Raah books and stories free download online pdf in Gujarati

રાહ

યશ્વી ભુતકાળમાં સરી પડી.પહેલાં કયારેય જૈમિને ઉંચા અવાજે વાત કરી હોય એવું યાદ નથી.હમણા હમણાંનું ખબર નહિ શું કારણ છે પણ જૈમીનનું વર્તન બદલાયેલું છે. વાતે વાતે જૈમીન ગુસ્સો કરે છે,પહેલાં જે રીતે એના અવાજમાં કુમાશ હતી એ તો ક્યાંય રહી જ નથી.હવે જૈમીનને યશ્વીની દરેક વાતમાં વાંક દેખાય છે.જો ને અત્યારે જ નાની અમથી વાતમાં કેટલો ચિડાઈ ગયો ?

યશ્વીની વાત પણ સાચી હતી ,”કેમ તું મેસેજના જવાબ નથી આપતો ?” બસ,યશ્વીનો પ્રશ્ન તો આટલો જ હતો.એમાં તો ,”તને એક વાર કીધું કે પછી ફોન કરું છુ,એ પછી હું શું કરતો હતો એ તારે જોવાનું નથી”.જૈમીનનો રુક્ષ જવાબ યશ્વીને હૈયે વાગ્યો હતો.અને આ પહેલી વાર નહોતું.હમણાનું તો આ રોજનું થઇ ગયું હતું.

જૈમીન બદલાઈ ગયો હતો.થોડો અહંકારી થયો હતો પણ આ બદલાવ જૈમીન પોતે જોઈ કે અનુભવી શકતો નહતો કે કદાચ એને નહોતું અનુભવવું ?કારણ આમ તો જૈમીન બહુ જ સમજદાર હતો .પોતાના કામ પ્રત્યે પૂર્ણ પણે સમર્પિત હતો.અને યશ્વીને જૈમીનનું આ પાસું ગમતું પણ ખરું.પણ યશ્વી સતત નોંધતિ કે આ બધાની વચમાં જૈમીન એને સતત અવગણતો હતો.એ સતત યશ્વીનું અપમાન કરતો અને સતત ઉપેક્ષા.એનું કારણ યશ્વી સમજી ના શકતી હતી.

યશ્વી પોતે પણ સુંદર હતી.હોશિયાર હતી.એના ક્ષેત્રે એ પણ સારુ સ્થાન ધરાવતી હતી.એટલે જૈમીનની ઉપેક્ષાનુ કારણ આ ત્રણ માંથી તો નહિ જ હોય એ એમ વિચારતી રહેતી.

પણ,એને જૈમિનના વર્તન સામે વાંધો તો ચોક્કસ હતો જ.કારણ એ વિચારતી કે જો લગ્નેત્તર સંબંધમા પણ આ જ બધું બનવાનું હોય તો આ સંબંધનો અર્થ શું છે ?આ તો પતિ-પત્ની જેવું જ થયું.

બધાં વિચાર પછી યશ્વી પાછી મન વાળી લેતી કે એ જૈમીનને પ્રેમ કરે છે ,અને કદાચ જૈમીન પણ એને ચાહે તો છે .અને એટલે જ બુદ્ધિ ગમે તેટલા કારણ આપ્યા કરે પણ કાયમ યશ્વીનો જૈમીન માટેનો પ્રેમ જ આગળ રહેતો.

યશ્વીને એક દિવસનો એ સંવાદ યાદ આવી ગયો ,”તારા મેસેજ મને તારી સાથે સતત જોડેલી રાખે છે યાર.તું કેમ નથી સમજતો ?એક રીપ્લાય તો કરી જ શકેને ?”

“સમય હોય તો રીપ્લાય થાય બાકી ના પણ થાય . હું નવરો નથી, તારા બધા મેસેજના નાં જવાબ નહિ આપું, સમજી.અને ફોન તો તારે કરવા જ નહિ.હું જ ફ્રી થઈશ ત્યારે કરીશ.” જૈમિને ચીડમાં જવાબ આપ્યો.

