Julius Caesar books and stories free download online pdf in Gujarati

જુલિયસ સીજર

જૂલિયસ સીઝર

લેખકઃ-

શૈલેશ વ્યાસ

મો.9825011562

email:- Saileshkvyas@gmail.com


જૂલિયસ સીઝર

જૂલિયસ સીઝર, આ નામ સાંભળતા જ આપણી સામે એક ભવ્ય સમયની ઝાંખી આવી જાય છે. મોટા મોટા મહાલયો, શિલ્પો, રાજપ્રસાદો, રથો, શિરસ્ત્રાણ, કવચ અને તલવાર ધારણ કરેલ લાલ રંગના ગણવેશમાં રોમન સૈનીકો અને લીજીયનો. આવી ભવ્યતા આપણે હોલીવુડની ‘બેનહુર’ અને ‘ગ્લેડીયેટર’ વિ. ફિલ્મોમાં જોઈ ચૂક્યા છીએ. આ ભવ્યતા ને વિશ્વ વિખ્યાત બનાવનાર રાજનેતા અને સેનાપતિ એટલે ‘‘જૂલિયસ સીઝર’’. સીઝર તો એના નામ નો એક અંશ કે અટક હતી પણ જુલિયસ સીઝર એટલો પ્રસિધ્ધ અને લોકપ્રિય થઈ ગયો કે ‘‘સીઝર’’ શબ્દ એક રાજકીય હોદ્દાનો પર્યાય બની ગયો. જેમ દેવોના રાજા ને ઈંદ્ર કે રશિયાના સમ્રાટને ‘ઝાર’ કહેવાય છે તેજ રીતે રોમના સમ્રાટો પોતાને સીઝર કહેલાવામાં ગૌરવ અનુભવવા લાગ્યા હતા. એટલે જ જૂલિયસ પછીના બધા સમ્રાટો પોતાને સીઝરના હોદ્દાથી ઓળખવા લાગ્યા.

જૂલિયસ સીઝરના રાજકીય ફલક ઉપરના આગમન સુધી રોમ એક ગણતંત્ર રાજય હતુ અને સફેદ વસ્ત્ર ગણવેશધારી ‘‘સીનેટરો’’ રાજ્ય સંચાલન કરતા હતા. પણ જૂલિયસ સીઝરે પોતાના વિજયી સૈન્ય અભિયાનો કારણે પ્રચંડ લોકપ્રિયતા અને શક્તિઓ અર્જીત કરી લીધી અને વિવિધ રાજકીય ગઠબંધનો કરી જુદા જુદા હોદ્દાઓ ગ્રહણ કરી પોતાને રોમનો સરમુખત્યાર સ્થાપીત કરી દીધો. તેનું એકહથ્થુ શાસન હતુ અને તે લગભગ રોમનો રાજા જ બની ગયો હતો. તેના વખતમાંજ રોમનું ગણતંત્ર નાશ પામ્યુ અને રોમન સામ્રાજ્યનો પાયો નખાયો. તેની રાજકીય હત્યા પછી તેના દત્તક પુત્ર ઓક્ટેવીયન (ઓગસ્ટસ) વિધિવત રોમનો પ્રથમ સમ્રાટ બન્યો.

સીઝર અદ્દભૂત સેનાપતિ હતો અને તેણે ગોલ (ઈટાલી, ફ્રાંસ અને દક્ષિણ યુરોપનો અમુક ભાગ) જીતી લીધો અને બ્રિટેન ઉપરનું ઇતિહાસનું પ્રથમ આક્રમણ કર્યુ જેને કારણે રોમનું ઈંગ્લીશ ચેનલ અને ચ્હાઈન સુધી ક્ષેત્રફળ વિસ્તર્યુ. તદ્દઉપરાંત તેણે ઈજીપ્ત ઉપર પણ વિજય મેળવ્યો. રોમની પ્રજામાં તે અંત્યત લોકપ્રિય અને સ્તુત્યહતો. પણ સાથે સાથે ગણતંત્રમાં માનવા વાળા ઘણા ઉમરાવ સેનેટરો તેનો છુપો વિરોધ કરતા હતા. અને તેઓ એ એક ષડયંત્ર રચીને સેનેટમાંજ છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી.જેમાં એક તો તેનો ખાસ મિત્ર બ્રુટસ પણ હતો. સીઝરે આઘાત અને આશ્ચર્યચકિત થઈને કહેલા આખરી શબ્દો આજે પણ વિશ્વાસઘાતના પર્યાય ગણાય છે. તેણે કહેલું ‘‘ઈટ ટુ બ્રુટસ?’’ (શું તુ પણ બ્રુટસ?’’)

