Sura pidhi re me to jani jani.. books and stories free download online pdf in Gujarati

સુરા પીધી રે મેં તો જાણી જાણી........

સુરા પીધી રે મેં તો જાણી જાણી........ -
-અજય પંચાલ
ભાગ 1

પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલા પ્રદેશોમાં બરફવર્ષા ઘણી જ થાય છે. પણ ભારતમાં સૌથી વધુ બરફ ક્યા પડે છે?

અને જવાબ મળે છે વ્હીસ્કીના ગ્લાસમાં. બીજા બધા પ્રદેશોમાં ય વ્હીસ્કીના ગ્લાસ તો છલકાતાં જ હશે પણ આપણે તો વાત કરવી છે છેલ છબીલા ગુજરાતીની. ગુજરાતી લોકોની આમ તો ઘણી બધી ખાસિયતો છે અને જો એ ખાસિયતો પર લખવાં બેસીએ તો તો અલગ ચેપ્ટર લખાઈ જાય. ગુજરાતીઓની ખાસ ખાસિયત એ છે કે ગુજરાતી લોકો હરવા ફરવાં માટે અને ખાણી-પીણી માટે જાણીતાં છે. વેકેશન દરમ્યાન અલગ અલગ જગ્યાએ ફરવા જવું અને એ વખતે ય પોતાનું ગુજરાતી ફૂડ સાથે લઇ જવું એ ગુજરાતીની ખાસિયત છે. પણ એ સિવાય પણ ગુજરાતીઓની ખાસિયત છે 'પીવાં' ની!

ગાંધીજી દારૂબંધીના હિમાયતી હતાં એટલે રાષ્ટ્રપિતાની જન્મભૂમિને દારુ મુક્ત રાખવાના શુભ આશયથી દારૂબંધીનો કાયદો ખાસ ગુજરાત માટે પસાર કરવામાં આવ્યો પણ એ કાયદાનો અમલ અસરકારક રીતે નથી થઇ શક્યો. મનુષ્યની પ્રકૃત્તિ છે કે જેના માટે ના પાડવામાં આવે તે કાર્ય કરવાનું મન અવશ્ય થાય જ. અને એટલે જ ગુજરાતમાં ઘણો બધો દારુ પીવાય છે. જોકે છડેચોક વેચાતો નથી કે છડેચોક પીવાતો પણ નથી. પણ છાનામાના નાની મોટી પાર્ટીઓ યોજાઈ જાય છે. ઘણી વેળાં તો ખાસ પીવા માટે જ આવી પાર્ટી રખાઈ હોય છે. અને ઘણીવાર મોટી પાર્ટી દરમ્યાન એકાદ ખૂણે કે એકાદ રૂમમાં એક અલગ પાર્ટી પીવાની જ થઇ જાય છે. હરવાફરવાના શોખીન ગુજરાતીઓ ફરવા જાય ત્યારે તો અચૂક એવા સ્થળે પણ પીવાની જોગવાઈ થઇ જાય તેવો તો ખ્યાલ રાખે જ છે. ખાસ કરીને સ્થળની પણ પસંદગી થાય ત્યારે ધ્યાન રાખે કે ત્યાં મળી તો રહેશે ને? ગુજરાતીઓના સગાઓ જો વિદેશમાં રહેતા હોય અને એમની ઇન્ડિયાની મુલાકાત દરમ્યાન સાથે લાવેલી ડ્યુટી ફ્રી બોટલ પણ પાર્ટીનું કારણ બની જાય છે.