‘યાર, આ તે કેવો પ્રેમ,હું ના ફોન કરું, ના મેસેજ . તો તારો કોન્ટેક્ટ ક્યાં કરવો’ તારા sms તું મને યાદ કરે છે એવો એક અહેસાસ છે યાર, તું આખા ગામને sms કરે છે તો મને ન કરી શકે ? યશ્વીએ જરા આર્દ્ર સ્વરે પુછ્યું.

“ના”, ગામની વાત જુદી છે, તારા sms મારે ફોનમાંથી ડીલીટ કરવા પડે છે એનું મને ટેન્શન રહે છે,? જૈમિને કહયું.

“જૈમીન ,પહેલા તું મને દિવસના સો મેસેજ અને દશ ફોન કરતો.ત્યારે તને કોઈ પ્રોબ્લેમ નહોતા ?યાદ છે તું એમ કહેતો કે તારે ગમે ત્યારે મેસેજ કે ફોન કરવાના યશ્વી.મારી યશ્વી તો મારી જાન છે જાન.એને માટે બધી જ છુટ.

અને તકલીફ તને એક ને જ થોડી થાય છે ?મારે પણ ઘર છે ,વર છે ,છોકરા છે .હું પણ તારી જેમ જ આ બધાની વચ્ચે જ આપણા રીલેશન મેનેજ કરું છું .તું ઈચ્છે તો બધુ કરી જ શકે “.

‘તારે જે માનવું હોય એ માન,મારી પાસે તારી વાતો ના જવાબ આપવા સમય નથી.” જૈમિને ગુસ્સો કર્યો.

‘ઓકે ઓકે, તું ખીજાઈ ન જા’, તું ફરી થાય એની રાહ જોઇશ બસ’ યશ્વીએ પ્રેમથી કહયું હતું..

યશ્વી આ યાદ આવતા જ વિચારે ચડી કે આ એ જ જૈમીન હતો કે જેને પહેલા જરાય મારા વિના ચાલતું નહી, કેટલાં sms, ફોન, લાંબી વાતો, ચેટીંગ... હમણાનું ઘણા વખતથી એનું વર્તન બદલાયું છે, ખબર નહિ શું થયું છે?

શરૂઆતનો જૈમીન અને અત્યારનો જૈમીન !બહુ ફરક હતો આ બન્ને વચ્ચે.યશ્વી ઘણીવાર કહેતી પણ ખરી જૈમીનને.જુના દિવસો યાદ આપતી પણ જૈમીન પાસે દરેક વખતે એક દલીલ તૈયાર જ રહેતી.યશ્વી જાણવા છત્તા ચુપ થઇ જતી .એ જાણત્તી હતી કે જૈમીન સામે દલીલ એટલે જૈમીનનો વિરહ.જે યશ્વીથી જીરવાતો નહતો અને જૈમીન આ વાતથી પરિચિત પણ હતો.એટલે જ એ મનમાની કરી લેતો.

યશ્વી ક્યારેક શંકા કરતી,ક્યારેક જગાડો તો ક્યારેક શાંતિથી મુદા જોઈ જૈમીનને સમજાવવાનો પ્રયત્ન પણ.યશ્વી ત્યાં સુધી કહેતી કે જૈમીન ,તારે આ સંબંધનો અંત લાવવો હોય તો પાના પ્રેમથી જુદા થઈએ.કડવાશથી નહિ.”પણ ,જૈમીન પાછો એવું તો નહતો જ ઈચ્છતો.એને પણ યશ્વીથી જુદા તો નહતું જ થવું.

વળી મન વાળી યશ્વી કામે ચડી. એ જાણતી જ હતી કે હવે જૈમીન પહેલા જેવો રહયો નથી. છતાં એ એને ખરા દીલથી ચાહતી હતી એટલે જ એને એના ગુણ અને દોષ સાથે જેવો છે તેવો જ સ્વીકાર્યો.