રોમન સામ્રાજય જે ભવિષ્યમાં એટલું વિશાળ બવાનું હતું કે તેને બે ભાગમાં વિભાજન કરવામાં આવ્યુ હતુ. પશ્ચિમી રોમન સામ્રજય અને પૂર્વીય રોમન સામ્રાજ્ય. પશ્ચિમના રોમન સામ્રાજ્ય નું કેન્દ્ર બિંદુ / રાજધાની રોમ હતી તો પૂર્વીય સામ્રાજય ની રાજધાની કોન્સ્ટેન્ટીનોપલ (આજનું ઈસ્તંબુલ, તુર્કી) હતી, તેનો પાયો જૂલિયસ સીઝરે નાખ્યો હતો. મહાન સિંકદર પછી પ્રાચીન સમયમાં જો કોઈનું નામ અદ્વિતીય સેનાપતી તરીકે અને વિજયી યુધ્ધપતી તરીકે લેવાતું હોય તો તે નામ જૂલિયસ સીઝરનું છે. આવો આપણે તેના જીવન વિશે લંબાણ થી જાણીએ.

પ્રારંભિક જીવન

જૂલિયસ સીઝરનો જન્મ ૧૩ જૂલાઈ ૧૦૦ બીસીના રોજ થયો હતો. તેઓ માનતા હતા કે તેઓનું કુટુંબ ટ્રોયના સુપ્રસિધ્ધ રાજકુમાર એનીયસના વંશજ હતા. તેના પિતાના મુત્યુ બાદ તેમના કાકા ગ્રેયસ મારીપસ અને તેના વિરોધી લ્યુસીયસ સુલ્લા વચ્ચેના ખૂનખરાબા વચ્ચે તેણે ખૂબજ ભોગવવુ પડયું.ય અને માંડ માંડ પોતાનો જીવ બચાવ્યો. તેણે રોમ છોડી દીધુ અને માર્કસ થર્મસની સેનામાં જોડાઈ ગયો. જયાં તેણે માઈટીલીન અને બાઈથીનીઆ ના અભિયાનો માં ભાગ લીધો.

સુલ્લાના મૃત્યુ પછી તે રોમમાં પાછો ફર્યો અને સામરીક ટ્રીબ્યુન તરીકે તેની વરણી થઈ. ૬૯ બી.સી.માં તે કવેશ્વટર તરીકે ચૂટાયો અને સ્પેન ઉપર દેખરેખ રાખી ૬૩ બીસીમાં તે પોંટિફેક્સ મેક્સીમમ તરીકે ચૂંટાઈ આવ્યો. ૬૨ બીસીમાં તેને હિસ્પાનીયા અલ્ટીરીયર (આજના સ્પેનનો એક ભાગ) ના ગર્વનર તરીકે નિમવામાં આવ્યો. તેણે સ્પેનમાં વિવિધ જનજાતીઓ ને જીતી લીધી અને પ્રેટર તરીકે સુંદર કામગીરી બજાવી. ત્યારબાદ તેણે કાઉન્સેલ તરીકે ની ચૂંટણીમાં ઝુકાવ્યુ અને તે જીતી ગયો. તેણે કાસીયસ અને પોમ્પી સાથે જોડાઈને ‘‘ત્રિમૂર્તિ’’ની સ્થાપના કરી અને તેની ગોલના રાજકર્તા તરીકે નિમણુંક થઈ.

સામરીક વિજયો.

