Sarnamu books and stories free download online pdf in Gujarati

સરનામું

**સરનામું**

બબ્બે ફૂટ ઊંચા મોજા અફળાવતા અને ઘૂઘવતા દરિયા કિનારે અને સૂર્યાસ્ત સમયની સલૂણી-સિંદૂરી સાંજે હાથમાં હાથ નાખીને મલપતા હૈયે બેઠેલા યુગલો, જીવનની સંધ્યાએ પહોંચ્યા હોવા છતાં મુખ પર યુવાનોને શરમાવે એવા તેજધારી વૃધ્ધો, ભરતીના પાણીમાં તણાઈ આવેલા શંખલા-છીપલાં વીણતા બાળકો, આઈસ્ક્રીમ, મકાઈ, ચનાજોર અને દાળિયા-સીંગ વેંચતા ફેરિયાઓની વચ્ચે પંદર પંદર વર્ષ પછી અનાયાસે જ મળી ગયેલા દુનિયાથી બેખબર અને એકલતાના સાથી એવા પાવન અને પવિત્રા દ્વારા વાણીના વિરામ વચ્ચે મૌન દ્વારા સંવાદિતા રચાઈ રહી હતી.

શૂન્યમાં નિહાળી રહેલી પવિત્રાની નજર હવાની એક લહેરખીએ પાવન પર સ્થિર કરી. ઊંડી ઉતરી ગયેલી કથ્થઈ આંખો પર કાળી ફ્રેમના ચશ્મા, હમેંશની જેમ દૂધિયા કપડાં અને ઉંમરની ચાડી ખાતાં કાબર ચીતરા વાળ.....

“હં... આ એ જ આંખો છે જેની અંદર હું ડૂબી જતી હતી..?? આ એ જ સોનેરી ઝુલ્ફોં હતા એ જેની પાંખો પર સવાર થઈને હું ગગનમાં વિહરતી હતી…. હં...??” એક હળવા નિશ્વાસ સાથે પવિત્રાનું મન બોલી ઉઠ્યું.

દરિયામાં એક મોટું મોજું ઉછળ્યું અને પવિત્રાના મોં પર પાણીની છાલક મારતું પાછું સરી ગયું.

“અરે...!! પાવન નહીં... નહીં... જો કહું છું તને કે આમ પાણી ન ઉડાડજે નહીં તો...”

“નહીં તો શું કરી લઈશ... જાન...??”

“ચલ.. જોઉં હવે સીરિયસ થઈને મારી વાત સાંભળ.” પવિત્રા દ્વારા લંબાવાયેલા હાથને ખેંચીને પાવને તેને પોતાની પહોળી પૌરૂષી છાતીમાં સમાવી લીધી.

વર્ષો પહેલાની વાત યાદ આવી જતાં આજે પણ પવિત્રાના મુખ પર લાલીમા છવાઈ ગઈ. એની છાતી આજે પણ એજ ધબકાર અનુભવી રહી હતી. એની ભાવવાહી આંખો પાવનની આંખો સાથે સંવાદિતા રચવા તત્પર બની. પરંતુ..... પાવનની નજર તો દરિયાના ઘૂઘવતા પાણી પર જડાઈ ગઈ હતી.

“બાબુ સા’બ... ગજરો લિયો ને...!! મેડામજી ખુસ થઈ જાસે.. લઈ લિયો ને બાબુ સા’બ લઈ લિયો ને....” એક હળવી ટીસ સાથે પોતાના આંતર દ્વંદ્વ કરતાં હૈયાની તંદ્રામાંથી પાવન બહાર આવ્યો. એણે જોયું તો મેલાઘેલા કપડાં અને અસ્ત વ્યસ્ત વાળવાળો એક આઠેક વર્ષનો બાળક કાકલૂદી કરી રહ્યો હતો. “ગજરો લઈ લિયો ને....”

“પવિત્રા માટે ગજરો... હં.. હવે એવી સત્તા મારી પાસે રહી જ ક્યાં છે..??” મનોમન બબડતાં પાવનની નજર બાળક પર સ્થિર થતાં એના હ્રદયમાં હડકંપની અનુભૂતિ થઈ આવી.

“અરે..!! યાર એવું બને જ નહીં. પવિત્રા મને આમ છોડીને બીજા કોઈ સાથે લગ્ન... અં.. હં.. કાંઈક ગેર સમજ થાય છે તારી...”

મારા ભોળા ભટ્ટાક ભાઈબંધ આ જો કાર્ડ જેના ઉપર સાફ શબ્દોમાં લખ્યું છે.. ‘પવિત્રા વેડ્સ સારાંશ”

“બાબુ સા’બ... ઓ.. બાબુ સા’બ... ગજરો લિયો ને...”