યશ્વી એની અને જૈમીનની જવાબદારી અને મર્યાદાથી વાકેફ હતી અને એટલે નમતું જોખી દેતી.પણ હવે રોજ રોજની જૈમીનાની ઉપેક્ષા એને અંદરથી તોડવા લાગી હતી.એ પોતે પણ હવે પોતાનાથી જ ડરવા લાગી હતી કે ક્યાંક એ જ આ સંબંધો પર પૂર્ણવિરામ ના મૂકી દે.રોજ મેસેજની ,ફોનની અને મુલાકાતની મંગાવી પડતી ભીખ હવે એને બહુ જ પીડતી હતી.જૈમીન પોતાની દુનિયામાં મશગુલ થઇ ગયો હતો.એ હવે તો સામેથી યશ્વીને બહુ ઓછુ યાદ કરતો હતો.યશ્વીએ જ રોજ પોતાના હોવાપણાનો અહેસાસ જૈમીનને કરાવવો પડતો હતો. હવે એણે નક્કી કર્યું પોતાના પ્રેમીની ચુપચાપ રાહ જોવાનું. આમ પણ કામ ઘણું અને એની તબિયતનાં પણ ઠેકાણાં ન હતાં. એક-બે વાર એણે બધુ જૈમીનને કહેવાની કોશિશ કરી હતી પણ ,અફસોસ !દર વખતની જેમ જ જૈમિને વાતો કરી ફોન મૂકી દીધો હતો.બન્ને વચ્ચે મુલાકાતો તો લગભગ નહીવત થઇ ગઈ હતી.યશ્વી હવે વિચારવા લાગી હતી કે એક પક્ષીય કોઈ સંબંધ ટકતા નથી.કેટલુક ભાગવાનું જૈમીનની પાછળ ?એને જૈમીનાનો ધોધમાર પ્રેમ જોઈતો હતો .દયા કે સહાનુભુતિ નહિ.એ જ કારણ હતું કે યશ્વીએ જૈમીનને સ્પેસ આપવાનું નક્કી કરી લીધું.અને પોતાનું મન એને ઘર અને કામમા પરોવી દીધું.

“રાહ”હવે એનું જીવન થઇ ગઈ હતી.

એ રોજ મોબાઈલ જોતી,’ ઈનબોક્સ જોતી, મેઈલ જોતી’ ક્યાંક પોતાના પ્રેમીનો મેસેજ ...? રોજ નિરાશ થતી...!ક્યારેક હૈયું હાથ ના રહે ત્યારે એ જૈમીનની ઓફીસ સામે બસ સ્ટેન્ડ પર જઈ ગોઠવાઈ જતી.દરવાજાની બહાર જૈમીનની ગાડી નીકળતી,સતત ફોન પર વ્યસ્ત જૈમીન કયારેય ના જોઈ શક્યો કે યશ્વી એને જોવા માત્ર સામે બસ સ્ટેન્ડ પર બેસતી હોય છે. યશ્વી એક આંખમાં આંસુ અને એક આંખમાં સંતોષ લઇ ચાલી જતી.

ઘણાં લાંબા સમય પછી એક દિવસ અચાનક જ સેટ કરેલો જૈમીનાનો મેસેજ ટોન રણક્યો.

સામે રીપ્લાય ન ગયો એટલે ફોન પણ આવ્યો, યશ્વીના પતિએ ફોન ઉપાડયો “હેલો...”સામે છેડે ફોન કટ થઇ ગયો. યશ્વીની રાહ પુરી થઇ હતી પણ આ મેસેજ આ ફોન કોલ્સ.... આ બધાનાં જવાબ હવે એણે કયાં આપવાના હતાં?

એતો આંખોમાં ભવોભવની રાહનું પોટલું ઉપાડી ચાલી નીકળેલી એક અનંત સફરે....!!!

ગોપાલી બુચ

Date: 30-5-2016