ગોલ વિજય અને બ્રિટન ઉપર આક્રમણ વખતે સીઝર પાસે ચાર લીજીઅન (સૈનીક ટુકડીઓ) હતી. ગોલની અમુક જાતિઓ રોમ માટે ભયજનક બનતી જઈ રહી એટલે સીઝરે બે બીજી ટુકડીઓ તૈયાર કરી. આ બધી જાતીઓને હરાવી ધીરે ધીરે કરીને તેણે આખુ ગોલ (અત્યારનું ફ્રાંસ) પોતાના કબ્જામાં લઈ લીધું અને ઉત્તરના આ વિજયો બાદ બ્રિટન ઉપર આક્રમણના દરવાજા ખુલી ગયા. તેણે બે વખત બ્રિટેન ઉપર આક્રમણ કર્યુ અને ઘણો ભૂભાગ કબજે કર્યો. આ દરમ્યાન ગોલ ના વતનીઓ એ ફરી સીઝર સામે યુધ્ધ છેડયું. સૈન્યની સંખ્યા દ્રષ્ટિએ ગોલવાસીઓનું બળાબળ રોમના સૈન્ય જેટલું જ હતુ પણ આંતરીક ધર્ષણોને કારણે સીઝરનો સરળ વિજય થયો. ગોલના નેતા વર્સીનઝેટોરીક્ષે ઘણી કાબેલિયતથી સીઝર નો પ્રતિકાર કર્યો પણ એલીસીઆની લડાઈમાં તે હારી ગયો અને તેણે સીઝરની શરણાગતી સ્વીકારી લીધી. આ યુધ્ધમાં ગોલના દસ લાખ સૌનિકો માર્યા ગયા, દસ લાખ ને ગુલામ તરીકે પકડી લેવાયા. ૩૦૦ જાતીઓને પરાજીત કરાઈ અને ૮૦૦ શહેરોનો ધ્વંશ કરાયો.

સીવીલ વોર (આંતર વિગ્રહ)

૫૦ મી બી.સી.માં પોમ્પીની આગેવાનીમાં સેનેટે સીઝર ને રોમ પાછા ફરવા અને તેની સેના ને વિખેરી નાખવા આદેશ આપ્યો. સીઝર ને ભય લાગ્યો કે જો તે રોમમાં પ્રવેશ કરશે તો તેના ઉપર મુકદમો ચલાવવામાં આવશે કેમ કે પોમ્પી એ તેના ઉપર રાજદ્રોહ અને આજ્ઞાભંગનો આરોપ લગાવ્યા હતા. સીઝરે રૂબીકોન નદીપાર કરી જેના કારણે આંતરવિગ્રહ છેડાઈ ગયો. જો કે સીઝર પાસે માત્ર તેર જ લીજીયન (સૈન્ય ટુકડીઓ) હતી જે પોમ્પીની સેના કરતા ઘણી ઓછી હતી. છતા ગભરાયેલા પોમ્પી અને તેના સાથીદારો દક્ષિણ તરફ ભાગ્યા. સીઝરે ઈટલી નો હવાલો માર્ક એંટોની ને સોપી સ્પેન તરફ ૨૭ દિવસની અદભૂત કુચ કરી તેણે પોમ્પીના સાથીદારોને હરાવી દીધા અને પોમ્પીને યુધ્ધ આપવા પાછો ફર્યો અને તે જ વર્ષે ગ્રીસના ફાર્સાલસમાં તેણે પોમ્પી ને હરાવી દીધો.

રોમમાં વિજેતા સીઝરની સરમુખત્યાર અને કોન્સલ તરીકે વરણી કરવામાં આવી. તેણે પોમ્પીનો ઈજીપ્ત સુધી પીછો કર્યો જયા પોમ્પીની હત્યા તેના સૈનીકો દ્વારા કરવામાં આવી.

