અદ્‌ભુત! હવે મારી સાથે મહેલમાં પધારી ભોજન લઇ અમને સંતુષ્ટ કરો.’ બંન્નેએ કહ્યું - ‘જહાંપનાહ! અમે તો આપના સેવક કહેવાઇએ. પણ અમે અમારી બહેન પરીજાદને પૂછ્યા વગર કશું જ કરતા નથી. જો આપનો હુકમ હોય તો...’

બાદશાહે કહ્યું - ‘તમારી બહેનને પૂછીને આવતીકાલે શાહી મહેલમાં આવી જજો.’ બે દિવસ તો બંન્ને ભાઇઓ આ વાત જ ભૂલી ગયા. ત્રીજે દિવસે એમને યાદ આવ્યું. એમણે બહેનને વાત કરી. બાદશાહની વાતનો અનાદર કરવા બદલ પરીજાદે બંન્નેને ધમકાવી નાખ્યા.

પરીજાદે બુલબુલને પૂછ્યું. બુલબુલે કહ્યું - ‘બાદશાહનું નિમંત્રણ સ્વીકારવું જોઇએ. પણ બાદશાહનેય આમંત્રણ આપી દાવત પર બોલાવવા જોઇએ.’

બંન્ને ભાઇઓ બાદશાહ પાસે ગયા. જઇને કહ્યું - ‘માલિક! અમે તો વાત જ ભૂલી ગયા હતા તેથી બે દિવસ આવવામાં મોડું થયું. અમારા આ બેહૂદા વર્તનથી બહેન પરીજાદ ઘણી ગુસ્સે થઇ છે. આપે અમારા મહેલે પધારી એને શાંત કરવી પડશે.’

બાદશાહ સાથે બંન્નેએ શાહી ભોજન લીધું. પછી નાચગાન પણ થયાં. બંન્ને ભાઇઓને જોઇ બાદશાહ વિચારવા લાગ્યો. કે જો એના પુત્રો જીવતા હોત તો અત્યારે આટલા જ મોટા થઇ ગયા હોત. એ જ્યારે જવા લાગ્યા ત્યારે બાદશાહે કહ્યું -‘તમને જોઇને મારું મન ધરાતું કેમ નથી? કાલે તમે ફરી આવજો.’

એમણે બાદશાહને કહ્યું કે - ‘આવતીકાલે તો અમારા ગરીબ ખાનામાં આપે આપનાં પગલાં પાડવાનાં છે. આપની પરોણાગત કરવા અમે તૈયાર રહીશું. બાદશાહે એમની વાત સ્વીકારી લીધી. આ સમાચાર જ્યારે બહેન પરીજાદે જાણ્યા ત્યારે એણે બુલબુલને પૂછ્યું - ‘કાલે છપ્પનભોગ બનાવી તૈયાર રાખજો અને કાકડીના ચીરામાં મોતી ભરી થાળ સજાવજો.’

‘બુલબુલ! ભોજનમાં તે વળી મોતી હોતાં હશે? અને મારી પાસે એવાં મોતી છે પણ ક્યાં?’

બુલબુલે કહ્યું - ‘તમારા બગીચામાં ફળના વૃક્ષના થડમાં એક નાની પેટી જે મોતીઓથી ભરેલી છે.’ બગીચામાં વૃક્ષના થડ પાસે ખોદતાં પરીજાદને મોતીથી છલોછલ ભરેલી એક પેટી મળી. એ વિસ્મય પામી.

સૂર્ય આથમી ગયા પછી બાદશાહને લઇને બંન્ને ભાઇઓ ઘેર આવ્યા. અંદર લઇ ગઇ. શાહી બુલબુલ, ગાતું વૃક્ષ અને સોનેરી પાણી જોઇને બાદશાહ તો દંગ રહી ગયો. કાકડીના ચીરામાં મોતી ભરેલાં જોઇ બાદશાહે કહ્યું - ‘આ તો ખાવાની વસ્તુ નથી. આને શી રીતે ખાઇ શકાય?’

ત્રણેય ભાઇ બહેન એકબીજાને તાકી રહ્યાં. ત્યારે બુલબુલે કહ્યું - ‘બાદશાહ સલામત! આપને કાકડીના ચીરામાં મોતી જોઇને આશ્ચર્ય થાય છે. પણ આપની બેગમે ગલુડિયાને, બિલાડીના બચ્ચાને અને છછુંદરને જન્મ આપ્યો એ વાત જાણી આશ્ચર્ય ના થયું? તમે એ વાત પર વિશ્વાસ કરી લીધો? શું કોઇ સ્ત્રી ગુલડિયાને, બિલાડીના બચ્ચાને કે છછુંદરને જન્મ આપે એ શક્ય છે?’

બાદશાહનું હૈયું ખળભળી ઊઠ્યું. એણે કહ્યું - ‘આ વાત તો પ્રસુતિ વખતે હાજર રહેલી સ્ત્રીઓએ કહી હતી.’ બુલબુલે કહ્યું - ‘એ સ્ત્રીઓ ઇર્ષાખોર હતી. એમણે આપની બેગમને આપના મનથી ઉતારી દેવા એમ કહ્યું હતું. એ બંન્ને બેગમની સગી બહેનો પણ છે. પૂછો એમને કડકાઇ કરીને.’