“હં..” હાથેથી બાળકને રવાના થવાનો ઈશારો કર્યા બાદ પાવન તેને જતાં જોઈ રહ્યો. જન્મોજન્મ સાથે રહેવાના કોલ અને સલૂણા સ્વપ્નો આ બાળકના મેલાઘેલા કપડાંની જેમ ધૂંધળા અને એના અસ્ત વ્યસ્ત વાળની જેમ વેર વિખેર થઈ ગયા હતા. ભૂતકાળમાં ડૂબકી મારી આવ્યા બાદ અચાનક પાવનની નજર પવિત્રા પર પડી. “આટલા વર્ષે પણ નખશિખ એવી જ લાગે છે. કોઈ જ ફરક નથી પડ્યો. એ જ આંખો, એ જ મુખમુદ્રા, એ જ રીતે હર હમેંશનું હાસ્ય..!! હં.. અં.. ક્યાં મારી ગામડિયણ શાંતા ને ક્યાં આ પવિત્રા..??”

પાવનનું મનોમંથન અને અનિમેષ નજરનો ખ્યાલ આવતાં પવિત્રાએ પોતાનું શરીર સંકોચી લીધું અને મૌનને વાચા આપતા હળવેકથી બોલી.

“પાવન... તું.. આઈમીન તમે.. સુખી તો છો ને..??”

“જેને તમે ભૂલી નથી શક્તા એને માફ કરી દો અને જેને તમે માફ નથી કરી શક્તા એને સદાયને માટે ભૂલી જાવ જેવો જીવનમાં ખુશખુશાલ રહેવાનો સચોટ માર્ગ અપનાવ્યા બાદ સુખ-દુ:ખ જેવી આધિ, વ્યાધિ અને ઉપાધિઓ આ બંદાને નડે છે જ ક્યાં..??”

“ચાલો... મારા હ્રદય પરથી એક મોટો બોજો ઉતરી ગયો.”

“પણ.. આજે જ્યારે અનાયાસે જ આપણે મળી ગયા છી ત્યારે તને આપણા સાથે ગાળેલા સમયની આણ આપીને કહું છું કે, પવિત્રા મારી ભૂલ ક્યાં થઈ..?? તને મારી અંદર એવી કઈ ખોટ....”

“ના.. ના.. પાવન, તમારી કોઈ જ ભૂલ નથી અને રહી વાત ખોટની તો ખોટ તમારામાં નહીં પરંતુ મારા વિચારોમાં હતી. પૈસાની ચમક-દમકે મને આંધળી બનાવી દીધી હતી અને તમને તરછોડીને મેં ગર્ભ શ્રીમંત પરિવારના પનોતા પુત્ર સારાંશ સાથે સંસારમાડ્યો.” દરિયામાં ઉછળતાં મોજા જાણે પવિત્રાના હ્રદયની સાક્ષી પૂરીરહ્યા હતા. “પાવન, બની શકે તો મને માફ....”

“વાંધો નહીં, જે થયું તે સારા માટે. ફક્ત પ્રેમથી પેટ નથી ભરાઈ જતું. હું કદાચ તને દુનિયાના તમામ સુખો ક્યારેય આપી ન શક્યો હોત જે પામવાને તું હક્કદાર હતી. એટલે જ મને લાગે છે કે, તું સારાંશસાથે વધુ સુખી હોઈશ.” હ્રદયના ભાવ આંખો દ્વારા વ્યક્ત ન થઈ જાય એટલે પાવને આંખો પર ગોગલ્સ ચડાવી લીધા. “છોડ એ બધું. એ તો કહે કે, કેમ છે તું શ્રીમંત પરિવાર, શ્રીમંત પતિ અને કદાચ બે દીકરીઓ સાથે....???”

“તને યાદ છે હજી..??” પવિત્રા અહોભાવથી પાવનને જોઈ રહી.

“યાદ તો હોય જ ને..!! આ વાતે જ આપણાં વચ્ચે સૌથી વધુ ઝઘડાં થતાં નહીં...??” ફિક્કું હસતાં પાવન બોલ્યો. “હું હમેંશાથી દીકરાની તરફેણમાં રહેતો ને તું... તારું તો સ્વપ્ન હતું કે, તારી કૂખે રાણી લક્ષ્મીબાઈ જેવી દીકરીઓ અવતરે..!! કેમ ખરું ને..??”

“હં... આપણે જે સ્વપ્નો જોઈએ છીએ તે દર વખતે સાચા જ પડે એવું જરૂરી તો નથી જ ને...”

“એટલે...???”