ઈજીપ્ત માં તેણે બાલ્યાવસ્થામાં રહેલ ફરાહો અને તેની બહેન કલીઓપેટ્રા વચ્ચેના આંતરવિગ્રહમાં રસ લીધો. તેણે ક્લીઓપેટ્રાના પક્ષમાં યુધ્ધ કર્યુ અને ફરાહોના સૈન્યને નાઈલની લડાઈમાં હાર આપી અને કલીઓપેટ્રાને ઈજીપ્તની મહારાણી તરીકે સ્થાપી તેણે ક્લીઓપેટ્રા જોડે લગ્ન નહોતા કર્યા પણ બંને વચ્ચે અત્યંત પ્રેમ હતો અને તે કલીઓપેટ્રાને પોતાની રાણી જ માનતો હતો. ત્યારબાદ તેણે મધ્યપૂર્વમાં પોન્ટસના રાજા ને સાવ સરળતા થી હરાવ્યો. ત્યારબાદ તેણે આફિકામાં પોમ્પીના સાથીદારો તેમજ મિત્ર કાટો ઉપર નોંધપાત્ર વિજય મેળવ્યો. પોમ્પીનાં પુત્રો સ્પેન ભાગી ગયા જયા તેમની પાછળ પડેલા સીઝરે તેમને મુંડાની લડાઈમાં હરાવી દીધા.

સુરમુખત્યારશાહી

આ દરમ્યાન સીઝરની દસ વર્ષ માટે સરમુખત્યાર તરીકે તથા કોન્સલ તરીકે નિમણુંક કરવામાં આવી. રોમની સેનેટે સીઝરનું જાત જાતનું બહુમાન કરવા માંડયું. સીઝરે તેના બધા વિરોધીઓને માફ કરી દીધા હતા અને કોઈના ઉપર પ્રતિબંધ મુક્યો ન હતો. એટલે બધા તેના સાથમાં હતા અને તેની સામે ભાગ્યે જ કોઈ વિરોધ હતો. સીઝરના વિજયો ઉજવવા માટે રોમમાં રમતગમત તથા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું. આ દરમ્યાન તેણે પોતાનું વસિયતનામુ તૈયાર કર્યુ અને પોતાના દત્તકપુત્ર ઓકટેવીયનને પોતાનો વારસદાર નિમ્યો.

સીઝરે રોમના ગણતંત્રની બેહાલી જોઈ હતી. એટલે તેણે નવુ બંધારણ તૈયાર કરાવ્યુ જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે રાજયસત્તા સામે કોઈ સશસ્ત્ર બળવો કે ક્રાંતિ ન થાય જેથી કરીને સામ્રાજ્યમાં શાંતિ સ્થપાય. રોમમાં એક સ્વકેન્દ્રિત સરકાર હોય જે ખૂબજ મજબુત હોય તથા આખુ સામ્રાજ્ય સંયોજીક તંત્રમાં હોય. આ માટે તેણે ઘણા સુધારા વધારા કરાવ્યા જેમાનો એક મુખ્ય સુધારો હતો જૂલિયસ કેલેન્ડર (તારીખીયું) હતુ. તેણે પોતાની સત્તાઓ વધારી દીધી અને અન્ય રોમન રાજકીય સંસ્થાઓની સત્તાઓ ઘટાડી દીધી.

સીઝર ના માનમાં અને ગોલ, ઈજીપ્ત, ફાર્નાસીસ, જૂબા વિ. ઉપરના વિજયો ના ઉપલક્ષમાં ઉત્સવો, રમતગમતો, શિકાર, સર્કસ વિ. નું આયોજન કરવામાં આવ્યું.