તો આવી પાર્ટીમાં આપણે જેને સામાન્ય ભાષામાં દારુ કહીએ છીએ એમાં ખરેખર પીવાય છે શું? ગુજરાતમાં બે જ જાતના દારુ મુખ્યત્વે પીવાય છે. એક તો મજુરીયાત વર્ગ દ્વારા પીવાતો હલકી કક્ષાનો દેશી દારુ અને બીજો 'ઈંગ્લીશ' કહેવાતો દારૂ 'વ્હીસ્કી'. દારુ એ બહુ જ બદનામ થયેલો શબ્દ છે. બાકી પુરાણોમાં તો એનો ઉલ્લેખ સોમરસ તરીકે થાય છે. ઉમરાવો અને બાદશાહો એને શરાબ કહીને સંબોધે છે. સાહિત્યિક ભાષામાં સુરા કે આસવ શબ્દ પ્રયોગ વપરાય છે. અને ગરીબ અને મજુરીયાત વર્ગ એને દારુ કહે છે. અમુક હલકી કક્ષાનો દેશી દારુ પ્લાસ્ટીકના પેકેટમાં વેચાતો હોઈ એને 'પોટલી'ના નામથી પણ ઓળખાય છે. આમતો દેશી દારુ દ્રાક્ષ કે મહુડાંના પાકેલાં ફળોને આથો ચઢાવીને બનાવાતો હોઈ દ્રાક્ષાસવ કે મહુડો તરીકે પણ ઓળખાય છે. ઘણી જગ્યાએ તો એ નારંગી કે મોસંબીના નામથી પણ ઓળખાય છે. પણ પૈસાદાર કે ભણેલો વર્ગ મોટે ભાગે જે દારૂનું સેવન કરે છે એ 'વ્હીસ્કી' કે 'બીયર હોય છે.

હું બીઝનેસના કામ અર્થે અને ફરવાનો શોખીન હોઈ દેશ વિદેશોમાં ઘૂમતો રહ્યો છું. દર વર્ષે નવા દેશના જાણીતાં સ્થળે વેકેશન માણવા જવું એ મારો શોખ છે. અલગ અલગ દેશોની સંસ્કૃતિ વિષે જાણવા, નવાનવા લોકોને મળવા ઉપરાંત મને નવા નવાં ફૂડ ટ્રાય કરવાનો અને અલગ અલગ દેશોના અલગ અલગ શરાબના સેવન કરવાનો પણ શોખ છે. મારા લેખોમાં, વાતચીતોમાં કે ફોટોગ્રાફસમાં અલગ અલગ જાતના, અલગ અલગ નામના શરાબને અલગ અલગ પાત્રમાં પીવાનો ઉલ્લેખ થતો જ રહે છે. અને મારા એક નજીકના મિત્ર કે જેઓ પણ પીવાના શોખીન છે એમણે જ મને આગ્રહ કર્યો કે તમે આ વિષય પર એક માહિતી સભર લેખ લખો. એમનું કહેવું એમ હતું કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં મોટાભાગના લોકો વ્હીસ્કી કે બીયર જ પીવે છે કારણ કે એમને એ સિવાય બીજું શું પીવાય, કઈ રીતે પીવાય અને એને શું કહેવાય એ બાબતમાં ઝાઝું જ્ઞાન નથી. અને આ બાબતે ધ્યાનથી વિચારતાં મને પણ ખ્યાલ આવ્યો કે સત્યાવીશ વર્ષ પહેલા જયારે હું અમેરિકામાં આવ્યો ત્યારે મને શું ખબર હતી? હું પણ એ વખતે વ્હીસ્કી સિવાય અન્ય કોઈ શરાબ પીતો નહીં. જાણે આપણે તો લાંબા સમયથી રોજ જ પીતાં હોય તેમ એનું કારણ એ આપતો કે મને બીજું કાંઈ ફાવતું નથી. બીજું કંઈ નહીં ફાવવા કરતાં બીજું કોઈ જ્ઞાન નહોતું એ મુખ્ય કારણ હતું. એટલે જ મેં આ બીડું ઝડપ્યું કે ચાલો આ બદનામ વિષય પર હું લંબાણથી લેખ લખું. મારા વાંચક મિત્રોને શરાબની અલગ અલગ જતો વિષે, અલગ અલગ દેશના વિવિધ શરાબ વિષે, એને પીવાની રીતો વિષે, એના પાત્રો વિષે, એની અલગ અલગ રેસીપી વિષે વ્યવસ્થિત માહિતી પૂરી પાડું અને એમના જ્ઞાનમાં કંઈક વધારો કરું. દારૂને ઘણાં તો ઝેર પણ કહે છે એટલે જ મેં જાણીતાં શીર્ષકમાં થોડો ફેરફાર કર્યો. ચાલો આપણે જઈએ 'સુરા પીધી રે મેં તો જાણી જાણી..'ની સફરે.