બાદશાહે બોલતા બુલબુલને પૂછ્યું - ‘હે રહસ્યમયી બુલબુલ! કહે કે શું બેગમે ખરેખર ગર્ભ ધારણ કર્યા હતા? શું ખરેખર એણે બાળકોને જન્મ આપ્યો હતો?’ ‘હા,હા, બેગમે બે પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. એ ત્રણેયને શાહી બગીચાના રખેવાળો પોતાનાં સંતાનોની જેમ ઊછેર્યાં છે.’ બાદશાહે અધીરાઇથી પૂછ્યું - ‘ક્યાં છે એ બધાં?’

‘આ રહ્યાં તમારી નજર સામે.’ બાદશાહે ભાવવિભોર થઇ બહમન, પરવેજ અને પરીજાદને છાતીસરસાં ચોંપી દીધાં. વિદાય લેતી વખતે બાદશાહે બેગમને લાવવાનું વિચાર્યું.

પોતાના મહેલમાં પાછા ફરીને બાદશાહે વજીરને બોલાવી હુકમ કર્યો - ‘નાની બહેન સાથે દુશ્મનાવટ રાખનાર બે બહેનોનાં માથાં ધડથી જુદાં કરવામાં આવે. એમણે કરેલો ગુનો ક્ષમાને યોગ્ય નથી.’

પછી બાદશાહ કૈખુશરો જાતે જ બંદીખાને પહોંચ્યો. બેગમને એણે મુક્ત કરી. ઘણાવાર સુધી એને ભેટી રહ્યા બાદ કહ્યું - ‘બેગમ! હું તમારો ગુનેગાર છું. મને માફ કરી દો. મેં વિના કારણ તમને કઠોર સજા કરી છે.’

બાદશાહ બેગમને શાહી મહેલપર લઇ આવ્યો. એને શાહી વસ્ત્રાલંકારો પહેરાવી કહ્યું - ‘અમારી બેગમે ગલુડિયાને, બિલાડીના બચ્ચાને કે છછુંદરને જન્મ આપ્યો નથી. પણ બે દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો છે. એ ત્રણેય અત્યારે જીવતાં છે.’

બેગમે રડતાં રડતાં પૂછ્યું - ‘ક્યાં છે મારાં સંતાનો?’ બાદશાહે એને ધીરજ બંધાવતાં કહ્યું - ‘બેગમ! થોડી રાહ જુઓ.’ બીજે દિવસે બેગમ બાદશાહ સાથે એનાં બાળકોના મહેલમાં ગઇ. બાળકોને જોઇ એ હરખઘેલી થઇ ગઇ. એની આંખોમાંથી અનરાધાર શ્રાવણ ભાદરવો વરસી રહ્યા.

બાદશાહે બેગમને બુલબુલ,ગાતું વૃક્ષ અને સોનેરી પાણી બતાવ્યાં. આ ખબર વાયુવેગે નગરમાં ફેલાઇ ગઇ. પ્રજાએ ખુશીમાં મોટો ઉત્સવ ઊજવ્યો. આ રીતે શહરજાદે વાર્તા પૂરી કરી.

દુનિયાજાદે શહરજાદ સામું જોઇ કહ્યું - ‘દીદી! ખરેખર તમારી પાસે તો વાર્તાઓનો ખજાનો છે. આપે એક હજાર રાતો સુધી શિક્ષણદાયક, મનમોહક, કલ્પનાશીલ અને આનંદદાયક વાર્તાઓ સંભળાવી છે. આ વાતો એટલી બધી જ્ઞાનવર્ધક છે કે જો માણસ એના પર મનન ચિંતન કરે તો એને જિંદગીની બધી સૂક્ષ્મતા સમજાઇ જાય. હવે તમે કઇ વાર્તા અમને સંભળાવવાનાં છો?’

શહરજાદે નિસાસો નાંખતાં કહ્યું - ‘દુનિયાજાદ! હવે તો મારા ખજાનામાં વાર્તાઓ ખૂટી ગઇ છે. હવે મારી જિંદગીની વાર્તા પણ કોઇ જલ્લાદના હાથે પૂરી થઇ જશે.’

એ જ વખતે શહરયારે કહ્યું - ‘તારી વાર્તાઓથી હું જીવનના સત્યનું જ્ઞાન પામી ચૂક્યો છું. હવે તારો કોઇ વાળ વાંકો નહીં કરી શકે. તારી વાર્તાઓએ મારા મનનો મેલ ધોઇ નાખ્યો છે. હું અત્યારે જ જાહેર કરું છું કે આજથી હું લગ્ન કરીને કોઇ પણ પત્નીનું માથું કલમ નહીં કરાવું. હું મારું વચન તોડી નાખું છું.’

સવારે જ્યારે નગરજનો અને મંત્રીઓને આ સમાચાર મળ્યા ત્યારે એમને પારાવાર ખુશી થઇ. આખા શહેરમાં ઉત્સવ મનાવવામાં આવ્યો. રાત્રે નગર આખામાં રોશની કરવામાં આવી.