સીઝરે ઘણા કાયદાકીય સુધારા અને નિયમો દાખલ કર્યા જેમાં, જણગણના, ન્યાયાધિશો સેનેટર જ અથવા સમકક્ષ લોકો જ બની શકે, વધારે બાળકો હોય તેવા માતાપિતાને પ્રોત્સાહન, ગવર્નરોની કાર્યકાળને મર્યાદીત તથા ઋણને લગતો કાયદો ઘડયો. જેનાથી લગભગ એક ચર્તુર્થાંસ કરજ માફ થઈ જાય તેણે અનાજ વિતરણ તથા જમીન વિતરણ ઉપર પણ ધ્યાન આપ્યું. તદ્દઉપરાંત આજ આપણે જે કેલેંડર વાપરીએ છીએ તે પણ સીઝરે જે ઘડી કાઢયું હતુ તે કેલેંડર ને આબેહુબ મળતું આવે છે. સીઝરના કેલેંડરને જૂલિયસ કેલેનેડર કહેવામાં આવે છે. તેણે આંતરીક પોલીસ દળની સ્થાપના કરી અને કાર્થેજ અને કોરિંથ શહેરોનું ફરી બાંધકામ કરવાના આદેશો આપ્યા. તેણે કરવેરા એકત્ર કરવાની પધ્ધતી બદલી નાખી. તેની રાજકીય હત્યા થઈ તે પહેલા તેની ઈચ્છા હતી કે ડાસીઅન્સ અને પાર્થિઅન્સ શહેરો ઉપર સામરીક વિજય મેળવવો. ઓસ્ટીઆને પ્રમુખ બંદર બનાવવું અને કોરિંથની સંયોગીભૂમી વચ્ચે નહેર બનાવવી.

તેણે પોતાની રાજકીય સત્તા મજબૂત બનાવવા સેનેટમાં પોતાના પક્ષકારોને જગ્યાએ આપી. આ સેનેટ દ્વારા તેણે વિવિધ સત્તાઓ બહુમાન તથા હોદ્દાઓ આપવામાં આવ્યા. સેનેટમાં સૌથી પહેલા બોલવાનો અધિકાર તેને આપવામાં આવ્યો હતો અને રોમન સિક્કાઓ ઉપર તેનો ચહેરો છાપવામાં આવતો હતો.

રાજકીય હત્યા

સીઝરના રાજયકાળમાં રોમમાં શાંતિ, સંપત્તિ અને સમૃધ્ધિ હતી. સામરીક વિજયોના ઉત્સવો થતા હતા. રમતગમત, શિકાર અને અન્ય પ્રવૃતિઓમાં પ્રજા ખૂબજ ખૂશ હતી. પણ રોમના સેનેટરો, સીઝરની સત્તા, લોકપ્રિયતાથી ડરવા લાગ્યા હતા. તેમને ભય લાગવા લાગ્યો કે જતે દિવસે સીઝર સેનેટને જ વિખેરી નાંખે અને પોતે રાજા / સમ્રાટ બની જશે. આ દરમ્યાન સેનેટે તેને ‘‘અનંતકાળ માટે નો સરમુખત્યાર’’ નો દરજ્જો આપેલ અને તેના ચહેરા વાળા સિક્કા રોમની ટંકશાળે બહાર પાડયા. એક સેનેટરે તેને ‘સમ્રાટ’ ની ઉપાધી આપવા પણ સેનેટ ને વિનંતી કરી હતી.

આ બધાથી ક્ષુબ્ધ થઈને બ્રુટસ, ગલ્બા, લોંજીનસ, સીમ્બર, કાસ્કા વિ. સેનેટરોએ એક ષડયંત્ર રચી સીઝરની હત્યા કરવાનું નક્કી કર્યુ. જયારે સીઝર સેનેટમાં આવ્યા ત્યારે સીમ્બરે તેમને એક આવેદનપત્ર આપવાનું નાટક કર્યુ. બીજા ષડયંત્રકારીઓએ સીઝરને ચારેબાજુ થી ઘેરી લીધો. સીઝરે તેના પર કોઈ ધ્યાન ન આપ્યું. એટલે સીંબરે સીઝરનો ખભો પકડી લીધો અને તેનુ ઉપવસ્ત્ર ખેંચી કાઢયું. આજ વખતે કાસ્કાએ એક ખંજર કાઢી સીઝરના ગળા ઉપર વાર કર્યો. પણ સીઝરે તત્પરતા દાખવી કાસ્કાનો હાથ પકડી લીધો. ગભરાયેલા કાસ્કાએ તરત જ બૂમો પાડી પોતાના સાથીદારોની મદદ માંગી. તરત જ સીઝરને ઘેરી રહેલા ષડયંત્રકારીઓએ પોત પોતાના ખંજર થી સીઝર ઉપર વાર કરવા લાગ્યા જેમા બ્રુટસે પણ ખંજરથી વાર કર્યો. આ અણધાર્યા ઘાતક હુમલાથી સીઝર જમીન ઉપર પડી ગયો પણ હત્યારાઓ તેમના ઉપર ઘા કરતા જ રહયા. સીઝર ઉપર કુલ ૨૩ ઘા કરાયા. હત્યારાઓ હત્યા કરીને ભાગ્યા અને ‘‘રોમવાસીઓ આપણે ફરી સ્વતંત્ર થઈ ગયા છીએ’’ના નારા લગાવતા ગયા.