પરદેશમાં વસવાટ હોવાને કારણે શરાબ સેવન એ સામાન્ય બાબત છે. અમેરિકા અને અન્ય પાશ્ચાત્ય દેશોમાં શરાબને સામાજિક દુષણ માનવામાં નથી આવતું. શરાબ અહિયાં સોસીયલ બોન્ડીંગ માટે વપરાય છે. અહિયાં વસેલા મોટાભાગના ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ વાર તહેવારે પ્રસંગોપાત શરાબની મજા માણે જ છે. જો કે અહિયાં પણ ઘણાં ખરા ગુજરાતીઓ બીયર અને વ્હીસ્કીથી આગળ વધી નથી શકયા અને એનું કારણ છે અપૂરતી માહિતી. પણ ભારતીય સિવાયની અન્ય પ્રજા વાર તહેવારે અલગ અલગ જાતના શરાબની મજા માણે છે. અહિયાં માણસ ખુશ હોય તો ય શરાબ પીવે છે અને દુઃખી હોય તો પણ. કોઈના લગ્નમાં પણ શરાબ પીવાય છે અને જો કોઈના ડિવોર્સ થાય તો પણ. નોકરી મળવાની ખુશીમાં જામ ટકરાવાય છે અને નોકરી ગુમાવવાના ગમમાં પણ. માણસ ટોળાંમાં હોય ત્યારે કે એકલો ઉદાસ હોય ત્યારે પણ શરાબ પીવે છે. પ્રેમમાં પડે ત્યારે કે પ્રેમ છુટી જાય ત્યારે, પરીક્ષા પાસ કરવાના આનંદમાં કે નાપાસ થવાની ગમગીનીમાં, બાળકનો જન્મ થાય ત્યારે કે કોઈનું ફયુનરલ હોય ત્યારે પણ શરાબ તો પીવાય જ છે. આમ અલગ અલગ પ્રસંગો શરાબ પીવાતો હોવા છતાં અહિયાં શરાબ પીને માણસ બેહોશ થઇ જાય કે બકવાસ કરે કે લડાઈ ઝગડો કરે, લથડીયા ખાઈને ગમે તેમ પડતો આખડતો ચાલે એવા પ્રસંગો બહુ ઝૂઝ જ બને છે. એનું કારણ છે અહીના સભ્યતા, અહીનું શિક્ષણ, દારૂને દુષણ ગણીને દુર રહેવા કરતા સમજદારી પૂર્વક આનંદ પ્રમોદના સાધન તરીકે કરેલો સ્વીકાર છે. અહિયાં વયસ્કોને એકવીસ વરસની ઉંમર પાર કર્યા પછી દારૂ પીવા માટે કોઈ બંધી નથી એટલે એવું પણ નથી કે આ વસ્તુ ક્યારેય મળી નથી કે મળશે નહીં. જે વસ્તુ ફરી વખત મળવાની ખાતરી હોય તેનો જરૂર કરતા વધારે ઉપયોગ કરવાની એષણા મનમાં ન જાગે એ પણ સ્વાભાવિક છે.

ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં દારૂને દુષણ ગણવામાં આવે છે એનું કારણ એ છે કે દારૂની લત ને કારણે ઘણાં કુટુંબો બરબાદ થાય છે. પણ મોટા ભાગે આની પાછળનું કારણ અશિક્ષણ, અલ્પ શિક્ષણ, ગરીબી, તણાવ અને સમજદારીનો અભાવ મુખ્યત્વે છે. બીજું કે આપણે નાનપણથી જ ફિલ્મોમાં અમિતાભ બચ્ચન કે દિલીપકુમાર જેવા મહાનાયકોને ફિલ્મી પરદા પર દારૂના નશામાં ગાંડી ઘેલી હરકતો કરતાં કે બકવાસ કરતા જોયેલાં હોય છે. દારૂ પીને થોથવાયેલી જીભથી બોલાતાં સંવાદો સાંભળેલા હોય છે. દારૂના નશામાં પડતાં આખડતાં નાયકને જોયો હોય છે. અથવા તો વિલનને દારૂ પીને ગુનાખોરીના નિર્ણયો લેતા જોયો હોય છે. એટલે નવાં નવા પીનારા એમ માનતા હોય છે કે આવો અનુભવ દારૂના નશામાં દરેકને થાય છે. બીજું કારણ એ પણ છે કે પહેલી વાર પીનારને શરાબ કઈ રીતે પીવો એની ટેકનીકનો ખ્યાલ નથી હોતો. એમાં ય જો છાનામાના પીવાનું હોય તો પકડાઈ જઈએ એ પહેલા તો પતાવી દેવાનું હોય છે એમાં પોતાની હદ કરતા વધારે કે ઝડપથી પીવાઈ જાય છે. ઘણીવાર કોઈની પાર્ટીમાં પીવાનો ચાન્સ મળી જાય તો ફરીવાર કદાચ ચાન્સ ના મળે એ લોભે પણ વધારે પીવાઈ જાય છે. મને ખ્યાલ છે કે મારો એક મિત્ર એવો હતો કે એ બધા કરતા પહેલાં ઝડપથી ગ્લાસ ખાલી કરી દેતો અને એ બતાવવાની કોશિશ કરતો કે જુઓ મારી કેપેસીટી કેટલી બધી છે. અને આ જ કારણોથી શરાબનો નશો મગજ પર જલ્દીથી ચઢી જાય છે અને શરીર પરનો કાબુ ગુમાવી દેવાય છે. બાકી જો શરાબ પણ સમજીને પીવાય તો એ હાનીકારક નહીં પણ આનંદદાયક બની જાય છે.

શરાબની વાત નીકળી છે તો એક રમુજી વાત યાદ આવી ગઈ. મારી ઇન્ડિયાની મુલાકાત દરમ્યાન એકવાર અમે આ રીતે એક પાર્ટીમાં હતા. સમુહમાં બેઠા હતા અને અલગ અલગ ટાઈપના ડ્રીંક્સની વાત થતી હતી અને મારાથી મારા મિત્રને પુછાઈ ગયું, “Hey did you ever had sex on the beach?” મારો મિત્ર અવાક બની ગયો કે હું આવો બેહુદો પ્રશ્ન આમ ગ્રુપમાં બધાના દેખતાં કઈ રીતે પૂછી શકું? અને મેં વળી ઉમેર્યું, “When I visited Goa, I had Sex on the beach very first time.” બધા મારી બેશરમી અને નફ્ફટાઈથી અવાક જ થઇ ગયાં હતા. બધા ખડખડાટ હસ્યા જયારે મેં બધાને જણાવ્યું કે હું સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સની નહીં પણ 'સેક્સ ઓન ધ બીચ' નામના એક ડ્રીન્કની વાત કરતો હતો.

જો આ લેખ આપને પસંદ આવે તો આપના પ્રતિભાવ જણાવશો તો બીજા ભાગમાં અલગ અલગ ટાઈપના આલ્કોહોલ અને ડ્રીન્કસ વિષે વાતો કરીશું.

ક્રમશ:

-અજય પંચાલ

ક્રમશ: --અજય પંચાલ (USA)