“એટલે.. એમ કે, પરિવાર અને પતિ શ્રીમંત હોવા છતાં એમના વિચારો રંક હતાં. હં.... મારી કૂખે દીકરો જ અવતરે એ માટે ચાર-ચાર વખત મારો ગર્ભપાત......” પવિત્રાના ગળે ડૂમો બાઝી ગયો.

“આ સાંભળીને પાવન હતપ્રભ થઈ ગયો. “દીકરાની લ્હાયમાં ચાર-ચાર વખત ગર્ભપાત...??? અરે!! આવા લોકોને તો જેલના સળિયાની પાછળ…” નજર સમક્ષ કશુંક આવી જતાં આગળની વાત તેની સ્વરપેટીમાં જ અટકી ગઈ.

પવિત્રાએ ગળું ખંખેરીને વાત આગળ વધારી. “પાવન, મને લાગેછે કે, તમને દુ:ખી કરીને હું મારું સુખ મેળવવા ગઈ એનો જ આ બદલો મને મારા ઈશ્વરે આપ્યો છે. આટલી સાદી સરળ વાત હું ન સમજી શકી કે, સુખ એ કોઈ પડાવ કે મંજિલ નહીં, પરંતુ એક ચોક્કસ દિશાનું નામ છે.”

“સો.. નાઉ.. વોટ પવિત્રા...?? હવે આગળ તે શું વિચાર્યુ છે..??” પવિત્રાને ફરી પાછી પામવાનો ક્ષણિક વિચાર પાવનના મનોમસ્તિષ્કમાં આવ્યો અને સરી ગયો.

“મેં સાંભળ્યું’તું કે, દશા બદલવાથી દિશા બદલે છે. એટલે જ મેં મારી દિશા બદલાવીને મારી દશા બદલવાનો પ્રયત્ન કર્યો. અને એક વાત મને સુપેરે સમજાઈ ગઈ છે કે, રસ્તો ક્યારેય હોતો જ નથી એને તો બનાવવો પડે છે એટલે જ મેં મારા સુખનો રસ્તો પોતે બનાવી લીધો અને દુ:ખના સરનામાને ત્યજીને આજે હું આપબળે એક અજાણ્યા શહેરમાં અજાણ્યા લોકો વચ્ચે મારી જાતને મારા વ્યક્તિત્વને અને મારા અસ્તિત્વને ટકાવીને આગળ વધી રહી છું.”

પાવન અહોભાવથી પવિત્રા સામે જોઈ રહ્યો.

“આજે પંદર વર્ષ પછી આપણે અનાયાસે જ મળી ગયા અને તમારી માફી માંગીને હું આજે જાણે હળવીફૂલ બની ગઈ હોઉં એવું મને લાગે છે. પણ એ વાતનો અફસોસ તો મને જીવનપર્યંત રહેશે જ કે, જે સુખના સરનામાની શોધમાં મેં આંધળી દોટ મૂકી હતી તે તો મારા વેંત છેટું જ હતું પણ ધનની લાલચમાં હું ત્યાં..... હં... ખેર, પણ હવે મેં જે મેળવ્યું છે તેને હું ગુમાવવા નથી માંગતી.”

અને પવિત્રાના પવિત્ર મનને સાથ આપતો મેહુલિયો ઝરમર સ્વરૂપે વરસવા લાગ્યો. જો પાવનનું ફરી પાછા કયારેક આમ અનાયાસે જ આ શહેરમાં આવવાનું થાય તો જરૂરથી મળવાના કોલ મેળવીને પવિત્રાએ ચાલવા માંડયું.

“સુખનું સરનામું તો મારાથી વેંત જ છેટું હતું.... વેંત જ છેટું હતું... વેંત....” પવિત્રા દ્વારા બોલાયેલા શબ્દો પડઘા પાડીને પાવનના હ્રદયમાં ઊંડો ઘા પાડી રહ્યા હતા. ચાર-ચાર વખતના ગર્ભપાત પછી તેં તો પોતાના સુખનું સાચું સરનામું શોધી લીધું પવિત્રા, પણ...... એ વેંત છેટું રહી ગયેલું મારા ઘરનું સરનામું શું તારા માટે સાચે જ સુખનું સરનામું હતું પણ ખરું....??? કેમ કે......” અશ્રુ વડે ધૂંધળી પડી ગયેલી પાવનની નજર સમક્ષ લોહી નીંગળતી હાલતમાં રહેલું સ્ત્રીભ્રુણ અને પંખા ઉપર લટકતી શાંતાની લાશ તરવરવા લાગી.

અને..... પાવન ગુનાહિત ભાવે પવિત્રાને એના સુખના સરનામે જતાં જોઈ રહ્યો.

******************************** અસ્તુ **************************************