સીઝરનું મૃત શરિર ત્રણ કલાક સુધી જમીન ઉપર પડયું હતુ પછી ત્રણ ગુલામો તેને ઉપાડીને લઈ ગયા અને તેની અંત્યેષ્ઠિ કરવામાં આવી.

આમ એક અદભૂત રાજનેતા, સેનાપતિ અને રોમને વિશ્વસત્તરે સ્થાપિત કરનારનો કરૂણ અંત આવ્યો.

આ રાજકીય હત્યા પછી બ્રુટસ અને તેના સાથીદારો ઉપર સામાન્ય પ્રજાજનોનો દોષ ઉમટી આવ્યો કારણ કે સામાન્ય પ્રજાજનમાં સીઝર ખૂબ જ લોકપ્રિય હતો. તેઓ ભાગીને ગ્રીસ જતા રહયા. જયા તેઓ એક મોટી સેનાનું ગઠન કરવાની તૈયારી કરતા હતા. સીઝરના દત્તકપુત્ર ઓક્ટેલીયન અને મિત્ર એંટોનીએ તેમને ફીલીપ્પીના યુધ્ધમાં હરાવી દીધા.

સીઝરની રાજકીય પરંપરા

સીઝરની હત્યાના પગલે રોમન ગણરાજ્ય નો અંત આવી ગયો. અને રોમન સામ્રાજ્યની સ્થાપના થઈ. તેના ભત્રીજા અને દત્તકપુત્ર ઓકટેવીયેને (પાછળ થી ઓગસ્ટસ સીઝર) બ્રુટસ, કાસીયસ અને છેલ્લે એંટોની અને કલીઓપેટ્રાને હરાવી રોમનો પ્રથમ સમ્રાટ બન્યો. આપણા કેલેન્ડરમાં આવતો જૂલાઈ મહિનો જૂલિયસ સીઝના નામ ઉપરથી છે. જયારે ઓગષ્ટ મહિનો ઓગસ્ટસ સીઝરના નામ પ્રમાણે છે. સીઝરે ઉચ્ચારેલ આખરી શબ્દો ‘ઈટ ટુ બ્રુટસ’ વિશ્વાસઘાતના અને મિત્રદ્રોહના પર્યાપ્ત તરીકે વિખ્યાત છે. તેણે ઉચ્ચારેલ વાક્ય Veni, vidi, vici (હું આવ્યો મે જોયુ અને હુ જીત્યો) વારંવાર પ્રયોગમાં લેવાય છે. તથા સીઝરની પત્નિ શંકા થી પરે હોવી જોઈએ તે પ્રખ્યાત છે.

વિલીયમ શેકસપીયરે લખેલ નાટક ‘જૂલિયસ સીઝર’ આખા વિશ્વમાં વિખ્યાત છે. તે અદભૂત વક્તા અને લેખક પણ હતો. અને તેણે ઘણા પુસ્તકો અને આત્મકથા પણ લખી હતી. રોમના ઇતિહાસમાં તેને સૌ પ્રથમ દેવી પુરુષ તરીકે સ્થાપવામાં આવ્યો હતો.

સીઝરના રાજયકાળમાં રોમનું ભવિષ્ય ઉજ્જવળ બન્યુ અને તે એક મહાન સામ્રાજ્ય બન્યું. જેની સ્થાપના નો યશ જૂલિયસ સીઝરને જાય છે.

Ref:- (1) www.en.wikipedia.org./wiki/Julius-ceaser

(2) www.biograply.com/people/Julius-ceaser-9192504

(3) www.history.com/topics/ancient-history/Julius-ceaser